Maun Dhyan Sadhana Shibir 14 – Samvedana 1

11 Views
12 Min Read

Subject : દેશો તો તુમ હી ભલો…

પ્રભુ! સમ્યગ્દર્શનથી મોક્ષ સુધીની યાત્રાના તમામ પડાવો તમારે જ અમને પાર કરાવવાના છે!

એકમાત્ર તમારા ચરણોમાં અમે અમારા જીવનને સમર્પિત કરી દઈએ; પછી અમારે કંઈ કરવાનું છે જ નહીં!

અને જો કદાચ અમારું સમર્પણ ઓછું પડતું હોય, તો એ પણ તમારે જ અમને આપવાનું છે!

મૌન ધ્યાન સાધના શિબિર ૧૪ – તલેગાંવ સંવેદના

કમઠે ધરણેન્દ્રે ચ, સ્વોચિતં કર્મ કુર્વતિ,
પ્રભુસ્તુલ્યમનોવૃત્તિ:, પાર્શ્વનાથ શ્રિયે સ્તુવઃ
કૃતાપરાધેsપિ જને, કૃપામંથરતારયો:
ઇષદ્દબાષ્પાર્દ્રયોર્ભદ્રં, શ્રી વીર જિનનેત્રયો:

પ્રભુ અમારું કેવું આ સદ્ભાગ્ય કે તમારા ચરણોમાં અમે આવીને બેઠા. એક તમે મળ્યા, પછી બધું જ તમારે કરવાનું છે. We have not to do anything absolutely. અમારે કશું જ કરવાનું નથી. સાધનાનો એક – એક પડાવ પ્રભુ તમારે જ આપવાનો છે. સમ્યગ્દર્શનથી લગાવીને મોક્ષ સુધીની યાત્રાના તમામ પડાવો પ્રભુ તમે જ અમને આપી રહ્યા છો. તમારા ચરણોમાં હમણાં જ સ્તવના ગાઈ.

મહામહોપાધ્યાય યશોવિજય મહારાજની એ રચના હતી. એમણે વ્યવહાર અને નિશ્ચયના પારદૃશ્વા એ સદ્ગુરુએ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પ્રભુ સાધનાનો એક – એક પડાવ તું જ અમને આપે છે. સમ્યગ્દર્શનથી એમણે શરૂઆત કરી. કેટલા સરળ કેટલા પ્યારા શબ્દો છે. “નિત્યાનિત્યકા ભેદ બતાકર, મિથ્યાદ્રષ્ટિ હરાઈ, સમ્યગ્જ્ઞાન કી દિવ્ય પ્રભા કો, અંતર મેં પ્રગટાઈ” – પ્રભુ નિત્ય અને અનિત્યનો ભેદ તમે અમને બતાવ્યો. આ જડ, આ ચેતન એમ આ ભેદ બતાવીને જડની અંદર,  શરીરની અંદર હું પણાની અમારી જે બુદ્ધિ હતી. એને પ્રભુ તમે દૂર કરી. તમે જ્ઞાન આપ્યું અમારા અંધાર ઘેરા હૃદયમાં, તમારું જ્ઞાન પ્રકાશ રૂપે આવ્યું અને સમ્યગ્દર્શનનો પ્રકાશ અમને મળ્યો. અત્યાર સુધી અમે એક જ ભ્રમણામાં જીવ્યા કે હું એટલે શરીર.

પ્રભુ તમે અમને કહ્યું કે બેટા! શરીર તો જડ છે. તું ચૈતન્ય છે. ચૈતન્ય ક્યારે પણ જડ બની શકે નહિ. પ્રભુ આ જ્ઞાન તમે આપ્યું. અને સમ્યગ્દર્શન આપના દ્વારા અમને મળ્યું. અથવા મળશે. અમને એ પછી સર્વવિરતિ ધર્મની દીક્ષા કોણ આપશે… એ પણ તમે જ આપશો. બહુ જ પ્યારી કડી આવી… – “ત્યાગ વૈરાગ્ય સંયમ કે યોગ સે નિઃસ્પૃહ ભાવ જગાઈ. સર્વસંગ પરિત્યાગ કરાકર અલખ ધૂન મચાઈ” – ત્યાગ અને વૈરાગ્ય પ્રભુ તમે અમને આપ્યો. અમે તો નિતાંત ભોગની દુનિયામાં ચકચૂર થયેલા વ્યક્તિત્વો હતા.

પ્રભુ તમે અમને ત્યાગ અને વૈરાગ્યનો માર્ગ બતાવ્યો. એક નિઃસ્પૃહતાનો ભાવ અમારી ભીતર પ્રભુ તમે જ જગાવ્યો. એવી નિઃસ્પૃહતા પ્રભુ તમે અમને આપી. જેની વાત ભગવાન હરિભદ્રાચાર્ય એ ચોથા પંચસૂત્રમાં કહી… “સમલેટ્ઠું મણિ કંચણે” પ્રભુ તે નિઃસ્પૃહતા આપી. હવે સોનું હોય કે પત્થર હોય, કોઈ ફરક અમારી દ્રષ્ટિમાં નહિ આવે. બે જ ખાના રહ્યા. એક જડનું ખાનું એક ચેતનનું ખાનું… જડના ખાનામાં અમારે જવાનું જ નથી.

અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ અમારું થયું એનું કારણ પ્રભુ એક જ છે… અમારો ઉપયોગ માત્ર પરમાં રહે. પ્રભુ આજે ખ્યાલ આવે છે કે પરમાં ઉપયોગ અમારો રહે એ અમે કરેલી તમારી આશાતના છે. તમારી ભયંકરમાં ભયંકર આશાતના અમારા દ્વારા કોઈ પણ થતી હોય તો એ એક જ છે. કે અમે અમારા જે ઉપયોગને નિર્મલ ચૈતન્યમાં રાખવાનો હતો. એને જડમાં, એને પરમાં રાખીને બેઠા છીએ.

તું પ્રભુ એવો નિઃસ્પૃહ ભાવ આપે છે કે જડમાંથી, પરમાંથી અમારો ઉપયોગ હટી  જાય છે, અને અમારા ચૈતન્યમાં અમારો ઉપયોગ સ્થાપિત થાય છે. પ્રભુ તમારી નિશ્ચય સાધના એક જ વાક્યમાં તમે તો કહેલી છે. બેટા! તારા ઉપયોગને પરમાંથી કાઢી સ્વમાં મૂકી દે. તો પ્રભુ તમે નિઃસ્પૃહતા જગાવી. તમે સર્વ સંગોનો ત્યાગ કરાવરાવ્યો. પ્રભુ ક્યારે પણ અમે નહિ કહીએ કે મેં બધા પદાર્થોને છોડ્યા અને મેં ભાગવતી દીક્ષા લીધી.

નહિ પ્રભુ, ઉપાધ્યાયજી ભગવંત સ્પષ્ટ કહે છે – “સર્વસંગ પરિત્યાગ કરાકર” એવી મોટી વિભૂતિ જ્યારે એમ કહે છે કે પ્રભુ મેં સર્વસંગનો પરિત્યાગ નથી કર્યો. મારી તાકાત નહોતી. મારી હેસિયત નહોતી. અનંતકાળથી ઉપયોગને પરમાં જ મૂકતો આવેલો હું મારા ઉપયોગને ત્યાંથી હટાવી સ્વમાં કઈ રીતે મૂકવું? તે કૃપા કરી. સર્વસંગમાંથી મારા ઉપયોગને તે હટાવી દીધો. તો પ્રભુ દીક્ષા પણ તે અમને આપી.

એ પછી અમે ક્ષપકશ્રેણીમાં ચડીશું. પણ ના પ્રભુ, ક્ષપકશ્રેણીમાં જવું એ અમારી હેસિયતની વાત નથી. તું જ અમને ક્ષપકશ્રેણીમાં લઇ જવાનો… બહુ જ પ્યારા શબ્દો સ્તવનના આવ્યા… “અપૂર્વકરણ ગુણસ્થાનક સુખકર શ્રેણી ક્ષપક મંડવાઈ, વેદ તીનોંકા છેદ કરાકર, ક્ષીણ મોહી બનવાઈ, જીવન મુક્તિ દિલાઈ” બીજું અપૂર્વકરણ એ પણ આપે અમને આપ્યું અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું – શ્રેણી ક્ષપક મંડવાઈ. હું ક્ષપકશ્રેણીને નહિ માંડી શકું. શ્રેણી ક્ષપક મંડવાઈ. તું ક્ષપક શ્રેણી મંડાવીશ. વેદ તીનોંકા છેદ કરાકર – ત્રણ વેદોનો છેદ હું નહિ કરું… તું કરાવીશ…. ક્ષીણ મોહી બનવાઈ. ૧૨મેં ગુણઠાણે તું મને લઇ જઈશ. ક્ષીણ મોહી વીતરાગ તું મને બનાવીશ. પ્રભુ હું નહિ બની શકું.

અને એ વી તરાગદશાની અંદર જીવન મુક્ત દશાને પણ તું મને આપીશ. જીવન મુક્ત દશા. ૧૩મે ગુણઠાણે કેવલી ભગવંતો વિચરી રહ્યા છે. એ પણ જીવન મુક્ત. અને ૧૨મે ગુણઠાણે વીતરાગદશામાં રહેલા ભગવંતો પણ જીવનમુક્ત છે. શરીર છે પણ રાગ ગયો છે, એટલે જીવન મુક્ત થઇ ગયા… હવે મોક્ષ હાથવેંતમાં છે. તો પ્રભુ આ બધું જ કામ તું કરાવે છે. પ્રભુ અમે તો ન્યાલ નથી થઇ ગયા! એકમાત્ર તારા ચરણોમાં અમે અમારા જીવનને સમર્પિત કરી દઈએ. અમારે કાંઈ જ કરવાનું રહે નહિ.

એક – એક પડાવમાં તું અમને લઈને જાય. પ્રભુ તું કહીશ કે બેટા! તારું સમર્પણ ઓછું પડે છે… અને એથી હું તને આ બધું આપી શકતો નથી. તો પ્રભુ આટલું બધું તમે આપવાના છો. તો સમર્પણ તમે અમને આપી દો. અમે બીજે ક્યાંય જવાના નથી. એક નિર્ધાર અમારી પાસે છે “દેશો તો તુમહી ભલો, બીજો તો નવિ જાચું રે” પ્રભુ આપીશ તો તારી પાસેથી લઈશ. બાકી બીજાની પાસે હાથ ક્યારેય પણ લાંબો હું કરવાનો નથી. તારા જેવો નાથ મળ્યો હું બીજે ક્યાં જાવું. તો પ્રભુ સમર્પણ પણ તું મને આપી દે. છેલ્લે મોક્ષ પ્રભુ આપે છે. એની વાત છેલ્લી કડીમાં કહે છે – “ભક્ત વત્સલ પ્રભુ કરુણાસાગર, ચરણ શરણ સુખદાયી, જશ કહે ધ્યાન પ્રભુ કા ધ્યાવત, અજર અમર પદ પાઈ, દ્વન્દ્વ સકલ મીટ જાઈ.” પ્રભુ તમે ભક્ત વત્સલ છો. આ તમારું વિશેષણ અમને બહુ ગમે છે. અમારા માટે તો તમે પ્રિય નહિ… પ્રિયતર પણ નહિ… પ્રિયતમ છો. પણ તમે પણ અમને ચાહો છો. આ કેટલી મોટી વાત છે. ભક્ત વત્સલ ભક્તોને તમે ચાહો છો. પ્રભુ તમે જો અમને ચાહો છો તો તમારી એ ચાહતથી તમારા એ પ્રેમથી સમર્પણ પણ અમને મળી જશે. અને એ પછી સમ્યગ્દર્શનથી લઈને બધા જ પડાવો તમે અમને આપી દેશો.

ભક્ત વત્સલ પ્રભુ કરુણાસાગર, ચરણ શરણ સુખદાયી. એ પ્રભુના ચરણોના શરણે હું ગયો… બસ આનંદ જ આનંદ. એ પછી પ્રભુનું ધ્યાન કર્યું અને કે ધ્યાન પ્રભુએ કરાવરાવ્યું. અને એ ધ્યાન દ્વારા મોક્ષ પણ પ્રભુ મને આપશે. તો અત્યારે આપણે પ્રભુના ધ્યાનમાં જવું છે.

પ્રભુનું ધ્યાન કહીએ કે પોતાના ચૈતન્યનું ધ્યાન કહીએ… વાત એક જ છે. ભક્ત તરીકે આપણે પ્રભુની નિર્મળ ચેતનાનું ધ્યાન કરીએ છીએ. આપણી અંદર સત્તા રૂપે એ જ નિર્મળ ચેતના છે. તો સાધક રૂપે આપણે કહીશું કે હું મારા નિર્મળ સ્વરૂપનું ધ્યાન કરું છું તો પ્રભુના ચરણોમાં બેઠા છીએ. પ્રભુની જ કૃપાથી ધ્યાન કરવું છે અને સમ્યગ્દર્શન થી લઈને મોક્ષ સુધીના બધા જ પડાવો પ્રભુની કૃપાથી પ્રાપ્ત કરવા છે.

શરીર ટટ્ટાર… આંખો બંધ… ધીરે ધીરે શ્વાસ લો… પૂરો શ્વાસ લો. ઊંડો શ્વાસ… ફેફસાં પૂરા ભરાઈ જાય. પૂરો શ્વાસ છોડી દો. બે મિનિટ માત્ર દ્રવ્ય પ્રાણાયામ. શ્વાસ પૂરેપૂરો લો. અને હોંશ પૂર્વક લો. અત્યારે સામાન્યતયા વિચારો એટલા બધા ચાલતા હોય છે કે શ્વાસ તમે લઈ રહ્યા છો કે છોડી રહ્યા છો એ તમારા ખ્યાલમાં નથી હોતું. અત્યારે એક – એક શ્વાસ લેવાય છે અને એક – એક શ્વાસ છોડાય છે. એનો ખ્યાલ તમને હોવો જોઈએ. ન વિચાર, ન નિદ્રા… કેવલ જાગૃતિ.

પ્રભુના ચરણોમાં પરમ શાંત વાતાવરણમાં, ચિત્ત પણ શાંત જલ્દી થઇ જશે. હવે ભાવ પ્રાણાયામ. પ્રભુની મૂર્તિમાંથી સમભાવના જે આંદોલનો પ્રતિક્ષણે ઝરી રહ્યા છે… એ પુરા જિનાલય પરિસરમાં છે. શ્વાસ લઈએ ત્યારે સમભાવના આંદોલનો ભીતર જવા જોઈએ. એક માત્ર suggestion… તમારે કાંઈ કરવાનું નથી. Automatically શ્વાસ લેશો અને સમભાવના આંદોલનો ભીતર જશે. શ્વાસ છોડશો અને અંદર રહેલ ક્રોધના આંદોલનો વિસર્જિત થશે.

ધ્યાન માત્ર શ્વાસ ઉપર રાખો. તમે suggestion આપ્યું છે એટલે સમભાવના આંદોલનો અંદર જશે. અને ક્રોધના આંદોલનો બહાર આવશે. માત્ર ૨ – ૩ મિનિટ… જો વિચારો નથી અને સમભાવના આંદોલનો અંદર જઈ રહ્યા છે તો ૨ મિનિટમાં જ તમને એક અનુભવ થશે. કે નવી energy તમને મળી. પૂરો હોંશ, પૂરી જાગૃતિ. શરીર ટટ્ટાર… આંખો બંધ… વિચારો પણ બંધ… ઊંઘ ન આવે એનો ખ્યાલ રાખો. પહેલું ચરણ ભાવ પ્રાણાયામ.

બીજું ચરણ ભાષ્યજાપ – “તિત્થયરા મે પસીયંતુ”

ત્રીજું ચરણ – માનસ જાપ. આ જ પદનો મનમાં જાપ કરવાનો છે. “તિત્થયરા મે પસીયંતુ” એકદમ એકાગ્રતા… મન માત્ર એક પદમાં સ્થિર થઇ જવું જોઈએ. મનને બીજે ક્યાંય જવા દેવાનું નથી. કોઈ પણ વિચાર આવી ગયો, તો બે શ્વાસ ઊંડા લઇ ઝડપથી છોડી દો. વિચારો વિખેરાઈ જશે. જેટલી જાગૃતિ વધુ એટલો જ આ અભ્યાસ સઘન બનશે. “તિત્થયરા મે પસીયંતુ” એ પદમાં તમે ડૂબી ગયા છો. પૂરી રીતે ડૂબી જવાનું છે. તમારું મન, તમારો ઉપયોગ, પૂરેપૂરો પ્રભુમાં હોવો જોઈએ. “તિત્થયરા મે પસીયંતુ” એક મિનિટ સઘન માનસ જાપ. પૂરી જાગૃતિ…

ચોથું ચરણ – ધ્યાનાભ્યાસ. હવે પદને છોડી દો. તમારું મન એકાગ્ર બનેલું છે. એનો ઉપયોગ એ કરવો છે કે આપણી ભીતર જે આનંદ છે એનો અનુભવ કરી શકાય. તમે બધા આનંદઘન છો. વિચારોમાં જઈને તમે ઘટનાઓમાં જાઓ છો. અને ઘટનાઓમાં જઈને રતિ – અરતિ કરો છો. વિચારો જ ન હોય, ઘટનાઓમાં જવાનું જ ન હોય. તો તમે તમારામાં રહી શકો. અને તમે તમારો અનુભવ કરી શકો …. અત્યારે કોશિષ એ કરવી છે કે મન એકદમ શાંત છે. હવે શાંત થયેલું મન પોતાનો અનુભવ કરે છે. એક સમભાવનું ઝરણું તમારી ભીતર વહી રહ્યું છે. આનંદનું ઝરણું તમારી ભીતર વહી રહ્યું છે. એ આનંદનો અનુભવ કરો. કંઈક શાંતિ જેવું લાગે. કંઈક સરસ – સરસ લાગે. એક પણ વિચાર નહિ. તમે શાંત છો, પ્રશાંત છો… આનંદઘન છો. તમારા એ આનંદનો અનુભવ કરો.

યોગી પુરુષો ૨૪ કલાક જે આનંદનો અનુભવ કરે છે એ પોતાનો જ આનંદ હોય છે. તમારી ભીતર પણ એવો જ આનંદ છે. એનો અનુભવ કરો. એકદમ જાગૃતિ… વિચાર બિલકુલ નહિ… વિચાર આવ્યો ને તમે બહાર ગયા. માત્ર ૨ મિનિટ ડૂબી જાવ અંદર… એકદમ હોંશ… જાગૃતિ. કોઈ આયાસ નહિ કરતા… કે આનંદને મારે અનુભવવો છે. ધ્યાન અનાયાસની પ્રક્રિયા છે. કોઈ પ્રયત્ન નથી. આનંદ તમારી ભીતર છે. તમે વિચારોથી થોડી સેકંડો પણ બિલકુલ મુક્ત થશો… તો અલપ – ઝલપ પણ એ અનુભવ તમને થશે. છેલ્લી એક મિનિટ….

આંખો ખોલી શકો છો. “તિત્થયરા મે પસીયંતુ”

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *