Subject : અરિહંત પદ પ્રભુતાનો ભોગી!
પ્રભુ! અતીતની યાત્રામાં તારા બાહ્ય ઐશ્વર્યને ખૂબ માણ્યું. પરંતુ, એ બાહ્ય ઐશ્વર્ય વચ્ચે રહેલી તારી પરમ ઉદાસીનદશાને જોવાનું અમે ચૂકી ગયાં.
તું ઉદાસીનદશાના પરમ આનંદમાં… અને તારાં બાળકો રાગ-દ્વેષ, ગમા-અણગમા, રતિ-અરતિ ની પીડામાં… તારાથી આ સહન કેવી રીતે થાય!
આજે કૃપા કરીને તારા એ પરમ ઉદાસીનભાવનું દર્શન એવી રીતે કરાવ, કે એ પરમ ઉદાસીનભાવ અમને ગમી જાય અને તારા તરફથી આજે જ એ પરમ ઉદાસીનભાવ અમને મળી પણ જાય!
મૌન ધ્યાન સાધના શિબિર ૧૪ – તલેગાંવ સંવેદના – ૨
પ્રભુ આજે તારા આંતર ઐશ્વર્યનું દર્શન તું કરાવ. તારા બાહ્ય ઐશ્વર્યનું દર્શન ઘણીવાર તે કરાવરાવ્યું. આજે તારા આંતર ઐશ્વર્યનું દર્શન. જો કે પ્રભુ તારું બધું જ મધુર છે. સંસ્કૃતમાં એક મજાનું ભક્તિ સૂત્ર છે જેનું ધ્રુવ પદ છે “મધુરાધિપતેરખિલં મધુરમ્” માધુર્યના અધિપતિ પરમાત્મા એનું બધું જ મધુરું મધુરું રહેવાનું. તારું બાહ્ય ઐશ્વર્ય પણ મધુર આંતર ઐશ્વર્ય પણ મધુર.
અતિતની યાત્રામાં સમવસરણમાં ઘણીવાર પ્રભુ આવ્યા અને એ વખતે તારા બાહ્ય ઐશ્વર્યનું દર્શન થયું. ભક્તિયોગાચાર્ય કાંતિવિજય મહારાજ એ બાહ્ય ઐશ્વર્યની મજાની વાતો કરે છે. ‘ત્રિગડે રત્ન સિંહાસન બેસી ચિહું દિશી ચામર ઢળાવે અરિહંત પદ પ્રભુતાનો ભોગી, તો પણ યોગી કહાવે.’ પ્રભુ આપ સમવસરણ ઉપર બિરાજમાન થયેલા હોવ, ૬૪ ઇન્દ્રો આપના ચરણોમાં ઝૂકી રહ્યા હોય, ૧૨ પર્ષદા આપને સાંભળવા માટે, પીવા માટે, આતુર બનેલી હોય, ચામરો ઢળાતા હોય, દિવ્ય દુંદુભિ વાગતી હોય, આ તારું બાહ્ય ઐશ્વર્ય ઘણીવાર જોયું…
પણ પ્રભુ એ ક્ષણોમાં તારા આંતર ઐશ્વર્યને જોવાનું હું ચૂકી ગયો હોઈશ. આજે મારે માત્ર તારા આંતર ઐશ્વર્યનું દર્શન કરવું છે. તારા મુખ ઉપર જે પરમ ઉદાસીન દશા ઝલકી રહી છે એનું આજે મારે દર્શન કરવું છે. એવી ઉદાસીનદશા… જે બધા જ બાહ્ય ઐશ્વર્યોથી તમને દૂર દૂર પ્રતિષ્ઠિત કરી દે. પ્રભુ સમવસરણ આવ્યો, ૧૨ પર્ષદાને જોઈ, ઇન્દ્રોને જોયા, અપ્સરાઓના નૃત્ય ને જોયું, પણ એ ક્ષણોમાં મારે જે જોવાનું હતું… એને હું ચુકી ગયો.
પ્રભુ આજે કૃપા કર, તારા પરમ ઉદાસીનભાવનું આજે દર્શન કરાવ. એ ઉદાસીન દશા તારી પાસે છે. કે સેંકડો ભક્તો, હજારો ભક્તો તારી સામે હોય, અથવા એક પણ ભક્ત તારી સામે ન હોય… તારા માટે બંને પરિસ્થિતિઓ એક સરખી છે. બાહ્ય કોઈ પણ પરિસ્થિતિ, બાહ્ય કોઈ પણ ઘટના તારા પરમ ઉદાસીન ભાવને ઓળંગીને તારી ભીતર જઈ શકતી નથી. પ્રભુ અમે ક્ષણે ક્ષણે ઘટનાઓથી પ્રભાવિત બનીએ છીએ… અને આ અમારી ઘટના પ્રભાવિતતા અમને રતિ અને અરતિના વર્તુળની અંદર સદાને માટે રાખે છે.
આજે પ્રભુ તારા પરમ ઉદાસીન ભાવનું દર્શન એવી રીતે કરાવ… કે એ પરમ ઉદાસીન ભાવ મને ગમી જાય, અને તારા તરફથી આજે જ એ પરમ ઉદાસીનભાવ અમને મળી જાય. પ્રભુ તારા મુનિવરોને જોઉં, તારી સાધ્વીજીઓને જોઉં ત્યારે પણ એક ઈર્ષ્યાની ટીસ ભીતર ઉપડે છે, કે અમારી વચ્ચે રહેવા છતાં એ અમારાથી કેટલા બધા દૂર છે. અમે એમની શાતા પૂછીએ… કે કદાચ શાતા ન પણ પૂછીએ…કોઈ ઘટનાની તારા મુનિવરો ઉપર, તારી સાધ્વીજીઓ ઉપર અસર થતી નથી. પ્રભુ ઉદાસીન ભાવ તેં તારા મુનિવરોને આપ્યો, તારી સાધ્વીજીઓને આપ્યો… અમને એનાથી વંચિત કેમ રાખે છે? પ્રભુ! આજે તો એક પ્રાર્થના છે… તારો એ પરમ ઉદાસીનભાવ… પહેલાં તો અમને દેખાય.. પછી એ ગમે,,, અને એ પછી તારી પાસેથી એ ઉદાસીનભાવ અમને મળી જાય. અત્યારે પ્રભુ તારા મુખ ઉપર જોઈએ છે એ જ પરમ ઉદાસીનભાવ અત્યારે દેખાય છે. તું અમારા બધાથી દૂર દૂર છે અમે આટલા બધા અહીંયા તારી ભક્તિ કરવા માટે બેઠા છીએ, પણ તારા ચહેરા ઉપર એની નોંધ સુધ્ધા નથી. તું માત્ર તારામાં ડૂબેલો છે. બહાર શું થઇ રહ્યું છે એની અસર તારા ચહેરા ઉપર દેખાતી નથી. પ્રભુ તારી જ કૃપાથી એ ઉદાસીન ભાવ થોડો થોડો અત્યારે દેખાય છે. એવી કૃપા કરો કે એ ઉદાસીન ભાવ અમને ગમી જાય. પ્રભુ ઉદાસીન ભાવ અમને ગમ્યો નહિ, મળ્યો નહિ, અને એને કારણે રાગ અને દ્વેષના એક વર્તુળમાં અમે સંકળાયેલા છીએ. આ સારું આ ગમ્યું… આ ખરાબ આ ગમે નહિ. પદાર્થોમાં પણ અમે આ વિભાજન કર્યું. વ્યક્તિઓમાં પણ અમે આ વિભાજન કર્યું. અમુક લોકો સારા એ મને ગમે છે. અમુક લોકો ખરાબ છે. જે મારા અહંકારને પંપાળે છે એ સારા. મારા અહંકારને ખોતરે છે એ બધા જ ખરાબ.
પ્રભુ આ રાગ અને દ્વેષના વર્તુળમાં જઈને માત્ર અને માત્ર પીડા ને પ્રાપ્ત કરી છે. સતત એક પીડાની અંદર અનંત જન્મોથી અમે બધા જ વહેતા આવ્યા છીએ. પ્રભુ તું અમારી માઁ, તું પરમ આનંદમાં હોય, તારા બાળકો પરમ પીડામાં હોય એ તારાથી સહન થઇ શકે ખરું? આજની પણ કોઈ માઁ પોતે એ.સી. રૂમમાં રહે અને બાળકને તડકામાં સેકાવા દે એવું બનતું નથી. તું તો પરમ વાત્સલ્યમયી માઁ છે. તું મોક્ષમાં, તું પરમ ઉદાસીનભાવમાં અને અમે રાગ અને દ્વેષના ચક્કરમાં. પ્રભુ આજે એવી કૃપા કર, રાગ અને દ્વેષના વર્તુળમાંથી, ગમા અને અણગમાના ચક્કરમાંથી અમને બહાર કાઢ. તારી પરમ ઉદાસીનતાની એક નાનકડી આવૃત્તિ પણ અમને આપી દે. તારા મુનિવરોને, તારી સાધ્વીઓને પરમ ઉદાસીનદશાની જે નાનકડી આવૃત્તિ તે આપી છે એવી જ નાનકડી આવૃત્તિ આજે પ્રભુ અમને પણ આપી દે.
અમે બધા જ તારા ચરણોમાં સાધના મેળવવા માટે આવ્યા છીએ. તો પ્રભુ સૌથી પહેલા કૃપા કર અને ઉદાસીનદશાની એક ઝલક આજે અમને આપી દે. અહીંથી અમે જઈશું, નવકારશીનું પચ્ચક્ખાણ પાળીશું, નાસ્તાના ટેબલ પર હોઈશું, સારી આઈટમ હશે, યા મનને લોભાવતી આઈટમ હશે. એ વખતે પ્રભુ તારો ઉદાસીનભાવ અમારી સાથે રહે. એક – એક ક્ષણે તારો ઉદાસીનભાવ અમારી સાથે રહે.
પ્રભુ રાગ અને દ્વેષની પીડાથી થાકી ગયા છીએ. હવે તારો ઉદાસીનભાવ આપ. જો કે ખ્યાલ છે કે તું આપવા તૈયાર જ છે. તું એટલો બધો તૈયાર છે તારી ઈચ્છા તો એવી છે કે આ જ ક્ષણે જ ઉદાસીનભાવ અમને આપી દેવો. પણ પ્રભુ અમારી receptivity પ્રગટી નથી. પણ એક પ્રશ્ન કરું પ્રભુ! એ receptivity કોણ આપશે? એ પણ તમારે જ આપવાની છે તમે માઁ છો…જે પણ કરવાનું છે એ તમારે જ કરવાનું છે. તમારા ઉદાસીનભાવને પકડવાની સજ્જતા, receptivity મારી પાસે નથી તો એ સજ્જતા પણ તમે મને આપો. આ ક્ષણે પ્રભુ તમે જવાબ આપો છો કે સદ્ગુરુચેતનાને બેટા એટલા માટે જ મોકલી છે એ તારી સજ્જતાને ઉઘાડે… સદ્ગુરુ ચેતના મારા વતી જ કામ કરે છે… એવું તું કહે છે ને પ્રભુ… કંઈ વાંધો નહિ… તું સજ્જતા પ્રગટાવે, કે સદ્ગુરુ ચેતના સજ્જતા પ્રગટાવે. પણ હવે ધીરજ રહેતી નથી. જલ્દી જલ્દી સજ્જતા પ્રગટાવ. જલ્દી જલ્દી તારી ઉદાસીનતા હું જોઈ લઉં. તારી એ પરમ ઉદાસીનદશા મને ગમી જાય. અને એ ઉદાસીનદશા મને મળી જાય. એટલી જ પ્રાર્થના આજે તારા ચરણોમાં.
એ જ ઉદાસીનદશાની ધારામાં આપણે બધા જ જઈ શકીએ એના માટે એક receptivity પ્રાપ્ત કરવા માટે ધ્યાનાભ્યાસ પ્રભુના ચરણોમાં બેસીને કરીએ.
શરીર ટટ્ટાર… આંખો બંધ… ધીરે ધીરે શ્વાસ લો… ધીરે ધીરે શ્વાસ છોડો… આજે આપણે પ્રભુની પરમ ઉદાસીનદશાને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો છે. ભાવ પ્રાણાયામ પ્રભુની પરમ ઉદાસીનદશાના આંદોલનો પૂરા જિનાલયના પરિસરમાં ફેલાયેલા છે. શ્વાસ લઈએ છીએ ત્યારે એ ઉદાસીનદશાના આંદોલનો ને ભીતર લઇ જઈએ છીએ અને શ્વાસ છોડીએ છીએ ત્યારે રાગ અને દ્વેષના આંદોલનોને બહાર કાઢીએ છીએ. બે મિનિટ ભાવ પ્રાણાયામ.
એક – એક શ્વાસ લેવાય ઉદાસીનદશાના આંદોલનો ભીતર જાય, એક – એક શ્વાસ બહાર ફેંકાય રાગ અને દ્વેષના આંદોલનો બહાર નીકળે. ન વિચાર, ન નિદ્રા, કેવલ જાગૃતિ… આજની આ યાત્રામાં આપણે સારી રીતે વહી શકીએ એના માટે બીજા ચરણમાં ભાષ્યજાપ કરીશું કે પ્રભુ! તારી કૃપા અમારા ઉપર વરસો. એ કૃપા ઝીલાય અને અમે ઉદાસીનદશા ને પ્રાપ્ત કરવાની યાત્રામાં આગળ વધીએ. બીજું ચરણ ભાષ્ય જાપ – “તિત્થયરા મે પસીયંતુ”
ત્રીજા ચરણમાં માનસ જાપ આ જ પદનો મનમાં જાપ. એકાગ્રતાપૂર્વક… મનને એટલું શાંત, એકાગ્ર બનાવવું છે કે એ મનના પાત્રમાં આજે પ્રભુની ઉદાસીનદશાની એક નાનકડી આવૃત્તિ આવી જ જાય. પ્રભુ પાસે ઘણીવાર આવ્યા, આવી પ્રાર્થના પણ કરી પરંતુ મન આપણું અસ્થિર હતું. ત્રીજું ચરણ મનને એકદમ સ્થિર બનાવે છે. ઉપયોગ માત્ર એક પદમાં… પ્રભુની કૃપા સતત વરસી રહી હતી. પણ આપણું મન સ્થિર ન હોવાને કારણે આપણે એને ઝીલી શકતા નહોતા. અત્યારે મનના પાત્રને એકદમ સ્થિર બનાવવું છે. જેથી પ્રભુની કૃપાને આપણે ઝીલી શકીએ.
દોઢ મિનિટ માનસ જાપ, એકદમ એકાગ્રતા… ૩૦ સેકંડ એકદમ હોંશમાં.. શરીર ટટ્ટાર.. આંખો બંધ…
ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. પ્રભુના મુખ ઉપર જે ઉદાસીનદશા હમણાં જ આપણે જોઈ હતી… એવી જ ઉદાસીનદશા આપણી ભીતર છે. ન ગમો, ન અણગમો માત્ર ઉદાસીન દશા… ગમો અને અણગમો એ મનની પેદાશ છે. ઉદાસીનદશા એ તમારો ગુણ છે એ તમારો સ્વભાવ છે. તો સત્તા રૂપે, વાસ્તવિક રૂપે તમે ઉદાસીન છો જ. પણ તમારું મન વિચારોમાં જઈને પરપદાર્થો અને પરવ્યક્તિઓ સુધી જાય અને એમાં ગમો અને અણગમો કરી રાગ અને દ્વેષની પીડામાં જાય છે. અત્યારે મનને એક suggestion આપો કે હું ઉદાસીનદશામાં સ્થિર થયેલો છું. ઉદાસીન એટલે ઉદ્દ + આસીન ઉપર જે બેસે… ઘટનાની નદી વહ્યા કરે છે.. તમે ભેખડ ઉપર બેઠા છો. તમને એ નદીના પ્રવાહની કોઈ જ અસર થતી નથી. તો ઉદાસીનદશા તમારો સ્વભાવ છે. ગમો કે અણગમો એ તમારો સ્વભાવ છે જ નહિ. પ્રભુના મુનિઓમાં પણ આપણે આ જોઈ શકીએ છીએ કે એમને ક્યાંય ગમો નથી. ક્યાંય અણગમો નથી. હવે પદ નથી, કોઈ વિચાર નથી, અને વિચારની સરહદ પૂરી થાય ત્યાંથી જ અનુભૂતિની સરહદ શરૂ થાય. ઉદાસીનદશાનો અનુભવ થાય… ગમો એ તમારું સ્વરૂપ નથી. અણગમો એ પણ તમારું સ્વરૂપ નથી. માત્ર માધ્યસ્થ ભાવે રહેવું. શરીરને જરૂર હતી રોટલી દાળ ખાઈ લીધા. ન ગમો છે, ન અણગમો છે… એક suggestion મનને આપો હું ઉદાસીનદશામાં જ છું. ગમા અને અણગમામાં મારે જવાનું નથી. બે મિનિટ કોઈ જ વિચાર નહિ, કોઈ જાપ નહિ. માત્ર અનુભવ… પ્રભુએ કૃપા કરીને ઉદાસીનદશા મને આપી છે અને એ ઉદાસીનદશાનો અનુભવ હું કરી રહ્યો છું. અત્યારે તમારી જાગૃતિ એટલી જ કે મનમાં કોઈ વિચાર ન આવે. નિર્વિચાર દશાનો અભ્યાસ ચાલુ છે. વિચાર આવે તો એને ભગાડી દો. એક મિનિટ ઉપયોગ એકદમ સૂક્ષ્મ. જાગૃતિ પ્રબળ. કોઈ વિચાર નહિ. મનનું કાર્ય પૂરું થયું છે મન એકદમ શાંત બેઠું છે. અને ઉદાસીનદશાનો આંશિક અનુભવ થઇ રહ્યો છે. આ અનુભવ કઈ રીતે થાય એની વાત બીજા સેશનમાં સમજાવીશ. આંખો ખોલી શકો છો. “તિત્થયરા મે પસીયંતુ”