Subject : તું ગત મેરી જાને
( રચયિતા: ઉપા. અમૃતવિજયજી )
પ્રભુ! તું તો સર્વજ્ઞ અને સર્વસમર્થ. અનંત કાળથી તારા વિના હું જે પીડા ભોગવી રહ્યો છું, એનો તને ખ્યાલ છે જ. તો પણ તું મને આ પીડામાંથી ઊંચકીને તારા તરફ કેમ લઈ જતો નથી?
હું માત્ર સૈદ્ધાંતિક રૂપે સમજું છું કે મન સંસારને આપવું – એ જ દુઃખ અને મન તારી આજ્ઞાને સમર્પિત કરવું – એ જ સુખ. પરંતુ અનાદિની સંજ્ઞાને વશ હું તારી આજ્ઞાને સમર્પિત રહી શકતો નથી.
તું મને સમ્યગ્દર્શન આપી દે ને! સમ્યગ્દર્શન મને રાગ-દ્વેષ ના બદલે તારી તરફ લાવી દેશે. પછી મારી કોઈ પીડા નહીં રહે; અને હું તારી પાસે કોઈ ફરિયાદ કરવા નહિ આવું!
મૌન ધ્યાન સાધના શિબિર ૧૪ – તલેગાંવ સંવેદના – ૩
પ્રભુ અનંતકાળમાં તારા વિના જે પીડા મેં ભોગવી એનો ખ્યાલ તને છે જ. તું ગત મેરી જાને અનંત કાળમાં માત્ર પીડા પીડા અને પીડા જ હતી. કારણ “મેં જગવાસી, સહી દુઃખરાશી” જગતમાં રહેવું… મન સંસારને આપવું એટલે પીડાને આમંત્રણ…. એ મારું મન તારામાં સ્થિર થાય તો આનંદ જ આનંદ.
પ્રભુ મારી એક ફરિયાદ છે – અણસમજુ બાળક ઘરમાં માઁ ન હોય ત્યારે બળતા ચૂલા તરફ પણ આકર્ષાય, અને એ તરફ જવા માટેની કોશિશ કરે, પણ એ ચૂલાની એકદમ નજીક પહોંચી ગયો હોય, અને માઁ આવે તો શું કરે? માઁ એને ઝડપથી ચૂલાથી દૂર લઇ જાય. એમ પ્રભુ તને ખ્યાલ છે કે જગતમાં રહેવાને કારણે માત્ર પીડા મારી પાસે હતી. તો એ પીડામાંથી તે મને બહાર કેમ નહિ કાઢ્યો… આજે પણ સિદ્ધાંતિક રૂપે એક સૂત્ર મારી પાસે છે કે “જગવાસીતા એટલે દુઃખ, પ્રભુવાસિતા એટલે સુખ” પણ આ સૂત્ર માત્ર વાતોમાં રહી જાય છે. Practically અમલમાં આવતું નથી.
મન તને આપી દઉં પ્રભુ તો હું સંપૂર્ણતયા સુખી બની જાઉં. મન તને આપું… તારી આજ્ઞાને આપું. સુખ જ સુખ. આ ખ્યાલ હોવા છતાં અનાદિની સંજ્ઞાને વશ મન રાગમાં, દ્વેષમાં, અહંકારમાં, ઈર્ષ્યામાં સતત જાય છે. મારા તરફથી આ મારી નબળાઈ છે. પણ પ્રભુ તું સર્વ શક્તિમાન છે. તું શું ન કરી શકે? “સબ લોકન મેં જિન કી સત્તા, દેખત દરિશન જ્ઞાને” કેવળજ્ઞાન અને કેવલદર્શન તારી પાસે છે. તું પૂરા જગતને જોઈ રહ્યો છે એમાં મારો નંબર નથી લાગતો? મારી પીડા તને દેખાતી હોય, તો તું મને ઉચકીને પણ તારી તરફ કેમ નથી લઇ જતો?
એટલે જ ક્યારેક તો એમ થાય કે તને પ્રાર્થના શા માટે કરું? “ઈન કારણ ક્યાં તુમસે કહેવો, કહીએ તો ન સુને કાને” અમે પ્રાર્થના કરીએ તું એને સાંભળે જ નહિ…. મારા તરફની ભૂલ હું કબૂલ કરી લઉં, મારે રાગ અને દ્વેષમાં ન જવું જોઈએ. મારે માત્ર અને માત્ર તારી આજ્ઞાને વશ થઈને રહેવું જોઈએ. હું નથી રહેતો એ મારી નબળાઈ છે. પણ, તું માઁ છે અને સર્વ સમર્થ માઁ છે. તો પછી મારે તને કહેવું પડે, કે તું મને રાગ અને દ્વેષની આગમાંથી તારા ઠંડા ઠંડા ઉપનિષદ્દમાં લઇ જા?
પ્રભુ એક મજાનો રસ્તો છે. એ રસ્તો એ છે, કે તું મને સમ્યગ્દર્શન આપી દે, સમ્યગ્દર્શન મને મળશે. મને ખ્યાલ આવી જશે. કે રાગ અને દ્વેષ, અહંકાર અને ઈર્ષ્યા માત્ર અને માત્ર પીડા જન્માવે છે. એ સમ્યગ્દર્શન મને રાગ અને દ્વેષ તરફ નહિ જવા દે… તારી તરફ લાવી દેશે. તો short cut આટલો જ છે “અપનો હી જાન, નિવાજસ કીજે, દેઈ સમકિત દાને, માનો પારસ પ્રભુ અરજી એ ઇતની, જ્યું અમૃત મન માને”
અમૃતવિજય મહારાજાએ રચેલી આ સ્તવના… એ કહે છે પ્રભુ સમ્યગ્દર્શન મને આપી દે. પછી મારી પીડા પણ નહિ રહે, હું તમારી પાસે ફરિયાદ કરવા પણ નહિ આવું. હું માત્ર અને માત્ર આનંદમાં રહીશ. તો પ્રભુ આજની મારી પ્રાર્થના એટલી જ છે કે પ્રભુ મને તું સમ્યગ્દર્શન આપી દે…
ઉપમિતિમાં સિદ્ધર્ષી ગણિ કહે છે “તવાયત્તો ભવોદ્ધાર: ભવોત્તારોSપિ તે વશ: એવં વ્યવસ્થિતે કિં વા સ્થીયતે પરમેશ્વર:” – પ્રભુ સંસાર પણ તારે આધીન છે. મોક્ષ પણ તારે આધીન છે. જ્યારે મોક્ષમાં હું જઈશ ત્યારે એ મોક્ષ પણ તું જ મને આપવાનો છે. પણ એ મોક્ષ કદાચ હમણાં તું ન પણ આપે મને… સમ્યગ્દર્શન આજે જ મને આપી દે. પ્રભુ તરફથી એ સમ્યગ્દર્શન મળી રહ્યું છે. રાગ અને દ્વેષની ધારામાંથી ઊંચકાઈને આપણું મન સમભાવની ધારામાં જઈ રહ્યું છે. એવી મજાની અનુભૂતિ ચાલો આપણે ધ્યાનાભ્યાસમાં કરીએ. આજે તમને લાગે કે પ્રભુ જ તમને રાગ અને દ્વેષમાંથી બહાર કાઢી રહ્યા છે. અને પ્રભુ જ તમને સમ્યગ્દર્શન આપી રહ્યા છે.
શરીર ટટ્ટાર…. આંખો બંધ ધીમે ધીમે શ્વાસ લો… ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો. પૂરો શ્વાસ… ઊંડો શ્વાસ… માત્ર ધ્યાન શ્વાસ લેવાની અને છોડવાની પ્રક્રિયા ઉપર… કોઈ વિચાર નહિ… આ દ્રવ્ય પ્રાણાયામ… શ્વાસનું એક રીધમ… શ્વાસની એક લયબદ્ધતા… શ્વાસ લયબદ્ધ બનશે. તો મન પણ શાંત બનશે. દ્રવ્ય પ્રાણાયામમાંથી આપણે ભાવ પ્રાણાયામમાં જઈએ. પ્રભુના દેહમાંથી પ્રશમ રસના જે વિકિરણો નિકળ્યા છે, નિકળી રહ્યા છે… એ પૂરા જિનાલયમાં ઘુમરાઈ રહ્યા છે. શ્વાસ લઈએ ત્યારે એ પ્રશમરસના આંદોલનોને ભીતર લઇ જવાના છે. શ્વાસ બહાર કાઢો ત્યારે એ આંદોલનોને બહાર કાઢવાના છે… ક્રોધના. અંદર પડેલો જે ક્રોધ એના આંદોલનોને શ્વાસ બહાર કાઢો ત્યારે બહાર ફેંકવાના છે. ૨ મિનિટ ભાવ પ્રાણાયામ.
શરીર ટટ્ટાર… એક પણ વિચાર નહિ… નિદ્રા પણ નહિ… એક મિનિટ ભાવ પ્રાણાયામ… પ્રભુના દેહમાંથી નીકળેલ… પ્રશમરસના આંદોલનો લેવાઈ રહ્યા છે. ક્રોધના આંદોલનો બહાર ફેંકાઈ રહ્યા છે.
બીજું ચરણ ભાષ્ય જાપ “તિત્થયરા મે પસીયંતુ”
ત્રીજું ચરણ માનસ જાપ. આ જ પદનો મનમાં જાપ કરો. એકાગ્રતા પૂર્વક… એકદમ જાગૃતિ હોંશ. સવારનો પહોર છે ઠંડો. ઊંઘ ન આવી જાય, એક પણ વિચાર નહિ. મનને માત્ર એક પદમાં સ્થાપિત કરવાનું છે. શરીર ટટ્ટાર… આંખો બંધ… એક પણ વિચાર નહિ… નિદ્રા પણ નહિ… માત્ર જાગૃતિ. ત્રીજા ચરણમાં મનને એક પદનું આલંબન છે. એટલે ક્યાંય બહાર જાય તરત જ તમે પાછુ એને “તિત્થયરા મે પસીયંતુ” પદ પર લાવી શકો. ચોથા ચરણમાં કોઈ આલંબન નહિ હોય. એટલે અત્યારે આલંબન તમારી સામે છે. અને જો મનને સ્થિર કરી શકશો તો જ ચોથું ચરણ તમારું સમ્યગ્ થશે.
જેમ – જેમ અભ્યાસ વધ્યો તેમ – તેમ તમારું શરીર ટટ્ટાર રહેતા શિખી ગયું છે. એ જ રીતે મનને પણ નિષ્પ્રકંપ સ્થિર બનાવતાં શિખી જવાનું છે. એક જ પદ તમારી સામે છે. “તિત્થયરા મે પસીયંતુ” એમાં જ તમારે પૂરું મન ઓગાળી દેવાનું છે. ડૂબાડી દેવાનું છે. પૂર્ણ જાગૃતિ… total awareness. જેટલો અભ્યાસ વધુ મન એટલું સ્થિર બનશે. માત્ર ૨ મિનિટ સઘન માનસ જાપ. ક્યાંય મન બહાર જાય, વિચાર આવી ગયો… બે ઊંડા શ્વાસ લો ઝડપથી એને છોડો. વિચારની શૃંખલા તૂટી જશે. ઊંઘ આવે એવું લાગે તો આંખ ખોલી નાંખો. પટપટાવો આંખ, પછી બંધ કરી દો. ૧ મિનિટ સઘન માનસ જાપ.
ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. હવે પદ તમારી સામે નથી. કોઈ વિચાર નથી. એટલે કે મનનું કોઈ પ્રયોજન હવે નથી. મન બાજુમાં હોય, અને તમે કંઈક અનુભવ કરતાં હોવ, એ એક વિલક્ષણ ઘડી છે. તો તમારી અંદર રહેલ સમભાવનો અનુભવ એ સમભાવને કારણે મળતાં આનંદનો અનુભવ તમે કરો. મન બાજુમાં છે અત્યારે… કોઈ પ્રયત્ન નહિ કરતાં… શાંત ચિત્તે આરામથી relax થઈને તમે બેઠા છો. વિચારો ન આવે એ તમારી અત્યારની જાગૃતિ છે. વિચારો નથી, મન નથી, બહાર જવાનું નથી તો અંદર જવાનું આસાન થઇ ગયું. તમારી અંદર દિવ્ય આનંદ હતો, અને એ આનંદને અત્યાર સુધી તમે માણ્યો નહિ. કારણ બીજું કોઈ જ નહિ… મન નકામા વિચારો કરે, રાગ – દ્વેષમાં તમને લઇ જાય. અને તમે તમારા અમૃત તત્વથી દૂર રહ્યા. શાંત ચિતે બેઠા છો. તમારે કાંઈ જ કરવાનું નથી. આ being ની અવસ્થા છે. Doing કશું જ તમારી પાસે નથી. તમે શાંત છો. પ્રશાંત છો, તમે આનંદઘન છો, તમારી જ એ શાંતિનો, તમારા જ એ આનંદનો અનુભવ થાય તો કરો. પ્રયત્ન કોઈ નહિ.. શાંત ચિત્તે બેસો, વિચારો આવે તો એને દૂર ફગાવી દેવા. આ તમારી અત્યારની સાધના. ૩ મિનિટ આમાં ડૂબેલા રહો. મન એકદમ સ્થિર… કોઈ વિચાર નહિ… ન વિચાર… ન નિદ્રા… કેવળ જાગૃતિ… બે મિનિટ સઘન ધ્યાન અભ્યાસ. શરીર લગભગ બધાનું સ્થિર છે. મનને પણ સ્થિર કરી દેવાનું છે. તમે શાંત છો, પ્રશાંત છો, આનંદઘન છો. છેલ્લી એક મિનિટ… એકદમ સઘન ધ્યાનાભ્યાસ.
જિનાલય પરિસરમાં જેવી શાંતિ અનુભવાય છે એનાથી પણ વધુ શાંતિ તમારા મનમાં છે એ જ શાંતિને અત્યારે તમારે અનુભવવાની છે. વિચારોને કારણે ઘોંઘાટ સર્જાતો હતો. વિચારો નથી, ઘોંઘાટ નથી. માત્ર શાંતિ છે. આંખો ખોલી શકો છો. “તિત્થયરા મે પસીયંતુ”