Maun Dhyan Sadhana Shibir 14 – Samvedana 5

10 Views
9 Min Read

નામ ગ્રહે આવી મિલે
( રચયિતા: ઉપા. માનવિજયજી )

જપયોગમાં એ તાકાત છે કે જો તમે સદગુરુ પાસેથી ગ્રહણ કરેલ મંત્રનો એકાગ્ર ચિત્તે જાપ કરો, તો જાણે સાક્ષાત્ પ્રભુ મળ્યા હોય, એવી અનુભૂતિ એ જાપની ક્ષણોમાં થાય છે.

મૌન ધ્યાન સાધના શિબિર ૧૪ તલેગાંવ સંવેદના

પરમતારક દેવાધિદેવ શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના ચરણોમાં નમસ્કાર મહામંત્રની દીક્ષા તમને મળી. ત્રણ જાતની દીક્ષા આપણી પરંપરામાં છે. મંત્ર દીક્ષા, સાધના દીક્ષા, અને જીવન વ્યાપિની દીક્ષા.

તમે ઉપધાન તપ કરો, તમે સદ્ગુરુદેવના મુખેથી તમને નમસ્કાર મહામંત્ર આદિ મંત્રો મળે. અથવા આવા પ્રસંગે નમસ્કાર મહામંત્ર મળે, એ મંત્ર દીક્ષા. સદ્ગુરુના ચરણોમાં બેસીને સદ્ગુરુએ આપેલી સાધનાનો તમે સ્વીકાર કરો એ સાધના દીક્ષા. અને પ્રભુની કૃપાથી રજોહરણ મળે એ જીવન વ્યાપિની દીક્ષા. આજે મંત્ર દીક્ષામાં નમસ્કાર મહામંત્ર તમને મળ્યો છે. આજથી જ એક નવકારવાળી નમસ્કાર મહામંત્ર ની રોજ તમારે ગણવી છે. ધ્યાન જે રીતે મહત્વનું છે એ રીતે જપયોગ પણ બહુ જ મહત્વનો છે.

મહામહોપાધ્યાય યશોવિજય મ.સા જપયોગનો મહિમા વર્ણવતાં કહે છે… “નામ ગ્રહે આવી મિલે, મન ભીતર ભગવાન” પ્રભુના નામમાં, સદ્ગુરુએ આપેલા મંત્રમાં એક તાકાત છે. અને તમે એકાગ્ર ચિત્તે જાપ કરો છો. ત્યારે એ મંત્રની શક્તિનો પૂરેપૂરો લાભ તમને મળે છે. તો આ શબ્દો એક અનુભૂતિવાન્ સદ્ગુરુના છે – નામ ગ્રહે આવી મિલે, મન ભીતર ભગવાન – માત્ર તમે પ્રભુનું નામ લો અને તમારા હૃદયમાં પ્રભુનો વાસ થઇ જાય. આખું પદ્મપ્રભુનું સ્તવન જપયોગને એમણે સમર્પિત કર્યું છે. કહે છે “નામ સુણંતા મન ઉલ્લસે, લોચન વિકસિત હોય, રોમાંચિત હુએ દેહડી, જાણે મિલિયો સોય” એ પ્રભુનું નામ તમે ગ્રહણ કર્યું અથવા તો સાંભળ્યું… એની સાથે શું થાય… લોચન વિકસિત હોય – બંને આંખ આશ્ચર્યમાં પહોળી થઇ જાય.. ઓહો મારા પ્રભુ મને મળ્યા?

રોમાંચિત હુએ દેહડી – પુરા શરીરમાં રોમાંચ ખીલી ઉઠ્યો છે… અને એ વખતની અનુભૂતિ કેવી હોય છે… જાણે મિલિયો સોય… સાક્ષાત્ પ્રભુ મળ્યા હોય એવી અનુભૂતિ એ જાપની ક્ષણોમાં એ નામ ગ્રહણની કે નામ શ્રવણની ક્ષણોમાં તમને થાય છે. જપયોગના પણ ઘણા બધા પ્રકારો છે એમાં એક પ્રકાર છે અજપાજપ. ગુરુએ આપેલ નાનકડું પદ હોય… અર્હમ્ અથવા અર્હમ્ નમઃ કે કોઈ પણ એક પદનો તમે સતત જાપ કરતા હોવ તો એનાથી તમે મોક્ષને પામી શકો છો.

એક સાધક મળેલ, ગુરુએ આપેલ અજપાજપ મંત્રનો સતત એ જાપ કરતા રહે છે. બિલકુલ મૌનમાં રહેતા, અનિવાર્ય વાત કરવી હોય તો સ્લેટમાં લખીને આપતાં. મેં એમને પૂછેલું કે દિવસ દરમ્યાન તો બરોબર તમારો જાપ ચાલતો હશે… રાત્રે તમે સુઈ જાવ ત્યારે શું થાય? એટલી મજાની એમણે વાત કરી, એ કહે કે: સાહેબ! શિયાળાની રાત હોય, બાથરૂમ જવા માટે ૨ – ૩ વાર ઉઠવું પડે… જે ક્ષણે ઉઠું છું એ જ ક્ષણે અર્હમ્ અર્હમ્ ચાલુ જ હોય છે. એટલે હું માનું છું કે ઊંઘમાં પણ જાપ કદાચ એ ચાલુ રહેતો હશે બાકી તો ઉપરવાળો જાણે… તો આ મંત્ર દીક્ષા પાર્શ્વ પ્રજ્ઞાલય તીર્થના અધિપતિ શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની નિશ્રામાં તમને મળી છે. રોજ એ મંત્રનો ૧૦૮ વાર જાપ તમારે અચૂક કરવો છે. આજે આપણે છેલ્લો ધ્યાનાભ્યાસ કરીશું. આના પછીની વાચનામાં ધ્યાનાભ્યાસ નથી. પણ આ ધ્યાનાભ્યાસ મંત્ર દીક્ષા આપણે લીધી છે તો થોડો આપણે બદલીશું. પદ આપણે બદલીશું… તિત્થયરા મે પસીયંતુ ને બદલે નમો અરિહંતાણં પદ લઈશું અને એ પદનો જાપ કરીને મનની અંદર અરિહંત પ્રભુની સાધના કરીશું. કારણ માનવિજય ઉપાધ્યાય જેવા અનુભૂતિવાન્ ગુરુ જ્યારે કહે છે… કે નામ ગ્રહે આવી મિલે, મન ભીતર ભગવાન – તો આપણે આજે પ્રયોગ કરીએ માનસ જાપમાં, ભાષ્ય જાપમાં બધે નમો અરિહંતાણં લઈશું અને અરિહંત ભગવાન આપણા હૃદયમાં પધારે એના માટેની પ્રાર્થના કરીશું. અને ધ્યાનની ક્ષણોમાં અરિહંત પ્રભુનો અંદર અનુભવ કરીશું. તો ચાલો તૈયાર…

શરીર ટટ્ટાર… આંખો બંધ… ધીરે ધીરે શ્વાસ લો… ધીરે ધીરે શ્વાસ છોડો… દ્રવ્ય પ્રાણાયામ. પ્રભુના ચરણોમાં બેસીને આપણે આ સાધના કરીએ છીએ… તો પ્રભુની કૃપાથી આ સાધના તરત લાગી જશે. મન માત્ર શ્વાસ લેવામાં અને છોડવામાં… તત્પર. એ જ ક્રિયા મનની સામે છે… બીજી કોઈ ક્રિયા મનની સામે નથી… એક મિનિટ દ્રવ્ય પ્રાણાયામ. શરીર ટટ્ટાર… આંખો બંધ… એક પણ વિચાર નહિ. હવે ભાવ પ્રાણાયામ. પ્રભુના પરમ પાવન દેહમાંથી પ્રશમરસના જે આંદોલનો નીકળે છે એ આનંદ મંડપમાં, પૂરા મંડપમાં ફેલાયેલા છે. આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે એ પ્રશમરસના એક પ્રભુની નિર્મળ આંતરદશાના વિકિરણો ને લઈએ છીએ. અને શ્વાસ છોડીએ છીએ ત્યારે અંદર રહેલી વિભાવદશાની, અંદર રહેલી ગંદકીને છોડીએ છીએ. અરિહંત પ્રભુનું સ્વરૂપ અત્યંત અત્યંત અત્યંત નિર્મળ છે. એ નિર્મળતાની અનુભૂતિ આપણે કરવાની છે. તો પ્રભુની નિર્મળતાને શ્વાસ લેતી વખતે અંદર પકડીએ છીએ… અને આપણી ગંદકીને શ્વાસ છોડતી વખતે બહાર છોડીએ છીએ. ૨ મિનિટ ભાવ પ્રાણાયામ.

પ્રભુની અત્યંત અત્યંત અત્યંત નિર્મલતા શ્વાસ લેતી વખતે અંદર પ્રવેશી રહી છે. આપણી અંદર રહેલી રાગ – દ્વેષ અહંકારની ગંદકી બહાર નીકળી રહી છે. અહીંથી નીકળતા પહેલા તમારું પૂરું અસ્તિત્વ નિર્મળ નિર્મળ થઇ ગયું. એવી અનુભૂતિ પ્રભુની કૃપાથી તમને થાય. ૩૦ સેકંડ… પ્રભુની નિર્મળ આંતરદશા અંદર પ્રવેશી રહી છે.

ભાષ્ય જાપ – “નમો અરિહંતાણં”

ત્રીજું ચરણ માનસ જાપ – નમો અરિહંતાણં પદનો મનમાં જાપ… એકદમ એકાગ્રતા… એવી રીતે માનસ જાપ કરવો છે… કે માનવિજય મ.સા એ કહી છે એ પંક્તિ આપણામાં ચરિતાર્થ બને “નામ ગ્રહે આવી મિલે, મન ભીતર ભગવાન” અરિહંત પ્રભુ એમની પરમ નિર્મળતા એમનું નિર્મળ નિર્મળ સ્વરૂપ આપણા હૃદયમાં, આપણા અંતઃ સ્તરમાં વસી જાય. માનસ જાપ… શરીર ટટ્ટાર… આંખો બંધ… એક પણ વિચાર નહિ… ન વિચાર… ન નિદ્રા… કેવલ જાગૃતિ… આપણે આપણા મનને જપમાં એકાગ્ર કરીશું… તો જ અરિહંત પ્રભુ આપણા હૃદયમાં પધારશે.

તમારી સામે એક પદ છે – નમો અરિહંતાણં, અરિહંત પ્રભુના ચરણોમાં અત્યારે તમે ઝૂકેલા છો. અને ઝૂકવું એ જ મોટામાં મોટી કળા છે. જેના દ્વારા આપણે પ્રભુને આપણા અસ્તિત્વમાં લાવી શકીએ. અઢી મિનિટ સઘન નમો અરિહંતાણં પદનો જાપ… જપ જેટલો સશક્ત એટલી જ શક્તિથી તમે પ્રભુને તમારા હૃદયમાં લાવી શકશો. માત્ર નમો અરિહંતાણં પદનો જાપ. ‘ન’ બોલો ત્યારે ‘ન’ માં મન હોય, ‘મો’ બોલો ત્યારે ‘મો’ માં મન હોય. ચિત્ત જેટલું એકાગ્ર બનશે જપ એટલો જ લાભદાયી બનશે.

હવે ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. હૃદય નિર્મળ નિર્મળ થયું છે જાપથી… પ્રભુનું સ્વરૂપ માત્ર ને માત્ર નિર્મળ છે. હૃદયમાં નિર્મળતા નો અનુભવ થાય એ પ્રભુનો દ્રવ્યાત્મક અનુભવ કહેવાય. શ્રીપાળ રાસમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે લખ્યું, “અરિહંત પદ ધ્યાતો થકો, દવ્વહ ગુણ પજ્જાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે” આપણે અત્યારે આ પ્રક્રિયામાં છીએ… દ્રવ્યથી અરિહંત પદમાં તમારું આત્મદ્રવ્ય અત્યંત નિર્મળ છે… આપણે આપણા આત્મદ્રવ્યને નિર્મળ બનાવવું છે. તો નિર્મળતા ની જે અનુભૂતિ છે એ અનુભૂતિ દ્વારા આપણે પ્રભુની અત્યંત નિર્મળદશાની આપણે અનુભૂતિ કરીએ. એટલે હૃદયમાં એ અનુભવ થાય… તમે નિર્મળ છો. નિર્મળ છો. નિર્મળ છો. પ્રભુની પાસે જે નિર્મળતા છે એનો એક અંશ પણ નિર્મળતાનો અનુભવ અત્યારે તમે કરી રહ્યા છો. અત્યાર સુધી અરિહંત પરમાત્માને તમે જોયા છે પણ અરિહંત પ્રભુનો અનુભવ નથી કર્યો. અત્યારે તમે અરિહંત પ્રભુનો દ્રવ્યાત્મક અનુભવ કરી રહ્યા છો. તમારી નિર્મળ દશાનો અનુભવ એ જ તમને પ્રભુની નિર્મળ દશામાં ડૂબાડી દે. સૂત્ર માત્ર આટલું જ છે. એટલે હવે નમો અરિહંતાણં પદમાં પણ મન લઇ જવાનું નથી. માત્ર તમારી ભીતર જે નિર્મળતા આવી છે એનો અનુભવ કરો. પહેલા ચરણમાં શ્વાસે શ્વાસે પ્રભુની નિર્મળતા લીધેલી. ભાષ્ય જાપમાં પણ અરિહંત પ્રભુને નમસ્કાર કર્યો. માનસ જાપમાં અરિહંત પ્રભુને નમસ્કાર કર્યો. એ નમસ્કાર કર્યો એટલે અહંકારભાવની જે ગંદકી હતી એ ગઈ. તમે નિર્મળ બન્યા. અને નિર્મળ બનેલ વ્યક્તિ નિર્મળ અરિહંત પ્રભુની નિર્મળતાની અનુભૂતિ કરી શકે.

ધ્યાનનો અર્થ અનુભવ છે. અત્યારે પાર્શ્વનાથ દાદાની અરિહંત પ્રભુની નિર્મળદશાનો અનુભવ તમે બધા જ કરી રહ્યા છો. કારણ તમારી પાસે તમારા હૃદયમાં અત્યારે નિર્મળ દશા છે. જ્યાં સુધી તમારી પાસે નિર્મળદશાનો અનુભવ ન હોય, ત્યાં સુધી તમે નિર્મળદશાની પ્રભુની નિર્મળદશાની અનુભૂતિ કરી શકતા નથી. તો અઢી મિનિટ સઘન ધ્યાનાભ્યાસ. હવે comment પણ ઓછી આપીશ. તમે માત્ર અનુભૂતિની ધારામાં ચાલો. તમે નિર્મળ બનેલા છો. તમે નિર્મળતાની એ પૃષ્ટ ભૂમિ ઉપર પ્રભુની નિર્મળતાનો તમે અનુભવ કરો છો. બે મિનિટ… એક મિનિટ …. આંખો ખોલી શકો છો. નમો અરિહંતાણં…. નમો અરિહંતાણં… નમો અરિહંતાણં.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *