Maun Dhyan Sadhana Shibir 13 – Vanchan 1

23 Views 29 Min Read

Subject : સ્વાનુભૂતિની સાધના

સાધનાનું પહેલું ચરણ – પરરસમુક્તિ. બીજું ચરણ – ઉપયોગનું પરમાં ન જવું, તે. અને ત્રીજું ચરણ – ઉપયોગનું સ્વમાં સ્થિર થઈને રહેવું, તે. તમારું મન પરમાં જાય છે કેમ? પરમાં રસ છે, માટે. જો પરરસમુક્તિ પ્રાપ્ત થઇ જાય, તો પછી મન પરમાં જવાનું નથી અને પરમાં ન જાય, તો સ્વમાં સ્થિર થઈને રહેવાનું છે.

પરરસમુક્તિ માટેની પહેલી સજ્જતા – નિરપેક્ષ દશા. અપેક્ષાનું મૂળ છે અહંકાર. હું ને જ્યાં ગમે, ત્યાં રાગ થાય છે. અને હું ને જ્યાં અણગમો છે, ત્યાં દ્વેષ થાય છે. આ અહંકારના લયના હું ને પહેલા અહોભાવના લયના હું માં ફેરવવું છે; પછી એને જ્યોતિર્મય હું માં પલટાતા વાર નહિ લાગે.

બીજી સજ્જતા – શુચિ (નિર્મળતા). મોહના ઉદય સમયે પણ જો તમે પોતાની ચેતનાને ઉદયાધીન બનાવવાના બદલે સ્વરૂપદશા તરફ મૂકી દો – સ્વ-સત્તાઘીન રાખો, તો મોહનો ઉદય હોવા છતાં તમે પોતાની નિર્મળતાનો અનુભવ કરી શકો.

મૌન ધ્યાન સાધના શિબિર – ૧૩ (ભીલડીયાજી) – પ્રવચન – ૧

નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિઆણં
નમો ઉવજઝાયાણં
નમો લોએ સવ્વ સાહૂણં
એસો પંચ નમુક્કારો
સવ્વ પાવપ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિં
પઢમં હવઈ મંગલં

मंगलं श्रीमदर्हन्तो, मंगलं जिनशासनम् ।
मंगलं सकलः संघो, मंगलं पूजका अमी ॥

कमठे धरणेन्द्रे च स्वोचिते कर्म कुर्वति |
प्रभुस्तुल्य मनोवृत्ति: पार्श्वनाथ: श्रियेस्तु वः ||

જ્ઞાનધ્યાનક્રિયાધિકાર્ય કુશલ:, પ્રધુમ્ન દેતાં ગુરુ, 
આંતરલોચનમેકમસ્તું સુતરાં, પ્રુદભાષિતંયસ્યવૈ,
ૐકારેણ સુસેવિતોsપિસતતં, ૐકાર સેવા પરઃ
સોયં સૌમ્ય મના: સદા વિજયતે, શ્રી સિદ્ધિસૂરીશ્વર:
સોયં સૌમ્ય મના: સદા વિજયતે, શ્રી ભદ્રસૂરીશ્વર:
સોયં સૌમ્ય મના: સદા વિજયતે, શ્રી ૐકારસૂરીશ્વર:
સોયં સૌમ્ય મના: સદા વિજયતે, અરવિંદસૂરીશ્વર:

પરમતારક દેવાધિદેવ શ્રી ભીલડીયાજી પાર્શ્વનાથ પ્રભુના ચરણોમાં એમણે જ આપેલી સ્વાનુભૂતિની દીક્ષાને મેળવવા માટે આપણે આવ્યા છીએ.

સ્વાનુભૂતિ- હું કોણ છું…?

you are the bodyless experience. you are the mindless experience. you are the nameless experience. શરીર, નામ અને મનને પેલે પાર જે જ્યોતિર્મય તત્વ છે, એ તમે છો.

પરમાત્માના ચરણોમાં બેસીને શરીર અને નામના પડલોને ભેદીને સ્વરૂપ સુધીની યાત્રા કરવી છે. એક બૌદ્ધ ભિક્ષુની વાત હું ઘણીવાર કરતો હોઉં છું. એમની આંખમાં આંસુ છે. કોકે પૂછ્યું, આપની આંખમાં આંસુ કેમ? ત્યારે એમણે કહ્યું કે સાંજે હું બુદ્ધ ભગવાન પાસે જઈશ અને બુદ્ધ ભગવાન મને પૂછશે કે મુદ્ગલાયન જેવું વિરાગી કે આનંદ જેવો જ્ઞાની ભિક્ષુ તું કેમ નહિ બન્યો….. તો હું કહીશ કે પ્રભુ તમે બનાવો એવો હું બનું ને…. પણ જો પ્રભુ મને પૂછશે કે તારું ચિત્ત ડામાડોળ કેમ છે? તો હું શું જવાબ આપીશ. કારણ દીક્ષા વખતે પ્રભુએ મને થિરચિત્ત નામ આપેલું છે. વેદના એ હતી, આંસુ એના હતા; ‘હું’, હું ન હોઉં તો શું હોઉં! પ્રભુના ચરણોમાં બેસીને સ્વરૂપ સુધીની યાત્રા કરવી છે. મજાનો સાધના ગ્રંથ લીધો છે આ વખતે… સવાસો ગાથાનું સ્તવન.

મહોપાધ્યાય યશોવિજય મહારાજની એક અદ્ભુત કૃતિ… પહેલી જ ત્રણ કડીનું વાંચન કરું છું… જે ત્રણ કડીઓમાંથી એક મજાની સાધના ત્રિપદી ઉભી થાય છે. જે આપણને સ્વાનુભૂતિ સુધી લઇ જાય છે. જઉં છે ને… તૈયાર…. પરની અનુભૂતિ અનંતા જન્મોમાં કરી. મને કહો, શું મળ્યું અને શું મળી શકે…. હવે માત્ર ને માત્ર સ્વાનુભૂતિ.

મજાની ૩ કડીઓ છે.

“ધર્મ ન કહીએ રે નિશ્ચે તેહને જેહ વિભાવ વડ વ્યાધિ, પહેલે અંગે રે ઈણીપરે ભાખ્યું કર્મે હોય ઉપાધિ.

જે જે અંશે રે નિરૂપાધિકપણું તે તે અંશે રે ધર્મ, સમ્યગ્દ્રષ્ટિ રે ગુણઠાણા થકી જાવ લહે શિવસંગ.

એમ જાણીને રે જ્ઞાનદશા ભજીએ રહીએ આપ સ્વરૂપ, પરપરિણતીથી ધર્મ ન છાંડીએ નવિ પડીએ ભવકૂપ”

આ ત્રણ કડી દ્વારા એક મજાની સાધના ત્રિપદી આપણને આપવામાં આવી.

પહેલું ચરણ ‘પર-રસ મુક્તિ’; બીજું ચરણ ‘ઉપયોગનું પરમાં ન જવું’; ત્રીજું ચરણ ‘ઉપયોગનું સ્વમાં સ્થિર થઈને રહેવું એટલે કે સ્વાનુભૂતિ. તમારું મન, તમારો ઉપયોગ, પરમાં જાય છે કેમ? પરમાં રસ છે માટે. અમે એ જ પરપદાર્થો, એ જ પરવ્યક્તિઓથી ઘેરાયેલા છીએ, અને છતાં અમારો ઉપયોગ પરમાં નથી જતો! ઉપયોગ પરમાં જાય છે, એનું કારણ છે: પર પ્રત્યેનો તમારો રસ. એટલે એક માત્ર ચરણ જો પ્રાપ્ત થઇ જાય; પર-રસ મુક્તિ. તો સીધી વાત છે, મન પરમાં જવાનું નથી અને પરમાં ન જાય; એટલે સ્વમાં સ્થિર થઈને રહેવાનું છે. સ્વાનુભૂતિ- કેટલી સરળ છે બોલો…. મારે એક logo છે… હું ઘણીવાર કહેતો હોઉં છું…. it is so easy. બહુ સરળ છે.

તો પહેલું ચરણ ‘પર-રસ મુક્તિ.’

પરના રસમાંથી મુક્ત થયેલો સાધક કેવો હોય, એની મજાની વાત ભગવદ્ ગીતામાં કરવામાં આવી. છ સજ્જતા ત્યાં અપાઈ છે. ” निरपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः। सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः ” પરમચેતના કહે છે કે પરરસમાંથી જે મુક્ત થયો; એ જ પરમરસમાં ડૂબી શકે. સ્વાનુભૂતિ એટલે પરમરસ. આ જન્મનું આપણું અવતાર કૃત્ય માત્ર એક છે: પરમરસનું પાન. એ પાન કર્યા પછી મહોપાધ્યાય માનવિજય મહારાજે કહેલું ‘કહીએ અણચાખ્યો પણ અનુભવ રસનો ટાણો મિલિયો’ અનંત જન્મોની અંદર જેનો સહેજ પણ આસ્વાદ ચાખવા નહિ મળેલો… એવો પરમરસ આ જન્મમાં મને ખોબે ખોબા ભરીને પીવા મળેલો છે. એક વાત પૂછું… અમારી ઈર્ષ્યા તમને આવે ખરી…? બહાર ચહેરા પર જે સ્મિત રેલાય છે. જે આનંદનું ઝરણું દદળે છે. એની પાછળ કારણ એક જ છે… પરમરસ. ચિદાનંદજી મહારાજ કહે છે, ‘જિણે એ પ્યાલા પિયા તીનકું, ઓર કેફરતિ કેસી’ પરમરસનો પ્યાલો જેણે પી લીધો. એના માટે દુનિયામાં બીજી કોઈ ઘટના નથી કે જે એને આનંદ આપી શકે. તો પરમરસનું પાન કરવું છે.

તૈતરીય ઉપનિષદમાં ઋષિ કહે છે, ‘રસો વૈ સ:’ રસ માત્ર એક છે; જે તમારી ભીતર છે. એ ભીતરના રસને પામવા માટે એક મજાની યાત્રા આજે આપણે શરૂ કરી રહ્યા છે. પહેલું ચરણ ‘પરરસમુક્તિ’ છ સજ્જતા એના માટે આપી. પરરસ મુક્ત તમારે બનવું હોય તો, તમારે શું કરવું પડે… પહેલી વાત નિરપેક્ષ. તમે અપેક્ષા મુક્ત હોવ. અપેક્ષાની પાછળ અહંકાર છે. અને અહંકાર તો મોટામાં મોટું ‘પર’ છે. આમ સાધના જગતમાં અવરોધો ત્રણ; રાગ, દ્વેષ, અહંકાર. પણ એમાં પણ Centre point માં અહંકાર છે. હું ને જ્યાં ગમે છે ત્યાં રાગ થાય છે. હું ને જ્યાં અણગમો છે ત્યાં દ્વેષ થાય છે. એટલે રાગ અને દ્વેષ પણ by product થયા. હું જ એવું કેન્દ્રમાં આવીને બેઠેલું છે… જ્યાં આપણી સાધનાને સતત ખલેલ પડ્યા કરે છે. હું ના ત્રણ સ્વરૂપોની વાત કરું આજે… એક અહંકારના લયનો હું… બીજો અહોભાવના લયનો હું… ત્રીજું શુદ્ધ હું… જે વાસ્તવમાં તમે છો: જયોતિર્મય તત્વ.

પહેલું અહંકારના લયનો હું. એનો અનુભવ તમને બરોબર છે. એટલે મારે કંઈ કહેવાની જરૂર નથી. બીજું છે અહોભાવના લયનો હું, આજે પ્રભુના મેં દર્શન કર્યા, મને આનંદ આવ્યો. ત્યાં હું છે પણ અહંકારનો લય નથી. અહોભાવનો લય છે. આપણી શ્વેતાંબરીય સાધના પદ્ધતિ એટલી બધી મને ગમે છે… કે મને લાગે છે આના જેવી proper સાધના પદ્ધતિ દુનિયામાં કોઈ હોઈ શકે નહિ. વ્યવહાર અને નિશ્ચયનું જે combination પ્રભુની સાધના પદ્ધતિમાં છે, એવું કદાચ દુનિયામાં ક્યાંય નથી. વિશ્વની લગભગ સાધના પદ્ધતિઓ જોઈ અને એ પછી ડંકાની ચોટ પર કહી શકું કે પ્રભુની સાધના પદ્ધતિ જેવી સાધના પદ્ધતિ દુનિયામાં ક્યાંય નથી. કારણ; વ્યવહાર અને નિશ્ચયનું મજાનું combination અહીંયા છે.

બહુ મજાથી શરૂઆત કરી… આપણે આપણા હું ને replace કરવું છે. અહંકાર ના લયવાળા હું ને જ્યોતિર્મય હું માં ફેરવવું છે. પણ વચ્ચે મજાની વ્યવહાર સાધના આપી. અહોભાવના લયના હું ને… આપણી પરંપરા કેટલી મજાની છે. દર્શન, પૂજા, ભક્તિ, માત્ર ને માત્ર અહોભાવ. એ અહોભાવ શું કરે તમને સમજાવું….  એ અહોભાવની ક્ષણોમાં અહંકાર હોવાનો ખરો..?! એટલે શું થયું… અહોભાવની મોટામાં મોટી તાકાત એ થઇ કે એ જ ક્ષણોમાં અહંકાર બિલકુલ સુષુપ્ત થઈને પડી રહે! એના ઉપર તમે એવી સાધનાનો પાયો રચી શકો; જે તમને જ્યોતિર્મય હું સુધી લઇ જાય. તો અહંકારના લયના હું ને પહેલા અહોભાવના લયના હું માં બદલવું છે અને એ પછી જ્યોતિર્મય હું માં એને પલટાવતાં કોઈ વાર નહિ લાગે. તો નિરપેક્ષ: – પહેલી તમારી સજ્જતા, પરરસમુક્ત ન બનો ત્યાં સુધી સ્વાનુભૂતિ શક્ય જ નથી. અને પરરસ મુક્ત બનવું હોય તો… છ સજ્જતાઓમાંથી પસાર થવું પડશે. પહેલી સજ્જતા નિરપેક્ષ. અહંકાર નથી.

રમણ મહર્ષિ બહુ મોટા સંત. ગામે ગામ જ્યાં પણ જવાનું થાય, લોકો એમને ફૂલોના હારથી એમને લાદી દે. એકવાર એક મુમુક્ષુએ પૂછેલું કે લોકો આટલી બધી આપની ફૂલહાર દ્વારા ભક્તિ કરે ત્યારે આપની feeling શું હોય? રમણ મહર્ષિએ કહ્યું કે રથયાત્રા કાઢવાની હોય, ભગવાનને રથમાં બેસાડેલા હોય, અને બળદ જોડેલા હોય, એ દિવસે તો બળદ પણ પવિત્ર થઇ જાય. એ બળદને લોકો ફૂલના હારના હાર પહેરાવે… બળદ માટે માત્ર વજનનો વધારો થાય, એ સિવાય બીજું કંઈ હોતું નથી.

આ તો એક સંત હતા. આપણા કવિ સુરેશ દલાલ. જયા મહેતાએ એક interview માં એમને પૂછેલું કે તમે બહુ જ ખ્યાતનામ વ્યક્તિત્વ ધરાવો છો. જ્યાં જાઓ ત્યાં પ્રશંષકોથી તમે ઘેરાયેલા જ હોવ છો. તમારા autograph માટે પડાપડી થતી હોય છે. એ વખતે તમારી feeling શું હોય છે? સુરેશ દલાલે બહુ મજાની વાત કરી, એમણે કહ્યું હું સંત નથી કે નિરહંકારી થવાનો હું દાવો કરું. પણ આ બધું રોજનું થયું… કોઠે પડી ગયું છે એટલે feeling – બિલીંગ કંઈ રહેતી નથી.

બાથરૂમમાં જઈએ પાણી પડ્યા કરતું હોય ને તમે બીજે ક્યાંય ખોવાયેલા હોવ, રોજીંદી ઘટના છે….. એમ મારા માટે પણ આ રોજિંદી ઘટના છે, એટલે એની અસર મારા જીવનમાં કોઈ થતી નથી. નિરપેક્ષ: અહંકારને શિથિલ બનાવવું છે. એક વાત યાદ રાખો: અહંકાર નિર્મૂળ થવાનો નથી હમણાં… પણ અહંકારને શિથિલ જરૂર બનાવવો છે. આપણને નમસ્કાર મહામંત્ર આપવામાં આવ્યો. શા માટે…? કારણ એક જ હતું… કે સાધનામાં અવરોધ અહંકારનો છે. તો એને દૂર કરવા માટે નમસ્કાર ભાવ આપી દો… નમો… નમો… નમો…. ઝુકી જાવ… ઝુકી જાવ… ઝુકી જાવ..

આપણા યુગના સાધનામનિષી પંન્યાસ પ્રવર ભદ્રંકરવિજયજી મ.સા. કહેતાં કે નમસ્કાર મહામંત્રમાં અરિહંતાણં પછી છે,  સિદ્ધાણં પછી છે, ‘નમો’ પહેલાં છે… ‘નમો’ મહત્વની ઘટના છે. તમારું ઝૂકવું ઘટિત થયું… ઝુક્યા…. તો નિરપેક્ષ:… ઝુકી જાવ…

બીજી સજ્જતા છે શુચિ: તમે નિર્મલ હોવ, નિર્મલતા બે જાતની થશે… એક તો સિદ્ધોના લયની…. બીજી સાધના અવસ્થાના લયની…. આપણે પણ સિદ્ધશિલા પર જઈશું… આપણી પાસે સિદ્ધોના લયની નિર્મલતા હશે.. જ્યાં રાગ, દ્વેષ, અહંકાર વગેરેનો સંપૂર્ણ ક્ષય હશે. અત્યારે આપણી પાસે સાધના અવસ્થાની નિર્મલતા છે. એ કેવી નિર્મલતા… બહુ મજાની વાત છે… રાગ, દ્વેષ, અહંકાર… સત્તામાં પડ્યા છે. ઉદયમાં આવવાના… એ ઉદયમાં આવે અને તમે નિર્મળ બની રહો! આ વાત શાસ્ત્રોએ આપી. રાગ, દ્વેષ , અને અહંકારનો ઉદય હોય, એ ક્ષણોમાં પણ તમારી ચેતના શક્ય એટલી નિર્મળ બની રહે; એવી સાધના પ્રભુએ આપણને આપી. અત્યારે શું થાય છે… કોઈ વ્યક્તિ તમારા રૂમમાં આવી… તમને એના પ્રત્યે સહેજ તિરસ્કાર છે, એને જોતાં જ તમે વિદ્વેષની ધારામાં આગળ ચાલ્યા, આ માણસ હરામખોર, નાલાયક કેમ આવ્યો મારે ત્યાં…. તો દ્વેષનો ઉદય થયો અને તમે એમાં વહી ગયા. વહી ગયા; નવો કર્મબંધ. એક વાત તમને પૂછું… મારો અને તમારો સંસાર અગણિત સમયથી ચાલુ કેમ રહ્યો? અનંત તીર્થંકર ભગવંતોની ઈચ્છા હતી, આપણે બધા મોક્ષમાં જતા રહીએ… એમનું ચાલ્યું હોત ને તો આપણને બધાને મોક્ષે મોકલી અને પછી એ મોક્ષમાં જાત.

તો અનંત તીર્થંકરોની કરૂણા આ રીતે વરસી. આપણે એને ઝીલી ન શક્યા… મારો અને તમારો સંસાર ચાલુ રહ્યો… કારણ શું આ ચક્ર. દ્વેષની ધારા ચાલુ થઇ, તમે એમાં વહ્યા; નવો બંધ કર્યો કર્મનો, એ સત્તામાં ગયો; ફરી ઉદયમાં આવશે. એટલે ધારા ચાલુ ને ચાલુ રહી. હવે એ ધારાને આપણે તોડવી છે. બહુ જ સરળ છે…. અઘરું કંઈ જ નથી. હું ઘણીવાર કહેતો હોઉં છું…. you can do this but if you desire. વાત એ છે અને એટલે જ સાધનાનો composition હું એ જ આપું છું… ૯૯% grace ૧% effort… ૯૯% માત્ર કૃપા ને કૃપા છે. ૧% તમારો પ્રયત્ન છે. અને એ પ્રયત્ન છે; એ કૃપાને ઝીલવાનો…

મારી દ્રષ્ટિએ આપણા પક્ષે સાધનાનું કેન્દ્રબિંદુ કોઈ પણ હોય તો એ receptivity છે. પ્રભુની કરૂણા સતત વરસી જ રહી છે. આપણે એને ઝીલી શકતા નથી. તો એ જ શીખવું છે… કે કંઈ રીતે આપણે પ્રભુની કરૂણાને receive કરી શકીએ. એક receptivity આવી ગઈ than you have not to do anything absolutely. તમારે કશું જ કરવું નથી. પ્રભુની કૃપા તમને ઉચકી લેશે. અને પ્રભુની કૃપાનો કોલ છે કે તને મોક્ષમાં પહોંચાડીને હું રહીશ. He is ever ready. પ્રભુ હંમેશ માટે તૈયાર છે. અને આગળ કહું તો we are also ready. But are you ready? અહીં તો તૈયાર થઈને આયા છો ને….

તો હવે આપણે શું કરવું છે… આ ચક્રને અટકાવવું શી રીતે…. અનંત જન્મોથી પ્રભુની કૃપા ધારા વરસી રહી હોય… અને આપણે એને ઝીલીએ જ નહિ… કારણ શું? આ ચક્ર… એ ચક્ર અટકે શી રીતે? એના માટે પ્રભુએ દ્રષ્ટાભાવની સાધના આપી. આચારાંગ સૂત્રમાં પ્રભુને એક સરસ પ્રશ્ન કરાયો… किमस्थि ओवाही पासगस्स? પ્રભુ દ્રષ્ટાની કોઈ ઉપાધિ ખરી? દ્રષ્ટાને કર્મબંધ વગેરે ખરું, પ્રભુએ કહ્યું – नत्थि तिबेमि. દ્રષ્ટાને કોઈ ઉપાધિ નથી. કોઈ પીડા નથી. તો હવે શું કરવું છે આપણે જોઈએ….

ચા પી રહ્યા છો તમે… બની શકે કે ચા tasty છે… તમને એ ગમી ગઈ છે… અને એના કારણે મનના એક ખૂણામાં ચા પ્રત્યે આસક્તિ શરૂ થઇ છે… સહેલું છે ને એકદમ…. ચા પીવો છો… tasty ચા છે… તો મનમાં એક ભાવ થયો… બહુ સરસ… બહુ સરસ… હવે આપણે શું કરવું છે… એ જે આસક્તિ થઇ ને ચા ઉપરની… એને દ્રશ્ય કોટિમાં મુકવું છે. એ આસક્તિને પણ જુઓ… આ બની શકે. એક મનમાં આસક્તિ થઇ રહી છે. તમે એને જુઓ છો… અને જે આસક્તિને જુએ છે… એ જ તમે છો. એ જ તમારું સ્વ છે. અત્યારે તમે શું કરો છો… તમારા પૂરા અસ્તિત્વને આસક્તિ મય કરી નાંખો છો. હવે આટલું જ ઉમેરવું છે. આસક્તિ ન થાય એવું હું કહેતો નથી. આસક્તિ થઇ પણ ગઈ… વાંધો નહિ… એને જુઓ… તો હવે શું થશે… આસક્તિ દ્રશ્ય બની… તમે દ્રષ્ટા બન્યા. બરોબર…?  હવે દ્રશ્ય અને દ્રષ્ટા; બે એક હોઈ શકે ખરા ક્યારેય… મારી સામે ટેબલ છે, ટેબલને હું જોઉં પણ છું… તો ટેબલ દ્રશ્ય છે, હું દ્રષ્ટા છું. હવે ટેબલ ને હું એક થવાના ખરા? તો રાગ, આસક્તિ ભીતર પેદા થઇ; એને જુઓ… અને જોનાર જે છે; એ તમે છો.

Doing અને being. સ્વાનુભૂતિની આખી યાત્રા doing માંથી being માં જવાની છે. માત્ર હોવાપણું. કશું કરવાનું નથી. વૈભાવિક ક્ષેત્રે… હવે ક્રોધ થાય ક્યારે પણ! ક્રોધ થઇ રહ્યો છે, તમે ક્રોધની ધારામાં વહી રહ્યા છો; અને છતાં તમે ક્રોધને જુઓ છો. સ્વામી રામ મજાના સાધક હતા… એ પોતાની જાત માટે પોતાના નિર્મલ હું માટે હું શબ્દનો પ્રયોગ કરતા… અને શરીર માટે રામ શબ્દનો પ્રયોગ કરે… division પાડી નાંખ્યું. હું એટલે મારી નિર્મલ ચેતના જ… લોકો આ શરીરને રામ તરીકે સંબોધે છે. તો રામ એટલે આ…. હું નહિ… વૈભાવિક હું ને first person માંથી third person માં લઇ જવાનું છે.

વિનોબાજીએ પણ આ જ પ્રયોગ કરેલો… છેલ્લા દિવસોમાં એ પોતાના માટે હું શબ્દનો પ્રયોગ ક્યારે પણ નહિ કરતા.. પ્રવચનમાં કહેતાં… “આજ સુબહ બાબાને એસા સોચા થા… બાબાને સોચા થા… મૈને સોચા થા નહિ… તો એકવાર સ્વામી રામ બહારથી આશ્રમમાં આવ્યા…. હસતાં હોય છે…. આમ પણ સંતો તો હસતાં જ હોય, ever green, ever fresh. એટલે તો પૂછું છું કે આ ever freshness જે છે અમારી; એની ઈર્ષ્યા આવે છે…

તો પ્રભુ તમને પણ આપવા તૈયાર છે… અહીં તો વાત એવી છે, ગમ્યું એટલે મળ્યું… અને ખટક્યું એટલે ગયું. દોષો ખટક્યા તો ગયા. ગુણો ગમ્યા તો મળ્યા. હસતાં હોય છે સ્વામી રામ… કોઈએ પૂછ્યું શું થયું? તો એમણે કહ્યું, આજે તો મજા આવી ગઈ… શું મજા આવી? એક માણસ રામને ગાળો આપતો હતો.. હું જોતો હતો. એક ત્રિકોણ ઉભો કર્યો. એક ગાળ આપનાર, એક ગાળને ખાનાર, એક ગાળને જોનાર… you are only the observer. તમે માત્ર દ્રષ્ટા છો. તમે કહો છો; મને રાગ થયો, મને દ્વેષ થયો….. 

વ્યવહાર જગતની દ્રષ્ટિએ આ વાત સાચી છે, પણ નિશ્ચય જગતની દ્રષ્ટિએ આ વાત ખોટી છે. તમને રાગ થઇ જ ન શકે. તમને દ્વેષ થઇ જ ન શકે. તમારું જ્યોતિર્મય તત્વ સદાકાળ માટે એવું જ રહેવાનું છે. માત્ર મનની અંદર રાગ – દ્વેષ ઉભો કરીને તમે એની ધારામાં વહો છો. રાગ ક્યાં સુધી… તમારા મન સુધી… તમારા ચિત્ત સુધી… તમારી લેશ્યા સુધી… તમારા અંત:સ્તરમાં રાગને પ્રવેશવાનો અધિકાર નથી.

ગુજરાતી ભાષામાં એક સરસ સાધના કૃતિ દેવચંદ્રજી મ.સા.ની છે. અષ્ટપ્રવચનમાતાની સજ્ઝાય. એમાં એક મજાની પંક્તિ આવે છે. ‘મોહ ઉદયે અમોહી એહવા શુદ્ધ નિજ સાધ્ય લયલીન રે’ “મોહ ઉદયે અમોહી એહવા” – ઉદય મોહનો ચાલે છે; સાધક નિર્મોહ છે. ઉદય છે તો છે. તમારે તમારી ચેતનાને ઉદયાધીન બનાવવી કે સ્વસત્તાધીન બનાવવી એ તમારે નક્કી કરવાનું છે. તો તમે ઉદયની ક્ષણોમાં પણ તમારી ચેતનાને સ્વરૂપ દશા તરફ મૂકી દો, મોહ તમને શું અસર કરી શકે!

તમારી air – conditioner chamber હોય, બધી windows કાચની બંધ છે. એ.સી. ચાલુ છે. તમે અંદર બેઠેલા છો. વૈશાખ કે જેઠ મહિને આંધી ઉપડી. તમે જુઓ છો કાચની window ની આરપાર: ધૂળ આવી રહી છે. પછી તો ધૂળ તમારી બારીના કાચને પેલે પાર અથડાઈ પણ રહી છે. રજકણો ટકરાઈ રહ્યા છે આંધીના, બારીના ગ્લાસની પેલી બાજુ… પણ પણ તમારા રૂમમાં એક પણ રજકણ આવવાનું ખરું..? આવી વ્યવસ્થા આજે તમે કરી શકો છો. Now and here. આ ‘શુચિ:’- આ નિર્મલદશા.

આપણે પ્રભુના ભક્ત છીએ ને… પભુનો ભક્ત દીનહીન હોય ખરો?! આ કર્મનો ઉદય આવ્યો ને આમ થયું… ઉદય આવ્યો તો ભલે આવ્યો… ઉદય ઉપર જોઈ લઈશું… બાજુમાં ફેંકી દઈશું. તો પ્રભુએ આપણને આ દ્રષ્ટાભાવની સાધના આપી.

ચિદાનંદજી મહારાજ એક જગ્યાએ કહે છે – “રહત વિકાર સ્વરૂપ નિહારી, તાકી સંગત મનસા ધારી; નિજ ગુણ અંશ લહે જબ કોય, પ્રથમ ભેદ તિણે અવસર જોય” બહુ મજાની વાત એમણે કહી – રહત વિકાર સ્વરૂપ નિહારી ….. હજુ પ્રભુનું દર્શન અઘરું પડે થોડું… દર્શન માટે જાવ ને… પછી આવો, કહો શું? પ્રભુનું દર્શન કરી આવ્યા…. હવે પૂછું તમને… પ્રભુની જે આંગી ધરાવામાં આવી હતી… એનું દર્શન થયું… પ્રભુની મૂર્તિમાં જે સંગે મરમર વપરાયેલો… black, white, કે yellow એનું દર્શન થયું… કે ખરેખર પ્રભુની વિતરાગદશાનું દર્શન થયું…?

પ્રભુનું દર્શન એટલે શું? પાંચ મિનિટ પ્રભુની સામે બેસેલા હો ને તરત જ તમને થશે કે પ્રભુ મને personally કંઈક કહી રહ્યા છે… અને પ્રભુ એ કહેતાં હોય કે હું સ્વમાં ડૂબેલો છું. તું પણ સ્વમાં ડૂબી જા. પ્રભુના મુખ પર આ જે પ્રશમરસ છે. આ જે પ્રસન્નતા છે એનું કારણ શું છે… વિતરાગદશા. તો પ્રભુ કહે છે હું સ્વમાં ડૂબેલો છું. તું પણ સ્વમાં ડૂબી જા. તો શુચિ: ચિદાનંદજી મહારાજ કહે છે, રહત વિકાર સ્વરૂપ નિહારી – ભાઈ પ્રભુનું દર્શન આવડ્યું કે ના આવડ્યું, વાંધો નહિ. તારી અંદર જે વિકારો ઉઠે રાગ – દ્વેષ કે અહંકારના, એને તું જોઈ શકે કે નહિ… બોલ. કેટલું સરસ એમને પ્રારંભ કર્યો છે… રહત વિકાર સ્વરૂપ નિહારી – તારી અંદર ઉઠતાં એક-એક વિકારને, રાગ-દ્વેષ અહંકારને તું છોડ. આ જાગૃતિ આવી ગઈ તો તમે અલગ છો; રાગ-દ્વેષ અલગ છે. તમે દ્રષ્ટા બની ગયા; રાગ અને દ્વેષ દ્રશ્ય બની ગયા. તો બોલો સાધના અવસ્થાની અંદર પણ કેટલી નિર્મલદશા આપણને મળી શકે…

બીજી વાત. દ્રશ્ય તરીકે તમે જુઓ છો: રાગ અને દ્વેષ ને, અને તમે દ્રષ્ટા છો ત્યારે સંબંધ તૂટી જાય છે. તો એ જ રાગ અને દ્વેષમાં force આવતો હતો,  force અટકી ગયો. બોલો આમાં એવી કોઈ વાત ખરી તમે ન કરી શકો. રાગ ન કરો એમ કહેતા નથી, દ્વેષ નહિ કરો એમ નથી કહેતા. પણ રાગ અને દ્વેષ મનમાં ઉઠે તો જોવાનો બસ. આનાથી સહેલી કોઈ સાધના હોઈ શકે ? નિર્મલ બનવા માટે. ઉઠ્યો તો ઉઠ્યો; જોઈ લો. તો શુચિ: તમે નિર્મલ છો. આ નિર્મલ કેમ બન્યા તમે? પરભાવમાંથી મુક્ત બન્યા માટે. રાગ-દ્વેષ-અહંકારથી થોડા તમે વિખુટા પડયા એની આ નિર્મલતા છે.

ત્રીજી સજ્જતા છે: દક્ષ: પરરસથી મુક્ત સાધક – દક્ષ: – એટલે કે પ્રબુદ્ધ હોય. પણ પ્રબુદ્ધતાની વ્યાખ્યા અલગ છે. માત્ર શાસ્ત્રોના જ્ઞાન થી પ્રબુદ્ધતા આવતી નથી. આપણે ત્યાં સાધના માર્ગમાં એક વાત લાલ લીટી દોરીને કહેવામાં આવી છે કે જ્ઞાનાવરણીય નો ક્ષયોપશમ ઓછો હશે તો ચાલશે, મોહનીયનો ક્ષયોપશમ વધારે જોઇશે. તો અહિયાં પ્રબુદ્ધતા નો અર્થ એ છે કે તમારુ મોહનીય એટલું શિથિલ બનેલું છે કે તમે ગુરુના એક આજ્ઞાંકિત શિષ્ય તરીકે સુત્રોને લઇ શકો છો. એક મજાની વાત શાસ્ત્રોમાં  આવે છે, કે શિષ્યોની પાસે કેટલું જ્ઞાન જોઈએ? શિષ્યોની પાસે કેટલું જ્ઞાન જોઈએ?  તો કહેવામાં આવ્યું કે ગુરુની આજ્ઞાને જે decode કરી શકે, બરાબર સમજી શકે એટલું જ્ઞાન હોય શિષ્ય પાસે તો વધારાના જ્ઞાનની જરૂર નથી!

હું મુંબઈ હોઉં અને બ્રીચ કેન્ડી માં મને  લઇ જવામાં આવે. તો ત્યાંનો નિષ્ણાંત ડોક્ટર જે m.b.b.s થયેલો કે m.d થયેલો પછી specialist થયેલો અને એ પછી એને ૨૦ વર્ષનો અનુભવ કર્યો છે. એની ૩૫ વર્ષની વિદ્યા એક મિનિટમાં મને મળી જાય. સદ્ગુરુએ વર્ષોથી નહિ, જન્મોથી જે જ્ઞાન અર્જિત કરેલું છે. એ જ્ઞાન સદ્ગુરુ તમને ક્ષણોમાં આપી દે. એટલે જ આપણે ત્યાં શક્તિપાતની વ્યવસ્થા છે. મારી દ્રષ્ટીએ શક્તિપાત એ lift નું પાંજરું છે.

મુંબઈમાં પાંત્રીસમાં માળે જવું હોય. Electricity fail હોય તો નાકે દમ આવી જાય. લીફ્ટ હોય તો બટન દબાવ્યું કે પહોંચી ગયા. એમ રાગ-દ્વેષ અહંકારની ચુંગાલમાંથી આપણે શી રીતે મુક્ત થઈએ? માત્ર સદ્ગુરુનો શક્તિપાત જ આપણને એમાંથી મુક્ત કરી શકે. તો વાત એ થઈ કે સદ્ગુરુ શક્તિપાત કરવા તૈયાર. તમે તૈયાર ખરા?!

આપણી પરંપરામાં સ્થૂલિભદ્ર્જીની વાત મજાની છે. સ્થુલિભદ્રજી ગુરુ સંભૂતિવિજયજી પાસે ગયા. અને કહ્યું મને દીક્ષા આપો. જ્ઞાની ગુરુ હતા. સ્થુલિભદ્રનો bio-data સામાન્યથી પણ જેને ખ્યાલ હોય એવો ગુરુ એને દીક્ષા આપવાનું સાહસ ના કરી શકે. વેશ્યાને ત્યાં પડ્યો અને પાથર્યો રહેનારો માણસ, એના સગા પિતા મરવા પડયા છે તો કહે છે કે મારું શું કામ છે એમાં? વૈદ્ય ને બોલાવી દો. એ માણસ ને દીક્ષા આપી શકાય ? પણ જ્ઞાની ગુરુએ એક જ જોયું કે મારા શક્તિપાત ને એ ઝીલી શકે એમ છે કે નહિ?  જોયું કે હું શક્તિપાત કરીશ, એ શક્તિપાતને એ ઝીલી લેશે. બસ કામ પૂરું. દીક્ષા આપી, શક્તિપાત થયો. કેવું આમુલચુલ પરિવર્તન આવ્યું, કે વેશ્યાને ત્યાં ચાતુર્માસ માટે મુનિ જાય અને છતાં પણ સ્વની અંદર જ રહેનારા હોય છે. આપણે કહીએ વેશ્યાને ત્યાં એમણે ચાતુર્માસ કર્યું. ના એમણે સ્વમાં જ ચોમાસું કરેલું હતું. વેશ્યા ને ત્યાં નહિ.

સમાધિશતકમાં લખ્યું છે “ વાસ નગર વન કે વિષે માને દુવિધ અબુધ, આતમ દર્શિકું વસતિ કેવલ આતમ શુદ્ધ.” હું નગરમાં રહું છુ કે જંગલમાં એ તો અજ્ઞાની માણસ કહેશે. જ્ઞાની તો માત્ર આત્મ તત્વમાં જ નિવાસ કરનારો હોય છે. તો હવે વાત એ થઈ કે ગુરુ શક્તિપાત કરવા તૈયાર હતા. શક્તિપાત ઝીલવા માટે સ્થુલિભદ્રજી પાસે શું હતું? શક્તિપાત; ફટાફટ કામ થઈ જાય. Instant. સેકન્ડોમાં. ગુરુનું જ્ઞાન હસ્તાન્તરિત થઈ જાય. ગુરુની શક્તિ તમારામાં હસ્તાન્તરિત થઈ જાય.

પણ એ શક્તિપાત ને ઝીલવા માટે શું જોઈએ? તીવ્ર અહોભાવ. એ તીવ્ર અહોભાવની ક્ષણોમાં અહંકાર વિલીન બનેલો હોય. માત્ર ગુરુ હોય અને તમે ન હોવ, આ ભૂમિકા શક્તિપાત ને ઝીલવા માટેની હોવી જોઈએ. અત્યાર સુધી છે ને ગુરુ રહ્યા, તમે ભેગા રહ્યા પાછા. અને સાચું કહો ને તમે કેવી રીતે રહેલાં ગુરુ સાથે? કેન્દ્રમાં તો મારો હું જ છે. ગુરુ પરિધમાં છે ક્યાંક. અને એટલે જ ગુરુ કયા સારા? જે મારાં હું ને પંપાળે એ. અને ડોક્ટર કયા સારા? હેન્ડસમ હોય એ? SMILING FACE વાળા હોય એ? ડોક્ટર કયો સારો, જે આપણા દર્દ ને પિછાણી શકે અને દર્દ ને નિર્મૂળ કરી શકે. એમ ગુરુ કયા સારા? એક સાધના દાતા ગુરુ હોય છે એક મંત્ર દાતા દીક્ષા ગુરુ હોય છે. તો એક જ ગુરુ પાસેથી સાધના લો. દર છ મહીને એમની પાસે જઈને એ સાધના કેવી ચાલે છે એની વાત કરો. આગળની સાધના લો અને એ રીતે કામ કરો. આપણે ત્યાં આખી આ પરંપરા હતી.

ઉપધાન તમે જે ગુરુદેવની નિશ્રામાં કર્યું, એ ગુરુદેવ તમારા મંત્રદીક્ષા દાતા ગુરુ છે અને સાધના તમે જેમની પાસેથી લીધી એ ગુરુ તમારાં સાધનાદીક્ષા દાતા ગુરુ છે. તો properly કામ કરવું છે. મારો અને તમારો સંસાર ચાલુ રહ્યો. આ જ પ્રભુનું શાસન અનેક વાર આપણને મળ્યું. આ જ પ્રભુની દીક્ષા અનેક વાર આપણને મળી. છતાં હું પણ ચુકી ગયો તમે પણ ચુકી ગયા. કારણ શું થયું. સદ્ગુરુને આપણે સદ્ગુરુ તરીકે માની ન શક્યા. ઠીક છે. મજા આવે છે. મારા હું ને પંપાળે છે. માટે મને ગુરુ ગમે છે. એક વાત તમને કહું.

તમારી પાસે જો સદગુરુ સમર્પણ હોય તો તમારે કંઈ જ કરવાનું રહેતું નથી. તમારા માટેની appropriate સાધના તમને સદ્ગુરુ આપે. એ સાધના ને ઘૂંટાવાનું કામ સદ્ગુરુ કરે. એ સાધના માટેનું appropriate atmosphere સદ્ગુરુ તમને આપે. અને તમારી સાધનામાં અવરોધ આવે તો અવરોધ ને હટાવે પણ સદ્ગુરુ. આવતીકાલે આપણે આ જ વિષયો પર જઈશું કારણ સદ્ગુરુ સમર્પણ વિના સાધના મળવાની નથી. અને સાધનામાં આપણે ઊંડા નહિ ઉતરીએ ત્યાં સુધી સ્વાનુભૂતિની કોઈ શક્યતા જ નથી. સ્વાનુભૂતિ જોઈએ જ. બરોબર?

લોકમાન્ય તિલક મહારાજે કહેલું “સ્વરાજ્ય એ મારો જન્મસિદ્ધ અધિકાર છે”. તમે પણ કહી શકો “સ્વાનુભૂતિ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે”. તો આપણે આ સત્રમાં સ્વાનુભૂતિની theorical વાતો પણ કરીશું અને practically પણ આપણે જઈશું. તો હવે આપણે practical કરી રહ્યા છીએ.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *