વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
તળેટીથી શિખર સુધી…
અહોભાવના લયનો હું એટલે તળેટી. આનંદઘન હું એટલે શિખર.
તળેટીથી શિખરની યાત્રાના ચાર ચરણો:
- મોહનીયના ક્ષયોપશમ થકી આજ્ઞાપાલનનો તીવ્ર આનંદ.
- પરમ અસંગ દશા.
- સ્વાનુભૂતિ.
- ઉદાસીનદશા.
મોહનીયના ક્ષયોપશમ માટે જરૂરી પરિબળો:
- પ્રભુ પ્રત્યે તીવ્ર અહોભાવ.
- સદગુરુ પ્રત્યે સમર્પણ.
- પ્રભુની આજ્ઞા પ્રત્યે આદર.
- પ્રભુઆજ્ઞાના પાલકો પ્રત્યે બહુમાનભાવ.
નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિઆણં
નમો ઉવજઝાયાણં
નમો લોએ સવ્વ સાહૂણં
એસો પંચ નમુક્કારો
સવ્વ પાવપ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિં
પઢમં હવઈ મંગલં
મંગલં શ્રીમદ્દ અર્હન્તો, મંગલં જિનશાસનમ્
મંગલમ્ સકલ સંઘો, મંગલમ્ પૂજકા અમી,
કૃતાપરાધેsપિ જને, કૃપામંથરતારયો:
ઇષદ્દબાષ્પાર્દ્રયોર્ભદ્રં, શ્રી વીર જિન નેત્રયો:
કમઠે ધરણેન્દ્રે ચ, સ્વોચિતં કર્મ કુર્વતિ,
પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ:, પાર્શ્વનાથ શ્રિયેSસ્તુ વઃ
જ્ઞાનધ્યાનક્રિયાધિકાર્ય કુશલ:, પ્રધુમ્ન જેતા ગુરુ,
આંતરલોચનમેકમસ્તિ સુતરાં, પૃદભાષિતં યસ્ય વૈ,
ૐકારેણ સુસેવિતોSપિ સતતં, ૐકાર સેવા પરઃ
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, શ્રી સિદ્ધિસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, શ્રી ભદ્રસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, શ્રી ૐકારસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, અરવિંદસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, જયઘોષસૂરીશ્વર:
મજાના તીર્થપરિસરમાં બેસીને દેવાધિદેવ પરમતારક પાર્શ્વનાથ પ્રભુના ચરણોમાં રહીને પ્રભુએ આપેલી સાધનાનો સ્વાધ્યાય કરવો છે, અને એની અનુભૂતિ કરવી છે. પ્રભુની સાધના પરમરસ, પૂજ્યપાદ દેવચંદ્રજી મ.સા. એ પરમતારક અભિનંદન પ્રભુની સ્તવનામાં આ પરમરસ શી રીતે મળે એની વાત કરી. બહુ મજાનો મીઠડો પ્રારંભ સ્તવનાનો છે, કઈ રીતે મને પરમનો રસ આસ્વાદવા મળ્યો, “ક્યું જાણું ક્યું બની આવશે, અભિનંદન રસ રીત” અગણિત જન્મો વીતી ગયા, પણ આ પરમ રસ મળ્યો નથી. આ જન્મનો મારું અવતાર કૃત્ય એક જ છે, આ પરમરસને પીવાનો! “ક્યું જાણું ક્યું બની આવશે, અભિનંદન રસ રીત” અને એ વખતે બહુ જ મજાનો જવાબ અનુભૂતિવાન્ સદ્ગુરૂએ આપ્યો. “પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જશું પરતીત” દેવચંદ્રજી મહારાજ પ્રતીતિની દુનિયાના, અનુભૂતિની દુનિયાના મહાપુરુષ છે. એમણે કહ્યું: પરમરસ તારે પીવો છે? હમણાં પીવડાવી દઉં. તો એના માટેની સજ્જતા કઈ? ‘પુદ્ગલ અનુભવ ત્યાગ’ બહુ મજાની વાત કરી, પુદ્ગલ ત્યાગ કહેતાં નથી, પુદ્ગલોનો ત્યાગ નહિ, પુદ્ગલોની અનુભૂતિનો ત્યાગ. પ્રભુનો મુનિ, પ્રભુની સાધ્વી પણ પરપદાર્થોને તો વાપરે છે, વસ્ત્રો પહેરે છે, પાત્ર રાખે છે, પરનો ત્યાગ નથી, પણ પ્રભુના મુનિ પાસે, પ્રભુની સાધ્વી પાસે પરરસનો ત્યાગ છે. એક મુનિ વાપરીને ઉભા થાય કદાચ પૂછવામાં આવે એમને શું વાપર્યું? તો એ કહેશે કે ખ્યાલ નથી. જે મારા પાત્રમાં મૂકાયેલું એ વપરાઈ ગયું. પરનો ઉપભોગ થયો, પણ એ પર કેવો હતો… એની ઝંઝટમાંથી મન મુક્ત થયું. તો મજાની વાત એ થઇ શરીરને ખાવાનું જોઈતું હતું, શરીરે ખાવાનું લઇ લીધું, મનને તો ખાવાનું જોઈતું નથી, મન એમાંથી મુક્ત રહ્યું,
પ્રભુએ કહ્યું છે અમને અને તમને કે બેટા! તારી પાસે શરીર છે, એટલે રોટલી – દાળનો તું ઉપયોગ કરી શકે છે, પણ એ રોટલી – દાળમાં તું ઉપયોગને, તારા મનને મુકતો નહી. કેટલી સરળ સાધના આપી, અમે લોકોએ દીક્ષા લીધી. પ્રભુએ એવું નહિ કહ્યું, કે બેટા! તારે માસક્ષમણ પર માસક્ષમણ કરવા પડશે. સોળભત્તાની પણ કોઈ શરત પ્રભુએ અમારી સામે મૂકી નથી. “एग भत्तं च भोयणं” અમને આજ્ઞા આપી. કે તારે એકાસણું કરવાનું, મૂળ વાત એટલી જ કહી કે તારા શરીરને ખાવાનું જોઈએ છે, તું શરીરને ખાવાનું આપી દે, મનને એમાંથી મુક્ત રાખ. ઓફિસમાં તમે બેઠા છો, પ્યુન ને તમે કહ્યું, ‘પાણી લાવ’ એટલે પ્યુન ફ્રીજ પાસે જશે. તમે એની પાછળ જવાના? એનું કામ એ કરે, ગ્લાસ ટેબલ પર લાવશે ને પીવાનું કામ તમે કરશો. તો ખાતી વખતે શરીરને કહી દો તું ખાઈ લે, મનને કોઈ મજાની સ્તવનામાં મૂકી દો, તો બહુ મજાની સાધના પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજે આપી, પરરસમુક્તિ.
આપણી આ શિબિરમાં ચાર ચરણોની યાત્રા આપણે કરવાના છીએ. કુમારપાળ મહારાજાએ આત્મનિંદા દ્વાત્રિંશિકામાં જે સાધના આપી છે એ સાધનાને થિયરીકલી અને પ્રેક્ટીકલી આપણે આ સત્રમાં ઘૂંટવાના છીએ. કુમારપાળ રાજાએ ૬૦ – ૬૫ વર્ષની વયે સંસ્કૃત અને પ્રાકૃત ભણવાનું શરુ કર્યું. એમને ખ્યાલ આવ્યો કે પ્રભુની વાણી પ્રાકૃત ભાષામાં છે. એ પછીના પૂર્વાચાર્ય ભગવંતોની વાણી સંસ્કૃતમાં છે. હું જો એ ભાષાઓ ન ભણું તો મારે અનુવાદ દ્વારા એ મહાપુરુષોને વાંચવા પડે. અને એક વાત યાદ રાખો, TRANSLATION IS THE TRANSLATION. TRANSLATION માં મૂળનું charm ક્યારેય પણ ના પ્રગટી શકે. તો ૬૫ વર્ષની વયે સંસ્કૃત અને પ્રાકૃત વ્યાકરણ ભણ્યા. અને પછી એમણે આ મજાની કૃતિ રચી. એમાંનો એક શ્લોક છે. જેના પર આપણે સ્વાધ્યાય કરવાના છીએ, ચાર ચરણોની સાધના છે, પહેલું ચરણ આજ્ઞાપાલન નો તીવ્ર આનંદ. બીજું ચરણ છે, પરમ અસંગ દશા, ત્રીજું ચરણ છે સ્વાનુભૂતિ, અને ચોથું ચરણ છે ઉદાસીન દશા… વ્યવહાર અને નિશ્ચય સાધનાનું એક મજાનું combination એમણે અહીંયા આપ્યું. આજ્ઞાપાલનના આનંદથી અહોભાવથી સાધના શરુ થાય, અને એ અસંગદશામાં જઈને સ્વાનુભૂતિ ને touch કરીને ઉદાસીનદશામાં વિરમી જાય. આજ્ઞાપાલનનો આનંદ, આપણા યુગના શ્રેષ્ઠ સાધક ઋષભદાસજીએ એકવાર સાધનાના આનંદને કેફિયત આપેલી. એમણે કહેલું કે એક ખમાસમણ આપું છું અને એટલો બધો આનંદ ભીતર છલકાય છે, કે મારું નાનકડું અને નાજુક હૃદય આનંદના એ આવેગને વહન કરી શકશે કે કેમ એની મને વિમાસણ થાય છે. જેમ અત્યંત પીડાનો આવેગ હોય તો પણ આપણું હૃદય તૂટી જતું હોય છે, એમ અત્યંત આનંદના આવેગને આપણું હૃદય ક્યારેક સહી નથી શકતું. તો ઋષભદાસજી કહે છે એક ખમાસમણ આપું છું અને એટલો બધો આનંદ ભીતર છલકાય છે કે મારું નાજુક હૃદય આ આનંદને સહન કરી શકશે કે કેમ એની વિમાસણ થાય છે. આજના યુગમાં ઘણી બધી સાધના પદ્ધતિઓ ચાલી રહી છે, મેં એ બધી જ સાધના પદ્ધતિઓનું સર્વે કરી practical કરી અભ્યાસ કર્યો. વિપશ્યનાને તો મેં ઘૂંટી લીધી છે. એ બધી જ સાધનાઓને જોયા પછી, ઘુંટ્યા પછી, પ્રભુની સાધનાને જ્યારે મેં ઘૂંટી ત્યારે મારો આનંદ એકદમ અસીમ થઇ ગયો. મને થયું કે મારા પ્રભુએ આટલી સરસ સાધના મને આપી છે, એક પરરસથી તમે મુક્ત થઇ જાઓ, અને સ્વાનુભૂતિ તમને મળી જાય,
ગુર્જિએફ આજના યુગના યોગાચાર્ય થયા, મેં બધી જ સાધના પદ્ધતિઓ જોઈ છે, એટલે એ ગુરુઓ પણ શી રીતે કામ કરે છે, એ મેં જોયેલું છે. અને એથી જ તમારા પર કામ કેમ કરવું એની મજાની ટેકનીક્સ મારી પાસે છે, તમે સરળતાથી સાધનાના શિખરની અનુભૂતિ કરી શકો એવો માર્ગ પ્રભુએ આપ્યો છે. અને એ માર્ગની journey મારે તમને કરાવવી છે. ગુરુ તરીકે અમારે શું કરવાનું હોય ખબર છે! એક સાધકને તળેટીથી ઉચકીને અથવા એને આંગળી પકડાવીને શિખર ઉપર લઇ તો જઈએ એ સાધક તો શિખર ઉપર બેઠો રહે, ભગવાન અમને કહે કે જા નીચે બીજાને લઈને પાછો આવ. અને અમારી free ની સર્વિસ ચાલી જ રહે. એક સાધના શિબિર ગઈ કાલે જ પૂરી થઇ. આજથી શરુ બીજી… તો ગુર્જિએફ બહુ મોટા સાધનાચાર્ય હતા, રશિયામાં તીફરી શેરમાં એમના આશ્રમમાં એ સાધના ઘૂંટાવે છે, એકવાર એમણે સઘન સાધનાને ઘૂંટાવાનો વિચાર કર્યો. સામાન્યતયા અઠવાડિયા કે દશ દિવસની સાધના ઘૂંટાવતા. એકાદ કલાક લેકચર આપે સમજુતી આપે, અને બાકી ૧૦ -૧૨ કલાક સાધકો પોતાને આપેલા રૂમમાં એકાંતમાં સાધનાને ઘૂંટે. આ વખતે એમણે નવો જ પ્રયોગ કર્યો. ૩૦ ચુનંદા સાધકોને બોલાવ્યા, અને ૩૦ દિવસની સાધના કરવાની હતી, સાધના શરુ થવાની હતી એની આગળની સાંજે બધા જ સાધકોને બેસાડીને ગુર્જિએફે કહ્યું કે અત્યાર સુધી તમે લોકોએ એવી સાધના સાધી છે, જેમાં તમારા રૂમમાં એકલા હતા, અને તમે ભીતર ઉતરેલા. આ વખતે આખી જ વિભાવના મારી અલગ છે. એક જ હોલમાં ૩૦ જણા એ રહેવાનું છે, ૩૦ દિવસ સુધી મારી સમજુતી બહુ ઓછી રહેવાની… એક કલાકનું લેકચર પણ હું આપવાનો નથી. ૧૦ – ૧૫ મિનિટ ખાલી સમજુતી આપીશ. સવારથી સાંજ સુધી માત્ર જાગૃતિમાં રહેવાનું એ તમારી સાધના હશે, જાગૃતિ શું કરે….. સ્વ – પરના બે ખાના અલગ પાડી નાંખે, પછી પરમાં જવું જ નથી, માત્ર સ્વમાં જવું છે. આ સાધકની યાત્રાનો આખો માર્ગ થઇ ગયો. તો ગુર્જિએફે કહ્યું કે તમારી પાસે એવી જાગૃતિ જોઈએ, કે તમારા સિવાયના ૨૯ સાધકો હોલમાં હશે. એક પણ સાધક કંઈક કરે છે, કે એ આમથી આમ ગયો, આવી નોંધ પણ તમારું મન લે તો તમારી સાધના એ વખતે પૂરી થઇ ગઈ. તમારે હોલની બહાર નીકળી જવાનું. દેવચંદ્રજી મ.સા. જે સૂત્ર ઉપર પરમરસનો અનુભવ કરાવવા માંગે છે એ જ સૂત્ર એમણે પકડ્યું છે. મેં તો જ્યારે વૈશ્વિક રીતે સાધનાઓને જોઈ ત્યારે નવાઈ લાગી, કે બધે પ્રભુની સાધના જ આવી ગઈ છે. અને ત્યારે પૂર્વાચાર્ય ભગવંતોનું વચન યાદ આવ્યું કે જે પણ સારપ દુનિયાની અંદર છવાયેલી છે, તે એ દ્વાદશાંગીમાંથી જ નીકળેલી છે. તો ગુર્જિએફ એવી સઘન સાધના કરાવવા માંગતા હતા, કે પર રસથી સાધક બિલકુલ છૂટી જાય. અને પરમ રસનો અનુભવ કરી લે. કેટલું સરળ છે બોલો… હવે પરમાં પણ રસ જેવું કંઈ છે ખરી? હવે આ કપડા શું રસ આપી શકે તમને… આમાંથી કયો રસ ઝરે એ તો કહો, તમે ખુરશી ઉપર બેઠા છો, પગની તકલીફ છે ખુરશી વાપરે. હું પાટ ઉપર બેઠો છું… પણ એ ખુરશી કે પાટ મને કે તમને સુખ કયું આપી શકે…. એ જડ છે, એનામાં સુખ – દુઃખની કોઈ વિભાવના નથી. તો તમને ક્યાંથી આપી શકે. પરમાંથી રસ મળે છે આવું તમે ત્યાં સુધી માનવાના, અને કહેવાના, જ્યાં સુધી પરમ રસની અનુભૂતિ નથી થઇ ત્યાં સુધી… તૈતરીય ઉપનિષદ્ માં ઋષિ કહે છે રસો વૈસ: રસ એક જ છે પરમ રસ. એટલે હું ઘણીવાર કહું છું, કે બીજા બધા જન્મો કરતાં તમારો આ જન્મ મૂલ્યવાન બની શકે છે. બીજા જન્મોમાં પ્રભુશાસન મળ્યું નહોતું, મળ્યું તો માત્ર બહારથી મળેલું હતું. અને એટલે you had no option તમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. પરમરસનો અનુભવ તમારી પાસે હતો નહિ. તો પછી પરમાંથી જ સુખ મેળવવાની ચેષ્ટા તમે કરતા હતા. પણ તમારું મન એ જ પરમાં ક્યારે પણ સુખની અનુભૂતિ કરી શકે નહિ. બદલવું જ પડે. ગુજરાતી લોકો હોય, સવારે નાસ્તામાં ખાખરો અને ચા ખાય.બપોરે રોટલી, સાંજે ભાખરી, તો ઘઉંનો આટો જ કે બીજું કંઈ… એક જ ખાખરો ત્રણેય ટાઇમ ચાલે કે નહિ…. સવારે નાસ્તામાં રોટલી ચાલે કે નહિ… આ બદલાહટ કેમ… મનની છેતરપિંડી માટે કંઈક નવું આવ્યું… તો અનંત જન્મોમાં you had no option આ જન્મ એવો છે, યા પ્રભુ તમને option આપે છે, કે તું ફરવા શા માટે જાય છે… પર પદાર્થો કે પર વ્યક્તિઓમાં શા માટે રહે છે? તું તારામાં રહે ને…. તું આનંદઘન છે. પ્રભુએ કહ્યું, બેટા! તું આનંદઘન છે, એ આનંદની અનુભૂતિ આપણે કરવાની છે, એટલે પ્રવચનો પણ એ સંદર્ભમાં ચાલશે, જે સાધના ધ્યાનાભ્યાસ practically થશે, એ પણ આનંદની અનુભૂતિ માટે થશે.
ગુર્જિએફની એ સાધનામાં અઠવાડિયામાં ૨૫ સાધકો નીકળી ગયા. ૫ સાધકો રહ્યા. પણ એ ૫ એટલા ઊંડા ઉતરેલા કે બીજો શું કરે છે એ તરફ નજર જ જતી નથી. શાર્ત્ર આધુનિક જગતના સારા ચિંતક ગણાય. આલબેર કામુ, શાર્ત્ર, નિત્સે, આ બધા બહુ સારા ફિલોસોફર ગણાય. શાર્ત્રનું એક પ્રસિદ્ધ વચન છે, ‘the other is hell’ બીજો એ જ નરક.અને આ જ વાત વિનયવિજય મહારાજે શાંત સુધારસમાં કરી, ‘પર: પ્રવિષ્ટ કુરુતે વિનાશં’ જ્યાં પરનો પ્રવેશ થયો ત્યાં વિનાશ જ વિનાશ. મારી એવી ઈચ્છા છે કે આ પ્રભુની કૃપા એવી વરસી રહી છે. એવી ઝીલાય જાય, કે પાર્શ્વ પ્રજ્ઞાલય તમે છોડો એ પહેલા તમારા આનંદની અનુભૂતિ એવી થઇ જાય, કે પરમાં તમે રહેશો ખરા… પણ અનુભવ સ્વનો જ હશે. પરનો નહિ હોય. ૫ સાધકો ભીતર ઉતરી ગયા. ૩૦ દિવસ સુધી…. સાધના પૂરી કરી. એ પાંચમાંથી પણ એક સાધક વધુ શ્રેષ્ઠ હતો Ouspensky [ઓસપેસ્કી]. ગુર્જિએફના વિચાર દેહને શબ્દદેહ આપવાનું કામ P D Ouspensky એ કર્યું છે. The fourth way આ બધા સારા પુસ્તકો મૂળ ગુર્જિએફના વિચારો પણ એને શબ્દદેહ આપનાર P D Ouspensky છે. તો એ P D Ouspensky ને લઈને સવારે નાસ્તો કરીને ગુર્જિએફ તૈત્રીસ શેરની શેરીઓમાં ફરવા માટે નીકળે છે. જોવે છે કે ૩૦ દિવસની સાધના પછી Ouspensky માં શું ફરક પડ્યો? તો Ouspensky બધી શેરીઓમાં ફરે છે બધું જોવે છે દુકાનો ખુલી ગઈ છે, ઘરાકો માલ લે છે, વેપારીઓ આપે છે, આ બધું જોવે છે. પણ એને કંઈક નવું જ લાગે છે. એટલે Ouspensky ગુર્જિએફને પૂછે છે, હું આવ્યો મહિના પહેલા ત્યારે જે શહેર હતું આજે એ શહેર દેખાતું નથી. ગુર્જિએફે કહ્યું, શહેર તો એનું એ જ છે તું બદલાઈ ગયો છે. એ જ મુંબઈમાં જવાના પણ મુંબઈ બદલાઈ ગયેલું લાગવું જોઈએ…. ૩૦ દિવસની આ સાધના ભીતર ઉતરવાની થઇ. પરિણામ શું આવ્યું…કે Ouspensky ને બધું meaning less લાગી રહ્યું છે. આપ – શો… ૩૦ દિવસની સાધના પહેલા બધું સરસ લાગી રહ્યું હતું. હવે બધું meaning less લાગે છે. આનો શો અર્થ…. આ આપે અને આ લે… આનો શું અર્થ… આ બધાથી શું મળે? એક સવાલ તમને કરું? What’s your achievement? શું પામ્યા તમે? શું મેળવ્યું? સામાન્ય માણસ ૨૦ – ૨૨ – ૨૫ વર્ષ સુધી ભણે, job કરે અથવા business કરે પછી એના દીકરાઓ છે, એનું પાલન – પોષણ કરે, નાના ફલેટમાંથી મોટા ફ્લેટમાં જાય, ૬૦ – ૬૫ સુધી કર્યા કરે, ઘરડો થાય, પથારીનો આશ્રય લઈને જીવન ચક્ર પૂરું. What’s your achievement? તમે બધા જ પ્રબુદ્ધ સાધકો છો, સાધક નહિ તો પ્રબુદ્ધ લોકો તો છો જ. તો તમને સવાલ થવો જોઈએ… What’s my achievement? શું મેળવ્યું મેં? ઉપનિષદીક પરંપરામાં મૈત્રીનું નામ બહુ જ ગુંજી રહ્યું છે. યાજ્ઞવાલ્ક્ય ને બે પત્નીઓ, યાજ્ઞવાલ્ક્યને સંન્યાસ લેવો છે. ઋષિ થવું છે, તો બંને પત્નીઓને ભેગી કરીને કહ્યું કે મારી પાસે જે સંપત્તિ છે, અડધી અડધી તમે લઇ લો. બે પત્નીઓ હતી. પણ બીજી પત્નીનું નામ કોઈને ખબર નથી. એકનું જ નામ બધા ને ખબર છે. મૈત્રીનું….મૈત્રીને જ્યારે યાજ્ઞવાલ્ક્ય કહે છે અડધો ભાગ તું લઇ લે. ત્યારે જ એ મૈત્રીએ કહ્યું છે કે એ ઉપનિષદોના પૂરાસ્તર પર ગુંજી રહેલા શબ્દો છે. ‘યેનાહં નામૃતાસ્યામ કિમહં તેન કુર્યામ્’ જેનાથી મને અમૃત તત્વ ન મળે, એ બધાનું હું શું કરું? તમે મને તમારો મહેલ, તમારી સંપત્તિ આપવા માંગો છો, પણ શું એનાથી મને અમૃતતત્વ મળશે? અને એ મૈત્રીએ કહ્યું, બધું બેનને આપી દો, હું તમારી પાછળ પાછળ નીકળી પડું છું. તો Ouspensky ને બધું meaning less લાગે છે, પરમરસનો અનુભવ, પરરસ એટલે એકદમ ફિક્કો ફિક્કો તમને લાગે, એ પરરસથી દૂર થવા માટે આપણી પાસે ઘણી બધી સાધનાઓ હતી.
ધન્ના મુનિ અને શાલીભદ્ર મુનિ વૈભારગિરિની ગુફામાં શું કરતા હતા? માત્ર પરમરસમાં ડૂબી ગયેલા હતા. એમનો ફોટો મળતો નથી, એમનું ચિત્ર પણ કોઈએ લીધેલું આપણી પાસે મળતું નથી. પણ આમ કલ્પના ચિત્ર દોરીએ તો કેવા કેફમાં, કેવી મસ્તીમાં એ હશે. ૨૪ કલાક પરમરસમાં ડૂબેલા રહેવાનું, પ્રભુનું સમવસરણ રાજગૃહીમાં મંડાય ત્યારે ધન્ના મુનિ અને શાલીભદ્ર મુનિ પ્રભુને સાંભળવા પ્રભુને પીવા આવે, તમે પ્રવચન સાંભળો કે પીવો? પ્રવચન સાંભળવાનું નહિ, પીવાનું… પીવો એટલે શું થાય? એક શરાબી માયખાનાઅખાડામાંથી ચકાચક પીને નીકળે, આપણે એને પૂછવું ન પડે કેટલો પીધો છે? એનો ચહેરો કહી આપે… પીને નીકળ્યો છે. પ્રભુને પીવાના મને નહિ, યશોવિજય નામની કોઈ સંઘટના પણ નથી. એ તો પ્રભુમાં ડૂબી ગયેલી સંઘટના છે. પ્રભુને પીવો… તો ધન્ના મુનિ અને શાલીભદ્ર મુનિ પ્રભુને પીવા માટે સમવસરણમાં આવતાં, ઈરિયાવહિયા કરી, પ્રભુને વંદન કરી, અને પ્રભુના શબ્દોને પીવા માંડ્યા. તમે સાંભળો છો ત્યારે કાન સાંભળે છે, conscious mind એનું interpretation કરે છે. પણ અસ્તિત્વના સ્તર સુધી એ શબ્દો જતાં નથી. જ્યારે તમે પીવો છો ત્યારે conscious mind બાજુમાં રહે છે, તમે પોતે પીવો છો, તમને કેટલું યાદ રહ્યું એની પણ કોઈ ચિંતા કરવાની નથી, યાદ રહે ન રહે, કોઈ વાંધો નહિ, કશું જ લખવું પણ નથી, recorded લેકચર બધા મળતા જ હોય છે, માત્ર એક ચિત્તથી પીવું છે. ડૂબી જવું છે. પ્રભુના શબ્દોમાં ડૂબીને પ્રભુમાં ડૂબવું છે. તો એ ધન્ના મુનિ અને શાલીભદ્ર મુનિ પ્રભુમય બની જતા. પ્રભુની દેશના પૂરી થાય, બંને નીકળે પોતાની ગુફામાં જવા માટે. ઈરિયા પાલન કરતા હોય, નીચી નજરે ચાલી રહેલા હોય, હવે પૂરી રાજગૃહીમાં એમના નામની ચર્ચા તો થાય જ, શાલીભદ્ર મુનિ ધન્ના મુનિ, આવા ધન કુબેરો હતા, તો ઘણા લોકોએ નામ સાંભળેલું હોય, ઓળખતા ન હોય, કેટલા કહે કે પહેલા પણ જોયેલા હોય, મુનિ તરીકે જોયેલા હોય, અને કોઈ પૂછે આ બે જણા ચાલે છે એમાં ધન્ના મુનિ આગળ કે શાલીભદ્ર મુનિ આગળ? પેલો બતાવે આગળ જાય એ શાલીભદ્ર મુનિ, પાછળ જાય એ ધન્ના મુનિ. સેંકડો આંગળીઓ એમના તરફ તાકતી હોય, હજારો આંખો એમને જોતી હોય, એ બધાથી બેપરવાહ, એ ચાલી રહ્યા હોય. અને એ ગુફામાં જાય, ઈરિયાવહિયા કરે. પછી શું કરે છે? પ્રભુએ theoratical ફોર્મમાં જે કહ્યું એને practical ફોર્મ માં ફેરવવું એની વિચારણા કરે છે. એટલે તમારી બધાની રૂમ છે ને એને પણ વૈભારગિરિની ગુફા બનાવી દેવાની. આમ પણ મૌન તો તમારે છે જ. બોલવાનું છે નહિ. મોબાઈલ તમારો કેટલો કીમતી સમય પડાવી લેતો હતો એ પણ ગયો, એટલે હવે પ્રભુમાં જવાનો સમય તમને ઘણો બધો મળશે. તો ચાર ચરણો કુમારપાળ મહારાજાએ આપ્યા. પહેલું ચરણ આજ્ઞાપાલનનો આનંદ. આજ્ઞાપાલનનો આનંદ મળે ક્યારે? There are some steps પ્રભુ પરનો તીવ્ર બહુમાનભાવ, એના કારણે પ્રભુની આજ્ઞા ઉપર તીવ્ર આદર, એના કારણે પ્રભુની આજ્ઞાના પાલકો ઉપર તીવ્ર આદર, અને એના પછી પ્રભુની આજ્ઞાના પાલનનો આંનદ મળે. આ આખી જ જે શૃંખલા બતાવી એ મોહનીય કર્મના ક્ષયોપશમ પર આધારિત છે. એટલે હું ઘણી વાર કહું છું કે સાધના માર્ગે તમારે ચાલવું છે ત્યારે જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ઓછો હશે તો પણ વાંધો નથી, મોહનીયના ક્ષયોપશમ વિના નહિ ચાલે.
શાસ્ત્રમાં એક પ્રશ્ન કરાયો છે, કે એક શ્રાવક છે, એને દીક્ષા લેવી છે… પંચપ્રતિક્રમણ આવડે છે, અને દીક્ષાનું મૂર્હુત નક્કી થયું પછી દીક્ષાની અંદર જે પગામસિજ્જા વિગેરે સૂત્રો આવશ્યક છે, એ પણ એણે કરી લીધા છે, આટલા સૂત્રો basic એની પાસે છે, અને હવે એ દીક્ષા લઇ રહ્યો છે. દીક્ષા લેતા પહેલા અને દીક્ષા લીધા પછી આ સિવાય કેટલા શાસ્ત્રોનો અભ્યાસ એની પાસે જોઈએ. તો કહેવામાં આવ્યું, કે બીજા એક પણ શાસ્ત્રોનો અભ્યાસ નહિ હોય તો ચાલશે. કારણ એ દીક્ષિત બન્યો, ગુરુને સમર્પિત બન્યો. એટલે ગુરુનું બધું જ્ઞાન એને મળી જાય, તમારી દુનિયામાં એ જ છે ને એક ડોક્ટર એમ.બી.બી.એસ બન્યો પછી એમ.ડી. કે એમ.એસ થયો પછી cardiologist કે કોઈ પણ વિષયનો નિષ્ણાંત બન્યો. એ ૨૦ – ૨૨ વર્ષ સુધી લગાતાર ભણ્યો. એ પછી એણે પ્રેક્ટીસ કરી, મોટી હોસ્પિટલોમાં ૨૪ – ૨૫ વર્ષે એણે પોતાની એક હોસ્પિટલ ખોલી, પછી પણ એનો અભ્યાસ ચાલુ રહ્યો. એ ડોકટર ચાલીશ વર્ષનો છે, તમે એની પાસે જાઓ છો…. તો ૩૫ વર્ષનો એનો અભ્યાસ ૫ વર્ષની ઉંમરે એણે શરુ કરેલ છે. તમે એની પાસે જાઓ, રીપોર્ટ્સ બધા બતાવો એ નિષ્ણાંત ડોકટર તરત જ તમને prescription લખી આપશે. આ દર્દ અથવા દવા કહો, એટલે એ ડોકટરનું ૩૫ વર્ષનું જ્ઞાન તમને બે મીનીટમાં મળી ગયું, તો આ જ રીતે સદગુરુએ બધા જ આગમ ગ્રંથો પૂર્વાચાર્યના ગ્રંથો વાંચેલા હોય, તમને એ બધું જ જ્ઞાન મળી જાય પણ ક્યારે… સદગુરુ સમર્પણ હોય ત્યારે, એટલે મોહનીયના ક્ષયોપશમ માટે સદગુરુ સમર્પણ બહુ જ મહત્વની ચીજ છે. હું એક સવાલ ઘણી વાર કરતો હોઉં છું, પ્રભુશાસન મને કે તમને અતિતની યાત્રામાં પહેલીવાર મળ્યું? કેટલી વાર મળેલું? ઘણીવાર… આ રજોહરણ પણ તમને મળી ચૂકેલું છે. અતિતની યાત્રામાં યાદ ભલે નહિ આવતું હોય, પણ આ રજોહરણ પણ તમને મળી ગયેલું છે. છતાં આપણો સંસાર ચાલુ કેમ રહ્યો? પ્રભુની સાધના મળી, પ્રભુનું શ્રાવણ્ય મળ્યું, જે મોક્ષમાં પહોંચાડી જ દે, એ મળવા છતાં આપણે કોરા કટ કેમ રહી ગયા…. આપણે સાધના કરી, પણ આપણી ઈચ્છાથી કરી, ગુરુદત્ત સાધના આપણી પાસે ન હતી,.
તમે chemist હો? medical સ્ટોર તમારો છે, તમને અસાધ્ય વ્યાધિ થયો, એટલે તમે તમારા medical સ્ટોરમાંથી દવા લઈને ફાંકવા મંડી પડશો? ડોક્ટર આપે તે જ દવા… તો આપણે આપણી અતીતની યાત્રામાં સદગુરુને સમર્પિત ન થઇ શક્યા, સાધના કરી પણ ઈચ્છાથી, અત્યારે પણ કંઈ રીતે ચાલે બોલો..? આજે આઠમ છે તો આયંબિલ કરી લઈએ, આજે આમ છે તો આમ કરી લઈએ… હર પરંપરા જોવો તમે, એક સાધકે પૌષધ કરેલો, એક જ જણે, રાઈ મુહપત્તિ તમે પલેવો, રાઈ મુહપત્તિના અંતે તમે આદેશ માંગો, ‘ઇચ્છકારી ભગવાન પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ આપશોજી’. તમે તો નક્કી કરીને આવેલા હોય કે મારે આયંબિલ કરવાનું છે, ઘરેથી પણ કહીને આવેલા હોય મારે આજે આયંબિલ કરવાનું છે….. તો અહીંયા તમે એકલા છો, ૫ – ૧૦ જણા હોય તો બરાબર છે, અહીં તમે supplementary બોલવાના જ છો પાછા સાહેબજી આયંબિલનું પચ્ચક્ખાણ, તો આદેશની અંદર તમે ન બોલી શકો, ‘ઇચ્છકારી ભગવાન પસાય કરી આયંબિલનો આદેશ આપશોજી’. નહિ કેમ નહિ? આજનું શું તપ કરું એ આજની સાધના છે, અને એ સાધના ગુરુદત્ત જ હોય. તમે તમારી મેળે તમારી ઈચ્છાથી નક્કી ન કરી શકો. અઈમુત્તા મુનિની વાત તમે સાંભળેલી છે. વેશ્યાના ત્યાંથી પાછા આવ્યા ગુરુના ચરણોમાં પડ્યા, ગુરુએ શક્તિપાત કર્યો. શક્તિપાત કર્યો કેટલો બધો ફરક પડી ગયો, કે જે અરણીક મુનિ વૈશાખ અને જેઠની બપોરે ખુલ્લી શેરીઓમાં ચાલી શકતા ન હતા, એ ધખધખતી શિલા ઉપર સંથારો કરીને બેસી ગયા. પણ આતો બહારનો ફેરફાર. અંદર તો આમૂલચૂલ ક્રાંતિ થયેલી છે, તમે આ કથા સાંભળી છે, તમને સવાલ થયો એક ? સદગુરુ એ જ હતા, અરણીક મુનિ એ જ હતા, તો ગુરુએ પહેલા શક્તિપાત કેમ નહિ કર્યો? તો વેશ્યાને ત્યાં જવાની નોબત ના આવત. જવાબ એ અપાયો છે, કે ગુરુ દિક્ષાના પહેલા દિવસથી શક્તિપાત કરવા તૈયાર હતા, અરણીક મુનિ એને ઝીલવા તૈયાર ન હતા, આ એક બહુ મજાની વાત છે, ઘણા બધા સદગુરુઓ શક્તિપાત કરી શકે એમ છે. પણ એ શક્તિપાતને ઝીલવા માટે તમારી પાસે શું હોવું જોઈએ… અરણીક મુનિ જ્ઞાની હતા. ધ્યાની હતા, તપસ્વી હતા, તો where was the fault?
તકલીફ ક્યાં પડી? અવરોધ ત્યાં આવ્યો કી માનતા હતા, કે સાધના નક્કી પણ હું કરું, સાધના કરું પણ હું. ગુરુ તો ખાલી સાક્ષી. સાહેબજી મારે છટ્ઠ કરવો છે પચ્ચક્ખાણ આપી દો… એટલે જે સદગુરુ સાધનામાર્ગમાં કર્તા હતા. એમને એણે સાક્ષી રૂપે બનાવી દીધા. જેને સાક્ષી તરીકે રહેવાનું હતું. એ કર્તા તરીકે બેસી ગયા. તો તમારી સાધના કોણ નક્કી કરે? વિનય પણ પ્રભુએ આપેલી સાધના… વૈયાવચ્ચ પણ પ્રભુએ આપેલી સાધના. સ્વાધ્યાય પણ પ્રભુએ આપેલી સાધના. ભક્તિ પણ પ્રભુએ આપેલી સાધના. તમારા માટેની appropriate સાધના કઈ? કોણ નક્કી કરે? સદગુરુ નક્કી કરે. એક તો સદગુરુ તમારી જન્માન્તરીય ધારાનું આકલન કરે, બોલો તમે બધા જુના જોગી છો ને? નવા નિશાળિયા તો નથી ને? ગયા જન્મમાં સાધના તો કરી છે, તો તમારી કોઈ ધારા હોય, કોઈ સદ્ગુરુ એ તમને વૈયાવચ્ચની ધારા પકડાઈ હોય, કોઈ ગુરુએ કોઈને ભક્તિની ધારા પકડાઈ હોય, આ જન્મમાં તમે સદગુરુ પાસે જાઓ, ત્યારે સદગુર તમારી જન્માન્તરીય સાધના ધારાનું આકલન કરે. અને તમને એ જ ધારામાં મોકલે. મારી પાસે એક સાધક આવ્યા, મને કહે ચાર જન્મથી સદગુરુ ચેતનાએ એને વૈયાવચ્ચની ધારામાં મોકલેલો. મને જો ખ્યાલ ન આવે, અને હું એને સ્વાધ્યાયની ધારામાં મોકલું તો ગુરુ તરીકે હું ફેલ ગયેલો માણસ કહેવાઉં. હા, મારે એની જન્માન્તરીય ધારાનું આકલન કરવું પડે. તો સદગુરુ તમારી જન્માન્તરીય ધારાને જોવે, એ ધારામાં તમને પુશ કરે. એટલે તમારી સાધનાને નિશ્ચિત સદગુરુ કરે. એ સાધના તમને આપે. એટલે આપણે ત્યાં ત્રણ જાતની દીક્ષા છે, સાધના દીક્ષા, મંત્ર દીક્ષા, અને જીવન વ્યાપિની દીક્ષા. ઉપધાન તમે કોઈ ગુરુદેવ પાસે કર્યું અને ગુરુદેવે નમસ્કાર મહામંત્ર તમને આપ્યો, તો એ ગુરુદેવ દ્વારા તમને મંત્ર દીક્ષા મળે. એ ગુરુ મંત્ર દાતા ગુરુ બન્યા. હવે તમને ચાર – પાંચ કલાક રોજ મળે છે, તમે એ જ ગુરુદેવ પાસે તમારી સાધના નિશ્ચિત કરાવો… જે પણ ગુરુઓને તમે વર્ષોથી પૂજતા આવ્યા છો, શ્રદ્ધાથી સત્કારતા આવ્યા છો, એ જ ગુરુના ચરણોમાં જાઓ, કે સાહેબજી ચાર કલાક મળે છે, હું અત્યારે આ સાધના કરું છું. તેમાં મારે શું – શું ફેરફાર કરવો? મારી સાધના આપના દ્વારા અપાયેલી હોવી જોઈએ. તો એ સદગુરુ તમને સાધના આપે. પછી આપણી પરંપરા કેટલી મજાની હતી, દર છ મહીને તમે ગુરુ પાસે જાઓ… પછી એ ગુરુ જોવે કે તમારી સાધનામાં કેટલો ફરક પડ્યો! એ સાધના દ્વારા તમને કયું રીઝલ્ટ મળ્યું…. સામાયિક કરવાનું ગુરુદેવે કહેલું, તમારો ક્રોધ ઓછો થયો કે નહિ… આ બધું જ ગુરુ જોઈ લે, પછી સાધનામાં કંઈ ફેરફાર કરવા જેવો લાગે તો ફેરફાર પણ કરી આપે, તો આટલી મજાની પરંપરાઓ આપણે ત્યાં હતી, તો ચાર ચરણની આપણી સાધનાનું પહેલું ચરણ છે આજ્ઞાપાલનનો આનંદ. અને એના માટે મોહનીયનો ક્ષયોપશમ જરૂરી છે,
મોહનીયનો ક્ષયોપશમ કઈ રીતે થાય? પ્રભુ ઉપર તીવ્ર ભાવ મારા પ્રભુ, મારા પ્રભુ… મારા પ્રભુ… એ પ્રભુ ન હોત હું ક્યાં હોત, હું ક્યાંક રખડતો હોત, એ પ્રભુની કૃપા મળી, હું મનુષ્ય જન્મમાં આવ્યો, પ્રભુની સાધના મને મળી. પ્રભુ ઉપર એટલો બધો બહુમાન ભાવ, સદગુરુઓ પ્રત્યે સમર્પણ, પ્રભુ આજ્ઞાના પાલક સાધુ – સાધ્વીજી અને શ્રાવક – શ્રાવિકા એમના પ્રત્યે પણ બહુમાનભાવ. આનાથી આપણો મોહનીય કર્મ ક્ષયોપશમમાં આવે, કારણ સીધી વાત છે, જ્યાં તમે પ્રભુ ઉપર અને સદગુરુ પ્રત્યે એકદમ ઝુકી ગયા, તમારો હું ધીરે ધીરે સંક્ષેપમાં આવી ગયો. હું આમ ને હું આમ…. મોહનીય હું ને ડહાપણ આવે, મોહનીય નવું પણ બંધાય. હું કાંઈ નહિ, એટલે મોહનીય ક્ષયોપશમમાં, એટલે આ સાધના માટે મોહનીયનો ક્ષયોપશમ કરવો છે, અને એના માટે આપણે હું ના ત્રણ રૂપની journey કરવાની છે, તમારા હું ના ત્રણ રૂપ, એક રૂપ તો તમને પરિચિત છે, અહંકારના લયનો હું, હું આમ કરું, હું આમ કરું…. બીજું પ્રભુશાસન મળ્યું…. એટલે અહોભાવના લયનો હું મળ્યું, મેં પ્રભુનો અભિષેક કર્યો, મને આનંદ આવ્યો, મેં યાત્રા કરી મને આનંદ આવ્યો, મેં પ્રવચન સાંભળ્યું મને આનંદ આવ્યો, ત્યાં હું છે, પણ અહોભાવના લયનો… અને એ અહોભાવના લયના હું માંથી એક high jump લગાવીએ, એટલે સીધું જ આનંદઘન લયનો હું પકડાય. હું એટલે આનંદઘન. અને તમે આનંદઘન બન્યા માત્ર being ની ધારામાં તમે આવી ગયા. Doing એટલે સંસાર, being એટલે સાધના. સાક્ષીભાવ આવ્યો. આનંદઘન લયનો હું મળ્યો. You have not to do anything absolutely. તમારે કંઈ જ કરવું નથી. Being ની ધારા, તો ધીરે ધીરે આપણે આ રીતે ચર્ચા કરીશું, અને તમને theoretical પણ ખ્યાલ આવતો જાય, તમારે ક્યાં પહોંચવાનું છે? અહંકારના લયના હું માંથી અહોભાવના લયમાં. દિવસમાં કેટલા કલાક? ૨ -૩ કલાક…? પણ હવે આપણે એવો high jump લગાવવો છે કે અહોભાવના લયનો હું એ તળેટી બની જાય, અને આનંદઘન લયનો હું એ શિખર બની જાય. એટલે તળેટીથી શિખર સુધીની યાત્રા આપણી શરુ થઇ જાય… હવે આપણે practical ધ્યાનાભ્યાસ શરુ કરીએ. શરીર ટટ્ટાર…. આંખો બંધ… ધીમે ધીમે શ્વાસ લો… ઊંડો શ્વાસ…. પૂરો શ્વાસ… ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો. શ્વાસની breath out શ્વાસનો એક લય, આ દ્રવ્ય પ્રાણાયામ છે, શ્વાસને લયબદ્ધ કરવો. અત્યાર સુધી અધૂરા શ્વાસે જ જીવતા આવ્યા છો… પૂરો શ્વાસ લીધો… પૂરો શ્વાસ છોડ્યો. દ્રવ્ય પ્રાણાયામમાં એ તાકાત છે, ભષ્ત્રીકા વિગેરેમાં કે તમારા heart ના blockage પણ તોડી નાંખે. આપણે દ્રવ્ય પ્રાણાયામમાંથી ભાવ પ્રાણાયામમાં જવું છે.
આ જ વર્ષમાં અહીંયા ઉપધાન થયેલા, હમણાં જ સાધકોએ સાધના કરેલી. એમના સમભાવના આંદોલનો અહીંના વાતાવરણમાં છે. આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે એક suggestion મનને આપો, કે શ્વાસ લેવાય છે, એ સાથે અંદર સમભાવના આંદોલનો જાય છે, અને શ્વાસ બહાર નીકળે છે, એની સાથે અંદર રહેલ ક્રોધના આંદોલનો બહાર વિસર્જિત થાય છે. ન વિચાર… ન નિદ્રા… શરીર ટટ્ટાર… આંખો બંધ, આપણી આજુબાજુ બે ઊર્જાઓ ભરી પડેલી છે. Positive ઉર્જા, negative ઉર્જા, ક્રોધને બહાર કાઢશો એટલે negative ઉર્જા પણ જતી રહેશે. આપણે suggestion કરીશું એટલે positive ઉર્જા રૂપે સમભાવ જ આપણી અંદર આવશે. તો શ્વાસ લેવાય છે, સમભાવ અંદર આવે છે, શ્વાસ બહાર નીકળે છે, ક્રોધ બહાર ફેંકાય છે, બે મિનિટ ભાવ પ્રાણાયામ,…… શરીર ટટ્ટાર… આંખો બંધ…. એક પણ વિચાર નહિ, વિચાર આવે તો બે ઊંડા શ્વાસ લઇ ઝડપથી છોડી દો. વિચાર delete થઇ જશે. ઊંઘ આવે તો આંખ ખોલી દો, પટપટાવી દો, આંખો બંધ કરી દો, એક મિનિટ ભાવ પ્રાણાયામ…… પૂર્ણજાગૃતિ, total awareness જાગૃતિ એ જ સાધના છે. શ્વાસ લો છો… સમભાવ અંદર આવે છે, શ્વાસ બહાર ફેંકો છો ક્રોધ બહાર ફેંકાય છે. બીજું ચરણ ભાષ્યજાપ….. “તિત્થયરા મે પસીયંતુ” ત્રીજું ચરણ માનસ જાપ, બીજા ચરણમાં ભાષ્ય જાપમાં આપણે પ્રાર્થના કરી “તિત્થયરા મે પસીયંતુ” તીર્થંકર ભગવંતો આપનો પ્રસાદ મારા ઉપર ઉતરો. પ્રભુનો પ્રસાદ ક્ષણે ક્ષણે આપણા ઉપર વરસતો રહ્યો છે પણ જે મનના પાત્રમાં, જે અસ્તિત્વના પાત્રમાં એને આપણે ઝીલવું છે. એ પાત્ર અસ્થિર છે, તો ત્રીજા ચરણમાં મનને સ્થિર કરવું છે, ત્રીજું ચરણ માનસ જાપ…. “તિત્થયરા મે પસીયંતુ” એ પદનો મનમાં જાપ કરો…. એકદમ એકાગ્રતા…. મનને માત્ર એક પદ પર સ્થિર કરવાનું છે. શરીર સ્થિર બન્યું, એ રીતે મનને પણ સ્થિર બનાવાનું છે, મનને સતત વિચારવાની ટેવ પડેલી છે, આપણે નિર્વિચાર દશામાં જવું છે. એક મનને આલંબન માટે એક પદ આપ્યું, “તિત્થયરા મે પસીયંતુ” મન બહાર જશે, તરત જ અંદર લાવી દો, બે ઊંડા શ્વાસ લો, ઝડપથી છોડો, વિચારની શ્રુંખલા તૂટી જશે. ત્રીજું ચરણ માનસ જાપ…. અઢી મિનિટ માનસ જાપમાં ડૂબી જાઓ… શરીર ટટ્ટાર… આંખો બંધ… એક પણ વિચાર નહિ …. ન વિચાર.. ન નિદ્રા… મનને એક જ પદ પર સ્થિર કરવાનું છે, “તિત્થયરા મે પસીયંતુ” એક મિનિટ સઘન માનસ જાપ… ન વિચાર … ન નિદ્રા.. ૩૦ સેકંડ …… ચોથું ચરણ ધ્યાન અભ્યાસ… હવે પદને છોડી દો, એકદમ એકાગ્રતા મળી છે, મન ક્યાંય બહાર જતું નથી, તો આપણે અંદરની journey શરુ કરીએ, તમે શાંત છો, પ્રશાંત છો, સમભાવનું ઝરણું તમારી ભીતર વહી રહ્યું છે. એવી શાંતિ તમે અનુભવી શકો… તમે શાંત છો, પ્રશાંત છો, તમારી શાંતિનો અનુભવ કરો. ઘોંઘાટ તો વિચારોના કારણે હતો… વિચાર નથી, મનનું કોઈ પ્રયોજન નથી રહ્યું, હવે તમે જ તમારો અનુભવ કરો છો. એક being ધારામાં તમે વહી રહ્યા છો. તમે જ આનંદઘન છો. તમારા આનંદનો અનુભવ કરો… કોઈ આયાસ નહી કરતા, કોઈ પ્રયત્ન નહિ કરતા, કોઈ શ્રમ નથી કરવાનો, માત્ર relax થઈને તમે બેઠેલા છો, વિચારો નથી આવતાં, એટલે સમીકરણ એવું છે, કે તમે બહાર નથી જતા તો તમે અંદર છો. બે મિનિટ સઘન ધ્યાન અભ્યાસ… શરીર ટટ્ટાર છે… check up કરી લો, મન નિર્વિચાર બન્યું છે, એક પણ વિચાર આવે એને ભગાવી દેવાનો છે, ન વિચાર… ન નિદ્રા… આ પરિસરમાં છે એના કરતા પણ વધુ શાંતિ તમારી ભીતરમાં છે. એ શાંતિનો અનુભવ કરવાનો છે. એક મિનિટ બિલકુલ હાશ…. બિલકુલ જાગૃતિ… ૩૦ સેકંડ… જેટલો હોશ વધુ… એટલી સાધના સરસ થશે, આંખો ખોલી શકો છો, “તિત્થયરા મે પસીયંતુ”.