Maun Dhyan Sadhana Shibir 15 – Vanchan 10

19 Views 34 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

સ્વાનુભૂતિ અને ઉદાસીનદશા

  • પ્રભુએ જે રીતે કહ્યું છે તે રીતે માનવું અને આંશિકરૂપે અનુભવવું – તે સમ્યગ્દર્શન. શરીરમાં હું-પણાની બુદ્ધિ જે અનંત જન્મોથી હતી, તે જાય; હું એટલે નિત્યનૂતન આત્મતત્ત્વ એ માન્યતા સ્થિર થાય અને એવા આત્માની આંશિક અનુભૂતિ થાય – તે સમ્યગ્દર્શન. સ્વની અનુભૂતિ. ચોથું ગુણસ્થાનક.
  • દર્શનમોહનીયના ક્ષયોપશમથી ચોથું ગુણસ્થાનક મળે. પણ ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થયો નથી ત્યાં સુધી પરમાં સુખબુદ્ધિ ટકેલી છે. પરમાંથી સુખબુદ્ધિ ક્યારે ટળે? ઉદાસીનદશા આવે ત્યારે.
  • પાંચમા, છઠ્ઠા, સાતમા ગુણસ્થાનકે ઉદાસીનદશા ઉત્તરોત્તર વધતી જાય. શરીર માટે અનિવાર્ય એવા પર દ્રવ્યોનો ઉપયોગ થાય, પણ પર દ્રવ્યો દ્વારા સુખ મળે – એ બુદ્ધિ, એ ભ્રમણા ખતમ થઇ જાય. સુખ પરમાંથી મળે જ નહિ; સુખ માત્ર પોતાની ભીતરથી જ મળે.

પરમ આર્હત્ કુમારપાળ મહારાજાએ આત્મનિંદા દ્વાત્રિંશિકામાં એક શ્લોકમાં સાધનાના ચાર ચરણો આપ્યા. પ્રભુ આજ્ઞાપાલનનો આનંદ, અસંગદશા, સ્વાનુભૂતિ, અને ઉદાસીનદશા.

સ્વાનુભૂતિ…!  હું કોણ છું?  શરીર સાથે આપણે આપણા હું ને એટલું તો જોડી દીધું છે, કે રાત્રે ૧૨ વાગે ઊંઘમાંથી ઉઠાડીને તમને પૂછે કે તમે કોણ? તો કહે હું જીજ્ઞેશ, હું કિશોર, હું ફલાણો. આ નામની સાથે આ શરીરની સાથે હું પણાને આપણે જોડી દીધું છે.

અસંગદશા ના ત્રીજા ચરણમાં આપણે જોયું હતું, કે આભાસી હું નો ત્યાગ કરીને વાસ્તવિક હું ને આપણે સ્વીકારવું છે. એ વાસ્તવિક હું, એનો અનુભવ એ જ સ્વાનુભૂતિ.

અમૃતવેલ ની સજ્ઝાયમાં એક બહુ મજાની કડી આવે છે. સતત એને રટવાનું થાય ને તો પણ આ હું માં ક્યાંક કાણું તો પડે. કડી છે “દેહ મન વચન પુદ્ગલ થકી કર્મથી ભિન્ન તુજ રૂપ રે, અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ ભરપૂર રે”. હું એક શબ્દ ફેરવવાનું કહું છું તુજ ને બદલે મુજ. એટલે સાધક એ રીતે ચિંતન કરે કે “દેહ મન વચન પુદ્ગલ થકી કર્મથી ભિન્ન મુજ રૂપ રે”. દેહથી મારું સ્વરૂપ ભિન્ન છે. મનથી હું ભિન્ન છું. તમે mind less experience છો. પછી કહ્યું વચનથી પણ હું ભિન્ન છું. પુદ્ગલ થી પણ હું ભિન્ન છું. પુદ્ગલો ને વાપરીએ છીએ આપણે, પણ આપણે જ્યોતિર્મય છીએ. પુદગલ અજ્યોતિર્મય છે, એટલે પુદ્ગલ થી હું ભિન્ન છું. અને છેલ્લે કહ્યું કર્મથી પણ હું ભિન્ન છું. કર્મના જે પુદ્ગલો છે ને એ પૌદ્ગલિક છે. પૌદ્ગલિક હોવાથી એની જોડે આપણો કોઈ સંબંધ નથી. સંબંધ ક્યાં થાય છે? કર્મનો કે રાગ દ્વેષ યુક્ત તમારું મન છે, અહંકાર યુક્ત તમારુ મન છે તો એ મન કર્મના પુદ્ગલોને ખેંચે છે. જે ક્ષણે આપણે બિલકુલ જ્યોતિર્મય બની ગયા, સિદ્ધશીલા ઉપર પહોંચી ગયા, એ જ ક્ષણે એક પણ કર્મ આપણને ચોંટી નહીં  શકે. તો “દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન મુજ રૂપ રે.” અક્ષય અકલંક છે જીવનું, હું અક્ષય છું. દેહનો નાશ થવાનો. હું અવિનાશી છું.

આનંદઘનજી ભગવંતે એમના એક પદમાં  કહ્યું “અબ હમ અમર ભયે ન મરેંગે, નાસી જાસી હમ થીરવાસી ચોખ્ખે વયે નિખરેંગે” નાશવંત શરીર છે. એ નષ્ટ થવાનું જ છે. “હું” હું અવિનાશી છું. મારો નાશ ક્યારેય પણ નથી. એટલે આપણી philosophy માં બે શબ્દો મહત્વના છે. દ્રવ્ય અને પર્યાય. આત્મદ્રવ્ય એ શાશ્વત છે. અનંત કાળથી મારું અને તમારું આત્મદ્રવ્ય નિર્મળ જ હતું, નિર્મળ છે અને નિર્મળ રહેવાનું છે. માત્ર કર્મોનું આવરણ આવી ગયું. જેમ વાદળા આવી ગયા તો સુરજ ઢંકાઈ ગયો, પણ સુરજ કંઈ નષ્ટ થતો નથી. આત્મદ્રવ્ય ત્રૈકાલિક ધ્રુવ છે. અને એની અંદર જે રૂપાંતરો થાય છે તે પર્યાય છે. દેહ એ પણ પર્યાય. દેહમાં બાલ્યાવસ્થા હતી, યુવાવસ્થા આવી, વૃદ્ધાવસ્થા આવશે. એ બધા પણ પર્યાય. રોગ આવ્યો તો એ પણ પર્યાય. સાધના સૂત્ર એ છે કે “પર્યાયોને માત્ર જોવાના ,પર્યાયોમાં જવાનું નહિ” અને દ્રવ્ય ને માત્ર જોવાનું નહિ, દ્રવ્ય ને આત્મસાત્ કરવાનું. આપણી યાત્રા ઉંધી ચાલી. એક-એક પર્યાયમાં તમે જાઓ છો. સૂત્ર એ છે કે પર્યાયને જોવાના છે. રોગ આવ્યો તો જોઈ લીધો. એ રોગ મને નથી આવ્યો.

સાધક તરીકે તમારી ભાષા પણ ફરી જવી જોઈએ. કોઈ પૂછે તાવ આવ્યો ? તમે શું કહેશો? મને તાવ આવ્યો એમ કહેશો? કે આ શરીર ને તાવ આવ્યો એમ કહેશો? શું કહો તમે? તમને, આનંદઘન આત્માને તાવ આવે? શરીર ને કેન્સર થયું. થયું. શરીરને થયું છે, મને શું? તમે આનંદમાં હોવ. શરીરમાં કંઈક રોગ આવ્યો છે. દવા કરવાની. ટકે ત્યાં સુધી ઠીક છે, આ પર્યાય ખતમ થવાનું હોય તો ખતમ થઈ જાય. શું ફરક પડે છે? નવા પર્યાયમાં જઈશું. આ સૂત્ર જો બરાબર ગોખી નાખો, કે એક પણ પર્યાય હોય તે પર્યાય ને માત્ર જોવાનો. એ પર્યાયમાં પ્રવેશ નહિ કરવાનો. પર્યાયને મન નહિ આપવાનું. ઘટના પર્યાય. તમે એક-એક ઘટનાને મન આપવા માંડો છો. આમ કેમ થયું? અરે થયું તો થયું, સ્વીકારી લે, ચાલ આગળ. જે ઘટના ઘટી ગઈ છે, તમારી પાસે એની માટે સ્વીકાર સિવાય કોઈ માર્ગ પણ નથી. તો શા માટે તમે તમારું મન એ ઘટનાને આપો છો. ઘટના વીતી ગઈ. સાંજે ૬ વાગે કોઈએ તમને રફલી કંઈક કહ્યું. તમે બરાબર નથી બેસતા અને તમારું કામ બરાબર નથી ને તમારું આમ નથી. ૬ વાગે એને શરૂઆત કરી અને ૩૦ સેકંડ માં એની વાત પૂરી થઈ ગઈ. એટલે ૬ અને ૧ મિનિટે ઘટના dead થઈ ગઈ. ઘટના મરી ગઈ. ૬ વાગે ઘટના શરુ થઈ, ૬ અને ૧ મિનિટે ઘટના પૂરી થઈ ગઈ. હવે એ dead body ને ઊંચકીને તમે કેટલું ચાલવાના? મહિનાઓ સુધી. વર્ષો સુધી. મને એને આમ કહેલું.

મારાં એક શિષ્યે મને એક વાર કહ્યું કે, સાહેબ! પેલા મહાત્માએ મને આમ રફલી કહ્યું. મેં કહ્યું, હું એને કહી દઈશ. કોઈ પણ સાધુ રફ્લી બોલી શકે જ નહિ. પ્રેમાળ શબ્દો જ એની પાસે હોઈ શકે. પણ પછી મેં એને કહ્યું, કે મને તારી ચિંતા થાય છે. તું મિથ્યાદ્રષ્ટિ થઈ ગયો. એટલે એ ચમક્યો, હું મિથ્યાદ્રષ્ટિ? મેં કહ્યું: હા. મને કહે શી રીતે? મેં કહ્યું, કે તે હમણાં કહ્યું ને,  મને પેલા મહાત્માએ આમ કહ્યું. તો હું એટલે કોણ? તારા આનંદઘન આત્માને એને કહેલું? કે તારા આ શરીરને એણે કહ્યું? અને શરીરને જો તું હું માનતો હોય તો મિથ્યાત્વી જ ગણાય ને! જેમાં જે નથી એમાં એની વિભાવના કરો એટલે એ મિથ્યાદર્શન થયું. તમે શરીરને હું માનો એટલે સમ્યગદ્રષ્ટિ કે મિથ્યાદ્રષ્ટિ? બોલો! આને “હું” જે માને, એ સમ્યગદ્રષ્ટિ કે મિથ્યાદ્રષ્ટિ? એટલે હવે તમારે તો કોઈ દી ફરિયાદ આવે જ નહિ સાધ્વીજીઓને તો, કે મને પેલાએ રફલી કહ્યું, જ્યાં તમે બોલો કે મિથ્યાત્વી થઈ ગયા. બરાબર?

તો ૬ અને ૧ મિનિટે ઘટના પૂરી થઈ ગઈ. એ dead body ને ઊંચકીને તમે મહિનાઓ સુધી , વર્ષો સુધી ચાલો. પણ સેંકડો વાર તમે પ્રવચન સાંભળશો અને છતાં તમારો હું શરીરમાં સિમિત રહેવાનો છે. એ હું તમને ગેરંટી સાથે કહું. કારણ, માત્ર શ્રવણથી, માત્ર વાંચનથી, આ અનંત જન્મોની ખોટી અનુભૂતિ જવાની નથી. અનુભૂતિથી જ અનુભૂતિ જશે. જ્યાં સુધી આનંદઘન ચૈતન્ય ની અનુભૂતિ તમને નહિ થાય,  ત્યાં સુધી આ શરીરમાં “હું” પણાની અનુભૂતિ છે એ કઈ રીતે ટળવાની? એટલે જ “સમ્યગદર્શન” ની પહેલા “સ્વાનુભૂતિ” પહેલા ભેદજ્ઞાન નો અભ્યાસ આવે છે. આપણે ત્યાં એક બહુ સરસ ગ્રંથ છે. “અધ્યાત્મબિંદુ”.

હર્ષવર્ધન ઉપાધ્યાયે એ લખેલો છે. હું એને શ્વેતાંબરીય સમયસાર કહું છું. એકદમ નિશ્ચય “શુદ્ધ નિશ્ચય” નો  પ્રતિપાદક એ ગ્રંથ છે. એમાં હર્ષવર્ધન ઉપાધ્યાય લખે છે કે “યે યાવંતો ધ્વસ્તબન્ધા અભુવન્ ભેદ્જ્ઞાનાભ્યાસ એવાત્ર બીજં.” જે પણ મહાત્માઓ સિદ્ધિપદ ને પામ્યાં, એમની એ સિદ્ધત્વની પ્રાપ્તિમાં મૂળ કોઈ હોય તો ભેદજ્ઞાન નો અભ્યાસ હતો. એટલે હવે તમારે સાધક તરીકે એ અભ્યાસ ચાલુ કરવો જોઈએ. હું આ નથી , હું આ નથી, હું આ નથી. એક નવકારવાળી ગણાય હો, હું એટલે શરીર નહિ, હું એટલે શરીર નહિ, હું એટલે શરીર નહિ.

એ જ ગ્રંથમાં એમણે લખ્યું છે. “બંધોદયોદિરણસત્વમુખ્યા, ભાવાપ્રબન્ધ ખલુ કર્મણામ્ સ્યામ્” એ કહે છે. બંધ, ઉદય, ઉદીરણા, સત્તા એ બધું ખરું. પણ એ કર્મને. મારે શું? હું નિત્ય-મુક્ત આત્મા જ છુ. મારે વળી કયો બંધ અને કયો ઉદય? ઉદય કર્મને છે. મારે શું? તો ભેદજ્ઞાન નો અભ્યાસ સતત કરવો છે. “હું” આ નથી.  “હું” આ નથી.  “હું” આ નથી.

એક હિંદુ સંત હતા. ઘણા બધા શિષ્યો એમના. ભકતવૃંદ પણ મોટું હતું. જ્યાં પણ નિર્મળ ચેતના હોય ને ત્યાં વૃંદ એકઠું થવાનું. આપણને સહુને આકર્ષણ જે રહેશે તે નિર્મળ ચૈતન્ય નું રહેવાનું. કારણકે આપણે નિર્મળ બનવું છે તો નિર્મળ મહાપુરુષના aura field માં આપણે રહીએ તો આપણે પણ નિર્મળ બની જઈએ. તમે લોકો સ્થૂળમાં ઉતરી આવ્યા શબ્દોના સ્તર ઉપર. આપણી પહેલાની પરંપરા શબ્દોની નહોતી.

ઉદ્યાનમાં આચાર્યભગવંત બિરાજમાન હોય. એકલ-દોકલ કોઈ જાય ઉદ્યાનમાં. સાહેબની પાસે ૫-૧૦ મિનીટ બેસે. બસ વંદન કર્યું, ભાવથી બેઠા અને એ ભાવને કારણે   ગુરુદેવના દેહમાંથી જે ઉર્જા નીકળતી હોય એ ઉર્જા જે છે એ પકડાઈ જાય. અને એ વ્યક્તિ નિર્મળ બની જાય.

બ્રિટિશરો જયારે આપણા દેશમાં આવ્યા ત્યારે  અમુક વાતો એમને ન સમજાઈ. બહુ મોટા સંત હોય અને એમના દર્શન માટે લાઈન લાગેલી હોય. લોકો તડકામાં ઉભેલા હોય કલાક – બે કલાક સુધી. અને એમનો વારો આવે  તો ચરણસ્પર્શ કર્યો  ન કર્યો જાવ આગળ જાવ. તો પેલા લોકો ને નવાઈ લાગે, કે ગુરુ ઉપદેશ આપતા હોય તો બરાબર કે આપણે સાંભળીએ . પણ આ લોકો આ શું કરે છે? પછી એમને ખ્યાલ આવ્યો કે સદ્ગુરુ ના દેહમાંથી ઊર્જા વહેતી હોય છે, અને ચરણોમાંથી એ ઊર્જા વધુ પ્રમાણમાં વહેતી હોય છે, એટલે એ લોકો ચરણોનો સ્પર્શ કરે છે. તો શબ્દો બહુ સ્થૂળ છે. સદ્ગુરુની ઊર્જા, જે સૂક્ષ્મ હોય છે.

અમે લોકો એક નાનકડા ગામમાં ચોમાસું હતા, ગુરુદેવ અરવિંદસૂરિ દાદાની નિશ્રામાં. એ ગામમાં જૈનોના ૭૦-૮૦-૧૦૦ ઘર. ખુલ્લાં તો એકેય નહિ પણ ચોમાસાના કારણે ખોલેલા. વ્યાખ્યાનમાં ૨૦૦ જૈન ભાઈઓ ૮૦૦ હિંદુ ભાઈઓ-બહેનો. એ હિંદુ ભાઈઓ ને એક વાર મેં કહ્યું, કે ગુરુદેવ ઉપાશ્રયમાં બિરાજમાન છે. ગુરુદેવ સ્વાધ્યાય કરતા હોય, માળા કરતા હોય, કે જે કરતા હોય એમને disturbance ન થાય તે રીતે થોડે દૂર તમારે બેસી જવાનું. ભાવથી બેસી જવાનું તો એમના દેહમાંથી નીકળતી ઉર્જા તમને purify બનાવશે. અઠવાડિયા પછી એ લોકોએ મને કહ્યું, કે સાહેબ એક મહિનો તમારું પ્રવચન સાંભળ્યું અને જે અસર ન થઈ,  દાદાની પાસે ચાર દિવસ બેઠા કોકની બીડી છુટી ગઈ, કોકની સિગરેટ છુટી ગઈ, કોકના ગુટખા છૂટી ગયા. દાદા તો એક શબ્દ બોલતા નથી.

સંતોની ઉર્જા આ કામ કરતી હોય છે. તો એવા એક હિંદુ સંત હતા. કે જેમની ચેતના નિર્મળ હતી. એ ગુરુ વિહારમાં હોય ત્યારે એ જોળી પોતાની પાસે રાખતા. શિષ્યોને કહી દીધેલું કે આ જોળી કોઈએ પણ ક્યારેય ખોલવાની નહિ, કે કોઈએ ઉપાડવાની પણ નહિ. હું જ ઉપાડીશ. શિષ્ય એટલે શિષ્ય. સમર્પિત વ્યક્તિત્વ. ગુરુએ કહ્યું પછી કોઈ સવાલ પણ ઉઠતો નથી. શા માટે ગુરુએ ના પાડી? Guru is the supreme boss. અમારા ત્યાં આખી પરંપરા જે છે ને એમાં જ્ઞાનનું મહત્વ ઓછુ છે. સમર્પણનું મહત્વ વધારે છે. શિષ્યની પાસે કેટલું જ્ઞાન હોવું જોઈએ, એ એની કોઈ લાયકાત નથી, સજ્જતા નથી. પણ એ શિષ્ય સદ્ગુરુ ને સંપૂર્ણતયા સમર્પિત છે કે નહિ એટલું જ જોવાનું હોય છે. તો આ ગુરુના શિષ્યો બધા સમર્પિત હતા. ગુરુએ ખાલી કહી દીધું આ જોળી ને કોઈએ અડવાનું નહિ, કોઈએ ઉપાડવાની નહિ. તહત્તિ.

એક વાર એવું બન્યું. વિહારયાત્રા માં થોડા ભક્તો પણ જોડાયેલા . ભક્તો પણ ઘણા સમર્પિત હતા. એક શિષ્યે કહી દીધું ભક્તોને કે ગુરુદેવની આ જોળી છે. કોઈએ ઉપાડવાની નહિ કે કોઈએ ખોલીને જોવાની પણ નહિ. બધાએ સ્વીકારી લીધું.. પણ એક જણો થોડોક અવળાચંડો નીકળ્યો. એને થયું કે એવું તો શું હશે જોળીમાં? કે ગુરુ ના પાડે છે. એક વાર ગુરુદેવ કોક મંદિરે ગયા હશે. શિષ્યો બધા સાથે. ભક્તો પણ જોડે ગયેલા. આ ભાઈ એક રોકાઈ ગયા બહાનું કાઢીને. કોઈ નહોતું. પેલાએ જોળી ખોલી. ખોલી અને એ તો નવાઈમાં ડૂબી ગયો. મરેલા માણસની ખોપરી જોળીમાં હતી.

આપણી ભારતીય સાધના પદ્ધતિમાં જે વામ માર્ગ હતો એમાં આવું બધું વપરાતું. એ લોકો મેલીવિદ્યા વિગેરે કરતા એમાં હાડકાનો, મરેલા માણસની ખોપરીનો ઉપયોગ કરતા. પેલો ભક્ત ચોંકી ગયો કે ગુરુ આટલા સાત્વિક છે. અને એમની જોળીમાં મરેલા માણસની ખોપરી? તો શું મેલીવિદ્યા એ કરતા હશે? શંકા નો કીડો એના મનમાં જન્મ્યો. પછી એને તો બધાને વાત કરી નાંખી. કે ગુરુની જોળીમાં મરેલા માણસની ખોપરી છે. ગુરુને ખ્યાલ આવી ગયો કે આણે વાત લીક કરી નાખી છે. વાંધો નહિ. ગુરુ તો નિર્મળ ચેતના છે. અને નિર્મળ ચેતના જે છે, એ પારદર્શક સ્ફટિક જેવી છે. Crystal clean hearted.  એને કાંઈ છુપાવવાનું હોતું નથી. દંભી માણસ હોય જેને બોલવું જુદું છે,અંદર કરવું કંઈક જુદું છે. એને કંઈક છુપાવવાનું હોય. નિર્મળ મનુષ્યને છુપાવવાનું કાંઈ હોતું જ નથી. બધા શિષ્યો, ભક્તોને ભેગા કર્યા અને કહ્યું કે મારી જોળીમાં તમે જોઈ લો હવે મરેલા માણસની ખોપરી છે. હવે બધાને શંકા થાય કે આ તો તાંત્રિકવિદ્યા માટે ઉપયોગમાં આવે એવી વસ્તુ છે. ગુરુ કેમ રાખે? તો ગુરુએ કહ્યું કે એકવાર રાતના સમયે સ્મશાનમાંથી મારે પસાર થવાનું થયું. કારણ કે હું ક્યારેક જંગલમાં રહેતો. કયારેક કોઈ જંગલમાં આવેલ મંદિરમાં, ખુલ્લાં ઝાડ નીચે પડ્યો રહેતો. આ તમે બધા શિષ્યો થયા એટલે મકાનમાં રહું છું. એકલો હતો ત્યારે તો આ રીતે રહેતો. એમાં એકવાર હું સ્મશાનમાંથી પસાર થતો હતો અને ત્યારે અંધારાની અંદર મારા પગ નીચે કંઈક અથડાયું. શું છે?  હાથમાં લીધું. પછી ખ્યાલ આવ્યો મરેલા માણસની ખોપરી છે. એ વખતે મને strike થઈ એકદમ, કે આ માણસ એ પણ અહંકારી તો હશે જ,  કદાચ શ્રીમંત પણ હશે, અને એના મનમાં એટલો બધો અહંકાર હશે કે “હું છું તો દુનિયા ચાલે છે”.  એ માણસ મરી ગયો અને એની ખોપરી આમ રખડે છે. ગુરુ કહે છે “કે મને થયું કે આ વસ્તુ સારી છે.  હું મારી જોળીમાં આને રાખું. રોજ સવાર-સાંજ  એનું દર્શન કરું કે ભાઈ તારી હાલત પણ આગળ આવી જ થવાની છે. અહંકાર કરતો નહિ. એટલે આના માટે મેં આ ખોપરી રાખી છે. તમે કોઈ ના હોવ ત્યારે આ જોઈ પણ લઉં છું. જેથી અહંકાર મારો ક્યારેય પણ ઉદિત ના થાય.” તમારો અહંકાર.

બુદ્ધ ભગવાન પાસે એક સાધક આવેલો એણે કીધું “સાહેબ મને દીક્ષા આપો.” બુદ્ધે જોયું કે એનો વૈરાગ્ય હજુ ઓછો છે. તો બુદ્ધે કહ્યું “એક કામ કર. એક મહિનો અહીંના સ્મશાનમાં તારે રહેવાનું છે. સવારથી સાંજ સુધી. રાત્રે ગભરાય તો ઘરે જતો રહેજે. પણ સવારથી સાંજ સુધી તારે સ્મશાનમાં રહેવાનું. ટીફીન ઘરેથી મંગાવી લેવાનું. અને ખાલી જોયા કરવાનું.” પેલો કહે સારું. પહેલો જ દિવસ સવારના ૧૦ – ૧૧  વાગ્યા હશે અને એક શબવાહિની આવી. સેંકડો માણસો જોડે. એક જણાને આણે પૂછ્યું: કોણ મરી ગયું? તો કહે નગરશેઠ. આપણા નગરના પ્રસિદ્ધ શેઠ. હો! હો! એ મરી ગયા?  હા, એ મરી ગયા. પેલા વિદ્યાર્થીને, શિષ્યને ખ્યાલ આવ્યો હો! હો! આ શેઠ, એમના તો ઘણા ભાષણો મેં સાંભળ્યા છે એ ભાષણોમાં એ જ કહેતા: હું છું અને આ નગર ચાલે છે મારા ગયા પછી તમારું શું થશે? અને પેલા સાધકને થયું એ તો મરી ગયો. દુનિયા તો આરામથી ચાલે છે. ચાલે નહિ દોડે છે.

રોજ એક પાલખી આવે. કોણ મરી ગયું? ફલાણા ભાઈ. હો,હો આ તો માનતા હતા, કે મારા વગર નગર ચાલે જ નહિ. એ મરી ગયા. રામ બોલો ભાઈ રામ. નગર તો બરાબર જ ચાલે છે. એક મહિનામાં એનો વૈરાગ્ય પરિપક્વ થઈ ગયો. કહે હું હું હું. પણ આ હું નો આધાર શું?

હું નાનો હતો ને ત્યારે એક જગ્યાએ મારું ચાતુર્માસ. નાની વયમાં સેંકડો પુસ્તકો વાંચી કાઢેલા. એટલે ભાષાનું sophistication હતું. પ્રવચન હું આપતો. એ વખતે યોગના એક પ્રશિક્ષક મને યોગ શીખવવા આવતા. તો મારું પ્રવચન પૂરું થાય પછી પાએક કલાકે આવતા. એકવાર મારું પ્રવચન ચાલુ હતું ને એ આવી ગયા. પ્રવચનમાં એ બેઠા પણ ખરા. પછી પ્રવચન પૂરું થયું. અમે ઉપર ગયા. યોગ સાધના શરુ કરવાની હતી. ત્યાં એ પ્રશિક્ષકે મને પૂછ્યું , કે તમારું પ્રવચન સરસ ગયું હોય તો તમને feeling કેવી થાય? અને કોઈ પણ પ્રવચનકાર હોય તેના અમુક પ્રવચનો flop પણ જતા હોય છે. તો flop જાય તો તમારી feeling શું હોય? હું નવો-સવો પ્રવચનકાર હતો. મેં કીધું: દેખીતી વાત છે. સારું પ્રવચન જાય તો મજા આવે. થોડો અહંકાર ઉભો થાય. અને flop ગયેલું  હોય તો સહેજ ગ્લાનિ થાય. એ વખતે એ યોગના પ્રશિક્ષકે મને પૂછ્યું, કે સાહેબ! તમારાં અહંકારનું કોઈ qualification? તમારો અહંકાર છે પણ એની પણ એક identity ખરી? મેં કીધું: તમે શું કહેવા માંગો છો? મને કહે કે તમારી સભામાં ૧૦૦-૧૫૦ જણા હશે. તો ૧૦૦ જણા રાજી થયા તો શું ફરક પડે છે? ન રાજી થયા તો શું ફરક પડે છે?

એ વખતે એમણે મને કહ્યું, કે મોરારિબાપુ જેવા કથાકાર હોય. લાખો માણસો ને પોતાના શબ્દોના સંમોહન થી નચાવતા હોય, રડાવતા હોય. એ માણસ પોતાના એ શબ્દો પર અહંકાર કરે તો એ અહંકારનું પણ સાર્થક્ય કહેવાય. મને વાત ગમી ગઈ. કે અહંકારની પણ કંઇક credit. એની પણ કંઇક વાસ્તવિકતા હોવી જોઈએ. તો હું ને આ રીતે ખોતરું. ખોતરી-ખોતરી ને કાઢો. તો ભેદજ્ઞાન નો અભ્યાસ એક બાજુ સ્વની અનુભૂતિ બીજી બાજુ. એટલે આપણે ત્યાં બે માર્ગ બતાવ્યા છે. દેવચંદ્રજી મહારાજે ઋષભદેવ પ્રભુના સ્તવનમાં કહ્યું, “પ્રીતિ અનંતી પર થકી, જે તોડે તે જોડે”. અનંતી પ્રીત પર સાથેની છે. આ પુદ્ગલ સાથેની પણ છે. એને તોડો. તમારી સાથે જોડાઈ જાઓ. તો એક માર્ગ  તોડ-જોડ નો છે. બીજો જોડ-તોડ નો છે. સ્વાનુભૂતિ કરી લો, આનંદઘન ચૈતન્ય સાથે જોડાઈ જાઓ, બીજુ બધું છૂટી જશે. યા તો જોડ-તોડ, યા તો તોડ-જોડ.

કોઈ પણ માર્ગે તમે જઈ શકો. આનંદઘન ચૈતન્યની અનુભૂતિ. એક સાંભળો તો પણ તમને કેટલું મજાનું લાગે?કે શું એવી જીંદગી હોઈ શકે ? કે જેમાં એક ક્ષણ પીડાની ના હોય, વિષાદની ના હોય. માત્ર ને માત્ર આનંદ છલકાતો હોય. આવી જીંદગી કોને ના ગમે બોલો? બધાને ગમે ને. તમારી જિંદગીમાં માત્ર ને માત્ર આનંદ જ છલકાતો હોય. આવું બની શકે છે. U can do this, if u desire. તમે કરી શકો છો. But, if u desire. તમારી તીવ્ર ઝંખના હોય તો. આ જીવન કોઠે પડી ગયું હોય, તો માણસ એમાંથી બહાર નીકળવાની ઈચ્છા પણ નહિ કરે. એટલે અનંતા જન્મો કર્યા. આ જન્મને આપણે બિલકુલ અલગ કરવો છે. અનંત જન્મોમાં આ જ રતિ અને અરતિ નું ચક્કર ચાલ્યું. તમારું સુખ બીજાના હાથમાં હતું. તમે સ્વાધીન કે પરાધીન બોલો… તમારું સુખ બીજાના હાથમાં છે. કોઈ કહે તમે સારા તો તમને સારું લાગે છે. એક પ્રવચન આપ્યું ખાલી. સંઘના પ્રમુખ છો, ઉપપ્રમુખ છો, કે ટ્રસ્ટી છો. પાંચ મિનીટ પ્રવચન આપ્યું. કોક કહે: વાહ! બહુ સરસ બોલ્યા એટલે અહંકારનો ફુગ્ગો ફુલાયો. કોક કહે યાર શું બોલ્યા તમે કાંઈ? ધડ-માથું કાઈ સમજાતું જ નહતું. એટલે ફુગ્ગામાં ટાંકણી ઘોંચાઇ. તમારાં અહંકારના ફુગ્ગામાં ટાંકણી ઘોંચનારા કેટલા છે કહું છું, હા! તોય, ફુલાવ-ફુલાવ કરો છો ફુગ્ગો.

એક ભાઈએ એક સ્તવન ગાયું. એનો કંઠ આમ સારો. પણ એ દિવસે થોડી શરદી થયેલી. એટલે શરદી થાય તો ગળા ને અસર થાય. સહેજ તરડાયેલું. પણ સંગીતની એવી ઊંડી સમજ હતી. ઢબ બહુ મજાની હતી. એટલે સહેજ તરડાયેલો અવાજ હોય તો બીજાને કંઈ ખબર પડે નહિ. એટલે અજાણ્યા પાંચ-સાત સાંભળતા હતા. એ લોકોએ તો enjoy કર્યું એ સ્તવન. Enjoy કર્યું, એ લોકો ડૂબી ગયા એમાં. પાછળથી એમણે કહ્યું કે “વાહ, શું મજા આવી ગઈ. તમારી સ્તવના. અમે તો ભક્તિમાં ડૂબી ગયા”. પણ દસ જણા જે રોજ સાંભળતા હતા સ્તવનને, એ કહે: શું યાર! તમારા સ્તવનમાં આજે કાંઈ મજા જ ના આવી. શરદી થઈ ગઈ છે આમ, ગળું તરડાઇ ગયેલું, તો મજા જ ના આવી.  આ તમારા ફુગ્ગાને ફુલાવનારાએ ઘણા, ટાંકણી ઘોંચનારાએ ઘણા. હવે આવું જીવન તમને પસંદ પડે છે? મારે તમને પૂછવું છે!

અમારામાં અને તમારામાં ફરક આટલો જ પડશે. અમે પ્રભુને માટે જીવીએ છીએ. અમારું મિશન એક સ્પષ્ટ થઈ ગયું. ‘રીઝવવો એક સાહિબ’ મારા પ્રભુને જ માત્ર મારે રીઝવવા છે. અને હું મારી ભીતર જાઉં. મારા પ્રભુની આજ્ઞા નું પાલન થઈ ગયું. કારણ, પ્રભુની છેલ્લી આજ્ઞા છે, તું તારામાં સ્થિર થા. એટલે હું સ્વાનુભૂતિ માં જાઉં.  એટલે પ્રભુ રાજી થઈ ગયા. તમારે કેટલાને રાજી રાખવાના? એમાં ગામમાં, સોસાયટીમાં કે સંઘમાં election હોય કેટલાને રાજી કરવાના? એક વાત કહું. આ સોસાયટી તમને ક્યારેય recognize કરવાની નથી. તમે બહુ ઉંચે ગયા હોવ ત્યારે નોંધ લેવી પડે છે પણ સમાજ તમારી નોંધ કઈ રીતે લે છે? ગીધની દ્રષ્ટિથી.

એ ઉંચે ગયેલો માણસ. એનો છોકરો કે છોકરી રાત્રે ભાગી જાય, જોઇલો આખા  સમાજના બધાના મોબાઇલો ધણધણી ઉઠશે. સાંભળ્યું આ પેલો, આપણો પેલો. એનો દીકરો, એની પેલી દીકરી જુવાનજોધ ભાગી ગઈ. તમને રસ ક્યાં છે? લોકોને રસ તમારો ટાંટીયો પકડીને તમને પછાડવામાં છે. અને એ સમાજનું સર્ટીફીકેટ તમારે જોઈએ છે? અને એના માટે આખી જીંદગી તમે વેડફી રહ્યા છો? તમે ખરેખર પ્રબુદ્ધ છો. તમારાં માટે કરો ત્યાં સુધી બરાબર માનું. તમારે પરિવાર છે. તમારાં દીકરાઓને સારામાં સારું education આપો. એના માટે તમારી પાસે પૈસા જોઈએ. તમે સમાજના મોભી છો. તમારું ઘર સારું હોય. તમારાં મોભા પ્રમાણે સંપત્તિ હોય. મને એમાં ક્યાય વાંધો નથી. પણ તમારી પાસે જે છે. એ તમારાં માટે જ કે સોસાયટી માટે? લગભગ માણસોની નજર એ હોય છે. સોસાયટીમાં  નંબર-૧ એક સ્થાપિત થઈ ગયો છે, નંબર-૨ પણ સ્થાપિત થઈ ગયો છે, નંબર-3 હું બની જાઉં. આખી જીંદગી મહેનત કરે. મહેનત શા માટે? સોસાયટી મને recognize કરે. અરે ભાઈ પ્રભુ તને recognize કરે, સદ્ગુરુ તને recognize કરે. એના માટે તું જીવન વાપર ને. સદ્ગુરુ ને પૂછી લે. સાહેબ! તમે કેવી રીતે રાજી થાવ ? મારે તમને રાજી કરવા છે. આપણે ત્યાં સો વરસ પહેલાની એક ઘટના આવે છે.

ગામડામાં એક શેઠ રહેતા ધંધો તો સામાન્ય. પણ એ વખતે  રૂ નો સટ્ટો ચાલે. તો આ શેઠ રૂ ના સટ્ટામાં ગયા. પહેલી જ વાર ગયા. સટ્ટામાં પાયમાલ. હવેલી પણ ગઈ. બધુ જ ગયું. શાહુકાર માણસ હતો. બધું જ દેણું ચૂકતે કર્યું. પણ એ ચૂકતે કરવામાં ઘરેણાં બધાયનાં વપરાઈ ગયા, રોકડ બધી વપરાઈ ગઈ, હવેલી  વહેંચાઇ ગઈ એની. નાનકડું ઘર ભાડે લઈને, નાનકડી દુકાન કરી એને ચલાવવા લાગ્યો. બે દીકરીઓ હતી. એકના લગ્ન થઈ ગયા. પણ આવી પરિસ્થિતિમાં લગ્ન તો કેવી રીતે થાય? સામાન્ય રીતે કરી નાખ્યા. અને એમાં નસીબનું પાંદડું ફર્યું. ફરી સટ્ટામાં ઊંચકાઈ ગયો એકદમ. એ જ હવેલી પાછી લઇ લીધી. હતા, એના કરતા વધારે પૈસા થઈ ગયા. હવે એને થયું કે મારી પાસે પૈસા તો થઈ ગયા. પણ મારો સમાજ એને ન જાણે તો શું કરવાનું? એક બહેનને કહી દઈએ કે ૫૦ લાખના દાગીના, પણ આજે SAFETY નથી બહાર ફરવામાં. એટલે તારા રૂમની અંદર તારે પહેરી દર્પણ સામે જોઈ લેવાનું. કોઈ બેન તૈયાર થાય? એ કહે બીજાને ના દેખાડું તો દાગીના ન કહેવાય.. તમારે શું દેખાડવું છે બીજાને ?  એવા ગુણો તમારાં હોય કે બીજાને એને જોઇને આનંદ થાય. તો શેઠ કહે છે કે આ દીકરીના લગ્ન એવી રીતે કરુ ને , સમાજને ખ્યાલ આવે કે કેટલું કમાયો છે આ? પોતાના જ્ઞાતિના પંદર ગામો. પંદરે ગામોની અંદર જઈ રૂબરૂ પત્રિકા આપી આવ્યા. પત્રિકા પણ એ જમાના પ્રમાણે બહુ સારી. અને પત્રિકાની જોડે એક કિલો ચાંદીનો દાગીનો. એક કિલો. તો પહેલેથી જ છાપ પડી ગઈ. પંદર ગામ વાળા આવવાના. પંદર મોટા મોટા મકાનો ગામમાં રાખ્યા. આ ગામ વાળા આ મકાનમાં, આ ગામ વાળા આ મકાનમાં. અઠવાડિયા સુધી જાન ને રોકવાની દસ દિવસ- પંદર દિવસ બધા રહો. ખાઓ પીઓ અને મજા કરો. ત્રણ ટાઇમ ભોજનશાળા ચાલુ. આખા ગામ માટે અને મહેમાનો માટે. મીઠાઈમાં, ફરસાણમાં જોવાનું કામ નહિ. એ તો ખરું-ખરું. પણ જે ઉતારા  હતા પંદર, ત્યાં પણ નવકારશી થી માંડીને સુર્યાસ્ત સુધી બદામ-પિસ્તા વાળું દૂધ   ચાલુ ને ચાલુ  ઉકળતું  હોય. ચા ઉકળતી હોય. અને શિયાળો હતો તો ડ્રાયફ્રુટ ની થાળીઓ ખુલ્લી મુકેલી હોય. ખાવું હોય એટલું ડ્રાયફૂટ ખાઓ. હવે આવું લગ્ન?  સો વર્ષ માં કોઈએ નહિ દેખેલું. તો શેઠ ને થયું કે આખો સમાજ ખુશ-ખુશ થઈ ગયો હશે. પણ લોકોના મોઢેથી વાત સાંભળું તો મને આનંદ થાય. એટલે એ જાન ને વિદાય આપી. એ વખતે ગાડાઓમાં જાન આવે. પચાસેક ગાડા આવેલા. એ તો જાનના. બીજા બધા તો જુદા પાછા. તો જાનને વિદાય આપી. ગાડા એક પછી એક વિદાય થાય છે. નેળિયાની અંદર. ત્યારે શેઠ ઘોડા ઉપર બેસી ટૂંકા રસ્તેથી આગળ પહોંચી ગયા. આગળ નેળિયું હતું. અને જાળી કાઢી , જાળી માં શેઠ છુપાઈ ગયા. પછી એક પછી એક ગાડા આવવા માંડ્યા. દરેક ગાડાઓમાં વાતચીત ચાલતી હોય. તો પહેલા ગાડામાં વાતચીત ચાલતી હતી, કે આણે બહુ સરસ લગ્ન કર્યા. જાન ને દસ-દસ દિવસ રોકી. શું ખવડાવ્યું! શું પીવડાવ્યું! એક જણો કહે, મીઠાઈઓ તો ત્રણ-ચાર રાખી પણ ફરસાણો એટલા સારા બનાવ્યા કે આપણો હાથ ફરસાણ ઉપર જ જાય.અને ચણા ના ફરસાણ ભજીયા અને ઢોકળા. ગરમા ગરમ ખાઈએ, તો હારાએ ગરમ ચા ની વ્યવસ્થા રાખેલી પણ ઠંડા પાણી ની વ્યવસ્થા જ રાખેલી નહિ. શેઠે છેલ્લે તો છેલ્લે શું કરેલું એમની નાતમાં જે જાનૈયા આવેલા હોય, એ બધાને રૂપિયા-રૂપિયા નું, એ વખતે રૂપિયો એટલે ગાડાના પૈડા જેવું. રૂપિયો-રૂપિયો આપતા. બહુજ સુખી માણસો સોનામહોરો  આપે. શેઠે તો શું કર્યું? સોનામહોરના તપેલા ના તપેલા દરેક ઉતારા ઉપર મોકલી આપેલા. તમારે લેવા હોય એટલા લો! સોનામહોર. તપેલા ભરીને રાખેલા , મુઠ્ઠીઓ ભરી-ભરી ને લો તમે. બીજું ગાડું આવ્યું તો કહે: શું આની ઉદારતા? કોઈ હોય તો સોના મહોર આપે અને આપણા નાતમાં હજુ તો બે જણા એ સોનામહોર આપી છે. બાકી તો રૂપિયા વાળા જ . પણ આને તો તપેલા ભરી-ભરી ને  સોનામહોર મોકલાઈ છે. એટલે એક જણો કહે સોનામહોરના તપેલા તો મોકલ્યા પણ એની દાનત ખોરી હતી. જો ખરેખર એને બધાને આપવા જ હતા તો એક રૂમમાં રાખવા જોઈએ. લોકો રૂમમાં જાય અને મુઠા ભરીને લઇ આવે. આ તો જાહેરમાં મુકેલા હોય તો આપણા જેવા ખાનદાન માણસો બધાની વચ્ચે થોડા મૂઠા ભરીને લે. એક ગાડું એવું ના નીકળ્યું કે જેમાં શેઠની પ્રસંશા ન થઈ હોય. આ સોસાયટી. અને એ recognize કરે એ તમારી ઈચ્છા છે.

તો તોડ-જોડ અને  જોડ-તોડ. યા તો સ્વનો આનંદ મેળવી લો , પર છુટી જાય. યા તો ભેદજ્ઞાન ના અભ્યાસ દ્વારા આ હું નહિ, આ મારું નહિ ,આ હું નહિ, આ મારું નહિ. એ રીતે અભ્યાસ ને દૃઢ બનાવો અને સ્વાનુભૂતિ કરો. આ જન્મ માત્ર ને માત્ર સ્વાનુભૂતિ માટે મળેલ છે. આપણે આપણને ન ઓળખીએ તો આનાથી મોટી કોઈ વિડંબના હોય? તમે, તમને ના ઓળખાતા હોવ?  T.V ના ટચુકડા પડદા ઉપર આખી દુનિયાના દ્રશ્યો તમે LIVE જોઈ શકો છો. પાંચ હજાર કિલોમીટર દુર એક જગ્યાએ એક ઘટના ઘટે છે, એ LIVE તમે તમારાં દિવાનખંડ માં જોઈ રહ્યા છો.તમારાં ફોન ઉપર ઘણાની જોડે તમે મળો છો. પણ તમે તમને મળ્યા? બોલો તમારી APOINTMENT માટે કેટલો સમય રાખ્યો છે? આજથી એક શરૂઆત કરો. તમારી  APOINTMENT તમારે લેવાની. દસ મિનીટ તમારી સાથે તમે બેસો. તમે તમારી જાતને પૂછો. આજે ગુસ્સા થી પેલાની જોડે બોલેલો. શું એ ગુસ્સો જરૂરી હતો? મેં ગુસ્સો ન કર્યો હોત, અને પ્રેમથી એને કહ્યું હોત તો કદાચ વધુ સારું RESULT ન મળ્યું હોત? તમે તમારી APOINTMENT લો. તમે તમારાં દોષો ને જુઓ, કે આ દિવસ દરમિયાન મેં ક્યાં-ક્યાં ભૂલો કરી? દોષ જુઓ, દોષો દેખાય, દોષો ડંખે અને દોષો જાય.

એના માટે એક ત્રિપદી છે. આત્મનિરીક્ષણ, સંકલ્પ અને જાગૃતિ. પહેલું આત્મનિરીક્ષણ- APOINTMENT. તમારી જાતનું નિરીક્ષણ કરો. કે આજે દિવસ દરમિયાન ક્યાં-ક્યાં ભૂલ થઈ? આસક્તિ ક્યાં થઈ? ગુસ્સો ક્યાં આવ્યો? અહંકાર ક્યાં આવ્યો? તો પહેલું ચરણ- આત્મનિરીક્ષણ. પછી સંકલ્પ કરો. ધારો કે ,ચાર દોષ દેખાણા. કામ એક ઉપર જ કરો, એક સાથે ચાર ઉપર કામ નથી કરવું. પહેલા એક જ દોષ પકડો, કે ગુસ્સો મને આવેલો. ગુસ્સાથી હું બોલેલો. એક અઠવાડિયા સુધી ગુસ્સાથી બોલવું નહિ. સંકલ્પ કરો. અને એ સંકલ્પ પછી. ત્રીજું ચરણ છે જાગૃતિનું. સહેજ મનમાં ગુસ્સો આવી જશે તરત જાગૃતિ આવશે, નહિ મારે ગુસ્સાથી બોલવાનું નથી. તો આત્મનિરીક્ષણ, સંકલ્પ અને જાગૃતિ. દોષો નીકળતા નથી. એવું ક્યારેય પણ નહિ કહેતા. દોષો તમારે કાઢવા નથી. તાવ આવ્યો હોય તો ડોક્ટર પાસે જાવ. અને એમાં આગળ વધેલા હોવ અને ડોક્ટર કહેશે બાયોપ્સી નો report કઢાવવો પડશે. એ report તો કદાચ નીલ જ આવવાનો હોય , પણ બાયોપ્સીનો report કઢાવવો પડશે આવી વાત ડોક્ટર કહે તોય ધ્રુજારી થઈ જાય. રોગથી આટલા ડરો છો. દોષોથી કેટલા ડર્યા? અમે દોષોને કાઢી આપીએ. અમારી પાસે so many ટેકનીક્સ છે. એક-એક સાધક માટે, એક-એક ટેકનીક છે. પણ તમારે દોષ કાઢવા છે? કાઢવા હોય તો નીકળી જ જાય.

તો આત્મનિરીક્ષણ, સંકલ્પ અને જાગૃતિ. એ રીતે દોષો નીકળશે, ગુણોની પ્રાપ્તિ થશે. એટલે સ્વાનુભૂતિ ની યાત્રા શરુ થઈ ગઈ. તમારી વીતરાગદશા તમને મળે, તમારો સમભાવ તમને મળે, તમારી નમ્રતા તમને મળે એટલે સ્વાનુભૂતિ ની તમારી યાત્રા શરુ થઈ ગઈ. એ જ સ્વાનુભૂતિ ને પ્રેક્ટીકલ માં આપણે ચોથા ચરણમાં જોઈએ છીએ, કે જયારે સમભાવનો આપણે અનુભવ કરીએ છીએ. અત્યાર સુધી સામાયિક કર્યા. સામાયિક તૂટે. ક્યારે તૂટે? પ્રાયશ્ચિત લેવા ક્યારે આવો? કાચા પાણીના છાંટા અડી ગયા સામાયિકમાં તો સામાયિક ભાંગી ગયું. છેલ્લે બોલો ને બત્રીસ દોષોમાંથી જે પણ દોષ લાગ્યો હોય તેનું મિચ્છામિ દુક્કડમ્. તમને કેટલા દોષ યાદ છે? તમે સામાયિકમાં બેઠેલા હોવ અને તમારાં વેવાઈ ગામમાં આવેલા હોય. એમને તમને મળવું છે. ઘરે ગયા. ઘરે તમે ન હતા. ઉપાશ્રયમાં સામાયિક કરતા હતા. એ ઉપાશ્રયમાં આવ્યા. તમે ખાલી એમ પૂછો, ઓહ, કેમ છો? મજામાં છો? સારું થયું આવ્યા. તો પણ તમારું સામાયિક ભાંગી જાય. વચનનો દોષ લાગે. ખ્યાલ છે આ?  અને ગુસ્સો કરો તો સામાયિક રહેજ નહિ. તો ચોથા ચરણમાં આપણે સમભાવનું પ્રેક્ટીકલ કરીએ છીએ. એ સમભાવનો અનુભવ કરવો છે. એના કારણે જે શાંતિ મળે છે, જે આનંદ મળે છે. તેનો અનુભવ કરવો છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *