વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
સ્વાનુભૂતિ
- સ્વગુણાનુભૂતિ – આત્માના અનંત ગુણોમાંથી કોઈ પણ ગુણનો (સમભાવ, આનંદ, નમ્રતા વગેરે) અનુભવ એ સ્વગુણાનુભૂતિ.
- સ્વરૂપાનુભૂતિ – રાગ-દ્વેષના મળથી રહિત, કર્મોથી વણલેપાયેલા, અખંડાકાર ચૈતન્યનો અનુભવ એ સ્વરૂપાનુભૂતિ.
- નિર્વિચાર દશાના ફાઉન્ડેશન પર સ્વના અનુભવની સાધના થઇ શકે.
પરમાર્હત્ કુમારપાળ મહારાજાએ આત્મનિંદા દ્વાત્રિંશિકાના એક શ્લોકમાં સાધનાના ચાર ચરણો આપ્યા છે. વ્યવહાર સાધનાથી નિશ્ચયસાધનામાં કઈ રીતે જવાય એની બહુ જ મજાની સાધકની હૃદયંગમ યાત્રાનો આલેખ ત્યાં આપવામાં આવ્યો છે. પહેલું ચરણ – પ્રભુ આજ્ઞાપાલનનો તીવ્ર આનંદ, બીજું ચરણ – પરમ અસંગદશા, ત્રીજું ચરણ – સ્વાનુભૂતિ, અને ચોથું ચરણ – ઉદાસીનદશા. પહેલું ચરણ – પ્રભુ આજ્ઞા પાલનનો આનંદ… પરમાત્માને જોતાની સાથે જ આંખોમાંથી ચોધાર આંસુ વરસવાનાં શરુ થઇ જાય, મારા પ્રભુ… મારા પ્રભુ… એ પ્રભુની કૃપા અગણિત જન્મોથી આપણા ઉપર વરસતી આવેલી. આપણે એ કૃપાને ઝીલેલી નહી, આ જન્મમાં પ્રભુના ચરણોમાં નિવેદન કરીએ, કે, પ્રભુ! હવે માત્ર ને માત્ર તારી કૃપાની વર્ષામાં ભીંજાવું છે.
અગણિત જન્મોમાં આપણી ઇન્દ્રિયો અને આપણું મન પર કેન્દ્રિત રહ્યા. પર પદાર્થો, પર વ્યક્તિઓ, એના તરફ જ આપણી ઇન્દ્રિયો કેન્દ્રિત થયેલી રહી, આપણું મન પણ પર તરફ ફોકસ થયેલું રહ્યું. હવે એ ઇન્દ્રિયોને, એ મનને પરમ કેન્દ્રિત બનાવવા છે. તમે પરમ કેન્દ્રિત બન્યા, પછી સ્વ કેન્દ્રિત બનવામાં કોઈ સમય લાગવાનો નથી. મહોપાધ્યાય માનવિજય મ.સા. ની એક સ્તવના આજે સવારે આપણે પ્રભુના ચરણોમાં પેશ કરી હતી. શીતલનાથ પ્રભુના ચરણોમાં સમર્પિત થયેલી એ સ્તવના હતી. એમાં એક બહુ મજાનો આયામ મહોપાધ્યાયજીએ પકડ્યો છે. એક – એક ઇન્દ્રિયને અને મનને પ્રભુ કેન્દ્રિત કઈ રીતે બનાવવા..? પહેલી જ એમણે આંખને પકડી. કારણ આપણી આંખ બહુ જ SENSITIVE છે, બીજી બધી ઇન્દ્રિયો કરતા વધુમાં વધુ SENSITIVE હોય તો એ આંખ છે. એમ મનાય છે કે ૩ સેકંડ સુધી આંખમાં એક રૂપ ઝલકેલું હોય, અને મનને એના પ્રત્યે સહેજ ગમો થાય, તો એ પદાર્થ કે એ વ્યક્તિ તમારી ચેતનામાં પ્રતિબિંબિત થઇ જાય છે. માત્ર ૩ સેકંડ તમારી આંખોમાં એ પ્રતિબિંબ ઝળક્યું. મનને એ પ્રતિબિંબ ગમી ગયું. બસ, એ પ્રતિબિંબ તમારી આંખોમાં, તમારા મનમાં વસી ગયું. એટલે જ આપણે ધ્યાનાભ્યાસ કરાવીએ છીએ ત્યારે આંખોને બંધ રખાવીએ છીએ. UITIMATE GOAL એ છે કે ખુલ્લી આંખે ૨૪ કલાક તમે જાગૃતિમાં હોવ, અત્યારે જે ધ્યાનાભ્યાસ કરાવીએ છીએ, એ પહેલું પગથિયું છે. પણ UITIMATE GOAL એ છે કે ૨૪ કલાક આંખો ખુલ્લી હોય અને તમે જાગૃત હોવ. પ્રભુએ આચારાંગ સૂત્રમાં કહ્યું કે “मुणिणो सया जागरन्ति” પ્રભુની આપણા પરની કેટલી શ્રદ્ધા….. મારો મુनी, મારી સાધ્વી ૨૪ કલાક જાગૃત જ હોય. એ જાગૃતિ એટલે તમે સ્વમાં જ હો. પર અને સ્વનું DIVISION પડી ગયું, કાલે સમજાવ્યું હતું એમ પરપદાર્થોનો ઉપયોગ થશે. પણ તમારું મન, તમારી ચેતના એ પર પદાર્થોમાં નહિ જાય, અમારું પાંચમું મહાવ્રત અપરિગ્રહ. તમારું પાંચમું અણુવ્રત પરિગ્રહ પરિમાણવ્રત. પરિગ્રહ એટલે શું? પરિગ્રહની વ્યાખ્યા શું? બહુ મજાની વ્યાખ્યા આપી છે, પરિગ્રહ એટલે પદાર્થો રાખવા, આવી વ્યાખ્યા હોય તો સાધુ પણ પરિગ્રહી થઇ ગયો. પરિગ્રહની વ્યાખ્યા એ છે કે તમારી ચેતનાનું પરપદાર્થોમાં કે પર વ્યક્તિઓમાં ન જવું તે. તમારી ચેતના ગમાથી કે અણગમાથી પરપદાર્થમાં ગઈ એનું નામ પરિગ્રહ, આ ચાદર પ્રભુની મેં ઓઢી છે. એટલે મને અહોભાવ થાય કે પ્રભુની ચાદર મેં ઓઢી છે. પણ આ જ ચાદર પ્રત્યે સહેજ પણ રાગદશા મારી ભીતર આવે, તો હું પ્રભુનો અપરાધી થઇ ગયો. હું પરિગ્રહી થઇ ગયો. અપરિગ્રહી ન રહ્યો.
ચશ્મા કોઈ ભક્તે બનાવીને મને આપ્યા છે, મારી ઈચ્છા આવી ભારે ચશ્માની નહોતી. પણ બનીને આવી જ ગયા, પહેરું પણ છું હું, પણ એમાં મારો ગમો છલકાય, તો હું પરિગ્રહી બની જાઉં, તો તમારી ચેતનાને, તમારા ઉપયોગને, તમારા મનને પરમાં ક્યાંય જવા દેવો નથી. તો આંખોને બંધ કરીને જે આપણે સાધના કરીએ છીએ, એ સાધનાનો પહેલો પડાવ, છેલ્લો પડાવ એ છે કે ૨૪ કલાક આંખો ખુલ્લી છે, હું પ્રવચન આપું છું, હું લોકોને વાસક્ષેપ આપું છું અને હું મારામાં રહું, પ્રભુએ મને સ્પષ્ટ કહ્યું છે કે તારી નિશ્ચય સાધના એક જ છે, તારે તારામાં રહેવાનું છે, આપણે એકદમ સંક્ષેપમાં સમજીએ તો પ્રભુની વ્યવહાર સાધના શું..? તમારા ખ્યાલમાં છે. પ્રભુએ આપેલ સામાયિક, એ પૂજા, એ પ્રતિક્રમણ, આ બધી જ વ્યવહાર સાધના અમૃત સાધના. નિશ્ચય સાધના શું? તમે તમારામાં રહો, એ નિશ્ચય સાધના. બોલો તમે તમારામાં કેટલો સમય? આજુબાજુવાળામાં કેટલો સમય?
આ પણ પર જ છે, શરીર પણ પર જ છે, આનું ધ્યાન રાખો તો પણ તમે પરમાં જ છો. તો હવે મને કહો, કે સ્વમાં તમે કેટલો સમય છો? આપણે ત્રીજા ચરણમાં સ્વાનુભૂતિ કરવાની છે. તો પ્રભુએ અમને આ મજાની સાધના આપી. મારે તમને એક જ સવાલ કરવો છે આજે, કે આ સાધના અમને મળી એની ઈર્ષ્યા તમને આવે છે? શું કહો છો મ.સા. તમે ૨૪ કલાક સ્વમાં…. અમારી જોડે વાતો કરતા હોય તો પણ સ્વમાં. પ્રભુની કૃપાથી અને સદ્ગુરુદેવની કૃપાથી દીક્ષા પછીના ૩૦ વર્ષ મને એકાંતમાં ગાળવા મળ્યા. મોટા ગુરુદેવની ઉંમરના કારણે ઉત્તર ગુજરાતના થોડાક નાના ગામોમાં અમારી વિહાર યાત્રા સીમિત હતી. બહુ જ ભાવુક ગામો…. બહુ જ મજાના જિનાલયો, બહુ મજાના ઉપાશ્રયો. ગુરુદેવે મારી સજ્જતાને પરખી. ગુરુ તો એ જ છે. જે શિષ્યોની સજ્જતાને બરાબર પરખી શકે, અને એ સજ્જતાને ખોલી શકે. તો એમણે મને છૂટ આપી. કે આમ તો હું એકાંતમાં રહેવાની નાના સાધુને છૂટ ન આપી શકું. પણ તારા માટે હું છૂટ આપું છું. જે ક્રિયા વિગેરે કરવાની છે એ સમુહમાં કરવાની, પ્રતિક્રમણ આદિ…. તને કોઈ કામ સોંપેલું હોય તો એ કામ તારે કરી લેવાનું. બાકીનો બધો સમય તું એક રૂમમાં રહે, અને સ્વાધ્યાય કરે, સાધના કરે મારી તને છૂટ છે. અનુમતિ છે. તો એવા ૩૦ વર્ષ મને મળ્યા.
અચાનક ગુરૂદેવનો કાળધર્મ થયો, અને સીધું જ મારે ઉચકાઈને post પર આવી જવું પડ્યું. ગુરુદેવ એ ચોમાસું સુરતના બહુ પ્રતિષ્ઠિત સંઘ અઠવાલાઇન્સમાં નક્કી કરીને ગયેલા. ગુરુદેવ નક્કી કરીને ગયેલા એટલે મારે તો એને OBEY થવાનું હતું. મેં ત્યાં પ્રવેશ પણ કર્યો. મુનિવૃંદ તો મોટું હતું જ, મેં ટ્રસ્ટીગણ સાથે અને અગ્રણી શ્રાવકો જોડે મીટીંગ કરી, મેં એમને કહ્યું કે હું તમને એક કલાક પ્રવચન આપીશ, અને સાધકોની ઈચ્છા હશે તો એક કલાક વાચના પણ આપીશ. પણ આ બે કલાક તમને આપીશ ૨૨ કલાક મારા જ રહેશે. એક પંન્યાસજી મહાત્માને હું બહાર રાખી મુકીશ. એ લોકોને વાસક્ષેપ આપશે. બહુ મોટો સંઘ હતો, સવારથી સાંજ સુધી બધું ચાલ્યા કરે, મેં કહ્યું તમારી વ્યવસ્થા બરાબર સચવાશે. એક પીઢ મહાત્મા બેઠેલા રહેશે, ઉંમરલાયક… વાસક્ષેપ આપ્યા કરશે, પચ્ચક્ખાણ આપ્યા કરશે. પણ હું તમને માત્ર બે કલાક આપીશ, વધારે નહિ આપું. ખરેખર શ્રી સંઘ અમને જે આપે છે, એનાથી અમારી આંખો ભીની બને છે. અમારી સાધના ઉંચકાય એના માટે V.V.I.P treatment અમને શ્રી સંઘ આપે છે. હું મારા મુનિઓને વારંવાર કહું છું, કે શ્રી સંઘ તમને શું આપે છે…? તમારા શરીર માટે જે પણ જોઈએ તે બધું જ તમને શ્રી સંઘ આપે છે. અને એની સામે શ્રી સંઘની કોઈ અપેક્ષા નથી. અનુકૂળતા હોય, તો શેષ કાળમાં અડધો કલાક – કલાક વ્યાખ્યાન આપો. ન અનુકૂળતા હોય તો ન પણ આપો. આવો ગુણીયલ સંઘ અને આવી V.V.I.P treatment. અમારે જો ભીતર ઉતરવું હોય, તો તમારા તરફથી પૂરી સુવિધા અમને મળેલી છે. મજાના ઉપાશ્રયો છે, અને અમે લોકો અમારા સાધુઓને કહીએ છીએ એક રૂમ – બે રૂમ પહોંચી જાઓ ત્યાં…. ગોરેગાંવમાં હું હતો, ચોથો માળ સોંપી દીધેલો સાધુઓને…. જાવ, ચોથા માળ ઉપર અને ત્યાં જઈને સાધના કરો. સ્વાધ્યાય કરો. એ લોકોએ મારી વાત પ્રેમથી સ્વીકારી. સાહેબ! આપની સાધના આપ કરો. કારણ આપ જેટલા ઊંડાણમાં જશો અમને લાભ મળવાનો જ છે,
એક સાધ્વીજી પ્રવચન ભલે ન આપે, પણ એ સાધનાના ઊંડાણમાં જાય, અને એનો દેહ સાધનાની ઉર્જાથી ભરાઈ જાય. તમે માત્ર એમને શાતા પૂછવા આવો, એમના સાધના પૂત દેહમાંથી જે ઉર્જા નીકળે, એ ઉર્જા તમને purify બનાવી દે. મેં હમણાં પૂણે માં પણ કહેલું, અને ઘણા શહેરોમાં કહું છું કે રવિવારે તમે લોકો સાધ્વીજી ભગવંતોની શાતા માટે રાખો, જેટલું પહોંચાય એટલું…. તમે જ્યાં રહો છો ત્યાંથી કિલોમીટર, ૨ કિલોમીટર, ૩ કિલોમીટરની ત્રિજ્યામાં જેટલા સાધ્વીજી ભગવતીઓ ફ્લેટમાં, ઉપાશ્રયમાં રહે છે, એ બધાના તમને addresses મળી જવાના. વિહાર સેવા ગ્રુપો, અને એ બધા ગ્રુપો બહુ જ activate છે આજે તો રવિવાર, ત્યાં પહોંચી જાઓ બધે, ૨ – ૩ કલાક સુધી. અને બધા જ સાધ્વીજી ભગવતીઓને પૂછો શું સાહેબ! શું કામ? શું સેવા? અમારી પાસે નહિ આવો તો ચાલશે. ત્યાં જજો.
એવી સાધ્વીજીઓ આજે આપણે ત્યાં છે, ૯૮ – ૯૯મી ઓળી ઉનાળામાં ચાલતી હોય, વિહારમાં હોય, નાનકડું ગામ છે, આયંબિલશાળા છે નહિ, તો ૮ – ૮.૩૦ વાગ્યે પણ વિહાર કરીને ત્યાં ગયા પછી, કહેવા માટે પણ તૈયાર નથી, કે અમારે આયંબિલ છે. અમે કહીએ કે તમે રોટલી અલગ રાખો તો પણ સ્થાપના દોષ અમને લાગે. એ વાસણ તમે કાચા પાણીથી ધૂઓ અમને દોષ લાગે. એ ૧૨ વાગે વહોરવા માટે નીકળે, લુખ્ખી રોટલી મળી જાય તો લઇ લે, લુખ્ખો ખાખરો મળે તો લઇ લે. ચપટી ચણા મળે તો લઇ લે નહીતર પાણી પીને આયંબિલ કરે.
જૈન સમાજ જે ઉંચો છે, સમૃદ્ધ છે એની પાછળનું કારણ એના સાધુ – સાધ્વીઓની સૂક્ષ્મ સાધના છે. તો મને આ ગુરુદેવે આ સાધના આપી. તો પહેલું વર્ષ અને બીજું વર્ષ મેં આ રીતે શરત રાખી. પછી પ્રભુની કૃપા એવી વરસી, એકાંત એવું આત્મસાત્ થઇ ગયેલું કે ભીડની વચ્ચે પણ એકાંત લાગવા લાગ્યું, પછી મેં બધા restriction હટાવી નાંખ્યા. આજે હોલમાં જ બેસું છું, પણ હોલમાં પણ હું એકલો જ હોઉં છું. કારણ કે હવે ભીડમાં બેસવું પણ જરૂરી છે તમને બધાને ક્યાંક થી ક્યાંક લઇ જવાના છે.
કબીરજીની વાત આવે છે કે કબીરજી પહોંચી ગયા, પછી શું કર્યું એમણે ‘કબીરા બેઠા બાજાર મેં’ બજારમાં આવીને બેસી ગયા, આશ્રમમાં નહિ બજારમાં કારણ કે આશ્રમમાં તો કોક જ આવશે, આ તો ઘણા ને લઇ જવા છે, પેલે પાર. ‘લિયે લકુટી હાથ’ લાકડી હાથમાં છે. લાકડી શેના માટે…? કોઈને મારવા નહિ…. કોઈને ચાલવું હોય, પોતાની જોડે, ચાલી ન શકે, તો લાકડી આપી દેશે. લાકડીના ટેકે ચાલ. અને મારો હાથ તને પકડાવું, ચાલ! મારી આંગળી આપી દઉં… ‘કબીરા બેઠા બાજાર મેં, લિયે લકૂટી હાથ, પણ શરત છે એમની…. “જૂઓ ઘરબારે આપના, વો ચાલે સંગ હમાર?”
વિભાવનું ઘર બાળી નાંખવા માટે જે તૈયાર હોય, એને હું મારી સાથે લઇ જાઉં. રાગ – દ્વેષને અંદર રાખી અને મારી સાથે આવવું હોય તો એવો હું કાંઈ નવરો માણસ નથી. રાગદશાનું વિસર્જન કરીને મારી સાથે આવ. હું તને મારો હાથ આપીશ. આંગળી આપીશ, ટેકો આપીશ, ચડાવીશ.
તો સાધનાને આ રીતે આપણે push કરવાની છે. આ જન્મ માત્ર ને માત્ર સાધના માટે જ મળ્યો છે. અનંતા જન્મો સાધના માટે મળેલા નકામા ગયા, આ જન્મ માત્ર ને માત્ર સાધના માટે જ છે.
તો માનવિજય ઉપાધ્યાય ભગવંતે બહુ મજાનું સ્તવન આપ્યું, અને એમાં પહેલી વાત કરી આંખને પ્રભુ સાથે કેમ જોડવી? તો પહેલી જ કડી આપે છે, “તુજ મુખ સન્મુખ નીરખંતા, મુજ લોચન અમીય ઠરંતા,” પહેલીવાર એ કડી વાંચી નવાઈમાં પડી ગયો…. એનો અર્થ શું થાય… પ્રભુ તારા મુખને મેં જોયું, અને મારી આંખના આંસુ fridge થઇ ગયા. મુજ લોચન અમીય ઠરંતા, તો સવાલ એ થયો, પ્રભુનું મુખ જોઈએ, આંખમાંથી આંસુ છલકાય, આંખમાંથી આંસુ વરસે, પદ તો એવું આવવું જોઈએ, કે મુજ લોચન અમીય છલકતાં, મુજ લોચન અમીય વરસંતા…. એને બદલે મુજ લોચન અમીય ઠરંતા. મારી આંખના આંસુ fridge થઇ ગયા. ઠરી ગયા. આખી સ્તવના પૂરી કરી, ચૈત્યવંદન પૂરું થયું, પછી પ્રભુની કોર્ટમાં ball ફેંક્યો, કે પ્રભુ! આ લીટીનો અર્થ શું થાય?
શક્રસ્તવમાં છેડે એક મજાની વાત લખી છે, ‘ત્વમેવ માતા પિતા નેતા દેવો ધર્મો ગુરુ પરઃ,’ ભગવાનને ગુરુ તરીકે કલ્પ્યા, પહેલી વાર વાંચ્યો ને ત્યારે કલ્પના બહુ ગમી ગઈ. આમ પ્રભુ દૂરની ઘટના લાગે, આપણે નૃત્ય મંડપમાં ક્યાંક બેઠેલા હોય, પ્રભુ ગભારામાં દૂર – દૂર. અને આમ તો પ્રભુ સિદ્ધશિલા ઉપર, આમ મહાવિદેહમાં, પણ પ્રભુને ગુરુ તરીકે કલ્પીએ તો… આ બેઠા પાટ ઉપર, આ બેઠા ખુરશી ઉપર, અને આપણે બેસી ગયા જોડે… એટલે એકદમ નિકટતા આવી જાય. મેં પણ પ્રભુને ગુરુ બનાવી દીધા, કે પ્રભુ આ પદનો અર્થ સમજાતો નથી, તું મને સમજાવ.
કોઈ પણ સમસ્યા હોય, સંસારમાં પણ કોઈ પણ પ્રશ્ન હોય, પ્રભુની કોર્ટમાં ball ફેંકી દેવાનો, પછી પ્રભુ ક્યારે જવાબ આપશે એની ચિંતા નહિ કરવાની. પ્રભુ આપે જવાબ, ન આપે જવાબ. વહેલો આપે, મોડો આપે. પણ આપશે ત્યારે એકદમ મજાનો આપશે. મેં ચૈત્યવંદન પૂરું કર્યું, પ્રભુની કોર્ટમાં ball ફેંક્યો, ઉપાશ્રય તરફ ગયો, ઉપાશ્રય ગયો, ઈરિયાવહિયા કર્યા, બેઠો આસન ઉપર… ત્યાં જ એક શ્રાવિકા માતા વંદન માટે આવ્યા, જોડે નાનકડું બાળક, માઁ ને વંદન કરવું હતું એટલે નાના બાળકને નીચે ફર્સ પર મૂક્યો, એટલે બાબાને તો મોટી મુશ્કેલી આવી ગઈ, જાણે કે રાજા સિંહાસનથી ભ્રષ્ટ થયો. પી.એમ હતો, અને પી.એમ ship માંથી નીચે… ક્યાં માઁ ની ગોદ હૂંફાળી અને ક્યાં ઠંડી ફર્સ. જ્યાં ફર્સ પર મૂક્યો બાળકનું રડવાનું શરુ થયું. અંદર વેદનાની અનુભૂતિ છે, આંખમાં આંસુ આવ્યા… બે આંખમાં એક – એક આંસુ આવ્યા. માઁ નું વંદન પૂરું થયું, અને માઁ એ બાળકને ઉચકી લીધું. હવે વેદનાની અનુભૂતિ ગઈ, હવે આનંદની અનુભૂતિ છે, ત્યારે બીજા આંસુ હવે અંદરથી આવવાના નથી. અને બે આંસુ જે આંખમાં છે એ ત્યાં ને ત્યાં રહી ગયા, ઠરી ગયા. Fridge થઇ ગયા. મેં કહ્યું વાહ! પ્રભુએ જવાબ આપી દીધો.
“તુજ મુખ સન્મુખ નીરખંતા, મુજ લોચન અમીય ઠરંતા,” એટલે શું થાય, પ્રભુને જોયા, પ્રભુ દૂર – દૂર લાગે, પ્રભુ ક્યારે મળશે, ક્યારે મળશે, આમ વેદનાની અનુભૂતિ ભીતર આવે, આંખમાં આંસુ આવે, ત્યાં જ પ્રભુ મળી જાય, ત્યાં જ પ્રભુ બાહોમાં લઇ લે, હવે આંખના આંસુ fridge થઇ જાય કે બીજું કંઈ થાય…..
ભગવદ્ ગીતામાં બે વચનો આવે છે એક વચન છે ‘उद्धरेत् आत्मना आत्मनो’ શ્રી કૃષ્ણ ચેતના અર્જુન ચેતનાને કહે છે ‘उद्धरेत् आत्मना आत्मनो’ તારે તારો ઉદ્ધાર તારી મેળે જ કરવાનો છે. બીજું વચન આવ્યું, “तेषां अहं समुद्धरता” બધા જ ભક્તોનો ઉદ્ધાર કરનારો હું છું. એક બાજુ કહે છે, ‘તારે તારી જાતે તારો ઉદ્ધાર કરવાનો,’ બીજી બાજુ કહે છે, ‘હું ઉદ્ધાર કરું છું.’ તો પહેલી નજરે બે સૂત્રો સામ – સામા વિસંવાદી લાગે.
વિનોબાજીની સૂક્ષ્મ મેધાએ એનો મજાનો અર્થ કરી આપ્યો, વિનોબાજીએ અર્થ કર્યો: કે પ્રભુને મળવા માટે તમે એક ડગલું ચાલો, પ્રભુ તમને બાહોમાં લઇ લેશે. અને એક ડગલું ન ભરો તો પણ વાંધો નહિ. પ્રભુ મિલનની એક ઝંખના મનમાં હોય. પ્રભુ તમને મળવા આવી જશે. એક જ ડગલું તમારે ભરવાનું. ભક્તની journey કેટલી?
સિદ્ધશિલાએ જવાનું.. કેટલા કિલોમીટર? અસંખ્ય! સાત રાજલોક… journey કેટલી લાંબી… પણ તમારી journey કેટલી એક ડગલું. એક જ ડગલું પ્રભુ સામે તમે ચાલ્યા પ્રભુ તમને બાહોમાં લઇ લે, he is ever ready. પ્રભુ હંમેશ માટે તૈયાર છે. Are you ready?
આપણી સાધના ખરેખર બહુ મજાની છે. આપણી સાધનાને હું ભીની ભીની સાધના કહું છું…. હું પણ ક્યારેક કોરો માણસ હતો…. કોરો… એકલો સાક્ષીભાવ મળી ગયો…. સાક્ષીભાવમાં જતો રહ્યો. કોરો થઇ ગયો. અને મારું કોઈ પ્રયોજન તો સિદ્ધ થયું નહિ. કારણ સાક્ષીભાવ મળ્યો એનો પણ અહંકાર આવી ગયો પાછો એટલે વાત તો હતી ત્યાં ની ત્યાં આવી ગઈ. એટલે પ્રભુની સાધના છે ને એ સાક્ષીભાવ + સમર્પણ ની છે. એકલો સાક્ષીભાવ તમને ઘણી જગ્યાએ મળશે. પણ એ સાક્ષીભાવ કોરો. પ્રભુની કૃપાની કોઈ વાત નથી. તમારે જ જવાનું છે. એટલે તમારે જ જવાનું એટલે અહંકાર આવવાનો જ છે. મેં આ ભૂમિકાને પ્રાપ્ત કરી. તો કર્યું શું? જે સાક્ષીભાવની ટોચ પર જઈને અહંકારનું નિર્મૂલન કરવાનું હોય, એ જ સાક્ષીભાવ માં આગળ જઈ તમે તમારા અહંકારને પુષ્ટ કર્યો. એકલો સાક્ષીભાવ નકામો… એમ એકલું સમર્પણ પણ નકામું છે. કારણ તમે જેને સમર્પણ માનતા હોય એ સમર્પણ નથી હોતું.
એક શિષ્ય એમ માની લે છે કે હું ગુરુને સમર્પિત થઇ ગયો. ઊંડાણથી જૂઓ ત્યારે ખ્યાલ આવે કે એ ગુરુને નહિ પોતાના હું ને સમર્પિત થયેલો હોય છે. ગુરુ એને પંપાળતા હતા એટલે સારું લાગતું હતું. ગુરુ ઠોકે ત્યારે ખબર પડે. આ સમર્પણ જે છે ને એ સાચું નથી, અપેક્ષા પૂર્તિ થાય તો સમર્પણ. ગુરુ પાસે ગયા, ને ગુરુએ મારી સામે જોયું, હસ્યા, કંઈક બોલ્યા એટલે ખુશ ખુશ…. એટલે ગુરુ અહીંયા તમારા અહંકારને પંપાળવા માટે બેઠા છે.
ઠીક છે new commerce માટે અમે એવું કરી પણ શકીએ. પણ જે લોકો જુના જોગી છે, એમને કહી દઉં કે અમે અહીંયા તમારા અહંકારને પંપાળવા બેઠા નથી, તમારા અહંકારને ખોતરવા માટે બેઠા છીએ. છો તૈયાર એના માટે… ગુરુ સારા! ક્યારે! અહંકારને પંપાળે ત્યારે! કે ખોતરે ત્યારે! ડૉક્ટર શું કરે…? ગુમડાને પંપાળે કે ચીરી નાંખે!
તો જેને આપણે સમર્પણ માનીએ છીએ એ સમર્પણ નથી હોતું, આપણા અહંકારની પૂર્તિ થાય છે. અને આપણે માનીએ છીએ કે આ મારા ગુરુ છે. ગુરુ એવા જોઈએ જે લાકડી લઈને તમને ખંખેરી નાંખે. એક શિષ્ય, તો બડભાગી શિષ્ય શું બોલે…? “ગુરુ મોહે મારે શબ્દ કી લાઠી, ચેલે કી મતિ અપરાધીની નાઠી” શિષ્યને માટે એ બડભાગીની ક્ષણો હોય છે કે જ્યારે ગુરુ લાકડી લગાવે. એના અહંકારને ચીરે. પેલો માનતો હોય આજે તો ૫ સામાયિક કર્યા, ગુરુ ખુશ ખુશ થશે. અને ગુરુ લાલ આંખ કરે… પાંચ સામાયિક કર્યા, હમણાં પેલા જોડે શું કરતો હતો… સહેજ પેલાએ roughly કીધું ને ગુસ્સો આવી ગયો, આ તારું સામાયિક … પાંચ સામાયિક કર્યા. એક મિનિટ ગુસ્સાને તું નિયંત્રિત કરી શકતો નથી, આ તારા સામયિકનું મૂલ્ય કેટલું? ગુરુ આ રીતે તમને ખંખેરે એ તમને ગમશે નહિ.
તો એકલું સમર્પણ, જેને તમે સમર્પણ માનો છો, એ સમર્પણ હોતું નથી. એમાં સાક્ષીભાવ ઉમેરો. સાક્ષીભાવ એટલે અલિપ્તતા. તમારા અહંકારથી પણ તમે અલિપ્ત થઇ ગયા. ને પછી તમે ગુરુના ચરણોમાં ઢળો. એ ઝૂકવાનું તમારું વાસ્તવિક હશે.
જાપાનનો સમ્રાટ ગુરુ પાસે આવ્યો, ગુરુના ચરણોમાં ઝૂક્યો, ત્યારે ગુરુ પૂછે છે કે ‘તારું શરીર ઝૂક્યું કે તું ઝૂક્યો? તમે ક્યારે પ્રશ્ન કર્યો તમારી જાતને? રોજ વંદન કરો છો ગુરુદેવને, મન ઝૂક્યું કે શરીર ઝૂક્યું? મન ઝૂક્યું ક્યારે કહેવાય…? એ ગુરુદેવ પાસે જે સંયમ સાધના છે, એ ગમી જાય, અને ક્યારે મને સંયમ સાધના મળશે? એવી ભાવના જાગે ત્યારે મનથી ઝૂકેલા કહેવાઓ. તો ગુરુ પૂછે છે કે તું શરીરથી ઝૂક્યો કે મનથી ઝૂક્યો?
જાપાનનો સમ્રાટ છે, ઉંચી કક્ષાનો સાધક નથી, સાધનાના પહેલા પડાવ ઉપર એ જરૂરી નથી.. શું જવાબ એણે આપ્યો છે. એણે કહ્યું ગુરુદેવ! ઝૂકવાની ક્રિયા મેં કરી એટલો મને ખ્યાલ છે પણ હું બહારથી ઝૂક્યો કે ભીતરથી એ તો આપ જ જોઈ શકો…. મને શું ખ્યાલ આવે.! સાધના તમારે કરવાની અને certified અહીંયા કરાવાની…. સમજ્યા…. આ તો તમે જ certified કરી નાંખો. મેં વર્ષીતપ કર્યો, મેં આમ કર્યું, મેં આમ કર્યું….
ફાગણ મહિનો આવે ને એટલે વર્ષીતપના વાજા વાગે. એક સંઘમાં સમુહમાં વર્ષીતપ કરાવાના હતા, અને ત્યાં જે ગુરુદેવનું ચોમાસું નક્કી થયેલું હતું, એ ગુરુદેવ વર્ષીતપ ઉચરાવવા માટે પણ પધારેલા. એમનું ચાતુર્માસ પણ ત્યાં હતું, અને લોકોની વિનંતીથી પારણા વખતે નિશ્રા આપવાની સાહેબે હા પાડેલી. એમના એક શિષ્યને વિચાર થયો, કે હું પણ વર્ષીતપ કરું, એ શિષ્ય ગુરુ પાસે આવ્યો, ગુરુને પૂછ્યા વિના કોઈ સાધના થાય નહિ. ગુરુદેવને પૂછ્યું સાહેબ! હું વર્ષીતપ કરી શકું! ગુરુદેવ એ શિષ્યને પૂછે છે કે વર્ષીતપની તારી વિભાવના શું છે….? હવે વર્ષીતપ એટલે આપણને ખબર જ છે… ઉપવાસ, બિયાસણું ક્યારેક છટ્ઠ આવે… ગુરુ પૂછે છે: કે બે બિયાસણા ની વચ્ચે ઉપવાસ કે બે ઉપવાસ વચ્ચે બેસણું, તારી વિભાવના શું છે? શિષ્ય પણ એકદમ જાગૃત છે. ગુરુ શું કહેતા હતા એ પામી ગયો. એણે કહ્યું ગુરુદેવ! આપે મારો minus point પકડી લીધો. આ સંઘમાં ઘણો વખત આપણે રોકાવાનું છે, સમૂહ વર્ષીતપ ચાલવાના છે, એટલે ખરેખર આપે કહ્યું એમ જ છે બે બેસણાની વચ્ચે મારો ઉપવાસ આવશે. આજે પણ બેસણું ઠાઠમાઠથી કરી લઈશું. પરમદિવસે બેસણું છે જ પાછુ, વચ્ચે એક ઉપવાસ આવી જાય, તો પેટ પણ હલકું થઇ જાય. એટલે આહાર સંજ્ઞા ને નાબુદ કરવાની કોઈ વાત નહોતી. શિષ્યની આંખમાં આંસુ આવ્યા, કેવા સદ્ગુરુદેવ મને મળ્યા છે અને કોરો ચેક. સાહેબજી હવે શું કરું કહો…. તો ગુરુ કહે છે કે આયંબિલની ઓળી કર. આ ગઈ કાલે કહ્યું હતું ને કે સાધના તમે તમારી મેળે નક્કી કરો. તમે આવું જ નક્કી કરવાના. Five star વર્ષીતપ! શરીરનું વજન જરાય ઓછું ન થવું જોઈએ. આસક્તિ જરાય ઓછી ન થવી જોઈએ. વર્ષીતપ થઇ ગયો. પણ વર્ષીતપ શા માટે…?
જાપાનનો સમ્રાટ કહે છે ગુરુદેવ! આપ જ જાણી શકો. હું બહારથી ઝૂક્યો કે ભીતરથી. હવે ગુરુ તો face reading ના માસ્ટર છે. એમને થોડો ખ્યાલ પણ છે, પણ આજુબાજુવાળાને થોડી સાધના આપવી છે, અને સમ્રાટને પણ સાધનાનો એક પાઠ શીખવવો છે. કેવા ગુરુ હોય છે, અને કેવી ગુરુ પરની શ્રદ્ધા જાપાનના સમ્રાટની… આટલો મોટો જાપાન દેશ અને એનો સાર્વભોમ રાજા. ગુરુ કહે છે:તારા જૂત્તા તારા હાથમાં ઉચકવાના, અહીંથી જૂત્તાને તારા કપાળમાં ફૂટતા ફૂટતા તારા રાજમહેલે જવાનું. રાજમહેલને ચક્કર લગાવી પાછું અહીં આવાનું. લગભગ ૫ કિલોમીટરનું ચક્કર થાય. એ રીતે તું ફરીને આવ. પછી હું તને કહું કે તું બહારથી ઝુકેલો કે ભીતરથી ઝૂક્યો? કેવી ગુરુ પરની શ્રદ્ધા! તૈયાર! જે સમ્રાટ સોનાના રથમાં ફરે છે, એના રાજમહેલમાં થોડાક ફૂટ જવાનું હોય, ત્યાં પણ રેડ કારપેટ મખમલની પાથરેલી હોય. ખુલ્લા પગે ચાલવાનું તો છે જ નહિ એને. એ માણસ પોતાની મોજડી! હીરા જડેલી મોજડી, એને હાથમાં ઉચકે છે, એનાથી કપાળ કૂટે છે અને દોડે છે. હવે હીરા જડેલા જૂત્તા અહીંયા touch થાય એટલે શું થાય પછી? વાગે! મંત્રીઓને ખ્યાલ આવ્યો, મંત્રીઓ સોનાનો રથ લઈને પાછળ આવ્યા. સાહેબ! તમે ક્યાં જાઓ છો. રથમાં બેસી જાઓ. આપને ક્યાં જવું છે. બોલે એ બીજો. નાના – નાના છોકરાઓ જુએ રાજાને, છોકરાઓને શું ખ્યાલ હોય, આ રાજા ગાંડો થઇ ગયો છે. ૫ કિલોમીટરનું ચક્કર ફરીને ગુરુ પાસે આવ્યો. કપાળમાંથી લોહી ઝરે છે. પણ ચહેરા ઉપર સ્મિત છે. ગુરુના ચરણોમાં ઝૂક્યો, અને કહે છે ગુરુદેવ! આપનો કેટલો બધો ઉપકાર મેં આપને કહ્યું જરૂર, કે બહારથી ઝૂક્યો કે ભીતરથી ઝૂક્યો…આપ જાણો. પણ અંદર એક અહંકાર તો હતો જ અને હું માનતો હતો ગુરુએ આવો સવાલ કેમ કર્યો..? શું હું ગુરુ પાસે આવું, માત્ર શરીરને ઝૂકાવા માટે આવું છું… હું નથી ઝૂકતો? પણ ગુરુદેવ આપે મને ખ્યાલ આપ્યો અત્યાર સુધી હું બહારથી ઝુકેલો માણસ છું. ભીતરથી ઝૂકવું એટલે તમારી આજ્ઞાને ઝૂકવું. તમારી આજ્ઞાને સમર્પિત થવું. શરીરથી તમારી આજ્ઞાને હું સમર્પિત થયો હતો. મારા મંત્રીઓ આવ્યા, ઘણું કહ્યું, તો પણ રથમાં નહિ જ બેઠો. પણ જ્યારે લોકો મારી મશ્કરી કરતાં, બાળકો જોરથી બોલતાં, રાજા ગાંડો થઇ ગયો. ત્યારે મારા મનમાં થતું કે આવી પરીક્ષા ગુરુ કરે. એટલે ગુરુદેવ આપના પરનો જે ૧૦૦% બહુમાનભાવ રહેવો જોઈએ, એ ૯૦% તો થઇ જ ગયેલો. એટલે ૧૦૦% બહુમાન ન હતો, તો હું ભીતરથી ઝુકેલો કેમ કહેવાઉં? એટલે સાક્ષીભાવ + સમર્પણ આ પ્રભુની સાધના છે. રોજ પ્રભુ પાસે જાઉં છું ને ત્યારે પ્રભુનો આભાર આ રીતે હું માનું છું. કે તે આવી મજાની સાધના મને આપી. સાધનાની ભૂખ તો મને હતી જ. ક્યાંક આડે – અવળે હું પહોંચી ગયો હોત, એકલો સાક્ષીભાવ મળી ગયો હોત, એકલો નિશ્ચયાભાસ મને મળી ગયો હોત. તો શું થાત. મારું પણ અકલ્યાણ થાત. અને બીજાઓનું અકલ્યાણ હું કરતો હોત. પ્રભુ તે કેવી કૃપા કરી કે વ્યવહાર, નિશ્ચયના balancing વાળી સાક્ષીભાવ અને સમર્પણવાળી, મજાની સાધના તે મને આપી. આપણી સાધના પ્રત્યે બહુમાનભાવ મને એટલા માટે છે, કે સર્વજ્ઞ ભગવાને આપેલી છે. સંપૂર્ણ જ્ઞાની ભગવંતોએ આપેલી આ સાધના છે. મારા જેવો માણસ સાધના આપે તો કેવી રીતે સાધના આપે…. ૨૫ – ૫૦ સાધના પદ્ધતિઓ જોઈ, theory કરી, practical કરી. સેંકડો ગ્રંથો વાંચ્યા અને સાધના આપી દઉં. પણ આ તો સર્વજ્ઞ ભગવંતે આપેલી સાધના છે.
એટલી બધી appropriate છે કે સામાન્ય વ્યક્તિ જ્યાં બેઠેલી છે ત્યાંથી સાધના શરુ થાય છે. અહોભાવ તમારા માટે સાવ સામાન્ય છે. પ્રભુને જૂઓ આંખો ભીની બની. સદ્ગુરુને જુઓ આંખો ભીની બની. એ અહોભાવથી આપણી સાધના શરૂ થાય, અને નિશ્ચયમાં, સાક્ષીભાવમાં એ પૂરી થાય. એટલે જ્યાં તમે અત્યારે બેઠેલા છો, ત્યાંથી સાધના શરૂ થાય છે. એટલે આપણે સાધનાની શરૂઆત પ્રભુ પ્રત્યેના આપણા પ્રેમથી શરુ કરવી છે. કે પ્રભુ પાસે જઈએ અને આપણી મનોવૃત્તિઓ કેવી હોય, પ્રભુની આંખોને જોઈએ…
ઉપાધ્યાય યશોવિજય મહારાજે પરમતારક અભિનંદન પ્રભુની સ્તવનામાં એક મજાની પ્રાર્થના કરી: ‘તેરે નયન કી મેરે નયન મેં, જસ કહે દિયો છબી અવતારે’ પ્રભુ તારી આંખોમાં જે છે એ મારી આંખોમાં મૂકી દે. ‘તેરે નયન કી મેરે નયન મેં, જસ કહે દિયો છબી અવતારે’ એક જ પ્રાર્થના બધું જ માંગી લીધું ને…. બાકી રાખ્યું કંઈ! પ્રભુની આંખોમાં જે વીતરાગદશા છે, પરમ કરુણા છે. પરમ સ્નેહભાવ છે. એ બધું આપણને મળી જાય. પ્રભુ એવા છે પરસ્પર દુશ્મનો હોય એમને ભેગા રાખે. એક બાજુ વીતરાગ, અને બીજી બાજુ પરમ પ્રેમ એમની આંખમાં.
તમે સાધનાના ઊંડાણમાં ન જાઓ ત્યાં સુધી આ વાત કહી પણ ન શકો. વીતરાગી છે,એટલે તમારી જીભ અચકાય, વીતરાગી છે તો પ્રેમ કઈ રીતે કરે. એ વીતરાગી છે, પરમ વીતરાગી છે. અને એના જેવો પરમ પ્રેમ દુનિયામાં કોઈ તમને આપી શકે એમ નથી. તો ‘તેરે નયન કી મેરે નયન મેં, જસ કહે દિયો છબી અવતારે’ આ વાતો પણ ક્યારેક ખોલીશ. પરમ વીતરાગદશા, અને પરમ સ્નેહ કઈ રીતે બની શકે આ… how it is possible? એટલે જ આચારાંગ સૂત્રમાં પણ કહ્યું, મહાપુરુષોએ પણ કહ્યું, ‘તક્કા તત્થર વિજન્તી, મઈ તત્થ વિરાહિઆ’ શંકરાચાર્યજીએ પણ કહ્યું: तर्क: अप्रतिष्ठित: તમારી બુદ્ધિને લઈને ક્યારે પણ સાધનાને સમજવાની કોશિશ નહિ કરતા. સદ્ગુરુની આંખથી, સદ્ગુરુના vision થી સાધનાને સમજવાની કોશિશ કરજો. તમારી આંખોથી તમારી દ્રષ્ટિથી સાધનાને સમજવાની ક્યારે પણ કોશિશ નહિ કરતા. એટલે આપણને જે મળ્યું છે, અદ્ભુત થી પણ અદ્ભુત મળ્યું છે.
ઉપાધ્યાય યશોવિજય મહારાજષડ્દર્શનના પારંગત. પારદ્રશ્વા. એમણે સીમંધર પ્રભુની સ્તવનામાં કહ્યું: ‘શાસન તારું અતિ ભલું, જગ નહિ કોઈ તસ સરીખો રે’ પ્રભુ તારા ધર્મ શાસન જેવું ધર્મશાસન દુનિયામાં એક પણ નથી. બધી જ સાધના પદ્ધતિઓ જોઈ. તત્કાલીન બધા જ દર્શનો નો ઊંડો ઉતરીને અભ્યાસ કર્યો, અને પછી એ કહે છે, ‘શાસન તાહરું અતિ ભલું, જગ નહિ કોઈ તસ સરીખો રે, તિમ તિમ રાગ વધે ઘણો, જિમ જિમ જુગતે શું પરખો રે’ જેમ જેમ ઊંડો ઉતરું છું તેમ તેમ મારો રાગ વધતો જાય છે. ઓહોહો! આવી વાત તે કહી છે. વાહ! આવી વાત તો તું જ કહી શકે. તારા સિવાય કોઈ કહી ન શકે. તો આ પ્રભુના રાગથી, પ્રભુની આજ્ઞા પ્રત્યે રાગ આવે, અને એ આજ્ઞા પ્રત્યેનો રાગ, આજ્ઞાના આનંદમાં ફેરવાય. તો પ્રભુની આજ્ઞાપાલનનો આનંદ. એ પહેલું ચરણ. અને છેલ્લું ચરણ શું છે? ઉદાસીનદશા. સ્વાનુભૂતિ મળી જાય. અને તમે ઉદાસીનદશામાં ચાલ્યા જાવ. હવે આપણે practical કરીશું.