Maun Dhyan Sadhana Shibir 15 – Vanchan 4

5 Views 31 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

પ્રભુઆજ્ઞાના પાલનનો આનંદ

  • સુણતાં જન-મુખ પ્રભુની વાત; હરખે મારા સાતે ધાત – પ્રભુ પ્રત્યેનો આવો પરમપ્રેમ પ્રભુઆજ્ઞાના પાલનનો આનંદ આપે.
  • સર્વસ્વીકાર. જો ઘટનાને ઘટિત થવાની સ્વતંત્રતા છે, તો એનું અર્થઘટન કરવાની સ્વતંત્રતા તમને પણ છે. તમે ઘટનાને બદલાવી શકતા નથી, પણ એનું અર્થઘટન બદલીને એનો સ્વીકાર જરૂર કરી શકો છો.
  • Reverence for life. ચેતના પ્રત્યેનો સમાદર. જો આપણી અંદર રહેલા સિધ્ધત્વને આપણે જોઈ શકીએ, તો બીજાની અંદર રહેલું સિદ્ધત્વ પણ જોઈ શકીએ.

પરમાર્હત્ કુમારપાળ મહારાજાએ આત્મનિંદા દ્વાત્રિંશિકા નામની પ્રાર્થનામાં એક શ્લોકમાં ચાર ચરણોની જે સાધના આપી છે, એનો સ્વાધ્યાય પણ કરવો છે. એની અનુભૂતિ પણ કરવી છે.

પહેલું ચરણ પ્રભુના આજ્ઞા પાલનનો દિવ્ય આનંદ. બીજું ચરણ પરમ અસંગદશા. ત્રીજું ચરણ સ્વાનુભૂતિ. અને ચોથું ચરણ ઉદાસીનદશા.

સ્વાનુભૂતિની આછીસી અનુભૂતિ ધ્યાનાભ્યાસની ક્ષણોમાં આપણે કરી શકીએ. જ્યારે સમભાવનો અનુભવ તમે કરો, તો એ પણ સ્વાનુભૂતિ છે. સ્વાનુભૂતિના બે પ્રકાર છે. સ્વગુણાનુભૂતિ અને સ્વરૂપાનુભૂતિ. પ્રાથમિક સાધક અનુભૂતિની ક્ષણોમાં જ્યારે જાય છે. ત્યારે પહેલા સ્વગુણાનુભૂતિ કરે છે. પછી સ્વરૂપાનુભૂતિમાં જાય છે. સમભાવ, આનંદ, નમ્રતા આ બધા આપણા ગુણો છે. આત્મા અંશી છે. ગુણ એના અંશો છે. આત્માના અનંત ગુણો છે. એ પૈકીનો એક ગુણ એટલે સમતા. એ પૈકીનો એક ગુણ એટલે આનંદ. એટલે આનંદની અનુભૂતિ કે સમભાવની અનુભૂતિ એ પોતાના ગુણની અનુભૂતિ કહેવાય. અને નિર્મલ અખંડાકાર ચૈતન્યની અનુભૂતિ એ સ્વરૂપાનુભૂતિ છે.

દેવચંદ્રજી મહારાજે પરમતારક સુવિધિનાથ પ્રભુના સ્તવનમાં કહ્યું ‘મોહાદિકની ઘૂમી અનાદિની ઉતરે હો લાલ, અમલ, અખંડ, અલિપ્ત, સ્વભાવ જ સાંભરે હો લાલ’ તમારો સ્વભાવ, તમારું સ્વરૂપ કેવું? ૩ વાત કરી, અમલ, અખંડ, અલિપ્ત. રાગ – દ્વેષનો મલ તમારામાં નથી. તમારું જે શુદ્ધ ચૈતન્ય છે, એમાં રાગનો – દ્વેષનો, અહંકારનો પ્રવેશ નથી.

શું થાય છે તમને સમજાવું. તમે જ રાગ – દ્વેષ અહંકારનો બંધ કરેલો, એ કર્મ સત્તામાં ગયેલા, કોક નિમિત્ત મળતાં એ સત્તામાં પડેલું કર્મ ઉદયમાં આવ્યું. પણ એ કર્મ ઉદયમાં આવ્યું, ત્યારે તમારે ક્યાં જવું એ તમારે નક્કી કરવાનું છે. તમે રૂમમાં બેઠેલા છો, સામયિકમાં છો. તમને ખ્યાલ છે સમભાવની તમારી પ્રતિજ્ઞા છે. ક્રોધના ઉદયમાં તમારે જવાનું નથી. પણ કોઈ વ્યક્તિ આવે જેના પ્રત્યે તમને અણગમો છે. એ નિમિત્ત મળતાની સાથે સત્તામાં પડેલો ક્રોધ ઉદયમાં આવે છે. ઉદયમાં ક્રોધ આવે ત્યાં સુધી એની પ્રક્રિયા બરાબર છે. પછી બે પ્રક્રિયા છે. તમે જો અજ્ઞાનમાં છો તો તમે ઉદયમાં ભળી જાઓ છો. ક્રોધમાં ભળી જાઓ છો. અને જો તમે જ્ઞાનદશામાં છો તો ક્રોધને જુઓ છો.

સવારે તમે ચા પીવા બેઠા, ચા ટેસ્ટી હતી, દરેક વખતે test અલગ હોય. તમે ઘરે પીતા હતા એવી જ test વાળી ચા તમને મળી ગઈ. આસક્તિ થઇ. હવે એક કામ કરો, આસક્તિ મનમાં છે એને જુઓ. આસક્તિ પણ છે એ મનમાં છે, તમે beyond the mind છો, તમે મનની પેલે પાર છો. તમે દ્રષ્ટા છો, મન જે છે તમારું conscious mind, એને તો અનાદિની સંજ્ઞાઓ લાગેલી છે. એના તો computer માં જેવું ખોટું ફીટ કર્યું, એવું ખોટું સમીકરણ એ આપે છે. એની પાસે કોઈ vision નથી. You are the option aura. તમે દ્રષ્ટા છો. તો આ કામ કરી શકાય. આસક્તિનો ઉદય પણ ચાલુ છે મનમાં, તમે દ્રષ્ટા છો, division પડી ગયું. તો ઉદય મનમાં ભલે ને હોય. તમે મન ક્યાં છો?  તમે તમારી જાતને મનથી છૂટી પાડી દો. ક્રોધ આવ્યો, ક્રોધ મનમાં છે, તમે એને જુઓ….

દેવચંદ્ર મહારાજની ગુજરાતીમાં આવેલી એક સશક્ત સાધના કૃતિ છે. આઠ પ્રવચનમાતાની સજ્ઝાય. તમારે બધાએ એ વાંચવા જેવી છે. એના ઉપર મારું પુસ્તક પણ બહાર પડેલું છે વિવેચનમાં, તો એમાં એક પંક્તિ આવે છે, ‘મોહ ઉદયે અમોહી એહવા, શુદ્ધ નિજ સાધ્ય લયલીન રે,’ સાધક કેવો હોય? અને અસાધક કેવો હોય? અસાધક મોહના ઉદયમાં, મોહમાં ભળી જશે. સાધક કેવો છે. ‘મોહ ઉદયે અમોહી એહવા, કેમ ?  ‘શુદ્ધ નિજ સાધ્ય લયલીન રે,’ પોતાનું જે સાધ્ય છે, શુદ્ધ આત્મદશા. શુદ્ધ ચૈતન્યદશા. એના તરફ જ એ મીંટ માંડીને બેઠેલો છે. મારું રૂપ તો આ જ છે. તો રાગ આવે, દ્વેષ આવે, અહંકાર આવે પણ ક્યાં? મનમાં… unconscious mind સમજો તો ચિત્તમાં… લેશ્યામાં. તમારામાં નહિ. તમે મન નથી, ચિત્ત નથી, લેશ્યા નથી. તમે બધાને પેલે પાર છો. માત્ર દ્રષ્ટા. રાગને પણ જોવાનો છે. દ્વેષને પણ જોવાનો છે. જોવો એટલે શું થાય? જુઓ એટલે બે તત્વો ઉભા થાય. એક દ્રષ્ટા. એક દ્રશ્ય.

ટેબલ મારી સામે છે ટેબલને હું જોતો હોઉં તો ટેબલ દ્રશ્ય છે, હું દ્રષ્ટા છું. હવે દ્રશ્ય અને દ્રષ્ટા બે એક થાય? ખુરશી અને તમે એક થઇ જવાના? દ્રશ્ય અલગ છે, દ્રષ્ટા અલગ છે. તો રાગના વિચારો આવ્યા, દ્વેષના વિચારો આવ્યા. એ વિચાર પુદ્ગલ છે. તમે ચૈતન્ય, જ્યોતિર્મય તત્વ છો. પૌદ્ગલિક તત્વ જોડે તમારે કોઈ સંબંધ નથી. માત્ર મોટું પુદ્ગલ શરીરનું વળગેલું છે. તો એના માટે નાના પુદ્ગલો જોઈએ છે. ખોરાકના, પોષાકના. પણ કોના માટે… આ મોટા પુદ્ગલ માટે. Not for you. તમારા માટે નહિ.

ગઈ શિબિરમાં એક સરસ વિચાર મેં આપેલો કે તમે સ્વયં સંપૂર્ણ છો. અને હું તો મારી સ્વયં સંપૂર્ણતાનો ૨૪ કલાક અનુભવ કરું છું. હું સ્વયં સંપૂર્ણ છું. સ્વયં સંપૂર્ણતા નો મતલબ એ થયો કે મારે કોઈની, કશાની જરૂરિયાત નથી. મારા શરીરને રોટલી – દાળ જોઈએ છે. મારા શરીરને મર્યાદા માટે વસ્ત્રો જોઈએ છે. પણ એ શરીરને જોઈએ છે. મને નહી. હું પોતે મારી સ્વયં સંપૂર્ણતા નો અનુભવ કરું છું. અને એથી મારે કોઈ વ્યક્તિની, કોઈ પદાર્થની જરૂરિયાત નથી.

શિબિર પણ આ લોકો – આયોજકો ઉભી કરે છે. મેં પહેલા જ એમને કહેલું – A to Z  કામ તમારે કરવું હોય, તો શિબિરનું આયોજન તમે કરો. હું વ્યવસ્થાનો માણસ છું જ નહિ. હું તો માત્ર સુધર્માપીઠ ઉપર આવી જઈશ. પ્રવચન આપી દઈશ. સાધના કરાવી દઈશ. તો મારે કશું જોઈતું નથી. ન એક વ્યક્તિની મારે જરૂરિયાત પડે છે, કે ભાઈ હું એકલો છું. કોઈ આવે તો સારું. નહિ, એકાંતનો વૈભવ એટલો માણ્યો છે, કે એકલા હોવામાં જે મજા છે એ ભીડમાં હોઈ શક્તી નથી. ઠીક છે કે પ્રભુએ કૃપા કરી કે એકાંત અને ભીડ સરખા થયા. પણ એક ફરક પડે છે. શરીર જે છે ને એના ઉપર ભીડની functions ની અસર થાય છે. શરીર થાકે. પણ મારી પાસે સવાસન છે. અડધો કલાક સવાસનમાં જતો રહું fresh થઇ ગયો હોઉં. હું તો fresh છું જ. હું તો ever fresh છું. શરીર થાકી જાય તો એને fresh કરી દઉં. પણ ઘણીવાર થાય કે આને થકવાડવું. અને પાછું fresh કરવું. આ બધી માથાકૂટ.

પણ મારા માટે પણ પ્રભુની આજ્ઞા છે કે યશોવિજય! તને જે સિદ્ધિ થઇ છે એનો વિનિયોગ તારે કરવો જ પડશે. એટલે પ્રભુની આજ્ઞા મારી સામે છે. તો સ્વયં સંપૂર્ણ છું. તમે પણ સ્વયં સંપૂર્ણ છો. આ એક વિચાર જો અહીંથી લઈને જશો. એક અનુભવ લઈને જશો. તો આ શિબિર તમારા જીવનનું કાયમી સંભારણું બની જશે.

કે પાર્શ્વ પ્રજ્ઞાલય જઈ આવ્યા. સ્વયં સંપૂર્ણ બનીને આવી ગયા. પછી અધૂરાશ ક્યાંય લાગે નહિ. નહીતર આજના માણસને ડગલે ને પગલે અધુરાશ લાગે છે. કારણ કે તમે ઊંચું જ જુઓ છો. પેલાની પાસે 4BHK નો સરસ મજાનો ફ્લેટ છે. આપણે તો હજી 2BHK માં જ છીએ. પણ મુંબઈમાં રહેતો હોય તો ધારા વે – ની ઝુંપડપટ્ટી જોઈ આવો ને ભાઈ. તને લાગશે કે હું તો બહુ સુખી છું.

તો સ્વયં સંપૂર્ણતાનો એક અનુભવ. તો આપણે વાત એ કરતા હતા કે દ્રશ્ય અને દ્રષ્ટા બે ને છૂટા પાડી નાંખો. આસક્તિ મનમાં થાય છે. એને જુઓ. તો આસક્તિ દ્રશ્ય થઇ ગઈ. તમે દ્રષ્ટા થઇ ગયા.

ચિદાનંદજી મહારાજે ચાર ધ્યાનની વાત કરી : પહેલું રૂપસ્થ ધ્યાન. એ રૂપસ્થ ધ્યાનની વ્યાખ્યા એમણે આપી. ‘રહત વિકાર સ્વરૂપ નિહારી, પાકે સંગત મનસાધારી, નિજ ગુણ અંશ લહે જબ કોય, પ્રથમ ભેદ તિણે અવસર જોય’ આ રૂપસ્થ ધ્યાન કહ્યું. તો એની પરિભાષા એ આપી: પરિભાષા બહુ મજાની આપી, એમણે કહ્યું કે પ્રભુનું દર્શન તને અઘરું પડે છે હજી, પણ તારી અંદર રાગ ઉઠ્યો. તારા મનમાં દ્વેષ ઉઠ્યો. એને તો તું જોઈ શકે કે નહિ? તો પહેલું ચરણ આપ્યું કડીનું… રહત વિકાર સ્વરૂપ નિહારી, તારી અંદર ઉઠતાં રાગને તું જો. પછી બીજા ચરણમાં કહે છે પાકે સંગત મનસાધારી, પછી મનમાં બરાબર હું આસક્તિ ને જોઉં છું. જોઉં છું, જોઉં છું, હું જોનાર છું. એ રીતે આસક્તિથી તું છૂટો પડી જા. ‘રહત વિકાર સ્વરૂપ નિહારી, પાકે સંગત મનસાધારી, નિજ ગુણ અંશ લહે જબ કોય, તો એ વખતે શું થયું, તમારા ગુણનો એક અંશ તમને મળ્યો, દ્રષ્ટાભાવ મળ્યો. તમે કોને જુવો એનો મતલબ નથી. રાગને જોયો તોયે દ્રષ્ટાભાવ. દ્વેષને જોયો તોયે દ્રષ્ટાભાવ. અહંકારને જોયો તોયે  દ્રષ્ટાભાવ.

તો બોલો કેટલી સરળ સાધના છે. તમે રાગ કરનાર નહિ. રાગને જોનાર. અને સજા તમે ભોગવો છો. ગુનો કરે બીજો અને સજા તમારે ભોગવવાની. મન રાગ કરે, મન દ્વેષ કરે. તમે એમાં ભળી જાવ. ભળી જાવ કર્મબંધ કરો. ઉદયમાં આવે, એટલે સજા તમારે ભોગવવાની રહે. તો દ્રષ્ટાભાવની સાધના અને એ આપણે સ્વાનુભૂતિનાં ચરણમાં કરવા માંગીએ છીએ. કે હું માત્ર દ્રષ્ટા છું. એક પણ વિકારમાં મારે જવાનું નથી. મારે જવાનું પણ ક્યાં..? મારા ગુણોમાં.! અથવા મારા સ્વરૂપમાં. તો સ્વરૂપદશાની વાત કરે છે, અમલ, અલિપ્ત, અખંડ રાગ – દ્વેષનો મલ  તમને લાગતો નથી. તમારું ચૈતન્ય પરમાત્મા જેવું જ શુદ્ધ છે. સ્ફટિક એ શુદ્ધ જ રહેવાનું. પછી એના ઉપર કચરો આવી ગયો છે તો સ્ફટિક કંઈ બીજા રંગનું થયું નથી. કચરાને હટાવાનું છે. નિર્મળ જ્યોતિ તમારી ભીતર અત્યારે પણ ઝબૂકી રહી છે. અને એટલે શાસ્ત્રોએ કહ્યું આઠ રૂચક પ્રદેશો સતત ખુલ્લા હોય છે. અને એ જો ખુલ્લા ન હોય તો જડ અને ચેતનની ભેદરેખા લુપ્ત થઇ જાય. તો પ્રભુની જેવી નિર્મળ ચેતના છે એવી જ નિર્મળ ચેતના અત્યારે મારી છે અને તમારી છે. સત્તા રૂપે પ્રભુની ચેતના અને આપણી ચેતનામાં કોઈ ફરક નથી. પણ ફરક ક્યાં પડશે વાસ્તવમાં પ્રભુની નિર્મળ ચેતના પ્રગટ થઇ છે. આપણી નિર્મળ ચેતના ઢંકાયેલી છે.

કેવલજ્ઞાન મને કે તમને મળશે ત્યારે બહારથી આવવાનું છે? ભીતરથી જ આવવાનું છે! કેવલજ્ઞાન મારી ભીતર જ છે. મોક્ષ મારી ભીતર છે. મોક્ષ એટલે કોઈ સ્થાન નહિ. મોક્ષ એટલે સ્વરૂપાનુભૂતિ. હું મારા સ્વરૂપને શાશ્વત સમય સુધી અનુભવુ એ મોક્ષ. તો રાગ – દ્વેષના અણુઓથી તમે અલિપ્ત છો. કર્મોથી પણ તમે અલિપ્ત છો. કર્મો પણ તમારા શુદ્ધ ચૈતન્ય ને લાગી શકતા નથી. બોલો! સિદ્ધાત્મા છે મોક્ષમાં બેઠેલા છે, કર્મના અણુઓ એમને લાગશે ખરા? નહિ લાગે! આપણી પાસે રાગ – દ્વેષ છે એના કારણે કર્મો ખેંચાઈ આવે છે. એટલે એક બહુ સરસ સાધના ગુજરાતી ભાષાના સવાસો ગાથાના સ્તવનમાં ઉપાધ્યાય યશોવિજય મહારાજે આપી. ‘નિર્વિકલ્પ ઉપયોગમાં નહિ કર્મનો ચારો.’ જ્યારે તમે નિર્વિચાર બની જાઓ ત્યારે કર્મનો પ્રવેશ તમારી ભીતર નહિ થાય. સમયે – સમયે સાત કર્મ બંધાય છે, બંધાવાના… પણ એમાં જે ચીકાશ આવે છે રાગ – દ્વેષને કારણે, હવે વિચારો જ નથી તો ચીકાશ ક્યાંથી આવશે.

એક બહુ મજાની વાત તમને કહું રાગ – દ્વેષનો ઉદય થયો, તમારે એમાં ભળવું નથી તો તમે શું કરી શકો…? વિચાર અને વિભાવ આમને – સામને છે. રાગ – દ્વેષ અહંકાર એટલે વિભાવ. તમે વિભાવને ન રોકી શકો વિચારને રોકી દો. તો વિભાવો બંધ થઇ જાય. એ વખતે નિર્વિચાર બની જાઓ. હવે વિચાર જ નથી તો રાગ – દ્વેષ અંદર કેવી રીતે આવશે. તો નિર્વિચાર બનવાની એક કળા સિદ્ધ કરી લો. આમ બેસો અને વિચાર મુક્ત થઇ જાઓ. આ વિચારોએ તમારી કેટલી energy ખતમ કરી. તમારો કેટલો સમય બગાડ્યો. આજનો માણસ ઘડિયાળ લટકાળીને ફરે કે મોબાઈલમાં ઘડિયાળ લઈને ફરે. એ કહે મારે મિનિટ – મિનિટનો સવાલ છે. અલ્યા મિનિટ – મિનિટનો સવાલ છે પણ તારા વિચારોમાં તું કલાકો બગાડે છે. એ જોયું ક્યારે? આ વિચારોમાં કેટલી energy તમારી વેસ્ટ ગઈ..! જે energy તમે અંદર જવામાં વાપરી શકવાના હતા. એ જ energy ને તમે સાવ નકામી રીતે use કરી.

હું ઘણીવાર મારા પ્રવચનોમાં પૂછું કે તમે જે વિચારો કરો છો? એમાંથી ૯૯% નકામા કે ૧૦૦% નકામા. કેટલા નકામા? લગભગ જવાબ એ જ મળે ૧૦૦% નકામા. કારણ એક ઘટના ઘટી ગઈ. હવે તમે વિચાર કરો છો, કે આ ઘટના કેમ ઘટી, પેલાએ મને આમ કેમ કહ્યું..! અરે તું ૧૭ વિચાર કરે કે ૧૭૦૦ વિચાર કરે… જે ઘટના ઘટી ગઈ એ બીજી રીતે ઘટવાની છે…? જે ઘટના ઘટી ગઈ એના માટે તમે શું કરી શકો? સ્વીકાર સિવાય કોઈ માર્ગ તમારી પાસે છે? તો સ્વીકાર કરી લો. આણે કેમ આમ કર્યું.. કર્યું તો કર્યું.

એક માણસ હતો પડી ગયો. Crack આવી પગની ઓર્થોપેડિક ડૉકટરને બતાવ્યું.  એને બેન્ડેડ બાંધ્યો. અને ૧૫ દિવસ બિલકુલ bed rest કરવાનો. Crack સંધાય જશે. ૧૩ દિવસ લગભગ થયેલા. અને એમાં એનો દૂરનો મિત્ર એને હમણાં જ ખ્યાલ આવ્યો કે આ ભાઈ પડી ગયા છે, એટલે એની ખબર કાઢવા આવેલો. એ મિત્ર આવ્યો. એણે પૂછ્યું કેમ કરતાં પડી ગયા તમે? એટલે પેલો ઉભો થયો અને rehearsal કરીને બતાવ્યું કે આમ કરીને પડી ગયો. Crack પહોળી થઇ. ફરી ઓર્થોપેડિક ના શરણે, ફરી બેન્ડેડ, ફરી bed rest, ફરી ૧૦ -૧૨ દિવસ થયા ને બીજો એનો મિત્ર આવ્યો ને કેમ કરતા પડી ગયા? ફરી rehearsal. તમે આવું કરો ક્યારેક…

એક ઘટના ઘટી ગઈ તમારો એકદમ પાડોશી સમજો કે close friend હતો. એને તમારી જોડે બહુ ખોટો વર્તાવ કર્યો. તમારા મનમાં પણ બહુ લાગી આવ્યું. પણ સમય જાય એમ ઘા રુઝાતો જાય. ૧૦ – ૧૨ દિવસ થયા અને બધું વિસારે પડ્યું. તમે સ્વસ્થ પણ બન્યા. અને એમાં તમારો દૂરનો મિત્ર આવ્યો. એ કહે મેં તો હમણાં સાંભળ્યું કે આ તમારો close friend! સાલાએ આવા ધંધા કર્યા તમારા માટે…! હું તો સાંભળીને સળગી ઉઠ્યો. અલ્યા તું! સળગે ત્યાં સુધી તો ઠીક છે, આને શું કરવા સળગાવે છે.

હવે આ રીતે કહે, શું થાય હવે? By the way તમને પૂછું તમને કેવા માણસો ગમે? આવી શાતા પૂછનારા ગમે? કે અમારા જેવા ગમે… કે ભાઈ ઘટના પતી ગઈ હવે એને મૂકી દે માળીયામાં. તું તારું કામ કર. તમને કેવા ગમે? શું મારો હિતૈષી હતો પેલો, એટલું દર્દ થયું, ૧૦ દિવસે એને સમાચાર મળ્યા. દોડતો આવ્યો. ‘અરે તમારા માટે પેલાએ આવું કર્યું.’ તમને કોણ ગમે અમારા જેવા ગમે કે પેલો ગમે.

તો કોઈ પણ ઘટના ઘટી સ્વીકાર સિવાય કોઈ માર્ગ છે ખરો? તો શા માટે વિચારોમાં જાઓ છો? તો વિચારોને તોડતા તમને આવડે, તો રાગ – દ્વેષને તમે તોડી શકો. તો તમે અખંડ છો ને અમર છો. અને અલિપ્ત છો. અમલ એટલે રાગ – દ્વેષના મલથી રહિત. અલિપ્ત એટલે કર્મના અણુઓથી પણ લેપાયેલા નહિ. અને ૩જી વાત તમે અખંડાકાર ચેતના છો. સિદ્ધશિલા ઉપર આપણે જઈશું ત્યારે આપણો ઉપયોગ અખંડાકાર આપણી ચેતનામાં જશે.

હવે એક વાત કહું, થોડી મિનિટો તમારે તમારૂ મન સ્થિર રાખવું છે. શાસ્ત્રીય ભાષામાં કહું તમારે તમારા ઉપયોગને અખંડ રાખવો છે. મનની એક શુભની ધારા અખંડ રીતે ચલાવવી છે. તો એ કેમ નથી ચાલતી..? એમાં વિલન કોણ છે?

દેરાસરમાં ગયા, સામે પ્રભુ બેઠેલા છે, સરસ મજાની ધારા ચાલી, તથા સરસ સ્તવના ચાલતી હોય, આપણી આંખમાં આંસુ પણ આવેલા હોય, અને એમાં એક વ્યક્તિ આવી ગભારા પાસે, જે તમને અણગમતી છે. અલ્યા ભાઈ અહીંયા ભગવાનના દર્શન કરવા આવ્યો છું, ભગવાનને જો. પણ તમે ભગવાનને બદલે પેલાને જોવામાં interest છે. અને એને જોશો, ઓહો! આવો હરામખોર માણસ! જુઓ ને ઠાઠથી દર્શન કરે છે. અલ્યા તું દ્વેષી માણસ! આટલો ભયંકર માણસ! અને તું દેખાવ કરે છે, ધર્મી હોવાને? આખી જ ધારા તમારી divert થઇ ગઈ. આ diversion કેમ આવ્યું?

એક વિચાર આવ્યો કે આખી ધારા divert થઇ ગઈ. તો અખંડાકાર ઉપયોગ મનને શુભની ધારામાં થોડી વાર માટે પણ રાખવો હોય તો મન ઉપર તમારું નિયંત્રણ જરૂરી છે. શુભ વિચારો આવે છે તો આવવા દો. જે ક્ષણે અશુભ વિચાર આવવા લાગે એ ક્ષણે અશુભ વિચારોને રોકી દો. અહીંયા ઠંડક સારી છે, રાત્રે સૂતા હોવ થોડી ગરમી લાગતી હોય, બારી ખુલ્લી રાખો. પાછલી રાત્રે એકદમ ઠંડી હવા થઇ જાય તો બારી બંધ પણ કરી દેવાય.

તો મનની બારીમાં આવી સુવિધા છે? કે ખુલ્લી રાખવી હોય ત્યારે ખુલ્લી રાખો, બંધ કરવી હોય ત્યારે બંધ કરી શકો. Switch on અને off કરતા આવડે છે? કે on જ હોય છે ૨૪ કલાક? એ ક્ષણે તમને લાગે કે આ વિચાર મારા માટે બિનજરૂરી છે, off કરી દો? તો આપણે જે ધ્યાનાભ્યાસ કરીએ છીએ, એનો એક ઉદેશ્ય એ પણ છે કે વિચારો ઉપર નિયંત્રણ લાવો. તમારે થોડો પ્રયત્ન તો કરવો જ પડશે. આ સાધના આપણે રોજ કરવાની છે. ૫ – ૭ – ૧૦ વાર. એટલા માટે કે પહેલું result તો એ મળશે કે વિચારો ઉપર તમારું નિયંત્રણ સ્થપાશે. આજે માલિક કોણ? મન તમારું માલિક કે તમે મનના માલિક. કોણ માલિક?

હું મુલ્લાજી ની વાત ઘણી વાર કહું છું. ત્યાં ઘોડો તો હોય નહિ. ગધેડો હોય. એકવાર ગધેડા ઉપર બેસી મુલ્લાજી ક્યાંક જતા હોય છે. એક મિત્રે પૂછ્યું – મુલ્લાજી ક્યાં ઉપાડી સવારી? તો મુલ્લાજી કહે – ગધેડાને પૂછ. પેલો સમજ્યો ગધેડો કંઈ બોલવાનો હતો. ઠીક એને જવાબ ન આપવો હોય તો કંઈ નહિ. આગળ ગયા મુલ્લાજી, એક close friend મળ્યો – મુલ્લા ક્યાં ઉપડ્યા? એને પણ એ જ જવાબ – ગધેડાને પૂછ. પેલાએ તો કોલર ખેંચ્યો ખમીસનો. હરામખોર પણ તું બોલને; ક્યાં જાય છે? ગધેડો થોડી બોલવાનો હતો? તો મુલ્લા કહે વાત એવી છે, કે ઘોડો હોય ને એને લગામ હોય છે. ગધેડાને લગામ બગામ હોતી નથી. મારે જવું હોય ઉત્તરમાં અને ગધેડો ચાલે દક્ષિણ માં, મારે જવું હોય પૂર્વમાં ને ગધેડો ચાલે પશ્ચિમમાં. હવે ભર બજારે ગધેડા જોડે કુસ્તી કરીએ તો કંઈ સારા લાગવાના હતા. નક્કી કર્યું છે ગધેડા ઉપર બેસી જવું એને જ્યાં જવું હોય ત્યાં જાય. હવે મને ખબર જ નથી હું શું કહું?

તમારી હાલત આવી જ કે અલગ છે…? મન કયો વિચાર કરે કોઈ નિયંત્રણ ખરું? એક ખરાબ વિચાર આવ્યો, તરત જ તમે એને off કરી શકો. છે આવી વ્યવસ્થા તમારી પાસે? એ વ્યવસ્થા તમને ધ્યાનાભ્યાસ માંથી મળશે.

ત્રીજા ચરણમાં જ્યારે તમે માનસ જાપ કરો છો. ત્યારે માત્ર એક પદ ઉપર તમારે મનને સ્થિર કરવાનું છે. તમારું મન વિચાર કરશે પણ એવી જાગૃતિ તમારી પાસે જોઇએ. એક પણ વિચાર આવ્યો, વિચારમાં તમારે જવાનું નથી. બે ઊંડા શ્વાસ લીધા, ઝડપથી છોડ્યા, વિચારોને તોડી નાંખ્યા. તો વિચારો ઉપરના નિયંત્રણની એક master key તમને આ સાધનામાં મળી જશે. તો સ્વાનુભૂતિની વાત આપણે કરતા હતા, કે સ્વાનુભૂતિના બે પ્રકાર. ગુણાનુભૂતિ અને સ્વરૂપાનુભૂતિ. તો તમારા આનંદનો અનુભવ એ ગુણાનુભૂતિ. સમભાવનો અનુભવ એ ગુણાનુભૂતિ. અને હું એકદમ નિર્મળ ચેતના છું, એ અનુભવ એ સ્વરૂપાનુભૂતિ. કારણ એ પૂરા ચૈતન્ય માટેનો અનુભવ છે. અને ગુણો એ એના અંશ. તો આ ધ્યાનાભ્યાસ દ્વારા આપણે મનને નિર્વિચાર તો બનાવવું જ છે. જેથી કરીને ક્યારે પણ બિનજરૂરી વિચાર ચાલતો હોય, લગભગ તમારે બિનજરૂરી જ ચાલે છે. તો તમે એને stop કરી શકો.

મન ક્યાં દોડે તમને ખબર છે? ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં. તમે જોજો કોઈ પણ વિચાર હોય, યા ભૂતકાળ related હોય યા તો ભવિષ્યકાળ related હોય. વર્તમાનની જે ક્ષણ છે, એક સેકંડ એમાં તમે કંઈ કામ કરી રહ્યા છો, પણ વિચારોની જે હારમાળા ચાલે છે એ કોના કારણે ચાલે છે ભૂતકાળ અને ભવિષ્યકાળના કારણે. તો ભૂતકાળ વીતી ચુક્યો. ગમે એટલા વિચારો કરો, ભૂતકાળની ઘટનાઓ બદલાવાની નથી. તો વિચારો નકામા ખરા કે નહિ? ભવિષ્યકાળ, ભવિષ્યકાળના વિચારો તમે કરો પણ એ વિચારોમાં કેન્દ્રસ્થાને કોણ? તમે. હું આમ કરીશ. હું આમ કરીશ. મારે ધંધો આવો develop કરવો છે. એટલે કેન્દ્રસ્થાને હું છું. તમે છો. તમે કેટલું રહેવાના ધરતી ઉપર એ તો નક્કી નથી. આ શ્વાસ મૂક્યો, નવો શ્વાસ લઇ શકશો કે નહિ લઇ શકીએ એ પણ આપણને ખબર નથી. એટલે ભવિષ્યકાળના વિચારો પણ નકામા થયા. એટલે કેન્દ્રસ્થાને હું છું. એટલે મારે કેટલું રહેવાનું છે એ ખબર નથી.

તો આપણને શાસ્ત્રોએ વર્તમાનયોગની સાધના આપી. વર્તમાનની એક ક્ષણ અને એમાં ઉદાસીનદશામાં રહેવાનું. એમાં પણ રાગથી રહો એ નકામું પાછું. ન રાગ, ન દ્વેષ, ન અહંકાર, ઉદાસીનદશા. કંઈક કરી રહ્યા છો તમે. એક મન એ ક્રિયામાં છે તમે અંદર છો. મેં સવારે કહેલું ને કે હું જ્યારે એકાંતવાસમાંથી સીધો જ પાટ ઉપર આવી ગયો. ત્યારે મને સવાલ એ થયો. કે એકાંતવાસમાં તો હું મારી સાધનાને ઘૂંટતો હોઉ છું, આ લોકોના સંપર્કમાં હું આવીશ ત્યારે મારી સાધનાનું શું થશે? પણ પ્રભુએ એક બહુ મજાનો માર્ગ મને આપ્યો. એ માર્ગ એ હતો કે conscious mind જે છે આ બધી પ્રવૃત્તિઓથી habited છે. હવે પ્રવચન આપવું હોય તો habited વસ્તુ છે. કોઈ પણ પ્રવચનકાર હોય ઊંઘમાંથી ઉઠાડો, આ વિષય ઉપર બોલવાનું છે બોલવા મંડી પડે. તો એનું conscious mind છે. એ habited છે. તો મને થયું કે બહારનો બધો ભાગ conscious mind ને આપી દઉં. અને મારો ઉપયોગ મારી ભીતર રહે. બે track મેં પાડી દીધા. તમે પણ આ કરી શકો છો. અને તમે કરો જ છો.

આજનો મનોવૈજ્ઞાનિક કહે છે – આજનો માણસ કોઈ પણ ક્રિયા only કરતો જ નથી. ઓફિસે જવાનું છે, અને જમવા માટે બેઠા પણ તમે એ વખતે માત્ર ભોજન કરતા નથી. ઓફિસની ચિંતામાં છો. ઓફિસે ગયા અને ઓફિસમાં નથી only.. ઘરની ફાઈલ ખોલીને બેસી જાઓ છો. ઓફિસેથી ઘરે આવો છો. તમારા દીકરા જોડે તમે આનંદથી પ્રેમથી રમી શકતા નથી. કેમ? ઘરે આવ્યા પછી પણ ઓફિસની ફાઈલ ખોલીને તમે બેઠેલા છો. એક પણ ક્રિયા તમે only કરતા નથી. પ્રતિક્રમણ તો only નથી કરતા, ત્યાં તો મન બહાર દોડે જ છે. પણ તમારી સંસારની ક્રિયાઓમાં પણ તમે only ફક્ત ક્રિયાઓ કરતા હોય એવી એક પણ નથી તમારી પાસે. કારણ કે તમારું મન weavering છે. આગળ ને આગળ દોડ્યા કરે છે. ખાતી વખતે ઓફિસનો વિચાર. ઓફિસે ગયા તો ઘરનો વિચાર. ઘરે આવ્યા તો ઓફિસનો વિચાર.

તો ખરેખર શું કરવું જોઈએ, જે વખતે જે ક્રિયા કરો, એમાં એક મનને મૂકી દો, બીજા મનને સાધના માટે છુટું પાડી દો. આજે તો business management માં અને સૈન્યમાં પણ યોગા નો પ્રવેશ થયો છે. શા માટે પ્રવેશ થયો છે? એટલા માટે કે business management ના જે ગુરુઓ છે, એ લોકો પણ યોગા ઉપર ભાર મૂકે છે. એ ફેક્ટરી માલિકોને કહે છે કે તમારા કર્મચારીઓને યોગા શીખવાડો. કારણ એમનું મન નિયંત્રિત હશે, તો તમારા કામની અંદર એ નિષ્ઠાપૂર્વક કામ કરી શકશે. એ વ્યક્તિને પણ ફાયદો થશે. તમારા કામને પણ ફાયદો થશે. એટલે business management માં આ જ યોગ આવી ગયો છે. સૈન્યમાં પણ યોગ આવી ગયો છે. યોગ વિના ક્યાંય ચાલતું નથી. પણ બીજી જગ્યાએ યોગનો અર્થ જૂદો છે. આપણે ત્યાં યોગનો અર્થ જૂદો છે.

બીજી જગ્યાએ યોગનો અર્થ એ છે કે તે – તે ક્રિયામાં મનને જોડવું. આપણે ત્યાં યોગનો અર્થ એ છે કે મોક્ષને સાધક જે ક્રિયાઓ છે એમાં મનને જોડો. તો આપણે આ રીતે કરી શકીએ કે નહિ? બહેનો રસોઈ બનાવતી હોય, અને ટી.વી જોતી હોય, કે પ્રવચનો સાંભળતી હોય, બને કે નહિ? અને રોટલી – દાળ બરાબર બને છે. એટલે ખ્યાલ આવ્યો! મનનો નાનકડો હિસ્સો રસોઈને આપી દઈએ તો બીજો હિસ્સો ફાજલ પડી શકે છે. એ ફાજલ હિસ્સો જે છે એ તમને આપી દો તમે. સંસારમાં છો. દુનિયા તરફની, તમારા કુટુંબ તરફની તમારી ફરજો છે તો ફરજોને પણ મન આપો. તમને પણ તમારું મન આપો. Division પાડી નાંખો. તો મને પ્રભુએ આ division પાડતાં શીખવાડી દીધું. એટલે હવે તો લોકોની જોડે વાતો પણ કરતો હોઉં.

મારો હોલ ઉભરાતો જોયો લોકોથી અને છતાં હું મારી જોડે જ હોઉં. “સબ મેં હૈ, ઔર સબ મેં નાહી તું નટ રૂપ અકેલો, આપ સ્વભાવ વિભાવે રમતો, તું ગુરુ ઓર તું ચેલો” સબ મેં હૈ ઓર સબ મેં નાહી, આ સાધકની એક વિલક્ષણતા છે. એક મુનિ હોય એને પોતાના વસ્ત્રો કયા એ ખ્યાલ છે કારણ કે પડિલેહણ કરવાનું છે. પોતાના પાત્રો કયા એ ખ્યાલ છે. પણ ક્યાંય attachment નથી. મારું પાત્ર કોઈ લઇ ગયું યા ફૂટી ગયું કોઈ attachment નથી. એટલે ઉપયોગ રૂપે બીજા વસ્ત્રોમાં કે પાત્રોમાં છે. આસક્તિ રૂપે કે attachment રૂપે ક્યાંય નથી. તો આ રીતે મનને અલગ – અલગ રીતે મૂકી શકાય છે. તો આપણે ઘણું બધું શીખવાનું છે.

તમે સમજી ગયા મુખ્યતયા હમણાં નિર્વિચારદશાનો અભ્યાસ તમને પડે એના માટેનું focusing છે. અને એ પછી તમે સ્વાનુભૂતિ કરી શકો એના માટે પણ. પણ, તમારે અંદર જવું હોય સ્વનો અનુભવ કરવો હોય, તો નિર્વિચારદશાના foundation વગર તમને ચાલી ન શકે. તમને સમજાવું… વિચારો ચાલુ જ છે. અને એ વિચારો લગભગ તમને રાગમાં અને દ્વેષમાં લઇ જાય છે. તો એ તમને તમારી અંદર શી રીતે લઇ જઈ શકશે. એટલે સૂત્ર એ છે કે વિચારો બંધ થાય, તમે ક્યાંય પરમાં ન હોવ, તો સ્વમાં હોય. પરની બારી બંધ કરી દો, પરમાં જવું જ નથી. થોડી ક્ષણો માટે. એવી એક જાગૃતિ પછી ૨૪ કલાક માટે મળે છે. હું વર્ષોથી આ સાધના કરાવું છું. ઘણા બધા સાધકો મને મળ્યા. અને એ બધાએ પોતાનો અનુભવ કહ્યો. અનુભવ મજાનો રહ્યો. એ કહે કે સાહેબ જ્યારે પણ કોઈ નિમિત્ત મળે, અને લાગે કે રાગમાં કે દ્વેષમાં જવાનું દ્વાર ખૂલે એમ છે તરત જ અમે નિર્વિચાર બની જઈએ. દ્વાર પછી ખૂલવાનું જ નથી. રાગનો વિચાર કરું તો રાગમાં જાઉં ને. વિચાર જ બંધ હોય, lock થઇ ગયો દ્વાર તો રાગમાં શી રીતે જાઉં?

અમુક સાધકોએ તો ત્યાં સુધી કહ્યું કે ખાલી આમ મુદ્રા કરીને બેસી જાઉં વિચારો સંપૂર્ણતયા ત્યાં બંધ થઇ જાય છે. એટલે નિર્વિચારદશા એ foundation છે. કે જેના કારણે તમે પરમાં ન જાઓ.

આ મોબાઈલ પરમાં જવાનું બહુ મોટું માધ્યમ. કેટલી તમારી energy એનાથી waste થાય છે. વિદેશમાં હવે એવા લોકો છે જેઓ મોબાઈલનો ત્યાગ કરીને બેસી ગયા છે. ઇઝરાયલમાં kibbutz નામની વસાહત છે. એ વસાહતમાં electricity બિલકુલ નહિ. ન light. ન fan. વીજળીથી ચાલતું કોઈ પણ ઉપકરણ નહિ. આપણા વડવાઓ ૧૦૦ – ૧૫૦ વર્ષ પહેલા જીવતા હતા, એ રીતે એ લોકો અત્યારે જીવે છે. અને કોઈ પત્રકાર મળે અને એમનો interview લે. એ લોકો કહે કે અમે લોકો એટલા બધા મજામાં છીએ કે અમારા આનંદને શી રીતે અભિવ્યક્ત કરવો એ અમને ખ્યાલ નથી આવતો. અમે જ છીએ ને પણ, રાત્રે ન light હોય, ન કાંઈ હોય. રાત્રે સ્વાધ્યાય કરીએ. ધ્યાન કરીએ. શરીર થાકી જાય એટલે સંથારામાં સૂઈ જઈએ.

તો નિર્વિચારદશા એ foundation અને સ્વનો અનુભવ એ આપણી સાધના. તો હવે આપણે પ્રેક્ટીકલ શરૂ કરીએ. 

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *