Maun Dhyan Sadhana Shibir 08 – Vachana – 5

1 View
42 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject: સો સાહિબ કો પ્યારા

આનંદથી ભરેલું વ્યક્તિત્વ પ્રભુને પ્રિય છે. ઉદાસીનભાવમાં ડૂબેલો સાધક એવા પરમ આનંદને સ્પર્શી શકે છે. મોહનીયનો ક્ષયોપક્ષમ એ ઉદાસીનભાવ. અને એ ઉદાસીનભાવને આપણે જ્ઞાતાભાવ-દ્રષ્ટાભાવમાં લઇ જવો છે. માત્ર જાણી લીધું, માત્ર જોઈ લીધું; એની અસર તમારા ઉપર ન થાય. એટલે કે તમારું જાણવાપણું, જોવાપણું નિર્લેપ બની જાય.

જ્યાં સુધી તમારા જ્ઞાતાભાવ-દ્રષ્ટાભાવમાં ઉદાસીનભાવનું ઊંડાણ નહિ ઊમેરાય, ત્યાં સુધી જ્ઞાતાભાવ-દ્રષ્ટાભાવ રહેશે પણ ખરો અને મોહને કારણે પરમાં જવાનું પણ થશે. સૈદ્ધાંતિકરૂપે ખ્યાલ આવશે કે મારે પરમાં જવાનું નથી પણ મોહના ઉદયને કારણે પરમાં જવાનું પણ થશે.

પ્રભુની સાધનાને માત્ર એક જ શબ્દમાં મૂકવી હોય, તો એ એક શબ્દ છે: સર્વસ્વીકાર. મનગમતાનો સ્વીકાર અને અણગમતાનો અસ્વીકાર નહિ; સર્વસ્વીકાર. પ્રતિકુળતા આવી તો પણ સ્વીકાર, કોઈએ ગાળો આપી તો પણ સ્વીકાર, કોઈએ નિંદા કરી તો પણ સ્વીકાર. ઉદાસીનભાવ એટલે સર્વસ્વીકાર.

મૌન ધ્યાન સાધના શિબિર ૦૮ શ્રી શત્રુંજય મહાતીર્થ વાચના – ૫

દેવાધિદેવ પરમતારક શત્રુંજય તીર્થાધિપતિ શ્રી ઋષભદેવ પ્રભુના ચરણોમાં વંદના.

સદ્ગુરુદેવ પૂજ્યપાદ અરવિંદસૂરી દાદાના ચરણોમાં વંદના.

સ્વાનુભૂતિ માટે બે તત્વો અનિવાર્ય રૂપે આવશ્યક છે. સાક્ષીભાવ અને સમર્પણ. સાક્ષીભાવના પાંચ સ્તરો પૈકીનું પહેલું સ્તર છે પુદ્ગલ અનુભવ ત્યાગ. મને લાગે છે કે આવતીકાલે જનારા શિબિરાર્થીઓને સાધના દીક્ષા રૂપે આ પહેલું ચરણ આપી દઉં. આ જ તમારી સાધના દીક્ષા થઈ જશે. મંત્રદીક્ષા પણ આપણે ત્યાં છે, સાધના દીક્ષા પણ છે, અને એ બે પાકી જાય ને પછી જીવન વ્યાપિની દીક્ષા ! મંત્ર દીક્ષા અને સાધના દીક્ષા, એ પછી જીવન વ્યાપિની દીક્ષા.

પહેલા ચરણમાં આપણે વિચારના અનુભવની મુક્તિને  જોતા હતા, કે વિચારો આવી ગયા. જોઈ લીધા, એની અસર તમારા ઉપર ન થઈ તો વિચાર અનુભવ મુક્તિ તમને મળી, અને એ પ્રક્રિયામાં તમે આગળ જાઓ તો સંપૂર્ણતયા નિર્વિચારદશા, નિર્વિકલ્પદશા તમને મળી જાય, અને એ નિર્વિચારદશા ક્યારે મળે એની ચર્ચા યોગશાસ્ત્રના ૧૨માં પ્રકાશમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજે કરી છે. “ભાવિત પરમાનન્દ:, કવચિદ્Sપિ મનો ન નિયોજયતિ” સાધનાનો-ભીતરનો એક દિવ્ય આનંદ તમારી પાસે આવ્યો ! તમે કંઇ વિચારવાના છો નહિ ! વિચાર ત્યાં સુધી છે, જ્યાં સુધી તમે અપૂર્ણ તમારી જાતને માની રહ્યા છો. જે ક્ષણે જ્ઞાનથી આનંદથી પરિપૂર્ણ તમારા સ્વરૂપનો અનુભવ તમે કર્યો, વિચારો છે જ નહી.

રામકૃષ્ણ પરમહંસ કહેતા કે બ્રાહ્મણો જમવા માટે બેઠેલા હોય ચોરાશીમાં. અવાજ-અવાજ-અવાજ થતો હોય, લાડુ લાવો, દાળ લાવો, ભજીયા લાવો. પણ જ્યાં હર હર મહાદેવ થાય અને જમવાનું ચાલુ થાય, ગહન ચૂપી છવાઈ જાય. અનુભવ શરૂ  થયો ! વિચાર ગયો ! શબ્દ ગયો ! તો બહુ મજાનું સૂત્ર આચાર્ય ભગવંતે આપણને આપ્યું: “ભાવિત પરમાનન્દ:, કવચિદ્Sપિ મનો ન નિયોજયતિ” અમારે ત્યાં ગ્રંથોમાં એક સરસ વાત આવતી હોય છે; લખવામાં આવે સંસ્કૃતમાં, “सूरित भूत्वा आचार्य: कथयति”. કોઈ વાતનું સ્પષ્ટીકરણ આપવાનું હોય ને તો ત્યાં લખે કે મિત્ર બનીને આચાર્ય ભગવંત તમારી જોડે આ વાત કરી રહ્યા છે. આચાર્ય ભગવંત મિત્ર તરીકે તમને આ માર્ગદર્શન આપવા માટે તૈયાર હોય છે. આપણે પૂછીએ કે સાહેબ! અમારે પણ દિવ્ય આનંદની ભૂમિકા ઉપર આવવું છે, એના માટે અમારે શું કરવું જોઈએ ! તો એમણે કહ્યું; “ઔદાસીન્યે નિ:મગ્ન:”. ઉદાસીનભાવમાં ડૂબેલો સાધક પરમ આનંદને સ્પર્શી શકે છે, અને પરમ આનંદનો સ્પર્શ થયો, વિચાર છૂં !

દેવચંદ્રજી મ.સા. જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવને એટલે કે સમ્યગ્જ્ઞાન અને સમ્યગદર્શનને જાણંગભાવ શબ્દથી ઓળખે છે. અને ચારિત્ર માટે એમનો શબ્દ છે ઉદાસીનભાવ! ચારિત્રના પર્યાય તરીકે દેવચંદ્રજી ભગવંત ઉદાસીનભાવ શબ્દ આપે છે. પછી એક બહુ જ મજાની વાત એમણે એમના સ્તવનમાં લખી. તારો દાનાન્તરાયનો  ક્ષયોપક્ષમ થયો. નિશ્ચયરૂપે દાન તો સ્વનું જ હોય અને સ્વને જ હોય. નૈશ્ચયિક રૂપે જાવ તો પરને તમે દાન આપી શકતા નથી, પરનું દાન હોઈ શકતું નથી. આપણે ત્યાંની આ એક મજાની વાત છે. ચોથા સ્તવનમાં એમણે કહ્યું, ‘દ્રવ્યે દ્રવ્ય મિલે નહિ, ભાવે તે અન્ય અવ્યાય’. એક દ્રવ્યનું બીજા દ્રવ્ય સાથે જોડાણ નથી. આત્મદ્રવ્યનું પુદ્ગલદ્રવ્ય સાથે જોડાણ છે જ નહિ, એ સંયોગ સંબંધ છે. તાદાત્મ્ય સંબંધ નથી. કર્માણુઓનો અને તમારો સંબંધ જે છે એ સંયોગ સંબંધ છે. જ્ઞાન-દર્શન-ચારિત્રનો  તમારી જોડેનો તમારો સંબંધ તાદાત્મ્ય સંબંધ છે.

તો પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાયનું ક્યારેય પણ મિલન હોઈ શકે નહિ. એથી આગળ જાઓ તો એક આત્મતત્વ અને બીજું આત્મતત્વ એ બંને વચ્ચે પણ મિલન શક્ય નથી, અને એટલે જ સિદ્ધશિલા ઉપર દરેક આત્મદ્રવ્ય ભિન્ન-ભિન્ન રૂપે બેઠેલો છે. કોઈ આત્મદ્રવ્ય બીજા આત્મદ્રવ્યમાં ભળી જતું નથી, એની સ્વતંત્ર IDENTITY ત્યાં રહે છે, તો એ નિશ્ચયનયની દ્રષ્ટિએ કોઈ કોઈને કશું જ આપી શકે નહિ. દરેકની સત્તા અલગ થઈ ગઈ.

જો આપણા જૈનદર્શનના સ્યાદ્વાદની ખૂબી બતાવું, તો એ નિશ્ચયનયને લઈએ ને તો નિમિત્ત આખું જ ઉડી જાય. હું બેઠો છૂં અહિયાં હું તમને જ્ઞાન આપી ન શકું. નિશ્ચયનય કહેશે કે એનું ઉપાદાન શુદ્ધ હશે તો એને મળશે. તમે શું કરવાના ! એટલે નિશ્ચયનય નિમિત્તને ઉડાડી દેશે. વ્યવહાર નય કહેશે કે ના, નિમિત્ત તો છે જ ! જો અશુભ નિમિત્તોની અસર મને થાય છે, તો શુભ નિમિત્તોની અસર મને થવાની જ છે. તો હવે આને આપણે કઈ રીતે ગોઠવશું ! હું જયારે પ્રવચનકાર તરીકે છું ત્યારે હું માનીશ કે હું માત્ર સ્વાધ્યાય કરી રહ્યો છું ! હું તમને જ્ઞાન આપી રહ્યો છું એ ભૂમિકા મારી પાસે નહિ હોય ! કેમ કે યશોવિજય નામની ઘટના જ નથી, પણ એ વાત આગળની છે. હું તમને જ્ઞાન આપું છું એ ભૂમિકા મારી પાસે નહિ હોય, હું માત્ર સ્વાધ્યાય કરી રહ્યો છું. આમ ત્યાં ચેન્નાઇ ભવનમાં મારી પાટ ઉપર બેઠો બેઠો સ્વાધ્યાય કરતો હતો હવે અહીંયા આગમમંદિરમાં આવીને સ્વાધ્યાય કરું છું. મારી દ્રષ્ટીએ મારો સ્વાધ્યાય ચાલી રહ્યો છે, એટલે હું નિમિત્ત ઉપર ભાર બિલકુલ મૂકવા તૈયાર નથી. હું માત્ર ને માત્ર તમારી ઉપાદાન શુદ્ધિ ઉપર આધાર રાખીશ. કે ભાઈ તીર્થંકર પ્રભુના સમવસરણમાં આપણે જઈ આવ્યા ! આપણું ઉપાદાન શુદ્ધ નહોતું તો આપણને કંઇ મળ્યું નહિ. તો મારા જેવો માણસ આપશે અને બીજાને મળી જશે! એવું હું માનવું એ વધારે પડતી વાત છે ને ! પણ આ મારી ભૂમિકા. તમારી ભૂમિકા એ હશે કે સદ્ગુરુએ કૃપા કરીને અમને દાન આપ્યું. એટલે એક બાજુ નિમિત્તનો છેદ ! બીજી બાજુ નિમિત્તનો સ્વીકાર ! આ આપણું જિનશાસન છે ! તો હવે દેવચંદ્રજી મહારાજ સાહેબ કહે છે; કે પરનું પરને દાન ન હોઈ શકે, સ્વનું જ દાન સ્વને હોય. હવે એ કઈ રીતે? તો જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવ જે છે એ ચોથે ગુણઠાણે પણ છે, પાંચમે પણ છે, છઠ્ઠે પણ છે, સાતમે પણ છે. ફરક શું પડે છે? જેમ-જેમ તમે ગુણઠાણામાં આગળ વધો છો તેમ જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવમાં તીક્ષ્ણતા-નિર્લેપદશા વધતી જાય છે, એટલે આપણે એમ કહી શકીએ કે ઉદાસીન ભાવે જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવને પોતાની તીક્ષ્ણતા-નિર્લેપદશા હોય છે.

અને આ જ વાત અધ્યાત્મગીતામાં દેવચંદ્રજી મહારાજે કહી; ‘જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તિહાં’ જ્ઞાતાભાવ એટલો શાર્પ થઈ ગયો, દ્રષ્ટાભાવ એટલો શાર્પ થઈ ગયો, એ જ ઉદાસીનભાવમાં પરિણમશે. એટલે અત્યારે તમારી પાસે જ્ઞાતાભાવ-દ્રષ્ટાભાવ છે માની લઈએ ! પણ જ્યાં સુધી ઉદાસીનભાવની ગહેરાશ એમાં નહિ ઉમેરાય ને ત્યાં સુધી જ્ઞાતાભાવ-દ્રષ્ટાભાવ રહેશે પણ ખરો અને મોહને કારણે પરમાં જવાનું પણ થશે. સૈદ્ધાંતિક રૂપે ખ્યાલ હશે કે મારે પરમાં જવાનું નથી પણ મોહના ઉદયને કારણે પરમાં જવાનું પણ થશે. અને એટલે જ ક્ષાયિક સમકિતી શ્રેણિક પણ યુદ્ધના મેદાન ઉપર જાય છે, લડાઈ લડે છે, અને અંત:પુરમાં જઈને રાણીઓ સાથે ભોગ ભોગવે છે. સ્પષ્ટતયા સમજ છે કે આ બિલકુલ નકામું છે. પણ એક મોહનીયના ઉદયને કારણે એ જઈ રહ્યો છે.

હવે આપણે શું કરવું છે? એ તમને બતાવું ! જ્ઞાતાભાવ-દ્રષ્ટાભાવ થોડો તમારી પાસે છે! તો ઉદાસીનભાવને હવે એમાં ઉમેરો ! જ્ઞાતાભાવને દ્રષ્ટાભાવ માટે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયનો ક્ષયોપશમ જરૂરી છે. ઉદાસીનભાવ માટે મોહનીયનો ક્ષયોપશમ જરૂરી છે. મોહનીયના ક્ષયોપશમ વિના ઉદાસીનભાવ નહિ આવી શકે. કેવી પ્રભુની કૃપા? તમે માનો, આપણા મોહનીયકર્મનો ક્ષયોપશમ પણ પ્રભુ કરે. હું જે કહું છું ને WE HAVE NOT TO DO ANYTHING ABSOLETELY. આપણે કશું જ કરવાનું નથી, એ બધું કરાવે છે. મોહનીયનો ક્ષયોપશમ તમે કરી શકો એના માટે પણ મજાના માધ્યમો પ્રભુએ આપણને આપ્યા છે. પ્રભુની આજ્ઞા પ્રત્યેનો પક્ષપાત! પ્રભુની આજ્ઞાના પાલકો પ્રત્યેનો પક્ષપાત એ મોહનીય કર્મને ખેરવવા માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ છે.

તો આવા તીર્થમાં તમે રહેલાં હોવ, લોકો શ્રદ્ધાથી જે યાત્રા કરતા હોય, તમે એમને જુઓ! તમારી આંખો ભીની બને, એ આંખમાંથી માત્ર આંસુ નથી નીકળતા આંખમાંથી કર્મ પણ ખરે છે. વાહ, આ નાનકડી કાયામાં આવી સાધના કેમ થઈ શકે ! એ પ્રભુના કારણે. અને એ છ વરસના દીકરાને પણ પૂછો કે બેટા આ ચોવિહારો છઠ્ઠ કરીને સાત યાત્રા કઈ રીતે કરી તે? એ સ્પષ્ટ કહેશે દાદાની કૃપાથી કરી. મેં નથી કર્યું એ વાત એનામાં સ્પષ્ટ લાગે. આજે એક છોકરો આવેલો મારી પાસે, છઠ્ઠ કરીને છ યાત્રા પરમદિવસે કરી. એક યાત્રા ગઈ કાલે કરી. દસેક વાગે આવી ગયેલો, પણ પછી મને એ કહે; સાહેબ! એટલી તરસ છે, એટલી તરસ છે, કે કેમ રહેવાય ! એ ચોવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ બીજા દિવસ લેવા તૈયાર નહોતો. આજે સવારે આવ્યો; કહે સાહેબ શું દાદાની કૃપા! પાણી યાદ પણ નથી આવ્યું પછી ! અને સાંજે ચોવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ લઇ પણ લીધું. તો મોહનીયનો ક્ષયોપશમ પણ પ્રભુ કરાવે છે. ઘણીવાર લોકો મને પૂછે કે પ્રભુ બધું કરે, સદ્ગુરુ બધું કરે, તો અમારે શું કરવાનું? ત્યારે હું હસતા હસતા કહું તમારે વચ્ચે બુદ્ધિ અને અહંકારના રોડા નહિ ફેંકવાના ! આટલું જ કામ કરવાનું છે!

અગણિત જન્મોથી આ પ્રભુની કૃપા, સદ્ગુરુની કૃપા તમારા ઉપર વરસતી આવી છે. માત્ર બુદ્ધિ અને અહંકારને કારણે તમે કૃપાધારાને ઝીલી શક્યા નહિ. હું તો ત્યાં સુધી કહું કે પ્રભુ વરસે પણ ખરા. ઝીલાવે પણ ખરા, કહી દો પ્રભુને કે પ્રભુ! તારી કૃપાધારા સતત વરસી રહી છે, હું એને ઝીલી શકતો નથી. તું ઝીલાવ! પ્રભુ સદ્ગુરુ ચેતનાને તમારી પાસે મોકલશે. તમે સદ્ગુરુ ચેતના પાસે જશો એમ નથી કહેતો! સદ્ગુરુ ચેતના તમારે દ્વારે આવશે. અને પ્રભુની કૃપાને ઝીલવી એના માટે આખી જે છે એ સમજણ આપશે!

તો કૃપા વરસાવે પણ પ્રભુ! ઝીલાવે પણ પ્રભુ! તમારે શું કરવાનું? ENJOYMENT. મજા કરવાની. ઝીલવાનું, ભીના ભીના થઈ જવાનું. તો મોહનીયનો ક્ષયોપશમ ઉદાસીનભાવ, અને એ ઉદાસીનભાવને આપણે જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવમાં લઇ જવી છે. માત્ર જાણી લીધું. માત્ર જોઈ લીધું. એની અસર તમારાં ઉપર ન થાય. એટલે કે તમારું જાણપણું, તમારું જોવાપણું નિર્લેપ-નિર્લેપ-નિર્લેપ બની જશે. અત્યારે કદાચ તમારી પાસે જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવ સૈદ્ધાંતિક સ્તર ઉપર છે. શબ્દોના સ્તર ઉપર છે. વાસ્તવિક રૂપે જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવ પણ નથી. સમ્યગ્દર્શન મળે પછી જ એ મળે. પણ આપણે જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવમાં બેસી રહેવાનું નથી. ઉદાસીનભાવને પ્રાપ્ત કરવો છે. મેં તમને પહેલા જ કીધેલું કે મારે આજે તમને સાધના દીક્ષા આપવી જ છે. ઉદાસીનભાવની સાધના દીક્ષા આજે મારે તમને આપવી છે. અને એના માટે એક સરસ પદ ચિદાનંદજીનું છે. અદ્ભુત્ત પદ છે. આપણી ભાષામાં જ આવેલું એ પદ છે. એ પદ જો તમે યાદ રાખી શકો તો ઉદાસીનભાવ દૂરની ઘટના નહિ રહે. ઉદાસીનભાવમાં આવેલા સાધકને ચિદાનંદજી મહારાજ નિષ્પક્ષ વ્યક્તિત્વ કહે છે. નિષ્પક્ષ વ્યક્તિ. જે વ્યક્તિત્વ રાગની ધારામાં જતો નથી, જે વ્યક્તિત્વ દ્વેષની ધારામાં જતો નથી, જે વ્યક્તિત્વ અહંકારની ધારામાં જતો નથી, ન ગમાની ધારા, ન અણગમાની ધારા, ન અહંકારની ધારા. તે નિષ્પક્ષ વ્યક્તિત્વ.

તો એમણે પદની શરૂઆત કરી, “અવધૂ ! નિરપક્ષ વિરલા કોઈ”. સૌથી મજાની વાત તો પહેલા જ શબ્દની અંદર છે. “અવધૂ ! નિરપક્ષ વિરલા કોઈ” અવધૂ સંબોધન છે. હે અવધૂત! તું મારી વાત સાંભળ, અને બહુ મજાની વાત છે કે ઉદાસીનભાવમાં ગયેલા સાધકની વાત પણ અવધૂત જ સાંભળી શકશે. બીજો સાંભળશે તો કાનથી સાંભળી જશે! અવધૂ! તમે અવધૂ છો, જેણે રાગ દ્વેષ અહંકારને થોડા થોડા ખેરવી નાંખ્યા છે તે અવધૂત. “અવધૂ ! નિરપક્ષ વિરલા કોઈ”. પક્ષાતીત બનેલ વ્યક્તિત્વો બહુ થોડા છે. ‘દેખા જગ સહું કોઈ’ આખું જગત જોઈ લીધું પણ નિષ્પક્ષ વ્યક્તિત્વ બહુ ઓછા હોય છે, લગભગ છે ને તમે લોકો ખાનાવાળા માણસો છો. તમે લોકો માણસોને બે ખાનામાં વહેંચી નાંખો. સારા માણસો અને ખરાબ માણસો, પછી વ્યાખ્યા શું ચાલે? સારા માણસો કયા? અમુક ગુણ હોય એ સારા એવું નથી. તમારા અહંકારને પંપાળે એ સારા. તમારા અહંકારને ખોતરે તે ખરાબ. હું ઘણીવાર પૂછું લોકોને કે તમે દુનિયાનું કેન્દ્રબિંદુ બની ગયા છો? કે તમારે આધારે આખી જીવસૃષ્ટિનું જે છે એ આખું પરિણામ કાઢી શકે? સારા કોણ? મને અનુકુળ હોય તે, ખરાબ કોણ? મને પ્રતિકૂળ હોય તે. HOW CAN U SAY IT? અત્યારસુધી ખાનામાં જ રહયા છો ને? હું ઘણીવાર કહું છું કે તમને લાગે ક્યારેક કે મારામાં ગુણાનુરાગ છે. જરા જોઈ લેજો કે ગુણાનુરાગ વહેમ તો નથી ને પાછો. ભ્રમ ન હોય. એક વ્યક્તિ પર તમને બહુ અનુરાગ છે. એ બહુ સારો સાધક છે. એ બહુ આમ છે, એ બહુ આમ છે. હવે જરા ઊંડાણથી જુઓ એવા જ ગુણો બીજા જે સાધકોમાં છે એ બધા સાધકો તમને ગમે છે? કે આ જ સાધક ગમે છે? આ જ સાધક ગમે છે તો કેમ ગમે છે. ઊંડાણથી જુઓ. એ સાધક તમારાં અહંને પંપાળે છે, એ કહે છે તમે બહુ સારા છો, માટે તમને સાધક ગમે છે. એટલે આ ગુણાનુરાગ થયો કે અહં અનુરાગ થયો? આ ગુણાનુરાગ છે કે અહં અનુરાગ છે? અને ગુણાનુરાગ પણ અત્યાર સુધીનો ભ્રમ જ હતો. “અવધૂ નિરપક્ષ વિરલા કોઈ” વિરલ વ્યક્તિત્વો નિષ્પક્ષ હોઈ શકે. તમારે વિરલમાં આવવું છે ને? આ સાધના દીક્ષા આપણે એની જ કરવાની છે. માસમાંથી તમને ક્લાસમાં લાવી દેવાના છે. માસમાંથી ક્લાસમાં આવવું છે ને ? “અવધૂ નિરપક્ષ વિરલા કોઈ” પછી કહે છે: “સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ-ઉત્થાપન હોઈ, અવિનાશી કી ઘર કી બાતા, જાનેંગે નર સોઈ” આત્મતત્વની વાતો કોણ જાણી શકશે! ‘અવિનાશી કી ઘર કી બાતા જાનેંગે નર સોઈ’ આત્મતત્વની વાતો વાસ્તવિક રૂપે એ જ જાણી શકશે. કોણ? ઉદાસીન બનેલું વ્યક્તિત્વ. “સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ-ઉત્થાપન હોઈ” ઉદ્+આસીન છે. નથી ગમો, નથી અણગમો, નથી અહંકાર. એક સમરસદશા આવી ગઈ, તો સમરસદશા જેના ચિત્તમાં આવી ગઈ. એને પછી કોઈ સારું નથી ને કોઈ ખરાબ નથી. પદાર્થની દ્રષ્ટીએ જોઈએ તો કોઇ પણ પદાર્થ એના માટે ખરાબ નથી. કોઇ પણ પદાર્થ એના માટે સારો નથી. હું ઘણીવાર કહું છું કે તમે લોકો છો ને સ્ટીકરોનો જથ્થો રાખીને ફરો છો. ચા પીધી, બરોબર ન હતી, એટલે સ્ટીકર લગાડ્યું. બરોબર ન હતી. ખરાબ. ચા ટેસ્ટી આવી એટલે સારાનું સ્ટીકર લગાડી દીધું. માણસના ઝભ્ભાની પાછળ સ્ટીકર તમે નથી લગાવતા! પણ તમારાં મનમાં તો સ્ટીકર લાગી જ જાય છે! આ સારો ને આ ખરાબ.

તો “સમરસ ભાવ ભલા ચિત્ત જાકે” ભલા. સમરસભાવ પણ કેવો હોય? ઉત્કૃષ્ટકોટિનો! સુંદર! જેના ચિત્તમાં છે. થાપ-ઉત્થાપન હોઈ. એને કશું સ્થાપવાનું નથી, કો’કને કયાંક મુકવાનો નથી, કો’કને કયાંકથી ઉખાડવાનો પણ નથી. જે છે એનો સ્વીકાર છે. ઉદાસીનભાવ એટલે સર્વસ્વીકાર. ઘણીવાર લોકો મને પૂછે કે પ્રભુની સાધનાને એક શબ્દમાં મુકવી હોય તો એ એક શબ્દ કયો હોય? ત્યારે હું કહું ઘણીવાર કે સર્વસ્વીકાર એ એક શબ્દ એવો છે કે જેમાં પ્રભુની સાધનાનું પ્રતિનિધિત્વ આવી જાય છે. સંપૂર્ણ સ્વીકાર. અત્યાર તમે કઈ ભૂમિકામાં છો? મનગમતાનો સ્વીકાર. અણગમતાનો અસ્વીકાર. EXCEPTION – REJECTION. હવે આજથી શું થવાનું છે હવે! સાધનાદીક્ષા મળ્યા પછી? માત્ર EXCEPTION બોલો. REJECTION પછી છે જ નહી કયાંય. સ્વીકાર! પ્રતિકુળતા આવી તો પણ સ્વીકાર. કોઈએ ગાળો આપી તો પણ સ્વીકાર! કોઈએ નિંદા કરી તો પણ સ્વીકાર. બોલો. આ સર્વસ્વીકારની સાધના આજે તમારે લઈને જવાની છે. તો “સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ-ઉત્થાપન હોઈ, અવિનાશી કી ઘર કી બાતા, જાનેંગે નર સોઈ” પછી કહે છે: હર્ષ-શોક મન નવિ આણે, નિંદા-સ્તુતિ મન નવિ આણે” જેના મનમાં હર્ષ કે શોક નથી! જેના મનમાં નિંદા અને સ્તુતિ બેઉ સરખા છે! ભગવદ્ ગીતામાં કહ્યું: “તુલ્ય નિંદા સ્તુતિર્મૌની” અને એ જ વાત મીરાંએ કહી: “કોઈ નિંદે, કોઈ વંદે, મેં તો અપની ચલ ચલુંગી, કોઈ નિંદે કોઈ વંદે મેં તો અપની ચાલ ચલુંગી” મીરાં કહે છે; હું તો મારા સાધનાપંથ ઉપર ચાલુ છું. કોઈ નિંદા કરે તો શો ફરક પડે! કોઈ સ્તુતિ કરે તો શો ફરક પડે! હકીકતમાં છે ને નિંદા ગમવી જોઈએ તમને! અત્યારના તબક્કે! અને પ્રશંસા ઝેર જેવી લાગવી જોઈએ! કારણ કે તમે પ્રારંભિક સાધક છો. તમારી સાધના ઊંચકાશે ત્યારે? બેઉ ઇક્વલ બની જવાના છે. પછી નિંદા અને સ્તુતિ બેઉ શબ્દ જ છે ખાલી. તમે જ્યોતિર્મય ઘટના છો. એ પૌદ્ગલિક ઘટના છે. તમારો અને એનો કોઈ સંબંધ થવાનો નથી. પણ પ્રારંભિક સાધક તરીકે તમે જ્યારે છો ત્યારે તમારા માટે નિંદા એ આવશ્યક વસ્તુ છે. અને પ્રશંસા તમારા માટે ઝેર છે.

આજે લોકો પાંચ કરોડનું દાન આપે ને તો જગડુશાની પદવી આપી દે એને! હું તો ઘણીવાર કહું મારા પ્રવચનમાં કે તમને શું રાઈટ છે આવો! જગડુશા કે કુમારપાળનો ઈલ્કાબ આપવાનો તમને રાઈટ કયો છે? એ પાંચ કરોડ ખર્ચવાથી જગડુશા બની જવાય છે? એ દાનની જે ઉત્કટ ભાવના હતી, એને જગડુશા બનાવેલ છે. નહિ કે પૈસાએ, નહિ કે પૈસાના ત્યાગે, એટલે કોઈ તમારી પ્રશંસા કરી દે ને, એથી જરા પણ ફુલાતા નહિ. સાચું કહેજો, તમે ફૂલાઓ ખરા, હોશિયાર માણસ છે !

આપણા પ્રાઈમ મિનિસ્ટર આજે નરેન્દ્ર મોદી છે! દાઢીવાળું વ્યક્તિત્વ છે! તમારા મિત્રોની બીઝનેસ હોય, અને એમાં એક વ્યક્તિ આવી જ દાઢીવાળી છે. તમે એને પ્રેમથી કહો તો નરેન્દ્ર મોદી આવ્યા આપણા… બધા બેઠેલા હોય અને એ પાછળથી આવે, ઓહો આપણા પ્રાઈમ મિનિસ્ટર આવી ગયા હવે કહે છે! એને શું થાય બોલો! મારી મશ્કરી કરી એમ થાય! કે હું પ્રાઈમ મિનિસ્ટર છું એમ થાય! શું થાય… મને કોઈ જ્ઞાની કહે અને હું ફુલાવું તો મારા જેવો મૂર્ખ કોઈ નહિ, મારા જેવો અજ્ઞાની કોઈ નહિ. ૧૪ પૂર્વધર મહર્ષિના જ્ઞાનની પાસે મારું જ્ઞાન કેટલું? એક બિંદુ જેટલું પણ નથી, એટલે સાધક માટે પ્રશંસા ઝેર છે, નિંદા અમૃત છે! બરોબર ને હવે… આ બેસી ગયું ને… પ્રશંસા ઝેર! નિંદા અમૃત!

કબીરજીએ તો કહ્યું છે: “નિંદક નિયરે રાખીએ…” “નિંદક નિયરે રાખીએ, આંગન કુટિયા બીછાય” તમારા કમ્પાઉન્ડની અંદર એક નાનકડી ઝૂંપડી બનાવીને તમારા નિંદક ને રાખજો! તમને જે તમારા દોષો નહિ દેખાય, એ પેલાને દેખાશે! તો “નિંદા, સ્તુતિ, શ્રવણ સુણીને, હર્ષ શોક મન નાણે, તે જગ મેં જોગીસર પુરા, નિત્ય ચઢતે ગુણઠાણે” ‘નિંદા, સ્તુતિ, શ્રવણ કરીને, હર્ષ શોક નવિ આણે’ નિંદા સાંભળી કોઈ પીડા નથી! સ્તુતિ સાંભળી કોઈ અહંકાર નથી! ‘તે જગ મેં જોગીસર પુરા, નિત્ય ચઢતે ગુણઠાણે’ – એ ઉદાસીનભાવવાળો સાધક ગુણઠાણાની શ્રેણીમાં આગળ ને આગળ ચઢતો જાય છે.

હમણાંની એક વાત કરું; ગુર્જિએફ આજના યુગના સાધનાચાર્ય થયા! એકવાર ગુર્જિએફને કો’કે કહ્યું, કે મિસ્ટર વાય તમારી બહુ નિંદા કરતાં હતા! ગુર્જિએફ શું કહે છે એ વખતે, અચ્છા મારી નિંદા! પણ મારી નિંદા એકદમ લિજ્જતથી સાંભળવી હોય ને તો મિસ્ટર એક્સ પાસે જજો! મિસ્ટર વાય કેવી કરે છે મને ખબર નથી કારણ કે મેં મિસ્ટર વાયને સાંભળ્યા નથી. પણ જો તમારે ખરેખર મારી નિંદા લિજ્જતભરી રીતે સાંભળવી હોય, મારા છોતરા ઉખાડી નાંખે એ રીતે તો મિસ્ટર એક્સ પાસે જજો! અને ગુર્જિએફ કહે છે, મિસ્ટર એક્સને મેં સાંભળ્યા છે! એકવાર હું કૉફી હાઉસમાં ગયેલો! અંધારામાં બેઠો બેઠો હું ચિંતન કરતો હતો. કૉફીનો કપ સામે હતો! હું ship કરતો હતો! એમાં મિસ્ટર એક્સ અને એમના મિત્રો આવ્યા! હું અંધારામાં બેઠેલો! એમને ખબર નહિ ગુર્જિએફ બાજુમાં છે! દોઢ કલાક સુધી મિસ્ટર એક્સે જે મારી છોલી છે ને હું ખુશ થઇ ગયો. મારી તબિયત હલી ગઈ કહે છે! શું મજાની એની અભિવ્યક્તિ. To the point એક-એક point લઇ અને મારા જે છોતરાં ઉડાડ્યા છે એણે, મને થયું હું એને શાબાશી આપવા જાઉં, પણ પછી થયું કે એ શરમાઈ જશે! એટલે શાબાશી આપવા હું નહિ ગયેલો! પણ તમારે મારી નિંદા બરોબર લિજ્જતભરી રીતે સાંભળવી હોય તો મિસ્ટર એક્સ પાસે સાંભળજો! આપણે આવું કહી શકીએ ને! તમે તો કહી શકો ને! શું ફરક પડે! કોઈએ નિંદા કરી! એમાંથી જરૂરી હોય એ લઇ લો! બિનજરૂરી હોય એ ફેંકી દો! ખજૂર ખાય ને માણસ કેવી રીતે ખાય? ખજૂર ખજૂર ખાઈ લે, ઠળિયા બહાર ફેંકી દે!

હું ઘણીવાર પૂછું છું, એક જણાની birthday હતી! અને એણે નક્કી કર્યું! ખજુરનો વેપારી હતો, એ ૧૦૦-૧૦૦ ગ્રામ ખજૂરના પેકેટ મારી દુકાન પાસે જેટલા નીકળે એ બધાને આજે આપવા! સવારથી સાંજ સુધી ! લગભગ ૧૦૦૦ જણાને એને ખજૂરના પેકેટ આપ્યા ! ૧૦૦-૧૦૦ ગ્રામના! હવે મ.સા. ને વહોરાવાનું હોય તો ઠળિયા કાઢવા પડે! લોકોને આપવાનું છે, ઠળિયા કાઢવાના હતા નહિ! હું પૂછું છું પછી મારા પ્રવચનમાં ૧૦૦૦ જણાને એણે ખજૂરના પેકેટ આપ્યા! ઠળિયાવાળા ખજૂરના પેકેટ! એમાંથી એની જોડે લડવા માટે કેટલા આવે! લડવા કેટલા આવે? કેમ ઠળિયા આપ્યા? તમારી પાસે કળા છે, ખજૂર ખાઈ જાવ અને ઠળીયો બહાર ફેંકી દો! અહીંયા આવું ના હોય, કોઈએ તમારી નિંદા કરી, ઠીક છે, થોડી બરોબર પણ નહોતી! તમારા પ્રત્યેના એકદમ પક્ષપાતથી યુક્ત હતી! એને કાઢી નાંખો! વાસ્તવિક હોય એનો સ્વીકાર કરી લો! તે “નિંદા, સ્તુતિ, શ્રવણ કરીને, હર્ષ શોક મન નાણે, તે જગ મેં જોગીસર પુરા, નિત્ય ચઢતે ગુણઠાણે”

બુદ્ધના જીવનની એક ઘટના છે! બુદ્ધની પાસે એક સાધક દીક્ષા લેવા માટે આવે છે!બુદ્ધ કુશળ ગુરુ હતા એ જમાનાના, અને કુશળ ગુરુ સાધકની પરીક્ષા કર્યા વગર એમનેમ દીક્ષા આપતાં નથી. આ તો હું છું ને જાહેરમાં તમને ઓઘો બતાવું, લલચાવું આવો! ખરેખર તમે લેવા આવો ત્યારે ખબર પડે કે કેટલી વિસે સો થાય. તમારી પૂરી પરીક્ષા કર્યા વગર આ પ્રભુની પ્રસાદી તમને હું ન આપી શકું! અને કદાચ આપી દઉં, તો મારા પ્રભુનો હું ગુનેગાર થાઉં. એટલે પુરેપુરી પરીક્ષા કરીને જ આ પ્રભુની પ્રસાદી તમને આપી શકીએ! અમે લોકો તો અપવાદ રૂપ કહેશો ને બાદ કરો તો, બે વર્ષ સુધી મુમુક્ષુને સાથે ફેરવીએ! એ દીકરાને કે એ ભાઈને બે વર્ષ સુધી સાથે ફેરવીએ. ચોમાસામાં ઠીક છે કે હવે સમજીએ કે રસોડું છે, જમી આવે અને બરોબર છે, પણ વિહારની અંદર જ્યાં ગોચરી પણ પૂરતી મળતી ન હોય, જ્યાં ઉપાશ્રયનું પણ ઠેકાણું ન હોય! એ વિહારમાં એને સાથે રાખીએ અને પછી જોઈએ, કે અનુકૂળતા-પ્રતિકૂળતામાં એનો પ્રતિભાવ કેવો છે!  બે વર્ષ સાથે રાખ્યા પછી અમે એને દીક્ષા માટે કદાચ પસંદ કરીએ, કદાચ કહું છું.

તો બુદ્ધ કુશળ ગુરુ છે, બુદ્ધે જોયું, કે બીજું બધું એનામાં ઠીક છે, પણ એનો અહંકાર પ્રબળ છે! અને યાદ રાખો ! સાધનામાર્ગમાં સૌથી ખતરનાક હોય તો અહંકાર છે. તમે રાગ ને અને દ્વેષને થોડા શિથિલ કરી શકશો. પદાર્થ પર કે વ્યક્તિ પર રાગ છે, પણ શરીર પર સૌથી વધારે રાગ છે. એ શરીર પરના રાગને પણ તમે છોડી શકો છો કયારેક! ઉપધાન કર્યું, દોઢ મહિના સુધી ન્હાવાનું નહિ, ok તૈયાર! શરીરના રાગને પણ તમે છોડી શકો છો! અને રાગ શિથિલ બન્યો! તો દ્વેષ પણ શિથિલ બની ગયો! દ્વેષ તો by product છે! પણ અહંકારનું શું? એક સ્તવન સારું બોલાયું, કો’કે કહ્યું બહુ સરસ! અહંકાર આવી ગયો. તો બુદ્ધે જોયું, કે પેલા સાધકમાં અહંકાર છે. અને એટલે બુદ્ધે કહ્યું, એક કામ કર! બોલો સાહેબ! શું કરવાનું છે? એને પણ ખબર હતી કે બુદ્ધ જેવા ગુરુ મારે જોઈએ છે, અને એમનેમ આવા ગુરુ મને મળવાના પણ નથી. સાહેબ બોલો શું કરવાનું છે? બુદ્ધ કહે છે બાજુમાં કબ્રસ્તાન છે, કબ્રસ્તાનમાં જા, એક-એક કબર પાસે ઉભા રહેવાનું! એક-એક મિનિટ, તું નથી ઓળખતો એમાં કોણ સુતેલ છે પણ એક-એક કબર પાસે જઈને હાથ જોડીને કહેવાનું કે તમે મહાપુરુષ હતા! તમે બહુ શ્રેષ્ઠ પુરુષ હતા! તમે બહુ સરસ કામ કર્યા ! તમને હું નમું છું ! એક-એક કબર પાસે જઈ એની સ્તુતિ કરી આવ ! પછી મને મળ! કબ્રસ્તાન મોટું હતું ! સવારથી પેલો મંડી પડ્યો! બપોરે જમવા માટે આવ્યો! સાંજ સુધી એનો કાર્યક્રમ ચાલુ રહ્યો! સાંજે બુદ્ધ પાસે આવ્યો! સાહેબ! તમે કહ્યું એમ કરી લીધું. બધી કબર પાસે જઈ એમની સ્તુતિ કરી આવ્યો! બુદ્ધે કહ્યું કંઈ વાંધો નહિ, હવે કાલે સવારે મને મળજે હવે! હવે કાલે સવારે મને મળજે! પેલો સમજ્યો કે કાલે સવારે મને દીક્ષા આપશે! બીજી સવારે આવ્યો! બુદ્ધે કહ્યું; હવે એક કામ કર! ફરીથી, એ જ કબ્રસ્તાનમાં ફરીથી જા, અને બધી કબર પાસે ઉભા રહીને કહેવાનું! તારા જેવો નાલાયક, અધમ, હીન,પાપી માણસ કોઈ નથી! એક-એક કબર પાસે જઈને કહી આવવાનું. Ok sir. બુદ્ધની પાસે દીક્ષા લેવી છે, અને બુદ્ધને ગુરુ કરવા છે! ગુરુની શરત તો માન્ય રાખવી જ પડશે! હું તો ઘણીવાર પૂછું છું, દીક્ષાની વાત તો અલગ છે! આ જ્ઞાન પણ ગુરુની શરતે મળે કે તમારી શરતે મળે? ગુરુની શરતે જ્ઞાન મળે! ગુરુને લાગે કે યોગ્ય છે તો જ જ્ઞાન આપે. નહિતર ન પણ આપે! અને ગુરુ જ્ઞાન conditionally આપે છે.

કલાપૂર્ણસૂરિ દાદાનું છેલ્લું વંદન મને રાજસ્થાનમાં થયેલું, ક્લાપુરામાં. દાદા પાસે હું સાંજે બેઠેલો! મેં દાદાને પૂછ્યું કે દાદા ! તમારો પુણ્ય વૈભવ તો ગજબનો છે જ ! આટલા નાનકડા ગામમાં પણ ગાડીઓનો જથ્થો આવ્યા જ કર્યો ! બધા આવે એનો તો વાંધો નહિ, શ્રદ્ધાથી આવે છે! પણ બધાની ઈચ્છા હોય, એક-એક વૃંદની કે સાહેબ કંઈ હિતશિક્ષા આપે ! અને આપ બે મિનિટ ત્રણ મિનિટ બધાની પાસે બોલો છો, આપને થાક નથી લાગતો? એ વખતે એમણે મને કહ્યું; યશોવિજય ! મારા પ્રભુએ અને મારા ગુરુએ મને conditionally જ્ઞાન આપ્યું છે. શરતી જ્ઞાન આપ્યું છે ! હું જો બીજાને hand over ન કરું આ જ્ઞાન તો મારા પ્રભુનો અને મારા ગુરુનો હું અપરાધી છું. આ જ્ઞાનને મારે મારી પાસે રાખવાનો નથી! મારા પ્રભુની આજ્ઞા છે, મારા સદ્ગુરુની આજ્ઞા છે, જ્ઞાન વહેંચવાનું છે, માટે હું આપું છું ! આ હું આજ્ઞાનું પાલન કરું છું. હું ઉપદેશ આપતો નથી, હું હિતશિક્ષા આપતો નથી ! હું ઉપદેશનું પાલન કરું છું!

પેલો કબ્રસ્તાનમાં ફરી આવ્યો! બધાને ગાળો આપી આવ્યો! કદાચ એને મજા આમાં આવી હશે હો! ગઈ કાલે કરતાં મજા આજે વધારે ના આવી? ગઈ કાલે બધાની સ્તુતિ કરવાની હતી! આજે બધાને ગાળો ચોપડવાની હતી! મજા શેમાં વધારે આવે! બીજી સાંજે ગુરુ પાસે આવ્યો! ગુરુએ કહ્યું; એક સવાલ તને કરું? કે કબરમાં પડેલા એ બધા હતા, એની તે સ્તુતિ કરી તો એમને શું feeling થઇ હશે? તે એની નિંદા કરી, એને શું feeling થઇ હશે? જરા મને સમજાવીશ? પેલો કહે સાહેબ! એ તો મડદા હતા! Dead body, એને વળી feeling શું હોય! તો બુદ્ધે કહ્યું તું પણ જો સંન્યાસી થવા ઈચ્છતો હોય તો સંસારી તરીકે તું dead છે ! તારા અહંકારને દફનાવીને તું આવી શકતો હોય તો જ હું તને સ્વીકારવા તૈયાર છું, નહીતર હું તને સ્વીકારવા પણ તૈયાર નથી. શું મતલબ છે? નિંદાના શબ્દો, સ્તુતિના શબ્દો, પ્રારંભિક સાધક છો તો નિંદાના શબ્દોને પકડી લેજો ! સ્તુતિના શબ્દોને જવા દેજો ! ઉચકાયેલા સાધક તમે બની ગયા, તો “નિંદા, સ્તુતિ, શ્રવણ કરીને, હર્ષ-શોક નવિ આણે” પછી નિંદા કે સ્તુતિ કંઈ ફરક પડતો નથી. પૌદ્ગલિક ઘટના છે અને એમાં તમારે જવાનું નથી ! છેલ્લે કહે છે: “પંકજ નામ ધરાય પંક્શું, રહત કમલ જિમ ન્યારા; ચિદાનંદ એસા જન ઉત્તમ, સો સાહિબ કો પ્યારા” સો સાહિબ કો પ્યારા – એ પ્રભુને પ્યારો છે. કોણ? ‘ચિદાનંદ એસા જન ઉત્તમ’ ધ્યાન અને આનંદથી ભરેલો આવો જે વ્યક્તિત્વ છે, એ પ્રભુને પ્રિય છે ! બોલો પ્રભુને પ્રિય તો બની જવું છે ને ! હું ઘણીવાર કહું છું; મને ગમે તે કરવું એ સંસાર. માઁ ને ગમે તે કરવું એ સાધના. અનંત જન્મોથી તમારી રેકોર્ડ એક જ હતી… મને ગમે તે, મને આ ફાવશે ! મને આ નહિ ચાલે ! ધર્મશાળાની આ રૂમ ! આવી ગંદી છે મને નહિ ચાલે ! AC નથી અહીંયા, મને નહિ ચાલે! મને નહિ ચાલે ! મને નહિ ફાવે, એ રેકોર્ડ અગણિત જન્મોથી વગાડી છે ! હવે કઈ રેકોર્ડ ચલાવવાની છે ! અમારી પાસે આ રેકોર્ડ છે ! માઁ ને શું ફાવશે?

એક સાધુ વહોરવા જાય શું વિચારે? દૂધપાક-પૂરી છે લઇ લઉં? અને સામે સુકી રોટલી છે. લુખ્ખી રોટલી, ઘી પણ ચોપડેલું નથી ! દૂધપાક પુરી દોષિત છે, રોટલી નિર્દોષ છે ! એ શું કહેશે ! ‘મને ગમે તે’ જેવું છે નહિ એના માટે, એ દૂધપાક-પૂરીની સાફ ના પાડી દેશે ! આ દોષિત છે, એને હું નહિ સ્વીકારું. આ લુખ્ખી રોટલી જ મને આપો! માઁ ને ગમે તે મને ગમે. અને કપડાં કેવા પહેરવાના !  ૫૦૦ વર્ષ પહેલાંની ગુરુ મૂર્તિ જુઓ ! કે ૨૦૦ વર્ષ પહેલાં નું ગુરુનું ચિત્ર જુઓ ! આ જ યુનિફોર્મ છે અમારો ! તમારો યુનિફોર્મ રોજ બદલાતો જાય કેમ? એક જ યુનિફોર્મ, કેમ? મારી પ્રભુ માઁ ને આ ગમે છે. મારી માઁ ની આજ્ઞા આ છે. માઁ કહે તેમ મારે કરવું છે! એટલે છેલ્લે ગુરુદક્ષિણામાં કહું તો, એક ખાલી કાનો વધારીને આપી દઉં તમને ! તમે તો જે આપશો તે આપશો હું આપી દઉં. એક કાનો વધારી દઈએ! અત્યાર સુધી મને ગમે તે ! મને આ ગમશે ! મને આ નહિ ગમે ! મને આ ગમશે ! મને આ નહિ ગમે ! હવે માઁ ને શું ગમશે? પ્રભુ માઁ ને શું ગમશે! હું ગુસ્સો કરું, માઁ ને ગમે? પેલાએ કદાચ કડવા શબ્દો કીધાં, મનમાં ગુસ્સો આવવાની તૈયારી છે, બ્રેક લાગશે? માઁ ને આ ગમશે? પ્રભુ માઁ ને આ નહિ ગમે! તમારી પ્રભુ માઁ ને ન ગમે એવું હું કરી શકું નહિ ! અને હું ઘણીવાર કહું છું ! તમે નક્કી કર્યું; કે માઁ ને ગમે તે જ કરવું છે, પછી જ તમારા જીવનમાં વાસ્તવિક રૂપે સદ્ગુરુ ચેતનાનો પ્રવેશ થાય છે. કારણ તમને ખ્યાલ નથી આવતો ! કે આ પ્રભુની આજ્ઞા પ્રમાણે કે પ્રભુની આજ્ઞા વગર! અને એટલે તમારે નાની- નાની સૂક્ષ્મ બાબતો લઈને આવવું પડે કે સાહેબજી આ હું કરું છું, એ પ્રભુની આજ્ઞા પ્રમાણે છે? મારા પ્રભુને આ ગમે એવું છે ને? મારા પ્રભુને ન ગમતું હોય તો, મારે એ નથી કરવું ! “ચિદાનંદ એસા જન ઉત્તમ, સો સાહિબ કો પ્યારા” બનવું છે ને એવા? એના માટે શું કરવાનું? “પંકજ નામ ધરાય પંક્શું, રહત કમલ જિમ ન્યારા” કમળ ને આપણે પંકજ કહીએ છીએ. પંક એટલે કાદવ ! કમળ ઉત્પન્ન થાય કાદવમાં, એ કાદવને છોડી, અને એકદમ સરસ મજાની સ્વચ્છ પાણીની સપાટી ઉપર આવી જાય છે! એમ જે સાધક રાગ-દ્વેષ ને અહંકારની ધારાની અંદર કદાચ જન્મેલો, અનાદિની સંજ્ઞાની અંદર એ હતો, અને અનાદિની સંજ્ઞામાં હતો ત્યારે રાગ-દ્વેષ ને અહંકારના કાદવમાં એ હતો, પછી પ્રભુની કૃપા થઇ ગઈ! અને રાગ-દ્વેષ, અહંકારના કાદવને છોડીને એ પ્રભુની આજ્ઞા રૂપી શુદ્ધ જલની ધારા ઉપર આવી ગયો, તો શું થયું, એ ખરેખર પંકજ હોવા છતાં પણ પંકથી ન્યારો થયો, એમ આપણે અનાદિથી રાગ-દ્વેષ, અહંકારથી યુક્ત હતા, પણ જો પ્રભુની આજ્ઞાની ધારામાં આવીએ તો, રાગ-દ્વેષ અહંકારથી આપણે થોડા થોડા મુક્ત બની શકીએ, અને એના માટે હું બે મનની ચર્ચા ઘણીવાર કરું છું. સંજ્ઞાવાસિત મન, આજ્ઞાવાસિત મન.

અમારી પાસે, એક સાધુ કે સાધ્વીની પાસે માત્ર આજ્ઞાવાસિત મન હોય છે. સંજ્ઞાવાસિત નહિ. મને આ સારું લાગશે માટે કરું એમ નહિ. મારા પ્રભુની આજ્ઞા છે એ પ્રમાણે કરું. તો તમારી પાસે સંજ્ઞાવાસિત મન છે. એ સંજ્ઞાવાસિત મનને આજ્ઞાવાસિત મનમાં ફેરવવું છે, અથવા શરૂઆતમાં એવું કરો, કે સંજ્ઞાવાસિત મન પણ છે, આજ્ઞાવાસિત મનને બીજું ઉભું કરો. ધીરે ધીરે આજ્ઞાવાસિત મન એટલું પ્રભાવશાળી બને કે સંજ્ઞાવાસિત મન ઉપર એનું પ્રભુત્વ આવી જાય. સેંકડો પ્રવચનો સાંભળ્યા છતાં સંજ્ઞાવાસિત મન એવું ને એવું જ રહ્યું. કારણ પ્રભુની આજ્ઞા માત્ર conscious mind સુધી પહોંચી છે, સંજ્ઞા ક્યાં છે? અસ્તિત્વના સ્તર પર. પ્રભુની આજ્ઞાને તમે ક્યાં લઇ ગયા? conscious mind ના સ્તર પર. કેમ ચાલશે? અને એટલે જ શીતલનાથ પ્રભુના સ્તવનમાં મહોપાધ્યાયજીએ કહ્યું; “વિષય લગનકી અગન બુઝાવત, તુમ ગુણ અનુભવ ધારા” વિષયની અગ્નિથી, કષાયની અગ્નિથી પ્રભુ હું બળી રહ્યો છું, પણ એને શાંત કોણ કરશે? “તુમ ગુણ અનુભવ ધારા” પ્રભુના ગુણોની અનુભૂતિ. પ્રભુના ગુણોનું શ્રવણ નહિ, તમે માત્ર શ્રવણની કક્ષાએ બેસી જાવ છો. શ્રવણ, પછી ચિંતન, પછી અનુભવન.

ચિંતન પણ નથી તમારી પાસે, એક કલાક પ્રવચન સાંભળો પછી તમારૂ હોમવર્ક કેટલું એના ઉપરનું બોલો ! એક મજાની વાત તમને કહું, કોઈ પણ પ્રવચનકાર હોય ને, એક કેન્દ્રબિંદુને રાખી અને પછી ચાલતા હોય. ભલે આખી દુનિયામાં ફરીને આવે, અને કેન્દ્રબિંદુ એમનું એક હોય છે. એ કેન્દ્રબિંદુને પકડી લો! અને એ કેન્દ્રબિંદુ જે છે, એને એવી રીતે પકડો કે પકડ્યા પછી સતત સતત એનું તમે ચિંતન કરી શકો. અને ચિંતન ધારદાર બનશે, તો જ અનુભૂતિ ની કક્ષાએ તમે જઈ શકશો. એટલે શ્રવણ માત્ર શબ્દોના સ્તર પર રહેશે તો કામ નહિ ચાલે. શ્રવણને ચિંતનમાં બદલવું છે, અને ચિંતનને અનુભૂતિમાં બદલવું છે!

તો ઉદાસીનદશા. આપણી મૂળ વાત આ હતી. “ઔદાસીન્યે નિમગ્ન:” ઉદાસીનભાવમાં ડૂબેલો હોય તે! તમને લાગ્યું ઉદાસીનભાવ એની એક નાનકડી આવૃત્તિ ચિદાનંદજી મહારાજે તમારા માટે આપી! નિંદા, સ્તુતિ, શ્રવણ સુણીને, હર્ષ-શોક નવિ આણે” બોલો તમારા માટેનું એક નાનકડું એડીશન ખરું કે નહિ આ, આટલું કરી શકશો? નિંદા સાંભળીને રાજી થઇ જજો. સ્તુતિ સાંભળીને નારાજ થઇ જજો. આવું કરશો? આવું કરી શકો! ઉદાસીનભાવની તરફ તમારી ગતિ ચાલુ થઇ ગઈ.

નિર્લેપદશા. હું ઘણીવાર કહું છું, લેપ દશામાં અગણિત જન્મોથી આપણે રહ્યા, આ રાગ, આ દ્વેષ, આ અહંકારમાં અનંત જન્મોથી રહ્યા, તમે બૌદ્ધિક માણસ તરીકે વિચારો તો ખરા કે આમાંથી સુખ આપવાની કોઈ તાકાત ખરી? રોટલી અને દાળ તમને સુખ આપે છે? રોટલી દાળ સુખ આપે? આપે ને? બોલો શું કહેવું છે ! કકડીને ભૂખ લાગેલી છે, ગરમ ગરમ રોટલી ને શાક આવવા માંડ્યા. ૪ રોટલી, ૫ રોટલી ખવાઈ ગઈ. પેટ ભરપૂર થઇ ગયું, છટ્ઠી રોટલી શ્રાવિકા આપે, સાતમી આપે શું કરવાના! કેમ રોટલીથી સુખ મળે ને? રોટલીથી સુખ મળે ને? જેમ વધુ રોટલી ખાવ, વધુ સુખ મળે, પણ ત્યાં તમારી પાસે એક સીમા છે. પાંચ રોટલી, છ રોટલી વધારે નહિ.

ઠંડી વાઇને તાવ આવેલો છે, તમે તમારા દીકરાને કહી દો, ઓઢાડ બ્લેન્કેટ ! એક ઓઢાડ્યા, બે ઓઢાડ્યા, ત્રણ ઓઢાડ્યા સારું લાગે છે. દસ-બાર ઓઢાડી દે તો… એટલે આમાં બધામાં તમારી પાસે સીમા છે. માત્ર પૈસામાં જ નથી ! એક દીકરાને માથું દુખતું હતું. દીકરો ક્યાં જાય મમ્માની પાસે, મમ્મા મને માથું દુઃખે છે! મમ્માએ સારીડોનની ટીકડી આપી! દસ મિનિટમાં તો માથું હળવું ફૂલ થઇ ગયું, એમ તો સરસ લાગે છે, એને એ નથી ખબર પડતી કે આ પીડાનો અભાવ છે, આ પીડાના અભાવનું સુખ છે એટલે કહે છે કે મજા અવી ગઈ. પછી એને મમ્માને પૂછ્યું; કે મમ્મા ! સારું થયું પૂછ્યું નહિતર ગોટાળો થઇ જાત! મમ્માને પૂછ્યું; કે મમ્મા ! આ એક ટેબલેટ લીધી આટલું સરસ લાગે છે, તો દસ ટેબલેટ લઈએ તો કેટલું સરસ લાગે? દસ ટેબલેટ ન લેવાય ! પણ દસ કરોડના ૧૦૦ કરોડ ભેગા કર્યા. રાગ, દ્વેષ, અહંકારમાં સુખ છે? વિચારજો… નથી તો અલિપ્તદશામાં શું છે એ પણ એકવાર જોઈ લઈએ! અમારો રાગ થોડો છૂટ્યો છે, વધુ છૂટ્યો છે એમ નથી કહેતાં અમે! પણ થોડો છૂટ્યો છે એના કારણે પણ જે આનંદ મળે છે અમને.. અદ્ભુત.

પાલીતાણામાં હોઈએ, સરસ મજાના ધર્મશાળામાં ઉપાશ્રયમાં હોઈએ, વિહારમાં જઈએ પતરાંવાળો ઉપાશ્રય મળે! પણ, અમારી મજા કયાંય ઓછી થતી નથી. મજા ઓછી કેમ થાય ખબર છે? અમારી પણ મજા ઓછી ક્યારે થાય, ક્યારે? આ ચેન્નાઈ ભવનનો ઉપાશ્રય મને યાદ રહે અને પછી પતરાંવાળા ઉપાશ્રયમાં જાઉં ને, ઓહો ત્યાં તો બહુ મજા હતી! તો ખલાસ. હું પણ ગયો પછી… પણ ઉદાસીનદશા હોય, જે ક્ષણે જે મળ્યું એનો સ્વીકાર. તો ઉદાસીનદશાનો એક આપણે પર્યાય આપીએ: સર્વસ્વીકાર. અને એ સર્વસ્વીકારની દીક્ષા આજે તમને આપી કે થોડો ઘણો આમતેમ હોય તો સ્વીકારી લઈએ. બહુ, બહુ તો તમે નહિ સ્વીકારી શકો એ પણ મને ખાતરી છે. પણ થોડું ઘણું આમતેમ હોય તો, ચા માં થોડી ઓછી ખાંડ છે તો ચલાવી લઈએ! સાવ ન હોય તો ડબ્બો ખોલીને કદાચ નાંખી દેજો ખાંડ! પણ એના માટે આ બોઈલરને ગરમ નહિ કરતાં. ચા નો કપ હાથમાં આવ્યો ને સીધો જ… શું છે આ? આ ચા છે કે ગરમ પાણી છે? શું બનાવ્યું છે આ ! આવું ન કરતાં.

 હું ઘણીવાર કહું છું; તમે પૂજા કરવા ગયા હોય સવારે, તો શ્રાવિકા દર્શન કરવા આવેલા હોય, તમે જોરથી એમ બોલતા હોય, ‘શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ અંગ, આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ” શ્રાવિકા સાંભળી જાય, ઓહો આ તો ઠંડા થઇ ગયા. આટલા વર્ષથી પ્રભુની પૂજા કરે છે, ચંદન પૂજા, અને શેના માટે, ‘આત્મ શીતલ કરવા ભણી’ પોતાની જાતને ઠંડી કરવા ! અને પછી એના માટે special મસાલાવાળી સરસ ચા બનાવી નાંખે. અને પી પણ લે! તમારા માટે પાણી જેવી એકદમ ખાંડ વગરની ચા પણ ઉકાળેલી ન હોય, એવી ચા આપી દે. તમે પ્રેમથી પી જાવ બરોબર ને !

તો સર્વસ્વીકારની સાધના આજે તમને આપી છે, એ સાધના તરફ આગળ વધજો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *