વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject: विणयं पाउकरिस्सामि
સદ્ગુરુના ચરણોમાં આપણે સમર્પિત કેવી રીતે થઈ શકીએ – એના ચાર માર્ગો પ્રભુ બતાવે છે. પહેલો માર્ગ છે શબ્દ નો. સદ્ગુરુ જે પણ આજ્ઞા આપણને આપે, એને વચ્ચે વિચાર ન ઘુસી જાય એ રીતે સ્વીકારવાની છે! સમર્પિતતાનો બીજો માર્ગ છે ઈંગિત નો. સદ્ગુરુ ક્યારેક ઈશારામાં વાત કરશે; એ ઇશારાને decode કરતા આવડવું જોઈએ.
ત્રીજું, facial expressions. ચહેરાના હાવભાવ. સદ્ગુરુના ચહેરા ઉપર પરમાત્મા છે અને જોતા આવડે, તો સદ્ગુરુની આંખમાં પણ પરમાત્મા છે; આ રીતે સદ્ગુરુના ચહેરાને જોવો છે. અને ચોથું, ગુરુનું ઊર્જાક્ષેત્ર. ગુરુના aura-field માં માત્ર neutral થઈને બેસી જાઓ. ખાલી થઈને તમે બેસી જાઓ અને ગુરુની ઊર્જા બધું જ કામ કરી દેશે.
સાક્ષીભાવને તમે તીવ્રતાથી પ્રાપ્ત નહિ કરો, ત્યાં સુધી આવું સમર્પણ તમારા માટે અશક્ય છે. કારણ કે તમે તમારા હું ને રાખીને સમર્પિત થવા માંગો છો પણ અહંમુક્તિ વિના સમર્પણ છે જ નહિ! જ્યાં સુધી વૈભાવિક અહંથી છુટકારો ન થાય, ત્યાં સુધી સમર્પણ આવે શી રીતે
મૌન ધ્યાન સાધના શિબિર ૦૯ – પાલીતાણા – વાચના – ૨
દેવાધિદેવ પરમતારક શત્રુંજય તીર્થાધિપતિ શ્રી ઋષભદેવ પ્રભુના ચરણોમાં વંદના.
સદ્ગુરુદેવ પૂજ્યપાદ અરવિંદસૂરી દાદાના ચરણોમાં વંદના.
સ્વાનુભૂતિ એ મારા જીવનનો ધ્યેય છે, એ વાત દેવચંદ્રજી મહારાજ સાહેબે ૧૭માં સ્તવનમાં કહી છે. ‘અસ્તિ સ્વભાવ જે માહરો’. Being એ જ મારો સ્વભાવ; Doing મારે એની જોડે કોઈ સંબંધ નથી. એ સ્વાનુભૂતિ લક્ષ્યાંક તરીકે દેવચંદ્રજી મહારાજ સાહેબે સ્વીકારી લીધી; પ્રભુએ એમને સ્વાનુભૂતિ આપી પણ દીધી; અને એ જ વાત આજે મારે તમને કહેવી છે કે લક્ષ્યાંક રૂપે સ્વાનુભૂતિ જો તમે સ્વીકારી લીધી. Then you have not to do anything absolutely. પછી તમારે કંઇ કરવું નથી. પછી જે કરવું છે એ પ્રભુએ કરવું છે.
ઘણીવાર હું કહું છું, કોઇ પણ સાધનાને સિદ્ધિમાં રૂપાંતરિત કરવી હોય તો ત્રણ તત્વો જરૂરી છે: પ્રભુની કૃપા, સદ્ગુરુનો આશીર્વાદ અને સાધકનો સંકલ્પ.
પ્રભુની કૃપા તો અનરાધાર વરસી રહી છે. એક ક્ષણ એવું નથી, એક ક્ષણાર્ધ એવું નથી કે પ્રભુની કૃપા ન વરસતી હોય. સતત, સતત, સતત વરસી રહી છે. સદ્ગુરુનો આશીર્વાદ પણ તમને મળી રહ્યો છે ! હવે જે ક્ષણે તમારુ લક્ષ્યાંક નક્કી થઈ ગયું, તમારો સંકલ્પ નક્કી થઈ ગયો કે સ્વાનુભૂતિથી ઓછું મને કંઈ ખપે નહિ એ ક્ષણે સ્વાનુભૂતિ હાજર છે. અને એ જ સંદર્ભમાં સાધનાને હું easiest કહું છું. સરળતમ કંઈ પણ હોય દુનિયામાં તો એ સાધના છે. તમારી દુનિયામાં તમે જે ઈચ્છો એ તમને મળતું નથી. અહીંયા માત્ર તમે ઈચ્છો અને મળી જાય!
પ્રભુએ ઉત્તરાધ્યયન સુત્રના પ્રથમ અધ્યયનના પ્રથમ ગાથા સૂત્રમાં પોતાની સાધનાનું પ્રારૂપ સમજાવ્યું. સ્વાનુભૂતિ માટે સાક્ષીભાવ અને સમર્પિતતા જોઇએ, એ વાત દેવચંદ્રજી મહારાજ સાહેબે સ્પષ્ટ શબ્દોમાં લખી છે. પ્રભુએ પોતાની સાધનાને સાક્ષીભાવ અને સમર્પિતતાના base રૂપે મુકેલી છે. ઉત્તરાધ્યયનસુત્રના પહેલા અધ્યયનના પહેલા ગાથા સૂત્રમાં પ્રભુ કહે છે: ‘विणयं पाउकरिस्सामि’ હું તને સમર્પિતતાના પાઠો શીખવીશ! બોલો ! પ્રભુ પોતે શીખવવા માંગે અને આપણે શીખવા તૈયાર ન હોઈએ એવું બને? પણ બને ! કારણ, સાક્ષીભાવ આપણી પાસે ન હોય તો! એટલે સાક્ષીભાવ વિનાનું સમર્પણ બની શકે કે અપેક્ષામાં, રાગમાં ઢળી પડે. બાકી પ્રભુએ પહેલા અધ્યયનમાં સમર્પિતતા ને જે ઘૂંટીને શીખવાડી છે, અદ્ભુત્ત! આપણે ઓવારી જઈએ.! કે પ્રભુ અમારા બધાની આટલી personal care લઇ રહ્યા છે! પ્રભુએ પહેલા અધ્યયનમાં કહ્યું કે તું ગુરુને સમર્પિત શી રીતે થઈ શકે છે? મેં ગઈ કાલે પણ કહેલું કે સદ્ગુરુચેતના અને પરમચેતના આખરે તો એકાકાર થયેલી ઘટના છે. પ્રભુ સમજે છે, આની પાસે સદ્ગુરુ જ છે; અને સદ્ગુરુના ચરણોમાં સમર્પિત એ થઈ ગયો તો મારા ચરણોમાં એ સમર્પિત થવાનો જ છે.
એટલે પ્રભુ સદ્ગુરુના ચરણોમાં આપણે સમર્પિત કેમ થઈ શકીએ એના ચાર માર્ગો બતાવે છે. There are four ways. પહેલો માર્ગ છે: ‘શબ્દનો’. સદ્ગુરુ શબ્દ આપણને આપે, આપણે ગુરુના શબ્દને બિલકુલ-બિલકુલ સ્વીકારી લઈએ. સદ્ગુરુની આજ્ઞાને કેવી રીતે સ્વીકારવાની છે? વચ્ચે વિચાર ન ઘુસી જાય એ રીતે. હું ઘણીવાર કહું છું; બે શિષ્યને ગુરુએ બોલાવ્યા અને ગુરુએ કહ્યું, આ જગ્યાએ મહોત્સવ છે અને ત્યાં તમારે જવાનું છે. આવતીકાલે વિહાર શરુ કરી દો. આ તારીખે મહોત્સવ છે, એ પતાવીને પાછા મારી પાસે આવી જજો. બંને શિષ્યો હોંશિયાર છે. Sensitive mind વાળા છે. બે પાંચ સેકન્ડમાં તો નક્કી કરી લીધું કે આપણે જવાનું છે, રસ્તો સારો છે. મહોત્સવ જ્યાં થવાનો છે એ સ્થળ પણ સારું છે. આપણું ભક્તવૃંદ ત્યાં છે. તો મજા આવે એવું છે. અનુકુળતા રહે એવું છે. ગુરુદેવ તહત્તિ! શું તહત્તિ? કોની તહત્તી કરી? ગુરુની આજ્ઞાની તહત્તિ કરી? કે મારી અનુકુળતાની તહત્તિ કરી? એટલે મારે એ વાત આજે ઘૂંટી-ઘૂંટીને સમજાવવી છે કે સાક્ષીભાવને તમે તીવ્રતાથી પ્રાપ્ત નહિ કરો, ત્યાં સુધી સમર્પણ તમારાં માટે અશક્ય છે. કારણ કે તમે તમારાં હું ને રાખીને સમર્પિત થવા માંગો છો. ‘અહં મુક્તિ’ વિના સમર્પણ છે જ નહિ! વૈભાવિક અહંથી છુટકારો ન થાય ત્યાં સુધી સમર્પણ કેવી રીતે આવે?
અત્યાર સુધીનું સમર્પણ તમારું તમારી જાત પ્રત્યે જ રહ્યું છે! સદ્ગુરુની તમને અનુકુળ લાગતી આજ્ઞા તમે સ્વીકારી અને તમે મનમાં એક વિચાર કરી નાંખ્યો કે ગુરુના વચનને મેં ઝીલ્યું છે. નહિ! સદ્ગુરુની આજ્ઞાને ક્યારેય પણ ઝીલી નથી.! તમે તમારાં ભીતરને ટટોળી જુવો. સદ્ગુરુની કઈ આજ્ઞાને તમે એ રીતે સ્વીકારી છે, અસ્તિત્વના સ્તર ઉપર.? તમારાં હું ને પ્રતિકુળ હોય તમારાં હું ને ચીરી નાખે એવી હોય. એવી આજ્ઞાને તમે પ્રેમથી સ્વીકારી શકો તો હું માનું કે ખરેખર તમે સદ્ગુરુને ઝીલી શકો છો. તમારાં હું ને પંપાળે એવી સદ્ગુરુની આજ્ઞા હોય અને તમે એને ઝીલો તો એનો મતલબ શું રહ્યો? તમે તમારાં અહંને પંપાળ્યો, ગુરુ દ્વારા પંપાળાવ્યો. વાત તો એકની એક જ છે. તમારાં અહંને ચીરી નાંખે એવી ગુરુની આજ્ઞા હોય અને તમે પ્રેમથી સ્વીકારી શકો તો હું માનું કે ખરેખર તમે ગુરુની આજ્ઞા સ્વીકારી છે. તો સદ્ગુરુની આજ્ઞાનું પૂર્ણતયા સમર્પણ એ પહેલો માર્ગ બતાવ્યો પ્રભુએ.
એ પછી પ્રભુ બીજો માર્ગ બતાવે છે. ‘इंगियागार संपन्ने,से विणीय त्ति वुच्चई ’ બીજો માર્ગ છે: ઈગિત – ઈશારો. સદ્ગુરુ ક્યારેક ઈશારામાં વાત કરશે; એ ઇશારાને decode કરતા તમને આવડવું જોઈએ. આપણી તો મુશ્કેલી એ છે કે સદ્ગુરુના શબ્દોને પણ આપણે ઝીલી શકતા નથી, ઇશારાને કેવી રીતે ખોલી શકશું? બોલો તો ખરા! ‘અહં મુક્તિ’ વિના ખરેખર કોઈ ઉપાય નથી અહિયાં. There is no other way. તમે તમારાં હું ને સંપૂર્ણતયા નષ્ટ કરવા તૈયાર હોવ તો જ તમે અહિયાં આવી શકો. છે તૈયારી એટલી?
કબીરજીએ કહ્યું, ‘પહલે હમ થે, પ્રભુ નાહી’ પહેલા મારા કેન્દ્રમાં, અસ્તિત્વના કેન્દ્રમાં હું હતો! હું હતો અને પ્રભુ નહોતા.! પ્રભુ છે ને બહુ નટખટ છે હો. તમે કહો કે સાહેબ કેન્દ્રમાં તો હું રહીશ, તું પરિધમાં ક્યાંક બેસી જા; ભગવાન કહે હું નવરો નથી. ‘પહલે હમ થે પ્રભુ નહિ, અબ પ્રભુ હે હમ નાહી’. હવે પ્રભુ જ પ્રભુ કેન્દ્રમાં છે; હું નથી. પ્રભુને માત્ર તમે કેન્દ્રમાં લાવો, હું તમારું ગયું. એક ભાઈ એકવાર મને પૂછે, સાહેબ પૂજામાં ઘણીવાર બોલ્યા ‘મનમંદિર આવો રે’. ભગવાન તો આવતા જ નથી. હું જરા હળવા મૂડમાં હતો, મેં કહ્યું, ભગવાન આવેલા પણ પાછા જતા રહ્યા. મને કહે કેમ? પાછા કેમ જતા રહ્યા? મેં એને કહ્યું પહેલા મારી વાત સાંભળ. પછી તને ખ્યાલ આવશે.
મેં કીધું, હું એક ગામમાં ગયેલો. સ્વાગત યાત્રા થઈ, પ્રવચન થયું, બારેક વાગી ગયા. પછી બપોરે પણ પ્રવચન હતું. રાત્રે પણ સંગોષ્ઠી હતી ભાઈઓની. બાર વાગે પ્રવચન પૂરું થયું, નાનો એવો ઉપાશ્રય, એક જ રૂમ અંદર, મારા એક શિષ્યને તાવ આવેલો, એ રૂમની અંદર હતો. હું એની ખબર કાઢવા ગયો. ભઈલા, કેમ છે? એને દવા લીધેલી અને સારું હતું. સાહેબ, સારું છે. અચાનક એને યાદ આવ્યું કે હોલ એક જ છે. હોલમાં તો disturb થયા કરશે, ઘોંઘાટ થયા કરશે. સાહેબને બપોરે પ્રવચન છે, રાત્રે પણ છે. સાહેબ થાકી જશે. તો કહે સાહેબ આ રૂમ છે, પાટ પણ પડેલી છે. આપ બપોરે ગોચરી વાપરીને અહિયાં જ સંથારો કરી દેશો તો સારું રહેશે. આપને આરામ મળી જશે. મેં કીધું જોઈએ. ગોચરી થઇ ગયા પછી મને લાગ્યું કે હોલમાં એટલું બધું disturbances છે કે કદાચ મને ઊંઘ નહિ આવી શકે. અને મારા શરીર માટે આરામ જરૂરી હતો. કોના માટે આરામ જરૂરી? ઊંઘ કોના માટે જોઈએ? તમારાં માટે નહિ! આના માટે! આ ખોખું રાખ્યું છે ને એટલે ઊંઘ જોઈએ છે. સિદ્ધશિલામાં ગયા પછી ખોખું’એ નહિ હોય અને ઊંઘ’એ નહિ હોય. તો મને લાગ્યું કે રૂમમાં જવું જોઈએ મારે. રૂમમાં ગયો. બન્યું એવું કે પેલાનો તાવ એકદમ વધી ગયો પછી. નીચેની ફરશ ઠંડી હતી, એને યાદ ન રહ્યું કે મેં ગુરુમહારાજને આમંત્રણ આપ્યું છે. એક જ પાટ, અને એ પાટ ઉપર સુઈ ગયો. હવે નાનકડું ગામ. એક વ્યાખ્યાનની પાટ જ્યાં હું બેઠેલો હતો. અને બીજી આ પાટ હતી રૂમની અંદર. ત્રીજી કોઈ પાટ તો હતી નહિ. અને મેં જોયું કે પાટ ઉપર એ સુઈ ગયો છે. એને જગાડાય નહિ કે એને ઉઠાડાય નહિ. અને હું જો નીચે સુઈ જઈશ તો એના પસ્તાવાનો પાર નહિ રહે. એ કહે હું કેવો મોટો અપરાધી કે મારા ગુરુદેવ નીચે સુઈ ગયા! એટલે મેં એને કહ્યું કે પેલો પાટ ઉપર સુઈ ગયેલો, એટલે હું પાછો ફર્યો. મેં પેલાને કહ્યું, તું સમજ્યો કંઇ? તું પ્રભુને કહે છે, ‘મનમંદિર આવો રે’. પણ સિંહાસન ઉપર ચડીને તો તું બેઠો છે! સિંહાસન તો ખાલી રાખ્યું નથી હૃદયનું; તો ભગવાન આવીને બેસે ક્યાં? તો ભગવાન આવીને પાછા જતાં રહ્યા.!
એટલે જ પ્રભુએ બહુ જ મોહક રીતે સાક્ષીભાવ અને સમર્પણની સાધના આપી. મેં પહેલા કહેલું કે આ પ્રભુની સાધના ઉપર ઓવારી ગયેલો હું માણસ છું. દુનિયાની લગભગ સાધના પદ્ધતિઓ જોઈ લીધી. મારે જયારે ધ્યાનનું પ્રેઝન્ટેશન કરવાનું હતું, ત્યારે દુનિયાની બધી સાધના પદ્ધતિઓમાં ધ્યાન કઈ રીતે ચાલે છે, એ મેં ઊંડાણથી જોઈ લીધું. અને એ રીતે બધી જ સાધના પદ્ધતિઓની સાધનાને પણ ઊંડાણથી જોઈ લીધી. અને એ પછી પ્રભુની સાધના પદ્ધતિ ઉપર મને જે અહોભાવ પેદા થયો છે, હું એને શબ્દોમાં વર્ણવી શકું એમ નથી.! મને એમ થાય કે મારા પ્રભુએ મને કેટલું બધું આપ્યું છે! આટલું બધું! મારી કોઈ સજ્જતા નહિ! મારી કોઈ લાયકાત નહિ! અને મારા પ્રભુ મારી ઉપર વરસી પડયા છે.! એટલે મારા માટે અન્યદર્શનોમાં જવાનું પણ એક વરદાનરૂપ થઈ ગયું. કે બીજી બધી સાધનાઓ જાણી અને એ સાધનાઓ જાણ્યા પછી પ્રભુની સાધના પદ્ધતિઓ ઉપરનો મારો અહોભાવ એકદમ વધી ગયો. અને એ રીતે પ્રભુની સાધના ઉપર ઓવારી ગયેલો હું માણસ છું.
ક્યાંક કોઈ સાધના પદ્ધતિમાં એકલા સાક્ષીભાવની વાત આવે છે. સાક્ષી બની જાઓ. You are always the observer. તમે માત્ર દ્રષ્ટા છે; તમારે બીજું કંઇ કરવાનું નથી. પણ એકલો સાક્ષીભાવ જ્યાં હોય છે ત્યાં સાક્ષીભાવ કોરો થઈ જાય છે અને પાછલા બારણેથી હું આવી જાય છે. તો સાક્ષીભાવમાં જો સમર્પિતતાને ભેળવી હોય ને તો આ એક શક્યતા ન રહે. એ જ વાત સામે છેડે છે. તમે જેણે સમર્પણ કહો છો એ સમર્પણ સાચું છે ખરું ? એવું તો નથી કે તમારી અપેક્ષા પૂરી થાય છે અને માટે તમે ત્યાં આગળ જવો છો. પ્રભુની પાસે આપણે શા માટે જઈએ છીએ? સ્તવનાકારોએ તો કહ્યું, ભક્તિયોગાચાર્યોએ પણ કહ્યું, કે મોક્ષ માટે પણ હું પ્રભુની પાસે જતો નથી. મોક્ષ માટે હું પ્રભુની પાસે જાઉં તો, મારી ભક્તિ નંબર ૨ ઉપર જાય, મારો મોક્ષ નંબર ૧ ઉપર જાય. મારે મારી ભક્તિને ભગવાન પ્રત્યેની પ્રીતિને નંબર ૧ ઉપર રાખવી છે.
મહોપાધ્યાય યશોવિજયજી એ કહ્યું: ‘મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી’. મુક્તિ મળે, ન મળે કોઈ વાંધો નથી, મારે તારી ભક્તિ જોઈએ છે. આ સમર્પણ જે છે એટલી હદે એ ગમી ગયું. કે લાગે સમર્પણ વિના હવે રહેવાશે નથી.
આપણે ત્યાં છે ને આ સમર્પણના બે પ્રકારો પાડેલા છે. સકારણ પ્રીતિ અને નિષ્કારણ પ્રીતિ. પ્રભુ સાથેની પ્રીતિના બે પ્રકારો. એક સકારણ પ્રીતિ, એક નિષ્કારણ પ્રીતિ.
સકારણ પ્રીતિ- પ્રભુ મને નરક અને નીગોદમાંથી ઊંચકીને અહી સુધી ઊંચકીને લઈને આવ્યા. પ્રભુની કૃપાથી સાધના પદ્ધતિમાં, એના સાધના માર્ગમાં એક ઇંચ-એક સેન્ટીમીટર હું ચાલી શકયો. ઓહોહો મારા પ્રભુએ મારા ઉપર કેટલી બધી કૃપા કરી! તો એ પ્રભુની કૃપાનો ભાવ ભક્તિ તરફ જયારે જાય છે, ત્યારે આપણે એને સકારણ ભક્તિ કહીએ છીએ.
પણ સકારણ ભક્તીને ઘૂંટ્યા પછી નિષ્કારણ ભક્તિ આવે છે. Devotion for the devotion. Love for the love. ભક્તિ માટેની ભક્તિ. પ્રભુની ચાહત માટેની ચાહત. એનું બીજું કોઈ કારણ નથી. તમે એના વગર રહી શકતા નથી. એને ચાહ્યા વિના તમે રહી ન શકો. આ સમર્પણની એક ઉત્કટ કક્ષા છે, જેને નિષ્કારણ પ્રીતિ-નિષ્કારણ ભક્તિ કહેવામાં આવે છે. તો સમર્પણની જોડે પણ સાક્ષીભાવ મૂકી દીધો છે કે તમે જેણે સમર્પણ સમજો છો એ ખરેખર સમર્પણ છે ખરું?
હું એક ગામમાં ગયેલો. વિહાર કરતા-કરતા ગયેલો. વિહાર કરતા યાદ આવ્યું કે આજે તો પુનમ છે. અને એ ગામમાં એક ભક્ત હતો. શંખેશ્વર દાદાનો પરમ ભક્ત. શંખેશ્વરમાં ઘણીવાર મળેલો. વર્ષોથી પૂનમ કરતો હતો. તો મને થયું કે આજે તો એ ભાઈ મળશે નહિ. પણ જ્યાં પ્રવચન શરુ થયું. એ ભાઈ પહેલા હાજર થઈને બેસી ગયા. પ્રવચન પછી મેં પૂછ્યું, કેમ આજે પૂનમ નથી? મને કહે મેં પૂનમ છોડી. મેં કીધું શું થયું? મને કહે, બસ દીકરો બહુ માંદો પડ્યો. ભગવાનને કહ્યું, ભગવાન તું સાજો કરી દે; ભગવાને ન કરી આપ્યો, એટલે પૂનમ છોડી દીધી! એટલે ભગવાન તારા ડોક્ટર છે? તમે પોતે વિચાર કરો કે પ્રભુની પ્રીતિ, પ્રભુની ભક્તિ તમે શા માટે કરો છો?
એક ભાઈ હતા. કાકા. એમના ત્યાં કોઇ પણ માણસ આવે ને તરત આમ પોતાના દીકરાને કહે કે ભાઈ માતાજીને નાળીયેર વધેરો, કહે છે. નાળીયેર લાવો, પેંડા-બેંડા લાવો. જે પણ મહેમાન આવે એટલે માતાજીને નાળીયેર વધેરવાનું અને જોડે પેંડા તો હોય જ. એક ભાઈ રોજ જતા હતા એમને ત્યાં. રોજ નાળીયેર અને પેંડા ખાવા મળે. એક દિવસ ગયા. કાકાએ યાદ જ ન કર્યું. પા કલાક, અડધો કલાક, પોણો કલાક પેલો બેઠો. ચા-પાણી પીધા. બહાર નીકળ્યો. બહાર એણે કાકાના દીકરાને પૂછ્યું, કેમ આજે કાકાએ યાદ ન કર્યું? શ્રીફળનું? દીકરાએ કહ્યું કે કાકાને છે ને દાંત બધા કઢાઈ નાંખ્યા છે. નવું ચોકઠું કરાવવા આપેલું છે. એટલે નાળીયેર માતાજીને વધેરાતું હતું? તો સમર્પણમાં આ તકલીફ રહી જવાની સંભાવના છે. તો સમર્પણ અને સાક્ષીભાવની મજાની સાધના પ્રભુએ આપી.
હવે આપણે ચાર માર્ગો આજે જોવાના છે. કે પ્રભુએ સમર્પણના ચાર માર્ગો કયા કીધા. પહેલું શબ્દ. ગમી ગયો આમ? ગુરુનો શબ્દ ગમે ને? ગુરુનો શબ્દ ગમે ને? સાંભળવાનો બહુ ગમે! બોલો ને આમ તમે! થોડી અનુપ્રેક્ષા પણ કરી નાંખીએ કે સાહેબ! તમે અનુભૂતિની વાત કરતા હોય તો એ વાત જવા દેજો. કેમ? કેટલા વર્ષોથી સાંભળો છો? અનુભૂતિ કેટલી થઈ? સદ્ગુરુનો શબ્દ. હવે તો હું સાધકોને વારંવાર કહું છું કે સ્વાધ્યાય ઓછો કરો. વાંચવાનું ઓછું કરો. સાંભળવાનું પણ ઓછું કરો. માત્ર અનુપ્રેક્ષા નહિ, અનુભૂતિમાં પહોંચી જાઓ.
ક્યાંક શ્રીમદ્જીના આશ્રમોમાં હું જાઉં છું. ત્યાં પણ હું એક જ વાત કહું છું કે સ્વાધ્યાયનું – શબ્દોનું વર્તુળ નહિ બનાઈ નાંખો. શબ્દોનું વર્તુળ બનાઈ નાંખ્યું, એથી તમને કોઈ ફાયદો થવાનો નથી. શબ્દ તમારી ભીતર ઉતરે તો જ કામનું. તો સદ્ગુરુનો પ્યારો-પ્યારો શબ્દ, પ્રભુનો પ્યારો-પ્યારો શબ્દ, ભીતર કેટલો ઉતરે છે? એક પ્રવચન એક કલાકનું હોય. એક શબ્દ તમારી ભીતર ઉતરી ગયો ને કામ થઈ ગયું. મારે એકદમ સંપૂર્ણતયા સમર્પિત થઈ જવું છે. આ એક વાક્ય તમારી ભીતર ઘૂસ્યું મારું એક કલાકનું પ્રવચન સફળ. તો શબ્દ ગમે છે, પણ શબ્દ પૌદ્ગલિક ઘટના… વિચાર પૌદ્ગલિક ઘટના… અનુભૂતિ એ જ તમારી પોતાની ઘટના છે.!
તો જે શબ્દ દ્વારા અનુભૂતિ ન મળે એ શબ્દ નકામો. જે અનુપ્રેક્ષા દ્વારા અનુભૂતિ ન મળે એ અનુપ્રેક્ષા પણ નકામી. એ અનુપ્રેક્ષા દ્વારા તમે બીજાને કંઇક કામ આપી શકો; બીજાને કંઇક તમે હલાવી શકો; તમારાં પોતાના માટે નકામી છે. તો જે ‘શબ્દ’ અનુપ્રેક્ષામાં ન ફેરવાય અને જે અનુપ્રેક્ષા અનુભૂતિમાં ન ફેરવાય બધું નકામું. શબ્દ પણ અનુભૂતિ માટે છે, અનુપ્રેક્ષા પણ અનુભૂતિ માટે ‘જ’ છે.
એટલે હવે શબ્દ એવી રીતે સાંભળવો છે, અનુભૂતિ સુધી તમે પહોંચી જાઓ. સાક્ષીભાવ એટલે નિર્લેપતા, સમર્પણ એટલે નિર્ભારદશા. બોલો પ્રભુ ઉપર બધું જ સોંપી દીધું, નિર્ભાર તમે થયા? દુનિયાથી તમે નિર્લેપ બન્યાં? આખી પ્રભુની સાધના તમારી પાસે આવી ગઈ. બોલો.. નિર્લેપદશા અને નિર્ભારદશા આ બે દશા જો તમને મળી તો પ્રભુની પુરેપુરી સાધના તમારી ભીતર આવી ગઈ.
નિર્લેપદશા. ખાવાનું છે, પીવાનું છે, બોલવાનું છે. પણ ક્યાંય લેપદશા કરવાનો નથી. ક્યાંય રાગ કે દ્વેષ કરવાનો નથી, નિર્લેપદશા. ચાલો પણ નિર્લેપદશાથી ચાલો.
અને નિર્ભાર તમે હોવ. પ્રભુને ચરણે બધું સમર્પિત તમે કર્યું છે, તમે નિર્ભાર હોવ. આ રીતની આપણે યાત્રા કરવી છે.
હું વારંવાર કહું છું, કે આ ખાલી વાચનાશ્રેણી નથી. માત્ર પ્રવચનો સાંભળી જવા અને ઉભા થઈ જવું, આવી કોઈ વાચનાશ્રેણી અહિયાં યોજિત થઈ નથી. આ તો વર્કશોપ છે. સાધના માટેનું વર્કશોપ છે. તમને ખરેખર કંઇક મળવું જ જોઈએ. અમારા ત્રણેય પ્રવચનકારોનો ઉદેશ્ય એક જ છે કે તમને કંઇક મળે. એટલે મેં પહેલા જ કહેલું, ગુરુ રીઝે ક્યારે? ગુરુ ખુશ ક્યારે થાય? તમારા જીવનમાં સાધના આવે ત્યારે. બાકી દુનિયાની કોઇપણ વ્યક્તિ પૈસાથી રીઝે, પ્રશંસાથી રીઝે, આ ગુરુ જ એક એવું વ્યક્તિત્વ છે, જેણે ન પૈસા જોઈએ, ન પ્રશંસા જોઈએ, એને માત્ર તમારી સાધના જોઈએ છે. તો વર્કશોપના રૂપમાં ચાલો. આજે એક નક્કી કરો કે નિર્લેપદશાથી ચાલવું છે. ખાવા ગયા, જમી લીધું, વધુ પડતી આસક્તિ નથી પોષાઈને જોઈ લો. આરામ કર્યો કદાચ તો પણ શરીરને વધુપણું જે છે એ અનુકુળતા નથી આપીને, જોઈ લો; રાગદશા ક્યાંય પોષાઈ નથી ને જોઈ લો. આ રીતે કયાંય મારી ચેતના ઉપર રાગ-દ્વેષ કે અહંકારનો લેપ નથી થયો ને, જોઈ લો. અને એ જ રીતે કોઇપણ બાબતમાં હું મારી જાત ઉપર ભાર રાખીને નથી બેઠો ને ,જોઈ લો. તો નિર્લેપદશા અને નિર્ભારદશા મળી ગઈ તો પ્રભુની સાધના પુરેપુરી મળી ગઈ. તો સદ્ગુરુના શબ્દોને સમર્પિત થવું પહેલી વાત થઈ. પછી સદ્ગુરુના ઇશારાને. ઇશારાને ખોલતા આવડવો જોઈએ.
કલાપૂર્ણસૂરી દાદાને ઘણીવાર પૂછતાં, સાહેબ! આપે તો પ્રભુનો સાક્ષાત્કાર કરેલો છે. પ્રભુ ક્યાં છે? એ પોતાનો હાથ લંબાવીને કહેતાં, આ રહ્યા પ્રભુ! પણ એ સદ્ગુરુનો ઈશારો હતો. એ ઇશારાને decode કરતા આપણને આવડવો જોઈએ; પછી આપણે સાહેબની આંગળી તરફ તાકી રહીએ તો પ્રભુ ન મળે! પણ એ વખતે આપણે સાહેબની આંખોમાં જોઈએ તો આપણને પ્રભુ દેખાઈ જાય.! તો સદ્ગુરુ ઈશારાની ભાષામાં વાત કરશે. કારણ કે શબ્દોમાં બધું કહી શકાતું નથી. શબ્દ પાસે શક્તિને ઝીલાવવાની તાકાત નથી. આપણી ભાષાના જે શબ્દો છે ને, એ શબ્દોની અંદર એ પરમ સત્યને કેમ મૂકી શકાય?! અને એટલે સદ્ગુરુઓએ આ બધી તરકીબો શોધી કાઢી. ઈશારો…! શબ્દોમાં જે વાત કહેવાતી નથી, ઈશારામાં કહેવાય.
ઇશારાથી પણ સુક્ષ્મ છે – આકાર. ફેસિયલ એક્સપ્રેશન – ચહેરા પરના હાવભાવ. માત્ર ગુરુના ચહેરા પરના હાવભાવ-એક્સપ્રેશન જોતા તમને આવડી જાય ને તમે પ્રભુને પામી જાઓ!
એક ઝેન કથા આવે છે. હું ઘણી વખત એને કહેતો હોઉં છું. શિષ્ય ગુરુ પાસે આવ્યો. અને ગુરુદેવને કહ્યું કે સાહેબ બુદ્ધ ભગવાનના ચહેરા ઉપર કેવી શાંતિ હશે? ગુરુ પ્રેક્ટીકલ એપ્રોચ વાળા માણસ હતા. પાટ ઉપર બેઠેલાં અને બાજુમાં બારી. શિષ્યને બોચીથી પકડ્યો અને સીધો નાંખ્યો નીચે. આઠ ફૂટ નીચે. પેલો ધબાક કરતો પછડાયો. પછડાયો. એ ક્ષણે શું થાય? કોન્શિયસ માઈન્ડ ગેરહાજર થાય. જયારે પણ એકદમ તમારાં મગજને હલાવી દેનારી ઘટના બને છે ને, ત્યારે તમારું કોન્શિયસ માઈન્ડ બાજુમાં ખસી જાય છે. પેલો ધબાક કરતો પડ્યો.! એકદમ અનએક્સ્પેક્ટેડ ઘટના.! ગુરુ આવું કરે? બોચીથી પકડીને નીચે નાંખે? વિચારેલું પણ નહિ એને સ્વપ્નમાં; અને બન્યું; એકદમ કોન્શિયસ માઈન્ડ એનું જતું રહ્યું. એકદમ સ્તબ્ધ થઈ ગયો.! આપણે સ્તબ્ધ કહીએ છીએ ને એનો મતલબ આ જ છે કોન્શિયસ માઈન્ડ ખરી પડ્યું. એકદમ સ્તબ્ધ થઈ ગયો છે. કોન્શિયસ માઈન્ડ એનું ખરી પડ્યું છે. એ જ વખતે ગુરુ બારીમાંથી ડોકિયું કરે છે. પેલો ચત્તોપાત પડેલો છે. ગુરુ એને પૂછે છે, બેટા ભગવાન બુદ્ધના ચહેરા ઉપર કેવી શાંતિ હોય તને ખ્યાલ આવ્યો હવે? પેલો કહે હાજી, ખ્યાલ આવી ગયો.
શું થયું? શું થયું? ગુરુના ચહેરાને વર્ષોથી એ જોતો જ હતો. પણ ગુરુના ચહેરા ઉપર જે પ્રશમભાવ હતો, એનું દર્શન એને થયું નહોતું.! એટલે જ હું વારંવાર કહું છુ કે સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષોના ચરણોમાં આપણે રહેતા હોઈએ છીએ અને છતાં એમની સ્વાનુભૂતિનું દર્શન આપણે કરેલું નથી હોતું.! એક મહાત્મા છે એ રીતે આપણે જોયા છે. પણ એમની મહાત્મા પાસે સ્વાનુભૂતિ છે, આ રીતે આપણે મહાપુરુષોનું દર્શન નથી થતું. પેલો શિષ્ય વર્ષોથી ગુરુની પાસે રહેતો હતો. પણ ગુરુના ચહેરા ઉપર જે પ્રશમભાવ હતો, એ એને જોયેલો નહોતો. આજે પહેલીવાર એવું બન્યું કે કોન્શિયસ માઈન્ડ ખરી પડ્યું છે; અને એકદમ એ ગુરુના ચહેરાને જુવે છે; અને ગુરુરના ચહેરા ઉપર જે પ્રશમભાવ છે! જે કરુણાભાવ છે! અને એ વિચાર કરે છે, સદ્ગુરુના ચહેરા ઉપર આટલો બધો પ્રશમભાવ છે, તો બુદ્ધ ભગવાનના ચહેરા ઉપર તો કેવો હશે?! એણે અનુમાન લગાવી દીધું! ગુરુ પાસે આવ્યો; ઝૂક્યો અને કહ્યું કે સાહેબ તમે કૃપા કરી મારા ઉપર અને ખરેખર તમે બુદ્ધ ભગવાનના ચહેરા ઉપર કેવી શાંતિ હોય એનો અનુભવ આજે મને કરાવી દીધો.
Facial expression. કેટલા સદ્ગુરુઓને જોયા છે? બોલો તો.? વંદન સેંકડો સદ્ગુરુઓને કર્યા છે. ખરેખર કેટલા સદ્ગુરુઓને જોયા છે? બોલો. એકેય સદ્ગુરુને જોયા છે? એમના ચહેરા ઉપરનો આનંદ જોયો છે? અને જોયા પછી મનની અંદર વેદનાની ટીસ ઉપડી છે? હું ઘણીવાર પૂછું છું, સદ્ગુરુને જોઇને, કોઇ પણ મહાત્માને જોઇને અહોભાવ તમને no doubt આવે છે. ઈર્ષ્યા આવે છે? ઈર્ષ્યા થાય છે? નથી થતી ઈર્ષ્યા? ઈર્ષ્યા ક્યારે થાય? તમને ગમે છે એ મળતું નથી, એટલે ઈર્ષ્યા થાય. તો ઈર્ષ્યા નથી થતું તો શું માનવું પડે? તમને જે ગમે છે અને એ તમને મળતું નથી, તો ઈર્ષ્યા થાય. એક બંગલો સરસ જોઈ લીધો, હવે એ મેળવવા માટેના પૈસા નથી અત્યારે; એટલે શું થાય છે? એ બંગલા વાળાની ઈર્ષ્યા થાય છે કે સાલું એને મળી ગયો અને મને નહિ મળ્યો.! જે ગમે છે, એ મળતો નથી, તો એના ધારક ઉપર ઈર્ષ્યા થાય છે. અહિયાં પણ આવું ના થાય? સાધુત્વનો પરમ વૈભવ, સાધુત્વનો પરમ આનંદ. તમને જોઈએ છે; એ તમને મળતો નથી. તો ઈર્ષ્યા ન થાય અમારી? બોલો તો. એટલે એનો અર્થ શું થયો? કે સાધુત્વનો આનંદ તમને જોઈતો નથી. તો જોઈતો નથી એના મૂળમાં શું છે? એ દેખાયો નથી.! મૂળભૂત વાત આ છે. એટલે facial expression જે ગુરુનું છે એ તમે ક્યારેય પણ માણ્યું જ નથી.
હું ઘણીવાર કહું કે સદ્ગુરુના શબ્દોના લોભમાં આપણે ઘણું બધું ગુમાવી બેઠેલા માણસો છીએ. તમે સદ્ગુરુ પાસે શા માટે આવો? માત્ર શબ્દો લેવાં.! શહેરની આખી પરંપરા જુઓ! પ્રવચન કેટલાં વાગે? તો કહે ૯ વાગે. ૯ વાગે પહોંચી ગયા, ૧૦ વાગે સર્વમંગલ થયું. છૂટ્યા. ગામડાની પરંપરા એ હતી કે જ્યાં એ લોકોને માટે પ્રવચન નહોતું. સાંજે પ્રતિક્રમણ માટે આવે. પ્રતિક્રમણ પછી અડધો કલાક- પોણો કલાક- કલાક ગુરુદેવ પાસે બેશે. પાછો એમાં વાતો સંભાળવાનો કોઈ ઉદ્દેશ નહિ. ગુરુદેવ કંઇ બોલે, એવો કોઈ ઈચ્છા નહિ. ગુરુદેવ આપ સાધના કરતા હોવ, સાધના કરો. આપ માળા જપતા હોવ, માળા જપો. મને આપની ચરણસેવાનો લાભ આપો. એ ગામડાના માણસને ખ્યાલ હતો કે સદ્ગુરુ પાસે જે ઉર્જા છે, એ ઉર્જાને મારે આ રીતે મેળવવી છે. ને તમે લોકો ઘણું જ ચુકી ગયેલા માણસો છો. માત્ર સદ્ગુરુનો શબ્દ જેને જોઈએ છે; એણે ઘણું બધું ગુમાવી નાંખ્યું છે. શબ્દમાં તો કેટલું આપી શકાય? કેટલું? એક પરમ સત્યનો નાનકડો અંશ. ખરેખર તો તમને શબ્દ દ્વારા લલચાવી શકાય. શબ્દ દ્વારા ખરેખર કંઇ આપી શકાય પણ નહિ. હા, લલચાવી શકાય. કે આટલો પરમ આનંદ, આટલો પરમ વૈભવ અહિયાં છે. તો તમારી સાધના જો શબ્દો ઉપર સીમિત થઈ ગઈ તો વેગ ક્યાંથી આવશે અહીંયા?
તો શબ્દ પછી આગળ વધો હવે. ગુરુનો ઈશારો. એક નાનકડો પણ ઈશારો હશે ગુરુનો એમાં અદ્ભુત્ત વાતો ભરાયેલી હશે.
એ પછી ફેસિયલ એક્સપ્રેશન જુઓ. ચહેરાના હાવભાવ. સદ્ગુરુના ચહેરા ઉપર પરમાત્મા છે. અને જોતા આવડે તો સદ્ગુરુની આંખમાં પરમાત્મા છે. તો આ રીતે સદ્ગુરુના ચહેરાને જુઓ.
અને એ પછી છેલ્લો પ્રકાર સમર્પિતતાનું પ્રભુએ બતાવ્યો ઉત્તરાધ્યયન સૂત્રમાં. ગુરુના ઉર્જાક્ષેત્રમાં આવીને, ઔરાફિલ્ડમાં આવીને માત્ર neutral થઈને બેસી જાઓ. ગુરુ બેઠેલાં જ છે. તમારે આવીને બેસી જવાનું. ખાલી થઈને બેસી ગયા તમે. ગુરુની ઉર્જા બધું જ કામ કરી દેશે. એટલે મારી દ્રષ્ટીએ જે માણસ શબ્દોની પાછળ માત્ર પડેલો છે, એણે ઘણું બધું ગુમાવ્યું છે. એટલે મારી નિકટ આવનાર દરેક સાધકને હું કહું છું કે શબ્દને છોડો. હું પોતે bookworm હતો. અંગ્રેજીમાં જેને આપણે bookworm કહીએ એવો પુસ્તકનો કીડો હતો. એક વિહાર મારો પંદર દિવસનો હોય ને એક આખી બેગ પુસ્તકોની મારી જોડે હોય. અને પંદર દિવસમાં આખી બેગના પુસ્તકો જે હોય ને એ વંચાઈ ગયા હોય. આજે હું કંઇ વાંચી શકતો નથી. છુટી ગયું. શબ્દ છુટી ગયો હવે. બસ થોડા ઘણા શબ્દો ક્યારેક પ્રભુના જે છે એ વાગોળી લઉં છું. બાકી શબ્દ છૂટી ગયો. અને એટલે બીજે ગ્રંથસંસાર શબ્દ જે વાપર્યો હતો ને ગઈકાલે, એની સામે મજાનો એક શબ્દ છે – ગ્રંથસંન્યાસ. સાધનાની એક એવી અવસ્થા આવે છે, જયારે તમારાં માટે ગ્રંથસંન્યાસ આવે છે. પછી એક-બે કે ત્રણ ગ્રંથો તમારી પાસે છે. અને ક્યારેક-ક્યારેક એ ગ્રંથોનો સ્વાધ્યાય તમે કરો છો.
સ્વાધ્યાય એટલે શું તમને સમજાવું. સ્કૂટરને ચાલુ કરવા માટે તમે કિક લગાવોને એ સ્વાધ્યાય. પછી સ્કૂટર ચાલુ થઈ ગયું પછી શું કરવાનું? કિક લગાવવાની કે ઉપર બેસી જવાનું? શું કરવાનું? સ્વાધ્યાય એટલે શું? જ્યાં સુધી અંદરની ગાડી ચાલુ ના થાય ત્યાં સુધી કિક લગાવી દેવાની. બે-પાંચ-દસ શબ્દો પ્રભુના પ્યારા-પ્યારા લઇ લેવાના. કિક બરાબર લાગી ગઈ. સ્કૂટર ચાલુ થઈ ગયું. ગાડી ઉપર બેસી જવાનું.
હું નાનો હતો. બાર-સાડાબાર વરસનો. અમદાવાદમાં ગુરુદેવની સાથે જવાનું થયું. એ વખતે લબ્ધિસૂરી મહારાજ સાહેબ અમદાવાદમાં બિરાજમાન. એકવાર ગુરુદેવે કહ્યું કે આપણે લબ્ધિસૂરીશ્વર મહારાજ સાહેબને વંદન કરવા માટે જવાનું છે. પછી સાહેબે વાત કરી, લબ્ધિસૂરી મહારાજ બહુ મોટા જ્ઞાનીગુરુ છે. એમણે બહુ જ સાહિત્યની રચના કરી છે. કવિકૂટ શી રીતે એ કહેવાય છે, આ બધી વાતો કરી. પછી અમે લોકો સાહેબજી કાલુપુર જ્ઞાનમંદિરમાં બિરાજમાન હતા ત્યાં ગયા. સાહેબજીને વંદન કર્યું ભાવથી. હું સાડાબાર વરસનો છોકરો. હવે જીજ્ઞાસા તો ઘણી હોય જ. સાંભળેલું બહુ એમના માટે કે સાહેબ બહુ જ મોટા જ્ઞાની છે. અને ખરેખર અમે ગયા ને ત્યારે સાહેબ એક પુસ્તક વાંચતા હતા. એટલે મને થયું કે સાહેબ એકદમ ઊંડામાં ઊંડું પુસ્તક વાંચતા હશે. જીજ્ઞાસાથી મેં જરા જોયું. અમારે ત્યાં પ્રતો હોય છે ને ત્યારે ત્યાં હાંસીયા ઉપર એ પુસ્તકોનું નામ લખેલું હોય છે. તો પુસ્તકનું નામ વાંચ્યું ને વિચારમાં પડી ગયો.! ઉત્તરાધ્યયનસૂત્ર હતું. અને ઉત્તરાધ્યયનસૂત્ર! આ તો દીક્ષા પછી અમે તરત ગોખી લઈએ. આ ૮૪ વરસના મહાત્મા. ૬૦-૭૦ વરસનો દીક્ષા પર્યાય. આટલા ઊંડા જ્ઞાની, ઉત્તરાધ્યયનસૂત્ર વાંચે છે.! હું નિરાશ થઈ ગયો.! જો કે અહંકારી નહોતો પાછો એ વખતે, કોઈને પૂછ્યું-બુછ્યું નઈ પાછું. પૂછું તો પાછુ આપણું પદ નીકળી જાય ને પાછું. પછી મને ખ્યાલ આવ્યો. જયારે ગ્રંથસંસાર શબ્દ વાંચ્યો ત્યારે. ઓહો લબ્ધિસુરીદાદા તો ગ્રંથ સંન્યાસની ભૂમિકામાં હતા.! અત્યારે હું ગ્રંથસંન્યાસની ભૂમિકા ઉપર છું. મારા ટેબલ ઉપર તમને પુસ્તકો દેખાય ઘણા. મારે વાંચવાનું એકેય હોતું નથી. ખાલી એક શોખ છે જોઈ લઉં. પણ વંચાતું જ નથી આગળ. પણ મન એ લાગે છે કે હું સાધનાના પ્રોપર પડાવ ઉપર છું કે શબ્દો છૂટી જવા જોઈએ અને અનુભૂતિ પકડાઈ જવી જોઈએ. તો મારે આ કામ કરવું છે.
હું ઘણીવાર કહું છું, મારી પાસે વાચના માટે જે કાયમી આવે ને એ લોકોને હું કહું છું, કે હું ક્યાં સુધી બોલીશ એ તો કહો? મારે બોલવું એ મારી એક વિવશતા છે. જે ક્ષણે તમે મૌનની ભાષા સમજશો ને એ ક્ષણે આપણે અશબ્દમાં બેસી જવાનું છે. હું પણ મૌનમાં બેસી જઈશ. તમે પણ મૌનમાં બેસી જશો. મૌનની ભાષા બહુ મજાની હોય છે. શબ્દોની ભાષામાં એ બળ નથી. શબ્દોમાં તમારું મન છે, ત્યાં સુધી શું થાય? તમે શબ્દોના facial expression ને પણ નહિ જોઈ શકો.! એ કલાપૂર્ણસૂરી દાદા પ્રભુની વાત કરતા હોય, ત્યારે આપણે એ પ્રભુની વાતમાં નથી જવું. એ કહે છે એ શબ્દોમાં નથી જવું. એ વખતે કલાપૂર્ણસૂરી દાદાના facial expression માં જવું છે. કે પ્રભુની વાત કરતા કેવા નાચી ઉઠે છે?! એક વાર facial expression જો જોવાઈ જાય ને તો ખરેખર પ્રભુ કેવા છે? એ પૂછવા માટે આપણે એમની પાસે જવું ના પડે. આપણને ખ્યાલ આવી જાય, ઓહો આ પ્રભુ તો અહી દેખાય જ છે. પ્રભુ મળ્યાનો આનંદ આટલો બધો છે. પ્રભુ કેવા? અને એ આનંદ મને કેમ ન મળે? ઈર્ષ્યા શરુ થઈ જાય.
તો શબ્દ, ઈશારો, પછી facial expression. અને એના પછી આવે છે ઔરાફિલ્ડ. માત્ર સદ્ગુરુના ઉર્જાક્ષેત્રમાં તમે બેસી જાઓ.
બુદ્ધની વાત આવે છે. એક રાત્રિ એ પટ્ટશિષ્ય આનંદ આખી રાત મટકું માર્યા વિના બુદ્ધની પાસે બેઠેલો હોય છે. બુદ્ધ સુતેલાં હોય છે. સવારે આનંદ પૂછે છે, સાહેબ! આખી રાત હું જાગતો હતો. માત્ર આપની ઉર્જાને લેતો હતો. અને સાહેબ એક સવાલ મને થયો. બુદ્ધે કહ્યું બોલ શું સવાલ થયો? કહે સાહેબ આપ સુતેલાં હતા, આપનું શરીર સુતેલું હતું. આપ તો જાગતા હતા. પણ આપણું શરીર પાંચ-છ કલાકની અંદર આમથી તેમ ન થયું. તેમથી આમ ન થયું. એક જ મુદ્રામાં, આપ જે મુદ્રામાં સુતેલાં હતા, તે જ મુદ્રામાં છ કલાક સુધી શરીર રહ્યું, એનું કારણ શું? ત્યારે બુદ્ધે કહ્યું કે આનંદ કોઇ પણ સાધક હોય એની કાયા એની નિયંત્રણમાં હોવી જોઈએ. તમારું મન, તમારું વચન, તમારી કાય તમારાં નિયંત્રણમાં હોય તો જ તમે સાધક છો. અનિયંત્રિત મન, અનિયંત્રિત વચન, અનિયંત્રિત કાયા એ સંસાર. નિયંત્રિત મન, નિયંત્રિત વચન, નિયંત્રિત કાયા એ સાધક.
એક સાધકની વાત હું ઘણીવાર કહું છું કે એક સાધક બેઠેલો રૂમમાં. થોડીવાર પછી એક ભાવુક આવ્યો. અને બેઠો એમની પાસે. અને એ વખતે સાધક મુહપત્તિ લઇ અને ખભાને પુંજી રહ્યો છે. પેલો વિચારમાં પડી ગયો. ખભા ઉપર કંઇ છે નહિ જીવજંતુ. બીજું કોઈ પ્રયોજન નથી. મુહપત્તિથી આમ પુંજે છે કેમ? એટલે એણે સહજ જીજ્ઞાસાથી પૂછ્યું સાહેબ કેમ પૂંજો છો ? પેલા સાધકે કહ્યું, તું તો હમણાં જ આવ્યો. બે મિનીટ પહેલા એક માખી અહી બેઠેલી. હું સાધક છું. અને સાધક તરીકે મારી કાયા નિયંત્રિત હોવી જોઈએ. મારી કાયા અનિયંત્રિત રૂપે ચાલે; એ ચાલે નહિ. પણ સહસા મારો હાથ ઊંચકાયો. માખી બેઠેલી. ખભા તરફ મારો હાથ ગયો. માખી તો ઉડી ગઈ. પણ હું ધ્રુજી ગયો કે કોઇ પણ જગ્યા પ્રતિલેખિત ના હોય ત્યાં આ મારો હાથ કેમ જઈ શકે? મારા ખભા ને મેં જ્યાં સુધી પ્રમાર્જ્યો ના હોય અને મારા હાથ ને પ્રમાર્જેલ ન હોય, ત્યાં સુધી મારો હાથ મારા ખભાને ટચ કેમ થઈ શકે? એટલે હું મારા શરીરને ટ્રીટ કરી રહ્યો છું. આ અર્થમાં હું નિક્ષેપણાસમિતિને બહુ મહત્વની માનું છું. તમારાં ઉપયોગને એકદમ સઘન બનાવી દો. એક વસ્તુને મુકવી છે, તળિયાને પૂંજો, જમીનને પૂંજો, નીચે મુકો. લેવી છે, તમારાં હાથને પૂંજો, જરા ઉપરના ભાગને પૂંજો. કેટલો ઉપયોગ તમારો જાગૃત થઈ જાય? આ સમિતિઓ અને ગુપ્તીઓ એ જ તો આપણું ધ્યાન છે, એ જ તો આપણો કાયોત્સર્ગ છે. અષ્ટપ્રવચન માતાની બહાર આપણું કોઈ ધ્યાન નથી, આપણો કોઈ કાયોત્સર્ગ નથી. આપણું ધ્યાન પણ ત્રિગુપ્તિની સાધના છે અને આપનો કાયોત્સર્ગ એ પણ માત્ર અને માત્ર ત્રિગુપ્તિની સાધના છે. અષ્ટપ્રવચન માતાનું પાલન તમને અમને નાનપણથી મળેલું છે. તમે સામાયિક લો ત્યારે, પૌષધ લો ત્યારે એ અષ્ટપ્રવચન માતાનું પાલન કરો છો. તો જે તમે ત્રિગુપ્તિનું પાલન કરવા ઈચ્છો છો, અને નથી કરી શક્યા એનું જ પાલન કરવું એનું જ નામ ધ્યાન, એનું જ નામ કાયોત્સર્ગ. બીજું કંઇ છે જ નહિ. માત્ર ત્રિગુપ્તી સાધના એ ધ્યાન, માત્ર ત્રિગુપ્તી સાધના એ આપણો કાયોત્સર્ગ.
તો પ્રભુએ સમર્પણની એક મજાની પરિભાષા આપણને સમજાવી. ‘‘विणयं पाउकरिस्सामि’’ હું તને સમર્પિતતાના પાઠો શીખવીશ! ઓવારી ના જઈએ?! પ્રભુ આપણી પર્સનલ કેર લે!
એક મોટો પ્રવચનકાર હોય ને. બે-ચાર જણા હોય ને, સાહેબ પ્રવચન આપો ને. ના ના ના ના મારો શિષ્ય છે એ આપી દેશે. ચાર જણામાં હું પ્રવચન આપું? અને આપણે એકલા હોઈએ અને પ્રભુ આપણને સમર્પિતતાના પાઠો શીખવવા તૈયાર થઈ જાય. કેવી પ્રભુની કરુણા!
તો પ્રભુએ ચાર રીતે સમર્પિતતા આપણને શીખવાડી. ગુરુના શબ્દોને સમર્પિત રહેજો. ગુરુના ઇશારાને બરાબર સમજી લેજો. ગુરુના ચહેરા પરના હાવભાવ ને – ફેસિયલ એક્સપ્રેશનને બરાબર સમજી લેજો. અને ગુરુના ઔરાફિલ્ડમાં ક્યારેક ખાલી થઈને બેસજો તો તમને સમર્પણ એટલે શું? એનો ખ્યાલ આવી જશે. ગુરૂ ટોટલી સમર્પિત થયેલા છે. ટોટલી સરન્ડર ગુરૂ છે. એ ગુરુની ઉર્જામાં તમે બેસશો એટલે, ખાલી થઈને બેસશો તો એ સમર્પણ તમને આપોઆપ મળી જશે.
પણ પ્રભુ કંડીશનલી અહી ખુલે છે. ‘विणयं पाउकरिस्सामि’ તને સમર્પિતતાના પાઠો શીખવીશ, પણ ક્યારે? શરત મૂકી છે. ‘संजोगा विप्पमुक्कस्स, अणगारस्स भिक्खुणो’ તું સાક્ષીભાવમાં આવેલો હોઈશ તો જ હું તને સમર્પિતતાના પાઠો શીખવીશ. સાક્ષીભાવ નહિ હોય, ત્યારે સમર્પિતતા જે છે એ સમર્પિતતા રહેશે નહિ. પહેલા આપણે પોતે જ વિચાર કરો. ઘણા સદ્ગુરુઓ પાસે તમે જઈને આવ્યા. અમારા દીક્ષા થઈ એટલે અમારે એક જ સદ્ગુરુ હોય છે. પણ હું પોતે મારા હૃદયને ટટોળીને જોઉં તો મને સમજાય કે હું ખરેખર મારા સદ્ગુરુને સમર્પિત થયો જ નથી. હું મારી ઈચ્છાઓને સમર્પિત થયો છું. હું મારી અપેક્ષાઓને સમર્પિત થયો છું. સાક્ષીભાવ જ્યાં સુધી મારી પાસે નથી. આ વૈભાવિક હું મારો છુટકારો જ્યાં સુધી નથી, ત્યાં સુધી મારું સમર્પણ માત્ર મારી જાત પ્રત્યે જ રહેવાનું છે.
તો યાદ રાખો સમર્પણ માટે છે આ જીવન તમારા બધાનું. પણ એ સમર્પણ સાર્થક ક્યારે બનશે?
પ્રભુ આચારાંગમાં કહે છે તેમ, ઉત્તરાધ્યયનમાં કહે છે તેમ; સાક્ષીભાવ પ્રગાઢ બનેલો હશે તો જ. હું જ રહેલું હશે તો પછી હું નંબર એક ઉપર અને ગુરુ નંબર બે ઉપ,ર સીધી વાત છે. કેમ ભાઈ કેમ ચાલે છે બોલો? નંબર વન ઉપર કોણ? નંબર વન ઉપર કોણ? આ ગુરુ બહુ સારા હો. તમે પણ કહેશો. અમારે તો ગુરુ ચેન્જ કરવાના નથી હોતા. તમારે ચેન્જ કરવાના હોય. આ ગુરુ બહુ સારા. બહુ સારા એટલે શું? વ્યાખ્યા શું? બહુ સારા ગુરુની વ્યાખ્યા શું? આપણે જઈએ એટલે પ્રેમથી બોલાવે. જરા આમ પંપાળે. ભાઈ કેમ છે? એટલે બહુ સારા. ડોક્ટર કયો સારો? પ્રેમથી બોલાવે એવો! ડોક્ટર કયો સારો? ગુરુદેવને ક્યારેય કહ્યું? ગુરુદેવ મારા હું ને છીનવી લો. સાહેબ હું તમારાં ચરણોમાં છું અને મારો હું હજુ આટલું કુદકાં મારે છે. સાહેબજી મારા હું ને છીનવી લો. કહ્યું આવું તમે ક્યારેય ગુરુને? Sadguru is ever ready. તમારાં હું ને છીનવી લેવા માટે ગુરુ તૈયાર છે. મોટું બોક્ષ રાખ્યું છે હો. તમારાં બધાના હું ને એક બોક્ષમાં નાખી દઉં એમ છું. Sadguru is ever ready but are you ready? બોલો. તમારાં હું ને આપી દેવું છે? આપી દેવું છે બોલો?
હું ઘણીવાર કહું છું, કે તમે લોકો બચી બચીને ચાલેલા માણસો છો. છેક કિનારે પહોંચી ગયા, પરમ ચેતનાને કિનારે, સદ્ગુરુ ચેતનાને કિનારે અને બસ અંદર તમે ડૂબકી મારો એટલી વાર હતી. પણ તમે બચી બચીને ચાલેલા માણસો છો. અને મારો હું જ ના રહે તો પછી મારી identity શું રહેશે? અરે identity ને સાફ કર; આ મોટી identity તને મળશે! તારા વ્યક્તિત્વનું વિલોપન કર તો અસ્તિત્વના મહાસાગરનું એક મજાનું અંગ બની જઈશ. તમારી પાસે વ્યક્તિત્વ છે નાનકડું, અસ્તિત્વ જોઈએ છે તમને? એક વિરાટ અસ્તિત્વ.! મળી જાય બોલો. શરત એક જ – તમારાં હું ને ભૂંસી નાંખવાની તાકાત તમારામાં જોઈએ. છે શું તમારાં હું માં? તમારાં હું માં છે શું, એ તો મને કહો? છે એની તૈયારી? કરશો તૈયારી? હું માં કંઇ જ નથી. હું ગુમાવ્યું પછી જે મળ્યું છે. એટલો બધો આનંદ થાય છે આજે કે ખરેખર પ્રભુની કૃપા વિના આ હું ને ખોવું એ શક્ય જ નથી. પ્રભુની કૃપા થઈ, યશોવિજય નામની સંઘટના ગઈ; અને જે આનંદ મળ્યો છે, અપાર…! એ આનંદને મારે તમારી જોડે શેર કરવો છે. અને ગુરુ ક્યારેય એકલપેઠા નથી હોતા હો.! મને મળી ગયું એટલે બસ. નહિ! ગુરુ વહેંચનારા માણસ છે. Share કરનારા માણસ છે. તો મારે તમારી જોડે મારા આનંદને શેર કરવો છે. કે ભાઈ આટલું જ છોડી દો ને, આટલું બધું મળે એમ છે તો. તમારી નાનકડી identity ભૂંસવાની છે અને તમને મળે છે એ તો જુઓ એક વિરાટ આનંદ, એક પરમ આનંદ તમને મળે એમ છે.
તો પ્રભુ અહીંયા કંડીશનલી ખોલે છે કે તને સમર્પિતતાના પાઠો શીખવીશ પણ તું સાક્ષીભાવમાં આવેલો હશે ત્યારે. એ સાક્ષીભાવના સુત્રો પ્રભુ કઈ રીતે સમજાવે છે આગળ જોઈશું. પણ એ સમજવા માટે પણ આપણે થોડીક ભૂમિકામાં જવું પડશે. અને એ ભૂમિકા આપણી નિર્વિકલ્પતાની છે. તમને જે મૌન આપ્યું છે એ મૌન પણ એટલાં માટે છે કે તમે નિર્વિકલ્પ બની શકો. શબ્દો જ વિકલ્પોને વધારે છે. શબ્દ એકદમ બંધ થઈ ગયા, વિકલ્પો ઓછા થઈ જાય, પણ હજુ વિકલ્પો ચાલુ છે. એ વિકલ્પો પણ કેમ બંધ કરવા એની માસ્ટર કી આપણે ધ્યાન અભ્યાસ દ્વારા કરીએ છીએ. તમે બધા સાંભળો છો ખરા હો સાધ્વીજી ભગવતીઓ. પણ મૌન વાળા નથી. બરોબર? ખરેખર મૌનની એક પરિભાષા ઉપર, મૌનની પૃષ્ઠભૂમિ ઉપર તમે આ શબ્દોને ઝીલો, તમે અંદર જઈ શકશો. સદ્ગુરુની પ્રબળ ઈચ્છા હોય છે કે મારી પાસે જે આવે છે, એને મારા જેવો બનાઈ દઉં. તમને બધાને પરમ આનંદના ભાગી બનાવવા છે. એક માત્ર શબ્દોનું મૌન થોડું સ્વીકારી લો. હવે તો થોડા જ દિવસો જ છે વાચનાના. અઠવાડિયું પણ નથી. ઝીલી લો બરાબર.! હવે આપણે ધ્યાનાભ્યાસ શરૂ કરીએ.
