Maun Dhyan Sadhana Shibir 09 – Vachana – 3

1 View
37 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject: સંજોગા વિપ્પમુક્કસ્સ

સાક્ષીભાવ અને સમર્પણ એ સ્વાનુભૂતિ માટેના બે અનિવાર્ય તત્ત્વો. પ્રભુ પોતે સમર્પણના પાઠ આપણને શીખવી રહ્યા છે. પણ પ્રભુના શીખવેલા એ સમર્પણના પાઠો આપણે ઝીલી શકીએ એ માટે આપણી receptivity જોઈશે, સજ્જતા જોઈશે: સંજોગા વિપ્પમુક્કસ્સ.

સંયોગોથી વિપ્રમુક્તિ. સાધક પદાર્થોના સંયોગો, વ્યક્તિઓના સંયોગો, કોઈ ઘટનાઓના સંયોગો – બધાથી મુક્ત હોવો જોઈએ. જો કે પ્રભુ ત્યાં માત્ર મુક્ત એટલો શબ્દ વાપરતા નથી. વિમુક્ત કે પ્રમુક્ત પણ કહેતા નથી. મુક્ત નહિ, વિમુક્ત નહિ, પ્રમુક્ત નહિ પણ વિ-પ્ર-મુક્ત.

જ્યારે ઘટના ઘટે ત્યારે એ ઘટના જોડે સંબંધ પણ રચાતો નથી. અને એટલે કોઈ સંયોગોનું સ્મરણ પણ પાછળથી થતું નથી. સંયોગોથી તમે આટલી હદે દૂર હોવ, તો જ તમે પ્રભુના ચરણોમાં સમર્પિત થઇ શકો. વિભાવ મુક્તિ ન મળે; ત્યાં સુધી સ્વભાવ પ્રાપ્તિ દુર્લભ છે. પહેલા વિભાવ મુક્તિ; પછી સ્વભાવ પ્રાપ્તિ.

મૌન ધ્યાન સાધના શિબિર ૦૯ પાલીતાણા વાચના –

દેવાધિદેવ પરમતારક શત્રુંજ્ય તીર્થાધિપતિ શ્રી ઋષભદેવ પ્રભુના ચરણોમાં વંદના.

સદ્ગુરુદેવ પૂજ્યપાદ અરવિંદસૂરિ દાદાના ચરણોમાં વંદના.

સાક્ષીભાવ અને સમર્પણ સ્વાનુભૂતિ માટેના અનિવાર્ય બે તત્વો. પ્રાથમિક કક્ષાનો ભક્ત, સાધક મૂંઝાય કે સમર્પણને મેળવવું શી રીતે? સાક્ષીભાવને મેળવવો શી રીતે? એટલી મજાની આપણી પરંપરા છે, કે જે પરંપરા પર આપણે ઓવારી જઈએ. સમર્પણ મને શી રીતે મળે, એ સવાલ થયો, જવાબ ખુદ પરમાત્માએ આપ્યો, ઉત્તરાધ્યયન સૂત્રમાં; ‘विणयं पाऊ करिस्सामि’ સમર્પિતતા પાઠો હું તને શીખવીશ! બીજા કોઈ દ્વારા તને શીખવાડીશ એમ નહિ, હું પોતે તને શીખવીશ! આપણી આંખો હર્ષના આંસુથી છલછલાઈ આવે કે પ્રભુ! તું મારી કેવી personal care કરે છે.!

મારા જીવનની વાત કરું ને તો પ્રારંભિક કાળમાં પ્રભુની care મેં ખુબ ખુબ અનુભવી છે. એક ઘટના કહું, નવો સવો હું પ્રવચનકાર, પ્રવચન આપું પણ ખરો, અને અહંકાર વધારું પણ! એકવાર પ્રવચન બહુ સરસ ગયેલું, અહંકારનો ફુગ્ગો ફૂલી ઉઠ્યો. પ્રવચન આપીને મારા આસન ઉપર હું ગયો. ઈરિયાવહિયા કરીને હું બેઠો. એ વખતે આચારાંગજી નો સ્વાધ્યાય મારે ચાલતો હતો. આસન પર બેઠા પછી મારા ટેબલ રહેલા આચારાંગજી ના પુસ્તકને એમનેમ મેં ખોલ્યું. અને જે સૂત્ર સામે આવ્યું, મારી આંખ ભીની બની ગઈ કે વાહ પ્રભુ! મેં હમણાં જ અહંકાર નો ફુગ્ગો ફૂલાવ્યો અને તું ટાંકણી લઈને આવી ગયો, ફુગ્ગો ફોડવા માટે! બહુ જ પ્યારું સૂત્ર હતું; ‘एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु णरए’

આચારાંગજીના પ્રથમ શ્રુતસ્કંધમાં આ સૂત્ર ખંડ ઘણી વાર repeat થાય છે. एस खलु गंथे’ પ્રભુ કહે છે, તું જે વિભાવને સ્વીકારવા માટે તૈયાર બન્યો છે એ વિભાવ શું છે? एस खलु गंथे’ એ તો ગાંઠ છે ગાંઠ. તારા જીવનને મારે નિર્ગ્રંથ બનાવવો છે. પ્રભુએ અમને લોકોને એક મજાનું વિશેષણ આપ્યું, નિર્ગ્રંથ. પ્રભુની આંખમાં એક શ્રદ્ધા હતી કે મારો સાધુ, મારી સાધ્વી નિર્ગ્રંથ હોય. એનું અસ્તિત્વ એક પણ ગાંઠવાળું ન હોય. અને એટલે પ્રભુ કહે છે, एस खलु गंथे’ આ વિભાવ, આ રાગ, આ દ્વેષ, આ અહંકાર એ તો ગાંઠ છે, છોડ.

પછી આગળ કહે છે, ‘एस खलु मोहे’ અરે આ જ તો અજ્ઞાન છે તારું, અજ્ઞાનને છોડ. એનાથી પણ આપણે ન અટકીએ તો પ્રભુ લાલ આંખ કરે છે. ‘एस खलु मारे’ આ મૃત્યુ છે. વિભાવ એ મૃત્યુ છે. સાધક માટે વિભાવની ક્ષણો એ મૃત્યુની ક્ષણો છે. માત્ર તમે સ્વભાવમાં રહો એટલી તમારી પોતાની ક્ષણો છે. નિશ્ચય સંયમની ક્ષણો કેટલી? તમારા માટે પણ પૂછું તો નિશ્ચય સાધનાની ક્ષણો કેટલી તમારી પાસે? જ્યાં તમારી પૂર્ણ જાગૃતિ રહી હોય તે, અને એટલે જ ભક્તની વ્યાખ્યા હું આપું છું, કે જેની પાસે ક્ષણ-ક્ષણનું પ્રભુનું સુમિરન છે, એ ભક્ત છે. સાધક કોણ? જેની પાસે ક્ષણ-ક્ષણની જાગૃતિ છે એ સાધક. એક ક્ષણ માટે પણ તમે ગાફેલ રહ્યા, તમારા સાધક્ત્વ માં ન્યૂનતા આવી જશે. એક-એક ક્ષણે તમારે જાગૃત બનવું છે. પ્રભુ કહે છે; ‘एस खलु मारे’ આ અજાગૃતિને કારણે તું વિભાવમાં ગયો છે અને તારી આ અજાગૃતિ એ મૃત્યુ છે તારા માટે. જાગૃતિ એ જીવન; અજાગૃતિ એ મૃત્યુ.

અને છેલ્લે પ્રભુએ કહ્યું ‘एस खलु णरए’ અરે! આ તો નરક છે નરક.! આ વિભાવ તને નરકમાં મોકલશે. આ એક જ સૂત્ર મેં વાંચ્યું, મારી આંખોમાંથી ધડ ધડ આંસુ પડવા માંડ્યા; મારો બધો અહંકાર આંસુના રૂપમાં વહી ગયો. અને એ વખતે થયું કે પ્રભુ તું કેવી અમારી personal care કરે છે. હું ગુરુ તરીકે છું ને તો મારી પાસે રહેલા ૪૦-૫૦ શિષ્યો જે છે, એમનું પણ યોગક્ષેમ હું કદાચ personally નથી કરી શકતો. માસમાં કરી લઉં, personally કદાચ નથી કરી શકતો. અને પ્રભુ તું અસંખ્ય ભક્તો તારી પાસે અને બધાની તું personally care કરે.!

તો ‘विणयं पाऊ करिस्सामि’ પ્રભુ કહે છે; મૂંઝા નહિ બેટા, સાક્ષીભાવ અને સમર્પણ તારે જોઈએ છે, એટલા માટે કે તારે સ્વાનુભૂતિ મેળવવી છે. તો ચાલ સમર્પણના પાઠ હું તને શીખવીશ! અને પ્રભુ પોતે શીખવવા માટે પછી મજા જ મજા. પણ એ વખતે પ્રભુ કહે છે, કે સમર્પણના મારા આપેલા પાઠો તું ઝીલી ક્યારે શકીશ? આ એક અદ્ભુત વાત છે. પ્રભુ તો વરસતાં જ રહ્યા છે. પ્રભુ સમવસરણમાં હતા ત્યારે શબ્દ રૂપે વરસ્યા એ વાત તો બરોબર છે. અત્યારે આ ક્ષણે પ્રભુ વરસી રહ્યા છે. એવું એક ક્ષણ નથી, એવું એક ક્ષણાર્ધ નથી કે પ્રભુની કૃપા ન વરસી રહી હોય. પ્રભુની કૃપા તો સતત વરસી રહી છે; ઝીલવા માટેની receptivity આપણી જોડે જોઇશે.

તો અહીંયા પ્રભુ કહે છે કે સમર્પણના પાઠો હું શીખવું તારી પાસે receptivity છે? યોગ્યતા છે? સજ્જતા છે? આપણે પૂછશું, કારણ કે ભગવાન પાસે પાઠ શીખવાનું લોભ તો હોય જ. કે પ્રભુ તમે કહો એ રીતે… બોલો ને? શું તમારી શરત છે? અને ત્યારે પ્રભુએ કહ્યું; ‘સંજોગા વિપ્પમુક્ખસ્સ’ ઉત્તરાધ્યયન સુત્રના પહેલા અધ્યયનનો પહેલો શબ્દ.

‘સંજોગા વિપ્પમુક્ખસ્સ’ મારો સાધુ, મારી સાધ્વી સંયોગથી વિપ્રમુક્ત હોય. તમને પણ લઇ લઈશું. સાધકને પણ લઇ લઈશું. કોઈ પણ સાધક સંયોગોથી વિપ્રમુક્ત હોવો જોઈએ. ‘સંજોગા વિપ્પમુક્ખસ્સ’ શબ્દમાં પ્રભુની આપણા પરની શ્રદ્ધા પણ છે. અને પ્રભુનો શક્તિપાત પણ છે. પહેલા શબ્દને સમજીએ, પછી પ્રભુની શ્રદ્ધા શું છે આપણા ઉપર એ સમજીએ. અને પછી પ્રભુએ શક્તિપાત કઈ રીતે કર્યો એ જોઈએ. પહેલા શબ્દ સમજીએ.

સંયોગ વિપ્ર મુક્તિ. સાધક સંયોગ વિપ્રમુક્ત છે. એની સાધના શું છે? સંયોગ વિ- પ્ર-મુક્તિ. પદાર્થોના સંયોગો, વ્યક્તિઓના સંયોગો, કોઈ ઘટનાઓના સંયોગો, એનાથી મુક્ત હોવો જોઈએ. પણ આપણે સામાન્ય તયા કહીએ કે સંયોગોથી મુક્ત, પ્રભુ મુક્ત શબ્દ વાપરતાં નથી. સાધકને વિમુક્ત કે પ્રમુક્ત પણ કહેતા નથી. મુક્ત નહિ, વિમુક્ત નહિ, પ્રમુક્ત નહિ, વિપ્રમુક્ત. પ્રભુના એક-એક શબ્દમાં ઊંડાણ તો હોય જ. શું કહેવા માંગે છે પ્રભુ? પ્રભુ એમ કહેવા માંગે છે, કે સંયોગો એ હદે છૂટી ગયેલા હોય કે એનું સ્મરણ પણ પાછળથી ન થાય. અને આ જ વાત અષ્ટાવક્ર ઋષિએ અષ્ટાવક્ર ગીતામાં કહી. वैतृष्णात्न स्मरत्यकृतं – ‘वैतृष्णात् न स्मरति’ ‘वैतृष्णात् न स्मरति’ જ્યારે ઘટના ઘટી ત્યારે જ એ ઘટના જોડે સંબંધ રચાતો નથી. અને સંબંધ જો રચાતો નથી તો પાછળથી સ્મરણ કોણ કરશે? ‘वैतृष्णात्’ ઉદાસીનદશા.

તો પ્રભુની આપણા માટેની એક શ્રદ્ધા છે, કે મારો સાધુ, મારો સાધક વિપ્રમુક્ત જોઈએ, સંયોગોથી. એટલે સંયોગોથી તમે એટલી હદે દૂર હોવ અને એટલી હદે તમે દૂર હોવ તો જ તમે પ્રભુના ચરણોમાં સમર્પિત થઇ શકો. વિભાવ મુક્તિ ન મળે; ત્યાં સુધી સ્વભાવ પ્રાપ્તિ દુર્લભ છે. પહેલા વિભાવ મુક્તિ; પછી સ્વભાવ પ્રાપ્તિ.

શું મજાની આપણી પરંપરા છે. મેં પહેલા કહ્યું, ‘विणयं पाऊ करिस्सामि’ એ શબ્દ સાંભળતા આપણી આંખોમાં આંસુ આવી જાય. આંસુથી યાત્રા શરૂ થાય છે યાદ રાખજો. આંસુથી યાત્રા શરૂ થાય છે. આંસુ આપણી ભીતરી યાત્રાનો પહેલો પડાવ છે, શુભનો; પછી એ આંસુ શેમાં રૂપાંતરિત થશે? સ્વસ્થિતિમાં – સ્વાનુભૂતિમાં. કારણ સમર્પણ એટલે શું આખરે? પ્રભુની આજ્ઞા પ્રત્યે ઝુકી જવું તે. પ્રભુની આજ્ઞા શું છે? તું તારામાં સ્થિર થઇ જા.

હું ઘણીવાર કહું છું, કે ભાઈ દર્શન કરવા જઈ આવ્યો તું? તો કે હા સાહેબ જઈ આવ્યો. પછી હું પૂછું કે પ્રભુએ કાંઈ કહ્યું હતું આજે? તો સરળ માણસ હોય, સાહેબ પ્રભુએ કંઈ કહ્યું તો હશે, પણ શું કહ્યું એ ખબર નથી. સાહેબ એ તો તમને જ ખબર પડે ને, તો હું કહું કે હા મને જ ખબર પડે. પછી એણે પૂછ્યું, સાહેબ શું કહ્યું હશે પ્રભુએ મને? તો મેં કહ્યું, કે બેટા! પ્રભુએ પોતાની મુદ્રા દ્વારા કહેલું, પોતાના facial expression દ્વારા કહેલું, પોતાની કરુણામય આંખ દ્વારા કહેલું કે હું સ્વમાં સ્થિર છું; તું પણ સ્વમાં સ્થિર થા. એટલે ‘विणयं पाऊ करिस्सामि’ ભગવાન મને સમર્પિતતા ના પાઠ શીખવશે; આ શબ્દો સાંભળતા આંખમાંથી આંસુ ઝરે છે, પણ એ આંસુ ઝર્યા એ યાત્રા શરૂ થઇ ગઈ. અને એ જ અર્થમાં હું શુભનો પક્ષપાતી છું. અહોભાવનો ચુસ્ત તયા પક્ષપાતી છું. ‘विणयं पाऊ करिस्सामि’ ભગવાન બોલ્યા હશે કંઈક, વાત પુરી થઇ ગઈ. આપણા હૃદયને એ વાત સ્પર્શશે ક્યારે? જ્યારે આંસુ ભળશે ત્યારે. પ્રવચન સાંભળો છો કોરી કોરી આંખે. અને એટલે જ એ પ્રવચનો હૃદયસ્થ નથી બનતા. બહુ બહુ તો કરુણસ્થ બને. હૃદયસ્થ ન બને. હૃદયસ્થ ક્યારે બને? આંસુ ભળે ત્યારે. અમારા શબ્દો; તમારા આંસુ; કામ શરૂ થઇ ગયું. તો આંસુથી યાત્રા શરૂ થાય છે, અને એ સંદર્ભમાં આંસુને હું મૂલ્યવાન માનું છું. હું શુભની બધી જ ઘટનાઓને મૂલ્યવાન માનું છું. પ્રભુની પાસે જઈને તમે રડો. તમારી આંખમાંથી આંસુનો ધોધ વરસે, હું ખુશ થાઉં કે વાહ યાત્રા શરૂ થઇ ગઈ. અને પછી તમારે શુભને છોડવાનું પણ નથી.

એક વાત યાદ રાખજો, શુભ ઘૂંટાશે શુદ્ધ મળી જ જવાનું છે. શુભને છોડવાની કોઈ ફિકર નહિ કરતાં ક્યારે પણ, માત્ર શુભમાં બેસી નહિ રહેતા, આટલું જ કામ કરજો. શુભમાં વચ્ચે ઘર કરીને બેસી નહિ જતાં. બાકી શુભ, શુભના વેગમાં ફેરવાશે, શુભનો વેગ શુદ્ધમાં ફેરવાશે. એ પ્રક્રિયા કુદરતી રીતે થવાની જ છે. એ શુભને ક્યારેય છોડવું નથી. માત્ર શુભમાં સ્થિર થઈને બેસી જવું નથી. આંસુથી યાત્રા શરૂ થાય છે. ચંદનાજીની યાત્રા આંસુથી શરૂ થઇ. કૈવલ્ય સુધી પહોંચ્યા; પ્રારંભ ક્યાંથી થયો? આંસુથી થયો. પ્રભુને જોતા શીસક શીસક કરીને રોયા છે, રડ્યા છે, ત્યારથી યાત્રાનો પ્રારંભ થયો છે. સુલસાજી ધ્રુસકે ધ્રુસકે રડ્યા છે, અને યાત્રા શરૂ થઇ ગઈ છે. યાત્રાનો પ્રારંભ આંસુથી થાય છે. એટલે આંસુ બહુ જ મહત્વની ચીજ છે. પણ આંસુને મુકવા નથી પડતા, કુદરતી રીતે તમે આગળ વધી જાઓ છો. પહેલું standard પૂરું થાય એટલે બીજામાં તમે જતાં જ રહેતા હોવ છો. બીજું પૂરું થાય એટલે ત્રીજામાં તમે જતા જ રહેતા હોવ છો. એમાં કંઈ છોડ્યું – બોળ્યું ની વાત છે જ નહિ. કુદરતી રીતે તમે પ્રમોટેડ થયા જ કરો છો. એ જ વાત અહીંયા છે, શુભના સ્તરોમાં આગળ વધ્યા, શુભનો વેગ આવ્યો, અને પછી સીધા જ તમે શુદ્ધમાં જતાં રહ્યા.

અને આ જ વાત પ્રતિકાત્મક રૂપે આનંદધનજી ભગવંતે ૧૫માં સ્તવનમાં કહી. ‘દૌડત દૌડત દૌડત દોડીયો, જેતી મનની રે દોડ’ આ શુભના વેગની વાત છે. ‘દૌડત દૌડત દૌડત દોડીયો, જેતી મનની રે દોડ’ સાધના માર્ગમાં શરીરની દૌડ કલાકે પાંચ કિલોમીટર વાળી કામ નહિ આવે. મનની દૌડ, એટલે કે મનનો વેગ, મનનો ઉત્સાહ જોઇશે. એ ઉત્સાહ ભળ્યો, સાધના આગળ વધી, શુભ, શુભના વેગમાં પલટાયું, સીધું જ એ શુદ્ધમાં રૂપાંતરિત થઇ જશે. એટલે આંસુથી શરૂ થયેલી યાત્રા સ્વાનુભૂતિ સુધી પહોંચી જશે. ભગવાન મને સમર્પિતતા ના પાઠ શીખવશે. એ સાંભળતા આંસુ આવે. એટલે ભગવાને જ્યારે સમર્પણ શીખવાડી દીધું, ત્યારે ખ્યાલ આવ્યો કે સમર્પણ એટલે શું? પ્રભુના વચનો પ્રત્યેનું સમર્પણ. અને પ્રભુની આજ્ઞા શું છે? પ્રભુની છેલ્લી આજ્ઞા આ છે, કે તું તારામાં ભળી જા, વિલીન થઇ જા. તારે પરમાં ક્યાંય જવાનું નથી. તારે સ્વમાં ડૂબવાનું છે. તો આંસુથી શરૂ થયેલી યાત્રા સ્વાનુભૂતિ સુધી ચાલે છે. એટલે આંસુ પણ મજાની ચીજ છે. એટલે શુભ જે છે એને ક્યારે પણ છોડતા નહિ. વ્યવહાર માર્ગ આપણો બહુ જ મજાનો છે. એટલે વ્યવહાર માર્ગને છોડવાની ક્યારે પણ જરૂરિયાત નથી. માત્ર એ વ્યવહાર તમારો તમને નિશ્ચય તરફ લઇ જાય છે કે નહિ એટલું જોઈ લો. એ ઊંડાણથી જોઈ લો.

પ્રભુનું દર્શન કર્યું, તમે શું કહેશો? પ્રભુનું દર્શન કર્યું. શું કહો ભાઈ? સવારે શું કરીને આવ્યા? પ્રભુનું દર્શન. પ્રભુ એટલે શું? બોલો તો? આંગી ચઢાયેલી હતી એ પ્રભુ? આંગીનું દર્શન કર્યું? તો પ્રભુની મૂર્તિમાં જે સંગે મરમર વપરાયો હતો એનું દર્શન કર્યું? કે પ્રભુની વિતરાગદશાનું દર્શન કર્યું? એક દર્શનની ક્રિયા શુભમાંથી શુદ્ધમાં તમને મૂકી દે!

એના માટે છે ને એક નાનકડો practical approach હું આપું. કે દર્શન કરવા માટે તમે જાવ, બધી વિધિ કરજો. વિધીનો હું પુરી હિમાયતી છું. સ્તુતિઓ બોલવાની, સ્તોત્રો બોલવાના, ચૈત્યવંદન કરવાનું. સાથીયો પૂરવાનો, બધી વિધિ તમે ઠાઠમાઠથી કરી લેજો, એ પછી દસેક મિનિટ રાખો. વિધિ બધી પૂરી થયા પછી, અને દસ મિનિટ માત્ર પ્રભુને જોતા બેસી રહો. માત્ર પ્રભુને જુઓ. કોઈ વિચાર નહિ એ વખતે, માત્ર દર્શન પ્રભુનું, અને એ વખતે પ્રભુના ચહેરા ઉપર જે અપાર પ્રશમ રસ તમને દેખાશે તમને થશે કે વાહ! આવો અદ્ભુત પ્રશમરસ તો ક્યાંય જોયો જ નથી! ખરેખર પ્રભુનું દર્શન હજી સુધી થયું નથી.

માનતુંગાચાર્ય ભક્તામર માં કહે છે; ‘યૈ: શાંતરાગ રૂચિભિ: પરમાણુભિસ્ત્વં, નિર્માપિતસ્ત્રિભુવનૈકલલામ ભૂત:, તાવન્ત એવ ખલુ તૈપ્યણવ્ય: પૃથિવ્યાં’ પ્રભુ! તારું આ બિંબ જે શાંતરસના પરમાણુઓથી બનેલું છે. એ શાંતરસના પરમાણુ દુનિયામાં આટલા જ છે! બીજા છે જ નહિ! કારણ બીજા હોત પરમાણુ તો બીજું રૂપ આવું જોવા મળત. તો માનતુંગાચાર્ય યોગચક્ષુ દ્વારા પ્રભુનું દર્શન કરી શક્યા છે. અને એક વાત સમજજો, આ ચર્મચક્ષુ દ્વારા પ્રભુ દર્શન નહિ થાય, યોગચક્ષુ દ્વારા પ્રભુનું દર્શન થશે; અને એ યોગચક્ષુ સદ્ગુરુ ખોલી આપે છે. અમે તૈયાર.

તો માનતુંગાચાર્ય એવું કેવું દર્શન કર્યું, કે એમને સ્પષ્ટ feel થયું કે આવું રૂપ દુનિયામાં ક્યાંય નથી.! તમને આવી feeling થઇ છે ક્યારેય? આવો પ્રશમરસ? આવી શાંતિ? સાલી દુનિયામાં કોઈને પણ ન મળ્યો, અશાંત ને અશાંત થયા. મહાત્મા પાસે ગયા, થોડી શાંતિ દેખાણી, પણ આ તો એક પ્રશમરસ તો સાગર.! અને એ પ્રશમરસના સાગરમાં તમે ભીંજાઓ, છબછબીયા મારો, કેટલી મજા આવી જાય.! પછી તમે કહી શકો કે પ્રભુનું દર્શન કર્યું.

તો ‘विणयं पाऊ करिस्सामि’ આંસુથી યાત્રા શરૂ થાય છે; સ્વાનુભૂતિ સુધી યાત્રા ચાલુ છે. એટલે આંસુને ક્યારેય છોડતા નહિ. પ્રભુનું દર્શન થતાં આંસુ આવે છે? આંખોમાંથી આંસુની ધારા ચાલે છે? મારા પ્રભુ, મારા પ્રભુ તું મને મળી ગયો! ભક્તિયોગચાર્યો પણ જેના દર્શનને દુર્લભ કહે છે. એવું તારું દર્શન મને મળી ગયું પ્રભુ.! આંખમાંથી આંસુની ધારા વહે, અને એ આંસુની ધારા તમને સ્વાનુભૂતિ સુધી પહોંચાડશે. એટલે જ આપણી પરંપરાએ સમર્પણ + સાક્ષીભાવની સાધના છે. એકલી સાક્ષીભાવની સાધના આના માટે નથી આપી. એકલા સાક્ષીભાવમાં ઝૂકવાની વાત જ નથી. નિર્લેપ બની જાઓ, બની જાઓ, અહીંયા ઝૂકવાની વાત આવી. અને ઝૂકવું એ બહુ જરૂરી છે, કારણ કે તમારો અહંકાર એટલો પ્રબળ છે કે કદાચ આ રીતે પણ ઝુકશો તો ઓછો થશે કે કેમ એની શંકા છે. એટલે તમારા અહંકારને delete કરવા માટે સાક્ષીભાવ પણ જરૂરી છે જેમાં અહં મુક્તિ આવશે. અને સમર્પણ પણ જરૂરી છે. ઝૂકો, ઝૂકો, ઝુકી જાઓ.

આપણા આજના યુગના સાધના મનીષી ગુરુદેવ ભદ્રંકરવિજય મ.સા. કહેતાં કે નવકાર મંત્રમાં ‘નમો અરિહંતાણં’ ‘સિદ્ધાણં’ એ તો પછીની ઘટના છે, ‘નમો’ મુખ્ય ઘટના છે. ‘નમો’ – ઝૂકો, ઝુકી જાવ. અહંકાર ની સામે નમસ્કાર. નમસ્કાર મહામંત્ર અજોડ છે. કેમ? એ આપણા અહંકાર ને delete કરે છે. સાધનામાર્ગમાં સૌથી મોટો અવરોધ હોય તો અહંકારનો છે. રાગ અને દ્વેષને પણ તમે તમારી કક્ષાએ શિથિલ કરી શકો છો. Even શરીરના રાગને પણ ભૂંસી શકો છો. ચૌવીહાર છટ્ઠ કરીને સાત યાત્રા, શરીરનો રાગ ભૂંસાય નહિ તો કેમ થાય? શરીરના રાગને તમે ભૂંસી શકો છો. રાગ શિથિલ બને તો દ્વેષ પણ શિથિલ બને. પણ અહંકાર શિથિલ બનતો નથી. એ અહંકારને શિથિલ બનાવવા માટે ગળથુંથીમાંથી આપણને નમસ્કાર મળ્યો છે. નમો.. નમો.. નમો.. આ ઝૂકવાનું થયું; એથી યાત્રા શરૂ થઇ.

અને એ યાત્રામાં વચલો પડાવ જે આવે છે એની વાત કરે છે; ‘સંજોગા વિપ્પમુક્ખસ્સ’ સંયોગ વિપ્ર મુક્તિ. પ્રભુને અમે લોકો કે તમે લોકો ખાલી સંયોગોને છોડી દઈએ એનાથી સંતુષ્ટ નથી. આજે ચા નહિ પીઓ એટલે શું? આજે આયંબિલ છે એટલે ચા નહિ પીઓ. શરીરથી, હોઠથી ચા નહિ પીવાનો, મનથી ચા પીવાનો પાછો.! ચા નો સંયોગ તો ચાલુ જ છે. એમાં પણ રાત પડે ત્યારે તો ક્યારે સવાર પડે ને ક્યારે નવકારશી થાય. ચા નો સંયોગ દૂર થયો ખરો? સંયોગ મુક્તિ પણ નથી. પ્રભુ તો સંયોગ વિપ્ર મુક્તિની વાત કરે છે.

અને એના સંદર્ભમાં હું બે વાતો કરું છું. સંયોગ વિપ્ર-મુક્ત પ્રારંભિક સાધક, અને એક ઉંચકાયેલો સાધક. સંયોગ વિપ્ર-મુક્ત પ્રારંભિક સાધક દર્પણ જેવો છે. દર્પણ કેવું હોય? સામે કોલસો મુક્યો હોય તો કોલસાનું પ્રતિબિંબ પાડશે. કોલસાનો ડાઘ નહિ પડે અંદર. દર્પણમાં પડશે? કે દર્પણને સાફ કરવું પડે પાછું. સામે સ્ફટિક છે તો સ્ફટિકનું પ્રતિબિંબ પડશે. કોલસો હોય તો કોલસાનું પ્રતિબિંબ પડશે. એની ભીતરમાં કોઈ અસર રહેશે ખરી? કોલસો લઇ લીધો; એ કોરું. પ્રારંભિક કક્ષાનો સાધક આવો છે.! પહેલા વર્ષના દીક્ષા પર્યાયવાળા બરોબર? પહેલા વર્ષના દીક્ષા પર્યાયવાળા આવા હોય. સાદા દર્પણ જેવા. કોઈ આવી ગયું, ધર્મલાભ કહી દીધો. ગયું, મનમાં યાદ પણ નથી કોણ આવ્યું હતું? કોઈ પૂછે કોણ આવ્યું હતું? કોક આવ્યું હતું, ધર્મલાભ આપી દીધો. દર્પણ જેવું છે. પણ ઉંચકાયેલો સાધક હોય, તો એનું મન કેવું છે? જાદુઈ દર્પણ જેવું. એવું જાદુઈ દર્પણ કે જેમાં સામે રહેલી કોઈ વસ્તુનું પ્રતિબિંબ પડતું જ નથી.

કલાપૂર્ણસૂરિ દાદા હતા, ૫૦૦૦ માણસ એમની સભામાં હોય, તો દાદાનું ચિત્તનું દર્પણ એવું હતું, જેમાં કોઈનું પણ પ્રતિબિંબ પડતું ન હતું. હા, તમારી આંખ પર રહેલા પ્રભુને જોઈ શકે. તો પ્રભુ સિવાય કોઈ વ્યક્તિને જોઈ શકતા નહોતા. આ જ પાલીતાણામાં દાદાનું ચોમાસું, હું પણ એ વખતે અહીંયા હતો, તો કોઈ પણ સમારોહ હોય, આયોજકોની ઈચ્છા હોય કે કલાપૂર્ણસૂરિદાદા તો પધારે જ. એમનો બહુ મોટો મહિમા, એક ઐશ્વર્ય, ભક્તોનું પણ ઐશ્વર્ય કેવું હોય છે, એ દાદા પાસે જોવા જેવું હતું. પરમ ઐશ્વર્ય.! અને બધાની ઈચ્છા કે દાદા આવે. અને બીજી ઈચ્છા શું હોય? કે દાદા છેલ્લે બોલે. જો પહેલા દાદા બોલી ગયા તો લોકો ઉભા થઇ જશે. દાદા એકદમ ફ્લેક્ષીબલ માણસ, સાહેબ મારે ત્યાં પધારવાનું. તો કહે કે આવીશ. સાહેબ છેલ્લે આપે વ્યાખ્યાન આપવાનું, સારું એવું કરીશ. સાહેબને શું ફરક હતો, એ કહે કે મારી રૂમમાં પાટ પર બેઠો હોઉં, તો સ્વાધ્યાય કરું, ભક્તિ કરું. અહીંયા બેઠો બેઠો પાટ ઉપર સ્વાધ્યાય કરીશ, મને શું ફરક પડશે? અંદર ઉતરેલા માણસ હતા. સ્વાનુભૂતિ સંપન્ન ગુરુ હતા. ઘણીવાર આંખો બંધ હોય ને અંદર ઉતરેલા હોય, ક્યારેક સ્વાધ્યાય પણ કરતાં હોય, વાંચવાના ચશ્મા લગાયેલા હોય ને સ્વાધ્યાય કરતાં હોય. એકવાર એવું બન્યું કે સ્વાધ્યાય કરતાં હતા, વાંચવાના ચશ્મા ચડાયેલા, અચાનક એ ચશ્મા ઉતાર્યા એમને, જોવાના ચશ્મા પહેર્યા. થોડીવાર કંઈક જોયું, ફરી પાછા ચશ્મા ઉતારી નાંખ્યા, ફરી વાંચવાના ચશ્મા પહેરીને સ્વાધ્યાય કરવા માંડ્યા. પાછળથી એક ભક્તે દાદાને પૂછ્યું; કે દાદા! તમે ચશ્મા બદલ્યા અને કંઈક જોયેલું, શું જોયેલું? અને એ વખતે દાદાએ કહેલું, કે તમારા બધાની આંખોમાં જે ભગવાન હતા એ ભગવાનને હું જોતો હતો. એટલે કલાપૂર્ણ સૂરિ દાદા જેવા ઊંચકાયેલા સાધકનું ચિત્ત જાદુઈ દર્પણ જેવું છે. ઘણીવાર સામે બેઠેલ વ્યક્તિનું પ્રતિબિંબ કોઈ વખત પડતું નથી. પેલો કરોડપતિ આવ્યો તો કરોડપતિ. આપણે શું છે?

જંબુવિજય મ.સા. હતા ને, એ એકદમ ઊંડા ઉતરેલા અંદર, ક્યારેક એમના શિષ્યો  કહે, સાહેબ! આવો માણસ આવ્યો હતો, તમારે એની જોડે થોડી વાત તો કરવી હતી. થોડું જરા તમે એને સ્મિત આપવું હતું. અચ્છા! અચ્છા! એવું કરવું પડે એમ! આપણે એવું કરી નાંખીએ ચાલો ને!

સમાધિશતકમાં મહોપાધ્યાયજીએ આવા વ્યક્તિત્વો માટે કહ્યું, ‘દેખે ભાખે ઓર કરે, જ્ઞાની સબ હી અચંભ, વ્યવહારે વ્યવહારશું, નિશ્ચયમેં થિર થંભ’  જ્ઞાની સબ હી અચંભ – અચ્છા! આવું કરવું પડે એમ! સાહેબ વાસક્ષેપ આપવાનો હોય, અરે આપી દઈએ ચાલો ને! સાહેબ થોડું બે શબ્દો બોલવાના હોય, બોલી દઈએ ચાલો ને! સાહેબ એની સામે જઈને થોડું હસો ને થોડું સ્મિત આપવાનું ! ચાલો એમ કરી નાંખીએ ! ‘વ્યવહારે વ્યવહારશું, નિશ્ચયમેં થિર થંભ’ આ બધું કરવા છતાં એ પોતે પોતાનામાં રહે છે.

આવા સંયોગ વિપ્ર મુક્ત મહાત્માની વાતો સાંભળીએ; ઈર્ષ્યા થાય કે ન થાય મારે તમને પૂછવું છે? મને આવું ક્યારે મળશે? ‘સબ મેં હે ઓર સબ મેં નાહિ’ બધા આજુબાજુમાં છે એમની જોડે અને કોઈનામાં નથી એ પોતે, એમની જોડે બધા જ છે, એ કોઈનામાં નથી; એ પોતે પોતાનામાં જ છે.  સંયોગ વિપ્ર મુક્ત…

હવે મારે બે વાત કહેવી છે, એક તો આ શબ્દમાં પ્રભુની શ્રદ્ધા છે, આપણા ઉપરની, અને બીજો પ્રભુનો શક્તિપાત છે. શ્રદ્ધા – પ્રભુ કહે છે, મારો સાધક આવો જ હોય. પ્રભુની એક શ્રદ્ધા છે.

વિનોબાજીએ એક બહુ સરસ વાત એક જગ્યાએ કરી છે, વિનોબાજીએ કહ્યું કે ‘શ્વાસ ભંગ કરતાં પણ વિશ્વાસ ભંગ ખતરનાક છે.’ ‘શ્વાસ ભંગ કરતાં પણ વિશ્વાસ ભંગ બહુ જ ખતરનાક છે.’ શ્વાસ ભંગ થયો, શરીર અહીં રહ્યું, આત્મા ચાલ્યો ગયો. થયું શું એમાં? તમે કહો મરી ગયા. કોણ મર્યું છે? પેલો આમ ગયો, પેલો આમ ગયો.! તો શ્વાસ ભંગ થઇ જાય તો ચાલે, વિશ્વાસ ભંગ થાય એ ન ચાલે. તો પ્રભુએ અમારા ઉપર એક શ્રદ્ધા કરી છે. મારો સાધક સંયોગોથી વિપ્ર-મુક્ત જ હોય.

દીનબંધુ એન્ડ્રન્સ ભારતમાં આવ્યા, એ યુરોપિયન માણસ ગાંધીજીથી પ્રભાવિત બન્યો, અને ગાંધીજીએ જ એણે દીનબંધુ વિશેષણ આપ્યું. અને ખરેખર એ દીનબંધુ જ હતા. ઝુંપડપટ્ટીમાં જાય, લોકોને પ્રેમથી સમજાવે, પોતાની પાસે હોય એ લોકોને આપે. અને બહુ જ પ્રેમથી લોકોની જોડે વાતો કરે. અને એ રીતે વ્યસન મુક્ત બનાવવા મા,ટે લોકોને સુખી બનાવવા માટે મહેનત કરે. એકવાર દીનબંધુ એક ઝુંપડપટ્ટીમાં ઝુંપડીમાં ગયા. પતિ-પત્ની અને દીકરાઓ, પતિ મજુરી કરે ને, શરાબનું વ્યસન લાગી ગયેલું. જેટલું કમાયો બધું શરાબના પીટામાં હોમીને આવી ગયો. ઘરે આવ્યો, એક પૈસો નથી એની પાસે, એની પત્ની રડે છે, ચાલો આપણે બે નહિ ખાઈએ, દીકરાનું શું કરશું? ડુંગરો જે બાજરીનો લોટ પણ નથી કે કંઈ બાફીને એને ખવડાવું. એક પૈસો તમારી પાસે નથી આ કેમ ચાલશે? એ વખતે પેલો ગુસ્સે થઇ જાય, ભૂલ પોતાની, પણ પોતાની ભૂલ તો દેખાય નહિ! એ સીધો જ એની પત્નીને મારવા માંડે. છોકરાઓ રો-કકળ કરે. અને એ વખતે દીનબંધુ એન્ડ્રન્સ એ ઘરમાં પ્રવેશે. દીનબંધુએ આખી પરિસ્થિતિ જોઈ લીધી. અને પછી એ ભાઈને કહ્યું ભાઈ! તું પ્રભુમાં તો શ્રદ્ધા રાખ. બીજા કોઈમાં નહિ, તું પ્રભુમાં તો શ્રદ્ધા રાખ! આવું શા માટે તું કરે છે? ભગવાન તને જોતો નથી? ભગવાનમાં શ્રદ્ધા રાખ! પેલો ઉકળી પડ્યો, ભગવાન-બગવાનમાં હું કંઈ માનતો નથી. મને કોઈ ભગવાનમાં શ્રદ્ધા નથી. અને એ વખતે દીનબંધુએ એક વાક્ય જે વાપર્યું છે- એ શરાબી માણસ હલી ગયો છે! દીનબંધુએ કહ્યું, તને ભગવાનમાં શ્રદ્ધા નથી, ભગવાનને તારામાં શ્રદ્ધા છે, એનું તું શું કરીશ? ભગવાનને તારામાં શ્રદ્ધા છે એનું તું શું કરીશ? પેલો surrender થઇ ગયો, એ કહે તમે કહો એમ કરીશ.  ભગવાનને આપણા ઉપર શ્રદ્ધા છે કે મારો સાધક કેવો હોય? સંયોગોમાં લપટાયેલો ન હોય. સંયોગોથી વિપ્ર-મુક્ત હોય. તમે સંસારમાં છો, પદાર્થોનો સંયોગ છે, વ્યક્તિઓનો સંયોગ છે. પણ નીરાસક્ત હૃદય તમારી પાસે છે. એથી કરીને ઘર છે, સેન્ટર તરીકે, પૈસા છે, માત્ર એક ઉપયોગી વાત તરીકે કે સારી રીતે જીવી શકાય એટલા પૈસા છે. એ પણ વધુ ભેગા કરવા નથી. એટલે સંસારમાં રહેવા છતાં સંસારનો રસ તમારી પાસે નથી, તો તમે પણ પ્રભુની પરિભાષામાં સાધક થઇ ગયા. પ્રભુને તમારા ઉપર શ્રદ્ધા છે, બોલો શું કરશો?

પ્રભુ કહે છે મારો સાધક સંયોગ વિપ્ર-મુક્ત છે. એક તો વાત આ.. બીજી વાત એ કે આ એક શક્તિપાત છે. એક સદ્ગુરુ શક્તિપાત કરે ને, તો પણ એની લાંબી અસર રહેતી હોય છે. આ પ્રભુનો શબ્દ શક્તિપાત છે ! ઉત્તરાધ્યયન સૂત્ર દીક્ષા પછી યોગોદ્વહન કરીને તરત અમારે ગોખવાનું હોય છે, અને એમાં શરૂઆતમાં જ આ વાત આવે : ‘સંજોગા વિપ્પમુક્ખસ્સ’ અને એ વખતે લાગે, કે પ્રભુએ એક શબ્દ શક્તિપાત કર્યો છે. અને શબ્દ શક્તિપાત થયો હોય ને, આપણે ખાલી ઝીલવાનો જ હોય છે. આપણે બીજું કંઈ કરવાનું હોતું નથી. આપણે માત્ર એને ઝીલવાનો હોય છે. અને ઝીલવા માટે માત્ર અહોભાવ જોઈએ છે. ઓહોહો ! મારા પ્રભુ ! મારા માટે આવું વિચારે છે! આ એક અહોભાવ આવ્યો કે શક્તિપાત ઝીલાઈ ગયો! પછી તમારે કંઈ કરવાનું રહે નહિ. અને તમે સંયોગ વિપ્ર-મુક્ત બની જાઓ. એક વાત તો પ્રભુ પરની ભક્તિથી, અહોભાવથી, પ્રભુના શબ્દ શક્તિપાતને તમે ઝીલી લો, અને ઝીલી લો, એટલે તમારી યાત્રા શરૂ થઇ જાય.

સ્થૂલભદ્રજી સંભૂતિવિજય ગુરુ પાસે આવ્યા, અને સંભૂતિવિજય ગુરુ પાસે આવીને એમણે કહ્યું: મને દીક્ષા આપો. સ્થૂલભદ્રનો bio-data જેને ખ્યાલ હોય, એવો કોઈ પણ ગુરુ સ્થૂલભદ્રને દીક્ષા આપવાની હિંમત કરી શકે? Bio-data ખ્યાલમાં છે. આ માણસ વેશ્યાને ત્યાં એટલો રચ્યો પચ્યો રહેલો છે, કે સમાચાર મળ્યા કે સગાં પિતાજી બીમાર પડ્યા છે તો ઉપરથી કહેવડાવે છે કે પિતાજી બીમાર પડ્યા તો મારું શું કામ છે એમાં? વૈદ્ય ને બોલાવીને દવા કરાવી દો. આવો માણસ જે સગાં પિતાની ઘોર માંદગીથી પણ સહેજ પોતાના રાગથી ચ્યુત થવા તૈયાર નથી. એ આવી ગયો ગુરુ પાસે કે સાહેબ મને દીક્ષા આપી દો. ગુરુ દીક્ષા આપી શકે? આપી શકે. સંભૂતિવિજય ગુરુએ એક જ જોયું:  હું શક્તિપાત કરી શકું એમ છું; અને આ શક્તિપાત ઝીલી શકે એમ છે. કોઈ પણ હોસ્પિટલમાં ડોકટર આ જ વસ્તુ જોતો હોય છે, કે મારી પાસે આના માટેનો યોગ્ય ઉપચાર છે, અને પેસન્ટ એને પોઝેટીવલી સ્વીકારે એમ છે. અને એવું ન હોય તો પછી એ કેસને ફોરવર્ડ પણ કરી શકાય. પાલનપુરમાં કોઈ કેસ ગયો હોય તો પાલનપુરવાળા કહે કે ભાઈ મહેસાણા થી અમદાવાદ આને લઇ જાઓ. મારી હોસ્પિટલમાં આના માટે સાધન-સામગ્રી નથી. આ બાયપાસ ઓપરેશન કરવું પડે એવું છે, એને તો અમદાવાદ જ લઇ જાઓ એને.

તો સંભૂતિવિજય ગુરુએ જોયું કે શક્તિપાત હું કરી શકું એમ છું; આ શક્તિપાત ઝીલી શકે એમ છે. બીજું bio-data રાખો મકાનમાં. આ સદ્ગુરુ છે.! તરત જ કરેમિ ભંતે આપી દીધું. સંપૂર્ણ સમભાવમાં સ્થિર થઇ જાય; રાગ, દ્વેષ, અહંકાર તારો બિલકુલ નીકળી જાય; શક્તિપાત કરી દીધો. સાધના કેવી આગળ ચાલી… ચોમાસા માટે એ કોશાને ત્યાં જવાની અનુમતિ માંગી. ગુરુએ હા પાડી. કઈ રીતે હા પાડી ! એક વાત યાદ રાખજો, ગીતાર્થ ગુરુનું જે આચરણ હોય છે ને એને બુદ્ધિની ફૂટપટ્ટીથી ક્યારેય માપવાની કોશિશ નહિ કરતાં. તમારી બુદ્ધિનો કોઈ અર્થ નથી. તમારી તકલીફ કેવી છે ખબર છે? તમારી ફ્રેમ નક્કી છે, નાનકડી! ચિત્ર મોટું છે ચિત્રને કાપી નાંખો. તમારી બુદ્ધિની ફ્રેમમાં તમારે ગુરુનું ચિત્ર લટકાળવું છે. ગુરુ આવા હોય! ગીતાર્થ ગુરુ માટે એમના આચરણ માટે ક્યારેય કોઈ કલ્પના કરતાં નહિ. કાલિકાચાર્ય યુદ્ધ લડે, આપણે હોય તો શું કહીએ? યુદ્ધ લડાતું હશે ! આચાર્ય ભગવંતે ! જૈન શાસનના આચાર્યથી?! ગીતાર્થ છે ! ગીતાર્થ શાસ્ત્રોને સાપેક્ષ રહીને જ બધું કરે છે. એ શાસ્ત્રને મુકીને કશું કરતાં નથી. શાસ્ત્રોએ એમને છૂટ આપેલી છે.

એક આલોચના દાતા સદ્ગુરુ હોય એના માટે કેટલી છૂટ છે ખબર છે? એક જ જાતની આલોચના છે: એના માટે એ ગુરુ બેસણાનું પ્રાયશ્ચિત્ત પણ આપી દે, અને અઠ્ઠમનું પ્રાયશ્ચિત્ત પણ આપી દે. ગુરુ ને ઠીક લાગે એ રીતે આપી દે. ગુરુને લાગે કે પસ્તાવો ભયંકર છે એની પાસે, ગુરુદેવ! ગુરુદેવ! ગુરુદેવ! મારાથી આ પાપ થઇ ગયું, આંખમાંથી આંસુ ઝરતાં હોય, પશ્ચાતાપ એનો બહુ છે જા, બેસણું કરજે તારું પાપ ધોવાઇ જશે. પેલો કહે સાહેબ ! આ પાપ થઇ ગયું, બારણું બંધ કરતો હતો ને, ગરોળીની પૂંછડી કપાઈ ગઈ, આમ હસતાં હસતાં વાત કરતો હોય સાદી રીતે, ગુરુ એને અટ્ઠમનો તપ આપી શકે. આખું જ આલોચનાનું શાસ્ત્ર પ્રાયશ્ચિતનું શાસ્ત્ર ગુરુના હાથમાં આપી દીધું. અને આખું સાધનાનું શાસ્ત્ર ગુરુના હાથમાં છે.

તો સ્થૂલભદ્રજી પૂછે છે : કોશાને ત્યાં જાઉં? જા કહે છે! શું જોયું હતું? પોતાનો શક્તિપાત કામ કરી રહ્યો છે. અને ત્યાં જશે તો પણ એ શક્તિપાતની અસરમાં જ રહેવાનો છે. અને વ્યવહારની દુનિયામાં આપણે એમ કહીએ કે કે સ્થૂલભદ્રજીએ ચોમાસું કોશાને ત્યાં ગાળ્યું. નિશ્ચય દ્રષ્ટિએ સ્થૂલભદ્રજી સદ્ગુરુના aura field માં જ હતા. એ કોઈ કોશાના રંગ મહેલમાં નહોતા. એ ગુરુના aura field માં હતા. ઉપાશ્રયમાં હતા, સદ્ગુરુના aura field માં અને જે અનુભવ એ કરતાં હતાં, એ જ અનુભવ એ કોશાને ત્યાં કરી રહ્યા હતા.

એટલે હું ઘણીવાર કહું છું કે સદ્ગુરુનું aura field બહુ જ વિસ્તૃત હોય છે. સામાન્ય તયા આપણે સાડા ત્રણ હાથની વાત કરી, પણ સદ્ગુરુ જેટલા પહોંચેલા, જેટલા ઊંચકાયેલા aura field એટલું જ સશક્ત હોય છે.

આ જ પાલીતાણામાં કલાપૂર્ણસૂરિ દાદા પર્યુષણ સુધી ખીમઈબાઈ ધર્મશાળામાં હતા અને હું વાવ પંથકમાં હતો. સાહેબની વાચનામાં રોજ આવી પણ ન શકું, વ્યસ્ત હોઉં તો, પણ સાહેબજીના દર્શન માટે ક્યારેક આવું ત્યારે કહી દઉં સાહેબજી આપ મારાથી દૂર બિલકુલ નથી, આપણું aura field ત્યાં પણ કામ કરી જાય છે. મૂળ aura field ને receive કરતાં જ આપણને આવડવું જોઈએ ને?

તો સ્થૂલભદ્રજી પાસે receptivity હતી, કે કોશાને ત્યાં રહ્યા એ રહ્યા, ગુરુના aura field ને માણી રહ્યા હતા. ચોમાસું ઉતરે ગુરુ પાસે આવ્યા. તમે કથા ખ્યાલ છે, એના પહેલા સિંહ ગુફાવાસી ને, બધા મુનિઓ આવી ગયા. એ બધાને ગુરુ ઉપબૃંહણા કરી, દુષ્કર કારજ છો તમે. બહુ સરસ કર્યું! પણ સ્થૂલભદ્રજી આવ્યા ત્યારે તો ગુરુએ કહ્યું : પીઠ થાબડીને તું દુષ્કર દુષ્કર કારજ છે. આપણી પરંપરામાં અર્થ એવો છે, દુષ્કર દુષ્કર કારજ. સિંહની ગુફા પાસે રહેવું અને ચાર મહિના ઉપવાસમાં રહેવું પાછું, એ કોઈ સરળ વસ્તુ નહોતી. જે એકદમ અભય બનેલો માણસ હોય, જે ભીતર ઉતરેલો હોય એ જ કરી શકે. પણ સ્થૂલભદ્રજીએ તો અનુકૂળ ઉપસર્ગમાં રહીને સાધના કરી છે અને એટલે દુષ્કર દુષ્કર સાધના હતી. એક અર્થ તો પરંપરામાં આ છે.

બીજો અર્થ એ છે : કે સ્થૂલભદ્રજીએ બે દુષ્કર કામો કર્યા. પહેલું દુષ્કર કામ એ કર્યું કે સદ્ગુરુની aura ને એમણે સ્વીકારી. ઝીલી. અને બીજું સદ્ગુરુથી એટલા દૂર રહ્યા અને આવા વાતાવરણમાં રહ્યા, છતાં સદ્ગુરુના aura field નો એમને અનુભવ કર્યો, એ બીજું દુષ્કર કામ. તો સદ્ગુરુના aura field ને પહેલા તો માણ્યું, સદ્ગુરુની aura ને, ઉર્જાને, સ્વીકારી. સદ્ગુરુના શક્તિપાત ને સ્વીકાર્યો. એટલે પહેલું દુષ્કર કામ. અને એ શક્તિપાતની અસર કોશાને ત્યાં ગયા પછી પણ રહી. એ કોશા સ્થૂલભદ્રજ પર અનુરાગ વાળી કેટકેટલા પ્રયત્નો એણે કર્યા પણ, સ્થૂલભદ્રજી એટલા અંદર ઉતરી ગયેલા કે, ‘સંયોગ વિપ્ર-મુક્ત’; કોઈ સંયોગોની અસર ત્યાં થાય નહિ. બહુ અઘરું છે આ.! જંગલમાં રહીને સાધના કરવી સહેલી છે. પણ આ રીતે અનુકૂળ જગ્યાએ, અનુકૂળ વાતાવરણમાં રહીને તમારે તમારી ભીતર રહેવું અઘરું છે. તો ગુરુએ કહ્યું, તું દુષ્કર દુષ્કર કારજ છે.

તો બહુ મજાની આપણી વાતો ચાલી રહી છે. ‘विणयं पाऊ करिस्सामि’ પ્રભુ પોતે સમર્પિતતા ના પાઠો શીખવવા માંગે છે, એના માટે કહે છે કે બેટા! તું સંયોગ વિપ્રમુક્ત બની જા, એકદમ હળવાશથી કહે છે હો…! બિલકુલ હળવાશથી. અને હળવાશથી જ એ કહે કારણ કે શક્તિપાત ઝીલવાનો જ છે. ૯૯% કામ તો પ્રભુનું છે. શક્તિપાતનો આખો રેસીયો આ છે. ૯૯% grace ૧% effort. અને ૧% effort માં તમારે માત્ર ઝીલવાનું આવે છે. અહોભાવ આવી ગયો, તમે ઝીલી લીધું, વાત પુરી થઇ ગઈ.

તો આ જ ધારામાં આપણે આગળ વધવું છે, અને એના માટે આપણે ધ્યાન અભ્યાસને practically કરીએ છીએ કે એકવાર જો નિર્વિકલ્પ બનાશે ને ! તો આગળનો કોઈ તંતુ મળશે. તમારે તો મનની હાલત એવી છે કે વ્યાખ્યાનમાં બેઠા હોય ને ક્યાંય એ ચાલતું હોય. શરીર અહીં બેઠું હોય અને મન ક્યાંય હોય.! તમારા મન પર તમારું નિયંત્રણ નથી. આ ધ્યાન અભ્યાસની સાધના દ્વારા તમારા મન પર તમારું નિયંત્રણ લાવવું છે. અને મન પર નિયંત્રણ લાગશે તો તમારી એક-એક ક્રિયા properly અને perfectly થશે. આજે એક પણ ક્રિયા પ્રભુએ કહ્યું છે એ રીતે થતી નથી. ઈરિયાવહિયા કરી લીધા. શરીરે કર્યા, તમે શું કર્યું? કોણે કર્યા ઈરિયાવહિયા? શરીરે કર્યા. ‘જે મે જીવા વિરહિયા’ બોલતાં કોઈ વેદના તમને થઇ? બહાર ગયેલા, કદાચ વનસ્પતિ પર પગ આવી ગયેલો, પછી ઈરિયાવહિયા કરો છો, અને જે મે જીવા વિરાહિયા બોલો છો, આંખમાંથી આંસુ ટપકે છે? એક પણ ક્રિયા properly અને perfectly કેમ નથી થતી? મન એમાં ભળતું નથી માટે! મન કેમ નથી ભળતું? મન ઉપર તમારું નિયંત્રણ નથી, અને એ ગમે ત્યાં ભાગી જાય છે. એ મનને સ્થિર કરવા માટે ધ્યાન અભ્યાસ. ચાલો આપણે practically કરીએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *