વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject: ધારણ પોષણ તારણો રે
સમર્પણના ત્રણ stages. પહેલું સમર્પણ શુભના સ્તરનું (ધારણ), બીજું શુભના વેગના સ્તરનું (પોષણ) અને ત્રીજું શુદ્ધના સ્તરનું (તારણ). સૂત્રાનુપ્રેક્ષા એટલે શુભ. અર્થાનુપ્રેક્ષા એટલે શુભનો વેગ. અને અનુભૂતિ એટલે શુદ્ધ.
પહેલા સમર્પણમાં વાત એ હતી કે મારા પ્રભુએ મારા માટે આટલું સરસ કહ્યું. એ સમર્પણના base પર તમે પ્રભુના વચનોનું શ્રવણ કર્યું : આતમભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે. એ પછી બીજા સમર્પણમાં વાત એ આવી કે મારા ભગવાને કહ્યું છે એ મારે આત્મસાત્ કરવું જ જોઈએ.
આ બીજા સમર્પણના base પર હવે પરભાવમાં મારે નથી જ જવું અને સ્વભાવમાં જવું જ છે – આવી અનુપ્રેક્ષા થાય. અને એ પછી ત્રીજું સમર્પણ આવે છે, કે જ્યાં પ્રભુએ કહેલી વાતોને તમે તમારી ભીતર અનુભૂત કરો છો.
મૌન ધ્યાન સાધના શિબિર ૦૯ – પાલીતાણા – વાચના – ૫
દેવાધિદેવ પરમતારક શત્રુંજ્ય તીર્થાધિપતિ શ્રી ઋષભદેવ પ્રભુના ચરણોમાં વંદના.
સદ્ગુરુદેવ પૂજ્યપાદ અરવિંદસૂરિ દાદાના ચરણોમાં વંદના.
રાજસ્થાનના બાહ્મનવાડા તીર્થમાં પૂજ્યપાદ ગુરુભગવંત ભદ્રંકરવિજય મ.સા.ની નિશ્રામાં ચૈત્રી ઓળી હતી. એ વખતે કલાપૂર્ણસૂરિદાદા અને જંબુવિજય મ.સા. પણ ત્યાં ઉપસ્થિત હતા. એટલે આપણા યુગની એક ભક્તિયોગચાર્યોની ત્રિપુટી ત્યાં હાજર હતી. પ્રવચન પંન્યાસજી ભગવંતનું ચાલી રહ્યું હતું અને પંન્યાસજી ભગવંતે સાધનાની ભગવદ્દ કર્તૃત્વતાની વાત ઉઠાવી. આપણા યુગમાં આપણે પંન્યાસજી ભગવંતના અને કલાપૂર્ણસૂરિ દાદાના બહુ જ ઋણી છીએ, જેમણે સાધનાની ભગવદ્દ કર્તૃત્વતાની વિચારધારાને પુનર્જીવિત કરી; પુનર્જીવિત કરી એમ કહું છું.!
હેમચંદ્રાચાર્યએ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં વિતરાગ સ્તોત્રમાં ભગવાનની સાધના કર્તૃત્વતા વર્ણવી છે : “भवत्प्रसादेनैवाहमियतीं प्रापितो भुवम्” પ્રભુ તારી કૃપાથી જ હું મનુષ્ય જન્મમાં આવ્યો છું, તારી કૃપાથી જ હું સાધના જગતમાં આવ્યો છું. મહોપાધ્યાય યશોવિજયજીએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું : “ઇતની પ્રભુ તુમ હી આણ્યો” આનંદધનજી ભગવંતે કહ્યું : “દરિશન દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ” તો આપણી આખી જ આ પરંપરા હતી, કે આપણી સાધનાનું કર્તૃત્વ માત્ર અને માત્ર પ્રભુનું છે. આ વિચારધારાને આપણા યુગમાં સૌથી પહેલા પંન્યાસજી ગુરુદેવે પુનર્જીવિત કરી.
તો સાહેબજી દેખીતી રીતે સાધનાની ભગવદ્દ કર્તૃત્વતા ઉપર બોલી રહ્યા હતા, એ વખતે એક ભાવકે પૂછ્યું : ગુરુદેવ આપ કહો છો, એટલે કે માની લઈએ પણ પ્રભુ અમારી સાધનાના કર્તા છે, એના માટેનો કોઈ શાસ્ત્રપાઠ અમને આપશો? અને એ વખતે ગુરુદેવે આનંદઘનજી ભગવંતની નેમિનાથ પ્રભુની સ્તવનાની એક કડી શાસ્ત્રપાઠ રૂપે રજુ કરેલી. બહુ પ્યારી એ કડી છે : “ત્રિવિધ યોગ ધરી આદર્યો, નેમિનાથ ભરથાર, ધારણ પોષણ તારણો રે, નવરસ (નવસર) મુક્તાહાર” “ત્રિવિધ યોગ ધરી આદર્યો, નેમિનાથ ભરથાર – રાજીમતીએ શું કર્યું? પ્રભુના ચરણોની અંદર મન, વચન, કાયાના યોગો સમર્પિત કરી દીધા. અને પ્રભુ તરફથી ત્રણ ભેટ રાજીમતીજી ને મળી. ધારણ, પોષણ, તારણો. શુભની અંદર આપણને ધારી રાખે, એ જે શક્તિ છે, એને આનંદઘનજી ભગવંતે ધારણ કહી છે. એટલે કે શુભની ધારા. પોષણ – પોષણ એટલે શુભમાં આવેલો વેગ. અને તારણ એટલે શુદ્ધ. પ્રભુ શુભ પણ આપણને આપે, શુભનો વેગ પણ આપણને આપે, અને શુદ્ધ સુધી પ્રભુ આપણને લઇ જાય. અને આ વાત આનંદઘનજી ભગવંતે કહી છે. કડીનો સામાન્ય અર્થ તમને ખ્યાલમાં આવી ગયો. “ત્રિવિધ યોગ ધરી આદર્યો, નેમિનાથ ભરથાર, ધારણ પોષણ તારણો રે, નવરસ (નવસર) મુક્તાહાર” નવસેરવાળો કોઈ મોતીનો હાર જે રીતે ગળામાં પહેરાય, એ રીતે ભક્ત પ્રભુની આ પ્રસાદીને સ્વીકારે છે.
હવે પહેલા તો પ્રભુની પ્રસાદીને જોઈ લઈએ. શુભ, શુભનો વેગ, અને શુદ્ધ. આપણી આખી જ સાધના પ્રક્રિયા આ છે. શુભથી તમે શરૂઆત કરો. શુદ્ધમાં તમારી સાધના પર્યવસિત થવી જોઈએ. એક નાનકડું example આપું, મહોધ્યાય યશોવિજય મહારાજે શ્રીપાળ રાસની અંદર ૪૫ આગમમાં રહેલી પ્રભુની આજ્ઞાનો નિચોડ એક કડીમાં આપ્યો છે. કો’ક ભાવકે પૂછ્યું હશે, કે ગુરુદેવ અમે તો ૪૫ આગમો વાંચવા ક્યારે જવાના? સાંભળવા પણ ક્યારે જવાના? એ ૪૫ આગમમાં પ્રભુની જે આજ્ઞા પથરાયેલી છે, ફેલાયેલી છે, એનો નિચોડ અમને આપો ને? અને એ વખતે ઉપાધ્યાયજી ભગવંત એટલા બધા રીઝી ગયા, એમણે ૪૫ આગમોનો સાર નહિ આપ્યો, એની સાથે-સાથે આપણી પુરી સાધના પદ્ધતિનો પણ સાર આપી દીધો. બહુ પ્યારી પ્યારી કડી છે: “આગમ નોઆગમ તણો, ભાવ તે જાણો સાચો રે; આતમભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે” ૪૫ આગમ ગ્રંથોમાં રહેલી પ્રભુની આજ્ઞાનો સાર આ! નોઆગમ પ્રભુની આખી આજ્ઞા પદ્ધતિનો સાર આ ! શું સાર? – આતમભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે – કેટલા બડભાગી આપણે! ૪૫ આગમ ગ્રંથોનો સાર, ગુજરાતી ભાષામાં, અડધી કડીમાં મહોપાધ્યાયજીએ આપણને આપી દીધો! આતમભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે.
હવે આપણે ત્રણ stages જોવા છે. શુભ, શુભનો વેગ, અને શુદ્ધ. તો આ કડીનો તમે સ્વાધ્યાય કરો. અને સામાન્ય રીતે એનો શબ્દાર્થ તમારા ખ્યાલમાં આવી જાય, તો શુભનું ચરણ થયું. સ્વાધ્યાય કરો છો, પ્રભુના પ્યારા પ્યારા શબ્દોને તમે રટો છો. અને એ વખતે એ શબ્દોનો સામાન્ય અર્થ તમારા ખ્યાલમાં છે. તો શુભનું ચરણ તમને મળી જાય. તમને ખ્યાલ આવે, કે પ્રભુની આજ્ઞાનો નિચોડ શું? – “આત્મભાવમાં સ્થિર થવું, પરભાવમાં જવું નહિ.” હવે શુભનો વેગ આવશે; શુભનો વેગ એ મધ્યવર્તી ચરણ છે. આ બાજુ શુભ, આ બાજુ શુદ્ધ, વચ્ચે શુભનો વેગ. તો એ મધ્યવર્તી ચરણ બહુ જ મહત્વનું છે. શુભનો વેગ શું કરે છે? આપણને શુભમાંથી ઉચકીને શુદ્ધમાં મૂકી દે છે.
તો હવે શુભનો વેગમાં શું થશે? તમે એક કડીની અર્થાનુપ્રેક્ષામાં જશો. ઊંડાણથી તમે એના ઉપર ચિંતન કરશો. પહેલા તમારા ખ્યાલમાં આવશે, ‘આતમભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે’ એમાં કાર્ય-કારણભાવનો સંબંધ છે. “પરભાવે મત રાચો” એ કારણ છે; “આતમભાવે સ્થિર હોજો” એ કાર્ય છે. આત્મભાવમાં સ્થિર થવું છે, પણ એના માટે કરવાનું શું? પરભાવમાંથી તમારી ચેતનાને recall કરી લેવી, પાછી ખેરવી લેવી. જ્યારે પણ તમારે સ્વની અંદર જવું હોય, પહેલું અને અનિવાર્ય કામ તમારે આ કરવું જ પડે કે તમારી ચેતનાને પરભાવમાંથી recall કરવી પડે. અને બીજી વાત; શબ્દ આપ્યો છે, પરભાવ – પરભાવે મત રાચો રે. પરમાં ન જાઓ એમ નથી કહ્યું, પરભાવમાં ન જાઓ. હું સાધુ છું અને છતાં મારા શરીરને આહાર જોઈએ છે, હું એને આપી પણ દઉં છું. પરપદાર્થોનો ઉપયોગ આ શરીર હોવાને કારણે મારે પણ કરવો પડે છે. તમે પણ સાધક તરીકે પરપદાર્થોનો ઉપયોગ કરી શકો છો પણ એ પરપદાર્થોમાં ગમા કે અણગમાનો ભાવ તમે કરી શકતા નથી.
એટલે ભગવાને એટલી મજાની વાત આપણને સમજાવી કે બેટા! તું પરમાં જા, પણ પરભાવમાં ન જા. ભગવાને શું કહ્યું ખબર છે, રોટલી દાળ તું ખાય તો વાંધો નથી. રોટલી અને દાળનો ઉપયોગ તું કરે તો વાંધો નથી. પણ રોટલી અને દાળમાં તારો ઉપયોગ જાય તો મને વાંધો છે. સમજી ગયા.? તમે તો ભક્ત છો. ભગવાનને ગમે તે કરવાનું, બરોબરને? આપણે શું કરવાનું? એને ગમે તે કરવાનું હવે. અને મને ગમે તે કરવાનું નથી. તો શું કહે છે પ્રભુ… રોટલી અને દાળનો ઉપયોગ તું કરે એનો વાંધો નથી. તારી પાસે શરીર છે, એ શરીર માટે રોટલી અને દાળ તારે જોઇશે. પણ, એ રોટલી અને દાળમાં તું ઉપયોગ રાખે, તો મને વાંધો છે. શરીર રોટલી અને દાળ ખાઈ લેશે, તારે તારો ઉપયોગ મારી ભીતર રાખવો છે. શરીર જ્યારે વિભાવની ક્રિયામાં હોય, ત્યારે પણ મન પ્રભુને આપી દો; એકદમ short cut છે આ.
તમારે જો સ્વભાવમાં જવું છે, પરભાવને છોડવો છે, તો short cut આ મજાનો છે. જમી રહ્યા છો, કોઈક મજાની સ્તવનની કડી મનમાં ઘુમરાવો. એ સ્તવનની કડીમાં મન હશે, તો રોટલી-દાળ ખવાઈ જશે. શું ખાધું એની ખબર પણ નહિ રહે. એટલે પરનો ઉપયોગ થશે; પરભાવમાં તમારું મન નહિ જાય ! તો આ આપણું બીજું ચરણ છે શુભનો વેગ. જેમાં આપણે અર્થાનુપ્રેક્ષા કરીએ છીએ, ઊંડાણથી. કે પ્રભુએ શું ના પાડી? પરભાવે મત રાચો રે – તારે પરભાવમાં જવાનું નથી. આ તો બહુ સરસ વાત છે. બોલો ! આમાં શું અઘરું છે ! ભગવાને મને પણ નથી કહ્યું; તમને પણ નથી કહ્યું કે ભાઈ મારી સાધનામાં આવવું હોય તો માસક્ષમણ ઉપર માસક્ષમણ કરવા પડશે. કહ્યું? અરે અટ્ઠાઈ પર અટ્ઠાઈ કરવી પડશે એવું કહ્યું? રોજ ઉપવાસ કરવો પડશે એવું પણ કહ્યું નથી; એકાંતરે ઉપવાસ કરો એમ પણ નહિ. પ્રભુએ એટલું જ કહ્યું કે તારા શરીર માટે તું ખાય એનો મને વાંધો નથી; ખાવાની ક્રિયામાં તારો ઉપયોગ જવો ન જોઈએ. તો બોલો આમાં કંઈ અઘરું છે કાંઈ…?! એટલે તો કહું છું, it is so easy. બહુ સરળ છે.
તો પરભાવે મત રાચો રે – હવે તમે અનુપ્રેક્ષા કરો છો કે મારે પરભાવમાં નથી જવું. તો એના માટે મારે શું કરવું જોઈએ?
દા.ત આ શિબિરની એક વ્યવસ્થા તમે જુઓ વ્હાઈટ એન્ડ વ્હાઈટ વસ્ત્રો તમને પહેરવાનું કહેવામાં આવ્યું એટલે કે વસ્ત્રની પસંદગીના પરભાવમાં જવાનું બંધ થઇ ગયું. વ્હાઈટ ઝબ્ભો પહેરવાનો છે, વ્હાઈટ જ કપડાં પહેરવાના છે. એટલે કોઈ વિકલ્પ રહે જ નહિ, આ પહેરું કે આ પહેરું? તો પરનો ઉપયોગ થશે, પરભાવમાં નહિ જવાય. પ્રભુએ અમને પણ આ જ વાત આપી. તું વસ્ત્રો પહેર, માત્ર સફેદ, અને એ પણ અલ્પ મૂલ્યન. તમને ખ્યાલ છે, કેટલી મજાની આપણી પરંપરા છે ! હજાર વર્ષ પહેલાંની કોઈ ગુરુ મૂર્તિ તમે જુઓ, કે ૫૦૦ વર્ષ પહેલાનું ગુરુનું કોઈ ચિત્ર જુઓ, આ જ યુનિફોર્મ છે. યુનિફોર્મમાં કોઈ બદલાહટ નથી. સાધ્વીજી ભગવાતીઓનો યુનિફોર્મ પણ એ જ છે. અને સાધુ ભગવંતોનો યુનિફોર્મ પણ એ જ છે. કારણ શું હતું? કારણ એક જ હતું, કે શરીર માટે પરનો ઉપયોગ કરવો પડે છે -પરપદાર્થોનો, પણ પરભાવમાં જવું નથી. આ કલુ તમને મળી ગયું? હવે ઘરે જઈને પણ આવું કરી શકો તો! ખાસ બહેનો માટે કેમ? મારે પરપદાર્થોનો ઉપયોગ કરવો પડશે, મારે પરભાવમાં જવું નથી. એ જ રીતે ભોજન સાદું હશે, તો વધારે વિકલ્પો નહિ આવે ! વધારે પરભાવમાં જવાનું નહિ થાય. રોટી – દાળ – શાક – ભાત. પણ અલગ અલગ આઈટમ હોય તો પરભાવમાં જવાની શક્યતા વધુ રહેશે.
એક ભાઈ ઓફિસમાં હતા, ચાર વાગે શ્રાવિકાનો ફોન આવ્યો, કોઈ કારણસર; પતિએ પૂછ્યું : સામેથી શું બનાવ્યું છે આજ સાંજની રસોઈમાં? તો કહે તમારા એકદમ ફેવરેટ ખમણ ઢોકળા બનાવેલા છે. ચાર વાગે સમાચાર મળ્યા, એટલે ખાવાનું છ વાગે છે. ચાર વાગ્યાથી ધારા શરૂ થઇ ગઈ આસક્તિની ! ૬ વાગે મજા આવી જશે ! ખમણ ઢોકળા! મજા આવી જશે ! છ વાગે બેઠો થાળી ઉપર ! ૧૦ મિનિટમાં ખાઈ લીધું. રાત્રે દસ વાગે સુએ ત્યાં સુધી બહુ મજા આવી ગઈ હો, બહુ ટેસ્ટી હતું. આ બિનજરૂરી પાપ એણે કેટલું બાંધ્યું ! ખાવાનું દસ મિનિટનું ! એણે ૪ થી ૧૦ સુધી, છ કલાક સુધી આસક્તિની ધારા પકડી રાખી. એટલે પહેલાં તમે એક કામ કરો, આજુબાજુ નું આ સર્કલ તોડી નાંખો. કોઈ પણ મુંબઈ ચાલ માં આગ લાગે ને તો બંબાવાળો શું કરે? જ્યાં આગ લાગી છે ને એ ઘરને બીજા ઘરથી છુટું પાડી દે પહેલાં. એટલે આગ ફેલાતી અટકી જાય. આ બાજુનું એક ઘર તોડી નાંખે. આ બાજુનું એક ઘર તોડી નાંખે એટલે આગ ફેલાતી અટકી જાય. તમે પણ એક કામ કરો, આસક્તિ દ્વારા પરભાવમાં જવાય છે, તો આગળ- પાછળનો સમય જે છે એ તોડી નાંખો. તમે શ્રાવિકાને કહી દો, શું બનાવાનું છે સાંજે? એની વાત બપોરે ક્યારેય કરતી નહિ. હું સાંજે આવી જઈશ. અને બને ત્યાં સુધી ભાખરી શાક જ સાંજે બનાવવા બીજું કંઈ આડું-અવળું બનાવવું નહિ. એટલે આગળ-પાછળનું તોડી નાંખ્યું. પછી હવે કેન્દ્રમાંથી હુમલો કરો. એ જે ખાવાનો પીરીયડ છે એને પકડો હવે. એ શરીર ખાધા કરે. તમે કોઈ સ્તવનની મજાની કડીમાં હોવ. તો પરનો ઉપયોગ થયો, પરભાવમાં ન જવાયું. આ બીજું ચરણ છે, અર્થાનુપ્રેક્ષા નું, શુભના વેગનું. જ્યાં તમે બરોબર નક્કી કરો છો કે મારે કદાચ પરનો ઉપયોગ કરવો પડે તો પણ મારે પરભાવમાં તો નથી જ જવું. અને એકવાર પરભાવમાં નથી જવું એ નક્કી કર્યું પછી આત્મભાવમાં સ્થિર થવું અઘરું નથી કાંઈ. અઘરું આ છે. તમારી ચેતના અનંતા જન્મોથી પરભાવમાં ખૂંપેલી છે.
ઉપમિતિમાં સિદ્ધર્ષી સ્પષ્ટ કહે છે કે પ્રભુ! આ વિષયોમાં અને કષાયોમાં કોઈ આકર્ષણ જેવું છે નહિ. કશું જ નથી એનામાં ! માત્ર અનાદિ ની સંજ્ઞાને કારણે હું એને વળગેલો છું. Actually છે ને તમને option નથી મળ્યું. You have no option. હું ઘણીવાર કહું છું કે અ જન્મની વિશેષતા એ છે કે પ્રભુ તરફથી આપણને એક option મળે છે; વિકલ્પ. અત્યાર સુધી વિકલ્પ એક જ હતો. પરમાંથી પરમાં જાવ. આ પરમાંથી થાક્યા તો આ પરમાં. મહેલમાંથી થાક્યા તો હિમાલયમાં જાવ; હિમાલયથી થાકો તો મહેલમાં આવો. પરમાંથી પરમાં. પ્રભુએ આ જન્મમાં આપણને મજાનો વિકલ્પ આપ્યો કે તારી સ્વની દુનિયા વૈભવશાળી છે ! તું આનંદઘન છે, તારી ભીતર તું જાને ! પરમાંથી તને શું મળશે? એકવાર તમે તમારી ભીતરનો આનંદ ચાખી લીધો ! તમે બહાર ન જાવ એમ નહિ, બહાર જઈ શકો નહિ! અમને લોકોને બહાર આવવું અઘરું પડે છે હવે. બહારનો કોઈ અર્થ જ નથી.
હમણાં એક બહુ મોટા સંત થયા, નિસર્ગદત્તજી, મહારાષ્ટ્રમાં થયા. વિદેશી વિદ્વાનો, મુમુક્ષુઓ ઘણા એમની પાસે આવતાં. એક મુમુક્ષુએ નિસર્ગદત્તજીને પૂછ્યું : આપ અંદર ગયેલા છો ! સ્વાનુભૂતિ સંપન્ન છો ! અમે લોકો બહાર છીએ, પરભાવમાં છીએ. તો બહારથી અંદર જવાનો માર્ગ કયો? શું એ ગુરુની પ્રસ્તુતિ હતી! એ કહે છે : બહાર જેવું કંઈ છે જ નહિ! રસ્તાની વાત ક્યાં કરો છો? આ બહારની દુનિયા એ તમારો ભ્રમ છે! અને એટલે જ અદ્વૈત વાત આપણને કહેશે, ‘ब्रह्म सत्यं जगन्मिथ्या’ (‘બ્રહ્મસત્ જગન્મિથ્યા’) એક આત્મ તત્વ એ સત્ય છે. તમારું હોવું, તમારી આનંદઘનતા એ સત્ય છે. બાકીનું બધું મિથ્યા છે. મિથ્યા means meaning less કોઈ અર્થ નથી એનો, તો પ્રભુએ આપણને મજાનો અવસર આપ્યો કે પરમાંથી પરમાં ને પરમાંથી પરમાં શું માંડ્યું છે તે આ ! આ ધંધો શું માંડ્યો છે તે ! પ્રભુ કહે છે. રોટલીમાંથી ભાખરી ને ભાખરીમાંથી થેપલું. સવારે રોટલી હોય તો ચાલે? થેપલું જ જોઈએ. સાંજે રોટલી ન ચાલે પાછી…! બપોરે જ રોટલી ચાલે; સાંજે ભાખરી જોઈએ. એટલે ફરક શું પડ્યો એ તો મને સમજાવો? બધું જ ઘઉં ના આટામાંથી બને છે. રોટલી, ભાખરી અને થેપલું ત્રણેય બને શેમાંથી? અનાજમાંથી, ઘઉંના આટામાંથી. તો તમે ક્યાં ગયા? પરમાંથી પરમાં. સવારે થેપલું ખાધું, બપોરે રોટલી ખાવ, સાંજે ભાખરી ખાવ. પરમાંથી પર બીજું કંઈ ખરું? આ જ વાત અનંતા જન્મોમાં તમે કરી છે. માત્ર પરમાંથી પરમાં જ તમે ગયા છો. You had no option. આ જન્મમાં પ્રભુ આપણને option આપે છે કે તું સ્વની અંદર જઈ શકે છે; અને તારી સ્વની દુનિયા વૈભવશાળી દુનિયા છે. તું તારી ભીતર જા.! અને આપણે પ્રભુને પૂછીએ પ્રભુ! મારે મારી સ્વની વૈભવી દુનિયામાં જાઉં છે પણ એના માટે મારે શું કરવું જોઈએ? એક જ સૂત્ર પ્રભુ આપશે – પરભાવમાં તારે જવું નથી. શરીર છે પરપદાર્થોનો ઉપયોગ થશે, પરભાવમાં તારે જવું નથી. તો શું થશે? એક સાધક તરીકેની જાગૃતિ તમારી પાસે જોઇશે. બહુ ટેસ્ટી પદાર્થો ખાવા નહિ એક તો, સાધકોએ નક્કી કરવું હવે કે ઘરે પણ બહુ ટેસ્ટી પદાર્થો નહિ ખાવા. સામાન્ય રોટલી, દાળ, શાક, ભાત જેવું જ ખાવું. જેથી કરીને તમારા મનને પરભાવમાં લસરવાની વધુ તક ન મળે. યાદ શું રહે ભાઈ… બોલો? ગુલાબજાંબુ ખાધા છે એટલે યાદ રહેશે. દાળ ને રોટલી ખાધી હશે તો યાદ રહેશે ખરી? પાછળથી સ્મરણ કોનું આવશે? ગુલાબજાંબુ નું આવશે ને ! રોટલી-દાળનું નહિ આવે, કારણ રોજીંદી વસ્તુ છે. તો પરભાવમાં તમારે નથી જવું એના માટે તમે આ બધું કરી શકો છો. વસ્ત્રોમાં સાદાઈ. આહારમાં સાદાઈ. એક મુનિનું જીવન, એક સાધ્વીજી ભગવતીનું જીવન, તમારા માટે આદર્શ છે; રોલ મોડલ છે. એ પણ તમારી દુનિયામાં રહે છે. અને છતાં પ્રભુના આજ્ઞા પથ પર મજાથી ચાલી રહ્યા છે. અને પ્રભુનો આજ્ઞા પથ આ જ છે- તારે પરભાવમાં જવાનું નથી. એટલે તમારી વચ્ચે રહેવા છતાં તમારાથી પર એ મુનિરાજ છે. વહોરવા માટે આવ્યા, શીરો પુરી છે, ખ્યાલ આવી ગયો કે દોષિત છે, નહિ વહોરે મુનિ. કારણ એના માટે આહાર એટલે માત્ર શરીરને આપવાનું એક ઔષધ, દવા. એથી વધુ કાંઈ નહિ. રોટલી અને દાળ, લુખ્ખી રોટલી અને દાળ નિર્દોષ મળશે, first preference ક્યાં? ત્યાં. અમારી પ્રાચીન પરંપરા તો એવી છે કે બેઉ નિર્દોષ મળતું હોય, શીરો પુરી ને રોટલી-દાળ, તો રોટલી-દાળ જ લેવાના; શીરો પુરી નહિ લેવાના; નિર્દોષ હોય તો પણ નહિ લેવાના.
દશવૈકાલિક ટીકામાં એક વાત આવે છે, એક મુનિરાજ વહોરીને આવ્યા છે, માલપૂઆ ને એ બધું, અને ગુરુની આંખ એકદમ પહોળી થઇ કેમ? આ બધું કેમ લાવ્યો તું? એ મુનિ સહેજ આસક્તિના કારણે લઈને આવેલા, પણ એ મુનિ કારણ શું આપે છે ગુરુને? સાહેબજી રોટલી-દાળ તો મળતાં હતાં પણ આપણા માટે કરેલા હતાં, દોષિત હતાં, નિર્દોષ આ હતું માટે હું આ લઈને આવ્યો. દોષિત રોટલી-દાળ હોય, ને નિર્દોષ માલપૂઆ તો તમે માલપૂઆ લઇ શકો છો. પણ બેઉ નિર્દોષ હોય તો first preference તમારો ક્યાં? રોટલી-દાળમાં. કારણ પરભાવમાં નથી જવું. એ ગુલાબજાંબુ ખાઈને એ માલપૂઆ ખાઈને પરભાવમાં નથી જવું. એટલે તમે એટલું નક્કી કરી શકો, પરભાવમાં વધુ માત્રામાં મને જે લઇ જાય, એનો મારે ત્યાગ કરવો. બોલો છે નક્કી? તમને બહુ ભાવે એનો ત્યાગ કરી દેવાનો.
એક ગામને પાદરે એક સંતોનું વૃંદ આવેલું. ગામના એક ભાઈએ એ સંતોની આખી ચર્યા જોઈ. બહુ જ મજાની ચર્યા. એ સાંજે ગુરુ પાસે ગયો. ગુરુની ચેમ્બરમાં. ગુરુને વંદન કર્યું અને પૂછ્યું : કે મેં તમારા બધા સંન્યાસીઓની આખી દિનચર્યા જોઈ. એ લોકો માત્ર સ્વાધ્યાય કરે છે, માત્ર ચિંતન કરે છે. મને લાગે છે કે તમારી life style બહુ જ ઉચકાયેલી છે. પણ મને એ કહો કે તમારો મુખ્ય સિદ્ધાંત શું? અને એ વખતે ગુરુએ કહ્યું : અમારો મુખ્ય સિદ્ધાંત એ છે કે તમારી ઈચ્છા પ્રમાણે તમારે નહિ કરવાનું. એ ગુરુ કહે કે અમારે ત્યાં એવો નિયમ નથી હાર્ડ એન્ડ ફાસ્ટ કે સવારે નાસ્તો ન જ કરાય. પણ નાસ્તો કરવાની ઈચ્છા હોય તો નાસ્તો નહિ જ કરવાનો. બપોરના ભોજનમાં મીઠાઈ ન જ લેવાય, એવો અમારા ત્યાં સિદ્ધાંત નથી, પણ, કોઈ પણ શિષ્યની ઈચ્છા મીઠાઈ ખાવાની થઇ તો એને મીઠાઈ નહિ જ ખાવાની. અને એવા જાગૃત સાધકો અમારી પાસે છે કે એની ઈચ્છા થઇ, એના ઉપર ચોકડી મુકતા શીખી ગયો છે. એટલે તને પણ ભાઈ, તારી ઈચ્છા ઉપર ચોકડી મારતા આવડતી હોય, તો જ તું અહીંયા આવી શકે છે, નહિતર ન આવી શકે. તમે આવું કરી શકો બોલો? આજે ઈચ્છા થઇ માલપૂઆ ખાવાની માટે નહિ જ ખાઉં. રીસેપ્શનમાં ગયા, લીસ્ટ આવી ગયું, મેનુ આવી ગયું. મેનુ કાર્ડ વાંચી લીધું. આટલું આટલું ભાવે છે એના ઉપર ચોકડી મારી દેવાની! કેમ બરોબર? આ તમારી અનુપ્રેક્ષા છે. શુભનો વેગ, કે મારે પરભાવમાં નથી જવું તો મારે શું શું કરવું જોઈએ. અને એ પછી શુદ્ધમાં તમે છલાંગી જાવ. પરભાવમાં ન જાઓ, સ્વની અનુભૂતિ ચાલુ થઇ જાય. Actually આ મન કાર્યશીલ ક્યારે બને? ઉપયોગ તમારો ભળે ત્યારે. ઉપયોગ તમારું સ્વરૂપ છે. અને તમારું એ સ્વરૂપ, તમારી એ જાગૃતિ, મનની અંદર ન ભળે તો મન activate થતું નથી. તમને એનેસ્થેસિયા સુંઘાડયો, મન તો છે જ, ઉપયોગ જે છે એ સુષુપ્ત થઇ ગયો છે. અને માટે મન કામ કરી શકતું નથી. ઊંઘો છો ત્યારે મન તો છે જ. ઇન્દ્રિયો તો છે જ. ઉપયોગ સુશુપ્ત બને તો તમે મનનો ઉપયોગ કરી શકો નહિ. તો મનનો ઉપયોગ તમે કરો છો ત્યારે તમારી આત્મશક્તિ વપરાય છે. એ તમારી આત્મશક્તિએ નકામી વાપરવાનો તમને અધિકાર ખરો?
દેવચંદ્રજી મહારાજ કહે છે, વચનગુપ્તિની સજ્ઝાયમાં: ‘ભાષાવર્ગણ પુદ્ગલા, ગ્રહણ નિસર્ગ ઉપાય, કરવા આતમ વીર્યને, શાને પ્રેરે સાદ” બોલો છો એટલે શું થાય? ભાષાવર્ગણાના પુદ્ગલો જોડે ગ્રહણ કર્યા, આત્મસાત્ કર્યા, છોડ્યા. તો એ પૂછે છે, કે પુદ્ગલોને ગ્રહણ કરવા માટે તમે શું આત્મશક્તિને વાપરી શકો ખરા? પ્રભુએ કહ્યું છે ને પ્રભુની આજ્ઞા પ્રમાણે ધર્મકથા કરો મને વાંધો નથી. પ્રભુની આજ્ઞા પ્રમાણે બોલવું. પણ પ્રભુની આજ્ઞા નથી ત્યાં એક શબ્દ પણ તમે બોલી શકો ખરા? અને બોલો તો તમે શું કર્યું? પુદ્ગલોને પકડવા માટે આત્મશક્તિ વાપરી.! વિચારો કર્યા એટલે શું કર્યું? મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કર્યા. તો પુદ્ગલોને ગ્રહણ કરવા માટે તમે તમારી આત્મશક્તિ વાપરી શકો ખરા?
૨૪ કલાક તમે શું કરો છો બોલો? તમારી આત્મશક્તિનો કચ્ચરઘાણ વાળો છો. હું ઘણીવાર મારી વાચનામાં સાધકોને પૂછું, કે તમે જે વિકલ્પો કરો છો, એમાંથી ૯૯% નકામા કે ૧૦૦% નકામા? લગભગ જવાબ એ જ મળે કે વિકલ્પો ૧૦૦% નકામા છે. હવે ઘટના ઘટી ગઈ ને તમે વિકલ્પ કરશો આ આમ કેમ ઘટ્યું? અરે ભાઈ ઘટી ગયું! સ્વીકારી લે! આમાં વિકલ્પોનો અવકાશ ક્યાં છે? ભવિષ્યમાં કંઈક થવાનું છે, એ તને ક્યાં ખબર છે કે શું થવાનું છે? શા માટે વિકલ્પ કરે છે? માત્ર વર્તમાનકાળમાં તું રહે.
તો પરભાવમાં આપણે ન જઈએ તો સ્વની અનુભૂતિનો માર્ગ આપણો ચાલુ થઇ જશે. એટલે ત્રણ વસ્તુ આપણે જોઈ, સુત્રાનુપ્રેક્ષા એટલે શુભ. અર્થાનુપ્રેક્ષા એટલે શુભનો વેગ. અનુભૂતિ એટલે શુદ્ધ. એ જે અનુભૂતિ તમને થઇ કે પરભાવમાં ન જવું; એ શુદ્ધમાં આવી ગયું. આવું કોઈ પણ ક્રિયા હોય. સામાયિક તમે લેવા માટે બેસો, શુભની ક્રિયા. સમભાવનો સ્પર્શ થાય એ શુદ્ધની પ્રક્રિયા થઈ જશે. પ્રભુનું દર્શન કરવા ગયા, શુભની પ્રક્રિયા, અહોભાવની પ્રક્રિયા, એમાં એકદમ વેગ આવ્યો, અને તમે પ્રભુની વિતરાગદશા સાથે જોડાઈ ગયા, તો શુદ્ધની દશા આવી ગઈ.
તો પ્રભુ આપણને આ ત્રણ વસ્તુ આપે છે, ધારણ, પોષણ, તારણ. આનંદઘનજી ભગવંતના શબ્દો. પણ ક્યારે? પ્રભુ આપે છે, પ્રભુના દાનને તમે સ્વીકારશો શી રીતે? કોઈ માણસ ભરવાડને ત્યાં જાય, એને પેકબંધ દૂધ ફાવતું નથી, એને ભરવાડના ત્યાનું ચોખ્ખું દૂધ જોઈતું હોય છે. તાજું. ભરવાડને ત્યાં ગયો, બે લીટર દુધ આપ. પણ વાસણ લઇ જવાનું જ ભુલી ગયેલો. ન લોટો કે ન બરણી. પેલો ભરવાડ કહે : પણ શેમાં આપું એ તો મને કહે ! પેકબંધ દૂધ આપવાનું (હોય તો) બરોબર; કોથળી આપી દીધી; (પણ) તને તાજું દૂધ જોઈએ છે આપું શેમાં? એમ પ્રભુ કહે કે હું શુભ પણ આપું, શુભનો વેગ પણ આપું, શુદ્ધ પણ આપું, તું ઝીલીશ શેમાં, એ તો મને કહે?
એટલે એ વાત આનંદઘનજી ભગવંતે ખોલી : ‘ત્રિવિધ યોગ ધરી આદર્યો, નેમિનાથ ભરથાર’ રાજીમતીજીએ શું કર્યું? મન, વચન, કાયાના યોગો, પ્રભુને સમર્પિત કરી દીધા. એટલે હવે એક ક્રમ એવો ચાલશે સમર્પણ શુભ, સમર્પણ શુભનો વેગ, સમર્પણ શુદ્ધની અનુભૂતિ. આ ક્રમ ચાલશે. શુભ પ્રભુ આપે પણ ક્યારે? તમારી પાસે સમર્પણ હોય તો. ત્રિવિધ યોગ.! મન, વચન, કાયાના યોગોથી તમે પ્રભુને તમારી જાતનું સમર્પણ કરો. તો શુભ મળે. સ્વાધ્યાય કરશો તમે પણ સમર્પણ નહિ હોય પ્રભુ પ્રત્યે, પ્રભુની આજ્ઞા પ્રત્યે ભીનાશ તમારી આંખમાં નહિ હોય તો એ સ્વાધ્યાય, સ્વાધ્યાય ક્યાં છે? હું ઘણીવાર કહું, કોઈ સ્વાધ્યાય કરતું હોય તો, મનમાં વિચારો ચાલતા હોય, હું એના માટે કહું કે આ સ્વાધ્યાય થયો કે હોષ્ઠાધ્યાય થયો? કદાચ પુણ્ય કે વેદના મળે તો તમારા હોઠને મળે, તમને શું મળે? તમે તો ક્યાંય હતા?! ભીનાશની ભૂમિકા ઉપર સ્વાધ્યાય થાય, અને એવી ભીનાશની ભૂમિકા કે તમે એ સુત્રો રટતા હોવ, અને તમારી આંખમાંથી આંસુની ધારા ચાલતી હોય.
જીવવિચારનો સ્વાધ્યાય કર્યો છે? હું છું ને આલોચનામાં કલાક ઉપર સ્વાધ્યાય આપું છું. કલાક ઉપર એટલા માટે કે તમે શરૂઆત કરી એક સૂત્રની અને અર્થના ઊંડાણમાં જતા રહ્યા એક કલાક સુધી, ભલે એક ગાથાનો સ્વાધ્યાય કર્યો, કલાકનો સ્વાધ્યાય ગણી લેવાનો. કારણ કે અર્થાનુપ્રેક્ષા તમે કરી છે. એટલે જીવવિચારનો સ્વાધ્યાય તમારે કરવો છે, ‘ભુવણ-પઈવં વીરં’ આગળ જવાની જરૂર જ ક્યાં છે હવે? ‘ભુવણ-પઈવં વીરં’ આખા જગતને વિશે પ્રદીપ સમા પ્રભુ વીર. ઓહોહો ! મારા ભગવાન આવા હતા ! આખા જગતને પ્રકાશિત કરનારા.! તો મારી ભીતર અંધારું કેમ? વેદના ને ટીસ શરૂ થાય, આપણી યાત્રા શરૂ.! જીવવિચાર ગોખ્યું કે નવતત્વ ગોખ્યું કે સ્વાધ્યાય કર્યો કોરી કોરી આંખોએ અને કોરા કોરા હૃદયે. તો સમર્પણ નથી તો શુભ પણ નથી. અને એટલે જ રાજીમતી માટે શબ્દ વાપર્યો, ત્રિવિધ યોગ ધરી આદર્યો. જ્યાં સુધી તમારી પાસે સમર્પણ નથી, ત્યાં સુધી પ્રભુ તમને શુભ, શુભનો વેગ કે શુદ્ધ આપી શકતા નથી. સમર્પણ આવી ગયું. મારા પ્રભુએ કહ્યું છે ઓહો ! મારા પ્રભુએ કહ્યું છે!
તમને પ્રવચનમાં શું થાય સાચું કહેજો…? પ્રવચનકાર મહાત્મા કહે : મારા ભગવાને આમ કહેલું હતું, એટલે તમે સમવસરણમાં પહોંચી જાવ બરોબર ને? આખો હોય બંધ અને તમે સમવસરણમાં પહોંચી જાવ બને કે નહિ આમ…? શબ્દને છોડવા છે, આગળ જવું છે; પણ શબ્દને પકડો તો પણ એ શબ્દ ભીનો ભીનો શબ્દ જોઈએ. એટલે શુભ પણ તમને મળે એ સમર્પણની પૃષ્ઠ ભૂમિકા ઉપર મળે છે. મારા પ્રભુએ આ કહ્યું છે! મારા પ્રભુએ personally for me આ કહ્યું છે! ઓહો! હું કેટલો બડભાગી છું! હવે તમને થાય કે સમર્પણ તો જરૂર મારું, પણ આ સ્વાધ્યાય કરું, કે અર્થનું ચિંતન કરું એ તો હું કરું છું ને? તમારો હું તો આવી જ જાય ને? કોઈ નાનો છોકરો હોય ને એને પડદાની પાછળ રાખ્યો હોય ને નાટકમાં, એનો વેશ તો પછી આવવાનો હોય, પણ વારે વારે એ શું કરે, પડદો ખોલીને જોયા કરે, શું ચાલે છે? આપણો હું પણ આવું જ છે; પડદો ખોલીને આવી જાય અંદર. વારંવાર તમારો હું આવી જાય છે. એ હું ને આપણે delete કરવું છે અને એના માટે સમર્પણ જેવો કોઈ મંત્ર નથી. તો તમે અર્થાનુપ્રેક્ષા કરી, તમે ચિંતન કર્યું. પણ આ વિચાર તમને કોણે આપ્યો?
લલિતવિસ્તરા વૃત્તિમાં કહ્યું: ‘भगवत्प्रसादलभ्यत्वात् कुशलाशयस्य’ એક પણ શુભ વિચાર તમને આવ્યો, એ પ્રભુની કૃપાથી આવ્યો છે. પ્રભુનું શાસન મળ્યું, આ વાતાવરણ તમને મળ્યું અને આ વિચાર તમને આવ્યો. તો વિચાર પરની માલીકીયત તમારી નથી. એક પણ શુભ વિચાર પરની, એક પણ શુભ ભાવ પરની માલીકીયત તમારી નથી. સમર્પણ થયું, શુભ આવ્યું. અને એ સમર્પણ ને થોડું ઘેરું બનાવો હવે. મારા પ્રભુએ તો બહુ સરસ વાત કરી, તું પરભાવમાં ન જા, તું આમ ન કર, તું આમ ન કર; પણ એના માટે મારે શું કરવું જોઈએ? મારા પ્રભુના એક-એક શબ્દને મારે અસ્તિત્વના સ્તર પર ઝીલવો છે.! આ સમર્પણની ઉપરની લયના. મારા પ્રભુના એક-એક શબ્દને મારે અસ્તિત્વના સ્તર પર ઝીલવો છે! કેટલા વ્યાખ્યાનની જરૂર પડે બોલો.? એક વ્યાખ્યાન કાફી આખી જિંદગીમાં બોલો. એક પ્રવચન સંભળાઈ ગયું તમને છુટ્ટી આપી દઈએ બોલો. એક શિબિરમાં હવે તમારી છુટ્ટી. જો આટલું ઘૂંટી નાંખો ને, બીજું કંઈ જરૂર નથી હવે.
તો સમર્પણનું બીજું સ્ટેજ આવ્યું. મારા પ્રભુ કહે છે, એમ મારે કરવું છે. પહેલા વાત એ હતી, પહેલા સમર્પણમાં, મારા પ્રભુએ મારા માટે આટલું સરસ કર્યું! બીજું સમર્પણ આવ્યું ત્યારે મારા ભગવાને કહ્યું છે એ મારે આત્મસાત્ કરવું જ જોઈએ. તો મારે શું કરવું જોઈએ? પરભાવમાં મારે નથી જ જવું. તો મારે શું કરવું જોઈએ? એના માટે તમે અનુપ્રેક્ષા કરો છો; એ પણ સમર્પણના બેસ પર તમારી અનુપ્રેક્ષા છે. અને એ પછી ત્રીજું સમર્પણ આવે છે, કે જ્યાં પ્રભુએ કહેલી વાતોને તમે તમારી ભીતર અનુભુત કરો છો. પ્રભુ કહે છે, આતમભાવે સ્થિર હોજો; તમે તમારી અનુભૂતિ માં લાગી જાવ છો. અને એ છેલ્લું સમર્પણ છે. અને સમર્પણના ત્રણ સ્ટેજ થયા. પહેલું સમર્પણ શુભના સ્તરનું, બીજું શુભના વેગના સ્તરનું, ત્રીજું શુદ્ધના સ્તરનું. રાજીમતીજીએ આ રીતે પ્રભુને સમર્પિત થઇ ગયા તો પ્રભુએ શભ આપ્યું- એટલે કે ધારણ આપ્યું; શુભનો વેગ આપ્યો એટલે પોષણ આપ્યું; અને શુદ્ધ આપ્યું એટલે કે તારણ આપ્યું.
તો કેટલી મજાની કડી બોલો? પંન્યાસજી ગુરુ ભગવંતે કેટલી મજાની કડી આપણને આપી? સ્તવનમાં તો હતી પણ એમણે ખોલીને – decode કરીને આપણી સામે મૂકી, કે તમે જોઈ લો! પ્રભુ શું કરે છે! અને તમારે શું કરવાનું છે? અને આ જ લયમાં હું કહું છું, ૯૯% grace ૧% effort. તમારે ખાલી સમર્પિત થઇ જવાનું બસ.! બાકીનું બધું કામ પ્રભુનું.!
તો પહેલું સમર્પણ; શુભની ધારા મળી ગઈ. બીજું સમર્પણ; શુભનો વેગ મળી ગયો, અને ત્રીજું સમર્પણ આવ્યું તો શુદ્ધની અનુભૂતિ તમને મળી ગઈ! એટલે આમ જુઓ તો દૂર છે કંઈ? માત્ર બીજું ચરણ છે મધ્યવર્તી ચરણ; એને જરા ઘૂંટો કે પરભાવમાં નથી જ રહેવું એક ક્ષણ પણ પરભાવમાં નથી રહેવું; તો એના માટે મારે શું કરવું જોઈએ? આજે જેમ બતાવ્યું તેમ, ભોજનમાં સાદગી, વસ્ત્રોમાં સાદગી, આવી રીતે એક-એક વસ્તુમાં તમે વિચાર કરો. પૈસા જોઈએ છે તો કેટલા જોઈએ છે? જીવન જરૂરિયાત ચાલે એટલા પૈસા જોઈએ છે. એથી વધુ પૈસા પણ જોઈતા નથી. આ દરેક વસ્તુમાં આ રીતે વિચાર કરો તો શું થશે? પરભાવમાં જવાનું ઓછું થઇ જશે. અને જેમ-જેમ પરભાવમાં જવાના દ્વારો બંધ થશે, એમ સ્વના દ્વાર ખુલવા માંડશે.
આ જ વાત આપણે સાક્ષીભાવ અને સમર્પણમાં કહેલી. સમર્પણ પહેલું અને પછી સાક્ષીભાવના સુત્રોનો અભ્યાસ. બીજું સમર્પણ અને સાક્ષીભાવના સુત્રોને અભ્યસ્ત કરવા માટેની કોશિશ. ત્રીજું સમર્પણ અને સાક્ષીભાવની અનુભૂતિ. સાક્ષીભાવ અને સમર્પણ એ આપણને મળી જાય તો સ્વાનુભૂતિ કોઈ દૂરની ઘટના છે નહિ.
આજે મંત્ર દીક્ષાનો પણ કાર્યક્રમ છે. આપણે ત્યાં ત્રણ દિક્ષાઓ છે. સાધના દીક્ષા, મંત્ર દીક્ષા અને જીવનવ્યાપિની દીક્ષા. તમે શ્રાવક છો, તમને ચારેક કલાક સાધના માટે રોજ મળે છે. તો ચાર કલાકમાં તમારે શું કરવું? એ તમારે ગુરુ પાસે નક્કી કરવું પડે. એ તમારા સાધના ગુરુ પાસે. સાધના ગુરુ એક રાખજો કે જે સાધના ગુરુને તમારી આખી ધારાનો ખ્યાલ હોય અને એથી કરીને તમારી ધારાને અનુરૂપ, જન્માન્તરીય ધારાને અનુરૂપ તમને સાધના પકડાવ્યા કરે. સાધુ-સાધ્વીજીઓ માટે ૨૪ કલાકની સાધના, તમારા ગીતાર્થ ગુરુ પાસેથી મેળવવાની. સાહેબ મારે શું કરવાનું છે? અને ગીતાર્થ ગુરુ તમને જે સાધના આપે એ સાધના તમારે ઘૂંટવાની હોય છે. તો આ સાધના દીક્ષા છે.
બીજી મંત્ર દીક્ષા છે. નમસ્કાર મહામંત્ર. અથવા બીજા કોઈ પણ મંત્રો. ગુરુ તમને આપે એ મંત્ર દીક્ષા.
આપણે ત્યાં પાર્શ્વનાથ પંચ કલ્યાણક પૂજામાં, પાર્શ્વનાથ પ્રભુ અને કમઠનો એક સરસ સંવાદ આવે છે. અને એમાં એક લીટી આવે છે, કે ક્યાં કાન ફૂંકાયા? કે ક્યાં કાન ફૂંકાયા? પાર્શ્વકુમાર યોગીને પૂછે છે કે શું કાન ફૂંકાયો એ તો મને કહે ! તે કયા ગુરુ પાસેથી મંત્ર લીધો? તો મંત્ર દીક્ષા માટે આ એક idiom છે, “કાન ફૂંકાવવું”. આજે પણ તમને ખ્યાલ હોય તો, પંન્યાસ પદવી વખતે કે આચાર્ય પદવી વખતે, ગુરુ શિષ્યના કાન પાસે પોતાનું મુખ લઇ જાય છે; અને મંત્ર આપે છે. આ રીતે પણ મંત્ર દીક્ષા અપાય છે અને સમુહમાં પણ મંત્ર દીક્ષા અપાય છે. મંત્ર દીક્ષાનું મહત્વ મંત્ર શાસ્ત્રોમાં બહુ સરસ વર્ણવવામાં આવ્યું છે. ત્યાં સુધી કહ્યું કે ગુરુ જ્યારે મંત્ર દીક્ષા તમને આપે, અને એ વખતે તમે એકદમ અહોભાવની ધારામાં વહો, તો ગુરુએ આપેલો એ મંત્ર તમારા કાનમાંથી સીધો સહસ્રારમાં જાય ઉપર, અને સહસ્રારને તોડી નાંખે; અને એ રીતે તમારું સહસ્રાર જે જન્મોથી બીડાયેલું, મૂરઝાયેલું છે, એ ખુલી જાય.! મંત્રદીક્ષામાં આટલી તાકાત છે.!
આપણા મસ્તિસ્ક માં બરોબર ચોટીના ભાગની નીચે સહસ્રાર છે; જેને આપણે હજાર પાંખડીઓ વાળું કમળ કહીએ છીએ. પણ એ કમળ જન્મોથી બીડાયેલું, મૂરઝાયેલું પડ્યું છે. ગુરુનો મંત્ર મળે, અને અહોભાવની ધારા પર ઝીલાય તો મંત્ર સીધો સહસ્રારમાં જાય અને સહસ્રાર હજાર પાંખડીવાળું કમળ ખુલી જાય.!
એક સાધના દીક્ષા, એક મંત્ર દીક્ષા, અને ત્રીજી છે જીવન વ્યાપિની દીક્ષા. રજોહરણ તમને મળે, એક જીવનવ્યાપિની દીક્ષા; કે પુરા જીવન માટેની દીક્ષા મળી ગઈ. એટલે એવું ઘણીવાર બને બને કે તમારા મંત્ર દીક્ષા દાતા ગુરુ જુદા હોય, જીવનવ્યાપિની દીક્ષાના દાતા ગુરુ જુદા હોય. ઉપધાન કર્યું અઢારીયું, અને એ ગુરુએ તમને નવકાર મંત્ર આપ્યો, તમે દીક્ષા બીજા ગુરુ પાસે લીધી તો મંત્ર દિક્ષાના દાતા ગુરુ જુદા છે. અને જીવન વ્યાપિની દિક્ષાના દાતા જુદા છે. એ જ રીતે સાધના દીક્ષા દાતા ગુરુ પણ અલગ હોઈ શકે. મંત્ર દીક્ષા દાતા ગુરુ પણ અલગ હોઈ શકે અને જીવનવ્યાપિની દિક્ષાના દાતા ગુરુ પણ અલગ હોઈ શકે. તો હવે આપણે આ મંત્ર દીક્ષાનો મજાનો કાર્યક્રમ શરૂ કરીએ.
