વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject: તુમ ગુણ અનુભવ ધારા
નિર્મલ દર્શન એટલે નિર્વિકલ્પક અવસ્થામાં થતું દર્શન, નિર્વિચાર અવસ્થામાં થતું દર્શન. નિર્વિકલ્પ બનવાની વાત થોડી દૂર છે, પહેલા આપણે અશુભ વિચારોથી પર થવું છે. પ્રભુએ સરસ મજાનો સાધ્વાચાર અને શ્રાવકાચાર આપ્યો છતાં અશુભ વિચારો મનમાં દાખલ કેમ થાય છે?
મોહ-રાગ-દ્વેષ અસ્તિત્વના સ્તર ઉપર છે કારણકે અનંતા જન્મોથી તમે એને પોષેલા છે. પણ સાધના બહુ બહુ તો શરીરના સ્તર પર થાય છે; કદાચ મનના – conscious mind ના – સ્તર પર થાય છે. રાગ-દ્વેષ-અહંકાર જે સ્તરે છે – અસ્તિત્વના સ્તરે – ત્યાં તો સાધના પહોંચતી જ નથી અને એટલે જ રાગ-દ્વેષ-અહંકાર જેમના તેમ બેઠેલા છે.
સાધના અસ્તિત્વના સ્તર ઉપર પહોંચે એના માટે આપણે ગુણોનો અનુભવ કરવો છે. પ્રભુમાં જે ગુણો પ્રગટ છે એ બધા જ ગુણો તમારામાં પણ સત્તામાં પડેલા જ છે. એ ગુણોનો અનુભવ કરવા માટે precaution કેટલું? એટલું જ કે અશુભ વિચાર જે ક્ષણે આવવા માંડે; એ ક્ષણે તમે એને off કરી શકો. અને એની ચાવી મળે, એ માટે જ ધ્યાનાભ્યાસ છે.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૧ – જીરાવલા વાચના – ૧૦
સ્વાનુભૂતિ માટેનો મજાનો માર્ગ જે અત્યારની આપણી ધરાતલ પરથી શરુ થઈ રહ્યો છે. પ્રભુ દર્શન એ આપણી રોજની ક્રિયા છે. એ રોજની ક્રિયા દ્વારા પદ્મવિજય મહારાજ સાહેબ આપણને સ્વાનુભૂતિ સુધી લઈ જવા માંગે છે. કેટલી કરુણા આ મહાપુરુષોની હતી! જ્યાં આપણે છીએ, એ જ સ્ટેન્ડ પોઈન્ટ ઉપરથી આપણને ઊંચકીને ઠેઠ શિખર પર લઇ જવાની એમની ઈચ્છા છે. એમની ઈચ્છા છે હો! મારી પણ છે! તમારી બધાની ઈચ્છા થઈ ગઈ ને હવે? સ્વાનુભૂતિ જ જોઈએ, કોઇ પણ સંયોગોમાં.
એના માટે શું કહ્યું? ‘પ્રભુ નિર્મલ દર્શન કીજીયે.’ ‘પ્રભુ દર્શન કીજીયે’ કીધું હોત ને તો તમે કહેત હા… અમે દર્શન કરીએ જ છીએ ને. એટલે એમણે કહ્યું, ‘પ્રભુ નિર્મલ દર્શન કીજીયે.’ નિર્મલ નો અર્થ આપણા ખ્યાલમાં આવી ગયો: નિર્વિકલ્પક અવસ્થામાં થતું દર્શન, નિર્વિચાર અવસ્થામાં થતું દર્શન.
હવે યક્ષ પ્રશ્ન એ રહ્યો – નિર્વિકલ્પ કેમ બનવું? આપણો સવારનો મુદ્દો બહુ મજાનો હતો કે નિર્વિકલ્પ બનવાની વાત તો થોડી દુર છે, અશુભ વિચારોથી પર કેમ થવું? કેટલો સરસ મજાનો સાધ્વાચાર પ્રભુએ અમને આપ્યો! કેટલો મજાનો શ્રાવકાચાર તમને લોકોને આપ્યો! આ આચારની અંદર અશુભ વિચારો દાખલ થઈ જ ન શકે. કેમ થાય છે, આપણે સમજીએ. શુભ ક્રિયા ત્રણ કલાક, ચાર કલાક, પાંચ કલાક પણ ચાલે છે. દર્શન બહુ સરસ રીતે તમે કરો છો; અષ્ટપ્રકારી પૂજા તો લગભગ બધા કરે છે; બે સમય નહિ તો એક સમય પ્રતિક્રમણ પણ કરનારા હોય જ છે. સામાયિક પણ કરો, સ્વાધ્યાય પણ કરો, માળા પણ ફેરવો. બે થી ત્રણ કલાકનો તો મીનીમમ ટાઇમ શુભ પ્રવૃત્તિમાં જાય છે. તો આ શુભ ક્રિયાની અસર કેટલી…? બોલો તો? સામાયિકની અસર પાછળથી કેટલી રહે? ક્રોધનું નિમિત્ત મળે (છતાં) કમસેકમ અડધો કલાક સુધી તો ક્રોધ ન આવે ને? અડધો કલાક? ૪૮ મીનીટનું સામાયિક – એનો કેફ કેટલો સમય રહે? ચા ના શોખીન માણસે ટેસ્ટી ચા પીધી હોય ને તોય અડધો કલાક એનો કેફ રહે છે. આ જીરાવલા દાદાનું દર્શન થયું હોય, તમને એનો કેફ ન રહે, એ ચાલે ખરું?! હવે આજે એક સરસ ચર્ચા કરી લઈએ, કેફ કેમ નથી રહેતો?
હમણાંની એક ઘટના તમને કહું, અમદાવાદના એક સંઘમાં વહેલી સવારનો ભક્તિ અને સંવેદનાનો કાર્યક્રમ હતો. પાંચ વાગ્યે કાર્યક્રમ શરુ થયો. સંગીતકાર એટલાં સરસ… મહારાજ સાહેબની સંવેદના એટલી સરસ… ત્રણ કલાક ક્યાં ગયા, ખબર ન પડી! આખું ઓડીયન્સ ભીંજાઈ ગયું! ભક્તિભાવથી બધા જ ભીંજાઈ ગયા! આઠ વાગે એક વ્યક્તિ એવી નહોતી, એ હજાર વ્યક્તિઓમાંથી, જેની આંખ ભીની ન થયેલી હોય! જયારે વાત કરતા, સંવેદના આપતા- મારા ભગવાન! મારા ભગવાન! મારા ભગવાને આપણા માટે કેટલું બધું કર્યું! બધાની આંખો ભીની! આઠ વાગે કાર્યક્રમ પૂરો થયો. જાહેરાત થઈ કે બાજુના હોલમાં નવકારશી માટેની વ્યવસ્થા છે, આપ બધા જ લાભ આપીને જજો.
એક ભાઈ નવકારશી માટે પેલા હોલમાં ગયા, ખુરશી પર બેઠાં, ટેબલ પર ચા નો કપ આવ્યો, એક ઘૂંટડો ભર્યો ચા નો; ચા ઠંડી પણ હતી, બેસ્વાદ પણ હતી, વેઈટરની ભૂલને કારણે આવો ચા આવી ગયેલો. ઠંડી ચા..! બેસ્વાદ ચા.. પેલા ભાઈ મુડલેશ થઈ ગયા! શું છે આ વ્યવસ્થા! આવું તો કેમ ચાલે?! પણ એ જાગૃત સાધક હતો. એકદમ વિચારમાં પડી ગયો.. શોક લાગ્યો એને! ત્રણ કલાકની ભક્તિની ભીનાશ મારી પાસે હતી.. એક ચા ના ઘૂંટડામાં એટલી તાકાત કે મારી ભક્તિની ભીનાશને મારી પાસેથી એ છીનવી લે! ત્રણ કલાકની ભક્તિની આ ભીનાશ આખો દિવસ ચાલે એવી છે. પણ આખો દિવસ ન ચલાવું તો ત્રણ કલાક તો કમસેકમ રહેવી જોઈએ ને? ૮ થી ૧૧ સુધી તો? ૮ અને ૫ મીનીટે મારી ધારા ખંડિત થઈ ગઈ; ચોંકી ગયો! આ કેમ ચાલે? અને એને ખ્યાલ આવ્યો કે આવું ઘણીવાર થતું હતું. દેરાસરમાં ગયો, ભગવાનની આગળ ચામર લઈને નાચ્યો, ખુબ ભક્તિ કરી, બહાર નીકળીને કોઈ નિમિત્ત મળ્યું; ગુસ્સો આવી જતો. એણે વિચાર કર્યો – મારું ઘર તો બિલકુલ બાજુમાં છે, કાર લઈને આવ્યો છું, એક મીનીટમાં ડ્રાઈવ કરીને મારે ઘરે પહોંચી જવાય એવું છે, ઘરે જઈને બાદશાહી ચા-ગરમાગરમ નાસ્તો ખાઈ શકું એમ છું, તો પછી આ ચા નો વચ્ચે સવાલ જ ક્યાંથી આવ્યો? નહોતી બરોબર તો મૂકી દીધી, ઘરે ચાલ્યો, બાદશાહી ચા પી લીધી, વાત પૂરી થઈ ગઈ. એમા આ ભક્તિની ધારાને ખંડિત મેં કેમ કરી?
આવો સવાલ પણ તમને થાય ખરો..? આવો સવાલ થાય..? આવા ઘણા કાર્યક્રમોમાં તમે બેઠાં છો. મહાનગરોમાં આજે બહુ જ સરસ મજાના અહોભાવના ઉદ્દીપક કાર્યક્રમો ચાલતા જ રહે છે. ખરેખર મહાનગર વાસીઓનું એક પુણ્ય છે.. કેટલા બધા મહાત્મા..! તમને મુંબઈ-સુરતની વાત કરું તો.. એક એક પરામાં.. એક એક ઉપનગરોમાં મહાત્મા…! હૈદરાબાદ અને ચેન્નાઈવાળા તરસે છે! બેંગલુરુવાળા તરસે છે! અમને મહાત્માનો યોગ બહુ ઓછો મળે છે… મુંબઈવાળા કેટલા ભાગ્યશાળી છો તમે! તમારાં ઘરથી ૫-૧૦ મીનીટના અંતરમાં ઉપાશ્રય લગભગ હોય; જિનવાણીનું શ્રવણ રોજ ચાલતું હોય!
તમને આવો સવાલ થાય ને તો પણ બહુ મોટી વાત કહેવાય કહું છું. સાલું, આવું થયું કેમ? ત્રણ કલાકની ભક્તિની ધારા.. એક અડધી મિનિટ પણ થઈ નથી! ચા નો એક ઘૂંટડો ખાલી શીપ કર્યો છે! અડધી મિનીટ નથી થઈ; અડધી મીનીટની એ ક્રિયા ત્રણ કલાકની ભક્તિની ભીંજામણ તોડી નાંખે?! કેમ બને આમ? મજાનો સવાલ છે ને? સવાલ પણ મજાનો છે… જીરાવલાદાદા પાસે બબ્બે કલાક, ચાર ચાર કલાક બેસનારા ઘણા… અને ચાર કલાક પ્રભુની પાસે બેસીને ગયા હોવ, સહેજ કોઈ નિમિત્ત મળે; તમે તરત નિમિત્ત વાસી બની શકો ખરા, મારે તમને પૂછવું છે? ચાર કલાક તમે કેવા હતા? પ્રભુવાસી હતા. કેવા હતા? પ્રભુવાસી હતા, પ્રભુમાં રહેતા હતા. તો એ ચાર કલાકની પ્રભુવાસીતા હતી; તમારી રૂમમાં આવ્યા, સહેજ નિમિત્ત મળ્યું; તરત ગુસ્સો! શું છે આ? ચાર કલાકનો પ્રભુનો કેફ.. એક મીનીટમાં ક્યાં ગયો – મારે પૂછવું છે? અને કેમ ગયો? પેલો સવારનો જે પ્રશ્ન હતોને એના અનુસંધાનમાં આ વાત છે કે શુભક્રિયાનો ડોઝ વધારે ચાલતો કેમ નથી? Where is the fault. આપણે એ જોવું છે (કે) તકલીફ ક્યાં છે?
પેલા ભાઈને સવાલ થયો. મારી પાસે રોજ આવનારો માણસ. કાર લઈને સીધો મારી પાસે પહોંચી ગયો. બીજી વાત પછી. ઓફિસે જવાનું પછી. સાહેબ ક્યાં છે? સાહેબ પાસે પહોંચી જાઉં. મારી પાસે આવ્યો. વંદન કર્યું. મને કહે સાહેબ આજે તો ગજબ થઈ ગયો! મેં કીધું શું થયું? સાહેબ ત્રણ કલાક ની ભક્તિની ધારા હતી. બહુ જ મજાની ધારા હતી. અને એ ધારાને એક અડધી મીનીટની ચા પીવાની ક્રિયાએ તોડી નાંખી! ગુરુદેવ આવું બન્યું કેમ? મેં કહ્યું, બેટા ભક્તિની ધારાની ભીનાશ તારી સાચી હતી, ખોટી નહોતી. તમે પણ ભીંજાઓ છો ત્યારે સાચા જ ભીંજાઓ છો. જીરાવલાદાદાનો અભિષેક કરવાનો તમને મળી જાય. ખરેખર તમારી આંખો ભીંજાઈ જતી હોય છે. દાદાએ કૃપા કરી, મને અભિષેકનો લ્હાવો આપ્યો! પહેલી પૂજાનો મને લ્હાવો આપ્યો! આપણા આ સંઘની બલિહારી છે કે અહોભાવના માધ્યમો આપણને શરૂઆતથી મળતાં રહ્યા છે. અને આપણો મેઈન તરણતારણ પોઈન્ટ હોય તો એ છે પરમાત્મા. અને એ પરમાત્માની ભક્તિ આપણને ગળથુંથીમાંથી મળેલી છે.
મેં પેલા ભાઈને કહ્યું કે ચૂક ક્યાં થઈ – તું ભીંજાયો હતો એ વાત સાચી પણ એ ભીનાશ તારા કોન્શિયસ માઈન્ડ સુધી ગયેલી, તારા અનકોન્શિયસમાં, તારા અસ્તિત્વના સ્તર પર રાગ-દ્વેષ ને અહંકાર એવા ને એવા બેઠેલાં હતા. ચા સારી જોઈએ, રાગ હતો. ચા ખરાબ હોય તો ગુસ્સો આવી જાય. આ ધારા તારી અસ્તિત્વના સ્તરની છે અને તે ભક્તિની ધારાને કોન્શિયસ માઈન્ડના લેવલ ઉપર મૂકી છે, આ કેમ ચાલે? હું ઘણીવાર કહું છું – દુશ્મન હોય બંકરમાં / ભોંયરામાં; કોઈ સૈનિક બહાર ગોળી છોડે તો શું થાય? એની ગોળીઓ જે છે એ ખલાસ થાય.. પેલાને શું થાય? શું કરવું પડે? બંકરમાં જઈને સૈનિક એને શૂટ કરતો હોય છે. આપણી ચૂક આ થઈ ગઈ. મોહ-રાગ-દ્વેષ અસ્તિત્વના સ્તર ઉપર છે – બંકરમાં, ભોંયરામાં. તમે જ્યાં છો… એ અસ્તિત્વના ધરા ઉપર તમારાં રાગ-દ્વેષ અને અહંકાર છે કારણકે અનંતા જન્મોથી તમે એને પોષેલા છે. હવે તમે સાધનાને ક્યાં લઇ ગયા બોલો? શરીરના સ્તર સુધી. કોન્શિયસ માઈન્ડનું સ્તર પણ ભીંજાતું હોય છે ક્યારેક.. ભક્તિના કાર્યક્રમમાં જાઓ ત્યારે.. પ્રતિક્રમણના કરતા હોવને ત્યારે તો શું થાય – સ્તવન બહુ લાંબુ આવી ગયું આજ તો હો..! એ વખતે પણ ભીંજામણ નથી હોતી! તો સાધના બહુ બહુ તો શરીરના સ્તર પર થાય છે. આગળ જાઓ તમે તો કોન્શિયસ માઈન્ડ ના લેવલ ઉપર… રાગ-દ્વેષ અને અહંકાર જ્યાં છે ત્યાં તો મારો ચાલતો જ નથી..! એટલે રાગ-દ્વેષ-અહંકાર એના એ જ બેઠેલા છે.
રોજ પ્રતિક્રમણમાં તમે બોલો અઢાર પાપસ્થાનકમાં, પાંચમે પરિગ્રહ. પછી શું બોલો? સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોધ્યું હોય, મિચ્છામી દુક્કડમ. સરસ. વાત બહુ સારી છે. હવે તમને પૂછું, પરિગ્રહ ખરાબ તમને લાગ્યો? પૈસા ભેગા કરવા એ પાપ છે એવું લાગેલું છે? અહિયાં સહેજ ઉભા રહો.. મહાપુરુષોની આ વાણી છે. સુત્રો બધા ગણધર ભગવંતના છે અને અઢારપાપસ્થાનક સૂત્ર જેવા જે છે એ પૂર્વ મહાપુરુષોના છે. હમણાં ના કોઈના નથી. પ્રાકૃતભાષામાં જે હોય ને એ ગણધર ભગવંતનું કહેવાય. આ આપણી ગુજરાતી ભાષામાં છે અને એટલે એ પૂર્વના કોઈં મહાપુરુષોએ બનાવેલું છે. તો એ મહાપુરુષે કહ્યું છે કે પાંચમે પરિગ્રહ પાપ છે. ચાલો પરિગ્રહ કરો એ વાંધો નથી, કરાવો એનો વાંધો નહિ, પરિગ્રહ ખરાબ છે એવું તો મનમાં લાગેલું હોવું જોઈએ કે નહિ?
પછી બોલો, પરપરિવાદ. પરપરિવાદ એટલે શું? નિંદા. નિંદા કરવી ખરાબ, નિંદા કરાવવી ખરાબ, કોઈ નિંદા કરતુ હોય તો એને પોષણ આપવું એ પણ ખરાબ. તમને લાગે છે કે નિંદા પાપ છે? કોઈ તમારી પાસે આવે.. કોઈની પણ નિંદા એ કરતુ હોય, તમે શું કહેવાના? No please. મારી પાસે આવી વાત, please નહિ કરતા. આ મારા કાન પ્રભુના છે; મારા નથી. इदं शरीरं देव मन्दिरं આ પ્રભુના કાન અભળાઈ જશે. તમારું શું છે? બધું પ્રભુનું છે.. પ્રભુની કૃપાથી ઇન્દ્રિયો મળી, મન મળ્યું, બુદ્ધિ મળી. નિંદા ન કરવી, છે પ્રતિજ્ઞા?
આપણા યુગના શ્રેષ્ઠ સાધના મનીષી ગુરુદેવ પૂજ્યપાદ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ પાસે નમસ્કારમહામંત્રને લેવા માટે ઘણા બધા ભાવકો આવતા. સાહેબજીએ નવકારમંત્ર સિદ્ધ કરેલો હતો. રોજની ૧૦૦-૧૦૦ માળા! ક્યારેક રોજની હજાર માળા! હજાર લોગસ્સનો કાઉસગ્ગ..! આવી એમની સિદ્ધિ હતી! તો નમસ્કારમહામંત્ર લેવા માટે લોકો ચેન્નાઇથી કે ક્યાંય ને કયાંયથી ને ઉડીને આવતાં. સાહેબ રાજસ્થાનમાં હોય, લુણાવા કે બેડામાં. સાહેબજી પાસે આવીને વિનંતી કરે કે સાહેબજી આપના શ્રીમુખે નમસ્કારમહામંત્રની મંત્રદીક્ષા મને આપો. ત્યારે ગુરુદેવ કહેતાં એક નિયમ પહેલા લે તો મંત્ર આપું. પેલા માણસને જીજ્ઞાસા હોય, ઉત્કંઠા હોય, ક્યારે ગુરુદેવ મંત્ર આપે? સાહેબજી આપ કહો તે… નિયમ સ્વીકારવા તૈયાર છે… અને એ વખતે ગુરુદેવ કહેતા કે કોઇ પણ સાધુ-સાધ્વીની નિંદા કોઇપણ સંયોગોમાં કરવાની નહિ. પેલો નિયમ લઇ લે; ગુરુદેવ એને નમસ્કાર મહામંત્ર આપી દે. એકવાર સાહેબને એક જિજ્ઞાસુ એ પૂછ્યું કે ગુરુદેવ તમે બીજો કોઈ નિયમ આપતા જ નથી, નવકારમંત્ર લેવા આવનારને એક જ નિયમ આપો છો, સાધુ-સાધ્વીજીઓની નિદા ક્યારેય પણ કરવી નહિ, સાહેબ આવું કેમ? તમે ક્યારેય પૂછતાં નથી કે રાત્રિભોજન કરે છે કે નહિ? તું આમ કરે છે કે નહિ? એ વખતે ગુરુદેવે કહેલું કે ભાઈ મારે એને નમસ્કાર મહામંત્ર આપવાનો છે અને એમાં આવશે, ‘નમો લોએ સવ્વસાહુણં’ – લોકમાં રહેલાં તમામ પંચમહાવ્રતધારી સાધુ-સાધ્વીજીઓને મારા નમસ્કાર. એક બાજુ સાધુ-સાધ્વીજીઓની નિંદા કરતો હશે, બીજી બાજુ ‘નમો લોએ સવ્વસાહુણં’ બોલતો હશે તો મારો આપેલો નમસ્કાર મહામંત્ર પણ એને ફળશે કઈ રીતે? સાહેબજીની બહુ જ વિશાળ દ્રષ્ટિ હતી. કોઈ ગચ્છની વાત એ કરતા નહી. કોઈ પંથની વાત કરતા નહિ. પંચ મહાવ્રતધારી જેટલા પણ પ્રભુના સાધુ અને સાધ્વી છે; બધા મારા છે. સીધી વાત છે ને.. મારા ભગવાનને માને એ બધા મારા થઈ ગયા. આ એક વિશાળ દ્રષ્ટિ મારે તમને પણ આપવી છે. ક્યારેય મારું-તારું કરતા નહિ, આ મહારાજ સાહેબ મારા અને આ મહારાજ સાહેબ આપણા નહિ! પંચમહાવ્રતધારી જેટલા સાધુ-સાધ્વીજી હોય બધા આપણા છે… કેમ? એ બધા કોને પૂજે છે? એમને સંસાર છોડ્યો, કોના વચનના બળ ઉપર? પ્રભુના વચનના બળ ઉપર.. તો મારા પ્રભુને જે માને; એ બધા મારા થઈ ગયા! અને હું તો એથીયે વધારે આગળ જવા માંગું છું…
બહુ મજાનો પ્રશ્ન તમને કરું.. આ વાત તો બરોબરને આપણી?- કે પંચમહાવ્રતધારી કોઇ પણ સાધુ-સાધ્વીની નિંદા ક્યારેય પણ કરવાની નહિ. નિયમ આપતો નથી પણ નિયમ આવી ગયો તમારી પાસે. આ સભામાં બેઠેલ દરેક માટે અપેક્ષા રાખું છું, કોઇ પણ વ્યક્તિ ક્યારેય પણ કોઇ પણ સાધુ-સાધ્વીની નિંદા નહિ કરે. કોઈ કરતુ હશે કહી દેશે no please! હું તો સાધના કરતો નથી અને ગમે તેવા મહાત્મા હોય મારાથી તો ઊંચા છે જ. હું તો રાત્રે પણ ખાઈ લઉં છું, હું તો વાહનમાં ફરું છું, કમસેકમ એ પગે તો ફરે છે. મારાથી એ ઊંચા છે. Please એમની નિંદા મારે સાંભળવી નથી. આવી ખુમારી લાવો. આપણા જૈન સંઘમાં આ મોટી બીમારી પેસી ગઈ છે. આ મારા સાધુ, આ આપણા સાધુ નહિ. શું ભાઈ? તમે કેવી રીતના નક્કી કરો?! ભગવાન કહે, મારા સાધુ.. તમે કહો, મારા સાધુ નહિ, એમ?! એટલે ભગવાનથી તમે આગળ ગયા એમ?!
એથી પણ આગળની વાત મારે કરવી છે કે ભગવાન તમને ગમે? ભાઈ.. ભગવાન ગમે? ગમે… ભગવાનના પ્યારા પ્યારા શબ્દો ગમે… અને ભગવાનને જે પ્રિય હતા, એ બધા તમને ગમે? બોલો? ભગવાનને જે જે લોકો પ્રિય હતા એ બધા તમને ગમે? ભગવાનનો પ્રેમ ક્યાં સુધી વિસ્તરેલો? ‘સવિ જીવ કરું શાસનરસી.’ જૈનો પર નહિ, મનુષ્યો પર નહિ, પશુઓ સુધી પણ માત્ર નહિ, નરક અને નિગોદમાં રહેલાં સુક્ષ્મ જંતુઓ સુધી પણ પ્રભુનો પ્રેમ વિસ્તરેલો હતો. ક્યારે મારામાં શક્તિ આવે, હું દરેક જીવોનું કલ્યાણકર શાસન સ્થાપુ. કબ હોંશે શક્તિ એસી, સવિ જીવ કરું શાસન રસી. (જો હોવે મુજ શક્તિ ઐસી, સવિ જીવ કરું શાસન રસી.) મારામાં એવી શક્તિ ક્યારે પ્રગટે? તમને ખ્યાલ નથી કદાચ. પ્રભુનો આત્મા, દરેક તીર્થંકરનો આત્મા છેલ્લાં ત્રણ જનમમાં બેચેન રહ્યો છે. દેવના જનમમાં હતો કે મનુષ્ય જનમમાં હતો. એ મનુષ્ય જન્મમાં પણ ઊંઘ્યો નથી એ આત્મા. રાત-દિવસ એક જ વિચાર.. લોકો આટલા બધા દુઃખી છે..! આ બધા લોકોને દુઃખમુક્ત બનાવવા હોય તો માત્ર એક જ ઈલાજ છે; પ્રભુના શાસનના રસિક એમને બનાઈ દઉં. ક્યારે મારામાં શક્તિ આવે? ક્યારે હું બધાને પ્રભુશાસનના રસિક બનાઈ દઉં અને બધાને હું મોક્ષે પહોંચાડી દઉં.. ભગવાનને બધા જ આત્માઓ ગમતા હતા. તમે ભગવાનના ભક્ત ક્યારે કહેવાઓ મને કહો હવે? તમે ભગવાનના ભક્ત ક્યારે કહેવાઓ? હા, ભગવાનને એ ગમે છે એ ખબર છે, મને તો ભગવાન જ ગમે. ભગવાનને જે ગમે ને, એની જોડે મારે તો આમ જ છે.
શ્રીપાળને ધવળશેઠ પર પ્રેમ કેમ જાગે છે? આ જ તો કારણ છે. ધવળશેઠ દરિયામાં ફેંકે છે અને શ્રીપાળ મહારાજ તો પેલા કાંઠે નીકળી જાય છે. રાજાના ત્યાં અધિકારી થઈને બેસી જાય છે. ધવળશેઠ ફરતા ફરતા એ બંદરે આવે. પહેલા નિયમ એવો હતો – કોઇ પણ રાજાના બંદરમાં તમારે વેપાર કરવો હોય, રાજાની પરવાનગી તમારે લેવી પડે. ધવળશેઠ સોનામહોરોનો થાળ લઇ રાજાની પાસે આવ્યો પરવાનગી લેવા કે તમારાં બંદરમાં મારે વેપાર કરવો છે. જ્યાં રાજાની પાસે ગયો સોનામહોરોનો થાળ મુકવા. બાજુના સિંહાસન ઉપર કોણ હતું? શ્રીપાળ મહારાજા. પેટમાં તેલ રેડાણું…! આ માણસ! દરિયામાં ફેંકેલો આને હમણાં..! ક્યાંથી અહિયાં આવી ગયો જીવતો?! અને એ વખતે શ્રીપાળ મહારાજાને ધવળશેઠને જોતા આંખમાં રતાસનો ટિસ્યો પણ ફૂટતો નથી, એ જ પ્રેમ ઉભરાય છે… મારા પ્રભુને જે પ્રિય છે એ મને પણ પ્રિય છે.
અને એટલે તમને ખબર હશે…શ્રીપાળરાસ ઘણીવાર સાંભળ્યો છે. બહેનોએ તો બહુ સાંભળ્યો છે.. અને અમારી સાધ્વીજી ભગવતીઓએ ખુબ વાંચેલો છે. ક્યારેક ક્યારેક ધવળશેઠને જેલમાં પુરવામાં આવે અને શ્રીપાળરાજા એમને છોડાવે, એ વખતે કહે છે, એ મારા ઉપકારી છે! ધવળશેઠ મારા ઉપકારી છે! હું ઘણીવાર મારી સભામાં પૂછું છું.. નવપદના પ્રવચનો વખતે અચૂક પૂછું કે ધવળશેઠે શ્રીપાળ ઉપર શું ઉપકાર કર્યો? અત્યાર સુધી મને એક જ જવાબ મળેલો છે – સાહેબ, ધવળશેઠના વહાણ ઉપર શ્રીપાળ રાજા ગયેલા ને? મેં કીધું ok, accepted. એ ઉપકાર હતો, માની લઈએ. એના સિવાયનો કોઈ ઉપકાર માલુમ પડે છે તમને? તો કહે સાહેબ ખબર નથી પડતો બીજો તો કોઈ.. બીજો કોઈ ઉપકાર કર્યો જ નથી, કહે છે… મેં કીધું, કર્યો છે. અને ઉપકાર ધવળશેઠે કર્યો છે એટલે જ શ્રીપાળ એમને ઉપકારી તરીકે બતાવે છે.
શું ઉપકાર કર્યો, બોલો? શ્રીપાળમહારાજાના મનમાં હતું, પ્રભુનું શાસન મળી ગયું છે, સદ્ગુરુ દેવ મળી ગયા છે; હવે સ્વાનુભૂતિ મળવી જ જોઈએ. આ જન્મમાં સ્વાનુભૂતિ ન મળે તો કોઇપણ સંયોગોમાં ચાલી શકે જ નહિ. પણ હવે જ્ઞાની ગુરુ મળે તો જ પૂછી શકાય કે સાહેબજી સ્વાનુભૂતિ મારાથી કેટલી દુર છે? અથવા સ્વાનુભૂતિને હું પામી શકીશ કે નહિ પામી શકું? અથવા તો પામ્યો છું કે નથી પામ્યો? તો જ્ઞાની ગુરુ હોય તો કહી શકે? એ વખતે તો ક્યારેક ક્યારેક મહાત્માનો યોગ મળે અને વિશિષ્ટ શ્રુતજ્ઞાનીઓ તો બધા હોય એવું નહી. એ વખતે શ્રીપાળ મહારાજે વિચાર કર્યો, સ્વાનુભૂતિ કોઇ પણ સંયોગોમાં જોઈએ.. જોઈએ.. અને જોઈએ… એટલી પ્રભુને પ્રાર્થના કરે છે, સ્વાનુભુતિના જે માર્ગો હતા બધા માર્ગ ઉપર ચાલે છે અને એમાં એમને થયું કે સ્વાનુભૂતિ જેને થઈ છે, સમ્યગ્દર્શન જેને સ્પર્શેલું છે, એનામાં સમભાવ ઉંચી કક્ષાનો હોય છે. સમ, સંવેગ, નિર્વેગ, અનુકંપા અને આસ્તિક્ય. પહેલો ગુણ સમતા છે. સમભાવ ઉંચી કક્ષાનો હોય; તમારો દુશ્મન પણ તમને દુશ્મન ન લાગે, એ પણ તમારો મિત્ર જ લાગે. મિત્ર છે જ. એણે શું કર્યું? તમને ધોકા માર્યા, ખરાબ શબ્દો કીધા, તો કર્યું શું એને? તમારાં કર્મોને ધોઈ નાખ્યું, તમારો ઉપકારી જ છે ને.. તમારો શત્રુ પણ તમને મિત્ર લાગે, ઉપકારી લાગે. આ ભૂમિકા આવે ત્યારે સમભાવ આવેલો કહેવાય તીવ્ર રીતે.
શ્રીપાળરાજાને થાય છે, આવો સમભાવ મારી પાસે છે કે નહિ એની ચકાસણી તો કરી લઉં.. અને ધવળશેઠે દરિયામાં નાંખ્યા… એ ધવળશેઠ ફરીથી મળ્યા, એટલો પ્રેમ ઉભરાય છે આંખમાં! અહો! આ તો મારા ઉપકારી છે! મારું કોઈ કર્મ હશે, એ કર્મના કારણે મારે દરિયા પડવું પડ્યું, ધવળશેઠ તો નિમિત્ત છે. મારા ઉપકારી છે..! મારા કર્મને એમને ખેરવ્યા છે.. એ ધવળશેઠને જોતા આંખમાં પ્રેમ ઉભરાય છે, ઉપકારી તરીકેનો ભાવ આવે છે. અને એટલે જ પાછળથી જ્ઞાની ગુરુ જયારે મળ્યા છે ને ત્યારે શ્રીપાળમહારાજે પૂછ્યું, ‘સાહેબ! મારે દરિયામાં કેમ પડવું પડ્યું?’ તમે બધા શું કહો? કર્મગ્રંથ ભણેલાં, પંચસુત્ર અને કમ્મપયડ્ડી ભણેલાં, શું કહો? ધવળશેઠે નાંખ્યો ‘તો. એ તો બધાને ખબર છે, પૂછ્યું કેમ? ‘સાહેબ! મારે દરિયામાં કેમ જવું પડ્યું?’ અને જ્ઞાની ગુરુએ કહ્યું કે પૂર્વના જન્મમાં તે આ રીતે પાપ બાંધેલું, એક મુનિરાજની આશાતના કરેલી, મુનિરાજની સાધનાનું પારખું લેવા માટે મુનિરાજને તળાવમાં, તે આમ આમ આમ ડુબાડેલા અને એનું કર્મ થોડું બાકી રહી ગયું; એના કારણે તારે દરિયામાં જવું પડ્યું. તમે શું કહો, સાચું કહો? સાલું! એનું મોઢું જોઉં નહિ! હરામખોરે એવા ધંધા કર્યા છે! હું માનું છું, તમે પ્રભુના ભક્તો આવું બોલી જ ના શકો. એ ઉપકારી જ છે, કહું છું. ‘જ’કાર સાથે કહું છું.
બોલો, પરમાત્મા મહાવીરદેવ કેવલી નથી બન્યા, સાધનાકાળમાં છે અને છદ્મસ્થ છે. કાનમાં ખીલા ઠોકાય છે; એ વખતે પ્રભુની આંખમાં આંસુ આવે છે, પ્રભુની આંખો ભીની બને છે. “कृतापराधेऽपि जने, कृपामन्थरतारयो:, ईषद्बाष्पार्द्रयोर्भद्रं, श्रीवीरजिननेत्रयोः” સંગમે ઉપસર્ગ કર્યો ત્યારે પણ પ્રભુની આંખ ભીંજાઈ છે. હવે વિચાર કરો, અનાડી માણસ કાનમાં ખીલ્લા ઠોકી રહ્યો છે; ભગવાનની આંખો ભીની બને છે, કેમ? આ માણસ તો નિમિત્ત રૂપ છે. ખીલો ઠોકવામાં આ માણસની ભૂમિકા તો કોઈ છે જ નહી, ભૂમિકા મારા કર્મની છે. શિશુપાલના જનમમાં પેલા શૈય્યાપાલકના કાનમાં તેલ રેડાયેલું, એના કારણે મારા કાનમાં ખીલ્લા ઠોકાય છે. આ તો મારો ઉપકારી છે! એ મારો ઉપકારી, મારા કર્મને ખેરવનારો, અત્યારે ખરાબ વિચારો કરે છે, એ ક્રોધના ધમધમાટમાં છે, અને એ ક્રોધને કારણે એ દુર્ગતિનું આયુષ્ય આટલું બાંધી નાંખશે! એ દુર્ગતિમાં જશે..! મારો ઉપકારી! મારું આટલું બધું ભલું કરનારો માણસ! મારા કર્મોને ખેરવનારો માણસ! એ દુર્ગતિમાં જશે?! પ્રભુને કરુણા આવે છે..
એ જ પ્રભુની પાસે તમે જાઓ, એ પ્રભુની પાસે કંઇ પ્રાર્થના નથી કરતા? એ મહાવીરદાદા તમારે ત્યાં હોય દેરાસરમાં. તમે કહો નહિ કે હે પ્રભુ! આપની સહનશીલતા એ તો અવધિ હતી, મારી પાસે એટલી સહનશીલતા નથી. સાહેબ આપના કાનમાં ખીલ્લા ઠોકાયા; આપની આંખો ભીની બનેલી. મારા કાનમાં ખીલ્લા ઠોકાય એ વાત તો શક્ય જ નથી. હું હોશિયાર માણસ છું, એમ કંઇ થવા દઉં નહિ. કોઈ તમાચો ઠોકે ને ગાલ પર તો એકની સામે બે ઠોકુ એમ છું. કંઇ સહન-બહન કરું એવો નથી. પણ પ્રભુ મને એક વરદાન તો આપો કે કોઈ મને કડવા વચનો બોલે તો હું પ્રેમથી સહન કરું અને એને હાથ જોડવાનું મને મન થાય કે તે મારા કર્મને ખેરવ્યું! શું માંગો છો પ્રભુની પાસે, એ તો મને કહો? અભયકુમારની બુદ્ધિ હોજો..! કોઈને શીશામાં નાંખવા માટે..! આવું ક્યારેય માંગ્યુ? પ્રભુ મારા કાનમાં કોઈ કડવા શબ્દો કોઈ બોલે.. કહી જાય કોઈ.. હું માનીશ મારા કર્મના ઉદયના કારણે છે. એ વ્યક્તિ મારા કર્મને ખેરવી રહ્યો છે. તમને ખબર છે? એ ગાળ બોલે, તમે પ્રેમથી સહન કરો; તમારું કર્મ ખરી જાય, તમે સામે ગુસ્સે થાઓ તો કર્મ ઓર બંધાય. એટલે એક્શનની સામે રીએક્શન એ દુનિયાનો નિયમ છે / સમાજનો નિયમ છે, જૈનોને માટેનો નહિ. એક્શનની સામે રીએક્શન એ સૂત્ર તમારી પાસે નથી. એક્શનની સામે નોનએક્શન એ તમારું સૂત્ર છે. કોઈએ કહ્યું, પ્રેમથી સ્વીકારી લીધું, શું ફરક પડે છે?!
બુદ્ધ ભગવાનના જીવનની એક ઘટના કહું – બુદ્ધ ભગવાન એક જંગલમાં ગયેલા, એક વૃક્ષ નીચે ધ્યાન કરતા હતા, પટ્ટશિષ્ય આનંદ પણ જોડે હતો. ધ્યાન શરુ થયું ને એક માણસ આવ્યો, સાવ અનાડી માણસ. કેમ બેઠા છો અહિયાં? મારું ખેતર છે આ દેખાતું નથી બાજુમાં! ખેતરમાં જવાનો રસ્તો છે અહીંથી. ઉભા થઈ જાઓ! બુદ્ધ ભગવાન ઉભા થઈ ગયા! સંત હતા, ઉભા થઈ ગયા અને બુદ્ધ ઉભા થયા એટલે આનંદ પણ ઉભો થઈ જ જાય. ચાલો ભાઈ! એને દુઃખ થાય છે તો આપણને શું વાંધો છે? આપણે બીજા વૃક્ષે જઈને કરશું ધ્યાન. ધ્યાન જ કરવું છે ને… શું ફરક પડે છે? તમારો અહંકાર છે ને, તે આ ગુસ્સા રૂપે આવે છે, સમજ્યા.. તમે કેમ? મને કેમ ના પાડે છે?! તારા બાપની જગ્યા છે..? ખેતર તારા બાપનું છે..? રસ્તો તારા બાપનો છે? ક્રોધ કેમ આવે છે? અહંકારના કારણે આવે છે. અહંકાર હતો જ નહિ; ક્રોધ ક્યાંથી આવે? બુદ્ધ ભગવાન ગયા. ૫૦ મીટર દુર એક વૃક્ષ હતું સરસ મજાનું. નીચે બેઠા. ત્યાં ધ્યાન શરુ કરે છે. ત્યાં પેલો આવી ગયો પાછો! તમે તો મોઢા પરથી બહુ ભણેલાં-ગણેલા દેખાઓ છો. આટલી અક્કલ તમારામાં નથી! મારા ખેતરમાં જવાના રસ્તામાં બેસી ગયેલા! બુદ્ધ ભગવાન તો બોલે કે ચાલે. આનંદના મનમાં થયું, અલ્યા ભાઈ! તારું ખેતર એ ત્યાં રહ્યું અને તારા ખેતરમાં જવાનો માર્ગ પણ ત્યાં રહ્યો; હવે અમે અહિયાં આવ્યા છીએ, અહિયાં તારા બાપનું ખેતર એ નથી, તારા બાપનો જવાનો માર્ગ પણ નથી. હવે શું છે પણ? આનંદના મનમાં વિચાર આવ્યો હો..! બુદ્ધ ભગવાનના મનમાં કોઈ વિચાર નથી. એના પછી નોનસ્ટોપ ગાળો જ ચોપડાવા માંડી! આ તમારાં જેવા કપડાં વાળા હોય છે ને બધા માંગણખોર હોય છે! સમાજને ભારરૂપ હોય છે! શું કરો છો તમે લોકો? આ જંગલમાં ફરવું, રોટલો અમારો ખાવો. અડધો કલાક એ બોલ્યો..! બુદ્ધની પાસે એક્શનની સામે નોનએક્શન હતું. શાંતિથી સાંભળતા રહ્યા.. પ્રેમથી… તો જ કર્મ ખરે… હો.. આ ચાવી આપું છુ તમને. એ ગયો પછી. નોનએક્શનમાં શું થાય પછી?! તમે એક્શનની સામે રીએક્શન આપો ને તો ચક્ર ચાલે.
જુના જમાનામાં નાના છોકરા હતા ને ટાયરનું પૈડું હોય જુનું, સાયકલનું જૂનું પૈડું હોય ચલાવે. આખું પૈડું હોય તો ચાલે. અડધું કપાયેલું હોય તો ચાલે ખરું…? એક્શનની અને રીએક્શન બે ભેગા થયા તો ચાલ્યો પછી તમારો વરઘોડો… કલાક બે કલાક સુધી ચાલે પછી.. ઘણીવાર તો એવું બને, બે કલાક સુધી વરઘોડો ચાલે આ…! પછી પૂછવામાં આવે ધીરેથી, ભાઈ! શેના કારણે શરૂઆત થઇ એ તો કહો? પેલા બે માથું ખંજવાળે! સાલું બે કલાક થયા.. શરૂઆત ક્યાંથી થઈ હતી પણ? કેવી હસવાની વાત છે! પેલો ગયો; નોનએક્શન હતું એટલે. પાછળથી આનંદે બુદ્ધ ભગવાનને પૂછ્યું કે ભગવાન, “એ માણસ આપનો કોઈ વાંક નહિ, અપરાધ નહિ, આટલું બોલ્યો; તમારું મોઢું હસતું અને હસતું જ જોતો હતો, Smiling face. કેમ પ્રભુ આ શું થયું? તમારી પાસે કંઇક માસ્ટર કી છે આવી? મને પણ આપી દો ને.” તમારે પણ જોઈએ છે આજ, બોલો? જોઈએ માસ્ટર કી આવી?
તો બુદ્ધ ભગવાન કહે છે કે આનંદ! સમજ કે તું ભીક્ષાએ ગયો છે. આપણા બે ની ભીક્ષા તારે લાવવાની છે. વધુમાં વધુ ૮ રોટલી આપણા બેયની હોય. તું વહોરીને આવે છે. ૮ રોટલી આવી ગઈ, શાક આવી ગયું, બીજું તો કંઇ ખાતા નથી. એમાં તું મઠની નજીક આવ્યો. એક ભક્ત આવ્યો. મારે ત્યાં તો આવવું જ પડશે. નહિ ચાલે. હું તમને નહિ જ જવા દઉં. મારે ત્યાં પગલાં કરવા જ પડશે. બુદ્ધ ભગવાને કહ્યું કે તું ત્યાં ગયો, પેલાએ તો રોટલીનો થપ્પો ઉપાડ્યો, તું શું કહે છે એ વખતે? ભઈલા રોટલીનો થપ્પો નહિ, બે નહી, એક પણ નહી, અડધી એ નહિ અને પા પણ નહિ; આજની રોટલીનો કોન્ટ્રાક્ટ ખતમ થઈ ગયો, તારા ખાલી સન્માન ખાતર આવ્યો છું, એક ગોળની નાનકડી કાંકરી મુકી દે. એ રીતે નાનકડી કાંકરી ગોળની લીધી તે અને પાછો આવ્યો. હવે બુદ્ધ ભગવાન આનંદને પૂછે છે, પેલા માણસે રોટલીનો થપ્પો ઓફર કરેલો, તે લીધો નહિ રોટલીની થપ્પો, હવે રોટલી ક્યાં રહી? એના વાસણમાં કે તારા પાત્રમાં? સીધી વાત છે ને, ક્યાં રહે? એના વાસણમાં રહે. તો બુદ્ધ ભગવાને કહ્યું, પેલો માણસ હતો, એની પાસે જે હતું મારા ચરણોમાં પેશ કર્યું. જેની પાસે જે હોય એ આપે ને? એની પાસે એ હતું, એ આપ્યું. મેં કહ્યું, મારે ખપ નથી.
તમને તો આવડે છે ને સૂત્ર? ખપ નથી. વહોરવા જતી વખતે કામમાં લેવાનું એમ નહિ. દરેક વખતે કામમાં લેવાનું. મનમાં જ બોલવાનું હો પણ! મોટેથી નથી બોલવાનું. પેલાનું બોઈલર વધારે ફાટે પાછું… પેલો ગમે એમ બોલે મનમાં કહી દો, ખપ નથી ભાઈ, મારે જરૂરીયાત નથી, તારી પાસે રાખો. No please. કહેતા તો આવડે ને આટલું? પેલાનો ભાર પેલાની પાસે, આપણે શુ? આપણે નિર્ભાર… no please. મારે નથી જોઈતું. કેટલી મજાની વાત છે! એક્શનની સામે નોનએક્શન આવી જાય. તમે અત્યારે ત્રસ્ત કેમ છો? એક્શનની સામે રીએક્શન છે માટે. આપણી વાત એ હતી કે આ રીએક્શન આવે છે કેમ? રાગ-દ્વેષ-અહંકાર અસ્તિત્વના ધરાતલ પર બેઠા છો. તમે સાધના ક્યાં કરી? પૌષધ કર્યો, સામાયિક કર્યું; કદાચ શરીરના સ્તર પર જ કર્યું. દર્શન કરવા ગયા, ભાવાવેશ આવ્યો તો પણ પ્રભુના ગુણોને જોયા, પ્રભુનું સ્વરૂપ જોયું; બધું જ કોન્શિયસ માઈન્ડના ઉપર રહ્યું.
અને એટલે જ મહોપાધ્યાય યશોવિજય મહારાજે પરમતારક શીતલનાથ પ્રભુના સ્તવનમાં કહ્યું, ‘વિષય લગનકી અગન બુઝાવત, તુમ ગુણ અનુભવ ધારા’ ‘વિષય લગન કી અગન બુઝાવત તુમ ગુણ અનુભવ ધારા.’ રાગનો અગ્નિ પ્રગટેલો છે, કોણ બુઝાવી શકે? બહુ જ પ્યારા શબ્દો આપ્યા, રાગની આગ બુઝાઈ જ જાય, આવા પરમાત્મા મળ્યા છે માટે. આવા સદ્ગુરુ મળ્યા છે માટે. કરવાનું શું?- ‘તુમ ગુણ અનુભવ ધારા.’ પ્રભુની જે વિતરાગદશા છે તેનો આંશિક અનુભવ કરવો પડે. પ્રભુની જે પૂરી ક્ષમા છે એનો અનુભવ કરવો પડે. પ્રભુનો પૂરો અસંગભાવ જે છે, તેનો અનુભવ કરવો પડે. ત્યાં છે ને, ‘તુમ ગુણ શ્રવણ ધારા’ નથી કહ્યું હો…! ભગવાનના ગુણ સાંભળી લો; રાગની આગ બુઝાઈ જાય એવું કહ્યું નથી. ભગવાનના ગુણ સાંભળો, કોન્શિયસ માઈન્ડ સુધી જશે. એ પણ તમે હાજર હોવ તો, નહિતર કંઇ નહિ પાછું. પ્રતિક્રમણમાં છે ને આખું પૂરું થઈ જાય. પૂછીએ પછી કે ભાઈ સ્તવન કોણ બોલ્યું હતું? ને કયું હતું? હા, હા,સ્તવન બોલાયું હતું ને, કહે છે! સ્તવન તો બોલાયું જ હોય ને! પ્રતિક્રમણ પૂરું ક્યાંથી થાય?! કોણ બોલ્યું હતું? ભાઈ સાહબ ગયા હોઇય ક્યાંક બહાર! શરીર કટાસણા ઉપર હોય, મન ક્યાંક બહાર ગયેલું હોય, ખબર જ ન હોય કોણ સ્તવન બોલેલું? ધારો કે ખબર પડી, સ્તવનની ધારામાં વહ્યા તો પણ તમે ધારાને ક્યાં સુધી લઇ જાઓ છો? કોન્શિયસ માઈન્ડ સુધી.
આ મોટામાં મોટી આપણી તકલીફ. THIS IS THE FAULT. વિરાગની ધારાને આપણે લઇ ગયા કોન્શિયસ માઈન્ડ સુધી. રાગની ધારા ક્યાં છે? અસ્તિત્વના ધરા સુધી. ગજસુકુમાલની વાતો સાંભળી.. ઓહો..! આવા મહામુનિ! ક્ષમાની જરા અસર થઈ, તો ક્ષમા ભાવની અસર કોન્શિયસ માઈન્ડમાં, દ્વેષ ભાવની અસર અસ્તિત્વના ધરા ઉપર. લાગે છે કામ થાય કંઇ? પેલા ભાઈને મેં આ જ બતાવેલું કે ત્રણ કલાકની ભીંજામણ હતી કોન્શિયસ માઈન્ડ ના લેવલની હતી અને તારો ગુસ્સો, આહાર પ્રત્યેની પ્રીતિ એ અસ્તિત્વના ધરાતલ ઉપર છે. એટલે જ્યાં સુધી આ બધું જ અસ્તિત્વના ધરાતલ ઉપર ન ઉતરે ત્યાં સુધી, કોન્શિયસ માઈન્ડના ધરાતલ ઉપર ત્યાં સુધી, આપણા માટે અસરકારક નહિ બને. તમારો અનુભવ છે.. તમારો પણ અનુભવ છે… સામાયિક મહાવ્રત તમને મળી ગયું, કરેમિ ભંતે સામાઈયં મળી ગયું જાવજ્જીવનનું. હું તો ઘણીવાર કહું છું- સદ્ગુરુએ કરેમિ ભંતે આપ્યું પછી તમે વિભાવમાં ન જાઓ એમ નહિ; વિભાવમાં જઈ શકો નહિ. સમભાવને તમે એક ક્ષણ માટે છોડી કેમ શકો?! સામાયિકમાં તો તમે ૪૮ મિનીટ, પ્રતિજ્ઞા શું તમારી? ‘કરેમિ ભંતે સામાઈયં’ – સમભાવમાં રહીશ.
હવે તમને પૂછું – સમભાવ એક બાજુ; રાગ-દ્વેષ-અહંકાર-ઈર્ષ્યા બીજી બાજુ, એને આપણી પરંપરામાં વિભાવ કહેવામાં આવે છે. તો સમભાવ અને વિભાવ આમને સામને, સામ – સામે થયા. હવે સામસામે જે બે છે એક સાથે હોય ખરા? વારાફરથી હોઈ શકે છે. એકસાથે હોય ખરા? જે વખતે વિભાવ છે, એ વખતે સમભાવ ખરો? તમને સ્પષ્ટ રીતે લાગે છે કે અડતાલીસ મીનીટની અંદર મને કોઈના પ્રત્યે દ્વેષ ન જ થાય, કોઈના પ્રત્યે રાગ ન થાય. એવું કદાચ બને, વેવાઈ આવ્યા, દુરથી આવ્યા, જલ્દી એમણે નીકળવાનું છે. ક્યાં ગયા ભાઈ? ઉપાશ્રય સામાયિક કરવા ગયા છે. તમારી પાસે આવી પણ જાય. તમે સામયિકમાં બેઠેલા છો. ખાલી હાથ આમ કરી લો. તમે તમારામાં હોવ. વેવાઈ આવ્યા એ સારું થયું, આવું મનમાં વિચારાય નહિ, આવું બોલાય પણ નહિ.
તમે અમને વંદન કરવા આવો એ તમારાં તરફ ખુલતી વાત છે. કોઈ શ્રાવક વંદન કરવા આવે, કોઈ સાધુને થાય કે ભાઈ સારું કર્યું હો તો એ શ્રાવક જેટલી વિરાધના કરીને, કારમાં બેસીને / ગાડીમાં બેસીને અહિયા સુધી આવ્યો છે એ બધી વિરાધનાની અનુમોદનાનું પાપ એ સાધુને ચોંટી ગયું. તમે આવ્યા; અમને વાંધો પણ નથી કોઈ. કારણ કે તમે એવા ડૂબેલા છો કે સદ્ગુરુ પાસે જશો તો જ તરી શકશો. ઘણાને નિયમ હોય છે કે સાહેબજી ચાર મહિના હું બહાર નથી નીકળતો. હું કહું એને કે ચારે મહિના બહાર નથી નીકળતો, બહુ સારું છે; તો ચારે મહિના મારી પાસે પણ નહિ આવવાનું, મેં કીધું. પછી આવજે. તમારે એવો નિયમ નથી અને તમે કહો છો કે હું તો જાઉં જ છું બધે અને ક્યારેક મૂંઝવણ થઈ અને સદ્ગુરુ પાસે હું પહોંચી જાઉં; હું ના નથી પડતો. પણ કોઈ સાધુ, તમે આવ્યા એની અનુમોદના ન કરી શકે. એમ તમે પણ સામયિકમાં બેઠા છો, વેવાઈ આવી ગયા, બહુ સારું થયું, એવું મનમાં ન આવવું જોઈએ.
તો તમને લાગે છે કે આવા સામાયિક કેટલા તમારે થયા હશે? દુશ્મન માણસ કોઈ આવી જાય. ઉપાશ્રયમાં બેઠેલા છો. તમારી જેની જોડે આંખ લડેલી છે. શ્રાવકની આંખ લડેલી હોય જ નહિ કોઈની જોડે. પણ સમજી લો કે કદાચ લડેલી છે કોઈની જોડે. એ માણસ આવી ગયો ઉપાશ્રયમાં. તમે જોઈ ગયા. સાલો ધંધા કરે છે કાળા! ઉપાશ્રયમાં આવ્યો છે! મહારાજ સાહેબને ઠગવા આવ્યો છે! આવો દ્વેષ આવી ગયો કે તિરસ્કાર આવી ગયો; સમભાવ રહે ખરો? તમારું કરેમિ ભંતે તૂટી ગયું તો પછી. તમારું કરેમિ ભંતે તૂટી ગયું..!
અનંતવીર્ય ભગવાનના સ્તવનમાં જીનવિજય મહારાજે લખ્યું, બહુ વેધક પંક્તિ છે: ‘એક દિનમાં નવ વાર કરેમિ ભંતે કરું.’ કોઇ પણ સાધુ કે સાધ્વીને સમાચારી પ્રમાણે એક દિવસમાં નવ વાર કરેમિ ભંતે સૂત્ર રિપીટ કરવાનું હોય છે. તો શું કહ્યું? ‘એક દિનમાં નવ વાર કરેમિ ભંતે કરું, ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણ ક્ષણ એક નવિ ઠરું’ કમસેકમ ભગવાનની પાસે આપણે રડીએ તો ખરા.. કે પ્રભુ! તે આપેલું સામાયિક, હું ક્ષણે ક્ષણે તોડી રહ્યો છું, આ કેમ ચાલે પ્રભુ? તું કંઇક કૃપા કર. અને ચોવીસ કલાકમાં એક સામાયિક હું કરું છું, મારું એક સામાયિક સુવિશુદ્ધ બની જઉં જોઈએ.
તો કોન્શિયસ માઈન્ડ પરની જ્યાં સુધી સાધના હશે ત્યાં સુધી અસ્તિત્વના સ્તર ઉપર રહેલા કોઇ પણ દોષો જવાના નથી. શું પ્રભુનું શાસન તમને પહેલીવાર મળેલું છે? અરે પ્રભુ શાસનની વાત ક્યાં કરો..! દીક્ષા પણ તમને બધાને ભૂતકાળમાં કેટલીવાર મળી ગઈ છે. અને એટલે જ તો શાસ્ત્રોએ કહ્યું, ‘આ જીવાત્મા એ મેરુ જેટલા ઓઘા લીધેલા છે!’ કેટલા થયા? તમે લીધેલા છે ઓઘા આટલા…! દીક્ષા લીધી છે! દીક્ષા વખતે બધી ક્રિયાઓ તો કરેલી જ હોય. કરે જ, કોઈ પણ સાધુ કરે. તો બધી જ ક્રિયા કરવા છતાં, સાધના કરવા છતાં, ચૂક ક્યાં રહી ગઈ? હું મારી ભીતર પણ જોઉં છું કે મને પણ અગણિત વાર પ્રભુની કૃપા મળી, પ્રભુની સાધના મળી છતાં પણ મારો સંસાર કેમ ચાલુ રહ્યો? કારણ એક જ છે- હું પ્રભુની સાધનાને અસ્તિત્વના સ્તર ઉપર પહોંચાડી શક્યો નહિ.
તો એ જ પ્રભુની આપેલી સાધના અસ્તિત્વના સ્તર ઉપર પહોંચે એના માટે આપણી આ મથામણ છે ધ્યાનાભ્યાસમાં કે સમભાવનો અનુભવ હું કરું. કરેમિ ભંતે લઈને હું બેઠો પણ ખરો, એક પ્રતિજ્ઞા પણ લીધી, ‘કરેમિ ભંતે સામાઈયં. હે ભગવન! હું સમભાવમાં સ્થિર થાઉં છું. સાવજ્જં જોગં પચ્ચક્ખામિ. હું સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કરું છું. જેનાથી પાપમાં જવાય, રાગ-દ્વેષ વિગેરેમાં જવાય, એ બધી જ ક્રિયાઓનો હું નિષેધ કરું છું.’ આટલું બોલ્યા પછી પણ નિરંતર સમભાવનો અનુભવ થાય એવું બનતું નથી, કારણ શું?
હવે તમારાં ખ્યાલમાં આવ્યું ભાઈ? પકડમાં આવ્યું? વિકલ્પ તમને વિભાવમાં લઇ જાય છે. વિચારો ચાલુ હશે. આ વિચારો તો બહુ ઓછા છે, પેલા વિચારો ઘણા છે. સહેજ નિમિત્ત મળતાં વિચાર ક્યાં જશે..? અરે એક સ્મરણ આવશે તોય… ‘આજે પેલો ફોન આયો તો, શેરબજારમાં કડાકો બોલી ગયો હતો’; અહિયાં કડાકો બોલી ગયો સામયિકમાં પણ! બોલી જાય ને?
તો વિકલ્પોની બારી ખુલ્લી રાખી એટલે વિભાવ અંદર આવ્યો. તો વિકલ્પોની બારી બંધ હોય તો…? એટલે કોઇ પણ રાગ-દ્વેષ કે અહંકાર તમારી ભીતર આવે છે, (એ) તમારાં વિચારોના દ્વારથી આવે છે. વિચારોનું દ્વાર તમે બંધ કરી શકો તો જ તમે વિભાવોને તમારી ભીતર આવતા રોકી શકો.
આપણી પ્રોસેસ સાવ ખોટી હતી ને અત્યારસુધી? વિચાર આવ્યે જતા હતા વિભાવના અને સામયિકમાં છીએ આપણે, અહંકાર કર્યો! ક્યાં છે સામાયિક તમારી પાસે? સામયિક ક્યારે આવે? વિભાવ ન હોય તો સમભાવ. વિભાવ બંધ ક્યારે થાય? વિકલ્પોને ઓફ કરતા આવડે તો. એટલે વિકલ્પોનું, વિચારોનું મોનીટરીંગ તમારાં હાથમાં જોઈએ. ચાલો શુભ વિચારો આવે છે આવવા દો કહું છું, વાંધો નથી. શુભ વિચારો આવે છે, આવવા દો વાંધો નથી. જે ક્ષણે અશુભ વિચારો આવે એને ઓફ કરી શકો એમ છો તમે? આ શક્તિ આપવી છે. આપણે જે નિર્વિકલ્પ રહીએ છીએ ને ત્રીજા-ચોથા ચરણમાં એકાગ્ર થઈને, એનું કારણ આ જ છે કે તમને એક શક્તિ મળે, કોઇ પણ વિચાર તમારી સાધનાને પુષ્ટ કરનારો નથી, આવી ગયો તો એને ઓફ કરી શકો. દેરાસરમાં ગયા, ત્યાં પ્રભુને જ જોવાના હોય ને. પ્રભુને જુઓ છો, પ્રભુની વિતરાગદશાને વિચારો છો, કદાચ પ્રભુના મુખ પર રહેલાં પ્રશમરસને જુઓ છો. એક મજાની ધારા ચાલી તમારી ભીતર… વાહ! મારા ભગવાન! કદાચ એ પ્રભુને જોતા આંસુમાંથી પણ સરતા હશે તમારે. પણ એ વખતે કદાચ કોઈ વ્યક્તિ એવી આવી જાય દેરાસરમાં ગભારા પાસે, જેની જોડે તમારે આડવેર છે. પ્રભુનું દર્શન કરતા કરતા પેલાનું દર્શન તો તમે નહિ કરવાના ને પાછા? પ્રભુનું દર્શન કરવા માટે તમે ગયા છો, પેલાનું દર્શન તો તમે નહિ કરો ને, કહું છું? આ સાલો અહિયાં આવી ગયો..! આવા કાળા ધંધા કરનારો માણસ..! સાલું એને અને ભગવાનને શું લાગે વળગે?! લોકોને છેતરવા આવ્યો લાગે છે આ..! આ વિચાર આવ્યો તો ઓફ થઈ જવો જોઈએ. અરે! ભગવાન પાસે બેઠો છું. શુભ વિચાર મારે કરવાના છે, અશુભ વિચાર નહિ. આ નિયંત્રણની તાકાત તમારી પાસે ખરી? મન તમારું છે, તમે તમારાં મનના માલિક છો, તમારાં વિચારને તમારે ક્યારે સ્ટોપ કરવાના, તમારાં હાથમાં હોવું જોઈએ. મજુર છે, તમારો નોકર છે, તમારો પગારદાર છે. તમે કહો એ કામ કરે એ બરોબર, પણ ન કહો એ કામ કરે તો શું થાય? રસોડું સાફ કરવાના એને બદલે, તિજોરી પર હાથ મારે તો શું થાય? હરામખોર તિજોરીને કેમ અડે છે પણ? મારા બેડરૂમમાં કેમ તું આવ્યો, તને ના પાડી હતી તોપણ? તારે કરવાનું છે એટલું કામ કર, ન કરવાનું કામ તું કેમ કરે છે? કહી દો, ખખડાવી નાંખો ને? મનને ખખડાવોને… કે તારે શુભ વિચારમાં રહેવાનું, અશુભ વિચાર જો તે કર્યો ને… મનને કહી દો, હું નહિ ચલાવી દઉં. મન પર ઓર્ડર્સ આપો કંઈક. બાકી તો સવારે કહ્યું તેમ, નસરુદ્દીનના ગધેડા જેવું છે. આમાં સાધનાની ગાડી કેમ ચાલવાની?
અગણિત જન્મોથી જે ભૂલ ચાલી આવી છે એ વિચારોને ઓફ કરતા આપણને નથી આવડતા. શુભ વિચારો અશુભમાં પલટાય ત્યારે તાત્કાલિક એને બંધ કરતા નથી આવડતા, એને કારણે અગણિત જન્મોમાં સાધના મળી, પ્રભુની સાધના મળી, પ્રભુની અમૃત સાધના મળી અને છતાં એ અમૃતકુંભ ને આપણે ઢોળી નાંખ્યો, એ અમૃતકુંભનું એક બિંદુ પણ આપણે પીધું નહિ! એ જ ભૂલ આ જન્મમાં કરવી છે હવે? અનંતા જનમમાં જે ભૂલ થઈ એ ભૂલ આ જનમમાં કરવી છે? નહિ. તો નક્કી કરો કે બસ સમભાવનો અનુભવ કરવો છે, વિતરાગદશાનો અનુભવ કરવો છે, પ્રભુના એક-એક ગુણોનો અનુભવ કરવો છે. કારણ? એ ગુણ મારામાં છે જ. મારામાં સત્તામાં પડેલા જ છે બધા ગુણો. મારામાં રહેલાં ગુણો એનો અનુભવ હું ન કરું?! એના માટે precaution કેટલું? આટલું જ. અશુભ વિચાર જે ક્ષણે આવવા માંડે; એ ક્ષણે તમે એને ઓફ કરી શકો. એની ચાવી મળે એના માટે રોજ તમને ધ્યાનાભ્યાસ કરાવું છું. એકાગ્ર બની ગયા તમે. ત્રીજા ચરણમાં તમે એકાગ્ર બનો છો. માત્ર ‘તિત્થયરા મેં પસીયંતુ’ પદ પર તમારી પૂરી ચેતના વળગે છે. આવું ક્યારેય થયું જ નથી આપણા માટે. દેરાસરમાં આવ્યા હોઈએ ને, મન પાછું ઘૂમતું જ હોય પાછું. થોડીવાર પ્રભુમાં હોય, થોડીવાર પાછું… પાછળ ધબાકો થાય તો શું થાય? શું થયું ભાઈ? તમારું મન સતત ઘૂમતું રહે છે. એ વિવરીંગ માઈન્ડ ને એક જગ્યાએ સ્થાપિત કરવું, એ ત્રીજા ચરણમાં આપણે કરીએ છીએ. અને ચોથા ચરણમાં, આપણી ભીતર જે સમભાવ છે એને કેમ લેવો, એના માટે આપણે આપણા ઉપયોગને એકાગ્ર કરીએ છીએ કે મારે માત્ર સમભાવને લેવો છે, શાંતિ છે મારી ભીતર.. એકદમ શાંતિ છે.. મારે એનો અનુભવ કરવો છે. શાંતિ છે જ…
કોઇ પણ આત્મા હોય, નિગોદમાં રહેનારો. શાસ્ત્રો કહે છે, ‘રૂચકપ્રદેશના આઠ પ્રદેશો ખુલ્લાં જ હોય છે.’ રુચકના આઠ પ્રદેશો ખુલ્લાં જ હોય છે. કારણ? એ આઠ પ્રદેશો ખુલ્લાં ન હોય તો જીવ અને અજીવમાં કોઈ ફરક ન રહે. ચૈતન્ય જે છે એટલે આંશિક જ્ઞાન-આનંદ, આ બધું વહેતું જ હોય, ભલે આંશિકરૂપે હોય, બહુ સુક્ષ્મ હોય પણ વહેતુ જ હોય. જ્ઞાન-આનંદ ન હોય, એવું કોઈ વ્યક્તિત્વ હોઈ શકે જ નહિ. તો તમારો ગુણ છે આ… આનંદ તમારો ગુણ.. શાંતિ તમારો ગુણ.. પ્રસન્નતા તમારો ગુણ.. સમભાવ તમારો ગુણ.. સમભાવને કારણે આનંદ આવે, સમભાવને કારણે શાંતિ થાય. એ શાંતિ તમારી ભીતર છે.. છે.. અને છે… અનુભવ કેમ નથી થતો?
હું ઘણીવાર કહું- ઝરણાના કાંઠે કોઈ માણસ બેઠેલો હોય, સાંજનો સમય હોય, નિરવ શાંતિ છે, ઝરણાનો ખળખળ અવાજ, ઝરણાનું સંગીત સંભળાશે પણ ત્યાં કોઈ જાનનો વરઘોડો નીકળે અને ઢોલ-ધમાકા અને બેન્ડવાજા જોશથી વાગતા હોય તો ઝરણાનો અવાજ દબાઈ જશે. ફરી પાછા બેન્ડવાજા દુર જાય એટલે ફરી પાછો ઝરણાનો અવાજ સંભળાય. હવે સાલી તમે તકલીફ એ રાખી છે કે બેન્ડવાજા ચોવીસ કલાક ચાલે છે! તમારાં બેન્ડવાજા ઊંઘમાંયે બંધ નથી થતા હો..! જાગતા-જાગતા ચાલે છે. અને એ બેન્ડવાજાવાળાને બોલાવો છો ને, એનો ખર્ચ તમારે ચૂકવવો પડે છે, પાછો હો! તમે જેટલા વિભાવમાં જાઓ; એટલું પેમેન્ટ તમારે આપવું જ પડશે પાછું. કર્મ બંધાવાના છે, તમારે ઉદયમાં પાછુ ભોગવવાનું જ છે. એ બેન્ડવાજા મફતમાં નથી આવતા પાછા! તો ઝરણાનો મજાની ઠંડક, ઝરણાનું મધુર સંગીત તમારી ભીતર છે, પણ અનુભવ કેમ નથી કરી શકતા? બહારના બેન્ડવાજામાં મન અટવાઈ ગયું છે; મનને ત્યાંથી છૂટું કરો, મનને અહીંયા જોડો આટલું જ કરવાનું છે. ચાલો આપણે ધ્યાનાભ્યાસ કરી લઈએ.