Maun Dhyan Sadhana Shibir 11 – Vachana – 14

3 Views
28 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject: તું ગત મેરી જાને

મેં જગવાસી સહી દુઃખ રાશી, સો તો તુમસે ન છાને. પ્રભુ! તું મારી પીડાને જાણે છે. તારી પાસે રહેવું એ જ મારું સુખ અને તારાથી દૂર હોવું એ જ દુઃખ. તો પછી પ્રભુ! તું મને તારાથી દૂર કેમ રાખે છે? સિદ્ધશિલા ઉપર તારી જોડે હું હોઉં, તો મારા આનંદનો કોઈ પાર ન હોય! પણ હું સંસારમાં છું, પીડિત છું; છતાં તું મારી સંભાળ કેમ લેતો નથી?!

સબ લોકન મેં તેરી સત્તા, દેખત દરિશન જ્ઞાને. પ્રભુ! તું પૂરા લોકને કેવળજ્ઞાનથી જોઈ રહ્યો છે. એટલે તું તો જાણે જ છે કે મારી પીડા બહુ જ છે; તો તું મારી પીડાનો નિકાલ કેમ નથી લાવતો? કહીએ તો ન સુને કાને! તું મારી વાત કાને સાંભળતો કેમ નથી? ન મને તું તારી જોડે લઇ જાય, ન તું મારી જોડે આવે; આવું કેવી રીતે ચાલી શકે?

માં! તારી પાસે આવેલ છું; સ્વાનુભૂતિથી ઓછું મને કંઇ ખપશે નહિ! મને કંઈક ભેટમાં આપો આજે. સમ્યક્દર્શન, સ્વાનુભૂતિ મને આપી દો! સ્વનો અનુભવ એ જ તારો અનુભવ; પછી હું અને તું જુદા ક્યાં રહ્યા! સ્વાનુભૂતિ એ જ પરમાનુભુતિ. પછી સદાય પ્રભુ! તારા કેફમાં રહું, તારા પ્યારમાં રહું, તારા આપેલા આનંદમાં રહું; એથી વધુ કોઈ મારી ઈચ્છા નથી!

મૌન ધ્યાન સાધના શિબિર જીરાવલા વાચના – ૧૪

પરમતારક જીરાવલા દાદા. દુનિયા આખી તને દાદા તરીકે માને છે. પણ અમે લોકો માત્ર માં ના રૂપમાં જ તને સ્વીકારીએ છીએ. અને એટલે એક બાળક માં ની સાથે જે રીતે વાત કરે. એ જ લયમાં તારી સાથે વાતો કરવી છે. અને મને ખબર છે પ્રભુ કે નાનકડું તારું બાળક ગમે એમ બોલશે, તને મીઠું જ લાગવાનું છે! ઘણા બધા સ્તવનાકારોએ પ્રભુ તને માં કલ્પીને મજાની વાતો કરી છે. એવા એક સ્તવનાકાર છે, ભક્તિયોગાચાર્ય અમૃતવિજય મહારાજ. એમની સ્તવનાના શબ્દો દ્વારા તારી જોડે થોડી વાતો કરવી છે. બહુ જ મજાનો એમણે પ્રારંભ તારી સાથેની વાતનો કર્યો. એ ગોઠણી, ગુફ્તગુ જે આપણે કહીએ તે.

‘તું ગત મેરી જાને’ ‘ માં તું ગત મેરી જાને’ માં ને બાળક જોડે વાત કરવી છે અથવા બાળકને માં ની જોડે વાત કરવી છે, પ્રસ્તાવનાની જરૂર હોતી જ નથી. સીધી જ વાતની માંડણી થાય છે. ‘તું ગત મેરી જાને.’ પ્રભુ-માં તું મારી પીડાને જાણે છે. હા, મારી પીડા એક જ છે; તારા વગરના-તારાથી દુર મારે રહેવું પડે તે. તારી પાસે રહેવું એ જ એક માત્ર મારા માટે સુખ; તારાથી દુર હોવું એ જ મારા માટે દુઃખ. મારા માટે સુખ અને દુઃખની બીજી કોઈ જ વિભાવના નથી.

તો પ્રભુ તું મારી માં! કરુણામયી માં! સમર્થ માં! તું મને તારાથી દુર કેમ રાખે? તને ખબર છે. ‘મેં જગવાસી સહી દુઃખ રાશી, સો તો તુમસે નહિ છાને.’ હું સંસારમાં છું, માટે હું પીડિત છું. સિદ્ધશિલા ઉપર તારી જોડે હું હોઉં તો મારા આનંદનો કોઈ પાર ન હોય. તો હું સંસારમાં રહું છું, અત્યંત પીડિત છું તારા વિના; તું મારી સંભાળ કેમ નથી લેતી? હા, તું સમર્થ છે…

બાબુભાઈ કડીવાળાના શબ્દો યાદ આવે.. ‘મેં હું સંસાર કે હાથો મેં, સંસાર તુમ્હારે હાથો મેં.’ આખો સંસાર તારી મુઠ્ઠીમાં છે. તું ધારે તે કરી શકે છે. તો પછી તારા બાળકને તારી જોડે સિદ્ધશિલા ઉપર કેમ નથી બોલાવતો? ઉપમિતિમાં સિદ્ધર્ષીએ પણ આ જ વાત લખી: ‘तवायत्तो भवो धीर भवत्तारोЅपि ते वश:’ પ્રભુ સંસાર તારે અધિર છે, મોક્ષ પણ તારે અધિર છે. બેઉ તારી અધિર છે તો મને કેમ તારી જોડે તું લઇ જતો નથી? તું સમર્થ છે, મને ચોક્કસ ખ્યાલ છે. મારા પર તને ખુબ ભાવ છે, ખુબ પ્રેમ છે અને એટલે જ હું વિમાસણમાં પડું છું. આટલો બધો પ્યાર તારો અને છતાં હું તારાથી દુર છું, એ ખ્યાલ પણ છે અને છતાં તું મને ત્યાં કેમ બોલાવતી નથી? હા, તું એમ કહી ન શકે, તારો કાળ પરિપક્વ થયો નથી, તારી નિયતિ પરિપક્વ થઈ નથી, તને મોક્ષમાં શી રીતે લઇ જાઉં?

મહોપાધ્યાય યશોવિજય મહારાજે સ્પષ્ટ શબ્દોમાં તને કહેલું છે, “કાળ સ્વભાવ ભવિતવ્યતા, એ સઘળા તુજ દાસો રે, મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજને સબળ વિશ્વાસો રે” કાળ, સ્વભાવ, ભવિતવ્યતા બધું તારા હાથમાં છે. તારે મોક્ષ જેને આપવો હોય એને ક્ષણમાં તું મોક્ષ આપી શકે એમ છે. તો યક્ષ પ્રશ્ન એ છે કે તું કેમ નથી આપતો? હા તારો પ્રેમ ઓછો હોત તો હું પણ એમ માની લેત કે ચલો પ્રભુની નજરોમાંથી ઉતરી ગયો છું. તારો પ્રેમ અપાર મારા ઉપર છે અને હું તો તને બેહદ ચાહું જ છું. તને ખ્યાલ છે માં, માત્ર તને નહિ, તારી પ્રતિકૃતિને નહિ, તારા શબ્દોને પણ એટલા પ્યારથી ઝૂમીઝૂમી ને હું સાંભળું છું-વાંચું છું. તારા ભક્તો પણ મને એટલાં બધા  ગમે છે. તારી સાથે જોડાયેલી એક પણ ઘટના મને બેહદ રીતે ગમે છે.

પહેલી વાર ખ્યાલ આવ્યો કે આચારાંગસૂત્રમાં તારા જ શબ્દો સીધા આવેલા છે. પછી આચારાંગસુત્રો ઉપર એટલો બેહદ લગાવ લાગ્યો કે વર્ષો સુધી દર વર્ષે આચારાંગના એ સુત્રોમાંથી પસાર થવાનું ગમે. ‘आणाए मामगं धम्मं’ વાંચું ત્યારે મને લાગે કે પ્રભુ તું જ મને તારી વાતો કહી રહ્યો છે, કે બેટા! “આજ્ઞામાં જ મારો ધર્મ છે. મારી આજ્ઞાથી સહેજપણ ચ્યુત તું થયો તો એ મારો ધર્મ નથી.” મને ખ્યાલ છે પ્રભુ! દર વર્ષે આચારાંગજી સૂત્ર વાંચતો હતો, થોડી ભીનાશ પણ હતી પણ કદાચ તને અભિપ્રેત હોય એટલી ભીનાશ મારી પાસે નહોતી. અને એ ભીનાશ આપવા માટે તે કેટલી સરસ મારી કાળજી લીધી! તે જ મારી પાસે મહાભારત વંચાવરાવ્યું. મહાભારતની એક ઘટના મને એટલી સ્પર્શી ગઈ કે આચારાંગસૂત્ર વાંચવાનો મારો તરીકો આખો બદલાઈ ગયો.!

મહાભારતની મજાની ઘટના હતી: ઉદ્ધવજી વૃંદાવન ગયા છે. શ્રીકૃષ્ણ જોડે નથી. ઉદ્ધવજીને ખ્યાલ હતો કે વૃન્દાવનમાં ગોપીઓ કૃષ્ણની પરમ ભક્ત, કૃષ્ણના નામ ઉપર જીવનને ન્યોચ્છાવર કરે એવી છે. રથને જોશે એટલે એમને થશે શ્રીકૃષ્ણ આવ્યા છે, પણ શ્રી કૃષ્ણ તો આવતાં નથી આજે; તો શ્રી કૃષ્ણને નહિ જોવે એટલે ગોપીઓ ઉદાસ થઈ જશે, બેચેન થઈ જશે. વિચાર્યું, વચગાળાનો રસ્તો શું? ઉદ્ધવજી એટલે શ્રીકૃષ્ણના પરમ સખા, પરમમિત્ર. કૃષ્ણને કહ્યું, એક પત્ર ગોપીઓના નામ પર લખી આપો. કમસેકમ તમારો પત્ર એમને આપું એ સંતુષ્ટ થશે. શ્રીકૃષ્ણ એ પત્ર લખી આપ્યો. ઉદ્ધવજી વૃંદાવન આવ્યા અને ખરેખર ઉદ્ધવજીએ કલ્પ્યું હતું એમ, ૫૦-૬૦-૭૦ ગોપીઓ રથને વીંટળાઈ વળી. હમણાં શ્રીકૃષ્ણ બહાર નીકળશે, હમણાં અમને દર્શન આપશે. પણ શ્રીકૃષ્ણ તો હતા જ નહિ! ઉદ્ધવજી નીકળ્યા, એમણે કહ્યું, નિરાશ નહિ થતાં. શ્રીકૃષ્ણનો પત્ર હું લઈને આવ્યો છું. લ્યો આ પત્ર! મુખ્ય ગોપી હોય એ લઇ જાઓ, બધાને વાંચી સંભળાવો. બધી ગોપીઓ સામે, ઉદ્ધવજીના હાથમાં પત્ર, એક પણ ગોપી નજીક આવતી નથી, પત્રને લેવા માટે!

ઉદ્ધવજી વિચારમાં પડી ગયા; કૃષ્ણના નામ પર ઘેલી  થયેલી આ ગોપીઓ, શ્રી કૃષ્ણનો પત્ર આપું છું; એક પણ ગોપી લેવા માટે આગળ નથી આવતી. છે શું? ઉદ્ધવજી જ્ઞાની પુરુષ હતા; ગોપીઓ ભક્ત હતી. જ્ઞાની બુદ્ધિજીવી હોય છે; ભક્ત હૃદયજીવી હોય છે. બુદ્ધિજીવી પ્રભુને પામી શકે યા ન પણ પામી શકે. હૃદયજીવી-શ્રદ્ધાજીવી ચોક્કસ પ્રભુને પામી જાય છે! કદાચ ઉદ્ધવજીને શ્રી કૃષ્ણની જોડે રહેવા છતાં, શ્રીકૃષ્ણને પામતાં વાર લાગશે. ગોપીઓ-ભકતહૃદયી ગોપીઓ શ્રીકૃષ્ણને પામી ચુકી છે.! પાંચ મિનિટ- દસ મિનિટ ઉદ્ધવજી પત્ર લઈને ઉભા જ રહ્યા.! એક પણ ગોપી આવતી નથી આગળ, પત્ર લેવા માટે! શું થયું? ઉદ્ધવજીને ખબર પડતી નથી.!

સુરદાસજી-ભક્ત કવિ સુરદાસજી. પોતાના એક પદમાં આ ઘટનાની પડદા પાછળની વાત મુકેલી છે. બહુ પ્યારા સુરદાસજીના પદના શબ્દો છે. ‘પર સે ઝરે બીલો કે ભિંજે.’ પર સે ઝરે બીલો કે ભિંજે. ગોપીઓના મનની વાત સુરદાસજીએ પોતાના પદમાં મૂકી. ગોપીઓને થયું, કૃષ્ણનો પત્ર આવ્યો છે બરોબર.. આપણે હાથમાં પકડ્શું કઈ રીતે? કૃષ્ણ મળ્યા નથી..! કૃષ્ણના વિરહની વ્યથા પુરા અસ્તિત્વમાં છે..!

ભક્ત પાસે બે જ ચીજ છે. તડપન અને મિલનનો આનંદ. અને બહુ મજાની વાત તમને કહું, પ્રભુને. તમને તો ખ્યાલ છે પ્રભુ! મારી તડપનમાં પણ કેટલો આનંદ હોય છે? જો કે તડપનમાં પણ હું હતો. ઘણીવાર રાતોની રાતો રડ્યો છું તારા માટે. પણ કદાચ એ તડપનમાં આંશિક પીડાની અનુભૂતિ હતી. પણ નારદઋષિને વાંચ્યા પછી તડપન પણ મારો આનંદમય બની ગયો.

નારદઋષિએ એક બહુ સરસ શબ્દ, પ્રભુ! ભક્તિસૂત્રમાં આપ્યું: परमविरहासक्ति. परमविरहासक्ति. તમે પ્રભુના વિરહમાં હોવ છો ત્યારે એ વિરહની પીડા નથી હોતી; એ વિરહનું પણ એક આકર્ષણ, એક વિરહનું પણ એક ખેંચાણ, એ વિરહનું પણ એક સુખ હોય છે! પહેલી વાર એ વિરહાસક્તિ શબ્દ પ્રભુ નારદઋષિ દ્વારા તે મને આપ્યો! વિરહવ્યથા, વિરહપીડા આ બધા શબ્દોનો ખ્યાલ હતો. પણ विरहासक्ति શબ્દનો ખ્યાલ નહોતો. ઝૂમી ઉઠ્યો.. વાહ…! विरहासक्ति..! ખરેખર! તારા વિરહમાં પણ આનંદ છે! પછી ભક્તોને વાંચ્યા, ભક્તોને અનુભવ્યા અને ભક્તોએ કહ્યું, દુનિયાના કોઇ પણ મનગમતા પદાર્થના મિલનમાં કે મનગમતી વ્યક્તિના મિલનમાં જે સુખ કે રતિભાવ થાય છે, એના કરતા અનેક ગણો સુખનો ભાવ પ્રભુના વિરહમાં છે! તડપનમાં..! મિલનની વાત તો અલગ છે… તડપનમાં.! મેં પૂછેલું કે તડપનમાં આનંદ જરૂર આવે છે પણ તડપનમાં આનંદ આવે છે, એનું કારણ શું? મને જવાબ મળેલો કે વિરહ છે પણ કોનો છે? એનો છે.! માં નો વિરહ છે.! તો વિરહની એ ક્ષણોમાં તમે પ્રભુ સાથે એસોસિએટેડ થાઓ છો, પ્રભુ જોડે સંબદ્ધ થાવ છો; તો તડપનની ક્ષણોમાં પણ પ્રભુની પ્રસાદી ઉતરે છે.

તો ગોપીઓને થયું, કે તડપન છે. તડપનનો આનંદ પણ છે. પણ વિરહને અગ્નિ કહેલ છે. અગ્નિ જેમ દઝાડી નાંખે એમ વિરહ પણ ક્યારેક ક્યારેક દઝાડતો હોય છે. ક્યારેક શાતા પણ આપે. તો ગોપીઓને થયું, અમારા અસ્તિત્વમાં જો વિરહનો અગ્નિ છે તો અમે અમારા હાથથી અમારા પરમપ્રિયનો પત્ર લઈશું તો પત્ર બળી નહિ જાય?! પર સૈ ઝરૈ. અમે એનો સ્પર્શ કરશું. વિરહાગ્નિ અમારા અસ્તિત્વના કણકણમાં છે. એ વિરહની અગ્નિ વડે આ પત્ર બળી નહિ જાય? એટલે એક પણ ગોપી પત્રને આગળ લેવા આવતી નથી.! ચાલો ભાઈ પત્ર હાથમાં ન લો; નજીક આવીને વાંચો તો ખરા.! ત્યાં પણ મુશ્કેલી હતી.! ‘બીલો કે ભિંજે.’ નજીક આવીએ અને પરમપ્રિયના અક્ષરોને જોઈએ, એ પરમપ્રિયના શબ્દોને જોઈએ, આંખમાંથી આંસુની ધાર વહે અને એકદમ નજીક હોઈએ એ આંસુના બિંદુ એ પત્ર પર પડે; અક્ષરો ચહેરાઈ જાય.! એટલે નજીક આવીને વાંચવા પણ શી રીતે એ શબ્દો?!

આ મહાભારતની ઘટના પ્રભુ તે મને વંચાવી અને પછી આચારાંગજીને વાંચવાનો એક મજાનો આયામ મને સમજાયો કે પ્રભુના શબ્દોને કોરી આંખે ક્યારેય વાંચી શકાય નહિ. ને પછીની ઘટના મને યાદ છે પ્રભુ! આચારાંગજી વાંચતો, એનો સ્વાધ્યાય કરતો એ દિવસોના દિવસો સુધી મારી આંખો સતત ભીની રહેતી.! મારા પ્રભુના! મારા પરમપ્રિયના! અને મારી માં ના અક્ષરો! ભલે મારી માં થોડીક ભૌગોલિક રૂપે દુર છે, પણ એ મારી માં એ મને કેવો મજાનો સંદેશો આપ્યો છે! તો પ્રભુ તને તો બેહદ હું ચાહું જ છું.! તારા શબ્દોને પણ એટલાં બેહદ ચાહું છું.! અને તારા જે ભક્તો છે, બહુ જ પ્યારા ભક્તો થઈ ગયા હમણાં, એ ભક્તોને પણ હું ચાહું છું.! કારણ તારી સાથે સંકળાયેલી કોઇ પણ ઘટના મને બેહદ ગમે છે.!

ભક્તો એક ભક્તને કઈ રીતે ગમી શકે, એની વાત પ્રભુ તે મને ભાગવતમાં વંચાવેલી.! એ ભાગવતની એક પંક્તિ હજુ પણ મારા મનમાં જ છે. ‘आसामहो चरणरेणुजुषामहं स्यां। वृन्दावने किमपि गुल्मलतौषधीनाम्।‘ (आसामहो रेणुजुषामहं स्यां। वृन्दावने किमपि गुल्मलतौशरिराम् ।) ભાગવતમાં ભક્ત કહે છે, પ્રભુ! આવતા જનમમાં તારી પાસે રહેવાનું મળે તો ઘણું સારું, પણ કદાચ તારા ચરણોમાં રહેવાનું ન મળે, તો આ વૃંદાવનના એક રસ્તા પરની એક વેલડી બનવાનું પણ મને સૌભાગ્ય મળજો.! વૃંદાવનના રસ્તા પરની વેલડી… બસ ભક્તો, એ ગોપીઓ સતત એ રસ્તા પરથી તને મળવા માટે આવતી હોય; એ વિરહમાં કે આનંદમાં ઝૂમતી હોય, એ ગોપીઓની ચરણરજ એ વેલડીને મળશે.! તારી ચરણરજ મળે એટલે પ્રભુ મારા માટે બહુ મોટી વાત છે, પણ તારા ભક્તોની ચરણરજ મળે, એ પણ મારા માટે બહુ મોટી વસ્તુ છે.

પ્રભુ! તને આટલો બેહદ હું ચાહું.! તું મને તારાથી દુર કેમ રાખે? ‘મેં જગવાસી સહિ દુઃખરાશી, સો તો તુમસે નહિ છાને.’ હું સંસારમાં છું, માટે પીડિત છું. સંસારમાં છું એટલે બીજું કોઈ મને દુઃખ નથી. નરકમાં જાઉં તો નરકમાં જાઉં એમા શું છે? તું નથી એનું દુઃખ છે મને.!

રામવિજય મહારાજને એકવાર વાંચેલા. એમને સ્તવનામાં એમને એક અદ્ભુત્ત વાત કહેલી, જે ક્યાંય મને મળી નહોતી.! પ્રભુને આપણે ત્રિલોકેશ્વર કહી દઈએ, ત્રિભુવનેશ્વર કહી દઈએ, ત્રણ જગતના માલિક કહી દઈએ, પણ પ્રભુ રામવિજય મહારાજે તારા માટે શું કહ્યું? “નરક-નિગોદ તણા ધણી રે.” નરક અને નિગોદનો પણ માલિક તું છે. પ્રભુ મને નરકમાં રહેવામાં ય વાંધો નથી; તું મારી જોડે હોય તો.! પણ તું મારી જોડે ન હોય તો સ્વર્ગમાં પણ મારે રહેવું નથી! તો ચાલો પ્રભુ તારી પાસે એક option મૂકું. તું મને મોક્ષમાં ન લઇ જાય તો વાંધો નહિ; તું મારી ભીતર આવી જા! આજ તું મારા હૃદયમાં પ્રસ્થાપિત થઈ જા! એક લયમાં- એક અર્થમાં તું અંતરયામી છે જ પ્રભુ! મારા અંત:સ્તરની બધી વાતો જાણે છે, પણ મને એનાથી સંતોષ નથી! મારે બીજા સંદર્ભમાં તને અંતરયામી બનાવવો છે. અંતરયામી એટલે અંત:પ્રવિષ્ટ. તું મારા હૃદયની અંદર બેસેલો હોય! બસ તું મારા હૃદયમાં હોય ને, મને પછી કયાંય રહેવામાં વાંધો નથી.!

ભાગવતનો ભક્ત મને યાદ આવે. ભાગવતમાં ભક્ત કહે છે. ‘देवेन हृदि स्थितेन यथा नियुक्तोऽस्मि तथा करोमि।।’ (त्वया: ऋषिकेश हृदि स्थितेन यथा नियुक्तोऽस्मि तथा करोमि।। ) હે ઋષિકેશ! હે પ્રભુ! તું મારા હૃદયમાં છે! તું મને જેમ માર્ગદર્શન આપે છે, એમ હું કરું છું. બે ઓપ્શન માં આજે તને આપું છું; કાં તો મને મોક્ષમાં લઇ જા, નહીતો તારી પાસે. તું ત્યાં ન લઇ જાય તો તારે મારી જોડે આવવું પડશે.! THERE IS NO OTHER WAY. તું મને ચાહે જ છે તો બે જ માર્ગ તારા માટે છે. કાં તો તારી જોડે મને શાશ્વત સમય માટે રાખ! કાં તો તું મારી ભીતર આવી જા.!

એક વેદનાની મધમીઠી વાતો આગળ ચાલે છે કે પ્રભુ સાથે વાતો કરવાનું બહુ મન થાય ને પ્રભુ. વાતો કરવી તો પણ કોની જોડે કરવી? તું અંતર્યામી છે જરૂર. મારા ભાવોને બધાને જાણે છે તું. પણ તો ય હું મારા ભાવોને કેમ તને કહું છું? કે તારા સિવાય કોઈની જોડે બોલવાનું ગમતું નથી.! તો કંઈ પણ વાત કરવી હોય તારી જોડે જ કરવાનો છે.!

પ્રભુ! તું કેવળજ્ઞાની છું! કેવળદર્શી છું! બધું તું જાણે છે! ‘સબલોકન મેં તેરી સત્તા, દેખત દરિશન જ્ઞાને’ પુરા લોકને તું જોઈ રહ્યો છે, કેવળજ્ઞાનથી. ‘સબલોકન મેં તેરી સત્તા, દેખત દરિશન જ્ઞાને; ઇન કારણ ક્યાં તુજસે કહેવું.’ હવે તને શું કહેવું? તું તો જાણે જ છે કે મારી પીડા બહુ જ છે; તો તું મારી પીડાનો નિકાલ કેમ નથી લાવતો? અને એક બાળક માં વગર કેટલો ઝૂંઝલાઈ જાય! ભક્તના શબ્દો આવ્યા: “સબલોકન મેં તેરી સત્તા, દેખત દરિશન જ્ઞાને, ઈન કારણ ક્યાં તુમસે કહેવો, કહીએ તો ન સુને કાને.” તું મારી વાત કાને સાંભળતો તો છે નહિ! તું પરમપ્રિય માં! તને મારા ઉપર અત્યંત ભાવ. મારી પીડા કેવી છે, તું જાણે છે. છતાં તું મારી વાત પણ સાંભળે નહિ! ન મને તું તારી જોડે લઇ જાય! ન તું મારી જોડે આવે! કઈ રીતે ચાલી શકે? ‘કહીએ તો ન સુને કાને.’ બાળકને બધો અધિકાર છે હો.! ભક્ત જયારે બાળકની ભૂમિકામાં આવે છે ત્યારે બધો અધિકાર હોય છે. અને એ અધિકારનો ઉપયોગ ઘણા બધા શ્રેષ્ઠ ભક્તોએ કર્યો છે.

પ્રભુ ઉદયરત્નજી મહારાજ સાહેબ શંખેશ્વરમાં આવેલા, ખેડાથી સંઘ લઈને. એ વખતે એક વ્યક્તિના કબજામાં તારું આ સ્વરૂપ હતું. એ અધમ માણસ, બિચારો અનાડી માણસ, અજ્ઞાની માણસ, પેટીમાં તને પૂરી રાખતો. કોઇ પણ માણસ આવે, મારે પ્રભુનું દર્શન કરવું છે. કલાક લગાવે. આજ નહિ કાલે આવજો. કાલે નહિ પરમે આવજો. આ રીતે બધાને ટલ્લે ચડાવે. અને એવામાં ઉદયરત્નજી મહારાજ શંખેશ્વરમાં આવ્યા. કો’કે પૂછ્યું, પ્રભુ તમને દર્શન આપશે? એ વખતે ઉદયરત્ન મહારાજ સાહેબના શબ્દો હતા: હું તૈયાર છું એના દર્શન માટે, પ્રભુએ દર્શન આપવા જ પડે મને! પેલાં ભાઈને ખ્યાલ આવી ગયો, આજ તો મોટા મહારાજ સાહેબ આવ્યા છે.! દરેક મોટા મહારાજ સાહેબ શું કરે? પેલા ભાઈને કહે, ભાઈ! જરા ભગવાનના દર્શન કરાવો.! અને  ભગવાન જેની પાસે હોય, એ માણસ ભાવ તો ખાય, મહારાજ હમણાં નહિ! હમણાં મારે સ્નાન કરવાનું છે, પછી નાસ્તો કરીશ, બે કલાક પછી આવજો; હમણાં નહિ!

આજે પણ ખબર છે, મોટા મહારાજ સાહેબ આવ્યા છે. પાઘડું- બાગડું ચડાવીને ભાઈ સાબ બેસી ગયા, હમણાં મોટા મહારાજ સાહેબ આવશે, મને કહેશે ભાઈ! દર્શન કરાવો, આપણે ક્યાં દર્શન કરાવવા છે એમ?! ઉદયરત્નજી મહારાજ.! તારી જોડે પ્રભુ! ડાયરેક્ટ ડાયલીન્ગના માણસ.! એને કોઈ વચેટીયો જોઈતો નહોતો! સીધા જ તું જેમાં હતો, એ પેટીમાં હતો એ પેટી પાસે બેસી ગયા. પેલા ભાઈ વિચાર કરે, મહારાજ મારી પાસે કેમ નથી આવતા? પેટીને ખંભાતી તાળું ઠોક્યું છે, ચાવી મારી પાસે છે, એ દર્શન કેવી રીતે કરશે? ઉદયરત્નજી મહારાજને તાળું ક્યાં ખોલવું હતું? એ કહે એ ખોલશે, મારે ક્યાં ખોલવું છે. એને દર્શન આપવું છે તો એ ખોલી નાંખશે. મારે શું.? અને એટલે એમને ભક્તનો લય વાપર્યો, ‘સાર કર સાર કર સ્વામી શંખેશ્વરા. દેવ કાં એટલી વાર લાગે.?’ લ્યો! તમે આટલી બધી વાર લગાડો છો.? અમે આટલી દુરથી તમારા દર્શન કરવા આવીએ, તમે કેમ વાર લગાડો છો? જલ્દી દર્શન આપો. સહેજ વાર લાગે છે ને ભક્ત અકળાઈ જાય છે. ‘કોડી કરજોડી દરબાર આગે ખડા, ઠાકુરા-ચાકરા માન માગે.’ અમે તારા દ્વારે આવીને ઉભા છીએ તારા દર્શન માટે તું ભાવ પુછાવે છે? ભગવાનને કહે છે.! માન માંગે.! અમે લોકો દર્શન કરવા આવ્યા, બાળકો છીએ તારા, તું માં છે, દર્શન આપ.! ફટ કરતુ તાળું ખૂલી ગયું, પેટીનું ઢાંકણ ખૂલી ગયું; ભગવાનની મૂર્તિ અધ્ધર આવી, બધાએ દર્શન કર્યા.! ભક્તનો વિશેષાધિકાર. ઠાકુરા-ચકરા માન માંગે.! તું મારી પાસે માન મંગાવે છે?

હિંદુ પરંપરા માં આવી જ ઘટના ઉદયનાચાર્ય માટે કરેલી. ઉદયનાચાર્ય બહુ મોટા વિદ્વાન છે. એમના ન્યાય-કુસુમાંજલિ જેવા ગ્રંથો છે ને વાંચવા પણ ટફ પડે એવા છે. એ બહુ મોટા દર્શનાચાર્ય હતા. પણ માં તને તો ખ્યાલ છે, તારા ચરણે આવ્યા વિના કોઈને છૂટકો જ નથી.! શંકરાચાર્ય બહુ જ મોટા તાર્કિક, બહુ જ મોટા દર્શનાચાર્ય પણ એ ભક્ત બન્યા જ.! ભક્ત બન્યા વિના છૂટકો જ નહોતો.! હરીભદ્રાચાર્ય, હેમચંદ્રાચાર્ય, સિદ્ધસેન દિવાકરસૂરિ, બહુ મોટા તાર્કિક માણસો; બધાને તારા શરણે આવવું જ પડ્યું.! તારા શરણ વિના કોઈની મુક્તિ છે જ નહિ.! ઉદયનાચાર્ય બહુ જ મોટા વિદ્વાન, બહુ જ મોટા દાર્શનિક આચાર્ય, એટલાં જ મોટા પ્રભુના ભક્ત.! જયારે બૌદ્ધસંસ્કૃતિનું આક્રમણ ભારત પર આવ્યું અને આક્રમણ વધારે પડતું હતું; હિંદુ સંસ્કૃતિનો લોપ થઈ જાય એવો હતો ત્યારે એ જ ઉદયનાચાર્યે ઝંડો ઉઠાવ્યો. ભારતભરમાં ફરી વળ્યા. બધા જ બૌદ્ધાચાર્યો જોડે સંવાદ કર્યો, વિવાદ કર્યો. બૌદ્ધોને હાંકી કાઢ્યા અને હિંદુ સંસ્કૃતિનો ડંકો વગાડ્યો. એ ઉદયનાચાર્ય એક ગામમાં આવે છે. સેંકડો પોતાના શિષ્યોની જોડે. અને કલાપૂર્ણસૂરિ દાદાની જેમ.. જે પણ ગામમાં જાય પહેલા મંદિરે જવાનું, પ્રભુની ભક્તિ કરવાની, પછી બહાર આવવાનું. જ્યાં એ ગામમાં આવ્યા. એ ગામમાં ઘટના એવી બનેલી. મહાદેવજીનું મંદિર. અચાનક એ બંધ થઈ ગયું એકવાર. અચાનક. ઓટોમેટીક. કારણ કે ભગવાનને પણ કોઈ ભક્તની જરૂરિયાત હોય કે સાચો ભક્ત આવે ત્યારે દર્શન આપીશ. ઓટોમેટીક દ્વાર બંધ થઈ ગયા. ઘણા લોકોએ ઘણી-ઘણી-ઘણી પ્રાર્થના કરી, દ્વાર ખુલે જ નહિ પ્રભુના. એમાં ઉદયનાચાર્ય આ બાજુ આવે છે. ગામના લોકોને થયું આટલા મોટા ગુરુ આવે છે અને આટલા મોટા પ્રભુના ભક્ત છે; તો પ્રભુ એમને દર્શન આપશે જ. એટલે ઉદયનાચાર્ય ગામમાં આવ્યા. પહેલું પૂછ્યું મંદિર ક્યા છે? સાહેબ અહિયાં છે. મંદિર પાસે ગયા. દ્વાર બંધ હતું. પૂછ્યું કેમ ભાઈ? દ્વાર કેમ બંધ રાખ્યા છે આજે? સવારના નવ વાગી ગયા; ભગવાનના દ્વાર બંધ કેમ હોય? ગામનો આગેવાન આવ્યો. સાહેબજી અમને ખબર નથી પડતી. મહિના ઉપરનો ટાઇમ થયો. ઓટોમેટીક દ્વાર બંધ થઈ ગયા છે. ખુબ ખુબ ખુબ મહેનત કરી. દ્વાર ખુલતા જ નથી. હવે આજ આપ પધાર્યા છો તો પ્રભુ તમને દર્શન આપશે જ એવી મને આશા છે. અને એમને પ્રાર્થના કરી પ્રભુ દ્વાર ખોલી આપો; તો ય દ્વાર નહિ ખુલ્યા! અને પછી પ્રભુ તારી પાસે, ભક્તનો-બાળકનો વિશેષાધિકાર એમણે વાપર્યો છે! જે શબ્દો એમણે વાપર્યા છે.! એક બાળક જ માં ની સામે એ શબ્દો વાપરી શકે; બીજા કોઈનું ગજું નથી. શું શબ્દો એમણે વાપર્યા છે? ‘ઐશ્વર્ય મદમત્તોસિ , મામ્ અવગ્રાય તિષ્ઠસિ.’ ભગવાનને શું કહે છે? તું તારી પ્રભુતાના મદમાં.! મદમાં કહે છે.! તારી પ્રભુતાના અહંકારમાં ચકચૂર થઈ ગયો છે! કેમ? મામ્ અવગ્રાય તિષ્ઠસિ. તું બીજાને દર્શન ન આપે સમજ્યા; મને દર્શન ન આપે તું? અને પછી કહે છે. ‘સમાપતિતે તુ બૌદ્ધે, મદધિરા તવ સ્થિતિ.’ આ બૌદ્ધસંસ્કૃતિનું આક્રમણ આવ્યું ત્યારે ‘મદ અધિરા તવ સ્થિતિ.’ હું હતો; તો તું છે.! મેં જો એ બૌદ્ધ સંસ્કૃતિનું આક્રમણ ખાળ્યું ન હોત તો; આખો દેશ બૌદ્ધ બની જાત અને તારે ભારતમાંથી ઉચાળા ભરવા પડત.! મદ અધિરા તવ સ્થિતિ. હું હતો તો તું રહેલ છે.! પ્રભુ તું તો માં જ છે ને.! એ પણ ત્રિલોકેશ્વર! ત્રિભુવનેશ્વર! અને આ બાળકના શબ્દો તને ગમી ગયા..! વાહ! આ મારો ખરો બાળક છે કે બધા મને પ્રભુ તરીકે કહે, પ્રભુ તરીકે કહે. હું બિ કંટાળી ગયો.! આ પ્રભુ પ્રભુ પ્રભુ શું વળી.?! મને કોઈ માં તરીકે સંબોધેને તો મને મજા આવે.! અને માં તરીકે કહ્યું.. હું હતો, માં! તો તું રહી છે! ચાલ ચાલ બેટા! હવે બરોબર દર્શન આપી દઉં; અને દેરાસરના દ્વાર ખૂલી ગયા; ઉદયનાચાર્ય અંદર ગયા, ધ્રુસકે અને ધ્રુસકે રડ્યા છે.! એટલાં ઉંચી કક્ષાના એ ભક્ત હતા; પ્રભુને જોઈ અને એ ઢળી પડે.!

એક બહુ સારા ફિલોસોફરે લખ્યું છે. કદાચ ઓશો એ. કે આ આપણી ભારતની એક પરંપરા છે. શંકરાચાર્ય સૂત્ર આપે. ब्रह्म सत्यं जगन्मिथ्या (બ્રહ્મસત્ જગન્મિથ્યા.) એક માત્ર નિર્મલ આત્મતત્વ છે એ સત્ય છે; બીજું બધું મિથ્યા છે; અને એ શંકરાચાર્ય મહાદેવની પિંડની સામે નાચતા હોય.! આ ભારત છે. બેઉ સાચું. મૂર્તિ અસત્ય છે એ પણ સાચું; અને મૂર્તિ મારા ભાવ માટે સરસ છે. મારી માં છે. તું મારો ભાવ વ્યક્ત કરવા માટે બહુ સરસ માધ્યમ છે. તો ब्रह्म सत्यं जगन्मिथ्या બ્રહ્મસત્ જગન્મિથ્યા કહેવાવાળા શંકરાચાર્ય પ્રભુની સમક્ષ નાચતા હોય છે! માં છે!

તો ‘સબલોકન મેં તેરી સત્તા દેખત દરિશન જ્ઞાને, ઇન કારણ સે ક્યાં તુમસે કહેવો; કહીએ તો ન સુને કાને.’ બસ, બાળકને લાગ્યું extreme point આવી ગયો હવે. માં ને જરા કહેવું હતું તો કહી દીધું; તું મારી ખબર નથી રાખતી. “કહીએ તો ન સુને કાને.” આટલી સ્તવના કરીએ; “શિવગામી ભવથી ઉગારજો.” તમે શિવગામી થઈ ગયા; અમને કેમ સંસારમાં રાખ્યા? અને અલ્યા સાંભળતા જ નથી તમે? “કહીએ તો ન સુને કાને.!” અને પછી કહે છે, વાહ! પ્રભુ! આ તો છે ને, વાત કહેવાય, માં છે એટલે… બાળક ન બોલે તો માં ને નહિ ગમે ને. મેં તને આટલું કહ્યું ને, હવે તું મને ખરેખર કંઇક આપવાનો જ છે.! ‘અપનો હિ જાન નીવાજ કિજે, દેઈ સમકિત દાને.’ પણ માં તારી પાસે આવેલ છું; સ્વાનુભૂતિથી ઓછું મને કંઇ ખપશે નહિ! ‘અપનો હિ જાન નિવાજ કિજે.’ મને કંઈક ભેટમાં આપો આજે. ‘દેઈ સમકિત દાને.’ સમ્યક્દર્શન, સ્વાનુભૂતિ મને આપો. જ્યું અમૃત મન માને. બસ હું બાળક છું, મારું મન સંતુષ્ટ થઈ જશે. એ સ્વાનુભૂતિ આવી તો સ્વનો અનુભવ, એ જ તારો અનુભવ છે. તો હું અને તું ક્યાં જુદા રહ્યા હવે પછી? સ્વાનુભૂતિ એ જ પરમાનુભુતિ છે. સાધકના સ્તર ઉપર જે સ્વાનુભૂતિ તે જ ભક્તના સ્તર ઉપર પરમ અનુભૂતિ, માં ની અનુભૂતિ. તો સદાય પ્રભુ તારા કેફમાં રહું, તારા પ્યારમાં રહું, તારા અત્યંત અત્યંત અત્યંત આપેલા આનંદમાં રહું; એથી વધુ કોઈ મારી ઈચ્છા નથી. ‘અપનો હિ જાન નિવાજ કિજે, દેઈ સમકિત દાને, માનું અજીતપ્રભુ અરજી એ ઈતની, માનું જીરાવલા પ્રભુ અરજી એ ઇતની, જ્યું અમૃત મન માને.’ આજે ભલે આટલું બધું કીધું, ખોટું તમને લાગતું જ નથી ને. પણ હવે બાળક આવ્યો છે દ્વારે, તો તમારે બાળકનું મન તો મનાવવું પડશે ને? એમ બાળક પેક છે પાછો હો; કાં તો મોક્ષમાં લઇ જાઓ, નહિ તો તમે અહીંયા આવો. ને સ્વાનુભૂતિ એટલે તમે હૃદયમાં આવી ગયા. તો તમે હૃદયમાં ન આવો. સ્વાનુભૂતિ ન મળે; હું માનવાનો નથી.! તો બસ પ્રભુ! માં! તારા ચરણોમાં પ્રાર્થના આ સ્વાનુભૂતિ મને આપી દે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *