Maun Dhyan Sadhana Shibir 11 – Vachana – 3

3 Views
31 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject: અધ્યાત્મયોગ

પહેલું ચરણ અધ્યાત્મયોગ. અધ્યાત્મયોગનો પ્રારંભ સ્વાનુભૂતિથી થાય છે. જ્યાં સુધી સ્વાનુભૂતિ ન આવે, સમ્યગ્દર્શન ન પ્રગટે, ત્યાં સુધી અધ્યાત્મયોગ મળતો નથી. પ્રભુ સ્વાનુભૂતિ આપવા તૈયાર જ છે અને સ્વાનુભૂતિ કોઈ tough ઘટના નથી. પરનો રસ જ્યાં છૂટ્યો; સ્વનો રસ મળી જાય.

ત્રણ આસક્તિ તમને નડે છે: પદાર્થોની આસક્તિ, વ્યક્તિઓ પ્રત્યેની આસક્તિ અને શરીર પ્રત્યેની આસક્તિ. શરીરને જરૂર છે, તો પદાર્થો લઇ લો; પણ એ પદાર્થો પ્રત્યેનું attachment ક્યાંય ન હોય. સાધકનું ભોજન કેવું હોય? શરીર ખાય, શરીર પીવે; તમે માત્ર જોનાર હોવ. શરીરનું કામ શરીર કરે; તમારું કામ તમે કરો.

તમારું સુખ પદાર્થોથી છે? કે પછી માત્ર પરમાં સુખ છે – આવી તમારી ભ્રમણાના કારણે છે? પર પદાર્થોનો ઉપયોગ થાય એનો કોઈ વાંધો નથી પણ પરમાં સુખ છે – આ ભ્રમણા ન હોવી જોઈએ. આ ભ્રમણા જે દિવસે ટળી જશે, પરનો રસ પણ જશે અને પછી સ્વાનુભૂતિ દૂરની ઘટના નથી.

મૌન ધ્યાન સાધના શિબિર જીરાવલા વાચના – ૩

એક મજાનો આંતરયાત્રાનો પથ. અધ્યાત્મયોગથી વૃત્તિસંક્ષયયોગ સુધીનો.

પહેલો યોગ – પહેલું ચરણ અધ્યાત્મયોગ. અધ્યાત્મયોગનો પ્રારંભ સ્વાનુભૂતિથી થાય છે. જ્યાં સુધી સ્વાનુભૂતિ ન આવે, સમ્યગ્દર્શન ન પ્રગટે, ત્યાં સુધી અધ્યાત્મયોગ મળતો નથી. સ્વાનુભૂતિ આપણને જોઈએ જ છે.

એક આપણું અવતાર કૃત્ય આ છે, આ જન્મને અંતે સ્વાનુભૂતિ આપણે લઈને જ જવું છે. તમારો જો નિર્ધાર હોય ને સ્વાનુભૂતિ આ રહી. દૂર નથી. કોઈ પણ સાધનાની સિદ્ધિ માટે ત્રણ તત્વોની આવશ્યકતા છે. પ્રભુની કૃપા, સદ્ગુરુનો આશીર્વાદ અને સાધકની ઝંખના. પ્રભુની કૃપા નિરંતર વરસી રહી છે. એવું એક ક્ષણ નથી, એવું ક્ષણાર્ધ નથી જ્યારે પ્રભુની કૃપા ન વરસતી હોય. પ્રભુની કૃપા સતત વરસી રહી છે. એને કેમ ઝીલવી એ જ આપણે શીખવાનું છે. અને એટલે જ પુરી જૈન સાધનાનો આધાર Receptivity છે. Receptivity તમારી પાસે આવી ગઈ તો પ્રભુની કૃપાને આ ક્ષણે તમે ઝીલી શકો. આ હોલમાં કેટલા બધા ટી.વી. સ્ટેશનો દ્વારા છોડવામાં આવેલા દ્રશ્ય, શ્રાવ્ય તરંગો છે. તમને કે મને એકેય તરંગ પકડાતો નથી. ટી.વી. On કરો, તરંગો પકડાવા લાગે છે. ટી.વી. ની પાસે ક્ષમતા છે, receptivity છે, એ પરમાણુઓને ગ્રહણ કરવાની.. એ જ પ્રભુની કૃપાના આંદોલનો ક્યાં નથી?!

મહોપાધ્યાય યશોવિજય મહારાજ પંચવિંશતિકામાં કહે છે, ‘व्यक्तया शिवपदस्थोЅसौ, शक्त्या जयति सर्वग:’ વ્યક્તિ રૂપે પરમાત્મા સિદ્ધશિલા ઉપર છે અથવા તો સીમંધર સ્વામી ભગવાન આદિ મહાવિદેહક્ષેત્રમાં છે. શક્તિ રૂપે પરમાત્મા બ્રહ્માંડના કણ-કણમાં મોજુદ છે. શક્ત્યા જયતિ સર્વગ: એ શક્તિ એટલે આંદોલનો. કૃપાના આંદોલનો. આજ્ઞા શક્તિના આંદોલનો. તો એ કૃપા નિરંતર વરસી રહી છે. આપણે એને ઝીલવાની છે. ‘તિત્થયરા મે પસીયંતુ’ બોલીએ ને ત્યારે પ્રભુને કહેવાનું છે કે પ્રભુ! તું તો વરસી જ રહ્યો છે. પણ હું એને ઝીલી શકતો નથી. તો તારી કૃપા ધારાને ઝીલાવ.

એક ભાઈ એક જગ્યાએ ગયેલો, મહેમાન તરીકે, જજમાનને ત્યાં કિંમતી પુસ્તકો ઘણા બધા હતા. પણ વેરવિખેર છુટા-છવાયા પડેલા, કોઈ અલમારી પર, કોઈ પલંગ પર. પેલા ભાઈએ જજમાનને કહ્યું, આટલા સરસ કિંમતી પુસ્તકો છે તમારે ત્યાં તો એને સરસ મજાના કબાટમાં વસાવી દો ને? પેલા કહ્યું કે હા, વાત તો તમારી ખરી છે. પણ પુસ્તકો જેમની પાસેથી માંગીને લાવ્યો છું ને એમની પાસેથી કબાટ માંગવાની હિંમત હજુ આવી નથી! પણ તમારે હિંમત રાખવાની છે. કૃપા પણ તું આપ, વરસાવ પણ તું, ઝીલાવ પણ તું. તો પ્રભુની કૃપા સતત વરસી રહી છે. માત્ર મંદિરમાં જ નહિ, અહીંયા પણ, તમારી રૂમમાં પણ. Can you receive it? Receptivity હશે તો ઝીલાશે.

કલાપૂર્ણસૂરિદાદાને પૂછતાં, તો એ કહેતા કે પ્રભુ ક્યાં નથી…?! તમે પૂછો પ્રભુ ક્યાં છે? તો પ્રભુ ક્યાં નથી એ બોલ ને પહેલા… એમને બધે જ પ્રભુ દેખાતાં. તો પ્રભુની કૃપા સતત વરસી રહી છે. સદ્ગુરુનો શક્તિપાત નિરંતર ચાલુ છે. એક વાત તમને કહું, શક્તિપાત છે ને બહુ મજાની ઘટના છે. શક્તિપાત એટલે શું? સદ્ગુરુએ વર્ષો સુધી સાધના કરીને જે શક્તિ ભીતર એકટ્ઠી કરી છે, એ સીધી જ તમારામાં નાંખી દે. આને શક્તિપાતની process કહેવામાં આવે છે. એ સદ્ગુરુનો ધર્મલાભ શબ્દ નાનકડી ઘટના નથી. એ શબ્દ શક્તિપાત છે. કરેમિ ભંતે સૂત્ર સદ્ગુરુ દ્વારા મળે તો એ સામાન્ય ઘટના નથી. એ સદ્ગુરુનો શબ્દ શક્તિપાત છે. એટલે હું ઘણીવાર કહું છું કે ગુરુમુખે કરેમિ ભંતે તમને મળ્યું પછી તમે સમભાવને છોડો એમ નહિ, છોડી શકો નહિ. કારણ કે સદ્ગુરુનો શક્તિપાત તમને મળ્યો છે. ગરબડ ક્યાં થઇ? ગુરુ શક્તિપાત આપવા તૈયાર છે, શક્તિપાત ઝીલનારો ક્યાં છે? તો તમે પૂછશો, સાહેબ શક્તિપાતને ઝીલવો કેમ? તમારો અહોભાવ, તમારો ભક્તિભાવ extreme point પર આવી ગયો. તમે શક્તિપાતને ઝીલી શકશો.

અને આ જ સંદર્ભમાં હું ઘણીવાર કહું છું કે તમારી સાધનાનું composition શું? ૯૯%grace, ૧% effort. નવ્વાણું ટકા માત્ર કૃપા છે પ્રભુની, સદ્ગુરુની. પછી પરમચેતના અને ગુરુ ચેતના એક જ થઇ જાય છે. એક જ પ્રતિશત તમારો પ્રયત્ન છે અને પ્રયત્ન એ છે અહોભાવને સશક્ત રીતે ઉભારી દો. તો શું થશે? ગુરુની એ કૃપાને, પ્રભુની એ કૃપાને તમે સતત ઝીલી લેશો. તો પ્રભુની કૃપા વરસી રહી છે. સદ્ગુરુનો શક્તિપાત વરસી રહ્યો છે. માત્ર તમારી ઝંખના તીવ્ર થઇ ગઈ, સ્વાનુભૂતિ આ રહી. પ્રભુ તો તમને સ્વાનુભૂતિ આપવા માંગે છે એમ નથી કહેતો સ્વાનુભૂતિના શિખર ઉપર ચડાવવા માંગે છે. અનંત તીર્થંકર ભગવંતો થઇ ગયા, બધાની એક જ ઈચ્છા હતી, ‘સવિ જીવ કરું શાસન રસી’ અને એનો અર્થ એ થયો, કે મારા બધા જ જીવો મોક્ષમાં કેમ પહોંચે? પ્રભુનું જો ચાલત ને તો મને કે તમને એક ને પણ સંસારમાં રાખીને પ્રભુ મોક્ષમાં ન જાત. પણ આપણી પરિપક્વતા જ નહોતી. આપણું ઉપાદાન શુદ્ધ જ નહોતું. આપણે રહી ગયા, પ્રભુ જતા રહ્યા.

તો અનંત તીર્થંકરોની ઈચ્છા હતી કે તમે સ્વાનુભૂતિના શિખર ઉપર પહોંચી જાવ. મોક્ષ એટલે શું? સિદ્ધત્વ એટલે શું? સ્વાનુભૂતિનું ચરમ શિખર. તમે માત્ર સ્વયં સંપૂર્ણ બની ગયા. Actually તમે સ્વયં સંપૂર્ણ છો જ. તમે અપૂર્ણ છો જ નહિ. અને એટલે તો ભક્તિયોગાચાર્ય ભગવાનને કહે છે પ્રભુ! સત્તા રૂપે મારામાં અને તારામાં કોઈ અંતર નથી. પદ્મવિજય મહારાજે પંચાસરા પાર્શ્વનાથ પ્રભુના સ્તવનમાં કહ્યું, “આવિર્ભાવે તુજ સયલ ગુણ માહરે, પ્રચ્છન્ન ભાવથી જોય.” તારી પાસે અનંતા ગુણો ખુલ્લા છે, પ્રગટ થયેલા છે. મારી પાસે એ જ બધા ગુણો ઢંકાયેલા પડેલા છે કોઈ ફરક નથી. સત્તા રૂપે કોઈ ફરક નથી. તારી પાસે જેટલા ગુણો છે એટલા જ ગુણો મારી પાસે છે. માત્ર તે પ્રગટ કર્યા, મારા ઢંકાયેલા છે. સિદ્ધત્વ તમારી ભીતર છે. તમે સ્વયં સંપૂર્ણ છો.

આજના જે યોગી પુરુષો છે ને, એ ખરેખર એક અર્થમાં સ્વયં સંપૂર્ણ જ છે. અને તમે સ્વયં સંપૂર્ણ બનો ત્યારે શું કરવાનું છે ખબર છે? સાતમા ગુણઠાણાની ટોચ પર પહોંચો ને પછી પણ શું કરવાનું? Just sitting, and nothing to do. માત્ર ધ્યાનદશામાં સતત રહેવાનું હોય છે. સ્વયં સંપૂર્ણતા. પરમાં ક્યાંય જવાનું જ નથી. એક વાત પૂછું, આપણા બધા જ મુનિઓ સ્વાનુભૂતિ ઓછા-વત્તા અંશે લઈને જ આગળ વધેલા હોય છે. તમે એમને વંદન કરો છો. તમારો અહોભાવ આ પૂજનીય સાધુવર્ગ ઉપર, સાધ્વીજી ભગવતીઓ ઉપર છે. No doubt છે. પણ એક સવાલ આજે તમને આગળનો પૂછું? અમને લોકોને જોઇને તમને ઈર્ષ્યા આવે છે? અમે લોકો ever green, ever fresh છીએ. સદાને માટે પ્રસન્ન. હું તો ઘણીવાર મારા પ્રવચનમાં પણ કહું, રાત્રે ૧૨ વાગે અમારા ઉપાશ્રયમાં પુરુષોને આવવાની છૂટ છે. હું ભાઈઓને કહું તમે ગમે ત્યારે આવી શકો, અને અમારો કોઈ પણ સાધુ લમણે હાથ દઈને બેઠેલો હોય red handed એને પકડજો. મ.સા. તમે અને ઉદાસ કેમ હોઈ શકો…?! હોય જ નહિ! હોય ભાઈ? તમે લોકો ક્યારેય ઉદાસ હોય? ઉદાસીન રહેવાનું છે, ઉદાસ નહિ. ઉદાસીનદશામાં તો આવવાનું જ છે. સાધુ ઉદાસીન જ હોય.

દેવચંદ્રજી મ.સા. સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્દર્શન માટે એટલે કે જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવ જાણંગભાવ શબ્દ વાપરે છે અને સમ્યગ્ચારિત્ર માટે ઉદાસીનભાવ શબ્દ વાપરે છે. સાધુ ઉદાસીન જ હોય. ઉદ્દ + આસીન્. સંસારના બધા પ્રવાહોથી ઉંચે ઉઠેલો. એટલે કે સંસારના કોઈ પ્રવાહ સાથે નથી કંઈ લાગતું, નથી કંઈ વળગતું. તો મારો સવાલ તમને છે, કે અમને જોઇને તમને ઈર્ષ્યા આવે છે? આ બધા મહાત્માઓ પાસે સ્વાનુભૂતિ છે. તો જ આનંદમાં છે.

૪૫ ડિગ્રી ગરમી તમે મુંબઈમાં વાંચતા હતા. ગુજરાતમાં, રાજસ્થાનમાં ૪૫, ૪૬, ૪૭ point ગરમી છે. ઘણા વિચારતાં હતા કે જીરાવલા જવું કે ન જવું…  એ ગરમીમાં તમે આવ્યા હોત ને ક્યારેક તો ખબર પડત કેવા મસ્ત છીએ અમે! જો કે જીરાવલા દાદા બહુ જ કૃપાવતાર છે. એમને લાગ્યું સૂંવાળા સાધકો. સાલું પાંચ પાંચ ધ્યાનાભ્યાસ સુધી આ હોલમાં બેસી શકશે? ઠીક છે તમારા રૂમમાં તો પંખો, ac બધું હશે. અહીંયા તો કંઈ નથી. જીરાવલા દાદાએ કેવી મજાની સુવિધા કરી આપી… એકદમ ઠંડક કરી આપી ને…? તો સ્વાનુભૂતિ ગમી? મારો સવાલ છે તમને?

દેવચંદ્રજી મ.સા. સુમતિનાથ ભગવાનના સ્તવનમાં કહે છે, તીવ્ર ઝંખના અને પ્રાપ્તિ વચ્ચે કોઈ અંતર નથી. જે ક્ષણે તીવ્ર ઝંખના થઇ પ્રાપ્તિ આ રહી. પ્રભુ પણ દૂર નથી, સ્વાનુભૂતિ પણ દૂર નથી. એક ભક્તે કહેલું, he is closer to me than my self. પ્રભુ મારી જાત કરતાં પણ વધુ નજદીક લાગે છે. એ જ વાત આપણા ભજનીક અખાએ કહેલી, હરિને હિંડતા લાગે હાથ. હું ચાલુ છું, મારો હાથ પરમાત્માને touch થાય છે. તો એ પરમાત્માની કૃપા વરસી રહી છે. એ સદ્ગુરુનો આશીર્વાદ વરસી રહ્યો છે. શક્તિપાત રૂપે, માત્ર તમારી ઝંખના તીવ્ર બની ગઈ. સ્વાનુભૂતિ મળી જાય.

આજનો માણસ બહારની દુનિયામાં શું નથી મેળવતો એ તો મને કહો… એવરેસ્ટ હિમાલયનું શિખર એને ચડવું કેટલું દુર્લભ! આજે મીડિયાવાળા કહે છે, એવરેસ્ટ પર ચડનારા એટલા બધા વધી ગયા છે, કે ત્યાં આપણો કચરો ભેગો થઇ રહ્યો છે. એવરેસ્ટ! સહેલાઈથી ચડનારા ઘણા માણસો છે. બહુ દુષ્કર છે, બહુ ટફ છે. ઓક્સિજન એકદમ ઓછો હોય, હવા એકદમ પાતળી થયેલી હોય, શ્વાસ લેવાની મુશ્કેલી પડતી હોય ત્યાં મોટી-મોટી શીલાઓ જ ચડવાની હોય છે, દોરડાંઓથી… છતાં બધું જ કરે છે. રાત્રે પોતાની બેગમાં પુરાઈ જાય. વસ્ત્રની જે bag હોય એમાં પુરાઈ જાય તો ય ઠંડીમાં ઠુંઠવાતા હોય છે. આવી ઠંડીમાં એવરેસ્ટ પર ચડનારા ઘણા છે. કેમ? માત્ર ઈચ્છા ચડવું છે. એવરેસ્ટ સર કરવો છે. જોકે એવરેસ્ટ સર કરનારા શું માને? એવરેસ્ટ મેં સર કર્યો.

એક ઝેન આશ્રમમાં બહુ મજાની તકતી લાગેલી, ત્યાં Tenzing Hillary પહેલીવાર એવરેસ્ટ પર ચડ્યો. બધાએ શું કર્યું? મીડિયાવાળાએ, એવરેસ્ટે Tenzing એ સર કરી લીધો. એક ઝેન આશ્રમમાં મજાની તકતી લખેલી, એવરેસ્ટ શિખરે Tenzing ને આવવા દીધો. તમે એને સર કરતાં નથી. એ તમને આવવા દે છે. સ્વાનુભૂતિને પણ સર કરવાની નથી. પ્રભુ સ્વાનુભૂતિ આપે છે. તો ફરી પૂછું સ્વાનુભૂતિ જોઈએ? ઝંખના તીવ્ર બની ને તો આપણે સવારે કહ્યું હતું એમ.. પરનો અનુભવ છૂટી જવાનો. પરનો રસ જ્યાં છૂટ્યો; સ્વનો રસ મળી ગયો. આટલી જ નાનકડી વાત છે. સ્વાનુભૂતિ કોઈ ટફ ઘટના નથી. પરનો રસ ઘટ્યો. સ્વનો રસ મળી ગયો.

Bertrand Russell એ એક સરસ સૂત્ર આપ્યું છે, the less i have the more i am. The less i have the more i am. આપણા બહુ મોટા ભાષાવી કાકા કાલેલકરે એનું ગુજરાતીમાં અનુવાદ કરેલો, મારી મત્તા જેમ ઓછી, મારી સત્તા તેમ વ્યાપકી. The less i have the more i am. જેટલા પદાર્થો ઓછા, જેટલો બહારની વ્યક્તિઓ જોડેનો સંપર્ક ઓછો એટલી જ મજા તમારી પાસે છે. તમે તમારી સ્વયં સંપૂર્ણતાનો અનુભવ નથી કરતાં માટે બીજાની ઈચ્છા કરો છો. યુરોપમાં કહેવત છે, two is the company, three is the crowd. બે જણા ભેગા થયા તો કંપની કહેવાય. ત્રણ-ચાર-પાંચ ભેગા થાય તો ટોળું. પણ એ યુરોપની કહેવત છે. આપણે ત્યાં શું કહેવાય? ભારતમાં… One is the company and two is the crowd. તમારે એકલાને તમારી કંપનીમાં રહેવાનું છે. તમે સ્વયં સંપૂર્ણ છો. તમારે કોની જરૂરિયાત છે? તમે લોકો કોઈ સાધુ મહાત્મા પાસે જાવ એ તમારા તરફ ખુલતી વાત છે. તમારે જવું જ જોઈએ. એમની પ્રેરણા લેવા, એમની પાસેથી કંઈ શીખવા માટે, એમના ત્યાગને જોવા માટે, એમના આનંદને જોવા માટે પણ કોઈ પણ સાધુ ઈચ્છા નથી રાખતો, કોઈ પણ સાધ્વી ઈચ્છા નથી રાખતી મારી પાસે કોઈ આવે. એ સ્વયં સંપૂર્ણ છે. કોઈની જરૂરિયાત નહિ. માત્ર દેહને જરૂરી પદાર્થો વાપરી લે છે. બાકી ન કોઈ વ્યક્તિ જોડે સંપર્ક છે. ન body attachment છે.

ત્રણ આસક્તિ તમને નડે છે. પદાર્થોની આસક્તિ. વ્યક્તિઓ પ્રત્યેની આસક્તિ અને શરીર પ્રત્યેની આસક્તિ. પદાર્થો શરીરને જરૂર છે તો લઇ લો. જમવા માટે ગયા, રોટલી, શાક, દાળ, ભાત લઇ લીધું. જમી લીધું. વાત પુરી થઇ ગઈ. ફૂલસ્ટોપ ત્યાં જ મુકાઇ ગયું. એ થાળી ધોતાં ધોતાં ફૂલસ્ટોપ. રોટલી ને શાક ત્યાં જ રહ્યા ભોજનશાળામાં. તમારી જોડે જોડે ન આવે હોં! તમારી તકલીફ આ છે. એ ચા ખાલી કીટલીમાં નથી રહેતી, તમારા મગજમાં આવે. Tasty ચા પીધી. વાહ! બહુ મજા આવી ગઈ હો! અડધો કલાક સુધી કેફમાં હોય! શું પણ…! ચા જોઈતી હતી. પી લીધી, વાત પુરી થઇ ગઈ.

બોલો એક વાત પૂછું? તમારો નોકર છે, તમે કામ સોંપ્યું, પાણી લઇ આવ. એ રેફ્રીજેટર પાસે જશે કે માટલા પાસે જશે. પાણી પ્યાલામાં ભરશે, તમારા માટે લાવશે. હવે નોકર ફ્રીજ પાસે કે માટલા પાસે જાય તો પાછળ પાછળ જવાના ખરા? તમે જવાના? બોસ જશે? બોસ ખુરશી પર બેઠો રહેશે. પેલો ગ્લાસ મુકશે એટલે પી લેશે. તો નોકરનું કામ જુદું, બોસનું કામ… બરોબર ને…? એમ શરીરનું કામ જુદું, તમારું કામ જુદું. ચા તમારે ક્યાં પીવાની? શરીરને પીવાની છે. શરીરે પી લીધી. શરીર બિચારું ક્યાં યાદ રાખવા જાય છે?! શરીર પાસે કોઈ memory નથી હો… તમારી પાસે memory છે. બુદ્ધિ શક્તિ તમારી પાસે છે. શરીર પાસે નથી. Memory મનનો વિષય છે. શરીરનો વિષય નથી. ખાય શરીર, ભાર ઉપાડે મન! આ ક્યાં નો ન્યાય? એ તો મને કહો. આપણા ત્યાં કહેવત છે, જમવામાં ઝઘડો, ને કૂટવામાં ઢગલો. જગાભાઈ હતા ને નાતનું જ્યારે પણ જમણવાર હોય ત્યાં પહોંચી જાય. કોઈ મરી જાય તો પંચ્યું પહેરીને જવાનું હોય તો ભગાભાઈ તમે જઈ આવો કહે છે. કાળમાં તમે જઈ આવો. જાનમાં હું જઈશ. ખાય શરીર, ભાર તમારે ઉપાડવાનો?! તમે memory માં આ વાત રાખો છો શા માટે? Memory card એવું રાખો એમાં જરૂરી જ memory સંગ્રહિત રહે. ચા સારી પીધી એ memory card માં ભરવાની જરૂર ખરી કંઈ? મારે તમને પૂછવું છે? પીવાની હતી પી લીધી, વાત પુરી થઇ ગઈ. Memory card માં કેમ નાંખો છો એને…? એ તમારું memory card છે ને ખોટી માહિતીથી છલકાઈ ગયું છે, પછી અમે લોકો feed કરવા માંગીએ feed થતું જ નથી પછી. ક્યાંથી થાય…?! કચરો જ ભરેલો છે.

તમે સમજી ગયા.. નોકરનું કામ નોકર કરે, શેઠનું કામ શેઠ કરે. શરીરનું કામ શરીર કરે. તમારું કામ તમે કરો. ખાય શરીર, પીએ શરીર, તમે જુઓ છો.

એક સાધકના ભોજનમાં અને સામાન્ય માણસના ભોજનમાં અંતર શું? અંતર આ જ છે. સાધક માત્ર દ્રષ્ટા તરીકે ખાય છે. એ પણ જરૂર પડે તો ખાય છે. ગુફામાં રહેનાર એવા મુનિઓ હતા, અઠવાડિયા સુધી જરૂરત ન લાગે તો ભિક્ષાએ જતા નહિ. એકાકી સાધના કરતાં. ચાલો શરીરને જરૂર નથી, શા માટે ભિક્ષાએ લેવી..? અઠવાડિયે લાગે કે આંખોની રોશની સહેજ ઝંખવાય છે, ઈર્યાસમિતિમાં થોડી તકલીફ પડશે. અથવા તો શરીર પાસે ૨૪ કલાક કામ લેવું છે, કાયોત્સર્ગ કરવો છે, ધ્યાનમાં રહેવું છે, ઉભા ઉભા રહેવું છે ધ્યાનમાં, એના માટે શરીર હવે કામ નથી કરતું તો શરીરને કંઈક આપી દઈએ. નોકરને પગાર આપવો, એ જ ભાવ શરીરને ખોરાક આપવા માટે એમનો હતો. અને જેમ નોકર કામ ન કરે, છૂટો થાય, પછી પગાર આપવાનો તમારે હોય નહિ. એમ એ મહાપુરુષોને પણ શરીર કામ કરતું ન લાગે, લાગે કે આ શરીરથી સાધના થાય એવી નથી તો અણસણ સ્વીકારી લેતાં. બસ હવે પગાર આપવાનું બંધ. તો પદાર્થો પ્રત્યેનું attachment ઘટી જાય, વ્યક્તિઓ પ્રત્યેનું attachment ઘટી જાય.

તમે મૌનમાં રહ્યા ને એક મોટો ફાયદો એ થશે, પદાર્થોનું attachment છૂટી જશે. એક વાત તમને પૂછું, આ મોબાઈલ તમારી કેટલી energy, કેટલો time વેસ્ટ કરે છે ખબર છે? ક્યારેય હિસાબ કાઢ્યો? આજના બધા માણસોને વ્યસન પડી ગયું છે. અડધો કલાક છે ને જોઈ લે… કોના સંદેશ આવ્યા હતા…? આજ તો whatsapp ઉપર લગભગ ઉપરનો માળ ખાલી હોય એવા માણસો જ લખતાં હોય છે બહુ… જેનો ઉપલો માળ સાબુદ છે એ બધા વાંચે છે પાછા! નવાઈ તો મને આ લાગે છે. ક્યારેય મીડિયામાં કોકના whatsapp વાંચીએ; લાગે સાવ એનો ઉપરનો માળ ખાલી છે ને લખેલું છે. હનુમાન કઈ જાતિના હતા એના પર લખવા મંડી પડે. કો’ક કહે હનુમાન આદિવાસી હતો. કોઈ કહે મુસ્લિમ હતો, કોઈ કહે આ હતો.. લાગે કે ઉપલો માળ ખાલી હોય એ જ માણસ આ લખી શકે. એ લખતા પાછો રાજનેતા કહેવાતો હોય હો! તમારો રાજનેતા.. અમારે કંઈ નહિ. પણ ઉપલો જેનો માળ ખાલી છે એ લખે છે, એ chatting કરે છે, એ twitt કરે છે. તમારે twitt વાંચવાની કોઈ જરૂર ખરી? ભગવાનનો સંદેશો આવે એના માટે twitter રાખો ને તમારું. આ હરામખોર માણસોના twitt થી તમને શું મળવાનું?

તો મોબાઈલ તમારો કેટલી energy ખાઈ જાય, તમારો સમય ખાઈ જાય છે. આમ આરાધનાની, સાધનાની વાત આવે તો તમે શું કહો, સાહેબ સમય નથી મળતો. આમાં કેટલો time ગયો એ તો તું જો પણ! અને જેમ-જેમ મોબાઈલ free થતાં ગયા, એમ તમારું બોલવાનું વધી ગયું. કામ હોય કે ન હોય ખાલી વાતો કર્યા જ કરશો. ક્યાં બિલ ચડે છે હવે..! અરે! એ બિલ નથી ચડતું ટેલિફોન કંપનીનું, પણ કર્મસત્તાનું બિલ ચડે એની ખબર છે?

બહુ મજાની વાત by the way કહું, તમે વિચારો, બોલો યા કોઈ કાર્ય કરો એમાં તમારી આત્મશક્તિ વપરાય છે. તમારી આત્મશક્તિ, તમારો ઉપયોગ પ્રવૃત્ત ન થાય ત્યાં સુધી એક પણ મન, વચન, કાયાનો યોગો પ્રવૃત્ત થઇ શકે નહિ. માણસ બેહોશ છે, conscious mind એનું અત્યારે ઉપયોગમાં નથી. તો બીજી શક્તિઓ જાગૃત્ત હશે તો પણ કામ નહિ કરે. ઊંઘી ગયા છો તમે, તમને ખ્યાલ પણ નહિ આવે. તમારો ઉપયોગ મન,વચન, કાયા ના યોગોને મળે, ત્યારે જ એ યોગો પ્રવૃત્ત થાય છે. વિચારો છે એમાં આત્મ ઉપયોગ તમારો વેસ્ટ થાય છે. આ વાત દેવચંદ્રજી મ.સા. એ અષ્ટપ્રવચનમાતાની સજ્ઝાયમાં કહી. એમણે બહુ સરસ આપણી ગુજરાતીમાં આવેલા શબ્દો છે. ‘ભાષા વર્ગણ પુદ્ગલા, ગ્રહણ નિસર્ગ ઉપાધિ, કરવા આતમવીર્યને, શાને પ્રેરે સાધ’ ગુજરાતી ભાષામાં આવેલું એક સશક્ત સાધના સૂત્ર આ છે. ‘ભાષા વર્ગણ પુદ્ગલા, ગ્રહણ નિસર્ગ ઉપાધિ, કરવા આતમવીર્યને, શાને પ્રેરે સાધ’ એકદમ સરળ ભાષામાં લખ્યું, બોલો છો ત્યારે તમે શું કરો છો? ભાષાવર્ગણાના પુદ્ગલો તમારી આજુબાજુમાં છે. જેવું તમારે બોલવું છે, એવા ભાષા વર્ગણાના પુદ્ગલો તમે પકડો છો. અને શબ્દ રૂપે પરિણમાવી ને છોડી દો છો. તો દેવચંદ્રજી મહારાજ પૂછે છે પુદ્ગલોને પકડવાના અને પુદ્ગલોને છોડવાના! એના માટે તું તારો આત્મોપયોગ વેસ્ટ કરી રહ્યો છે?! પકડવાનું શું? પુદ્ગલ. ફેંકવાનું શું? પુદ્ગલ. એના માટે ઉપયોગ કયો જાય? આત્મા.

વિનોબાજીએ લખેલી એક વાત હું ઘણીવાર હું કહેતો હોઉં છું. વિનોબાજીએ લખેલું, એક ખેડૂત હતો, એને બે ખેતર. એકમાં શેરડી વાવેલી, એકમાં રાઈ વાવેલી. કૂવો એક જ હતો. પાઈપલાઈન બિછાવેલી. એ જ કૂવામાંથી પાણી કાઢે શેરડીના ખેતરમાં મુકે ત્યારે એ પાણી શેરડીની મીઠાશને ઉભારે. શેરડી પાકશે પાણીથી. તો શેરડીમાં મીઠાશ આ પાણીના કારણે આવે. એ જ પાણી રાઈના ખેતરમાં મુકશે ત્યારે રાઈની તીખાશને ઉભારશે. રાઈ તીખી છે. એ તીખાશને ઉભારી કોણે? આ પાણીએ. પાણી એટલે આત્મોપયોગ. શુભમાં પણ જઈ શકશે, અશુભમાં પણ જઈ શકશે. પ્રભુના વચનો ઉપર તમે કંઈક બોલો, even સ્તવન પણ તમે બોલો તો આત્મોપયોગને તમે સારા માર્ગે વાપરી રહ્યા છો. કે વચનયોગ સારી રીતે પ્રવ્રજિત થયો. ગાળો જ બોલી રહ્યા છો તમે, બિનજરૂરી તમે બોલી રહ્યા છો, તો તમે તમારા આત્મ-ઉપયોગને વેસ્ટ કર્યો. મોબાઈલ વિના અઠવાડિયું રહેવાનું છે ને તમારે? ફાવી જાય ને, તો મોબાઈલનું ડોઘલું આ જીરાવલાની કચરા ટોપલીમાં ફેંકીને જતાં રહેજો. નહિતર એટલું નક્કી કરીને જજો, એકદમ જરૂરી હોય તો ફોન કરવો. નહિતર નહિ. Incoming જ રાખો, out coming રાખવાનું નહિ. ફોન અગત્યનો આવે તો વાત કરી લેવાની, અગત્યનો હોય તો… તો પરનો રસ નહિ છૂટે ત્યાં સુધી સ્વની અનુભૂતિ ક્યાંથી થશે?

તો પરનો રસ છોડવો છે? પહેલી વાત એ છે. સ્વાનુભૂતિ બહુ સરળ છે. જે-જે લોકો પામ્યા સ્વાનુભૂતિ એ બધાનું statement એક જ રહ્યું, it was so easy. It was so easy. આટલું બધું આ સરળ હતું..! આટલું બધું સરળ…!

ભજનિક અખાએ કીધું, “તરણા ઓથે ડુંગર, ડુંગર કોઈ દેખે નહિ” બહુ પ્યારી વાત. “તરણા ઓથે ડુંગર, ડુંગર કોઈ દેખે નહિ” skyscraper  બિલ્ડીંગોની પાછળ કે વૃક્ષોના બહુ મોટા ઝુંડની પાછળ નાનકડો પર્વત છુપાઈ જાય એ તો બની શકે પણ તમારા હાથમાં એક તણખલું છે, તણખલાની આડે પર્વત છુપાઈ શકે ખરો? અત્યાર સુધી શું થયું? માત્ર મિથ્યા ભ્રમનો એક તણખલું હતું તમારી પાસે, અને એને કારણે સત્યનો, સ્વાનુભૂતિનો ડુંગર તમારાથી દૂર રહ્યો. શું છે તમારી પાસે..? જો તમારી પાસે સ્વાનુભૂતિ નથી તો શું છે? માત્ર એક તણખલું. છે શું? Even તમે શું કરી રહ્યા છો, એ તમે જોવો છો? 

દરેક માણસ સુખનો ઇચ્છુક તો હોય જ. તમારે પણ સુખ જોઈએ છે. તો ખરેખરનું સુખ ક્યાંથી મળે? બોલો… એક જ વાત પૂછું? તમે અમે માનો છો કે પદાર્થ દ્વારા સુખ મળે. હું સીધો સવાલ કરું, બુદ્ધિમાન માણસ છો તમે, તમે પોતે જોઈ લો, કે પદાર્થોથી સુખ મળે છે ખરું? ભુખ્યા છો, ગરમ રોટી ને શાક ભાણામાં આવ્યું, સારું લાગે છે, તમને ભ્રમણા શું થઇ? રોટલી અને શાકે સુખ આપ્યું. બરોબર ને…? બરોબર? બરોબર ને? ચાલો રોટલી અને શાકે સુખ આપે છે બરોબર ને? વાત વળગી રહેવાની હો..! ચાર રોટલી ખાધી, પાંચ રોટલી ખાધી કોટા પુરી થઇ ગયો તમારો… છટ્ઠી આપે કોઈ, સાતમી આપે, આઠમી આપે ખાધે જાવ. કેમ? તમે જ કહેતાં હતા, રોટલી શાકથી સુખ મળે છે. તો કેમ પાંચ રોટલી સુખ આપે, છટ્ઠી રોટલી દુઃખ આપે એવું છે? રોટલીમાં જો સુખ આપવાની તાકાત છે, સુખ જ આપે, દુઃખ ક્યાંથી આપે…! તમારી ભ્રમણા હતી કે રોટલીથી સુખ મળે છે. રોટલીથી શું થયું? એક દુઃખ ટળ્યું. ભૂખનું દુઃખ હતું, ઓછું થયું. એટલે સુખાભાસને તમે સુખ તરીકે ગણી લીધું. સુખ નથી, દુઃખ ઓછું થયું. તમે એને સુખનું લેબલ પહેરાઈ દીધું. સુખ છે જ નહિ. બરાબર સામ-સામે બેસી જઈએ, મારો અનુભવ તમને કહું ને તમારો અનુભવ મને કહો. મારો અનુભવ એ છે, મારી પાસે એટલો આનંદ છે, એટલો આનંદ છે beyond the words. Beyond the expectation. શબ્દોમાં ન કહી શકું એટલો આનંદ મારી પાસે છે. I can’t say it. Beyond the expectation. કલ્પના ન કરી શકીએ એવું સુખ આજે અમારી પાસે છે. મેં પણ જેની કલ્પના નહોતી કરી એવું સુખ પ્રભુએ આજે મને આપ્યું છે. સુખ ક્યાં? પદાર્થોમાં કે સ્વમાં? આટલું મારે પૂછવું છે?

આ પરમાં સુખ છે એ ભ્રમણા ટળી જશે ને તો જ તમારો પરનો રસ પણ ટળી જશે. આપણે to the point ચાલવું છે. પર પદાર્થોનો ઉપયોગ થાય કોઈ વાંધો નથી. હું પણ ઉપયોગ કરું છું. રોટલી શાક હું પણ ખાઉં છું. ચા-ખાખરો હું પણ ખાઉં છું. શરીરને જોઈએ છે આપી દઉં છું. એમાંથી સુખ મળે છે એ ભ્રમણા મારી પાસે નથી. તમારી પાસે ભ્રમણા છે, આનાથી સુખ મળે છે. આ ભ્રમણા આજે ટળી ગઈ બોલો…? અત્યારે આમ લાગે છે? લોજીકલી..? અનુભવની વાત પછી… લોજીકલી લાગે છે?

તમે તો છો ને આમ બહુ પરોપકારી માણસો છો.. બીજા માટે બધું કરતાં હોવ છો. ઉનાળાનો સમય હોય, ૪૫ ડીગ્રી ગરમી હોય અને પેલો શુટેડ -બુટેડ થઈને ફરતો હોય! એ શુટની અંદર કેટલો પરસેવો વળે છે એ જ જાણતો હોય. પણ બીજાને સારું લાગવું જોઈએ ને..! કહે છે… કેમ ભાઈ..? તમે કપડાં પહેરો કોના માટે બોલો? સોસાયટી માટે, બોલો… શરીરને touch થાય બનિયાન, એ પછી ખોધરું હોય તો ય ચાલે તમારે… ગંજી ખાદીની હોય, ખારોઘેટી હોય ચાલે… પોલીસ્ટર નો ઝબ્ભો ઉપર જોઈએ, કેમ…? બીજાની આંખને કોમળ-કોમળ લાગવું જોઈએ. કેટલા પરોપકારી બોલો…! તમારું સુખ ભ્રમણા છે. બીજો સારો કહે માટે હું સારો. સુખ ક્યાં છે આ! કપડાં સરસ પહેરો છો કોના માટે? સોસાયટી માટે. ઘર સારું કોના માટે? ૨ bhk નો ફ્લેટ છે, એક દીકરો છે, એક બેડરૂમ એનો, એક બેડરૂમ તમારો, મહેમાન આવે તો હોલ છે, આરામથી રહી શકાય એવું છે. ૫ bhkનો ફ્લેટ લક્ઝુરીયસ ફ્લેટ કોને જોઈએ છે? તમને કે સોસાયટીને? કોને જોઈએ છે? અને સોસાયટી માટે તમે લો છો એ તો બરોબર, પણ સોસાયટીને રહેવા માટે નહિ, પાછો… સોસાયટીને દેખાડવા માટે…! એટલે સાચું પૂછો તો દેખાડવા કે દઝાડવા…? તમારો આશય શું હોય બોલો…?

એક માણસ ઓફિસેથી ૧૨ વાગે જમવા માટે ઘરે આવ્યો. લક્ઝુરીયસ એપાર્ટમેન્ટમાં એ લોકો રહેતાં હતાં. એટલો લક્ઝુરીયસ એપાર્ટમેન્ટ કચરાનો તણખલું ક્યાંય તમને જડે નહિ. કર્મચારીઓ લોબીને, પગથિયાને, સ્ટેરકેસ ને આમ બરોબર ધોઈ નાંખતા હોય કલાકે-કલાકે… એમાં એ માણસ ગયો પોતાના ફ્લેટ પાસે ફ્લેટના દરવાજા પાસે કેરીને ગોટલા અને છોતરાં ખુલ્લા, માખીઓ બણબણે ઉપર… આનો તો પિત્તો ફાટ્યો. મારા ફ્લેટની બહાર આ કેરીના ગોટલા અને છોતરા કોણે નાંખ્યા? આટલો લક્ઝુરીયસ ફ્લેટ-એપાર્ટમેન્ટ, ઠેકઠેકાણે dustbin પડેલા છે. ખુલ્લામાં નાંખવાનું હોય કાંઈ…! તમે પ્લાસ્ટિકનું એક ખાલી છે ને એક કણ પણ ન નાંખી શકો એના બદલે કેરીના ગોટલા ને છોતરાં ખુલ્લા નાંખી દીધા છે. સારું થયું એને સદ્બુદ્ધિ સુઝી, પહેલાં ઘરે જઈને પૂછી તો લઉં અંદર… અંદર ગયો, શ્રાવિકાને પૂછ્યું, આપણા ફ્લેટની બહાર કેરીના ગોટલાં અને છોતરાં કોણે નાંખ્યા? પેલી કહે મેં નાંખ્યા. અરે પણ આમ નંખાતા હશે?! બેસો બેસો તમને કંઈ ખબર ન પડે. ઓફીસના મામલે ભલે તમે હોશિયાર હોવ, ઘરના મામલે તમે ઢબુ ના ઢ જેવા છો. તમને કેવા કેવા સર્ટીફિકેટ મળે એ મને ખબર છે હો… તો ય ક્યાં ટક્યા છો પાછા…! પેલી શ્રાવિકા કહે છે, સીઝનની પહેલી કેરી આવી છે આપણે ત્યાં, રસ ફ્રીજમાં મૂકી દીધો છે, ઠંડો રસ, ગરમાગરમ રોટલી, કારેલાનું શાક, આપણે ખાવાનું છે, બીજાને શું ખબર પડે કે કેરી ખાધી છે આપણે! તમારા ત્યાં કેરી આવે એટલે બધાને ત્યાં આપવા જાવ પહેલાં? એપાર્ટમેન્ટમાં જેટલા સાધર્મિકોને આપી આવો ને પહેલાં તો…? ગોટલાં અને છોતરાં કેમ નાંખ્યા છે? અમે કેરી ખાધી એ બતાવવું છે.

તમારી ઋદ્ધિ શેના માટે મને કહેજો જરા…? તમારા માટે કેટલી ને બીજા માટે કેટલી બોલો સાચું કહો? તમે કમાવો છો ને કેટલું તમારા માટે ને કેટલું સોસાયટી માટે નક્કી કરશો હવે…? આટલું જ નક્કી કરો. હું માનું છું, એમાં ચાર સામયિકનો સમય તમને મળી જાય… તમારા માટે કેટલું જોઈએ બોલો…? સોસાયટી માટે કેટલું? મુંબઈમાં રહેતો હોય, ભાયંદરમાં સરસ મજાનો ફ્લેટ હોય, ના આગળ જવું છે, આગળ જવું છે, બોરીવલી, આગળ છેક વાલકેશ્વર સુધી જવું છે. શું ફરક પડે છે પણ..! ફરક શું પડે..? માત્ર એક મેન્ટાલીટી. તો તમારું સુખ પદાર્થોથી છે કે તમારી ભ્રમણા થી છે? તમારું સુખ શેનાથી છે? મારે આટલું જ કહેવું છે, પરમાંથી સુખ મળે છે આ ભ્રમણા જે દિવસે ટળી પરનો રસ છૂટી જશે. પછી સ્વાનુભૂતિ દૂર નથી. આ જ વાતને આપણે practical માં પણ ઘૂંટવાની છે. એના માટે જ ધ્યાનાભ્યાસ છે કે પરથી આપણે છુટા પડીએ. ધ્યાનાભ્યાસ શરૂ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *