વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject: પ્રભુ નિર્મલ દરિશન કીજીએ
નિર્મલ દર્શન એટલે નિર્વિકલ્પક દર્શન. વિચારમુક્ત બનીને, વિભાવમુક્ત બનીને તમે દેરાસરમાં જાવ અને પછી પ્રભુનું દર્શન કરો. મન જો પ્રભુને totally સોંપાઈ ગયું, તો પછી તમને સ્વાનુભૂતિ આપવી એ પ્રભુની જવાબદારી છે. માત્ર તમે વિકલ્પશૂન્ય બનીને જાવ, વિભાવશૂન્ય બનીને જાવ અને પ્રભુ તમને સ્વાનુભૂતિ આપી દેશે.
આપણે ત્યાં નિસીહીની વાત આના માટે જ છે. જે પણ તમારી સંસારી વિચારણા છે, ચિંતાઓ છે, એ બધાનું પોટલું મારીને બહાર મૂકી દેવાનું! મંદિરમાં અંદર માત્ર અને માત્ર તમારે એકલાએ જ જવાનું; વિચારોને સાથે લઈને નહિ જવાના. જો વિચારો હશે, તો માત્ર તમારું શરીર મંદિરમાં બેઠેલું હશે પણ મન ક્યાંક બીજે હશે.
એ જ રીતે આપણી ક્રિયાઓ પણ સમ્યક્ ક્યારે થઇ શકે? જે વખતે જે ક્રિયા કરો, ત્યારે મન totally એમાં હોવું જોઈએ. શરીર ક્રિયામાં હોય પણ મન ત્યાં ન હોય તો ચાલી ન શકે. There should be the totality. તમારું મન સમગ્રતયા પ્રભુને આપો; અડધું નહિ. સમગ્રતાથી મન ક્રિયામાં પરોવાય, તો જ તમને ક્રિયાનો પૂરેપૂરો લાભ મળશે.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૧ – જીરાવલા વાચના – ૫
આંતરયાત્રાનો એક મજાનો પથ. અધ્યાત્મયોગથી વૃત્તિસંક્ષયયોગ સુધીનો. પહેલા પડાવે સ્વાનુભૂતિ સૌથી પહેલી જોઈએ છે. સ્વાનુભૂતિ વિના આ યાત્રા શરૂ થતી નથી. બીજા બે આંતરયાત્રા પથમાં તમને ઠેક નીચેથી ઊંચકીને આગળ લઇ જવામાં આવે છે. અહીંયા માત્ર સ્વાનુભૂતિ પછી જ તમને આગળ લઇ જવામાં આવે છે.
આત્માને જ જાણવો છે, આત્માને જ અનુભવવો છે. પરમાં કંઈ છે પણ નહિ.
ઉપનૈષધિક પરંપરાની એક મજની ઘટના તમને કહું, યાજ્ઞવાલ્ક્ય વિદ્વાન બ્રાહ્મણ છે. બે પત્નીઓ એમની છે. સંન્યાસ લેવાનો વિચાર આવ્યો. બંને પત્નીઓને બોલાવીને કહ્યું, મારે સંન્યાસ લેવો છે. મારી જે પણ સંપત્તિ છે એને અડધી અડધી તમારા બે માં વહેંચી નાંખું છું. એ વખતે બે માંથી એક જેનું નામ મૈત્ર્યયી હતું, એ મૈત્ર્યયીએ કહ્યું, આનો શું અર્થ? નશ્વર સંપત્તિ મારે જોઈતી નથી. મૈત્ર્યયી એ કદાચ પંદરસો- બે હજાર વર્ષ પહેલાં જે શબ્દો ઉચ્ચારેલા, પુરી ઉપનૈષધિક પરંપરામાં આજે પણ એ શબ્દો ગુંજી રહ્યા છે. મૈત્ર્યયીના શબ્દો હતા, ‘येनाहं नामृता स्यां, किमहं तेन कुर्याम्’ જેનાથી મને અમૃત તત્વ ન મળે એ નશ્વર સંપત્તિનું મારે કામ કોઈ નથી. પતિને કહે છે આ બધી સંપત્તિ મારી બહેનને આપી દો. હું પણ તમારી પાછળ-પાછળ જ આવું છું સંન્યાસ લેવા માટે. મૈત્ર્યયી પણ સંન્યાસીની બની. અને એ સંન્યાસીનીએ – એ વિદુષી સંન્યાસીનીએ ઉપનિષદ રચ્યું, જેનું નામ છે મૈત્રાયણી ઉપનિષદ. એ ઉપનિષદના પ્રારંભમાં એ કહે છે, ‘आत्मा वा अरे द्रष्टव्य: श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्य:’ ‘आत्मा वा अरे द्रष्टव्य: श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्य:’ આત્માને જ જાણો. આત્મા પર જ ચિંતન કરો. અને આત્માની અનુભૂતિ કરો.
એ સ્વની અનુભૂતિ કેમ થાય એના માટે પહેલું ચરણ આપણે ગઈ કાલે જોતા હતા. ‘પ્રભુ નિર્મલ દરિશન કીજીએ.’ બહુ જ મજાનું ચરણ છે. અને આ ચરણ જો તમે કરી શકો તો સ્વાનુભૂતિ દૂરની ઘટના નહિ હોય. ‘પ્રભુ નિર્મલ દરિશન કીજીએ’ નિર્મલ દર્શન એટલે નિર્વિકલ્પક દર્શન. વિચાર મુક્ત બનીને, વિભાવ મુક્ત બનીને દેરાસરમાં જાવ, અને પછી પ્રભુનું દર્શન કરો. આપણે ત્યાં નિસીહી ની વાત એટલા માટે જ છે. જે પણ તમારી સંસારી વિચારણા છે, સંસારી ચિંતાઓ છે, એ બધાનું પોટલું મારી દેવાનું, બહાર મૂકી દેવાનું. અંદર માત્ર અને માત્ર તમારે જ જવાનું. મંદિરમાં માત્ર તમારે, તમારે એકલાએ જ જવાનું, વિચારોને સાથે લઈને નહિ જવાના. વિચારો આવે ત્યારે શું થાય તમને સમજાવું. તમે શરીરથી મંદિરમાં હશો, મનથી ક્યાં ને ક્યાંક ભાંગેલા હશો. માત્ર તમારું શરીર મંદિરમાં બેઠેલું હશે, મન ક્યાંક દૂર હશે.
ચીનના બે પ્રબુદ્ધ દાર્શનિકો. ચાંગફુઈ અને કીનહાઈ. બંને લગભગ ૮૦ વર્ષની ઉંમરના, બહુ જ વિદ્વાન. અને આપણે કહીએ ને પરિણતીવાળા સાધકો. ૮૦ વર્ષની ઉંમરે પણ ઈશ્વર પ્રણિધાન ને એ બધું તો છે જ. એની સાથે સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનું પણ ચાલુ છે. એક વખત કીનહાઈ જે હતા તે ચિંગફુઈ ના ઘર પાસેથી નીકળ્યા. એને વિચાર થયો, ઘણા વખતથી ચિંગફૂ ને મળ્યો નથી, આજે જરા મળી લઉં. એ મોટો વિદ્વાન ચિંગફૂ ના ઘરે આવે છે, ૮૦ વર્ષની ઉંમર ચિંગફૂ ની. પગે થોડી તકલીફ, નીચે બેસી શકે નહિ, ચાલવામાં પણ તકલીફ પડતી. એમાં આ મોટો વિદ્વાન આવ્યો. આ વિદ્વાનો એવા હતા જેમનું ઘર ઝુંપડી જેવું હોય. અને જેમના ઘરમાં કોઈ રાચરચીલું ફર્નીચર હોય જ નહિ. ચિંગફૂ ના ઘરમાં એક જ માત્ર ખુરશી હતી, જેના પર પોતે બિરાજેલા હતા. એમને થયું આટલા મોટા વિદ્વાન મારા ત્યાં આવ્યા છે. મારે એમને ખુરશી આપવી જોઈએ. પણ હું ઉભો થઇ શકતો નથી. મારી ખુરશી એમને આપી શક્તો નથી. બીજી ખુરશી ઘરમાં છે નહિ. એક પણ વિદ્યાર્થી એ વખતે હજાર નથી નહિતર તો બાજુમાંથી પણ ખુરશી મંગાવી લેત. પેલા વિદ્વાને જોયું, ખુરશી તો છે જ નહિ બીજી ઘરમાં. નીચે બેસી ગયા, પણ નીચે બેસવું એ વિદ્વાનને થોડું un convenient લાગે છે. મારા જેવો વિદ્વાન! એને નીચે બેસવાનું આવ્યું! બેઠા.. પણ un convenient મનથી છે. ચિંગફૂ એ વાત સરસ વાત શરૂ કરી. તમે મારા ત્યાં આવ્યા, મને બહુ આનંદ થયો. ખુરશી બીજી હતી નહિ, નહિતર આપના માટે વ્યવસ્થા કરત. પણ હવે આપ જ્યારે બેસી જ ગયા છે, આપનું શરીર બેસી ગયું છે ત્યારે આપના મનને પણ હવે બેસાડી દો. બરોબર…? તમારું મન બેસી ગયું છે અત્યારે…?
‘પ્રભુ નિર્મલ દરિશન કીજીએ’ વિકલ્પો નહિ, વિચારો નહિ. જે વાત આપણા પૂર્વ મહર્ષિએ કરી છે, એ જ વાતને આજનો મનોવૈજ્ઞાનિક પણ કહી રહ્યો છે. આજનો મનોવૈજ્ઞાનિક કહે છે કે આજનો માણસ કોઈ પણ ક્રિયા પુરી કરતો નથી. એ જમતો હોય છે ઓફિસે જવા માટે દસ વાગે, ત્યારે લુસપુસ જમે છે. કારણ એનો વિચાર ઓફિસમાં છે. જમવાની ક્રિયા ચાલે છે, મન એનું ઓફિસમાં પહોંચી ગયું છે. ઓફિસેથી સાંજે ઘરે આવે છે ત્યારે ઓફિસની ફાઈલ મનમાં બંધ કરીને આવતો નથી. ઓફીસ બંધ કરે છે, ઓફિસની ફાઈલ એના મનમાંથી બંધ થતી નથી. અને એટલે એ ઘરે આવીને નાના દીકરા જોડે રમી શકતો નથી કે પત્ની જોડે પ્રેમથી વાત કરી શકતો નથી. ઓફિસેથી ઘરે આવ્યો, ઓફિસની ફાઈલ ચાલુ, ઘરેથી ઓફીસે જશે, જશે ઓફિસે, બેસશે ઓફિસમાં, ઘરની ફાઈલ ખુલ્લી હશે. આ જ તો પત્નીએ આમ કીધું, પત્ની મારા ઉપર નારાજ થઇ ગઈ. આમ થયું, તેમ થયું. અરે પણ જ્યાં બેઠો છે એનો વિચાર કર ને પણ…..
અમે લોકો અમારા ગુરુદેવ અરવિંદસૂરિ દાદાની જન્મભૂમિ મનફરામાં ચાતુર્માસ માટે જવાના હતા. મનફરાની પહેલાં સામખિયાળી આવે છે. તો કટારીયાજી તીર્થથી સામખીયાળી થઈને મનફરા જવાનું હતું. સામખીયાળી બે-એક કિલોમીટર પહેલાં એક ફેક્ટરી છે. પાલનપુરના જૈન ભાઈની, એમને ખ્યાલ આવ્યો, કે આવતી કાલે સાહેબ કટારીયાજી થી સામખીયાળી પધારવાના છે. તો એને થયું કે મારે ત્યાં પધારે અને મને નવકારશીનો લાભ આપે તો બહુ સારું. એ ભાઈ કટારીયાજી આવ્યા. સાહેબ આપ મને ચોક્કસ લાભ આપો, ૮૦૦ કર્મચારીઓ મારે ત્યાં છે, એ બધાને જમવાનું પણ મારે ત્યાં જ હોય છે. એટલે આપના માટે મારે કશું બનાવવાનું નથી. બધું જ આપના માટે નિર્દોષ છે. આપ મને લાભ આપો. મેં હા પાડી. અમે લોકો ત્યાં ગયા. માંગલિક આપ્યું, વાસક્ષેપ આપ્યો. પચ્ચક્ખાણ પાર્યું, નવકારશી વાપરી. વાપર્યા પછી હું બહાર બેઠેલો ખુરશી ઉપર, સાધુઓ બધા તૈયાર થતાં હતાં. એ વખતે પેલા ભાઈ મારી જોડે બેઠેલા. મને કહે સાહેબ, ૮૦૦ કર્મચારીઓ છે મારી પાસે, દર વર્ષે એક યોગગુરુને હું લાવું છું મારે ત્યાં અને ૮૦૦ એ ૮૦૦ કર્મચારીઓને યોગા શીખવાડું છું. એટલા માટે કે યોગ જો એમની પાસે આવશે તો, એમનું જીવન પણ સુખી બનશે, એમનામાં એક તન્મયતા, તલ્લીનતા આવશે. અને એને કારણે મારું કામ પણ dedication પૂર્વક એ લોકો કરશે.
તમને ખ્યાલ નહિ હોય, આજે business management માં અને સૈન્યમાં પણ યોગાનો પ્રવેશ થઇ ચુક્યો છે. કારણ એક જ છે, business તમારો વ્યવસ્થિત તમે ક્યારે કરી શકશો? એ વખતે તમે પુરેપુરા એમાં હશો તો…
તો આપણી ક્રિયાઓ સમ્યક્ ક્યારે થઇ શકે? જે વખતે જે ક્રિયાઓ કરો ત્યારે મન totally એમાં હોવું જોઈએ. There should be the totality. શરીર ત્યાં હોય ક્રિયામાં, મન ત્યાં ન હોય તો ચાલી ન શકે. આપણે ત્યાં ક્રિયામાં એક દોષ દેખાડ્યો છે. અન્યમુદ્દ. એનો અર્થ એ છે, ધારો કે તમે સાંજે સંધ્યાભક્તિમાં ગયેલા, બહુ સરસ ભક્તિગીતો ગવાયા, બહુ જ આનંદ આવી ગયો. સરસ એ વખતે આનંદને માણ્યો બરોબર છે, પછી પ્રતિક્રમણ માટે આવ્યા. સામાયિક લીધું, પ્રતિક્રમણની ક્રિયા શરૂ થઇ. એ વખતે જો એમ લાગે કે પેલી સંધ્યાભક્તિની ક્ષણો કેટલી મજાની હતી. કેટલા સરસ ભક્તિગીતો, કેટલા સરસ તરબોળ બની જવાતું, આ પ્રતિક્રમણની ક્રિયા થોડી લુખ્ખી પડે છે. આટલો પણ વિચાર આવે ને તો એને ક્રિયા પરનો અનાદર કહ્યો છે. એ સૂત્ર યાદ રાખો, there should be the totality. તમારું મન સમગ્રતયા પ્રભુને આપો. અડધું નહિ. હું તો કહું છું બે કલાક ક્રિયા કરો છો, ભલે બે કલાક ક્રિયા કરો, અઢી કલાકની મારી ઈચ્છા પણ નથી. પણ બે કલાક કઈ રીતે કરશો? there should be the totality. સમગ્રતાથી મન એ ક્રિયામાં પરોવાય તો તમને ક્રિયાનો પુરેપુરો લાભ મળશે.
ભગવદ્દગીતામાં શ્રીકૃષ્ણે આ જ વાત અર્જુનને કહી, ‘मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय | निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशय:’ શું કહે છે શ્રીકૃષ્ણ? મારે વિશે તારા મનને તું જોડી દે. मयि बुद्धिं निवेशय તારી બુદ્ધિને મારી સાથે જોડી દે. બીજા કોઈની સાથે નહિ, માત્ર મારી સાથે. તારું મન સંપૂર્ણતયા મને આપી દે. અર્જુન પૂછે છે, કે એ પણ કાચો પોચો નહોતો. ચાલો મન હું તમને આપી દઉં, તમે મને શું આપશો? શ્રીકૃષ્ણ ચેતના આપણે કહીએ – પરમચેતના કેટલું મોટું વરદાન આપે છે! શ્રીકૃષ્ણના શબ્દો છે, निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशय: અર્જુન જે ક્ષણે તે તારું મન પૂરેપૂરું મને આપ્યું એ ક્ષણથી તું મારી ભીતર જ રહીશ. તું મારી બહાર નહિ રહી શકે. જે ક્ષણે તે મને તારું મન સંપૂર્ણતયા આપ્યું, એ ક્ષણથી તું મારો થઇ ગયો. આપણે સ્તવનમાં બોલીએ, હું પ્રભુ મારો, તું પ્રભુ… પ્રભુના થવું હોય તો શું કરવું પડે? સમગ્ર મન પ્રભુને સમર્પિત કરી દેવું પડે.
મીરાંએ આ જ તો વાત કહેલી, મીરાંએ કહેલું પ્રભુને, કે પ્રભુ! મારા મનની ચુંદડીને બીજો કોઈ રંગ મારે લગાડવો નથી. ‘લાલ ન રંગાવું, હરિ ન રંગાવું, તેરે હિ રંગ મેં રંગ દે ચુનરિયા’ મારે કોઈ કલર, કોઈ રંગ, સંસારનો જોઈતો નથી. લાલ ન રંગાવું, હરિ ન રંગાવું, લાલ રંગ મારે જોઈતો નથી કે લીલો રંગ મારે જોઈતો નથી. ‘તેરે હી રંગ મેં રંગ દે ચુનરિયા’ તારા રંગમાં મારી ચુંદડીને રંગી નાંખ. મારા મનને પૂરેપૂરું તારામય બનાવી દે. અને પછી કહે છે, પણ પ્રભુ તું કેવો રંગ લગાડીશ એ તો મને કહે… ‘એસા હી રંગ દો..’ ‘એસા હી રંગ દો કી રંગ નાહી છૂટે, ધોબિયા ધૂએ ચાહે સારી ઉમરિયા’ પ્રભુ એવો રંગ લગાડી દે, મારા મન પર, મારા મનની આ ચુંદડી ઉપર કે ક્યારે પણ એ રંગ જાય નહિ. ‘ધોબિયા ધુએ ચાહે સારી ઉમરિયા.’ વિભાવનો ધોબી આવી જાય, રાગ અને દ્વેષનો ધોબી આવી જાય ગમે એટલું એ વસ્ત્રને પટકે, પણ મારું મન માત્ર અને માત્ર તારામય રહે એવી રીતે મારા મનના વસ્ત્રને તું રંગી નાંખ.
આ છે: ‘પ્રભુ નિર્મલ દરિશન કીજીએ.’ આ ભૂમિકા આવી, મન પ્રભુને totally સોંપાઈ ગયું, પછી પ્રભુની જવાબદારી છે. તમને સ્વાનુભૂતિ આપવી એ પ્રભુની જવાબદારી છે. બોલો તમે અહીંયા આવી ગયા, જીરાવલા તીર્થમાં શિબિરમાં તો ત્રણ-ત્રણ વખત મારે તમને વાચના આપવી જ જોઈએ, મારે તમને પ્રભુની વાતો ખુલીને કહેવી જ જોઈએ, પછી મારી ફરજ થઇ જાય છે ને…? તમે માત્ર આવી ગયા, શિબિરોના નિયમોને તમે વળગી રહો છો, બસ તમારી યોગ્યતા આવી ગઈ, તમારી સજ્જતા આવી ગઈ. હવે મારે વરસવાનું રહ્યું. એ જ રીતે પ્રભુને મન આપી દો, જવાબદારી પ્રભુની છે. અમે લોકોએ જીવન પ્રભુને સોંપ્યું, એક-એક ક્ષણની અમારી જવાબદારી પ્રભુ રાખે છે.
૬૩વર્ષના મારા સંયમી જીવનમાં મને યાદ નથી, એક ટંક પ્રભુએ મને ભૂખ્યો રાખ્યો હોય. મારે ઉપવાસ કરવો હોય ત્યારે મેં ઉપવાસ કર્યો. આયંબિલ કર્યું, મારે વાપરવાનું હતું ત્યારે એક ટંક પ્રભુએ મને ભૂખ્યો નથી રાખ્યો. ગામમાં તો ગોચરી મળી જ જાય. જૈનોના ઘરો ન હોય તો હિન્દુઓના ઘરેથી પણ મળી જાય છે. બહુ પ્યારથી એ લોકો વહોરાવે છે. પણ કો’ક જંગલમાં ગયા, જંગલમાં કદાચ એક કે બે દિવસ સુધી રહેવાનું થયું, કોઈ ગામ પણ આવતું નથી. એવી જગ્યાએ પણ પ્રભુએ મને ભૂખ્યો રાખ્યો નથી. પ્રભુ એક-એક ક્ષણે અમારી જવાબદારી રાખે છે. માત્ર ખાવા-પીવાની નહિ, એ તો સામાન્ય છે. અમે લોકો વિભાવમાં ન પડીએ એના માટેની પુરી તકેદારી પ્રભુની હોય છે. જે ક્ષણે મન પ્રભુને સોંપ્યું, જે ક્ષણે જીવન પ્રભુને સોંપ્યું, પછી અમારે કશું કરવાનું રહેતું જ નથી. જે પણ કરવાનું હતું એ એને કરવાનું હતું. અમે તો કહી દીધું પ્રભુ ખાલી થઈને આવી ગયા છીએ, તારા દ્વારે, તારે જેમ કરવું હોય એમ કર.
માત્ર તમે વિકલ્પ શૂન્ય બનીને જાવ, વિભાવશૂન્ય બનીને જાવ, પ્રભુ તમને સ્વાનુભૂતિ આપી દેશે. તૈયાર? રોજ દર્શન તમે કરો છો, ૫૦-૬૦-૪૦ વર્ષ તમને થયા છે. કેટલા દિવસો થયા? હજારો… તમને યાદ આવે છે? એ હજારો દિવસોમાં બે-ચાર દિવસ એવા ગયેલા, ત્યારે તમે પભુમય બની ગયેલા, મંદિરમાં ગયા પછી? હજારો દિવસોમાંથી બે-ચાર દિવસો…?
તો ‘પ્રભુ નિર્મલ દરિશન કીજીએ’ બહુ જ થોડી ઊંડી વાત છે, વિકલ્પોને કેમ કાઢવા જોઈએ. વિક્લ્પો અને વુભાવની સાંઠ-ગાંઠ છે. વિકલ્પો જાય નહિ તો વિભાવો રાગ, દ્વેષ, અહંકાર જાય નહિ. અને એ ન જાય, મન એનાથી ખાલી ન થાય તો તમે એ ભરાયેલું કચરાવાળું મન પ્રભુને સોંપી ન શકો. એટલે વિકલ્પ મુક્તિ શા માટે જરૂરી છે? એની વાત થોડી ઊંડી છે એ બીજા સેશનમાં આપણે ચર્ચીશું. હવે ધ્યાન અભ્યાસ.