Maun Dhyan Sadhana Shibir 11 – Vachana – 8

5 Views
27 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject: निराधार भये पार

પ્રભુ! જન્મોનો અનુભવ છે કે અમે જે માંગ્યું એ તો તેં આપ્યું જ છે; પણ વણમાંગ્યું પણ ઘણું તેં આપી દીધું છે. તેં અમને કેટલા બધા ચાહયા પ્રભુ! અમે નરક અને નિગોદમાં હતા, અમને ખ્યાલ સુદ્ધા નહોતો કે પરમ ચેતના શું હોય છે? અને એ વખતે પણ એ નરક અને નિગોદમાંથી અમને અહીં લાવનાર પ્રભુ! તું છે. ઇતની ભૂમિ પ્રભુ તુમ હિ આણ્યો.

પ્રભુ! તમે જ અમારા પ્રાણ છો. તમે પ્રાણ છો અને અમે ખોળિયું છીએ. પ્રાણ વિનાના શરીરનો કોઈ અર્થ ખરો? પ્રભુ! તમારા વિનાના અમે અમારા વિનાના. પ્રભુ! જો અમારા હૃદયમાં તમે નથી, તો અમે પણ નથી. અમારું અસ્તિત્વ માત્ર અને માત્ર પ્રભુ! તારા કારણે જ છે. તું છે તો અમે છીએ; તું નથી તો અમે નથી. મેરે પ્રાણ આનંદઘન; મેરે ત્રાણ આનંદઘન…

પ્રભુ! તારા વિના સાધનામાર્ગમાં એક ડગલું પણ ચાલવું એ મારા વશની વાત નથી. તું જ મને ચલાવે છે. તારી વિશાળતાની દ્રષ્ટિ મને મળે છે, તારી કરુણા મને મળે છે, તારો પ્રેમ મને મળે છે, અને એ પ્રેમને કારણે ઉત્સાહિત થઈને તારા માર્ગે આગળ વધુ છું. सत्त्वं तत्त्वं गतिर्मतिः

મૌન ધ્યાન સાધના શિબિર જીરાવલા વાચના – ૮

દેવાધિદેવ પરમતારક જીરાવલા પાર્શ્વનાથ દાદા રોજ સવારે ચૈત્યવંદનની સાથે સિદ્ધસેન સૂરિ મહારાજે બનાવેલ શક્રસ્તવ દ્વારા આપનું મહિમા ગાન અમે કરીએ છીએ. આપનો મહિમા અમે તો શું ગાઈ શકીએ, આપ જ એ શક્તિ અમને આપો છો. શક્રસ્તવમાં છેડે એક મજાનો શ્લોક છે, પ્રભુ આપના ચરણોમાં એ શ્લોક રજુ કરવાનું મન થાય છે. “त्वं मे माता पिता नेता, देवो धर्मो गुरुः परः ; प्राणा:स्वर्गोडपवर्गश्च सत्त्वं तत्त्वं गतिर्मतिः”

‘त्वं मे माता – પ્રભુ તું મારી માં છે. અને તારા જેવી સમર્થ માં મળેલી હોય તો અમારે શું કરવાનું હોય! જે પણ કરવાનું છે પ્રભુ તારે જ કરવાનું છે. પ્રભુ તને ખ્યાલ છે, દુનિયાની માં પણ શું કરે છે? દીકરાને જોડે લઈને પ્રવાસે એને જવાનું છે ત્યારે દીકરાની બધી જરૂરિયાતોનો ખ્યાલ એ રાખે છે. ટીફીન મમ્મા ભરશે, વોટરબેગ મમ્મા ભરશે. દીકરો તો જ્યારે ઈચ્છા થશે ત્યારે માંગશે. મમ્મા મને ખાવાનું આપ, મમ્મા પાણી આપ. એમ જ પ્રભુ સાધનાનો કોઈ પણ પડાવ તારી પાસે હું માંગીશ અને અનુભવ છે જન્મોનો કે માંગ્યું એ તો તે આપ્યું જ છે. વણમાંગ્યું પણ ઘણું તે મને આપેલું છે. પ્રભુ તારા સ્નેહનો પારાવાર કિનારા વગરનો છે. તે અમને કેટલા બધા ચાહયા પ્રભુ! અમે લોકો નરક અને નિગોદમાં હતા, ખ્યાલ શુદ્ધા નહોતો કે પરમ ચેતના શું હોય છે? એ વખતે પણ એ નરક અને નિગોદમાંથી અહીંયા અમને લાવનાર પ્રભુ તું છે. ‘ઇતની ભૂમિ પ્રભુ તુમ હિ આણ્યો’

પ્રભુ ટોલ્સટોયની એક કથા યાદ આવે, ટોલ્સટોયની એક કથા છે. એક માં એને બે બાળકો, એક છ વર્ષનો, એક આઠ વર્ષનો. એકવાર આઠ વર્ષના બાળકે માં ને કહ્યું કે માં! તારો પ્રેમ તો જગ વિખ્યાત છે જ. માતાના પ્રેમની કોઈ તુલના હોઈ શકતી નથી. પણ માં આજે હું તને કહું, કે તારો અમારા પરનો જે પ્રેમ છે એના કરતાં અમારો તારા પરનો પ્રેમ superior છે. માં પણ હસવા લાગી, માં એ પૂછ્યું બેટા! શી રીતે? એ વખતે આઠ વર્ષનો એ દીકરો કહે છે, માં! તારે બે દીકરા છે, તારો પ્રેમ અડધો અડધો અમારા બે માં વહેંચાઇ જાય છે, અમારો બધો પ્રેમ તને મળે છે. પ્રભુ એ જ કથાને આગળ વધારું તો, તારે તો અગણિત બાળકો છે. અને છતાં એક-એક બાળકની તે personal care લીધી છે. ‘योगक्षेमं वहाम्यहम्’ તારું જે વચન છે, એને તે પૂરેપૂરું પાળ્યું છે. નમુત્થુણં માં ગણધર ભગવંતે તારા માટે વિશેષણ મુક્યું, ‘लोगनाहाणं’ તું ખરેખર અમારો નાથ છે. અપ્રાપ્ત સાધનાને જે આપે, તે નાથ. અમારી સાધના તે આપ્યા પછી પણ સહેજ ખોડંગાઈ રહી છે, એ સાધનાને ફરીથી વ્યવસ્થિત કરવાનું કામ પણ તારું. યોગ અને ક્ષેમ પ્રભુ તું સતત અમારું કરતો આવ્યો છે પણ અમે લોકો નાદાન બાળકો જેવા છીએ. પ્રભુ પણ તું અમારી સામે નહિ જોતો, માત્ર તારી કરુણાને અમારા તરફ વહાવ્યા કરજે. ખ્યાલ છે કે તું અમને આંગળી પકડીને લઇ જાય છે. ક્યારેક થાકી જઈએ તો તે તારી ગોદમાં પણ મને ઉપાડેલ છે.

એક ઘટના મને યાદ આવે પ્રભુ માં અને દીકરો મહેમાન ગતિએ ગયેલા, શિયાળાનો સમય, જ્જમાને કાજુ, દ્રાક્ષ અખરોટ, બધું ડ્રાયફ્રુટ પુરી માત્રામાં પીરસ્યું. બાબાને બરોબરનું જમાડ્યું. મમ્માને નીકળવું છે. બેટા! ચાલ આપણે ટેક્ષી સ્ટેન્ડ સુધી જતાં રહીએ. પેલાનું પેટ full થઇ ગયેલું. મમ્મા આંગળી આમ બતાવે બેટા! મારી આંગળી પકડી લે. પેલો કહે છે, આમ… તું મને ઊંચકી લે. એ વખતે દુન્યવી મમ્મા તો ઊંચકી જ લે છે, અને તારી વાત કરું તો તે તો અગણિત વાર અમને ઊંચક્યા છે. ‘ત્વં મે માતા- પ્રભુ તું મારી માં છે. જરૂર અમે અનાડી દીકરા છીએ, અમે તમારા બાળક તરીકે રહેવા માટે ખરેખર લાયક પણ નથી. પ્રભુ એક છ મહિનાના બાળકને જોયેલું, મેં બરોબર માર્ક કરીને જોયેલું, એના માટે આખી દુનિયા માં માં સમાઈ જતી હતી. એને ભૂખ લાગી તો માં ની સામે જોવે છે. એની ગોદડી ભીની બની તો માં ની સામે જોવે છે. માં સિવાય એના માટે કશું દુનિયામાં બીજું છે નહિ.

પ્રભુ! તે પણ મને આચારાંગમાં આજ કહ્યું, तद्दिट्ठीए’ (‘તદ્દિટ્ઠીએ’) બેટા! તું સતત મારા ઉપર દ્રષ્ટિ રાખ. બીજા ઉપર દ્રષ્ટિ કેમ રાખે છે? પણ પ્રભુ આજે એવી કૃપા કરો કે અમારા બધાની નજર સતત સતત સતત તમારા ઉપર જ રહે, બસ મારા આ ભગવાન, મારી આ માં, મારી માં ની આજ્ઞા હોય, એ પ્રમાણે મારે એક-એક ડગલું ચાલવાનું છે. પ્રભુ આજે વરદાન આપો, કે અમે લોકો ‘તદ્દિટ્ઠીએ’ બની જઈએ. માં દૃષ્ટિક અમે બની જઈએ. ‘ત્વં મે માતા’

‘પિતા’- પ્રભુ પિતૃત્વનો ભાગ પણ તે અદા કર્યો છે. માં તો કોમળ કોમળ હોય છે પણ ક્યારેક અમારા જેવા અનાડી દીકરાઓ માટે કઠોર થવું પડે છે ત્યારે, તે પિતાનો રોલ પણ ભજવ્યો છે. તારી આંખમાં કૃત્રિમ લાલાશ લાવીને તે કહેલું છે બેટા! આ હું નહિ ચલાવી લઉં, કેમ આવું કરે છે! તું મારો દીકરો છે, તારાથી આવું ન થાય! તું મારો પિતા પણ છે.

નેતા – મોક્ષમાર્ગની સફરમાં તું મારો સાર્થવાહ છે પ્રભુ. ખરેખર! પ્રભુ તારી કરુણાનો વિચાર કરું છું. તે મને પથભ્રષ્ટ થવા ન દીધો. તે મને તારી આંગળીએ વળગાડી રાખ્યો. ઘણીવાર વિચાર આવે પ્રભુ, એ વખતે આંખમાં આંસુ આવે, કેટલાક એવા વિચારકોની પાસે હું પહોંચી ગયેલો હોત, બુદ્ધિનો ભ્રમ તો મારી પાસે હતો જ. એવા કેટલાક લોકોની પાસે હું પહોંચી ગયેલો હોત, જેમણે કહેલું, અને જે લોકો કહી રહ્યા છે કે નિમિત્ત જેવું કંઈ છે નહિ. માત્ર તમે તમારા ઉપાદાનને શુદ્ધ કરીને મોક્ષ મેળવી શકો છો. નિમિત્તનું કોઈ અસ્તિત્વ નથી. અને એ લોકો પ્રભુ તું નિમિત્ત રૂપે છે, તો તારા નિમિત્તનો પણ છેદ ઉડાડી દે છે. ખરેખર મારી આંખમાં આંસુ આવ્યા, પ્રભુ કેવી તે કરુણા કરી, તે મને બીજા કોઈની પાસે જવા નહિ દીધો. તે કહી દીધું બેટા! તારે મારી પાસે જ રહેવાનું છે. તારે બીજે ક્યાંય જવાનું નથી. તું મને વળગીને રહે. પ્રભુ તારો ઉપકાર કેટલો જબરદસ્ત છે! ખરેખર એવા લોકોના પ્રભાવમાં હું આવ્યો હોત તો કદાચ તારાથી હું પરાંગમુખ બની ગયેલો હોત પ્રભુ. આજે જે મારી પાસે ભૂમિકા છે, મીરાંએ કહેલી, ચરનન લિપટ રહૂંગી, એ ભાવના એ વખતે ન હોત, પણ તું ક્ષણે ક્ષણે મારી ખબર રાખે છે.

દેવો ધર્મો: ગુરુ પર: – તું મારો દેવ, આરાધ્ય, ઉપાસ્ય, મારી નજર માત્ર તારી સામે છે. બસ તારી સામે જોયા કરીશ, એ જ મારું જીવન વ્રત. તું જે કહીશ એ હું કર્યા કરીશ. આ જ મારું જીવન વ્રત. તું મારો ઉપાસ્ય, તું મારો આરાધ્ય. તું દેવ છે, તું જ ધર્મ છે, મારો ધર્મ શું છે? તારી પ્રાર્થના કરવી એ મારો ધર્મ. જે કંઈ પણ મારે જોઈતું હશે એના માટે હું કંઈ મહેનત બહુ કરવાનો નથી. હું તો તારા ચરણોમાં પ્રાર્થનાનો બોલ ફેંકી દેવાનો છું, કે પ્રભુ આ મારે જોઈએ, તારે મને આપી દેવાનું છે. મારો ધર્મ એટલો જ સતત તને વળગેલો રહું. સતત તારી પ્રાર્થના કરતો રહું. તને જોઉં, મારી આંખો ભીંજાય, આ જ મારો ધર્મ. બીજો કોઈ ધર્મ મારી પાસે નથી. અને મને લાગે છે પ્રભુ એક આ ધર્મ મને મળી ગયો છે, બીજો બધો ધર્મ મારે જે જોઈતો હશે, એ તું મને આપવાનો જ છે. તું મારો દેવ, ઉપાસ્ય, આરાધ્ય. તું જ મારો ધર્મ. મારા માટે ધર્મની પરિભાષા બીજી કોઈ જ નથી. તારી આજ્ઞાનું પાલન એ જ ધર્મ. તે પણ કહેલું છે પ્રભુ અમને ‘आणाए धम्मो’ મારી આજ્ઞામાં જ ધર્મ છે.

આચારાંગ સૂત્રમાં તો પ્રભુ તે સ્પષ્ટ કહ્યું, ‘आणाए मामगं धम्मं’ બેટા! મારી આજ્ઞાના પાલનમાં જ મારો ધર્મ છે. આજ્ઞા પાલન સિવાય મારો ધર્મ ક્યાંય છે જ નહિ. તો પ્રભુ મારા માટે ધર્મ પણ તું જ છે.

અને ગુરુ પર:, શ્રેષ્ઠ ગુરુ પણ તું છે. મારો દેવ તું, મારો ધર્મ તું, મારો ગુરુ પણ તું. આ એક મજાની વિભાવના પ્રભુ મારી પાસે છે. ક્યારેક દેવ તરીકે તમે થોડા દૂર કદાચ લાગો, નથી લાગતાં કદાચ કો’ક ને પણ લાગી શકો. કે ભગવાન, મારા ભગવાન ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર, હું એમનો નાચીજ ભક્ત. પણ તમને ગુરુ તરીકે કલ્પું ત્યારે શું થાય? તમે નાનકડી પાટ ઉપર બિરાજમાન થયેલા હોવ હું તમારા ચરણ પર મસ્તક ટેકવીને બેઠેલો હોઉં, તમારી જોડે વાતો કરતો હોઉં, અને પ્રભુ ઘણીવાર તમને મેં ગુરુ માન્યા છે, અને કોઈ પણ પ્રશ્ન હોય, સીધો તમને પૂછી લીધો છે. કે પ્રભુ આનું શું?

પ્રભુ એકવારની ઘટના યાદ આવે છે, માનવિજય મહારાજે રચેલી, આપની સ્તવનાને હું રટતો હતો, પહેલી જ કડી આવી, ‘તુજ મુખ સન્મુખ નિરખંતાં, મુજ લોચન અમીય ઠરંતા’ ‘તુજ મુખ સન્મુખ નિરખંતાં, મુજ લોચન અમીય ઠરંતા’ હું વિચારમાં પડી ગયો, અર્થ એનો એ હતો, કે પ્રભુ! તારી સામે હું જોઉં છું ત્યારે મારી આંખના આંસુ ફ્રીજ થઇ જાય છે. ઠરી જાય છે. હું વિચારમાં પડ્યો, પ્રભુને જોતા આંખો વરસવા માંડે, આંખો છલકવા માંડે; આ આંખો ઠરી જાય છે, આંખોના આંસુ ઠરી જાય છે, ફ્રીજ થઇ જાય છે, આવું કયા સંદર્ભમાં કહેવાયું હશે? મને ખ્યાલ નહિ આવ્યો પ્રભુ, મેં તને પૂછેલું આનો અર્થ શું થાય?

ઉપાશ્રયે ગયો હું પ્રભુ, મારા આસન પર બેઠો, ઈરીયાવહિયા કર્યા, ત્યાં જ એક શ્રાવિકા માતા આવ્યા, નાનકડા દીકરાને લઈને, દોઢ એક વર્ષનો દીકરો હશે, લઈને આવેલ, માં ને વંદન કરવું હતું, માં એ દીકરાને નીચે જમીન પર મુક્યો, દીકરા માટે તો મોટી મુશ્કેલી થઇ ગઈ. ક્યાં માં ની હૂંફાળી ગોદ! ને ક્યાં ઠંડી ટાઈલ્સ! કોઈ રાજા સિંહાસનથી ભ્રષ્ટ થાય એવું દીકરા માટે થઇ ગયું. એણે રડવાનું શરૂ કર્યું. પ્રભુ આવો બાળક જેવો તું મને બનાવી દે ને, એ માં વિના એક ક્ષણ રહેતો નથી. હું કેમ તમારા વિના એક ક્ષણ પણ રહી શકું છું?! તો બાળકે રડવાનું શરૂ કર્યું. એની આંખમાં આંસુ આવ્યા. ત્યાં જ માં એ એને ઊંચકી લીધો. ઊંચકી લીધો ને બાળક હસવા માંડ્યું. આંખમાં આંસુ તો હતું, હવે પાછળથી વેગ નહોતો કે આંસુની ધાર રેલાય. એ બે આંખના આંસુ ત્યાં ઠરી ગયા, ફ્રીજ થઇ ગયા, મને થયું વાહ! મારી માં એ ઉત્તર તો first class આપી દીધો. ‘તુજ મુખ સન્મુખ નિરખંતાં, મુજ લોચન અમીય ઠરંતા’ છલકંતા પણ નહિ, વરસંતા પણ નહિ, તું એટલો દયાળુ છે મારી આંખના આંસુને તું જોઈ શકતો નથી. હું તારી પાસે આવું, એક ફરિયાદ કરું પ્રભુ તારું દર્શન મને થતું નથી. આંખમાં આંસુ આવ્યા, ન આવ્યા. આંખમાં બે આંસુ ટપક્યા, એટલા પ્રેમથી તું મને જોવે છે, કે બસ પછી આંસુની ધાર ક્યાંથી ચાલે પ્રભુ…! માત્ર બે આંખના મારા આંસુ ફ્રીજ થઇ જાય છે.

ગુરુ પર: એક ગુરુ પોતાના શિષ્યને નજીક આવીને વાત કરે એ રીતે પ્રભુ તમે મારી જોડે વાત કરો છો. દેવો ધર્મો ગુરુ પર:

પ્રાણાસ્વર્ગોપવર્ગશ્ચ – તમે જ અમારું પ્રાણ… તમારા વિના અમે રહી કેમ શકીએ…? અને પ્રભુ તમે પ્રાણ છો અને અમે ખોળિયું છીએ. પ્રાણ વિનાના શરીરનો કોઈ અર્થ ખરો? તમે અમારા હૃદયમાં ન હોય તો અમે જીવંત છીએ જ નહિ કોઈ પણ સંયોગોમાં, અમે મૃત જ છીએ.

વૈરીશંકર પુરોહિત પ્રભુ યાદ આવે, એ કહે છે, “પ્રભુ! તમારા વિનાના અમે, અમે અમારા વિનાના.” પ્રભુ જો અમારા હૃદયમાં તમે નથી, તો અમે પણ નથી. અમારું અસ્તિત્વ માત્ર અને માત્ર પ્રભુ તારા કારણે જ છે. તું છે તો અમે છીએ. તું નથી તો અમે નથી. મારો પ્રાણ તું છે પ્રભુ. આનંદઘનજીએ પણ ગાયું ‘મેરે પ્રાણ આનંદઘન’ ‘મેરે ત્રાણ આનંદઘન’ પ્રભુ તું જ મારો પ્રાણ, તું જ મારો રક્ષક. ‘મેરે પ્રાણ આનંદઘન, મેરે ત્રાણ આનંદઘન.’ પ્રાણા: મારો પ્રાણ તું.

સ્વર્ગોપવર્ગશ્ચ – મારી ઈચ્છા પ્રભુ એક જ છે, તું મારી જોડે જ છે પણ શાશ્વતીના લયમાં મારે તારી જોડે સિદ્ધશિલા ઉપર રહેવું છે. એટલે મારે મોક્ષમાં આવવું છે. કદાચ મારી સાધના એવી અત્યારે નથી, હું ભરતક્ષેત્રમાં છું, તો પણ અહીંથી હું જાઉં ત્યારે ઉંચી ગતિ આપવાનું તારા હાથમાં છે. સ્વર્ગ: સ્વર્ગ પણ મને મળશે, તારાથી મળશે. મારી પાસે કોઈ મૂડી નથી કે મનુષ્યજીવનમાં પણ ફરીથી હું પેદા થઇ શકું. તારા કારણે બધું મને મળશે.

અપવર્ગશ્ચ – મોક્ષ પણ મને તું જ આપવાનો છે પ્રભુ.

સત્વં  તત્વં ગતિર્મતિ: – મારું બળ પણ તું, હું તો અસહાય છું. અને પ્રભુ મને ખબર છે, કબીરજીએ કહેલું મને યાદ છે, “નિરાધાર ભયે પાર.” જે લોકોએ પોતાના અસ્તિત્વ પર આધાર ન રાખ્યો, માત્ર તારે સહારે જે આવ્યા, એ તરી ગયા છે. પ્રભુ ભૂતકાળમાં એવી ભૂલ કરી, હું તરી જઈશ, હું ધર્મ કરું ને હું તરી જઉં. આ ભૂલને કારણે હું તારી હૂંફને ગુમાવી બેઠેલો. કબીરજીને વાંચ્યા ખ્યાલ આવી ગયો કે મારી ભૂલ ક્યાં હતી. ‘નિરાધાર ભયે પાર….’ જેણે પોતાની જાત પરનો આધાર ન રાખ્યો, માત્ર પ્રભુ તારો જ આધાર રાખ્યો. એ તરી ગયા. પોતાની જાત પર આધાર રાખનારા ડૂબી ગયા. તું અમારો આધાર છે પ્રભુ.

તું બળ – નિર્બળ કે બલરામ. અમે ભલે ને નિર્બળ હોઈએ, તું અમારી જોડે છે પછી મોહ હોય સામે કે બીજો કોઈ શત્રુ હોય, અમને ક્યાં વાંધો જ છે. પદ્મવિજય મહારાજે સરસ કહ્યું પ્રભુ તને, ‘તુમ આણા ખડગ કર ગ્રહીયો છે, તો કાંઈક મુજથી ડરિયો છે’ મોહરાજા મારી સામે આવેલો, પણ મેં તરત તારી આજ્ઞાની તલવાર એની સામે મૂકી, મોહ ડરી ગયો. કે આ પ્રભુની તલવાર, હું ખતમ થઇ જઈશ. તમારી આજ્ઞાની તલવારમાં એટલું બળ છે કે મોહના ચૂરેચૂરા એ કરી નાંખે. અમારી કોઈ તાકાત નથી પ્રભુ. સાધનામાં અવરોધક માત્ર અને માત્ર મોહનીય કર્મ છે. પણ એ મોહનીય કર્મના ચૂરેચૂરા પ્રભુ તારાથી જ થઇ શકે છે. તારા પ્રત્યેનો તીવ્ર આદર, તારી આજ્ઞા પ્રત્યેનો તીવ્ર આદર અને તારી આજ્ઞાના પાલકો પ્રત્યેનો તીવ્ર આદર આ અમારી પાસે આવે તો મોહની કોઈ તાકાત નથી. અને પ્રભુ સ્પષ્ટ તે મને સમજાવ્યું, કે બેટા! મોહનીયથી તું ડર નહિ, તારી પાસે ત્રણ વસ્તુ જોઈએ. મારા પરનો તીવ્ર આદર, મારી આજ્ઞા પ્રત્યેનો તીવ્ર આદર, અને મારી આજ્ઞાના જેટલા પણ પાલકો છે, એ બધા પ્રત્યેનો તીવ્ર આદર.

પ્રભુ તે જ મને વિશાળ દ્રષ્ટિ આપી. મારો તપાગચ્છ નહિ, અંચલગચ્છ નહિ, પાર્શ્વચંદ્ર ગચ્છ નહિ, ત્રિસ્તુતિક ગચ્છ નહિ અને સ્થાનકવસી પણ હું નહિ, હું માત્ર તારો છું. એક વિશાળ દ્રષ્ટિ પ્રભુ તે મને આપી. તારી આજ્ઞાનું પાલન જ્યાં પણ થાય છે, ત્યાં મારો નમન છે. એ સ્થાનકવાસી મહાત્માને જોઉં, એમના સામાયિક વ્રતને જોઉં છું, અને ત્યાં પણ હું એને નમન કરું છું, એમના સામાયિક વ્રતને. આ દ્રષ્ટિ પ્રભુ તે મને આપી. નહિતર હું પણ સંકુચિત દ્રષ્ટિમાં હોત, મારો તપાગચ્છ બસ એ જ સાચો, બીજા બધા ખોટા. નહિ પ્રભુ તે મારી સંકુચિત દ્રષ્ટિને હરાવી દીધી. વિશાળ દ્રષ્ટિ તે મને આપી.

અને પછી મહોપાધ્યાયજીને વાંચ્યા, યશોવિજયજીને, એમણે અમૃતવેલની સજ્ઝાયમાં સ્પષ્ટ કહ્યું, ‘અન્યમાં પણ જે દયાદિક ગુણો, તાસ અનુમોદવા લાગ રે’ પ્રભુ હું તો ધન્ય ધન્ય થઇ ગયો! અરે! સ્થાનકવાસી, તેરાપંથી નહિ, દિગંબર નહિ પ્રભુ… મહોપાધ્યાયજીએ કહ્યું, કેવું તત્વ જ્ઞાન તે એમને આપેલું! એ કહે છે, મિથ્યાદ્રષ્ટિ આત્મા હોય, એમાં પણ દયા દેખાય, તમે એમની અનુમોદના કરો પ્રેમથી. કે વાહ! તારા દયા ગુણની અનુમોદના કરું છું. પ્રભુ કેટલી વિશાળ દ્રષ્ટિ તે મને આપી કે હું તારો બહુ જ, બહુ જ, બહુ ઋણી છું. આવી વિશાળ દ્રષ્ટિ તે મને ન આપી હોત તો શું થાત?

સત્વં: તું અમારું બળ છે. તે જ અમને આ બધું આપ્યું છે. તારા થકી જ અમે છીએ પ્રભુ… મારે તને કહેવું નથી કે તું અમારી સંભાળ રાખજે. નરક અને નિગોદમાં હતો, તો ય તારી કરુણાનો હાથ ત્યાં આવેલો, હવે તો તારી જોડે જ હું છું.

પ્રભુ! તત્વં – મારું તત્વ પણ તું છે. મારે નવ તત્વમાં બીજુ કોઈ તત્વ જોઈતું નથી. એક જ તત્વ, તું! તું આવ્યો, તારી આજ્ઞાનું પાલન એટલે નવે તત્વો આવી ગયા મારા માટે. આજ્ઞાપાલનથી ભિન્ન એક પણ તત્વ નથી. જીવ હોય કે અજીવ હોય, જીવ પ્રત્યે મૈત્રીભાવ રાખવો, જડ પ્રત્યે ઉદાસીનભાવ રાખવો. આમાં નવતત્વોનું તે આપેલું સંક્ષિપ્ત જ્ઞાન. તે પંન્યાસજ ગુરુદેવ ભદ્રંકરવિજય મ.સા. ના મુખેથી આ સત્ય કહેવડાવ્યું, કે પ્રભુ તારી અવજ્ઞા અનંતકાળમાં અમે કરી છે. બે જ મોટી આશાતના તારી અમે કરી છે. જીવ પ્રત્યે, ચૈતન્ય પ્રત્યે, સતત અમે દ્વેષ કર્યો છે. બસ મારા અહંકારને પુષ્ટ કરે એના પર મારો પ્રેમ હતો. બાકી આખી દુનિયા જોડે મારો દ્વેષ હતો. જીવદ્વેષ તારો અપરાધ કર્યો છે. તે આખી દુનિયાને ચાહી, તે ચાહેલી દુનિયાને ધિક્કારવાનો અમને કયો અધિકાર હતો? તો પ્રભુ અનંત જન્મોથી ભૂલ ચાલી આવી. અમે જીવદ્વેષ લઈને બેઠેલા અને જડનો રાગ લઈને બેઠેલા. તે અમને આ દ્રષ્ટિ આપી. કે બેટા! જીવ પ્રત્યે મૈત્રીભાવ કરી લે અને જડ પ્રત્યે ઉદાસીનભાવ કરી લે. જડ પદાર્થ વાપરવા પડે વાપરી લેજે, એ સારા પણ નથી, ખરાબ પણ નથી. ત્યાં રાગ દ્વેષ તારે કરવાનો નથી. વાહ! પ્રભુ તે કેવું તત્વ અમને આપી દીધું! અમારા માટે પુણ્ય પણ તું, અને સંવર પણ તું, નિર્જરા પણ તું. તારી આજ્ઞાનું પાલન કદાચ શુભભાવની સાથે થતું હશે; તું અમને પુણ્ય આપીશ. શુદ્ધભાવમાં અમે વહીશું, તો સંવર અને નિર્જરા અમને આપવાનો છે. તું જ બધું આપે છે ને પ્રભુ. તું મારા માટે તત્વ તું જ છે. માત્ર તું, માત્ર તું.

‘સત્વં તત્વં ગતિર્મતિ:’ મારી ગતિ તમે છો. પ્રભુ મને ખ્યાલ છે, સાધનામાર્ગમાં એક ઇંચ, એક સેન્ટીમીટર ચાલવું મારા બસની વાત નથી. I can’t walk a step! તારા વિના હું એક ડગલું પણ ચાલી શકું એમ નથી. કારણ કે તું જ મને ચલાવે છે. તું મારી ગતિ છે. તારા વિના સાધનામાર્ગમાં એક ડગ હું ચાલી શકું નહિ. તારી દ્રષ્ટિ મને મળે છે, વિશાળતાની, તારી કરુણા મને મળે છે, તારો પ્યાર મને મળે છે, અને પ્યારને કારણે ઉત્સાહિત થઈને તારા માર્ગે આગળ વધુ છું. એક માં નો રોલ તે કેટલો સરસ ભજવ્યો! દીકરો સરસ માર્ક્સ લઈને આવે, માં ને પેંડો ખવડાવે, માં એને એકદમ વધાવી લે, એ જ રીતે કંઈ પણ સારું કામ મેં કર્યું છે કે તરત મને તે વધાવી લીધો છે. મારા ઉત્સાહને તે વધાવ્યો છે.

ગતિર્મતિ: સાધનામાર્ગમાં પ્રભુ તું જ મારી ગતિ છે. અને પ્રભુ હું તને ઓળખતો નહોતો, નરક-નિગોદમાં કેમ ઘૂમ્યો પ્રભુ? આ જ કારણસર ઘૂમ્યો. ગતિ તું હતો. હું મારા બળ પર ચાલવા માંગતો હતો. મારે મોક્ષ સુધી જવું છે! આજે હસવું આવે છે, કે એક ડગલું પણ તારા તરફ, મોક્ષ તરફ હું ભરી શકું એમ છું?! માત્ર તું જ અમને ભરાવી શકે. ગતિ:

મતિ: અમારી બુદ્ધિ પણ તું જ છે પ્રભુ. આ વાતો અમારા મગજમાં ઉતારનાર પણ તું છે પ્રભુ. અમે કાંઈ જ નથી. ઉપનિષદોના ઋષિઓની વાત યાદ આવે પ્રભુ, ઉપનિષદના ઋષિ કહેશે, ‘तस्य भासा सर्वमिदं विभाति’ જેના પ્રકાશથી આ દુનિયા મને દેખાય છે, જડ જગતને જોવાની દ્રષ્ટિ પ્રભુ તે મને આપી. ચેતના જગતને જોવાની દ્રષ્ટિ પ્રભુ તે મને આપી. તારા વગર હું અધુરો હતો, અને કંઈ જ નહોતો. જડ જગતને ચાહવાનું, ચેતના જગતને ધિક્કારવાનું કામ હું કરતો હતો. તે મને બુદ્ધિ આપી કે બેટા! શું કરે છે તું આ! આ તો નરકનો માર્ગ છે. ‘एस खलु णरए’ તે કહ્યું. જડને ચાહીશ, ચેતના ને ધિક્કારીશ તો નરકમાં જઈશ. મારે તને નરકમાં મોકલવો નથી. પ્રભુ એ વખતે એક સદ્દબુદ્ધિ પણ તે મને આપી, હું તારા ચરણોમાં બેઠો. તને પૂછ્યું, ભગવન! અનંત જન્મોથી મેં ભૂલ કરી છે શું કરું હવે? ત્યારે તે કહ્યું બેટા આટલું જ કર. જડ પ્રત્યે ઉદાસીનભાવમાં આવી જા. ચેતનાપ્રત્યે મૈત્રીભાવમાં આવી જા. પ્રભુ તારો બહુ, બહુ, બહુ જ ઋણી છું. તું મારી માં, તું મારો પિતા, તું જ મારા ધર્મમાર્ગનો સારથી, મારો દેવ પણ તું, મારો ધર્મ પણ તું, મારો ગુરુ પણ તું, મારો પ્રાણ તું, મારૂ સ્વર્ગ તું, મારો મોક્ષ તું. તારા વિનાનો મોક્ષ મારે જોઈતો નથી હો, મોક્ષમાં આવવાની ઈચ્છા એટલા માટે જ છે કે તારું ઉપનિષદ શાશ્વતી માટે માણી શકું.

ધનપાલ કવિ યાદ આવે, પ્રભુ ધનપાલ કવિએ ઋષભ પંચાશિકામાં તારી જોડે મજાની વાત કરી, બહુ પ્યારા શબ્દો એણે વાપર્યા છે, ‘होही मोहुच्छेओ, तुह सेवाए धुव त्ति नंदामि , जं पुण न वंदिअव्वो, तत्थ तुमं तेण झिज्जामि.’ ધનપાલ કવિ કહે છે કે પ્રભુ! તારી સેવા કરું છું, મોક્ષ મને મળવાનો જ છે, પણ મોક્ષમાં આવ્યા પછી તારી સેવા છૂટી જશે એનો મને ડર છે. અને એટલે જ મહોપાધ્યાય યશોવિજયજીએ કહ્યું, ‘મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મનવસી, જેહશું સબળ પ્રતિબંધ લાગ્યો’ પ્રભુ મુક્તિ કરતા પણ તારી ભક્તિ મને વધુ ગમે છે. કારણ તારી ભક્તિ હશે મારી પાસે તો મુક્તિ આવવાની જ છે કુદરતી રીતે. મારે મુક્તિની ઈચ્છા કરવાની જરૂર નથી. અને પ્રભુ મહોપાધ્યાયજીએ એક એવો સરસ પદાર્થ મને આપ્યો. મહોપાધ્યાયજીએ કહ્યું મને કે ભક્તિ બે જાતની સકારણ ભક્તિ અને નિષ્કારણ ભક્તિ. મોક્ષ માટે હું તારી ભક્તિ કરું, તો એ સકારણ ભક્તિ છે. અને કોઈ કારણ વિના તારી ભક્તિ કરું, નિષ્કારણ ભક્તિ છે. મોક્ષ માટે તારી ભક્તિ કરું છું ત્યારે નંબર વન પર મોક્ષ જાય છે, અને મોક્ષ તું મેળવી આપે છે, માટે તારી સેવા કરું છું. અને સકારણ ભક્તિ મારે જોઈતી નથી. મારે માટે મોક્ષ નંબર વન ઉપર છે જ નહિ. મારા માટે નંબર વન ઉપર માત્ર તું છે. એક નિષ્કારણ ભક્તિ પ્રભુ મને આપી તે.

તું હી, તું હી, તું હી. સ્વર્ગ તું આપે છે, મોક્ષ તું આપે છે. અને મને મોક્ષ વિના ચાલશે. અને તારા વિના નહિ ચાલે. ભગવાન ગૌતમે પ્રભુને પૂછેલું, પ્રભુ! મારા ૫૦,૦૦૦ શિષ્યો કેવળજ્ઞાની, હું કેમ કેવળજ્ઞાની નહિ? તે કહેલું પ્રભુ! કે તું મારા પરનો રાગ છોડી દે, તને કેવળજ્ઞાન હમણાં મળી જાય. અને એ વખતે ગૌતમસ્વામી ભગવાનના કહેલા શબ્દો યાદ આવે, મને મોક્ષ નહી જોઈએ, મને મહાવીર જોઈએ. મોક્ષ વિના મને ચાલશે, પ્રભુ તારા વિના મને નહિ ચાલે. આ દ્રષ્ટિ પ્રભુ તે મને આપી છે. તારો બહુ, બહુ જ ઋણી છું. અમારું તત્વ તું, અમારું બળ તું, અમારી ગતિ તું, અમારી મતિ તું, અમારું પૂરું જીવન તું જ છે પ્રભુ અને એ જીવનને તારા ચરણોમાં અત્યારે સમર્પિત કરીએ છીએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *