વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject: દ્રષ્ટાભાવ
નિર્મલ દર્શન માટેના ત્રણ માર્ગો: દ્રષ્ટાભાવ, સદ્ગુરુ પ્રત્યેનું સમર્પણ અને પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ. પહેલો માર્ગ દ્રષ્ટાભાવ. વિચારોના દ્રષ્ટા બનો. તમે મન નથી, તમે ચૈતન્ય છો. અપેક્ષાએ તમે વિચારોના સર્જક નથી પણ વિચારોના દ્રષ્ટા માત્ર છો. સંજ્ઞાપ્રભાવિત મન રાગાત્મક કે દ્વેષાત્મક વિચાર પ્રગટ કરે પણ સાધક એ વિચારને માત્ર જોશે અને કહેશે કે નહિ, આ વિચાર મને કર્મબંધ કરાવશે; મારે એને જોવાનો છે, એ વિચારમાં મારે ભળવાનું નથી..
કર્મના પરમાણુઓ ભલે તમારી ચારે તરફ બેઠેલા હોય, તમે એમને પકડો ક્યારે? Receive ક્યારે કરો? માત્ર વિકલ્પો દ્વારા જ કર્મને પકડી શકાય છે. નિર્વિકલ્પ ઉપયોગમાં નહિ કર્મનો ચારો. જો તમે તમારા ઉપયોગને નિર્વિકલ્પ બનાવી દીધો, તો પછી કર્મોનો પ્રવેશ નથી; તમે safe થઈ ગયા!
તમારી જાગૃતિ ક્યારેક ઓછી પડી અને એ ક્ષણમાં મોહનો ઉદય થઈ ગયો. એ ઉદય પાંચ સૅકન્ડ સુધી ચાલે, તો એ દુર્વિચાર; પણ છઠ્ઠી સૅકન્ડે એ દુર્ભાવ બની ગયો. સાધકને કદાચ દુર્વિચાર આવી શકે, પણ દુર્ભાવ તો ન જ હોવો જોઈએ. જાગૃતિ આવી ગયા પછી પણ જો તમે એ વિભાવને પોષ્યા કરો, તો માનવું પડે કે તમને એમાં લસરવું ગમે છે; તમે એ દોષને પંપાળી રહ્યા છો.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૧ – જીરાવલા વાચના – ૯
સ્વાનુભૂતિની પ્રાપ્તિ માટેનો મજાનો માર્ગ. પૂજ્યપાદ પદ્મવિજય મહારાજ સાહેબે બતાવ્યો. માર્ગ પણ કેટલો મધુર છે…! ‘પ્રભુ નિર્મલ દરિશન કીજીએ’ આજે કેવું દર્શન થયું હતું? બોલો તો. વિચારમુક્ત… વિકલ્પમુક્ત દર્શન થયું હતું આજે?
નિર્મલદર્શન માટેના ત્રણ માર્ગોની વાત કરવી છે. એક-એક માર્ગ Perfect છે. તમે કોઇ પણ માર્ગ લઇ લો, promise; નિર્મલ દર્શન તમને મળી જ જશે. પહેલો માર્ગ જે આપણે ગઈ કાલે જોઈ રહ્યા હતા. વિચારોના દ્રષ્ટા બનો. પહેલો માર્ગ દ્રષ્ટાભાવનો છે. તમે મન નથી, તમે ચૈતન્ય છો. તમે વિચારોના સર્જક એક અપેક્ષાએ નથી પણ વિચારોના દ્રષ્ટા છો.
As for example, સવારે નાસ્તો કરવા બેઠાં. ચા એકદમ ટેસ્ટી આવી. મસાલેદાર તમારાં taste ને એકદમ અનુરૂપ. એ ચા ને શીપ કરતા રાગધારા પેદા થઈ. ચા બહુ ટેસ્ટી છે હો. મજા આવે છે. અનાદિની સંજ્ઞાથી પ્રભાવિત થયેલું મન, આહારસંજ્ઞાથી પ્રભાવિત થયેલું મન આ વિચાર તમારી સામે મુકશે. પણ એક સાધક એ વિચારને માત્ર જોશે અને કહેશે, નહિ, આ વિચાર મને કર્મબંધ કરાવશે, મારે માત્ર વિચારને જોવાનો છે, એ વિચારમાં મારે ભળવાનું નથી.
બહુ જ પ્યારું સૂત્ર આ સંદર્ભમાં મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે સવા સો ગાથાના સ્તવનમાં આપ્યું. ‘નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો’ કર્મના પરમાણુઓ ભલે તમારી ચારે ઓર બેઠેલાં હોય તમે એને પકડો ક્યારે? Receive કરો ક્યારે? વિકલ્પો દ્વારા જ કર્મને પકડી શકાય છે. અને એટલે મજાનું સૂત્ર આપ્યું, યાદ રહેશે? ‘નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો’ ચારો એટલે પ્રવેશ. જયારે તમે તમારે ઉપયોગને નિર્વિકલ્પ બનાવી દીધો, safe થઈ ગયા. પ્રભુ દ્વારા સુરક્ષિત. પ્રભુનું સુરક્ષાચક્ર તમારી ઉપર ચાલે, તમારાં મનની તાકાત છે, તમને રાગમાં કે દ્વેષમાં એ લઇ જાય! અત્યારે તમે મનને બધું સુકાન સોંપી દીધું છે. હવે મનના માલિક બનો.
હું ઘણીવાર કહું છું, અરબસ્તાનમાં મુલ્લા નસરુદ્દીન. અરબસ્તાનમાં ઘોડો તો હોય નહિ. મુલ્લાજી ગધેડા ઉપર સવારી કરે. એકવાર ગધેડા ઉપર બેસીને ક્યાંક જતા હોય છે. કોકે પૂછ્યું મુલ્લાજી સવારી ક્યાં ઉપાડી? મુલ્લાજી શું કહે છે, ગધેડાને પૂછો કહે છે. ગધેડાને પૂછો. પેલો સમજ્યો કે આને જવાબ નથી આપવો. જવા દો. ત્યાં મુલ્લાનો closed friend મળ્યો. મુલ્લા ક્યાં ઉપડયા? એનેય કહ્યું, મારા ગધેડાને પૂછ. પેલો બગડ્યો. Closed friend હતો. યાર કંઈ ઠેકાણું છે કે નહિ તારું મગજ કંઈ? ગધેડો બોલી શકે કંઇ? તું મોઢામાંથી ફાટને કે ક્યાં જાય છે? મુલ્લા કહે, વાત એવી છે કે ગધેડાને લગામ-બગામ તો છે નહિ. હું બેસું ગધેડા ઉપર. મારે જવું હોય પૂર્વમાં ને ગધેડું ચાલે પશ્ચિમમાં. મારે જવું હોય ઉત્તરમાં અને ગધેડું જાય દક્ષિણમાં. હવે ભરબજારે ગધેડા જોડે કુસ્તી કરીએ થોડા સારા લાગવાના હતા. એટલે નક્કી કર્યું ગધેડા ઉપર બેસી જવાનું, ગધેડાને જવું હોય ત્યાં જાય. હવે મને ખબર જ નથી, હું શું કહું? તમારી હાલત આવી તો નથી ને? તમે ક્યાં જાઓ છો? સાહેબ મારા મનને પૂછો ને હું ક્યા જાઉં છું. મને ખબર નથી. છે ખબર તમને? તમારી સાધના પણ તમે મનને પૂછીને કરો છો. ૪૫ ડીગ્રી ગરમી છે બપોરે સામાયિક કેમ થાય? ઠીક સવારે એકદમ ઠંડક હોય સામાયિક કરી લઈશું. એ સામાયિક કરવાનું કોને પૂછીને? તમારાં મનને પૂછીને. આ મનની ગુલામીમાંથી પ્રભુ તમને મુક્ત કરી આપે છે કે મન તો માત્ર વિચારો કરવાનું, માત્ર વિકલ્પો કરવાનું. તું નિર્વિકલ્પદશામાં છે. મન માત્ર અને માત્ર વિકલ્પો કર્યા કરે છે. તમે મન નથી. અને તમે માત્ર નિર્વિકલ્પદશામાં છો.
એક મજાની વાત હું ઘણીવાર કરતો હોઉં છું. કોઇ પણ ફેક્ટરીનો માલિક હોય ને, એ ફેકટરીમાં એ માલને produce કરે તો production કેટલું કરે? જેટલું ખપત હોય એટલું. ભલે ખાલી પ્લાસ્ટીકની બેગ જ બનાવે છે. જેટલું સેલ થાય છે એનાથી થોડુક વધારે પ્રોડક્શન કરી લે. પણ એની બેગને ઝાલનાર કોઈ ન હોય. એક બેગ એની ખપતી ન હોય, રોજની હજાર બેગનું પ્રોડક્શન કરે એ મુરખો કહેવાય કે કોણ કહેવાય? તમારી વિચારોની ફેક્ટરી રાત-દિવસ ચાલ્યા કરે છે. પ્રોડક્શન જ પ્રોડક્શન. આ તમારા વિચારોને લેવા કોણ તૈયાર છે? એ તો મને પૂછો. આવા પ્રોડક્શનનો કોઈ અર્થ ખરો?
સાહેબજી એ હમણાં કહ્યું એક શબ્દ તમે બોલો છો ત્યારે એક લીટર દૂધથી શરીરમાં જે એનર્જી મળી એ એનર્જી ખતમ થાય છે. એ જ રીતે એક સેકંડ તમે વિચાર કરો છો ત્યારે શરીરની એનર્જી તો ખતમ થઈ, મનની તો ખતમ થઈ, આત્મોપયોગ ખતમ થયો છે. જે તમારો આત્મોપયોગ માત્ર તમારાં ચૈતન્યદશામાં વિહરવાનો હતો. એ ઉપયોગને ત્યાંથી નીચે લાવીને તમે એક સામાન્ય વસ્તુમાં ઘસડી ગયા! આ પ્રભુનો સૌથી મોટો અપરાધ છે. પ્રભુને અસંમત એક પણ વિચાર કરવો એ પ્રભુનો આપણે કરેલો મોટો અપરાધ.
એક જીવ પ્રત્યે તમે તિરસ્કાર કર્યો, બે સેકંડ માટે. શું કર્યું તમે? કર્મબંધ કર્યો તો કર્યો, પ્રભુની આશાતના કરી. પ્રભુ કહે છે મેં તને સમજ આપેલી છે. તારા આત્મોપયોગને તારે શુભમાં કે શુદ્ધમાં લઇ જવાનો છે. અશુભમાં તું કેમ લઇ ગયો? એક ક્ષણ માટે, એક મિનીટ માટે પ્રભુને અસંમત વિચાર જે કરે એ પ્રભુની આજ્ઞામાં છે એવું નિશ્ચય-નયથી શાસ્ત્રો નથી કહેતા. છતાં આચાર્ય ભગવંતો કરુણાણુ છે. તમને પ્રેમથી અપનાવે છે. બેટા! કંઇ નહિ તારાથી થાય એટલું કર પણ પ્રભુની આજ્ઞા અમારે તમને આપવી જ છે. અનંતા જન્મોમાં જે નથી મળ્યું એ આ જન્મમાં તમારે મેળવવું છે.
તો ‘નિર્વિકલ્પ ઉપયોગમાં નહિ કર્મનો ચારો’ આ સંદર્ભમાં હું બે શબ્દો આપું છું: દુર્વિચાર અને દુર્ભાવ. જરા ફરક બરોબર સમજી લેજો ડીટેઇલથી. તમારી જાગૃતિ ક્યારેક ઓછી પડી. એક વાત યાદ રાખો તમારી જાગૃતિ પરિપૂર્ણ હોય તો કોઇ પણ આત્મા પ્રત્યે તિરસ્કાર થવાનો સવાલ રહેતો જ નથી. કારણ દરેક આત્મા સિદ્ધાત્મા છે. તમે ‘નમો સિદ્ધાણં’ બોલો ને? ભૂતકાળમાં જેટલા સિદ્ધ ભગવંતો થયા તમારો નમસ્કાર ખરો ભાઈ? ખરો…? વર્તમાનકાળમાં મહાવિદેહક્ષેત્રમાંથી જે પણ સિદ્ધ ભગવંતો થઈ રહ્યા છે એમને તમારો નમસ્કાર ખરો? હા કે ના? હા. અને ભવિષ્યમાં જે સિદ્ધ ભગવંત થવાના એમને તમારો નમસ્કાર ખરો? જેની જોડે તમે ઝગડવાની ઈચ્છા કરી દ્યો. ઝગડ્યા નથી હજુ. ઝગડવાની શરૂઆત નથી થઈ. ઝગડવાની ઈચ્છા થઈ ગઈ છે. તરત વિચાર આવે ખરો? નમો સિદ્ધાણં. રોજ નમસ્કાર મહામંત્રમાં જેને નમસ્કાર કરું છું, એ આ છે! સિદ્ધત્વનો પર્યાય એનામાં સ્પષ્ટ છે, માત્ર એ ખુલ્યું નથી. અને બની શકે કે મારા સિદ્ધત્વના પર્યાયને ખોલવા માટે હું મથામણ ઓછી કરી શકું. એ એના સિદ્ધત્વના પર્યાયને ખોલવા માટે મથામણ વધુ કરે. એ મારા કરતા પહેલા એ સિદ્ધ ભગવંત બની શકે છે. એક ક્ષણ કોઈના પ્રત્યે તિરસ્કાર થયો એટલે શું થયું? પરમાત્માની આશાતના થઈ અને સિદ્ધ ભગવંતોની આશાતના થઈ.
મારો એક લોગો છે જે હું વારંવાર કહેતો હોઉં છું. બરોબર સમજી લેજો. ‘દુનિયાના બધા જ આત્માઓ સારા જ છે, ખરાબ હોય તો માત્ર એક હું છું.’ આ ભાવના ભીતરથી પરિપક્વ ન થાય ત્યાં સુધી પ્રભુશાસનમાં નિશ્ચયથી આપણો પ્રવેશ નથી. વ્યવહારથી તમારો વેલકમ. તમારો સ્વીકાર કરું છું. શ્રાવક તરીકે પણ તમારો સ્વીકાર હું કરું છું. પણ વ્યવહાર જોડે નિશ્ચયની વાત કરું તો બધા જ આત્માઓ સારા જ છે મારા સિવાયના. દુનિયામાં ખરાબમાં ખરાબ જો કોઈ હોય તો માત્ર એક યશોવિજય છે. આ ભૂમિકા મારી થઈ ત્યારે પ્રભુશાસનમાં નિશ્ચયથી મારો પ્રવેશ થયો છે. કારણ કે બધાના ગુણો મને દેખાય છે, મારા દોષો મને દેખાય છે. Actually અનંતા જન્મોમાં જે ભૂલ મેં કરી છે એનું આ પ્રાયશ્ચિત છે. અનંત જન્મોમાં ભૂલ શું કરી? હું સુપીરીયર, હું સુપીરીયર, હું સુપીરીયર. સારામાં સારો હું, બીજા બધા નકામા. હા, બીજા કોઈ સારા ખરા પણ કેટલા મારા હું ની આરતી ઉતારે એ. તમે છે ને દુનિયાને બે ભાગમાં વહેંચી નાંખી. સારા અને ખરાબ. સારા કોણ ભાઈ? તમે તો બહુ સારા છો હો. શું તમારી વાત કરાય! તમારાં હું ને થાબડે એ સારા. તમારા હું ને ઓપરેટ કરે એ બધા ખરાબ. શું? આ જ ભૂમિકા હતી. એનું પ્રાયશ્ચિત આ છે કે સૌથી અધમમાં અધમ હું છું. બીજા બધા જ આત્માઓ મારાથી શ્રેષ્ઠ છે. આ ભૂમિકા મળે તો એક ક્ષણ માટે પણ દુર્વિચાર આવવાનો ખરો? કોઈના પ્રત્યે પણ તિરસ્કાર આવવાનો ખરો?
એક વાત બીજી તમને કહું. તમને દોષ દેખાય છે, એ માણસમાં ક્રોધ છે બરોબર. હવે એક વાત પૂછું, ક્રોધ ખરાબ કે ક્રોધી માણસ ખરાબ? Division પાડો. કોઈને તાવ આવ્યો છે તો તાવ નો રોગ ખરાબ કે રોગી ખરાબ? કોઈને તાવ આવે તો ઘરમાંથી કાઢી મુકવાના? સાલા હરામખોરને તાવ આવ્યો છે એવું કહેવાના? સાલો હરમખોર છે, તાવવાળો છે. કેમ ભાઈ? રોગ અલગ છે અને રોગી…? બરોબર..? ખરાબ કોણ? રોગ. રોગી ખરાબ ખરો? અહીંયા કેમ ઉંધી વાત કરી નાંખી? દોષ ખરાબ નહિ દોષી ખરાબ. એ જ ક્રોધ મારામાં હોય તો વાંધો નહી પાછો. પણ એનામાં ક્રોધ છે માટે એ ખરાબ. તો એ ખરાબ થાય જ ક્યાંથી એ તો કહો? એ સિદ્ધાત્મા છે. અનંતગુણ એનામાં રહેલાં છે. કર્મના ઉદયથી એનામાં દોષો પ્રગટ થયા. તો ખરાબ દોષોનું પ્રગટીકરણ છે, ખરાબ એના કર્મોનો ઉદય છે. એ ક્યાં ખરાબ છે?
બીજી વાત આ જ સંદર્ભમાં. તમારો કોઈ સંબંધી છે. સ્વસ્થ શરીર વાળો છે. તમે એના માટે સાંભળ્યું એને કેન્સર થયું છે. થર્ડ ડીગ્રીમાં છે, થર્ડ સ્ટેજમાં. તમારો પ્રતિભાવ-રિસ્પોન્સ એ વખતે શું હોય? સાલા ને કેન્સર થયું એમ કહો? અરે,અરે શું કહો છો? એ મારા સંબંધીને..? એને કેન્સર થયું છે એને? પ્રતિભાવ શું હોય તમારો? સંવેદના હોય. દોષોનું કેન્સર એને થયું છે. રોગોનું કેન્સર, દોશોનું કેન્સર, કેન્સર થયું છે એને, તમને પીડા થાય છે. તો રોગોના કેન્સરમાં તમને પીડા થાય છે, દોષોનું કેન્સર કોઈનું તમે સાંભળો તો શું થાય? પેલા ભાઈ તો છે ને એક તો સ્વસ્થ લાગનારા, મેં એકવાર જોયા શું ક્રોધ કરતા હતા! તમે શું સાંભળીને કહો? અરે, શું કહો છો? એમનામાં ક્રોધ? હોય જ નહિ ને. એટલો સ્વસ્થ માણસ એનામાં કેન્સર કેમ હોય? આટલો સ્વસ્થ યોગીપુરુષ એનામાં ક્રોધ ક્યાંથી હોય? પેલી જગ્યાએ તમારો રિસ્પોન્સ સંવેદનાત્મક થાય છે. અરે! એને કેન્સર થયું! કોઈ વાત કરે પેલો ક્રોધી છે, સાલો ક્રોધી છે હરામખોર. શું પણ?! એ સાલો ક્યાંથી થયો પણ?! હવે ક્યાંથી હરામખોર એ? દોષ ખરાબ કે દોષી ખરાબ? આ ભૂમિકા ઉપર આવો.
કોઈના પ્રત્યે તમને તિરસ્કાર થાય ખરો? ન જ થાય ને? છતાં હું માની લઉં છુ, જાગૃતિ તમારી થોડી ઓછી પડી તો એ ક્ષણમાં મોહનો ઉદય થઈ ગયો. તમારી પેલાએ નિંદા કરી તમને એના ઉપર ગુસ્સો આવી ગયો. એ ગુસ્સો, એ દ્વેષ, એ તિરસ્કાર પાંચ સેકન્ડ સુધી ચાલે ને ત્યાં સુધી હું એને દુર્વિચાર કહું છું. પાંચ સેકન્ડ બરોબર યાદ રાખજો. છઠ્ઠી સેકન્ડે દુર્ભાવ થઈ ગયો. તમે દુર્વિચાર કરો છો કે દુર્ભાવ? માણસ ઊંઘતો ઝડપાઈ જાય એવું બને ખરો. ઘરમાં આગ લાગી. શોટસર્કિટ થઈ ગયું, આગ લાગી ગઈ. ઊંઘમાં ખબર પણ ન પડી. જે ક્ષણ જાગે એને શું થાય? ક્યાંથી નીચે જવાય એવું છે? સીડી ખતમ થઈ ગઈ છે, બળી ગઈ છે. બારીથી કુદકો મારો કે એ વખતે બેસી રહે ખરો? આગ લાગી છે તો લાગવા દો. એમ કહે? ન કહે ને. તો પાંચ સેકન્ડ તમે ગાફેલ હતા. તમારી જાગૃતિ અધુરી પડી. કદાચ તમને તિરસ્કાર થઈ ગયો. છઠ્ઠી સેકન્ડે તમારી જાગૃતિ મુખરિત બનવી જ જોઈએ. ન બને તો તમે સાધક નહિ. સાધક કેટલો ગાફેલ રહી શકે? વધુમાં વધુ પાંચ સેકન્ડ. તમારી જાગૃતિને પ્રબળ બનાવતા કેટલી વાર લાગે? ઘરમાં આગ લાગી. હા,હા ભલે ને આગ લાગી કહે. શું આગ લાગી?! Rome બળતું હતું અને પેલો nero જે છે એ વાંસળી વગાડતો હતો! એના જેવું આપણે કરવાનું નથી. તો પાંચ સેકન્ડ સુધી કદાચ દુર્વિચાર આવી ગયો. આવે નહિ. સાધકને દુર્વિચાર આવે જ નહિ પણ કદાચ આવી ગયો તો કર્મ માફ કરશે. પણ દુર્ભાવ તો આવવો જોઈએ જ નહિ.
હવે ફરક શું પડ્યો તમને સમજાવું. તમે થોડાક ઓછા જાગૃત હતા. સહેજ ફસાવનાર હતા. તો દુર્વિચારે તમને પકડી લીધા, મોહનીયના ઉદયે તમને પકડી લીધા. પણ છઠ્ઠી સેકન્ડે, સાતમી સેકન્ડે, આઠમી સેકન્ડે જો તમે એ ને એ તિરસ્કાર ભાવને પોષ્યા કરો તો માનવું પડે જાગૃત તો બન્યા છો પણ તમને એમાં લસરવું ગમે છે. એ તિરસ્કારભાવમાં જવાનું તમને ગમે છે. એટલે તમારી જાગૃતિ આવી ગઈ છે છતાં તમને એમાં જવું ગમે છે એટલે તમે એ દોષને પંપાળી રહ્યા છો. પાંચ સેકન્ડ તમે ગાફેલ હતા, કોઈ વાંધો નહિ. સ્વીકારી લીધું. છઠ્ઠી સેકન્ડે જાગૃત થઈ જ જવાય કોઈ સવાલ જ નથી. આ દુર્વિચાર?! આ તિરસ્કાર?! કોના ઉપર કરું છું? સિદ્ધાત્મા પર?! રોજ નવકારમંત્ર નો જાપ કરું. એક નવકારવાળી આપણા લોકો હંમેશા ગણતા જ હોય. એક્સો આઠ વાર રોજ બોલું, નમો સિદ્ધાણં, નમો સિદ્ધાણં, નમો સિદ્ધાણં. એ સિદ્ધ પરમાત્માની આશાતના કરી? આ પાંચ સેકન્ડે તમને ખ્યાલમાં ન આવે તો શું માનવું એ તો મને કહો? પાંચ મિનીટ સુધી, પાંચ કલાક સુધી સાલો પેલો હરામખોર છે! મારા માટે આમ બોલી ગયો! એ હરામખોર છે? કે તારું કર્મ હરામખોર છે? કોણ હરામખોર છે? હરામખોર કોણ છે? ગુનેગાર કોણ છે?
અમારે ત્યાં કહેવત છે કે શિકારી બાણ મારે ને તો સિંહ જે છે ને એ બાણ સામે નથી તાકતો, બાણ કોણે માર્યું, એને તાકે છે. સીધો જ નજીકમાં હોય તો શિકારી પર તરાપ મારી શિકારીને ખતમ કરી નાંખે. કુતરાને પથ્થર મારશો ને કુતરા ને સમજ નથી એ પથ્થરને બચકું ભરશે. સિંહ સમજુ છે બાણ આવી ગયું, સહેજ એને પગમાં વાગી પણ ગયું, લોહી પણ નીકળ્યું. પણ એ બાણ સામે જોતો નથી, બાણ કોણે છોડ્યું? ખરેખર ગુનેગાર કોણ છે? બાણ નથી. બાણ તો શું કરે? એને પેલાએ છોડ્યું બાણ આવી ગયું મારી પાસે. ગુનેગાર કોણ છે? છોડનારો. શિકારી ક્યાં છે? ફટ કરતો પકડી લે, સીધી જ તરાપ ત્યાં મારે. કુતરું જે હોય તે? પથરો મારો અને પથરાને બચકું ભરે. તો સમજણ નથી કે પથરાનો શું વાંક છે? કોઈ ફેંકનાર નો છે. તમે બધા બહુ સમજુ કહેવાઓ ને? તમે તો પ્રબુદ્ધ છો બરોબર? તમે બધા પ્રબુદ્ધ છો, જ્ઞાની છો. બરોબર ને? હું તમને અજ્ઞાની કહું ને મારી credit પણ નીચે જતું રહે.
એક પ્રોફેસર students ને ભણાવતો હોય એ students બોઘા હોય, એ પ્રોફેસરની credit પણ ખતમ જ છે ને. તમે કોને પકડો બોલો? બાણને કે શિકારીને? કોને પકડો? પેલું વચન તો આવ્યું તમારી સામે. એ વચનને છોડનાર કોણ? સામી વ્યક્તિ છે કે તમારું કર્મ છે? બોલો? કોણ છે?
અંજનાસુંદરી બાવીસ વરસ પતિના વિયોગમાં રહી. પતિ પ્રત્યે સહેજ અભાવ નથી. મારું કર્મ ખરાબ છે. બાવીસ વરસ પતી ગયા પછી એનો પતિ પવનંજય યુદ્ધના મેદાને જઈ રહ્યો છે. અંજનાને થાય છે પત્ની છું હું, મારો ધર્મ છે પતિનું મંગલ મારે ઇચ્છવું જોઈએ. અને કંકુવટી લઇ એ વિજયતિલક કરવા માટે જાય છે. પવનંજય ઘોડા ઉપર બેઠેલો છે. નાનામાં નાનો માણસ સુતરની આંટી પહેરાવે છે. પવનંજય નીચે ઝુકી જાય છે એની આંટી સ્વીકારે છે. કોઈ ગરીબ વૃદ્ધ માજી છે એને તિલક કરવું છે તો ઘોડા પરથી નીચે ઉતરી જાય છે અને એની તિલક કરાવે છે. અને એ પવનંજય અંજના પાસે આવ્યો. અંજનાને જોઈ. તિલકની વાત તો બાજુમાં સીધું પાટું લગાવી, અંજના બેભાન થઈને ઢળી પડી. અને પવનંજય ચાલ્યો ગયો. લોકો વિચારમાં પડી ગયા. એની પત્ની મંગલ ઈચ્છવા આવેલી છે. આ માણસ પાટું મારે છે?! આ પથ્થર દિલનો માણસ છે કે કોણ છે? બેભાન થયેલી અંજનાને એની સખીઓ મહેલમાં લઇ જાય. ઠંડુ પાણી છાંટે, હવા નાંખે.
અંજનાસુંદરી ભાનમાં આવે એની સખીઓ કહે છે તારો પતિ પથ્થર દિલનો માણસ છે. બાવીસ વરસ તારી પાસે ન આવ્યો કાંઈ નહિ, ચાલો વાંધો નહિ. તું મંગળ ઇચ્છવા ગઈ અને તને પાટું મારે છે! શરમ ન આવી એને? અને એ વખતે અંજના શું કહે છે? આ ધર્મ પામેલો આ કહેવાય. અંજનાસુંદરી કહે છે, વાંક એમનો નથી, વાંક મારા કર્મનો છે. અને એ અંજના લોજીકલી સમજાવે છે. એ ક્ષણોમાં, બેભાન થયેલી અને જે ભાનમાં આવેલી છે એ ક્ષણોમાં અંજના લોજીકલી સમજાવે સખીઓને. ચાલો પવનંજય ખરાબ એમ માની લઈએ. એક સામાન્યમાં સામાન્ય માણસ સુતરની આંટી પહેરાવવા આવ્યો નીચે ઝૂકીને એ સ્વીકારે છે. પેલા વૃદ્ધ માજીએ કહ્યું; મારે તિલક કરવું છે તો પેલા વૃદ્ધ માજી માટે નીચે ઉતરી ગયા પવનંજય, એમની પાસે તિલક કરાવ્યું ઝૂકીને. પવનંજય ખરાબ હોત તો બધાની જોડે આવું વર્તન કરત. મારી જોડે આવું વર્તન કર્યું છે એનો મતલબ મારું કર્મ ખરાબ છે. તમારી આ દ્રષ્ટિ આવી જાય તો શું મજા ન આવી જાય બોલો? કોઈ તમને કહે, પેલો તમારા માટે આટલું રફલી બોલ્યો. એ નથી બોલ્યો, મારું કર્મ બોલ્યું છે. એ નથી બોલ્યો, મારું કર્મ બોલ્યું છે. હવે બોલો આ પ્રભુએ આપેલા વિચારો તમારી પાસે હોય, દુર્વિચાર તમને આવે ખરો? કદાચ તમે ગાફેલ હતા અને આવી ગયો સમજી લો. પાંચ સેકન્ડ સુધી. છઠ્ઠી સેકન્ડે જાગૃત ના બની જાઓ? એ બોલનાર સિદ્ધાત્મા છે, એને બોલાવનાર મારું કર્મ છે. બોલનાર સિદ્ધાત્મા બરોબર? કોણ? બોલનાર સિદ્ધાત્મા, રફલી એની પાસે બોલાવનાર કોણ? મારું કર્મ.
હું તો ઘણીવાર કહું છું. મારી અપેક્ષા તમારા લોકો માટે એ છે, અડધો કલાક નોનસ્ટોપ તમારાં માટે કોઈ કડવા વચનો કીધા. તમારી સામે જ. તું હરામખોર છે, તું નાલાયક છે. કોઈ કારણ વિના. અને અડધો કલાકે બોલતા બંધ થઈ જાય ત્યારે તમે પ્રેમથી કહો અંકલ પ્લીઝ તમે મને સુધારવા માટે ઘણી મહેનત કરી. ખુબ આભાર આપનો. પણ મને સુધારવા માટે તમે કેટલો બધો શ્રમ લીધો આ ગરમીમાં! અડધો કલાક બોલવું એટલે! ગળું સુકાઈ જાય. પ્લીઝ મારી એક વિનંતી સ્વીકારશો? આ જ્યુસ છે એ લેશો? મારી અપેક્ષા તમારી માટે આ છો બોલો. કંઇક તો આપશો ને મને? સાહેબ પધારેલાં છે મોટા. મોટા ગુરુદેવ પધારેલાં છે. કંઇક તો આપશોને એમના ચરણોમાં? આપણે ત્યાં ગુરુ ઋણમાંથી મુક્ત થવાની બહુ મજાની પરંપરા છે. સદ્ગુરુએ ખુબ આપ્યું, ખુબ આપ્યું, ખુબ આપ્યું. મારે શું આપવું?
સુલસાજીને પ્રભુએ ખાલી ધર્મલાભ આપ્યો છે. વિચાર કરો સુલસાજીની ભૂમિકાનો. ચંપા નગરીમાં પરમાત્મા. રાજગૃહીમાં સુલસા. ચંપા નગરીમાં ગયેલ અંબડ શ્રાવક પૂછે પ્રભુને, પ્રભુ! રાજગૃહીમાં જાઉં છું, કંઇ કામસેવા? પ્રભુએ શ્રેણિક મહારાજાને યાદ ન કર્યા, પ્રભુએ અભયકુમારને યાદ ન કર્યા. પ્રભુએ કહ્યું, રાજગૃહીમાં સુલસા નામની મારી શ્રાવિકા છે એને મારો ધર્મલાભ કહેજે. અને અંબડ શ્રાવક આવે. સુલસાદેવી ને કહે પ્રભુએ તમને ધર્મલાભ પાઠવેલો છે. સુલસાજીની એ વખતે જે હાલત થઈ છે એ. ગળે ડુસકા. આંખમાંથી ચોધાર આંસુ. પરમાત્મા જે દિશામાં બિરાજમાન એ દિશામાં ઘૂંટડીયે પડયા. ડુસકામાંથી ચળાઈને આવતા એમના શબ્દો હતા. પ્રભુ મારા નાથ! ક્યાં તું? ક્યાં હું? તું ત્રિલોકેશ્વર! ત્રણ લોકનો નાથ છું. અખિલ બ્રહ્માંડેશ્વર! પુરા બ્રહ્માંડનો માલિક તું! અને તારા ચરણોની નાચીજ દાસી હું. તું મને યાદ કરે પ્રભુ?! એ ક્ષણોમાં સુલસાજીને લાગે છે આખું જીવન નહિ, એક જીવન નહિ, અનંત જીવનો પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દઉં તો પણ પ્રભુના આ ઋણમાંથી હું મુક્ત ન થઈ શકું.
ઘણીવાર મારા પ્રવચનમાં મારા મજાના શ્રાવકો જોડે. શ્રોતાઓ જોડે નહિ. કાનથી સાંભળે એ શ્રોતા, દિલેથી સાંભળે એ શ્રાવક. મારા શ્રાવકો જોડે હું વાત કરતો હોઉં છું કે સુલસાજીને પ્રભુનો ધર્મલાભ પ્રભુના શ્રી મુખે નથી મળ્યો. એક શ્રાવકના શ્રી મુખે મળ્યો છે. અને અત્યારે તમને જે મળે છે, પ્રભુની જ વાતો. અમારે લોકોએ અમારા ઘરનું કશું જ ઉમેરવાનું નથી. ઈન્વરટેડ કોમાની અંદર પ્રભુ જે કહી ગયા એ જ મૂકી દેવાનું છે. યશોવિજયે કશું જ બોલવાનું નથી. I have not to speak a single word. પ્રભુને બોલવું હોય એ બોલે, મારે કંઇ બોલવું નથી. સુલસાજીને એક શબ્દ એક શ્રાવક દ્વારા પ્રભુનો મળે. એ નાચી ઉઠે, ઝૂમી ઉઠે, રડી ઉઠે. તમને એ જ પ્રભુના પ્યારા શબ્દો, પ્રભુના પ્રતિનિધિ સમા, સદ્ગુરુ દ્વારા મળે તમારી હાલત શું? આમ પ્રવચન ચાલુ થાય. ઓડીટોરીયમ માં. ઓડીટોરીયમ માં ડુસકા-ડુસકા ન હોય? મારે તમને પૂછવું છે? આટલું મોટું ઓડીટોરીયમ હોય પ્રવચનકાર મહાત્મા કહે. મારા ભગવાને આમ કહ્યું છે. ઓહ! મારા ભગવાનની વાત લઈને ગુરુદેવ આવ્યા છે. મારા ભગવાને આમ કહ્યું છે! પછી ઈન્વરટેડ કોમાની અંદર હવે ભગવાનના શબ્દો આવવાના. ઓહો! મારા ભગવાનના શબ્દો! શું થાય તમને મારે પૂછવું છે? હવે તમને સમજાશે કે સુલસાજીની ભૂમિકા કઈ? અને આ સમર્પણની ભૂમિકા જે છે ને, એ પણ તમને નિર્વિચાર બનાવી શકે.
મારે જે ત્રણ માર્ગોની વાત કરવી છે વિચારમુક્તિ માટે. એનો પહેલો માર્ગ આપણે જોયો દ્રષ્ટાભાવ. બીજો છે સદ્ગુરુ પ્રત્યેનું સમર્પણ, અને ત્રીજો છે પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ. તો આપણે પહેલો માર્ગ બરોબર જોઈ લઈએ. વિચારોના દ્રષ્ટા બની જવાનું. મેં ગઈકાલે કહેલું, તમને હેરાનગતિ શેની છે. વિચારોની નથી. વિચારો જોડે તમે તાદાત્મ્ય કર્યું છે, વિચારો જોડે સાંઠગાંઠ બાંધી છે. મારા વિચારો… ભાઈ તારા વિચારો ક્યાં, એ તો મને કહે… એક સારો વિચાર આવ્યો ને તમે સત્તર જણા ને કહેતા ફરો. મને આ વિચાર આવ્યો. મારી પાસે આવે ને કોઈ આવો, હું એને કહું અલ્યા તારો વિચાર ક્યાંથી પણ? તારો ક્યાંથી વિચાર? તું તો ટીવી ના ઇડીયટ બોક્ષ જેવો છે. કોઇ પણ પ્રોગ્રામ તૈયાર થાય, એ સ્ટુડીઓ પર તૈયાર થાય ને. સ્ટુડીઓ પરથી તરંગો મોકલવામાં આવે છે, ટેલીકાસ્ટ કરવામાં આવે છે. એ તરંગોને ટીવીનું જે મશીન છે એ રીસીવ કરે છે. તો ટીવીનું ઇડીયટ બોક્ષ પ્રોગ્રામોને create કરતુ નથી, પ્રોગ્રામોને રીસીવ કરે છે. મેં પેલાને કહ્યું, તું રીસીવર છે. તું વળી કયો પ્રોગ્રામ બનાવે છે?! આ સરસ વિચાર મને આવ્યો. તારી આજુબાજુમાં કોઈ મહાપુરુષે સરસ વિચાર કર્યો હશે, વિચાર કરીને છોડ્યો હશે, એ વિચારના આંદોલનો તારી પાસે આવ્યા, તે એને ઝડપ્યા. તું વિચાર પર માલિકી જ ઠોકી કાઢે છે. મારા વિચાર. અશુભ વિચારો પરની માલિકીયત તમારી હો, અમારી નહિ પાછી હો. એમાં ભાગીદાર અમને નહિ બનાવતા. અશુભ વિચારોની જવાબદારી તમારી, પણ શુભ એક પણ વિચાર આવે તો.
લલિત વિસ્તરાની પંજીકામાં બહુ મજાની વાત કહી: ‘भगवत्प्रसादलभ्यत्वात् कुशलाशयस्य’ (શુભ ભાવ ભગવદત્પ્રસાદલભ્યત્વાત્) એકપણ શુભ વિચાર તમને મળે. એક પણ શુભ ભાવ મળે. પ્રભુની કૃપાથી તમને મળે. પ્રભુએ શાસન સ્થાપ્યું જ ન હોત. પ્રભુ એ દ્વાદશાંગી મૂકી જ ન હોત. શુભ વિચારો ક્યાંથી આવત? આપણી પાસે જે પણ શુભ વિચારો છે દ્વાદશાંગીમાંથી આવેલા છે. અત્યારે કોઈ જીવંત અવધિજ્ઞાની કે મન:પર્યવજ્ઞાની નથી. વિશિષ્ટ શ્રુતજ્ઞાની નથી. અમે લોકોએ દીક્ષા કેમ લીધી? માત્ર એ દ્વાદશાંગીમાંથી જે સુત્રો અત્યારે રહ્યા છે એ પ્રભુના શબ્દ પરમાત્મા દ્વારા અમે દીક્ષા લીધી છે. એક પણ શુભ વિચાર તમને આવ્યો, એક પણ શુભ ભાવ તમને આવ્યો એ પ્રભુના એ ગ્રંથસ્થ થયેલા શબ્દોને કારણે આવ્યો છે. હવે સમજી ગયા?
બરોબર ભાગ પાડી નાંખશો? શુભ વિચાર પરમાત્માનો, અશુભ વિચાર તમારો. હવે બોલો ટીવી નું તમારું બોક્ષ કોઈ સારો પ્રોગ્રામ ઝીલે જ નહિ અને લીસોટા-લીસોટા બતાવે તો તમે શું કરો પછી? રાખો એમને એમ ટીવીને? કે કોઈ ટેકનીશીયન પાસે લઇ જાઓ? કે બદલી નાંખો? આ મનનું ટીવી તમારું બગડી ગયું છે. જે મનના ટેલીવિઝને ભગવાનના શબ્દોને ટેલીકાસ્ટ કરવાના હતા, રીસીવ કરવાના હતા એને બદલે ટેલીવિઝન લીસોટા બતાવે છે અને સાવ ખોટે ખોટા સમાચારો આપે છે. ચાલશે? તમારું મનનું ટેલીવિઝન શું કરે છે બોલો? ભગવાનની કહેલી વાત આ કે બધા જીવો સિદ્ધના સાધર્મિક છે બધા જીવો જ ભવિષ્યના સિદ્ધો છે. તમે સિદ્ધ જોડે લડો છો અને ‘નમો સિદ્ધાણં’ બોલો છો. આ વિચાર પ્રભુનો કે તમારો? તમે કહેતા હોવ ને પ્રોગ્રામ ફીડ કરી દઉં. આજે છે ને ઘણી ચેનલોને આપણે જામ કરી દેતા હોઈએ છીએ. તો તમારી ખોટી ચેનલો બધી જામ કરી નાંખો. માત્ર સારા વિચારો જ તમને મળે એવું કરી નાંખીએ. જ્યાં સુધી નિર્વિકલ્પ દશા ન મળે ત્યાં સુધી શુભ વિચારોમાં તો રહેવું જ છે. અશુભ, શુભ અને શુદ્ધ. શુભ વિચારો બહુ સારા છે.
આપણી આખી જ પ્રારંભિક શાસનની ધારા અહોભાવની ધારા ઉપર છે. અને હું પોતે અહોભાવનો ચુસ્ત સમર્થક છું. નિશ્ચય-નયનો પારદૃશ્વા હોવા છતાં હું વ્યવહારનો એટલો જ દ્રઢ સમર્થક છું. અહોભાવની શુભની ધારા કહેવાય, શુદ્ધની નહિ. પણ હું માનું છું કે ૯૫-૯૭, ૯૮ ટકા સાધકો એ શુભની ધારા દ્વારા જ ઊંચકાઈ શકે. એ પ્રભુની ભક્તિ દ્વારા, એ પ્રભુની ભક્તિમાં આવતી ભીનાશ દ્વારા જ તમે ઊંચકાઈ શકો no doubt મને લાગે છે. અને એટલે જ અહોભાવની ધારા આપણને મળી છે એ બેસ્ટ મળી છે. પણ એ અહોભાવની ધારાને બરોબર પકડો તો શુભમાંથી તમે શુદ્ધમાં જઈ શકો.
હવે આપણો નવો વિષય આવ્યો એક. શુભમાં તમે છો પણ શુભમાંથી શુદ્ધમાં તમે કેમ નથી જઈ શકતા? આપણી બધી જ ક્રિયા શુભની. આપણા દર્શનની ક્રિયા, પરમાત્માના પૂજનની ક્રિયા, સામાયિકની ક્રિયા, પ્રતિક્રમણની ક્રિયા બધી જ પરમાત્માની આપેલી અમૃત અનુષ્ઠાનની ક્રિયા શુભ ક્રિયા છે. આટલી શુભ ક્રિયા જે કરતો હોય એનામાં અશુભ વિચાર ક્યારે આવી શકે ખરો? તમારી વાત નથી કરતો. તમારે તો આવે જ નહિ. તમારે તો બધા પ્રોગ્રામ જામ થઈ ગયા છે. અશુભ વિચાર એકેય ન આવે બરોબરને? આવે જ નહિ ને, ક્યાંથી આવે? આવે ક્યાંથી આવે? મન તમારું પ્રભુનું, જીવન પ્રભુને સોંપ્યું, તો મન તમે તમારું રાખ્યું છે પાછું? મન કોનું? મન પ્રભુનું. પ્રભુના મનમાં કેવા વિચારો આવે બોલો? તો મારે તમારાં મનને પણ પ્રભુનું મન કરી દેવું છે. શુભમાંથી પાછા અશુભમાં કેમ જાઓ છો? મારી વાત આ છે. પૂજા કરી પ્રભુની એક કલાક, કેટલા સમભાવમાં રહ્યા, સ્તવનો ગાયા, એટલું-એટલું શુભ વાતાવરણ, મંદિરના આંદોલનો એટલાં પવિત્ર, પ્રભુના મૂર્તિમાંથી જે રેસ નીકળે છે એ એટલાં પવિત્ર, બધું જ પવિત્ર પવિત્ર વાતાવરણ. આપણા જિનાલયનું વાતાવરણ છે ને અદ્ભુત્ત છે. હું તો ઘણીવાર કહું છું કે આપણા જિનાલયનું વાતાવરણ તમે ખાલી ન્યુટ્રલ થઈને જાઓ, દુર્વિચારોને બહાર મુકીને જાઓ તમને શુભમાં, શુભના વેગમાં અને શુદ્ધમાં મુકવાનું કામ પ્રભુ પોતે કરી આપે છે. તો
આપણે આપણી આ પ્રક્રિયાનો ફોલ્ટ જોવો છે આજે કે શુભની આટલી ક્રિયા સરસ હોવા છતાં. બહાર નીકળ્યા પછી ઓફિસે ગયા પછી પેલાના પૈસા બાકી છે. ઠીક છે બાકી છે. વ્યવહારમાં તમે છો એટલે કહી પણ શકો, ફોન પણ કરી શકો કે ભાઈ પૈસા ક્યારે આપો છો? પણ કોઈના પ્રત્યે તમને દ્વેષ તો ન જ થાય? આસક્તિ ક્યાંય ન થાય, ખરાબ વિચારો તમને ન આવે એવું બનવું જ જોઈએ. પણ એ બને છે? Where is the fault? પ્રશ્ન તમારો હોય એ હું મૂકું છું. Where is the fault? પ્રભુએ કહેલી બધી જ ક્રિયા અમૃતક્રિયા છે યાદ રાખજો. પણ એ અમૃત ક્રિયા કલાકો સુધી કરવા છતાં દુર્વિચારો કે દુર્ભાવ કેમ આવે છે? આ વાત આપણે બપોરના સેશનમાં જોઈશું. કે કેમ આપણને આ વિચાર આવે છે? આવવો જ ન જોઈએ. તમને પણ લાગે છે ને આવે? પ્રભુનો જે ભક્ત હોય ને મનમાં વિચાર આવે?
જીહ્ણા નામનો એક મંત્રી હતો. ચુસ્ત, ધાર્મિક. રાજાનું બધું જ કામ સંભાળે. રાત-દિવસ ચિંતા કરતો. પણ એની ધર્મ ક્રિયા ફિક્સ. બે ટાઈમ પ્રતિક્રમણ કરવાનું એટલે કરવાનું જ. અષ્ટપ્રકારી પૂજા પણ કરવાની જ. બપોરે સામાયિકમાં સ્વાધ્યાય પણ કરવાનો જ. એક સવારે પુજાના કપડાં પહેરી, હાથમાં પૂજાનો થાળ લઇ દેરાસરે જાય છે પૂજા કરવા. હવે રાજાને મંત્રી ઉપર એટલો વિશ્વાસ. એ જમાનામાં કોર્ટો-બોર્ટો કોઈ નહિ. કોઈ ગુનેગાર હોય, મંત્રી કહે આમ સજા કરો; સજા કરી દેવાની. No appeal. ત્યાં આગળ પછી અપીલ ન થાય.
તો એક બારોટ હતો. રંગેલા હાથે ચોરાયેલો-પકડાયેલો. ચોરી કરતા પકડાઈ ગયો. ખરેખર નહોતી કરી પણ કોઈને એવું લાગ્યું. બારોટ હતો. મજાનો માણસ હતો. કોટવાલ એને પકડીને મંત્રીને ત્યાં લાવે છે. સાહેબ ઓફિસમાં તો કોણ આવશે? એને પણ ખબર છે મંત્રી પૂજા કરવા ગયા છે પછી તો કલાક-બે કલાકે ક્યારે આવે? તમારે ઘરે એવું જ હોય ને આમ? તમારી શ્રાવિકા એમ જ કહે ને આમ પૂજા કરવા ગયા છે હવે ક્યારે આવશે, એની ખબર નહિ પડે હવે. કેમ બરોબર ને…? તો પેલા કોટવાળને થયું કે મંત્રી સાહેબ ક્યારે આવશે રાજસભામાં પાછા? ઘરે જાઉં. ઘરે ગયો ત્યાં તો મંત્રી સાહેબ ઘરેથી નીકળતા હતા. પુજાના કપડાં પહેર્યા છે. પેલો અચકાઈ ગયો. સાહેબને શું પૂછવું? પણ હવે કેસ અગત્યનો હતો. સાહેબ આ બારોટ છે. ચોરીમાં રંગાયેલા હાથે પકડાયેલો છે. શું કરવું?
એ વખતે ચોરીના ગુનેગારને સીધી ફાંસીની સજા આપતા. કેમ કે સુરાજ્યો હતો. એમના રાજ્યો કહેતા. રાજ્યો કહેતા કે તમારી દુકાનો તમારે રાત્રે બંધ કરવાની નહિ. એ બંધ કરો રાત્રે એનો અર્થ એ થયો કે અમારી સુરક્ષા પર તમને વિશ્વાસ નથી. હમણા જ એક રાજા થયો. ધાંગધ્રાનો. એણે કહેલું રાત્રે જો કોઈ દુકાન બંધ કરશે તો ગુનેગાર થશે રાજ્યનો અને પછી એ કહેતા રાજા કદાચ ચોરી થાય. કદાચ માની લો કે થાય. જેટલા તમારે ચોરી થઈ હોય મારી પાસે આવી જાઓ પૈસા પહેલા તમને આપી દઈશું. અને પછી કોટવાળની પાસે પેલા પોલીસવાળાને કહી દીધું જેટલી ચોરી પેલાની થઈ પૈસા એણે હું આપીશ. પૈસા તમારાં પગારમાંથી હું ચૂકવીશ. તો એ ચોરીના ગુનેગારને ફાંસીની સજા હતી.
હવે ઝીહ્ણામંત્રી. પુજાના કપડાં પહેરેલાં. મારવાની વાત થાય કંઇ? તો એને ફાંસી આપો એમ બોલાય ખરું? પણ મંત્રી જરાક વિવેક ચુકે છે. ચુકે છે અને શું કરે છે? થાળીમાં એક ફૂલ હતું અને ફૂલનું ડીટડું તોડ્યું એણે. ફૂલ આમ ડિટડું આમ. અર્થ સમજી ગયા તમે. માથું ઉતારી નાંખવાનું ધડથી. પેલો બારોટ હતો. એણે તરત જ કહ્યું, ‘જીહ્ણા રે જીનવર ન મિલે તારો તાર’ ભાઈ ઝીહ્ણા મંત્રી પૂજા કરવા તું જાય છે ને રોજ. રોજ જતો હશે. ભગવાન તને મળ્યા નથી હજુ, ‘જીહ્ણા ને જીનવર ન મિલે તારો તાર.’ તારો તાર ભગવાન સાથે સંધાયો છે ભાઈ? ‘જિન કર જીનવર પૂજીએ સો કીમ મારણહાર?’ તું તારા જે હાથ થી પ્રભુની પૂજા કરવાનો છે એ હાથથી કોઈને મારવાની વાત કરે છે તું?! ‘જીન કર જીનવર પૂજીએ સો કીમ મારણહાર?’ ઝીહ્ણાએ થાળી બાજુમાં મૂકી. બારોટના પગમાં પડ્યો. ચોધાર આંસુએ રડ્યો. ભાઈ તું મારો ગુરુ છે. સજા-બજા તારી કોઈ નથી. પણ તું મારે ઘેર આખી જીંદગી રહેજે અને આ ઉપદેશ મને તું આપતો રેહજે. મારી મોટી ભૂલ જે હાથે પ્રભુની પૂજા હું કરું એ હાથે કોઈને મારવાની વાત હું કરું છું?
હવે તમને પૂછું, જે હાથથી જીનવર ની પૂજા કરો. ત્રસની વિરાધના થાય છે, સ્થાવરની વિરાધના થાય છે. વિરાધના થાય છે સમજુ છું. તમારું બાથરૂમ. વાંદા થઇ ગયા, બહેનો આલોચના લેવા આવે. સાહેબ શું કરીએ? સાફ કરવું પડ્યું. આમ થયું, તેમ થયું, ઉધઈ લાગી ગઈ, ટ્રીટમેન્ટ કરાવવી પડી. એ કરવું પડે છે. હૃદય એ વખતે રડતું હોય. આંખોથી આંસુ ઝરતા હોય કે આ પાપી શરીર માટે આટલું બધું પાપ કરવું પડે છે! તો આપણી વાત આ Point ઉપર ઉભી છે અત્યારે કે શુભની ક્રિયાઓ આટલી બધી હોવા છતાં અશુભ વિચારો આપણને આવે છે. કેમ આવે છે? બપોરે આપણે જોઈશું.