Maun Dhyan Sadhana Shibir 13 – Vanchan 3

14 Views 31 Min Read

Subject : ત્રિવિધ યોગ ધરી આદર્યો

આ જન્મમાં મને સ્વાનુભૂતિ મળવી જ જોઈએ; અનંત જન્મોની જેમ આ જન્મને કોઈ પણ રીતે વ્યર્થ જવા દેવો નથી – એવી તીવ્ર ઝંખના એટલે રુચિ. પર દ્વારા મને સુખ મળે – એવી જે અત્યાર સુધીની ભ્રમણા હતી, તેનો છેદ થવો તે વૈરાગ્ય. રુચિ અને વૈરાગ્ય મળી જાય, પછી સ્વાનુભૂતિ દૂરની ઘટના નથી.

ત્રિવિધ યોગ ધરી આદર્યો – પ્રભુ આજ્ઞાને સંમત ન હોય, એવો એક પણ વિચાર મનમાં ન આવે. વચન અને કાયાના યોગો પણ પ્રભુ આજ્ઞા મુજબ જ ચાલે. જ્યાં આવું surrender આવે, કે પ્રભુની care શરુ…

પ્રભુની care ત્રણ સ્તરે: ધારણ, પોષણ, તારણ. તમે સતત શુભ યોગોમાં રહી શકો, એ ધારણ. શુભ યોગોમાં અહોભાવ આવે, એ પોષણ. અને તમારી સાધના શુદ્ધમાં છલાંગી જાય, તે તારણ. પ્રભુની આ care ન હોત, તો આપણે ક્યાં હોત – એ જો વિચારી લઈએ, તો પ્રભુની કૃપા શું છે – એ આપણને ખ્યાલ આવી જાય!

મૌન ધ્યાન સાધના શિબિર – ૧૩ (ભીલડીયાજી) – પ્રવચન – ૩

સવાસો ગાથાના સ્તવનમાં મહામહોપાધ્યાય યશોવિજય મહારાજે સ્વાનુભૂતિ માટેનો એક સાધના ક્રમ બતાવ્યો. પરરસની મુક્તિ, ઉપયોગનું સ્વ – પરમાંથી ખેંચાવું, અને ઉપયોગનું સ્વમાં જવું. પરરસમાંથી મુક્ત થવું છે અને સ્વાનુભૂતિ કરવી છે.

ભીલડીયાજી દાદાના ચરણોમાં રોજ એક જ પ્રાર્થના કરવી છે કે દાદા તારા ચરણોની અંદર માત્ર ને માત્ર સ્વાનુભૂતિ દીક્ષા લેવા માટે અમે આવ્યા છીએ. પ્રભુની કૃપા વિના સ્વાનુભૂતિના માર્ગ ઉપર એક ઇંચ, એક સેન્ટીમીટર પણ જઈ શકાતું નથી. પ્રભુની પાસે રોજ યાચના કરું છું.

દેવચંદ્રજી મહારાજે સત્તરમાં સ્તવનમાં છેડે બહુ મજાની પ્રાર્થના કરી, આપણા વતી જ કરેલી… એમનું કાર્ય તો પૂરું થઇ ગયેલું પણ આપણા વતી એમણે પ્રાર્થના કરી. મારી દ્રષ્ટિએ આપણી પ્રાર્થના જગતની કેટલીક શ્રેષ્ઠ પ્રાર્થનાઓ પૈકીની આ એક છે. શુદ્ધ ગુજરાતી ભાષામાં “અસ્તિ સ્વભાવ જે આપણો રે, રૂચિ વૈરાગ્ય સમેત, પ્રભુ સન્મુખ વંદન કરીને, માંગીશ આતમ હેત” પ્રભુ પાસે જઈશ, ચરણોમાં વંદના પેશ કરીશ. અને પછી કહીશ કે પ્રભુ મારે બીજું કાંઈ જ ન જોઈએ. મારું અસ્તિત્વ, મારું being, મારી સ્વાનુભૂતિ મને આપ. અસ્તિ સ્વભાવ જે આપણો રે – મારે બીજું કાંઈ જોઈતું નથી. મારું અસ્તિત્વ, મારું સ્વરૂપ, મારું being મને આપી દે.

મહાપુરુષોની કરુણા કેવી હોય છે… કે એમણે સ્વાનુભૂતિ તો માંગી પણ આપણા માટે સ્વાનુભૂતિ માટેના ૨ માર્ગ પણ બતાવી દીધા, રૂચિ વૈરાગ્ય સમેત- પ્રભુની કૃપા + રૂચી અને વૈરાગ્ય = સ્વાનુભૂતિ. રૂચિ; એક તીવ્ર ઝંખના. ક્યારે મને સ્વાનુભૂતિ મળે. અનંતા જન્મો કદાચ મારા વ્યર્થ ગયા. પણ આ જન્મને કોઈ પણ રીતે હું વ્યર્થ થવા દેવા માંગતો નથી. અને એથી આ જન્મમાં સ્વાનુભૂતિ મળવી જ જોઈએ. તીવ્ર ઝંખના તમારી પાસે છે, એ તીવ્ર ઝંખના શું કરે છે… વૈરાગ્ય લાવે…. વૈરાગ્ય એટલે પર પ્રત્યેની અશ્રદ્ધા, પર પ્રત્યે અનાસક્તિ. અત્યાર સુધી પર દ્વારા મને સુખ મળે એવી જે ભ્રમણા હતી. એ ભ્રમણાનો ઉચ્છેદ થયો. તો પરથી સુખ મળે છે આવી આસ્થાનો છેદ એનું નામ વૈરાગ્ય. તો રૂચી અને વૈરાગ્ય મળી ગયા. પ્રભુની કૃપા મળી ગઈ. સ્વાનુભૂતિ કોઈ દૂરની ઘટના નથી.

એક મજાની ઘટના યાદ આવે, બ્રાહ્મણવાડા તીર્થમાં રાજસ્થાનમાં પરમ પૂજ્ય સદ્ગુરુદેવ ભદ્રંકરવિજય મ.સા.ની નિશ્રામાં ચૈત્રી ઓળી. સાહેબ એ વખતની સાધના જગતની, ભક્તિ જગતની, ટોચની વિભૂતિ હતા. એ વખતે બ્રાહ્મણવાડામાં સાહેબજી તો હતા જ, પણ એમની પાસે જ્ઞાન લેવા માટે કલાપૂર્ણ સૂરિ દાદા પણ પધારેલા, પ્રભુભક્ત જંબુવિજય મ.સા. પણ આવેલા. સાહેબજી પ્રવચન આપી રહ્યા છે. અને એક જ વાત એમની હતી… સાધના પ્રભુની કૃપાથી જ મળે. આપણી પૂરી સાધના ઉપર ભગવદ્ કર્તૃત્વતા છવાયેલી છે. એ વખતે એક ભાવકે પ્રશ્ન કર્યો કે ગુરુદેવ આપ કહો છો એટલે માની લઈએ… પણ અમને કોઈ શાસ્ત્રાધાર આપ આપશો. સાહેબજી તો મહાવિદ્વાન હતા. પણ એમની કરુણા શું કામ કરે છે એ જોયું. એમણે જોયું કે સંસ્કૃત ગ્રંથોનો હવાલો આપીશ તો એ લોકો સાંભળી લેશે.. પણ પાછળથી ઘૂંટી નહિ શકે. તો ગુજરાતી ગ્રંથોનો જ હવાલો આપું… બાકી સાહેબની સામે ઉપમિતિ હતું. ઉપમિતિ માં સિદ્ધર્ષીજી કહે છે… “તવાયતો ભવો નીલ:, ભવત્ તારયોપિ તે વશ:” પ્રભુ સંસાર પણ તારા હાથમાં છે. મોક્ષ પણ તારા હાથમાં… આ જ વાત મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે કરી. ‘મુખ્ય હેતુ તું મોક્ષ એ મુજને સબળ વિશ્વાસ રે’ ગજબની દુનિયા છે આ …. તમે માત્ર શ્રવણના સ્તર પર આનો આસ્વાદ લો એટલી કંઈ મજા ન આવે. પણ પ્રભુ જ બધું કરે છે. મારી એક – એક ક્ષણમાં મારું યોગ અને ક્ષેમ કરનાર પ્રભુ છે, આવું જ્યારે આપણા મનમાં નક્કી થયું; ત્યારે એવો તો અનુભવ થાય છે જેને શબ્દોમાં આપણે મૂકી ન શકીએ.

એક સૂત્ર હું ઘણીવાર કહેતો હોઉં છું… surrender ની સામે care. surrender ની સામે care – સમર્પિતતા ની સામે કાળજી. તમે જેટલા પ્રભુને, પ્રભુની આજ્ઞાને સમર્પિત એટલી જ તમારી કાળજી વધુ લેવાય. અમારી કાળજી વધુ લેવાય હો તમારા કરતાં … ૬૫ વર્ષના મારા દીક્ષા પર્યાયમાં મને ખ્યાલ નથી કે પ્રભુએ એક ટંક મને ભૂખ્યો રાખ્યો હોય… મારે કરવું હોય આયંબિલ, ઉપવાસ એ અલગ વાત છે… ગમે તેવું જંગલ હોય… અટવી હોય… દુર્ગમ માર્ગ હોય… પણ પ્રભુએ એક ટંક મને ભૂખ્યો રાખ્યો નથી. બહાર જેવી પ્રભુની કરૂણા વરસે છે એવી જ ભીતરી સ્તર પર… પ્રભુએ એક ક્ષણ મને વિભાવમાં જવા દીધો નથી. તમારા ઉપર પણ પ્રભુ આ કામ કરી શકે છે. અને ખરેખર કહું તો પ્રભુ તમારા ઉપર આ કામ કરવા આતુર છે. માત્ર surrender… સમર્પિતતા પ્રભુ આજ્ઞા પ્રત્યે…

એકવાર રત્નસુંદરસૂરીજી આ બાજુ વિહાર કરતા હતા. રોડ ઉપર ચાલી રહેલા. પાછળથી એક ઊંટગાડી વાળો આવ્યો. એણે જોયું સંત ચાલી રહ્યા છે. ઊંટગાડી બાજુમાં ઉભી રાખી. આગળ આવ્યો વંદન કર્યું… પછી એણે પૂછ્યું મ.સા. મજામાં છો ને? શાતા શબ્દ ન આવડે તો શું ફરક પડે… સાહેબ મજામાં છો ને…? રત્નસુંદરસૂરીજી એ પણ એ જ લયમાં જવાબ આપ્યો… અરે બહુ મજા, બહુ મજા… બહુ મજા… એ વખતે પેલો ઊંટગાડી વાળો કહે છે મ.સા તમે મજામાં હોવ જ. તમે જ્યારે પ્રભુ માટે આટલું કર્યું છે તો પ્રભુએ તમારી એક – એક ક્ષણની જવાબદારી સ્વીકારવી પડે… તો પ્રભુ તૈયાર… તમારી બહારની જવાબદારી અને ભીતરની જવાબદારી… બેઉ સ્વીકારવા પ્રભુ તૈયાર છે. આપણે સમર્પિત થવા તૈયાર છીએ… અને એવું નથી કે પ્રભુની કરૂણા તમારા ઉપર ન વરસે. તમે સમર્પિત હોવ કે અસમર્પિત હોવ, પ્રભુની કરૂણા તો વરસ્યા જ કરે છે. પણ સમર્પિતતા નથી ત્યાં receptivity નથી. અને receptivity ન હોવાના કારણે તમે પ્રભુની કરૂણાને ઝીલી શકતા નથી. મારા અને તમારા અગણિત જન્મો ગયા.

અનંતકાળથી તીર્થંકર ભગવંતોની કરૂણા આપણા ઉપર વરસતી જ આવી છે. ન હું એને ઝીલી શક્યો , ન તમે એને ઝીલી શક્યા. કરૂણા વરસતી હતી સતત…. અને છતાં આપણે એને ઝીલી ન શક્યા. કારણ receptivity આપણી પાસે નહોતી. પ્રભુ આજ્ઞાનું પાલન કદાચ ઓછું હોય, એ પ્રભુ આજ્ઞા પ્રત્યેનો આદર પણ હોય ને, તો પણ તમારી પાસે receptivity આવી જાય. તો પ્રભુની કરૂણાને ઝીલવી છે.

સાહેબજીને પૂછવામાં આવ્યું છે… કે પ્રભુ સાધના માર્ગના કર્તા છે એ માટેનો શાસ્ત્રાધાર આપો…. એ વખતે ગુરુદેવે આનંદઘનજી ભગવંતની નેમિનાથ ભગવાનની સ્તવનાની એક કડી શાસ્ત્રાધાર રૂપે મૂકી. એટલા માટે આ કડી મૂકી કે આનંદધનજી ભગવંતનું વચન પણ શાસ્ત્ર જ છે. એ આગમ જ છે. અને બીજી વાત એ ગુજરાતી ભાષાની કડીને લોકો ઘૂંટી શકશે. કડી એક જ છે. “ત્રિવિધ યોગ ધરી આદર્યો, નેમિનાથ ભરથાર, ધારણ પોષણ તારણો રે, નવરસ મુકતાહાર” આમાં ૨ વાત આવી છે… ભક્તનું કર્તવ્ય શું, એ પણ બતાવ્યું… પ્રભુનું સાધનામાર્ગનું કર્તૃત્વ કયું એ પણ અહીંયા આવ્યું.

પહેલી વાત ભક્તની તરફ ખુલે છે: ત્રિવિધ યોગ ધરી આદર્યો, નેમિનાથ ભરથાર – રાજીમતીજીએ પ્રભુને સ્વીકાર્યા. પ્રભુના ચરણોમાં જીવન સમર્પિત કર્યું… દીક્ષા લીધી. એ વખતે એમણે શું કર્યું છે… ત્રિવિધ યોગ ધરી આદર્યો – મન, વચન અને કાયાના યોગો સંપૂર્ણ તયા પ્રભુની આજ્ઞાને સમર્પિત થઇ ગયા. મનમાં એક પણ વિચાર પ્રભુની આજ્ઞાને સંમત ન હોય એવો આવે નહિ. વચનયોગ અને કાયયોગ પણ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ ચાલે. તો મન, વચન, કાયાના યોગો દ્વારા પ્રભુની આજ્ઞાનો એમને સ્વીકાર… જ્યાં આ surrender આવ્યું પ્રભુની care શરુ થઇ ગઈ. પ્રભુની કાળજી, પ્રભુનું યોગક્ષેમ, ૩ રીતે આપ્યું છે. ધારણ, પોષણ, તારણો રે… – આપણી ગુજરાતી સ્તવનાઓમાં કેટલું ઊંડાણ છે. ક્યારેક જુઓ તો ખ્યાલ આવે.. પ્રભુ શું કરે… રાજીમતીજી ઉપર જ કરે એવું નહિ… તમારા ઉપર પણ કરે… ૩ વસ્તુ કરે… ધારણ, પોષણ, તારણ… ધારણ એટલે શું? શુભમાં તમારા યોગોને ધારી રાખે… પ્રભુ એવી એક system આપે કે જે system ને કારણે તમારા મન,વચન, કાયાના યોગોઅ અશુભ તરફ ન જાય. પહેલું step ધારણ… તમને સતત શુભ યોગોમાં પ્રભુ રાખે.

હમણાં – હમણાં હું ઘણીવાર કહું છું કે સાધક માટેની basic સાધના કઈ? પાયાની સાધના એક જ છે. તમે તમારા મનને સતત શુભમાં રાખો. સામાયિકમાં બેઠેલા હશો. વચનયોગ અને કાયયોગ શુભના છે. પણ એ વખતે મન ક્યાંય બહાર ન જતું રહે… એની જાગૃતિ રાખવી. તો Basic સાધના આપણી આ છે. ૨૪ કલાક મન શુભમાં રહે એના માટેની કોશિશ. તમારા માટે છે ને પ્રભુએ એક મજાનું discount આપ્યું છે, ખબર છે તમને… અમે લોકો પ્રભુની આજ્ઞા શરીરથી પણ પાળીશું… વચનયોગ અને મનોયોગથી પણ પાળીશું. સંસારમાં રહેલો અભ્યસ્ત એને આરંભ – સમારંભ કરવા પડશે ત્યારે એ કરશે. તો એ વખતે શું કરવાનું… એ વખતે પ્રભુની આજ્ઞા પ્રત્યે શું થઈ શકે… કેટલું સરસ કહેવામાં આવ્યું છે કે એ વખતે બની શકે શરીર પ્રભુની આજ્ઞાના વિરાધનમાં છે. મનને પ્રભુની આજ્ઞાના આરાધનમાં લાવી દો.

રસોઈ કરી રહ્યા છો તમે… તેઉકાય ને વાઉકાયની વિરાધના થઇ રહી છે. પણ એ વખતે મનમાં હોય, કે આ સંસારમાં છું માટે આ બધું કરવું પડે છે. હું પણ સાધ્વીજી બની ગઈ હોત તો કેટલું સરસ હોત…. આ ભાવ આવે તો મનની અંદર એ વિરાધનાનો ડંખ રહે. એ વિરાધનાનો ડંખ મનથી તમને આરાધક બનાવે. એટલે કાયાના સ્તર પર વિરાધના ચાલુ હોવા છતાં મનના સ્તર પર તમે આરાધક બની જાઓ. બોલો આમાં કોઈ અશક્ય ખરું… જે વખતે કોઈ પાપસ્થાનક સેવવું પડે છે, જુઠું બોલવું પડે છે કે બીજું કંઈ કરવું પડે છે, એ વખતે શરીર દ્વારા વચનયોગ દ્વારા એ ચાલી રહ્યું છે; મનમાં એના માટે ડંખ છે કે પ્રભુની આજ્ઞાની વિરુદ્ધ હું આ કરું છું તો મન આરાધક બની ગયું. તો હવે બોલો આ રીતે તમે મનને ૨૪ કલાક શુભમાં પ્રભુની આજ્ઞાના આદરમાં રાખી શકો કે નહિ… કેટલું સરળ… તમે અત્યારે જીવો છો એ જ રીતે તમારે જીવવાનું છે. માત્ર મન પ્રભુને આપી દેવાનું છે.

વૃંદાવનમાં ઉદ્ધવજી ગયા. રથ લઈને ગયા છે. રથને દૂરથી આવતો જોયો, ગોપીઓને થયું બીજું કોણ આવે; શ્રી કૃષ્ણ આવ્યા હશે… ગોપીઓ રથને વીંટળાઈ વળી.. શ્રી કૃષ્ણ તો હતા જ નહિ. એમના મિત્ર ઉદ્ધવજી હતા. ઉદ્ધવજી રથમાંથી બહાર નીકળ્યા… જોયું તો ૫૦ – ૬૦ ગોપીઓ રથને ઘેરી વળી છે. સમજી ગયા શ્રી કૃષ્ણના દર્શન માટે આવી છે. ઉદ્ધવજી પંડિત છે. ગોપીઓ ભક્ત છે. પંડિત કદાચ પહોંચે કે ન પહોંચે, ભક્ત જરૂર પહોંચી જાય. કારણ પાંડિત્ય માં શું થાય છે, એ પોતાના બુદ્ધિવિનાશ ઉપર એને જ અહંકાર આવે છે. તો ઉદ્ધવજી પંડિત છે, જ્ઞાની છે. એમણે ગોપીઓને કહ્યું કૃષ્ણ, કૃષ્ણ શું લઈને મંડી છો…કૃષ્ણ એમના કામમાં તમે તમારા કામમાં પડી જાઓ. એ વખતે ગોપીઓએ કહ્યું કે ઉદ્ધવજી તમે જ્ઞાની પુરુષ છો. તમારી પાસે ૨ – ૫ મન હશે. અમારી પાસે એક જ મન હતું અને એ શ્રીકૃષ્ણમાં વિલીન થઇ ગયું છે. હવે શું કરીએ શું વિચારીએ…. એક જ મન પ્રભુને સોંપી દો. અને હું ઘણીવાર કહેતો હોઉં છું. કે આમેય મન તમારા કબજામાં તો છે નહિ. તો પ્રભુને સોંપી દો ને.. તો મન પ્રભુને સોંપી દેવું છે.

“ત્રિવિધ યોગ ધરી આદર્યો, નેમિનાથ ભરથાર, ધારણ પોષણ તારણો રે, નવરસ મુકતાહાર” એનું ધારણ- પ્રભુ તમને શુભ યોગોમાં પકડી રાખે છે… અશુભમાં જવા નથી દેતાં. હવે અત્યારે વિચાર કરો… આ પ્રભુના શાસનમાં કેટલી મજાની systems છે. જ્યાં જુઓ ત્યાં જિનાલય. અદ્ભુત પરમાત્મા. તમે પરમાત્માને સન્મુખ જ બનો. તમે શુભમાં જ રહો. એના માટે કેટલી system develop કરવામાં આવી છે. સંતો, સંતોના પ્રવચનો તમે લોકો જે શહેરમાં રહો છો, ત્યાં ૩૬૦ દિવસ તમને સત્સંગ મળી શકે એમ છે. પ્રભુનું દર્શન, પ્રભુની ભક્તિ તમે રોજ કરી શકો એમ છો. પણ હવે આપણે છે ને ભક્તિને થોડે ઊંડાણમાં લઇ જવી છે.

એકવાર હું અમદાવાદમાં હતો. અમદાવાદના એક સંઘમાં સવારની સંવેદના ભક્તિ હતી. ૫ વાગે શરૂ થઇ ભક્તિ ૮ વાગ્યા સુધી ચાલી. ૧૦૦૦ એક લોકો પણ સંગીત એટલું સરસ, સંવેદના એટલી સરસ, ૩ કલાક ક્યાં ગયા લોકોને ખ્યાલ નહિ. ૮ વાગે કાર્યક્રમ પૂરો થયો. અને જાહેરાત થઇ કે બધા મહાનુભાવોએ બાજુના હોલમાં નવકારશી કરીને પછી જ જવાનું છે. એક ભાઈ ગયા ત્યાં હોલમાં નવકારશી માટે… ખુરશી ઉપર બેઠા. વેઈટર આવ્યો. અને ચા ગ્લાસમાં નાંખી. ચા નો ઘૂંટડો sip કર્યો. ઠંડી ચા, બેસ્વાદ ચા. એકદમ પીત્તો ગયો. શું વ્યવસ્થા છે આ લોકોની… ચા માં ય ઠેકાણું નથી. પણ એ ખરેખર જાગૃત સાધક હતો. એક મિનિટ હલી ગયો. એક મિનિટ… બીજી મિનિટે તરત જ એને થયું, અરે! આ શું?! ૩ કલાક સુધીની મારી ભક્તિધારા! અને એને ચા નો એક ઘૂંટડો સમાપ્ત કરી શકે! મારી ભક્તિધારા ૩ કલાક ચાલી. હું એમાં ડૂબી પણ ગયેલો. અને એક ચા નો ઘૂંટડો બેસ્વાદ હતો. એના કારણે આ ભક્તિધારા disturb કેમ થઇ? મારું ઘર તો બાજુમાં જ છે. કાર લઈને આવ્યો છું… ૫ મિનિટમાં ઘરે… મસાલાવાળી ચા ગરમાગરમ પી શકું એમ છું. ગરમાગરમ નાસ્તો ખાઈ શકું એમ છું. તો આ વિચાર મને કેમ આવ્યો…. આ જાગૃતિ. કર્મના ઉદયે કદાચ કોઈ વિચાર ૨ – ૫ સેકંડ માટે આવી ગયો… પણ તરત જ તમારી જાગૃતિ જો મુખેત બને તો તમે સાધક છો.

એમાં એ મારી પાસે આવેલા. મને એમણે પૂછ્યું કે સાહેબ આવું કેમ બન્યું? ૩ કલાક સુધી હું ભક્તિની ધારામાં હતો… અને એક ચા નો ઘૂંટડો મારી ધારાને તોડી નાંખે. શું થયેલું… મેં એમને કહેલું… કે તમારી ભક્તિધારા સાચી હતી, તમે ડૂબી ગયા એ પણ સાચું હતું. પણ તકલીફ ક્યાં થઇ કે તમારું અસ્તિત્વ ભક્તિના રંગે રંગાયેલું નહોતું માત્ર conscious mind જે છે એ જ ભક્તિના રંગે રંગાયેલું છે. હવે તકલીફ ક્યાં થઇ… ભક્તિ છે conscious mind માં અને આહાર સંજ્ઞા ક્યાં છે?- અસ્તિત્વના સ્તર ઉપર. કારણ કે અનંત જન્મોથી એને સાથે ને સાથે રાખી પુષ્ટ કરી છે. તો ૩ કલાકની conscious mind ની ભક્તિની સામે ૫ સેકંડની આહાર સંજ્ઞા જીતી ગઈ. કારણ; એ આહાર સંજ્ઞા અસ્તિત્વના સ્તરની હતી. એમને પણ વાત સમજાઈ ગઈ. પૂછ્યું કે સાહેબ આના માટે શું કરવું જોઈએ..? તો મેં કહ્યું કે ધીરે ધીરે ધીરે આ શુભને અંદર ઉતરવા દો. conscious mind, subconscious, unconscious, અને છેલ્લે તમારું અસ્તિત્વનું સ્તર. ત્યાં સુધી આ ભક્તિ ઉતરવી જોઈએ.

અષાઢ મહીને પહેલો વરસાદ વરસે… એક ઇંચ વરસે, પા કલાકમાં ધરતી કોરી કટ. ધરતી તરસી… પણ એ વરસાદ ૨ – ૨ કલાકે, ૪ – ૪ કલાકે repeat થવા માંડે તો અઠવાડિયે તો પાણી અંદર ઉતરી જાય. એમ આપણે આપણી સાધનાને conscious mind ના લેવલ પરથી ઉચકીને અસ્તિત્વના સ્તર પર મુકવાની છે. મોટામાં મોટી સાધના હોય તો આ એક જ સાધના છે. આવતાં જન્મમાં સાથે શું આવશે…? એક પ્રોફેસર હોય, લેકચર… ધુંઆધાર… મરી જાય…  માણસ તરીકે ઉત્પન્ન થાય… એ બાળક હોય ને ત્યારે A. B. C. D એને શીખવાડવી પડે છે. હવે ગયા જન્મનું ક્યાં ગયું… એ ભણેલું conscious mind ના લેવલનું હતું. એ ખતમ થઇ ગયું. પણ એ જ બાળકને તમે રમકડું આપો તો એ મોઢામાં નાંખશે. કારણ કે આહાર સંજ્ઞા એની પાસે અસ્તિત્વના સ્તરની છે.

શીતલનાથ ભગવનના સ્તવનમાં મહોપાધ્યાયજી એ કહ્યું “વિષય લગનકી અગન બુઝાવત, તુમ ગુણ અનુભવ ટાણો” રાગની આગ લાગી છે. દ્વેષની આગ પ્રગટી ઉઠી છે. એના માટે શું કરવાનું… માર્ગ બતાવે છે… તુમ ગુણ અનુભવ ધારા – પ્રભુનો જે ક્ષમા ગુણ છે… પ્રભુનો જે વિતરાગદશાનો ગુણ છે… એનો અનુભવ કરવો છે. શબ્દ એ વાપર્યો તુમ ગુણ અનુભવ ધારા… તુમ ગુણ શ્રવણ ધારા નહિ, તુમ ગુણ ચિંતન ધારા નહિ… તુમ ગુણ અનુભવ ધારા. તો પ્રભુ શુભયોગોમાં આપણને સ્થિર કરે… અને પછી ધીરે ધીરે ધીરે ઊંડાણમાં લઇ જાય. અમારે તો અનુભવ જ છે. પ્રભુ જ અમારી સાધનાને અસ્તિત્વના સ્તર સુધી લઇ ગયા છે. હવે શું કરી શકીએ… આપણે શું કરી શકીએ… આપણે કશું જ ન કરી શકીએ… માત્ર એની કૃપા… અસ્તિત્વના સ્તર પર સાધના ગઈ છે અને જે આનંદ આવે છે… હવે હું શબ્દોને વહેંચવા માટે નથી આવતો. મારા આનંદને વહેંચવા માટે આવું છું. જે આનંદ આપ્યો છે પ્રભુએ, એ આનંદ મારે તમને આપવો છે. લેવો છે ને ભાઈ… એ આનંદ જોઈએ ને… now and here… હમણાં મળી જાય બોલો… if you desire..

તો પહેલા પ્રભુ આપણને શુભમાં પકડી રાખે… કેટલા સરસ આલંબનો છે. અને તમે જો નક્કી કરો કે મન પ્રભુને સોંપી દીધું… તો મન તો અશુભમાં જવાનું જ નથી. મન પ્રભુમય જ રહેવાનું છે ૨૪ કલાક… તમારી કાયાના સ્તર પર વિરાધના થઇ રહી છે. પણ વિરાધના તીવ્ર ક્યારે બને છે… મન એમાં જોડાય છે ત્યારે… માત્ર કાયાના સ્તરની વિરાધના એટલો પાપબંધ નથી કરતી, જેટલું મન એમાં ભળે છે તીવ્રતાથી… ત્યારે પાપબંધ થાય છે. મન બહાર નીકળી ગયું…

પછી પોષણ. શુભમાં વેગ… હવે પાણી ઊંડું ઉતરવા માંડે છે. શુભમાં અહોભાવ હતો. હવે એ અહોભાવમાં વેગ આવવા માંડ્યો. પહેલાં પ્રભુને જોતા હતા, દર્શન કરવા જતાં હતા.. પણ કદાચ આંખો ભીની નહોતી થતી. આ પોષણનું સ્તર આવે એટલે દેરાસરના પગથિયા જ્યાં ચડો અને આંખો વહેવા માંડે. મારા ભગવાન… મારા ભગવાન… એ ભગવાન ન હોત તો હું કયા હોત… હું ઘણીવાર કહેતો હોઉં છું કે પ્રભુની કે કૃપા ન હોત તો આપણે ક્યાં હોત એટલું વિચારી લઈએ….તો પ્રભુની કૃપા શું છે એ ખ્યાલમાં આવી જાત. પ્રભુની કૃપા ન મળી હોત… તો હું અહીંયા ના હોત અને તમે અહીંયા ના હોત. માત્ર પદાર્થોની પાછળ ઘૂમનારા વ્યક્તિઓ તરીકે તમે હોવ. પ્રભુની કૃપાએ આટલું બધું કામ કર્યું છે.

અને એક મજાની વાત કરું – જે શ્રદ્ધા, જે ભક્તિ અને સમર્પણ આપણી પાસે છે- જૈનોની પાસે છે, એ કદાચ દુનિયામાં કોઈની પાસે નથી. એટલે તમારી પાસે રો – મટીરીયલ મજાનું છે પણ એના પર જે development કરવાનું છે ને, એ થતું નથી. આપણે એના માટે ભેગા થયા છીએ કે રો – મટીરીયલ મજાનું મળી ગયું… હવે development શી રીતે કરવું. જેમ કે અહિંસા ની વાત. ગળથૂથીમાંથી સંસ્કાર પડેલા છે. કે જીવને મરાય નહિ… હું સ્કુલમાં ૧૦ વર્ષની ઉંમર, બેંચમાં માંકડ નીકળે… અને બીજો કોઈ છોકરો એને pencil ની અણીથી દબાવવાની કોશિશ કરે… ના પાડી દઈએ. ચિત્કારી ઉઠીએ. અરે એ પણ આત્મા છે. એ પણ જીવ છે. એને કેમ હેરાન કરો છો… આ અહિંસા તમને પણ ગળથુંથીમાંથી મળી છે.

પણ હવે આપણે એ જોઈએ, કે એના ઉપર development કેટલું થયું…. તિથિના દિવસે લીલોતરીનું શાક પણ આપણે ન ખાઈએ… વનસ્પતિકાય ની વિરાધના પણ ન કરીએ. Development એ થવું જોઈએ. જો હું વનસ્પતિકાયની વિરાધના ન કરું, બીજા કોઈ જીવની વિરાધના ન કરું, તો મનુષ્ય જેવા મનુષ્યને પીડિત કેમ કરું? એક કડવો શબ્દ બીજાને કીધો. એના મનને દુભવ્યું… શું થયું… અહીંયા તમારી અહિંસાનું development સધાયું નહિ. એટલે રો – મટીરીયલ સારામાં સારું મળ્યું છે. એટલે development આપણે કરવાનું છે. તો આજની વાત બરોબર સમજાય છે. શુભમાં મન રાખવું છે. પણ એ conscious mind ના લેવલની વાત થઇ. હવે એનામાં જેમ સાતત્ય હશે, જેમ વેગ આવશે, તેમ અહોભાવમાં વૃદ્ધિ થશે. પ્રભુને જોતાની સાથે આંખમાંથી આંસુની ધારા, સંતોને જોતાંની સાથે આંખમાંથી પ્રેમ છલકાય. એટલે આ જે અહોભાવનો વેગ છે – પોષણ; એ શુદ્ધમાં રૂપાંતરિત થઇ જશે. એટલે શુભ, શુભનો વેગ, અને શુદ્ધ; આ આપણી સાધના પરંપરા છે.

શુભમાં તમે બધા છો. હવે આપણે શુભના વેગમાં જવું છે. અને શુદ્ધને પ્રાપ્ત કરવું છે. એના માટેની ચાવી આપી દીધી. ત્રિવિધ યોગ ધરી આદર્યો – આ વાતનું development સમાધિશતકમાં મહોપાધ્યાયજીએ આપ્યું છે. “ત્રિવિધ યોગ ધરી આદર્યો”, પણ એથી શું કહેવા માંગે છે આનંદઘનજી..? તો development આપ્યું, “આતમ જ્ઞાને મન ધરી, વચન કાય રતિ છોડ, તો પ્રગટે શુભ વાસના ગુણ અનુભવ કી જોડ” તો પ્રગટે શુભ વાસના ગુણ અનુભવ કી જોડ – શુભનો વેગ અને શુદ્ધ  તમારા ગુણની અનુભૂતિ, તમારા સ્વરૂપની અનુભૂતિ એ શુદ્ધ છે. આ મળે પણ એના માટે શું કરવાનું…

તો પહેલાં કહે છે, “વચન કાય રતિ છોડ” – વચન રતિ અને કાય રતિ છોડી દઈએ. કોઈએ તમને કહ્યું, તમે બહુ સરસ બોલ્યા તમારા સ્તવનમાં બહુ મજા આવી. અને એના વચનને કારણે તમારા મનમાં અહંકાર જન્ય રતિ ફેલાય… તો એ વચનરતિ. એવી વચનરતિને છોડી દેવાની છે. એ જ રીતે કાયરતિ. કંઈક tasty ખાધું અને રતિભાવ થયો… એ કાયાના સ્તર પર થયો. વચનરતિ અને કાયરતિને છોડી દેવાની છે. પણ એની સાથે બીજી વાત એ છે કે વચન આનંદ અને કાય આનંદ ને વાંધો નહિ. પ્રભુના વચનો તમે સાંભળ્યા, તમારું અસ્તિત્વ પુલકિત બની ગયું. તમને આનંદ આનંદ થઇ ગયો તો  વચનાનંદ. અને વચનાનંદનો કોઈ વાંધો નહિ.

એ જ રીતે પ્રભુનો સ્પર્શ કર્યો. પ્રભુનું દર્શન કર્યું અને જે આનંદ આનંદ છવાયો, એ કાય આનંદ છે. તો કેટલું સરળ છે બોલો… વચન રતિ છોડો, વચન આનંદ નો વાંધો નથી. કાયરતિ છોડો, કાય આનંદનો વાંધો નહિ. બે યુક્ત પતિ ગયા. હવે કહે છે, આતમ જ્ઞાને મન ધરી – મનને આત્મગુણોમાં મૂકી દો. એક વાત હું કહું લાલ લીટી દોરીને: તમારો ઉપયોગ, તમારું મન પરમાં જાય; એ પ્રભુની મોટામાં મોટી આશાતના છે. કારણ પ્રભુ કહે છે કે તારે તારા ઉપયોગને સ્વમાં રાખવાનો છે. તમે તમારા ઉપયોગને પરમાં લઇ જાઓ એટલે… પ્રભુની આજ્ઞાની આશાતના કરી. ઉપયોગ તમારો પરમાં જાય, એ પ્રભુની તમે કરેલી આશાતના. તો આતમ જ્ઞાને મન ધરી – મનને આત્મગુણોની અંદર મૂકી દે છે. આટલું જો થઇ ગયું તો શુભમાંથી, શુભના વેગમાં અને શુદ્ધમાં તમે પહોંચી જશો.

સામાયિક તમે કરો છો, શુદ્ધના સ્તરનું સામાયિક થશે ત્યારે ૪૮ મિનિટ તમે માત્ર ને માત્ર સમભાવમાં ડૂબેલા હોય, તમે ક્યારેય અમારી પાસે આવ્યા ખરા… સાહેબ રોજના ૨ સામાયિક કરું છું; ગુસ્સો ઓછો થતો નથી. તમારી સાધનામાં જે અવરોધો છે, એને હટાવવા છે. સદ્ગુરુ તૈયાર… સદ્ગુરુ તૈયાર… તમને પોતાને અવરોધ અવરોધ રૂપ લાગે…કે આ તો કેમ ચાલે… કે સામાયિક ૨ કરું હું અને સહેજ નિમિત્ત મળે ને મને ગુસ્સો આવું કેમ ચાલે… તમે આંખમાં આંસુ સાથે સદ્ગુરુ પાસે જાઓ.. કે ગુરુદેવ where is the fault? મારી ભૂલ ક્યાં થઇ ગઈ છે મને સમજાવો… જો તમે આ ultimate goal રાખો… કે મારે મારી સાધનાને શુદ્ધ સુધી પહોંચાડવી છે તો અઘરું કાંઈ નથી. કારણ; વ્યવહાર જે છે, એ માર્ગ છે; નિશ્ચય જે છે, એ મંઝિલ છે.

સામાયિકની ક્રિયા; એ વ્યવહાર. અને સમભાવની પ્રાપ્તિ; એ નિશ્ચય. જરૂર પ્રભુએ આપેલો વ્યવહાર પણ બહુ મજાનો છે. એ સફેદ વસ્ત્રો પહેરીને કટાસણા ઉપર તમે બેસો… ચરવળો – મુહપતી તમારી પાસે હોય, કુદરતી જ સારા ભાવો આવવા માંડે. એટલે વ્યવહાર સાધના પણ ઉત્કૃષ્ટ છે. પણ આપણે વ્યવહાર સાધનાએ અટકી જવાનું નથી. નિશ્ચય સાધના સુધી પહોંચવાનું છે. સામયિકમાં મને સમભાવની પ્રાપ્તિ થવી જોઈએ. ૪૮ મિનિટ ઉભા થાવ ત્યારે સમભાવમાં… હું ઘણીવાર પૂછતો હોઉં છું. કે tasty ચા કોઈએ પીધી હોય ને, પછી અડધો કલાક સુધી એનો કેફ રહે.. તમને સામાયિકનો કેફ કેટલી વાર રહે…? એ કટાસણું pack કરે, એની ભેગો આવી જાય.

આ વાતો તમે કદાચ પહેલીવાર સાંભળી રહ્યા નથી. પણ તમારા મનમાં એક તીવ્ર ઝંખના થવી જોઈએ કે પ્રભુનું શાસન મળ્યું, આ પ્રભુની સાધના મળી… અને શું મારો જન્મ વ્યર્થ જશે! યાદ રાખો અગણિત જન્મોમાં આ જ પ્રભુની સાધના મળેલી. અને સાધનાને properly perfectly કરતા ન આવડ્યું એટલે સંસાર ચાલુ રહ્યો. આ જન્મમાં એવી રીતે સાધના કરવી છે… કે સંસાર શિથિલ બનતો જાય. થોડા સમયમાં આપણે સ્વરૂપાનુભુતિમાં અને સ્વગુણાભુતિમાં પહોંચી જઈએ. માત્ર ખૂટે છે શું સમજી ગયા ને…તમારી તીવ્ર ઝંખના.

ઘણીવાર કહેતો હોઉં છું… કોઈ પણ સાધના સિદ્ધિમાં રૂપાંતરિત કરવી છે તો એના માટે ૩ તત્વોની જરૂરિયાત છે. પ્રભુની કૃપા, એના વગર તો ચાલે જ નહિ. પહેલું પ્રભુની કૃપા… બીજું ગુરુનો આશીર્વાદ, અને ત્રીજું સાધકની ઝંખના. હવે બોલો પહેલા ૨ તો તૈયાર જ છે પ્રભુની કૃપા તો વરસી રહી છે. ગુરુનો આશીર્વાદ પણ વરસી રહ્યો છે. એક માત્ર તમારી ઝંખના. કામ પૂરું. સંસારમાં માત્ર ઝંખનાથી કામ થતું નથી. મોટો બંગલો મળી જાવ… ઝંખના કરી, એમ મોટો બંગલો મળતો નથી. અહીંયા માત્ર ઝંખના કરો. કે પ્રભુના માર્ગની શુદ્ધ રીતે સ્પર્શના મારે કરવી છે. ત્યાં સુધી આ જ પ્રભુનો માર્ગ મળ્યો…. પણ હું એને શુદ્ધ રીતે સ્પર્શી ન શક્યો. તો આ જન્મ માત્ર ને માત્ર એટલા માટે છે કે પ્રભુના માર્ગને હું અસ્તિત્વના સ્તર પર હું અનુભવી શકું.

અને એ અસ્તિત્વના સ્તર પર પ્રભુ બિરાજમાન થઇ ગયા, સંસાર આવે ક્યાંયથી.. સંસાર ક્યાથી આવે પછી… પ્રભુ જો અંત: સ્તરમાં છે, પ્રભુ જ હૃદયમાં છે, પ્રભુ જ મનમાં છે તો એ મનમાં, એ હૃદયમાં, એ અંત:સ્તરમાં સંસારનો પ્રવેશ ક્યાંથી..! તો તમને લાગતું હશે કે છે તો સરળ… અઘરું કંઈ છે..? તમે જે કરતા હોય એ કરો… ધંધો… સંસારની પ્રવૃત્તિ… મન માત્ર પ્રભુને સોંપી દો. અઘરું ખરું આમાં કંઈ…? આજથી ચાલુ થઇ જશે..? સતત પ્રભુની આજ્ઞા સામે દેખાય. અમે પણ પ્રભુની આજ્ઞાનું બધું પાલન નથી કરી શકતા. પણ પ્રભુની આજ્ઞા પ્રત્યે તીવ્ર આદર તો અમારી પાસે હોવો જ જોઈએ. બાકી ચોથા આરાના મહામુનિઓ જેવી રીતે પ્રભુની આજ્ઞાનું પાલન કરતા હતા.. એવી રીતે અમે કરતા નથી. કરી શકાય… પણ શરીરની નબળાઈ, મનની નબળાઈ. અમે પણ કરી શકતા નથી, પણ એક વાત નક્કી- એ પ્રભુની આજ્ઞા પ્રત્યે આદર સંપૂર્ણ.

મોહનીય કર્મને ફેરવવા માટે આ જ જરૂરી છે. પ્રભુની આજ્ઞા પ્રત્યે તીવ્ર આદર, અને પ્રભુની આજ્ઞાના પાલકો પ્રત્યે તીવ્ર આદર. એક પણ વ્યક્તિ, શ્રાવક છે કે જૈન છે અથવા અપદર બંધક છે માર્ગાનુસારી છે, એના પણ ધર્મની તમે અનુમોદના કરો. વાહ! કેટલું સરસ કરે છે! એટલે કોઈ પણ સાધકને જોતા તમારી આંખોમાં, તમારા મનમાં એક અહોભાવ, એક આદર છલકાવવો જોઈએ. એ અહોભાવ શું કરે; તમારા હું ને તોડે… ત્યાં સુધી શું હતું… હું superior હું superior.. આપણી સાધના નાની હોય તો પણ આપણે મોટી કરીને જોઈ લઈએ. બીજાની સાધના મોટી હોય તો નાની કરીને જોઈએ. પણ આ દ્રષ્ટિ મળે કે પ્રભુની આજ્ઞાના જેટલા પણ પાલકો છે એ બધા પ્રત્યે તીવ્ર આદર. તો મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય અને સાધના માર્ગે આપણી ગતિ ચાલુ થઇ જાય. હવે practical કરીશું…

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *