Subject : ગુરુ ચેતના
ગુરુ વ્યક્તિ. ગુરુ ચેતના. પરમ ચેતના. તમે ગુરુ વ્યક્તિને જુઓ છો. પણ ગુરુ વ્યક્તિ છે જ નહિ; ગુરુ ચેતના જ છે. ગુરુ ચેતના એટલે શું? જે સદ્ગુરૂએ પોતાના હૃદયને ખાલી કર્યું – totally vacant… એ ખાલીપનમાં, એ રીતાપનમાં પરમ ચેતનાનું અવકાશ ઊતરી આવે, તે સદ્ગુરુ ચેતના.
જે સદ્ગુરૂએ શિષ્યો ઉપર કામ કરવાનું હોય છે, એમણે પોતાના આજ્ઞાચક્રને સતેજ બનાવ્યું હોય છે. પણ જેણે આવું કોઈ કામ કરવું નથી; માત્ર ભીતર ઊતરવું છે, એવા સદ્ગુરૂઓ માત્ર સહસ્ત્રાર ઉપર પોતાના ધ્યાનને કેન્દ્રિત કરે છે. સદ્ગુરુ તમને જોતાંની સાથે તમારી આ જન્મની સંભાવનાઓ નક્કી કરી શકે. અને એ સંભાવનાઓને શી રીતે ખોલી શકાય – એ પણ નક્કી કરી દે.
સદ્ગુરુ મળવા સરળ છે. તમે એમની પાસે જઈ આવો એ પણ સરળ છે. પણ ઝૂકવું એ અઘરામાં અઘરી ઘટના છે. કારણ કે તમારો અહંકાર ટટ્ટાર છે; એ ઝૂકવા માંગતો જ નથી. અને જ્યાં સુધી ઝૂકાય નહિ, ત્યાં સુધી સાધના શરુ થાય જ નહિ. તમે ઝૂકો નહિ, ત્યાં સુધી જ્ઞાન ન મળે.
મૌન ધ્યાન સાધના શિબિર – ૧૩ (ભીલડીયાજી) – પ્રવચન – ૫
મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજય મહારાજાએ સવાસો ગાથાના સ્તવનમાં સ્વાનુભૂતિ માટેનો એક મજાનો સુરેખ માર્ગ આપ્યો છે. પરરસની મુક્તિમાંથી તમે પરમરસની પ્રાપ્તિ કરી શકો છો. પરરસને છોડો; પરમરસને પ્રાપ્ત કરો. આ સ્વાનુભૂતિ પ્રભુ પણ આપે. સદ્ગુરુ પણ આપે.
શાસ્ત્રની એક મજાની વિભાવના છે, જ્યાં પરમચેતના અને ગુરુ ચેતનાને એકાકાર થયેલી સંઘટના તરીકે વર્ણવી છે. મહોપાધ્યાયજી એક સ્તવનામાં આ વાત કરે છે. પ્યારા શબ્દો આવ્યા – “જસ કહે સાહિબ મુગતિનું, કર્યું તિલક નિજ હાથે” સીધો અર્થ આટલો નીકળ્યો; પ્રભુએ ભક્તના લલાટ પર મુક્તિનું તિલક કર્યું. જસ કહે સાહિબ મુગતિનું, કર્યું તિલક નિજ હાથે – પણ આ ઘટના કઈ છે… કઈ ઘટનાનો ઈશારો છે આ… સદ્ગુરુ આજ્ઞા ચક્રને દબાવે છે… એનો ઈશારો અહીં છે. તો તમારા આજ્ઞા ચક્રને સદ્ગુરુ દબાવશે. પ્રભુ દબાવતા નથી. એટલે અહીંયા પરમચેતના અને ગુરુ ચેતનાને એકાકાર થયેલી સંઘટના તરીકે વર્ણવવામાં આવી છે.
યોગિક ભાષામાં આજ્ઞા ચક્રની નીચે સંસાર છે. આજ્ઞા ચક્રની ઉપર મોક્ષ છે. By the way કહું તો, આજ્ઞા ચક્ર સદ્ગુરુ તો દબાવે જ છે પણ એક મજાની વાત એ છે કે ગુરુઓની બે પરંપરા આપણે ત્યાં વિદ્યમાન હોય છે. એક એવા ગુરુ જેમને ઘણા બધા સાધકો ઉપર, ઘણા બધા શિષ્યો ઉપર કામ કરવાનું છે. એ સદ્ગુરુએ પોતાના આજ્ઞા ચક્રને સતેજ બનાવેલું હોય છે. એ કહે એટલે તમારે સ્વીકારવું જ પડે પછી… અને ફટાફટ તમારી સાધના શરૂ થઇ જાય. તો જે સદ્ગુરુઓને શિષ્ય ઉપર, સાધકો ઉપર, કામ કરવાનું હતું… એમણે પોતાના આજ્ઞા ચક્રને સતેજ બનાવ્યું… પણ જે ગુરુઓને આવું કોઈ કામ હવે કરવું નથી. માત્ર ભીતર ઉતરી જવું છે… એમણે માત્ર સહસ્રાર પર પોતાના ધ્યાનને કેન્દ્રિત કર્યું… આજ્ઞા ચક્ર સતેજ હોય તો શું થાય..?
પરંપરામાં એક મજાની ઘટના છે. બાયઝીદ નામના એક સંત હતા. ઐહિક સિદ્ધિઓ ઘણી હતી પણ અહંકાર પણ એટલો જ હતો… એકવાર બાયઝીદ જંગલમાંથી પસાર થઇ રહ્યા હોય છે… એક વૃક્ષ નીચે એક પરમ ગુરુ, એક સાધ્વી, એક સ્ત્રી બેઠેલી છે. માત્ર બાયઝીદના ચહેરાને જોઇને… સદ્ગુરુ શું કરે તમને કહું… તમને જોતાની સાથે તમારી સંભાવનાઓ આ જન્મની કેટલી છે એ નક્કી કરી દે છે. અને પછી એ સંભાવનાઓને શી રીતે ખોલી શકાય… એ પણ સદ્ગુરુ નક્કી કરી દે છે… ગુરુને લાગ્યું કે આ માણસ મજાનો છે; માત્ર એનો અહંકાર નીકળી જાય તો… એટલે એ વૃદ્ધ સ્ત્રીએ બાયઝીદ ને કહ્યું અહીં આવ… પેલો તો અહંકારી માણસ પણ આમનું આજ્ઞા ચક્ર એટલું સતેજ હતું કે જ્યાં કહ્યું અહીં આવ… પેલાને ખેંચાઈને આવવું પડ્યું. હવે પછી પેલી બાઈ કહે છે, આ પોટકી સામે આશ્રમમાં જઈને તું આપી આવ. પોટકી હાથમાં લેવી પડી. કારણ; એ એના aura field માં હતો. પોટકી હાથમાં પણ લીધી. ૨૦ – ૨૫ ડગલાં ગયો. Aura field માંથી બહાર.. તરત જ એને થયું હું મજુર છું કંઈ? પોટકી આપવા માટે જાઉં. સિદ્ધિ તો ઘણી જ હતી. એક વાઘ ત્યાંથી જતો હોય છે. જંગલ છે. વાઘને બોલાવ્યો મતિથી – પોતાની સિદ્ધિથી, વાઘ આવીને ઉભો રહ્યો… વાઘની પીઠ ઉપર પોટકી બાંધી દીધી દોરીથી… અને ઈશારો કર્યો કે આવા કપડા સામે આપી આવ… વાઘ ઉપડ્યો…
એ વખતે આ ગુરુએ શબ્દ શક્તિપાત કર્યો છે… શક્તિપાત શું કરે એ તમને ખ્યાલ આવશે… ગુરુએ એક જ વાક્ય કહ્યું… તારા જેવો અહંકારી નાલાયક હરામ હાડકાનો માણસ એક પણ જોયો નથી. અહંકારી..? અહંકારનું પુતળું છે તું… અને એથી પણ વધુ તું નાલાયક છે. મારા જેવા સિદ્ધની સામે તું તારી સિદ્ધિ બતાવવા ઈચ્છે છે…! અને છેલ્લે કહ્યું, હરામ હાડકાનો… તારા પગ ચાલતા નહોતા… કેમ વાઘને હેરાન કર્યો… એક જ વાક્ય: તારા જેવો અહંકારી નાલાયક હરામ હાડકાનો માણસ જોયો નથી. એવો શક્તિપાત લાગી ગયો. બાયઝીદ એ ગુરુના ચરણોમાં ઢળી પડ્યો. પછી બાયઝીદ બહુ મોટા સંત બન્યા છે. સેંકડો શિષ્યો એમના થયા છે. કોઈ પણ પૂછે તમારા ગુરુ કોણ? ત્યારે એ કહેતાં આ વૃદ્ધ બાઈ એ મારા ગુરુ બન્યા છે.
તો આજ્ઞા ચક્ર સતેજ હોય, એ વ્યક્તિ આપણને આપણી સાધનામાં બહુ જ વેગથી આગળ દોડાવી શકે છે. એ જ વાતનો ઈશારો કર્યો… જસ કહે સાહિબ મુગતિનું, કર્યું તિલક નિજ હાથ… નિજ હાથે કહે છે હો… એટલે ગુરુનો હાથ અને પ્રભુનો હાથ અલગ નથી. પ્રભુએ સદ્ગુરુના હાથે કરાવડાવ્યું…. પણ આપણે એમ કહી શકીએ… પ્રભુએ જ કરયું છે… તો પરમચેતના અને ગુરુચેતનાને એકાકાર થયેલી ઘટના તરીકે એમણે જોયું. તો શું છે… ગુરુવ્યક્તિ, ગુરુચેતના, પરમચેતના આ ક્રમ છે. તમારા પક્ષે જે ગુરુ વ્યક્તિ હોય છે… એ એમની તરફ ગુરુચેતના હોય છે. તમે દેહને જુઓ, તો દેહની આકૃતિ ભિન્ન દેખાય… તો તમે ગુરુ વ્યક્તિને જુઓ છો. પણ એ ગુરુ વ્યક્તિ જેવું કંઈ છે જ નહિ… અંદર ગુરુ ચેતના જ છે.
ગુરુ ચેતના એટલે શું? જે સદ્ગુરુએ પોતાના હૃદયને ખાલી કરી નાંખ્યું totally વેકેન્ટ અને એ ખાલીપણામાં એ રીતાપન માં પરમચેતનાનો અવકાશ ઉતરી આવ્યું; એ સદ્ગુરુ ચેતના. એના જ સંદર્ભમાં એક statement હું ઘણીવાર આપતો હોઉં છું. There is the same fragrance and same taste in all the respected gurus. દરેક સદ્ગુરુમાં એક જ સરખી સુગંધ છે. એક જ સરખો આસ્વાદ છે. તમે કોઈ પણ પહોંચેલા સદ્ગુરુ પાસે બેસો… વ્યક્તિત્વ તો છે જ નહિ અહિંયા, ક્યાંથી તમને દેખાશે…?! અલગાવ ક્યાં સુધી છે- વ્યક્તિત્વ સુધી, આપણે સીમિત છીએ ત્યાં સુધી, પણ ચેતના સુધી આપણે ગયા; ત્યાં અલગાવ જેવું છે જ નહિ કોઈ… પછી કલાપૂર્ણસૂરિ દાદા, સિદ્ધિસૂરિ દાદા, કે ભદ્રંકર વિજયજી મ.સા. બધા એક જ છે પછી… બધામાં એક જ સરખી ગુરુચેતના છે. બધાએ પોતાના હૃદયને વેકેન્ટ કર્યું; પરમચેતનાની અંદર ઉતરી ગયી.
અને એક મજાની વાત by the way કહું… એ જ પરમચેતના તમારામાં પણ ઉતરવા આતુર છે. જગ્યા આપો તો… અનંતા જન્મોમાં તો આપણે શું કરેલું: પદાર્થોના સંગથી, વ્યક્તિઓના સંગથી હ્રદયને ભરી કાઢેલું… પછી ભગવાન માટે board લગાડેલું કે no vacancy for you. આ જન્મમાં શું કરવું છે બોલો… પ્રભુથી હૃદય ભરી દઈએ… પછી board લગાડો no vacancy for others. તો ગુરુ વ્યક્તિ તમારા માટે પણ હકીકતમાં નથી. એટલે તમારે પણ ગુરુચેતના સુધી જવાનું છે. ઘણા લોકો કહેતાં હોય, પૂછતાં હોય, એક ગુરુ વ્યક્તિને શરણે અમે ગયેલ, એક ગુરુ વ્યક્તિ કાળધર્મને પામી ગઈ… અમારે શું કરવાનું..? ને આ સવાલ જ નથી આવતો… ગુરુ વ્યક્તિ જેવું કંઈ છે જ નહિ. તમે ખોટી રીતે પકડો તો જ ગુરુ વ્યક્તિ છે. ગુરુચેતના છે. અને ચેતના અસીમ છે. એક વાત તમને કહું ગુરુ શરીરમાં છે ત્યાં સુધી… ગુરુના શરીરની મર્યાદાઓ છે. સીમાઓ છે. પણ ગુરુ જયારે દેહ મુક્ત બને છે… ત્યારે એ સીમાઓને ઉલંઘી જાય છે. અને એટલે તમે ગમે એટલા દૂર બેઠા હોવ, તમને લાગે ગુરુ મારી જોડે જ છે.
આજે એવા ઘણા સાધકો છે; જે કહે છે કે ગુરુનો વિરહ મને ક્યારેય થયો જ નથી. ત્યારે હું સામે કહું કે ગુરુ આવે જ, ગુરુ ક્યારેય જાય જ નહિ. ગુરુ આવે ખરા… તમારા જીવનમાં હો… આમ તો છે જ… ગુરુ તમારા જીવનમાં આવે… જાય નહિ. જવાનો કોઈ માર્ગ નથી. કારણ; ગુરુ કાર્ય કઈ રીતે કરતા હતા… એમના હાથમાંથી વાસક્ષેપ ઝરતો; પણ energy પ્રભુની હતી. હું ઘણીવાર કહું છું કે યશોવિજય એમ માને કે હું વાસક્ષેપ આપું ને કામ થઇ જાય. એ દિવસે યશોવિજયના હાથમાંથી માત્ર ચંદનની ભૂક્કી ઝરે. Energy – બેનર્જી કાંઈ ન હોય. હું ગેરહાજર હોઉં, વેકેન્ટ હોઉં… તો જ પરમચેતના કહે છે તે આ કાર્ય કર્યું. તમારે પણ આ જ સિદ્ધાંત લાવવાનો છે. જેટલા બને એટલા ગેરહાજર રહો.
અમે હજારો પ્રવચનો આપીએ અમારે એક જ વાત શીખવવી છે… તમે કેન્દ્રમાંથી નીકળી જાઓ. પ્રભુ કેન્દ્રમાં automatic આવી જશે. તમારે પ્રભુને આમંત્રણ આપવાની પણ જરૂર નથી. પ્રભુ તૈયાર જ છે. તો સદ્ગુરુચેતના આવે છે તમારા જીવનમાં… જતી નથી. તો એ સદ્ગુરુ જે કાર્ય કરતા હતા; એ ઉર્જાથી કરતા હતા. અને એ ઉર્જા, ગુરુ વિદેહ થાય પછી પણ જળવાઈ રહે છે. આપણે ત્યાં ગુરુ સમાધિ તીર્થોની વાત છે. અને એ જે સમાધિતીર્થની વાત છે ને; એ ઉર્જાના સંબંધમાં છે.
એકવાર હું ઉના – અજાહરા ગયેલો. તો ઉનામાં ગયો, સ્વાગત યાત્રા થઇ… પ્રવચન થયું… દશેક વાગે એક ભાઈ મને મળવા માટે આવ્યા… એમને વંદન કર્યું… મારા પુસ્તકો ખુબ વાંચતા હતા એ.. અને મારી ધારાથી પરિચિત હતા. એમણે કહ્યું, સાહેબ આપ ઉના પધાર્યા છો.. અને આપની આ flying visit છે મને ખબર છે. પણ આપે બે કામ અવશ્ય કરવા જોઈએ. કારણ કે આપણી ધારા પ્રમાણેના છે. મેં કહ્યું બોલો શું કરવાનું છે…? મને કહે આપ ઉતર્યા છો ને એ ઉપાશ્રય અમે નવો બનાવેલો છે. પણ હીરસૂરિ દાદાએ ૪૦૦ વર્ષ પહેલા જે ઉપાશ્રયમાં ચોમાસું કરેલું, એ ઉપાશ્રય અમે અકબંધ રાખેલો. એટલે આપે એક રાત્રિ ત્યાં ગાળવાની. મેં કીધું ok ચાલો…. મેં કીધું બીજું શું… તો એમણે કહ્યું કે સાહેબનું અંતિમ સંસ્કાર અહીંથી એક – દોઢ કિલોમીટર દૂર શાહબાગમાં થયું છે. મોટું ઉદ્યાન છે. અને એમાં સાહેબનો અંતિમ સંસ્કાર થયેલો છે. ત્યાં પણ ઉપાશ્રય વિગેરે બનાવેલો છે. એક રાત્રિ આપને ત્યાં ગાળવાની… મેં કીધું ચાલો accepted. વાત મારી ધારાની છે.
સાંજના સમયે હું પેલા ઉપાશ્રયમાં પહોંચી ગયો. જ્યાં હીરસૂરિ દાદાએ છેલ્લું ચોમાસું કરેલું. શું એ રાત ગઈ છે… એમ લાગે કે સતત દિવ્ય ઉર્જા મને મળી રહી છે… કારણ કે ઉર્જા કેમ ઝીલવી; એ શાસ્ત્રનો હું જ્ઞાતા હતો. ખાલી થઈને ગુરુના ચરણોમાં બેઠેલો. ગુરુએ મને ભરી કાઢ્યો. અને ગુરુ ૪૦૦ વર્ષ પહેલાં થયા… નહિ ગુરુ અત્યારે છે. બીજી સાંજે અમે લોકો શાહબાગ ગયા. એટલી મજાની જગ્યા. આમ છે ને અંતિમ સંસ્કાર આપણે ગુરુનો કરીએ આજુબાજુ અશુચિ વાળા સ્થાનો હોય, તો એ ઉર્જા છે ને એ ખતમ થાય છે. દેરાસરની બાજુમાં તમારું ઘર ન જોઈએ. ધજા પડે તો નુકશાન થાય. આનું મૂળ કારણ શું… કે દેરાસરની બિલકુલ નજીકમાં રહેવાનું નહિ. તમારા ઘરમાં શું ન થતું હોય… આરંભ – સમારંભ વિગેરે… તો દેરાસરની બાજુમાં એકદમ પવિત્રતા જળવાયેલી હોવી જોઈએ. ભોયણી જુઓ, પાનસર જુઓ… કોઈપણ તીર્થ જુઓ… મંદિર centre માં છે, આજુબાજુ મોટી કમ્પાઉન્ડ હોય છે. એટલા માટે કે આજુબાજુ પણ એકદમ પવિત્રતા જળવાયેલી હોવી જોઈએ. તો મોટો બગીચો અને એમાં સાહેબનો અંતિમ સંસ્કાર થયેલો… એ રાત્રે પણ બહુ જ મજાના મને આંદોલનો મળેલા. એટલે સદ્ગુરુ ક્યારેય જતા હોતા જ નથી. માત્ર પહેલા સ્થૂળ રૂપે હતા. હવે સૂક્ષ્મ રૂપે. આપણે ત્યાં આવા પ્રયોગો કરનાર ઓછા હોય છે.
આજે પણ જર્મની વિગેરેમાં આવા પ્રયોગોની પાછળ જીવન સોંપનાર માણસો છે. હમણાંની એક જર્મન મહિલા પ્રોફેસરની વાત કરું… એ university માં બૌદ્ધ ગ્રંથોને ભણાવતા હતા. એક ગ્રંથ વાંચતા. એમને એટલું બધું સરસ લાગ્યું એમને થયું કે આ શબ્દો જ મારી પાસે છે… અને ખાલી શબ્દો હોવા છતાં મને આટલી અસર થાય છે, તો એ જે સદ્ગુરુ હતા, એ સદ્ગુરુની ઉર્જા કેવી હશે! શબ્દ તો હિમશિલા નું ટોપચુ છે. આખી ને આખી હિમશિલા દરિયામાં છે. માત્ર ટોપચુ બહાર આવેલું છે. અનુભૂતિ ને તમે શબ્દોમાં કઈ રીતે કહી શકો… જિન હી પાયા તિને હી છિપાયા, ન કહે કોઉકે કાનમેં… તો શું કરવાનું.. જેણે મેળવ્યું એણે છુપાવ્યું તો અમારે શું કરવાનું… તારી લાગી જબ અનુભવ કી, તબ સમજે સહુ સાર મેં … આપણે લોકો છે ને રકાબીના ર ને બદલે લખોટીનો લ બોલીએ, તાલી લાગી… આમાં તાલી કોઈ લગાવાની નથી. ‘તારી’ શબ્દ છે. સુફી સાધના પદ્ધતિનો આ શબ્દ છે. તારી, સતોરી… આ બધા સુફી ધ્યાન સાધના પદ્ધતિના ક્રમવાર શબ્દો છે. તો તારી લાગી જબ અનુભવ કી… તારી એટલે તન્મયતા. અનુભવની તન્મયતા જાગી ત્યારે તમે સમજી શકશો.
અને એટલે જ તમને મજાની વાત કરું… ૧૧ વર્ષની વયે દીક્ષા લીધી. માત્ર સ્વાધ્યાય જ હતો. એટલા બધા ગ્રંથો વાંચી લીધા… આપણે ત્યાંના આગમગ્રંથો તો વાંચ્યા જ. હરીભદ્રસૂરિ મ.સા. ના ગ્રંથો તો વાંચ્યા. પશ્ચિમના પણ એટલા બધા ગ્રંથો વાંચી કાઢ્યા. પણ એ બધું જ બૌદ્ધિક સ્તરમાં હતું. અને અંદર કંઈ touch થતું ન હતું. મજાની વાત ત્યારે થઇ; અનુભૂતિ થઇ, પછી હું એ ગ્રંથ લઈને બેઠો. ત્યારે મને થયું કે ઓહો આનો અર્થ હું આવો કરતો હતો; આનો અર્થ તો આખો જુદો છે. એટલે અનુભૂતિ ન થાય ત્યાં સુધી શાસ્ત્રોનો અર્થ તમારી બુદ્ધિ કરશે. તકલીફ મોટામાં મોટી આ છે. તમારી બુદ્ધિ માત્ર બહાર અભ્યસ્ત થયેલી છે. ભીતરનો અભ્યાસ તો એને છે નહિ. એટલે અનુવાદ એકદમ વામણો થવાનો. સામાન્ય પણ અનુભૂતિ તમને થઇ પછી તમે જુઓ… નાચી ઉઠશો… પછી આચારાંગજીને લઈને તમે નાચી ઉઠશો. કે વાહ! મારા પ્રભુની વાણી! અને મૂળરૂપમાં અહીં આવી ગઈ! મેં ભગવતી સૂત્ર પહેલાં વાંચ્યું… બૌદ્ધિક સ્તર પર….. ત્યારે મને સવાલ થયેલો. કે અમુક તો સાવ નાના પ્રશ્નો… તો આટલા નાના પ્રશ્નો લઈને ભગવાન ગૌતમ પ્રભુ પાસે કેમ જતા. પાછો અહંકારી હતો ને એ વખતે, કોઈને પૂછે તો નહિ પાછું… પૂછવા જાઉં તો મારી પ્રતિષ્ઠા ઓછી થઇ જાય!
અનુભૂતિ થયા પછી એ જ ભગવતી સૂત્ર વાંચ્યું. ત્યારે થયું કે ઓહો! પ્રભુ ગૌતમની કઈ મનોસૃષ્ટિ હતી… વહોરવા ગયા છે. ૫૦,૦૦૦ કેવલજ્ઞાની શિષ્યોના ગુરુ ગૌતમ! ભિક્ષાએ જાય છે. કેટલી નિરહંકારી દશા હશે! એટલે કોકે પૂછ્યું, નાનકડો પ્રશ્ન. ગૌતમ સ્વામી કહે છે પછી જવાબ આપો તો ચાલે… હા, સાહેબ! આપણી અનુકૂળતા એ … એ નાનકડા પ્રશ્નનો જવાબ ગૌતમસ્વામી પોતે આપતા નથી. ૪ જ્ઞાનના સ્વામી છે હો… કેમ… પહેલી વાત તો એ હતી કે અનંતજ્ઞાનીના ચરણોમાં હું છું; તો શા માટે હું મારા જ્ઞાનનો ઉપયોગ કરું?! બીજી વાત મજાની હતી… કે પ્રભુની પાસે વિના કારણે તો જવાય નહિ. પણ આ પ્રશ્ન બહાનું બની ગયું. પાત્રા – બાત્રા મૂકી, ગોચરી આલોચી, સીધા જ પ્રભુ પાસે.. ૩ પ્રદક્ષિણા આપી, વંદન કરી અને પૂછવાનું, ભયવં કિં તત્તમ્? એટલે પ્રભુના ઉપનિષદમાં જવાનું એ પ્રશ્ન બહાનું બની ગયું. અને ત્રીજી વાત એ હતી કે મારો પ્રશ્ન ભલે સામાન્ય રહ્યો.. ઉત્તરદાતા અસાધારણ કોટીના જ્ઞાની છે. એટલે મારા સામાન્ય પ્રશ્નને પણ અતિરંજીત કરી દે… ઉત્તરિત કરશે. તો પેલા જર્મન પ્રોફેસરને થયું કે જેમના શબ્દોમાં આટલું જોમ છે; એ ગુરુની ઉર્જા કેવી હશે..!
આપણે તો સદ્ભાગ્ય છીએ કે પંન્યાસજી ભગવંત ને આપણે નજરે જોયા, કલાપૂર્ણસૂરિ દાદાને આપણે નજરે જોયા. પણ જેને નથી જોયા… અને પંન્યાસજી ભગવંતને વાંચશે.. એને થશે કે આમની ઉર્જા કેવી હશે…? પંન્યાસજી ભગવંતના શબ્દોને હું આગમતુલ્ય કહું છું. મારે મારા પુસ્તકમાં ક્યાંય પણ reference ટાંકવો હોય… પંન્યાસજી ભગવંતનું પુસ્તક સામે હોય, મારે બીજું કંઈ વિચારવાનું હોતું નથી. સીધો જ reference આપી દઉં. બાકી કોઈ પણ લેખકે લખેલું હોય, આ સૂત્રમાં આમ છે… હું માનું નહિ… હું એ સૂત્ર જોઉં… ત્યાંનો reference વાંચું પછી જ મારા પુસ્તકમાં લખું. પણ પંન્યાસજી ભગવંતનું હોય, તો જોવાનું કોઈ કામ નથી.
તો એ બાઈને થયું કે આ ગુરુની ઉર્જા કેવી હશે? પછી એણે તપાસ કરી. Internet ઉપર કે આ સદ્ગુરુ ક્યારે થયા… એ કયા મઠમાં રહેતા હતા… શું હતું… શું નહિ… બૌદ્ધ ગુરુ માટે એક સરળતા એ હોય છે, એ લોકો વર્ષો સુધી એક જગ્યાએ રહેતા હોય છે. એક મઠમાં. એટલે ઉર્જા જે છે એ કેન્દ્રિત થઇ શકતી હોય છે. તો નક્કી થયું કે આ આશ્રમમાં, તિબેટમાં, આ ગુરુ, ૫૦ થી ૬૦ વર્ષ રહેલા… અને ત્યાં જ એમણે આ રચના કરેલી છે. હવે એણે આશ્રમના સત્તાઓ વાળા જોડે વાત કરી.. મારે એકાદ મહિનો એ મઠમાં રોકાવા માટે આવવું છે. Permission મળી ગઈ. બેન આવ્યા. એમણે માત્ર vibrations જોઈએ છે. ૪૦૦ વર્ષ પહેલાં થયેલા ગુરુની ઉર્જા આજે લેવી છે… અને કહે છે… it is possible. શક્ય છે અશક્ય આમાં કંઈ છે જ નહિ…
આપણા મંદિરોમાં ભોંયરા કેમ હતા… ઉર્જાને સાચવી રાખવા માટે… તો એ બેન અહીંયા જાય મઠમાં, અહીંયા જાય… મઠ બહુ મોટો… તો ક્યાંય પેલી frequency પકડાતી નથી. એમ કરતાં કરતાં આખો મઠ જોઈ લીધો… એક રૂમ બંધ હતી. બેને પછી પૂછપરછ કરી.. કે આ બંધ રૂમ જે છે એમાં શું છે? કારણ કે situation જોતા લાગ્યું કે ગુરુ કદાચ આ જ રૂમમાં રહેતા હશે. પાછળ સીધું હિમાલય દેખાતું હતું. એકદમ પ્રકૃતિ પ્રેમી ગુરુ હોય, પ્રભુ પ્રેમી ગુરુ હોય, એકાંત પ્રેમી ગુરુ હોય તો અહીંયા જ રહે… તો કહેવામાં આવ્યું કે આ રૂમ તો વર્ષોથી બંધ છે. અને shield મારેલું છે. કે ભાઈ આ રૂમને ખોલવાનો નથી. આ કેટલી તકેદારી હતી. ઉર્જાને સાચવવા માટેની… એ પાછળવાળાને ખબર ન હોય… એ તો કહે બંધ છે એટલે બંધ છે. પણ એ સમજ્યા વગર પણ આ પાલન કરે ને તો આપણને પાછળથી લાભ જ થાય.
એટલે પરંપરા જે છે ને એને ક્યારેય પણ તોડવાની નથી હોતી. હું ચુસ્ત traditionalist માણસ છું. tradition પરંપરા… ચુસ્ત પરંપરાવાદી છું….. હું ઘણીવાર કહું, એક માણસ આંધળો હતો.. અને એ ગયો મિત્રને ત્યાં, સાંજે ત્યાં વાળું કર્યું. ૨ કલાક વાતો થઇ. રાત્રે ૯ વાગે એ અંધને ઘરે જવું છે. હવે અંધને શું ફરક પડે, સવારના ૯ હોય કે રાતના ૯ હોય… મિત્ર એને ફાનસ આપે છે… પેલો કહે તું મારી મશ્કરી કરે છે… મારે ફાનસ શું કરવા… તો કહે કે ભાઈ અત્યારે જરૂરી છે street light બંધ થઇ ગઈ છે. અંધારું છે… તારા હાથમાં ફાનસ હશે તો કમસેકમ બીજાને દેખાશે. હવે બીજો તારી સાથે ભટકાતો અટકી જશે. એમ આંધળાના આંખમાં રહેલું ફાનસ પણ કામ આવી શકે છે. એટલે જે પરંપરાના રહસ્યોથી અજ્ઞાત છે… એ માણસ પણ પરંપરાને લઈને આવે છે.
તો કહેવામાં આવ્યું કે ભાઈ આ રૂમ તો ખોલવાનો છે જ નહિ… સ્ટ્રીક ના છે. એણે સત્તાઓ વાળા જોડે વાત કરી.. પેલો કહે કે પણ અમને વર્ષોથી કહેવામાં આવ્યું છે. અમે સત્તામાં આવ્યા ત્યારથી કે આ રૂમ બંધ રાખવાનો છે. અને એ રૂમ ક્યારે ખોલતાં પણ નથી અમે. કારણ કે અમારા પૂર્વજોએ કહ્યું છે… અમારા ગુરુએ કહ્યું છે. એટલે આ રૂમ તો ખોલવાની શક્યતા જ નથી. પણ પ્રોફેસરને થયું ગુરુની ઉર્જા ખરેખર ત્યાં જ છે. તો જર્મની ની બહુ મોટી પ્રતિષ્ઠિત university ના એ પ્રોફેસર હતા. જર્મનીમાં એમનું નામ હતું. તો એમણે જર્મનીના રાજદ્વારીઓ ઉપર લાગવગ લગાડી દીધો કે તમે લોકો તિબેટના સત્તાઓ વાળા જોડે કામ કરો છો… પણ આ રૂમ મારે ખોલવી જ છે. જર્મનીના સત્તાવાળાઓએ તિબેટના સત્તાઓ વાળા જોડે વાત કરી… તિબેટના સત્તાધીશોએ આ મઠના સત્તાધીશો પર ફરજ પાડી કે તમારે આ બેન માટે રૂમ ખોલવી પડશે.
એ રૂમ ખોલાઈ. એ બેન અંદર બેઠા ધ્યાનમાં, લાગ્યું કે વાહ! આ જ ઉર્જા છે. કોઈ ફરક નહિ. આ જ વ્યક્તિ આવા શબ્દો લખી શકે. પંન્યાસજી ભગવંત માત્ર મૈત્રીભાવ ઉપર ભાર મુકતા. પણ એમનું જીવન કેવું હતું. એ અજાત શત્રુ હતા. બધાના મિત્ર હતા… અને એથી જ એમના શબ્દોમાં આ અસરકારક તાપ હતો. તો પ્રોફેસરને થયું, બરોબર એકદમ right જગ્યાએ હું આવી ગઈ છું. પછી ફરી સત્તાઓવાળા જોડે વાત કરી. ૧૫ દિવસ સુધી એ રૂમ પોતાના માટે ખુલ્લો રખાયો. હા એટલું ખરું પોતે બહાર જાય એટલે lock કરીને જાય. કંઈક ઉર્જા બહાર નીકળી જવી ન જોઈએ. પોતે અંદર જાય ત્યારે પણ અંદરથી lock કરી દે. અને એ જે ઉર્જા એમને માણી; એમને થયું મારું જીવન ધન્ય બની ગયું.
આજે જેમની પુણ્યતિથી છે એ પૂજ્યપાદ બાપજી મ.સા.- સિદ્ધિ સૂરિ દાદા એમના માટે પણ આ એક વિરલ ઘટના ઘટી. એ બહુ મોટા સિદ્ધયોગી. બહુ મોટા સંયમી.. પણ પગની તકલીફને કારણે ૪૦ વર્ષ સુધી અમદાવાદમાં વિદ્યાશાળામાં એમને રહેવું પડ્યું. એમના મનમાં દર્દ હતું… કે પ્રભુની આજ્ઞા છે શેષકાળમાં મહિને મહિને સ્થાન બદલવું જોઈએ. ચોમાસામાં ચાર મહિના રોકાવાય… વધારે રોકાઈ શકાય નહિ. એ પ્રભુની આજ્ઞાનું પાલન કરવા રૂમો બદલી દેતાં મહીને – મહીને; પણ છતાં દર્દ હતું.
આપણા માટે એમનું રહેવું આશીર્વાદ રૂપ બન્યું. ૪૦ વર્ષ એકધારું આવા મહાપુરુષ એક જગ્યાએ રહે, એટલે એ જગ્યા ઉર્જાપીઠ બની જાય. ઉર્જાપીઠ એટલે …. પછી ઉર્જા સતત વહ્યા જ કરે… પછી ગુરુની સદૈવ ઉપસ્થિતિની જરૂરિયાત નહિ. એ ઉર્જા પીઠ બની ગઈ. એટલે ઉર્જાપીઠ બની… એટલે ઉર્જા સતત એમાંથી નીકળ્યા જ કરે. ક્યારેક તમે આ દિવસે અમદાવાદ જાવ… અને ત્યાનું દ્રશ્ય જુઓ, તમે આશ્ચર્ય ચકિત થઇ જાઓ.
મારું પણ અમદાવાદ ચોમાસું હતું. દશાપોરવાડ પાલડીમાં, આ દિવસે હું વિદ્યાશાળાએ ગયેલો… બપોરના ૧૨ થી ૪ જાપનો અને ધ્યાનનો કાર્યક્રમ હોય છે. તો મૂર્તિ જે ખંડમાં પધરાવામાં આવેલી છે… એ ખંડ તો બહુ મોટો નથી. ૧૦૦ – ૨૦૦ જણા બેસી શકે એવો છે. મોટો હોલ ૧૦૦૦ – ૨૦૦૦ માણસો બેસી શકે એવો છે. બધા જ હોલો ખીચો ખીચ ભરાઈ ગયા. ૧૨ થી ૪… pin drop silence બધા જ જાપમાં ખોવાઈ ગયા. મેં જોયું ૨૦ વર્ષનો યુવાન – ૨૨ વર્ષનો યુવાન… જેણે બાપજી મહારાજને જોયા જ નથી. એ જાપનો કાર્યક્રમ થયા પછી ઘણા મારી પાસે આવ્યા… ત્યારે મેં કહ્યું કે તમે તો સાહેબને જોયા નથી. તો સાહેબમાં આટલા લીન કેમ બની શકો છો? તો કહે કે સાહેબ! સાહેબ તો હાજરાહજૂર છે. સાહેબ તો આ રહ્યા… સાહેબ અહીં જ છે. અને અમે સાહેબનો અનુભવ કરી શકીએ છીએ.
અનુભૂતિ અઘરી બાબત નથી. પણ એના માટેનું વિજ્ઞાન જે છે એને સમજી લેવું પડે. તમે સદ્ગુરુ પ્રત્યેની તીવ્ર અહોભાવની ધારામાં આઓ, શાંત ચિત્તે બેસી જાવ… પેલું ઝરણું તમારામાં પ્રવાહિત થતું જાય. આ અનુભવ. આ ગુરુચેતનાનો અનુભવ. આ જ રીતે કલાપૂર્ણસૂરિ દાદાનું જે સમાધિ તીર્થ છે, એ પણ એકદમ સક્રિય છે. જ્યારે પણ શંખેશ્વર જાઉં, બહુ વ્યસ્ત હોઉં… તો એ ગુરુ મંદિરમાં ઉપર નથી જતો જ્યાં મૂર્તિ છે… પણ નીચે જ્યાં પાદુકા પધરાવવામાં આવ્યા છે. ત્યાં જઈ આવું, ત્યાં માથું touch કરી આવું પછી નીકળી જાઉં. એટલે આવી બધી જે જગ્યાઓ છે ને… એ આપણા માટે સમાધિતીર્થો છે અને એ સમાધિતીર્થોમાં આપણે જઈએ લાગે કે ગુરુનું કામ ચાલુ જ છે.
ગુરુનું કાર્ય ક્યારેય બંધ થતું નથી. સદ્ગુરુ આજે પણ કાર્ય કરી જ રહ્યા છે. એટલે જ હું કહું છું, માત્ર receptivity. only receptivity એ તમારી સાથે છે. ઝીલો બસ. ઝીલો… તો સદ્ગુરુ અત્યારે વિદ્યમાન જ છે. ઉર્જા રૂપે.. અને એ સદ્ગુરુ અત્યારે કામ કરી જ રહ્યા છે. શરત એક જ તમારે સમર્પિત થવાનું. Totally surrender. અહીંયા થોડું અઘરું પડે છે. આ જન્મમાં કેટલા કેટલા સદ્ગુરુઓ પાસે તમે જઈ આવ્યા… ઝૂક્ય ક્યાં? એ તો મને કહો… ક્યાં ઝુક્યા…? ભીતરથી ઝૂક્યા છો…?
જાપાનનો સમ્રાટ ગુરુ પાસે ગયો. વંદના કરી, ગુરુ બહુ મજાના. ગુરુ સમ્રાટને પૂછે છે… કારણ કે પોતાનો શિષ્ય છે. તું બહારથી ઝૂક્યો કે ભીતરથી? જાપાનના સમ્રાટને ગુરુ પૂછે છે, તું બહારથી ઝૂક્યો કે ભીતરથી? તમને પૂછું અને તમે જવાબ આપી દો… સમ્રાટે શું કહ્યું, ગુરુદેવ! હું નિપટ અજ્ઞાની માણસ છું. મને શું ખબર પડે… આપ જ જાણી શકો. એ દાવો નથી કરતો કે હું ભીતરથી ઝૂક્યો. ખરેખર અહોભાવ છે, ખરેખર ગુરુ ઉપર બહુમાન છે. છતાં એ કહેતો નથી કે હું ભીતરથી ઝુકું છું. હું તો નિપટ અજ્ઞાની માણસ છું. આપ જ કહી શકો. અને ગુરુ કહે છે હું તારી પરીક્ષા કરીશ. ગુરુ પરીક્ષા કરે છે.
ગુરુ કહે છે તારા જૂત્તા ને હાથમાં ઉપાડ. જૂત્તાથી કપાળ કૂટવાનું, અને અહીંથી નીકળી તારા રાજમહેલની પ્રદક્ષિણા આપી… ફરી પાછું અહીં આવવાનું. અને ૩ થી ૪ કિલોમીટરની યાત્રા થાય. આટલું જ કહ્યું ગુરુએ… યાત્રા ચાલુ. જે જાપાનનો સમ્રાટ ખુલ્લા પગે ક્યારેય ચાલેલો નથી. રસ્તા પર રથમાં જ હોય. સોનાના રથમાં… મહેલમાં જાય તો red કારપેટ પર અને મખમલ તો પહેરેલી જ હોય જોડે… એ માણસ ખુલ્લા પગે દોડે છે. મંત્રીઓને સમાચાર મળ્યા… મંત્રીઓ રથ લઈને પાછળ દોડ્યા. સાહેબ … સાહેબ કયા જવું છે આપને… બેસી જાઓ રથમાં… રાજા સાંભળે કે કરે… વિચારમાં પડી ગયા મંત્રીઓ… લોકો વિચારમાં પડી ગયા… નાના છોકરાઓને જોવાની મજા આવી ગઈ. નાના છોકરાઓ અંદરો અંદર કહે કે આપણો રાજા ગાંડો થઇ ગયો.
હકીકત એ છે કે સાચો જ્ઞાની હોય ને એ ક્યારેય દુનિયાને ડાહ્યો ન લાગે. લાગે…? આનંદઘનજી ભગવંત અત્યારે આવે તો… સમાધિશતકમાં કહ્યું ‘જગ જાણે ઉન્મત્ત આ, આ જાણે જગ અંધ. જ્ઞાની કો જગમાં રહ્યો, યું નહિ કોઈ સંબંધ’ લોકો જાણે કે આ તો પાગલ છે. અને જ્ઞાની પુરુષ જાણે છે કે આ તો જગત છે, એની પાસે દ્રષ્ટિ તો છે નહિ. એની દ્રષ્ટિ તરફ મારે કંઈ જોવાનું કામ નથી. મારે તો પ્રભુ તરફ જોવાનું છે. જ્ઞાની કો જગમાં રહ્યો, યું નહિ કોઈ સંબંધ.
હમણાં ની મારીને જોયેલી એક ઘટના કહું તમને. જુના ડીસામાં, ગુરુદેવ મોટા હતા, અને સ્થિરવાસ હતા, એટલે વધારે ચોમાસા જુના ડીસા થયા. એક વખત એવું બન્યું કે જુના ડીસામાં સવારે નીકળીએ ત્યારે એક બાઈ વસ્ત્રોનું ઠેકાણું પણ ન હોય… દુકાનોના ઓટલા પર બેઠેલી, સુતેલી, પછી ખબર પડે એ બાઈને કોઈ ઘર આપે, ઝુંપડી આપે, તો ઘરમાં રહેવા તૈયાર નથી. કોઈ ભોજન આપે તો ભોજન લેવા તૈયાર નથી. માત્ર ચા ની હોટલવાળા ચા આપે, તો એકાદ કપ ચા પી લે. એનું નામ શું લોકોને ખબર નથી. લોકો કહે છે કે સાહેબ પાગલ બાઈ છે. અને મને પણ આ ખ્યાલ હતો. વર્ષો પછી ફરી જુના ડીસા ગયો. ત્યારે આ એક ભાઈ મને મળેલા… મને કહે કે એક બહુ મોટા સંત પાલનપુરમાં આવેલા, હું એમના સત્સંગમાં ગયેલો પછી મેં એમને પૂછ્યું સંગોષ્ઠીમાં કે અમારી આજુબાજુમાં કોઈ પરમહંસ થયેલા છે? તો એ સંતે મને પૂછ્યું તમે ક્યાંના… મેં કહ્યું જુના ડીસાનો.. તો ત્યાં પેલી ગાંડી બાઈ હતી તમારા ખ્યાલમાં છે કોઈ… હા ખ્યાલ છે એ તો. તો કહે પરમહંસ હતી. પરમહંસ અને પાગલમાં એકાદ ડીગ્રી થી વધારે ફરક નથી. પાગલનો દુનિયા જોડે સંબંધ ખોરવાઈ ગયો છે. અને પરમહંસે સંબંધ ને ખોરવી નાંખ્યો છે. આટલો જ ફરક છે. પેલાનો ખોરવાઈ ગયો છે સંબંધ, આને ખોરવી નાંખ્યો છે.
તો જાપાનનો સમ્રાટ આ રીતે ફરે છે. જૂત્તાથી કપાળ કૂટે છે… કપાળમાંથી લોહી નીકળવા માંડ્યું. ગુરુ પાસે આવ્યો, ૪ કિલોમીટર ફરીને, એમના ચરણોમાં ઝૂક્યો, અને કહે છે ગુરુદેવ! ખરેખર, આપે મારા ભ્રમને ભાંગી નાંખ્યો. કદાચ મારા મનમાં ઊંડે ઊંડે પણ એવું હોત, કે હું ભીતરથી ઝુકું છું. તો એ વાત આજે ખોટી થઇ ગઈ. કારણ; આપની આજ્ઞા એને મારે બિલકુલ વિચારો વગર કોઈ પણ જાતની અસરતા વગર સ્વીકારવાના હતા. એને બદલે ક્યારેક ક્યારેક વિચાર આવી જતો. કે ગુરુ મહારાજે આવું શા માટે કર્યું…! ૪ કિલોમીટરની એક કલાકની યાત્રામાં ૧ કે ૨ વાર આ વિચાર આવી ગયો. એટલે ગુરુદેવ આપે પરીક્ષા કરી. મારા ઉપર ઉપકાર કર્યો. અને ખરેખર હું ભીતરથી ઝૂક્યો નથી.
અને સદ્ગુરુ મળવા સહેલા છે. તમે એમની પાસે જઈ આવો એ પણ સરળ છે. ઝૂકવું; અઘરામાં અઘરી ઘટના છે. કારણ; તમારો અહંકાર ટટ્ટાર છે. એ અહંકાર ઝૂકવા માંગતો જ નથી. અને ઝુકાય નહિ ત્યાં સુધી સાધના શરુ થાય નહિ. તમે ઝૂકો તો જ જ્ઞાન મળે. એ જ વાત આપણે પ્રબુદ્ધતામાં ચર્ચતા હતા. કે તમે અહં શૂન્ય ન બનો; ત્યાં સુધી ગુરુનું જ્ઞાન તમને મળી જ ન શકે.
કલાપૂર્ણસૂરિ દાદાને સાંભળેલા, કહો કે પીધેલા, એકેક વાચનામાં સાહેબ કહેતાં આ મારું નથી, આ પંન્યાસજી ભગવંતનું છે. અને એમની અહં શૂન્યતાની એક પરાકાષ્ઠાની વાત કરું… શંખેશ્વર ની બાજુમાં ધામા ગામ. મારી જન્મભૂમિ ઝીંઝુવાડાની બાજુમાં ત્યાં જંબુવિજય મહારાજ રહેતા હતા. બહુ નાનકડું ગામ. કલાપૂર્ણ સૂરિ દાદા પોતે જંબુવિજય મહારાજ પાસે સમવાયાંગજી એવું કોઈ સૂત્ર વાચના લેવા માટે આવતાં. આ એક મોટા આચાર્ય.. અત્યંત પ્રતિષ્ઠિત. અને જંબુવિજય મહારાજ જ્ઞાની ખુબ. વિદ્વાન… પણ મુનિ હતા. પણ એ આચાર્ય ભગવંત વાચના લેતી વખતે રોજ એ મુનિને નમસ્કાર વંદન કરે. તમે વાચનાચાર્ય છો. પેલા ના પાડે. તમે આચાર્ય છો. આચાર્ય ભલે રહ્યો. વાચનાચાર્ય તમે છો. આ અહં શૂન્યતા જે હતી ને; એને કારણે પંન્યાસજી ભગવંતનું બધું જ જ્ઞાન કલાપૂર્ણસૂરિ દાદાને મળી ગયું.
અહં શૂન્ય બનો; ધ્યાનની દુનિયામાં આગળ વધો…
હવે આપણે practical કરીશું.