Maun Dhyan Sadhana Shibir 14 – Vanchan 2

29 Views
23 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject : વ્યવહાર સાધનાનું સમ્યક્ સ્વરૂપ

  • પ્રભુએ આપેલ એક પણ વ્યવહાર સાધના એવી નથી કે જે આપણને નિશ્ચય સાથે જોડી ન આપે.
  • આપણી વ્યવહાર સાધના જો નિશ્ચયમાં પરિણત ન થાય, તો માનવું પડે કે આપણે વ્યવહારને સમ્યક્ રીતે કરતા નથી.
  • પ્રભુદર્શન, સ્વાધ્યાય, સામાયિક, પ્રતિક્રમણ આદિ વ્યવહાર ક્રિયાઓને નિશ્ચયમાં પરિણત કરવા શું કરવું?

મૌન ધ્યાન સાધના શિબિર ૧૪ – તલેગાંવ વાચના – ૨ (સવારે)

પ્રભુએ પ્રરૂપેલી વ્યવહાર સાધના એટલી તો પોતે પોતાનામાં સંપૂર્ણ છે. કે એ નિશ્ચય સાધના સાથે આપણને જોડી જ આપે. પણ ક્યાંક આપણી ચૂક થઇ હોય અને એના કારણે વ્યવહાર સાધના આપણી નિશ્ચય સાધના સાથે ન જોડાતી હોય, તો એનું કારણ શું – એ જોવા માટે આપણે અહીં બેઠા છીએ.

બે કામ આપણે કરવા છે. પ્રભુની સાધના પર એકદમ તલસ્પર્શી સ્વાધ્યાય અને પ્રભુની સાધનાની અનુભૂતિ. પહેલા આપણે સ્વાધ્યાય કરીએ છીએ. પ્રભુએ આપેલી એક પણ વ્યવહાર સાધના એવી નથી, જે નિશ્ચય સાથે તમને જોડી ન આપે. પ્રભુનું દર્શન કરવા સવારે આપણે ગયેલા. આપણે કહીએ પણ શું… પ્રભુનું દર્શન કરીને આવ્યો. આપણે કહેતાં નથી કે આંગીનું દર્શન કરીને હું આવ્યો. પ્રભુની મૂર્તિમાં જે સંગેમરમર વપરાયો છે એનું દર્શન કરીને આપણે આવ્યા. એ વાત પણ આપણા મનમાં નથી. આપણી ભાષામાં જેમ સ્પષ્ટતા છે, એવી જ clarity આપણા મનમાં હોવી જોઈએ. ભાષામાં એકદમ clarity આવી. હું પ્રભુનું દર્શન કરીને આવ્યો. હવે તમે તમારા મનને પૂછો કે ખરેખર પ્રભુનું દર્શન થયું?

પ્રભુના મુખ પર જે વિતરાગદશા હતી એનું દર્શન થયું? તો આપણી વ્યવહાર સાધનામાં થોડી ચૂક રહી ગઈ. અને એના કારણે નિશ્ચય સાધના સાથે આપણું જોડાણ ન થયું. ચૂક આપણી છે. પ્રભુની બંને સાધના સ્વયં સંપૂર્ણ છે. તમે વ્યવહારમાં જાવ, નિશ્ચય તમને મળે જ. પણ આપણી વ્યવહાર સાધના દ્વારા આપણને નિશ્ચય ન મળ્યો તો એમાં આપણી અધૂરાશ, આપણી ઉણપ! ઉણપ એ થઇ કે આપણું મન સ્થિર ન બન્યું. મન સ્થિર ન બન્યું એટલે પ્રભુની વિતરાગદશા બરોબર દેખાઈ નહિ. એ દેખાઈ નહિ એટલે એની આગળ જે અનુપ્રેક્ષા થવાની હતી. એ ન થઇ. પ્રભુની વિતરાગદશા જોયા પછી ભીતર અનુપ્રેક્ષા ચાલે કે પ્રભુની પાસે જેવી વિતરાગદશા છે એવી વિતરાગદશા મારી પાસે છે. એ અનુપ્રેક્ષા પછી અનુભૂતિમાં ફેરવાય, એટલે વિતરાગદશાની આંશિક અનુભૂતિ તમને અત્યારે મળી જાય. તો વ્યવહાર સાધના આટલી મજાની મળી હોવા છતાં આપણે નિશ્ચય સાધના સાથે જોડાતા નથી. એમાં આપણી ચૂક જે રહી ગઈ છે એ ચૂકને આપણે દૂર કરવી છે. જે વ્યવહાર સાધના નિશ્ચય સાધનામાં પરિણત ન થાય એને આપણે વ્યવ્હારાભાસ કહીએ છીએ.

ધ્રૂજી જઈએ આપણે કે અત્યાર સુધી જે વ્યવહાર સાધના કરી એ શું વ્યવહારાભાસ હતી? ચાલો જે થયું તે થયું. આજથી જ આપણી વ્યવહાર સાધનાને નિશ્ચય સાધના સાથે આપણે જોડી દઈએ. વ્યવહાર સાધના એટલે માર્ગ. નિશ્ચય સાધના એટલે મંઝિલ. મંઝિલ શું છે? સ્વરૂપદશાની પ્રાપ્તિ. આપણી મંઝિલ એક જ છે. આપણો ultimate goal બિલકુલ નક્કી છે. સ્વરૂપદશાની પ્રાપ્તિ એ આપણો ultimate goal છે. પ્રભુએ આપેલી દરેક વ્યવહાર સાધના આ ultimate goal સુધી તમને લઇ જઈ શકે એમ છે.

તમે કાર લઈને પાર્શ્વ પ્રજ્ઞાલય તીર્થમાં આવ્યા. તમારી કાર ઠેઠ અહીં સામે compound સુધી આવી શકશે. અહીંયા પ્રવેશીએ ત્યાં barricades લગાયેલા છે. Barricades લગાયેલા છે ત્યાં તમારી કાર અટકી જશે. પણ ત્યાં સુધી તમારી કાર આવશે. પણ તમે રોડ ઉપર ઉતરી જાવ એ તમારા તરફની ચૂક થઇ. કાર ના પાડતી નથી. તો એક પણ વ્યવહાર સાધના એવી નથી જે નિશ્ચય સાધના સાથે તમને જ જોડે. સ્વધ્યાય કર્યો, મજાનો શબ્દ સ્વાધ્યાય. સ્વ + અધ્યાય. ‘હું કોણ છું’ એનો અભ્યાસ એ સ્વાધ્યાય. સ્વાધ્યાય અનુપ્રેક્ષામાં પલટાય. હું જો આનંદઘન છું. તો મારી આનંદઘન દશા મને કઈ રીતે મળે? આ અનુપ્રેક્ષા ચાલુ થાય. અને એ અનુપ્રેક્ષા અનુભૂતિમાં પલટાય એટલે તમે આનંદઘન બની ગયા.

શ્રીપાળ રાસમાં એક કડી આવે છે. ગુજરાતી ભાષામાં…. પૂછવામાં આવ્યું મહોપાધ્યાય યશોવિજય મહારાજને કે ૪૫ આગમ ગ્રંથોમાં પ્રભુની જે આજ્ઞા ફેલાઈને, વિસ્તરાઈને પડેલી છે એનો સાર અમને તમે કહેશો? ગુરુ તો પરમ કરૂણામય છે. તૈયાર જ છે. એમણે એક કડી આપી… “આગમ નો આગમ તણો, ભાવ તે જાણો સાચો રે, આતમ ભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે” પ્રશ્નકર્તાએ પૂછ્યું કે ૪૫ આગમ ગ્રંથોમાં ફેલાયેલી પ્રભુની આજ્ઞાનો નિચોડ એનો સાર શું? ઉપાધ્યાયજી ભગવંત તો વરસી પડ્યા, ‘આગમ નો આગમ તણો, ભાવ તે જાણો સાચો રે’ ૪૫ આગમ નો સાર તો તને કહી દઉં, પણ ‘નો આગમ’ એટલે પુરી સાધના પદ્ધતિ એનો પણ સાર તને કહી દઉં, અને એ સાર અડધી કડીમાં આવે છે. ‘આતમ ભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે’ હવે છે ને વ્યવહાર સાધનામાંથી નિશ્ચય સાધનામાં કેમ જવાય…. એનો આખો માર્ગ તમને સમજાવું. પહેલા તમે આ અડધી કડીનો સ્વાધ્યાય કરશો. સ્વાધ્યાય તો બહુ સીધો છે. ‘આતમ ભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે’ આત્મભાવમાં સ્થિર થવું. પરભાવમાં જવું નહિ. આ સામાન્ય શબ્દાર્થ થયો. હવે તમે અનુપ્રેક્ષામાં જાઓ છો. અનુપ્રેક્ષામાં પહેલી અનુપ્રેક્ષા એ થશે. કે પરભાવે મત રાચો રે પરભાવ શબ્દ છે. પરમાં ન જાઓ એવી વાત નથી. પરભાવમાં ન જાઓ એવી વાત છે. તો શું ફરક પડ્યો? પરનો ઉપયોગ તો હું પણ કરું છું. વસ્ત્રો મેં પહેર્યા છે એ પર જ છે. શરીર પણ પર છે. અને હું ગોચરી કરું છું. એ ગોચરીના દ્રવ્યો પણ પર છે. એટલે પરનો ઉપયોગ તો હું પણ કરું છું.

એક મુનિ, એક પ્રભુની સાધ્વી પરનો ઉપયોગ તો કરશે. પણ પરભાવમાં નહિ જાય. પરભાવ એટલે રાગ, દ્વેષ, અહંકાર, ઈર્ષ્યા…. તમે ખાઓ અને કહો કે આ tasty છે તો માત્ર પરમાં ગયા એમ નહિ પરભાવમાં ગયા. તો પ્રભુની વાત એ છે કે બેટા! તારું શરીર છે રોટલી અને દાળ શરીરને આપવા જોઇશે. તું આપી પણ દેજે. પણ એમાં સારાપણા કે નરસાપણા નો ભાવ કરીને રાગ કે દ્વેષમાં તું જઈશ નહિ. આ શક્ય છે? બિલકુલ શક્ય છે. પેટને માત્ર થોડું ખાવાનું જોઈએ છે. મોઢા દ્વારા તમે ખાઈ રહ્યા છો. કોઈ પણ ઇન્દ્રિય વિચાર કરતી નથી. વિચાર તમારું મન કરે છે. આંખ જુવે છે ને તો આપણી આંખ માત્ર કેમેરા ના લેન્સ જેવી જ છે. પ્રતિબિંબ પડ્યું એને અંદર એ લઇ ગયું. પણ એ દ્રશ્ય જે દેખાયું એ સારું કે નરસું એ નક્કી કરવાનું કામ આંખનું નથી, મનનું છે. તમે ખાધું એ tasty કે untasty એ નક્કી કરવાનું કામ જીભનું નથી મનનું છે. આપણે ભારતમાં જન્મેલા છે કડક મીઠી ચા પીશું. તિબેટમાં કોઈ જન્મેલો હોય, કે જાપાનમાં તો ચા salt નાંખીને પીવે છે એને એ tasty લાગે છે. તો એના મનમાં એક ભ્રમણા થઇ કે આ સારું કહેવાય અને આ ખરાબ કહેવાય. તો એનું મન એ પ્રમાણે વસ્તુને tasty કે un tasty એ નક્કી કરે છે. પણ નક્કી કરનાર મન છે, ઇન્દ્રિય નહિ.

તો હવે વાત બહુ સીધી થઇ ગઈ. મોઢું ખાવાનું કામ કરે છે. હવે એ તો tasty કે un tasty નક્કી કરવાનું નથી. મન નક્કી કરશે. એ મનને આપણે બીજે મૂકી દઈએ. કોઈ સરસ ચિંતનમાં, કોઈ સરસ સ્તવનની કડીમાં મનને મૂકી દો. તો ખાવાનું કામ થઇ જશે. પરનો ઉપયોગ થશે. પરભાવમાં તમે નહિ જાઓ. કેટલી સરળ વાત પ્રભુએ કરી છે… અમે દીક્ષા લીધી… પ્રભુએ અમને કહ્યું નથી કે બેટા! તારે માસક્ષમણ ઉપર માસક્ષમણ કરવું પડશે. અરે! એકાંતરે ઉપવાસ કરવો પડશે એવું પણ પ્રભુએ અમને કહ્યું નથી. એકાસણું તારાથી શક્ય હોય તો કરજે, એવું અમને પ્રભુએ કહેલું છે.

તો પ્રભુએ કહ્યું: તું રોજ એકાસણું કર. આયંબિલ કર. ખાવાનો વાંધો નથી પણ જે ખાય એ tasty છે કે un tasty છે એ ખ્યાલ તને ન આવવો જોઈએ. અને પરિણામે રાગ અને દ્વેષ બંધાવા ન જોઈએ. તો આપણે સ્વાધ્યાય કરીએ છીએ. આતમ ભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે – એક વાત આ થઇ. બીજી અનુપ્રેક્ષા એ થશે… કે બે સાધના આવી. સ્વરૂપમાં સ્થિર થવું. પર રૂપમાં જવું નહિ. બે સાધના થઇ એમાં કાર્ય – કારણ ભાવ કઈ રીતે છે? તો પરભાવમાં ન જવું એ કારણ છે. અને સ્વભાવમાં સ્થિર થવું એ કાર્ય છે. પરભાવમાં ન જવું એટલે શું થયું? શરીર પરનો ઉપયોગ કરે છે. મન પરમાં નથી. મારા શરીરે પ્રભુની આ ચાદર ઓઢેલી છે. આ ચાદર સતત ઓઢાયેલી રહે પણ એ વસ્ત્ર ને મારું શરીર ઓઢે છે મારું મન ક્યાં છે… પ્રભુમાં, પ્રભુની આજ્ઞામાં… તો શરીર પરપદાર્થોનો ઉપયોગ કરે છે. મન પરપદાર્થોમાં નથી તો શું થયું…. પરભાવમાં તમે નથી. કેટલું તો સરલીકરણ છે. લોકો કહે છે સાહેબ સાધના બહુ અઘરી… હું સાધનાને easiest, shortest, sweetest કહું છું. Sweetest મીઠી મીઠી… shortest એકદમ ટૂંકી, હેલીકોપ્ટરમાં બેઠા અને પહોંચ્યા. અને easiest તમે સંસારમાં છો. કેટલું બધું tough ત્યાં છે બોલો! તમે સાધનાને tough કહો છો. કેટલાને રાજી રાખવાના તમારે…. અને અમારે રીઝવવો એક સાહિબ. એક માત્ર પ્રભુ, એને ખુશ કરી દેવાનો. એની આજ્ઞામાં રહેવાનું અમારી સાધના શરૂ અને પુરી. તો પરભાવમાં તમે ન જાઓ, તો સ્વભાવમાં તમે હોવ, એક સીધી વાત એ થઇ કે તમારું મન, પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરીએ તો તમારો ઉપયોગ, સતત પરભાવમાં રહ્યો અને એથી કરીને તમે સ્વમાં ન જઈ શક્યા. તમે જ તમારા ઉપયોગને, મનને, વિચારને, પરભાવમાં જતો રોકી દો… તો એ મન, એ વિચાર, એ ઉપયોગ ક્યાં હોય? સ્વમાં હોય. પરમાં તમારું મન નથી તો ક્યાં છે? સ્વમાં… એટલે જ હું વારંવાર કહું છું… કે તમારો ઉપયોગ, તમારું મન પરભાવમાં જાય, એ તમે કરેલી પ્રભુની મોટામાં મોટી આશાતના છે. પ્રભુએ જ્યારે કહ્યું કે બેટા! તારે તારા ઉપયોગને, તારે તારા મનને, શુદ્ધ આત્મદ્રવ્યમાં જ મુકવાનું છે. રાગમાં, દ્વેષમાં, અહંકારમાં તારે તારા મનને, તારા ઉપયોગને મુકવાનો જ નથી. એક પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન અનંત કાળથી આપણે કર્યું છે. ઉપયોગ, આપણું મન સતત પરભાવમાં રહ્યું. હવે વાત એ છે કે પરભાવમાં મન સતત કેમ જાય છે? ચાલો! ખાતી વખતે ગયું એ તો સમજી ગયા, ચા પીવા બેઠા તમારા ટેસ્ટ ની નહોતી. સહેજ અડધું મોં થઇ ગયું. માની લીધું. કોઈએ રફ્લી behaviour તમારી જોડે કર્યું તમને જરાક ખોટું લાગી પણ ગયું. પણ સતત તો એવા કારણો મળતા નથી. કે ૨૪ કલાક તમે પરભાવમાં રહો. તો હવે એ જોવું છે કે તમારું મન સતત પરભાવમાં કેમ રહે છે? બરોબર….

મન કે ઉપયોગ પરભાવમાં શી રીતે જાય… વિચાર દ્વારા… એક બાજુ વિભાવ એ કે રાગ, દ્વેષ, અહંકાર કે ઈર્ષ્યા… બીજી બાજુ વિચાર. તમે જો વિચારોને stop કરી દો તો તમારું મન રાગમાં કે દ્વેષમાં કે અહંકારમાં શી રીતે જાય? એટલે આ એક બહુ સરળ process થઇ. વિભાવોને રાગ – દ્વેષને કદાચ તમે દૂર કરી શકતા નથી. પણ વિચારોને થોભાવી શકો કે નહિ! એટલે મેં ગઈ કાલે કહેલું કે નિર્વિકલ્પ બનવું એ foundation છે. કોઈ પણ સાધના, કોઈ પણ ધ્યાન એના માટેનું foundation શું? નિર્વિકલ્પ દશાનો અભ્યાસ. તમે પ્રતિક્રમણ કરો છો.. પ્રભુએ કહેલી એક અમૃત ક્રિયા. દિવસ દરમ્યાન કેટલા બધા પાપો થઇ ગયા. એક પ્રતિક્રમણની ક્રિયા દ્વારા તમે તમારા મનનું, તમારા આત્માનુ સ્નાન કરાવો છો. પણ એ વખતે તમે જ હાજર ન હોવ, તો પ્રતિક્રમણ કરે કોણ? તમે તો ગેરહાજર હોવ છો. પ્રતિક્રમણની ક્રિયામાં એક બહુ નાનકડું પ્યારું સૂત્ર છે. સાંજે બોલો સવ્વસવિ દેવસિઅ દુચ્ચિતિઅ દુબ્ભાસિઅ દુચ્ચિટ્ઠીઅ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! એ વખતે જો તમારું મન હાજર હોય, તમે પોતે ત્યાં હાજર હોવ, તમને એ સૂત્રનો અર્થ ખ્યાલમાં હોય, તમારી આંખમાંથી આંસુ ટપકતા હોય, તમે ગુરુદેવને પૂછો છો કે ગુરુદેવ, દિવસ દરમ્યાન પ્રભુની આજ્ઞા વિરુદ્ધ થોડાક કાર્યો થઇ ગયા, પ્રભુની આજ્ઞા વિરુદ્ધ થોડું બોલાઈ ગયું, પ્રભુની આજ્ઞા વિરુદ્ધ થોડો વિચાર આવ્યો, કોઈના ઉપર તિરસ્કાર આવ્યો, કોઈના ઉપર દ્વેષ ઉઠ્યો. તો ગુરુદેવ એના માટે હું શું કરું? એક વેદના! ગુરુદેવ, મને માર્ગ બતાવો. હું શું કરી શકું અને એ વખતે ગુરુદેવ પ્રેમથી કહેશે. ‘પડિક્કમેહ’ બેટા! તું પાછો ફરી જા. તું રાગમાં ગયો, દ્વેષમાં ગયો, અહંકારમાં ગયો એના કારણે તે ખોટા કાર્યો કર્યા. ખોટું બોલ્યો તું… ખરાબ વિચારો તે કર્યા. તું રાગ – દ્વેષ અને અહંકારમાંથી પાછો ફરી જા.

આ સદ્ગુરુનું એક વચન ‘પડિક્કમેહ’ શક્તિપાત છે. એ જ વખતે તમે નક્કી કરો કે હવે મારી જાત પર હું બરોબર જાગૃતિ રાખીશ. અને રાગ કે દ્વેષ ઉભો થાય એ પહેલા જ એવા શુભ વિચારોમાં હું જતો રહીશ કે રાગ – દ્વેષ પ્રભાવશાળી રહી શકે જ નહિ.

એક સાધક ગુરુ પાસે ગયેલો. એની પાસે ખાલી ૧૦ મિનિટ હતી. પછી એને જવું પડે એમ હતું. ગુરુના ચરણોમાં એણે વંદના સમર્પિત કરી. અને ગુરુદેવને કહ્યું કે ગુરુદેવ! બે શબ્દો કે ચાર શબ્દો કંઈક મને આપો. ગુરુ તો કરૂણામય અસ્તિત્વ છે. ગુરુ તો તૈયાર જ હોય, પણ ગુરુ એ વખતે બોલતા નથી. બહુ ઊંડી વાત છે… બે શબ્દ કે ચાર શબ્દ આપીને ગુરુએ પેલા ઉપર શક્તિપાત કરવો છે. સદ્ગુરુ શક્તિપાત કરવા માટે તૈયાર છે પણ પેલો તૈયાર નથી. હજુ એનું મન સ્થિર થયેલું નથી. દૂરથી આવેલો છે. એટલે જ કોઈ પણ ક્રિયા કરવાની હોય ને આપણે ઈરિયાવહિયા પહેલા કરીએ છીએ. એક ક્રિયામાંથી બીજી ક્રિયામાં જવું હોય, તો પણ વચ્ચે ઈરિયાવહિયા આવે. અહીંયા જ દેરાસર છે તમે ભક્તિ કરી, અહીં તમે આવ્યા, તમારે સ્વાધ્યાય કરવો છે. ફરી ઈરિયાવહિયા તમારે કરવા જોઈએ. તમારું મન જે ભક્તિના લયમાં ઘુંટાયેલું હતું, એને બીજા લયમાં મુકવું છે તો વચ્ચે ઈરિયાવહિયા આવી જશે. શું મજાની મનોવૈજ્ઞાનિક આયામની પદ્ધતિઓ છે. તો ગુરુ તૈયાર હતા… પેલો તૈયાર નહોતો. ગુરુ wait કરે છે. ૨ મિનિટ – ૫ મિનિટ એનું મન સ્થિર થાય એટલે કહું. ૧૦ મિનિટ એ બેઠો. પણ મન સ્થિર થયું નહિ. ગુરુદેવે કેમ ન કહ્યું? Guru is the supreme boss. સદ્ગુરુ પાસે આવો. તમે તમારી ઈચ્છા અભિવ્યક્ત કરી શકો. સદ્ગુરુ ને બોલવું કે ન બોલવું એ સદ્ગુરનો વિષય છે. પણ પેલાના મનમાં આ વિચાર આવી ગયો કેમ બોલ્યા નહિ સદ્ગુરુ…. ૧૧મી મિનિટે ઉઠ્યો, દશ ડગલા ચાલ્યો, અને કુદરતી એનું મન સ્થિર થઇ ગયું. સ્થિર કેમ થયું? પહેલા અપેક્ષા હતી. ગુરુદેવ કંઈક બોલે. ૫ – ૭ મિનિટ એ અપેક્ષામાં રહ્યો. છેલ્લી ૩ મિનિટ અપેક્ષાભંગની નિરાશા રહી. હવે ૧૧મી મિનિટે અપેક્ષા નથી. ૧૦ ડગલા એ ચાલ્યો, ગુરુએ જોયું એનું મન સ્થિર થયું છે. એ વખતે ગુરુ બે વાક્ય બોલે છે. ઉભો રહે, પાછો ફર. માત્ર બે વાક્યો. ઉભો રહે, પાછો ફર. પેલાનું મન સ્થિર છે. પહેલા તો એ સમજ્યો કે ગુરુ મને પાછો બોલાવી રહ્યા છે સીધો અર્થ તો એ જ થાય ને… ઉભો રહે, પાછો ફર. પણ કેવો શક્તિપાત ગુરુએ કર્યો અને કેવો ઝીલાઈ ગયો. એક જ સેકંડમાં પ્રકાશ થયો. ઓ હો! હવે ગુરુ પાસે જવાનું નથી. ગુરુએ સંપૂર્ણ ઉપદેશ મને આપી દીધો. “ઉભો રહે તું પરભાવમાં દોડી રહ્યો છે. ઉભો રહે. પાછો ફર… સ્વભાવમાં પાછો ફર. સદ્ગુરુ શક્તિપાત કરવા તૈયાર જ હોય છે. પણ તમે એને ઝીલવા માટે તૈયાર હોતા નથી. તો આપણે એ જોતા હતા… કે નાનકડી એક પંક્તિ ‘આતમ ભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે’ અનુપ્રેક્ષા કેટલી કરી આપણે… કે પરભાવમાં ન જવું એ કારણ. સ્વભાવમાં સ્થિર થવું એ કાર્ય. એટલે પહેલા તમારા મનને રાગ – દ્વેષ, અહંકારમાં જતું રોકવું પડશે. પણ અનાદિથી તમારું મન એ રાગ – દ્વેષમાં જવાને આધીન બનેલું છે. એને રોકવું કેમ? એના માટે સરળ પ્રક્રિયા આપી. કે વિભાવ અને વિચાર. વિભાવને રોકી ન શકાય, વિચારને તો રોકી શકાય કે નહિ? તમે વિચારને રોકી શકો, તો instant કેટલો ફાયદો તમને થાય…

એક example આપું. તમે તમારા રૂમમાં બેઠેલા છો. સામાયિક લઈને… તમને ખ્યાલ છે કે સમભાવમાં મારે રહેવાનું છે. પણ એક વ્યક્તિ અડધા સામાયિકે તમારા રૂમમાં enter થઇ. એ વ્યક્તિ પર તમને સહેજ દ્વેષ છે, તિરસ્કાર છે. અણગમો છે. એને જોતાની સાથે વિભાવ ઉદિત થયો. સત્તામાં દ્વેષના પરમાણુઓ પડેલા છે એ ઉદયમાં આવ્યા. આ માણસ કેમ આવ્યો અહીંયા…. હરામખોર…. લુચ્ચો…. મારું એણે કેટલું બધું બગાડ્યું…. મારા માટે કેટલી ખરાબ વાતો એણે કેટલીયે જગ્યાએ કરી છે… આ માણસ કેમ આવ્યો અહીંયા…. આ શું થયું… વિભાવનો ઉદય થયો… સત્તામાં પડેલો દ્વેષ ઉદયમાં આવ્યો. અત્યારે તમારી નબળાઈ એ છે કે ઉદય જ્યારે શરૂ થાય ત્યારે તમે તમારા મનને, તમારી ચેતનાને, ઉદયમાં મૂકી દો છો. છૂટ્ટી… તો તમારું મન એ ઉદયની ક્ષણોમાં જશે. દ્વેષની ક્ષણોમાં જશે તો તમે શું કરશો નવું કર્મ બાંધશો. એ સત્તા માં જશે. ફરી ઉદયમાં આવશે. મારો અને તમારો સંસાર અનંત કાળથી ચાલ્યો, કેમ? કારણ આ… કે જ્યાં ઉદય થયો એમાં ભળ્યા. ભળ્યા એટલે નવું કર્મ બાંધ્યું. સત્તામાં ગયું ફરી ઉદયમાં આવ્યું. ઉદયમાં આવ્યું, ફરી નવો બંધ…. ચક્ર ચાલુ ને ચાલુ…

હવે સાધક તરીકે શું કરી શકો એની વાત છે. એ જ ક્ષણે તમને તિરસ્કાર આવી ગયો. પણ તરત જ, જો તમને ખ્યાલ આવી જાય, કે હું સામાયિકમાં બેઠેલો છું. સમભાવમાં રહેવું એ મારી પ્રતિજ્ઞા છે. કરેમિ ભંતે સામાઈઅં લઈને હું બેઠો છું. તો મારાથી દ્વેષમાં જવાય કેમ? એટલે આ જાગૃતિ આવી… દ્વેષના વિચારો ગયા, દ્વેષનો ઉદય ખતમ થયો. તો દ્વેષનો જે ઉદય થયો… એ અંગારો છે. અંગારા માટે ૨ કામ કરી શકાય… તમે હવા નાંખો તો અંગારાને ભડકામાં ફેરવી શકો. અને તમે રખ્યા નાંખો તો અંગારો ઠરી જાય. વિચારો, વિકલ્પો એ હવા છે. હવે એ વખતે તમારા વિચારો વધી જાય, આ સાલો માણસ, હરામખોર, નાલાયક, લુચ્ચો, બદમાશ, એ વિચારો ચાલુ ને ચાલુ રહે… તો શું થાય? એ દ્વેષનો અંગારો ભડકામાં ફેરવાઈ જાય. અને જાગૃતિ આવી ગઈ. સમભાવ આવી ગયો. દ્વેષના વિચારો છૂ થઇ ગયા. તો રખ્યા નંખાઈ ગઈ.

તો આપણે જે સાધના ગઈ કાલે કરાવી… આજે સવારે પણ કરાવી… તમે પણ એને ઘૂંટી રહ્યા છો. એનો પહેલો ઉદેશ્ય નિર્વિકલ્પ દશાનો ગાઢ અભ્યાસ. એનો પહેલો આપણો goal આ છે કે નિર્વિકલ્પ દશાનો અભ્યાસ. અને એ પછી ultimate goal છે સ્વરૂપદશાની અથવા સ્વગુણની અનુભૂતિ.

તમારા આનંદને તમે enjoy કરો, તમારામાં રહેલી શાંતિને enjoy તમે કરો. પણ એ enjoy તમે ક્યારે કરી શકો…. enjoyment ત્યારે જ આવે કે જ્યારે તમારું મન પરભાવ માંથી છૂટું પડેલું હોય. તો અનુપ્રેક્ષા કરી. એ અનુપ્રેક્ષા અનુભૂતિમાં બદલાય. તમે પરભાવમાં ન જાઓ થોડી વાર સ્વભાવમાં સ્થિર રહો.

તો પહેલા શબ્દાનુપ્રેક્ષા કરી. પછી અર્થાનુપ્રેક્ષા કરી. અને પછી આપણે અનુભૂતિ કરી. તો વ્યવહાર સાધનામાંથી નિશ્ચય સાધનામાં આવી ગયા. It is so easy. 1 – 2 – and 3. પહેલું પગથિયું શબ્દાનુપ્રેક્ષા. બીજું પગથિયું અર્થાનુપ્રેક્ષા. અને ત્રીજા પગથિયે અનુભૂતિ બોલો….

ઉપયોગને પરભાવમાંથી ખેંચી લીધો. તમે સ્વમાં જ છો. પ્રભુનું દર્શન કર્યું. અહોભાવની ધારા આવી. આંખમાંથી આંસુ આવ્યા. એ પહેલું step. એ પછી પ્રભુની વિતરાગદશા દેખાણી. અને અનુપ્રેક્ષા થઇ. કે મારામાં પણ આવી વિતરાગદશા છે. અને એ અનુપ્રેક્ષા અનુભૂતિમાં પલટાય એટલે વિતરાગદશાનો અનુભવ. તો પ્રભુએ આપેલી એક પણ વ્યવહાર સાધના એવી નથી જે નિશ્ચય સાધનામાં ન પરિણમે. આપણી ચૂક છે કે આપણે વ્યવહાર સાધનાને સમ્યક્ કરતા નથી. અને એના માટે આપણે ગઈ કાલે બપોરે પેલી વાત કરેલી કે આપણી સાધના કેવી હોવી જોઈએ. ૩ વાત કરેલી. કોઈ પણ સાધકને પોતાની સાધના નાનકડી લાગે – ૧. આપણી સાધના પ્રભુ દ્વારા certified હોય એ – ૨. અને આપણી સાધના બીજાઓથી ગુપ્ત રહે એ – ૩. આ ત્રણ વાત આપણી વ્યવહાર સાધનામાં આવે. તો એ વ્યવહાર સાધના નિશ્ચય સાધનામાં એકદમ ભળી જાય. એટલે ચૂક આપણી છે.

પ્રભુએ આપેલી સાધના અમૃત અનુષ્ઠાન છે. તમે ઘણી બધી સાધનાઓમાં જતાં હોવ છો. ક્યારે પણ ક્યાંય પણ જાવ કોઈ પણ વ્યક્તિ આ વ્યવહાર સાધનાનો અપલાપ કરે, તો ઉભા થઇ જજો.

મારો એક મુમુક્ષુ હતો, એક પંડિતજીનું પ્રવચન સાંભળતો હતો. તે પંડિતજી નિશ્ચયાભાસની વાતો કરે, અને એકવાર તો કહી દીધું દેરાસર નકામું, મૂર્તિ નકામી આ નકામું… આ નકામું… એ વખતે મારો મુમુક્ષુ એકદમ talented હતો. એ ઉભો થયો.  એ  કહે, પંડિતજી! તમે નિમિત્તોને નકામા ગણો છો. તો વર્ષોથી આ ફેંક ફેંક શું કરો છો? બોલ – બોલ શું કરો છો? આ શબ્દો એ તો નિમિત્ત છે, છોડી દો તમે નિમિત્ત. પણ તમે બોલવાનું છોડો કે ન છોડો… હું તમને છોડીને જાઉં છું અત્યારે… તો આજ બપોરની વાચનામાં આપણે આપણી વ્યવહાર સાધના ને સમ્યક્ બનાવવા માટે આ ૩ જે ચરણો છે એને બરોબર જોવાના છે અત્યારે આપણે ધ્યાનાભ્યાસ કરીએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *