વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject : વ્યવહારથી નિશ્ચય સુધી…..
“નિર્વિકલ્પ દશા” – એ આપણી સાધનાનું starting point અને “ઉપયોગને પરમાંથી સ્વમાં લાવવો” – એ આપણી સાધનાનું ultimate goal.
વ્યવહાર સાધના જ નિશ્ચય સાધના સુધી લઇ જાય.
આપણી વ્યવહાર સાધનાને નિશ્ચય સાધના સુધી લઈ જવા માટે ત્રણ પરિબળો ઊમેરવાં છે:
- આપણી સાધના આપણને નાનકડી લાગવી જોઈએ.
- આપણી સાધના પ્રભુ દ્વારા certified હોવી જોઈએ.
- આપણી સાધનાને શક્ય તેટલી ગુપ્ત રાખવી છે.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૪ – તલેગાંવ વાચના – ૧ (સાંજે)
નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિઆણં
નમો ઉવજ્ઝાયાણં
નમો લોએ સવ્વ સાહૂણં
એસો પંચ નમુક્કારો
સવ્વ પાવપ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિં
પઢમં હવઈ મંગલં
મંગલં શ્રીમદ્દ અર્હન્તો, મંગલં જિનશાસનમ્
મંગલમ્ સકલ સંઘો, મંગલમ્ પૂજકા અમી,
કૃતાપરાધેsપિ જને, કૃપામંથરતારયો:
ઇષદ્દબાષ્પાર્દ્રયોર્ભદ્રં, શ્રી વીર જિન નેત્રયો:
કમઠે ધરણેન્દ્રે ચ, સ્વોચિતં કર્મ કુર્વતિ,
પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ:, પાર્શ્વનાથ શ્રિયે સ્તુ વઃ
જ્ઞાનધ્યાનક્રિયાધિકાર્ય કુશલ:, પ્રધુમ્ન જેતા ગુરુ,
આંતરલોચનમેકમસ્તુ સુતરાં, પ્રુદ્દભાષિતંયસ્યવૈ,
ૐકારેણ સુસેવિતોsપિસતતં, ૐકાર સેવા પરઃ
સોયં સૌમ્ય મના: સદાવિજયતે, શ્રી સિદ્ધિસૂરીશ્વર:
સોયં સૌમ્ય મના: સદાવિજયતે, શ્રી ભદ્રસૂરીશ્વર:
સોયં સૌમ્ય મના: સદાવિજયતે, શ્રી ૐકારસૂરીશ્વર:
સોયં સૌમ્ય મના: સદાવિજયતે, અરવિંદસૂરીશ્વર:
મજાના તીર્થ પરિસરમાં પરમતારક દેવાધિદેવ પાર્શ્વનાથ પ્રભુના ચરણોમાં બેસીને એમણે જ આપેલી સાધનાનો સ્વાધ્યાય કરવો છે. અને અનુભવ પણ. પ્રભુની કૃપાથી સાધનાનો અનુભવ થયો. અને જે આનંદ મને મળ્યો છે. એની વાતો પણ તમારી જોડે શેર કરવી છે. વ્યવહાર અને નિશ્ચયના balancing વાળી પ્રભુની સાધના છે. ક્યારે પણ વ્યવહાર કે નિશ્ચય વિના આપણે આપણી સાધનાને સંપૂર્ણ બનાવી શકીએ નહિ. હું પોતે વ્યવહાર સાધનાનો પ્રખર પક્ષધર છું. વ્યવહાર વિના નિશ્ચયમાં તમે કંઈ રીતે જાઓ. પ્રભુની કૃપાથી જે વ્યવહાર સાધના તમને મળી છે અદ્ભુત છે. અને એ સાધનાને મેળવીને તમે બધા બડભાગી બન્યા છો. પ્રભુએ કહેલું એ સામાયિક અમૃત અનુષ્ઠાન. પ્રભુએ કહેલું એ પ્રતિક્રમણ. અમૃત અનુષ્ઠાન.
માત્ર એ વ્યવહાર સાધનામાં આપણે શું ઉમેરવાનું છે. એટલું જ આ શિબિરમાં આપણે જોઈશું. વ્યવહાર સાધના શ્રેષ્ઠથી પણ શ્રેષ્ઠ છે. કોઈ પણ નિશ્ચયવાળાને વ્યવહાર સાધના જોડે વાંધો હોય તો હું એ નિશ્ચયવાળાને નિશ્ચયાભાસ વાળો કહું છું. શુદ્ધ નિશ્ચય જેની પાસે છે. એને વ્યવહાર જોડે વાંધો હોય નહિ. હોઈ શકે નહિ.
એક નાનકડી વાત લઉં. નિર્વિકલ્પ દશા એ આપણી સાધનાનો starting point છે. અને ૨૪ કલાકની જાગૃતિ એ આપણો ultimate goal છે. એ ultimate goal ની વાત પ્રભુએ પરમ પાવન આચારાંગ સૂત્રમાં કરી છે. – “मुणीणो सया जागरन्ति” ૨૪ કલાકની જાગૃતિ. શરૂઆતમાં બંધ આંખે તમને ધ્યાન કરાવીશું. પણ ultimate goal એ છે ખુલ્લી આંખે પણ તમે સતત ૨૪ કલાક સ્વમાં જ હોવ. જાગૃતિ – awareness એનો અર્થ એક જ છે કે સ્વ અને પર ના ખાના અલગ પડી ગયા. તમે પણ ખાઓ છો. એક મુનિરાજ પણ વાપરે છે. Where is the difference? ફરક ક્યાં છે? ફરક ત્યાં છે કે મુનિરાજ નું શરીર વાપરે છે. એમનું શરીર ગોચરી કરે છે. એ પોતે શુભ ભાવમાં, અથવા શુદ્ધમાં ડૂબેલા છે. અને એટલે જ વાપર્યા પછી કોઈ મુનિરાજ ને પૂછવામાં આવે, કોઈ મુનિ દ્વારા જ, કે શું વાપર્યું તમે આજે? ત્યારે એ કહેશે કે મને કંઈ ખ્યાલ નથી. જે મારા પાત્રમાં મૂકવામાં આવેલું એ ખવાઈ ગયું. એટલે ખાવાની ક્રિયા હતી. પણ કર્તા એમાં નહોતો? કર્તા ક્યાં હતો? સ્વમાં હતો.
કર્તા ને પરમાંથી સ્વમાં લાવવો આ જ આપણો ultimate goal. ઉપયોગને પરમાંથી સ્વમાં લાવવો એ જ ultimate goal. સેંકડો સાધના ગ્રંથોનો સાર એક વાક્યમાં કહું તો એ વાક્ય એવું હોય કે ઉપયોગને પરમાંથી સ્વમાં લઇ જવો. તો બે વાત મેં કરી – starting point માં નિર્વિકલ્પ દશાનો અભ્યાસ જોઇશે. અને ultimate goal આપણો છે ઉપયોગનું સ્વમાં સંપૂર્ણ તયા ડૂબી જવું.
આપણી વ્યવહાર સાધના આપણને આ નિશ્ચય સાધના સુધી કઈ રીતે પહોંચાડે છે એની વાત કરું. દીક્ષા પછી ૧૫ એક વર્ષે આબુ દેલવાડાની યાત્રા એ જવાનું થયું. મારી જીંદગીમાં પહેલી જ વાર હું દેલવાડાની તીર્થની યાત્રા એ જઈ રહ્યો હતો. અમે લોકો વિહાર કરીને દેલવાડાના ઉપાશ્રયમાં સવારે ૮ વાગે લગભગ પહોંચી ગયા. મારે દવા લેવાની હતી એટલે નવકારશી વાપરવાની હતી. બીજા મુનિઓને એકાસણા હતા. મેં એ લોકોને કહ્યું કે તમે મારી નવકારશી લઇ આવો. હું બાજુના દેરાસરે દર્શન કરી ૫ – ૭ – ૧૦ મિનિટમાં આવી જાઉં. પછી આપણે બધા જ દેરાસરે જઈએ. પાત્રા પોરસી ભણાવીને. ૧૨ વાગ્યા સુધી ભક્તિ કરીશું. ત્યાં ૧૨ વાગ્યા સુધી કોઈ visitor આવી શકતો નથી. હું ગયો, પહેલા જ પ્રદક્ષિણા પથમાં મારે ફરવાનું હતું. વિમલવસહીના… પણ હું ફરું તો શી રીતે ફરું..? પહેલી જ દેરીએ જે પરમાત્મા એવું તો ભુવન વિમોહન રૂપ, આંખો સ્તબ્ધ, મન નિર્વિકલ્પ, પગ થંભી ગયા. ૪૦ -૪૫ વર્ષ પહેલાંની આ ઘટના. આ આજે મને યાદ આવે છે કે મને એ પ્રદક્ષિણા પથ એકવાર ફરતાં લગભગ ૪૦ મિનિટ લાગેલી. પગ ઉખડે જ નહિ તો હું શું કરું… બીજી બે પ્રદક્ષિણા તો મેં નાની ફરી લીધી. ચૈત્યવંદન કર્યું. ઉપાશ્રયમાં મુનિવરો મારી રાહ જોવે. હું ગયો… મને કહે આટલી બધી વાર… મેં કહ્યું પ્રભુએ પકડી રાખેલો હું શું કરું!
તો પ્રભુનું ભુવન વિમોહન રૂપ તમને નિર્વિકલ્પ બનાવી શકે. એ જ લયમાં ૧૨માં સ્તવનમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે કહ્યું “સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિતડું અમારૂ ચોરી લીધું” પ્રભુ પાસે ગયા, મન છું… મનની પેલે પાર તમે પહોંચી ગયા, એટલે દર્શનની આ વ્યવહાર સાધના તમને સાધનાનો પ્રારંભ આપે. નિર્વિકલ્પ દશા આપે. અને એ નિર્વિકલ્પ દશા મળી પછી તમે પ્રભુના મુખને જુઓ. એ મુખ પર રહેલી વિતરાગ દશા ને જુઓ. પરમ શાંતિને જુઓ. અને જે ક્ષણે તમને થાય કે એ વિતરાગ દશા મારી ભીતર છે એ પ્રશમ રસ મારી ભીતર છે. મારે માત્ર એને પ્રગટ કરવાનો છે. અને હું શી રીતે પ્રગટ કરું. પ્રભુ પ્રગટ કરી આપશે. તો પ્રભુનું દર્શન નિર્વિકલ્પ દશા પણ આપે. એટલે કે સાધના નો પહેલો પડાવ પણ આપે. અને સાધનાનો છેલ્લો પડાવ પણ આપે.
વ્યવહાર વિના નિશ્ચયમાં જઈ શકાય નહિ. હું નિશ્ચયની અંતિમ ભૂમિકામાં છું છતાં વ્યવહાર મારો એવો ને એવો અકબંધ છે. મારા એક શિષ્યએ હમણાં મને પૂછેલું કે સાહેબ! જે લોકો નિશ્ચયમાં જાય, એ ક્રિયાકાંડ ને છોડી દે છે. બે – ચાર વ્યક્તિઓને એણે જોયા હશે. મને કહે મારા માટે તો એવું નહિ થાય ને? મેં કહ્યું: તારી વાત ક્યાં કરે છે. મને જોઈ લે ને. હું ૨૪ કલાક સ્વમાં છું અને છતાં પ્રભુએ કહેલા બધા જ વ્યવહારો ઉપર પૂર્ણ આદર મને છે. પ્રભુએ કહેલ એક પણ વ્યવહાર ઉપર મને ઓછો આદર હોય એવું પણ નથી. મારા ભગવાન ઉપર જ્યારે મને પૂર્ણ આદર છે. ત્યારે મારા ભગવાનના એક – એક વચન પર મને પૂર્ણ આદર છે. એટલે વ્યવહાર સાધના છૂટતી નથી. પછી પેલાનો પ્રશ્ન આગળ આવ્યો, કહે કે તો પેલા લોકોએ છોડી કેમ?
મેં કહ્યું: એ તારે એમને પૂછવું જોઈએ. પછી મેં એને કહ્યું, બેટા! તું જ મને કહે.. કે આપણો આ વ્યવહાર ધર્મ નિશ્ચયમાં જવામાં અવરોધ રૂપ ક્યાં છે? ખરેખર પ્રભુએ એવો વ્યવહાર ધર્મ અમને આપ્યો છે કે મારી દ્રષ્ટિએ આનાથી શ્રેષ્ઠ વ્યવહાર ધર્મ દુનિયામાં એક પણ નથી. શ્રી સંઘે V.V.I.P treatment અમને આપેલી છે. મેં એને જ પૂછ્યું, મારા શિષ્યને જ કે ૨૪ કલાક તારે સાધનામાં ડૂબ્યા જ રહેવું હોય તો તને અવરોધ રૂપ શું એ મને બતાવ. કયો વ્યવહાર તારા માટે અવરોધ રૂપ બને છે? તારા શરીરને જોઈએ તારી ગોચરી વહોરીને લાવ. લોકો ભક્તિથી તૈયાર ઉભેલા છે. તારા શરીર માટે જે પણ જોઈતું હોય, એના માટે શ્રી સંઘ તૈયાર છે. ભવ્ય ઉપાશ્રયો આપણે ત્યાં છે. એક રૂમ તું પસંદ કરી લે. એ રૂમ એ જ હિમાલય. એ જ તારું બદ્રી. ત્યારે મેં કીધું ખરેખર અંદર જવું હોય તો આ પ્રશ્ન જ તને ન થાય.
તો આજની પહેલી વાચનામાં આપણે ૨ વાતો કરવી છે. પહેલી વાત એ કે વ્યવહાર ધર્મ શ્રેષ્ઠ થી પણ શ્રેષ્ઠ છે. એટલે એને ક્યારેય છોડવાનો નહિ. બીજી વાત એ છે કે આપણા વ્યવહાર ધર્મને નિશ્ચય ધર્મ તરફ લઇ જવા માટે એમાં શું ઉમેરવું એની વાતો આપણે જોઈ લઈએ.
થોડા સમય પહેલા રાણકપુર તીર્થમાં જવાનું થયું. રાણકપુર તીર્થમાં ૧૫ એક દિવસ રોકાવાનું થયું. મન ભરીને પ્રભુની ભક્તિ કરી. ભક્તિ અહોભાવથી શરૂ થાય અને અનુભૂતિ એ એની શિખરાનુભૂતિ. ભીની આંખથી ભક્તિ શરૂ થઇ. અને શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા એ ભક્તિની શિખરાનુભૂતિ તમને મળી. તો અમે લોકો ભક્તિમાં ડૂબી ગયેલા. ડૂબવું છે. અહીંયા તમે આવ્યા છો ને માત્ર પ્રવચનો સાંભળવા નહિ, there should be the experience. મારે માત્ર શબ્દો નથી આપવા. શબ્દો તો મારા માટે તમને ખેંચવાનું બહાનું છે. હું એમ કહી દઉં કે હું બોલીશ નહિ તમે આવજો કદાચ તમે નહિ આવો. તો તમને ખેંચવા માટેનું નિમિત્ત શબ્દો છે. પણ મારે શબ્દની અંદર અનુભૂતિને pack કરીને તમને આપવી છે. એટલે શબ્દને અહીં મૂકી દેજો અંદરની અનુભૂતિને લઇ લેજો.
તો અમે લોકો ડૂબી ગયેલા. એક બપોરે દેરાસરે ગયેલા. પૂજારી જે guide નું કામ કરતો હતો. એણે મને કહ્યું કે મ.સા. આ થાંભલા ઉપર તમે જુઓ તો શું દેખાય છે? મેં જોયું ૨ – ૨.૩૦ ઇંચ ની એક મનુષ્યની મૂર્તિ હતી. મેં પૂછ્યું: આ કોની મૂર્તિ છે? મને કહે, સાહેબ! અમારે ત્યાં પરંપરાથી એક વાત ચાલી આવી છે, કે આ મૂર્તિ ધરણાશા શ્રેષ્ઠીની છે. જેમણે આ જિનાલય બનાવરાવ્યું. જેમણે કરોડો રૂપિયા એ સમયમાં આ મંદિરના નિર્માણ માટે વાપર્યા. એમની આ મૂર્તિ છે. પછી એણે વધારામાં કહ્યું કે સાહેબ પૂજારીઓની અમારા ત્યાં પેઢી ચાલી આવે છે. પૂજારીનો દીકરો પૂજારી, એનો દીકરો પૂજારી. એટલે ધરણાશા શેઠથી અમારી પણ એક વંશાવલી ચાલે છે. તો અમારે ત્યાં એક વાત છે કે ધરણાશા શ્રેષ્ઠી દેરાસર લગભગ પૂરું થવા આવ્યું. ત્યારે દેરાસરને જોઈ રહ્યા છે. અચાનક એમણે શિલ્પીને કહ્યું કે મારી પણ એક મૂર્તિ દેરાસરમાં મુકવી છે. શિલ્પી કહે, સાહેબ! બરોબર, તમારી તો મુકવી જ જોઈએ. ત્યારે ધરણાશાએ કહ્યું, મારી ૩ શરતો છે. અને એ ૩ શરતોનું તું પાલન કરી શકે તો જ મૂર્તિ મુકવાની હું છૂટ આપું. પૂછ્યું પેલાએ… સાહેબ શું શરતો તમારી? તો ધરણાશાએ કહ્યું પહેલી વાત મારી મૂર્તિ નાનકડી હોવી જોઈએ. ૨ – ૨.૩૦ ઈંચથી વધારે મોટી નહિ. બીજી વાત મારી એ મૂર્તિ ઉપર મૂળનાયક ઋષભદેવ દાદાની દ્રષ્ટિ ૨૪ કલાક માટે પડવી જોઈએ. અને ત્રીજી વાત કોઈ મારી મૂર્તિને જોઈ શકે નહિ. મેં જોયું ૩ શરતો પુરી થયેલી હતી. મૂર્તિ નાનકડી હતી. મેં જોયું એવા angle થી એ ગોઠવાયેલી કે ઋષભદેવ દાદાની નજર ૨૪ કલાક ત્યાં પડે. અને કોઈને ખ્યાલ આવે એવો તો હતો જ નહિ. એ વખતે મેં ધરણાશાને કહ્યું કે ધરણાશા! તમે તો સાધના જગતની ૩ અદ્ભુત વાતો કહી.
સાધના આપણી આપણને નાનકડી લાગવી જોઈએ પહેલી વાત. આપણી સાધના ૨૪ કલાક પ્રભુ દ્વારા certified હોવી જોઈએ બીજી વાત. અને આપણી સાધનાને કોઈ જોઈ ન જાય એવી રીતે કરવાની એ ત્રીજી વાત. હવે આપણે આ ત્રણેય વાતોને જોઈએ જેથી આપણને ખ્યાલ આવશે કે આપણી વ્યવહાર સાધનામાં આપણે શું ઉમેરવું જોઈએ.
હકીકતમાં ઉમેરવાનું તો હું એટલા માટે કહું છું કે આપણે થોડું ચૂકી ગયા છીએ. બાકી ૧૦૦ વર્ષ પહેલાંની પરંપરા જોઈએ તો એમાં આ ઉમેરણ હતું જ. પહેલી વાત – તમારી સાધના તમને નાનકડી લાગે. શું કારણ… કારણ બહુ મજાનું છે. આપણી સાધનાનું એક કેન્દ્રવર્તી સિદ્ધાંત પ્રભુ કર્તૃતા નો છે. સાધના પ્રભુ આપે છે. પ્રભુની કૃપાથી મળે છે. એક માત્ર receptivity આપણી પાસે જોઈતી હોય છે. બાકી સાધના પ્રભુ આપે છે.
અંતરિક્ષ દાદા પાસે જઈને આવ્યો. પહેલા જ દિવસે દાદાની પાસે ગયો. આંખો ભીની થઇ ગઈ. મારી જીંદગીમાં પહેલીવાર દાદાનું દર્શન થયું. એ વખતે હોઠોમાંથી અનાયાસ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજની સ્તવના ની એક પંક્તિ સરી પડી. “કર કે કૃપા પ્રભુ દરિશન દિનો,” પ્રભુ તે કૃપા કરી ને દર્શન આપ્યું. દર્શન તમે કરો…. એ વાતને આનંદઘનજી ભગવંતે બહુ સરસ રીતે ચર્ચી છે. ગુજરાતીમાં એમના સ્તવનો છે. પણ સાધનાનો અર્ક એમણે ગુજરાતી ભાષામાં આપી દીધો. ૧૫માં સ્તવનમાં દર્શન પ્રભુનું કઈ રીતે થાય એની વાત એમણે ખોલી ‘પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, પેખે પરમનિધાન, હૃદય નયણ નિહાળે જગધણી, મહિમા મેરૂ સમાન’ જે ક્ષણે સદ્ગુરુ પ્રવચન અંજન તમારા હૃદયમાં આંજે, જે ક્ષણે સદ્ગુરુ તમારા પર શક્તિપાત કરે, on that very moment તમે પ્રભુનું દર્શન કરો છો. પણ, સદ્ગુરુ પણ તમારા પર એમનેમ શક્તિપાત કરતા નથી. પ્રભુનો આદેશ મળે, ત્યારે જ સદ્ગુરુ ચેતના સક્રિય બને છે. તો પ્રભુનું દર્શન પ્રભુ કરાવે. એ કડીમાં બહુ મજાની વાત કરી છે. પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, જો આવ્યું – જો સદ્ગુરુ શક્તિપાત કરે, તો તમને તરત જ દર્શન થઇ જાય. પણ કરે તો. ન પણ કરે.
હું ઘણીવાર શ્રોતાવૃંદ ને પૂછતો હોઉં છું. કે કોઈ પણ સદ્ગુરુ conditionally ખૂલી શકે? હું શક્તિપાત કરું પણ ખરો, ન પણ કરું. પ્રભુનો આદેશ મળી ગયો મારે કરવાનો જ હોય. ‘જો’ કેમ આવ્યું વચમાં… એ ‘જો’ ઉછળીને તમારી બાજુ આવે છે. સદ્ગુરુ ચેતના તો ક્યારની તૈયાર છે. જન્મોથી તમારા પર શક્તિપાત કરવા માટે સદ્ગુરુ ચેતના તૈયાર છે. એટલે જ હું ઘણીવાર કહું છું કે સદ્ગુરુ ચેતનાને બહુ રાહ જોવડાવી, બહુ જોવડાવી, જન્મોના જન્મો હવે ક્યાં સુધી રાહ જોવડાવશો…. એક અહોભાવનું extreme point તમારી પાસે આવી ગયું, સદ્ગુરુ શક્તિપાત કરી દે, તમે પ્રભુનું દર્શન કરી લો. એ જ લયમાં હું સાધનાનું composition આપું છું. ૯૯% grace ૧% effort. ૯૯% માત્ર કૃપા, ૧% તમારો પ્રયત્ન. અને એ પ્રયત્ન છે માત્ર અહોભાવ.
તો અંતરીક્ષ દાદા પાસે હું ગયો. આંખોમાં આંસુ હતા. હોઠો પર આ પંક્તિ હતી, “કર કે કૃપા પ્રભુ દરિશન દિનો,” પ્રભુ તે કૃપા કરી. તે બોલાવ્યો. અને તે દર્શન આપ્યું. તો હવે વાત એ થઇ કે સાધના પ્રભુ કરાવે. એ સાધના ને ઝીલવા માટે જે receptivity જોઈએ તમારી પાસે એ સદ્ગુરુ develop કરે. તમારે તો જલસો છે. એક બાજુ પ્રભુ, એક બાજુ સદ્ગુરુ, વચ્ચે થઇ જાય sandwich. તો એક સવાલ હું ઘણીવાર કરતો હોઉં છું. કે પ્રભુનુ શાસન પ્રભુની સાધના પહેલી વાર તમને મળે છે? કેટલીયે વાર મળી. તો મારો અને તમારો સંસાર ચાલુ કેમ રહ્યો. Where was the fault? આપણે ક્યાં ચુક્યા? સાધના મળી. પણ આપણી પાસે receptivity નહોતી. એટલે આપણે એને બરોબર ઝીલી ન શક્યા. તો receptivity આ અહોભાવ. આ સમર્પણ. પ્રભુને જોતા જ થતી ભીની ભીની આંખો તો એ receptivity પણ સદ્ગુરુ ઉગારી આપે.
તો હવે પ્રભુ આટલું કરી આપે. સદ્ગુરુ આટલું કરી આપે. આપણે તો કરવાનું બહુ થોડું રહ્યું. હવે સાધના નાનકડી જ લાગે ને. હું કયારે પણ કહેતો નથી કે મેં દીક્ષા લીધી. મેં દીક્ષા લીધી એમ નહિ, પ્રભુ એ કૃપા કરીને મને દીક્ષા આપી. ક્યારે પણ કહેતાં નહિ હો… કે દીક્ષાની રજા નહોતી મળતી. ૬ વિગઈનો ત્યાગ કર્યો પછી સગાં – સંબંધીઓ માન્યા. નહિ….. પ્રભુએ કૃપા કરીને દીક્ષા આપી. કોઈ પણ સદ્ગુરુ તમને રજોહરણ ક્યારે આપી શકે? પ્રભુએ તમને select કર્યા હોય ત્યારે. પ્રભુ તમને select કરે. તો સદ્ગુરુ તમને રજોહરણ આપે. તો હું એ જ કહેતો હોઉં કે પ્રભુએ મને દીક્ષા આપી. આ સંદર્ભમાં હું એક વર્તુળની વાત કરું છું. Surrender ની સામે care. સમર્પણ ની સામે કાળજી.
અમારું સમર્પણ જ્યારે પૂરેપૂરું પ્રભુના ચરણોમાં થયું. એક ક્ષણ એવી નથી ગઈ, એક સેકંડ જ્યારે પ્રભુનું સુરક્ષાચક્ર અમને ન મળ્યું હોય. એક ક્ષણ વિભાવનો સ્પર્શ ન થાય. રાગ અને દ્વેષનો સ્પર્શ ન થાય. આ સુરક્ષા ચક્ર પ્રભુ આપે છે. Surrender ની સામે care.
આચાર્ય રત્નસુંદરસૂરીજી ઉત્તર ગુજરાતમાં વિહાર કરતા હતા, સવારનો પહોર. વિહાર યાત્રા ચાલુ હતી. એક ઊંટગાડી વાળો પાછળથી આવતો હતો. એણે જોયું કે સંતો જઈ રહ્યા છે. ભાવુક માણસ હતો. એણે ઊંટગાડી થોભાવી. એ નીચે ઉતર્યો. આગળ આવ્યો. આચાર્યશ્રીના અને સંતોના ચરણોમાં ઝૂક્યો. એ પછી એણે આચાર્યશ્રીને પૂછ્યું, સાહેબ! મજામાં છો ને… શાતા શબ્દ એને ન આવડે. તો શું વાંધો! સાહેબ મજામાં છો ને… એ વખતે રત્નસુંદરસૂરીજીએ કહ્યું: અરે! બહુ મજા, બહુ મજા, બહુ મજા. એ વખતે એ ઊંટગાડીવાળો કહે છે કે મ.સા. તમે મજામાં જ હોવ, પ્રભુ માટે તમે આટલું બધું કરી રહ્યા છો. પૂરું જીવન તમે પ્રભુને સોંપી દીધું છે તો પ્રભુ તમારી કાળજી રાખે જ.
તો પહેલી વાત આપણી સાધના આપણને નાનકડી લાગવી જોઈએ. પાલીતાણામાં અમારૂ ચાતુર્માસ. અરવિંદસૂરિ દાદાની નિશ્રામાં, આચાર્ય રત્નસુંદરસૂરીજી પણ અમારી જોડે હતા ચોમાસું. એ વખતે હિંમતભાઈ બેડાવાલા પણ ચાતુર્માસની આરાધના માટે ત્યાં આવેલા. એમને ૭૮મી એવી કંઈ ઓળી ચાલતી હતી. ચાતુર્માસમાં અધવચ્ચે એમની ઓળી પૂરી થઇ. આપણે તો પારણાની રાહ જોતા હોઈએ હો… કયા દિવસે આવે છે. એમણે વિચાર્યું: મારૂ શરીર સાધનામાં બરોબર સાથ આપે છે ઇન્દ્રિયો બરોબર કામ કરી રહી છે. તો શા માટે હું પારણું કરું…. બીજી ઓળી લાગટ શરૂ કરી દઉં. જે દિવસે બીજી ઓળી શરૂ કરવાની હતી એ દિવસે પ્રભુ પાસે ગયા.પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ આ ૭૮મી ઓળી તારા ચરણોમાં સમર્પિત કરું છું. અને આજથી નવી ઓળી શરૂ કરવી છે. એ મંગલમય રૂપે પરિપૂર્ણ થાય. એવી કૃપા મારા ઉપર વરસાવજો. સદ્ગુરુઓના આશીર્વાદ લીધા. એ પછી એમણે શું કર્યું? પન્નારૂપા ધર્મશાળામાં આરાધના કરતા હતા. ત્યાં જેટલા સાધકો આરાધના કરતા હતા, એ બધાને પોતાને ત્યાં એકાસણું કરવા માટે આમંત્ર્યા. ચોમાસામાં બધા સાધકોને એકાસણા જ હોય. ,મોટો હોલ, એમાં બધા તપસ્વીઓને બેસાડી દીધા. પોતે પીરસે, ૭૮ દિવસના આયંબિલ. ૭૯ મો ઉપવાસ. આજે ૮૦ માં દિવસે આયંબિલ બાકી છે. પોતે પીરસી રહ્યા છે. સંઘપૂજન થઇ ગયું. પછી પોતે હાથ જોડીને ઉભા રહ્યા. અને એમણે કહ્યું: આજથી મારી નવી ઓળી શરૂ થાય છે. તમે બધા મને આશીર્વાદ આપો. બધા શ્રાવક – શ્રાવિકાની આંખમાં આંસુ, કે હિંમતભાઈ તમારી સાધનાની પ્રશંસા સુધર્મા પીઠ ઉપરથી આચાર્ય ભગવંતો કરે છે. અમે તમને શું આશીર્વાદ આપીએ?
હિંમતભાઈ બેડાવાળા એટલે રાજસ્થાનમાં બેડા ગામના વતની હતા. એ બેડા ગામથી ૩ કી.મી. દૂર દાદા પાર્શ્વનાથ તીર્થ છે. બેડા ગયેલા હિંમતભાઈ. તો સાંજે ૪ એક વાગે…. દાદા પાર્શ્વનાથ ગયા. ૩ કી.મી. ચાલતા ગયા. ત્યાં ગયા સ્નાન કર્યું. અષ્ટપ્રકારી પૂજા વિગેરે કર્યું પ્રભુની….. ૬ – ૬.૩૦ વાગે કાર્યોત્સર્ગ ધ્યાન વિગેરે શરૂ કર્યું. પૂજારી તો બહાર હતો. અંદર આવ્યો. આરતી ઉતારી એણે. થાંભલાની પછવાડે હિંમતભાઈ ઉભેલા. અને સહેજ દેરાસરમાં અંધારું પણ હતું. એટલે પૂજારીને કંઈ ખ્યાલ આવ્યો નહિ. એણે દેરાસર માંગલિક કર્યું. એ ઘરે ગયો. આ તો જંગલમાં આવેલું તીર્થ હતું. બીજી સવારે ગામનું દેરાસર હોય તો તો ૫ – ૫.૩૦ વાગે ખુલી જાય. પણ આ તો જંગલમાં આવેલું તીર્થ હતું. કોઈ આવેલું હોય તો પુજારીને લઇને જાય. નહીતર ૧૦ – ૧૧ – ૧૨ વાગે આવે. પ્રક્ષાલ પૂજા કરી લે. એ ૧૦ – ૧૦.૩૦ વાગે આવ્યો અને હિંમતભાઈ અંદર. પુજારી ગભરાઈ ગયો. બેડા ના મુખ્ય ટ્રસ્ટી હિંમતભાઈ! આ સાહેબ અંદર હતા. અને મેં દેરાસર માંગલિક કરેલું. આ સાહેબ જો ગુસ્સે થયા તો મારી નોકરી ભયમાં. એ પગમાં પડ્યો. સાહેબ મારી ભૂલ થઇ ગઈ. હિંમતભાઈ કહે કે તારી ભૂલ મારા માટે વરદાન થયું. આખી રાત કાઉસ્સગ ધ્યાનમાં રહ્યો. કેવી મજા આવી ગઈ. આખી રાત કાયોત્સર્ગ ધ્યાનમાં બોલો… આ હિંમતભાઈ, અને એ બધા શ્રાવક – શ્રાવિકા પાસે આશીર્વાદ માંગે છે. આ શું હતું… પોતાની સાધના એમને નાનકડી લાગે છે. એક અગ્રણી શ્રાવકે કહ્યું કે સાહેબ! તમે અમને આશીર્વાદ આપો, અમે તમને શું આશીર્વાદ આપીએ? અને એ વખતે હિંમતભાઈ એ એક શબ્દ વાપર્યો, કે તમે અનુષ્ઠાન પરમાત્મા છો.
પ્રભુએ મારા ઉપર જે કૃપા કરી ને એની પણ વાત મારે કરવાની જ છે. પ્રભુએ સૌથી પહેલા positive attitude આપ્યો. એકદમ હકારાત્મક અભિગમ. એટલે શ્રી સંઘના દરેક વ્યક્તિની અંદર મને ભગવાન દેખાય. પૂનામાં ૧૬ દિવસ રહીને આવ્યો… શું લોકોની ભક્તિ! મેં કહેલું કે સુધર્મા પીઠ ઉપર બેસું છું… એનો સીધો benefit મને એક જ છે. કે સેંકડો – હજારો આંખોમાં રહેલી શ્રદ્ધાનું દર્શન એકસાથે હું કરી શકું છું. આ મારી પાટ પર બેઠેલો હોઉં! ઉપાશ્રયમાં બે – ચાર ભાવુકો આવે. વળી બે – ચાર આવે… પણ સુધર્મા પીઠ ઉપર બેઠેલો હોઉં ત્યારે એકસાથે હજારો લોકોની આંખમાં રહેલી શ્રદ્ધાનું, ભક્તિનું, સમર્પણનું દર્શન થાય. એટલે નાનપણથી પ્રભુએ એવો positive attitude આપ્યો છે, કે સંઘના ચારેય અંગની વાત તો જવા દો. સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હોય, એનામાં રહેલો ગુણ પણ તરત જ દેખાઈ જાય.
એકવાર પાલીતાણા થી શંખેશ્વર આવતાં હતા. વચ્ચે લખતર આવ્યું. લખતરમાં દેરાવાસી ઉપાશ્રય, સ્થાનકવાસી ઉપાશ્રય. તો સૌહાર્દ હતું હવે લગભગ દરેક જગ્યાએ બહુ સારું હોય છે. આપણા ઉપાશ્રયમાં ઘણા બધા સંતો હતા. અમે સ્થાનકવાસી ઉપાશ્રયમાં ઉતર્યા. રોડ ઉપર ઉપાશ્રય. સામે ફૂટપાથ ઉપર એક મોચી ભાઈ. નાનકડી એની પેટી. દશેક વાગે આવ્યો. પેટી ખોલતા પહેલા ઉપાશ્રયમાં આવ્યો. એ બધા જ સંતો પાસે ગયો. આગ્રહ કરી – કરીને કહ્યું… આપ દૂરથી વિહાર કરીને આવો છો મોજાં ફાટી ગયા હશે રીપેર કરવાનો લાભ મને આપો. કોઈએ ના પાડી તો આગ્રહ કરીને પણ લઇ ગયો. સાંજે ૪ વાગે બધાને આપવા માટે આવે છે. કારણ કે એને ખ્યાલ કે લગભગ સાંજે વિહાર કરશે. તો એ જે ભાવથી સંતોને મોજાં આપી રહ્યો છે. એ જોઇને વંદન કરવા આવેલ એક ભક્ત ભીનો ભીનો થઇ ગયો. આટલી બધી ભક્તિ સામે એની પેટી જુએ. અને અહીંયા એનો ભાવ જોવે. એ ભક્તે સીધી ૨૦૦૦ ની નોટ કાઢી. અને મોચી ભાઈને કહ્યું કે લો – એને હાથ જોડ્યા. સંતોની સેવા એના બદલામાં કશું લઇ શકાય જ નહિ. તમારે મને કંઈ આપવું હોય, મારી પેટી સામે જ છે. આવજો, જૂત્તા તમારા પોલીસ કરી આપીશ. પછી તમારે જે આપવું હોય એ આપજો. પણ, સંતોની સેવાનો બદલો તો હોઈ શકે જ નહિ. આ positive attitude પ્રભુ આપણને આપે છે. તો શું થાય……કે આપણી સાધના આપણને નાનકડી લાગે. બીજાની સાધના મોટી લાગે. છેલ્લે એક સૂત્ર આપું જેને તમે આખી રાત કાલે સવારે આવો ત્યાં સુધી વાગોળી શકો. “બધા જ સારા જ છે, ખરાબ હોય તો માત્ર એક હું છું” આ વાત માત્ર બોલી શકે એ નહિ, વિચારી શકે એ નહિ, આ વાતને અનુભવી શકે એનો જ નિશ્ચયથી પ્રભુ શાસનમાં પ્રવેશ થયેલો કહેવાય. “બધા જ સારા જ છે, ખરાબ હોય તો માત્ર એક હું છું” આ શું છે? શીર્ષાસન અત્યાર સુધી બધાને ખરાબ કહ્યા, સારો હું…. બીજાને સારા કહ્યા તો પણ કેમ… આ હું ને પ્રોત્સાહિત કરે એ સારા. મને સારો કહે તે સારા. એ division તમે પાડી નાંખ્યું. મારા અહંકારને પંપાળે એ સારા. મારા અહંકારને ખોતરે એ ખરાબ. એની સામે સૂત્ર આ આવી ગયું. “બધા જ સારા જ છે, ખરાબ હોય તો માત્ર એક હું છું” તો આપણી વ્યવહાર સાધના શ્રેષ્ઠથી પણ શ્રેષ્ઠ છે. અને એમાંથી જ આપણે નિશ્ચય સાધનામાં જવાનું છે. વ્યવહાર સાધના એટલે પગથિયાં. અને નિશ્ચય સાધના એટલે ઉપરનું દેરાસર. પગથિયા ન હોય તો દેરાસરમાં કેમ જશો તમે? તમારા ઘરમાં lift ન હોય, તમે ૧૭માં માળે કેવી રીતે જશો. તો વ્યવહાર સાધના વિના નિશ્ચય સાધના સુધી જવાશે નહિ. તો આપણે એક વિષય શરૂ કર્યો છે. કે આપણી વ્યવહાર સાધનામાં આપણે શું ઉમેરવું છે…? તો ૩ વાત આપણે જોઈ રહ્યા છીએ. કે આપણી સાધના આપણને નાનકડી લાગે – ૧. આપણી સાધના પ્રભુ દ્વારા certified જોઈએ – ૨. અને આપણી સાધનાને કોઈ જોઈ ન જાય. કોઈ જોશે એ તમારી પ્રશંસા કરશે. અનુમોદના કરશે. તમને અહંકાર થશે તો… એટલે તમારી સાધના તમે એ રીતે કરો કે કોઈને ખબર પણ ન પડે. એટલે મોટી આયંબિલ ની ઓળીના સાધકો ઘરે આયંબિલ કરતા. એક કે બે દ્રવ્યમાં આયંબિલ કરવું હોય, એ પણ મીઠા વગરનું ખાવું હોય, આયંબિલશાળામાં જાય અને આ રીતે આયંબિલ કરે, શું વધ્યું છે દાળ, લાવો દાળ પી લઈએ થોડી. આયંબિલ પૂરું. કોક ઓળખતું હોય, આ હિંમતભાઈ બેડાવાલા. ઓહોહો આવી રીતે આયંબિલ કર્યું! પેલો તો અનુમોદના કરશે. પણ આ સાધકની એક સજ્જતા છે કે મને અહંકાર સ્પર્શી જશે તો… એટલે મારે મારી સાધનાને જેટલી બને એટલી ગુપ્ત રાખવી જોઈએ. તો આ ૩ તત્વોની વાત આપણે આવતી કાલે પણ ચાલુ રાખીશું. હવે થોડું practical ધ્યાન શરૂ કરીએ.
શરીર ટટ્ટાર… આંખો બંધ… આપણી સાધનાનું પહેલું ચરણ ભાવપ્રાણાયામ. એમાં જવા માટે પહેલા દ્રવ્ય પ્રાણાયામ. શ્વાસ ધીરે ધીરે લો… ઊંડો શ્વાસ… પૂરા ફેફસા ભરાઈ જાય… ધીરે ધીરે ધીરે… શ્વાસ છોડો. બે મિનિટ નજર માત્ર દ્રવ્ય પ્રાણાયામ ઉપર. અત્યાર સુધી આપણે અધૂરા શ્વાસે જ જીવ્યા છીએ. પૂરો શ્વાસ લો. ઊંડો શ્વાસ… પૂરો શ્વાસ બહાર કાઢો. પૂર્ણ શ્વાસની એક સાઈકલ, એક રીધમ. લયબદ્ધ રીતે શ્વાસ લેવાય. શ્વાસ છોડાય શરીર ટટ્ટાર… આંખો બંધ… કોઈ વિચાર નહિ જાગૃતિ. હવે એ દ્રવ્ય પ્રાણાયામ ને ભાવ પ્રાણાયામમાં ફેરવવો છે. આ તીર્થ પરિસરમાં ઘણા બધા આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતો પધારેલા, અત્યારે પણ સૌથી વધુ સાધુ – સાધ્વીજીઓ અહીંયા બિરાજમાન છે. એમને છોડેલા સમતાના સમભાવના આંદોલનો આજુબાજુમાં છે. તમે મનને એક suggestion આપો શ્વાસ લેવાય એની સાથે સમભાવના આંદોલનો અંદર જાય. શ્વાસ છોડો ત્યારે અંદર રહેલ ક્રોધના આંદોલનો વિસર્જિત થાય. ભાવ પ્રાણાયામ. ૨ – ૩ મિનિટ તમે આમાં જશો તમને એક નવી energy મળી. એવો અહેસાસ થશે. એક સમભાવના આંદોલનો તમારી ભીતર પ્રવેશી જશે. ન વિચાર…. ન નિદ્રા…. કેવળ જાગૃતિ…. જાગૃતિ વિના ધ્યાન છે જ નહિ. શ્વાસ લેવાય છે સમભાવના આંદોલનો ભીતર જાય છે. શ્વાસ બહાર છોડાય છે ક્રોધના આંદોલનો વિસર્જિત થાય છે.
બીજું ચરણ ભાષ્ય જાપ – “તિત્થયરા મે પસીયંતુ”
ભાષ્ય જાપ – લોગસ્સ સૂત્રમાં આવતું એક પદ ગણધર ભગવંતો એ રચેલું “તિત્થયરા મે પસીયંતુ” એનો અર્થ છે તીર્થંકર ભગવંતોનો પ્રસાદ, એમની કૃપા મારા ઉપર ઉતરો. પ્રભુની કૃપા સતત ચાલુ છે. એવી એક ક્ષણ નથી કે પ્રભુની કૃપા ન વરસતી હોય. પરંતુ જે મનના પાત્રમાં આપણે કૃપાને ઝીલવાની છે. એ મનનું પાત્ર અસ્થિર છે. એટલે ત્રીજા ચરણમાં આપણે મનને સ્થિર કરવું છે. અને ચોથા ચરણમાં પ્રભુના પ્રસાદને પ્રાપ્ત કરવું છે.
ત્રીજું ચરણ – માનસ જાપ. “તિત્થયરા મે પસીયંતુ” એ પદનો માનસ જાપ. મનની અંદર આ પદનો જાપ કરો. એકદમ એકાગ્રતા. કોઈ વિચાર નહિ. Total concentration સંપૂર્ણ એકાગ્રતા. તમારા માટે અત્યારે કોઈ ઘટના સામે નથી. એક જ ઘટના છે “તિત્થયરા મે પસીયંતુ”. એ ઘટનામાં તમારે પ્રવેશ કરવાનો છે. શરીર ટટ્ટાર… આંખો બંધ… વિચારો પણ બંધ…. ઊંઘ પણ નહિ….. કેવલ જાગૃતિ. એકદમ હોંશ… એકદમ હોંશ… આ ત્રીજું ચરણ બરોબર થશે તો જ ચોથું ચરણ પકડાશે. એક પદમાં મનને ડૂબાડી દેવાનું છે. અત્યાર સુધી બધી ક્રિયાઓ કરતા રહ્યા મન ક્યાંનું ક્યાં ફરતું રહ્યું. એક પણ ક્રિયામાં મન ડૂબતું નથી. આ સાધના આપણી તમામ સાધનાઓને સપ્રાણ બનાવશે. પ્રતિક્રમણ પણ બરોબર થશે. ચૈત્યવંદન પણ બરોબર થશે. ભક્તિ પણ બરોબર થશે. જે વખતે જે ક્રિયા કરો મન એમાં ડૂબેલું હોવું જોઈએ. તો અત્યારે મનને સંપૂર્ણતયા “તિત્થયરા મે પસીયંતુ” પદમાં ડુબાડી દો. એક મિનિટ એકદમ સઘન અભ્યાસ. વિચાર આવી જાય, તરત જ બે ઊંડા શ્વાસ લઇ ઝડપથી છોડી શ્વાસને વિચારને delete કરી દો. જે મન તમારા ઉપર નિયંત્રણ કરીને બેઠેલું હતું. એ મન તમારા નિયંત્રણ માં આવે એવી આ પ્રક્રિયા છે.
ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. આપણે ધ્યાન શબ્દ નથી વાપરતા, ધ્યાનાભ્યાસ શબ્દ વાપરીએ છીએ. ધ્યાન આગળની વસ્તુ છે પણ એ ધ્યાનમાં જવા માટે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચોથા ચરણમાં પદને છોડી દો. હવે કોઈ પદ નથી. જાપ કરવાનો નથી. તો શું કરવું છે? તમારે તમારી ભીતર જવું છે. અત્યાર સુધી મન માત્ર બહાર જ ફરતું હતું. એ મનને, એ ઉપયોગને ભીતર લઇ જવો છે. તમારી ભીતર આનંદ જ આનંદ છે. તમે આનંદઘન છો બધા. તો જો તમે મનને એકદમ સ્થિર કરી શક્યા હશો તો તમારી અંદર રહેલ આનંદનો અનુભવ તમે કરી શકશો. તમે શાંત છો. પ્રશાંત છો. ઘોંઘાટ તો માત્ર મનના સ્તર પર છે. વિચારોને કારણે… તમારું સ્વરૂપ એકદમ શાંતિથી સભર છે. તમે શાંત છો. પ્રશાંત છો. એ તમારી શાંતિનો અનુભવ કરો. કંઈક સરસ લાગે. મન સ્થિર થયેલું હોય, એના કારણે ભીતરનો આનંદ પકડાય. પણ એ ક્યારે થશે? મન એકદમ સ્થિર બનેલું હશે ત્યારે…. એક પણ વિચાર નહિ… બિલકુલ જાગૃતિ… થોડી વાર ડૂબો. તમારી ભીતર… ત્રીજા ચરણમાં પદમાં ડૂબ્યા હતા. ચોથા ચરણમાં તમે તમારામાં ડૂબો છો. આ ચાર ચરણોનો અભ્યાસ દિવસમાં ૫ – ૭ વાર અથવા એથી પણ વધુ વાર તમારે કરવાનો છે. જેમ કરશો તેમ મન સ્થિર થતું જશે. માત્ર એક મિનિટ… તમે શાંત છો. પ્રશાંત છો. તમે આનંદઘન છો. તમારી ભીતર રહેલ આનંદનો અનુભવ કરો. આંખો ખોલી શકો છો. “તિત્થયરા મે પસીયંતુ”.