વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject : લક્ષ્યાનુસંધાન
- વ્યવહાર સાધનાને નિશ્ચય સાધનામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી તત્ત્વો:
૧. પ્રભુ કૃપાનો સ્વીકાર.
૨. સાધના પ્રભુ દ્વારા certified હોવી.
- સાધના શક્ય તેટલી ગુપ્ત રાખવી.
- પ્રભુ દ્વારા certified સાધના કઈ? જે સાધના લક્ષ્ય (રાગ, દ્વેષ, અહંકારનું શિથિલકરણ; સ્વગુણ, સ્વરૂપનો અનુભવ) સુધી પહોંચાડે, તે.
- આપણી સાધના પ્રભુ દ્વારા certified બને, તે માટે આ લક્ષ્ય સાથે આપણું સતત અનુસંધાન રહે, તેની જાગૃતિ રાખવી પડશે.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૪ – તલેગાંવ વાચના – ૧૦ (સવારે)
પરમાત્માએ આપેલી દિવ્ય સાધનાનો સ્વાધ્યાય અને એની અનુભૂતિ કરવા માટેની આપણી યાત્રા હતી. એ યાત્રાનો આજે છેલ્લો પડાવ. આપણી વ્યવહાર સાધના નિશ્ચય સાધનામાં રૂપાંતરિત થાય જ. કારણ કે એ પ્રભુએ આપેલી છે. એમાં માત્ર 3 તત્વો ઉમેરવાના છે.
પહેલું તત્વ પ્રભુ કૃપાનો સ્વીકાર, બીજું તત્વ છે વ્યવહાર સાધનાનું નિશ્ચય સાધના સાથેનું જોડાણ થાય એ માટેની સતત જાગૃતિ. ચાલનારા બે જાતનાં હોય. એક morning walkers જ હોય એક લક્ષ્ય લઈને ચાલનારા હોય.
ડૉક્ટરે કહ્યું: હાઇપર ટેન્શન છે, ડાયાબીટીસ છે પાંચેક કિલોમીટર રોજ ચાલો. એ morning walker. રોજ 5 કિલોમીટર ચાલશે પણ એની પાસે કોઈ લક્ષ્ય નથી. ઘરેથી અઢી કિલોમીટર જવાનું અને અઢી કિલોમીટર back to home પાછુ આવવાનું. પછી રોડ ની surface જે બાજુ સારી એ બાજુ ચાલ્યા જાઓ. એની પાસે કોઈ લક્ષ્ય નથી. પણ એક યાત્રી લક્ષ્ય લઈને નીકળે કે મારે શંખેશ્વર જવું છે, પાલીતાણા જવું છે કે પાર્શ્વ પ્રજ્ઞાલય આવવું. તો એની નજર સતત પોતાના લક્ષ્ય સામે હશે. અમે પણ ક્યારેક માર્ગ ભૂલી જતા હોઈએ છીએ. સાઈન બોર્ડ ના હોય ખોટા રસ્તે ચાલ્યા જઈએ. પણ સહેજ શંકા પડી, કોઈને પૂછ્યું અમારે જવું છે અહિયાં. તો કહે મહારાજ! તમે તો ખોટા માર્ગે આવી ગયા. પાછા જાઓ અને પેલો ડાબો રસ્તો હતો ત્યાં જાઓ. તો લક્ષ્ય લઈને ચાલનારો ક્યારેક ભૂલો પણ પડી શકે, પણ એની સામે લક્ષ્યાંક નક્કી છે એટલે એ સતત જોવાનો કે મારી યાત્રા લક્ષ્ય તરફ ચાલી રહી છે કે નહિ?
આપણી સાધના યાત્રામાં શું થાય છે? આપણે ત્યાં ૮૦ થી ૮૫% સાધકો morning walk કરે છે. કોઈને પણ પૂછો કે શું કરો છો? તો કહે બે સામાયિક રોજ કરું છુ, બે પ્રતિક્રમણ કરું છું, તિથી એ આયંબિલ-એકાસણું કરું છુ. અરે એ તો માર્ગ થયો. લક્ષ્ય શું છે? શાસ્ત્રોએ બે લક્ષ્ય આપ્યા. Positively જોઈએ તો સ્વાનુભૂતિ એ લક્ષ્ય છે. હું મારા ગુણોનો, મારા સ્વરૂપનો અનુભવ કરું છું. Negatively જોઈએ તો રાગ-દ્વેષ-અહંકાર ઓછા થતા જવા જોઈએ. એટલે શાસ્ત્રોએ કહ્યું કે “તહ તહ પવટ્ટિઅવ્વં રાગદોષા: વિલિજ્જંતિ” સાધનાનો ultimate goal એ છે કે રાગ-દ્વેષ-અહંકાર ને સંપૂર્ણતયા ખતમ કરવાનો.
અત્યારનો સાધનાનો હેતુ એ છે કે રાગ-દ્વેષ-અહંકાર શિથિલ બને. તો હવે તમારે જોવું જોઈએ કે વીતરાગ પ્રભુની પૂજા કરી અને રાગ મારો કેટલો ઓછો થયો? જે પદાર્થો ઉપર, જે વ્યક્તિઓ ઉપર અને જે આ શરીર ઉપર રાગ પહેલા હતો એમાં ઘટાડો કેટલો થયો? સામાયિક કર્યું, દ્વેષ કેટલો ઓછો થયો? પહેલાં સહેજ નિમિત્ત મળતું ગુસ્સો આવી જતો. હવે એવા નિમિત્તે ગુસ્સો નથી આવતો જોયું? સાધના પ્રભુએ કહેલી કરી અહંકાર કેટલો ઓછો થયો? અહંકાર તો આવવાની કોઈ શક્યતા જ નથી. ગઈકાલે મેં કહેલું પ્રભુ લોકના નાથ છે. પ્રભુ આપણને ગુણ આપે. પ્રભુ આપણને સાધના આપે.
ધારો કે, તમારી પાસે ક્ષમા ગુણ છે, આપેલો કોણે? પ્રભુએ. હવે એવું નિમિત્ત આવ્યું કે સામાન્ય માણસ હચમચી જ ઉઠે છે. તમે સહેજ પણ હચમચી ન ઉઠ્યા. તમારો ક્ષમાભાવ બિલકુલ અતૂટ રહ્યો. કોઈએ તમારી પ્રશંસા કરી, તો એ વખતે પ્રશંસા ને તમે લેશો કે પ્રભુને આપવા જશો? પ્રભુને આપી દો. કે પ્રભુ તે આપેલો ગુણ એની પ્રશંસા લઇ લે.
એક બહેન હતી. એને ક્યાંક receptionમાં જવાનું હતું તો પોતાની પડોસણ જોડે એના સંબધો સારા હતા. પડોસણે નવો જ ડીઝાઈનર દાગીનાનો સેટ બનાવેલો. તો આ બહેને કહ્યું કે હું જાઉં છું. બે દીવસ માટે તમારો ડિઝાઈનર સેટ મને આપો. બહેનપણી એ આપ્યો. પેલી બહેન ગઈ. Receptionમાં એ ડીઝાઈનર સેટ પહેરીને બેઠેલી. બધી બહેનોની નજર એના તરફ જાય છે. ઘણી બહેનોએ એ ડીઝાઈનર સેટ ની પ્રશંસા કરી પણ આ બહેનને જરાય અહંકાર નથી આવતો. કેમ? મારો ડીઝાઈનર સેટ ક્યાં છે? એ તો મારી બહેનપણીનો છે. એટલે પ્રસંગ પછી સેટ પાછો આપવા માટે બહેનપણી પાસે જાય એટલે શું કહે? કે તમારો આ સેટ ઘણા બધા એ વખાણ્યો. એ જ રીતે તમે પ્રભુને ન કહી શકો? એક કલાકમાં ૫૦ ગાથા કરી. અહંકાર આવ્યો… મેં ૫૦ ગાથા કરી. પણ જો ખ્યાલ આવે કે પ્રભુ કૃપાથી થાય છે.
કોઈપણ ગુણ પ્રભુ આપે કે કોઈપણ સાધના પ્રભુ આપે. પ્રભુએ ૫૦ ગાથા કરાવરાવી છે તો પ્રભુનો ફોટો બાજુમાં જ છે ત્યાં જાઓ. આંખમાં આંસુ, પ્રભુ તે ૫૦ ગાથા કરાવરાવી તારા ચરણોમાં અર્પિત કરું છુ. આપણે રોજ સવારે શક્રસ્તવ બોલ્યા પછી “ૐ હ્રીં શ્રીં અર્હમ્ નમઃ” નો જાપ કરીએ છીએ. જાપ કર્યા પછી જે શ્લોકો બોલીએ એમાં એક શ્લોકમાં આપણે કહીએ છીએ “ગૃહાણાસ્મત્કૃતં જપમ્” પ્રભુ મેં હમણાં જાપ કર્યો એ જાપનું કર્તૃત્વ તું લઇ લે. જાપની નિર્જરા આપણી પાસે રહે વાંધો નથી. જાપનું પુણ્ય આપણી પાસે રહે વાંધો નહિ. પણ જાપનું કર્તૃત્વ આપણી પાસે રહેવું ન જોઈએ. મેં જાપ કર્યો એમ નહિ. પ્રભુએ જાપ કરાવરાવ્યો.
તો કોઈ પણ સાધના તમે કરો કે કોઈ પણ ગુણ તમારી પાસે હોય તમને અહંકાર ક્યાંથી આવવાનો? ગુણ મારો છે જ નહિ? ધર્મધુરંધરસૂરિ મહારાજ સાહેબ બહુ જ જ્ઞાની આચાર્ય હમણા જ થયા. સાહેબજી પાલીતાણામાં. કેસરીયાજી ધર્મશાળામાં. સાહેબ બહુ વિદ્વાન હતા. એ વખતે હું બહુ નાનો. દ્વાત્રિંશત્ દ્વાત્રિશિંકાને એ બધું હું વાંચતો હતો. એ વખતે પ્રતો પણ શુદ્ધ નહિ, અનુવાદવાળું પુસ્તક તો કોઈ હતું જ નહિ. તો ધર્મધુરંધરસૂરિ મહારાજ સાહેબનો દાર્શનિક અભ્યાસ બહુ સારો. જ્યાં પણ મને શંકા પડે 5-7 પ્રશ્નો ભેગા કરી સાહેબ પાસે જાઉં ને સાહેબ બહુ પ્રેમથી મને સમજાવે. પછી રોજ જવાને કારણે સાહેબ સાથે ગહેરો સંબંધ થઈ ગયો. પાલીતાણામાં કેસરીયાજીના આરાધના ભવનની બહાર નાનકડી રૂમ. એ રૂમમાં સાહેબજી બિરાજમાન. પાટ ઉપર સાહેબ બેસતાં. અને પાટ પર સ્થાપનાજી સતત બિરાજમાન રહેતા. આમ અમારે ત્યાં નિયમ છે વાચના વિગેરે આપીએ ત્યારે તો સ્થાપનાજી ભગવાન સામે જ જોઈએ. પણ સવારથી સાંજ સુધી જયારે સાહેબ પાસે જઈએ ત્યારે સ્થાપનાજી ભગવાન સામે હોય. મેં એકવાર પૂછ્યું કે સાહેબ! આ સ્થાપનાજી ભગવાન સામે કેમ રાખો છો. મને એમણે જે વાત કરી, આપણને લાગે કે કેવા-કેવા સંતો આપણી પરંપરામાં થયા. એમણે મને કહ્યું: યશોવિજય! લોકો સતત અહિયાં આવતાં હોય છે બહારથી વંદન કરે. રૂમ તો નાની હતી. એ આચાર્યજી સાહેબના શબ્દો કટ કરું કે યશોવિજય આપણું ચારિત્ર્ય કેવું આપણે જાણીએ છીએ. સ્થાપનાજી ભગવાન એટલાં માટે હું સામે રાખું છુ કે કોઈને પણ વંદન કરવાની ના તો પાડી શકાય નહિ. મને એવું લાગે કે હું પ્રભુની આજ્ઞા પથ ઉપર બરોબર ચાલતો નથી તો મને વંદન લેવાનો અધિકાર શી રીતે હોય? એટલે વંદનની જે પરંપરા છે એનો નિષેધ તો હું નથી કરી શકતો, પણ હું સ્થાપનાજી ભગવાન મારી સામે રાખું છું અને હું એમ માનું છું કે લોકો સ્થાપનાજી ભગવાનને વંદન કરે છે. કેવી વિનમ્રતા….
મારી પાસે કંઈ છે નહિ અને છે તો એ પ્રભુએ અને મારા સદ્ગુરુએ આપેલું છે.એ એકેય ગુણ ઉપર, એકેય સાધના ઉપર મારી માલિકીયત નથી તો હું શી રીતે વંદન લઉં? એટલે હવે તમારો બધો અહંકાર પાર્શ્વપ્રજ્ઞાલયમાં મુકીને જવાના. સાહેબ પાસે dustbin મોટી છે કેમ? બધો કચરો લઇ લેશે. તો ખરાબ દોષો વિગેરે તમારી પાસે આવ્યા.. એનો તો અહંકાર તમે કરવાના નથી. કે એનોય કરો? જબરી માયા છો તમે. એ ક્રોધનોએ અહંકાર કરે પાછો હો… એવા મુરતિયાએ જોયા છે. સાહેબ! એ તો થોડો ક્રોધ તો રાખવો પડે નહિતર આ નોકરો ને બીજા બધા ચડી બેસે માથા ઉપર. એટલે એના ક્રોધને પણ એ વ્યાજબી ઠરાવે. પણ સામાન્યતયા આપણે એમ માનીએ કે દોષોનો અહંકાર તમને નહિ આવે ગુણોનો જ આવે છે. આજે ગુણોનો અહંકાર ગયો બરોબર?
તો કારણ એના ઉપર મારી માલિકીયત જ નથી. મારા છે જ નહિ તો અહંકાર શી રીતે કરવો? ત્યાં સુધી કહ્યું લલિતવિસ્તરા સૂત્રની પંજિકામાં: એક પણ સારો વિચાર, એક પણ સારો ભાવ તમને આવ્યો એ પ્રભુએ તમને આપ્યો છે. એક સારા વિચારની કે એક સારા ભાવની પણ માલિકીયત કરી નહિ બેસતા. પ્રભુએ શાસન સ્થાપ્યું, પ્રભુએ પ્રવચન આપ્યું, પ્રભુએ ત્રિપદી આપી. એમાંથી ગણધર ભગવંતોએ દ્વાદ્શાંગી રચી. અને દુનિયાની અંદર જે પણ સારા વિચારો વહી રહ્યા છે એનું મૂળ દ્વાદશાંગી છે.
એક બહુ મજાની વાત મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે ધર્મપરીક્ષા ગ્રંથમાં કહી છે. એમનો એક ગ્રંથ છે અમૃતવેલની સજ્ઝાય. પંચસૂત્ર પહેલા સ્તોત્રનો એ અનુવાદ છે. પણ અનુવાદ પણ મહોપાધ્યાય યશોવિજયજીએ કર્યું ને એટલે એ સ્વતંત્ર કૃતિ બની ગઈ. તો એમાં એમણે લખ્યું “અન્યમાં પણ જે દયાદીક ગુણો તાસ અનુમોદવા લાગ રે” મિથ્યાદ્રષ્ટિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એમાં પણ તમને દયા વિગેરે જે પણ સારા ગુણો લાગે એની અનુમોદના તમે કરજો તો ધર્મપરીક્ષા ગ્રંથમાં એના ઉપર ચર્ચા થઈ. કોકે પૂછ્યું કે મિથ્યાદ્રષ્ટિ એટલે ઝેરનું કુંડુ. એમાં ગુણો આવે તો પણ ઝેર જેવુ જ થઈ જાય તો એની અનુમોદના શી રીતે કરી શકાય? એ વખતે મહોપાધ્યાયજીએ હાથમાં લાકડી લીધી છે. અને કહ્યું કે જે પણ સારા વિચારો દુનિયામાં કોઈની પણ પાસે છે એની ટીકા તમે જયારે કરો છો ત્યારે તમે દ્વાદશાંગીની નિંદા કરો છો. એક પણ વ્યક્તિમાં સારો ગુણ ક્યાંથી આવ્યો? દ્વાદશાંગીમાંથી આવ્યો. બીજા શાસ્ત્રો એમાંથી ઉત્પન્ન થયા. કોઈ પણ શાસ્ત્રો વાંચીને કે કોઈ પણ ગુરુ પાસેથી પ્રવચન સાંભળીને એણે ગુણને પ્રાપ્ત કર્યો પણ એનું મૂળ દ્વાદશાંગી છે. એટલે બીજામાં રહેલ કોઈ પણ ગુણની તમે અનુમોદના ન કરો અને નિંદા કરો તો તમે દ્વાદશાંગીની નિંદા કરો છો.
એટલે એકપણ સારો વિચાર, એક પણ સારો ભાવ તમને આવે તો એ પ્રભુએ આપેલો છે. બીજી એક બહુ સરસ મજાની વાત કરું. અહિયાં શું કહ્યું? બીજામાં રહેલાં ગુણની અનુમોદના કરવી.
તમારાં શ્રાવકોના અતિચારમાં અન્ય દ્રષ્ટિ સંસ્તવ: એ અતિચાર છે. એટલે કે બીજા જે દર્શન વાળા હોય એમનામાં જે ગુણો છે એમની અનુમોદના તમે કરી શકો પણ જાહેરમાં એમની પ્રશંસા તમારે ન કરવી જોઇએ. પણ એનું કારણ શું? કારણ મજાનું આપ્યું, અત્યારે કોઈ હિંદુ સંત છે. અને મને તો positive attitude પ્રભુએ આપેલો જ છે. મને એમનામાં ગુણો દેખાય. પણ હું જો જાહેરમાં એ સંતના નામ સાથે એમના ગુણોની વાત કરું તો હજારો લોકો મને સાંભળતા હોય. એ લોકો એ સંત પાસે જાય તો બની શકે કે હિંદુ પરંપરામાં હોવાના કારણે આચરણ એમનું બીજી જાતનું હોય.
ઘાસની લોન પર બેઠેલા હોય, પંખા વિગેરે ફરી રહ્યા હોય, બીજી પણ ઘણી બાબતો ચાલુ હોય તો એ જોઇને પેલા શ્રદ્ધાળુઓને ઠેસ લાગે. કે આવા સંતની પ્રશંસા અમારા ગુરુએ કરી? પણ એમાં અપવાદ એ છે કે જે સંત વિદેહ થયા, અત્યારે હાજર નથી એમના ગુણોની પ્રશંસા કરી શકાય.
રામકૃષ્ણ પરમહંસની ઉદાસીનદશાની વાત હું વારંવાર મારા પ્રવચનમાં કરું છુ. એમની ઉદાસીનદશા જે છે એ જયારે મેં જોઈ ફોટોગ્રાફસ વગેરેમાં ત્યારે મેં પ્રભુ પાસે માંગેલું કે પ્રભુ મને પણ આવી ઉદાસીનતા આપો. એવી ઉદાસીનતા એમની પાસે હતી, કે એમના આશ્રમના, હોલમાં પાટ ઉપર બેઠેલા હોય. સેંકડો લોકો દર્શન માટે આવેલા હોય. પોતે પોતાનામાં છે. આંખો ઝૂકેલી હોય. સેંકડો લોકો પોતાના દર્શન માટે આવેલા છે એની જોડે એમને કોઈ સંબંધ નથી. કોઈ નજીક આવે, પ્રશ્ન પૂછે, જવાબ આપી દે ફરી પાછા પોતે પોતાનામાં જતા રહે. તો આ રીતે ગુણો જ્યાં-જ્યાં દેખાય ત્યાં જોજો. અનુમોદના કરજો. દોષો નહિ જોતાં. બીજાના દોષોને અનંતા જન્મોથી જોયા છે. હવે સાધનાની શરૂઆત ક્યાંથી કરવાની? ગુણાનુરાગથી. હરિભદ્રસૂરિ મહારાજ સાહેબ એકદમ મનોવૈજ્ઞાનિક આયામના ગુરુ છે. એ પંચસૂત્રમાં અથવા યોગદ્રષ્ટિસમુચ્ચયમાં સાધનાનો પ્રારંભ ગુણાનુરાગથી કરાવે છે. યોગદ્રષ્ટિ સમુચ્ચ્યમાં પહેલી જ મિત્રા દ્રષ્ટિ આપે છે અને ગુણાનુરાગથી એ સાધનાનો પ્રારંભ કરાવે છે.
હવે એક સવાલ તમને પૂછું? દોષો જોવાની આદત પડેલી છે. બની શકે કોઈ જ્ઞાની પુરુષ છે, કોઈ શ્રેષ્ઠ સાધક છે. તમે એને આદર્શ રૂપ માનતા પણ હોવ અને બની શકે કે એની સાધના બહુ ઉંચી હોવા છતાં કર્માધીન તો એ પણ છે એને નિમિત્ત મળતા એ ગુસ્સે થઈ જાય છે. જરૂર એ જ્ઞાની છે. અને જ્ઞાની હોવાથી ક્રોધ થઈ ગયો અને એજ ક્ષણે ક્રોધ વિલીન પણ થઈ જાય છે. એનો પશ્ચાતાપ પણ કરે છે પ્રાયશ્ચિત પણ કરી લે છે. તમે એ જ્ઞાની પુરુષના એ સાધકના ક્રોધને જોશો. તમે જોઇને શું કરવાના? લો આટલા મોટા જ્ઞાની પુરુષ. આખા આપણા જૈન સમાજમાં એમની નામના કે શ્રેષ્ઠ સાધક છે. એમને આટલો ગુસ્સો આવે છે, તો આપણને આવે એમાં શું વાંધો? આ જોયું તમે. તમે જોઇને જોયું શું? તમે એમની સાધના જોવાના નથી, પણ એનો ક્રોધ જોઇને તમારાં ક્રોધનો તમે બચાવ કરવાના છો. અનંતા જન્મો સુધી દોષો જોયા છે. ચાલો, તમને પણ છૂટ આપું. ચલો, દોષ જોવાની છૂટ આપું. તમને એમ થશે કે આ મહારાજ સાહેબ કેવા આવ્યા? આ ગુરુ કેવા? દોષો જોવાની છૂટ આપે? હું કહું છું હા. તમારાં દોષો તમારે જોવાના છે. બીજાના નહિ જોવાના. આમ દોષ જોવાની પ્રેક્ટીસ કેવી છે સાચું કહેજો.
પાણીમાંથી પોરા કાઢવાના, દૂધમાંથી પોરા કાઢવાના કેમ? એટલાં નિષ્ણાંત છો ને? ૯૯ ગુણ હોય એ દેખાય નહિ ૧ દોષ હોય એ દેખાય. આટલા નિષ્ણાંત તમે છો ને! હવે એ નિષ્ણાંતતાનો ઉપયોગ કરો. તમારી અંદર ઘણા બધા દોષો છે. દોષોનો ભંડાર તમે છો. દોષોને જુઓ. આજથી શરુ… બીજાના ગુણ જોવાના તમારા દોષ જોવાના. એક હું આભાસી હું. વાસ્તવિક હું ને તો તમે પકડ્યું જ નથી. વાસ્તવિક હું તો આનંદઘન ચૈતન્ય છે એને તો તમે પકડતા નથી. આ શરીર માત-પિતાએ આપેલું છે. નામ સોસાયટીએ આપેલું અને એના ઉપર તમે તમારાં હું નું સ્ટીકર ચોડી દીધું. હું અને એ હું ને લઈને અનંતા જીવનો તમે ચાલ્યા છો. તમારી બધી જ સાધનાને નષ્ટપ્રાય: કરનાર કોઈ પણ તત્વ હોય તો એ અહંકાર છે. રાગ અને દ્વેષ છે પણ એટલાં ગુનેગાર નથી. અહંકાર સૌથી મોટો ગુનેગાર. હું. અને એટલે જ તમે લોકોએ મનુષ્યમાં પણ ડિવિઝન પાડી નાખ્યા. માણસો બે જાતનાં સારા અને ખરાબ. સારા કયા? આખી દુનિયામાં શ્રેષ્ઠ તમે જ છો. બીજું કોણ છે? અને બીજા સારા કયા? તમને સારા માને તે. તમારાં અહંકારને થાબડે એ સારા. તમારાં અહંકારને ચીરે એ ખરાબ.
તમે કેટલાંય ગુણવાન મહાપુરુષોની આશાતના કેટલા જન્મોમાં કરી? તમને ખ્યાલમાં છે? ગમે તેવા મહાપુરુષ હોય તમે ગયા અને તમારી સામું જોયું નહિ. બસ તમારો અહંકાર ઉછળે. અરે, ભાઈ એ વખતે તો અહોભાવ ઉછળે કે કેવા સદ્ગુરુ મને મળ્યા છે? કેવા સ્વમાં ખોવાઈ ગયા છે? કે હું આવ્યો કે બીજા કોઈ આવે એમને ખ્યાલ જ નથી. પોતે પોતાનામાં ડૂબેલા છે. પણ તમને બીજું કાંઈ દેખાય એમ નથી. તમારો હું એવો પહાડ થઈને ઉભો છે કે એની પાછળ તમને કાંઈ દેખાય એમ જ નથી. આપણા ધીરાભગતે એક બહુ મજાની વાત લખી. એમને પણ સત્યની અનુભૂતિ થઈ. એ અનુભૂતિ થયા પછી એમણે કહ્યું “તરણા ઓથે ડુંગર, ડુંગર કોઈ દેખે નહિ” ભાઈ, વૃક્ષોના ઝુરમુટની પાછળ ડુંગર હોય તો ન પણ દેખાય. અથવા બહુજ ઊંચા બિલ્ડીંગો છે, સ્કાય સ્ક્રેપર્સ તો એની પાછળ નાનકડો પહાડ હોય તો તમને ન દેખાય. પણ ધિરા ભગતે શું કહ્યું? તરણા ઓથે ડુંગર એક તણખલાની પાછળ ડુંગર છૂપાઈ ગયો છે, ડુંગર કોઈ દેખે જ નહિ. વાસ્તવિક હું નો પર્વત, આભાસી હું ના તણખલાથી આવરાઈ ગયો છે.
એક તમારો આ હું એટલો મોટો થઈ ગયો છે કે વાસ્તવિક હું નો પહાડ તમને દેખાતો નથી. “તરણા ઓથે ડુંગર, ડુંગર કોઈ દેખે નહિ”. તો તમને કયો right કે તમે દુનિયાના માણસોનું વિભાજન કરી નાંખો, સારા અને નરસામાં? આ સારા અને આ ખરાબ. અને એમાં પાછુ છે ને આફ્રિકા વાળો માણસ તમે એને ઓળખતા’ય નથી તો એની જોડે સારા-ખરાબનો કોઈ નિસ્બત નથી. અને કોઈ ચેન્નઈમાં કે બેગ્લુરૂમાં જ રહે છે. તમે એને ઓળખતા નથી તો તમારે એની જોડે સારા-ખરાબનો કોઈ સંબંધ નથી. પણ તમે જેને ઓળખો છો, એને તો આ કે આ બેમાંથી એક છાવણીમાં તમે નાખીજ દેવાના છો. પછી એની વાત નીકળે. શું એની વાત કરો છો? અહંકારનું પૂતળું છે. એ અહંકારનું પૂતળું છે તો તું કોણ છે? એ કહે ને પહેલા.
તમે આમ નિષ્ણાંત માણસ હો, બીજાનો દોષ ફટ કરતો પકડાઈ જાય. થોડો અહંકાર હોય ને ભાઈ ટીપ માટે જવાનું છે શરૂઆત એનાથી કરો. એના ત્યાં શું જાય? અહંકારનું પૂતળું છે. તકલીફ ક્યાં થઈ? કે બીજાનો અહંકાર દેખાય, બીજાનો ગુસ્સો દેખાય, પણ અહિયાં કંઈ દેખાય નહિ. આ આંખની જે તકલીફ છે ને એ જ તમારી વિઝનની તકલીફ છે. આંખની તકલીફ કેવી? આંખ બીજા બધાને જુએ. કોઈના શર્ટ ઉપર ડાઘ હોય તો જુએ, અને કોઈના ચહેરા ઉપર ડાઘ હોય ત્યારે પણ એને ખબર પડે પણ તમારાં ચહેરા ઉપર ડાઘ છે તમને ખબર ન હોય. એ જ તકલીફ તમારાં વિઝનની છે, કે બીજાનો દોષ તમને દેખાશે તમારો દોષ નહિ દેખાય. એક મજાની વાત કરું. તમારી આંખ તમારાં ચહેરા પરના ડાઘને નથી જોઈ શકતું તો માણસે શું કર્યું? દર્પણ નું આવિષ્કાર કર્યો. તમારે receptionમાં જવાનું છે. તૈયાર થયા, દર્પણમાં મોઢું જોયું. રેઝરથી વાળ કાપતા સહેજ દાઢીના વાળ રહી ગયા છે દર્પણે બતાવ્યા, સહેજ કાનમાં સાબુ રહી ગયો દર્પણે બતાવ્યું. એટલે દર્પણને પટકો, બરોબરને? સાલા, હરામખોર મારા દોષને કેમ બતાવ્યો? કહો કાંઈ? ત્યાં દર્પણ કેવું સારું લાગે? સારું થયું દર્પણમાં જોયું નહીતર આમને આમ ગયો હોત તો ગગા જેવો લાગત. બહેનોને તો ભગવાન સામે જાય એના કરતા વધુ સમય દર્પણ સામે જાય. તો દર્પણ ગમે તમને. દર્પણ જેવા માણસો ગમે? કોઈ તમને કહે: તમે સામાયિક સરસ કરો છો, પ્રતિક્રમણ સરસ કરો છો પણ આ ગુસ્સો તમને વારંવાર આવે છે એ બરોબર નથી: ત્યારે તમે શું કહો? જોયું જોયું હવે તું તારું સંભાળ ને.
એક ભાઈ દેરાસરમાં ગયેલા અને પેલું સ્તવન ગાતા હતા “શાંતિ જીણંદ સોભાગી” એમાં પોતાના દોષોની જ વાત આવે. “હું તો ક્રોધ કષાય નો ભરિયો, તું તો ઉપશમ રસનો દરિયો”. અને એ ભાઈ ખરેખર ક્રોધી હતા. વાતવાતમાં ગુસ્સો આવે. અને એનો પાડોશી. જે એની પળપળ નો સાક્ષી. એ બાજુમાં બેઠેલો. પેલા ભાઈને કોણ જાણે ભાવ આવી ગયો હું તો ક્રોધ કષાય નો ભરિયો… આમ કડી રિપીટ કરી – કરીને ગાય. દેરાસરમાંથી બહાર નીકળ્યા એટલે પેલા પાડોશી એ કહ્યું: તમે ભગવાનને બહુ સાચું કહ્યું હો! તમે ખરેખર ક્રોધના દરિયા જ છો. આ સાંભળીને શું થાય આમ! દરિયામાં તરત ભરતી આવે?
ડૉક્ટર તમને કહે કે તમારાં શરીરમાં આટલા આટલા રોગ છે. એક ડૉક્ટર પાસે ગયા. તેને એક ફાઈલ મોકલાવી એણે રીપોર્ટસ જોયા પણ એ સામાન્ય ડૉક્ટર હતો. એટલે પકડાયું નહિ. કહે: ok! કાઈ નથી. પણ બીજા ડૉકટર પાસે ગયા. બહુ નિષ્ણાંત હતો. અને તમને પણ ખ્યાલ કે એ બહુ નિષ્ણાંત છે. એની APPOINTMENT મળવી એ પણ મુશ્કેલ. ????? તમને જલ્દી મળી ગયા. લાગવગથી એણે એ જ રીપોર્ટ જોયા. તો બધા જ દર્દો જે છે એ તારવ્યાં. આટલા આટલા આટલા દર્દો છે તમારી ભીતર. અને એના માટેની આ દવા છે એવું ડૉકટર કહે. બે ડૉક્ટર મળ્યા, એક ડૉક્ટર શું કહ્યું: ok, એકેય દર્દ નથી અને એક ડૉક્ટરે એમ કહ્યું કે ૭ દર્દ તમારી ભીતર છે. જે ડૉક્ટર તમારી અંદર રહેલાં દર્દોને બતાવે એ તમને કેવો લાગે? ગુરુ કેવા ગમે તમને? બહુ સરસ, શું તમારી સાધના! સામાયિક કરો, ભક્તિ કરો, આ કરો એવા સદ્ગુરુ ગમે કે તમારાં દર્દને પારખી લે એ સદ્ગુરુ ગમે? સદ્ગુરુ કેવા ગમે તમને? ત્યાં દર્દ પારખી લે એવા ડૉક્ટર ગમે છે કારણ શરીર પ્રત્યે પ્રેમ છે. આ દર્દ મારા શરીરને નુકસાન કરશે, તોડી નાખશે. દવા લઇ, સ્વસ્થ બની જાઉં.
તમારા આત્મા પ્રત્યે તમને પ્રેમ જાગે, આત્માને સ્વસ્થ, નિર્મળ બનાવવાની તમારી ઈચ્છા થાય તો તમને એવા સદ્ગુરુ ગમે કે જે તમારાં દોષોને બતાવી દે. બધા જ સદ્ગુરુ પૂજનીય છે. પંચ મહાવ્રતધારી બધા જ ગુરુ પૂજનીય છે પણ એક ગુરુ એવા રાખો જે તમને ઓળખતા હોય અને જે તમને કડકાઈ થી કહી શકતા હોય. તમે બધી જ વાત એમને પૂછીને કરો. એક ફેક્ટરી ખોલવાની છે ને ગુરુ પાસે જાઓ. કે સાહેબ! આ ફેક્ટરી ખોલવાની છે, બહુ સારો લાભ મળે એમ છે. અને ગુરુ તમારી અત્યારની આર્થિક સ્થિતિથી માહિતગાર હોય. સીધા જ ગુસ્સે થઈ જાય. કેમ પેટ નથી ભરાતું? અત્યારના ધંધાથી પેટ ભરાય છે, પટારા ભરી કાઢ્યા છે, કરોડો રૂપિયા ભેગા કર્યા છે. કેટલી સ્થાવર મિલકતો તારી, મને ખબર છે. તે મને બધું કહેલું જ છે. પેટ ભરાય છે, પટારા ભરી નાખ્યા. શું કરવું છે તારે હવે? કર્માદાનના ધંધા કરવા છે? ચલ! ફેક્ટરી નથી ખોલવાની તારે. રાખ્યા છે આવા ગુરુ એકેય? જે તમારાં ઉપર નિયંત્રણ રાખે. નહિ ચાલે આ, આ નહિ ચલાવી લઉં. શા માટે આ કરવાનું બોલ?
તો તમારે ડૉક્ટર એવા જોઈએ, કેડબરી આપે એવા બરોબર? આવા જ જોઈએ ને ગુરુ? ડૉક્ટર પણ આવા જોઈએ.
એક નાનકડા બાબા ને દાંતમાં દુખાવો ઉપડ્યો. એટલે ડેન્ટીસ્ટ પાસે જવું પડે. એટલે મમ્મી જોડે જાય, દેખીતી વાત છે. પણ એ લોકો જે એપાર્ટમેન્ટ માં રહેતા હતા એ એપાર્ટમેન્ટમાં એમના જ ફ્લોર ઉપર એક ડેન્ટીસ્ટ નું દવાખાનું હતું. અને એ ડૉક્ટર જે છે એ અંકલ તરીકે એમના ઘરે પણ આવતા અને છોકરાને રમાડતા. એટલે મમ્મીએ કહ્યું, જા ડોક્ટર અંકલ પાસે જઈ આવ. આ જ ફ્લોર ઉપર અને બાજુમાં જ છે. પેલો ગયો. આમ તો ડૉક્ટર અંકલ છે ને ચોકલેટ આપે, પીપરમીન્ટ આપે એટલે સારા લાગે. પણ આજે ડૉક્ટર અંકલ પાસે જઈશું ને તો ઇન્જેક્શન આપશે પહેલા. સાલું અહિયાં ઇન્જેક્શન આપે કેવું લાગે? અને પછી ઇન્જેક્શનની અસર તો હશે અને દાંત જોરથી કાઢશે કેવી પીડા થશે? એટલે મમ્મીએ કહ્યું હતું એટલે જવું તો પડ્યું. ડેન્ટીસ્ટ ને ત્યાં ગયો પણ ડેન્ટીસ્ટ હતા નહિ. એને કંપાઉંડર ને પૂછ્યું , સાહેબ ક્યાં ગયા છે? તો કહે visiting માટે ગયા છે. તો છોકરાએ પૂછ્યું કે સાહેબ અહિયાં આવી ફરી વિઝીટે ક્યારે જવાના? હું ફરી ત્યારે આવું. એને ડૉક્ટર પાસે દાંત તોડાવવો નહોતો. તમે રૂપિયા આપીને પણ ડેન્ટીસ્ટ પાસે જવાના કારણ કે તમને ખ્યાલ છે દાંત તોડાવવો જોઈએ. તો સદ્ગુરુ એવા જોઈએ જે તમારાં દોષોને પીન પોઈન્ટ કરી દેખાડે, માત્ર દેખાડે નહિ એ કાઢી પણ આપે. ડેન્ટીસ્ટ ને કંઈ તમારાં દાંતને બતાવવાનો નથી કે આ દાંત દુઃખે છે એ કાઢી પણ આપશે. સદ્ગુરુની જવાબદારી છે. તો બીજી વાત એ થઈ આપણી સાધનામાં.
ધરણાશા એ કહેલું કે મારી મૂર્તિ ઉપર ૨૪ કલાક પ્રભુની નજર પડવી જોઈએ. તો આપણી સાધના પ્રભુ દ્વારા સર્ટીફાઇડ જોઈએ. પ્રભુ દ્વારા સર્ટીફાઇડ સાધના કઈ કહેવાય? જે સાધના કરો અને રાગ-દ્વેષ-અહંકાર શિથિલ બને એ સાધના પ્રભુ દ્વારા સર્ટીફાઇડ કહેવાય. એટલે આપણે આપણી સાધના ને લક્ષ્ય સાથે સાંકળી, આ બીજી વાત ઉમેરવાની રહી. આ ત્રણ તત્વો ખરેખર ખૂટી ગયા છે અત્યારે. અને એટલે જ આપણી વ્યવહાર સાધના નિશ્ચય સાધનામાં રૂપાંતરિત થતી નથી. બસ સામાયિક કરી લીધા, પ્રતિક્રમણ કરી લીધું. અરે સામાયિક કર્યા સમભાવ કેટલો મળ્યો તને?
રિઝલ્ટની જોડે સાધો. તમને શ્વાસ ચડતો હોય, એક ડગલું ચડોને શ્વાસ ચડે છે, અશક્તિ શરીરમાં છે. ડૉક્ટર પાસે ગયા. ડૉકટરે વિટામિન્સની, મિનરલ્સની ટેબ્લેટ્સ આપી અને કહ્યું કે ૧૦૦ ટેબ્લેટ લઇ લો એકદમ ok થઈ જશે. ૮૦ ટેબ્લેટ ગળાઈ ગઈ સહેજ પણ ફરક પડતો નથી. તમે ઊંધું ઘાલીને ટેબ્લેટ ગળતા જ જવાના એમ? કે ડૉક્ટર પાસે જવાના? સાહેબ! આટલી બધી ટેબ્લેટ ગળાઈ ગઈ કંઈ ફરક તો પડ્યો નહિ. અમારી પાસે ક્યારેય આવ્યા રડતી આંખે? સાહેબજી! રોજ-રોજ સામાયિક આટલા વર્ષોથી કરું છું. આટલા હજારો સામાયિક થયા પણ સમભાવ મારો મને મળ્યો નથી. Where is my fault? પૂછ્યું તમે ક્યારેય? તો તમે તમારી સાધનાને લક્ષ્ય સાથે સાંકળ્યુ નથી. તો લક્ષ્ય આ છે. રાગ-દ્વેષ-અહંકાર શિથિલ થવા જોઈએ. તો જેમ – જેમ સાધના કરતા જાઓ તેમ – તેમ આ જોતા જાઓ.
તો ત્રીજી વાત આ મૂર્તિમાં હતી કે મારી મૂર્તિને કોઈ જુવે નહિ. એમ તમારે તમારી સાધનાને ગુપ્ત રાખવાની છે. કોઈને ખ્યાલ આવી ગયો. કોઈએ અનુમોદના કરી. એ જુદી વસ્તુ છે. પણ તમારાં મનમાં એ જ ખ્યાલ હોય કે તમારે તમારી સાધનાને ગુપ્ત રાખવી છે. દાન કરો ગુપ્ત જ રાખો. હમણાં વિપશ્યના ઇન્સ્ટીટ્યુટ ઇગદ્પુરી તરફથી ત્રીપીટકોનો આખો સેટ પ્રકાશિત થયો. ૧૨૦ વોલ્યુમ્સ છે. વિદ્વાનો ને એ લોકો ભેટ આપે છે. મારી પાસે પણ આવ્યું. મેં જોયું, well edited, well bound પુસ્તક. કાગળ એકદમ સરસ ૧૨૦ પુસ્તકોનો પ્રોજેક્ટ. ૨ કે ૫ હજાર છાપેલી હોય તો 5 થી ૧૦ કરોડનો એ પ્રોજેક્ટ થાય. પણ મેં ધારીને જોયું કે ૧૨૦ પુસ્તકમાંથી એક પણ પુસ્તકમાં કોઈ દાતાનું, કોઈ સૌજન્યનું નામ નથી. ૧૨૦ પુસ્તકમાં કોઈનું નામ નથી. પછી એક સાધક વિપશ્યના કરવા એ ઇગદ્પુરી વારંવાર જતા હતા. મેં એમને પૂછ્યું કે તમને આ પ્રોજેક્ટ નો ખ્યાલ છે? તો કહે હા, એ લોકોએ જયારે નક્કી કર્યું કે ત્રીપીટકો છપાવવા છે ત્યારે એમણે એક દાન પેટી ત્યાં મૂકી દીધેલી કે આ દાનપેટી માં તમે તમારું દાન મૂકી શકો છો. કોઈ નામ ક્યાંય આવવાનું નથી. અને એમના બજેટ જેટલી રકમ થઈ ગઈ. એમણે પુસ્તકો છપાવવાનું શરુ કરી દીધું. 5 કરોડ કે ૧૦ કરોડનો પ્રોજેક્ટ ક્યાંય કોઈનું નામ નહિ. તમે જયારે દાન કરો છો. આયોજકોની વાત જુદી હોય છે. અનુભવી લોકોની વાત જુદી હોય છે. કે લોકો તમારું નામ જોઇને અનુમોદના કરે. પણ દાતા તરીકે તમારી ભૂમિકા શું હોવી જોઈએ? પછી એ દાતા જો શરત કરે, કે કેટલા બાય કેટલા ની તકતી આવશે? એમાં અક્ષરો કેટલા ઇંચના આવશે? એમાં તમે શું ભરશો? તકતી શેની આવશે? ગ્રેનાઈટની? લાલ ગ્રેનાઈટ? બ્લેક ગ્રેનાઈટ? સોનેરી અક્ષરો? આ બધી દાતા જયારે શરતો કરે, ત્યારે એના દાનનું ફળ શૂન્યમાં ફેરવાઈ જાય છે.
વસ્તુપાળ-તેજપાળે, વિમલમંત્રી એ કેટલા દાનો કર્યા? કરોડોના, અબજોના. અનુપમાદેવીના જીવનની એક ઘટના છે. કે જયારે આબુનું દેરાસર બની રહ્યું હતું, લુણીકવસહીનું, ત્યારે એકવાર અનુપમા દેવી જોવા માટે ગયેલા. શિલ્પીઓ ને એટલી બધી ઓફર કરેલી. પેલો કહે: સાહેબ! હવે કોતરકામ નહિ થાય. અરે ના શું થાય? હવે જેટલું કોતરો અને જેટલી આરસની કરચ નીચે ઉતરે એટલું સોનું આપીએ. એનાથી આગળ હીરામણી. કોતરકામ કરો ઊંડું. તો એકવાર અનુપમા દેવીએ જોયું કે એક બાઈની પ્રતિકૃતિ એ લોકોએ દોરેલી છે. ખ્યાલ આવી ગયો કદાચ પોતાની દોરેલી છે. ગમ્યું નહિ. કે ભગવાનના દરબારમાં અમે તો કોઈ હોઈએ જ નહિ. અમે તો શું આપ્યું છે? પ્રભુનું હતું અને પ્રભુના ચરણોમાં ગયું છે અમારું તો કશું છે જ નહિ. શિલ્પીઓને પૂછ્યું કે આ શું છે? તો કહે! બેન બા! બધું આપને પૂછીને કરીએ છીએ. પણ તમારી પ્રતિકૃતિ કરવી છે તમને પૂછ્યું નહિ. નારાજ થઈ ગયા પણ આ શિલ્પીઓ જેમણે અહિયાં આટલી ઠંડીમાં રહીને કામ કરેલું છે. હવે એમને તિરસ્કાર તો કેમ કરી શકાય? એમના હાથમાં એક પુષ્પની છાબડી હતી તો પૂછ્યું કે આ છાબડીમાં તમે શું મૂંકવાના છો?
હજુ પ્રતિકૃતિ અધુરી હતી. તો એમાં અમે હીરા અને મણી ના દાગીના મૂકશું કે તમે પ્રભુને ચડાવવા માટે જતા હોવ. ત્યારે અનુપમા દેવીએ કહ્યું કે આ પ્રતિકૃતિ તો ઠીક છે પણ આ છાબડી ની અંદર એક ચોખાનો દાણો જ ખાલી મુકજો બીજું કશુ જ નહિ. સાહેબ! કેમ એમ? તો કહે અમે અમારી સંપત્તિમાંથી એક ચોખા જેટલુ જ વાપર્યું છે. અને અમે એટલા લોભી માણસો છીએ એ અમારે દુનિયાને બતાવવું છે. ખરેખર જે દાન કરે એને લાગે કે પ્રભુનું હતું અને પ્રભુના ચરણોમાં ગયું અમે તો શું વાપર્યું છે?
ધાનેરા પાસે ધાખા ગામ છે. ત્યાં પ્રતિષ્ઠા થયેલી. કરોડોની ઉપજ થયેલી. એ લોકોએ નક્કી કર્યું, ટ્રસ્ટીઓ એ કે આપણે અરજીઓ ઉપર ધ્યાન નહિ આપવાનું. અરજીઓ આવેલી હોય ત્યાં જવાનું, નજરે. સમજો કે ૫૦ લાખનું કામ બાકી રહી ગયેલું છે. તો એમણે બીજી અરજી કરવી જ ના પડે ૫૦ લાખ એમને સીધા જ આપી દઈશું. એક દેરાસરનું કામ પૂરું થઈ ગયું. બીજી જગ્યાએ જવાનું ૨૫ લાખ. દેરાસર પૂરું થાય છે ને? ૨૫ લાખ સીધા આપી દેવાના. ક્યાંક કરોડ રૂપિયા સીધા આપી દો. હવે આ રીતે એક – એક જણને પૈસા આપે એટલે સંઘ વાળા તો એકદમ રાજી થઈ જાય. કે સાલું કેટલી અરજીઓ કરત? કેટલા વરસથી કામ બાકી છે પૂરું થતું જ નથી. એક કરોડ ની ખાતર. તમે સીધા જ એક કરોડ આપી દીધા. એ લોકો એમનું સન્માન કરે. આ લોકો બહુ સ્પષ્ટ. સન્માન કોઈ સંજોગોમાં ન લઈએ. પ્રભુનું છે અને પ્રભુને આપવાનું છે. અમારું શું છે આમાં? અમે ટ્રસ્ટી છીએ. પણ ઘણી જગ્યાએ સંઘવાળા સંઘની આણ આપે. અને આણ આપે તો શું થાય? એક તિલક તો પછી છેવટે બીજું તો કંઈ લે નહિ પણ તિલક. તો ધાખા સંઘના પ્રમુખ મારી પાસે આવ્યા. મને કહે: સાહેબ! હું રીઝાઈન કરું છું સાહેબ. રાજીનામું આપું છું. મને એમ થયું કે ટ્રસ્ટીઓ વચ્ચે બોલાચાલી થઈ. તો કીધું: શું થયું? તો કહે: સાહેબ! અમે લોકો પૈસા આપવા માટે જઈએ છીએ. લોકો અમારું સન્માન કરે છે. અને સંઘની આણ આપે. અમે શું કરીએ? તો પ્રભુની સંપત્તિ પ્રભુને આપવાની એમાં અમે વચ્ચે આવ્યા ક્યાં, કે અમારું સન્માન થાય છે? તો તમને જે મળ્યું છે બધું પ્રભુનું છે. ને પ્રભુના કામમાં જાય ત્યારે નામ કોનું આવે? એટલે આપણી સાધના ગુપ્ત હોવી જોઈએ, આ ત્રીજી વાત. તો પ્રભુની કૃપાનો સ્વીકાર, સાધનાને લક્ષ્ય સાથે સાંકળવી રાગ-દ્વેષ-અહંકાર ને શિથિલ કરવા અને આપણી સાધનાને ગુપ્ત રાખવી આ ત્રણ બાબતો આપણે આપણી વ્યવહાર સાધનામાં આપણે ઉમેરીએ તો આપણી વ્યવહાર સાધના નિશ્ચય સાધનામાં રૂપાંતરિત થાય.