Maun Dhyan Sadhana Shibir 14 – Vanchan 5

6 Views
0 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject : નિર્વિકલ્પ ઉપયોગમાં, નહીં કર્મનો ચારો…

  • નિર્વિકલ્પ દશાથી શરૂઆત કરીને આપણે સ્વયંસંપૂર્ણતાના બોધ સુધી જવું છે.
  • વિચારો પરના નિયંત્રણની પ્રૅક્ટિકલ સાધના – દ્રષ્ટાભાવ. વિચારો દ્રશ્ય છે; તમે દ્રષ્ટા છો. વિચારને જોઈ લો; એમાં ભળશો નહીં.
  • ઉદાસીનતા અને સાક્ષીભાવ (અકર્તૃત્વ) થકી ચિત્ત રતિ-અરતિના દ્વંદ્વને પેલે પાર જઈ સહજ નિર્વિકલ્પ રહે છે.

મૌન ધ્યાન સાધના શિબિર ૧૪ – તલેગાંવ વાચના – ૫ ( સાંજે)

કચ્છમાં મનફરા ગામે ચાતુર્માસ માટે જવાનું થયું.

ગુરુદેવ પૂજ્યપાદ અરવિંદ સૂરિ દાદાની એ જન્મભૂમિ, દાદાની સાથે અમે બધા મનફરા તરફ વિહાર કરી રહ્યા હતા. કટારિયાજી તીર્થ થી સામખીયાળી થઇ અને આગળ જવાનું હતું. સામખીયાળી થી હાઇવે પર કટારિયાજી તરફ એક ફેકટરી હતી. ફેકટરીના માલિકને ખ્યાલ આવ્યો કે સાહેબજી કાલે અહીંથી પધારવાના છે. એ દોડતા કટારિયાજી તીર્થે આવ્યા. સાહેબ! આવતી કાલે, આપ સામખીયાળી પધારો છો એની પહેલા મારી ફેક્ટરી આવે છે. મને લાભ આપીને જ આગળ આપ પધારી શકશો. ૧૦૦૦ કર્મચારીઓ મારે ત્યાં છે. બધાનો નાસ્તો ભોજન ત્યાં જ હોય છે એટલે આપના માટે નિર્દોષ ગોચરી છે. ગુરુદેવે હા પાડી. અમે એમની ફેકટરી એ ગયા. એ વખતે એ ભાઈએ એક યોગ ગુરુને બોલાવેલા. અને ૧૦૦૦ એ ૧૦૦૦ કર્મચારીઓ રોજ સવારે ૩ એક કલાક યોગસાધના કરતા હતા. અમે ત્યાં ગયા, મંગલાચરણ કર્યું, બધા વાપરવા બેઠા. હું વાપરીને બહાર આવીને બેઠો. એ ભાઈ મારી પાસે આવીને બેઠા. મને કહે, સાહેબ! આપને તો ખ્યાલ જ છે યોગની શક્તિનો…. દર વર્ષે આ યોગ ગુરુને મારી ફેકટરીમાં હું બોલવું છું. અને એક અઠવાડિયા સુધી ૧૦૦૦ એ ૧૦૦૦ કર્મચારીઓએ compulsory યોગના sessions માં બેસવાનું. એ કહે વિચારોને નિયંત્રિત કરતા એ લોકો શીખશે. એટલે એમને પણ લાભ થવાનો, મને પણ લાભ થશે, કે મારું કામ, ફેકટરીનું કામ એ લોકો દક્ષતાથી કરશે.

આપણા પૂર્વજો, મહાપુરુષો જે વાત કરી ગયા છે એને જ આજના યોગચાર્યો સમર્થિત કરે છે. અને આજના મનોવૈજ્ઞાનિકો પણ એ વાતને સમર્થિત કરે છે. આજનો મનોવૈજ્ઞાનિક કહે છે કે માણસ વિચારોને નિયંત્રિત કરી શકતો નથી, માટે કોઈ કામ એ બરોબર કરી શકતો નથી.

એક બહુ સારા મનોવૈજ્ઞાનિકે એકવાર કહેલું કે સવારે ૧૦ વાગે એક વ્યક્તિ ઘરેથી ઓફિસે જાય છે. એનું શરીર ઓફિસમાં ખુરશી ઉપર બેઠેલું  છે. પણ એ ઘરની ફાઈલને બંધ કરી શક્યો નથી. એટલે ઓફિસનું કામ એમનેમ પડેલું છે. એ ઘરની ચિંતામાં ઘરકામ લઈને બેઠો છે. પત્નીની આ સમસ્યા છે. દીકરાઓની આ સમસ્યા છે. શું કરવું કઈ રીતે રસ્તો કાઢવો. રાત્રે એ ઓફિસેથી ઘરે જશે, ત્યારે ઓફિસની ફાઈલ બંધ નથી કરતો. અને એટલે ન એની પત્ની જોડે એ કોઈ વાતો કરી શકે છે, ન એના બાળકો જોડે એ કોઈ રમત કરી શકે છે.

તો આજનો મનોવૈજ્ઞાનિક પણ વિચાર નિયંત્રણ મનોનિયંત્રણ ઉપર ભાર મુકે છે. આપણે ત્યાં મનોગુપ્તિ પહેલેથી આવી છે. તમે સામાયિક કરો કે પૌષધ કરો, અષ્ટપ્રવચનમાતાનું પાલન તમારે કરવાનું હોય છે. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ એમાં એક ગુપ્તિ છે મનોગુપ્તિ. મનોગુપ્તિના બે પ્રકાર, શુભ મનોગુપ્તિ અને શુદ્ધ મનોગુપ્તિ. શુભ મનોગુપ્તિ એટલે સારા વિચારો જ તમારા મનમાં પ્રવેશી શકે. કોઈના પ્રત્યેના તિરસ્કારના, દ્વેષના વિચારો તમારા મનમાં ઝલકી ન શકે, એ શુભ મનોગુપ્તિ. અને શુદ્ધ મનોગુપ્તિમાં તમે જાવ ત્યારે મનનો વિલય થઇ જાય. વિચારો બિલકુલ નથી.

તમારી પાસે A.C. છે air – conditioning. યોગીઓ પાસે T.C છે thought conditioning. અમારે A.C. નથી પણ T.C જરૂર છે. અમે લોકો ever fresh, ever green છીએ. એનું કારણ આ T.C છે. thought conditioning. તમે હવા પર, ગરમી પર નિયંત્રણ મેળવો. બહાર ૫૦ degree ગરમી છે તમારા રૂમમાં ૨૫ – ૨૦ – ૨૭ જેટલું તમારે પર્યાવરણ રાખવું હોય એટલું રાખી શકો. air – conditioning વાતાનુકુલન તમારી પાસે છે. thought conditioning અમારી પાસે છે.

પ્રારંભિક કક્ષાના મુનિ પાસે શુભ મનોગુપ્તી હોય છે. અને અમારા જેવાઓ પાસે શુદ્ધ મનોગુપ્તી હોય છે. હું બેઠો હોઉં ને ત્યારે કોઈક એકદમ નિકટની વ્યક્તિ આવે. મને પૂછે, સાહેબ! શું વિચાર કરતા, ત્યારે કહું કે ભાઈ વિચારો ગયા, હવે શબ્દો પણ તમારા માટે રહ્યા છે. વિચારોનું કોઈ પ્રયોજન નથી. અનુભૂતિની દુનિયામાં જ્યારે તમે પણ પગ મુકો છો ત્યારે શબ્દોની દુનિયા, વિચારોની દુનિયા તમારા માટે પુરી થયેલી હોય છે.

લગભગ ૩૦ એક વર્ષ પહેલાં hyper tension વધારે રહેતું. નીચેનું બી.પી. ૧૧૦ – ૧૧૫ – ૧૨૦ રહેતું. ડોક્ટરની પરિભાષામાં એ ચાલી શકે જ નહિ. ભારેમાં ભારે દવાઓ લેવાતી. છતાં એ નિયંત્રણ માં નહોતું આવતું. એમાં એક ગામમાં મારે જવાનું થયું, નિષ્ણાંત ડોક્ટર અને એ ગુરુભક્ત હતા. મારા પ્રવચનમાં રોજ આવે. પ્રવચનની પાંચ મિનિટ પહેલાં મારું બી.પી. માપે. પ્રવચન હું પૂરું કરું… સર્વ મંગલ કરું. તરત જ ત્યાં ને ત્યાં પાટ ઉપર મારું બી.પી. માપી લે… આમ પણ ઓછું બી.પી. હતું બોલ્યા પછી વધુ ૧૦ વધી જાય નીચેનું… ડોકટર ભક્ત હતા… મને કહે સાહેબ! તમારે બોલવાનું છોડી દેવું પડે. તમારે હવે વ્યાખ્યાન નહિ આપવાનું. મેં હસતાં હસતાં કહ્યું, ડોકટર મેં તો છોડેલું જ છે. હું તો શબ્દોનો યાત્રી છું જ નહિ. શબ્દ જગત છુટેલું જ છે. પણ, આ લોકો જ્યાં સુધી અશબ્દમાં ન આવે ત્યાં સુધી હું બોલવાનો છું એ પણ નક્કી છે. એટલે જે શિબિરાર્થીઓ વારંવાર આવે છે શિબિરમાં એમને કહું છું કે તમે પણ અશબ્દના યાત્રી બની જાવ.

શબ્દો ક્યાં સુધી આપીશ હું… શબ્દની એક સીમા છે, કલાક બોલીશ બે કલાક બોલીશ. તમે જો સદ્ગુરુની ઉર્જાને લેતા શીખી જશો તો તમે કલાકો સુધી સદ્ગુરુ પાસેથી અમૃત તત્વ મેળવી શકશો. સદ્ગુરુ શક્તિપાત ૪ રીતે કરે છે. હાથથી કરે, આંખથી કરે, શબ્દથી કરે, અને ઉર્જાથી કરે. તમારા મસ્તક ઉપર અપાતો વાસક્ષેપ એ શક્તિપાત ની પ્રક્રિયા છે. અને એટલે જ એ શક્તિપાત કરતી વખતે સદ્ગુરુ કયો મંત્ર બોલે છે: ‘નિત્યારગ પારગા હોહ’ સંસારને પેલે પાર તું પહોંચી જા.

કલાપૂર્ણસૂરીજી દાદા જેવા એક મહાપુરુષનો એકવાર વાસક્ષેપ તમે બરાબર સ્વીકારી લો. તમે રાગ અને દ્વેષને પેલે પાર પહોંચી જાઓ. પણ સદ્ગુરુ શક્તિપાત આપવા તૈયાર. તમે એને ઝીલવા ક્યાં તૈયાર છો. અહોભાવ તીવ્ર માત્રામાં big experience માં તમારી પાસે આવી ગયો, તમારી સજ્જતા શક્તિપાતને ઝીલવાની થઇ ગઈ. એક વખતનો સદ્ગુરુનો વાસક્ષેપ મળે, અને તમે રાગ – દ્વેષને પેલે પાર પહોંચી જાઓ. તો આ ગુરુએ હાથથી શક્તિપાત કર્યો. એથી સૂક્ષ્મ શક્તિપાત આંખથી કર્યો.

એટલે જ અમારે ત્યાં આચારાંગ સૂત્રમાં શિષ્યની એક સાધના આપી.. તદ્દિટ્ઠીએ… શિષ્યની સાધના શું? એ ગુરુદૃષ્ટિક હોય…. ગુરુ ક્યારે આંખથી આંખ મિલાવી લે, શક્તિપાત થઇ જાય. પણ ગુરુ ક્યારે તમારી આંખોમાં આંખ મેળવશે… એ નક્કી નથી.. તમને ખ્યાલ નથી. તમારે બિલકુલ alert રહેવું પડે. શક્તિપાત ગુરુ કરશે, ક્યારે કરશે એ ખબર નથી.

એક અમદાવાદી ભાઈ એક નાનકડા ગામડામાં એમના વેવાઈ હતા ત્યાં પહોંચેલા. રાતની બસમાં ત્યાં પહોંચી ગયા. રાત્રે બધી વાતચીત થઇ ગઈ. સવારે એ અમદાવાદી ભાઈને અમદાવાદ જવું છે. તો એમણે પૂછ્યું કે શું સાધન મળશે વહેલી સવારે? તો પેલા ભાઈએ કહ્યું, અહીંયા રીક્ષા, છકડો, ટેક્ષી કશું જ નથી. એક બસ છે જે સાંજે તમને મુકીને આગળ ગઈ, એ જ બસ સવારે આવશે… ઠીક છે વાંધો નહિ, બસ તો આવે છે ને… કેટલા વાગે..? તો કહે કે એનો ટાઈમ નક્કી નથી. આમ ૬ વાગ્યાનો લખેલો ટાઈમ ટેબલમાં, પણ ૬.૩૦ એ આવે, ૭ એ આવે, ૮ એ આવે, ૯ એ આવે… ૧૦ વાગે પણ આવે… driver ઊંઘી ગયેલો હોય, driver થોડુક કામમાં હોય તો ૧૦ વાગે પણ આવે છે. એટલે ૬ થી ૧૦ માં ક્યારેક બસ આવે છે. પેલા ભાઈને જવું જ પડે એમ છે… એ ૫.૩૦ વાગે તૈયાર થયા, દેરાસરે દર્શન કર્યા. થર્મોસમાં ચા ભરી લીધી. નાસ્તો લઇ લીધો જોડે, બસ સ્ટેન્ડ પર પહોંચી ગયા ૬ ની પહેલા… ગમે ત્યારે બસ આવે બસમાં બેસી જવાનું…

એમ સદ્ગુરુ તમારી આંખમાં આંખ મેળવે ક્યારે મેળવશે નક્કી નથી. એટલે શિષ્ય તદ્ દ્રષ્ટિક થઇ. ગુરુ દ્રષ્ટિક થઇ, ગુરુની સામે બેઠેલો હોય. એ પછી શબ્દ દ્વારા ગુરુ શક્તિપાત કરે. જા તારું કામ થઇ ગયું. પતિ ગયું પછી… અને છેલ્લો શક્તિપાત સૂક્ષ્મ શક્તિપાત ઉર્જા દ્વારા કરે છે. જે સદ્ગુરુ ૧૦૦ વર્ષની પેલે પાર ગયેલા સિદ્ધિસૂરિ દાદા જેવા, ભદ્રસૂરિ દાદા જેવા, ૧૦૩ – ૧૦૫ વર્ષ સુધી… એવા સદ્ગુરુ એમનું શરીર ક્ષીણ પણ બનેલું હોય, તમને વાસક્ષેપ પણ ન આપી શકે બની શકે… તમને માંગલિક પણ ન સંભળાવી શકે, બની શકે. પણ એમનું હોવું એ શિષ્યો માટે વરદાન છે. સાધકો માટે વરદાન છે સાહેબ વાસક્ષેપ નથી આપી શકતા, સાહેબ ધર્મલાભ આપી શકતા નથી. સાહેબ માંગલિક આપી શકતા નથી. તો એ સાહેબ શું કરે છે? એમની પવિત્ર કાયામાંથી જે ઉર્જા નીકળે છે એ તમને purify બનાવી દે. પણ વાત પાછી એ જ આવી કે એ ઉર્જાને પકડવાની એક રીત જોઈએ.

આપણે ત્યાં સમાધિ તીર્થો થયા. એની પાછળનું રહસ્ય આ જ છે. શંખેશ્વરમાં કલાપૂર્ણસૂરિ દાદાનું સમાધિ તીર્થ. તો શું થયું? દાદાનું શરીર ત્યાં આગળ રહ્યું…. અને છેલ્લે એ મળી ગયું. તો એ જે ઉર્જા હતી, એ ઉર્જા ત્યાં આગળ રહેલી. સમાધિતીર્થ રચાય. સેંકડો ભક્તોનું આવાગમન થાય, એક atmosphere રચાય. અને પેલી ઉર્જાનો પ્રવાહ જીવંત થઇ જાય. હું શંખેશ્વર જાઉં, ઘણીવાર મારા બહુ વ્યસ્ત કાર્યક્રમો હોય, સવારે ગયેલો હોઉં, સાંજે મારે નીકળી જવાનું હોય શંખેશ્વરથી… એવી વ્યસ્તતા માં પણ હું કલાપૂર્ણસૂરિ દાદાના સમાધિમંદિરે અચૂક જાઉં. સમય નથી હોતો, તો ગુરુ મંદિરમાં હું ઉપર નથી જતો… પણ નીચે જ્યાં દેહવિલય દાદાનો થયેલો, જ્યાં એમની ચરણપાદુકા છે. ત્યાં મસ્તક ઝુકાવીને આવું છું.

ઉર્જા! તમે ખાલી થઇ ગયા. વિભાવશૂન્ય બની ગયા. સદ્ગુરુની ઉર્જાને પકડવા માંડો. તમે જે ક્ષણે ખાલી થયા, એ ક્ષણે ગુરુ તમને ભરી દે. બાઈબલમાં પણ એક સૂત્ર આવે છે. Empty thy vessel and I will fill it. તારું હૃદય ખાલી કરી નાંખ. હું ભરી કાઢીશ એને… તો આપણી વાત એ હતી… કે અનુભૂતિ ની દુનિયામાં તમે જે ક્ષણે જાઓ છો. શબ્દો છૂટી જાય છે. વિચારો છૂટી જાય છે.

રામકૃષ્ણ પરમહંસ એક મજાની વાત કહેતા, એ કહેતાં કે બ્રાહ્મણો ભેગા થયા ભોજન માટે, કે પાંડાલ હોય, ભોજનશાળાનો hall હોય, લાડું – દાળ, ભજીયા, હો હા ચાલતી હોય…. પણ જ્યાં પીરસાઈ ગયું, હર હર મહાદેવ થયું, બધા જમવા માંડ્યા…. ચુપ્પી … ગહન ચુપ્પી કેમ? ભોજનની અનુભૂતિ થઇ રહી છે. અનુભૂતિ શરૂ થઇ, શબ્દો ગયા, વિચારો ગયા.

તો મેં પેલા ડોક્ટર ને કહેલું કે ડોકટર મારા તરફથી તો બોલવાનું છુટેલું જ છે. પણ આ લોકો બોલવાનું સાંભળવાનું છોડે નહિ… ત્યાં સુધી હું બોલવાનો પણ છું. કેમ… મારા પ્રભુની આજ્ઞા છે. મારા પ્રભુએ મને કહ્યું છે, કે યશોવિજય તને જે સિદ્ધિ મળી છે. એનો વિનિયોગ તારે કરવાનો છે. તારે બીજાને આપવાનું છે.

કલાપૂર્ણસૂરિ દાદાનું છેલ્લું દર્શન રાજસ્થાનમાં ઝાલોર જીલ્લામાં ક્લાપુરા ગામે થયેલું. સાહેબનો એ જે પ્રભાવ હતો. ગમે એવું નાનકડું ગામ હોય, ભક્તોની વણઝાર ચાલુ ને ચાલુ. સાંજના સમયે હું દાદાના ચરણોમાં બેઠેલો. મેં દાદાને પૂછ્યું કે દાદા! આટલા બધા લોકો આવે, બધાની ઈચ્છા પણ હોય, દાદા હિતશિક્ષા આપો. બે શબ્દો આપો. આપ આપો પણ ખરા… આપના શરીરને શ્રમ નથી પહોંચતો? એ વખતે એમણે મને કહેલું કે યશોવિજય મારા પ્રભુએ અને મારા ગુરુએ મને conditionally જ્ઞાન આપ્યું છે. હું જો બીજાઓને એ જ્ઞાન નહિ આપું, તો મારા પ્રભુનો અને મારા સદ્ગુરુનો હું અપરાધી થઈશ. પંન્યાસજી ગુરુદેવ ભદ્રંકરવિજય મ.સા. પાસેથી કલાપૂર્ણસૂરિ દાદાએ સાધના લીધી. એકવાર એક પ્રવચનમાં કલાપૂર્ણસૂરિ દાદા બહુ મજાની વાત કરે છે. એમણે કહ્યું: એકવાર થોડાક ભક્તો આવેલા, પંન્યાસજી ગુરુદેવ પાસે…. સાહેબની સેવામાં વજ્રસેનવિજય મહારાજ હતા. એમણે એ ભક્તોને કહ્યું, સાહેબ આરામમાં છે તમે જાવ. એ લોકો જતાં પણ રહ્યા. ખાલી વંદના કરીને દૂરથી… સાહેબને પાછળથી ખબર પડી, પંન્યાસજી ગુરુદેવને… ત્યારે એમણે વજ્રસેન મહારાજને ખખડાવ્યા. તે કેમ એ લોકોને પાછા મોકલ્યા. આપણને ખ્યાલ આવશે કે પંન્યાસજી ભગવંતનું શું vision હતું. પંન્યાસજી ભગવંતે કહ્યું કે – પ્રભુએ જે લોકોને મારી પાસે મોકલ્યા, એ લોકોને તે મારાથી દૂર કર્યા. તને કયો અધિકાર મેં આપ્યો છે? એ લોકો એમનેમ મારી પાસે નહોતા આવ્યા. એમને પ્રભુએ મોકલેલા હતા. અને પ્રભુએ મોકલેલા એ ભક્તો એને તું પાછા મોકલે? હવે ક્યારેય એક પણ ભક્તને પાછો નહિ મોકલતો. કલાપૂર્ણસૂરિ દાદા કહે છે કે હું જ્યારે સાહેબ પાસે હતો ત્યારે આ ઘટના ઘટેલી. અને એટલે અત્યારે મારી પાસે સવારથી સાંજ સુધી લોકોની ભીડ જામેલી હોય છે. મારું શરીર શ્રમિત પણ થાય છે, પણ પંન્યાસજી ગુરુદેવને યાદ કરું છું. મારો થાક ઉતરી જાય છે, કે પ્રભુએ આ લોકોને મોકલેલા છે.

તો મારે તમને આજે એક practical સાધના આપવી છે. વિચારો પરના નિયંત્રણની… શબ્દોનું મૌન તમારી પાસે આવ્યું છે. વિચારોના મૌન માટે થોડીક practice શરૂ કરો. ભોજન માટે સાંજે જશો. નક્કી કરીને જાવ કે ભોજન શરૂ થાય ને પૂરું થાય, એક પણ વિચાર આવવો ન જોઈએ. વાનગી testy કે un testy કોઈ ખ્યાલ જ ન આવવો જોઈએ. એ વખતે તમે મનને સ્તવનની કોઈ કડીમાં પણ મૂકી શકો. અથવા બીજી એક પ્રક્રિયા કરી શકો. અને એ પ્રક્રિયા છે દ્રષ્ટાભાવની…

તમે માત્ર દ્રષ્ટા છો. માત્ર દ્રષ્ટા… જોનાર… બીજું બધું જ દ્રશ્ય કોટિમાં છે. આ શરીરને તમે જુઓ છો ને…! કોણ જુએ છે? મેં પહેલા કહેલું આંખ તો ખાલી કેમેરાનો લેન્સ છે. જોવાનું કામ કોણ કરે? મન… મન પણ ક્યારે કરે? ઉપયોગ અંદર ભળેલો હોય ત્યારે, ઉપયોગ એટલે આત્મા. તો જોનાર તમે છો. તમે જેને જુઓ એ દ્રશ્ય. તો વિચાર એ દ્રશ્ય છે, તમે દ્રષ્ટા છો. અત્યારે તમે એવી ભેળસેળ કરી નાંખી છે, કે મન એટલે હું, શરીર એટલે હું. નહિ …. you are bodyless experience. you are the mindless experience. you are the nameless experience. તમે આ બધાને પેલે પાર છો. તો વિચાર દ્રશ્ય છે. તમે દ્રષ્ટા છો. તો વિચારોને જોવાના… વિચારો સાથે એકાકાર નહિ થવાનું. ટેબલને હું જોવું છું. તો ટેબલ દ્રશ્ય છે. હું દ્રષ્ટા છું. તો ટેબલ અને જોનાર બે એક થવાના ખરા…? તો વિચાર દ્રશ્ય છે. તમે દ્રષ્ટા છો. ગરબડ અત્યારે આપણે એ કરીએ છીએ વિચારોમાં આપણે આપણા મનને, ઉપયોગને, મૂકી દઈએ છીએ. હું ઘણીવાર કહું છું… secretary letter લઈને આવે boss ના signature માટે, હવે boss ને secretary પર વિશ્વાસ હોય, ઊંધું ઘાલીને સહી કરી નાંખે. અને secretary ફૂટી ગયેલી હોય, કોઈની જોડે અને ખોટો જ કાગળ લઈને આવેલી હોય… કે જેના કારણે ૨૫ – ૫૦ કરોડનો ફટકો પડે એમ હોય… પેલાએ ઊંધું ઘાલીને signature કરી નાંખ્યું તો શું થાય… ?

મન secretary છે. તમે boss છો. મન જે વિચાર આપે, તમે જોઈ રહો એ બરોબર છે… પછી એને સ્વીકારો.. બરોબર ન હોય તો કેમ સ્વીકારો છો…? એ રાગનો વિચાર લઈને આવે મન, દ્વેષનો વિચાર લઈને આવે, તમે reject કરો… શા માટે accept કરો છો? તો બે પ્રક્રિયાની વાત કરું છું… વિચારોને જોવા છે, વિચારોમાં ભળવું નથી. જોવું અને ભળવું ફરક શું, તમને સમજાવું.

એક ગામમાં એક માણસ રાત્રે ૧૨ વાગે ઉઠ્યો. ઘરની બહાર ગયો.. ત્યાં એ જોવે છે… ૫૦ કિલોમીટર દૂર પહાડ છે. પહાડ ઉપર જંગલ છે અને એમાં આગ લાગી છે. આગ ક્યાં લાગી છે… પહાડ ઉપર. પહાડ કેટલો દૂર, ૫૦ કિલોમીટર એ આગને જોઈ શકે છે. પણ આગની અસર આ માણસને થાય ખરી? પણ એની બાજુમાં જ સગડી હોય… તો એને આગની અસર થાય કે ન થાય… fire place બાજુમાં જ છે. તો અસર થવાની જ છે. એમ વિચારોને જોવાનો મતલબ એ છે કે એની અસર તમારા ઉપર ન થાય. અને વિચારોમાં ભળી ગયા એટલે વિચારોની અસરમાં તમે આવી ગયા. એક માત્ર જાગૃતિ તમારી પાસે હોય તો તમે અશુભ વિચારોમાં નહિ ભળો.

પહેલા મેં એક example આપેલું કે તમે સામાયિક કરવા બેઠા, એક વ્યક્તિ આવી. તમને અણગમતી એ વ્યક્તિ છે… તમને જોઇને એના ઉપર તિરસ્કાર આવે. પણ એ જ વખતે જાગૃતિ આવી જાય… કે હું સામયિકમાં છું. મારે સમભાવમાં રહેવાનું છે. તિરસ્કાર કરવાનો નથી. દ્વેષ કરવાનો નથી. અને તમે સમભાવની ધારામાં આવી જાઓ.. તો શું થયું? એ વ્યક્તિ ભલે રહી… તમે એને જોઈ પણ રહ્યા છો. પણ એને જોઇને દ્વેષની અસર તમારી અંદર થતી નથી. અત્યારે તમારી હાલત એવી થઇ ગઈ છે… મન જે પણ વિચાર આપશે નિમિત્તો ને વશ થઈને, તમે એમાં જતા રહો છો. એટલે જ મહોપાધ્યાય યશોવિજય મ.સા.ને પૂછવામાં આવ્યું કે આ રીતે અમે વિચારો કરીએ છીએ… તો – તો પળે પળે અમને કર્મનો બંધ થાય છે. એક નિમિત્ત મળ્યું રાગનું, બીજું મળ્યું દ્વેષનું, ત્રીજું અહંકારનું… અમે એ નિમિત્તોમાં જતાં જ રહીએ તો કર્મબંધ થયા જ કરે. એ કર્મબંધમાંથી અમારે છૂટવું હોય તો એના માટેનો માર્ગ કયો?

સવાસો ગાથાના સ્તવનમાં ઉપાધ્યાયજી ભગવંતે એક કડીના એક ચરણમાં એના માટેનો માર્ગ બતાવ્યો… “નિર્વિકલ્પ ઉપયોગમાં, નહી કર્મનો ચારો” તમે તમારા ઉપયોગને, મનને નિર્વિકલ્પ બનાવી દો તો કર્મનો બંધ થવાનો નથી.

હવે એક વાત સમજાવી દઉં. બે શબ્દો છે… વિચાર અને વિકલ્પ. એ બેમાં થોડોક ફરક છે. વિકલ્પ એટલે શું અને વિચાર એટલે શું? આપણી પરંપરા પહેલા નિર્વિકલ્પતા ઉપર ભાર મુકે છે. પછી નિર્વિચારતા તો આવવાની જ છે. તો વિકલ્પ એટલે શું..? જે વિચાર રાગમાં – દ્વેષમાં, અહંકારમાં ઝબોળાયેલો હોય એ વિચાર તે વિકલ્પ. અને છૂટો છવાયો વિચાર. તમારા મનની ફેક્ટરી ચાલુ જ હોય ને… કોઈ લેવા નથી દેવા નથી. કેમ પેલા બે મોડા આવ્યા? હવે વહેલો આવ્યો કે મોડો આવ્યો તારે શું? પણ એવી ઘટના કે જેમાં તમારો રાગ – દ્વેષ ભળતો નથી. એક ખાલી જિજ્ઞાસા. એક ખાલી કુતુહલ, કેમ બધા white shirt માં છે… અને પેલા ભાઈ yellow shirt માં આવ્યા. ભાઈ yellow આવ્યો… એ આવ્યો કોણે જોવાનો… તારે શું છે? તો સામાન્ય વિચાર કે જે તમને રાગ – દ્વેષમાં લઇ જતો નથી. એને આપણે વિચાર કરીએ. અને જે વિચાર રાગ – દ્વેષ અહંકારમાં ઝબોળાયેલો છે… એને આપણે વિકલ્પ કહીએ છીએ.. આટલો જ ફરક છે.

એટલે પહેલાં તબક્કે વિકલ્પોને કાઢવા છે. પછી વિચારો તો આપમેળે નીકળી જ જશે. અને એટલે મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં બહુ સરસ વાત કરી… એમને પૂછવામાં આવ્યું કે અધ્યાત્મના માર્ગે અમારે જવું છે. યોગના માર્ગે અમારે જવું છે. તો એના માટે અમારી સજ્જતા શું હોવી જોઈએ? ત્યારે એમણે બહુ પ્યારું સૂત્ર આપ્યું… ‘નિર્વિચારવૈશારદે અધ્યાત્મ સંપ્રસાદ:’ શું શબ્દો વાપર્યા છે! અધ્યાત્મ સંપ્રસાદ: – પ્રસાદ પણ નહિ સંપ્રસાદ.. સમ્યક્ પ્રસાદ. તમે અધ્યાત્મના માર્ગે ગયા, એ પ્રભુની કૃપા છે… એ પ્રભુનો પ્રસાદ છે. પણ એ પ્રસાદને ઝીલવા માટેની તમારી સજ્જતા કઈ? તો નિર્વિચાર વૈષાર્દ્ધે – નિર્વિચાર ની વિશારદતા. નિર્વિચારતા ને એવી રીતે ઘૂંટો, એવી રીતે ઘૂંટો કે વિચાર આવે જ નહિ…

યોગશાસ્ત્રમાં ૧૨માં પ્રકાશમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ પોતે અનુભવેલી વાતોને બહુ મજાથી મૂકી છે. એમણે પોતે લખ્યું ૧૨મો પ્રકાશ શરૂ કરતા… કે અત્યાર સુધી જે મેં લખ્યું અજ્ઞાત પ્રકરણોમાં, પ્રકાશોમાં એ શાસ્ત્રોમાંથી મળેલું, ગુરુ પરંપરા દ્વારા મળેલું હતું, એ લખ્યું હતું. હવે જે લખું છું એ મારા અનુભવથી મળેલું છે એ લખું છું. અને એમાં એમણે લખ્યું કે હવે મારું મન વિચાર કયારેય પણ કરતો નથી. Not a second, not a minute. તો પૂછવામાં આવ્યું કે એવી તો કઈ સાધના છે કે તમારું મન ક્યાંય જોડાતું નથી કોઈ ઘટનામાં…

તમારે તો કેવી ઘટના જોઈએ.. મનને ત્યાં મુકવા માટે.. સહેજ અવાજ થયો તો કહે કે શેનો અવાજ થયો… હેમચંદ્રાચાર્ય કહે છે દુનિયાની કોઈ ઘટનામાં, દુનિયાના કોઈ પદાર્થમાં, દુનિયાની કોઈ વ્યક્તિમાં મારું મન જોડાતું નથી. તો કઈ સાધના કરી? ત્યાં એમણે એ સાધનાની વાત લખી છે. ઔદાસીન્યનિમગ્ન: પ્રયત્નપરિવર્જિત: સતતમાત્મા| ભાવિતપરમાનન્દ: ક્વચિદપિ ન મનો નિયોજયતિ|| ઉદાસીનભાવમાં હું ડૂબેલો છું. ઉદાસીન ઉદ્ + આસીન… તમે ઉંચે બેઠેલા છો. ભેખડ ઉપર.. નીચે નદી વહી રહી છે… વહી રહી છે તો વહી રહી છે. તમને એ કોઈ અસર કરી શકતી નથી.  ઘટનાઓનો પ્રવાહ સરકી રહ્યો છે. દુનિયામાં કેટલી ઘટનાઓ ઘટે છે. એક- એક સેકંડે… હવે બહુ મજાની વાત છે. તમારું મન કઈ ઘટનામાં જોડાય છે? તમારો હું જેમાં ભળેલું છે… એવી ઘટનામાં તમારું મન જાય છે. કાં તો કોઈએ તમારી પ્રશંસા કરી છે, કાં તો કોઈએ તમારી નિંદા કરી છે. ઇઝરાયલ માં શું થયું અને રશિયામાં શું થયું..? એ એ લોકો જાણે મારે તો મારા હું જોડે સંબદ્ધ ઘટના હોય, એમાં પ્રવેશવું છે.. બરોબર તો ઉદાસીન બની જાઓ… હું એટલે આ નહિ… હું એટલે આનંદઘન ચૈતન્ય… હું જ બદલી નાંખ્યું ઘટનાઓ બદલાઈ ગઈ.

તો હેમચંદ્રાચાર્ય કહે છે ઉદાસીન દશામાં હું ડૂબેલો છું. પ્રયત્નપરિવર્જિત: કશું જ મારે કરવાનું નથી. કર્તૃત્વ છૂટી ગયું છે. Doing એ જ સંસાર. Being એ જ સાધના. શું કરવાનું છે? ગુજરાતીના મૂર્ધન્ય કવિ… રાજેન્દ્ર શાહે.. એક કવિતા લખી છે… એમાં એ લખે છે.. હું કેવલ ફરવા માટે આવ્યો છું… હું ક્યાં કંઈ કરવા માટે આવ્યો છું. નિરુદ્ધદેશે મુજ ભ્રમણ, પ્રાંશુ મલીન વેશે” શું કરવાનું છે…?  આ હું છે એના કારણે કર્તૃત્વ છે. અહંકાર કારણે કર્તૃત્વ છે અને એટલે જ આપણી પરંપરા કહે છે… કે રજસ્ અને તમસ્ એમને દૂર કરવા સહેલા છે. સત્વને દૂર કરવું અઘરું છે. રજસ્ એટલે રાગની મનોવૃત્તિ. તમસ્ એટલે દ્વેષની મનોવૃત્તિ. સીધી જ ખરાબ લાગે… સત્વ એટલે શું..? તમે સાત્વિક કાર્યો કરો.. લોક ઉપકારી કાર્યો કરો… અને સૂક્ષ્મ અહંકાર તમારી ભીતર હોય…..

તો આ સત્વને કાઢવું એ બહુ જ અઘરું કહ્યું છે. તો અહંકાર જ્યાં સુધી છે ત્યાં સુધી કર્તૃત્વ રહેવાનું. પણ હેમચંદ્રાચાર્ય કહે છે પ્રયત્નપરિવર્જિત: મારે કંઈ કરવાનું નથી. પ્રભુ આ શરીરનો ઉપયોગ કરે… હેમચંદ્રાચાર્ય ના શરીરનો ઉપયોગ પ્રભુ કરે.. તો એ કહેતાં પ્રભુ મને નિમિત્ત બનાવે છે. મારે કંઈ કરવાનું છે જ નહિ. પ્રભુને કરાવવાનું હોય તો પ્રભુ જાણે મારે શું….

તો ઉદાસીનભાવમાં ડૂબેલો સાધક પ્રયત્નોને પેલે પાર ગયેલો સાધક એ કેવો હોય છે ભાવિત પરમાનંદ: પરમ આનંદમાં ડૂબેલો છે. એ મનને ક્યાંય બહાર જવા દેતો નથી. હું ઘણીવાર કહું છું… તમે સ્વયં સંપૂર્ણ છો એ બોધ તમને નથી માટે તમે બહાર ફાફા મારી રહ્યા છો. હું આ કરું… હું આ કરું… હું આ કરું…

તીર્થમાં તમે ગયા. અહીંયા તમે આવ્યા રૂમમાં toilet છે… water jug છે, fan છે. તમારે રાત્રે જોઈએ એ બધું છે. રાત્રે પ્રતિક્રમણ કર્યું સાધના કરી… રૂમમાં ગયા, રૂમ અંદરથી બંધ કરી. રાત્રે તમારે બહાર નીકળવું નથી. તમારે જે જોઈએ છે એ ત્યાં છે… પણ જુના જમાનાની ધર્મશાળાની રૂમ હોય જ્યાં toilet ન હોય, તો તમારે રાત્રે બહાર જવું પડે toilet માટે… એમ તમે જો સ્વયં સંપૂર્ણ છો. તો તમને શેની જરૂરિયાત છે? આ બહુ મજાની વાત છે… હું સ્વયં સંપૂર્ણ જ છું મારે કોઈની જરૂરિયાત નથી. ન મારે શિબિર જોઈએ, ન મારે પ્રવચન જોઈએ, ન મારે કોઈ ભક્ત જોઈએ… હું સ્વયં સંપૂર્ણ છું. હા, આ એક શરીર છે મારી પાસે… એક જ શરીર. એને રોટલી અને દાળ જોઈએ… એને વસ્ત્ર જોઈએ… એ સહેલાઈથી શ્રી સંઘ મને આપે છે… આને કંઈક જોઈએ છે… થોડું જોઈએ છે… મારે તો કંઈ પણ જોઈતું નથી. તો તમારે કંઈ જોઈતું જ નથી. કોઈ વસ્તુની ઈચ્છા જ નથી તમારા મનમાં… તો મન કયા જશે બોલો..! મન બહાર જવાના ૨ – ૩ કારણો રહ્યા એક તો અહંકાર, મેં આમ કર્યું… મેં આમ કર્યું… મેં આમ કર્યું… અથવા હું કરીશ અને બનાવીશ, આવો બનીશ… આવો બનીશ… આવો બનીશ… ભવિષ્યકાળ.

પણ જેને કંઈ કરવું નથી. કર્યું એ બધું ગયું. કરવાનું કંઈ છે નહિ. વર્તમાનક્ષણમાં અપ્રમત્ત ભાવે રહેવાનું છે. હવે એનું મન બહાર જાય તો શી રીતે જાય. And why? શા માટે જાય? શું પ્રયોજન? મનને બહાર જવાનું પ્રયોજન શું? તો તમે બધા સ્વયં સંપૂર્ણ છો. જ્ઞાનસારમાં પૂર્ણાનન્દસ્તુ ભગવાન્, સ્તિમિતો દધિ સન્નિભ: પૂર્ણ આનંદમય જ્યારે તમે બનો… ત્યારે તમે કેવા હોવ છો… નિશ્ચલ સમુદ્ર જેવા. એવો નિશ્ચલ સમુદ્ર જેને ભરતી નથી ઓટ નથી. આમ દરિયામાં છે ને ભરતી અને  ઓટનો ટાઈમ નક્કી હોય… તમારે દરિયામાં આવો કોઈ ટાઈમ નક્કી ખરો..?

રતિભાવની ભરતી, બહુ સરસ થયું, બહુ સરસ થયું… રતિભાવ. કંઈક બરોબર ન થયું અરતિભાવ… તમને ટેકનીક બતાવું… સરસ… ખાવા બેઠા છો… રોટલી, શાક, મીઠાઈ, નમકીન, બધું થાળીમાં આવ્યું… પણ એક શાક કારેલાનું છે. જે તમને બિલકુલ ભાવતું નથી. અને તમે મોઢું બગાડી નાંખો છો. કારેલાનું શાક. અરે ભાઈ! પણ તારે નથી ખાવું… વાટકીમાં જ છે કારેલાનું શાક, એ વાટકીને ઊંચકીને બહાર મૂકી દે. એ બિલકુલ ચોખ્ખી ને ચોખ્ખી છે. એઠી પણ તે કરી નથી. બીજું ભોજન તો તને ગમે એમ છે ને ખાઈ લે. તો કારેલાનું શાક કેમ આવ્યું… કેમ આવ્યું… કેમ આવ્યું… એમાં આખું ભોજન બગાડી નાંખ્યું. આ તમારા મનની હાલત છે. બધું સરસ સરસ હોય ને એક બરોબર ન થયું… આ કેમ આમ થયું? અરે પણ તારા વશમાં છે? કોઈ પણ પરિસ્થિતિ તમારા વશમાં નથી. પણ મન તો તમારા વશમાં છે કે નહિ? મન:સ્થિતિ ને બદલી નાંખો. કારેલાનું શાક નથી ભાવતું વાટકી બાજુમાં મૂકી દો… વાત પૂરી થઇ ગઈ. બીજું બધું બરોબર છે ને ખાવા માંડ. પણ તમારા ચિત્તના દરિયામાં રતિભાવની ભરતી  અરતિભાવની ઓટ સતત ચાલુ રહે છે.

મહાપુરુષોને નવાઈ લાગે છે, કે પ્રભુ શાસન મળ્યું… પ્રભુની સાધના પદ્ધતિ મળી. અને નાની નાની બાબતમાં આ સાધક મન કેમ બગાડે છે. પરિસ્થિતિ ન સુધારી શકો તો કંઈ વાંધો નહિ. અણગમતી પરિસ્થિતિ ને બાજુમાં તો મૂકી દો. એની જોડે કટ ઓફ સંબંધ કરી નાંખો. આ નથી ગમતું તો બાજુમાં મૂકી દે. પણ ગમતી સાત વસ્તુ છે. અણગમતી એક વસ્તુ છે. એ અણગમતી વસ્તુ તમારા મનને એટલું તો ઘેરી લે છે…કે સાત ગમતી વસ્તુનો test તમે ચુકી જાવ છો.

તો ખરેખર આ સાધના જે આપણે ઘુંટીએ છીએ… એ તમને ક્યાં સુધી લઇ જાય… તમને સ્વયં સંપૂર્ણતાનો બોધ આપે. અને પ્રભુની કૃપા કે એટલો સ્વયં સંપૂર્ણતા નો બોધ થયો છે… કે શરીરને જોઈએ છે… મારા શિષ્યો સેવા એટલી જ સારી કરે છે… શરીરને જોઈએ છે એના કરતાં પણ સારું મળી જાય છે… મારે કાંઈ જ જોઈતું નથી. કોઈ પણ મુનિ શાતામાં છે કેમ? એને કંઈ જોઈતું નથી માટે… મુનિરાજ વહોરવા આવે ને તમારા ત્યાં… તમે બધી જ વસ્તુ offer કરો.. સાહેબ શું કહે! ખપ નથી… આ એક સૂત્ર આવડી જાય ને કામ પૂરું તમારું… આ તો કહે કે ખપ છે… ખપ છે.. ટેલીવિઝન તો છે પણ આવો ડોગલા જેવો ના ચાલે… હવે એકદમ જે છે પતલો એકદમ લાંબો – પહોળો… ખરેખર તમારે શું જોઈએ તમને ખબર છે? તમે society માટે જીવી રહ્યા છો… તમારે તમારા માટે કાંઈ જોઈતું નથી society માટે જોઈએ છે. ૨BHK નો flat છે ને નવો છે. એક દીકરો છે… બે બેડરૂમ થઇ ગયા. મહેમાન આવે તો હોલ છે. પુરતી વ્યવસ્થા છે. હવે ૫BHK નો flat શેના માટે જોઈએ છે? society ને ખુશ કરવા માટે… તો તમે કોના માટે જીવો છો? તો આ પ્રભુની સાધના આપણને સ્વયં સંપૂર્ણતા નો બોધ આપે છે અને એનું પહેલું ચરણ નિર્વિકલ્પ દશાનો અભ્યાસ.

આજે ખ્યાલ આવી ગયો વિચાર એટલે શું અને વિકલ્પ એટલે શું? પહેલા વિકલ્પોને કાઢો… વિચારો એની મેળે નીકળી જશે. તો આ એક practical માં જવાનું છે. માત્ર ચિત્તને શાંત કરીને બેસો. કોઈ વિચાર નહિ. અને તમારા એકેય વિચાર કામના હોતા નથી. ન તમારા માટે, ન બીજાના માટે… તમને ખબર છે તમારી કેટલી energy વપરાય છે. તમે વિચાર કરો… માત્ર મન active બને એટલે વિચાર ન થાય, ઉપયોગ પણ active બન્યો. જે ઉપયોગ શુદ્ધ સ્વરૂપમાં જવાનો હતો એને તમે કચરામાં લઇ ગયા. તમારી energy એ west કરી. તમારા કેટલા સમયને તમે west કર્યો. આજે માણસ મિનિટ – મિનિટનો હિસાબ કરતો હોય છે. સવારે જમતો હોય તો પણ ફટાફટ.. ઘડિયાળના કાંટાને સામે રાખીને જલ્દી ટ્રેન પકડવી છે મુંબઈમાં… મિનિટ – મિનિટનો હિસાબ કરનારા તમે એક દિવસમાં વિચારોને કારણે કેટલા કલાકો વેડફો છો. તો નિર્વિચાર દશાથી નિર્વિકલ્પ દશાથી શરૂઆત કરીને આપણે સ્વયં સંપૂર્ણતાના બોધ સુધી જવું છે… બરોબર. હવે practical કરીએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *