વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject : ચાર ચરણ ધ્યાન સાધના
- ખણં જાણાહિ પંડિએ – વર્તમાનની એક ક્ષણને ઉદાસીનદશાથી ભરી દો; ન રાગ, ન દ્વેષ, ન અહંકાર.
- જો તમે શુદ્ધ વર્તમાનમાં રહ્યા, તો પછી વિચારોનું / મનનું કોઈ પ્રયોજન નથી. પછી કૉન્શિયસ માઈન્ડ સૂતું હોય; તમે જાગૃત હોવ.
- સાધનાના ચોથા ચરણમાં કૉન્શિયસ માઈન્ડને સુવાડીને “આપણે પોતે” સ્વગુણનો અનુભવ કરીએ છીએ.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૪ – તલેગાંવ વાચના – ૮ (સવારે)
આપણી ચાર ચરણોવાલી સાધના. ત્રીજા ચરણમાં માનસ જાપ. ચોથા ચરણમાં ધ્યાનાભ્યાસ. ત્રીજા ચરણમાં આપણે શું કર્યું… મનને એક પદ પર કેન્દ્રિત કર્યું… એટલા માટે કે મન પર આપણું નિયંત્રણ આવે. મનને હું obedient servant કહું છું. આજ્ઞાંકિત સેવક. માત્ર એ મનને તમે આજ્ઞા આપતા નથી. એક નોકર બીજા નોકરને કહેશે. તો બીજો નોકર નહિ માને. Boss કહેશે તો નોકર માનશે. તમે મનની ઉપરની ભૂમિકાએ જાવ… અને મનને આજ્ઞા આપો કે તારે આ નથી કરવાનું….. તો મન તમારી વાત જરૂર સ્વીકારશે.
યોગી પુરુષોનું મન એટલું શાંત બનેલું હોય છે કે એમને કંઈ વિચારવાનું જ હોતું નથી. સતત જાગૃતિ, સતત અનુભૂતિ ચાલુ હોય છે. અને જ્યાં અનુભૂતિ છે ત્યાં વિચાર કેવો? અરે! અનુભૂતિની વાત છોડો… વર્તમાન યોગ એ તો આપણી એક સાધના છે. કોઈ પણ મુનિરાજ વહોરીને ઉપાશ્રય તરફ જતા હોય, તમે એમને કહો, સાહેબ! મારા ઘરે પધારો, લાભ આપો. એ શું કહેશે? વર્તમાનયોગ. કોઈ commitment એ નહિ આપે. હું આવું છું અથવા નહિ આવું… કોઈ commitment નહિ. વર્તમાનયોગ. એનો અર્થ એ છે. મને અત્યારની વર્તમાનની ક્ષણ જોડે સંબંધ છે. કદાચ હું ઉપાશ્રયમાં જાઉં, અને ગોચરી બધા મુનિવરોને આપતા લાગે કે ખૂટી છે તો હું વહોરવા આવી પણ શકું. ન ખૂટેલી લાગે તો ન પણ આવું. એટલે ન હા … ન ના… વર્તમાનયોગ. Even એ મુનિરાજ ગોચરી વહેંચી રહ્યા હોય, અને બહારથી કોઈ કહે, સાહેબ! મને તો આજે કંઈ લાભ મળ્યો જ નથી. તો પણ મુનિરાજ કહેશે વર્તમાનયોગ. ગોચરી વહેંચતા વહેંચતા ખૂટે એવું લાગે તો આવું પણ ખરો. ન ખૂટે તો ન પણ આવું. આ વર્તમાનયોગની સાધના માત્ર ગોચરી પૂરતી નથી. પૂરા જીવન પૂરતી છે. ભગવાનનો મુનિ કે ભગવાનની સાધ્વી વર્તમાનયોગમાં જ હોય. અને તમારે માટે પણ એ જ સાધના છે.
ભૂતકાળનો છેડો ફાટી ગયો, ભૂતકાળ ગયો, હવે યાદ કરશો તો પણ શું થવાનું? ભવિષ્યકાળ આવશે ત્યારે… અત્યારે એક વર્તમાનક્ષણ તમારી પાસે છે. એને ઉદાસીનદશાથી ભરી કાઢો.
પરમપાવન આચારાંગ સૂત્રમાં એક નાનકડું સૂત્ર ખંડ છે. ‘ખણં જાણાહિ પંડિએ’ હું એનો મુક્ત અનુવાદ એવો કરું છું. કે પ્રભુ કહે છે કે બેટા! તું મને એક ક્ષણ આપીશ? આપણે તો ઓવારી જઈએ. જીવન પૂરું પ્રભુએ આપ્યું છે. એ પ્રભુ એક ક્ષણ માંગે છે. પ્રભુ આપી. પણ એ વખતે પ્રભુ કુશળ ગુરુના રૂપમાં આવેલા છે. કુશળ ગુરુ કેવા હોય ખબર છે? તમે આંગળી આપો તો પોંચો પકડે. પોંચો આપો તો હાથ પકડે અને હાથ આપો તો આખા ને આખા ગયા તમે… પ્રભુ કહે છે, બેટા! તું બહુ ડાહ્યો… મેં માંગ્યું તેં ક્ષણ આપી દીધી. પણ તું મને જે ક્ષણ આપીશ, એ તો શુદ્ધ ક્ષણ જોઈશે. ભગવાનના ચરણે ધરાવીએ એ તો કોઈ સાદી વસ્તુ હોઈ શકે? તો શુદ્ધ ક્ષણ… એક શુદ્ધ મિનિટ… એનો અર્થ શું થયો… કે ૬૦ સેકંડ સુધી વિભાવ તમને સ્પર્શેલો ન હોય. રાગ – દ્વેષ અહંકાર કશું જ તમને સ્પર્શેલું ન હોય. ધારો કે ૫૮ સેકંડ સરસ ગઈ… ૫૯મી સેકંડે કોઈ નિમિત્ત મળી ગયું. અને તમે આસક્તિમાં કે દ્વેષમાં ગયા એ મિનિટ નકામી થઇ ગઈ. આજે એક try કરજો કે શુદ્ધ મિનિટ કેટલી મળે છે? એક મિનિટ મળે એ પહેલા પ્રભુને આપવાની. બીજી બધી તમારે રાખવાની પણ બરોબર જાગૃતિ જોઇશે… ૫૯ સેકંડ બરોબર નીકળી ગઈ… પણ ૬૦મી સેકંડે લોચો પડ્યો… તો આખી મિનિટ નકામી થઇ ગઈ. તો આ વર્તમાનયોગ થયો.
શંકરાચાર્યએ કહ્યું છે અતીતાનનુસંધાનમ્ ભવિષ્યન્ અવિચારણમ્ ઔદાસીન્યમ્ અપિપ્રાપ્તે આ વર્તમાનયોગ. અતીતાનનુસંધાનમ્ ભૂતકાળ ગયો એને યાદ નહિ કરવાનો ભવિષ્યન્ અવિચારણમ્ – ભવિષ્યકાળનો વિચાર નહિ. ઔદાસીન્યમ્ અપિપ્રાપ્તે જે મિનિટ, જે સેકંડ મળી છે….. એને પણ ઉદાસીન દશાથી ભરી દેવી. ન રાગ , ન દ્વેષ, ન અહંકાર… આ થયો વર્તમાનયોગ. હવે વર્તમાનયોગ તમારી પાસે હોય તો પણ વિચાર ક્યાંથી આવવાનો? કારણ કે વિચાર શેનો આવે છે? કાં ભૂતકાળનો યા તો ભવિષ્યકાળનો… જે ક્ષણે તમે શુદ્ધ વર્તમાનમાં રહ્યા એ ક્ષણે તમારા મનનું મૃત્યુ થઇ ગયું. પછી મનનું કોઈ પ્રયોજન નથી. મન ભૂતકાળનું વિચાર કરે કે ભવિષ્યકાળ નો વિચાર કરે વર્તમાન એક ક્ષણ છે અને એમાં ઉદાસીનદશામાં તમે બેઠેલા છો. તો વિચાર જ નથી તો મનનું કોઈ પ્રયોજન નથી રહે.
તો ત્રીજા ચરણમાં આપણે એ ભૂમિકા ઉપર જવું છે કે મનને કેન્દ્રિત કરી દેવું છે. એટલે કે મન પર તમારું નિયંત્રણ સ્થપાઈ જાય. એ ત્રીજું ચરણ પણ તમારી પાસે બરોબર આવી ગયું… તો વર્તમાન યોગની સાધના તમને અઘરી નહિ પડે.
નાગાર્જુન બહુ મોટા બૌદ્ધ ભિક્ષુ થયા. એટલા મોટા વિદ્વાન હતા… કે ૫૦૦ કે ૧૦૦૦ ભિક્ષુઓ ભેગા થયેલા હોય… પણ જો નાગાર્જુન હોય, તો પ્રવચન અને વાચના નાગાર્જુનને જ સોંપવામાં આવે. કે ભાઈ તમે છો ત્યાં સુધી બીજું કોઈ બોલશે નહિ. એટલા એ વિદ્વાન હતા. શિષ્યો પણ એમના ઘણા. એકવાર એમને થયું કે આ સમૂહમાં રહીને હું મારી સાધનાને બરોબર નહિ કરી શકું… મારે એકાકી જવું જોઈએ. જે ગુરુ પદે હતા એમની આજ્ઞા લઇ અને એકાકી ચાલ્યા જાય છે. કોઈ ગુફામાં જાય છે. હમણાં જ અમે ઓરંગાબાદ પાસે ઈલોરાની ગુફામાં જઈને આવ્યા. બૌદ્ધ ગુફા, હિંદુ ગુફા અને જૈન ગુફા બધી બાજુ – બાજુમાં જ. એ ગુફાઓ જોતા એ વખતના મુનિઓ ઉપર ઈર્ષ્યા જાગે કે ગામથી દૂર ગુફાઓની અંદર રહેતા હશે અને સાધના કરતા હશે… કેવો એકાંતનો વૈભવ એ માણતા હશે. તો નાગાર્જુન એક ગુફા તરફ જવામાટે નીકળે છે. રસ્તામાં સાંજના સમયે એક ગામ આવ્યું… ગામમાં એક ચોરો હતો ખુલ્લો… એમાં એ રહે છે. એક કમંડલ છે લાકડાનું અને એક લાકડાનું પાત્ર છે. બાકી બે કપડાં છે બીજું તો કાંઈ છે નહિ. ખુલ્લા ચોરામાં સૂઈ ગયા. સવારે ઉઠ્યા ૪ – ૪.૩૦ એ ધ્યાનમાં ગયા… ૬.૩૦ – ૭ વાગે આંખો ખુલી જોયું તો ખ્યાલ આવ્યો કે પોતાનું પાત્ર અને કમંડલ બે ગુમ હતા. ખુલ્લો ચોરો હતો કોઈ લઇ ગયું હશે. હવે એ જ પાત્રમાં રોટલી દાળ લાવવાના છે… અને એ જ કમંડલમાં પાણી લાવવાનું છે. પણ ૬.૩૦ વાગ્યા છે. ૧૨ વાગે ભિક્ષાએ જવું છે. વર્તમાનયોગના એ સાધક હતા. ૧૨ વાગ્યાની ચિંતા તમે ૬.૩૦ એ કરો.. આવતી કાળનું રીઝર્વેશન થયું કે નહિ એની ચિંતા આજે હોય. એટલે જ તમે તણાવમાં રહો છો. આજનો યુગ stress age છે…. તણાવનો યુગ છે. પણ એનું કારણ આ જ છે. સતત ચિંતા… આનું શું કરીશું? અને આનું શું કરવાનું છે? ૧૨ વાગ્યા સુધી કોઈ ચિંતા નથી નાગાર્જુનને કદાચ ૧૨ વાગ્યા સુધીમાં કોઈ ભક્ત આવે એને ખ્યાલ પણ આવી જાય, આપી દે તો ઠીક છે. ૧૨ વાગ્યા સુધી કોઈ ન આવ્યું. વાંધો નહિ… ચાલો એમનેમ ભિક્ષાએ ઉપડીએ. વગર પાત્રે, વગર કમંડલે ચાલ્યા ભિક્ષા લેવા. પહેલો જ એક બંગલો આવે છે મોટો… બંગલાના દરવાજે એનો માલિક ઉભેલો છે. માલિક બૌદ્ધ ધર્મનો અનુયાયી છે. ચુસ્ત અનુયાયી. જ્યાં એની નજર પડી અરે! નાગાર્જુન… આટલા મોટા સંત! એ અહીંયા? એ પણ ખ્યાલ આવી ગયો, કે એકાકી સાધના માટે જઈ રહ્યા છે. સાહેબ! પધારો મારું ઘર પાવન કરો… નાગાર્જુન ઘરમાં ગયા. પેલાએ વંદના કરી… માંગલિક સાંભળ્યું… પછી કહે કે સાહેબ! લાભ આપો… હા, લાભ આપું. શ્રેષ્ઠીએ જોયું કે પાત્ર સાહેબ પાસે નથી. લાકડાનું કમંડલ તો હતું એ આપ્યું… લાકડાનું પાત્ર નથી. પણ એક સોનાનું પાત્ર હતું. ડબ્બા જેવું. હીરા જડેલા હતા. સાહેબ! આ ચાલશે? ચાલશે. એમાં રોટલી શાક બધું લઇ લીધું… એક હાથમાં આ અને એક હાથમાં આ… અને ચોરા તરફ જાય છે. એમાં એક ચોરની નજર પડી… અરે વાહ! આ બાબાજી પાસે આટલું કિંમતી પાત્ર સોનું ઝગારા મારે છે. અને એક – એક હીરો કેટલો મૂલ્યવાન છે. હવે આ એક પાત્ર મળે ને મને… તો મારું તો જિંદગીનું કામ પતી જાય. એટલે હવે આજ બીજે ક્યાંય જવું નથી. આગળ નાગાર્જુન પાછળ ચોર. નાગાર્જુન તો ચોરામાં ગયા. વિધિ કરી. ભોજન કર્યું. પેલો ચોર પાછળની ભીંતની પાસે જઈને બેસી ગયો. નાગાર્જુન તો મહાન ચકોર માણસ હતા. ચોર પાછળ આવતો હતો પણ ખબર પડી ગયેલી કે ચોર છે. પાછળ બેઠેલો છે એ પણ ખબર હતી. ભોજન થઇ ગયું. પાત્ર સાફ કર્યું. પછી પોતે ઉભા થયા. ભીંતની પાછળ પેલો હતો ચોર… તો હાથ લંબાવીને કહ્યું, લે ભઈલા! લઇ જા આ પાત્ર. આમેય તારા જ કામનું છે હવે… મારે તો આવતી કાલે બીજો કોઈક મળી જશે. ચોર તો રાજી – રાજી થઇ ગયો. પગમાં પડ્યો… આખરે તો ભારતનો ચોર હતો ને… ભારતના ચોરોની પાસે પણ નિયમો હતા હો! આજે શાહુકારો પાસે છે કે નહિ મને ખબર નથી.
વનરાજ ચાવડાની વાત આવે છે, કે એ જ્યારે ઘરો લૂંટવા માટે જાય છે. એક ઘરમાં ગયા ભૂખ્યા હતા પોતે કોથળા જોયા… ખાંડના કોથળા હતા એમ માન્યું બુરું ખાંડ… હાથમાં લીધું મોઢામાં મુક્યું, મીઠું હતું… તરત જ સાથીઓને કહી દીધું. ચાલો! પાછા આ ઘરનું મીઠું ખવાઈ ગયું હવે લૂણ હરામ આપણાથી થવાય નહિ. આ ઘરનું કંઈ ખપે નહિ હવે….. ચોરને પણ નિયમ હતા.
તો ચોર પગમાં પડ્યો… અને એણે કહ્યું: ચોર છું આટલું બધું મળી ગયું છે ચોરી કરવાની જરૂર નથી. પણ આદત ચોરીની છે. એટલે ક્યારેક ચોરી કરીશ તો ખરો જ… એટલે ચોરી ન કરવાનો નિયમ નહિ આપતા… બીજો કોઈ નિયમ આપો. કારણ કે સાધુ પાસેથી ખાલી હાથે જવાય નહિ. તો નાગાર્જુને કહ્યું: જે કરે તે હોંશથી કરજે. પેલો કહે: આમાં તો શું વાંધો છે… અઠવાડિયું તો ચાલ્યું પાત્ર વેચી નાંખ્યું. ખૂબ પૈસા આવ્યા… અઢળક પૈસા, અઠવાડિયું થયું અને પાછું પેલી આદત ?? માણસ ચોરી કરવા રાત્રે નીકળ્યો… ચોરી કરેલી એ દિવસે બરોબર એ ઘર પાસે પહોંચી પણ ગયો. અને ત્યાં પેલો નિયમ યાદ આવ્યો. કે જે કરો એ હોંશપૂર્વક કરવાનું. અને તરત જ એને થયું કે હવે ચોરી શા માટે કરું? જિંદગી સુધી હું ખાઉં… મારા દિકરાઓ ખાય તો પણ ખૂટે નહિ એટલું મળી ગયું છે. અને એ જમાનાનું સામ્રાજ્ય, એ જમાનાના રાજાઓ… ચોર જો પકડાઈ ગયો તો સીધો જ ફાંસીના માંચડે ચડાવી દે. તો આટલો ભય, જાનનું જોખમ વહોરીને શા માટે ચોરી કરવી… હોંશ આવી ગયો. ઘરે પહોંચી ગયો. ચોરી ન કરી. પણ નાગાર્જુન પાસે કેવો વર્તમાનયોગ હતો. ૬.૩૦ વાગ્યા જોયું પાત્ર નથી, કમંડલ નથી… કંઈ વાંધો નહિ… ૧૨ વાગે વાત.. ૧૨ વાગે નથી મળ્યું, ચાલો એમનેમ… આવતી ક્ષણની ચિંતા નહિ. આ વર્તમાનયોગ.
તો વર્તમાનયોગમાં તમે આવો.. તો પણ તમારા મન ઉપર નિયંત્રણ આવી જશે. હવે ચોથા ચરણમાં આપણે શું કરવું છે… અઘરામાં અઘરું ચોથું ચરણ છે. કારણ કે તમે મનની સાથે જ જીવી રહ્યા છો. અને મનના બે કામ છે. સતત વિચાર્યા કરવું. થાકી જવાય ત્યારે ઊંઘી જવું. બે કામ છે એના… આપણે ત્રીજું કામ આપવું છે હોંશમાં રહેવું. જાગૃત રહેવું. તો ચોથા ચરણમાં પૂર્ણ જાગૃતિ રાખવાની છે. વિચારો જે છે ને એ તમને બેહોશીમાં પટકે છે. આજનો મનોવૈજ્ઞાનિક કહે છે તમારું મન કંઈ રીતે કામ કરે છે તમને કહું… આજે મોટી – મોટી કંપનીઓ જાહેરાતોમાં કરોડો રૂપિયા ખર્ચે છે. એક production આવવાનું છે હજુ… આવ્યું નથી. આવે એ પહેલા એડ્સ નો મારો ચાલુ થઇ જાય છે. અને જાહેરાતોનું બજેટ કરોડો રૂપિયાનું હોય છે. એના નિષ્ણાંત માણસો જાહેરાતો તૈયાર કરે છે. અને એ મીડિયા ઉપર જાય છે. એ ટી.વી. ને paper ને તમે વાંચો છો, જુઓ છો, અને તમારા મનમાં એક સંપ્રેક્ષણ ચાલુ થઇ જાય છે. કે ટુથપેસ્ટ તો આજ સારી. ટુથબ્રશ તો આ જ સારો. હજુ આવ્યું નથી market માં… તમારા unconscious mind સુધી એ નાનામાં નાની વસ્તુ ટુથપેસ્ટ કે ટુથબ્રશ ઘુસી જય છે. પછી એ માણસ દુકાન પર જાય છે… ઓફીસે જાય છે ત્યારે પૂછે છે કે આ ટુથપેસ્ટ મને આપો. આ વિચારોનું કામ. એટલે મનોવૈજ્ઞાનિકો કહે છે કે જાહેરાતોમાં પેલી કંપની કરોડો રૂપિયા ખર્ચે છે એ નકામા નથી જતા, કેમ? કારણ કરોડો માણસોના મનની અંદર પોતાનું જે production છે એ ઘુસાડી દે છે. અને પછી એ માણસો એ જ production ને લેતા શીખી જાય છે. પછી એ લોકો શું કરે? બીજી ટુથપેસ્ટો કરતાં બીજા ટુથ બ્રશ કે બીજી કોઈ સામગ્રી કરતાં ઓછો ભાવ રાખે. તમે એના આધીન બનો ને ધીરે ધીરે ભાવ વધતો જાય. તો તમારું મન વિચારોને આધીન થઈને પરપદાર્થોમાં જાય છે એનો લાભ – ગેરલાભ એ લોકો લઇ જઈ રહ્યા છે. તો આ રીતે તમારા મનમાં કેટલાય નકામાં પદાર્થો ને કંપનીઓ ભરી રહી છે. સાવ નકામા પદાર્થો જે ખરેખર જરૂરી નથી.
રશિયાના બહુ સારા લેખક Gorbachev અમેરિકા ગયેલા. તો પ્રસિદ્ધ લેખક હતા. રશિયામાં સામ્યવાદ એ વખતે અને એ વખતે બહુ સાદગીની વસ્તુઓ ત્યાં… અમેરિકામાં એકદમ hi – fi વસ્તુઓ… અમેરિકન અધિકારીઓ જે હતા, એ લેખકની આજુબાજુમાં અને અમેરિકાની બધી જ વસ્તુઓ દેખાડે… એમાં એક mall માં લઇ ગયા. એટલી બધી સામગ્રીઓનો ખડકલો. આખો mall દેખાડ્યો. નીચે ઉતર્યા. Gorbachev ગાડીમાં બેઠા. એક અધિકારીએ પૂછ્યું: સાહેબ! કેવો લાગ્યો mall? Gorbachev કહે છે બહુ મજા આવી. એટલે પેલો ખુશ થઇ ગયો કે અમારો mall જોઈ અને આ રશિયન લેખક ખુશ થઇ ગયા. સાહેબ! ખરેખર ખુશ થઇ ગયા તમે? અરે બહુ ખુશ થયો. કારણ આજે મને સમજાણું કે આટલી બધી વસ્તુઓ મારી પાસે નથી અને હું સુખી છું. પણ એનું કારણ આ છે કે આટલી બધી વસ્તુઓ દુનિયામાં હોય છે. અને ગાંડા માણસો આટલી બધી વસ્તુઓ વાપરતાં હોય છે. અને આમાંની એકેય વસ્તુ મારી પાસે નથી. અને હું સુખી છું. તમે તો મુનિવરોને જોયા કોઈ દિવસ… આ રીતે? એકદમ આનંદમાં… એકદમ મજામાં… અને કાંઈ નથી પાસે. ઉપાશ્રય પણ તમારો…
તો ચોથા ચરણમાં આપણે શું કરવું છે…. conscious mind ને બાજુમાં મૂકવું છે… આ એક બહુ સરસ સાધના છે… conscious mind દ્વારા તમે કંઈ પણ સાંભળશો, કંઈ પણ જોશો તો અનુવાદ conscious mind જ કરશે એટલે અનુવાદ આખો ખોટો થવાનો છે. Computer જે છે એમાં feeding ખોટું થયું… સમીકરણો જેને ખોટા આપ્યા… તો computer જે તમને દાખલા આપશે એ ખોટા જ ગણીને આપશે. ૨ + ૨ = ૫… તમે આ feeding કર્યું હવે જેટલા દાખલા તમે આપશો… એ ખોટા જ આવવાના છે.
તો તમારા conscious mind માં ખોટું feeding થયેલું છે. અને ખોટું feeding થયેલું હોવાને કારણે બધા જ દાખલા ખોટા આવવાના છે. કારણ પહેલી જ વાત ખોટું સમીકરણ. જેમ પદાર્થો વધારે એમ સુખ વધુ. પૈસા વધારે એમ સુખ વધુ. અમારી પાસે તો અબજોપતિ આવે છે. બિચારા એટલા હેરાન છે આજે… રાત્રે કોલબેલ વાગે ને તો Et વાળા આવ્યા કે IT વાળા આવ્યા. હમણાં તો બેયનો ત્રાસ જોરદાર છે. બહુ પૈસા તમારી પાસે તો Et વાળા… નહીતર IT વાળા તો છે જ… છતાં આ બધું જોવા છતાં તમારા મનમાં ખોટું સમીકરણ જે થયેલું છે એ એમજ અકબંધ રહે છે. આટલા પ્રવચનો ત્યાગ ઉપરના સાંભળ્યા પણ તમારા conscious mind નું computer એક જ દાખલો તમને ગણીને આપશે. કે એ જેટલા પદાર્થ વધારે…. એટલું સુખ વધારે. જેટલા પૈસા વધારે એટલું સુખ વધારે કેમ? તો હવે આપણે શું કરવું પડે… એક conscious mind ને ઉચકીને બાજુમાં મૂકી દેવું. એના માટે ઘણી બધી યુક્તિઓ આપણી સાધના પદ્ધતિમાં છે.
શિવસૂત્ર ભારતીય યોગસૂત્રોમાં બહુ સારું ગણાય છે. પાર્વતીજીએ પ્રશ્નો પૂછ્યા છે અને મહાદેવજી એના જવાબો આપે છે.. તો એક પ્રશ્ન પાર્વતીજી એ કર્યો છે કે યોગમાં પ્રવેશવું હોય તો પ્રવેશદ્વાર કયું… ત્યારે મહાદેવજી એ સૂત્ર આપ્યું… ‘વિસ્મયો યોગભૂમિકા.’ વિસ્મય, આશ્ચર્ય એ જ યોગમાં પ્રવેશવાનું દ્વાર છે. તમે જુઓ સામાન્યતયા રોજ તમે જે ગામમાં, જે સંઘમાં છો… દેરાસરે દર્શન કરીને આવ્યા. કદાચ પા કલાક વહેલાસર રોકાયેલા. પૂછવામાં આવે આજે આંગી કેવી હતી…? તમને યાદ નહિ હોય… અરે પા કલાક તું દેરાસરમાં રહ્યો. પ્રભુને તે જોયા છે અને આંગી કઈ હતી તને ખબર નથી. પણ આ બને છે… પણ ક્યાંક તમે તીર્થમાં ગયા. ભોંયરાની અંદર બહુ જ મોટા પ્રભુ તમે જોયા… ઓહો! આટલા મોટા ભગવાન! આ આશ્ચર્ય થયું. આશ્ચર્ય થાય ત્યારે conscious mind થોડી ક્ષણો માટે બાજુમાં જતું રહે. અને એ વખતે તમે હોવ છો. conscious mind બાજુમાં, તમે હોવ ત્યારે દર્શનનો અનુભવ થાય.
ચોથા ચરણમાં આપણે આ રીતે અનુભવ કરવાનો હોય છે. કોઈપણ રીતે conscious mind ને થકવું… conscious mind ને આશ્ચર્યમાં લઇ જાઓ… ગુર્જિએફ આજના યુગના યોગાચાર્ય. એક સાંજે એક સાધક એમની પાસે આવ્યો. એને સાધના દીક્ષા જોઈતી હતી. એણે કહ્યું ગુરુદેવ મને સાધના દીક્ષા આપો. કોઈ પણ સદ્ગુરુ face reading master હોય… તમે તમારી સાધનાની વાત કરો… એ તમારા તરફ ખૂલતી વાત છે. સદ્ગુરુ તો તમારા ચહેરાને જોઇને તમારી સાધનાનું stand point નક્કી કરી દે. તો ગુર્જિએફને ખ્યાલ આવી ગયો… કે આ માણસ નું મન ચંચળ છે. મન સ્થિર ન થાય ત્યાં સુધી સાધના કઈ રીતે અપાય? તો conscious mind ને બાજુમાં મુકવા માટે ગુર્જિએફે એક સરસ પ્રયોગ કર્યો. એમણે પેલા સાધકને કહ્યું કે આ hall, આપણે બેઠા છીએ એ નવો બની રહ્યો છે. આ એક બિંબ ઉપરનો જે છે એ સુથારો ગોઠવતાં હતા. પણ બરોબર centre માં આવ્યું નથી. Time થયો ને એ લોકો જતા રહ્યા છે. તું જરા ઉપર ચડ. આપણે બિંબ ને સરખું ગોઠવી દઈએ. પેલો ઉપર ચડ્યો. સરખો બેસી ગયો. હવે નીચેથી ગુર્જિએફ કહે છે… right લે… પેલાએ જમણું ખેંચ્યું… ગુર્જિએફ કહે! અરે, વધુ જમણું આવી ગયું. થોડું જ ખેંચવાનું હતું. હવે ડાબું લે… પેલાએ ડાબું લીધું, થોડું વધારે લે… થોડું વધારે લીધું અને વધારે આવી ગયું. Centre માં નહિ આવ્યું. એમ ડાબું – જમણું, ડાબું – જમણું કરાવતાં રહ્યા. હવે મનને માટે આ નીરસ પ્રવૃત્તિ હતી. એટલે ઊંઘ આવે જ… આવી જાય ને? તમને ઊંઘ ક્યાં આવે? ઓફિસમાં આવે કે વ્યાખ્યાન હોલ માં આવે? ક્યાં આવે? ધ્યાન કરતા પણ ઊંઘ આવે… તો ડાબું – જમણું, ડાબું – જમણું, ડાબું – જમણું કરતા જ રહેવાનું સહેજ પેલાને ઊંઘ આવી… ગુર્જિએફ જોઈ રહ્યા છે. સૂએ છે. પડે એવો નહોતો. સૂવા દીધો. પાંચ મિનિટ સૂવા દીધો. અને ઊંઘ પણ એને જોરદાર આવી ગઈ. આખા દિવસનો થાકેલો હતો. તો ઊંઘમાં શું થયું? conscious mind સૂઈ ગયું. Freshness, ઊંઘ પછી તમને કેમ આવે છે? ખ્યાલ આવે તમારું મન સૂઈ જાય છે માટે… વિકલ્પો એટલા બધા કરેલા હોય છે આખા દિવસમાં કે મન થાકેલું હોય છે. તમે સૂઈ જાઓ, મન પણ સૂઈ જાય. conscious mind સૂઈ જાય. એટલે વિચારો બંધ થયેલા હોય. વિચારો બંધ થયેલા હોય એટલે તાજગી મળી જાય.
એટલે આપણે ત્યાં એક એવી સાધના આપી છે.. કે conscious mind સૂતેલું હોય તમે જાગતા હોવ. આજની યૌગિક ભાષામાં એને conscious sleep કહે છે. આપણે ત્યાં તમે પૌષધ કરેલો હોય, રાત્રિ પૌષધ. સંથારા પોરિસીના સૂત્રો બોલો તો એમાં આવશે ‘અતરંત પમજ્જએ ભૂમિમ્’ – એનો અર્થ એ છે કે રાત્રે ઊંઘની અંદર પણ શરીરનું પડખું બદલવું હશે… તો ચરવળાથી મારા શરીરનો એ ભાગ અને મારા સંથારાનો એ ભાગ પૂંજાઈ જશે. conscious mind સૂતેલું હશે. શરીર સૂતેલું હશે અને તમે જાગતા હશો.
તો પેલો સૂઈ ગયો ૫ મિનિટ અને ગુર્જિએફે નીચેથી બૂમ પાડી. એ શું કરે છે… પેલાએ આંખ ખોલી… હવે એક બહુ મજાની વાત એ છે કે તમે જાગી જશો. આંખો ખુલ્લી હશે પણ તમારું conscious mind એને ચાલુ થતાં થોડી સેકંડો લાગે છે. તમે જોજો, અજાણી જગ્યાએ તમે ગયેલા હોવ… રાત્રે બાથરૂમ માટે તમે ઉઠો… ઉઠી પણ જાવ તમે light પણ કરેલી હોય… પણ તમે ક્યાં છો, બાથરૂમ કઈ બાજુ આવ્યું… એ તરત તમને ખ્યાલ નહિ આવે. થોડી સેકંડો થશે… મન activate થશે.. ત્યારે તમને ખ્યાલ આવશે હા, હું કાલ સાંજે અહીં આવેલો. આ ગામ છે મારા વેવાઈ નું ઘર છે. બાથરૂમ આ બાજુ છે. અમારે આવું જ થાય.. સાંજે ક્યાંક ગયેલા હોય… રાત્રે સૂઈ ગયા, ઉઠી જઈએ… દંડાસન હાથમાં આવી જાય. પણ મન activate ન થાય. Conscious માંથી… એ કઈ બાજુ જવાનું છે ખ્યાલ ન આવે. થોડી સેકંડોમાં conscious mind activate થાય એટલે ખ્યાલ આવે કે અહીં જવાનું છે. તો એ જે ક્ષણો છે ને એ બહુ મૂલ્યવાન છે. કે conscious mind છે નહિ. બાજુમાં છે અને તમે જાગતા છો. તમે ઊંઘેલા હતા એ ક્ષણનું કોઈ મહત્વ નહોતું. તમે જાગો છો. અને conscious mind સૂતેલું છે… આ ક્ષણો સાધના માટે બહુ મહત્વની.. કે એ વખતે તમને સાધના આપી શકાય. નહીતર તો આપવી કોને? સવાલ એ થાય. તમે તો હોતા જ નથી. તમે હોવ છો ક્યાંય? conscious mind જ હોય છે. તમારું conscious mind શું કરે ખબર છે? એક પ્રવચનકાર મહાત્માએ તમને ગમતી વાત એક કરી… જોઈ લો પ્રવચન પૂરું થયું… દસ જણાને તમે કહેવાના, જોયું હું નહોતો કહેતો… એ જ વાત મ.સા. એ કહી કે નહિ? આ કોણે સાંભળ્યું? તમારા અહંકારે… બીજી ૯૯ વાત મ.સા. એ કહી… ઉપરથી ગઈ… આ એક વાત તમારા અહંકારને સ્પર્શે કે… હા, હું જે કહું છું ને એ વાત મ.સા. એ કહી.
એટલે ખરેખર અમે વ્યાખ્યાન માટે બેસીએ ને ત્યારે પહેલો પ્રશ્ન અમને એમ થાય કે અમારે કોની સામે વ્યાખ્યાન આપવાનું? એટલે મેં ગઈ કાલે કહેલું કે અડધો કલાક તમે ધ્યાનમાં બેઠેલા હોવ, અને પછી અમે મંગલાચરણ કરીએ… તો એ શબ્દો કદાચ અંદર જશે. કે conscious mind બાજુમાં ગયેલું છે. તમે પોતે છો અને તમને અમે કંઈક કહીએ છીએ. તમારી જોડે વાત કરવાની મજા આવે ને! તમારા મન જોડે વાત કરવાની શું મજા આવે? એટલે અમારી એક પહેલી પરંપરા હતી… અમારા મહાપુરુષો હતા ને એ શરૂઆત કરે ત્યારે કહેતાં ભાગ્યશાળીઓ એ એટલા માટે કે હાજર છો ને? ખાલી શરીરને બેસાડી દીધું એવું તો નથી ને? શરીરને બેસાડવું સહેલું, મનને બેસાડવું બહુ અઘરું.
ચીનમાં બે દાર્શનિકો બહુ મોટા બહુ જ મોટા પંડિતો… અને બે લગભગ ૭૫ થી ૮૦ વર્ષની ઉંમરના અને એટલે પૂરા ચીનમાં એ બંને વિદ્વાનો લોકોને માટે પૂજનીય. પણ એટલા મોટા વિદ્વાનો હતા… કે એમને કોઈ એવા સવાલો ન થાય કે એકબીજાને એકબીજા પાસે જવું પડે. એટલે બંને ને ત્યાં વિદ્યાર્થીઓ આવતાં હોય. હવે એ જમાનાના વિદ્વાનો બહુ જ સાદગી ભર્યું જીવન જીવે. નાનકડી ઝૂંપડી કે ઘર હોય, એકાદ આસન હોય એમને બેસવા માટે, બાકી કોઈ રાચ -રચીલું હોય નહિ. એકવાર એવું બન્યું કે બીજા વિદ્વાન જે હતા… એ આ વિદ્વાનના ઘર પાસેથી નીકળ્યા… તો અચાનક થયું કે ચાલો! આમના ઘર પાસેથી નીકળું છું… તો મળતો જાઉં. એટલે મળવા માટે આવ્યા. આ વિદ્વાન સૂમસામ ખુશ થઇ ગયા… ઓહો! તમે મારા ત્યાં? પણ હવે એમનું શરીર એવું ગંઠાઈ ગયેલું કે ઉભા પણ થઇ શકતા નહોતા. આમ બેઠા બેઠા આસન ઉપર બેઠા બેઠા હાથ લાંબો કર્યો. હાથ જોડ્યા. ખૂબ પ્રેમથી આદર – સત્કાર કર્યો. હવે પેલા જે વિદ્વાન હતા.. એમનું શરીર સારું હતું… બેસી શકે એમ હતા. પણ એટલા મોટા વિદ્વાન હતા કે જ્યાં પણ જાય ત્યાં એમના માટે સિંહાસન જ હોય. આ વિદ્વાન ને થયું કે મારા અતિથિ છે મારે એમને આસન આપવું જોઈએ. બને તો મારું આસન ખાલી કરીને મારે એમને આપવું જોઈએ. મારા અતિથિ છે, વિદ્વાન છે. તો પોતે ઉભા પણ થઇ શકે એમ નથી. અને એ વખતે એકેય વિદ્યાર્થી નથી. કે જેને કહીને બાજુના ઘરમાંથી પણ ખુરશી મંગાવી શકાય. પેલા વિદ્વાને પણ જોયું કે ખુરશી – બુરશી ઘરમાં કાંઈ નથી. નીચે બેસી તો ગયા… પણ થોડું Unconvenient તો લાગે ને આટલા મોટા વિદ્વાન માટે… આ વિદ્વાને જોયું કે છૂટકો નથી. કોઈ વિદ્યાર્થી હોત તો જરૂર આસન મંગાવી દેત. ઘરમાં તો છે નહિ. પછી પ્રેમથી કહ્યું આપનું શરીર તો બેસી રહ્યું છે હવે મનને પણ બેસાડી દો આપણે વાતો શરૂ કરીએ. તમને પણ એ જ કહું ને શરીરને તો બેસાડી દીધું છે હવે મનને પણ બેસાડી દો.
તો ચોથા ચરણમાં આપણે શું કરીએ છીએ… બહુ જ મહત્વનું ચોથું ચરણ છે. કે conscious mind બાજુમાં ગયું.. કેમ કે એનો કોઈ ઉપયોગ નથી. કોઈ પણ વિચાર કરવો હોય તો મનનો ઉપયોગ… પણ વિચાર જ કરવો નથી તો… યોગી પુરુષો જે સતત અનુભૂતિની ધારામાં હોય છે… જેમને વિચાર કરવો જ નથી… તો જેમ તીર્થંકર પ્રભુ છે એ સર્વજ્ઞ છે… તો મન તો છે જ નહિ. પણ તીર્થંકર પ્રભુ પણ દ્રવ્ય મનનો ઉપયોગ કરે છે. અનુત્તરવાસી દેવ જિનાગમ વાંચી રહ્યો છે. વાંચતા વાંચતા એને સવાલ થાય છે એ મનમાં પ્રશ્ન કરે છે. તીર્થંકર પ્રભુ એના મનના વિચારોને વાંચે છે. હવે પ્રભુ તો ત્રિકાળ નું બધું જ જોઈ રહ્યા છે. હવે એ દેવને જવાબ આપવા માટે પ્રભુ શું કરે? દ્રવ્ય મનનો ઉપયોગ કરે… બાકી પ્રભુને પોતાને મનનો કોઈ ઉપયોગ નથી. બીજાને માટે મનનો ઉપયોગ… અને એ પણ દ્રવ્ય મનનો… તો આ રીતે ચોથા ચરણમાં ધ્યાનાભ્યાસ કરીએ છીએ ત્યારે conscious mind ને બાજુમાં મૂકી દો. કારણ કે અનુભવ કોને કરવો છે? સમભાવનો અનુભવ કરવો છે એ અનુભવ conscious mind કરવાનો નથી. એને તો રાગ – દ્વેષનો અનુભવ છે એને અહંકારનો અનુભવ છે. એને આનો અનુભવ જ નથી ક્યાંથી કરશે? એટલે ચોથા ચરણમાં conscious mind ને બાજુમાં મૂકીને આપણે સીધો જ સમભાવનો અનુભવ કરીએ છીએ. હજુ થોડીક ઊંડી વાતો છે ચોથા ચરણની.. એ બપોરના સેશનમાં કહીશ. હવે આજે અત્યારે practical કરશું એટલે થોડું ચોથું ચરણ પકડાશે. ચાલો! હવે આપણી ભૂલ શું છે કે હું કહું કે ચાલો practical એટલે તમે તરત શરીરને ટટ્ટાર કરશો. પણ મંગલાચરણ શરૂ થયું.. ત્યારથી જ શરીર ટટ્ટાર કેમ ન હતું? અને માત્ર અહીંયા જ નહિ… તમે ઘરે ક્યાંય પણ જાવ… ક્યાંય પણ બેઠા હોવ… શરીર આમ જ હોય. SPINAL CHORD જે છે કરોડરજ્જુ એને અમારી યૌગિક ભાષામાં મેરૂ દંડ કહે છે. મેરૂ ક્યારેય ઝૂકે….? તો તમારા બધાના મેરૂ કેમ ઝૂકેલા હોય છે. ચાલો શરીર ટટ્ટાર….આંખો બંધ….