વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject : Beyond the mind
- કૉન્શિયસ માઈન્ડ માત્ર સમાજથી પ્રભાવિત થઈને – આ સારું અને આ ખરાબ – એવા વર્તુળમાં ફર્યા કરે છે; આપણા અસ્તિત્વના સ્તર સુધી એની પહોંચ નથી.
- એટલે માત્ર કૉન્શિયસ માઇન્ડના સ્તર સુધી જ રહેતાં એવા શ્રવણ કે ચિંતન અસ્તિત્વના સ્તરે રહેલા દોષોને દૂર કરી શકતાં નથી.
- વિષય લગન કી અગન બુઝાવત, તુમ ગુણ “અનુભવ” ધારા – સાધનાના ચોથા ચરણમાં આપણે કૉન્શિયસ માઇન્ડને બાજુએ મૂકીને જે-તે દોષના (રાગ / દ્વેષ) વિરોધી ગુણની (વીતરાગદશા / સમભાવ) “અનુભૂતિ” માં જઈએ છીએ.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૪ – તલેગાંવ વાચના – ૯ (સાંજે)
ચોથા ચરણમાં આપણે beyond the mind જવું છે. Conscious mind ની ક્ષમતા બહુ જ ઓછી છે. Conscious mind આપણું એક વર્તુળમાં ચાલ્યા કરે છે. જે વર્તુળનો એને અનુભવ છે. આ સારું અને આ ખરાબ.. આ Conscious mind માં fix થઇ ગયું પછી એ પ્રમાણે એ ચાલ્યા કરશે. એટલે જેને આપણે vision કહીએ એ vision Conscious mind પાસે નથી. આપણે જ્યારે આપણી ભીતર જવું છે… અને આપણો પોતાનો આસ્વાદ લેવો છે, આપણી પોતાની અનુભૂતિ કરવી છે, ત્યારે Conscious mind નકામું છે. તો ચોથા ચરણમાં વિચાર પણ કશો કરવો નથી. એથી એનો કોઈ ઉપયોગ પણ નથી. ઉપયોગ ભલે નથી, પણ એને બાજુમાં મૂકવું કઈ રીતે? આપણી પરંપરામાં આપણે ૨ સ્તર સ્વીકારીએ છીએ.. એક જ્ઞાત મનનું સ્તર એટલે કે Conscious mind નું લેવલ. અને બીજું અસ્તિત્વનું સ્તર આ એક બહુ જ મહત્વની વાત છે. તમે જે પણ સાધના કરો… એ સાધના Conscious mind ના લેવલની હશે તો શું થશે?
આ જન્મમાં એક માણસ પ્રોફેસર છે… ધૂંઆધાર લેક્ચરર છે. Expired થયો. બીજા જન્મમાં માણસ રૂપે જન્મ્યો. એ ૪ – ૪.૩૦ વર્ષનો થાય અને એને એ.બી.સી.ડી. શીખવાડવી પડે છે. ગયા જન્મનું શીખેલું ક્યાં ગયું? એ Conscious mind નું હતું એટલે ખતમ થઇ ગયું. પણ એ નાનકડું બાળક પણ રમકડું પડેલું હોય ને મોઢામાં નાંખે છે. આહાર સંજ્ઞા એની પાસે અસ્તિત્વના સ્તરની છે. તો સંજ્ઞાઓ રાગ – દ્વેષ અહંકાર આ બધું જ ક્યાં છે? અસ્તિત્વના સ્તર પર… આપણે સાધનાને ક્યાં લઇ ગયા? શબ્દો સુધી. શરીર સુધી, બહુ, બહુ તો Conscious mind સુધી. દુશ્મન ભોયરામાં છે બંકરમાં… સૈનિક બહાર ભડાકા કરે તો શું થાય…
એટલે શીતલનાથ ભગવાનના સ્તવનમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે કહ્યું કે “વિષય લગનકી અગન બુઝાવત તુમ ગુણ અનુભવ ધારા” રાગની આગ, આપણું અસ્તિત્વ આખું લપેટાઈ ગયું છે. પણ એને બુઝાવવા માટે શું કરવું? રાગની આગ પૂરા અસ્તિત્વમાં લાગેલી છે. આ ગમે…. આ ગમે…. આ ગમે.. એ આગને બુઝાવવા માટે શું કરવું… તો એમણે કહ્યું, તુમ ગુણ અનુભવ ધારા – પ્રભુના ગુણોનું શ્રવણ કરો તો એથી પેલી આગ મટે નહિ, રાગનાં ચિંતનથી પણ કંઈ ન થાય. કારણ કે શ્રવણ અને ચિંતન એ Conscious mind ના લેવલમાં છે. માત્ર અનુભૂતિ જ કામ આવશે. એટલે વીતરાગદશાની અનુભૂતિ આંશિક રૂપે પણ તમારી પાસે આવે તો જ રાગ જાય. એટલે અત્યાર સુધી આપણે શું કર્યું? માત્ર ધર્મને સાંભળ્યો. બહુ, બહુ તો સાધના ઉપર ચિંતન કર્યું. Conscious mind ના લેવલ થી. શરીરના સ્તર પર એ સાધના કરી. પણ રાગ – દ્વેષ અને અહંકાર જે અસ્તિત્વના સ્તર પર છે ત્યાં તો આપણી સાધના ગઈ જ નહિ. તમારી એક પણ સાધના અસ્તિત્વના સ્તર સુધી ગઈ છે? ક્ષમા, ક્ષમા ક્યાં સુધી છે? ભાદરવા સુદ ચોથ. સંવત્સરી પ્રતિક્રમણ… મિચ્છામિ દુક્કડમ્ એમાં પણ દૂર ખૂણામાં મિત્ર બેઠો હોય ને એને આમ હાથ લંબાઈ – લંબાઈને મિચ્છામિ દુક્કડમ્ કરશે. અને બાજુમાં કોઈ બેઠું છે એની જોડે અબોલા છે…. એની જોડે આ કામ નહિ કરે…
તો તમારે રાગને કાઢવો છે તો વીતરાગદશાની આંશિક પણ અનુભૂતિ જોઇશે… દ્વેષને કાઢવો છે તો સમભાવની આંશિક અનુભૂતિ જોઇશે…
માઁ આનંદમયી હિંદુ યોગીઓમાં બહુ મોટું નામ છે. રામકૃષ્ણ પરમહંસ અને રમણ મહર્ષિ જેવા સંતોની જોડે આવે એવું નામ, આનંદમયી માઁ નું હતું. એ આનંદમયી માઁ નો એક ભક્ત ૨૦ – ૨૦ વર્ષથી માઁ ની પાસે આવતો. એકવાર એ માઁ ની પાસે આવ્યો ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો…. એણે કહ્યું કે માઁ ૨૦ – ૨૦ વર્ષથી તારી પાસે આવું છું અને છતાં મારા રાગમાં, દ્વેષમાં, અહંકારમાં કોઈ ફરક પડ્યો નહિ… તો માઁ મારે શરમાવાનું કે તારે શરમાવાનું? તમે સદ્ગુરુને પૂછી શકો. હું તો સાધકોને મારા letter head પર ગેરેંટી કાર્ડ આપું છું. મને લાગે કે આ સાધક કે આ સાધિકા બિલકુલ સમર્પિત છે સદ્ગુરુ ચેતનાને… તો એને હું ગેરેંટી કાર્ડ આપું છું કે પાંચ વર્ષે કે સાત વર્ષે તારી સાધના અહીં આવીને ઉભેલી હશે. અને એને કહું છું. કે આ letter head સાચવીને રાખજે. જો ૫ વર્ષે તારી સાધના અહીં ન પહોંચેલી હોય તો મારી પાસે આ letter head લઈને આવજે. અમે લોકો જવાબદાર છીએ. એ સિવાય totally surrender. We are ever ready. તમે સંપૂર્ણતયા સમર્પિત છો, તો સદ્ગુરુ ચેતના તમને મોક્ષે લઇ જવાની બાહેંધરી આપી શકે છે. અને તમે જો સમર્પિત નથી, તો ગમે તેવા સદ્ગુરુ હોય એમના હાથ બંધાયેલા છે. We can’t do anything. એક સમર્પણ તમારી પાસે છે. પછી અમે સાધના બતાવીશું તમે સાધના કરશો. અને કરશો તો result મળવાનું જ છે.
તો તમે જો સદ્ગુરુને સમર્પિત છો… તો સદ્ગુરુ તમને બિલકુલ બાહેંધરી આપવા તૈયાર છે. ચોથા પંચસૂત્રમાં હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું “આયઓ ગુરુબહુમાણો” સદ્ગુરુ પ્રત્યે બહુમાન આવી ગયું આ રહ્યો મોક્ષ. ગુરુ પ્રત્યે બહુમાન આવ્યું, સદ્ગુરુની આજ્ઞા પ્રત્યે બહુમાન આવ્યું. એ આજ્ઞાનું પાલન થયું મોક્ષ આ રહ્યો.
પેલો ભક્ત ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. કે માઁ ૨૦ – ૨૦ વર્ષથી તારી પાસે આવું છું. છતાં મારામાં કોઈ પરીવર્તન નથી, તો તારે શરમાવાનું કે મારે શરમાવાનું…? એ વખતે આનંદમયી માઁ એ કહ્યું કે બેટા! પહેલીવાર તું આવ્યો ત્યારે મેં તને કહેલું કે તું total surrender થઇ જા. તારા અહંકારને બાજુમાં મૂકી દે. તું તારા અહંકારને છોડી શકતો નથી. તું સંપૂર્ણ સમર્પિત થઇ શકતો નથી… હું શું કરી શકું? મારા હાથ બંધાયેલા છે. અહંકારનું મૃત્યુ, સંપૂર્ણ શરણાગતિ, સદ્ગુરુનું કામ શરૂ, અને સદ્ગુરુનું કામ પૂરું.
ગોરખનાથજીનું એક બહુ પ્યારું પદ છે. એ કહે છે મરો ભાઈ જોગી મરો… મરો હે જોગી મરો… મરણ હૈ મીઠો… જિસ વરણી ગોરખ મરે… કોઈ પણ એમની પાસે આવે… એક જ વાત એ કરતાં… મરી જા. તારા અહંકારનું સંપૂર્ણ મૃત્યુ એ જ તારી સાધનાની શરૂઆત. તમે જાગૃત સાધક છો. આજે રાત્રે સૂતા પહેલા તમારા વિચારોની ટેપ જોજો. હમણાં તો મૌન છે એટલે ઘણું ઓછું પકડાશે… પણ તમે ઘરે હોવ, અને રાત્રે તમારા વિચારોની આખી યાત્રાને દિવસ દરમિયાન પકડો. વહેલી સવારે ઉઠ્યા, મોડી રાત્રે સૂઈ જવું છે એ પહેલા આજની વિચારયાત્રાને પકડો. દર અડધો કલાકે, પોણો કલાકે હું આવશે… મેં આમ કર્યું ને પેલો impress થઇ ગયો. મેં આમ કહ્યું ને પેલો તો આભો જ થઇ ગયો અરે વાહ! આ વાત આ રીતે તો સાંભળી જ નહોતી. તમારા મોઢે પહેલી વાર સાંભળી. દર અડધો કલાકે, દર કલાકે તમારો હું બહાર નીકળતો હશે મેં આમ કર્યું, ને મેં આમ કહ્યું.
એટલે શાસ્ત્રોએ કહ્યું: સાધનામાં અવરોધ ૩ છે: રાગ, દ્વેષ અને અહંકાર. પણ એમાં Centre point માં અહંકાર છે. તમારો હું જે છે એને જ્યાં ગમો છે ત્યાં રાગ થાય છે, હું ને અણગમો છે ત્યાં દ્વેષ થાય છે. Centre point માં તમારો હું છે. એક હું તમારું ન નીકળ્યું અગણિત જન્મોની તમારી સાધના નિષ્ફળ ગઈ. એટલે જ આપણને નમસ્કાર મહામંત્ર આપવામાં આવ્યો છે.
આપણા યુગના મહાન સાધનામહિષી પંન્યાસ ગુરુદેવ ભદ્રંકરવિજય મ.સા કહેતાં કે નમસ્કાર મહામંત્રમાં નમો પહેલાં છે. અરિહંતાણં, સિદ્ધાણં, આયરિયાણં પછી છે. નમો તમારું ઝૂકવું ઘટિત થવું જોઈએ. એક કરોડ નવકાર ગણ્યા બહુ સરસ. ધન્યવાદ આપું તમને… પણ તમે ઝૂક્યા… ઝૂકવાનું જો ઘટિત ન થયું.. તો નમસ્કાર ભાવ તમને ન મળ્યો.. નમો… નમો… ઝૂકી જાવ. કોને ઝૂકો છો… બે નંબરની વાત છે… ઝૂકી જાવ. સંપૂર્ણ તયા ઝૂકી જાવ.
તો આનંદમયી માઁ સદ્ગુરુ છે. એમણે કહ્યું મેં તને પહેલી વારની meeting માં કહેલું કે તારા હું ને બાજુમાં મૂક. Total surrender મને થઇ જા. પછી બધી મારી જવાબદારી છે. ઘણીવાર છે ને લોકોના પત્રો આવે… પત્રોમાં છેલ્લે શું લખે? ચરણરજ ફલાણો… ફલાણો, હું એને ઓળખતો હોઉં… અહંકારનું પુતળું હોય… મને એ વાતને હસવું આવે, કે આ ચરણરજ ખરી… ધૂળ તો ખરી, પણ ૬ /દોઢની. આટલી નાની નહિ ૬ ફૂટ by દોઢ ફૂટની… એટલે મારો જો પગ આવે તો હું ઉથલી પડું.
સદ્ગુરુને પત્ર લખો , ચરણરજ લખવું સહેલું છે… ચરણરજ બની શકો એમ છો? પહેલાં પણ મેં કહેલું, સમર્પણ ક્યાં અઘરું છે? એક ગંદુ શરીર, એક ગંદુ મન, પ્રભુને આપો… સદ્ગુરુ ને આપો સામે પ્રભુ અને સદ્ગુરુ મોક્ષ આપવા તૈયાર છે. આવી grand exchange offer કોઈએ આપી હશે? તારો કચરો આપ અને સોનું લઇ જા. તો ઉપાધ્યાયજી ભગવંતે કહ્યું “વિષય લગનકી અગન બુઝાવત, તુમ ગુણ અનુભવ ધારા” અત્યાર સુધીમાં તમે આ વાત પર જઈ શક્યા નથી. બરોબર… પકડાય છે?
ભગવાનના ગુણો સાંભળ્યા… ઓળીના દિવસો છે… તમે મુંબઈમાં હોત કે પુને માં હોત, કોઈ પણ મહાત્મા પાસે ગયા હોત… તો અરિહંત પદના દિવસે અરિહંત પરમાત્માના ગુણોની વાત કરત. તમે સાંભળી લેત. પણ ઉપાધ્યાયજી મહત્વની વાત કરી રહ્યા છે. કે તમે સાંભળશો વિચારશો… એ બધું conscious mind ના લેવલ પર થશે. રાગ – દ્વેષ અહંકાર એ અસ્તિત્વના સ્તર પર છે. તો એને તો ઘસરકો પણ પહોંચવાનો નથી. જવાની વાત ક્યાં કરો છો. રાગ જવાનો ક્યાં હતો… આગ લાગી એટલે પાણી… પાણી… પાણી.. બોલો એટલે આગ બુઝાઈ જાય? અત્યાર સુધી આજ કામ કર્યું છે ને… પાણીનો વિચાર કરો એટલે આગ બુઝાઈ જાય? કે આગબંબો આવે પાણી નો force લગાવે ત્યારે આગ બુઝાય? રાગ છે તો વીતરાગદશાની આંશિક અનુભૂતિ જોઇશે. વિતરાગ પરમાત્માનું દર્શન નાનપણથી કરતા આવ્યા. ખરેખર દર્શન પણ ક્યાં થયું છે? પ્રભુની વીતરાગદશાનું દર્શન થયું?
પ્રભુએ આપેલી સાધના બેમિશાલ લાજવાબ… વ્યવહાર સાધના ક્યાંય ચૂકવાની નથી. ક્યાંય તમે આડે – અવળે ગયા ને… તો સીધી જ વાત કરશે… દર્શન કર્યા આટલા… પૂજા કરી આટલી… સામાયિક કર્યા આટલા… શું થયું? કંઈ મળ્યું નહિ ને.. છોડો… એટલે તમે એના પ્રભાવમાં આવીને કદાચ વ્યવહાર સાધનાને છોડી દેશો. આવા ઘણા મળ્યા… પ્રભુએ કહેલી વ્યવહાર સાધના અમૃત સાધના છે. અમૃત અનુષ્ઠાન. એને છોડવાનું નથી. Perfectly, properly સમજવાનું છે અને કરવાનું છે. તો હવે પ્રભુનું દર્શન કરો… ત્યારે પ્રભુના મુખ ઉપર શું દેખાય? શાસ્ત્રોએ એક સરસ વાત કહી છે નમુત્થુણં માં ‘લોગનાહાણં’ પદ આવે છે એટલે કે પરમાત્મા લોકના નાથ છે. ભવ્ય લોકના નાથ છે. લલિત વિસ્તરા હરિભદ્રસૂરિ મહારાજે બનાવેલો ગ્રંથ છે… અને એમાં એમણે બહુ જ છણાવટથી નમુત્થુણં થી જયવીયરાય, અરિહંત ચેઇઆણં સુધીના સૂત્રો ઉપર ટીકા કરી છે. તો પ્રભુ ભવ્ય લોકના નાથ છે. નાથ શું કરે? પ્રભુ કરે શું આપણા ઉપર? યોગ અને ક્ષેમ કરે… યોગ એટલે અપ્રાપ્ત સાધનાની પ્રાપ્તિ. અને ક્ષેમ એટલે કોઈ ગુણ મળેલો હતો.. કોઈ સાધના મળેલી હતી… પ્રમાદને કારણે એ થોડી ઢીલી થઇ ગઈ છે તો ફરીથી એને ઉત્તેજિત કરી આપવો એ ક્ષેમ. તો પ્રભુ યોગ અને ક્ષેમ કરે છે એટલે કે રોજ પ્રભુ પાસેથી એક નવો ગુણ તમને મળવો જોઈએ, અને એક જૂનો ગુણ ઉત્તેજિત થવો જોઈએ. હવે ત્યાં સવાલ કર્યો કે આજે જ ધારો કે આ સાધનાની શરૂઆત કરવી છે તો આજે પ્રભુ પાસે કયો ગુણ માંગવો… અથવા પ્રભુના મુખ ઉપર કયા ગુણને જોવો… તો કહેવામાં આવ્યું કે તમને જે દોષ વધુ માત્રામાં પીડે છે એનાથી વિરોધી ગુણ પ્રભુ પાસેથી માંગો. રાગ તમને પીડે છે તો વીતરાગદશાને માંગો. દ્વેષ તમને પીડે છે તો સમભાવ માંગો… અહંકાર તમને પીડે છે તો નમ્રતાને માંગો. થોડાક ઊંડાણમાં જઈએ તો લલિત વિસ્તરામાં લખ્યું કે પ્રભુ ભવ્ય લોકના નાથ છે. તો પૂછવામાં આવ્યું કે ભવ્ય લોકના જ નાથ કેમ? તો જવાબ એ આપ્યો, અભવ્ય જે છે એ પ્રભુની કરુણાને ઝીલી શકતો નથી. પ્રભુ તો કરૂણા કરે જ… પ્રભુની કરુણાની કોઈ સીમા નથી. પ્રભુની કરુણા અસીમ છે… એ જીવમાત્ર ઉપર વરસે છે. પણ અભવિ આત્મા પ્રભુની એ કરુણાને ઝીલી શકતો નથી. તમારો નંબર શેમાં આવશે ખબર? જો તમે પ્રભુની આ કરુણાને ન ઝીલી તો શું થાય? આજથી જ નક્કી કરો કે રોજ દેરાસરે જાઉં એક ગુણ મને મળવો જ જોઈએ. પ્રભુ તૈયાર છે. તો “વિષય લગનકી અગન બુઝાવત, તુમ ગુણ અનુભવ ધારા” એકદમ સ્પષ્ટ કરી નાંખ્યું, કે પ્રભુના ગુણોની અનુભૂતિની ધારામાં તમે જશો તો જ રાગ, દ્વેષ અને અહંકાર માંથી… તમને સંરક્ષણ મળી શકશે. એટલે પ્રભુની કૃપા એક સુરક્ષા ચક્ર આપે છે. એવું સુરક્ષાચક્ર કે એક સેકંડ માટે એક મિનિટ માટે તમે વિભાવમાં ન જાઓ. પણ એ સુરક્ષાચક્ર એટલે શું? આ અનુભૂતિ. Electricity તમારા ઘરોમાં છે બધું જ કામ એ કરી આપે… lift પણ એ ચલાવે એ.સી. પણ એ ચલાવે, ફ્રીજ પણ એ ચલાવે, grinder, mixer બધું જ એ ચલાવે… ફેન, લેમ્પ બધું એ જ ચલાવે. પણ તમારે એ electricity ને ઘરમાં લાવવી પડે છે… એનું જોડાણ બરોબર લેવું પડે છે… ફ્યુઝ – બ્યુઝ ઉડી ગયો… તો એના માટે બરોબર technician ને બોલાવીને વ્યવસ્થિત કરાવવું પડે છે. એમ પ્રભુની કૃપા સંપૂર્ણ સુરક્ષાચક્ર તમને આપે.. પણ એ પ્રભુની કૃપાને અનુભૂતિ રૂપે તમારે તમારા જીવનમાં અનુભવવી. એ અનુભૂતિ માટે conscious mind નું લેવલ કામ નહિ આવે. એટલે આપણે ચોથા ચરણમાં ન વિચાર.. ન મન… માત્ર અનુભૂતિ. આ સ્તર પર જઈએ છીએ.
એક બહુ સરસ ઝેન કથા છે. કારણ કે બધી જ પરંપરાઓમાં ગુરુઓને આ કામ તો કરવું જ પડે છે. તમે conscious mind લઈને જ આવો છો. અને અમને ખબર છે કે આ કચરો છે અને કચરાને બહાર ફેંકી દેવો છે. તમે એને હીરો માનીને જીવો છો. એટલે અમારે તમારા કચરાને યેન – કેન ઉપાયેન પણ ફેંકવો તો પડે જ… તો દરેક પંથમાં સદ્ગુરુઓ અલગ અલગ ટેકનીક્સ અપનાવતા હોય છે. તો એક બહુ સરસ ઝેન કથા છે. ધ્યાનમાંથી પ્રાકૃત અને પાલીમાં ઝાણ શબ્દ બન્યો અને ઝાણ માંથી ઝેન બન્યો. જાપાન, તિબેટ વગેરેમાં બૌદ્ધ ધર્મનું પ્રચલન વધારે… તો ત્યાં ઝેન પંથની શાખાઓ પણ બહુ જ વિસ્તરી છે. ઝેન કથાઓ બહુ નાનકડી હોય.. પણ એનું interpretation બહુ મજાનું હોય છે. આજે અંગ્રેજીમાં જે best seller પુસ્તકો આવે એમાં ૧૦૦ માંથી એકાદ તો ઝેન કથાઓ ઉપરનું રહેતું હોય છે. તો એક મજાની ઝેન કથા છે. એક બૌદ્ધ ગુરુ પાટ પર બેઠેલા અને એક શિષ્ય આવે છે. શિષ્ય ગુરુના ચરણોમાં વંદના કરે છે. અને પ્રશ્ન કરે છે.. કે ગુરુદેવ! ભગવાન બુદ્ધના ચહેરા ઉપર કેવી શાંતિ હશે… સવારે પણ મેં કહેલું કે સદ્ગુરુ face reading ના master હોય. તો ગુરુ સમજી ગયા કે આ પ્રશ્ન એનો પોતાનો નથી. મને પ્રભાવિત કરવા માટેનો આ પ્રશ્ન છે. અમારી પાસે ઘણા લોકો આવે બૌદ્ધિક પ્રશ્નો લઈને આવે… પણ અમે એના ચહેરા ઉપર જોઈએ એટલે ખ્યાલ આવી જાય કે આ એના અંદરથી ઉગેલો પ્રશ્ન નથી. ગુરુને પણ પ્રભાવિત કરવા માટે એકદમ બૌદ્ધિક સ્તરનો પ્રશ્ન લઈને આવેલો છે. અમને હસવું આવે પછી કે ભાઈ! દુનિયાને પ્રભાવિત કરતાં કરતા થાકી ગયો કે ગુરુને પ્રભાવિત કરવા આવી ગયો? હું સદ્ગુરુની એક વ્યાખ્યા આપતો હોઉં છું… જે કોઈને પણ પ્રભાવિત કરવા ઈચ્છે નહિ, અને પ્રભુ સિવાય સદ્ગુરુ સિવાય જે કોઈનાથી પ્રભાવિત થાય નહિ એ સદ્ગુરુ. કોઈને પણ પ્રભાવિત એમને કરવા નથી. અને કોઈનાથી પ્રભાવિત એ થાય પણ નહિ.
દેવચંદ્રજી મ.સા. ની વાત આવે છે કે સૌધર્મેન્દ્રે સીમંધર દાદાને પૂછ્યું કે અત્યારે ભરતક્ષેત્રમાં શ્રેષ્ઠ જ્ઞાની સંત કોણ છે? પ્રભુએ દેવચંદ્રજી મહારાજનું નામ લીધું. સૌધર્મેન્દ્ર દેવચંદ્રજી મહારાજના દર્શન માટે આવે છે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવે છે. પ્રવચન ચાલી રહ્યું છે દેવચંદ્રજી મહારાજનું. પાછળથી આવીને સૌધર્મેન્દ્ર બેસી જાય છે. બ્રાહ્મણનું રૂપ છે સાદા કપડાં છે. કોઈને કંઈ ખ્યાલ આવતો નથી. પણ પોતાના શ્રુત બળથી અનુભવ બળથી દેવચંદ્રજી મહારાજને ખ્યાલ આવી ગયો કે સૌધર્મેન્દ્ર છે. પણ જે રીતે બોલતાં હતા એ રીતે બોલ્યા કરે છે. ઇન્દ્ર આવ્યો છે તો એને કંઈક પ્રભાવિત કરો એવી કોઈ વાત જ નથી. તમે કોઈને પ્રભાવિત શા માટે કરો છો? એની પાસેથી તમારે કંઈ લેવું છે… હવે અહીં તો કંઈ જોઈતું જ નથી. એટલે જિનશાસનના સદ્ગુરુ કોઈને પ્રભાવિત કરે નહિ. અને કોઈનાથી પ્રભાવિત થાય નહિ.
મુંબઈ – વાલકેશ્વરમાં મારું ચોમાસું. હું morning walk માં જાઉં. એક ભાઈ મારી જોડે આવે…. મને: કહે સાહેબ! આ વાલકેશ્વરની ટેકરી ઉપર જ મહારાષ્ટ્રના બધા મીનીસ્ટરો છે. ચીફ મીનીસ્ટર થી માંડીને બધા મીનીસ્ટરો જોડે મારી ઓળખાણ છે. તમે કહો એને તમારા પ્રવચનમાં લઇ આવું… મેં કહ્યું: મારે એકેય મીનીસ્ટર જોઈએ જ નહિ. મેં કીધું મારી પ્રવચનસભામાં માત્ર શ્રોતા જોઈએ. શ્રાવક… એ મીનીસ્ટર ને પ્રવચન સાંભળવું હોય, અને જાજમ પર બેસવું હોય… તો આવી જાય… બાકી એને ખુરશી ઉપર બેસાડવો પડતો હોય, અને તમારે હાર – તોરા કરવા પડતા હોય… તો મીનીસ્ટરનું મારે કામ નથી.
પેલો શિષ્ય સદ્ગુરુને પ્રભાવિત કરવા મથે છે. ઘણીવાર તમે જોજો, પ્રવચન સભામાં મજા આવશે… કોઈ છે ને પ્રશ્ન કરશે… પ્રશ્ન કર્યા પછી એણે ગુરુદેવના મુખ સામે જોવું જોઈએ. એ પછી આજુ – બાજુ જોશે. એટલા માટે કે મેં પૂછ્યું એની લોકો ઉપર શું અસર છે? પ્રવચન સભામાં માણસ આવે તો ય બુદ્ધિ અને અહંકારને બહાર મૂકીને ન આવે.
ઝેન આશ્રમોમાં બહાર તકતી લગાવેલી હોય છે. No mind please. તમારી બુદ્ધિને મનને લઈને આવતાં નહિ ગુરુ સમજી ગયા કે મને પ્રભાવિત કરવા માટેનો પ્રશ્ન છે. અને એકદમ conscious mind ના લેવલનો છે. એના અંદર કોઈ રૂચિ નથી જાગી, કે બૌદ્ધ ભગવાનના ચહેરા ઉપર કેવી શાંતિ હશે… જરાક ગુરુને પૂછું… કારણ કે બૌદ્ધ ભગવાનની મૂર્તિને તો જોઉં છું… પણ ખરેખર બુદ્ધ ભગવાનના ચહેરા ઉપર કેવી શાંતિ હશે. એ તો ગુરુને ખ્યાલ હોય. આવી કોઈ આંતરિક રૂચિ એની પાસે નહોતી. ગુરુએ શું કર્યું બહુ મજાની વાત છે. આ રીતે પાટ પર બેઠેલા, પાછળ મોટી બારી હતી… સળિયા વગરની…. ગુરુએ પેલા શિષ્યને બોચીથી પકડ્યો. પકડીને સીધો બારીમાંથી નીચે ફેંક્યો. ગુરુને એ પણ ખ્યાલ હતો કે આઠ ફૂટ નીચે ધરતી છે એ પછડાવાનો છે. પણ નીચે રેત છે એટલે વાગવાનું નથી. પેલો ચત્તો પાટ પડ્યો હવે કેવી અણધારી ઘટના કહેવાય આ… ગુરુ પાસે તમે પ્રશ્ન પૂછવા જાવ.. ગુરુ જવાબ આપે પણ ખરા અને ન પણ આપે… પણ ગુરુ તમને પટકે એ તો કઈ વિચારેલું પણ ન હોય. જોશથી પટક્યો… પેલો ચત્તો પાટ પડ્યો છે. એટલે એકદમ અણધારી ઘટના ઘટી ને એટલે conscious mind બાજુમાં ખસી ગયું. તમે જોજો accident થાય તમારી કાર નો તમને ભલે વાગ્યું નથી… accident થયો એ moment પર તમે એકદમ વિચાર શૂન્ય બની જશો. એક મિનિટ તમને ખ્યાલ નહિ હોય… શું થયું? શું કરવું જોઈએ? કોને ફોન કરવો? કોને મનાવવો? શું કરવું? એક મિનિટ તમને બિલકુલ ખ્યાલ નહિ આવે. અણધારી ઘટના ઘટે ત્યારે મન એકદમ બાજુમાં જતું રહે છે.
આપણા ગુજરાતીઓ એના માટે શબ્દ વાપરે છે મન બહેર મારી ગયું. એટલે બહેરું થઇ ગયું… શૂન્ય થઇ ગયું. તો પેલાનું conscious mind બાજુમાં ઘૂસી ગયું. એ વખતે ગુરુએ બારીમાંથી ડોક્યુ કર્યું. પેલો ચત્તો પાટ પડ્યો છે. ગુરુએ ડોક્યુ કર્યું, પૂછ્યું: બેટા! હવે ખ્યાલ આવે છે… કે ભગવાન બુદ્ધના ચહેરા ઉપર કેવી શાંતિ હશે? પેલો કહે: હાજી! હવે ખ્યાલ આવે છે. પછી એ ઉભો પણ થયો ગુરુની ચેમ્બરમાં પણ આવ્યો. ગુરુને ઝૂકી – ઝૂકીને એણે પ્રણામ કર્યા. કે ગુરુદેવ! બહુ કૃપા કરી તમે.. તો શું થયું… અત્યાર સુધી એણે સદ્ગુરુના ચહેરા પર રહેલી શાંતિને પણ જોઈ નહોતી. તમે ક્યાં જોઈ છે બોલો… આટલા સંતોને તમે જોયા… એક પણ સંતને જોતા એમના આનંદની ઈર્ષ્યા તમને આવી છે? તમે અમને પૂછો, સાહેબ શાતામાં? અને આમ જે લયથી બોલે અરે! એકદમ શાતામાં… દેવ – ગુરુ પસાય… ત્યારે એ લય, એ આનંદ તમને સ્પર્શે છે? તમને ગમી જાય છે? ક્યારે પણ એ આનંદનું પગેરું લેવા મથામણ કરી? કે સાહેબ પાસે આટલો બધો આનંદ છે… તો એ આનંદનો અંશ શું મને શ્રાવકપણામાં ન મળી શકે? મળે… સૂત્ર એટલું જ છે દેવ – ગુરુ પસાય. તો એ દેવ – ગુરુની કૃપા તમે અનુભવો. તમને પણ આનંદ મળી જાય. કેટલું સરસ સૂત્ર આવ્યું દેવ – ગુરુ પસાય. આનંદમાં છીએ પણ એનું કારણ શરીર સ્વસ્થ છે એ નથી. ઉપાશ્રય સારો છે એ પણ નથી. પતરાવાળો ઉપાશ્રય ઉનાળામાં હોય… તો પણ દેવ – ગુરુ કૃપાથી મજામાં છીએ. એટલે અમારો જે આનંદ છે એને બહારી કોઈ પણ સાધનની અપેક્ષા નથી. અમારો આનંદ દેવ – ગુરુની કૃપાને ઝીલવામાંથી આવેલો છે. તો એ કૃપા તમે ઝીલો. તમને પણ આનંદ આવી જાય. તમે રોલ મોડલ તરીકે મૂકેશ અંબાણી ને બનાવ્યો છે. હવે આજનો માણસ મીડિયામાં વાંચે ને એક લાખ કરોડ છે એના… પછી આમ માથું ખંજવાળે ૧ લાખ કરોડ. પાંચ લાખ કરોડ ઓહોહો …. આપણે તો હજુ પાંચ કરોડ કે ૧૦ કરોડે જ પહોંચ્યા છે. આ તો પાંચ લાખ ઉપર પહોંચી ગયો. પણ તમારું રોલ મોડલ કોઈ સંતુષ્ટ શ્રાવક હોય, અથવા કોઈ મુનિ ભગવંત હોય… તો તમે કેટલા આનંદમાં હોવ… તમે નક્કી કરી લો, કેટલું જોઈએ છે… આટલું થઇ ગયું… ધંધો બંધ, wind up કરી દેવાનો… અને સાધારણમાં લાગી જવાનું. તમે અમારા જેવો આનંદ નહિ તો એ આનંદનો અંશ તો જરૂર અનુભવી શકો છો… પણ તમારે અનુભવવો છે..? જોઈએ છે? અત્યારે મળી જાય. હું તો આનંદને આપવા જ બેઠો છું.
શબ્દ તો બહાનું છે. મારે આનંદ આપવો છે. એટલે જ હું વારંવાર કહેતો હોઉં છું… કે ધર્મ એ art of living છે.
હું દિયાણા તીર્થમાં ગયેલો ત્યાં એક પ્રોફેસર મળેલા. શ્રી શ્રી રવિશંકરના art of living ના પ્રચારક હતા. મેં એમને કહ્યું શ્રી શ્રી રવિશંકરે તો હમણાં art of living ની ઉદાહરણા આપી. અમારા પ્રભુ મહાવીરે તો ૨૫૦૦ વર્ષ પહેલા art of living ની વાત કરી. ધર્મ બીજું કાંઈ જ નથી. Art of living. ખરેખર એ સાધના તમારી પાસે આવે ત્યારે તમારો ચહેરો પણ આનંદથી પુલકિત થઇ જાય.
તો અત્યાર સુધી પેલા ભિક્ષુએ ગુરુને વંદન કરેલા પણ ગુરુના ચહેરા પરની શાંતિને જોયેલી નહિ. કારણ કે દર્શન conscious mind થી કરેલ હતું. પ્રભુનું દર્શન કઈ રીતે કરો છો? આ આંખથી પ્રભુનું દર્શન થશે. એટલે આપણે ત્યાં એક પ્રાર્થના આવે છે… “તમને નિરખું નાથ નિરંજન એવી આપો આંખો” પ્રભુ મને એવી આંખો આપો કે હું તમને જોઈ શકું. મારી પાસે આંખો છે પરંતુ એ out of space ને જોઈ શકે એવી આખો છે. ઇનર space ને જોઈ શકે એવી… પ્રભુ! તને જોઈ શકે એવી આંખો મારી પાસે નથી. એટલે જ હજુ સુધી પ્રભુની મૂર્તિ જ દેખાણી છે. પ્રભુ દેખાયા જ નથી. મોટા ભગવાન હતા… એકદમ શ્યામ… ગિરનારના નેમિનાથ દાદા જેવા હતા. એટલે કદ જોયું… રંગ જોયો.. શું જોયું? પ્રભુને ક્યાં જોયા છે…!
શંખેશ્વરમાં શિબિર હતી. એકવાર મેં સાધકોને પૂછ્યું કે આપણે રોજ દાદા પાસે જઈએ… દાદાનું દર્શન કરીએ… પછી તમે પૂજા વિગેરે પણ કરો… તો દાદાએ તમને personally કંઈ કીધું ખરી? એક ભક્તે ચિટ્ઠીમાં લખીને આપ્યું કે સાહેબ! દાદાએ કંઈક કહ્યું તો હશે પણ દાદાની ભાષા પલ્લે પડી નહિ. આપ જ અમને કહો, દાદાએ શું કહ્યું? મેં કહ્યું: દાદા પોતાના મુખથી, પોતાની શરીરની મુદ્રાથી કહી રહ્યા હતા કે હું સ્વમાં ડૂબેલો છું. તું પણ સ્વમાં ડૂબી જા. બોલો! આ પ્રભુએ કહેલું. બોલો! સાંભળ્યું નહોતું તમે? રોજ સવારે જઈએ છીએ પાર્શ્વનાથ દાદા પાસે. શું કહે છે દાદા… હું સ્વમાં બેઠેલો છું.. તું પણ સ્વમાં બેસી જા. એટલે જ દેવચંદ્રજી મહારાજે કહ્યું “પ્રભુ મુદ્રાને યોગ પ્રભુ પ્રભુતા લખે હો લાલ, એ પ્રભુની મુદ્રા તમને જોતા આવડે… પ્રભુની મુખમુદ્રા કે પ્રભુની પૂરી શરીરની મુદ્રા તમને જોતા આવડે તો પ્રભુની પ્રભુતા શું છે એનો તમને ખ્યાલ આવે. તો પેલો શિષ્ય ચત્તો પાટ પડ્યો… conscious mind બાજુમાં ખસી ગયેલું… એણે પોતે ગુરુના ચહેરાને જોયો… અને ગુરુના ચહેરા ઉપર રહેલ શાંતિને જોઈ. અને એને થયું કે ગુરુના ચહેરા ઉપર આટલી શાંતિ છે તો બુદ્ધના ચહેરા ઉપર તો કેવી શાંતિ હશે. ખ્યાલ આવી ગયો એને… અને એણે ગુરુનો આભાર માન્યો. કે આપે મને સરસ રીતે સમજાવ્યો. હું તમને આ રીતે નહિ સમજાવું હો… પટકીશ નહિ તમને..
તો ચોથું ચરણ આના માટે છે, કે conscious mind નથી અને તમે છો. હવે તમે જ છો તો વિચાર ક્યાં છે…. તમે જ છો તો અનુભૂતિ રહેવાની.. આપણે સમભાવની અનુભૂતિ કરવી છે તો શરૂઆતથી શું કર્યું? ક્રોધને વિસર્જિત કર્યો. સમભાવના આંદોલનો લીધા. પણ એ જ રીતે આપણે રાગને વિસર્જિત કરવો હોય તો વીતરાગદશાના આંદોલનો લઈએ અને રાગને વિસર્જિત કરીએ. આપણે આપણા અહંકારને વિસર્જિત કરવો હોય… તો શ્વાસ છોડીએ ત્યારે અહંકારને બહાર કાઢીએ… અને નમ્રતાના આંદોલનો ને ભીતર લઇ જઈએ. એ અહંકાર તમે જે છોડશો. એ negative ઉર્જા જે છે એમાં જતો રહેશે. Positive ઉર્જા બિલકુલ અલગ રહેવાની. Negative ઉર્જા બિલકુલ અલગ રહેવાની. એની ટેલીવિઝનની frequency ઓ અલગ રહેવાની. એક frequency બીજી frequency માં મળતી નથી. કારણ તરંગ લંબાઈ અલગ અલગ હોય છે. હવે આ જ વાતાવરણમાં છીએ પણ એ તરંગ લંબાઈના જે આંદોલનો છે એ એકબીજા સાથે સેળભેળ નથી થતા. એમ positive ઉર્જા અને negative ઉર્જા એ સેળભેળ નથી થતી. બે અલગ જ રહે છે. એટલે સતત positive ઉર્જામાં આપણે રહીએ તો કેટલી મજા આવી જાય.
આજે સૌથી મોટો રોગ હોય લોકોનો તો negativity નો છે. આજે psychiatrists નો ધંધો બહુ મોટો ચાલે છે એનું કારણ આ જ કે લોકો negativity થી પીડાય છે. એટલે મનોવૈજ્ઞાનિક પાસે જ જવાના. લોકો psychiatrists પાસે જ જવાના. તો પ્રભુએ આપણને કેટલી મજાની સાધના આપી છે. તો ચોથા ચરણમાં આપણે અનુભૂતિમાં જતા રહીએ છીએ… કોઈ વિચાર નથી. કશું જ નથી. conscious mind બાજુમાં જતું રહ્યું. માત્ર તમે સમભાવની અનુભૂતિ કરો. Actually તમારે તમારા સામયિકમાં રોજ આ સમભાવની અનુભૂતિ કરવાની હોય છે. આ practical શીખીને જાવ… એ રોજના સામયિકમાં તમે અમલમાં મૂકજો. તો હવે આપણે practical શરૂ કરીએ.