સ્વામી તુમે કાંઈ કામણ કીધું
( રચયિતા: ઉપા. યશોવિજયજી )
- ચિતડું અમારું ચોરી લીધું – પરમાત્મા મનોહર છે. એમને જોતાં એવો આનંદ થાય કે આશ્ચર્યની અને આનંદની એ ક્ષણોમાં કૉન્શિયસ માઈન્ડ બાજુમાં ખસી જાય.
- મન વૈકુંઠ અકુંઠિત ભગતે – ભક્તની ભક્તિ જ્યારે અકુંઠિત (નિરપેક્ષ) બની જાય છે, ત્યારે એનું મન પ્રભુની પધરામણીના કારણે સ્વર્ગ જેવું, મોક્ષ જેવું આનંદથી ભરપૂર બની જાય છે.
- ક્ષીર નીર પરે તુમશું મિલશું – દૂધની અંદર પાણી જે રીતે મળી જાય એ રીતે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનો અભેદ કરીને પ્રભુની ચેતનામાં આપણી ચેતનાને ઓગાળી દેવી છે.
મહા – મહોપાધ્યાય યશોવિજય મહારાજા આવા એક સરસ જિનાલયમાં પધાર્યા. પરમાત્માના રૂપને જોતા તેઓ ભાવ – વિભોર બની ગયા. કેવું પરમાત્માનું રૂપ! “કોટિ દેવ મિલકર ન કર સકે, એક અંગૂષ્ઠ રૂપ પ્રતિછંદ, એસો અદ્ભુત રૂપ તિહારો, માનો વર્ષત અમૃત કે બુંદ” કરોડો દેવો ભેગા થાય, અને પોતાના રૂપના જથ્થાને એક્કઠો કરે, તો પણ એ રૂપ પ્રભુના ચરણના અંગુઠા જેવું થતું નથી. આવું રૂપનું extreme point પરમાત્મા.
એ પરમાત્માનું દર્શન થતાં પહેલી જે અનુભૂતિ થઇ, એમની વાત એમણે કરી, “સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિતડું અમારું ચોરી લીધું” પ્રભુને આપણે મનોહર કહીએ છીએ. મનોહર શબ્દના બે અર્થો – એક તો મનોહર એટલે સુંદર. મનોભાવન. બીજો અર્થ છે, મનને છું કરી દે તેવું, અદ્રશ્ય કરી દે તેવું રૂપ પ્રભુનું છે. પરમાત્માને જોતાં એટલો તો આનંદ થયો કે આશ્ચર્યની અને આનંદની એ ક્ષણોમાં conscious mind બાજુમાં ખસી ગયું.
“સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિતડું અમારું ચોરી લીધું” આવી જ ઘટના પ્રભુ મહાવીરદેવના જન્માભિષેક વખતે મેરૂપર્વત પર ઘટેલી. મેરૂ અભિષેક પછી ઇન્દ્રાણી માતા પ્રભુના પરમ પાવન મુખને લુછી રહ્યા છે. લુછવા માટે ઇન્દ્રાણી માતા પ્રભુની એકદમ નજીક આવેલા છે. એ વખતે પ્રભુનુ એ રૂપ જોતા આશ્ચર્ય થાય છે. એ આશ્ચર્યની જોડે જોડે આનંદ રસ ભીતર ઉતરે છે. બહુ મજાની ઘટના ઘટી. આનંદની ધારાને કારણે આંખોમાંથી હર્ષના આંસુની ધારા નીકળે છે. ભીનાશ ઇન્દ્રાણીમાઁની આંખોમાં છે. એટલે એ વારંવાર પ્રભુના મુખ ઉપર વસ્ત્ર ફેરવ્યા કરે છે. “સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિતડું અમારું ચોરી લીધું”
પછી એ મન બાજુમાં તો ગયું. એ મનની અંદર પ્રભુનું પ્રતિબિંબ કેવું પડ્યું… તો બહુ મજાની વાત લખે છે. “મન વૈકુંઠ અકુંઠિત ભક્તે,” ભક્તની ભક્તિ જ્યારે નિરપેક્ષ બની જાય છે. કોઈ પણ અપેક્ષા વિનાની ત્યારે એનું મન પ્રભુની પધરામણીને કારણે સ્વર્ગ જેવું, મોક્ષ જેવું આનંદથી ભરપૂર બની જાય છે.
આનંદઘનજી ભગવંતે નિરૂપાધિક ભક્તિની વાત કરી. “પ્રીત સગાઇ રે નિરૂપાધિક કહી રે, સોપાધિક ધન ખોય” એ નિરૂપાધિક ભક્તિ એટલે પણ નિરપેક્ષ ભક્તિ. કોઈ પણ અપેક્ષા વગરની પ્રીતિ. પ્રભુ હું તારી ભક્તિ કરું…. તું મને આપ… એ તો સોદાબાજી થઇ. એ અપેક્ષા, એ ઉપાધિ. ભક્તિમાં ઉપાધિ જોઈતી નથી. આનંદઘનજી ભગવંત જેને નિરૂપાધિક ભક્તિ કહે છે. દેવચંદ્રજી ભગવંત એને નિર્વિષ પ્રીતિ કહે છે. પ્રભુની પ્રીતમાં ઈચ્છાનું ઝેર પડવું ન જોઈએ.
પહેલા સ્તવનમાં દેવચંદ્રજી ભગવંતે કહ્યું “કરવી નિર્વિષ પ્રીતડી, કીણ ભાતે હો કહો બને બનાવ” તો નિરૂપાધિક ભક્તિ કહો, નિર્વિષ ભક્તિ કહો, કે અકુંઠિત ભક્તિ કહો વાત એક જ છે. એ ધારાને હવે આગળ ચલાવવી છે. મનના આનંદ સુધી સીમિત રહેવું નથી. અસ્તિત્વના સ્તરનો આનંદ જોઈએ છે. એના માટે શું થવું જોઈએ, પ્રભુની ચેતનામાં આપણી ચેતના ભળી જવી જોઈએ. તો છેલ્લી કડીમાં કહે છે “ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે, ક્ષીર નીર પરે તુમશું મળશું, વાચક યશ કહે હેજે હળશું” પ્રભુ છે ધ્યેય, આપણે છીએ ધ્યાતા, ધ્યાન કરનારા, આપણી ચેતના પ્રભુ સુધી જાય એના માટે વચ્ચેનો જે માર્ગ છે વચ્ચેનો જે પુલ છે એનું નામ છે ધ્યાન. તો ધ્યાતા ધ્યાનના પુલ ઉપર ચાલીને પોતાની ચેતનાને ધ્યેયમાં ઓગાળી દે છે. ધ્યાનનો એક જ હેતુ છે. કે એ વખતે પ્રભુની ચેતનામાં આપણી ચેતના ભળી જાય. એને અભેદ અનુભૂતિ કહેવાય.
વિચાર તો કરો, પ્રભુ જે અનંત આનંદને માણી રહ્યા હોય, એ આનંદને યત્કિંચિત્ માણવાનું ભાગ્ય આપણને મળે એ કેટલી મોટી વાત છે. તો ઉપાધ્યાયજી ભગવંત કહે છે ક્ષીર નીર પરે તુમશું મળશું – પ્રભુ તને હું અત્યાર સુધી મળ્યો પણ કેવી રીતે… નદીમાં પત્થર નાંખીએ એ રીતે. નદી હોય કે દરિયો, પત્થર નાંખ્યો એ પત્થર કંઈ ઓગળવાનો નથી. મારે તો તારી સાથે એવું મિલન કરવું છે કે દુધમાં પાણી નાંખી, હવે એ પાણીને છુટું પાડો પાછળથી, પાણીની identity ખતમ થઇ ગઈ. તો દુધની અંદર પાણી જે રીતે મળી જાય, એ રીતે પ્રભુ તારી ચેતનામાં મારે મારી ચેતનાને ઓગાળી દેવી છે. આપણે થોડી મિનિટો માટે ધ્યાન અભ્યાસ કરીએ એ ધ્યાન અભ્યાસનો હેતુ એક જ છે. કે પ્રભુની ચેતનામાં થોડીક ક્ષણો પૂર્તિ પણ મારી ચેતના ઓગળી જાય. પ્રભુના અસ્તિત્વમાં જે પ્રશમ રસ છે એ પ્રશમ રસની થોડી અનુભૂતિ મને પણ મળી જાય. તો ચાલો! પ્રભુના ચરણોમાં આ એક મજાની પ્રક્રિયા શરૂ કરીએ, અને થોડી ક્ષણો માટે આપણી ચેતનાને પ્રભુમય બનાવીએ.
શરીર ટટ્ટાર …. આંખો બંધ…. ધીરે ધીરે શ્વાસ લો…. ધીરે ધીરે શ્વાસ છોડો…..શ્વાસ ઊંડો… શ્વાસ પૂરો…. પૂરો શ્વાસ લો… પૂરો શ્વાસ બહાર કાઢો …. આ છે દ્રવ્ય પ્રાણાયામ. આપણી સાધનાનું પહેલું ચરણ છે ભાવ પ્રાણાયામ. આપણી ચેતનાને આપણે પ્રભુમાં ઓગાળવી છે. તો પ્રભુના દેહમાંથી જે પ્રશમ રસ નીકળી રહ્યો છે. એ પ્રશમ રસને, એ સમભાવના રસને શ્વાસ લઈએ ત્યારે અંદર લઇ જવો છે. અને શ્વાસ બહાર કાઢીએ ત્યારે ક્રોધને બહાર કાઢવો છે. થોડી મિનિટો ભાવ પ્રાણાયામ.
શરીર ટટ્ટાર …. આંખો બંધ…. એક પણ વિચાર નહિ. અઢી મિનિટ ભાવ પ્રાણાયામ. શ્વાસ લેવાય છે suggestion આપેલું હોવાને કારણે પ્રશમ રસના આંદોલનો જે પ્રભુના દેહમાંથી નીકળી રહ્યા છે. એ તમારી ભીતર જઈ રહ્યા છે અને ક્રોધના આંદોલનો બહાર વિસર્જિત થઇ રહ્યા છે. આપણી આજુબાજુ positive energy પણ છે, negative energy પણ છે. ક્રોધના આંદોલનો છોડીશું એ negative energy માં જતા રહેશે. Positive energy બિલકુલ અલગ રહે છે. Negative energy બિલકુલ અલગ રહે છે. એક મિનિટ ભાવ પ્રાણાયામ. ૩૦ સેકંડ…. શ્વાસ લેવાય રહ્યો છે, શ્વાસ છોડાઈ રહ્યો છે. એ પ્રક્રિયાના પણ તમે દ્રષ્ટા છો. બીજું ચરણ ભાષ્ય જાપ – “તિત્થયરા મે પસીયંતુ” ત્રીજું ચરણ માનસ જાપ – આ જ પદનો મનમાં એકદમ એકાગ્રતાપૂર્વક જાપ કરો. પ્રભુના પ્રસાદને આપણે ઝીલવો છે. આપણી ચેતનાને પ્રભુમય બનાવવી છે. એના માટે મનને આપણે સ્થિર કરી રહ્યા છીએ. શરીર જેમ સ્થિર બન્યું, એમ મનને પણ સ્થિર બનાવો. તમારી સામે એક જ પદ છે – “તિત્થયરા મે પસીયંતુ” તમારું મન એ પદને છોડીને બીજે ક્યાંય જવું ન જોઇએ. શરીર ટટ્ટાર…. આંખો બંધ…. શરીર અને મન તમારા obedient servant છે. તમે જેવું કહેશો એવું કરશે. પણ order તમારે આપવાનો છે. એક જાગૃતિ કે શરીર ટટ્ટાર હોવું જ જોઈએ. એક પણ વિચાર જોઈતો નથી. એક વિચાર આવી ગયો. તો પણ બે ઊંડા શ્વાસ લો. અને એ શ્વાસ ને ઝડપથી છોડો. વિચાર છૂટી જશે. ઊંઘ આવી જાય તો આંખ ખોલી દો. આંખ ખોલો – આંખ પટપટાવો. ફરી આંખ બંધ કરી દો. જેટલી તમારી જાગૃતિ વધુ હશે. એટલું જ તમને result મળશે. બાકી જો મન ફર્યા જ કરશે તો સાધનાનું result નહિ મળે.
અઢી મિનિટ માનસ જાપ. તમે જપ ઘણો કર્યો છે નમસ્કાર મહામંત્ર નો પણ હોઠ જાપ કરે, મન કયાંય ફરતું હોય. મનને એકદમ સ્થિર કરો… તમારી સામે કોઈ ઘટના અત્યારે નથી. એક જ ઘટના છે “તિત્થયરા મે પસીયંતુ” અને એ ઘટનામાં તમારે તમારા મનને, તમારી ચેતનાને, પૂરેપૂરું ડૂબાડવાનું છે. એ પદમાં તમે ડૂબી શકશો તો જ ચોથા ચરણમાં પ્રભુની પ્રશમ રસમય ચેતનામાં ડૂબી શકશો. એક મિનિટ માનસ જાપ. ૨૦ સેકંડ સઘન માનસ જાપ.
ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. હવે “તિત્થયરા મે પસીયંતુ” પદને મૂકી દો. હવે આપણું લક્ષ્ય એક જ છે. કે જે મન આપણું એકદમ એકાગ્ર થયું છે. એને પ્રભુમય કરી દઈએ. એ મનમાં પ્રભુનું અવતરણ થાય. એ ચેતનામાં પ્રભુનું અવતરણ થાય. પ્રભુ તૈયાર છે. યા તો તમે તમારી ચેતના પ્રભુમાં ડૂબાડો. યા તો તમારી ચેતનામાં પ્રભુનું અવતરણ થાય. એના માટે બીજું કાંઈ જ કરવાનું નથી. તમે relax થઈને બેઠા છો. એક પણ વિચાર આવતો નથી. અને વિચારની સરહદ જ્યાં પૂરી થાય ત્યાંથી અનુભૂતિ શરૂ થશે. વિચાર બિલ્કુલ નથી. હવે પ્રભુના પ્રશમ રસનો અનુભવ કરવો છે. આપણો પ્રશમ રસ બહુ જ નાનકડો છે. ઝરણા જેટલો. પ્રભુનો પ્રશમ રસ દરિયા જેવો છે. આપણે આપણા ઝરણાને પ્રશમ રસના ઝરણાને, પ્રભુના પ્રશમ રસના સમુદ્રમાં ભેળવવાનો છે. આ છે અભેદ મિલન. અત્યાર સુધી પ્રભુ પાસે આવ્યા. પણ પ્રભુને મળ્યા વિના જતાં રહેલા… આજે આપણે પ્રભુને મળવું છે. ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. અઢી મિનિટ સઘન અભ્યાસ. એક પણ વિચાર નહિ. ઊંઘ પણ નહિ. આ being ની સાધના છે. તમારે કરવાનું કાંઈ નથી. અત્યાર સુધી કરવાનું હતું. આ ચરણ being નું છે. તમે શાંત ચિત્તે માત્ર બેઠા છો. કાંઈ જ કરવાનું નથી, વિચાર પણ કરવાનો નથી. કશું જ કરવાનું નથી. દોઢ મિનિટ …. તમે એકદમ એકાગ્ર બનશો તો તમારી ભીતર રહેલ પ્રશમ રસનો તમને અનુભવ થશે. અને એ અનુભૂતિની ધારા લઈને , એ અનુભૂતિનું ઝરણું લઈને પ્રભુના સમુદ્રમાં આપણે વિલીન થઇ જવું છે. ૪૫ સેકંડ સઘન ધ્યાન અભ્યાસ. આંખો ખોલી શકો છો. “તિત્થયરા મે પસીયંતુ”.