Maun Dhyan Sadhana Shibir 15 – Samvedana 2

6 Views 9 Min Read

જ્યોતિ શું જ્યોત મિલત જબ ધ્યાવે
( શીતલ જિન મોહે પ્યારા
રચયિતા: ઉપા. યશોવિજયજી )

  • અહીં સુધી પ્રભુ જ આપણને લઇને આવ્યા છે. આગળ પણ સતત પ્રભુની સાથે રહેવું છે; તો એ માટે શું કરવું? પ્રભુ જ્યોતિર્મય છે. જો આપણે પણ જ્યોતિર્મય બની જઈએ, તો ક્યારેય આપણે પ્રભુથી દૂર ન થઈએ.
  • મનને એવું સ્થિર બનાવી દઈએ કે મનને પેલે પાર પહોંચી જઈને આપણે પોતાની અંદરના સમભાવનો અનુભવ કરી શકીએ.
  • અનુભૂતિની એ ક્ષણોમાં આપણે પણ જ્યોતિર્મય બની જઈશું અને જ્યોતિર્મય પ્રભુની સાથે આપણું અભેદ મિલન થશે.

પ્રભુ તે અમને અનહદ ચાહ્યા છે. વિતરાગ સ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી કહે છે “ત્વં અકારણવત્સલ” પ્રભુ તું અકારણ વત્સલ છે. હું નરક અને નિગોદમાં હતો. તને હું ઓળખી પણ શકું એમ નહોતો. કોઈ સુઝબુઝ મારી પાસે નહોતી. એ વખતે પણ તારી કરુણા મારા ઉપર ઉતરી. અને એ જ કરૂણા મને મનુષ્ય જન્મ સુધી તારા શાસનની  પ્રાપ્તિ સુધી લઇ આવી. વિતરાગ સ્તોત્રમાં જ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કહે છે – “ભવત્પ્રસાદેનૈવાહ, મિયતિં પ્રાપિતોભુવં” – પ્રભુ માત્ર ને માત્ર તારી જ કૃપાથી અહીં સુધી હું આવ્યો છું. એ જ કૃપા અનરાધાર વરસાવતા રહેજો પ્રભુ.

મહોપાધ્યાય યશોવિજય મહારાજે પ્રભુ તમારી જ સ્તવના માં કહ્યું “ઇતની ભૂમિ પ્રભુ તુમહી આણ્યો” અહીં સુધી તમે જ મને ઉચકીને લઈને આવ્યા છો. “અબ દોય ચાર ગુણઠાણ બઢાવત, લાગત હૈ કહાં તુમકો દામ” બસ છટ્ઠા, સાતમા ગુણઠાણા સુધી પ્રભુ તમે અમને લઈને આવ્યા. હવે બીજા છ ગુણઠાણા વધારી નાંખો. એટલે ૧૩મે ગુણઠાણે અમે પહોંચી જઈએ. ખુબ પ્રેમ તારો પ્રભુ માણ્યો છે.

જરૂર અમે બધા તમને પ્રેમ કરીએ છીએ. પણ તમારો જે અમારા પરનો પ્રેમ છે એની તુલનાએ અમારો આ પ્રેમ બહુ જ નાનકડો છે.

રશિયન સાહિત્યકાર Tolstoy એ એક સરસ કથા લખી છે. એક માઁ એને બે દીકરા, એક છ વર્ષનો, એક આઠ વર્ષનો. એકવાર આઠ વર્ષના દીકરાએ માઁ ને કહ્યું કે માઁ તારો પ્રેમ, એક માઁ નો પ્રેમ અજોડ જ રહેવાનો. પણ આજે મારે તને કહેવું છે કે માઁ કે તારો અમારા પરનો પ્રેમ છે એના કરતા અમારો તારા પરનો પ્રેમ superior છે. માઁ હસવા લાગી. માઁ એ પૂછ્યું: બેટા શી રીતે? દીકરાએ કહ્યું – સીધી વાત છે, તારો પ્રેમ બે દીકરામાં વહેંચાઇ જાય, અમારો પુરેપુરો પ્રેમ તને મળે. Tolstoy ની કથા અહીંયા પુરી થાય છે. આપણે એ કથાને આગળ વધારીએ… આપણી પ્રભુ રૂપી માઁ ને અગણિત બાળકો છે. અને છતાં દરેક બાળકની એ personal care કરે છે. આવા પ્યારા પ્રભુ! એ મળી તો ગયા, હવે એમના વિના રહેવાય કેમ?

મહોપાધ્યાય યશોવિજય મહારાજ સ્તવનામાં કહે છે “પારસ જિન મોહે પ્યારા” પણ આ પ્યારા પ્રભુ ક્યારે પણ છૂટી જાય એ ચાલી શકે એમ નથી. સતત એ પ્રભુની જોડે જ રહેવું છે. તો એના માટે શું કરવાનું…

એક સાધના આપી “જ્યોત શું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહિ તબ ન્યારા” જ્યોતિર્મય પરમાત્મા છે. એ જ્યોતિર્મય પરમાત્મા સાથે આપણે જ્યોતિર્મય બનીને ધ્યાન કરીએ તો એ પ્રભુથી આપણે ક્યારે પણ દૂર ન જઈએ.

બહુ મજાનું નાનકડું સાધના સૂત્ર: “જ્યોત શું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહિ તબ ન્યારા” શબ્દ પૌદ્ગલિક છે. એટલે અજ્યોતિર્મય છે. વિચાર પૌદ્ગલિક છે. અને એટલે અજ્યોતિર્મય છે. માત્ર આપણી અનુભૂતિ એ જ જ્યોતિર્મય છે. તો શું કરી શકાય?

પ્રભુ પ્રશમરસનો સમુદ્ર છે. એ પ્રભુના સમુદ્રમાં ડૂબકી લગાવવી હોય તો શું કરી શકાય? સમભાવની કોઈ સ્તવના ગાઈ લઈએ એથી કોઈ કામ થાય નહિ. સમભાવનો વિચાર કરીએ તો પણ કંઈ કામ થાય નહિ. આપણા હૃદયમાં, આપણા અસ્તિત્વમાં સમભાવનો અનુભવ થાય. ભલે એ અનુભવ ઝરણા જેટલો જ હોય. પણ એ ઝરણું પ્રવાહિત થઈને પ્રભુના પ્રશમરસના સમુદ્ર પાસે જાય, અને એ સમુદ્રની અંદર એકાકાર થઇ જાય. તો પ્રભુ સાથે આપણો અભેદ અનુભવ થઇ જાય. તો આપણે થોડી વાર એ અનુભૂતિની ક્ષણોમાં જઈએ. મનને એટલું સ્થિર બનાવી દઈએ, મનને પેલે પાર પહોંચી જઈએ. અને અંદરના સમભાવનો અનુભવ કરીએ. અનુભૂતિની એ ક્ષણોમાં આપણે પણ જ્યોતિર્મય બની જઈશું. અને જ્યોતિર્મય પ્રભુની સાથે આપણી અભેદ અનુભૂતિ થશે. “જ્યોત શું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહિ તબ ન્યારા” ચાલો પ્રભુ સાથે અભેદ અનુભવ કરીએ….

શરીર ટટ્ટાર…. આંખો બંધ… ધીમે ધીમે શ્વાસ લો…. ધીમે શ્વાસ છોડો. શ્વાસ લયબદ્ધ બને એટલે મન પણ સ્થિર બને. એટલે આપણા કાર્યોત્સર્ગ ની અંદર પણ શ્વાસનો જ પાયો છે. ચંદેસુ નિમ્મલયરાએ કાઉસ્સગ પૂરો કેમ કરવાનો? ૨૫ પદ થયા. ૨૫ શ્વાસ પ્રમાણ તમે સ્થિર રહ્યા. તો શ્વાસ ની લયબદ્ધતા દ્વારા તમે પ્રભુની અંદર ઓગળી શક્યા. હવે ભાવ પ્રાણાયામ. પ્રભુના દેહમાંથી પ્રશમ રસના આંદોલનો દરેક ક્ષણે વહી રહ્યા છે. જે ક્ષણે જ્ઞાની આચાર્ય ભગવંતે અંજનશલાકા – પ્રાણપ્રતિષ્ઠા કરી, એ સમયથી મૂર્તિ ભગવાનમાં બદલાઈ ગઈ. આચાર્ય ભગવંતે વૈશ્વિક પરમચેતના સાથે મૂર્તિનું જોડાણ કર્યું. હવે દરેક ક્ષણે મસ્તક પાસેથી એ શક્તિનું ઝરણું પ્રભુમાં દાખલ થાય છે. અને ૯ ચૈતન્ય કેન્દ્રો દ્વારા એ જ શક્તિનું ઝરણું ઉર્જાનું ઝરણું બહાર નીકળે છે. તો એ ઉર્જામાં પ્રશમરસ પણ છે. તો એ પ્રશમરસને અત્યારે આપણે આપણી અંદર દાખલ કરી રહ્યા છીએ. શ્વાસ લઈએ છીએ ત્યારે મનને એક suggestion આપો કે પ્રભુનો પ્રશમરસ મારી ભીતર પ્રવેશી રહ્યો છે. અને શ્વાસ છોડો છો ત્યારે અંદર રહેલ ક્રોધ બહાર નીકળે છે.

અને બહાર ૨ જાતની ઊર્જાઓ છે. Positive ઉર્જા, negative ઉર્જા. તો negative ઉર્જામાં એ ક્રોધ જતો રહે છે. તો ભાવ પ્રાણાયામ ૨ મિનિટ.

Suggestion આપેલું છે, પ્રશમરસ અંદર આવી રહ્યો છે. તમારે માત્ર એકાગ્ર થઈને બેસવાનું છે. શરીર ટટ્ટાર… આંખો બંધ. એક પણ વિચાર નહિ, નિદ્રા પણ નહિ. એક મિનિટ ભાવ પ્રાણાયામ.

બીજું ચરણ ભાષ્ય જાપ. “તિત્થયરા મે પસીયંતુ”

ત્રીજું ચરણ માનસ જાપ – આ જ પદનો મનમાં એકદમ એકાગ્રતાપૂર્વક જાપ કરો. તમારા મનની સામે માત્ર એક પદ છે. અને એમાં તમે તમારા મનને સ્થિર બનાવો છો. ગણધર ભગવંતે લોગસ્સ સૂત્રમાં આપેલ આ મંત્ર છે “તિત્થયરા મે પસીયંતુ” તીર્થંકર ભગવંતો આપની કૃપા મારા ઉપર ઉતરો. મન સ્થિર થશે તો પ્રભુની એ કૃપા સમભાવ રૂપે, શાંતિ રૂપે, આનંદ રૂપે આપણે માણી શકશું.

કાલે કહ્યું હતું એમ ખાસ તો નિર્વિચાર દશાના અભ્યાસ માટે પણ આ ચરણ બહુ જ જરૂરી છે. એક પદ પર મન સ્થિર બન્યું. Concentrate બન્યું. એક પણ વિચાર આવે એને હટાવી દો. અઢી મિનિટ એકદમ એકાગ્રતા. આપણું મન સતત ભૂતકાળ અને ભવિષ્યકાળમાં ફરતું હોય છે. આપણે એને એક પદ પર સ્થિર કરીને વર્તમાનમાં લાવી રહ્યા છીએ. એક પણ વિચાર ન આવે. એક મિનિટ સઘન માનસ જાપ. 

ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. હવે “તિત્થયરા મે પસીયંતુ” પદને મૂકી દો હવે આપણું લક્ષ્ય એક જ છે. કે જે મન આપણું એકદમ એકાગ્ર થયું છે. એને પ્રભુમય કરી દઈએ. એ મનમાં પ્રભુનું અવતરણ થાય. એ ચેતનામાં પ્રભુનું અવતરણ થાય. પ્રભુ તૈયાર છે. યા તો તમે તમારી ચેતના પ્રભુમાં ડૂબાડો. યા તો તમારી ચેતનામાં પ્રભુનું અવતરણ થાય. એના માટે બીજું કાંઈ જ કરવાનું નથી. તમે relax થઈને બેઠા છો. એક પણ વિચાર આવતો નથી. અને વિચારની સરહદ જ્યાં પૂરી થાય ત્યાંથી અનુભૂતિ શરૂ થશે. વિચાર બિલકુલ નથી. હવે પ્રભુના પ્રશમ રસનો અનુભવ કરવો છે. આપણો પ્રશમ રસ બહુ જ નાનકડો છે. ઝરણા જેટલો. પ્રભુનો પ્રશમ રસ દરિયા જેવો છે. આપણે આપણા ઝરણાને પ્રશમ રસના ઝરણાને, પ્રભુના પ્રશમ રસના સમુદ્રમાં ભેળવવાનો છે. આ છે અભેદ મિલન. અત્યાર સુધી પ્રભુ પાસે આવ્યા. પણ પ્રભુને મળ્યા વિના જતાં રહેલા… આજે આપણે પ્રભુને મળવું છે. ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. અઢી મિનિટ સઘન અભ્યાસ. એક પણ વિચાર નહિ. ઊંઘ પણ નહિ. આ being ની સાધના છે. તમારે કરવાનું કાંઈ નથી. અત્યાર સુધી કરવાનું હતું. આ ચરણ being નું છે. તમે શાંત ચિત્તે માત્ર બેઠા છો. કાંઈ જ કરવાનું નથી, વિચાર પણ કરવાનો નથી. કશું જ કરવાનું નથી. દોઢ મિનિટ …. તમે એકદમ એકાગ્ર બનશો તો તમારી ભીતર રહેલ પ્રશમ રસનો તમને અનુભવ થશે. અને એ અનુભૂતિની ધારા લઈને , એ અનુભૂતિનું ઝરણું લઈને પ્રભુના સમુદ્રમાં આપણે વિલીન થઇ જવું છે. માત્ર એક મિનિટ સઘન ધ્યાન અભ્યાસ. કોઈ પ્રયત્ન આયાસ નહિ. શાંતિ પકડાય તો પકડવાની, નહીતર ખાલી બેઠા રહેવાનું પણ જાગૃતિ હોવી જોઈએ. વિચારમાં ગયા કે નિદ્રામાં ગયા તો તમારી જાગૃતિ ગઈ. આંખો ખોલી શકો છો. “તિત્થયરા મે પસીયંતુ”.  

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *