Maun Dhyan Sadhana Shibir 15 – Samvedana 3

16 Views 11 Min Read

પ્રભુના પ્રાગટ્ય માટેની સજ્જતા

  • જે મન, વચન અને કાયાનાં શલ્યોથી મુક્ત થયેલી છે, તેવી ચેતના ત્રિશલા (ત્રિશલ્યાતીતા).
  • જેનાં સઘળાં કાર્યો સિદ્ધ થઇ ગયાં છે; જેનું doing સમાપ્ત થઈને જે being માં – સાક્ષીભાવમાં – આવેલી છે, તેવી ચેતના સિદ્ધાર્થ.
  • જે ચેતનામાં ત્રિશલ્યાતીતા અને સિધ્ધાર્થતા હોય, તેમાં પ્રભુનું અવતરણ થાય.

દેવાધિદેવ પરમ કરૂણા અવતાર પ્રભુ મહાવીર દેવનું આજે જન્મ કલ્યાણક.

પ્રભુનો જન્મ ક્ષત્રિયકુંડ નગરીમાં સિદ્ધાર્થ મહારાજા અને ત્રિશલા મહાદેવીને આંગણે થયો. પૂરું વિશ્વ, પૂરું બ્રહ્માંડ આનંદથી ઝૂમી ઉઠ્યું. સતત અંધકારમાં રહેતા નારકીના આત્માઓને પણ પ્રકાશ અને આનંદની અનુભૂતિ પ્રભુના કલ્યાણક ક્ષણોમાં થઇ. આજે પ્રભુને પ્રાર્થના કરીએ, કે પ્રભુ અમારી ચેતનામાં આપ પધારો. સવાલ થાય કે આપણી ચેતનાને, આપણા મનને આપણે કેવું તો વિશુદ્ધ બનાવીએ કે પ્રભુનું અવતરણ એમાં થાય. બે મજાના શબ્દો ત્રિશલા, સિદ્ધાર્થ. આપણી ચેતના ત્રિશલ્યાતીતા  બનવી જોઈએ. ત્રણ શલ્યો, ત્રણ પીડાઓ, સતત ચાલ્યા કરતી હોય છે. એનાથી આપણે પર બનીએ, તો આપણું મન ત્રિશલ્યાતીત બને. પહેલું શલ્ય મનનું, મનમાં રાગ – દ્વેષના વિચારો આવે. આપણે કર્મબંધ કરીએ. અને ભવિષ્યમાં, દુર્ગતિમાં જઈએ. એ જ રીતે બીજાને પીડા આપવાના વિચારો કરીને બીજાને પણ હેરાન કરીએ. આ જ રીતે મનનું શલ્ય છે. એમ વચનનું શલ્ય છે. વચન દ્વારા ખરાબ બોલીને આપણે આપણી દુર્ગતિ તો ઉભી કરીએ છીએ. પણ કડવા વચનો બોલીને બીજાને પણ આપણે પીડિત કરીએ. કાયાનું શલ્ય – આપણી કાયા પૂંજયા પ્રમાર્જ્યા વગર બધે જ ચાલ્યા કરતી હોય, તો જીવોની વિરાધના અને દુર્ગતિ આપણને મળે. એ જીવોને કેટલી બધી પીડા આપણે આપીએ.

તો આજે જો આપણું મન આપણે ત્રિશલ્યાતીત બનાવી શકીએ, તો પ્રભુના અવતરણ માટેની એક સજ્જતા પૂરી થઇ. બીજી સજ્જતા સિદ્ધાર્થ. અર્થ એટલે કાર્ય. જેના બધા જ કામો પૂરા થયા. જેને હવે કાંઈ જ કરવું નથી. જેનું doing હવે સમાપ્ત થયું. માત્ર being જેની પાસે છે એ સિદ્ધાર્થ એટલે સાક્ષીભાવમાં આવેલું વ્યક્તિત્વ. એ માત્ર દ્રષ્ટા જે પણ થઇ રહ્યું છે ગમા અને અણગમા ની ભાવના વગર. માત્ર જોવાની પ્રક્રિયામાં જે જાય તે સિદ્ધાર્થ. તે સાક્ષીભાવમાં ડૂબેલો. અત્યારે થોડીક ક્ષણો આપણે આપણા મનને પહેલાં ત્રિશલ્યાતીત બનાવીશું. આ મનમાં કોઈના પણ પ્રત્યે તિરસ્કારનો વિચાર ન હોય. આપણા મનમાં બીજાને પીડા આપવાનો સહેજ પણ ભાવ ન હોય. પછી આપણું વચન એવું, અને કાયયોગ સમ્યક્ પ્રયોગ તો થવાનો જ છે. મન શુદ્ધ થયું તો વચનયોગ અને કાયયોગ શુદ્ધ બનવાના જ છે. તો ધ્યાન અભ્યાસના પહેલા ચરણથી આપણે મનને શુદ્ધ કરવાની કોશિશ કરીશું. ત્રીજા ચરણમાં મનને સ્થિર કરીશું. અને ચોથા ચરણમાં સાક્ષીભાવમાં જઈશું. આ રીતે આપણી ચેતના ત્રિશલ્યાતીતા બનશે. સિદ્ધાર્થા બનશે. અને પ્રભુ તૈયાર છે.

પ્રભુ કહે છે જ્યાં ત્રિશલ્યાતીતતા હોય સિદ્ધાર્થતા હોય, ત્યાં મારું અવતરણ નક્કી છે. તો ચાલો આપણે જે સાધના કરીએ છીએ એ સાધના પણ એમાં ઉદ્દેશ્ય આપણો કરેલો છે. પહેલા મનને શુદ્ધ બનાવવું છે. અને એ રીતે આપણી ચેતનાને ત્રિશલ્યાતીતા  બનાવીશું. સ્થિર બનાવીશું, અને સાક્ષીભાવમાં લઇ જઈશું.

શરીર ટટ્ટાર… આંખો બંધ… ધીરે ધીરે શ્વાસ લો… પૂરો શ્વાસ… ઊંડો શ્વાસ… અને ધીરે ધીરે શ્વાસને છોડો…. આ દ્રવ્ય પ્રાણાયામ છે. ભાવ પ્રાણાયામમાં આપણે મનને શલ્યાતીત બનાવીશું. અને એટલે વચન યોગ અને કાયયોગ શલ્યાતીત બની જશે. અને એ રીતે આપણું મન ત્રિશલ્યાતીત બનશે.

હવે ભાવ પ્રાણાયામ… આ જિનાલયમાં બહુ જ મજાના શુભ ભાવો ઘુમરાઈ રહ્યા છે. ભક્તિની ધારામાં આવેલા ભક્તોએ છોડેલા આંદોલનો, એ આંદોલનોમાં માત્ર પ્રભુ આજ્ઞા પ્રત્યેનો આદર હતો. અને પ્રભુની આજ્ઞા છે કોઈ પણ જીવને તું ક્યારે પણ પીડા નહિ આપતો. એટલે બધાને સુખ આપવાના આંદોલનો આ જિનાલયમાં ફેલાયેલા છે. આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે એ આંદોલનોને અંદર મૂકીએ છીએ. અને આપણા મનમાં બીજા પ્રત્યેનાં જે તિરસ્કારના ભાવો છે એને શ્વાસ છોડતી વખતે બહાર કાઢીએ છીએ. તો એક- એક શ્વાસ લેવાતો જશે, અને હું બધાને સુખી કરું આ આંદોલનો અંદર જતા જશે. આ જ પ્રભુના આત્માએ ત્રણ – ત્રણ જનમ સુધી એક જ ભાવના કરેલી. “સવિ જીવ કરું શાસન રસી” બધા જ આત્માઓને મારે કલ્યાણના યાત્રી બનાવવા છે. તો એ પ્રભુનો જે ભાવ છે કે દરેકને સુખ આપવું, દરેકને આનંદ આપવો, દરેકને કલ્યાણપથના યાત્રી બનાવવા, એ ભાવને આપણે અત્યારે લઇ રહ્યા છે. બે મિનિટ મનને શલ્યાતીત બનાવવું છે. એક પણ વ્યક્તિ પ્રત્યેનો તિરસ્કાર ન રહે. બધા આત્મા પ્રત્યેનો મૈત્રીભાવ ભીતર છલકાય એવું આપણું મન અત્યારે થઇ જાય. એ મન શલ્યાતીત બન્યું. તો વચન દ્વારા કે કાયા દ્વારા આપણે કોઈને પીડા આપવાના નથી. એટલે ત્રિશલ્યાતીતતા આપણને મળી જાય.

શરીર ટટ્ટાર… આંખો બંધ… મનને માત્ર એક ભાવમાં રોકી રાખો. કે પ્રભુએ ત્રણ – ત્રણ જનમ સુધી જે ભાવના ભાવેલી એ જ ભાવનાની આંશિક ધારામાં મારે જવું છે. આ પ્રભુનો આત્મા દેવલોકમાં હતો ત્યારે પણ એમને ચેન પડતું નહોતું. ક્યારે મનુષ્યલોકમાં જાઉં કયારે તીર્થ સ્થાપુ, અને બધા જ આત્માઓને કલ્યાણ પથના યાત્રી બનાવું. એ પ્રભુના ભાવને આપણે આપણા મનમાં લઇ જઈ રહ્યા છીએ. તમને feel થવું જોઈએ કે તમારું મન બધા પ્રત્યેના પ્રેમથી ઉભરાઈ રહ્યું છે.

બીજું ચરણ ભાષ્ય જાપ. “તિત્થયરા મે પસીયંતુ”

બીજા ચરણમાં પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ તારી કૃપાથી મારું મન મૈત્રીભાવથી યુક્ત બન્યું છે. હવે મારે મારા એ જ મનમાં, કહો કે મારી ચેતનામાં સાક્ષીભાવને લાવવો છે. હું સતત કર્તાભાવમાં ડૂબેલો છું. પણ મારે મારી ચેતનાને સાક્ષીભાવમાં લઇ જવી છે. કારણ સાક્ષીભાવમાં હું જાઉં, તો જ તારું અવતરણ મારી ચેતનામાં થાય. માટે તારી કૃપાને ફરીથી યાચું છું. કે મારી આ journey મંગલમય થાય. તો બીજા ચરણમાં આ રીતે પ્રભુની કૃપાનો સ્વીકાર કરીને હવે આપણે ત્રીજા ચરણમાં જઈએ. મનના પાત્રને સ્થિર કરીએ કે જેમાં સાક્ષીભાવ પણ અવતરે અને પરમાત્માનું પણ અવતરણ થાય.

ત્રીજું ચરણ માનસ જાપ. મનમાં આ જ પદનો જાપ કરવાનો છે. એક સૂક્ષ્મ આલંબન “તિત્થયરા મે પસીયંતુ” એટલા માટે કે મન આડું – અવળું જઈ રહ્યું છે. પણ એને એક આલંબન આપ્યું હોય તો એ ત્યાં ટકી રહે. એટલે ત્રીજા ચરણમાં તો આલંબન સાથેની યાત્રા છે. ચોથા ચરણમાં તો આવું કોઈ બહારનું આલંબન પણ નહિ હોય. અને તમારે એકદમ સ્થિર રહેવાનું છે. અઢી મિનિટ માનસ જાપ. સ્થિર મન બનશે તો જ એમાં સાક્ષીભાવ આવશે. અને પ્રભુનું અવતરણ પણ થશે. બે મિનિટ મનને એકદમ સ્થિર બનાવી દો. એક મિનિટ સઘન માનસ જાપ. મન એકદમ સ્થિર બન્યું છે. એ સ્થિર મનમાં ચોથા ચરણમાં સાક્ષીભાવ નું અવતરણ અને એની સાથે પરમાત્માનું અવતરણ.

ચોથું ચરણ ધ્યાન અભ્યાસ. પ્રભુ મહાવીર દેવે સાડા બાર વર્ષ સુધી જે સાધના કરી, એ સાક્ષીભાવની સાધના હતી. પ્રભુના શરીર ઉપર ભયંકર ઉપસર્ગો થયા, પ્રભુ માત્ર એને જોતા હતા. માત્ર દ્રષ્ટા, માત્ર સાક્ષી. તો અત્યારે આપણે સાક્ષીભાવની ધારામાં જઈએ છીએ. તમારા શરીરમાં અત્યારે કશુંક થઇ રહ્યું છે, પગમાં ખાલી ચડી છે. શરીર ટટ્ટાર બેસતું નથી. પણ જે પણ ઘટના ઘટી રહી છે શરીરમાં એના સાક્ષી બની જાવ. પગમાં ખાલી ચડી છે, સહેજ પગને ઉંચો નીચો કરી દીધો પણ ફરી પાછા આપણે આપણામાં, શરીરમાં ધ્યાન આપવું નથી. તમારા જીવાતા જીવન માટે પણ આ એક અદ્ભુત વાત છે. શરીરમાં રોગ છે તમે એના ઉપર દ્રષ્ટિ ન રાખો. અને તમારા પ્રસન્ન મન ઉપર નજર રાખો તો રોગો જે છે એ એમ ને એમ મટી જાય. તો અત્યારે આપણી સાધના સાક્ષીભાવની સાધના છે.

આપણે માત્ર સાક્ષી બન્યા છીએ. શરીરના પણ સાક્ષી, શરીરમાં જે પણ બની રહ્યું છે એ બનવાનું… મારે શરીરને ટટ્ટાર રાખવું છે. મારા પગ બરોબર સ્થિર હોવા જોઈએ. કંઈક થાય છે તો થવા દો, મારે એમાં ભળવું નથી. હું માત્ર સાક્ષી છું. હું માત્ર જોનાર છું. તમારે કશું જ કરવાનું નથી. બહારની ઘટનાઓ તો આંખો બંધ થઇ એટલે લુબ્ધ થઇ જાય. પણ કોઈ ઘટના સ્મરણ દ્વારા પણ મનમાં આવે, તો તરત એને બહાર કાઢી દો. તમારે માત્ર સાક્ષી બનવાનું છે. અનુકૂળ ઘટનાનું સ્મરણ તમને રાગમાં લઇ જશે. પ્રતિકૂળ ઘટનાનું સ્મરણ તમને દ્વેષમાં લઇ જશે. અત્યારે તમે માત્ર સાક્ષી છો. મનમાં વિચાર આવે તો એને ખંખેરી નાંખો. શરીરમાં કંઈક થઇ રહ્યું છે એને માત્ર જુઓ. શરીરમાં તમારે ભળવાનું નથી. શરીર તમે નથી. શરીર દ્રશ્ય છે, તમે દ્રષ્ટા છો. તો આ સાક્ષીભાવની સાધના આપણે ઘૂંટવી છે.કોઈ વિચાર નહિ, હું સાક્ષી છું એ પણ વિચાર નથી જોઈતો. તમે સાક્ષી છો જ કર્તા રૂપે ગયા હતા એ જ ખોટા ગયા હતા. સાક્ષી હોવું, દ્રષ્ટા હોવું, એ તમારો સ્વભાવ છે. અત્યારે તમે તમારા સ્વભાવમાં જઈ રહ્યા છો. અને સીધી વાત છે. પ્રભુ સ્વભાવની ધારામાં સ્થિર થયેલા છે. તમે સ્વભાવની ધારામાં આવો, તો જ પ્રભુનું અવતરણ તમારી ભીતર થઇ શકે. માત્ર બે મિનિટ સઘન સાક્ષીભાવ.

માત્ર તમે દ્રષ્ટા છો. કશું જ કરવાનું નથી. અત્યારે તમે બેઠા છો, માત્ર being ની ધારામાં. અત્યારે તમે કાંઈ કરતા નથી. શરીર આમ તેમ થયું, ડોક આમ તેમ થઇ એને તમે જુઓ છો. તમે અત્યારે કશું જ કરતા નથી. Being માં છો. સાક્ષીભાવમાં તમે છો. છેલ્લી એક મિનિટ. બસ પ્રભુનું અવતરણ તમારી ચેતનામાં થઇ જાય. પ્રભુ કહે છે બેટા! તારું મન જો ત્રિશલ્યાતીત બન્યું છે. તું જો! સિદ્ધાર્થ સાક્ષીભાવમાં આવેલો છે. તો હું તારી ચેતનામાં આવવા માટે તૈયાર છું. પ્રભુ આપણી ચેતનામાં પધારી રહ્યા છે. કેટલી મજાની ઘટના, ત્રિલોકેશ્વર! અખિલ બ્રહ્માંડેશ્વર! પરમાત્મા આપણી ચેતનામાં પધારે. પ્રભુ આવી ગયા છે તમારી ચેતનામાં, સાક્ષીભાવની સ્વભાવની એક ધારા તમારી ભીતર ચાલી રહી છે. આજનો આખો દિવસ પ્રભુના જન્મ કલ્યાણકથી વિભૂષિત છે. તો માત્ર આ સાક્ષીભાવ અત્યારે જ રાખતા એમ નહિ, કદાચ નાસ્તો કરવા જાઓ ત્યાં પણ સાક્ષીભાવ. ચાલતા હોવ, કોઈક ક્રિયા કરતા હોવ ત્યાં પણ સાક્ષીભાવ. આજે આખો દિવસ સાક્ષીભાવને ઘૂંટવાનું કરજો. આંખો ખોલી શકો છો. “તિત્થયરા મે પસીયંતુ”.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *