વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
અહોભાવથી સાક્ષીભાવ સુધી…
- પ્રભુ પરમ વીતરાગી છે અને છતાં પ્રભુ જેવો પરમપ્રેમ દુનિયામાં કોઈ આપણને આપી શકે નહિ!
- એવા પ્રભુ પ્રત્યેના અહોભાવથી પ્રભુની આજ્ઞા પ્રત્યે અહોભાવ આવે. એના ફળસ્વરૂપ પ્રભુઆજ્ઞાના પાલનમાં આનંદ આવે.
- અહોભાવ એ સાધનાની શરૂઆત. સાક્ષીભાવ એ સાધનાનું શિખર.
પરમાર્હત્ કુમારપાળ મહારાજાએ આત્મનિંદા દ્વાત્રિંશિકાના એક શ્લોકમાં સાધનાના ચાર ચરણો આપ્યા. બે ચરણો આપણે જોયા. આજ્ઞાપાલનનો આનંદ અને અસંગદશા.
આજે બે ચરણો લેવાના છે સ્વાનુભૂતિ અને ઉદાસીનદશા. સ્વાનુભૂતિ બે રૂપે થાય. પ્રારંભિક સાધક પોતાના ગુણોની અનુભૂતિ કરે અને એ પછી ઊંચકાયેલો સાધક સ્વરૂપ દશા ની અનુભૂતિ કરે. સમભાવ એ તમારો ગુણ છે. તમે સામાયિકમાં બેસો સમભાવની અનુભૂતિ તમને થાય તો એ સ્વગુણાનુભૂતિ છે. આનંદની અનુભૂતિ થઈ તો એ પણ સ્વગુણાનુભુતિ છે. પણ તમારો ઉપયોગ અખંડાકાર થોડા સમય માટે પણ વહ્યા કરતો હોય સુખમાં કે શુદ્ધમાં તો એ તમારી સ્વરૂપ દશા નો આંશિક અનુભવ છે.
આપણે વચ્ચે વાત કરી હતી કે કર્મોથી આપણે અલિપ્ત છીએ, કર્મો પૌદ્ગલિક ઘટના છે, આત્મા જ્યોતિર્મય ઘટના છે, પુદ્ગલ, પુદ્ગલ સાથે જોડાઈ શકે. પુદ્ગલ આત્મા સાથે ક્યારેય પણ જોડાઈ ન શકે. આત્મા સાથે શું જોડાય? એના ગુણો, એના પર્યાયો. બીજું કાંઈ જ આત્મા સાથે જોડાઈ ન શકે. તો કર્મ દ્વારા તમે અલિપ્ત છો, કર્મની અસરથી રાગ અને દ્વેષનો ઉદય થાય છે. જો કર્મથી તમે અલિપ્ત છો તો રાગ અને દ્વેષ થી પણ તમે અલિપ્ત છો.
થોડા ઊંડાણમાં તમે જઈ શકો તો આ વાત પકડાય. એક મુનિરાજ હોય. અશાતા વેદનીયનો ઉદય શરીરમાં થયો, પણ એ સાધક છે તો ઉદયને જોશે. જ્ઞાની અને અજ્ઞાનીમાં ત્યાં ફરક એટલો પડશે. અજ્ઞાની માણસ અશાતાના ઉદયમાં ભળશે. અરે! મને આ તકલીફ આવી. મને આટલી પીડા થાય છે. અજ્ઞાની અશાતાના ઉદયમાં ભળશે. જ્ઞાની અશાતાના ઉદયને જોશે, એ હસતા હોય. કેન્સર થયેલું હોય. થર્ડ સ્ટેજમાં હોય તો પણ હસતા હોય કારણ કે અશાતાના ઉદયને જોવાનો છે.
અમે લોકો સુરતમાં હતા ત્યારે સુરતમાં જ મેવાડ દેશોદ્ધારક જીતેન્દ્રસૂરિ મહારાજ સાહેબ પણ બિરાજમાન હતા. સાહેબ તો ઓલિયા જોગી હતા. ડોક્ટર ને ત્યાં જવાનું નામ નહિ, કોઈ ટ્રીટમેન્ટ લેવાની વાત નહીં, પણ એમાં તાવ વધારે આવ્યો. જાય જ નહીં, એના રિપોર્ટ કરાવતા.. કરાવતા… કરાવતા… પગેરૂ કેન્સર સુધી નીકળ્યું. ડીટેચ થયું ત્યારે થર્ડ સ્ટેજનું કેન્સર. અમે લોકો હતા ગોપીપુરા ૐકારસૂરિ આરાધના ભવનમાં હતા. સાહેબજી ભટાર રોડમાં હતા, સમાચાર મળ્યા અમે બધા જ તરત શાતા પૂછવા માટે ગયા. હવે કલ્પના કેવી હોય કે થર્ડ સ્ટેજનું કેન્સર ડીટેઈચ થયું છે કદાચ સાહેબ હોસ્પિટલાઇઝ નહીં પણ થયા હોય, પણ ઉપાશ્રયમાં સુતેલા હશે, બાટલા-બાટલા ચડતા હશે, પણ ત્યાં ગયા સાહેબ બેઠેલા અને શ્રાવકોની જોડે વાતો કરતા હતા. અમે વંદન કર્યું, શાતા પૂછી પણ ચહેરા પર એટલો બધો આનંદ કે અમને થયું કે આમની શાતા પૂછવી શી રીતે…?
અને પછી એમની વાત ચાલુ હતી એમણે ચાલુ રાખી. લોકોની જોડે એમણે વાત ચાલુ રાખી કે તમે વ્યાપારી છો ને કોઈ પાસે મેં પૈસા લીધેલા હોય અને લેવા આવે તો તમે વ્યાજ સાથે આપી દો ને કે ના પાડો? એમ આ કર્મનો લેણદાર લેવા આવ્યો છે હું કહું છું લઈ જા. પણ એ મહાપુરુષ અશાતા ના ઉદયમાં એક ક્ષણ માટે પણ ભળ્યા નથી.
એમણે અશાતાના ઉદયને જોયો છે. આપણે પણ માની શકીએ થર્ડ સ્ટેજ નું કેન્સર હોય એની પીડા કેવી હોય? પણ હસતા ચહેરે બેઠેલા. તો તમે સાધક હો તમે પણ સામાન્ય દર્દોમાં આવું કરી શકો કે નહીં ? અશાતાનો ઉદય આવ્યો, જોઈ લો. તમે અશાતાના ઉદયમાં ભળો તો નવો બંધ કરો એ બંધ સત્તામાં જાય ફરી ઉદયમાં આવે. ફરી ઉદય આવે તમે પાછા એમાં ભળો નવો બંધ કરો સત્તામાં જાય. વર્તુળ ચાલુ ને ચાલુ જ રહે. મારો અને તમારો સંસાર અનંતા જન્મોથી ચાલુ કેમ રહે? આ વર્તુળને આપણે તોડી ન શક્યા. પણ જે જ્ઞાની સાધક ઉદયની ક્ષણોમાં ઉદયને માત્ર જોઈ લે મેં કર્મ બાંધેલું હતું સત્તામાં હતું ઉદયમાં આવ્યું છે ખરી જશે, તો એને માટે ઉદયની ક્ષણો તે પણ નિર્જરા ની ક્ષણો છે.
અધ્યાત્મગીતામાં દેવચંદ્રજી મહારાજે કહેલું “ઉદય ઉદીરણા તે પણ પૂરવ નિર્જરા કાજ” સાધક માટે ઉદય એટલે જલસો. મજા આવી ગઈ. તો હવે તમને સમજાવું કે અશાતાનો ઉદય શરીરના સ્તર પર છે, તમે એને જોઈ શકો છો. મોહનો ઉદય ક્યાં છે એ બોલો? રાગનો ઉદય છે ક્યાં? પહેલા એ વાત પકડો, તમે કહો છો મને રાગ થયો. વાત ખોટી તમે અત્યારે પણ સત્તા રૂપે નિરંજન નિરાકાર જ છો. તમને રાગ શી રીતે થાય? ઉદયમાં છે, સત્તામાં છે, તો ઉદયમાં આવ્યો ઉદયમાં આવીને ખરી જાય, એમાં તમારે શું ? તો વાત ક્યાં છે કે અશાતાનો ઉદય શરીરમાં છે એમ રાગનો, દ્વેષનો ઉદય મનમાં છે, પણ તમે મનની અને તમારી સાંઠ-ગાંઠ કરીને બેસી ગયા છો. મન એટલે હું . ‘you are beyond the mind.’ તમે મનની પેલે પાર છો. તમે મન નથી. તો રાગનો ઉદય થયો મનમાં , તમે એ વખતે મનથી છુટા પડી જાઓ. હવે ઉદયને જુઓ. તમે જો મનમાં ભળશો તો રાગનો અનુભવ કરશો તમે એ વખતે મનથી છૂટા પડ્યા તો રાગને જોશો, રાગને જોશો રાગના ઉદયને જોશો તો કર્મ ખરી જશે.
એટલે જ દેવચંદ્રજી મહારાજાએ કહ્યું અષ્ટપ્રવચન માતાની સજ્ઝાયમાં “મોહ ઉદયે અમોહી એહવા શુદ્ધ નિજ સાધ્ય લયલીન રે” મોહનો ઉદયમાં અમોહી કોણ હોય? જેની નજર મન ઉપર હોય એ નહીં, એટલે બહુ સ્પષ્ટ લખ્યું શુદ્ધ નિજ સાધ્ય લયલીન રે. તમારું સાધ્ય શું? સ્વરુપદશા. શુદ્ધ સ્વરૂપ દશા એ તમારું સાધ્ય છે. તો હું એટલે નિરંજન, નિરાકાર, વિતરાગ અને સર્વજ્ઞ આત્મા જ છું. આવી તમારા શુદ્ધ સ્વરૂપ ઉપરની દ્રષ્ટિ તમારી કેન્દ્રિત થઈ ગઈ. હવે કર્મનો ઉદય એ શુદ્ધ આત્મતત્વ માં ક્યાં છે?
તો કેટલી સરળ વાત છે શરીરમાં અશાતાનો ઉદય તમે એને જોઈ શકો છો, મનમાં રાગનો ઉદય જુઓ, એને માત્ર જુઓ , દ્રષ્ટા ભાવમાં આવી જાઓ તો આ સ્વાનુભૂતિ. હું એટલે વીતરાગ, આનંદઘન, નિર્મલ ચેતના છું. આપણે સિદ્ધશીલા પર જઈશું ત્યારે અખંડાકાર ઉપયોગ આપણો સ્વમાં ચાલશે. આપણે સામાન્યતયા કહીએ કે સર્વજ્ઞ ભગવાન બધું જ જુએ, બધું જાણે અને બધું જુએ. પણ આ સામાન્ય વ્યક્તિઓ માટે અમે વાત કહેતા હોઈએ છીએ .
ભગવાનને કંઈ જોવું નથી. ભગવાન ને કંઈ જાણવું નથી. પ્રભુ સ્વ માં ડૂબેલા છે તમારા સીસીટીવી માં બધા જ ફૂટેજીસ પકડાયા કરે અને એમાં અંકિત થયા કરે. તેમ પ્રભુનું નિર્મળ જ્ઞાન શુદ્ધ દર્પણ જેવું છે. તેમાં જગતના ભાવો પ્રતિબિંબિત થયા કરે છે, પ્રભુને એની જોડે કોઈ જ સંબંધ નથી. પ્રભુનો ઉપયોગ એક સેકન્ડ માટે કોઈ ઘટનામાં જતો નથી. પ્રભુનો ઉપયોગ સતત માત્ર સ્વ ની અંદર જ છે.
હવે એક વાત પૂછું? અમે લોકો આનંદમાં છીએ, તમે શાતા પૂછવા આવો એટલે તમને એવું થાય કે સાહેબ તો એટલી બધી શાતામાં છે કે શું શાતા પુછું? તો અમારી આ શાતા જે છે તે ક્યાંથી આવી? ઉપયોગ સ્વમાં છે તેની આ શાતા છે. તમે દુઃખી છો, પીડિત છો, કારણ તમારો ઉપયોગ પરમાં છે. જેનો ઉપયોગ પરમાં, એ દુઃખી. જેનો ઉપયોગ સ્વમાં, તે સુખી. બોલો તમારે આનંદમાં રહેવું છે ને? આટલું જ કરવાનું ઉપયોગને સ્વ સાથે જોડી દેવાનું. હું આનંદઘન આત્મા છું.
અત્યારે psychiatrist પણ આ જ વાત કરે છે, તે કહે છે કે અત્યારે તમારા પર કોઈ ઘટના એવી ઘટી છે કે જે તમને depression માં લઈ ગઈ છે પણ હવે આમાંથી નીકળવા માટે બહુ જ સરસ positive thinking માં જાઓ. કે દીકરો અમેરિકા ભણી રહ્યો છે, એક વર્ષમાં એ ભણીને આવશે, એને જોબ મળશે, અને ખૂબ કમાશે અને આર્થિક બધી જ મારી ચિંતા ટળી જશે. દીકરો સક્ષમ છે, એનું સગપણ પણ થયેલું છે, લગ્ન કરાવી લઈશું, બંને જણા ઘર સંભાળશે, અમે લોકો નિવૃત્ત બની જઈશું. અમે માત્ર આરાધનામાં મનને લગાવી દઈશું આવા પોઝિટિવ વિચારો કરવા જોઈએ, એવું આજના psychiatrist કહે છે.
તે આપણે ત્યાં તો આ વાત પહેલેથી જ હતી. ઉપયોગ પરમાં ગયો એટલે પીડા આવી ગઈ. આનું કેમ કરશું? ને આનું કેમ કરશું? એક વર્ષ પછી આવવાની પીડાની ચિંતા અત્યારથી કરતા હોઈએ, કેટલી બધી પીડાઓ માણસ પાસે છે પણ એ બધી અજ્ઞાનજન્ય છે. દીકરો નથી તો દીકરો ક્યારે થાય એની વિમાસણમાં છે, દીકરો થયો ચાર વર્ષનો છે અને કંઈક શારીરિક કે માનસિક ક્ષતિઓ છે બોલી શકતું નથી, એનું મગજ ચાર વર્ષનો હોવા છતાં એક વર્ષના બાળક જેવું છે, વિકાસ એનો થતો નથી ચિંતા, દીકરો સ્વસ્થ છે પણ મોટો થયો અને ઊંધા રવાડે ચડી ગયો એની ચિંતા, પરણાયો પત્ની એવી નીકળી એની કે ઘરમાં ઝઘડા-ઝઘડા ક્યાં સુખ છે? કહું છું પરમાં જ્યાં જાવ ત્યાં દુઃખ છે, અને સ્વમાં માત્ર આનંદ જ આનંદ છે. તમારે શું જોઈએ બોલો? એકવાર સ્વાનુભૂતિ નો આનંદ તમે મેળવી લો પછી….
માનવિજયજી મહારાજ સાહેબે કહ્યું કે આ સ્વાનભૂતિ નો આનંદ એટલો બધો અદ્ભુત છે કે અનંતા જન્મોની અંદર મેં આવો રસ ક્યારેય ચાખ્યો નથી. આવો આનંદ ક્યારેય માણ્યો નથી. “કહીએ અણચાખ્યો પણ અનુભવ રસનો ટાણો મિલિયો” અને પછી કહે છે “પ્રભુની મહેરે તે રસ ચાખ્યો અંતરંગ સુખ માણ્યો” પ્રભુની મહેરે તે રસ ચાખ્યો ભીતરનો રસ પ્રભુની કૃપાથી ચાખ્યો તો શું થયું… અંતરંગ સુખ પામ્યો. ભીતરનું સુખ મને મળ્યું. “માનવિજય વાચક એમ જંપે હુવો મુજ મનત કામ્યો” બસ મારા મનની બધી ઈચ્છાઓ ફળીભૂત થઇ ગઈ.
ચિદાનંદજી મહારાજે કહ્યું આ રસનો અનુભવ કર્યા પછી “જિણે એ પ્યાલા પિયા તીનકું ઓર કેફરતિ કેસી” જેણે આ સ્વાનુભૂતિના રસના પ્યાલાના પ્યાલા પી લીધા એના માટે બીજું કોઈ કેફ દુનિયામાં છે જ નહીં. શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ આનંદ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કેફ હોય તો સ્વાનુભૂતિનો છે. સ્વાનુભુતિ મળે એટલે પર ને છોડવું ના પડે. પર છૂટી જાય.
મારી પાસે જે મુમુક્ષુ હોય ને, એ બધાને હું કહું કે સંસારને છોડવાની પલોજણ માં નહિ પડતા. નહિતર કહેશો મેં સંસાર છોડ્યો. એટલે છોડનારો પાછો ‘હું’ ઉભો રહ્યો. મેં સંસાર છોડ્યો. એટલે પછી મારે પેલા છોડનારને ઢંઢોળતા ચાલવું પડશે. એવો એક પરમ રસ નો આસ્વાદ મળી જાય, પર છૂટી જાય.
એક હિન્દુ ભાવુક એ જમાનાનો કરોડો પતિ, દીકરો હતો નહીં, એને વૈરાગ્ય થયો, પત્નીને પણ વૈરાગ્ય થયો, બંને જણાએ સંન્યાસ લઈ લીધો. સંન્યાસ તો લીધો પણ મેં કરોડો રૂપિયા છોડ્યા તે મનમાંથી જતું નથી. એટલે કોઈની પણ જોડે વાતચીત કરે ને- શું યાર! સંસારમાં બેઠા છો આ કરોડો રૂપિયા હતા એ બધું જ છોડીને હું આવી ગયો. એ બે મિનિટ બોલે કે પાંચ મિનિટ બોલે કરોડ રૂપિયા તો આવે આવે ને આવે જ એમાં.
એક જ્ઞાની પુરુષ મળ્યા. આ તો હોશિયાર માણસ હતો જ્ઞાની પુરુષ જોડે કેવી રીતના વાત કરાય ખબર હતી. સાહેબ! તમારા જેવા સંતોની કૃપા એવી ઉતરી કરોડો રૂપિયા હતા છોડીને આવતો રહ્યો. જ્ઞાની પુરુષ મહાવિચક્ષણ ધીરેથી પૂછે છે શું કહ્યું? કરોડો રૂપિયા છોડીને તમે અહીંયા આવ્યા? તો તમને એવું લાગે છે કે તમે કરોડો રૂપિયા છોડીને આવી ગયા છો, કરોડ રૂપિયા તો પાછળ પાછળ જ આવે છે. છુટ્યા છે ક્યાં?
એક ભાઈ દાન આપતા પણ દાનને ગણ્યા વગર એને ચેન ના પડે. બરોબર હિસાબ રાખે આ વર્ષમાં કેટલું દાન આપ્યું? કોઈપણ મહાત્મા પાસે જાય. સાહેબ! આપની કૃપા આ વર્ષમાં આટલું સુકૃત થયું, આટલા લાખ રૂપિયા દાનમાં આપ્યા, હવે જ્યાં જાય ત્યાં આ રેકોર્ડ ગાયા વગર રહે નહીં. એકવાર એની પત્નીને થયું કે આ રેકોર્ડ વગાડ્યા વગર રહેશે નહીં. હું જ કહી દઉં સાહેબને એટલે આંકડો તો યાદ હતો ગયા વખતનો કે સાહેબ બહુ દાન કરે છે અમારા પતિ, આ વર્ષની અંદર પાંચ લાખ રૂપિયા નું દાન કર્યું તરત પેલા ભાઈ ભડક્યા પત્નીને કહે છે, કેમ કાલે પેલા 10,000 રૂપિયા આપ્યા ને ગણતી નથી પાંચ લાખની ઉપર 10,000 રૂપિયા થયા.
આપણે છોડવું નથી, છૂટી જવું જોઈએ. બહેનો ઘરમાંથી કચરો કાઢે તો સાચવીને રાખે? કચરો છે તેને ફેંકી દેવાનો. એમ એક દીક્ષાર્થી સંસારને છોડે એટલે કચરો છે એમ માનીને છોડી દે છે. પછી એના મનમાં એની યાદ પણ ક્યાંથી હોય? ખરેખર સ્વાનુભૂતિ નો આનંદ કેવો હોય?
એક શિષ્ય ગુરુ પાસે જાય છે સ્વાનુભૂતિની સામાન્ય બાબતો એના ખ્યાલમાં હતી પણ એ ગુરુ બ્રહ્મવિદ્યાના બહુ મોટા જ્ઞાની હતા તો એ શિષ્ય જ્ઞાની ગુરુ પાસે જાય છે, બ્રાહ્મણ શિષ્ય છે, હિન્દુ ગુરુ પાસે જાય છે. ગુરુના આશ્રમમાં ગયો, ગુરુની ચેમ્બરમાં ગયો, ગુરુને વંદન કર્યા અને પછી કહ્યું: સાહેબજી, સ્વાનુભૂતિના આગળના પાઠો મને શીખવો. હિન્દુઓમાં બ્રહ્મવિદ્યા આવે, શંકરાચાર્યનું બ્રહ્મસૂત્ર છે જેનું પ્રમુખ સૂત્ર છે “બ્રહ્મસત્ જગન્ મિથ્યા” આત્મા એ જ સત્ય, એક નિત્ય, ત્રૈકાલિક, ધ્રુવ દ્રવ્ય, એમાં જ તમારે જવાનું છે. તમારી ચેતના ને, તમારા ઉપયોગને, તમારે એ તત્વમાં જ મુકવાનો છે, જગન્ મિથ્યા, બીજા બધા જે પર્યાયો છે એ પર્યાયોમાં તમારે તમારા ઉપયોગને ક્યાંય મૂકવાનો નથી.
હવે ગુરુ એ શિષ્ય ની પરીક્ષા લે છે ગુરુ એને પૂછે છે કે તુ નગરને વીંધી ને મારા આશ્રમમાં આવ્યો તે નગરમાં શું જોયું? મુંબઈમા અને પુનામાં તમે શું જુઓ? આ શિષ્ય કહે છે કે ગુરુદેવ માટીના પૂતળા માટી માટે દોડતા હતા તે મેં જોયું. તમારી પૂરી જીવનચર્યાનો બયાન માત્ર એક વાક્યમાં. માટીના પુતળા માટી માટે દોડતા હતા. એટલે કહું છું એક ફ્યુચર પ્લાનિંગ નક્કી કરો કે, પાંચ વર્ષમાં નિવૃત થવાનું, દસ વર્ષમાં નિવૃત થવાનું, કે કેટલાક પૈસા થઈ જાય પછી નિવૃત થવાનું, વ્યાજમાંથી આરામથી તમે ચલાવી શકો તેમ હોય, બંગલો મજાનો, કાર મજા ની, દીકરાને સારામાં સારું શિક્ષણ તમે આપી રહ્યા છો, વ્યાજમાં તમે આરામથી તમારું જીવન ગુજારી શકો તેમ છો. પછી કેટલું ભેગું કરવાનું? કંઈક નક્કી કરો. તો એ શિષ્ય કહે છે કે માટીના પૂતળા માટી માટે દોડતા હતા તે મેં જોયું. પછી ગુરુ બીજો સવાલ કરે છે કે- આ ખંડમાં અત્યારે શું થઈ રહ્યું છે? અને તે વખતે એ કહે છે કે એક માટીનું પૂતળું ગુરુ પાસે જ્ઞાન લેવા આવ્યું છે. એણે જો એમ કહ્યું હોત ને એક સાધક સ્વાનુભૂતિના આગળના પાઠો જાણેલો-શીખેલો છે એ ગુરુ પાસે આગળની શિક્ષા લેવા આવ્યો છે તો ગુરુ એને રિજેક્ટ કરી લે.
સાધના માર્ગમાં મોટામાં મોટો ભયસ્થાન over estimation છે. તમે તમારી સાધનાનું અધિમૂલ્યાંકન કરો છો, હોય એના કરતાં પણ વધારે બરોબર એને ચઢાવીને જુઓ છો. તમારી સાધના તમને નાની જ લાગવી જોઈએ, પૈસા ઓછા જ લાગે ને? પૈસા ક્યારે લાગે કે હવે બહુ ઘણું થઈ ગયું ના, એ તો ઓછા જ લાગે. અને એમાંય મીડિયા વાળા મુકેશ અંબાણીની સંપત્તિના આંકડા મૂક્યા કરતા હોય, ભારતનો ફર્સ્ટ નંબરનો ધનિક અને આટલા લાખ કરોડ એની પાસે છે તમને શું લાગે? આટલા લાખ કરોડ? આપણે સારા 10-20 કરોડમાં રમીએ છીએ અને આ તો લાખો કરોડોની વાત છે
તો સાધના માર્ગમાં મોટામાં મોટું ભયસ્થાન આ છે કે, તમે તમારી સાધના નો ઓવર એસ્ટીમેશન કરો છો. રત્નસુંદરસુરિ કહે છે ઘણીવાર કે અમારી આ હોસ્પિટલ છે ને એમાં વિઝીટર્સ ઘણા હોય, પેશન્ટ બહુ ઓછા હોય. કોઈ રાજનેતા માંદો પડે, લોકપ્રિય રાજનેતા હોય, આજે બહુ ઓછા થઈ ગયા હો! લોકપ્રિય હોય અને રાજનેતા એ હોય. બહુ ઓછું થઈ ગયું. તો ધારો કે એવો માણસ માંદો હોય અને માંદો પડ્યો તો હોસ્પિટલ એના પ્રસંશકોથી ઉભરાય. પેશન્ટ કદાચ એક હોય અને વિઝીટર હજારો હોય. એમ રત્નસુંદરસૂરિ કહે અમારા આ હોસ્પિટલમાં પેશન્ટ બહુ ઓછા. આગળ વાળા શ્રાવકોને પણ પૂછે કેમ છો? સાહેબ એકદમ ok. ચાર સામાયિક, બે પ્રતિક્રમણ, રોજ બિયાસણું, પાંચ તિથિ આયંબિલ, ચૌદસે તો ઉપવાસ. બરોબર. Ok. એટલે કહે કે હું માંદો છું જ નહિ.
તમે ક્યારે અમારી પાસે ફરિયાદ લઈને આવ્યા કે સાહેબ! આટલા સામાયિક થયા. સમભાવ આવતો નથી એનું શું કરું? કહ્યું ક્યારેય? સવારે પૂજા કરતા કરતા ગાતા હોવ “શીતળ ગુણ જેમાં રહ્યો શીતળ પ્રભુ મુખ અંગ , આત્મ શીતળ કરવા ભણી પૂજો અરીહા અંગ” તમને ખ્યાલ છે કે ચંદન થી પૂજા કેમ કરું છું પ્રભુ તો શીતલ છે જ મારી જાત ઠંડી પડે તેના માટે.
તમે એ બોલતાં હોવ. શ્રાવીકાજી આવે તમારા દર્શન કરવા અને સાંભળી જાય ઓહો! અમારા પતિદેવ વર્ષોથી ચંદન પૂજા કરવા વાળા, વર્ષોથી પ્રભુને કહેવા વાળા આત્મશિતલ કરવા ભણી, તો જોઈએ કેવા ઠંડા થઈ ગયા હશે? આજે જરા પરીક્ષા કરુ. ઘરે જાય, નવકારશી નુ પચ્ચક્ખાણ આવી જાય, એના માટે બાદશાહી ચા બનાવીને પી પણ લે. અને તમારા માટે જે ચા બનાવે, ના ખાંડનું ઠેકાણું,ના ઉકળેલી હોય, અને ખાલી ગરમ પાણી જેવું લાગતું હોય એ તમને આપી દે ને તમે શાંતિથી પી જાઓ કેમ બરોબર ને? કે બોઇલર ફાટે? શું છે આ?શું બનાવ્યું છે? કેમ, આત્મશીતલ કરવા ભણી ક્યા ગયું? તો ક્યારેય ગુરુદેવ પાસે આવ્યા? સાહેબ! 50 વર્ષથી પૂજા કરું છું અને છતાંય હું ઠંડો નથી પડતો કારણ શું? બસ હું પૂજા કરું છું વાત પૂરી થઈ ગઈ.
તમે તમારી સાધનાને રીઝલ્ટ જોડે સાંકળી નહીં. શરદી કે ખાંસી હોય, ડોક્ટરે કહ્યું: આ 10 ટેબલેટ લો. એકદમ હાઈ એન્ટિબાયોટિક આપી દીધી. તમે પાંચ ટેબલેટ લીધી, છઠ્ઠી લીધી કોઈ ફરક નહીં. સાતમી લીધે કઈ ફરક નહીં. તમે ડોક્ટર પાસે જાવ કે નહી? કે 10 ટીકડી લઇ લીધી આપણે તો. આપણે 10 ટીકડી લેવી એ કાઈ સાધ્ય ન હતું. ખાંસીને ભગાડવી તે સાધ્ય હતું. સામાયિક કરવું તે સાધન, ગુસ્સો ભગાડવો તે સાધ્ય છે. ગુસ્સો કેટલો ગયો? તો જેમ જેમ આ સ્વની અનુભૂતિ થશે તેમ તેમ પર છૂટી જશે. સમભાવોનો અનુભવ થયો. ક્રોધ જતો રહેશે. વિનમ્રતાનો અનુભવ થયો અહંકાર જતો રહેશે.
તો આ સ્વાનુભૂતિ આપણી પરંપરા પ્રમાણે ચોથા ગુણઠાણે સમ્યકદર્શન. સમ્યકદર્શન એટલે શું? પ્રભુએ જે રીતે કહ્યું છે એ રીતે માનવું અને આંશિક રૂપે અનુભવવું. તો પ્રભુએ કહ્યું છે કે તું આત્મ દ્રવ્ય છે એટલે શરીરમાં હુંપણાની બુદ્ધિ જે અનંતા જન્મોથી હતી. તે જાય અને હું એટલે નિત્ય-નૂતન આત્મતત્વ છું, આ માન્યતા સ્થિર થાય અને એ આત્માની આંશિક અનુભૂતિ થાય એ ચોથું ગુણઠાણું. હવે એ જે સમ્યક્દર્શન મળ્યું એ દર્શનમોહનીયના ક્ષયોપક્ષમથી. પણ ક્ષાયિક સમકિતી શ્રેણીકજી હોય કે કૃષ્ણ મહારાજા હોય એ યુદ્ધો લડતા, ભોગોને ભોગવતા. શું થયું? ક્લેરિટી સ્પષ્ટ થઈ ગઈ કે આ ખોટું આ સાચું, પણ ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ નથી થયો, એથી રાગ બુદ્ધિ પરમા હજુ ટકેલી છે. પરમાં સુખની બુદ્ધિ ટકેલી છે.
શાસ્ત્રમાં એક દ્રષ્ટાંત આપ્યું કે ખરજવું કોઈને થયું હોય, પ્રબુદ્ધ માણસ છે, દવાઓ કરી પણ દવા ની અસર થતી નથી. જ્યારે બહુ ખણવાની ઈચ્છા થાય ત્યારે એ ખરે છે ખણતી વખતે એને સારું લાગે છે , પણ એના એક મનમાં ક્લેરિટી છે કે, આની પીડા મારે જ ભોગવવાની છે. ક્ષાયિક સમકિત દ્રષ્ટિની મનોભૂમિકા આ હોય છે. ચારિત્રમોહનીયનો ક્ષયોપક્ષમ નથી, આત્મતત્વની આંશિક અનુભૂતિ થઈ છે, પણ ચારિત્ર મોહનીયનો ક્ષયોપક્ષમ ન હોવાને કારણે પરમાંથી સુખની બુદ્ધિ ટળી નથી. એ પરમાંથી સુખની બુદ્ધિ ટળે ક્યારે? ઉદાસીન દશા આવે ત્યારે એટલે પાંચમા ગુણઠાણે, પછી છઠ્ઠા ગુણઠાણે, પછી સાતમા ગુણઠાણે ઉદાસીન દશા વધતી જાય. અને જેમ ઉદાસીન દશા વધે એમ કદાચ આ શરીર માટે અનિવાર્ય એવા પર દ્રવ્યનો ઉપયોગ થાય પણ પર દ્રવ્યો દ્વારા સુખ મળે છે એ બુદ્ધિ, એ ભ્રમણા ખતમ થઈ જાય. ઉદાસીન દશા: પરથી સુખ મળે જ નહીં, સુખ માત્ર મારી ભીતરથી જ મળે.
એક મજાની શાસ્ત્રીય વાત કરું. તીર્થંકર ભગવંતો એ જન્મમાં જન્મથી જ ચોથા ગુણઠાણે હોય. એમને પાંચમુ ગુણઠાણું નથી હોતું, કારણ કે એ શ્રાવકના વ્રતો ઉચરતા નથી, એમના કોઈ ગુરુ નથી હોતા. એ દીક્ષા પણ સ્વયં પોતાની મેળે જ લે છે. એ કોઈ ગુરુ પાસે લેતા નથી. તો એમને પાંચમું ગુણઠાણું નથી. હવે દ્રષ્ટિની વાત સમજો તો ચોથું ગુણઠાણું એટલે પાંચમી દૃષ્ટિ અને પાંચમું અને છઠ્ઠું ગુણઠાણું ઇવન સાતમુ પણ, તો છઠ્ઠી દ્રષ્ટિ. છઠ્ઠી દ્રષ્ટિમાં ઉદાસીન દશા આવે છે અને દૃષ્ટિને ચારિત્ર જોડે સંબંધ નથી, તેને ઉદાસીનદશા જોડે સંબંધ છે. તો તીર્થંકર ભગવંતો જન્મથી એવા પરમ ઉદાસીન હોય છે કે જેના કારણે એ છઠ્ઠી દ્રષ્ટિમાં હોય છે.
અંજન શલાકા જ્યારે જ્યારે ઉજવાય ત્યારે હું ખાસ કહું છું, કે પ્રભુની કલ્યાણક યાત્રા અદ્ભુત. પાંચ કલ્યાણ તો મોટા મોટા. બાકી પ્રભુના જીવનની એક એક ક્ષણ એક કલ્યાણક યાત્રા છે. પણ એમાં બે દ્રશ્યો ખાસ ઊંડાણ થી જોવાના હોય છે.પ્રભુના લગ્નનું દ્રશ્ય અને રાજ્યાભિષેકનું દ્રશ્ય. લગ્ન કરવા પડે છે કરવા નથી, ભોગ કર્મનો ક્ષય કરવો છે અને બધા જ કર્મનો ક્ષય કરી અને આ જન્મમાં મોક્ષમાં જવું છે. બીજી રીતે ભોગ કર્મનો ક્ષય થાય એમ જ નથી, એટલે લગ્ન કરવા પડે એમ છે. તો એ પ્રભુની મૂર્તિ છે ને એને ચોરીમાં મૂકે, ફેરા ફરવાની વિધિ કરે, પણ એ વખતે એ પરમાત્મા ના મુખ પર તમે જુઓ તમને લાગે કેવી ઉદાસીન દશા છે.
જાનૈયાઓને માટે લગ્ન છે, વેવાઈ વેવણ માટે લગ્ન છે, પ્રભુને માટે કર્મોના ક્ષયનો, કર્મની નિર્જરાનો અવસર છે, એ જ રીતે રાજ્યાઅભિષેક પિતાની પાસે કે ભગવાન મહાવીર પ્રભુએ નંદીવર્ધનભાઈ પાસે રજા માંગી કે મને દીક્ષાની રજા આપો? ત્યારે કહે છે કે એક દિવસનો પણ તું રાજ્ય ભોગવ, તું રાજા બન, પછી તને દીક્ષાની અનુમતી આપીશ. રાજ્ય લેવું નથી કોઈ મતલબ નથી. પરની એક પણ ક્રિયાનો કોઈ મતલબ નથી. આપણે અહીંયા પહોંચી શકીએ તેમ છીએ.
તમે પાંચમે ગુણઠાણે, છઠ્ઠા ગુણઠાણે આવી શકો છો. આ ઉદાસીન દશામાં તમે આવી શકો છો, કે પરની કોઈ ક્રિયાનો કોઈ મતલબ નથી.
સમાધિ શતકમાં એક કડી આવે છે “રૂપાદીક કો દેખવો કહન કહાવન કુટ, ઇન્દ્રિય યોગાદિક બલે એ સબ લૂંટા લૂંટ” રૂપાદીક કો દેખવો – કાંઈક જોયું, કહન કહાવન કૂટ- કોઈને કાંઈક કહ્યું, કોકે કંઈક કહેવડાવ્યું. શું મતલબ?
ઉત્તરાર્ધમાં કહે છે “ઇન્દ્રિયયોગાદિક બળે એ સબ લૂંટા લૂંટ” – આત્મધનની લૂંટ ચાલી રહી છે. ઇન્દ્રિયો અને યોગ બે ભેગા થયા, મનો યોગ, વચન યોગ, અને કાય યોગ, અને ઇન્દ્રિય આ બે થયા ભેગા અને પરમાં દોડમદોડ કરી આખરે શું? આત્મધનની લૂંટ. તો આ ભૂમિકા ઉપર તમે જઈ શકો છો મારા જીવનમાં આવા ઉદાસીન સંતો ઘણા જોયા છે. ફરીથી સમજી ગયા ને? ઉદાસ રહેવું એટલે? ગમગીન રહેવું, બેચેન રહેવું, આમ મુડલેસ થઈને રહેવું? ઉદાસીન રહેવું એટલે તમારા સુખની અંદર મહાલવું, તમારા આનંદમાં તમે ઝૂમી રહ્યા હોય એ ઉદાસીનદશા. પૂજ્યપાદ ગુણરત્નસૂરિ મ.સા. ના શિષ્ય રત્ન મોક્ષરત્ન વિજયજી મ.સા.. આજના યુગના એક પરમ ઉદાસીન સંત. કોલકત્તામાં જન્મેલા, કોન્વેન્ટમાં ભણેલા, પણ જન્માન્તરીય વૈરાગ્ય. એટલા બધા ટેલેન્ટેડ એટલા બધા બ્રિલિયન્ટ.
પહેલીવાર રાજસ્થાનની યાત્રાએ હું ગયો ત્યારે બેડા ની બાજુમાં દાદા પાર્શ્વનાથમાં આચાર્ય ભગવંતની શિબિર ચાલતી હતી એ વખતે મોક્ષરત્નવિજયજી ત્યાં હતા. ખૂણામાં ક્યાંક બેસી રહે. સવારથી સાંજ સુધી સ્વાધ્યાય સ્વમાં લીનતા, એમનું ચાલ્યા જ કરતું એ મને મળવા માટે આવ્યા. એમનો ચહેરો જોયો એટલો બધો ખુશ હું થઈ ગયો કે આટલી ઉદાસીન દશા? એ ચહેરો અંદરની ઉદાસીનદશાને પ્રતિબિંબિત કરતો હતો. આમ લાગે કે આ વ્યક્તિને કોઇ પદાર્થ, કોઈ વ્યક્તિ,કોઈ ઘટના આકર્ષિ ન શકે. એ પોતે પોતાનામાં એટલો ડૂબી ગયેલ છે કે પરની દુનિયા જોડે એને અલવિદા કરી દીધી છે. મને એમણે પૂછ્યું: સાહેબ! આટલા ગ્રંથો વંચાઈ ગયા છે હવે શું વાંચું? મેં જોયું કે હરિભદ્રસુરિ મહારાજના, ઉપાધ્યાયજી ભગવંતના સન્મતિ તર્ક આદિ બધા જ ગ્રંથો ઊંડાણથી એમણે જોઈ લીધેલા હતા. કારણ કે ક્ષયોપશમ બહુ જોરદાર. અને બેઉ ક્ષયોપશમ.. મોહનીયનો ક્ષયોપશમ પણ એવો, જ્ઞાનાવરણીયનો પણ એવો. અને એક વસ્તુ યાદ રાખવાની. જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ તમારો ગમે તેટલો હોય મોહનીયનો ક્ષયોપશમ ના હોય, તો પેલો ક્ષયોપશમ તમારા માટે નકામો. તમે 100 ગાથા કરી લો તમારી મેમરી પાવરફૂલ હોય, તમે એકવાર ધારેલું 50 વર્ષ સુધી યાદ રાખી શકતા હોવ, તમે સરસ પ્રવચન આપી શકતા હોવ , બીજાને એનાથી લાભ આપી શકો પણ મોહનીયનો ક્ષયોપશમ ના હોય તો એ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ તમારા માટે નકામો. આ મહત્વના બે ક્ષયોપશમ પાવરફુલ હતા. મેં એમને કહ્યું કે તમે યોગોદ્વહન તો ઘણા કર્યા નથી.. પણ અમુક વસ્તુ ગુરુના હાથમાં હોય છે. તમારા ગુરુદેવને પૂછી લેજો અને ગુરુદેવ હા પાડે તો 45 આગમ ગ્રંથ સટીક વાંચી લેજો. એમણે એ જ દિવસે ગુરુ મહારાજને પૂછ્યું ,અને અમુક વસ્તુ ગુરુના હાથમાં હોય છે. યોગોદ્વહન તો નહોતા કર્યા.પણ ગુરુને લાગ્યું કે યોગ્ય છે રજા આપી શકે, ગુરુએ રજા આપી, બીજીવાર હું એમને મળ્યો બે વર્ષ પછી 45 આગમ ગ્રંથ વંચાઈ ગયા હતા. તે એટલા બધા ઉદાસીન મહાત્મા હતા, કદાચ એ પ્રવચન ન જ આપત મારી દ્રષ્ટીએ. ગુરુની આજ્ઞા થઇ હોત તો આપવું પડત. ન આપત. પણ એમની ઉર્જા એટલી બધી સરસ હતી કે, એમની પાસે બેસનારો તરી જાય. પણ કમભાગ્ય આપણું, એમને તો કંઈ ન હતું, એ તો અહીંથી મહાવિદેહમાં ગયા હશે.પણ નાની વયમાં એક્સિડન્ટ થયો અને કાળધર્મ પામ્યા એવી સશક્ત ઉર્જા હતી કે, તમે એમની નજીક બેસો તમે ભરાઈ જાઓ. ખાલી થઈને આવો ને ભરાઈને જાવ, અને ખાલી થઈને ના આવેલા હોય તો ખાલી પણ કરી દઈએ બધું જ કરી દઈએ. તો કુમારપાળ રાજાએ આત્મનિંદા દ્વાત્રિંશિકા લખી નથી. પણ પરમ આર્હત્ કુમારપાળે લખી છે. આપણને લોકોને કે અમને લોકોને કોઈને વિશેષણ આપવાનો આમ અધિકાર અત્યારે નથી. તમે લોકો પણ કોઈને જગડૂશા ને કુમારપાળ બનાવી નાખો એ બરાબર નથી. જગડુશા જગડુશા જ હતા, અને કુમારપાળ કુમારપાળ જ હતા. કોઈ વ્યક્તિને બનાવો એ વ્યક્તિ યોગ્ય હોય તો એ ના પાડી દે સભાની વચ્ચે કે તમે શું કરો છો? શ્રીસંઘને આ પરવાનગી કોણે આપી? કયા ગુરુએ? આપી તમને પરવાનગી? કોઈ આપેલી નથી. આવા કોઈ જ વિશેષણો આપી ન શકાય. માત્ર સુશ્રાવક. હું ઘણીવાર કહું છું કે મારા માટે વિશેષણ કયું વાપરો છો તમે.. શા માટે વાપરો છો? ભગવાને આચાર્ય પદ આપ્યું… પંચપરમેષ્ઠી માં ત્રીજુ પદ પ્રભુએ મને આપ્યું…. પણ આનાથી કંઈ મોટું કયું પદ તમે મને આપવાના હતા, તે આગળ ને પાછળ પૂંછડા લગાડો છો? શું જરૂરિયાત… આચાર્ય યશોવિજયજી,પતી ગયું. શું થયું?
હેમચંદ્રાચાર્યએ કુમારપાળને આ બિરુદ આપ્યું પરમ આર્હત્. બિરુદ પણ કેવું આપ્યું વિચારો આર્હત્ એટલે શું? ભગવાનનો. અર્હત: અયમ્ ઇતિ આર્હત્: પ્રભુનો એ આર્હત્ અને પરમ આર્હત્ એટલે માત્ર જે પ્રભુનો છે. દુનિયાનો જે છે જ નહીં, પરનો જે છે જ નહીં. હેમચંદ્રાચાર્યજી આ બિરુદ આપે અને કુમારપાળ ઝીલે હવે એ પરમાં રહી શકે ખરો? બોલો! તમારે આવું વિશેષણ જોઈએ? આપી દઉ? પરમ આર્હત્ તો પહેલા એવી યોગ્યતા કેળવવી પડે. કે સાહેબ મારું મન માત્ર ને માત્ર મેં પ્રભુને આપી દીધું છે. શરીરથી સંસારના કાર્યો જે ફરજ રૂપે છે એટલા કરીશ બાકી મન સંપૂર્ણતયા પ્રભુને મેં સોંપેલું છે. છે આવી શરત? તો કુમારપાળ મહારાજાએ આત્મનિંદા દ્વાત્રિંશિકા નથી લખી. પરમ આર્હત્ કુમારપાલે લખી છે. અને પરમ આર્હત્ હોય એ જ લખી શકે. વિચાર તો કરો 55 – 60 વર્ષ સુધી રાજ્યગાદી ક્યારે મળે, ક્યારે મળે એની વિચારણા માં રહ્યા. રાજ્ય ગાદી મળી, સદ્ભાગ્ય કે આવા મહાન ગુરુ મળ્યા, રાજ્યને સ્થિર કરવામાં સમય લાગ્યો, રાજ્ય સ્થિર થયું શાંત થયા. ગુરુના ચરણોમાં બેઠા સંસ્કૃત અને પ્રાકૃત વ્યાકરણ શીખ્યા અને એ પછી એમણે આ રચના કરી છે. એટલે પરમ આર્હત્ બનીને ગુરુનો શક્તિપાત ઝીલીને એમણે રચના કરી છે. સામાન્યતયા તો કુમારપાળ આટલા સરસ સાધના સૂત્રો આપી શકે? પણ સદગુરુનો શક્તિપાત હતો, સાધનાની અનુભૂતિ એમને થયેલી હતી, અને એ અનુભૂતિને એમણે અભિવ્યક્તિમાં મૂકી. તો માત્ર આ ચાર ચરણો ઉપર આપણે આ સત્રમાં સ્વાધ્યાય કર્યો. પ્રભુ આજ્ઞાપાલનનો આનંદ, અસંગદશા, સ્વાનુભૂતિ અને ઉદાસીનદશા. આ ચારેય તત્વો આજન્મમાં તમે મેળવી શકો છો. Now and here જ્યારે પણ ઈચ્છો ત્યારે મેળવી શકો છો. આશીર્વાદ આપું કે જલ્દી જલ્દી આ ચારેય તત્વોને તમે મેળવી લો.