વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
પ્રભુઆજ્ઞા પાલનનો દિવ્ય આનંદ
- સાધનાનાં ચાર ચરણો: પ્રભુઆજ્ઞા પાલનનો દિવ્ય આનંદ. પરમ અસંગ દશા. સ્વાનુભૂતિ. ઉદાસીન દશા.
- જો આપણી બધી જ ઇન્દ્રિયો અને મન પ્રભુને સમર્પિત થઇ જાય, તો પ્રભુ પ્રત્યે અત્યંત ભક્તિભાવ આવે. એ ભક્તિભાવ પ્રભુની આજ્ઞા પ્રત્યેના આદરમાં ફેરવાય અને એ આદર આજ્ઞાપાલનનો આનંદ આપે.
- પ્રભુઆજ્ઞાના પાલનનો દિવ્ય આનંદ મળે, તે પછી જ સાધનાનું બીજું ચરણ – અસંગ દશા – મળી શકે.
પરમ આર્હત્ કુમારપાળ મહારાજાએ આત્મનિંદા દ્વાત્રિંશિકામાં એક શ્લોકમાં સાધનાના ચાર ચરણો બતાવ્યા. આજ્ઞાપાલનનો દિવ્ય આનંદ, પરમ અસંગદશા, સ્વાનુભૂતિ, અને ઉદાસીનદશા.
પરમાત્માને બરોબર જોઈએ એટલે પ્રભુ ઉપર પ્રેમ થયા વિના રહે નહિ. પ્રભુનું દર્શન બે રીતે કરવાનું હોય છે. પદ્મવિજય મ.સા એ સમ્યક્દર્શન પદની પૂજામાં લખ્યું -પ્રભુ નિર્મલ દર્શન કીજીયે, પહેલી વાર એ પંક્તિ વાંચી, વિચારમાં પડી ગયો હું…. કે નિર્મલ દર્શન એટલે શું? નિર્મલ દર્શનના બે અર્થો છે. તમે પ્રારંભિક કક્ષાના ભક્ત છો, સાધક છો. તો તમારા માટે નિર્મલ દર્શનનો અર્થ છે. આંસુ વહેતી આંખોથી થતું દર્શન. અને જો તમે ઉચકાયેલા સાધક છો તો નિર્મલ દર્શનનો અર્થ છે, નિર્વિચારતા ની પૃષ્ઠભૂ ઉપર થતું દર્શન. પ્રભુ મહાવીરનું દર્શન તમે કરી રહ્યા છો. એ વખતે એક ઘટના પ્રભુના સાધના જીવનની તમને યાદ આવે છે.
એક અનાડી માણસ પ્રભુના કાનમાં ખીલા ઠોકી રહ્યો છે. એ દ્રશ્યને તમે બે રીતે જોઈ શકશો. શરૂઆતની કક્ષામાં તમારી આંખો આંસુથી ભીની બની જશે. આ મારા ભગવાન. કાનમાં ખીલા ઠોકવા માટે જે માણસ આવે છે એના ઉપર પણ પ્રભુની કરૂણા.
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે મહાવીર પ્રભુની બહુ જ મજાની સ્તવના કરી. જેને હું રોજ બોલું છું. “કૃતાપરાધેsપિ જને, કૃપામંથરતારયો ઇષદ્દબાષ્પાર્દ્રયોર્ભદ્રં, શ્રીવીરજિનનેત્રયો:” એ અનાડી માણસ પ્રભુના કાનમાં ખીલા ઠોકે છે. અને એ વખતે પ્રભુની આંખો આંસુથી ભીની બને છે. પ્રભુની આંખમાં આંસુ… કેમ? પ્રભુ સાધના કાળમાં છે. વિતરાગ બન્યા નથી હજુ, કેવલજ્ઞાની બન્યા નથી. સાતમે ગુણઠાણે છે. પ્રભુ વિચારે છે કે આ મનુષ્ય તો મારો ઉપકારી છે. એ જો કાનમાં ખીલા નહિ ઠોકે તો મારું કર્મ ખરશે કંઈ રીતે? આ જન્મમાં મારે બધા જ કર્મોને ખેરવીને મોક્ષમાં જવું છે. તો આ મનુષ્ય તો મારો મિત્ર, મારો ઉપકારી. પણ અત્યારે એ ખરાબ વિચારો કરી રહ્યો છે. મારા ઉપર દ્વેષ ભાવના વિચારો એને આવેલ છે. તો એને કારણે એ વિચારોને કારણે કર્મ બંધ કરીને એ દુર્ગતિમાં જશે. એ નરક ગતિમાં જશે. મારો ઉપકારી, મારો મિત્ર એ દુર્ગતિમાં જશે. કાનમાં ખીલા ઠોકનાર ઉપર આપણા પ્રભુની આ કરૂણા. ક્યારેય પ્રભુનું દર્શન આ રીતે કર્યું છે? એ વખતે તમને માંગવાનું મન થાય કે પ્રભુ મારા કાનમાં કોઈ ખીલા ઠોકવા આવે તો હું કંઈ આવો વિચાર કરવા ઉભો ન રહું. કાં તો પેલાને ભગાડું, કાં તો હું ભાગી જાઉં. મારા ગાલ ઉપર કોઈ તમાચો ઠોકે, તો પણ એને હું સહન ન કરી શકું. પણ પ્રભુ મારા કાનમાં કોઈ કડવા શબ્દો નાંખે તો આટલા જ પ્રેમથી હું સાંભળી શકું. એવી તો કરૂણા તું મારા ઉપર વરસાવ. પ્રભુને ક્યારે કહ્યું..! હવે તમે ઉચકાયેલા સાધક છો તો તમે પ્રભુના ચહેરા પરની ક્ષમા, પ્રભુના મુખ પરના પ્રશમરસને જોઈ શકશો. પ્રભુના ગુણો ઘણા બધા… તમે જે કક્ષા ઉપર હોય એ કક્ષા ઉપર ઉભા રહીને તમે ગુણોને જોઈ શકો છો.
ઉપાધ્યાય યશોવિજય મહારાજે સામાન્ય સાધકોને પ્રભુનું દર્શન કરાવ્યું. તો એમણે કેવી રીતે દર્શન કરાવ્યું? ‘આંખડી અંબુજ પાંખડી’ પ્રભુ તારી આંખો કેવી તો કોમળ કોમલ છે. જાણે કે કમળની પાંખડી. પણ દેવચંદ્રજી મ.સા. સાધનાના અટલ ઊંડાણમાં ગયેલા છે એ જ્યારે પ્રભુનું દર્શન કરાવે છે. ત્યારે આખી રીત અલગ છે. એ કહે છે ‘દીઠો સુવિધિ જીણંદ સમાધિ રસે ભર્યો હો લાલ’ જ્યાં સુધી સમાધિનો આસ્વાદ તમે આંશિક રૂપે નથી મેળવ્યો ત્યાં સુધી તમે પ્રભુની સમાધિને જોઈ શકતા નથી. ધ્યાન અને સમાધિ એમાં ફરક છે. ધ્યાનમાં તમે પ્રારંભિક કક્ષામાં છો. સમાધિમાં તમારી સાધના ઉચકાયેલી છે. ધ્યાનમાં શું હોય છે? તમે છો. ધ્યેય તરીકે પ્રભુ પણ છે. અને પ્રભુના ગુણોમાં, પ્રભુના સ્વરૂપમાં, ડૂબવા માટે ધ્યાન નામનો પુલ પણ છે.
એટલે ધ્યાતા. ધ્યાન કરનાર અલગ છે. જેમનું ધ્યાન કરવાનું છે એ પરમાત્મા અલગ છે. અને એ બેને સાંકળતી કડી એ ત્રીજી વસ્તુ છે. ધ્યાન. સમાધિમાં શું થાય છે? તમારી ચેતના પરમ ચેતનામાં ડૂબી જાય છે. પરમ ચેતનામાં એકાકાર થઇ જાય છે. આજે સવારે દેરાસરમાં નાનકડો એક પ્રયોગ આપણે કરેલો. કે આપણી ભીતર સમભાવનો અનુભવ થયો તો એ સમભાવનો અનુભવ ઝરણાં જેવો હતો. પણ સામે પ્રભુ હતા. સમભાવના સમુદ્ર સમાન આપણી journey શું હતી…! કે સમભાવનું ઝરણું સમભાવના દરિયામાં મળી જાય. ઝરણું દરિયામાં મળી ગયું. દરિયા સાથે એકાકાર થઇ ગયું. હવે ઝરણાનું પાણી જે હતું, એ જ દરિયામાં મળી ગયું. એકાકાર થઇ ગયું.
તો પ્રભુના ગુણોમાં, કે પ્રભુના સ્વરૂપમાં તમે એકાકાર બનો એ સમાધિ. તો આવી સમાધિનો જેણે અનુભવ કરેલો છે એ જ પ્રભુના મુખ પરથી વહેતી સમાધિ રસની ધારાનો અનુભવ કરશે. પછી સમાધિ શબ્દના બે અર્થો થાય છે. એક સમાધિ શબ્દનો અર્થ આપણે આ કર્યો, એકાકારદશા. પ્રભુ તરફ ખૂલતો બીજો પણ એક અર્થ છે. ‘સમ્યક્ આધિયતે, મન: યસ્યામ્ સ્થિત્યામ્ સા સમાધિ:’ આ એનું વર્ગીકરણ છે. તો તમારી સ્વરૂપદશા એકદમ સમ્યક્ બની ગઈ. અત્યારે આપણે જીવીએ છીએ. તમારી વાત કરું, તો તમારી life style સમ્યક્ નથી. તમારી life style સમ્યક્ ક્યારે બને? એમાં ધ્યાન ઉમેરાય. પ્રભુ ઉમેરાય.
તુકારામજી મહારાષ્ટ્રના બહુ મોટા સંત થયા. પ્યારથી, આદરથી લોકો એમને તુકોબા કહેતાં. તો એમનું એક સૂત્ર છે, કે તુકોબા માં વિઠોબા ભળે તો જ તુકોબા પૂરો, જ્યાં સુધી તુકારામ માં પ્રભુ ઉતરે નહિ, ત્યાં સુધી તુકારામ અધૂરા છે. એમના જીવનની એક ઘટના આવે છે, કે શિવાજી મહારાજને થયું – કે મારે ગુરુ જોઈએ. આમ તો સમર રામદાસજી એમના ગુરુ હતા. પણ એમના પછી કોણ? તો એ વખતે તુકારામજી નું નામ બહુ જ આદરણીય હતું. પછી તો એમણે નક્કી કર્યું કે એમને રાજ્યગુરુ તરીકે સ્થાપિત કરવા. હવે રાજ્ય ગુરુની પદવી એટલે આખા રાજ્યના ગુરુ બની જાય. તો શિવાજી મહારાજે પોતાના મંત્રીને કહ્યું કે તુકારામજી ને આપણે ગુરુ પદે સ્થાપવાના છે. તો એમને સભામાં આદરપૂર્વક લઇ આવો. આપણે એમને વિનંતી કરીએ. મંત્રીના મનમાં તો એમ જ હોય ને કે રાજ્ય ગુરુ બનવાની કોણ ના પાડે? પણ આ તો મોટા સંત છે. અને એમને લઇ જવા છે. હવે એ બગીમાં બેસશે, હાથીમાં બેસશે, કઈ રીતે બેસશે. પાલખીમાં બેસશે. એ તો ખબર નથી. મંત્રી હોશિયાર હતો. હાથી, પાલખી, ઘોડા, બગી બધું લઈને ગયો. બેન્ડ વાજા સાથે. તુકારામજી ના ઘરે જઈને કહ્યું – શિવાજી મહારાજ આપને બોલાવે છે, આપને રાજ્ય ગુરુની પદવી આપવાની છે, સ્પષ્ટ ના. જેને પ્રભુ નથી મળ્યા એને જ બીજું જોઈએ છે. જેને પ્રભુ મળ્યા એને બીજું શું જોઈએ? મેં પહેલા કહ્યું હતું એમ એવું વ્યક્તિત્વ ન તો કોઈનાથી પ્રભાવિત થાય, ન કોઈને પ્રભાવિત કરવાની ઈચ્છા થાય. શિવાજી હોય તો એની જગ્યાએ મારે શું? સ્પષ્ટ ના પાડી દીધી. આ પદવી મારે નહિ જોઈએ. મંત્રીએ ઘણી – ઘણી રીતે વાત સમજાવી સ્પષ્ટ ના. થાકીને – હારીને મંત્રી ખાલી હાથે ગયો. મહારાજને કહ્યું કે સંત તો આવવા માટે તૈયાર નથી. એ પદવી સ્વીકારવા તૈયાર નથી. પણ એ પછીની જે ઘટના ઘટી છે તે હલબલાવી નાંખે એવી છે. મંત્રી ગયા. પછી તુકારામજીએ પોતાના ઘરની ડેલી બંધ કરી નાંખી. ઘરમાં જ પ્રભુને પધરાવેલા. ત્યાં પહોંચ્યા. અને તુકારામજી ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. પ્રભુને કહે છે – પ્રભુ એ રાજાનો મંત્રી નહોતો આવ્યો, તું આવ્યો તો. તું મારી પરીક્ષા કરવા આયો તો ને? પણ પ્રભુ! આજે તને કહી દઉં તારા બે ચરણો સિવાય, તારા બે પાદ સિવાય દુનિયાનું કોઈ પણ પદ મારે નહિ ચાલે. એક જ વાત હતી, તુકોબા માં વિઠોબા જ ભળવા જોઈએ. બીજું કાંઈ જ ભળી શકે નહિ.
તો ધ્યાન અને સમાધિ. દેવચંદ્રજી મહારાજે પ્રભુના મુખનું દર્શન કરાવરાવ્યું. એ કહે છે જો પ્રભુના મુખને જો… પ્રભુ કેવી રીતે બેઠા છે એ તો જો…. બોલો એક સવાલ તમને કરું… કેટલા સંતોને જોયા? એ સંતોને જોયા પછી તમને કંઈક લાગ્યું કે તમારી પાસે કંઈક ઉણપ છે, અધુરાશ છે? જે આનંદ અમારી પાસે છે એ આનંદ તમારી પાસે નથી. ક્યારેય પૂછ્યું અમને કે સાહેબ શું છે તમારી પાસે…? આટલા બધા આનંદમાં આટલી બધી મસ્તીમાં? હું ઘણીવાર એક STATEMENT આપું છું. કે પ્રભુ મને મળ્યા એ પછી એક ક્ષણ, એક સેકંડ મારી વિષાદમાં નથી ગઈ. પીડામાં નથી ગઈ, માત્ર આનંદ. પ્રભુએ આખી દ્રષ્ટિ બદલી આપી. Vision બદલી આપ્યું, હવે બધું જ મજાનું મજાનું લાગે છે. એક પણ ઘટના જોડે, એક પણ વ્યક્તિ જોડે મને ક્યારેય કોઈ ફરિયાદ નથી હોતી. બધું જ મજાનું મજાનું લાગે છે. અને એક સૂત્ર તમને આજે આપું…. બધા જ સારા જ છે. ખરાબ હોય તો એક હું છું. આ વાત હૃદયમાં સચોટ રીતે બેસે નહિ ત્યાં સુધી ખરેખર સાધક તમે નથી. બધા જ મજાના છે. બધા જ સિદ્ધ ના આત્માઓ છે. મારા દોષો મને દેખાય છે. યશોવિજય ખરાબ હોઈ શકે. પણ બાકીના દુનિયાના દરેક વ્યક્તિત્વો નિર – અપવાદ રૂપે સારા જ છે. એક પ્રભુએ એવું મજાનું vision આપ્યું કે તમારામાં રહેલ સિદ્ધત્વનું દર્શન થઇ શકે છે. બોલો અમે તમને નમસ્કાર કરીએ આવું તમને શક્ય લાગે છે? રોજ કરીએ છીએ. ‘નમો સિદ્ધાણં’ બોલીએ. ભવિષ્યના સિદ્ધોને નમસ્કાર. એમાં તમે આવી ગયા કે નહિ આવી ગયા…
ભીલડીયાજી તીર્થમાં ઉત્તર ગુજરાતમાં ઉપધાન તપની આરાધના હતી. આરાધકોની સંખ્યા ધાર્યા કરતા વધી ગઈ. ભાઈઓને તો ઉપાશ્રયમાં જ રાખવાના હતા અમારી જોડે. બહેનો માટે ધર્મશાળાની rooms હતી. પણ સંખ્યા વધી ગઈ. અને આયોજકે management વાળાને કહ્યું: મારા પ્રદેશના જેટલા આરાધકો છે એમાંથી હું કોઈને ના નહિ પાડી શકું. એમને તો લેવા જ પડશે. તો બધા એ જ પ્રદેશના હતા. તો management વાળા પણ શું કરે? એક નાની રૂમ. એમાં ૧૦ – ૧૦ આરાધકોને સમાવેલા. બહેનોને… એ બહેનો management વાળા પાસે ગઈ કે તમે જુઓ તો ખરા room ની size કેટલી છે? અને ૧૦ – ૧૦ આરાધકો, રાત્રે બહાર લાઈટ આવતી હોય, અને શિયાળો હતો. બહાર સૂઈ જવાય નહિ લોબીમાં, તો રૂમમાં સંથારો શી રીતે કરીએ… management વાળા બહુ જ ભલા હતા. એમણે કહ્યું, એક કામ તમે કરો, રૂમ તો એક પણ વધારી શકવાની નથી. પણ ટેન્ટ એકદમ બાદશાહી ટેન્ટ રાતોરાત અમે બનાવી નાંખીએ. નીચે લાકડાની સરસ મજાની ફર્સ હશે. ઠંડી ન લાગે એવી ભીંત જેવી જાડી કાપડની દીવાલો હશે. ઉપર સરસ મજાની છત હશે. તમે ખાલી નામ આપો. કે આટલા આરાધકો ટેન્ટમાં જવા તૈયાર છે. બાજુમાં જ ડીસા શહેર છે. હમણાં જ ફોન કરીએ મંડપવાળો આવી જાય, રૂમો બની જાય. પણ ટેન્ટમાં જવા કોઈ તૈયાર નહિ. એ બહેનો મારી પાસે આવી. મને પણ બધો ખ્યાલ હતો, કે આ બહેનો ટેન્ટમાં જવા તૈયાર નથી તો management વાળા કરે શું? પણ પ્રભુએ નાનપણથી મને positive attitude આપેલો છે. અને એટલે મેં એમની વાત પ્રેમથી સાંભળી. પછી મેં કહ્યું: આજનું પ્રવચન તમે સાંભળેલું? કારણ કે ઉપધાનમાં શરૂઆતમાં નમસ્કાર મહામંત્રની સાધના હોય, એટલે મારું પ્રવચન એ દિવસે ‘નમો સિદ્ધાણં’ પદ ઉપર જ હતું. મેં કહ્યું: તમને એ તો ખ્યાલ આવી ગયો કે આ બધા ભવિષ્યના સિદ્ધો છે. મેં કહ્યું તમારે management વાળા નો ઉપકાર માનવો જોઈએ. હું તો સિદ્ધ ભગવાનના દર્શનની વાત કરું છું. તમે કહો છો સંથારો કઈ રીતે કરવો. એકબીજાને પગ અડી જાય અને સિદ્ધ ભગવાનનો સ્પર્શ તમને કરવા મળે. આથી વધારે તમને શું જોઈએ? બહેનો ખુશ થઇ ગઈ.
તો પ્રભુનું દર્શન આપણે કરીએ છીએ. પણ કઈ રીતે કરીએ છીએ. એ વખતે મન એકદમ સ્થિર હોય છે ખરૂ? પ્રભુને જોતા શું અનુભૂતિ થાય, પ્રભુનું નામ સાંભળતા શું અનુભૂતિ થાય, એ આપણે જોઈ ગયા. હવે માનવિજય મહારાજ કહે છે કે પ્રભુના દેહમાંથી જે અદ્ભુત સુવાસ નીકળે છે એ સુવાસને તમે માણો. તો શું થાય? આપણે તો સમવસરણમાં કેટલીયે વાર જઈ આવ્યા. યાદ આવે છે? સમવસરણમાં તમે જઈ આવ્યા છો… પણ આપણે ચુકી ગયા. આપણે પ્રાતિહાર્યો જોયા. ૬૪ ઇન્દ્રોને જોયા. ચામરો વિંઝાતા હતા એ જોયું પણ પ્રભુના મુખ ઉપર જે પરમ ઉદાસીન ભાવ ઝળકતો હતો એને આપણે જોયો જ નહિ. પ્રભુના મુખ ઉપર પરમ ઉદાસીન ભાવ હતો. જોવાનો તો એ હતો. ૬૪ ઇન્દ્રો જેમના ચરણોમાં ઝુકે, કરોડો દેવો જેમની સેવામાં હોય, વિહાર કરવાનો હોય તો સોનાના કમળ ઉપર, પણ એ પ્રભુના મુખ ઉપર કેવી ઉદાસીન દશા છે! આ બધું જ તીર્થંકર નામકર્મના ઉદયથી થઇ રહ્યું છે. અને કોઈ પણ સાધક ઔદયિક ભાવની સામગ્રીમાં ડૂબે નહિ. તમને તો એક નાનકડો – મોટો flat મળી ગયો. એમાં તમે પ્રીતિ કરીને બેસી જાઓ. પ્રભુને જોઈએ… અત્યારે પણ એ મુખ ઉપર પરમ ઉદાસીન દશા છે. હીરાનો મુગટ હોય કે સોનાની આંગી હોય, આપણે મુગટને જોઈએ છીએ. આપણે આંગીને જોઈએ છીએ. પણ જોવાનું પ્રભુનું મુખ છે. કરોડોનો મુગટ હોય કે અબજોનો મુગટ હોય… મારા પ્રભુ આ બધાથી પર છે. આ ઉદાસીનદશા પ્રભુના મુખ ઉપર જોવાની હતી. અને એ સમવસરણમાં આપણે બેઠેલા હતા ત્યારે પ્રભુના દેહમાંથી જે સુવાસ નીકળતી હતી એ સુવાસને માણી હોત, તો પણ આપણને ઉદાસીનદશા મળી જાત.
તો એ લય પર કડી ચાલુ થાય છે – “શુભ ગંધને તરતમ યોગે આકુલતા હોઈ ભોગે, તુજ અદ્ભુત દેહ સુવાસે, તેહ મિટી રહત ઉદાસે.” “શુભ ગંધને તરતમ યોગે આકુલતા હોઈ ભોગે,” ફૂલની સુગંધ કે અત્તર ની સુગંધ લીધી, ભોગમાં વ્યાકુળ દશા મળ્યું. દુનિયામાં એક જ સુગંધ એવી છે જે ઉદાસીન દશા તરફ સાધકને લઇ જાય. “તુજ અદ્ભુત દેહ સુવાસે, તેહ મિટી રહત ઉદાસે” પ્રભુના દેહની સુવાસ અદ્ભુત ઘટના પણ આજની વાત કરું તો અત્યંત સાધનાના ઊંડાણમાં ગયેલા, પ્રભુમય જે સદ્ગુરુઓ થયા, એમના દેહમાંથી પણ સુવાસ નીકળતી ઘણાએ અનુભવી છે.
મારા દાદા ગુરુ ભદ્રસૂરિદાદા. ૧૦૩ વર્ષનું એમનું આયુષ્ય હતું. ઉંમર થયા પછી જુના ડીસામાં એક ભાવુક ગામમાં એમને વધારે રહેવાનું થયું. ત્યાંના એક સાધક જે દીક્ષિત થયા, અને ઉપાધ્યાય પદ સુધી પહોંચેલા, એ મહાત્માએ મને એક વાર વાત કરી – હું જુના ડીસાનો, અમે લોકો શિયાળામાં સંસારી પણામાં હતા ત્યારે ઉપાશ્રય પ્રતિક્રમણ કરવા માટે સવારે જઈએ. ઉનાળામાં તો અમને ખ્યાલ ન આવે, કારણ કે બારી – બારણાં ખુલ્લા હોય, પણ શિયાળામાં દાદા જે રૂમમાં બેઠેલા હોય એ તો રાત્રે ૧૨ કે ૧ વાગે ઉઠી જાય. સાધના કરતા હોય. અમે એમની રૂમને ખોલીએ ત્યારે અદ્ભુત સુગંધનો અમને અનુભવ થાય. અને એ સુગંધ અમારી સાધનાને ઉચકી લે.
કલાપૂર્ણસૂરિ દાદા બહુ મોટા યોગી પુરુષ. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં વાવમાં એમનું ચોમાસું. સાહેબજી પરોઢિયે સાધના માટે એક રૂમમાં પધારે. એ રૂમમાં સાધના કરે. ૬.૩૦ – ૬.૪૫ વાગે એ રૂમ ખુલે. એ રૂમ ખુલે ને ત્યારે અલગ જ જાતની સુગંધનો અનુભવ થાય. ઘણા લોકોએ એ સુગંધને માણેલી.
ગામમાં એક પ્રબુદ્ધ કહેવાતો માણસ. એના મનમાં એક શંકા પેઠી. કે સાહેબજી ૩ કલાક જાપ કરે છે. ધ્યાન કરે છે. અને સૂરિમંત્રના પટઉપર ધ્યાન કરે, એટલે વાસક્ષેપ તો મુકવાનો હોય. તો સાહેબજી જે વાસક્ષેપ વાપરે છે. એની સુગંધ આ રૂમમાં ફેલાયેલી હોય, અને બારણું ખુલે ત્યારે એ સુગંધ આવે. તો ખરેખર એ વાસક્ષેપ ની સુગંધ છે કે બીજી સુગંધ છે. એટલે એણે એક કામ કર્યું. કલાપ્રભસૂરિ મહારાજને એણે કહ્યું – કે મારા એક સંબંધી બીમાર છે મુંબઈમાં, સાહેબજીનો વાસક્ષેપ એમને મોકલવો છે. આજે સોબત છે. તો સાહેબજી સૂરીમંત્ર ગણતી વખતે જે વાસક્ષેપ વાપરે છે એ મને પડીકામાં આપો. એ વાસક્ષેપ એ ભાઈએ લીધો. પડીકામાં લઈને ઘરે ગયા. બે – ત્રણ વાર એને સુંઘ્યો. થોડો ખ્યાલ આયો, કે પેલી સુગંધ અલગ હતી. આ સુગંધ અલગ છે. પણ એને બરોબર નક્કી કરવું હતું… બીજી સવારે બરોબર પેલું પડીકું છે એને તિજોરીમાં મુકેલું એટલે સુગંધ ઉડી ના જાય એના માટે… પેક તિજોરીમાં… ૬.૩૦ એ તિજોરીમાંથી પેકેટને કાઢ્યું. વાસક્ષેપની સુગંધ લીધી બરાબર… ફટ કરતો ઉપાશ્રય આવ્યો. ત્યાં સાહેબનો દરવાજો ખુલ્યો. અને એને ખ્યાલ આવી ગયો કે આ સુગંધ આખી અલગ છે. એટલે યોગી પુરુષોના દેહમાંથી પણ એક અલગ જાતની સુગંધ વહેતી રહેતી હોય છે. આપણે જેને લેશ્યા કહીએ. એ લેશ્યા જ આ છે. ખરાબ માણસ હશે. ખરાબ વિચારોથી યુક્ત તો એના શરીરમાંથી એવા વિચારોની લહેર નીકળશે કે તમને ત્યાં ઉભા રહેવું પણ નહિ ગમે. તો લેશ્યાને વર્ણ પણ હોય છે અને ગંધ પણ હોય છે. કારણ કે એ પૌદ્ગલિક છે. તો આવા ગુરુદેવો જે પ્રભુમય બનેલા છે એમના જીવનમાં બીજું કંઈ છે જ નહિ. માત્ર પ્રભુ, પ્રભુ ને પ્રભુ. કલાપૂર્ણસૂરિ દાદાને પાલીતાણામાં પીધેલા. સાહેબજીની પાલીતાણામાં વાચના ચાલે. લલિતવિસ્તરા સૂત્ર ઉપર. અડધો કલાક પહેલા લોકોએ sit લઇ લેવી પડે. નહિતર જગ્યા બહુ પાછળ મળે. તો એ સાહેબજી બે વાત વારંવાર કરતા પ્રભુ ઉપર અને સદ્ગુરુ ઉપર કેટલો બધો અહોભાવ એમનો. એ કહેતાં કે આ હું બોલતો નથી. પ્રભુ બોલે છે. મારે કંઈ જ બોલવાનું નથી. હું તો ખાલી થયેલો છું. અને બીજી વાત એક – એક વાચનામાં પોતાના સાધનાદાતા પંન્યાસ પ્રવર ભદ્રંકરવિજયજી મ.સા. ને યાદ કરતા. હું જે આ તત્વ તમને આપું છું એ મારા ગુરુદેવ ભદ્રંકરવિજયજી મ.સા. એ મને આપ્યું છે. શું એ મજાની પરંપરાઓ હતી! પંન્યાસજી ભગવંત ભદ્રંકરવિજય ગુરુદેવ આજના યુગના સાધનામનીષી, કલાપૂર્ણસૂરિ દાદાને નાનપણથી એમના પ્રત્યે પ્રીતિ. હમણાં સાહેબનો એક પત્ર વાંચ્યો. કલાપૂર્ણ સૂરિ દાદાનો પંન્યાસજી ભગવંત ઉપરનો કે સાહેબ મને આપની નિશ્રામાં ક્યારે બોલાવો છો? અને ગુરુદેવે એમને બોલાવ્યા કે કલાપૂર્ણસૂરિ તમે આવી જાઓ. પંન્યાસજી ભગવંત ભદ્રંકરવિજયજી મ.સા. પંન્યાસ પદે છે. કલાપૂર્ણસૂરિ દાદા આચાર્ય પદે છે. પણ શિષ્ય તરીકે બેઠા છે. કેવી વિનમ્રતા.
મારી જન્મભૂમિ ઝીંઝુવાડા, એની બાજુમાં નાનકડું ગામ ધામા, જંબુવિજય મ.સા. ઘણી વાર ત્યાં રહેતા. કલાપૂર્ણસૂરિ દાદા જંબુવિજય મ.સા પાસે એક આગમ ગ્રંથની વાચના લેવા માટે આવ્યા. આ કલાપૂર્ણસૂરિ દાદા આજના યુગની મોટી વિભૂતિ. પણ એ વિભૂતિ કેમ બની… કેટલી નમ્રતા… આટલા ધુરંધર આચાર્ય એ વખતે એમનું નામ પૂરા જિનશાસનમાં ફેલાયેલું, અને એ એક નાનકડા ગામમાં આવીને બેસે. મુનિ જંબુવિજય પાસે. અને પછી જે મજાની વાત હતી, સવારે પચ્ચક્ખાણ લેવાનું હોય ત્યારે જંબુવિજય મહારાજ કલાપૂર્ણસૂરિ મહારાજને વંદન કરે, અને પચ્ચક્ખાણ લે. વાચના લેવાની હોય, ત્યારે કલાપૂર્ણસૂરિ દાદા જંબુવિજય મહારાજને વંદન કરે. આ નમ્રતા ન હોય ને તો જ્ઞાન મળે નહિ. પંન્યાસજી ભગવંતે પણ કલાપૂર્ણ સૂરિ દાદાને જ પસંદ કેમ કર્યા? બધું જ પોતાનું જ્ઞાન એમણે આપી દીધું. એમના પોતાના શિષ્યો ઘણા હતા. કોઈને ન આપ્યું. કલાપૂર્ણસૂરિ દાદાને આપ્યું. કારણ receptivity કલાપૂર્ણસૂરિ દાદા પાસે હતી. અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની, ગુરુ પાસે જાઓ ત્યારે માત્ર શબ્દોથી જ્ઞાન મળે. એવા ભ્રમમાં ક્યારે પણ રહેશો નહિ. આપણે ત્યાં આ એક માન્યતા છે કે ગુરુ પાસે કેમ જવાનું, શબ્દો સાંભળવા, નહિ… શબ્દો સાંભળવા નહિ… તમે સાધના લેવા માટે આવો છો. તમે બિલકુલ ખાલી થઈને, અહંકાર શૂન્ય બનીને ગુરુ પાસે આવો છો. અને ગુરુ તમને સાધના આપે છે.
આપણે વંદન કરીએ છીએ ને ગુરુને પ્રતિક્રમણ વિગેરેમાં… ત્યારે આપણે બોલીએ છીએ નિસીહી… ગુરુદેવ! હું ખાલી થઈને આવ્યો છું મને ભરી દો. તમે ખાલી થઈને આવ્યા છો. વિભાવ શૂન્ય થઈને આવ્યા છો. તો સદ્ગુરુ તમને ભરી દે. તમે ખાલી નથી થઇ શક્યા. તો તમને ખાલી પણ સદ્ગુરુ કરી દે. ગુરુ બધી રીતે તૈયાર છે. તમે કેટલા તૈયાર છો? તો કલાપૂર્ણસૂરિ દાદા આજના યુગની ટોચની વિભૂતિ. પણ પ્રભુને, સદ્ગુરુને એ હદે સમર્પિત હતી કે આપણને લાગે કે આ સમર્પણ કેટલા જન્મે આપણને મળશે. બિલકુલ ખાલી થઇ જવાનું. અહંકાર બિલકુલ ન રહે. સંત કબીરજી એ કહ્યું “યે તન વિષ કી વેલડી, ગુરુ અમૃત કી ખાણ, શીશ દિયે જો ગુરુ મિલે, તો ભી સસ્તા જાન.” શું કહે છે કબીરજી પૂર્વાર્ધ માં “યે તન વિષ કી વેલડી,” આ શરીરમાં શું છે, ગંદકી જ ગંદકી છે. ‘ગુરુ અમૃત કી ખાણ, શીશ દિયે ગુરુ જો મિલે, તો ભી સસ્તા જાન.’ માથું આપી દઉં અને ગુરુ મળે. સોદો સસ્તામાં… માત્ર માથું આપવાથી ગુરુ નહિ મળે. અહંકાર સંપૂર્ણતયા વિસર્જિત કરવું પડશે. ૧ + ૧ = ૧ દીક્ષા લીધી ને શું થયું એ દિવસે? અમે જે ક્ષણે તમને રજોહરણ આપ્યું, એ ક્ષણે શું થયું? અમે શક્તિપાત કરેલો. અને એ શક્તિપાત એ હતો, ૧ + ૧ = ૧ તમે રહો જ નહિ. માત્ર સદ્ગુરુ રહે. તમારી ઈચ્છાઓ, તમારી કામનાઓ, તમારી ઝંખનાઓ બધું જ ઢળી પડે. તમે total choiceless થઇ જાઓ. જે ક્ષણે તમે ન રહ્યા, તમે સમર્પિત થયા, એ ક્ષણથી તમારી પૂરી જવાબદારી સદ્ગુરુની છે. સદ્ગુરુ તમને કહેશે મોક્ષ તને આપી દઉં. એક માત્ર સમર્પણ આપણે ન કરી શક્યા. એના કારણે મારો અને તમારો મોક્ષ રહી ગયો.
મૃગાવતી સાધ્વીજીની વાત આપણે ત્યાં પ્રસિદ્ધ છે. પ્રભુના સમયમાં ચંદનાજી એ દીક્ષા લીધી. ચંદનાજી ના શિષ્યા મૃગાવતીજી. એકવાર કૌશાંબીમાં પ્રભુનું સમવસરણ. મૃગાવતીજી પ્રભુને પી રહ્યા હતા. અને એ દિવસે ચંદ્ર અને સૂર્ય મૂળ વિમાને ત્યાં આવેલા. સાંજનો સમય થયો. પ્રકાશ ઝળહળાહળ અને આમ પણ પ્રકાશ હોય યા ન હોય. પ્રભુના પ્યારા પ્યારા શબ્દો ઝરતાં હોય એનું સંમોહન કેટલું હોય. તમને કોઈ ખ્યાલ રહે ખરો… દેરાસરમાં ઘડિયાળ કેમ મૂકવી પડે ખબર છે… ટ્રસ્ટીઓ કેમ મૂકે કે આ ભક્તો એવા છે કે સવારથી સાંજ પડશે એમને ખબર નહિ પડે. બરોબર…
પ્રભુને જોતા શરીરનું ભાન ભૂલાય જાય, સમયનું ભાન ભૂલાય જાય. તો પ્રભુના પ્યારા પ્યારા શબ્દો ઝરી રહેલા હતા. મૃગાવતીજી ને ખ્યાલ ન આવ્યો સૂર્યાસ્ત થઇ ગયો અને એ પછી એ ઉપાશ્રય જાય છે. ચંદનાજી એ ગુરુણીજી એ એમને આડે હાથ લીધા. ‘તમારા જેવી સાધ્વી ખાનદાન સાધ્વી આટલી મોડી આવે. કે તમને ખ્યાલ આવે છે કે નથી આવતો?’ હું ઘણીવાર કહું છું, એ મૃગાવતીજી ને એક બાજુ પશ્ચાતાપ થયો. બીજી બાજુ આનંદ થયો. કે મારું યોગ અને ક્ષેમ કરનારા કેવા ગુરુણીજી મને મળ્યા છે. મૃગાવતીજી ને પહેલું કેવલજ્ઞાન થયું. ચંદનાજીને પછી કેવલજ્ઞાન થાય છે. મૃગાવતીજી ને કેવલજ્ઞાન થઇ ગયું. મને ને તમને ન થયું. ક્યાં અટક્યા આપણે… બે તત્વમાં અટક્યા બુદ્ધિ અને અહંકાર… પહેલા બુદ્ધિ આવે શું સાહેબ તમે આમ ઝાટકી કાઢો છો, મારો વાંક શું? પ્રભુની દેશના ચાલતી હતી, મારી પાસે કંઈ ઘડિયાળ હતી કે મને ખ્યાલ આવે કે આટલા વાગ્યા છે… મારો વાંક શું એ તો બતાવો મને પહેલાં… બુદ્ધિ આવી.. ક્યારેક રંગાયેલા હાથે પકડાયેલા હોત સીધો અપરાધ છે. તો અહંકાર બહાર આવત. જરૂર મારી ભૂલ છે પણ તમે મને ખાનગીમાં કહો, જાહેરમાં ન કહો. આ બુદ્ધિ અને અહંકારે મારા અને તમારા કેવલજ્ઞાનને આવતાં અટકાવી દીધું. અને સમર્પણ આવી જાય કેવલજ્ઞાન આ રહ્યું. ભલે આ જન્મમાં ન મળે. આવતાં જન્મમાં મહાવિદેહ જઈએ. કેવલજ્ઞાન ક્યાં દૂર છે?
એક દેરાસરમાં હું ગયેલો, સીમંધર દાદા હતા. એક ભાઈ પ્રાર્થના કરતો હતો, આઠ વર્ષની નાની વયમાં સંયમ લેવું સ્વામી કને, હે પ્રભુ આવતાં જન્મમાં મહાવિદેહમાં અવતાર, આઠ વર્ષની વયે દીક્ષા, તારા હાથે દીક્ષા, કેવલજ્ઞાન અને મોક્ષ. મને એની પ્રાર્થના ગમી ગઈ. હું બહાર નીકળ્યો. મેં કહ્યું તારું future planning તો બહુ સારું છે. આ જન્મમાં શું? મને કે આ જન્મમાં દીક્ષા – બીક્ષા કાંઈ નહિ. મેં કહ્યું કેમ? એટલો ચાલાક માણસ, મને કહે તમારી પાસે દીક્ષા લઉં તમે કેવલજ્ઞાન આપશો? એ કહે હું retail નો નહિ wholesale નો વેપારી છું. દીક્ષા, કેવલજ્ઞાન ને મોક્ષ બધું સાથે.
તો સદ્ગુરુના દેહમાંથી પણ સુવાસ ઝરે છે એનું કારણ એમની સાધના છે. સુવાસ – સુગંધ મહત્વની વસ્તુ નથી. સાધનાનું ઊંડાણ એ મહત્વની વસ્તુ છે. સદ્ગુરુ પૂરી દુનિયાને ભૂલી જાય છે. અને પૂરી દુનિયાને ભૂલીને માત્ર એ પોતાનામાં ઓગળી જાય છે. એક મુનિનું પણ લક્ષ્ય શું હોય?
દેવચંદ્રજી મહારાજે મુનિ પદની સજ્ઝાય માં કહ્યું ‘જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે, દેહ નિર્મમ નિર્મદા’ એક પણ મુનિ, એક પણ સાધ્વી પ્રભુની, શું કરે… ‘જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે,’ શુદ્ધ સ્વરૂપ દશામાં એમને રહેવું હોય છે. ત્યાં સ્થિર થઈને રહેવું હોય છે. તો તમારે બધાને પણ permanent નહિ, થોડો સમય માટે પણ શુદ્ધ સ્વરૂપ દશાનું, તમારા ગુણોનો આનંદ મેળવવો છે એના માટે આપણે practical શરુ કરીએ.