વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
પરમ અસંગ દશા
- પ્રભુઆજ્ઞાના પાલનનો દિવ્ય આનંદ મળે, તે પછી સાધનાનું બીજું ચરણ – અસંગ દશા – મળી શકે.
- અસંગદશાનું પ્રથમ ચરણ: પદાર્થો અને વ્યક્તિઓના સંગમાંથી મુક્તિ. સાધકના શરીરના સ્તરે પર નો સંગ રહેશે પણ મનના સ્તર પર એક પણ પર નું સ્મરણ રહેશે નહિ.
- અસંગદશાનું બીજું ચરણ: શરીરના રાગમાંથી મુક્તિ. શરીર સાધનામાં ઉપયોગી છે, માટે તેને દાળ-રોટલી આપી દેવાં છે; પરંતુ શરીરમાં હું-પણાની identity રાખવી નથી; રાગ રાખવો નથી.
પરમ આર્હત્ કુમારપાળ મહારાજાએ આત્મનિંદા દ્વાત્રિંશિકામાં એક શ્લોકમાં સાધનાના ચાર ચરણો બતાવ્યા. પ્રભુ આજ્ઞાપાલનનો દિવ્ય આનંદ, પરમ અસંગદશા, સ્વાનુભૂતિ, અને ઉદાસીનદશા.
પહેલું ચરણ પ્રભુ આજ્ઞા પાલનનો દિવ્ય આનંદ. પ્રભુ પરનો જે આપણો ભક્તિભાવ છે, એ જ પભુ પરની આજ્ઞાના આદરમાં ફેરવાશે. અને પ્રભુની આજ્ઞા પરનો આદર આજ્ઞા પાલનના આનંદને આપશે. પ્રભુને જોતા, પ્રભુનું નામ સાંભળતા કે પ્રભુના દેહની સુવાસ લેતા ક્યાં અનુભવો થાય એની વાત માનવિજય મ.સા એ કરી. એમની ઈચ્છા છે એક મહાયોગી પુરુષની કે આપણી બધી જ ઇન્દ્રિયો અને મન પરમાત્માને સમર્પિત થઇ જાય. રસનેન્દ્રિય એના બે કામ: બોલવાનું અને ખાવાનું…. એટલી સરસ વાત લખી, “તુજ ગુણ સંસ્તવને રસના, છાંડે અન્ય લયની તૃષ્ણા” “તુજ ગુણ સંસ્તવને રસના,” જ્યારે આ મુખ, હોઠ, જીભ, તારા સ્તવનમાં લાગી જાય છે. પ્રભુ તારા ગુણગાનમાં લાગી જાય છે ત્યારે એમાં એટલો બધો આનંદ આવે છે કે બીજું બધું જ છૂટી જાય છે. ખાવાનું પણ છૂટી જાય છે. યાદ જ નથી આવતું.
ઉપવાસની આપણે ત્યાં બે વ્યાખ્યા થઇ છે, પહેલી વ્યાખ્યા એ છે, ઉપ + વાસ, વાસ એટલે રહેવું, નજીક રહેવું. ઉપ એટલે નજીક. કોની નજીક રહેવું. પ્રભુની નજીક રહેવું. સતત તમે પ્રભુની નજીક રહો, પ્રભુમય તમારું મન હોય, કોઈ પણ ઇન્દ્રિયના વિષયમાં જવાની તમને ઈચ્છા ન થાય. બીજો ઉપવાસ શબ્દ નો અર્થ છે કે જે સાધનામાં તમે જાઓ અને ખાવાનું યાદ જ ન આવે એ ઉપવાસ. આજે ઉપવાસ કર્યો છે એનો મતલબ એ આજે ખાવાનું યાદ આવે જ નહિ. એવી સાધનામાં તમે ઊંડે ગરકાવ થઇ જાવ, અને એ સાધનાના આનંદને એટલી તીવ્રતાથી માણતા હોવ કે ખાવાનું યાદ જ ન આવે. તો એ જ લયમાં આ વાત કરી, કે પ્રભુ! જ્યારે મારા હોઠ, મારી જીભ તારા ગુણોની સ્તવનામાં રોકાઈ જાય છે અને મનની અંદર એ આનંદ ઉતરવા લાગે છે. ત્યારે હું બધું ભુલી જાઉં છું. આવી ભક્તિ ક્યારેય થઇ છે? એક સવાલ પૂછું, દેરાસરમાં તમે સ્તવન ગાઓ કોને સંભળાવા ગાઓ… પ્રભુને?
એક જગ્યાએ મારે વિહાર કરતાં જવાનું થયું, મજાનું ગામ હતું. અને એ દિવસે એ લોકોએ ચૈત્યપરિપાર્ટીનો કાર્યક્રમ રાખેલો. અમે લોકો યોગાનુયોગ ત્યાં પહોંચ્યા. તો કહે સાહેબ, ૯ વાગ્યે ચૈત્યપરિપાર્ટી છે. આપ પધારો. જરૂર… ચૈત્યપરિપાર્ટીમાં ગયા. ચૈત્યવંદન શરૂ થયું, એક ભાઈ મારી જોડે બેઠેલા. મને કહે સાહેબ! આ આગળ બેઠેલા છે ટોપીવાળા ભાઈ… એમનો કંઠ બહુ જ મીઠો છે. એટલે એ જો સ્તવન નો આદેશ માંગે તો આપ જરૂર આપજો. મેં કહ્યું ok. અને એ જ ભાઈએ આદેશ માંગ્યો. મેં આપ્યો… શું મજાનો એમનો કંઠ… એક સ્તવન પણ એવી રીતે ગાયું ૨૦ મિનિટ લોકોને ભાવધારામાં ડુબાડી દીધા. બીજા દિવસે મારે ત્યાં જ રહેવાનું થયું. દેરાસરે ગયેલો. મારો એક નિયમ છે. શંખેશ્વરમાં જાઉં કે બીજે ક્યાંય પણ જાઉં, કોઈનું મજાનું સ્તવન ચાલતું હોય તો હું મારું ચૈત્યવંદન ચાલુ નથી કરતો. એ સ્તવનમાં હું ભળી જાઉં. એ બધું પૂરું થાય પછી મારું ચૈત્યવંદન શરૂ કરું. તો પેલા ભાઈ બેઠેલા. અને એમનું ચૈત્યવંદન ચાલુ હતું. મેં કહ્યું કે આમનું સ્તવન થઇ જાય પછી આપણે ચૈત્યવંદન કરીએ. પેલા ભાઈ નમુત્થુણં, જાવંતિ, ઇચ્છામિ ખમાસમણો, જાવંત, નમોર્હત્ મને એમ કે હમણાં મજાનું સ્તવન નીકળશે. એમણે ઉવસગ્ગહરં, જય વીયરાય કહીને પૂરું કરી દીધું. પછી મને મળેલા. મેં કહ્યું, કેમ હું તો તમારા સ્તવન માટે wait કરતો હતો. કે તમારું સ્તવન પૂરું થાય પછી મારું ચૈત્યવંદન શરૂ કરું… કેમ આજે બોલ્યા નહિ… તો કહે સાહેબ, આજે કોઈ સાંભળનાર નહોતું ને એટલે… કાલે તો ૫૦૦ લોકો સાંભળનારા હતા. એટલે મેં કહ્યું, તમે લોકોને સંભળાવા માટે ગાઓ છો? એ વખતે આપણને માત્ર પ્રભુ દેખાવા જોઈએ. છેલ્લે સ્પર્શેન્દ્રીય લીધી. ‘પૂજાએ તુજ તનુ ફરસે, ફરસન શીતલ થઇ ઉલ્લસે.’ પ્રભુ તારી પૂજા કરું, તારા અંગોનો સ્પર્શ કરું, અને એ વખતે એક અદ્વિતીય અજોડ શીતલતાનો અનુભવ થાય. કે જે શીતલતા મારા ક્રોધને ખતમ કરી નાંખે. એક – એક ઇન્દ્રિયને પ્રભુ સાથે એમણે જોડી આપી. હવે વાત રહી મનની… જે મનમાં આપણે પ્રભુને લાવવા છે. અથવા જે મનને પ્રભુ સાથે જોડવું છે એ મન કેવું હોવું જોઈએ. એ મનમાં એક પણ વ્યક્તિ પ્રત્યે તિરસ્કાર ના હોવો જોઈએ.
એક બહુ પ્યારી ઘટના, સાંભળેલી ઘટના યાદ આવે છે. વર્ષો પહેલાની ઘટના છે. એક જ્ઞાની આચાર્ય ભગવંત જેમનું પૂરું અસ્તિત્વ પ્રભુમય હતું. એમના કર કમલ થી એક જગ્યાએ અંજન શલાકા પ્રતિષ્ઠા થવાની હતી. ગામમાં ખુબ ઉલ્લાસ, કે આટલા મોટા જ્ઞાની ગુરુ ભગવંતના હાથે અંજનશલાકા થશે. તમને ખ્યાલ છે પહેલા અંજનશલાકા સદીઓમાં એક થતી. ક્યારેક કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય જેવા હોય કે હરિભદ્રાચાર્ય જેવા મહાપુરુષ હોય તો એ અંજનશલાકા કરતા. વૈશ્વિક પરમ ચેતનાને પોતાના હૃદયમાં સ્થાપિત કરવી અને એ વૈશ્વિક પરમ ચેતનાને મૂર્તિમાં કેન્દ્રિત કરવી એ સામાન્ય ઘટના નથી. તો પૂરા ગામમાં ઉલ્લાસનું મોજું. એક ભાગ્યશાળી પરિવારે દેરાસર બનાવેલું. અને શ્રી સંઘને વિનંતી કરેલી, કે અંજનશલાકા મહોત્સવનો લાભ પણ પૂરો મને આપો. સંઘે ઉદારતા કરી. એમને લાભ આપ્યો. એ ભાઈ શ્રીમંત પણ એવા, ભાવનાશીલ પણ એવા. ખર્ચાનો કોઈ હિસાબ જ નહિ. સાહેબનું સામૈયું થયું, અને એમાં જે બેન્ડો, મંડળીઓ આવેલું એનું bill લાખો રૂપિયાનું થયું. આખા ગામને જે સુશોભિત કરેલું, અત્યારે પણ રાજસ્થાનમાં એક પરંપરા છે. પ્રતિષ્ઠા હોય યા અંજનશલાકા હોય આપણું દેરાસર તો નવું જ હોય. પણ હિંદુ મંદિરો જેટલા હોય, એ બધામાં સંઘ તરફથી રંગ – રોગાણ કરાવાય. ત્યાં પણ lighting થઇ જાય. અને એ સંઘના દેરાસરમાં તો પ્રભુની ભક્તિ કરીએ, ગામના દરેક મંદિરોમાં રોજ નૈવેદ્ય નો થાળ પહોંચી જાય. તો આખું ગામ શણગારાયેલું, ગામના બધા જ મંદિરો એકદમ ચકાચક બનાવી દીધેલા. પહેલે જ દિવસે એ ભાગ્યશાળી ગુરુદેવના વંદન માટે આવ્યા. ગુરુદેવ અને ભાગ્યશાળી બે જ જણા હતા. તો ગુરુદેવે કહ્યું – કે પ્રભુની ભક્તિમાં જેટલો ખર્ચ થાય એટલો ઓછો. પણ તમે બિનજરૂરી ખર્ચ નહિ કરતા. એને બદલે તમે એટલા પૈસા સાધર્મિક ભક્તિ આદિમાં વાપરજો. ૩ કે ૪ મીઠાઈ બનાવો ત્યાં સુધી પણ ઠીક તમારા માટે સમજ્યા. પણ તમે ૧૦ – ૧૦ મીઠાઈ બનાવો. અને ૧ – ૧ ટુકડો લોકો લે તો પણ બગાડવાના જ છે. એટલે થોડીક સાદગી તમે કરજો. તમે એટલા બધા ભાવુક છો. અને કોથળી તમે એવી ખુલ્લી મૂકી દીધી છે કે એક મહોત્સવમાં ૫ કરોડ કે ૧૦ કરોડ થાય તો ય તમને વાંધો નથી. પણ, મારું તમને આ સૂચન છે.
પંન્યાસજી ગુરુદેવ ભદ્રંકર વિજયજી મ.સા. ની વાત હું વારંવાર કરું છું. એ સાહેબની નિશ્રામાં અનુષ્ઠાનો માટેની હોડ જામતી હતી. લોકોને હોય આવા જ્ઞાની ગુરુની નિશ્રામાં અમારું ઉપધાન થાય, અમારી ઓળી થાય, અમારો સંઘ નીકળે. એ વખતે ગુરુદેવ કહેતાં કે તારે કેટલા ખર્ચવાના છે બોલ… ૫ કરોડ તારે ખર્ચવાના છે ને… સાડા ચાર કરોડમાં તારું આ અનુષ્ઠાન પૂરું કરી દે. અને ૫૦ લાખ રૂપિયા જે છે એ હું કહું ત્યાં વાપરજે. સાધર્મિક ભક્તિ આદિમાં… એક vision હતું ગુરુદેવનું કે આપણે આટલા બધા ખર્ચી નાંખીએ અને આપણા સાધર્મિકો સીદાતા હોય, તો એને બદલે પરંપરાનો વિરોધ ક્યારે પણ કરવાનો નહિ. હું પણ બધા જ અનુષ્ઠાનો કરાવું છું. પણ મારી પાસે કોઈ વ્યક્તિ આવે કોરો કાગળ લઈને કે સાહેબ ૧૦ કરોડ ખર્ચવાના છે, સંઘ કાઢવો, ઉપધાન કરવા, ઉજમણું કરવું, કાંઈ નક્કી નથી. બિલકુલ કોરો ચેક છે. તમે કહો તેમાં વાપરવાનું છે. ત્યારે હું એને એવું જ કામ બતાવું કે જે સાધર્મિક ભક્તિ આદિનું હોય.
શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જે વખતે સાત ક્ષેત્રોમાંથી જેમાં જરૂરિયાત હોય, એમાં શ્રાવકે વધારે ખ્યાલ રાખવો જોઈએ. તો ગુરુદેવે પેલા શ્રાવકને આટલી વાત કરી. પણ એ ભાઈને છેને નામના ની પણ ભૂખ હતી. ડંકો વાગવો જોઈએ આપણો કહે છે… ત્યાં સુધીની વ્યવસ્થા કરેલી કે નાનું ગામ, બધાને રાખી શકાય નહિ, તો આજુબાજુના ૫૦ ગામો સુધી રોજ સવારે બસ જાય. બસમાં બધા આવે. ત્રણેય ટાઈમ ખાઓ. ભક્તિમાં લાભ લો. સાંજે તમને બસ મુકવા આવશે. તમારા ઘરે. સાહેબજી એ કહ્યું પણ એ ભાઈએ ક્યાંય સાદગી નહિ. ઉપરથી વધારે ભભકો જ ભભકો કર્યો. પણ ગુરુદેવ તો મહાન જ્ઞાની હતા. એમને કંઈ આવી ઘટનાની અસર થાય નહિ. પણ જે દિવસે અંજનશલાકા માટે ગુરુદેવને જવાનું હતું એ દિવસે બપોરે એક ઘટના ઘટી. મેં જ્યારે સાંભળી ને ત્યારે મને પણ થયું કે વાહ! શું એ સદ્ગુરુ હશે. અંજનશલાકા કરવા રાત્રે જવાનું છે. એ દિવસે બપોરે પેલો ભાગ્શાળી ભાઈ આવ્યો. ગુરુદેવના ચરણોમાં વંદન કર્યું, ગુરુદેવની ભક્તિ પણ એ જ રીતે હો… રોજ સાહેબજી મંદિરમાં પધારે વિધિ માટે ત્યારે પણ સોનામહોર મુકતો જ જાય રસ્તામાં… સાહેબજી મંડપમાં પધારે તો સોનામહોરથી પૂજન હોય. બધા પરિવારનું… એ શ્રાવકની એ ઉદારતાની એ દિવસે ગુરુદેવે બહુ જ ઉપબૃંહણા કરી. ગુરુદેવ, એ શ્રાવક, અને ગુરુદેવના એક શિષ્ય, ૩ જ જણા હતા. એ જે ગુરુદેવ હતા ને એમની ધારામાં બહુ ઉપબૃંહણા ક્યારે પણ નહોતી. બહુ સરસ કોઈએ કર્યું હોય એકાદ વાક્ય કહી દે. બસ. વધારે નહિ. ક્યારે પણ નહિ. પણ એ દિવસે ૧૦ મિનિટ સુધી ગુરુદેવે એ ભાઈની ઉદારતાની પ્રશંસા – ઉપબૃંહણા કરી. શિષ્યને નવાઈ લાગી, કે વર્ષોથી હું જોડે છું, કોઈ દિવસ ગુરુદેવે આવી રીતે કોઈની પ્રશંસા કરી નથી. એ ભાઈ ગયા, ગુરુદેવ અને શિષ્ય બે જ બેઠેલા. શિષ્યે પ્રેમથી પૂછ્યું કે ગુરુદેવ આનું શું કારણ? એ વખતે ગુરુદેવે કહ્યું કે બેટા! તને તો બધો ખ્યાલ છે, પહેલા દિવસે એ ભાઈને મેં કહેલું કે થોડીક સાદગી રાખો. ભક્તિ બરોબર કરો. પણ બિનજરૂરી ખર્ચમાં થોડો કાપ મૂકી દો. અને એ પૈસા તમે સાધર્મિક ભક્તિ આદિમાં વાપરો. પણ એમને મારી વાત કાને ધરી પણ નહિ. અને મારા મનમાં એનો કોઈ વિચાર પણ નથી. પણ આજે રાત્રે મારે અંજન શલાકા માટે જવું છે. વૈશ્વિક પરમ ચેતનાને પોતાના હૃદયમાં ક્યારે લાવી શકાય… જ્યારે હૃદય અત્યંત પવિત્ર હોય ત્યારે. તો મને એ થયું કે મને દેખીતી રીતે obviously એના ઉપર કોઈ તિરસ્કાર લાગતો નથી. પણ મારા અજ્ઞાત મનમાં કદાચ કોઈ ખૂણે ખાંચડે એના પ્રત્યે સહેજ તિરસ્કાર રહી ગયો હોય તો… કે હું જ્યાં જાઉં મારા બોલને, પડતા બોલને લોકો ઝીલે છે. આ માણસને સૂચના કરી, પણ એને કોઈ અસર થઇ નથી. તો આવું મારા અજ્ઞાત મનમાં unconscious mind માં પણ વિચાર ન હોય. કારણ કે આવો વિચાર હોય તો છૂપો તિરસ્કાર થઇ ગયો. અને એક વ્યક્તિ ઉપર આટલો નાનકડો અછડતો તિરસ્કાર હોય, તો પણ હું પ્રભુની અંજનશલાકા કરી શકું નહિ. એટલે મારા મનમાં એ તિરસ્કાર નથી ને એ check કરવા માટે મેં એમની ઉપબૃંહણા કરી. અને એટલા ભાવથી કરી કે મને લાગ્યું કે કદાચ તિરસ્કાર હોય તો પણ નીકળી જાય. એવી જાગૃતિ એ મહાપુરુષની હતી. એક વ્યક્તિ ઉપર પણ સહેજ પણ તિરસ્કાર ન જોઈએ.
એક સાધક મને હમણાં જ મળેલા. એની જાગૃતિનો મને ખ્યાલ છે. એ એવા જાગૃત છે. કે રોજ રાત્રે જોઈ લે કે આજે એક પણ પદાર્થ ઉપર આસક્તિ તો નથી રહી ગઈ ને… એક પણ વ્યક્તિ પ્રત્યે સહેજ પણ તિરસ્કાર આજે રહી ગયો નથી ને. સહેજ પણ અહંકાર મારા મનમાં રહ્યો નથી ને.. એનું પડિલેહણ કરે. અને પછી સંથારાપોરસીના સૂત્રો બોલતા કહી દે ‘સવ્વં તિવિહેણ વોસિરિઅં’
આચાર્ય મહાપ્રજ્ઞ તેરાપંથ સંપ્રદાય ના આચાર્ય. જ્ઞાની હતા અને સાધક પણ હતા. એમણે એક જગ્યાએ કહેલું કે દિવસ દરમ્યાન ઘણા બધા કાર્યો રહેતા હોય છે. આટલા મોટા ધર્મ સંઘના એક આચાર્ય. દેખીતી રીતે જવાબદારીઓ ઘણી બધી. ઘણા બધા પુસ્તકોનું કામ ચાલે છે. આ બાજુ આગમગ્રંથોનું સંપાદન ચાલે છે, કેટલાય seminar માં બોલવાનું છે. સંઘની વ્યવસ્થા ગોઠવવાની છે. એ કહે છે આ બધું હોવા છતાં રાત્રે સંથારાપોરસીનું સૂત્ર બોલું છું અને જયારે કહું છું ‘સવ્વં તિવિહેણ વોસિરિઅં’ ત્યારે literally બધું ખરી જાય છે. આરામથી હું સૂઈ જાઉં છું. બધું જ બાજુમાં મૂકી દઉં છું.
તો મન પ્રભુ સાથે ક્યારે જોડાઈ શકે, જ્યારે એ પવિત્ર – પવિત્ર હોય ત્યારે… કલાપૂર્ણસૂરિ દાદાને ઘણીવાર પીધા. દાદાનું એક mission હતું. હૃદયની નિર્મળતાનું. કારણ કે પ્રભુની કૃપા એવી ઉતરી કે એ મહાપુરુષ અત્યંત નિર્મળ બની ગયેલા. તો એમનું mission હ્રદયની નિર્મળતાનું હતું. એથી એ વારંવાર વાચનામાં કહેતાં, કે હૃદયને નિર્મળ બનાવો. જ્યાં સુધી તમારું હૃદય નિર્મળ ન બને ત્યાં સુધી કોઈ સાધના તમારી પાસે નથી. એકવાર એમણે કહેલું – કે હૃદય તમારું નિર્મળ નથી ને તમે ધ્યાન કરવા બેસો છો. તો એ પ્રાણાયામ છે. એ ધ્યાન ન કહેવાય. જ્યાં સુધી હૃદય નિર્મળ નથી થયું ધ્યાન આવી શકે નહિ. એટલે હૃદયની નિર્મળતા થી ધ્યાન આવે. અને ધ્યાન દ્વારા હૃદય વધુ નિર્મળ બને.
તો આવી રીતે ઇન્દ્રિયો અને મન પ્રભુ સાથે જોડાય જાય, પ્રભુ પ્રત્યેનો અત્યંત ભક્તિભાવ આવે. એ પછી પ્રભુના એક – એક શબ્દ ઉપર આપણો બહુમાન ભાવ કેવો… સંસ્કૃતમાં એક સરસ મજાનું સ્તોત્ર છે બહુ નાનકડું છે, આઠ જ શ્લોકોનું પણ ભક્તિસ્તોત્રોની દુનિયામાં એનો ક્રમાંક બહુ આગળ આવે છે એ છે મધુરાષ્ટક. એનું ધ્રુવ પદ છે ‘મધુરાધિપતેરખિલં મધુરં’ માધુર્યના અધિપતિ જે પરમાત્મા એમનું બધું જ મધુરૂ છે. ગમનં મધુરં, વચનં મધુરં, ‘મધુરાધિપતેરખિલં મધુરં’ પ્રભુ ચાલે સોનાના કમળ ઉપર. એ પણ મજાનું મજાનું. સમવસરણમાં બેસીને પ્રભુ દેશના આપે, એ પણ મધુર મધુર, દેવછંદામાં બેઠેલા હોય તો પણ મધુર મધુર. તો પ્રભુ જો મધુર છે તો પ્રભુનો એક – એક શબ્દ મધુર. એટલે ભક્તને પ્રભુની દરેક આજ્ઞા પ્રત્યે તીવ્ર આદર હોય.
અને એ તીવ્ર આદર આવ્યો, પછી જે પણ આજ્ઞાનું પાલન થશે. એમાં તમને તીવ્ર આનંદ આવશે. આચારાંગ સૂત્રમાં એક સરસ ઘટનાનું વર્ણન આવે છે. એક મુનિરાજ છે. એક ગામમાં એ રોકાયેલા છે. કોઈ વૃદ્ધ મુનિરાજની સેવામાં એ વૃદ્ધ મુનિરાજનો કાળ થાય પછી એકાકી રહેવાય નહિ, પોતાના ગુરુ પાસે જવાનું હોય. યુગમાં આપણા ભારતમાં એટલી બધી નદીઓ હતી, વહેતી નદીઓ કે ભારત સસ્ય શ્યામલ દેશ હતો. લીલોછમ. તો ૫ – ૭ – ૧૦ ગામડા હોય, આ બાજુ નદી ને આ બાજુ નદી. અને ચોમાસામાં વધુ પાણી આવ્યું, તો શિયાળા ઉનાળા સુધી પાણી સુકાય નહિ. હવે એ મુનિરાજને ગુરુ પાસે જવું છે. અને ગંગા નદી જેવી મોટી નદી છે. નદીને ઉતરીને જવાનું છે. નદી કંઈ પગથી ઉતરાય એવી નથી. ગંગા નદી. હોડીમાં બેસવું જ પડે. તો હોડીમાં બેસવું પાપ નહિ, વિરાધના નહિ. પણ અમારા માટે શાસ્ત્રોની આજ્ઞા શું હોય છે કે ૨ વિરાધના હોય, ત્યારે નાની કઈ અને મોટી કઈ એ જોવાનું? એ મુનિ વિચાર કરે કે અપકાયની વિરાધના મારે નથી કરવી. એક જ જગ્યાએ રહે એકલા, લોકોની જોડે સંપર્ક થાય અને રાગદશામાં પડી જવાય તો… તો મોટો દોષ લાગે. એટલે એ વખતે નાનો દોષ એ કે હોડીમાં બેસીને પણ ગુરુ પાસે પહોંચી જવું. ગુરુ પાસે પહોંચી ગયા અને safe થઇ ગયા. તો એ મુનિરાજ નદીના કાંઠે જાય છે. એક મોટી હોડી ૧૫ – ૨૦ યાત્રિકો બેઠેલા જવા માટે સામે કાંઠે તૈયાર થઇ ગયેલી. તો પોતાના માટે પણ જવાની નહોતી નૌકા. એમનેમ જવાની જ છે નૌકા. તો એ મુનિરાજે નૌકાના માલિકને કહ્યું કે મારે સામે કાંઠે જવું છે હું બેસી શકું? હવે હિંદુ માણસ હતો. સાધુ પ્રત્યે સદ્ભાવ તો હોય જ. મહારાજ બેસી જાવ ને, આમેય મારે તો હોડી જવાની જ છે. મુનિરાજ બેસી ગયા. અધવચ્ચે એવું થયું… કોઈ દિવસ નહિ. અને નદીમાં તોફાન આવે છે દરિયો નજીકમાં હતો ભરતીનો સમય, દરિયો ગાંડોતૂર થયેલો. એ દરિયાનું પાણી નદીમાં… તો નાવડી હાલક – ડોલક થાય. પેલા બધા જ બેઠેલા ગભરાઈ ગયેલા ઉતારૂઓ. નાવિકને પૂછે છે – કોઈ દિવસ નહિ અને આજે નાવડી હલે છે કેમ? ત્યાં એક જણાએ કહ્યું આ જૈન મુનિ બેઠા છે એના કારણે… બધા એમાં જ બેઠેલા હતા હા વાત તો ખરી છે હો… કોઈ દિવસ નહિ ને આજે આમ કેમ… તો વિચાર કર્યો કે મુનિને નાંખી દો નદીમાં… આપણે તો safe થઇ જઈએ. બધા વિચાર કરે છે મુનિને નાંખી દો. મુનિ એ સાંભળે છે પણ પ્રભુના એ સાધક, ન વધુ જીવવાની ઈચ્છા છે, ન મૃત્યુનો ભય છે. જે ક્ષણે જે પર્યાય ખુલવાનો હોય, એ પર્યાયને જોવાનો છે. એ ક્રમબદ્ધ પર્યાયની વાત તમારા હૃદયમાં પહોંચી જાય, તમે સદાને માટે આનંદમાં આવી જાઓ. એક ક્રમબદ્ધ પર્યાય. જે ઘટના ઘટે છે. જે પણ પર્યાય ઘટિત થાય છે. એ નક્કી છે. જ્ઞાની ભગવંતોએ જ્ઞાનમાં એ પર્યાયોને એ રીતે ઘટિત થતાં જોયેલા હતા. તમને આજે તાવ આવવાનો છે તમને ખબર નથી. પણ અનંત કેવલજ્ઞાની ને ખ્યાલ હતો. તો ૪ વાગે તાવ આવ્યો કર્મબદ્ધ પર્યાય. એ સમયે તાવ આવવાનો જ હતો આવી ગયો.
અમે લોકો આટલા મજામાં કેમ છીએ કારણ સમજાયું. આ ક્રમબદ્ધ પર્યાય. જે ક્ષણે જે ઘટના ઘટવાની છે એ ઘટવાની જ છે. રોગ આવે વાંધો નહિ. ડોક્ટર કહી દે થોડાક કલાકનો સવાલ છે. Ok! કોઈ વાંધો નહિ.
મારા દાદા ગુરુદેવ ભદ્રસૂરિ દાદા. સાહેબનું લગભગ ૮૪ વર્ષનું આયુષ્ય. અને એ વખતે લિવરનું કેન્સર થયું. Detach થતાં વાર લાગી. એ જમાનામાં ડાયાલીસીસ સાધનો પણ અપૂરતાં અને દવાઓ પણ અપૂરતી. એવી રીતે કેન્સર spread out થઇ ગયું કે બધા ડોકટરો એ કહ્યું કે હવે થોડાક દિવસોનો જ સવાલ છે. રાધનપુરમાં સાહેબજીનું ચોમાસું. ભક્તોએ અંતિમ સંસ્કાર માટે પ્લોટ ખરીદી લીધો. ચંદનના કોથળા અવી ગયા. બધી તૈયારી થઇ ગઈ. શિષ્યોની આંખમાં આંસુ. કે બસ ગુરુદેવ થોડા દિવસ જ છે. એ વખતે ૐકારસૂરિ દાદાને થયું, કે પાલનપુરમાં સૈયદ નામના ડોક્ટર બહુ જ નિષ્ણાંત છે અને એમનું diagnosis બહુ વખણાય છે. મુંબઈથી પણ લોકો પાલનપુર આવે સૈયદ ડોકટર પાસે. તો આપણે તો નજીકમાં જ છીએ. એમને કેમ ન બોલાવીએ… તો સૈયદ ડોકટરને બોલાવવામાં આવ્યા. સાહેબની ચેમ્બર માં એ બેઠા. હું એ વખતે બાલમુનિ. અને ૧૮ – ૧૯ વર્ષની મારી ઉંમર. હું પણ એ જ રૂમમાં. ડોકટરે સાહેબને જોયા. Reports જોયા. ડોકટર તરીકે એમને ખ્યાલ હતો, કે દર્દીની હાજરીમાં ગંભીર વાત કરી શકાય નહિ. એટલે ડોકટરે કહ્યું મહારાજજીના પ્રમુખ શિષ્ય કોણ છે? આપણે બહાર જઈએ અને વાત કરીએ. મને આજે પણ એ ઘટના યાદ છે. ૮૪ વર્ષની વય. બિલકુલ પ્રવાહી ઉપર એ શરીર. શરીર નિર્બળ થયેલું. પણ આત્મબળ હતું દાદા ગુરુદેવનું. એમનો અવાજ પણ રણકાર વાળો. એ કહે ડોક્ટર બહાર જવાની કોઈ જરૂર નથી. જે હોય એ અહીં કહી દો. તમારે કહેવું હશે કે થોડા દિવસોનો… થોડા કલાકોનો મામલો છે. અહીં પૂરતી તૈયારી છે. ડોક્ટર છક્ થઇ ગયા. એ કહે: ગુરુજી! તમે બહુ મોટા જ્ઞાની પુરુષ છો. તમે તમારા જ્ઞાનમાં જોયું એવું જ અમને પણ અમારી ડોકટરી પરિભાષામાં લાગે છે. કે હવે થોડા દિવસોનો મામલો છે. તો દાદા ગુરુદેવ કહે હું તો તૈયાર જ છું. આજે આવે તો આજે મૃત્યુ. હસતાં, હસતાં… ડોકટર તો પછી બીજું કંઈ બોલ્યા જ નહિ. નીચે ઉતરી ગયા. એ મુસ્લિમ ડોકટર હતા. તો રાધનપુર નવાબ હતા એ જુના એના સંબંધી હતા. નીચે ઉતર્યા ગાડીમાં બેઠા પાલનપુરથી આપણા શ્રાવકો લઈને આવ્યા હતા ગાડીમાં. તો કહે મારે એ નવાબ સાહેબના ત્યાં જવું છે. નવાબ સાહેબના બંગલે ગાડી લઇ ગયા. શ્રાવકો જોડે જ હતા. એ ડોક્ટર નવાબને મળે છે પછી કહે છે જીંદગીમાં હજારો દર્દી જોઈ નાંખ્યા, આવો patient પહેલો જોયો. જે કહે છે મરી જવાનું છે, તૈયાર છે બધું.. પણ ગુરુદેવ આ રીતે તો ક્રમબદ્ધ પર્યાય વાળા હતા જ પણ યોગી પુરુષ પણ હતા. ને અમે લોકો જ્યારે ઢીલા થઇ ગયા. કે છેલ્લો એક આશરો હતો આ ડોકટરનો એ કદાચ કહે કે આ દવા લો અને ટકી જવાય. એ ડોકટર પણ ના પાડે છે. એ વખતે દાદા ગુરુદેવે કહ્યું કે ભીલડીયાજી પાર્શ્વનાથ દાદાનું ઉત્થાપન મેં કર્યું છે. અને મને એ લાગે છે કે એમની પ્રતિષ્ઠા કર્યા વગર હું જવાનો નથી. આ ૨૦૧૮ ની ઘટના ૨૦૨૭ માં ભીલડીયાજી ની પ્રતિષ્ઠા. અને ૨૦૩૩ માં દાદાનું મહાપ્રયાણ. તો ક્રમબદ્ધ પર્યાય. જે વખતે જે પર્યાય ખુલવાનો છે એ પર્યાય ખુલ્યો, સ્વીકારી લેવાનો.
એક ભાઈ મને કહે કે સાહેબ! આ ક્રમબદ્ધ પર્યાય માનીએ તો સાધનાની કોઈ જરૂરિયાત જ ન રહી. મારા પર્યાયમાં જે રીતે ખુલવાની હશે, સાધના એ રીતે ખુલી જશે. ત્યારે મેં એને કહ્યું આપણે ત્યાં સાપેક્ષવાદ છે. અને સાપેક્ષવાદમાં આપણા ક્રમબદ્ધ પર્યાયને માનશું, નિયતિને માનશું, પણ એ ભૂતકાળની ઘટનામાં, ભૂતકાળની ઘટના ઘટી જ ગઈ. ઘટી જ ગઈ તો સ્વીકારી લો. ક્યાંક ક્રમબદ્ધ પર્યાય હતો. અનંત કેવલજ્ઞાનીઓએ જ્ઞાનમાં જોયેલું હતું. પણ ભવિષ્યની જે ઘટના છે. એનો તમને ખ્યાલ નથી. તો તમારે ભવિષ્યની ઘટના માટે મહેનત કરવી છે.
એક બહુ મોટો business man હતો. મારા પ્રવચનમાં આવતો. એકવાર મને કહે: સાહેબ, બરાબર સમજાવો… નિયતિ એટલે નિયતિ જ. મારા ક્રમબદ્ધ પર્યાયમાં સાધના છે જ તો મને મળવાની જ છે. હું શા માટે મહેનત કરું? તમે રોજ કહો છો સાધના કર. સાધના કર… મારે કરવાની શા માટે? મારા પર્યાયમાં ખુલશે ત્યારે થઇ જશે. મેં કહ્યું: વાંધો નહિ. મેં કહ્યું આજે તું એક કામ કર, ૧૦ વાગ્યા છે, આજે આખો દિવસ અહીં જ રોકાવાનું. બપોરે ટીફીન મંગાવી લેજે ઘરેથી. સાંજે ઘરે જઈને વાળું કરજે. કાલે પણ અહીં જ આવી જવાનું. આખો દિવસ અહીં જ રોકાવાનું. મને કહે: કેમ ઓફિસે? મેં કીધું તારા ક્રમબદ્ધ પર્યાયમાં હશે તો પૈસા મળી જ જવાના છે. તું કહે છે સાધના માટે પુરુષાર્થ કેમ કરું.. તો આના માટે પુરુષાર્થ કરવાની જરૂર શું તારે?
મુનિરાજ સાંભળે છે કે આ લોકો મને નદીમાં ફેંકી દેવાના છે. કોઈ વિચાર આવતો નથી. ઈર્ષ્યા આવે છે આ મુનિત્વની? આપણે સહેજ તાવ આયો ને ડોક્ટર બોલાવો ને આ કરો, નાવિક પણ તૈયાર થઇ ગયો. કે હા, નાંખી દો નદીમાં. મુનિને લાગ્યું બધા તૈયાર થઇ ગયા છે. તો મુનિએ ઉભા થઈને કહ્યું – કે તમે લોકો મને નદીમાં નાંખવા તૈયાર થયા છો. હું પોતે નદીમાં જતો રહું તો કેવું? પેલા આખરે તો હિંદુ હતા જ. તો તો બહુ સારું… કહે છે. મુનિની હત્યાનું પાપ અમને ન લાગે. અમે નાંખીએ તમને, તમે મરી જાવ તો મુનિની હત્યાનું પાપ અમને લાગે. તમે જાતે જ જતા રહેતા હોવ નદીમાં, તો તો બહુ સારું. શા માટે મુનિએ આમ કીધું? એટલા માટે કે એ લોકો મારા શરીરને ફેંકશે તો અપ્કાયના જીવોની વિરાધના થશે. જોશથી ફેંકે શરીર એટલે પાણીમાં રહેલા સૂક્ષ્મ જંતુઓની વિરાધના થશે. પણ હું જ ધીરેથી વહી જાઉં… જેટલું બને એટલું ધીરેથી. એટલે ઓછામાં ઓછી વિરાધના થાય. અને એ મુનિરાજ પોતાના શરીરને ધીરેથી ગંગા નદીમાં વહાવ્યું. દીક્ષા લીધા પહેલા પૂર્વાશ્રમમાં એક પ્રસિદ્ધ તારૂ હતા મોટી – મોટી નદીઓને હાથથી તરી જતાં હતા. પણ અહીંયા હવે હાથ હલાવાનો નથી. પગ હલાવાનો નથી. કેમ? હાથ – પગ હલાવો તો અપ્કાયના જંતુની વિરાધના થાય. છેવટે શું થાય છે નદી છાલક લગાવે છે અને એને કારણે મુનિનું શરીર કાંઠા પર આવી જાય છે. કાંઠા પર આવી ગયા પછી ઉભા રહે છે. ભીની રેતીના કાંઠા ઉપર. કેમ એ વિહાર શરૂ નથી કરતા? શરીરમાંથી પાણી ટપકી રહ્યું છે. વસ્ત્રોમાંથી પાણી ટપકી રહ્યું છે. હવે કાચા રસ્તા હતા એ વખતે, ધૂળમાં વિહાર કરે તો પાણીના ટીપા ધૂળમાં પડે. તો અપકાયની વિરાધના થાય. તો પાણી પાસે જ ઉભા રહ્યા. કે શરીરમાંથી, વસ્ત્રોમાંથી પાણીના ટીપા પડે. સીધા પાણીમાં જતાં રહે. કુદરતી રીતે શરીર અને વસ્ત્રો કોરા થયા પછી એમણે વિહાર શરૂ કર્યો. પણ શરીર બચી ગયું એનો આનંદ નહોતો એ તો ક્રમબદ્ધ પર્યાય હતો. કદાચ નદીમાં, દરિયામાં જવાયું હોત, અને શરીરનું મૃત્યુ થાત તો પણ વાંધો નહોતો. શરીર બચ્યું એનો કોઈ આનંદ નથી. પણ પ્રભુની આજ્ઞાનું પાલન થયું એનો આનંદ થયો. આવો આજ્ઞાપાલનનો આનંદ ક્યારેય અનુભવ્યો છે? આ આનંદ આવશે ને તો જ બીજું ચરણ મળશે. અસંગદશા. એક સાધુ બધું જ છોડી દે છે. આજે તમે જુઓ છો. મહાનગરોનો MBA થયેલો દીકરો, MD કે MS થયેલી દીકરી પ્રભુના પથ પર આવે છે.
હમણાં જ એક દીકરાએ દીક્ષા લીધેલી, ગઈ સાલમાં MS થયેલો cardio નો સર્જન હતો. અને એને દીક્ષા લીધેલી. તો આવા યુવાનો અને યુવતીઓ talented બધું જ છોડીને નીકળી શકે છે. એનું કારણ શું? કારણ પ્રભુની આજ્ઞા પરનો પ્રેમ, આદર, અનંતા જન્મો મારા શરીરની સુખશીલતા માટે વેડફ્યા. આ એક જન્મ પ્રભુના નામ ઉપર. અને આ નિર્ધાર ન આવે ત્યાં સુધી દીક્ષા શક્ય છે? આપણા દેશમાં ગરમી ઉત્તરોત્તર વધી રહી છે. અહીં તો ઠીક છે ઠંડકમાં બધા છીએ. અને આ સ્થાન પણ ઠંડકવાળું છે. પણ મીડિયામાં હમણાં જ આગાહી હતી, કે આ વર્ષનો ઉનાળો ભયંકર જશે. કદાચ ૫૦% ડીગ્રીને પણ તાપમાન વટાવી જશે. આવા યુગની અંદર પણ પંખાનું સપનું ન જોવું. A.C નો વિચાર ન આવે. આવું આ શ્રામણ્ય. ક્યારે બની શકે આ.. પ્રભુની આજ્ઞા પરનો પૂર્ણ આદર હોય તો જ આ શક્ય છે. તમે ધંધા માટે પૈસા કમાવા માટે બધું જ છોડી શકો. દેશ છોડી શકો. ક્યાં ને ક્યાંય પહોંચી જાઓ… બધું જ કરો, અગવડતા ભોગવો. પણ શા માટે? લક્ષ્ય છે પૈસા જોઈએ છે. એમ એનું લક્ષ્ય થઇ ગયું કે પ્રભુની આજ્ઞાનું પાલન કરવું છે. પછી બધું જ છૂટી ગયું. તો છૂટી ગયો એનો આનંદ છે. એક મુનિ કે એક સાધ્વી પોતાના પૂર્વ જીવનને યાદ કરે, અને પૂર્વ જીવનમાં મારી પાસે આવું સુખ હતું. આવું જો વિચારે તો એનું શ્રામણ્ય મલીન થાય છે. પૂર્વાવસ્થા ગઈ. એનો છેડો તૂટી ગયો.
તો પહેલું ચરણ પ્રભુની આજ્ઞા પરનો તીવ્ર આદર, અને એના કારણે આવેલો આજ્ઞા પાલનનો આનંદ. અને એ જે આનંદ અસંગયાત્રામાં ફેરવાઈ જાય. અમારી અસંગ યાત્રા શરૂ થઇ ગઈ. પ્રભુની સાડા બાર વર્ષની સાધના આચારાંગ સૂત્રમાં આવે છે. એમાં પહેલું સૂત્ર આવે છે “અહૂણા પવ્વઈએ રિઇત્થા” પ્રભુએ દીક્ષા લીધી અને વિહાર કર્યો. અસંગયાત્રા ચાલુ થઇ. તો એ અસંગયાત્રા સાધકની કેવી હોય છે એની વાત આગળ જોઈશું. અત્યારે practical કરીશું.