Maun Dhyan Sadhana Shibir 15 – Vanchan 8

7 Views
21 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject : પરમ અસંગ દશા

  • અસંગ દશાનું ત્રીજું ચરણ: અહંકારમુક્તિ. અહંકારના લયના હું માંથી અહોભાવના લયનું હું અને પછી આનંદઘન હું.
  • અનુમોદના ધર્મ અહંકારને શિથિલ કરે. અને પોતાની સ્વયંસંપૂર્ણતાનો બોધ થાય, પછી તો આભાસી હું ને પુષ્ટ કરવાની કોઈ ઈચ્છા જ રહેતી નથી.
  • શરીર અને નામના આધારે જે આભાસી હું ને ઊભું કર્યું છે એ ખતમ થઈને આનંદઘન ચૈતન્યનો અનુભવ મળે, તે જ સ્વાનુભૂતિ.

મૌન ધ્યાન સાધના શિબિર ૧૫ – તલેગાંવ વાચના

હમણાં ની બનેલી એક બહુ જ મજાની ઘટના. પ્રભુની કૃપા, સદ્ગુરુની કૃપા, આપણી સાધનાને કેવી રીતે uplift કરે છે. એની બહુ જ મજાની આ ઘટના છે.

તિબેટ ઉપર ચીનનું આધિપત્ય છવાયું. મુખ્ય ગુરુ દલાઈલામા, એમના વૃંદ સાથે ભારત આવી ગયા. કેટલાક ભિક્ષુઓ તિબેટમાં રહી ગયેલા. એમને ચીનના સત્તાવાળાઓએ જેલમાં નાંખી દીધા. જેલમાં પણ એમની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો. ખાવાનું પૂરતું અપાય નહિ. માર મારવામાં આવે. ચાબુકો લગાવામાં આવે. ૧૮ વર્ષે ચીનનો કોઈ મોટો ઉત્સવ આવ્યો. અને કેદીઓને મુક્ત કરવામાં આવ્યા, ત્યારે આ ભિક્ષુઓ મુક્ત થયા. એ પૈકીનો એક ભિક્ષુક ભારત દલાઈલામા પાસે આવે છે. ગુરુના ચરણોમાં ઢળી પડે છે. ગુરુને બધો ખ્યાલ છે. હું ઘણીવાર કહું છું સાધનાની કેફિયત તમે વર્ણવો એ તમારી બાજુની વાત છે. સદ્ગુરુ તો તમારા ચહેરાને જોઇને તમારી સાધનાનું stand point નક્કી કરી લે છે. ગુરુએ પૂછ્યું કે બેટા! ૧૮ વર્ષ તું જેલમાં રહ્યો. સૌથી અઘરી ઘટના કઈ હતી? એક સાધકને માટે અઘરી ઘટના કઈ હોઈ શકે? એની સાધનામાં અવરોધ આવે એ એના માટે અઘરી ઘટના. તો એ ભિક્ષુએ કહ્યું કે ગુરુદેવ! વર્ષોથી ભિક્ષુ તરીકે રહેલા, હજારો લોકો દ્વારા મળતા માન – સન્માન ને લીધે, લોકોએ પ્રેમથી આપેલ ભોજન ખાધેલું, અને જેલમાં જવાનું થયું. ખાવાનું ગળે ન ઉતરે એવું…  એ પણ અપૂરતું. જેલની બેરેકોમાં મચ્છરો એટલા ધોળે દિવસે કરડી ખાય. અને એ લોકો સહેજ વાંક હોય કે ન હોય, કોરડા લગાવ્યા જ કરે. આમાં અઘરી બાબત એક જ લાગી મને, કે ચીનના સત્તાવાળાઓ ઉપર, કે જેલના સત્તાવાળા ઉપર સહેજ પણ તિરસ્કાર ન આવે. બિલકુલ વાંક વિના ચીનના સત્તા વાળાઓએ એમને પકડી લીધા છે. અને બિલકુલ અપરાધ વિના એમના પર અતિશય અમાનવીય વ્યવહારો થઇ રહ્યા છે. અને એ ભિક્ષુ કહે છે કે અઘરું એ હતું. કે એ લોકો ઉપર સહેજ પણ તિરસ્કાર અમને ન થઇ જાય. ગુરુએ પૂછ્યું result શું મળ્યું? અને એ ભિક્ષુની આંખમાં આંસુ આવે છે, એ એમ નથી કહેતો કે સાહેબ! ૧૮ વર્ષમાં એકેય વાર કોઈના પ્રત્યે તિરસ્કાર નથી આવ્યો. એની ભાષા જુઓ. એ કહે છે ગુરુદેવ! પ્રભુની કૃપા, આપના જેવા સદ્ગુરની કૃપા કે ૧૮ વર્ષમાં એકવાર, એક સેકંડ માટે પણ મનમાં કોઈના પ્રત્યે તિરસ્કાર નથી આવ્યો.

મેં મારા એક પુસ્તકના પ્રારંભમાં આ વાર્તા ટાંકી છે. મેં વાંચી. બેહદ મને ગમી ગઈ. નવું પુસ્તક લખતો હતો પ્રારંભમાં જ આ વાર્તા લખી. અને છેલ્લે મેં લખ્યું કે મૈત્ર્ય યોગી તરીકે એ ભિક્ષુ કેટલા મજાના લાગતા હતા. આઠ દ્રષ્ટિમાંથી પહેલી દ્રષ્ટિ મિત્રા દ્રષ્ટિ. જ્યાં તમે સમ્યક્ત્વને પામ્યા નથી. સમ્યક્ત્વ પાંચમી દ્રષ્ટિમાં મળશે. ૪ દ્રષ્ટિ સુધી મિથ્યાત્વ છે. પણ એમાં પહેલી દ્રષ્ટિમાં જગતની સાથે જગતના તમામ વ્યક્તિત્વો ની સાથે સાધકનો મૈત્રીભાવ સધાય છે. હરિભદ્રસૂરિ મ.સા એ બહુ જ ઉપકાર કર્યો છે. આપણા પર તો કર્યો જ છે. મારા ઉપર વધારે કર્યો છે. મારી આખી દ્રષ્ટિને ખોલી નાંખી. એમને ન વાંચ્યા ત્યાં સુધી હું સમ્યક્દ્રષ્ટિ છું એવો ફાંકો હતો. અને બીજા કોઈ પંથવાળાને જોઈએ તો એ મિથ્યાદ્રષ્ટિ છે એવો તિરસ્કારનો ભાવ આવતો. હરીભદ્રસૂરિ મ.સા ને વાંચ્યા મને થયું કે પહેલી દ્રષ્ટિમાં હું નથી. મારો એ પ્રિય ગ્રંથ છે. કેટલીય વાર મેં એને વંચાવ્યો છે. પણ જે – જે લોકોએ એ ગ્રંથને વાંચ્યો છે એમની આંખમાં આંસુ આવે છે. દ્રષ્ટિ આખી જ વિશાળ બની જાય છે. આજ સુધી બધાને મિથ્યાદ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ કહેતાં હતા, આપણે તો મિથ્યાદ્રષ્ટિ પણ નથી. સમ્યક્દ્રષ્ટિ તો નથી. અનાદિ મિથ્યાત્વ એ અલગ.

પણ મિથ્યાત્વ ગુણસ્થાનક જેને કહ્યું છે એ ગુણસ્થાનક આપણી પાસે છે કે કેમ..? એની વિમાસણ છે. ત્યાં લખ્યું છે મિત્રાદ્રષ્ટિના વર્ણન ની ટીકામાં “ન હોત્રો અપરસ્ય ચિંતા, તત્રાપિ કરુણામ્ શસ્ય એવ ઇષદ્ ઉનમજજનં.’ મિત્રા દ્રષ્ટિ મળે ત્યારે ઈર્ષ્યા યુક્ત કે તિરસ્કાર યુક્ત વિચાર કોઈના માટે હોતો નથી. કદાચ બીજાનો વિચાર કરે તો એ પણ કરુણાભાવથી, મૈત્રીભાવથી, પ્રમોદભાવથી. તો એ ભિક્ષુ કહે છે પ્રભુની કૃપા, આપના જેવા સદ્ગુરની કૃપા કે ૧૮ વર્ષમાં એક સેકંડ તિરસ્કાર નથી થયો. એક સામયિકમાં બેઠા હોય ૪૮ મિનિટ, અને કોઈ અણગમતી વ્યક્તિ આવી જાય તો… એટલે પ્રભુની કૃપા વિના એક ઇંચ, એક સેન્ટીમીટર તમે ચાલી શકતા નથી. એ સાધનાપથ પર આપણે ચાલી રહ્યા છીએ. પહેલું ચરણ હતું આજ્ઞા પાલનનો આનંદ. બીજું ચરણ છે પરમ અસંગદશા. એ અસંગદશાના ૩ સ્તરો છે. તમને ધીરે ધીરે અસંગદશામાં ઉપર ને ઉપર ચડાવવામાં આવે.

પહેલું ચરણ અસંગદશાનું એ છે જ્યાં સાધક પદાર્થો અને વ્યક્તિઓના સંગથી રાગથી મુક્ત બને છે. આ અસંગની મજાની વાત એ છે કે સાધકના શરીરના સ્તર પર પદાર્થોનો સંગ રહેશે. પણ એના મનના સ્તર ઉપર એક પણ પદાર્થનો સંપર્ક નહિ હોય. બહુ મજાની વાત કરું, ભક્ત તરીકે આપણે હોઈએ, તો આપણું આ જન્મનું કર્તવ્ય માત્ર એક જ છે, જે મહોપાધ્યાય યશોવિજય મહારાજે એમના સ્તવનના એક ધ્રુવ પદમાં આપ્યું. ‘મેરે પ્રભુશું પ્રગટ્યો પૂરણ રાગ’ પ્રભુ સાથે પૂર્ણ રાગ મને થઇ ગયો છે. એ પૂર્ણ રાગનો મતલબ શું? તમારૂ મન, તમારું હૃદય, તમારું અસ્તિત્વ, પૂરેપૂરું પ્રભુના રંગે રંગાઈ જવું જોઈએ. મીરાં એ કહેલું ‘લાલ ન રંગાવું, હરિ ન રંગાવું, તેરે હી રંગ મેં રંગ દે ચુનરિયા.’ પ્રભુ મારે દુનિયાના કોઈ રંગે રંગાવું નથી. માત્ર તારો રંગ મારા અસ્તિત્વની ચુંદડી પર લગાવી દે. પછી કહે છે, ‘એસા હી રંગ દો, કે રંગના હી છૂટે. ધોબિયા ધુએ ચાહે સારી ઉમરીયા.’ એસા હી રંગ દો, એવો રંગ લગાવી દો, મારા અસ્તિત્વની ચાદર પર, મારા અસ્તિત્વની ચુંદડી પર, કે એ રંગ ક્યારેય પણ જાય નહિ. જન્મ બદલાય, રંગ સહેજ પણ ફિક્કો ન પડે. તો પૂર્ણ રાગ એટલે શું પૂરું અસ્તિત્વ, પૂરું હૃદય, પૂરું મન પ્રભુના રંગથી રંગાઈ ગયું.

હવે એક મજાની વાત કરું, એક ઘડિયાળ નવી લાવી અને તમને ગમી ગઈ. તો એના પર તમને રાગ થયો. એટલે તમારા પૂર્ણ રાગમાંથી ૩% ઘડિયાળમાં ગયા. Flat નવો લીધો બહુ ગમે છે ૧૦% એમાં ગયા. ઓફીસ નવી લીધી એ ગમે છે, બીજા ૧૦ % એમાં ગયા. તો તમારો રાગ પ્રભુ પર કેટલો? અને પદાર્થોની દુનિયા પર કેટલો? વ્યક્તિઓની દુનિયા ઉપર કેટલો?

આપણા વિદ્વાન આચાર્ય શીલચંદ્રસૂરીજી એ એક મજાની ઘટના હમણાં નોંધી હતી. મધુસુદન ધાકી પુરાતત્વનું એમનું જ્ઞાન, international કક્ષાનું. આંતરરાષ્ટ્રીય પુરાતત્વની પરિષદો હોય ત્યાં ધાકી હોય જ. એટલા મોટા વિદ્વાન મધુસુદન ધાકી. આપણા તીર્થો ઉપર તીર્થોના શિલ્પો ઉપર એમણે ઘણા પુસ્તકો લખ્યા છે. એ ધાકી જોડે શીલચંદ્રસૂરિ મહારાજ ને ગાઢ સંબંધ. ધાકી નિવૃત્ત થયા. અમદાવાદ ના પોતાના flat માં રહેતા હતા. શીલચંદ્રસૂરિ મહારાજ એમની પાસેથી જ્ઞાન લેવા માટે વારંવાર એમની પાસે જતાં. ધાકીને બીજો કોઈ શોખ નહિ. માત્ર designer દાગીનાઓનું collection એમની પાસે હતું. અને designer દાગીનાઓ એમને બહુ ગમતા. પણ શીલચંદ્રસૂરિ મહારાજે જોયું કે બેઠા હોય, કોક આવે, એક દાગીનો એને ભેટ આપે. બીજો કોઈ આવે બીજાને દાગીનો આપે. શીલચંદ્રસૂરીજીએ પૂછ્યું – કે તમને તો બહુ શોખ છે આ collect કરવાનો. આ આપવાનું ક્યારથી શરૂ કર્યું? એ મધુસુદન ધાકી કેટલા પરિણત સાધક હશે. એ કહે છે મહારાજજી જીવનની સંધ્યા આવી ગઈ છે. અને ક્યારે ઉપડી જઈશું ખબર નહિ પડે. તો મૃત્યુ સમયે મારી આજુબાજુમાં એક પણ ચીજ એવી ન જોઈએ કે જેના પ્રત્યે મને રાગ થઇ શકે. છેલ્લા સમયે જેના પ્રત્યે મને રાગ થાય એવી એક પણ ચીજ જોઈએ નહિ. એટલે બધા દાગીના હું સમાપ્ત કરી દેવાનો છું. આરામથી જતા રહેવાનું છે.

ભક્ત તરીકે તમે છો, ત્યારે તમારે આ વિચારવાનું કે અનંતા જન્મોમાં પદાર્થો જોડે રાગ કર્યો. વ્યક્તિઓ જોડે રાગ કર્યો. આ જન્મ કોના માટે..? શેના માટે? એક લક્ષ્યાંક તમારી પાસે હોવું જોઈએ. કે આ જીવન શેના માટે છે. આ જીવન માત્ર ને માત્ર પ્રભુને પૂર્ણતયા પામવા માટે છે. તો બીજા બધા પ્રત્યેની આસક્તિ ખતમ થશે તો પ્રભુ પરનો રાગ ૧૦૦% નો થઇ જશે.

અમને લોકોને વૈરાગ્યની ધારા કેમ આપવામાં આવે… આના માટે જ. આપણે ત્યાં ૨ શબ્દો છે ત્યાગ અને વૈરાગ્ય. ત્યાગ એટલે પદાર્થોનો ત્યાગ. અને વૈરાગ્ય એટલે થોડા પદાર્થો જે રહ્યા છે એમાં પણ આસક્તિનું ન હોવું. એક પ્રશ્ન કરું… શિબિરમાં આવ્યા છો, white and white કપડા પહેરવાના છે. કેટલો સમય બચ્યો બોલો… ત્યાં તો રોજ વિચાર થાય… આ પહેરું કે આ પહેરું… આ ગમ્યું આમ. તો ઘરે જઈને આવો પ્રયોગ કરી શકાય. સાધક માટે હું એક litmus આપું છું. સાધક કપડા પહેરે પણ શા માટે? મર્યાદા ને સાચવવા માટે, દેહની વિભૂષા માટે નહિ. તો litmus test આપું. પૂજા કરીને તમે આવ્યા, તમારા wardrobe માં ચાર – પાંચ કલરના ઝબ્ભા છે. અને પાયજામાં છે, તમે ઝબ્ભો પહેર્યો, પાયજામો પહેર્યો. નાસ્તા માટે ટેબલ પર બેઠા. નાસ્તો થઇ ગયો. હવે આંખને બંધ કરો. અને તમારી જાતને પૂછો કે આ જે ઝબ્ભો પહેર્યો છે એ કયા કલરનો છે, મરૂન કલરનો, એસ કલરનો ક્યાં કલરનો છે. જવાબમાં તમે ગપચાઈ જાઓ તો સાધક તરીકે તમે સાચા, અને જવાબ સાચો આવે તો સાધક તરીકે તમને માર્ક્સ બરોબર ન મળે. બરોબર! શરીરને ઝબ્ભો પહેરાવાનો હતો. શરીરે ઝબ્ભો પહેરી લીધો. હવે શરીર કંઈ યાદ રાખવાનું નથી. યાદ કોણ રાખે? મન રાખે. પાછું બરોબર જોયેલું હોય, મરૂન કલરનો બહુ સરસ, એકદમ સરસ, બહુ સારો લાગે છે. તો ઝબ્ભો તમારા શરીરને પહેરાવો. મનને કેમ પહેરાવો છો? Why?

મુલ્લાજી નાસ્તો કરીને સવારે ઘરે બેઠેલા, ત્યાં એમનો એક ભાઈબંધ આવ્યો, નજીકના ગામડે રહેતો હતો. પણ, ખેતીવાડી એની બહુ મોટી હતી. સુખી માણસ હતો. મુલ્લાજીએ એને આવકાર્યો. ચા પીલે. મુલ્લાજી તૈયાર થયેલા. કપડાં – બપડા બરોબર પહેરીને, મિત્ર કહે કે ક્યાં જવાનું છે? તો મુલ્લાજી કહે કે – તું free હોય તો ચાલ મારી જોડે. થોડાક અધિકારીઓને મળવાનું છે. તો તારો પણ પરિચય અધિકારીઓ જોડે કરાવી દઉં. પેલો કહે એ તો બરોબર… પણ મેં તો વિચાર જ નહોતો કર્યો બસમાં બેઠો ને આવી ગયો. આ ઝબ્ભોએ બદલ્યો નથી. જો ને કરચલી વાળો, ડાઘા ડાઘીવાળો છે. આવો ઝબ્ભો પહેરીને થોડી કોઈને મળવા જવાય! મુલ્લાજી કહે કે મેં નવો ઝબ્ભો હમણાં જ બનાવરાવ્યો છે. તને એકદમ શૂટ થઇ જાય એવો જ છે. પહેરી લે ઝબ્ભો નવો… નવો ઝબ્ભો પહેર્યો પેલાએ… હવે બન્યું એવું કે નવો ઝબ્ભો મિત્રના શરીરે પહેર્યો છે. અને મુલ્લાજીના મનમાં નવો ઝબ્ભો છે કે વાહ! fine લાગે છે. પહેલા અધિકારીઓને ત્યાં ગયા. મુલ્લાજીને તો અધિકારી જાણતા હતા. મિત્રને introduce કરાવવાનો હતો. તો મુલ્લાજીએ કહ્યું – આ મારો એકદમ ઘનિષ્ઠ મિત્ર છે. ગામડે રહે છે. પણ કરોડોપતિ માણસ છે. આમ છે, તેમ છે. અને અમે લોકો close friend છીએ. એણે પહેર્યો છે ને એ ઝબ્ભો મારો છે. બહાર નીકળ્યા, પેલો મિત્ર બગડ્યો. કે યાર તું મારો પરિચય આપતો નથી, તારા ઝબ્ભા નો પરિચય આપે છે. તો કહે નહિ, નહિ આ તો ભૂલ થઇ ગઈ. હવે નહિ કહું. બીજી જગ્યાએ ગયા, ત્યાં પણ પરિચય વિધિ ચાલે. અને છેલ્લે કહ્યું – આ મારા મિત્ર બહુ સુખી, એમણે ઝબ્ભો પહેર્યો છે એ એમનો છે મારો નથી. ઝબ્ભો મનમાં પેસી ગયેલો, કરે શું? મુલ્લાજી ઓર બગડ્યા. અને પેલો એ બગડ્યો. મુલ્લાજી કહે, સાલું મારી ભૂલ થઇ ગઈ. પેલો કહે! શું ભૂલ થઇ ગઈ? આવી ભૂલો હોતી હશે. મુલ્લાજી કહે; હવે હું સોગંદ ખાઉં હવે આ ભૂલ નહિ થાય, નહિ થાય, નહિ થાય. ત્રીજી જગ્યાએ ગયા, પરિચય વિધિ તો બરોબર પતિ ગઈ. પછી એમની બધી વાત કરી. પણ એમણે જે ઝબ્ભો પહેર્યો છે એની વાત હું નહિ કરું. કારણ કે એની સોગંદ મેં લીધેલી છે. આમાં બીજું શું હતું… મુલ્લાજી એ મનમાં ઝબ્ભો પહેર્યો હતો. તમે પહેરો જ છો. શરીર પહેરે ત્યાં સુધી વાંધો નથી. મનને કેમ પહેરાવડાવો છો!

તો અસંગયાત્રાના પહેલા ચરણમાં પદાર્થો પરનો રાગ, અને વ્યક્તિઓ પરનો રાગ ઓછો થવો જોઈએ. તમે પણ કરી શકો. આજનો મનોવૈજ્ઞાનિક કહે છે, કે આજના માણસે ઘરને ગોડાઉનમાં ફેરવી નાંખ્યું છે. એક બહુ વિદ્વાન માણસે આ કહેલું. ઘરો નાના થતાં ગયા. પહેલા ઘરો મોટા હતા. એટલા મોટા ચોક હોય ઘરની અંદર…. ડહેલી ખોલો એટલે મોટો ચોક… પછી ઘર એ પણ મોટું… હવે ઘર થઇ ગયા નાના, અને વસ્તુનો ખડકલો થઇ ગયો મોટો. એટલે આજના માણસે ઘરને ગોડાઉનમાં ફેરવી નાંખ્યું છે. નકામી વસ્તુઓ કાઢી નાંખો. જે કામમાં આવવાની જ નથી.

બીજું ચરણ છે શરીર પરના રાગને ઓછો કરવો. સૌથી મોટો રાગ આ શરીર ઉપર છે. કારણ કે શરીરમાં જ હું પણાની identity બરોબર વસાવી લીધી છે. હું એટલે આ… તો શરીર પ્રત્યેનો રાગ જેટલો ઓછો થશે એટલી પીડા પણ ઓછી થશે. મૃત્યુ આવવાનું છે તો આવવાનું છે. રોગ આવી ગયો તો આવી ગયો. દવા કરી લો. પણ કેમ રોગ આવ્યો, એની ચિંતા કરવી નથી. કોરોના કાળમાં વગર કોરોના એ ઘણા મરી ગયા. મને તો કોરોના નહિ થાય….. મને quarantine થવું પડશે. એકલા રહેવું પડશે. મરી ગયા. વગર કોરોના એ કેટલા મરી ગયા. કોરોના ના ભયથી…

તો બીજા ચરણમાં દેહાધ્યાસ ને છોડવો છે. શરીર છે સાધના માટે ઉપયોગી છે. તો મહાપુરુષો પણ એને રોટલી – દાળ આપી દેતાં. તો જે ક્ષણે એ મહાપુરુષોને લાગે કે આ શરીર દ્વારા સાધના થવાની નથી. અણસણ સ્વીકારી લે. આ નોકર કામ કરે ત્યાં સુધી પગાર આપવાનો. કામ ન કરે તો પગાર બંધ.

ચેન્નાઈ માં ઋષભદાસજી નામના બહુ મોટા જૈન વિદ્વાન થયા. પંન્યાસજી ગુરુદેવ ભદ્રંકર વિજય મ.સા. ના એ ગૃહસ્થ શિષ્ય. એકવાર ચેન્નાઈમાં પોતાના ઘરેથી પોતાની ફેક્ટરી તરફ જઈ રહ્યા છે કારમાં.. ચેન્નાઈ પૂરું થયું. એક વૃક્ષ હતું. વૃક્ષની નીચે એક સંત બેઠેલા હતા. તો ઋષભદાસજી ને સંતો ઉપર ખુબ પ્રેમ. ગાડી થોભાવી. નીચે ઉતર્યા. સંતને શાતા પૂછી. સંત એકદમ હસતાં હતા. પ્રસન્ન પ્રસન્ન…. પોતાની જોડે ટીફીન લાવેલા હતા જમવા માટેનું એમાંથી થોડું વ્હોરાવ્યું. પછી રોજનો ક્રમ થઇ ગયો. રોજ થોડી વાર ગાડી ત્યાં રોકે, સંત જોડે સત્સંગ કરે. એકવાર ઋષભદાસજી ને ખ્યાલ આવ્યો – કે બાજુમાં રક્તપીતિયાઓનો આશ્રમ છે. અને ત્યાં આ બાબા સેવા કરવા માટે જાય છે. ઋષભદાસજીની આંખમાં આંસુ આવી ગયા. એમણે કહ્યું, બાબા એસા મત કરો. યે રક્તપિત્ત આપકો લગ જાયેગા… આપકી સાધના રૂક જાયેગી, આપ એસે ભી અકેલે હો… સંત ખાલી હસ્યા… એમાં ઋષભદાસજી ને બહાર જવાનું થયું… મહિનો… મહિના પછી આવ્યા અને જ્યાં એ ઝાડ પાસે આવ્યા જોયું સંતનું આખું શરીર રક્તપિત્ત વાળું થઇ ગયું. લોહી ટપકતું હોય, ઋષભદાસજી ગયા, બાબા મૈને કહા થા ના આપ વહાઁ મત જાઓ… સંત તો એટલા મસ્તીથી હસી રહ્યા છે. પૂછ્યું બાબા ઇતને આનંદ મેં કૈસે? યે રક્તપિત્ત લગ ગયા હૈ આપકો… તો એ સંત કહે છે – ઋષભદાસ! બહોત બહોત બહોત આનંદ મેં હું, તું કહતા હૈ મુજે રક્તપિત્ત હુઆ, મૈ કહતા હું યે પ્રભુ કી કૃપા હૈ, યે કોઈ રોગ નહિ હૈ, યે પ્રભુ કી કૃપા હૈ. ઋષભદાસ છક થઇ ગયા. બાબા યે કૃપા કૈસે? મુજે સમજાવો… તો સંતે કહ્યું – મૈં પ્રવચનકાર ભી હું, મૈં મેરે પ્રવચનો મૈં  બહોત બાર કહતા થા, કી દેહ કે પ્રતિ જો મમત્વ હૈ, ઉસકો નિકાલ દો. મૈં બહોત બાર બોલા કરતા થા.. લેકિન મેરા દેહ કા મમત્વ બિલકુલ તૂટા નહિ થા. આજ પ્રભુને કૃપા કર દી. મેં મેરે પ્રવચન મેં કહતા થા, કી જો ભીતર હૈ વો બાહર આ જાયે તો… એક આદમી દુસરે આદમી કે પાસ બેઠેગા નહિ. ઇતની ગંદકી ભીતર ભરી હુઈ હૈ. યે તો ઉપર હી ઠીક હૈ ચમડી લગાઈ હૈ ભગવાન ને, તો મેં કહતા તો થા, ફિર ભી મેરા દેહાધ્યાસ, મેરા દેહ કા મમત્વ બિલકુલ તૂટા નહિ થા. આજ ક્યાં પ્રભુ કી કૃપા હો ગઈ… મેરા દેહ કા મમત્વ તૂટ ગયા. ૨ -૪ દિવસ પછી બાબા દેખાણા નહિ. ૨૦ એક દિવસ પછી ઋષભદાસજી ને ચેન્નાઈ થી મુંબઈ જવાનું છે. Express train માં બેઠેલા છે. અધવચ્ચે એક flat station ઉપર express train રોકાવી… જે ચેન્નાઈથી મુંબઈ વચ્ચે ખાલી ૨ કે ૩ station જ કરવાની હતી. એ નાનકડા station પર રોકાઈ ગઈ. લોકો બધા પૂછવા મંડ્યા…. શું થયું… શું થયું..? કેમ train રોકાઈ… ઋષભદાસજી નીચે ઉતર્યા. ત્યાં એમણે જોયું એ station ના platform ઉપર એક ઝાડ નીચે પેલા સંત બેસેલા. દોડતા ત્યાં ગયા, બાબાના ચરણોમાં પડ્યા. ત્યારે સંત કહે છે – ઋષભદાસ તું આ ગયા ના… અચ્છા હુઆ, શું કહે છે સંત… આજ ઇસ ચોલે કો ફેક દેને કા હૈ… એ દિવસે એમને શરીર છોડી દેવાનું હતું. તો શરીર ને વસ્ત્ર કહે છે. આજ ઇસ ચોલે કો ફેક દેનેકા હૈ, સોચા થા કી ઇસ ચોલે પર ઋષભદાસજી કા ભી ઉપકાર હૈ. મેરે પર નહિ… મેરે પર તો પ્રભુ કા હી ઉપકાર હૈ. લેકિન ઇસ ચોલે પર ઋષભદાસ કા ઉપકાર હૈ. તો મિલ જાયે તો અચ્છા હી હૈ. તો તું મિલ ગયા… બસ આશીર્વાદ દેતાં હું, અબ તું જા. તેરી ગાડી અબ ચલનેવાલી હૈ. મુંબઈ ગયા પછી ઋષભદાસજી એ ઘણી બધી મહેનત કરી, – ગાર્ડ ને પૂછ્યું, driver ને પૂછ્યું… શું થયું? કહે અમને કોઈને કશી સમજણ પડી નથી. મશીનો બરોબર, બધું જ બરોબર… ગાડીના પૈડા હતા… પાટા સાથે ચોંટી ગયા. ઉખડે જ નહિ બસ… અને ૫ મિનિટ થઇ ને automatic ઉખડી ગયા. ઋષભદાસજી એમના પુસ્તકમાં લખે છે. – મને ખબર છે કે એક સંતની ઈચ્છા શક્તિને કારણે એ train ને ત્યાં રોકાવું પડેલું હતું. પણ એવી ઈચ્છા શક્તિ કે ઋષભદાસ મિલ જાયે તો અચ્છા, train રૂકેગી… એવી ઈચ્છા શક્તિ વાળા સંત આ રક્તપિત્ત ને દૂર નથી કરતા. યે તો અચ્છા હૈ, યે તો વરદાન હૈ પ્રભુ કા….

તો અસંગ યાત્રા ના ૩ ચરણો છે. પહેલા ચરણમાં પદાર્થો અને વ્યક્તિઓના સંગમાંથી મુક્તિ. બીજા ચરણમાં દેહના રાગમાંથી મુક્તિ.  હવે આપણે practical કરીએ.  

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *