વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
સ્વાનુભૂતિ
- આ જન્મ માત્ર અને માત્ર સ્વાનુભૂતિ માટે મળ્યો છે. આપણે પોતાને જ ન ઓળખીએ, એનાથી મોટી બીજી કઈ વિડંબના હોય!
- અસંગ દશાના ત્રીજા ચરણમાં આપણે જોયું કે આભાસી હું નો ત્યાગ કરીને વાસ્તવિક હું ને આપણે સ્વીકારવું છે. એ વાસ્તવિક હું નો અનુભવ એ જ સ્વાનુભૂતિ.
- જ્યાં સુધી આનંદઘન ચૈતન્યની અનુભૂતિ નથી, ત્યાં સુધી આ શરીરમાં હું-પણા ની અનુભૂતિ ટળતી નથી.
પરમ આર્હત્ કુમારપાળ મહારાજાએ આત્મનિંદા દ્વાત્રિંશિકામાં ચાર સાધનાઓ આપી. બહુ જ મજાની એ સાધનાઓ છે. એ સાધનાઓનું theoretical અને practical બેઉ આપણે કરી રહ્યા છે. પ્રભુની આજ્ઞા પાલનનો આનંદ, ઓળીના દિવસો. આયંબિલ તપ, ન હોય તો પણ રસત્યાગ વિગેરે તો થઇ જ જાય. પણ એમાં પણ આનંદ આવે. એ પછીનું ચરણ છે… પરમ અસંગદશા.
પદાર્થો અને વ્યક્તિઓના સંગથી મુક્ત થવું છે. શરીર ભલે ૨૪ કલાક જોડે હોય, પણ એના પ્રત્યેના પ્રેમથી મુક્ત થવું છે. ૨ વાત છે શરીર માટે… શરીરને તોડી – ફોડી પણ નાંખવાનું નથી. અને એને શણગારવાનું પણ નથી. આ શરીર દ્વારા હું સાધના કરી શકું છું. તો શરીરને એટલા પ્રમાણે સાચવી પણ લેવાય. પણ આ શરીર ગંદકી નું ઘર છે. એ અનુભવ થયા પછી શરીર પ્રત્યેનો પ્રેમ છૂટી જતો હોય છે.
અને છેલ્લું અસંગદશાનું ચરણ છે… અહંકાર મુક્તિ. આ નકલી હું, આભાસી હું, એનાથી મુક્તિ. અઘરામાં અઘરું ચરણ હોય અસંગદશાનું તો આ છેલ્લું છે પદાર્થોને એકવાર છોડી શકાય. શરીર પરના પ્રેમને એકવાર છોડી શકાય. પણ હું, હું ને સહેજ ઘસરકો પહોંચે તો… કોઈ તમને કહે તમારા માટે પેલા ભાઈ ઘસાતું બોલતાં હતા. શું થાય? એના માટેનું સરળમાં સરળ ઉપાય હું નું replacement છે. અહંકારના લયનો હું જ્યાં સુધી હશે. તમે દુઃખી દુઃખી જ રહેવાના છો. ક્યાંક ગયા સભામાં. તમે એમ માનતા હતા, હું કરોડોપતિ, હું અબજોપતિ. ત્યાં કોઈએ તમારો ભાવએ ન પૂછ્યો. એ બે કલાક પાછળની ખુરશીમાં જ બેસો. પણ તમારો અહંકાર એટલો ઘવાયેલો હશે. કે કોણ શું બોલ્યું, કોણ ન બોલ્યું, કાંઈ ખબર તમને નહિ હોય. આજ પીડામાંથી મુક્તિ પ્રભુ તમને આપી શકે. અહંકારના લયના હું માંથી અહોભાવના લયના હું માં જાઓ. મેં પ્રભુની ભક્તિ કરી મને આનંદ આવ્યો. મેં સંતોની સેવા કરી. મને આનંદ આવ્યો. ત્યાં હું છે. પણ અહોભાવના લયનો છે. અને એના પછી એક high jump લગાવો. હું એટલે આનંદઘનચેતન. સદ્ગુરુ શક્તિપાત કરીને પણ તમને આ stage પર ઉચકી શકે છે. માત્ર એ શક્તિપાત ઝીલવાની તમારી ક્ષમતા જોઈએ.
૧૦૦ એક વર્ષ પહેલાંની એક ઘટના છે. એક નાનકડું ગામ એમાં હિંદુ સમાજના એક અગ્રણી. શ્રીમંત પણ એવા, પ્રબુદ્ધ પણ એવા. ગામમાં જ નહિ. પુરી એમની જ્ઞાતિમાં એમના નામનો ડંકો વાગે. એમના સમાજના કોઈ પણ ગામમાં કોઈ પણ કામ કરવું હોય આ ભાઈની સલાહ વિના ચાલે નહિ. એટલે પુરા સમાજની અંદર અગ્રણી તરીકે પંકાયેલો એ માણસ. સેવા પણ એવી જ કરતો. સમાજસેવા બહુ અઘરી ચીજ છે.
ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું – “સેવા ધર્મ પરમગહનો યોગીનાંSપ્યગમ્ય:” યોગીઓ યોગ સાધના કરે. એના કરતા પણ સેવા ધર્મ અઘરો છે. કેમ? તમે સેવા કરશો. તમારી પ્રશંસા થશે. એ વખતે પ્રશંસા ને જીરવવી એ તમારા માટે શક્ય ખરું..? તમે સીધા જ અહંકારની ધારામાં આવી જવાના. મારા વિના તો આ સમાજનું એક પાંદડું પણ હલે નહિ. હું ન હોઉં અને પેલાએ કામ કર્યું બને જ નહિ. એના કામમાં કોઈ ભલેવાર હોય જ નહિ. જ્યાં હું હોઉં ત્યાં જ કામ બરોબર હોય. સેવા કરવી અને અહંકાર થી અલિપ્ત રહેવું. એ તો પ્રભુની કૃપા ઉતરેલી હોય તો જ થઇ શકે.
આપણે પૂર્વે પશ્ચિમને જે કેટલાક નવા શબ્દો આપ્યા છે એ પૈકીનો એક શબ્દ છે ‘નિમિત્ત’ oxford dictionary પણ ઘણા શબ્દોને એમ ને એમ સમાવી લે છે. અંગ્રેજી વિભાવના માં જે શબ્દો જ નથી. અને બીજી સંસ્કૃતિમાં જે શબ્દો છે. તો oxford dictionary ના નવા નવા editions જેમ થતાં જાય તેમ એ લોકો આવા સ્થાનિક શબ્દોને પણ dictionary માં સમાવતા જાય. તો પૂર્વે પશ્ચિમને આપેલો એક જે મજાનો શબ્દ, એ છે આ ‘નિમિત્ત.’ કોઈ પણ કાર્ય તમારા હાથે થયું તમે કહેજો પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો. કામ તમારા શરીરથી થયું. નિમિત્ત પ્રભુ છે. હું ક્યારે પણ પ્રવચન આપીને સુધર્મા પીઠ ઉપરથી નીચે ઉતરું છું ત્યારે મારી આંખો ભીની હોય છે. અને મારી આંખની ભીનાશ પ્રભુને કહેતી હોય છે કે પ્રભુ તારી પાસે તો અગણિત sound systems હતી. છતાં તે મારા જેવા એક નાચીજ માણસની sound system નો use કર્યો. પ્રભુ તારો હું બહુ ઋણી છું. તમે માત્ર નિમિત્ત છો. શુભ કાર્યો કરો. કોઈ વાંધો નથી. પણ કર્તૃત્વ તમારે લેવાનું નથી. કર્તા પ્રભુ, નિમિત્ત પ્રભુએ તમને બનાવ્યા. મને એકવાર એક જિજ્ઞાસુ એ પૂછેલું કે સાહેબ, તમે વર્ષોથી પ્રવચન આપતા આવ્યા છો. ઘણીવાર એના એ ચહેરા તમારી આજુબાજુમાં હોય, એ લોકોમાં સહેજ પણ પરિવર્તન ન આવ્યું હોય, તમને થાક લાગે કે નહિ? મેં કહ્યું – ન લાગે. મારી પાસે કર્તૃત્વ હોય તો જરૂર મને થાક લાગે. મેં આટલા પ્રવચનો આપ્યા ગળાને ઘસી નાંખ્યું. આ લોકોમાં કોઈ ફેરફાર જ નથી થતો ને. પણ I have not to speak a single word. મારે બોલવું જ નથી. પ્રભુની આજ્ઞા મને છે કે બેટા! તને સિદ્ધિ થયેલી છે તો તારે વિનિયોગ કરવો પડશે. તારે બીજાને આ જ્ઞાન આપવું પડશે. એટલે માત્ર મારી બોલવાની પાછળનું કારણ એક જ છે પ્રભુની આજ્ઞા. મારા પ્રભુ કહે છે કે તું બોલ. હું માત્ર એનું વાંજિત્ર છું. વાજિંત્ર એની મેળે વાગે? બાંસુરી એની મેળે વાગે? કોઈ ફૂંક મારે તો બાંસુરી બજી ઉઠે. ટાગોરે કહેલું ગીતાંજલિ માં કે પ્રભુ હું તો બાંસુરી છું. ચુપ ચુપ થઈને પડી રહેનારી તે એને તારા હોઠમાં લીધી. તે ફૂંક મારી. અને બાંસુરીમાંથી સંગીત પ્રગટ્યું. પણ પ્રભુ એ સંગીત પરની માલિકીયત તારી છે. હું તો ચુપ ચુપ થઈને પડી રહેનારી હતી. તે ફૂંક મારી. છેલ્લે ટાગોર બહુ સરસ વાત કરે છે. એ કહે છે જીવનનું સાર્થક્ય શેમાં? આપણા જીવનની બાંસુરી એના હોઠ. પાર્શ્વનાથ દાદાના હોઠ તમારા જીવનની બાંસુરી આ જ જીવનનું સાર્થક્ય છે.
મેં હમણાં એક પ્રવચનમાં કહેલું કે તમારું જીવન સાર્થક ક્યારે બને? જ્યારે પ્રભુ એમાં અવતરિત થાય. કોઈની સરસ વાત જોઈ અને આંખમાં અનુમોદનાના લયમાં બે આંસુ આવ્યા. હું કહીશ કે પ્રભુ તમારી આંખોમાં પ્રગટ્યા. કોઈની સરસ વાત સાંભળી અને અનુમોદના ના લયમાં બે શબ્દો તમે બોલ્યા, હું કહીશ કે પ્રભુ તમારા કંઠેથી પ્રગટ્યા. પ્રભુ તમારી ભીતરથી પ્રગટે. પ્રભુ તમારી ભીતર અવતરે. તમારું જીવન સાર્થક. પણ એક વાત by the way કહું… બીજાનું સારું જોઇને અનુમોદના કરવી એ અઘરામાં અઘરી વસ્તુ છે. પહેલા પંચસૂત્રમાં પ્રભુ પાસે પ્રાર્થના કરી – “હોઉ મે એસા અણુમોઅણા. જીણાણં મણુભાવઓ” પ્રભુ આ અનુમોદના ધર્મ મને મળો. ધર્મ કરવો સહેલો છે. બે સામાયિક તમે કરી લેશો. ધર્મ કરાવવો સહેલો છે. બે કરોડ, પાંચ કરોડ તમે ખર્ચી નાંખશો. ૫૦૦ જણા ને છ’રિ પાલિત સંઘમાં યાત્રા કરાવી લેશો. ધર્મ કરવો સરળ, કરાવવો સરળ, પણ બીજાના ધર્મની અનુમોદના કરવી અઘરામાં અઘરું છે. કારણ ત્યાં તમારે તમારા અહંકારને ચીરવો પડે છે. તમે પાલીતાણામાં ઉપધાન કરાવેલું ૫૦૦ આરાધકોને, એના પછી તમારા જ સમાજની એક વ્યક્તિએ ૨૦૦૦ આરાધકોનું ઉપધાન પાલીતાણામાં કરાવેલું. ઉપધાન તો કરાવ્યું. પણ એટલી ઉદારતા રોજના ૫૦૦ મહેમાન આવે, ૧૦૦૦ આવે, કે ૨૦૦૦ આવે. રોજની ૩ – ૪ મીઠાઈઓ, અદ્ભુત ભક્તિ. એ વખતે બીજા બધા લોકો તો અનુમોદના કરી શકે. પણ પેલાએ ઉપધાન કરાવેલા હોય, ૫૦૦ જણાના, એની હાલત કેવી હોય, કોઈ એની પાસે આવીને કહે, શું આણે ઉપધાન કરાવ્યા? ૨૦૦૦ આરાધકો રહેવા માટેની five star વ્યવસ્થા. નીવિ માટેની five star વ્યવસ્થા. એવું નહિ, કે બે બેચમાં જમાડવાના. ૨૦૦૦ આરાધકોની નીવિ એકસાથે થાય. શું વ્યવસ્થા એણે કરી છે! આ સાંભળતા તમે શું કહો?
તમે પણ એનું ઉપધાન જોઈ આવ્યા હોય, અને એકાદ નબળો point જોયેલો હોય કહી દો. એ તો બધું ઠીક પણ આનું શું? બીજાના સુકૃતની અનુમોદના કરવી બહુ જ અઘરું છે કારણ તમારે તમારા અહંકાર ને ત્યાં તોડવો પડે છે. તો અનુમોદના એક બાજુ અઘરામાં અઘરી, બીજી બાજુ અનુમોદનાને કોઈ લીમીટેશન નથી. એ અસીમ વ્યાપક ધર્મ છે. ધર્મ કરીને કેટલો કરો. તમે એક દિવસમાં ચોવિહારો ઉપવાસ, સિદ્ધિતપ વિગેરે કરાવો. ૫૦૦ આરાધકોને.. ૫૦૦ આરાધકો એ જ દિવસે ઉપવાસ કરે. પણ ધર્મ કરવામાં પણ લીમીટેશન શરીરના છે. ધર્મ કરાવવામાં પણ લીમીટેશન છે. અનુમોદના માં કોઈ લીમીટેશન નથી. મહાવિદેહમાં રહેલા કરોડો સાધુ ભગવંતો – કરોડો સાધ્વીજી ભગવતીઓ એમના સંયમ ધર્મની અનુમોદના કરો. કરી શકો, તો તમારા અહંકાર ને શિથિલ કરવા માટે અનુમોદના ધર્મ બહુ જ સરસ છે.
પંચસૂત્રની ટીકામાં હરીભદ્રસૂરિ મહારાજે બહુ સ્પષ્ટ કહ્યું “પરકૃતસુકૃતસ્ય અનુમોદના” તે કરેલ સુકૃતની અનુમોદના નહિ કરતો. બીજાએ કરેલ સુકૃતની અનુમોદના કરજે. અને તો જ તારો અહંકાર તૂટશે.
પેલા ભાઈ સમાજના અગ્રણી. શ્રીમંત પણ ખરા. પૈસા ગમે ત્યાં આપી દે. હા તકતીની size પહેલેથી નક્કી કરવાની. એક પાટ આપણે આપીએ ને તો’ય આપણે નામ લખાવીએ… પાટ ઉપર. એક ઉપાશ્રયમાં એક જણાએ પાટ ડોનેટ કર્યો. પણ પાછળ સિંહાસન હોય એવો નહિ. સાદી પાટ. એક વખત એ ઉપાશ્રયમાં એક બહુ જ મોટા આચાર્ય ભગવંતની પધરામણી થવાની હતી. અને દેખીતી રીતે પાટ એક જ હતો. એટલે એ જ પાટ પર બેસી અને આચાર્ય ભગવંત પ્રવચન આપવાના હતા. તો જેણે પાટ ડોનેટ કરેલો, એણે આમ સોનેરી અક્ષરે પોતાનું નામ લખાવેલું. એણે પોતાના બે – પાંચ વેવાઈઓને સગાં – સંબંધીઓ ને ફોન કર્યા. આજે તો મોટા મ.સા પધારે છે. સામૈયા અને વ્યાખ્યાન માં જરૂર પધારજો. એમ થોડું કહેવાય કે મારો પાટ જોવા માટે આવજો…
હવે મોટા સાહેબ પધારવાના હતા. એટલે ટ્રસ્ટીઓ પણ બધા જાગૃત થઇ ગયેલા. ઉપાશ્રય સાફ – સૂફ કરાવ્યો. ધોવડાઈ નાંખ્યો. પાટ હતો ભીંતે. પાછળ કચરો હતો. પાટને વચ્ચે લીધો. બરોબર બધું સાફ કર્યું. પછી માણસે પાટ ગોઠવ્યો. તો ગોઠવતાં ભૂલ શું થઇ ગઈ, નામવાળો ભાગ પાછળ જતો રહ્યો. સામૈયામાં પેલા ભાઈ સાહેબ નહોતા જોતાં મારા વેવાઈ કેટલે આવ્યા, મારા સંબંધી કેટલે આવ્યા. આજે તો આમ આપણો છાપો પડી જવાનો હતો.. આટલા મોટા સંઘમાં, આટલો સરસ પાટ તમે ડોનેટ કર્યો છે. પણ જ્યાં ગયા ઉપાશ્રયમાં, અને વંદનની શરૂઆત થઇ, પેલા ભાઈનો મૂડ મરી ગયો. નામ દેખાતું જ નથી. નામ પાછળ. હવે સાહેબ વ્યાખ્યાનમાં શું બોલ્યા એ સાહેબ જાણે. એ તો ધુઆઁપૂઆં… વ્યાખ્યાન પૂરું થયું, સીધો જ ટ્રસ્ટીઓની રૂમમાં, શું માંડ્યું છે આ, પાટ આ રીતે ઉંધો ગોઠવ્યો. મારું નામ ક્યાં દેખાય છે… આપણે આમાંથી બહાર નીકળવું પડશે.
તમે દાન કરો એનો ખ્યાલ તમારા ઘરવાળાને પણ ન આવવો જોઈએ. જેટલી પ્રસિદ્ધિ તમારા દાનની થશે. એટલું દાનનું પુણ્ય તમારું ખતમ થશે. તો પેલા ભાઈ શ્રીમંત, અને પ્રબુદ્ધ કોઈ પણ મ.સા આવે હિંદુ સમાજના સામૈયાની ગોઠવણી એમને કરવાની. જેવા મ.સા. એ પ્રમાણે સામૈયું. પ્રભાવના પણ એ રીતે. પણ બધી જ ગોઠવણ a to z આ ભાઈ કરે. પણ વ્યાખ્યાન ક્યારેય સાંભળે નહિ. મ.સા.ને પાટ ઉપર બેસાડી દે. પછી વ્યવસ્થામાં લાગી જાય, પ્રભાવના નું શું છે? ને, પ્રભાવના વહેંચવા કોણ ઉભું રહેવાનું છે. આ બધું…
પણ એમાં એકવાર એક બહુ જ જ્ઞાની અને પૂરા પ્રદેશમાં જેમનું નામ હતું એવા એક ગુરુ પધારવાના હતા. નામ બહુ મોટું હતું. સામૈયા માટે કોઈ ટીપ – ભંડોળ ની જરૂર નહોતી. એક – એક વ્યક્તિઓ તૈયાર થઇ ગયા. ભલે ૧ લાખ રૂપિયા થાય કે ૨ લાખ થાય. સામૈયું મારા તરફથી. પેલો કહે જમણવાર મારા તરફથી, પેલો કહે આ મારા તરફથી… બહુ જ ધામ- ધૂમથી સામૈયું થયું. એ ગુરુ પાટ ઉપર બિરાજમાન થયા. પહેલી જ વાર એ ભાઈ વ્યાખ્યાનમાં બેઠા. એમની જીંદગીમાં પહેલી વાર. વ્યવસ્થાનો જ માણસ. દસેક મિનિટ થઇ પછી એમની ઉઠવાની ગણતરી હતી. પણ એવું સંમોહક વ્યક્તિત્વ, એવું સંમોહક વકતૃત્વ. અને એટલું નિર્મળ વ્યક્તિત્વ કે પેલા ભાઈ બેસી જ રહ્યા. પ્રબુદ્ધ તો હતા જ. એક જ કલાક એ ગુરુના સાનિધ્યમાં બેઠા અને એમને થયું કે આ ગુરુના સાનિધ્યમાં જો રહેવા મળતું હોય તો દીક્ષા લઇ લઉં. કેટલાય ને દીક્ષા લેવડાવી દીધેલી હો… પણ આણે દીક્ષા લેવાનો વિચાર ક્યારેય નહિ કરેલો. પ્રવચન પૂરું થયું. બપોરે એ ભાઈ સાહેબ પાસે ગયા. સાહેબના ચરણોમાં બેઠા. અને વિનંતી કરી. કે ગુરુદેવ આપનો શિષ્ય આપ મને બનાવો. અને આપની જોડે જ મને રાખવાનું વચન આપો. તો મારે દીક્ષા લેવી છે. આખું જીવન વ્યવસ્થામાં વીત્યું. હવે મારે સાધનામાં જવું છે. ગુરુએ જોયું હું જો શક્તિપાત કરું તો આ માણસ શક્તિપાત ઝીલી શકે એમ છે. ગુરુએ હા પાડી. બીજા જ દિવસે ગામમાં જાહેરાત થઇ કે આ ભાઈ દીક્ષા લેવાના છે. આખા ગામમાં જ નહિ, એમની જ્ઞાતિમાં સોપો પડી ગયો. આ માણસ…. આ માણસ દીક્ષા લેશે. કેટલાક કહે, અમારા કામનું શું થશે? પેલા કહે, અમે મંદિર બાંધવાનું શરૂ કર્યું છે અમારા મંદિરની પ્રતિષ્ઠા નું કામ કોણ સંભાળશે? પેલા કહે: અમારી વાડી તૈયાર થઇ રહી છે પણ એનું આગળનું કામ કોણ સંભાળશે. આણે નક્કી કર્યું દીક્ષા. મુહુર્ત જોવડાઈ ગયું. દીક્ષા લેવાઈ ગઈ. અને એ દીક્ષા વખતે ગુરુએ શક્તિપાત કર્યો. તમારા બધા ઉપર શક્તિપાત થયો છે ખબર છે?
સદ્ગુરુએ કરેમિ ભંતે સૂત્ર આપ્યું એ પણ શક્તિપાત હતો. તમે એ શક્તિપાત ને ઝીલેલો હોય, તમે વિભાવમાં જઈ શકો નહી. જાઓ શી રીતે? આ તો હિંદુ પદ્ધતિનો સંન્યાસ હતો. એમાં કરેમિ ભંતે નહોતું. પણ, ગુરુએ સંન્યાસ વખતે નવું નામ આપ્યું. હરિભદ્રસૂરિ મહારાજ ષોડશકમાં કહે છે, કે “નામન્યાસ એવ શક્તિપાત:” સદ્ગુરુ જે તમને નામ આપે છે. એ તમારા માટેનો શક્તિપાત છે. કારણ કે તમારી સંભાવનાઓ સદ્ગુરુએ જોયેલી છે. અને સદ્ગુરુએ તમારી એ સંભાવનાઓને ખોલવી પણ છે. પણ તમને સતત યાદ રહે કે મારે આ બનવાનું છે. બધું ભૂલી જાઓ. તમારું નામ તો ભૂલો નહિ… તો કૃપાયશરત્ન નામ આપ્યું એટલે શું થયું? ખ્યાલ આવી ગયો કે મારી સાધના માત્ર કૃપા દ્વારા આગળ વધવાની છે. મારે બીજું કાંઈ જ કરવાનું નથી.
માત્ર પ્રભુની કૃપાને ઝીલવાની છે. પ્રભુની કૃપા સતત વરસી રહી છે. એક ક્ષણ એવી નથી, એક સેકંડ એવી નથી કે પ્રભુની કૃપા ન વરસતી હોય. પણ ગુરુએ નામ એ રીતે આપ્યું કે તારે આ કૃપાની receptivity પ્રાપ્ત કરવાની છે. હું એવો શક્તિપાત કરું છું કે તું ૨૪ કલાક માત્ર ને માત્ર પ્રભુની કૃપાની ધારામાં વહ્યા કરીશ. તો તમારા બધાના જે નામ છે એ નામ તમારો શક્તિપાત છે. એ નામમાં સદ્ગુરુએ તમારા માટેની સંભાવનાઓ મૂકી છે. ગુરુએ આને નામ આપ્યું નિવૃત્તિનાથ. કેવો હતો એ પ્રવૃત્તિનાથ હતો ને… પ્રવૃત્તિમાં ડૂબેલો માણસ રાત્રે ઊંઘમાંથી ઉઠે ને પેલા ગામનું કામ કેટલે આવ્યું… પેલા મંદિરનું કામ ક્યાં સુધી આવ્યું જરા સવારે ફોન કરીને પૂછી લઉં. રાત્રે પણ પ્રવૃત્તિમાં ડૂબેલો એ માણસ.
એને ગુરુએ નવું નામ આપ્યું નિવૃત્તિનાથ. ગુરુએ શક્તિપાત કર્યો. પેલાએ ઝીલી લીધો. ગુરુએ આ જ જોયું. કે હું જે શક્તિપાત કરું એને આ ઝીલી શકે એમ છે. નિવૃત્તિનાથ. અને ખરેખર એ દિવસની એની નિવૃત્તિની ધારા ચાલુ થઇ ગઈ. પહેલા જ દિવસે ગુરુદેવ જે હોલમાં હતા, એ જ હોલમાં એમનું આસન આવ્યું મુનિ તરીકે. તો એમણે પોતાના આસન પાસે એક મોટું બોર્ડ લગાડી દીધું કે બપોરના ૩ થી ૩.૩૦ વાગ્યા સિવાય કોઈએ પણ મારી પાસે આવવાનું નહિ. મારી પાસે બેસવાનું નહિ. ૨૪ કલાકમાં માત્ર અડધો કલાક. ગુરુ જોઈ રહ્યા છે. ગુરુએ જોયું થોડી અસર થઇ છે. પણ સાડા તેવીસ કલાક એ નિવૃત્તિમાં રહે છે. પણ અડધો કલાક પ્રવૃત્તિમાં ડૂબે છે એ પણ એની સાધના માટે ઘાતક છે.
શું ગુરુની કરૂણા હોય છે. ગુરુની કરૂણાને સમજવી ને એ પણ આપણી એક વિરલતા હોય તો સમજાય. સદ્ગુરુની કરૂણા દેખીતી રીતે એવી હોય તમને પોતાનાથી વિખુટા પાડે. તમને લાગે મારે અલગ જવાનું ગુરુથી… પણ એમાં પણ ગુરુની કરૂણા હોય. બીજા જ દિવસે ગુરુએ નિવૃત્તિનાથને બોલાવ્યા. અને કહ્યું ૨૦ કિલોમીટર દૂર પેલું ગામ છે. ત્યાં એક સંત છે અને એ બીમાર પડેલા છે. તો એની સેવા માટે તમારે જવાનું છે. Ok. તહત્તિ એ બીજી સવારે વિહાર કર્યો. સાંજ સુધી ૨૦ કિલોમીટર દૂર પહોંચી ગયા. ગુરુએ એવું ગામ પસંદ કર્યું, જે એમના સમાજનું નહોતું. જ્યાં એમને કોઈ ઓળખે નહિ. ધાર્મિક સૂત્રોના પુસ્તકો આપેલા. પેલા મહાત્માની સેવા કરવાની અને પાઠ કરવાનો. ગામ સારું હતું. લોકો બધા ભોળા, પણ આમને કોઈ ઓળખે નહિ. એટલે સંત તરીકે જોઈએ તે વસ્તુ આપી દે. તો આમને તો ૨૪ કલાકનું એકાંત મળી ગયું. અને ખરેખર જીંદગીમાં પહેલી વાર એમણે એકાંતનો આનંદ માણ્યો. તમે માણ્યો છે ક્યાંય..? તમે તો hill station ઉપર જાઓ ને તો ય પેલા બરાડા પાડતાં રેડિયાને લઈને જાઓ. ત્યાં તો શાંતિ રાખ ભાઈ પણ…
એક બહુ સારા philosopher હતા. એકવાર એ ગામ બહાર જંગલમાં ગયેલા. એક ઝાડ નીચે બેઠેલા એકાંતમાં, પોતાનો અનુભવ કરતા હતા. થોડી વાર થઇ હશે. ગામનો એક વાતોડિયો માણસ ત્યાં આવી ગયો. એણે જોયું આ સાહેબ તો એકલા બેઠા છે અહીંયા, આવી ગયો ત્યાં… અને એણે તો વાતોના તડાકા શરૂ કર્યા. શિષ્ટાચાર તમે ઉભો કરેલો એવી બલા છે કે માણસની ઈચ્છા ન હોય તો યે એને જોડાવું પડે. એક કલાક પેલાએ ગપ્પા માર્યા કર્યા. છેલ્લે ઉભો થયો. અને બોલ્યો કે તમે એકલા હતા ને એટલે તમને company આપવા માટે બેઠો હતો. પેલા philosopher એ મનમાં કહ્યું હું મારી company માં જ હતો. તે મારી જાત સાથેની company તોડાવી.
અંગ્રેજી એક કહેવત છે Two is the company And Three is the crowd. પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં કહેવત અલગ છે. આપણે ત્યાં કહેવત આ છે. One is the company and two is the crowd. એકાંતનો આનંદ નિવૃત્તિનાથે માણ્યો. પહેલા તો એમ હતું, ૪ – ૫ દિવસે કોઈ માણસ, ગુરુદેવ હતા ત્યાં જતા હોય, તો પોતે ચિટ્ઠી લખી નાંખે. કે સાહેબ આપે કહ્યું એ રીતે સેવા પણ બરોબર થાય છે. મારો અભ્યાસ બરોબર થાય છે. હું આનંદમાં છું. દોઢ મહિનો વીત્યો એ રીતે… અને એકવાર એક ભાઈ જઈ રહ્યો છે ગુરુદેવ છે ત્યાં, પૂછ્યું એણે – કે સાહેબને કોઈ પત્ર આપવો હોય તો લઇ જાઉં… તો કે હા, એક પત્ર લીધો કશું જ એમાં લખ્યું નહિ. એક પણ અક્ષર નહિ. બિલકુલ blank કોરો… ગડી વાળી કવરમાં નાંખ્યો. કવર ઉપર લખ્યું શ્રી ગુરુ ચરણેશું… કવર પેલાને આપી દીધું. પેલો કવર લઈને ગુરુ પાસે ગયો. ગુરુને કવર આપ્યું, ગુરુને અક્ષર પરથી ખ્યાલ આવી ગયો કે આ નિવૃત્તિનાથનો છે. અંદરથી પત્ર ખોલ્યો. એક પણ અક્ષર નહિ. ગુરુ ખુશ થઇ ગયા. કે નિવૃત્તિનાથ હવે ખરો નિવૃત્તિનાથ બન્યો. તો એ નામ આપીને ગુરુએ એના હું ને લઇ લીધો. ૫૫ વર્ષ સુધી જે માણસ સામાજિક સેવાઓને કારણે હું માં ડૂબેલો હતો. એને હું માંથી વિમુક્ત કરી દીધો. તો અમે તૈયાર હો! તમારા બધાના હું ને લઇ લેવા અમે તૈયાર. તમે આપવા તૈયાર છો. અને કેવી exchange offer અમારી… કચરા જેવું હું આપી દો! અને આનંદઘન હું તમને આપી દઈએ. છો તૈયાર?
જ્યાં સુધી તમારા આ હું ની પીડા તમને અનુભવાશે નહિ, ત્યાં સુધી તમે એનાથી મુક્ત થવાનો વિચાર પણ નહિ કરો. એક પ્રબુદ્ધ શ્રોતા તરીકે તમને પૂછું – કે તમારા હું થી તમને ક્યારેય પીડા થઇ છે? ઘણા બધા લોકો મારી પાસે આવતાં હોય છે.
એક ભાઈ હમણાં આવેલા, એમની વ્યથા આ જ હતી. મને કોઈ બોલાવતું નથી. હું ક્યાંય પણ કોઈ પ્રસંગમાં જાઉં મારી કોઈ નોંધ લેતું નથી. સાહેબ એવું કંઈક કરી આપો કે જ્યાં જાઉં ત્યાં લોકો મને બોલાવે, મારી જોડે વાતો કરે. લોકો મારા આવવાની નોંધ લે. એણે કહ્યું કાં તો મને એવો શક્તિશાળી બનાવો, કાં મને શ્રીમંત બનાવો. પણ મારા હું ની નોંધ લેવાય એવું કંઈક કરી આપો. મને હસવું આવ્યું… કે આવ્યો છે ડોક્ટર પાસે અને હું ના ગુમડાને વધારવા માટેનું કહેવા માટે આવ્યો છે. ડોક્ટર પાસે ગુમડું ચીરાવા જવાનું કે ગુમડાને મોટું કરાવા જવાનું…
તમારા હું ની પીડા તમને સમજાય છે? એક મુનિ સદા આનંદમાં, એક પ્રભુની સાધ્વી સદા આનંદમાં કેમ? અજાણ્યા ગામમાં ગયા, આ પ્રભુની ચાદર ઓઢેલી છે. શરીર માટે જોઈએ એ મળી જશે. બીજું તો કંઈ જોઈતું નથી. આખો દિવસ મજા. કોઈ ન આવે અમારા ઉપાશ્રયમાં તો અમારા માટે જલસો હોય. કારણ અમને કશું જોઈતું નથી. મેં વચ્ચે વાત કરેલી. કે તમે સ્વયં સંપૂર્ણ છો. પણ તમારી એ સ્વયં સંપૂર્ણતા નો અનુભવ તમને થયો નથી. જે ક્ષણે તમને થશે, કે તમે સ્વયં સંપૂર્ણ છો. ત્યારે બીજો તમને recognise કરે. એ વાત અંદર કેમ આવશે?
સોનું છે. ૧૦૦ touch નું સોનું છે. એને કશવાનું શું હોય? એને કોણ recognise કરે? તો તમારે બીજાની પાસેથી recognize lesson કેમ લેવું છે? કારણ શું? કારણ એક જ તમારી સ્વયં સંપૂર્ણતાનો બોધ તમારી પાસે નથી. અને આ હું જ્યાં સુધી હશે. ત્યાં સુધી તમે અપૂર્ણ જ રહેવાના છો. જે ક્ષણે હું આનંદઘન છું, આ બોધ થયો સ્વયં સંપૂર્ણ, જે ક્ષણે પ્રભુએ મને અનુભવ કરાવ્યો. કે બેટા! તું જ આનંદઘન છે. અને એ અનુભવ મને થયો કે હું સ્વયં સંપૂર્ણ બની ગયો. એક પણ વ્યક્તિની મારે જરૂરિયાત ન રહી.
મારા શરીરને જોઈએ રોટલી – દાળ મળી જાય. બાકી મારે પોતાને કશું જોઈતું નથી. અને જેને કાંઈ ન જોઈએ એ સમ્રાટ. સૌથી મોટો સમ્રાટ કોણ?
એક ફકીર એક બાદશાહ પાસે ગયેલા. ફકીરને તો છૂટ હોય બાદશાહ ના મહેલમાં પણ જાય. તો ફકીરને સામાજિક સેવામાં એક સ્કુલ બનાવવી હતી, બાળકો માટે. તેના માટે પૈસા જોઈતા હતા. તો કહે કે બાદશાહ પાસેથી લઇ આવું. બાદશાહ પાસે ગયો. ત્યારે બાદશાહ નમાજ પઢી રહ્યો છે. અને નમાજ પઢયા પછી એ ખુદાને કહે છે કે હે ખુદા! મારા રાજ્યને સમૃદ્ધ બનાવ. મારી કીર્તિને વિસ્તાર. મારું આમ કર, આમ કર, પછી આંખો ખોલી જોયું ફકીર હતા. કંઈ કામકાજ? તો કહે કે હું કામ માટે આવેલો. પણ હવે હું એમનેમ જાઉં છું. હું તારી પાસે કંઈક માંગવા માટે આવેલો.. પણ તું જ માંગણખોર છે. તો તારી પાસે શું માંગું?
તમે સમ્રાટ છો. તમે સ્વયં સંપૂર્ણ છો. એના માટે માત્ર આ હું ને કાઢવાનો છે. તો અસંગદશાના ૩ ચરણો – પહેલા ચરણે પદાર્થો અને વ્યક્તિઓનો રાગ ઓછો થાય. બીજા ચરણે શરીર પ્રત્યેનું મમત્વ ઘટે. અને ત્રીજા ચરણે શરીર અને નામના આધારે જે હું ને ઉભું કર્યું છે એ હું ખતમ થાય અને આનંદઘન ચૈતન્ય તમને મળે. અને આનંદઘન ચેતના મળી, એ જ સ્વાનુભૂતિ. એટલે બપોરના સેશનમાં આપણે ત્રીજું ચરણ સ્વાનુભૂતિ જોવાનું. હવે એ જ સ્વાનુભૂતિનું આપણે practical કરીએ. સ્વાનુભૂતિ પછી ચોથું ચરણ ઉદાસીનતા કાલની સવારની વાચનામાં આવશે.