Maun Dhyan Sadhana Shibir 16 – Vachana – 2

19 Views
30 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject: વિચાર એ જ કામનો, જે નિર્વિચાર માં લઇ જાય

ચેતનાનું પરમાં જવું – તે પરિગ્રહ. ચેતના પર માં બે રીતે જાય. એક તો રાગ, દ્વેષ, અહંકાર જ્યારે ભીતર પનપે, ત્યારે મનની / ચેતનાની દશા પર તરફની થઈ જાય. અને બીજું, અનંત જન્મોના અભ્યાસના કારણે સામાન્ય કુતૂહલને વશ પણ પર માં જવાય.

આ બંને પર માં તમારી ચેતના, તમારું મન ન જાય એ માટે સાધના કરવાની છે. પહેલા મન પર નિયંત્રણ લાવવું છે : શુભ વિચારો ચાલવા દો; જે ક્ષણે મન અશુભમાં ગયું, એને રોકી લો. અને આગળ જતાં વર્તમાન ક્ષણમાં તમારે ઉદાસીનભાવે રહેવું છે, તો પછી મનનું / વિચારોનું કોઈ પ્રયોજન જ નથી.

અઠવાડિયા પછી જે વિચારની તમારા મનમાં નોંધ પણ નથી, એ વિચારે અઠવાડિયા પહેલા તમારા મનનો કબજો લઇને તમારો કેટલો બધો સમય બરબાદ કર્યો હતો – એનો તો ક્યારેક વિચાર કરો!

મૌન ધ્યાન સાધના શિબિર ૧૬ સુરત વાચના – ૨

આપણું પાંચમું મહાવ્રત છે, અપરિગ્રહ. પરિગ્રહ એટલે શું? તમારી ચેતનાનું પરમાં જવું એનું નામ પરિગ્રહ. સાધકની ચેતના, સાધકનો ઉપયોગ, સતત સ્વમાં રહેવો જોઈએ. તમે પૌષધમાં હોવ, બહાર ગયેલા, ઉપાશ્રયમાં આવ્યા, સૌથી પહેલું કામ તમારે ઈરિયાવહિયા પડિક્કમવાનું કરવાનું છે, શા માટે? તમારી ચેતના તમે બહાર ગયા ત્યારે કદાચ બહાર ગઈ હોય તો એને ભીતર લાવવા માટે, ચેતના પરમાં ગઈ હોય તો એને સ્વમાં લાવવા માટે,

ચેતના પરમાં બે રીતે જાય છે, એક તો રાગ, દ્વેષ અને અહંકાર જ્યારે ભીતર પનપે છે ત્યારે મનની દશા ચેતનાની દશા પર તરફની થઇ જાય છે, તો એક પર આ, જ્યારે તમારી ચેતના રાગ – દ્વેષ અને અહંકારથી ખરડાયેલી છે, બીજી દશા એ છે કે જ્યારે રાગ – દ્વેષ અને અહંકાર નથી, પણ કોઈ વ્યક્તિ આવી, તમારા મને એની નોંધ લીધી. શું જરૂર હતી? તમે સ્વાધ્યાય કરવા બેઠા છો, કોઈ પગરવ સંભળાયો, કેમ મોઢું ઊંચું થાય છે? અને તમને કોનો પગરવ સંભળાવાનો… એ તો મીરાં હતી જેણે કહ્યું, “સુની રે મૈને હરિ આવન કી આવાજ” મીરાંને પગરવ સંભળાયો, પ્રભુના આગમનનો… તમારા માટે તો એવું થયું નથી ને હજુ સુધી, કોઈ વ્યક્તિનો પગરવ સંભળાયો, બની શકે એને તમારી જોડે કોઈ કામ હોય જ નહિ, એ bypass on હોય, શા માટે તમે મોઢું ઊંચું કરો?

આપણને અનંત જન્મોની આદતને કારણે પરમાં જવાની એક ટેવ પડી ગઈ છે, કોણ આવ્યું? અરે જે આવ્યું તે… તારે શું કામ છે? તો આ બંને જાતના પરમાં તમારી ચેતના ન જાય એના માટે આપણે અહીંયા થીયરીકલી અને પ્રેક્ટીકલી સાધના કરવી છે…

હમણાંની આવી જ એક practical સાધનાની વાત કરું, ગુર્જિએફ આજના યુગના યોગાચાર્ય. ગુર્જિએફે ૩૦ ચુનંદા સાધકોને એકઠા કર્યા, સામાન્યતયા એ સાધના કરાવતા, પણ એ સાધના કઈ હતી, પહેલી જાતના પરમાંથી નીકળવાની, એટલે ભીતર ઉતરો, ભીતરના આનંદને માણો, તમને રૂમ આપી દેવામાં આવે, એ તમારી રૂમમાં તમે જાવ, કલાકો સુધી તમે એ સાધનાને બરોબર આત્મસાત્ કરો, આ વખતે ગુર્જિએફે નક્કી કર્યું કે બીજી જાતના પરમાંથી પણ મારે સાધકોને બહાર કાઢવા છે, એટલે કે કુતુહલની ખાતર પણ બીજો શું કરે છે એ જોવાઈ ગયું. તમારી સાધના પુરી. એક મહિનાની સાધના હતી, આશ્રમનો આવો મોટો હોલ, સાધનાની પૂર્વ સંધ્યાએ બધા જ સાધકોને સામે બેસાડીને ગુર્જિએફે કહ્યું કે રાગ, દ્વેષ, અહંકાર તમારા શિથિલ બન્યા છે અને એથી રાગ – દ્વેષ અને અહંકારને કારણે પરમાં જવાનું તમારું ઓછું થયું છે. આ વખતે બિનજરૂરી પરમાંથી પણ તમને બહાર કાઢવા છે, એક મહિના સુધી આ હોલમાં તમારે ૩૦ જણાને રહેવાનું છે, હું આપું એ સાધના તમારે કરવાની છે. પણ સૌથી મોટી વાત એ છે કે જે ક્ષણે તમારી નજર બીજા સાધક ઉપર પડે, કે આ આમ કરી રહ્યો છે, જે ક્ષણે તમારી ચેતના પરની અંદર કુતુહલથી પડી જાય, એ ક્ષણે તમારી સાધના પુરી થઇ ગઈ, તમારે હોલ છોડીને ચાલ્યા જવાનું, નૈષ્ઠિક સાધકો હતા, પાંચ દિવસમાં ૨૫ સાધકો ઘર ભેગા થઇ ગયા, નૈષ્ઠિક સાધકો હતા,

તમારી ચેતના પરમાં ન જવી જોઈએ. આપણે છે ને ત્રણ ગુપ્તિની વાત આપણી પરંપરામાં છે, કાયાને પણ સાધો, મનને પણ સાધો, તમે સાધક તરીકે આવ્યા છો, તમારી એકેયની કાયા સધાયેલી છે ખરી? પુરી વાચના ચાલે ત્યાં સુધી એક જ આસને બેસનારા કેટલા સાધકો મળે?

એકવાર બુદ્ધ પ્રવચન આપતાં હતા, એક જ વ્યક્તિ સામે અને બુદ્ધ જેવા મહાપુરુષ બોલી રહ્યા છે, અડધો કલાક બોલ્યા, એક વ્યક્તિ માટે, પણ પછી એવું બન્યું કે અડધા વાક્યે બુદ્ધ બોલતાં બંધ થયા, વાક્ય પૂરું થયું હોત ને તો તો પેલાને કોઈ નવાઈ ન લાગત, એને અહોભાવ જ હતો કે બુદ્ધ જેવા મહાપુરુષ મને એકલાને આટલો બધો સમય આપી રહ્યા છે, પણ અડધા વાક્યે બોલતાં બુદ્ધ બંધ થયા, એટલે પેલાને થયું કે મારી કોઈ ભૂલ તો થઇ નથી ને? એણે પૂછ્યું: ગુરુદેવ! મારી કોઈ ભૂલ થઇ… તો બુદ્ધે કહ્યું, હા, અત્યાર સુધી તું મને પીતો હતો, તારી કાયા બિલકુલ અડોલ હતી, આંખો મારા પર સ્થિર હતી, પણ હમણાં મેં જોયું. તારા જમણા હાથનો અંગુઠો સહેજ હલતો હતો. એ જમણા હાથનો – પગનો અંગુઠો કેમ હલ્યો, તારો ઉપયોગ ત્યાં ગયો ત્યારે, તારો ઉપયોગ મારામાંથી શરીરમાં ફંટાયો માટે મેં બોલવાનું બંધ કર્યું.

હું ઘણીવાર કહું કે આવી શરત લઇ અને હું સુધર્માપીઠ ઉપર બેસું ને તો મંગલાચરણ અને સર્વમંગલ બેય સાથે થઇ જાય. કાયા ને પણ સિદ્ધ કરો. આત્માને તો તમે સમજશો જ, પણ તમારી કાયાને તમે સમજ્યા છો? તમારી કાયાના બે મહત્વપૂર્ણ portion. એક તો કરોડરજ્જુ spinal cord, અમારે ત્યાં યૌગિક ભાષામાં spinal cord ને મેરૂદંડ કહેવામાં આવે છે, મેરુ ક્યારે હલે? મેરુ ટટ્ટાર હોય, તમારા બધાના મેરુ… અત્યારે હું બોલીશ ત્યારે એક મિનિટ ટટ્ટાર થઇ જશો તમે… યોગશાસ્ત્રમાં ઘણા બધા postures આપ્યા, આસનો.. સ્થિરાસન, પદ્માસન, અર્ધપદ્માસન, પણ એમાં પગની સ્થિતિમાં ફેરફાર થાય, there is no option. અહીં કોઈ વિકલ્પ નથી, કરોડરજ્જુ ટટ્ટાર જ જોઈએ. આખરે મૂલાધારમાંથી કુંડલીની પ્રવાહ વહેશે ત્યારે એ કરોડરજ્જુમાંથી પસાર થઇ અને સહસ્રાર સુધી જવાનો છે.

તો એક તો કરોડરજ્જુને સમજો, બીજું તમારા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે, બ્રહ્મરંધ્ર ચોટીનો જે ભાગ છે ને એને બ્રહ્મરંધ્ર કહેવાય છે. બ્રહ્મ એટલે પરમાત્મા, રંધ્ર એટલે કાણું… પરમાત્માને પ્રવેશવાનું દ્વાર એનું નામ બ્રહ્મરંધ્ર. દીક્ષા વખતે અમે લોકો દીકરાના એ બ્રહ્મરંધ્રમાંથી વાળો ખેંચીએ છીએ, બ્રહ્મરંધ્રને ગુરુ એકદમ સ્પષ્ટ કરે છે, કારણ એ બ્રહ્મરંધ્ર ખુલે ત્યાંથી જ પરમાત્મા ભીતર જાય, અને સહસ્રાર પર સ્થિત બને. તો તમારા શરીરના આ બે મહત્વપૂર્ણ અંગો છે, તો મન તો પછી સધાશે, પહેલાં કાયા સધાવી જોઇશે.

એક વાત તમને કહું, આજે વિશ્વમાં ૭૦૦ સાધના પદ્ધતિઓ all ready જીવંત રૂપે છે, અને એક પણ સાધના પદ્ધતિ ધ્યાન વગર ચાલી શકે નહિ. પણ ત્રિગુપ્તિ સાધનાની વાત માત્ર ને માત્ર પ્રભુ મહાવીરદેવે આપણને આપી છે. ધ્યાન ૭૦૦ સાધના પરંપરામાં  છે, કાયોત્સર્ગ જૈન પરંપરા સિવાય બીજે ક્યાંય નથી.

૨૫ સાધકો નીકળી ગયા, પાંચ સાધકો રહ્યા, એ પાંચેય એ મહિનો પૂરો કર્યો, એ પાંચમાંથી પણ શ્રેષ્ઠ છે યુસ્પેસકી, ગુર્જિએફના વિચાર દેહને શબ્દ દેહ યુસ્પેન્સકીએ આપ્યો છે. The fourth way. એના બધા જ પુસ્તકો જે છે એ મૂળ વિચાર ગુર્જિએફનો, લખનાર યુસ્પેન્સકી છે. ૩૧મી એ સવારે સાધના પુરી થઇ, નાસ્તો કર્યા પછી ગુર્જિએફ યુસ્પેન્સકીને લઈને એ તીફની શહેરની શેરીઓમાં ફરવા માટે નીકળે છે, ગુર્જિએફને એ જોવું છે, કે ૩૦ દિવસની આ સાધના પછી એનામાં પરિવર્તન શું આવ્યું છે…. યુસ્પેન્સકીની સાથે ગુર્જિએફ ફરે છે, યુસ્પેન્સકી ગુર્જિએફને કહે છે, આ શહેર આખું બદલાઈ ગયું લાગે છે, મહિના પહેલાં હું આવેલો અને જે શહેર હતું, એ શહેર આ લાગતું નથી, ગુર્જિએફ હસ્યા એમણે કહ્યું, શહેર તો નથી બદલાયું, પણ તું બદલાઈ ગયો છે, એ વ્યાપારીઓ માલ આપી રહ્યા હતા, ગ્રાહકો માલ લઇ રહ્યા હતા, કોઈ લોકો કોઈની જોડે વાતો કરી રહ્યા છે, યુસ્પેન્સકી ને લાગે છે કે આ બધાનો શો મતલબ…

તમને પરમાં જવું હજુ પણ સાર્થક લાગે છે એનું કારણ એ છે કે સ્વમાં તમે ઉતર્યા નથી. એકવાર સ્વનો આનંદ તમને ચખાડી દઈએ, પછી પર છૂટી જવાનું, સમાધિશતકના બહુ જ પ્યારા શબ્દો છે, “રૂપાદીક કો દેખવો, કહન કહાવન કૂટ, ઇન્દ્રિય યોગાદિક બળે, એ સબ લુંટાલુંટ” કંઈક જોઈ રહ્યા છો તમે, કંઈક બોલી રહ્યા છો, શું મતલબ આ બધાનો? એ ક્ષણે તમને એ ક્રિયા બહુ મહત્વપૂર્ણ લાગતી હોય, ક્યારેક એવું બને કોઈ મિત્ર તમારા ત્યાં આવ્યો, તમે લમણે હાથ દઈને એટલા ઊંડા વિચારમાં ગરકાવ થઇ ગયા છો, કે મિત્ર આવ્યો એની ખબર પણ તમને પડતી નથી, પા કલાક મિત્ર એમનેમ બેઠો રહે છે, પછી તમને ખ્યાલ આવે ઓહો તું આવ્યો, ક્યારે આવ્યો… ભાઈ ચા – પાણી લાવો… અઠવાડિયા પછી ફરી એ મિત્ર આવ્યો, એ વખતે તમે કોઈ વિચારમાં નથી, મિત્ર તમને પૂછે છે, કે અઠવાડિયા પહેલા હું આવ્યો તું એટલા તો વિચારમાં ડૂબેલો હતો, કે પા કલાક હું તારી જોડે બેઠો તને ખબર પણ પડી નહોતી. તું કયા વિચારમાં હતો, તમે યાદ કરો છો, તમને ખ્યાલ નથી આવતો કયો વિચાર હતો… બને આવું… અઠવાડિયા પછી તમારા મનમાં નોંધ નથી, કે કયો વિચાર હતો… એ વિચારે તમારો કેટલો સમય બરબાદ કરેલો વિચાર તો કરો.

તો ગુર્જિએફ કહે છે શહેર બદલાયું નથી તું બદલાઈ ગયો છે, હવે તને પર તરફ ખુલતી બધી જ ક્રિયા નકામી લાગે છે, આ ભૂમિકા સુધી તમે પહોંચી શકો છો, you can do this in this session but if you desire. You can do this but if you desire. તમારી સંકલ્પ શક્તિ પ્રબળ હોય તો તમે આ કરી જ શકો છો. આજથી એક નક્કી કરો કે વાચનામાં આવીએ ત્યારે આમ જ બેસવાનું ટટ્ટાર. નક્કી કરો…

એક પછી એક practical કરતાં જઈએ, શરીર તમારા વશમાં નહિ હોય, મન તમારા વશમાં ક્યાંથી આવવાનું? તો આપણી પાસે એક મજાની કડી છે જે ગઈ કાલે આપણે કહેલી “દેહ, મન, વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે, અક્ષય, અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે” મન એ તમારું સ્વરૂપ નથી, મન યોગમાં આવે, આપણે અયોગી થઇ ને સિદ્ધશિલા ઉપર જવાનું છે. એટલે મન, વચન, કાયાના યોગો એ તમારું મૂળભૂત સ્વરૂપ નથી. ઉપયોગ એ તમારું સ્વરૂપ છે. હકીકતમાં ઉપયોગે શું કરવું જોઈએ, યોગો ઉપર monitoring કરવું જોઈએ. એક પણ યોગ શુભમાંથી અશુભમાં ન જાય, એનું નિયંત્રણ ઉપયોગે કરવાનું હોય છે, પણ તમારો ઉપયોગ ઊંઘી ગયો છે, boss સુઈ ગયો છે અને secretary નું વાજું વાગે છે, ઉપયોગ એ boss છે, યોગ secretary છે, ઉપયોગ સુઈ ગયો છે, તમે સુઈ ગયા છો, એટલે મન એની ઈચ્છા પ્રમાણે વિચારો કર્યા કરે છે. તમારી કોઈની પાસે ફેક્ટરી હોય, તમે production કેટલું કરો? આ બાજુ sale થતું હોય એટલું production કરો, sale ઓછું થાય તો production તમે ઓછું કરી નાંખો. તમારા મનની ફેક્ટરી રાત – દિવસ ચાલ્યા કરે, વિચારોનું production કર્યા કરે, કર્યા જ કરે, કર્યા જ કરે, લેનાર કોણ? આ વિચારોની ફેક્ટરી તમે કોના માટે ચલાવો છો, તો આપણે પ્રાયોગિક રૂપે ત્યાં સુધી જવું છે કે વિચારો આપણા હાથમાં આવે.

બે વાતો છે, પહેલી વાત વિચારો ઉપર તમારું નિયંત્રણ આવે, અને બીજી વાત વિચારો તમારી પાસે હોય જ નહિ, પહેલી વાતમાં તમારું વિચારો ઉપર નિયંત્રણ આવશે, શુભ વિચાર ચાલે ચાલવા દો, જે ક્ષણે વિચાર અશુભ થયો, તમે એને રોકી શકો, વિચારોને રોકી દેવાના, આપણે practical meditation માં જે જઈશું ને એ meditation માં એ જ વસ્તુ આવશે, કે કઈ રીતે વિચારોને થોભાવી દેવા,

એક philosopher એ કહેલું કે વિચારો ચિત્તાકાશમાં છે, તમે ચિદાકાશમાં છો, ચિદ્ એટલે જ્ઞાન, જ્ઞાનના આકાશમાં, તો વિચારો હોય કે ન હોય શો ફરક પડે? હું જ્યારે આ હોલની છતની નીચે છું ત્યારે આકાશમાં વાદળા છે કે નહિ, પાણી ભરેલા છે કે નહિ, મને શું ફરક પડે? પાણી ભરેલા હશે ને વરસશે તો પણ મને કોઈ ફરક નથી, નહિ વરસે તો પણ મને કોઈ ફરક પડતો નથી, તો વિચારો ચિત્તાકાશમાં છે, તમે ચિદાકાશમાં છો, વિચારો હોય કે ન હોય તમને શું ફરક પડે, કોઈ ફરક ન પડે, વિચારોની અસર તમારા ઉપર ન થાય, તમે એના ઉપર અસર પાડો, તમે મન ઉપર કે મન તમારા ઉપર અસર પાડે?

વિનોબાજી પાસે એક જ્યોતિષી ગયેલા, જ્યોતિષીએ કહ્યું આપની જન્મકુંડળી શું મળી શકે ખરી મને? મારે જોવું છે કે મંગળનો આપના ઉપર શો પ્રભાવ પડે છે? આપ આટલા બધા વિદ્વાન છો, ભારતના નહિ, વિશ્વના સ્તર પર આપની વિદ્વત્તા મુખરિત બનેલી છે, તો મંગળ ગ્રહ આપના ઉપર શો પ્રભાવ પાડે છે, એ મારે જન્મકુંડળીમાં જોવું છે, તો આપની જન્મકુંડળી મને મળે? વિનોબાજી હસ્યા કે મારી જન્મકુંડળી ક્યાં હશે મને ય ખબર નથી… પણ તું મંગળની કુંડળી મને આપી શકે, કે મંગળ ઉપર હું શું પ્રભાવ પાડું છું જોઈ લઉં.. એક ગ્રહ એ મારા ઉપર પ્રભાવ પાડે કે હું એના ઉપર પ્રભાવ પાડું? મન તમારા ઉપર પ્રભાવ પાડે, કે તમે મન ઉપર પ્રભાવ પાડો? બીજી વાત એ છે કે વિચારો હોય જ નહિ, જે ક્ષણે વર્તમાનયોગની સાધના તમે સ્વીકારી એ ક્ષણે વિચારો તમારી પાસે નથી…

તમને પૂછું: વિચારો શું કરે? યા તો તમને ભૂતકાળમાં લઇ જાય, યા તો તમને ભવિષ્યકાળમાં લઇ જાય. વર્તમાનક્ષણમાં ઉદાસીનતાપૂર્વક તમારે જીવવું છે તો વિચાર શું કામના બોલો. અત્યારે હું બેઠો છું, બેઠો છું… હું માત્ર બેઠેલો હોઉં, તો વિચારો મારે શું કામના,હું તો બોલતો હોઉં ને ત્યારે પણ મારા મનના બહુ નાનકડા હિસ્સાનો જ ઉપયોગ કરું છું, વર્ષોથી બોલવાની ટેવ પડેલી છે, એટલે ઉપરનું મન જે છે એ બોલવા માટે તૈયાર હોય છે, એ ઉપરનું મન સક્રિય બને, ભાષા વર્ગણાના પુદ્ગલો લેવાય, છોડાય, બોલવાની પ્રક્રિયા ચાલે…

૩૦ વર્ષ સુધી મેં એકાંતમાં સાધના કરી, એકાંતમાં એટલે જંગલમાં જઈને નહિ, પણ દાદા ગુરુદેવની ઉંમર બહુ મોટી હતી, ૯૦ થી ૧૦૩ વર્ષ સુધી મારા દીક્ષા પર્યાય વખતે, એટલે નાના નાના ગામોમાં ચાતુર્માસ થતાં, શેષ કાળ પણ નાના ગામોમાં, ગામો નાનકડા, ઉપાશ્રયો ભવ્ય, દેરાસરો ભવ્ય, ગુરુદેવે મને એક પરવાનગી આપેલી, કે જે વખતે તારે માંડલીનું કામ હોય તારે કરી લેવાનું, એ સિવાયનો સમય તારી રૂમમાં જઈને તારે સ્વાધ્યાય કરવાનો, ૩૦ વર્ષનો ગાળો આવો મને મળ્યો જ્યારે એકાંતની અંદર પુષ્કળ સ્વાધ્યાય કર્યો, અને સાધના કરી, ૩૦ વર્ષ પુરા થયા, અચાનક ગુરૂદેવનો કાળધર્મ થયો, અરવિંદસૂરિ દાદા મારા ગુરુ પદે હતા એ વખતે, પણ એમણે મને સ્પષ્ટ કહ્યું કે મારી ધારા management ની નથી, હું માત્ર ભીતર જનારો માણસ છું, તારે જ બધું સંભાળવાનું છે, ગુરુની આજ્ઞા… સીધો જ સુધર્મા પીઠ ઉપર આવી ગયો, પણ મેં નક્કી કર્યું કે મારી ધારા સાધનાની અખંડ રહેવી જોઈએ, તો મારું પહેલું ચોમાસું ગુરુદેવ ગયા પછીનું સુરત અઠવાલાઈન્સમાં હતું, અગ્રણીઓને બોલાવીને મેં કહ્યું કે એક કલાક પ્રવચન આપીશ, એક કલાક વાચના આપીશ, બાકીના ૨૨ કલાક મારા પોતાના રહેશે, વૃદ્ધ બે ત્રણ મહાત્માઓને હોલમાં મૂકી દઈશ, એ આખો દિવસ પચ્ચક્ખાણ આપશે, એ વાસક્ષેપ આપશે, પણ મારો રૂમ જે છે એ ૨૨ કલાક માટે બંધ રહેશે, સંઘ તો એટલો મજાનો છે, આ સંઘ કલ્યાણકારી સંઘ. આપણી સાધનાને ઉચકી શકાય એ માટે આ કલ્યાણકારી સંઘે V.V.I.P. treatment આપણને આપેલી છે, તો પહેલું ચોમાસું મેં એ રીતે કર્યું, પછી ધીરે ધીરે મનની દશા એ બની કે ભીડની અંદર પણ એકાંત લાગવા માંડ્યો, પછી એકાંતનો કોઈ આગ્રહ ન રહ્યો. ભીડમાં પણ એકાંત, એકાંતમાં પણ એકાંત.

તમને અહીંયા એકાંત આપ્યું છે, ગમી ગયું આમ… ગમે… અહીંથી સીધા ઘોંઘાટમાં જશો, ઘોંઘાટ કેવો લાગશે આમ સાચું કહેજો…મોબાઈલ વિના પહેલા દિવસે થોડી અકળામણ થઇ હશે, પણ ઘણા એવા સાધકો મેં જોયા છે, એક શિબિર પછી એમને મોબાઈલને છોડી દીધો. તો આપણે મનના સ્તર ઉપર બે કામ કરવા છે, પહેલું મનનું નિયંત્રણ આપણા હાથમાં આવે, અને બીજું મન હોય જ નહિ, વિચારો હોય જ નહિ, એવી એક દશાને પ્રાપ્ત કરીએ, ઘણીવાર હું બેઠેલો હોઉં ને લોકો મને પૂછે, મારા હાથમાં પુસ્તક પણ ન હોય, ખાલી બેઠેલો હોઉં, તો મને પૂછે સાહેબ શું વિચારો છો? હું હસતાં હસતાં કહું કે વિચારોની દુનિયાને અલવિદા કહી દીધી છે હવે…

એકવાર અમદાવાદ કોબા વિદ્યાપીઠમાં મારે જવાનું થયું, તપોવનમાં… સાંજના હું ગયેલો, અને સવારે મારો આગળ વિહાર હતો, રાત્રે પ્રતિક્રમણ પછી બધા મુનિવરો સંગોષ્ઠીમાં બેઠા, ઘણા બધા પ્રશ્નો આવ્યા, મેં જોયું ઘણા પ્રવચનકારો હતા, ઘણા લેખકો હતા, ઘણા ચિંતકો હતા, એક સવાલ આવ્યો કે અમારી સાધના ક્યાં અટકે છે, સરસ સવાલ હતો, તમે કદાચ આવો સવાલ કોઈ સદ્ગુરુને નહિ પૂછ્યો હોય, કે સાહેબજી! મારી સાધના ક્યાં અટકે છે? કેમ હું આગળ દોડતો નથી. તો પ્રશ્ન આવ્યો: અમારી સાધના ક્યાં અટકે છે? મેં કહ્યું કે સ્વાધ્યાય અને ચિંતનના સ્ટેશને તમારી સાધના અટકી ગઈ છે, અને એ જ તમારી સાધનાને આગળ વધવામાં અવરોધ રૂપ છે. મેં કહ્યું: તમે લોકો ચિંતક છો, લેખક છો, એક શબ્દ ઉપર ૨૦૦ પાનાનું પુસ્તક લખી શકો એમ છો, તમે વિચાર કરી શકો છો, લખી શકો છો, બોલી શકો છો મેં એમને પૂછ્યું: સ્વાધ્યાય અથવા ચિંતન… ચિંતન પણ સ્વાધ્યાયનો જ ભાગ છે. તો તમારી સાધના સ્વાધ્યાયે અટકી ગઈ, ધ્યાન ક્યાં છે તમારી પાસે? અનુભૂતિ તમારી પાસે છે નહિ, અનુભૂતિનું રો – મટીરીયલ તમારી પાસે છે, પણ અનુભૂતિ તમારી પાસે નથી. નથી કાયોત્સર્ગ તમારી પાસે, નથી ધ્યાન તમારી પાસે, માત્ર ચિંતન તમારી પાસે છે, શબ્દ ત્યારે જ કામનો જો એ તમને અશબ્દની દુનિયામાં લઇ જાય, વિચાર ત્યારે જ કામનો જ્યારે એ તમને નિર્વિચારની દુનિયામાં લઇ જાય, જે વિચાર, વિચારને તોડી ન શકે, એ વિચાર નકામો છે,

સંત કબીરજીએ કહ્યું, “શબ્દ શબ્દ બીચ અંતરા, સાર શબ્દ ગ્રહી લે” એક શબ્દને બીજા શબ્દ વચ્ચે અંતર છે, સાર શબ્દોને પકડો, પૂછવામાં આવ્યું કબીરજીને કે સાર શબ્દની વ્યાખ્યા શું? ત્યારે એમણે કહ્યું “જો શબ્દે સાહિબ મિલે” જે શબ્દથી પરમાત્મા મળે, જે શબ્દથી તમારું નિર્મળ ચૈતન્ય મળે, એ શબ્દ સાર શબ્દ. એક પુસ્તક book self માંથી લીધું, બે પાનાં ફેરવ્યા તમે તમારી જાતને પૂછો કે આ મનોરંજનનું પુસ્તક છે? તો book self ઉપર મૂકી દો, આ પુસ્તક મારી ભીતર મને ક્યાંક લઇ જાય એવું છે, તો હું વાંચી લઉં,

તો આપણે કાલે જોતા હતા કે મનને નિયંત્રણ કરવા માટે બે તબક્કા પહેલું મનને positive touch આપીએ, અને બીજું મન સાક્ષીભાવમાં જાય, આ પહેલા બે પડાવ, આ ત્રીજો પડાવ આવશે નિર્વિચારદશા. તો પહેલો પડાવ મનને positive touch આપો, એક ઘટના ઘટી ગઈ, તમે એને ફેરવી શકો એમ છો, એક ઘટના ઘટી ગઈ, ઘટી ગઈ તો ઘટી ગઈ, તમે ગમે એટલો વિચાર કરો એ ઘટનાને ફરીથી અલગ રીતે ઘટિત કરી શકાય એમ છે? ના, તો જે ઘટના ઘટી ગઈ એના માટે સ્વીકાર સિવાય કોઈ માર્ગ નથી. There is no other way. માત્ર સ્વીકાર એ માર્ગ છે, તો એવી રીતે સ્વીકારો કે તમને મજા આવે.

મારા દાદા ગુરુદેવ ભદ્રસૂરિ મ.સા. હતા, સાહેબજીની એક આંખ જામરમાં જ જતી રહેલી, ગ્લુકોમામાં, ક્યારેક કોઈ આંખના ડોકટરે જોયું ત્યારે ખબર પડી કે એક આંખની રોશની તો બિલકુલ સમાપ્ત થઇ ગઈ છે, હવે એક જ આંખ હતી, એમાં મોતિયો આવતો હતો, કેટ્રેક… સાહેબજી પાટણમાં બિરાજમાન, ભક્તો મુંબઈથી ડોક્ટરને લઈને આવ્યા, eye specialist ને એણે operation કર્યું, operation fail ગયું, બંને આંખોની રોશની સમાપ્ત થઇ ગઈ, અને એ વખતે દાદા ગુરુદેવ જે સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ હતા, એમણે આ ઘટનાને મજાનો positive touch આપ્યો, એમણે કહ્યું કે આમાં  પ્રભુનો સંકેત હું જોઉં છું, ૭૦ – ૭૫ વર્ષની વય થઇ ગઈ મારી, હું વાંચ્યા જ કરું છું, વાંચ્યા જ કરું છું, આખરે શબ્દો ક્યાં સુધી, મારે અનુભૂતિની દુનિયામાં જવું જોઈએ, બહેનો રોટલી કેટલી રાંધે, ઘરમાં ૪ સભ્યો છે તો ૨૦. કોઈ મહેમાન આવી જાય, સાધુ – સાધ્વી આવી જાય ૩૦, પણ સવારથી સાંજ સુધી રોટલી કરતા જ જાવ એવું તો બને નહિ, આજની રોટલી કરી અને આજે ખાધી બરોબર ને… આ જ વાત અહીંયા છે, આજે સ્વાધ્યાય કર્યો કલાક, એનો અનુભવ આજે જ કરી લો પાછો, વાસી રોટલી ખવાય, બીજા દિવસે? આજનો સ્વાધ્યાય, એનો અનુભવ આજે કરી લો,

તો દાદા ગુરુદેવે કહ્યું કે ૭૫ વર્ષ સુધી સ્વાધ્યાય કર્યો હવે અનુભૂતિ કરવાની છે, હવે અનુભૂતિ કરવી છે તો આંખની ક્યાં જરૂર જ છે, હવે જાપ અને ધ્યાનમાં હું પહોંચી જઈશ. તો બંને આંખોની રોશની ગઈ, પણ એ ઘટનાને એમણે positive touch આપી દીધો, તો બે વાત કરવી છે, યા તો મનને positive touch આપો, યા તો મનને સાક્ષીભાવમાં લઇ જાઓ, તમે માત્ર સાક્ષી બની જાવ. You have not to do anything absolutely. તમે જો ભક્ત હોવ ને તો તમારું સૂત્ર આ છે, I have not to do anything absolutely, He has to do. મારે કંઈ કરવાનું નથી પ્રભુએ કરવાનું છે, ભક્તની આખી ભૂમિકા આ છે કે કર્તા તરીકે હું નથી, એ છે. અને તમે સાધક હોવ તો પણ તમારી પાસે કર્તૃત્વ ન રહે, તમે સાધક છો, ક્રમબદ્ધ પર્યાયને તમે માનો, તો જે ક્ષણે જે ઘટના ઘટવાની હતી, એ ઘટે. પછી તમે એમાં હોવ કે ન હોવ એનો કંઈ ફરક પડતો નથી, આજના દિવસે ૯.૩૦ વાગે આ જ સ્થળે તમને વાચના મળે, આવો ક્રમબદ્ધ પર્યાય હતો, એ ક્રમબદ્ધ પર્યાય ખુલી રહ્યો છે, પછી એમાં યશોવિજય હોય કે યશરત્નવિજય, કે ભાગ્યેશસૂરિ હોય, શું ફરક પડે છે… કોઈ ફરક પડતો નથી, એટલે તમે સાધક હોવ, તો પણ કર્તૃત્વ રહેતું નથી. અને યાદ રાખો પીડા કર્તૃત્વમાં જ છે, સાક્ષીભાવમાં મજા જ મજા છે…

દીકરીનું લગ્ન હોય ત્યારે સૌથી પીડિત કોણ હોય? દીકરીનો બાપ, જાનૈયા જલસો લગાવતાં હોય, એ દીકરીના બાપને ધડ ઉપર માથું ન હોય, એક ફોન આવે, અમને હોટલમાં રાખ્યા છે પાણી નથી આવતું, બીજો ફોન આવે કેવી હોટલ તમે સસ્તી ગોતી છે, અહીંયા કોઈ નાસ્તાનું ઠેકાણું નથી. ત્રીજાનો ફોન આવે અમે જે હોટલમાં રહ્યા છે ત્યાં બાથરૂમ જે છે એ બરોબર નથી. સાવ ગંદા બાથરૂમ છે, આવા બાથરૂમમાં અમે શી રીતે નાહીએ, એનો વિચાર છે કે મારી દીકરીનું લગ્ન સારામાં સારું કરું, આ કર્તૃત્વ આવ્યું એટલે પીડા જ પીડા. જાનૈયાઓને કંઈ જ કરવું નથી, એમને જલસો જ મારવો છે, તો મજામાં છીએ અમે લોકો. મજામાં કેમ… અમારી પાસે કર્તૃત્વ નથી માટે….

અમારે ત્યાં એક મજાની પરંપરા છે, એક સદ્ગુરુ પોતાના શિષ્યને સૂત્ર આપે ને ત્યારે શું કહે “ખમાસમણાણ હત્થેણ” હું તને આ સૂત્ર નથી આપતો, સદ્ગુરુઓની પરંપરા તને આ સૂત્ર આપે છે, એટલે સદ્ગુરુ પાસે ક્યાંય કર્તૃત્વ નથી. કર્તૃત્વ મુક્ત કાર્યની પરંપરા એ જ જિનશાસન. સાધનાના સ્તર ઉપર જિનશાસનને સમજવો હોય તો વ્યાખ્યા આ છે, જ્યાં કર્તૃત્વ મુક્ત કાર્યની વાતો છે એ જ જિનશાસન છે. કાર્યો છે, કર્તૃત્વ નથી.

સંપ્રતિ રાજાના પૂર્વ જન્મની વાત આવે, કે એક ભિખારી છે, ઘરે ઘરે ફરી રહ્યો છે, મને ખાવાનું આપો, કોઈ ખાવાનું આપતું નથી, એ વખતે બે મુનિવરો એક ઘરમાંથી બહાર નીકળ્યા, તો ભિખારીને થયું આ સંતો છે, સંતો દયાળુ હોય જ તો એમની પાસે માંગું, ભિખારીએ મુનિરાજોને કહ્યું હું ભૂખ્યો છું મને ખાવાનું આપો, મુનિરાજોએ કહ્યું અમે ભિક્ષાને કલેક્ટ કરીએ છીએ, ભેગી કરીએ છીએ, પણ એના ઉપર અધિકાર અમારો નહિ, અમારા ગુરુનો છે, ત્યારે આને થયું કે આ લોકો ના તો પાડતાં નથી, તો એમના ગુરુ તો ઓર કરુણામય હશે, એ મુનિઓની સાથે સાથે ઉપાશ્રય આવ્યો, પાટ ઉપર બેઠેલા ગુરુ હોય તો ખ્યાલ આવી ગયો એને કે મોટા મહારાજ આ છે, ત્યાં પહોંચી ગયો, સાહેબ ખાવાનું આપો, ભૂખ્યો છું, ગુરુએ જ્ઞાનથી જોયું, ભવિષ્યનો સંપ્રતિ… કહ્યું કે થોડી વિધિ કરવી પડશે, જે કરવી હોય એ કરો, મને જમવાનું આપો. ફટાફટ દીક્ષાની વિધિ કરી દીધી. વાપરવાનું આપ્યું, વાપર્યું. વિચાર કરો, એ મુનિઓને સવાલ નથી થતો, જે વહોરીને આવ્યા એમને કે અમે વહોરીને આવ્યા એ સાધુઓ માટે, લોકોએ વહોરાવ્યું કોના માટે? ભિખારી માટે વહોરાવ્યું છે? સાધુ માટે વહોરાવ્યું છે, ભિખારીને કેમ આપી શકાય? આખા ગામમાં સાડા બાર વાગે વાત ફેલાઈ ગઈ, કે જે ભિખારી આપણે ત્યાં ભીખ માંગવા આવતો હતો એને ગુરુ મહારાજે દીક્ષા આપી, મને એ સંઘની ઈર્ષ્યા આવે છે, સંઘની એક વ્યક્તિ એવી નથી કે જેના મનમાં સદ્ગુરુ પ્રત્યે સહેજ પણ અભાવ ઉભરી આવ્યો હોય, નવકારમંત્ર પણ જેને આવડતો નથી, એને દીક્ષા આપી શકાય? કઈ રીતે અપાય? ભાઈ આ આપણો વિષય નથી, ગુરૂદેવનો વિષય છે. ગુરુદેવે જે કર્યું હશે એ બરોબર જ કર્યું હશે. સમજીએ કે જે સાધુ અને સાધ્વીઓએ સદ્ગુરુને જીવન સોંપ્યું એ તો સમર્પિત હોય જ, પણ શ્રાવકો અને શ્રાવિકાઓ હજારોની સંખ્યામાં અને આટલા સમર્પિત ગુરુદેવે જે પણ કર્યું હશે એ બરોબર જ હશે. અને કેટલો ભક્તિભાવ રાત્રે સમાચાર મળ્યા કે ભિખારી મુનિરાજને પેટમાં દુઃખે છે, એક વ્યક્તિના મનમાં એ વિચાર નહોતો, કે ભિખારી હતો, દીક્ષા આપી સાહેબે, પેટ ભરીને ખાધું હશે ને તો દુઃખવા જ આવે ને… આ વિચાર નથી આવ્યો, મહાત્મા છે, વેશ પરમાત્મા, એ અબજોપતિ શ્રેષ્ઠીઓ ભિખારી મુનિરાજના પગ દબાવે, હાથ દબાવે, માથું દબાવે, અને કહે સાહેબ! તમે તો તરી ગયા, ગુરુદેવની કેવી કૃપા તમારા પર ઉતરી કે તમને વેશ પરમાત્મા બનાવી દીધા, હજુ અમારા ઉપર ગુરુ મહારાજની કૃપા એવી નથી ઉતરી… એ ભિક્ષુક મહાત્માને એ વેશ પર અને ગુરુ પર સદ્ભાવ ક્યારે થયો? આ શ્રેષ્ઠીઓએ કહ્યું ત્યારે રાતના ૮.૩૦ – ૯ વાગે. રાતના ૧૨ વાગે કાળધર્મ કરી જાય, પણ એ અહોભાવ એટલો તો અસ્તિત્વના સ્તરે જઈને પહોંચ્યો કે બીજા જન્મની અંદર સંપ્રતિ તરીકે જન્મે, રાજકુમાર તરીકે, નાની વયમાં રાજા બને, એ જ ગુરુદેવને રથયાત્રામાં જોવે, તરત જ જાતિસ્મરણજ્ઞાન થાય, સાહેબને ક્યાંક જોયા છે, ઓહો! આ તો એ જ ગુરુદેવ જેમણે ભિખારીને સમ્રાટ બનાવ્યો. ગુરુના ચરણોમાં પડ્યા, ગુરુદેવ આ રાજ્ય તમને સમર્પિત કરું છું, આ રાજ્ય તમારી કૃપાથી મળ્યું, તમને સમર્પિત, ગુરુ કહે: ભાઈ! અમે જૈન સાધુ, અમારે કશું જ કામ ન આવે, ત્રણ કલાકનો અહોભાવ એક વ્યક્તિને ક્યાંથી ક્યાં પહોંચાડે! શું થયું? સદ્ગુરુએ મનને બદલ્યું, શરીરના સ્તરે વધુ ક્રિયા થઇ જ નથી, સામાન્ય ક્રિયાઓ થઇ છે, પણ મનને ગુરુએ totally બદલી કાઢ્યું, અને એ મન બદલાણું, ગતિ બદલાણી, વિચારો બદલાયા, ભાવો બદલાયા.

તો ત્રણ વાત મનના સંદર્ભમાં આપણે જોવાની છે, મનને positive touch આપવાનો, મન સાક્ષીભાવમાં જાય, અને મન વિચારોને પેલે પાર જાય, આ આપણી theorical વાત આગળ ચાલશે. હવે આપણે practical meditation કરીએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *