વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject: સાક્ષીભાવ + ભક્તિ = નિમિત્ત
આપણે શા માટે આ જન્મમાં આવ્યા છીએ? આપણું જે મૂળભૂત સ્વરૂપ આનંદથી ભરાયેલું છે, એને મેળવવા માટે? કે પછી જે આપણા ગયા પછી થોડાક જ સમયમાં ભૂંસાઈ જશે, એવી નાનકડી identity ઊભી કરવા માટે?
સાક્ષીભાવમાં જવું એટલે નિમિત્ત બની જવું. તમારા હાથે સારું કાર્ય થાય ત્યારે જો તમે કર્તૃત્વમાં ગયા, તો અહંકારની પીડા ઊભી થશે અને સાક્ષીભાવમાં રહ્યા, તો પ્રભુએ મને આ કાર્ય માટે નિમિત્ત તરીકે પસંદ કર્યો એ વાતનો આનંદ જ આનંદ હશે!
આપણે જે પ્રૅક્ટિકલ મૅડિટેશન કરીએ છીએ એનું પણ લક્ષ્ય એ જ છે કે વિભાવશૂન્ય બનીને, વિચારશૂન્ય બનીને તમારી અંદર રહેલ આનંદની તમારે અનુભૂતિ કરવી છે.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૬ – સુરત વાચના – ૪
બહુ જ મજાની પ્રભુની સાધના પદ્ધતિ આપણને મળી છે. આપણી ભીતર રહેલાં આનંદને કઈ રીતે પ્રગટ કરવો એની વાત આપણે ચર્ચી રહ્યા છીએ. તમે આનંદઘન છો જ. પણ સાક્ષીભાવ આપણો પ્રબળ ન હોવાને કારણે આપણે આપણા જ આનંદને માણી શકતા નથી. યા તો આપણે પદાર્થો થી પ્રભાવિત હોઈએ યા તો કોઈ ઘટનાથી આપણે પ્રભાવિત હોઈએ.
મારાં જીવનની એક ઘટના કહું. ૨૫ એક વરસનું મારું વય. ૧૧ વર્ષે દીક્ષા લીધેલી. અમદાવાદમાં મારા પ્રવચનો ચાલે. એ વખતે મારી યોગસાધના પણ ચાલુ હતી. યોગના એક બહુ સારા પ્રશિક્ષક મને યોગ શીખવવા માટે આવતા. મારું પ્રવચન પૂરું થાય પછી અડધો કલાકે પ્રશિક્ષક આવતા. એક વાર એ વહેલા આવી ગયા. મારાં પ્રવચનમાં એ બેઠાં. પ્રવચન પૂરું થયું, અમે બેઉ ઉપર ગયા. હું બેઠો. એમણે મને એક મજાનો સવાલ કર્યો. મને એમણે પૂછ્યું કે તમારું પ્રવચન એકદમ સરસ ગયું હોય તો તમારી feeling કંઈ હોય અને પ્રવચન flop ગયેલું હોય તો તમારી feeling કઈ હોય? હું એકદમ નવોસવો વક્તા હતો. મેં કહ્યું કે પ્રવચન સારું ગયેલું હોય તો થોડો અહંકાર આવે, પ્રવચન flop ગયેલું હોય તો થોડીક ગ્લાની થાય. એ વખતે એમણે મને એક બહુ મજાનો સવાલ પૂછ્યો. એમણે મને પૂછ્યું કે તમારાં અહંકારનું કોઈ status ખરું? મને ખ્યાલ નહિ આવ્યો એ શું પૂછી રહ્યા છે? મેં કહ્યું કે તમે શું પૂછો છો? મને કહે કે મોરારીબાપુ જેવા પ્રવચનકાર હોય. ૮ થી ૧૦ લાખ લોકોને પોતાના શબ્દો દ્વારા એ હસાવી શકતા હોય, રડાવી શકતા હોય, નચાવી શકતા હોય. અને એ પોતાના પ્રવચન ને કારણે કદાચ આત્મસંતુષ્ટિ માને તો એ વ્યાજબી કહેવાય. તમારી સભામાં ૧૦0-૧૫૦ જણા હતા. ૧૫૦ જણા રાજી થાય તોય શું ફર્ક પડે અને નારાજ થાય તોય શું ફર્ક પડે? આ એક સરસ દ્રષ્ટિકોણ ભીતર ઉતારવા માટેનો.
આઠ અબજ માણસો દુનિયામાં આજે છે. એમાંથી આઠ જણા એ કે એંસી જણાએ કે આઠસો જણાએ તમને જાણ્યા તોય શું ફરક પડે છે અને ન જાણ્યા તોય શું ફરક પડે છે? પણ પહેલી જ મૂળભૂત વાત એ છે કે આપણે શા માટે આ જન્મમાં આવ્યા છીએ? આપણું જે મૂળભૂત સ્વરૂપ આનંદથી ભરાયેલું છે એને મેળવવા માટે આપણે અહીંયા આવ્યા છીએ કે નાનકડી identity ઉભી કરવા માટે આપણે અહીં આવ્યા છીએ.
ભરત ચક્રવર્તી ની વાત આવે છે કે એ ચક્રવર્તી બન્યા, પછી એમણે ચક્રવર્તી તરીકે એક પહાડ ઉપર signature કરવાનું હોય છે. હાથની અંદર કાકીણી રત્નને લઈને, જે પથ્થર ને કોતરી શકે. ભરત ચક્રવર્તી પહાડ પાસે ગયા. પૂરું પહાડ જુના થયેલા ચક્રવર્તીઓ ના signature થી ખીચોખીચ ભરાયેલાં. સહેજ પણ જગ્યા ન હતી. તો ભરત ચક્રવર્તી એ પૂછ્યું કે મારે મારું નામ લખવાનું ક્યાં? કહેવામાં આવ્યું. સાહેબ બે ચાર નામ ભૂંસી નાખો અને તમારું નામ લખો. અને એ વખતે, પોતાની signature કરતી વખતે ભરત ચક્રવર્તી નો હાથ ધ્રુજી રહ્યો છે. કે આટલી બધી મહેનત કરી ષટ્ખંડો જીત્યા એનું મુલ્ય આટલું જ. મેં આજે signature કર્યો. મારા પછી આવનારો ચક્રવર્તી મારા signature ને ભૂંસી નાખશે. જે આટલું સડસ અસ્થાયી છે એના માટે મેં આટલી બધી મહેનત કરી?
બુદ્ધ એક વાત બહુ મજાની કહેતાં. બુદ્ધ કહેતાં કે કોઈ વ્યક્તિ નદીના કિનારે જાય તો બની શકે કે હરિયાળી લોન પર એને આસક્તિ થઈ જાય. ત્યાં રહેલાં સરસ મજાના વૃક્ષો પર એને રાગ થઈ જાય. પણ જે પાણી નો પ્રવાહ ક્ષણે ક્ષણે વહી રહ્યો છે. તમે જુઓ છો. બીજી ક્ષણે એ પાણી નથી. તો જે છે જ નહિ એના ઉપર તમને રાગ કઈ રીતે થશે? આવું જ એક બહુ મજાનું વિધાન બુદ્ધનું છે. બુદ્ધ ભગવાન કહે છે કે જીવન એક પરપોટો છે. જીવન એક પરપોટો છે. અને ઘટનાઓ પરપોટાના પણ પરપોટાઓ છે. તમે પરપોટા ના પરપરપોટા ની પાછળ કેટલું ધ્યાન આપશો?
તમે બધા જ પ્રબુદ્ધ શ્રોતાઓ છો. એક જ પ્રશ્ન તમને પુછુ કે તમારું જીવન શા માટે? આનો વિચાર તમે ક્યારેય પણ કર્યો છે? સરેરાસ એક માણસ જીંદગી કઈ રીતે પસાર કરે છે? ૨૦ – ૨૨ વર્ષે એના લગ્ન થયા. એ જોબ કે ધંધો કરે છે. બે દીકરા થયા. બંને દીકરાને સારામાં સારું શિક્ષણ આપવું છે. દીકરાઓ એમની ૨૫ વરસની ઉંમર સુધી અભ્યાસ કરે છે. આ માણસની ઉંમર પચાસ વર્ષની થઈ. દીકરાઓ બહુ જ નિષ્ણાંત બન્યાં. અને એમણે પપ્પાને કહ્યું કે પપ્પા આ નાનકડા TOWN માં અમારું કોઈ ભવિષ્ય નથી. મેટ્રોપોલીટનસીટી માં અમે જઈએ તો જ અમે સારી કમાણી કરી શકીશું. પિતા એ રજા આપી. બે દીકરાઓ શહેરમાં ગયા. ૫૦ – ૫૫ વર્ષની ઉંમરે એ માણસ વિચાર કરે કે, WHATS MY ACHIVEMENT? તો એને ACHIVEMENT માં શું દેખાય? તમે આજે નક્કી કરો. તમારે શું મેળવવું છે? જો આનંદ મેળવવો છે. તો એના માટે આપણે ત્રણ સુત્રો જોઈ રહ્યા છીએ. મનને MODE કરીએ, positive touch પર લાવી દઈએ. સૌથી વધારે પીડા મનની negativity થી થાય છે. ઘટના એક જ હોય. તમે પોતે negative mind ના હશો તો એકેક ઘટનામાં તમે negativity જ જોવાના છો.
સુભાષચંદ્ર બોઝ ભાષણ આપવા માટે ગયેલા. એ વખતે કોંગ્રેસ માં પણ બે ભાગ હતા. ઉદ્દામ અને મવાડ તો વિરોધી પક્ષ વાળા પણ તૈયાર હતા. એક વિરોધીએ સુભાષનું ભાષણ બરાબર અધવચ્ચે આવ્યું ત્યારે હાથમાં જુત્તું લીધું અને સુભાષના કપાળ નું નિશાન લઈને તાક્યું. જો કે કપાળ સુધી પહોંચ્યું નહિ પણ સ્ટેજ ઉપર જ જુત્તું આવીને પડી ગયું. પણ સુભાષબોઝ આવી ઘટનાથી સહેજ પણ પ્રભાવિત બનતા નથી. મજાથી પોતાનું ભાષણ ચાલુ રાખે છે અને ભાષણ પૂરું થયા પછી કહે છે કે જે મહાશયે આ જુત્તું ફેંક્યું છે તેમને પ્રાર્થના કરું કે બીજું જુત્તું પણ ફેંકી દો. કારણ હું જે જૂત્તા પહેરીને આવ્યો છું તેના કરતા આ જૂત્તા સારા છે. તો જુના જૂત્તા અહીં મૂકી અને નવા જૂત્તા પહેરીને ચાલ્યો જાઉં. ઘટના એવી હતી કે સામાન્ય માણસ negativity માં જ જતો રહે પણ સુભાષચંદ્ર બોઝે ઘટનાનું પણ અર્થઘટન મજાનું કરી દીધું.
તો મહાપુરુષો કહે છે કે જો તમારે આનંદ લેવો હોય તો ક્ષણે-ક્ષણે તમે આનંદ લઇ શકો છો. અમે લોકો ever fresh evergreen છીએ. ક્યારેક ઉપાશ્રયમાં મ.સા. ને મળજો તમે પૂછશો: સાહેબ શાતામાં? એ કહેશે પરમ શાતામાં. અમે લોકો ever fresh-evergreen કેમ છીએ… અમારા મન ઉપર અમારું નિયંત્રણ છે માટે. તમારાં મન ઉપર તમારું નિયંત્રણ નથી.
અરબસ્તાન માં છે ને ઘોડા ન હોય ગધેડા જ હોય. તો મુલ્લાજી ગધેડા પર બેસીને ક્યાંક જતા હતા. એક મિત્ર મળ્યો, એણે પૂછ્યું મુલ્લાજી ક્યાં ચાલ્યા? તો મુલ્લાજી કહે ગધેડાને પૂછો. અરે ભાઈ ગધેડું કાંઈ બોલે. કાંઈ વાંધો નહિ જવાબ ના આપવો હોય તો તું તારા ઘરે. મુલ્લાજી આગળ ચાલ્યા. એક close friend મળ્યો. મુલ્લા સવારી ક્યાં ઉપાડી? એને પણ એ જ જવાબ ગધેડાને પૂછ. પેલાએ મુલ્લાનો કોલર પકડ્યો. સાલા, ગધેડો કાંઈ બોલતો હશે તું બોલ ક્યાં જાય છે? એ વખતે મુલ્લાજીએ કહ્યું કે વાત એવી છે ગધેડાને લગામ-બગામ છે નહિ મારે જવું હોય પૂર્વમાં ગધેડો ચાલે પશ્ચિમમાં, મારે જવું હોય ઉત્તરમાં અને ગધેડો ચાલે દક્ષિણમાં. હવે આપણે નક્કી કર્યું છે, ગધેડા ઉપર બેસી જવાનું ગધેડાને જવું હોય ત્યાં જાય. હવે મને ખબર જ નથી ને હું શું કહું? તમારી હાલત આનાથી વધુ સારી ખરી આમ? હું તમને પૂછું કે તમારે શું કરવાનું છે જીંદગીમાં? તમે શું કહેશો ગધેડાને પૂછો.
તો તમારું તમારાં મન ઉપર નિયંત્રણ નથી. અમારું અમારા મન ઉપર નિયંત્રણ છે. મન કહે આ ખાવું છે, આ પીવું છે, આ કરવું છે. પણ અમે પ્રભુની આજ્ઞામાં છીએ મન ગમે એટલું સંજ્ઞાથી પ્રભાવિત હોય અમે કહી દઈશું મનને કે તારી ખોટી વાત અમે સ્વીકારવાના નથી. હું બે મનની વાત કરું છું. એક સંજ્ઞા પ્રભાવિત મન, એક આજ્ઞા પ્રભાવિત મન. આ મનના ત્રણ સ્તર પાડ્યા તેની વાત આગળ કરું. એની વચ્ચે આ વાત કરું છુ. કે મનના બે પ્રકાર એક સંજ્ઞા પ્રભાવિત મન, એક આજ્ઞા પ્રભાવિત મન. સંજ્ઞા પ્રભાવિત મન જેનું જેનું હશે એ નારાજ જ રહેવાનું છે. કારણ , તમારે ખુશ થવું હોય તો તમારો આનંદ ચાલે એમ નથી. સો જણા તમને કહે ગામમાં કે તમે સારા છો. ત્યારે તમને એમ લાગે કે હા, કંઇક જીવનમાં મેળવ્યું. તમારાં જીવનમાં achievement, જે પ્રાપ્તિ આવે છે તે બીજાઓના કારણે આવે છે. સંજ્ઞા પ્રભાવિત મન જેની પાસે છે એને સુખી થવું બહુ અઘરું. એક કામ એણે કર્યું હોય ૧૦ જણા કહે બહુ સરસ કર્યું, જમણવાર બહુ સારો કર્યો, રીસેપ્સન બહુ મજાનું હતું. ૫ જણા કહે શું રીસેપ્સન કર્યું? ધૂળ. આવા હોલમાં રીસેપ્સન કરાય? હોલ કેવો હતો? શહેરમાં સારા હોલ નથી મળતાં? પણ એ તો ભાડું વધારે ખર્ચવું પડે ને. ભાઈ સાહેબે તો સસ્તું ભાડું ને સિદ્ધપુર ની યાત્રા કરી નાખી. ૧૦ જણા એ કહ્યું તમે સારું કર્યું રીસેપ્સન ૨૫ જણા કહે છે કે તમારાં રીસેપ્સનમાં કાંઈ ભલીવાર નહિ. તમને શું લાગે છે? તમે રાજી થઈ શકો? કારણ કે તમારે બીજાને આધારે રાજી થવું છે. અમારે કોઈના આધારે રાજી થવું નથી. અમારે પોતાનો જે આનંદ છે એ આનંદને enjoy કરવો છે. તો અમારી પાસે આજ્ઞા વાસિત- આજ્ઞા પ્રભાવિત મન છે. મારા પ્રભુ શું કહે છે. મારા પ્રભુ કહે એ રીતે મારે જીવન જીવવું છે. અને મારા પ્રભુ કહે એ રીતે જીવું એટલે મજામાં જ હોઉં. કારણ કે મારા પ્રભુએ કહ્યું છે કે રાગ-દ્વેષ-અહંકાર એ બધાને તું શિથિલ કર. તો સંજ્ઞા પ્રભાવિત મન તમારી પાસે છે. આજ્ઞા પ્રભાવિત મન અમારી પાસે છે.
સીધો સવાલ કરું. તમે સુખી કે અમે સુખી બોલો હવે? અમને કોઈ ચિંતા નથી, ચોમાસું પૂરું થયું. ક્યાં જઈશું? ક્યાં નહિ? કોઈ ચિંતા નહિ. એકદમ મજામાં. આવતીકાલે શું કરવું? અમે totally uncommitted. અપ્રતિબદ્ધ. આવતીકાલે જોઈશું ગુરુની આજ્ઞા પ્રમાણે, પ્રભુની આજ્ઞા પ્રમાણે કરીશું. વર્તમાનયોગ અમારી પાસે છે. વર્તમાનયોગ એક બહુ સરસ ઘટના છે. મ.સા. વહોરવા નીકળે ને ત્યારે ક્યારેક આ શબ્દ તમે સાંભળ્યો હશે. તમે કહો કે સાહેબ મારે ત્યાં પધારો એમને લાગે કે ગોચરી લગભગ પૂરી થઈ ગઈ છે તો એ મ.સા. તમને કોઈ commitment નહિ આપે કે હા, હું આવું અથવા ના, હું નહિ આવું. એક પણ commitment નહિ આપે. કેમ? આવતી ક્ષણ માટે એ અપ્રતિબદ્ધ છે. ગોચરી બેસતા લાગે કે ગોચરી ખૂટે એમ છે તો તમારે ત્યાં આવે, નથી ખૂટી તો ન પણ આવે. તો વર્તમાનયોગ શબ્દનો અર્થ શો થયો? કે મને વર્તમાન ક્ષણ સાથે સંબંધ છે. આગળની ક્ષણ જોડે મને કોઈ સંબંધ નથી એટલે આગળની ક્ષણ માટેનું કોઈ commitment હું આપી શકું નહિ. આ વર્તમાનયોગ બહુ મજાની સાધના છે. એનાથી શું થાય, ભૂતકાળની બધી જ ઘટનાઓ સાથેનો તમારો સંબંધ cut off થઈ ગયો. જે ઘટના ઘટી ગઈ તે ઘટી ગઈ. જે ઘટના ઘટવાની છે એ ઘટના ઘટશે ત્યારે જોઈ લઈશું. અત્યારે એક મિનિટ વર્તમાનયોગમાં મારે રહેવું છે. ઉદાસીનતા પૂર્વક, પ્રભુની આજ્ઞા પૂર્વક એક ક્ષણમાં હું રહું એનું નામ વર્તમાનયોગ. આવો વર્તમાનયોગ જેની પાસે હોય એ કેટલો મજામાં હોય?
બૌદ્ધ પરંપરામાં નાગાર્જુન નામના એક બહુ મોટા ભિક્ષુની કથા આવે છે. નાગાર્જુન બહુજ મોટા વિદ્વાન. ૫૦૦ કે ૧૦૦૦ ભિક્ષુઓ કે ભિક્ષુણીઓ ભેગા થયા હોય ત્યારે જો નાગાર્જુન હોય તો વાચના નાગાર્જુન ની જ હોય. કેટલાય શાસ્ત્રો ના પારંગત હતા. એ નાગાર્જુનને એક વાર થયું કે સમૂહમાં, ભીડમાં બહુ રહ્યો. એકાંતમાં મારે સાધના કરવા જવું છે.
અમે લોકો અંતરીક્ષજી ની યાત્રા એ ગયા હતા. ત્યારે ગુફા સમુહોને જોયા. જૈન ગુફા સમૂહો. ઈર્ષ્યા આવે એ મુનિવરો એ ગુફાઓની અંદર બેસી અને ધ્યાન કરતા હોય. દિવસોના દિવસો વીતી જાય એમને ખ્યાલ ના આવે અને ધ્યાનની અંદર એ ડૂબેલા હોય. તો આવી રીતે ધ્યાનમાં ડૂબવા માટે નાગાર્જુન એકલા જઈ રહ્યા છે. એમના પોતાના સેંકડો શિષ્યો છે. બધાને મૂકી દીધા પોતે એકલા જાય છે. એક સાંજે વિહાર કરતા-કરતા એક ગામમાં આવ્યા. ત્યાં મઠ પણ નથી કોઈક હિંદુ આશ્રમ પણ નથી. ખુલ્લો ચોરો હતો તો કહેવામાં આવ્યું. કોઈ પણ સંત હોય તો અહિયાં રહે છે. નાગાર્જુન ત્યાં રહ્યા. રાત્રે ૧૦, ૧૧, ૧૨ વાગ્યા સુધી ધ્યાન કર્યું. પછી સુઈ ગયા. સવારે ચાર વાગે તો ઉઠી ગયા પાછા. પાછુ ધ્યાન શરુ કર્યું. ૬ – ૬.૩૦ વાગે એમને ખ્યાલ આવ્યો કે એમનું લાકડાનું પાત્ર અને પાણી માટેનું કમંડળ બેઉ ઉપડી ગયા છે. સવારે સાડા છ એ ખ્યાલ આવ્યો. કેવી વર્તમાનયોગની સાધના છે, બપોરે બાર વાગે ભિક્ષા લેવાની છે ને તો સવારે સાડા છ વાગે વિચાર આવે? તમને આવે. ભિક્ષા બાર વાગે લેવાની છે અત્યારે સાડા છ વાગ્યા છે. અત્યારથી એનો વિચાર આવે? વર્તમાનયોગ. જોઈશું કોક કદાચ આવી ગયું. એને ખ્યાલ આવી જશે કે મહારાજ પાસે કાંઈ છે નહિ. આપી જાય તો ઠીક છે નહીતર જોઈશું. ૧૨ – ૧૨.૧૫ થયા કોઈ આવ્યું નહિ ચોરામાં. ૧૨.૧૫ એ ઉપડ્યા. હાથમાં કાંઈ નથી. એ બહાર નીકળ્યા થોડે દુર મોટી હવેલી છે. એ હવેલીનો ધનવાન શ્રેષ્ઠી ડેલીમાં જ ઉભેલો. અને એને નાગાર્જુન ને જોયા એ બૌદ્ધ ઉપાસક હતો. ઘણી-ઘણી મોટી સંગોષ્ઠીઓ માં ગયેલો. એને ખ્યાલ હતો કે નાગાર્જુન એટલે શું? એ નાગાર્જુનને મળવું હોય તો ૧૦ દિવસ લાગે. Appointment લેતા. એટલા લોકો ટોળે વળેલા હોય. એ નાગાર્જુન એકલા અહિયાં. આ તો રાજી-રાજી થઈ ગયો સાહેબ પધારો અમારે ત્યાં. ઘરમાં લઇ ગયો. ખુરશી પર બેસાડ્યા વંદન કર્યું. મંગલ પ્રવચન સાંભળ્યું. પછી કહે: સાહેબ! લાભ આપો. તો કહે કે હા… પણ જોયું તો કાંઈ છે નહિ. સાહેબ! હું પાત્ર આપું તો ચાલે? ચાલશે ને. એની પાસે કોઈ પાત્ર લાકડાનું મળ્યું નહિ. કમંડળ તો લાકડાનું મળી ગયું. પાત્ર લાકડાનું ન મળ્યું. સોનાનું પાત્ર, હિરા જડેલાં. સાહેબ આ ચાલશે કે? ચાલશે. એમાં રોટલી,શાક, દાળ ભાત બધું લઇ લીધું. પેલો બહુ ભાવુક માણસ જોઈએ એના કરતા વધારે આપી દીધું છે. સીધા ઉતારા તરફ ચાલ્યા. એક ચોર દિવસે રેકી કરવા આવેલો કે રાત્રે ક્યાં ચોરી કરવી. એમાં એની નજર નાગાર્જુન ઉપર પડી. હાથમાં સોનાનું પાત્ર, હિરા જડેલાં. ચોર હોશિયાર હતો એને ખબર પડી કે એકએક હીરો હજારો રૂપિયાનો સોનાનું પાત્ર. આટલું મોટું સોનાનું પાત્ર એને વિચાર્યું કે હવે ચોરી બીજી કરાય જ નહિ. હવે આ બાપજી જોડે જ રહેવાનું છે આપણે. રાત્રે સુઈ જાય એટલે રવાના. પણ આ નાગાર્જુન અત્યંત પ્રબુદ્ધ વ્યક્તિત્વ. એને ખ્યાલ આવી ગયો ચોર પાછળ છે વાંધો નહિ. ચોરથી ક્યાં ભય લાગે એવું હતું, ભય કોને લાગે? જેને કંઈક મારું છે એને લાગે. મારું કંઈ છે જ નહિ તો ભય શાનો? ભોજન કરી લીધું વાસણને પાણીથી સાફ કરી દીધું. ચોર ચોરાની પેલી બાજુ બેઠેલો. બારીની નીચે, ભીંતને અઢેલીને. કે બાપજી દિવસે સુઈ જાય ને દિવસે મોકો મળે તો દિવસે નહીતર રાત્રે પણ આજે ઉઠાવું તો આ જ છે. એમાં એ બેઠેલો અને નાગાર્જુને સોનાનું પાત્ર હાથમાં લીધું અને ચોરને કહ્યું લે ભાઈ આ લઇ જા. પેલો તો આભો થઈ ગયો સાહેબ તમે મને આપો છો? હા હું તને આપું છું. મને તો આજના દિવસ માટે જોઈતું હતું મળી ગયું. કાલની વાત કાલ. આપી દીધું. ચોરને થયું કે આવા સંત. અને આવું મને આપી દીધું. એ ચોરામાં આવ્યો. પગે લાગ્યો. ભારતનો ચોર હતો ને આ તો… એ કહે બાપજી ચોર છું. ચોરી ન કરવાનો નિયમ નહિ આપતાં. બાકી તમને ઠીક લાગે એ નિયમ આપો. સંતની પાસેથી ખાલી પાછા ફરાય નહિ. તો નાગાર્જુને કહ્યું જે પણ કામ કરે હોંશથી કરજે. જાગૃતિ થી કરજે. Awareness. સારું. એ જ રાત્રે ચોર ચોરી કરવા માટે નીકળ્યો, ઠેઠ પેલાના ઘર પાસે પહોંચી ગયો. તિજોરી ક્યાં છે એ ખબર છે. તિજોરી કેમ તોડવી એ ખબર છે. અને અચાનક વિચાર થયો કે સંતે મને નિયમ આપ્યો છે. જે કરવું તે હોંશ થી કરવું. મને એવું સુવર્ણ પાત્ર મળ્યું છે. અને એના ઉપર એટલાં બધા હિરા છે કે એ વેચી નાખું તો આખી જીંદગી સુધી ખાઉં તો ખૂટે નહી એટલું મળી જાય. એમાંથી હું જગ્યા લઉં, ખેતીવાડી કરું અને આરામથી શાહુકાર તરીકે ઈજ્જત પૂર્વક મારૂ જીવન વિતાવું. તો આ ચોરી હું શા માટે કરું છું? હવે ચોરી કરવાની જરૂર શું? પાછો ફરી ગયો.
બીજું એ જમાનામાં ભય મોટો હતો. રાજાઓ એટલાં બધા સ્પષ્ટ હતાં કે ચોરી કરતા પકડાયો તો ફાંસીના માંચડે મૂકી દો. સીધી જ વાત. પેલાએ વેચી નાંખ્યું વાસણ. લાખો રૂપિયા મળ્યા. મોટી જમીન લીધી. મોટો બંગલો બનાવ્યો. અને ગામમાં ઈજ્જત થી રહેવા લાગ્યો. તો વર્તમાનયોગ નાગાર્જુન પાસે હતો.
હવે આપણે પેલા મનના ત્રણ રૂપોની વાત કરીએ. પહેલા રૂપમાં તમે positive touch આપો છો મનને. બીજામાં તમે સાક્ષીભાવમાં જાઓ છો. સાક્ષીભાવમાં જાઓ છો એટલે શું થાય છે? કામ કર્યું પણ તમે એના સાક્ષી છો. હું કોઈપણ પ્રવચન આપું. પ્રવચન આપ્યા પછી સુધર્માપીઠ ને છોડું ત્યારે મારી આંખો ભીની હોય છે. મારી આંખોની ભીનાશ પ્રભુને કહેતી હોય છે કે પ્રભુ તારી પાસે તો અગણિત sound system હતી છતાં તે મારા જેવા સામાન્ય માણસની sound system નો ઉપયોગ કર્યો. હું બહુ જ બહુ ઋણી છુ. આજ લયમાં આપણી પરંપરામાં એક શબ્દ આવે છે. નિમિત્ત.
Oxford dictionary જે છે ને એ નવા નવા additions બનાવે છે ત્યારે નવા શબ્દોને સમાવી લે છે. જે શબ્દો એમની પરંપરામાં છે જ નહિ. બીજી પરંપરામાં છે અને ખ્યાલ આવે છે અને એ લોકો સમાવી લે છે. નિમિત્ત શબ્દ એવો છે કે જે શબ્દ પૂર્વ દ્વારા પશ્ચિમને ભેટ તરીકે મળેલો છે. નિમિત્ત. કોઈ પણ સારું કાર્ય તમારાં દ્વારા થયું. તમે કહેશો પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો. બે વસ્તુ છે. કર્તૃત્વમાં ગયા તો અહંકારની પીડા ઉભી કરશે. સાક્ષીભાવમાં ગયા તો તમે નિમિત્ત રૂપ બની જશો. અને નિમિત્ત રૂપ બનશો ત્યારે આનંદ જ આનંદ હશે. પ્રભુએ મારી સેવાને પસંદ કરી. પ્રભુએ મને આ કાર્ય માટે નિમિત્ત તરીકે પસંદ કર્યો. સાક્ષીભાવમાં જે ક્ષણે તમે આવ્યા તમે કર્તા તરીકે નથી રહેતા, તમે સાક્ષી તરીકે, નિમિત્ત તરીકે રહી જાવ છો….
તમારે કાંઈ જ કરવું નથી. પ્રભુની કૃપા કરાવે છે. આજે પ્રાર્થનાનો આ વૈશ્વિક નાદ પૂરા બ્રહ્માંડમાં ગૂંજી રહ્યો છે. આફ્રિકાના અને બીજા પણ અંધાર ગયેલા ખંડોની અંદર પણ પ્રાર્થનાનું એક તુમુર વાવાઝોડું ફેલાયેલું છે. હમણાં એક સરસ પુસ્તક બહાર આવેલું છે. Opening doors within. Elieen caddy એ પુસ્તક લખ્યું છે. Opening doors within. એ લેખિકા Elieen caddy ઈઝરાયેલ ના પ્રવાસે ગયેલા. પ્રવાસે પણ એટલાં માટે ગયેલા કે ઈઝરાયેલ દેશને જોવો અને એના ઉપર પુસ્તક લખી નાંખવું. તો જ્યાં પણ જાય ત્યાં ટિપ્પણો કરતા જાય. એમાં એમને ખ્યાલ આવ્યો કે ઇઝરાયલમાં એક જગ્યાએ કિબુત્સો કરીને એક વસાહત છે. એ કિબુત્સોની અંદર એ લોકો હજાર વર્ષ પહેલાની life system થી જીવન જીવે છે. No electricity. રાત્રે લગભગ દીવા નહિ. કામ હોય તો માટીના કોળીયામાં દીવો પ્રગટાવે. ખેતી પણ હળથી જ, બળદ દ્વારા કરવાની. આ ખબર પડી. લેખિકા તરીકે તો બહુ ઉત્સાહ થઈ ગયો કે ત્યાં જાઉં એના ઉપર પુસ્તક આખું લખી શકું. એ કિબુત્સોમાં ગયા, આંખો દિવસ એમણે બધા લોકો સાથે મુલાકાત કરી તમને કેવું લાગે છે. અમે લોકો તો આ રીતે બટન દબાવીએ અને ઠંડક થઈ જાય, બટન દબાવીએ એટલે ગરમી થઈ જાય. અમારી પાસે તો બધી જ સગવડો અને તમારી પાસે તો કોઈ જ સુવિધા નહિ કેવું લાગે છે? પેલા લોકોએ જવાબ એક જ આપ્યો. અમે લોકો બહુ મજામાં છીએ તમારાં લોકો કરતા વધુ મજામાં. રાત્રે Elieen caddy સુઈ ગયેલા. અને રાત્રે એમની જીંદગીમાં પહેલી વાર ઈશ્વરીય સંદેશ ઉપરથી વહેવા લાગ્યો. ચોંકી ઉઠ્યા. ખ્યાલ આવી ગયો આ પરાવાણી ઈશ્વરીય સંદેશ. પણ લખવો શી રીતે અંધારામાં? અંધારામાં લખવાની ટેવ નહિ. બે-ત્રણ કિલોમીટર દુર કોઈ ગામ હતું. ત્યાં ગયા અને ત્યાં public light જે હતી તેના અજવાળે એ લખવા લાગ્યાં. આખું પુસ્તક એ રીતે લખાયેલું. Preface માં પ્રસ્તાવનામાં Elieen caddy લખે છે. કે આ પુસ્તક પ્રભુએ લખાવરાવ્યું છે. મેં લખ્યું નથી. ત્યારે પ્રાર્થનાનું વાવાઝોડું આજે પૂરા વિશ્વની અંદર ફેલાઈ રહ્યું છે. આપણે એમાંથી બાકાત ન રહી શકીએ.
તો સાક્ષીભાવ ને આપણે ભક્તિધારા સાથે જોડીએ તો તમે નિમિત્ત બની જાઓ. સાક્ષીભાવ + ભક્તિ = નિમિત્ત. તમારે કંઈ કરવાનું નથી. You have not to do anything absolutely. જે પણ કરવાનું છે. પ્રભુએ કરવાનું છે. હું ઘણી વાર કહું છુ કે આપણે નાનકડા વેતિયા માણસો, આપણું વ્યક્તિત્વ જ આટલું નાનકડું. આપણું કર્તૃત્વ કેવડું હશે? એથી ય નાનું. એને બદલે પ્રભુને સોંપી દઈએ તો.
નંદીષેણ મુનીએ એ જ કામ કર્યું. પરમ પાવન શત્રુંજય ગિરિ ઉપર ગયા. અજીતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુનું દેરાસર આમને-સામને. ભક્તહૃદય કકળી ઉઠ્યું કે અહિયાં દર્શન કરવા જાઉં. સામે આશાતના થાય. વચ્ચેના ચોકમાં બેસી ગયા. અને પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ હું તો એક સાવરણીની સળી પણ તોડી શકું એમ નથી પણ તારી શક્તિનો કોઈ ઓરછોર નથી. તારી શક્તિથી આમને-સામને રહેલાં મંદિરો આજુબાજુમાં આવી જાય. ભક્ત છે ને અસહાય છે. ભક્ત કહેશે હું કાંઈ જ કરી શકું એમ નથી. અને આ અસહાયતા મારી દ્રષ્ટિએ અનંત જન્મોના ખોટા કર્તૃત્વનું પ્રાયશ્ચિત્ત છે. અનંતા જન્મોમાં એક વાત હતી હું આમ કરું ને હું આમ કરું. એનું પ્રાયશ્ચિત્ત આ અસહાયદશા.
હું કાંઈ જ કરી શકું એમ નથી. સંત હરિદાસે વ્રજ ભાષામાં પદ લખ્યું. એમાં એ કહે છે. “તિનકા બુયારી કે બસ”. એક તણખલું સાવરણી ને આધીન હોય છે પ્રભુ એ રીતે હું તને આધીન છું. ભક્ત ગૌરાંગ એથી પણ આગળ વધ્યા. એમણે કહ્યું “તૃણાદ્Sપિસૂરિચિન ભવિતવ્યં.” તણખલું તો ક્યારેય માત્ર સાવરણી ને વશ ન રહે હવાને પણ અધીન થઈ જાય. મારે તો પ્રભુ માત્ર ને માત્ર તને અધીન થઈને રહેવું છે. આ ભક્તની અસહાયતા, આ ભક્તની નિમિત્ત અવસ્થા એ જ એનું મોટામાં મોટું બળ છે.
તો સાક્ષીભાવ + ભક્તિધારા = નિમિત્ત. તમે નિમિત્ત બની ગયા. સારું કામ થયું. પછી ભૂલી જવાનું. હિન્દીમાં એક કહેવત છે. નેકી કર ઓર કુએ મેં ડાલ. સારું કામ કર પછી કુવામાં ફેંકી દેજે. યાદ નહિ રાખતો પાછો કે મેં આટલા સારા કામ કર્યા. કર્યા હતા એણે. એ યાદ રાખે.
હું પાલીતાણામાં હતો ને પછી કોઈ મુનિ ભગવંત યાત્રા કરીને આવે વંદન કરવા ત્યારે હું પુછુ કેટલી યાત્રા કરી આવ્યો. એક મુનિરાજ એવા હતા એ કહે, સાહેબ હું યાદ નથી રાખતો કેટલી યાત્રા કરી એ, હું તો રોજ યાત્રા કરું છું. મેં કીધું વાંધો નહિ તમે યાદ ન રાખશો તો પ્રભુ યાદ રાખશે. આપણે યાદ ન રાખીએ તો એ યાદ રાખે. હું કંઈ છું જ નહિ એ ધારામાં આપણે જવું છે.
સાધનાની ધારા અને ભક્તિની ધારા બેઉ ધારા આપણને લઇ જાય છે ક્યાં? સાધનાની ધારામાં મન સાક્ષીભાવમાં જશે, મન positive touch માં જશે, અને પછી મન જ નહિ રહે. આ સાક્ષીભાવની ધારા આવશે. ભક્તિની ધારામાં બધુ જ પ્રભુ કરે છે મારે કંઈ કરવાનું રહેતું જ નથી. એટલે આખરે શૂન્યતા – વિભાવ શૂન્યતા એ બંનેનું લક્ષ્ય છે. તમે ભક્ત હોવ યા સાધક હોવ કોઈ વાંધો નથી કારણકે મંઝિલ એક જ છે. તો આપણે જે practical meditation કરીએ છીએ એનું પણ લક્ષ્ય શું છે… લક્ષ્ય એક જ છે કે વિભાવ શૂન્ય બનીને, વિચાર શૂન્ય બનીને, તમારી અંદર રહેલ આનંદની તમારે અનુભૂતિ કરવી. ઘણા સાધકો મળ્યા કહે ચોથું ચરણ અઘરું પડે છે. પડે અઘરું. શરૂઆતમાં પડે. દિવસમાં ૫ – ૭ વાર તમે ધ્યાન નહિ કરો તો અઘરું પડવાનું છે. અહીંથી ગયા પછી પણ રોજ સવાર-સાંજ જો આ ધ્યાન તમે કરશો. ૧૫ મિનિટ, ૧૭ મિનિટ તો તમને એક મોટી સિદ્ધિ, મોટી achievement તમને પ્રાપ્ત થશે. તમે પછી ever fresh અને evergreen બની જશો. આમ થઈ ગયું તો થઈ ગયું. Lightly લઇ લો. કોઈ પણ ઘટના ને એકદમ lightly જોવાની તક આ સાધના તમને આપશે. અને આ સાધના તમારાં જીવાતા જીવનની અંદરથી નિરાશાને, negativity ને કાઢીને positivity ને લાવશે. આનંદને લાવશે. તો થયું શું… એક બાજુ શૂન્યતા થઈ. વિચાર શૂન્યતા. વિચારો કરવા નથી. રાગ-દ્વેષ માં જવું નથી. એટલે વિભાવ શૂન્યતા. અને એ વિભાવ શૂન્ય બનીને, વિચાર શૂન્ય બનીને સ્વથી પરિપૂર્ણ બનો. એક બાજુ શૂન્ય ન બનો તો બીજી બાજુથી પૂર્ણ શી રીતે બનો? કચરો ક્યાંકથી કાઢો નહિ તો એની અંદર સારી વસ્તુ તમે શી રીતે ભરશો? તો તમારાં મનમાંથી કચરો કાઢવાનો છે. ગુરુ તૈયાર હો. તમારો કચરો કાઢવા ગુરુ તૈયાર. કબીરજી એ કહ્યું “ગુરુ કુમ્હાર શિષ્ય કુંભ હૈ, ઘડી ઘડી કાઢે ખોટ અંદર હાથ સંવાર દે બાહીર મારે ચોટ.” તમે માટીનો ઘડો હોવ તો ગુરુ કુંભાર બનવા તૈયાર હોય. કેવી રીતે કામ કરે. સીધા જ ટપલા ઠોકે બહારથી તો માટીનો લોંદો જ નીકળી જાય. તો અંદર હાથ સંવાર દે બાહિર મારે ચોટ. ટપલા મારવા જરૂરી છે તો જ આકાર પકડાય. તો બહારથી ચોટ લગાવે છે પણ એ વખતે અંદરથી ત્યાંથી માટીને બરાબર હાથથી પકડી રાખે છે. એમ ગુરુ એક હાથે તમને પ્રેમ આપે અને બીજા હાથે લગાવી દે. અને પછી કહ્યું. “ગુરુ ધોબી શીષ કાપડા સાબુન સર્જનહાર સુરત શીલા પર ધોઈએ નીકસે જ્યોતિ અપાર. તમે કપડું છો ગંદુ કપડું તો ગુરુ ધોબી બની જાય. ગુરુ ધોબી શીષ કપડાં પણ ગુરુ કઈ ભૂમિકા ઉપર હોય છે. ગુરુ નિમિત્ત રૂપ છે અને પોતાને નિમિત્ત રૂપ માનશે એટલે પ્રભુને આગળ કરશે. સાબુન સર્જનહાર સાબુ કોણ? પરમાત્મા. એટલે ગુરુ કહેશે હું તારા મેલને કાઢતો નથી પ્રભુ તારા મેલને કાઢે છે. સાબુન સર્જનહાર. અને પછી કહ્યું. સુરત શીલા પર ધોઈએ. ધોબીને જોયા હશે શીલા ઉપર કપડાને પટકે રહ્યો-સહ્યો મેલ નીકળી જાય. સુરતી એટલે સ્મૃતિ પ્રભુની સ્મૃતિ એ સ્મરણની શીલા ઉપર ગુરુ જે છે એ તમારાં મનને તમારાં વસ્ત્રને પટકે છે તો શું થાય? નીકશે જ્યોતિ અપાર. જે કપડું ગંદુ ગંદુ હતું તે એકદમ WHITE ચમકદાર બની જાય છે. ગુરુ તૈયાર તમે તૈયાર? મારો એક LOGO છે. HE is ever ready. પ્રભુ હંમેશ માટે તૈયાર. We are also ready but are U ready? Ready? તો ચાલો ત્યારે practical meditation.