વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject: સાક્ષીભાવ – રહત વિકાર સ્વરૂપ નિહારી
જે ચેતના અનંત જન્મોથી પરમાં વહી રહી છે, તેને સ્વની અંદર વહેવડાવવી – એ જ આપણું લક્ષ્ય છે. એ લક્ષ્યને પામવા માટે પહેલું ચરણ – મનને પૉઝિટિવ ટચ આપો. બીજું ચરણ – સાક્ષીભાવ.
કોઈ પણ ઘટનાથી તમે પ્રભાવિત ન બનો ત્યારે માની શકાય કે સાક્ષીભાવ તમને મળ્યો છે. ઘટનાની તમારા પર અસર ક્યારે નહિ થાય? જો ઘટના તમને માત્ર ઘટના લાગે, તો. ઘટના માત્ર ઘટના છે; એ સારી પણ નથી અને ખરાબ પણ નથી – એટલે એના માટે રાગ કે દ્વેષ કરવાનો કોઈ અર્થ નથી.
કદાચ ઘટના ઘટે ત્યારે રાગનો કે દ્વેષનો ઉદય થાય, તો પણ એને તમે માત્ર જુઓ છો. અને તમે આ રીતે માત્ર જુઓ, ત્યારે તમે પોતાને તે ઉદયથી અલગ અનુભવો છો. દ્રશ્ય અલગ; દ્રષ્ટા અલગ. આ દ્રષ્ટાભાવ એ જ સાક્ષીભાવ
મૌન ધ્યાન સાધના શિબિર ૧૬ – સુરત વાચના – ૫
પરમાત્માની વ્યવહાર આજ્ઞાનું પાલન કરીને આપણે બધાએ નિશ્ચય આજ્ઞાના પાલનમાં જવું છે. પ્રભુની વ્યવહાર આજ્ઞા આપણા ખ્યાલમાં છે. તમારાં સ્તર પર પંચાચાર નું પાલન, વ્રતોનું પાલન એ બધું વ્યવહાર આજ્ઞાના પાલનમાં જશે. એ વ્યવહાર આજ્ઞાના પાલન દ્વારા આપણે શું મેળવવું છે? આયંબિલની ઓળી કરી પણ દરેક સાધકનું એક લક્ષ્ય હોય છે કે આહારસંજ્ઞા મારી શિથિલ બની જાય. એ જ રીતે આ વ્યવહાર આજ્ઞાના પાલન દ્વારા નિશ્ચય આજ્ઞાના પાલન સુધી આપણે જવું છે.
પ્રભુની નિશ્ચય આજ્ઞા છે સ્વરૂપસ્થિતિ. પ્રભુ કહે છે તું તારા સ્વરૂપમાં સ્થિર થા. એક સામાયિક તમે કર્યું. કટાસણા ઉપર તમે બેઠાં. વિધિપૂર્વક સામાયિક લીધું. વિધિપૂર્વક સામાયિક પાર્યું. માત્ર કટાસણા ઉપર બેઠાં રહ્યાં. બે-પાંચ નવકારવાળી ગણી. આ સામાયિકની વ્યવહાર સાધના દ્વારા આપણે સમભાવની નિશ્ચય સાધના પ્રાપ્ત કરવી છે.
બે જાતના ચાલનારા હોય. એક morning walkers હોય અને બીજા લક્ષ્ય લઈને ચાલનારા હોય. ડોકટરે કહ્યું છે ‘હાયપર ટેન્શન છે, ડાયાબીટીસ છે. પાંચ કિલોમીટર રોજ ચાલો. એ ભાઈ શું કરે? ઘરથી અઢી કિલોમીટર દૂર જાય રોજ, અઢી કિલોમીટર બેક ટુ હોમ. એને દિશા જોવાની નથી કે આ દિશામાં જવું. રોડની સરફેશ જે બાજુ સારી હોય એ બાજુ ધમકાવી મુકે. તો એક ચાલનારા morning walkers જેવા હોય, બીજા ચાલનારા લક્ષ્ય લઈને ચાલનારા. તમે મુંબઈથી સુરત સ્ટેશને આવ્યા પછી તમે પૂછ્યું: જહાંગીરપુરા ક્યાં આવે? રીક્ષામાં બેઠા અને અહિયાં આવી ગયા.
સાધનામાર્ગમાં તમે morning walkers છો કે લક્ષ્ય લઈને ચાલનારા છો? લગભગ સાધકોને પૂછો, કેમ છો? બહુ સરસ એકાસણા કરું છું, તિથીએ આયંબિલ કરું છું, પાંચ સામાયિક કરું છું, બે પ્રતિક્રમણ કરું છું. બરોબર, સરસ.. વ્યવહાર ક્રિયા બહુ જ જરૂરી છે અને હું પોતે વ્યવહાર સાધનાનો ચુસ્ત સમર્થક છું. કારણ અહોભાવની ધારા વિના તમે સીધા જ નિશ્ચય ની સાધનામાં ડૂબી શકશો નહિ. તો આપણી પારંપરિક ધારા મજાની છે પણ એવું ન બને કે તમારી પાસે કોઈ લક્ષ્ય જ ના હોય અને તમે ક્રિયા કરતા હોવ. કયું લક્ષ્ય તમારી પાસે બોલો?
કયું લક્ષ્ય છે? રાગ અને દ્વેષને શિથિલ કરવા એ લક્ષ્ય છે, અહંકારને શિથિલ કરવો એ લક્ષ્ય છે. ચેતના જે અનંતા જન્મોથી પરમાં વહી રહી છે એને સ્વની અંદર વહેવડાવવી છે આવું કોઈ લક્ષ્ય છે? આ વખતની આપણી વાચના શ્રેણીનો વિષય આ હતો કે જે ચેતના, જે ઉપયોગ સતત પરમાં વહી રહ્યો છે એને સ્વમાં કેમ વહેવડાવવો. પર એ પર છે. તમે એ તમે છો. તો પર સાથેનો સંબંધ છુટો કેમ પાડવો એના માટે મનના સ્તર પર એક ત્રિપદી આપણે લીધી. પહેલું ચરણ ત્રિપદીનું, “મનને positive touch આપવો” એટલે કે મનને બદલતા શીખો. અત્યાર સુધી મન એ જ રીતે ચાલ્યા કર્યું છે કે ઇંટ ની સામે પથ્થર. Tit FOR Tat.
પણ પહેલું જ ચરણ આ છે. મનને positive touch આપવો. પ્રભુની એવી કૃપા મારા ઉપર વરસી છે કે નાનપણથી પ્રભુએ મને માત્ર positive ATTITUDE આપેલો છે. સંઘની એક પણ વ્યક્તિ માટે ક્યારેય પણ મને તિરસ્કાર થયો હોય એવું મને ખ્યાલમાં નથી આવતું. પ્રભુનો પહેલો પ્રસાદ POSITIVE ATTITUDE. એનાથી બીજાને ફાયદો તમને ય ફાયદો. તમે POSITIVE ATTITUDE માં આવો. ઘર વાળાઓને ય મજા આવી જાય, તમને ય મજા આવી જાય. તો એ positive touch આપતા તમને આવડી જાય. તો મનને બદલવાની એક પ્રક્રિયા તમે શરૂ કરી….
હવે બીજું ચરણ એ આવે છે “કે સાક્ષીભાવ, કોઈ પણ ઘટના એ ઘટના છે હું એ હું છુ”. કોઈ પણ ઘટનાથી તમે પ્રભાવિત ન બનો ત્યારે માની શકાય કે સાક્ષી ભાવ તમને મળ્યો છે. ઘટના, ઘટના છે.
રાબિયા બહુ જ મોટા સાધિકા હતા. એક વખત એમને ત્યાં એક શ્રીમંત વ્યક્તિ આવે છે. એને પહેલાં તો એમ હતું કે આટલા મોટા રાબિયા છે તો FIVE STAR આશ્રમમાં રહેતા હશે. એણે આવીને જોયું કે એક નાનકડી ઝુંપડી એમાં રાબિયા રહે છે. ઝુંપડી પણ કેવી? તૂટેલી ફૂટેલી. પછી એણે જોયું એક પલંગ એના ત્રણ પાયા તો ઠીક હતા એક પાયો તૂટી ગયેલો ત્યાં પથ્થર ગોઠવેલા. એક પાણી ભરેલી માટલી હતી એમાં વચ્ચે કાણું. બે લોટાથી વધારે પાણી નાખો એટલે કાણામાંથી બહાર નીકળે. પેલા શ્રીમંત ને થયું કે હું આ બધું બદલી નાખું. પણ સામે મોટા સંત છે એમની પરવાનગી વગર તો કંઈ થાય નહિ. શ્રીમંતે પૂછ્યું આ માટલી ને હું બદલી શકું? આ જૂની માટલી છે ત્યાં નવી માટલી મૂકી શકું? રાબિયા ના પાડે છે. શ્રીમંત પૂછે છે ના કેમ પાડો છો? ત્યારે રાબિયા કહે છે મારા બે પ્રશ્નોના પહેલા જવાબ આપો. પહેલો પ્રશ્ન મારો એ છે કે “IS HE ALL KNOWING? પ્રભુ સર્વજ્ઞ છે? પ્રભુ બધુ જ જાણે છે?” પેલો કહે હા, પ્રભુ બધું જાણે છે. બીજો સવાલ, IS HE ALL MIGHTY? પ્રભુ સર્વશક્તિશાળી છે? પેલો કહે હા. અને રાબિયા કહે છે, પ્રભુ મારી માટીના કાણા ને જાણે છે, જુવે છે અને છતાં એ માટલી બદલતા નથી મારી નિસ્પૃહતાને, ત્યાગવૃત્તિ ને ખીલવવા માટે મારા પ્રભુ કેટલું સરસ કરી રહ્યા છે. અને એ વખતે રાબિયા ધ્રુસકે ધ્રુસકે રડે છે. એની આંખોમાંથી આંસુ નીકળે છે. અને પછી ડૂસકાંમાંથી ચણાઈને આવતા એના શબ્દો છે પ્રભુ તું મારી કેટલી PERSONAL CARE કરે છે. મારી નિઃસ્પૃહ વૃત્તિને ખીલવવા માટે તું કેટલું સરસ કામ કરી રહ્યો છે?
ઘટના, ઘટના છે. એ ઘટનાનું અર્થઘટન કઈ રીતે કરવું એ તમારે નક્કી કરવું છે, સાક્ષીભાવ આવી જાય તો એક પણ ઘટના દ્વારા તમને પીડા ન મળે. બોલો આ ગમે? ઘટનાઓના સંસારમાં તમે રહેતા હોવ અને છતાં એકપણ ઘટનાની અસર તમને ન થાય એ મજાનું નહિ? એટલે જ મેં કાલે કહેલું કે પ્રભુની આ સાધના, પ્રભુએ આપેલો ધર્મ “ART OF LIVING” છે. જીવન જીવવાની કળા છે. ખરેખર ધાર્મિક વ્યક્તિ પુરેપુરો બદલાયેલો જ હોય. એના ઘરની અંદર એ બિલકુલ બધાથી અલગ પડી જાય. કેમ ભાઈ આ લોકો કકળાટ કરે છે, ધમાલ કરે છે, તમે શાંતિથી બેઠા છો.? પ્રભુની કૃપા.
અમે લોકો EVER FRESH , EVERGREEN છીએ. કારણ શું? પ્રભુની કૃપા. મારા શરીરમાં રોગો એટલાં આવેલા છે કે પગથી માથા સુધીમાં એક પણ MAJOR એવું અંગ નથી કે જ્યાં OPERATION ના થયેલું હોય. અને છતાં હું એટલો જ મજામાં છુ. રોગ રોગનું કામ કરે. ઘટના ઘટનાનું કામ કરે. હું મારું કામ કરું. આજે તમને એક PRACTICAL સાધના આપું. આપણે વિચાર્યું કે ઘટનાની અસર ન થવી જોઈએ, પણ તમને કોઈ ઘટના સારી લાગે, કોઈ ઘટના ખરાબ લાગે તો તેની અસર થવાની જ છે. અસર ક્યારે નહિ થાય? ઘટના માત્ર ઘટના જ છે. એ સારી પણ નથી, ખરાબ પણ નથી. ચા સારી છે એવું માનશો તો રાગ થવાનો જ છે. અને ચા તમારાં ટેસ્ટની નથી એવું લાગ્યું તો અણગમો થવાનો જ છે. એ ઘટના તમને પ્રભાવિત કરવાની જ છે. યા તો ગમાથી પ્રભાવિત કરશે. બહુ મજાની ચા મળી ગઈ આજ તો… અને યા તો થશે આજનો દિવસ બેકાર, સવારની ચા જ નકામી આવી. એક ચાનો ગ્લાસ આનંદઘન આત્માના આનંદને છીનવી લે. આ possible છે? તમારાં આનંદ ને એક ચાની ચૂસકી લઇ લે.
તો ચિદાનંદજી મહારાજે બહુ જ મજાની એક સાધના આપી છે. એ સાધના તમે કરો એટલે કોઈ પણ ઘટના તમને સારી ન લાગે, કોઈ પણ ઘટના ખરાબ ન લાગે. ઘટના plain ઘટના છે. Plain ઘટના છે તો એ તમને પ્રભાવિત શી રીતે કરશે. યા તો સારી ઘટના છે તો એ તમને પ્રભાવિત કરશે, યા તો ખરાબ ઘટના છે તો એ તમને પ્રભાવિત કરશે. પણ માત્ર ઘટના છે તો? એમણે ચાર ધ્યાન આપ્યાં. ચિદાનંદજી મહારાજે. પહેલું રૂપસ્થ ધ્યાન છે. રૂપસ્થ ધ્યાન આના માટે જ છે કે ઘટનાઓનું સારાપણું અને નરસાપણું વિસર્જિત થાય. તો બહુ જ સરળ ભાષામાં પહેલા એની વ્યાખ્યા સમજીએ પછી એના ઊંડાણમાં જઈએ. વ્યાખ્યા માટે કડી આવી. “રહત વિકાર સ્વરૂપ નિહારી, તાકી સંગત મનસાધારી, નિજગુણ અંશ લહે જબ કોય, પ્રથમ ભેદ તિણે અવસર જોય.” ચા પીવા માટે તમે બેઠા છો. ચા ટેસ્ટી છે. તો તમે ચા ના પીનાર પણ છો તે વખતે અને તમારી ભીતર એ ચાને પીતા આસક્તિ ઉભી થઈ, તે પણ તમે જોઈ રહ્યા છો. ચા સારી છે. સારી ચા શું કરે? તમને કઈ રીતે પ્રભાવિત કરે? તમારામાં રાગભાવ લાવે. પ્રીતીભાવ લાવે. ખરાબ ચા છે એવું તમને ખ્યાલ આવ્યો તો શું થાય? એના પ્રત્યે અણગમો થાય. તો ચા પીતી વખતે જે આસક્તિ પેદા થઈ, ચા પર પ્રેમ પેદા થયો એને તમે જોઈ શકો? જોઈ શકાય. એટલે રાગને, આસક્તિને તમે જોયો. તમે કહેશો આમાં શું ફરક પડ્યો? આમેય પીતા હતા ને આમેય પીએ છીએ. ફરક શો પડ્યો? ફરક બહુ મોટો પડ્યો. તમે તમારી ભીતર સારી ચાના દ્વારે ઉઠેલી આસક્તિને જોઈ. બરોબર? આસક્તિને તમે જોઈ એટલે આસક્તિ દ્રશ્ય બની. તમે દ્રષ્ટા બન્યા. U ARE THE SEEKER, U ARE THE OBSERVER. તમે માત્ર દ્રષ્ટા છો. ચા તો દ્રશ્ય હતી જ, આસક્તિ પણ દ્રશ્ય બની. તો દ્રશ્ય બની, ફરક શું પડ્યો? ફરક એ પડ્યો કે દ્રશ્ય અને દ્રષ્ટા અલગ હોય છે. આ સામે પડેલું STAND અલગ છે. હું અલગ છું, હું દ્રષ્ટા છું, એ દ્રશ્ય છે.
અત્યાર સુધી તમારી ચિત્ત વૃત્તિ રાગની સાથે એવી ભળી ગયેલી કે રાગને તમે તમારો સ્વભાવ માની લીધો. ન રાગ તમારો સ્વભાવ છે, ન દ્વેષ તમારો સ્વભાવ છે, ન અહંકાર તમારો સ્વભાવ છે.
એક શિષ્ય ગુરુ પાસે ગયેલો. એ શિષ્ય એ ગુરુને કહ્યું કે ગુરુદેવ મને વારંવાર ક્રોધ આવે છે. એવો સ્વભાવ પડી ગયેલો છે કે વારંવાર ક્રોધ આવે છે. ગુરુ પણ મજાના હતા. મનોવૈજ્ઞાનિક આયામના ગુરુ. અચ્છા, અચ્છા ક્રોધ તારો સ્વભાવ છે એમ? ચાલ… ક્રોધ શરૂ કર. READY, ONE TWO ચાલ ચાલુ કર. પેલો કહે, એમતો ક્રોધ શી રીતે આવે? ગુરુ કહે, કેમ ના આવે એ મને કે તારો સ્વભાવ છે તો? ક્રોધ તારો સ્વભાવ છે એવું તું કહે છે તો સ્વભાવને શોધવા જવું પડે? સ્વભાવ તો હાજર હોય ખિસ્સામાં. પછી એ ગુરુએ એને સમજાવ્યું કે ક્ષમા એ તારો સ્વભાવ છે ક્રોધ તારો સ્વભાવ નથી. બોલો ક્રોધ કરો કલાક-દોઢ કલાક NONSTOP કરો. શું થાય? આમ માથું દુખવા આવશે. Hypertension થઈ જશે. શરીર પણ ક્રોધને tolerate કરી શકતું નથી. તમારું મન પણ ક્રોધને સહન કરી શકતું નથી. તમારાં આત્માનો તો એ સ્વભાવ છે જ નહિ. તો શા માટે ક્રોધ કરો છો? પાછુ કહો છો કે ક્રોધ કર્યા વગર મારાથી રહેવાય નહિ. ક્રોધ મારો સ્વભાવ છે. અલ્યા સ્વભાવ ક્યાંથી થયો ભાઈ?
તો ચા જેમ દ્રશ્ય બની, આસક્તિ પણ દ્રશ્ય બની. દ્રશ્ય બની એટલે અલગ થઈ ગઈ. એ જ રીતે તમે અત્યારે માત્ર ક્રોધ કરો છો. મારી ઈચ્છા એવી છે કે ક્રોધ કરનાર તરીકે કદાચ તમે હોવ તો પણ ક્રોધના જોનાર તરીકે તમારે આવવું છે…. ક્રોધ કરો છો એ વખતે જુઓ મને ક્રોધ આવ્યો. ક્રોધ મારું સ્વરૂપ નથી પણ આ નિમિત્ત આવ્યું નિમિત્ત ને કારણે મને ગુસ્સો આવ્યો. હમણાં એક પ્રવચનમાં મેં પૂછેલું કે ગુસ્સો કેમ આવે? એક ભાઈ કહે, સાહેબ! નિમિત્ત મળે એટલે ગુસ્સો આવે. બરાબર. બરાબરને? મેં સામે પૂછ્યું કે તમારો દીકરો છે. આઠ વરસનો. પેટમાં દુખવા આવ્યું. બે-ચાર ડોકટરોનો opinion લીધો, એપેન્ડીક્ષ થયું એ નક્કી થયું, નિષ્ણાંત ડોક્ટર પાસે એપેન્ડીક્ષનું operation કરાવવાનું તમે નક્કી કર્યું. એ ડોક્ટર શહેરનો નિષ્ણાંત ડોક્ટર, પણ સ્વભાવનો બહુ જ તુમાખી. hospital માં દીકરાને admit કરવામાં આવ્યો. Operation theatre માં એને લઇ જવામાં આવ્યો. Operation સરસ થઈ ગયું. Hospital ના કર્મચારીઓ સ્ટ્રેચર પર સુવાડીને એને રૂમમાં મૂકી ગયા. એનેસ્થેસિયા ની અસર ઉતરી દીકરાને તરસ લાગેલી. દીકરાએ કહ્યું, પપ્પા! મારે પાણી પીવું છે. પેલા ભાઈને ખબર નહિ કે અત્યારે પાણી અપાય કે ના અપાય. સીધો મોટા ડોક્ટરની ચેમ્બરમાં પહોંચ્યો. સાહેબ, તમે હમણાં મારા દીકરાનું operation કર્યું ને, એને પાણી અપાય કે ના અપાય? ખાલી હા, કે ના એક અક્ષર કહેવાનો હતો પણ એટલો તુમાખી સ્વભાવનો ડોક્ટર. મને પૂછવા આવ્યા છો? પાણી અપાય કે નહીં? મને પૂછવા આવ્યા છો? કોઈ નર્સ રખડતી નથી, કોઈ house doctor રખડતો નથી. મારા junior doctors પેટ ચીરી નાંખે… પછી operation કરવા હું જાઉં છું. તમે મને પૂછવા આવ્યા છો પાણી અપાય કે નહી એમ? બોલો તમે એ જગ્યાએ હોવ તમને કેટલો ગુસ્સો આવે બોલો. ડોક્ટરને કહી દો ને ડોક્ટર કેટલી કમાણી છે મહિનાની? તમે ૫૦ લાખ કમાતા હશો, હું મહીને કરોડ રૂપિયા કમાઉ છું. કહી દો આમ? એ વખતે ગુસ્સો કેમ નથી કરતા? કે આપણા દીકરાનું ભવિષ્ય એના હાથમાં છે અને આપણા ભારતમાં વિદેશ જેવા કાયદા નથી કે સહેજ પણ દીકરાને તકલીફ પડે અને ડોક્ટરને લાખો ડોલર ઓકવા પડે. આવું નથી. તો નિમિત્ત મળ્યું ગુસ્સે કેમ ન થયા? તમને લાગ્યું કે મારો સ્વાર્થ જોખમાય છે. બરોબર? જ્યાં સ્વાર્થ જોખમાતો હોય ત્યાં તમે ગુસ્સો ના કરો બરોબર. અને અહિયાં તમે ગુસ્સો કરો અને નરકમાં જવું પડે આવું મહાપુરુષો કહે પછી શું થાય બોલો? પેલું નુકસાન તો થોડું જ છે. તમે ગુસ્સો કરો ભયંકર અને તમારે નરકાદિ દુર્ગતિમાં જવું પડે તમે ચોંકી ના જાઓ? આ તો મારો સ્વાર્થ જોખમાયો. મારે જ હેરાન થવું પડે. મારે ક્રોધ કરવો નથી.
એક ભાઈએ વ્યાખ્યાનમાં નરકની વેદનાનું વર્ણન સાંભળ્યું. એ હચમચી ગયા કે મારે નરકમાં નથી જવું. એ ભાઈ એટલાં સુખશીલિયા હતા કે ઉનાળામાં ચોવીસ કલાક A.C માં રહેનારા, એટલે સામાયિક પ્રતિક્રમણ કાંઈ ન કરી શકે. ફ્રીજ નું ઠંડુ પાણી જ જોઈએ એટલે બેસણું વિગેરે કરી શકે નહિ. ICE-CREAM વગર ચાલે નહિ. પણ આ પહેલી વાર વ્યાખ્યાનમાં ગયા. નરકની વેદનાનું વર્ણન સાંભળ્યું. હલી ગયા. ગુરુદેવ પાસે ગયા સાહેબ! નરકની વેદના જે પાપથી મળે એ પાપના નામ મને કહો. ગુરુદેવે બધા જ પાપ આમ ગણાવ્યા. સુખશીલિયા પણાના પાપ. પેલો નક્કી કરતો ગયો. A.C બંધ, ફ્રીજ નું પાણી બંધ, ICE-CREAM બંધ. આ બંધ. આ બંધ. આ બંધ. એકીસાથે એક ધડાકે. અઠવાડિયા પછી એ મારી પાસે આવ્યો. બેસણાનું પચ્ચક્ખાણ લીધું. હું નવાઈમાં પડી ગયો. મેં કીધું તું અને બેસણું? મને કહે: હા સાહેબ! બદલાઈ ગયો. A.C ગયું, ફ્રીજ ગયું બધાજ સુખશીલિયા પણાના સાધનો ગયા. બે ટાઇમ પ્રતિક્રમણ, રોજના બે સામાયિક, ઓછામાં ઓછુ બેસણું, જિનવાણી શ્રવણ બધુ જ ચાલુ થઈ ગયું. તમને ખ્યાલ આવે કે ક્રોધ કરવાથી નરકે જવાય. એટલે ક્રોધ બંધ. બરોબર.
તો ચિદાનંદજી મહારાજ કહે છે “રહત વિકાર સ્વરૂપ નિહારી, તાકી સંગત મનસાધારી, નિજ ગુણ અંશ લહે જબ કોય, પ્રથમ ભેદ તિણે અવસર જોય.” તો ચા પી રહ્યા છો. આસક્તિને જુઓ, રાગ ઉઠે છે એને જુઓ. તો એનાથી શું થશે? બહુ મજાની વાત કરી. નિજગુણ અંશ લહે જબ કોય. તમે આ રીતે જ્યારે જુઓ છો ત્યારે દ્રષ્ટા ભાવ તમને મળે છે. આ દ્રષ્ટાભાવ એ જ સાક્ષીભાવ. તમે દ્રષ્ટા બન્યા માત્ર તમે આસક્તિને જોઈ રહ્યા છો. ચા ને પીવો છો, આસક્તિને જુઓ છો. ક્રોધ ક્યારેક કરો છો ત્યારે ક્રોધને તમે જુઓ છો. અહંકાર આવે છે એ વખતે અહંકારને તમે જુઓ છો.
એક ફિલોસોફરે લખ્યું છે કે પોતાના અહંકાર ઉપર પોતાને અહંકાર આવે એ તો બરોબર પણ પોતાના અહંકાર ઉપર પોતાને હસવું આવે ત્યારથી અહંકાર શિથિલતાનો માર્ગ શરૂ થાય છે. તમને તમારાં અહંકાર ઉપર હસવું આવ્યું? ૨૫ જણાની સભા હતી. તમે ૧૦ મિનિટ બોલ્યા. હવે એ ૨૫ જણાએ કહ્યું કે બહુ જ સરસ બોલ્યા. તો આમાં તમારાં અહંકારનું સ્ટેટસ શું? એ વખતે જો તમને હસવું આવે કે ભાઈ આમાં અહંકાર કરવા જેવું છે શું? તો અહંકારની શિથિલતાનો માર્ગ શરૂ થઈ જાય.
તો રહત વિકાર સ્વરૂપ નિહારી. નિહારી એટલે જોવું. વિકારના સ્વરૂપને જુઓ. રાગ અને અહંકાર. તાકી સંગત મનશાધારી. મનમાં ૧૦ મિનિટ, ૧૫ મિનિટ, ૨૦ મિનિટ દ્રષ્ટા ભાવની ભૂમિકામાં રહો. માત્ર એને જોયા કરો. માત્ર એને જોયા જ કરો. તો શું થશે. નિજગુણ અંશ લહે જબ કોય. દ્રષ્ટાભાવ, સાક્ષીભાવ જે તમારો ગુણ છે એ ગુણ તમને મળી જશે. તો કર્તા તરીકે તમે રહ્યા છો. ઘણી વાર ઘણી જગ્યાએ. સાક્ષી તરીકે, દ્રષ્ટા તરીકે કેટલી વાર રહ્યા?
અને એક મજાની વાત તમને કહું. કે જ્યાં તમારે તમારાં ઉપયોગને ભેળવવાનો ન હતો ત્યાં ઉપયોગને ભેળવ્યો અને જ્યાં ભેળવવાનો હતો ત્યાં ભેળવ્યો નહિ. પર ની અંદર મનને પૂરેપૂરું મૂકી દીધું અને પ્રભુ દર્શનની ક્રિયામાં ગયા ત્યાં મન ક્યાંય બહાર ફરતું હતું. એ વખતે મન હાજર ન હતું.
એક ઉંચી કક્ષાના સાધકને પૂછવામાં આવેલું. કે તમે સાધનાના પહેલા પડાવે હતા ત્યારે પણ ખાતા હતા, પીતા હતા. શરીર હતું એટલે જરૂરી હતું. આજે તમે સાધનાના શિખર ઉપર છો. છતાં શરીર છે તો તમે ખાઓ છો. પેલાએ પૂછ્યું ફરક શું પડ્યો? સાધનાના પહેલા પડાવે તમે ખાતા હતા આજે પણ તમે ખાઓ છો. ફરક શું પડ્યો? એ વખતે સાધકે કહ્યું કે સાધનાના પહેલા પડાવે હતો ત્યારે હું ખાતો હતો, હું પીતો હતો, હું બોલતો હતો. આજે ખવાય છે, પીવાય છે, બોલાય છે. એટલે કે કર્તા ને ગેરહાજર કરી નાંખ્યો, ખવાય છે. હું ખાઉં છુ એમ નહિ. ખવાય છે. એટલે પરની કોઈ પણ ક્રિયામાં રસ નથી. શિષ્યોએ કહ્યું સમય થયો વાપરી લો તો હવે લાઓ. અમારા ગુરુઓ હતા એ આવી જ કક્ષાના હતા. એ પોતે ભીતર ઉતરી ગયેલા. ૧૨ – ૧૨.૩૦ ગોચરી આવે સાહેબ વાપરવાનું છે. એમ, લાવો. એમને ખ્યાલ જ ન હોય કે મારે વાપરવાનું છે. શરીરનો બોધ પૂરો થઈ ગયેલો હોય.
નીમકરોલી બાબા હમણાં જ થયા. LIVING WITH THE HIMALAYA MASTERS માં સ્વામી રામ લખે છે કે એકવાર પોતે નીમકરોલી બાબાની જોડે પદયાત્રામાં હોય છે. બપોરનો સમય હતો. એક ભક્ત આવ્યો. રોટલી, શાક, શીરો બધું જ લઈને આવ્યો. બાબા યે પ્રસાદ. તો બાબાએ જમી લીધું. પા કલાક થયો એક બીજો ભક્ત આવ્યો. બાબા યે ગુલામ જામુન. યે પ્રસાદ સ્વીકાર કરો. લઇ લીધા ગુલાબ જામુન. પા કલાકે ત્રીજો ભક્ત આવ્યો. બાબા યે રબડી. એ વખત સ્વામી રામ નીમકરોલી બાબાને કહે છે બાબા આપકા ભોજન હો ગયા. ઓર ભોજન કે બાદ આપને ગુલાબજામુન ભી લે લિયે. ત્યારે નીમકરોલી બાબા કહે અચ્છા અચ્છા ઐસા હૈ મૈને ભોજન લે લિયા હે, ફિર ગુલાબજામુન ભી ખા લિયે હે. તબ તો નહિ ચાહિયે. લે જાઓ. નહિ ચાહિયે. હમણાં જ ખાધું છે. એનો બોધ નથી. આ ક્યારે હોય? જયારે રસ totally સમાપ્ત થયેલો છે ત્યારે.
બુદ્ધની વાત આવે છે. કે બુદ્ધ ને જ્ઞાન મળ્યું. જ્ઞાન મળ્યું, દેવો આવ્યા. દેવોએ કહ્યું તમારી પાસે અદ્ભુત્ત જ્ઞાન હવે છે તમે પ્રવચનો આપો. તો બુદ્ધ કહે છે શા માટે બોલવાનું? બુદ્ધને હવે બોલવામાં રસ છે નહિ. એક ક્ષણ આવે છે જયારે બોલવાનો રસ છુટી જાય છે. બુદ્ધ કહે છે શા માટે બોલું? જે લોકો પહોંચી ગયા છે. એ પહોંચી ગયા છે. અને જે લોકો અંધારી ખીણમાં છે એ અંધારી ખીણમાં જ રહેવાના છે. ત્યાં સુધી મારા શબ્દો પહોંચવાના નથી. શા માટે હું બોલું? એક દેવે એ વખતે એક અકાટ્ય તર્ક આપ્યો કે કેટલાક સાધકો એવા છે કે જે લગભગ પહોંચી ગયા છે અને એમને શંકા થાય છે કે પોતે proper way પર છે કે નહિ… એવા વ્યક્તિત્વો માટે તમારાં વચનો છે એ બહુ જ કાર્યકર નીવડશે. બુદ્ધને એ દલીલ સાચી લાગી તો એમણે બોલવાનું શરુ કર્યું.
બુદ્ધ ચાલીસ વરસ બોલ્યા. બૌદ્ધ પંથના ત્રણ set. ઈર્યાન, મહાયાન, વજ્રયાન. એક set એક પંથ એમ કહે છે કે બુદ્ધ સંબોધિ પછી બોલ્યા જ નથી. બીજી set કહે છે કે બુદ્ધ ૪૦ વર્ષ સુધી બોલ્યા છે. પાછળથી આચાર્યોએ સમાધાન આપ્યું કે બુદ્ધ બોલ્યા છે અને નથી બોલ્યા. બોલવાનો રસ નહોતો, આપણે પણ અપેક્ષાએ આ જ લયમાં જઈશું.
તીર્થંકર પ્રભુ દેશના આપે છે. આપણે એમ જ માનવાનું એમની કરુણા. છેલ્લે તો કરુણા કેવી વહી…. સોળ પ્રહર સુધી લગાતાર પ્રભુ બોલ્યા. ભક્ત એ વખતે પ્રભુની કરુણા નો અનુભવ કરશે. પ્રભુની બાજુ શું હતું? ભાષા વર્ગણાના પુદ્ગલોને ખપાવવાના હતા. એક પરમ ઉદાસીનદશા પ્રભુની બાજુમાં હતી. તો બુદ્ધ ૪૦ વર્ષ સુધી બોલવા છતાં બોલ્યા નથી. કારણ કે ઘટનાની કોઈ અસર થઈ નથી.
આપણી પરંપરામાં એક સૂત્ર આવે છે “ગુરોસ્તુ મૌનમ્ વ્યાખ્યાનમ્ શિષ્યેસ્તુ છિન્ન સંશય:” ગુરુનું વ્યાખ્યાન મૌનમાં ચાલે અને શિષ્યના સંદેહો કપાઈ જાય. હું એ વાક્યને બદલું છું. ગુરોસ્તુ વ્યાખ્યાનમ્ મૌનમ્ શિષ્યેસ્તુ છિન્ન: વિકૃતિ” ગુરુનું વ્યાખ્યાન એ જ મૌન. ગુરુ મૌનમાં હોય કે વ્યાખ્યાનમાં હોય કોઈ ફરક પડતો નથી. તમે મૌનમાં હો ને શબ્દોના મૌનમાં તોય તમારી વિચારોની ફેક્ટરી ચાલુ હોય છે. ગુરુ વ્યાખ્યાન આપતા હોય વિચારોનું મૌન છે. શબ્દો બોલાયા કરે છે. વિચારોનું મૌન છે. તો ગુરોસ્તુ વ્યાખ્યાનમ્ મૌનમ્ અને શિષ્યેસ્તુ છિન્ન: વિકૃતિ:” શિષ્યના સંદેહો દુર થાય એમ નહિ શિષ્યના વિકારો, રાગ, દ્વેષ અને અહંકાર છેદાઈ જાય.
એક સદ્ગુરુની ઓરાફિલ્ડ માં તમે બેસો એ ઓરાફિલ્ડ એ કામ કરે કે તમારા રાગ, દ્વેષ ને અને તમારાં અહંકારને શિથિલ બનાવી નાંખે. સદ્ગુરુ શબ્દ દ્વારા પણ શક્તિપાત કરે. આંખ દ્વારા પણ કરે. શરીર દ્વારા પણ કરે. અને ઊર્જા દ્વારા પણ કરે. શબ્દ દ્વારા ગુરુ કહે ‘નિત્થારગપારગાહોહ’ એટલે પેલાનો સંસાર છેદાઈ જ જાય. એ શબ્દોમાં તાકાત છે. ગુરુ હાથ મુકે, વાસક્ષેપ આપે, પેલાના વિકારો દુર થઈ જાય.
મેં હમણાં એક પ્રવચનમાં કહ્યું કે હું એમ માનું કે યશોવિજય નો વાસક્ષેપ પડે અને પેલાનું કામ થઈ જાય એ વખતે યશોવિજયના હાથમાંથી માત્ર ચંદનની ભૂક્કી કે કપૂરની ભૂક્કી જ ખરે. energy બેનર્જી કાંઈ ન હોય. Energy ક્યારે ખરે? યશોવિજય ન હોય અને પ્રભુ હાજર હોય. પ્રભુની energy તમારાં ઉપર કામ કરે. એટલે જ સદ્ગુરુને હું બારી જેવા કહું છુ. એક બારીની identity શું? કાચની ખીડકી છે કે લાકડાની ખીડકી છે એ કોઈ બારીની identity નથી. પણ તમે જયારે છત ની નીચે અને ભીતની વચ્ચે હોવ ત્યારે તમને અસીમ અવકાશ સાથે જોડી આપે તે બારી. સદ્ગુરુ આવા બારી જેવા છે. ક્યારેક બારી અને કબાટ બહારથી સરખા લગતા હોય. તમે ખોલો અને ભીંત તો કબાટ. ખોલો અને કાંઈ નથી તો બારી. બારી એટલે પરમ ખાલીપન, પરમ રીતાપન. એ વિભાવ શૂન્યતાના અવકાશની અંદર પરમ ચેતનાનો અવકાશ ઉતરે છે. અને એટલે આપણે ત્યાં ગુરુ ચેતના અને પરમ ચેતનાને અપેક્ષાએ એકાકાર થયેલી સંઘટના તરીકે કલ્પેલા છે.
ઉપાધ્યાય યશોવિજય મહારાજ સ્તવનામાં કહે છે. “જસ કહે સાહિબ મુગતિનું, કર્યું તિલક નિજ હાથે”. ઈશારો એ છે કે સદ્ગુરુ પોતાના અંગુઠા દ્વારા અંગુઠા ને push કરીને તમારાં આજ્ઞા ચક્રને ઊંચકે છે. શબ્દો એ આવ્યા, ‘જસ કહે સાહિબ મુગતિનું કર્યું તિલક નિજ હાથે’ પ્રભુએ મારા હાથમાં મોક્ષનું તિલક કર્યું…. મારા લલાટમાં પણ મોક્ષનું તિલક કર્યું. તો અહિયાં અંગુઠો દબાવ્યો ગુરુએ, પણ ત્યાં ગુરુ ચેતના અને પરમ ચેતના ને એકાકાર થયેલી સંઘટના તરીકે કલ્પ્યા છે. તો સદ્ગુરુના હૃદયમાં એક પરમ શૂન્યતા આવી. વિભાવશૂન્યતા. એ વિભાવશૂન્યતાના અવકાશમાં પરમ ચેતનાનો અવકાશ ઉતરે છે. એટલે એ સદ્ગુરુના હાથમાંથી માત્ર ચંદનની ભુક્કી જ નથી ખરતી. Energy ખરે છે અને એ energy તમને સાધનામાર્ગે uplifted કરી દે છે. ગુરુ આંખ દ્વારા પણ શક્તિપાત કરી શકે. અને મહાન ગુરુ બેઠેલા હોય. તમે માત્ર થોડેક દુર જઈને એમની ઓરામાં બેસી જાઓ તો એમની ઉર્જા તમને ઊંચકી લે છે.
એકવાર હું પાટણ ગયેલો. એ વખતે પાટણમાં પૂજ્યપાદ પંન્યાસજી ગુરુદેવ ભદ્રંકરવિજય મ.સા. બિરાજમાન. પણ તબિયત બહુ જ નાજુક હતી સાહેબની, મેં એમના પટ્ટશિષ્ય વજ્રસેનવિજય મહારાજને પૂછ્યું કે મારે સદ્ગુરુની ઉર્જામાં ખાલી બેસવું છે. કોઈ પ્રશ્ન નથી, કોઈ એમની પાસેથી જાણવું નથી. માત્ર એમની ઉર્જામાં એમની રૂમમાં થોડી વાર માટે બેસવું છે. સાહેબને અનુકુળતા ક્યારે પડે? એમણે મને કહ્યું: બપોરે ચાર વાગે આવો. બપોરે ચાર વાગે એકલો હું સાહેબની રૂમમાં ગયો. બારણું મેં બંધ કરી દીધું. સાહેબજી સુતેલાં હતા. બાબુભાઈ કડીવાળા બાજુમાં બેઠેલા. અને સુંદર સ્તવના લલકારી રહ્યાં હતા. થોડેક દુર વંદન કરીને હું બેસી ગયો. મારે કાંઈ જ કરવાનું હતું નહિ. ધ્યાનમાં બેસી સદ્ગુરુની ઉર્જાને લેવાની હતી. લગભગ અડધો કલાક એ રીતે હું બેઠો. અચાનક સાહેબજીની આંખ ખૂલી. એમણે મને જોયો. મારી આંખ પણ શાયદથી સારી હતી એ વખતે. સાહેબજીએ હાથથી ઈશારો કર્યો નજીક આવવા. હું નજીક ગયો. એ વખતે સાહેબજીએ ગળા ઉપર હાથ મુક્યો. એ કહેવા માટે કે હવે બોલી શકાતું નથી. બોલવામાં પીડા થાય છે. મેં કહ્યું: ગુરુદેવ આપે બહુ શબ્દો અમને આપ્યા. હવે આપના શબ્દોનો બિલકુલ લોભ નથી. માત્ર આપની ઉર્જામાં બેસવું છે. છતાં કેટલા કરુણામય એ સદ્ગુરુ. કે એક વાક્ય તો બોલ્યા જ. એમણે કહ્યું: વૈખરીથી પરા તરફ જજે. મારા માટે તો એ વાક્ય એ જ ગુરુ મંત્ર બની ગયો. એ વખતે તો હું વૈખરીમાં જ હતો. માત્ર શબ્દોમાં. એ ગુરુદેવે એક વાક્ય દ્વારા શબ્દ શક્તિપાત આપી મને વૈખરીમાંથી પરામાં મૂકી દીધો.
તો સદ્ગુરુ શબ્દો દ્વારા પણ આપણી સાધનાને uplifted કરે, આંખ દ્વારા પણ કરે હાથ દ્વારા પણ કરે, અને ઉર્જા દ્વારા પણ કરે. કેટલા બડભાગી આપણે છીએ. તમે જે શહેરોમાં રહો છો. પાંચ-દસ મિનિટના WALKING DISTANCE પર ભવ્ય ઉપાશ્રયો, સદ્ગુરુઓ બિરાજમાન હોય અને એ સદ્ગુરુઓનો આશીર્વાદ તમને મળી જાય.
તો ચેતનાને પરમાંથી સ્વમાં મુકવી આસાન થઈ જાય. એક – એક સદ્ગુરુને જુઓ, એમના આનંદને જુઓ ખ્યાલ આવી જાય કે સદ્ગુરુ સ્વની અંદર જ છે માટે આનંદમાં છે, મારે પણ સ્વમાં જવું છે. હવે સ્વમાં જવા માટેની practical સાધના…