Maun Dhyan Sadhana Shibir 16 – Vachana – 6

119 Views
27 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject: भावित परमानन्द : क्वचिदपि न मनो नियोजयति

તમે સંસારમાં રહો છો અને તમારી પરિસ્થિતિને અનુરૂપ સારું ઘર, ગાડી, વસ્ત્રો વગેરે તમારી પાસે છે. પણ એ વાપરતી વખતે રાગ દશા પોષાતી નથી; ઉદાસીનદશામાં રહેવાય છે.

સંસારમાં ક્યાંય રસ નથી. અને રસ નથી એટલે હવે તમારે કંઈ કરવાનું નથી; બધું થયા કરે છે. બધાં જ પ્રયત્નો છૂટી ગયાં છે; જે કાર્ય અનિવાર્યરૂપેણ કરવું પડે – એ થઇ જાય છે.

તમે ઘટના-પ્રભાવિત ન હોવ, માત્ર પ્રભુ-પ્રભાવિત હોવ અને વર્તમાનયોગમાં હોવ, તો પછી તમારા માટે મનની કોઈ જરૂરિયાત જ નથી. મનનું conditioning જ સતત દુઃખી કરતુ હતું; પણ હવે એ મનનો ઉપયોગ કરવો નથી. સતત આનંદમાં રહેવું છે!

મૌન ધ્યાન સાધના શિબિર ૧૬ સુરત વાચના – ૬

શંખેશ્વર મહાતીર્થમાં શિબિર હતી. એકવાર મેં પ્રવચનમાં પૂછ્યું કે આજે સવારે શંખેશ્વર દાદા જોડે આપણે ગયા હતા, દાદાએ તમને પર્સનલી કશું કહેલું ખરું?’ જવાબ એ જ આવ્યો કે ગુરુદેવ દાદાએ કશું કહ્યું હશે, પણ દાદાની ભાષા અમારે પલ્લે પડે નહી. મેં કહ્યું: દાદાએ પોતાની મુખમુદ્રા દ્વારા, શરીરની મુદ્રા દ્વારા એક જ વાત કહેલી કે હું મારામાં સ્થિર થયો છું તું પણ તારામાં સ્થિર થઈ જા.

પ્રભુની નિશ્ચય આજ્ઞા આ જ છે. સ્વરૂપમાં સ્થિર થવું. કેટલું મજાનું પ્રભુનું શાસન આપણને મળ્યું છે. જ્યાં વ્યવહાર સાધના પણ અદ્ભુત, નિશ્ચય સાધના પણ અદ્ભુત. માત્ર તમારે એટલુ જ જોવાનું રહે છે કે તમારી વ્યવહાર સાધના નિશ્ચય સાધનામાં પરિણમે છે કે નથી પરિણમતી. તમે સામાયિક રોજની કરી એક કે બે. બહુ જ સરસ. પણ તમારે જોવું છે કે એ સામાયિકની સાધના પછી ક્રોધ કેટલો ઓછો થયો? પ્રભુની ભક્તિ કરી, વિતરાગ પરમાત્માની ભક્તિ કરી. તમારે એ જોવું છે કે તમારો રાગ કેટલો ઘટ્યો? સામાયિક રોજના થયા. બે કે ચાર. ક્રોધ ઓછો થયો નથી, તો તમારે સદ્ગુરુ પાસે આવવું જોઈએ અને પૂછવું જોઈએ કે સદ્ગુરુદેવ હું ક્યાં ચૂકું છુ? Where is my fault?

આનંદમયી માતા હમણાં થયા, હિંદુ સંપ્રદાયમાં બહુ મોટું જ નામ આનંદમયી માં નું. એક ભક્ત ૨૦ વર્ષથી દર મહીને આનંદમયી માતા પાસે આવતો હતો. એને માં પાસે આવ્યાને જે દિવસે ૨૦ વર્ષ પુરા થયા એ દિવસે એ ધ્રુસકે ધ્રુસકે માં ની પાસે રડી પડ્યો કે માં ૨૦ – ૨૦ વર્ષથી તારી પાસે આવું છું અને છતાં મારી ભીતર ફેરફાર કેમ નથી? માં એ કહ્યું ‘મેં તને પહેલી sitting માં કહેલું કે તારો અહંકાર જબરદસ્ત છે, એ અહંકારને તું ખંખેરી નાંખ. તું અહંકારને શિથીલ કરતો નથી, હું શું કરી શકીશ? અહંકારને શિથિલ કરવા માંડ. પછી જો હું તારી કેવી PERSONAL CARE કરું છું…. પ્રભુ અને સદ્ગુરુ આપણી PERSONAL CARE કરવા તૈયાર છે,. આપણે તૈયાર ખરા?

કેવી સદ્ગુરુ પરંપરા આપણને મળેલ છે. બે કલાક – ચાર કલાક પ્રવચન આપે એમને કશું જ જોઈતું નથી. એ કહે છે મેં તો માત્ર મારા પ્રભુની આજ્ઞા પ્રમાણે સ્વાધ્યાય કર્યો છે. આવી મજાની ગુરુ પરંપરા આપણને મળી છે. તો પ્રભુએ કહ્યું કે હું સ્વરૂપદશામાં સ્થિર થયો છું. તું પણ સ્વરૂપદશામાં સ્થિર થા. આપણે એક કડી લીધેલી, “દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે, અક્ષય આનંદ છે જીવનું, જ્ઞાન આનંદ ભરપૂર રે.” હું શરીર નથી, હું નામ નથી, હું મન નથી. હું બધાને પેલે પાર રહેલ નિર્મળ ચૈતન્ય છુ. હવે આપણે થિયરીકલી અને પ્રેક્ટીકલી કરીએ. એ નિર્મળ ચૈતન્યને પામવાની સાધના કરવી છે. એ માટે આપણે એક જ માત્ર મનને લીધું કે મનને કેવી રીતે બદલી શકાય અને મનથી પર કેમ બની શકાય. “THERE ARE THREE STAGES.”

પહેલું ચરણ હતું, મનને positive touch આપવો. કોઈ પણ ઘટના ઘટી એને positive touch આપી દો. બીજા ચરણે બધી જ ઘટનાઓથી અપ્રભાવિત બની જાઓ. બધી ઘટના એટલે કોઈ છરો લઈને મારવા આવી રહ્યું છે તો એ ઘટનાથી પણ આપણે  બેખબર રહેવું છે. એનાથી પણ આપણે અપ્રભાવિત બનવું છે અને ત્રીજા ચરણે મનથી પણ અપ્રભાવિત આપણે બનવું છે. મનનો ઉપયોગ આપણે કરવો નથી.

એક ઉદાહરણ ઘટના અપ્રભાવિતતા નો આપી આજે આપણે સીધા ત્રીજા ચરણ માં જઈશું. કેવી ઘટના અપ્રભાવિતતા હોઈ શકે છે. સદીઓ પહેલા એક જ્ઞાની આચાર્ય ભગવંત થયા. સોમસુંદરસૂરિ મહારાજ. એક નગરમાં ઉપાશ્રયમાં માસકલ્પ રીતે એ રહેલાં. ઉપાશ્રયની પાછળ જંગલ જેવું હતું. સાંજના સમયે એક સાપ એ જંગલમાંથી ઉપાશ્રયમાં આવ્યો અને એણે સીધું જ આચાર્ય ભગવંતને પગમાં ડંખ માર્યો. ભયંકર ઝેરી સાપ હતો. સાપનું ઝેર શરીરમાં ઉપરને ઉપર ચડવા માંડ્યું. ભક્તો બેબાકળા બની ગયા, આ માંત્રિકને લાવીએ, આ તાંત્રિકને લાવીએ, આ જાણકારને લાવીએ. ગુરુ ભગવંત જ્ઞાની છે. એમણે શ્રાવકોને બોલાવીને કહ્યું. અત્યારે તમે કોઈ જ ચિંતા નહિ કરતા. ઝેર આટલું ને આટલું જ રહેવાનું છે. અને એ ઝેર બીજી કોઈ રીતે ઉતરવાનું નથી, એક જ રીતે ઉતરવાનું છે. એ તમને હું કહી દઉં. કાલે સવારે દસ વાગે એક કઠિયારણ જંગલમાંથી લાકડાનો ભારો લઈને પૂર્વ દિશાના નગરના દરવાજે આવશે, તમારે એ કઠીયારણ નો લાકડાનો ભારો અને એ ભારો જેના ઉપર મુકેલો છે તે ઈંઢોણી બેઉને ખરીદી લેવાના છે. એ ઈંઢોણી સામાન્ય ઈંઢોણી નથી. વિષહર વેલડી જંગલમાં આવે છે. એ બહેનની પાસે ઈંઢોણી નહોતી. એણે જંગલની જ વેલડીની ઈંઢોણી બનાવી હશે. પણ એ વેલડી વિષહર વેલડી છે. એ વેલડી સહેજ ઘસી મારા ડંખના પ્રદેશ પાસે લગાડશો એટલે બધું જ ઝેર બહાર નીકળી જશે. એ જ રીતે કરવામાં આવ્યું. આચાર્ય ભગવંતના પગનું ઝેર બધું જ બહાર નીકળી ગયું. સ્વસ્થ બની ગયા. અને સ્વસ્થ તો હતા જ. તમે બે જણા ભેગા ના હોવને ત્યારે અને ખાસ તો કોરોના કાળમાં એકબીજાને પૂછતા સ્વસ્થ છો ને? એકેયને હરામ ખબર હોય કે સ્વસ્થ શબ્દનો શો અર્થ થાય. સ્વ એટલે તમે પોતે. અને સ્વસ્થ હોવું એટલે તમારી ભીતર તમારું હોવું. તમે આત્મસ્થ હોવ, સ્વરુપસ્થ હોવ તો સ્વસ્થ. બોલો તમારામાંથી સ્વસ્થ કેટલા અત્યારે? શરીરમાં રહેલાં નહિ. સ્વરુપદશામાં રહેલાં કેટલા? આચાર્ય ભગવંત શરીરમાં ઝેર હતું ત્યારે પણ સ્વસ્થ હતા. ઝેર લેવાઈ ગયું તો પણ સ્વસ્થ છે. એ વિચાર કરો, એક જ્ઞાની આચાર્ય ભગવંત. એમના શરીર માટે કેટલી વિરાધના થઈ. વનસ્પતિકાય ની થોડી વિરાધના થઈ. પ્રાયશ્ચિત્ત એ ગુરુદેવે પોતે લેવાનું હતું. કદાચ બીજા કોઈ સાધુના શરીર માટે આવી વિરાધના થયેલી હોત તો એક બે આયંબિલનું પ્રાયશ્ચિત્ત ગુરુદેવ આપી દે. પોતાના માટે આ ઘટના ઘટી છે ત્યારે એમણે પ્રાયશ્ચિત્ત તરીકે યાવજ્જીવ છ વિગઈનો ત્યાગ કર્યો છે. એક વસ્તુ તમારાં ખ્યાલમાં આવવી જોઈએ. કે તમે તમારાં મનના માલિક છો. મનને હું OBEDIENT SERVANT કહું છું. OBEDIENT SERVANT. તકલીફ તમારી શું થાય છે કહું. એક નોકર બીજા નોકરને કહેશે તો બીજો નોકર નહિ માને પણ બોસ નોકરને કહેશે તો નોકર માનશે. તમે મનની ભૂમિકા ઉપરથી મનને કહેશો તો મન નહિ માને. તમે ઉપર જાઓ. તમે એકદમ સ્વસ્થ બની જાઓ. સ્વરુપદશાના આનંદમાં જાઓ. અને પછી મનને આજ્ઞા કરો કે આમ નથી કરવાનું મન ચોક્કસ તમારી આજ્ઞા ઉઠાવશે, શરીરમાં અમારામાં અને તમારામાં પણ ફરક છે. મને પણ કોરોના થયેલો. મને પણ ઘણાં રોગો થઇ શકે, પણ અમારામાં અને તમારા મનમાં ફરક છે. શરીરમાં ફરક નથી. રોગો મને પણ આવી શકે. તમારી જેમ જ. પણ અમારા અને તમારાં મનમાં ફરક છે. અમે લોકો અમારાં મનના માલિક છીએ. અને એ માલિકી પણ અમને પ્રભુએ આપી છે. પ્રભૂએ કહ્યું કે તારી પાસે સંજ્ઞા પ્રભાવિત મન છે અને એના દ્વારા તું અનંતીવાર નરકમાં ગયો છે. એકવાર આજ્ઞાપ્રભાવિત મનનો ટેસ્ટ તો કરી જો. આ પ્રભુનું રજોહરણ મળ્યું અને પ્રભુએ અમને આજ્ઞા પ્રભાવિત મન આપ્યું. તમે કોઈ પણ વસ્તુ જોશો. વિચાર થશે આ બહુ સારું છે. તમે વધારે ફ્લેટો જોયા, બંગલાઓ જોયા કે અમારા મુનિરાજો એ વધારે જોયા? સાચું કહેજો. કેટલા – કેટલા શહેરોમાં રહેવાનું થાય. વહોરવા માટે કેટલી જગ્યાએ જવાનું થાય. એક પણ મુનિને ઈચ્છા થાય ખરી કે આ T.V બહુ સારું છે આમ Slim T.V એકદમ. આ શું થયું? આજ્ઞાપ્રભાવિત મન અમારી પાસે છે. ક્યાં સુધી અમારો મુનિ આજ્ઞા પ્રભાવિત હોય કે એ વહોરવા માટે જાય. નીચી નજરે ધર્મલાભ કહીને અંદર પ્રવેશે. એની આંખનો સંયમ કેટલો હોય. વહોરતી વખતે…. શાસ્ત્રોએ કહ્યું કે બેન… શ્રાવિકા બહેન વહોરાવી રહી છે તો એની આંગળીઓ સુધી મુનિનું ધ્યાન રહેશે. શા માટે? તો એ ચમચી જે એમના હાથમાં છે તો એ કાચા-પાણીના બકેટમાં નાંખી અને ફરી એનાથી વહોરાવવા જાય તો સાધુને ખ્યાલ આવે કે આ અમારે નહિ કલ્પે. કાચાપાણી ને touch થઈ ગઈ હવે એ અમારે કલ્પે નહિ. પણ એ બહેને કંગન પહેર્યું છે કે નહિ?, બંગડી પહેરી છે કે નહિ? એ ખબર મુનિને ન હોય. આટલો દ્રષ્ટિ સંયમ એ મુનિની પાસે હોય છે. શું મજા અમારી પાસે છે? એકવાર અમારી પાસે જે આનંદ છે એનો આંશિક અનુભવ કરો તમને થાય કે દુનિયાની અંદર આનંદ ક્યાંય પણ હોય તો એ શ્રામણ્યમાં જ  છે. “શ્રામણ્યમિદં રમણીયતરં”

તો શરીર તમારી પાસે જેવું છે એવું અમારી પાસે છે, પણ મન જેવું તમારી પાસે છે એવું અમારી પાસે નથી. તમારું મન સમાજથી પ્રભાવિત છે, અમારું મન પ્રભુથી પ્રભાવિત છે. 2BHK નો ફ્લેટ છે. સારો છે. એક દીકરો છે. એક બેડરૂમમાં દીકરો રહે, એક બેડરૂમમાં તમે રહો. મહેમાન આવે તો હોલમાં રહે. પણ 3BHK નું, 4BHK નું, 5BHK નું કોને જોઈએ છે? બહુ મજાની વાત તમને કરું. વેસુમાં ફરતા હોઈએ કે પાલમાં ફરતા હોઈએ તો ત્યાં 5BHK apartment ની જ જાહેરાતો જોવા મળે. રહેનાર બે જ જણા હોય, કારણકે એ શ્રીમંત એનો દીકરો કંઈ ભારતમાં ભણે તો તો એ ચાલે જ કેમ? વિદેશમાં જ ભણતા હોય. બે જ જણાને રહેવાનું છે. પાંચ રૂમનો, બે હજાર ફૂટનો, પાંચ હજાર કાર્પેટ ફૂટના એરિયાનો ફ્લેટ છે. એ ફ્લેટ કોના માટે? કોના માટે? સોસાયટી માટે. બરોબરને. તમારાં માટે નહિ. તમે સમાજ પ્રભાવિત છો. સમાજને સારું શું લાગે? એટલે સમાજને માટે 5BHK નો apartment. પણ સમાજને દેખાડવા માટે ને, રહેવા માટે તો નહિ જ ને પાછુ. અને સાચું પૂછું, તો દેખાડવા માટે કે દઝાડવા માટે? સરસ એરિયામાં, પોશ એરિયામાં મોટો ફ્લેટ લીધો. એની જ્ઞાતિનાં બધા બીજા એરિયામાં છે. આણે પોશ એરિયામાં મોટો ફ્લેટ લીધો. વાસ્તુપૂજા ભણાવે, ભગવાનને પધરાવે. પણ MAIN ઉદ્દેશ શું હોય કે જોઈ લો મારો ફ્લેટ કેટલો મોટો છે? તમે સમાજ પ્રભાવિત છો, અમે પ્રભુ પ્રભાવિત છીએ.

હમણાં અમદાવાદમાં એક ભાઈએ લક્ઝુરીયસ apartment લીધો. લગભગ 5 થી ૭ હજાર ફૂટ એરિયાનો. INTERIOR DECORATION માં બે કરોડ રૂપિયા ખર્ચ્યા. વાસ્તુપૂજા ભણાઈ ગઈ. બધા આવી ગયા. બધા કહે વાહ બહુ જ સરસ. એ ભાઈ નવા ઘરમાં આવી પણ ગયા. રોજ morning walk કરે. એક કિલોમીટર દુર એક બહુ મોટો બંગલો તૈયાર થઈ રહ્યો છે. બહુ મોટો. ૨૦ થી ૨૫ હજાર ફૂટ એરિયાનો હશે. બહાર બગીચો પણ એટલો મોટો. એકવાર એ બંગલા પાસેથી પસાર થાય. ત્યાં બંગલા પાસે એક મોટી કાર આવીને ઉભી રહી. કારમાંથી નીકળ્યો એનો CLASSMATE, BENCHMATE છગન. બે  ભેટી પડયા. છગન આમ મુંબઈ રહેતો હતો. છગને કહ્યું આ બંગલો આપણો બને છે જરા જોઈ લઈએ. અરે તું તો મુંબઈ રહે છે. ધંધો SET UP થઈ ગયો છે. દીકરાઓ ધંધો ચલાવશે. તો આપણે આરામથી અહિયાં રહીશું. એ છગન જયારે આનો બેંચ મેટ હતો ત્યારે ઢબુ ના ઢ જેવો હતો અને એવો પુણ્યનો ઉદય થયો કે આજે અબજોપતિ થઈ ગયો છે. પેલો ભાઈ બંગલો જોવા માટે જાય છે છગનનો. ૧૦ થી ૧૨ તો રૂમ. એકેય છોકરો રહેવા આવવાનો નથી અમદાવાદ મુંબઈથી. ૧૦ થી ૧૨ રૂમ અને એને કહ્યું. કે બસ હવે INTERIOR DECORATOR જોડે મીટીંગ ચાલે છે. ૧૦ કરોડ રૂપિયામાં INTERIOR DECORATION આપવાનો છે. અને બહારનો બગીચો, એને DEVLOPE કરતા કરોડ બે કરોડ રૂપિયા લાગશે. હવે પેલા ભાઈની હાલત કેવી થાય? સાચું કહેજો. એના ફ્લેટ નો આનંદ એની પાસે રહે? કેમ શું થયું? સમાજ પ્રભાવિત દ્રષ્ટિ ક્યારેય પણ તમને સુખી ન બનાવી શકે. પ્રભુ પ્રભાવિત દ્રષ્ટિ તમને સુખી બનાવી શકે.

તો પહેલું ચરણ મનને positive touch આપવો. અને બીજું ચરણ કે મન તમામ ઘટનાઓથી અપ્રભાવિત બને. એટલે કે પ્રભુથી પ્રભાવિત બને. અને ત્રીજું ચરણ એ  છે, જ્યાં મનનો ઉપયોગ નથી. એ વાત કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ “યોગશાસ્ત્ર” ના બારમા પ્રકાશમાં કહી છે. એમણે બારમા પ્રકાશમાં કહ્યું શરૂઆતમાં કે અત્યાર સુધી મેં જે કહ્યું એ ગુરુગમથી મળેલું કહ્યું, શાસ્ત્રો થી મળેલું કહ્યું. મેં જે અનુભવ કર્યો છે તેની વાત હવે કહું છું, અને એમ કહીને એમણે આ વાત લખી છે. “ઔદાસીન્યે નિમગ્ન: પ્રયત્ન પરિવર્જિત: સતતમાત્મા, ભાવિત પરમાનન્દ: ક્વચિદ્Sપિ મનો ન નિયોજયતિ” આ ત્રીજું ચરણ. ઔદાસીન્યે નિમગ્ન:. એક પ્રભુનો મુનિ, એક પ્રભુની સાધ્વી અને તમે પ્રભુના સાધક અને સાધિકા છો. ઉદાસીન ભાવ તમારી પાસે હોય. સંસારમાં રહો છો. તમારી પરિસ્થિતિને  અનુરૂપ સારું ઘર, સારી કાર, સારા વસ્ત્રો બધુ જ તમારી પાસે છે. પણ એ વાપરતી વખતે રાગદશા ને પોષવી નથી, ઉદાસીનદશામાં રહેવું છે.

હું એક let must test સાધકોને આપું છુ. તમે સવારે પૂજા કરવા ગયા. પ્રભુની પૂજા કરીને ઘરે આવ્યા. WORDROBE માં તમારાં કપડાં પડેલા છે. તમે પાયજામો અને ઝભ્ભો પહેરો છો. પાયજામાં તો WHITE હોય છે ઝભ્ભામાં ત્રણ-ચાર કલર છે. એશ કલરનો, મરુન કલરનો, યલો કલરનો. પૂજા કરીને તમે આવ્યા. તમે કપડાં બદલ્યા, નવકારશીનું પચ્ચક્ખાણ થઈ ગયેલું, પચ્ચક્ખાણ પાર્યું. તમે નવકારશી કરવા માટે બેઠા. નાસ્તો થઈ ગયો. પછી એક મિનિટ આંખ બંધ કરો. અને તમારી જાતને પૂછો કે આજે જે ઝભ્ભો પહેર્યો છે એ કયા કલરનો. જવાબ સાચો મળે તો તમારી સાધના થોડીક ઓછી કહેવાય અને જવાબમાં તમે ગુપચાઓ તો તમારી સાધના પૂરી કહેવાય. આંખો બંધ કરી પૂછ્યું. પછી તમે ગુપચાયા, ખ્યાલ નથી આવતો. આજે મરુન કલરનો પહેર્યો, એશ કલરનો પહેર્યો. આ ખ્યાલ નથી આવતો ક્યારે બને? માત્ર શરીરે કપડાં પહેર્યા હોય તો. મને કપડાં નથી પહેર્યા. માત્ર શરીરે કપડાં પહેર્યા છે. તમારું મન એ વખતે પ્રભુની પુજાના આનંદમાં હતું. મન ક્યાં હતું? પુજાના આનંદમાં. કપડાં પહેરાઈ ગયા. હવે ખબર નથી પડતી કે કયા કલરનો ઝભ્ભો પહેર્યો છે?

વિશાલ લોચનદલં માં સરસ વાત આવી. યેષામભિષેક કર્મકૃત્વા. પ્રભુનો અભિષેક કરીને મેરુ પર્વત પરથી ઇન્દ્રો જયારે નંદીશ્વરદ્વીપ જાય પછી જયારે પોતાના દેવલોકમાં જાય એટલો બધો પ્રભુના અભિષેક નો આનંદ છે કે સ્વર્ગલોક નું સુખ એમને તણખલા જેવું લાગે છે. એમ પૂજાનો આનંદ એટલો બધો આવેલો હોય કે કયા કલરનો ઝભ્ભો પહેર્યો છે ખ્યાલ નથી આવતો. તો આ રીતે તમે ઉદાસીન ભાવમાં જઈ શકો. કપડાં તમારે તમારી હાલની પરિસ્થિતિ પ્રમાણે પહેરવાના જ હોય છે. એક ઉચ્ચ શ્રાવક તરીકે પણ તમે વ્યવસ્થિત કપડાં ન પહેરો તો  ન ચાલે. કપડાં પહેરવા પડે. પણ એ કપડામાં રાગ રાખવો કે ન રાખવો એ તમારાં હાથની વાત છે. તો કપડાં પહેર્યા, કયા પહેર્યા એ ખ્યાલ નથી. આ ઉદાસીન ભાવ છે. તો ઔદાસીન્યે નિમગ્ન: પ્રયત્ન પરિવર્જિત: સતતમાત્મા – હવે એને કંઈ કરવાનું નથી બધું થયા કરે છે. સંસારમાં એને રસ નથી અને રસ ન હોવાના કારણે જે કરવું પડે એ થઈ જાય છે.

એવો સાધક કેવો હોય છે? ભાવિત પરમાનંદ – પરમાનંદ માં ડૂબેલો હોય છે આ પરમઆનંદ માં ડૂબવાનું સૂત્ર. તમારું મન સમાજ પ્રભાવિત હશે તો તમે આનંદમાં ડૂબી શકો નહિ કારણ તમારું સુખ પરાધીન બની ગયું. Reception રાખ્યું. ૧૦૦ જણા આવ્યા. તમે રાજી ક્યારે? ૧૦૦ એ ૧૦૦ જણા કહે વાહ! શું reception? ઘણા reception ગયા પણ આ reception એટલે top most. એટલે તમે રાજી-રાજી. પૈસા વસૂલ. વળી જો ૧૦ જણા કહી દે કયા રસોઈયાને પકડી લાવ્યા હતા? રસોઈયો હતો કે ગધેડો હતો કે આવી રસોઈ બનાવી હતી? તમને કંઈ ખ્યાલ ના આવ્યો? પૈસા ડૂલ. તમે સંઘ કઢાવો એમાં જયણાનો ભાવ વધારે કે લોકો ખુશ થાય એનો ભાવ વધારે? ભાવ વધારે શાનો? તો ભાવિત પરમાનંદ: –  પરમાનંદ માં ડૂબેલો કોણ હોય તો જે પ્રભુ પ્રભાવિત બનેલો હોય. મારા પ્રભુની આજ્ઞા પ્રમાણે મેં કર્યું છે. રાત્રે reception નહિ. રાત્રે કોઈ જમણવાર નહિ. આ આમ નહિ, આ આમ નહિ. બસ મારા પ્રભુને મારે રીઝવવા છે. બોલો સહેલું શું? તમારી આજુબાજુની દુનિયાને રીઝાવવી એ સહેલું કે ભગવાનને રીઝવવા એ સહેલું? સહેલું શું?

અમારા ગામના એક અગ્રણી હતા. બહુ જ ધાર્મિક રીતે ચુસ્ત. રાત્રિભોજન એમના ત્યાં હોય જ નહિ. આખી જ્ઞાતિના લોકોને ખબર. સુર્યાસ્ત થઈ ગયો હોય ને એમના ત્યાં જવાનું હોય ને તો પહેલા ન જાય કે ત્યાં ગયા તો પાણી સિવાય કાઈ મળવાનું નથી. દિવસે ૧૦ મીઠાઈ મળે પણ રાત્રે પાણી સિવાય કાંઈ નહિ. S.T મોડી પડી હોય. સુર્યાસ્ત થઈ ગયો હોય. તો બીજાને ત્યાં જઈ જમી અને પછી પેલાને ત્યાં જાય. એમાં દીકરીનું લગ્ન આવ્યું. વરરાજા ને જાનૈયાઓ એ ઉશ્કેર્યો. કે આપણા સમાજનું ધર્મનું પુંછડું આ છે. એના ત્યાં રાત્રે કોઈ ખાઈ શકતું નથી. આપણે રાત્રે જ જમવા જવાનું. તું વરરાજા છે. એક દિવસનો રાજા તો તું  છે. તને ના શી રીતે પાડશે? એટલે વરરાજા પણ તાનમાં આવી ગયો. એ જમાનામાં જાન ચાર-પાંચ દિવસ રહે. જાતજાતના ભોજનો, જાતજાતની સરભરા. સાંજના ૫ વાગ્યાથી સંદેશ આવવો શરુ થયો. ભાઈ ચાલો જમવા ચાલો જમવા. જાનૈયાઓ બધા આવી ગયા બધાને ખબર કે રાત્રે કાંઈ મળવાનું નથી. વરરાજા નહિ આવ્યા. બરોબર સુર્યાસ્ત થયો અને પછી એ લોકો આવે છે. પેલા ભાઈ એટલાં કડક કે રાત્રે તો નહિ એટલે નહિ. ઘરવાળા ગભરાય… એમણે કહ્યું સુર્યાસ્ત થવા આવ્યો ચાલો માણસો ને જમાડી દો. માણસો જમી ગયા. જે બાકી છે ગરીબોને આપી દો. સુર્યાસ્ત થાય પહેલા તપેલા બધા સાફ. અને વરરાજા ને એના મિત્રો આવ્યા. અમારે જમવું છે. અમારે ત્યાં કાંઈ છે નહિ. જુઓ બધા તપેલા ઉંધા પડી ગયા. અરે ભલે તપેલા ઉંધા પડી ગયા. દાળ-શાક ભાતના તપેલા ઉંધા પડયા છે. મીઠાઈ તો હોય જ, નમકીન તો હોય જ. ચા બનાવી આપો ખાઈ લઈશું. એ વખતે એ શ્રેષ્ઠી એ કહ્યું કાન ખોલીને સાંભળી લો આ ઘરમાં રાત્રે પાણી સિવાય કાંઈ નહિ મળે તમને. થોડાક આજુબાજુવાળા ગભરાયા. પેલા શેઠને આમ ખાનગીમાં લઇ જઈને સમજાવે પણ આજે તો થોડી બાંધછોડ કરી લો. આ વર એનો સ્વભાવ તમારા ખ્યાલમાં છે? ટટું જેવો સ્વભાવ છે એનો. ના પાડી દેશે તમારી દીકરી સાથે લગન નથી કરવા. તો આપણે શું કરીશું? આપણે એકદમ ઉચ્ચ લોકો. એકવાર સગાઇ થઈ ગઈ પછી પણ આપણે બીજો વિચાર નથી કરી શક્તા. આ તો લગ્ન લેવાઈ ગયા. અને ના પાડીને બેસશે તો? અને એ વખતે એ ભાઈ કહે છે આ મારી દીકરી છે પેલો ના પાડશે ને તો દીક્ષા લઇ લેશે બીજો કોઈ વિચાર નહિ કરે. પણ રાત્રે જમવાનું તો નહિ જ આપું. અને ખરેખર જ્યાં ના પાડી વરરાજા ઉશ્કેરાઈ ગયો. નથી કરવા લગન મારે. ના કરવા હોય તો તું જાણે તારે જે કરવું હોય. વરરાજા તો ઘરે ગયો. અને હવે તો તૈયાર થવાનો સમય હતો. મારે તૈયાર ક્યાં થવું છે. મારે લગન કરવા નથી. આવાને ત્યાં કોણ લગન કરે? વર પક્ષવાળા થોડા ગભરાયા. પણ એ વખતે જ્ઞાતિ પ્રથા હતી ને. જ્ઞાતિના ૧૦ આગેવાનો વર પાસે ગયા. એવા આગેવાનો હતા કે જેને જોઇને લોકો ગભરાઈ જાય. ધાક પડે એવા. એક જણાએ વરને કહ્યું, હરામખોર! આવા સમાજના અગ્રણીની દીકરી તને મળે છે. જરા તારું મોઢું જઈને જો. છે તારામાં અક્કલ કંઈ. તારું ઘર ક્યાં? અને આનું ઘર ક્યાં? જો તો ખરો. આ આપણા સમાજના નંબર 1 નું ઘર છે. અને એની દીકરી તારે જોઈતી નથી. સાલા બે લાફા ઠોકુ. કપડાં પહેરી લે. શું કરે છે? લગ્ન થઈ ગયા. તો શું હતું? પ્રભુ સમર્પિત મન હતું.

સંસારમાં જે થવાનું હોય એ થાય કોઈ વાંધો નથી. પ્રભુની જે આજ્ઞા મળી છે એની અંદર સહેજપણ COMPROMIZATION નહિ થાય. તો ભાવિત પરમાનંદ:. અને આવું જેનું મન પરમ આનંદમાં ડૂબી ગયું એ વિચાર શાનો કરે….. વિચાર ક્યારે આવે ખબર છે? વિચાર ક્યારે આવે? શું કરશું ? જરા તકલીફમાં મુકાઇ ગયા છીએ. કાં તો ભૂતકાળ ની કોઈ વાત હોય યાદ આવે. કેટલા બધા ફસાઈ ગયા હતા. ભવિષ્યની વાત આવે. પણ જેને વર્તમાનકાળમાં જ રહેવું છે. વર્તમાનયોગ એ જેની સાધના છે એ તો મજામાં હોય. અને એને મનનો ઉપયોગ કરવો નથી. તમારું મન યા તો ભૂતકાળમાં તમને લઇ જાય, યા તો ભવિષ્યમાં લઇ જાય. વર્તમાનકાળમાં તમારે રહેવું છે ત્યાં તમારા મનની કોઈ જરૂરિયાત જ નથી. તો કેટલા મજાના ત્રણ ચરણો મળ્યાં. જે મન સતત તમને પરેશાન કરે છે એ મનની ચુંગાલમાંથી તમે બહાર નીકળી ગયા. અત્યારે તમને પીડા આપનાર તમારું શરીર કે તમારું મન? બોલો. તમારી પાસે બે વસ્તુ છે. તમને પીડા આપનાર કોણ. શરીર તો ક્યારેક રોગ આવે ત્યારે પીડા આપે. આ તમારું મન. કોઈને ત્યાં ગયા. દિવાળીમાં ઘણાને ત્યાં જાવ ને… અને એને ત્યાં કોઈ સારી વસ્તુ જોઈ. સાલું આપણે ત્યાં આવું નથી હો. પછી એકદમ CLOSE FRIEND હોય તો પૂછે આ કેટલાનું લાવ્યો? બે લાખનું. ઓહહો બે લાખનું આપણા બજેટમાં બેસતું નથી. પણ સાલું વસ્તુ બહુ સારી છે હો. દુઃખ ઉભું થઈ ગયું. એક પદાર્થને મેળવવાની ઈચ્છા ઉભી થઈ એટલે દુઃખ ઉભું થયું. તો શરીર તમને દુઃખી કરે છે કે મન દુઃખી કરે છે? શરીરને ખાવા માટે કેટલું જોઈએ બે રોટલી, ચાર રોટલી. તકલીફ તમારાં મનની છે. આપણી ગુજરાતી થાળી હોયને એમાં સવારે ખાખરા હોય, બપોરે રોટલી શાક-ભાત હોય, સાંજે ભાખરી-શાક હોય. બરોબર. આખરે ઘઉં નું ઘઉં જ થયું કે બીજું કાઈ. ઘઉંના ખાખરા, ઘઉંની રોટલી, ઘઉંની ભાખરી. સવારે નાસ્તામાં  સાડા સાત વાગે રોટલી આપે તો કેવું લાગે? કેમ?

તમારાં મનનું એક CONDITIONING થઈ ગયું છે કે આ આ વખતે તો આ જ ચાલે. હવે દુઃખી કોણે કર્યા? આ CONDITIONING કર્યા. અત્યારે રોટલી. હોતી હશે અત્યારે. તો આ તમારું મન સતત તમને દુઃખી કરે છે. એ મન તમને પીડા ન આપી શકે એવું થઈ જાય તો કેટલું સારું? અને જે 3 ચરણ આપણે ઘૂંટ્યા ૬ session માં એ  મજાના હતા?

Positive touch આપી દેવો. ઘટનાથી પ્રભાવિત નહિ બનવું. ઘટના, ઘટના છે. તમે, તમે છો. અઠવાડિયા પછી એ ઘટનાને તમે ભૂલી જવાના છો. એક પણ ઘટનાથી પ્રભાવિત ન બનવું અને ત્રીજી વાત ઘટના પ્રભાવિત તમે ન હોવ,પ્રભુ પ્રભાવિત તમે હોવ. વર્તમાનયોગમાં તમે આવી ગયા. તો મનનો ઉપયોગ જ નથી પછી. શરીર છે. મનનો ઉપયોગ વધુ નથી. સંતોનો ઉપદેશ સાંભળવો છે ત્યાં મનનો ઉપયોગ છે. પણ જ્યાં મન પીડિત થાય એવું છે ત્યાં મનના T.V ની સ્વીચ જે છે તે OFF કરી દેવી. એટલે મનની સ્વીચ તમને આપી દેવી. ક્યારે ON કરું, ક્યારે OFF કરું. જે ક્ષણે લાગે કે આ વિચાર દ્વારા મનમાં પીડા થાય એમ છે એ ક્ષણે મનને OFF કરી દેવું.

અમે જે EVERFRESH અને EVERGREEN છીએ એનું કારણ આ છે કે વર્તમાનયોગમાં છીએ. મનનું ખાસ એવું કાંઈ કામ પણ નથી. અનુભૂતિની દુનિયામાં જે પણ સાધકો પહોંચી ગયા એમણે વિચારવાનું હોતું જ નથી વિચાર ક્યાં સુધી છે, અનુભૂતિ નથી ત્યાં સુધી.

રામકૃષ્ણ પરમહંસ કહેતા કે બ્રાહ્મણો જમવા માટે ભેગા થયા હોય, મોટો હોલ છે, પછી પીરસાતી હોય વાનગીઓ. લાડુ-દાળ-શાક. અવાજ અવાજ. પેલો કે મને લાડુ આપો, પેલો કે શાક આ બાજુ, પેલો કે દાળ આ બાજુ. પણ પીરસાઈ જાય પછી હરહર થાય. એ હરહરનો ઉચ્ચાર થયો. હરહર મહાદેવ. ચુપ્પી. બધાય જમવા મંડી પડે. શબ્દો ક્યાં સુધી હતા? જ્યાં સુધી જમવાનું ન હતું ત્યાં સુધી. જે ક્ષણે ભોજન શરૂ થયું  શબ્દો પુરા થઈ ગયા. એમ વિચારો ક્યાં સુધી છે? અનુભૂતિ નથી ત્યાં સુધી. જે ક્ષણે અનુભૂતિ ચાલુ થઈ ગઈ વિચારોનું કોઈ કામ નથી.

તો અમે લોકો જે આનંદમાં છીએ એ આનંદ તમને મળે એના માટે આ ત્રીજું ચરણ છે. કે પ્રભુ પ્રભાવિત મનને બનાવી દીધું. નથી ભૂતકાળનો વિચાર કરવો, નથી ભવિષ્યકાળનો ઉપયોગ કરવો. વર્તમાનકાળમાં રહેવું છે અને મનનો ઉપયોગ કરવો નથી. સતત આનંદની ભૂમિકામાં તમારે રહેવું છે. તો આ રીતે ત્રણ ચરણો ઉપર આપણે વાર્તાલાપ કર્યો એ ત્રણ ચરણો પ્રભુની કૃપાથી તમને બધાને મળી જાય એવો આશીર્વાદ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *