વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject: અધ્યાત્મ યોગથી વૃતિ સંક્ષય યોગ
અધ્યાત્મયોગ એટલે નિર્મળ મન. નિર્મળ મનમાં સતત આત્મતત્ત્વનું ચિંતન ચાલ્યા કરે. દેશવિરતિ અથવા સર્વવિરતિ સાધક ઔચિત્યપૂર્વક જીવતો હોય અને એ પ્રભુના વચનાનુસારે અને મૈત્રી વગેરે ભાવોથી યુક્ત તત્ત્વચિંતન કરે, તો એ અધ્યાત્મ છે.
ઔચિત્ય એટલે ત્રીજી આંખ. સદ્ગુરુના ચરણોમાં વર્ષો સુધી રહેવાથી ઔચિત્ય એટલે શું – એ તમને ખ્યાલ આવે છે. ઔચિત્યપૂર્વક જીવનારો સાધક પોતાની બુદ્ધિથી નહિ, પણ શાસ્ત્રવચનને સામે રાખીને વચનાનુસારી તત્ત્વચિંતન કરે.
અનંત જન્મોના આપણા કઠોર ભાવને કોમળ ભાવમાં પરિવર્તિત કરવા માટે તત્ત્વચિંતન મૈત્રી, પ્રમોદ, કરૂણા, માધ્યસ્થ્ય આદિ ભાવોથી યુક્ત હોવું જોઈએ. નિશ્ચયમાં જશો, ત્યારે સીધું જ વીતરાગતાથી યુક્ત તત્ત્વચિંતન તમે કરશો; પણ ત્યાં સુધી જીવો પ્રત્યેનો મૈત્રીભાવ ઘૂંટવાનો છે.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૭ – જીરાવલા વાચના – ૨
અધ્યાત્મ યોગ, ભાવના યોગ, અને ધ્યાન યોગ, આ ત્રણ પર આપણે પહેલા કેન્દ્રિત થઈએ છીએ. અધ્યાત્મ યોગ એટલે નિર્મળ મન. ભાવન યોગ એટલે નિર્મળ હૃદય, અને ધ્યાન એટલે નિર્મળ અસ્તિત્વ.
નિર્મળ મન બનાવવા માટેનો શ્રેષ્ઠ માર્ગ એ જ છે અને એ છે પભુના પ્રેમથી હૃદયને ભરી દેવું. પ્રભુનો પ્રેમ સતત વરસી રહ્યો છે. એક માત્ર અહોભાવની ધારા, એકમાત્ર ભીનાશની ધારા અને પ્રભુના પ્રેમને તમે પકડી શકશો. એ પ્રભુના પ્રેમથી મન છલક-છલક છલકાઈ જાય, એ મનમાં રાગ અને દ્વેષ ક્યાંથી આવી શકે? તમારું મન નિર્મળ બની જાય. પ્રભુનો પ્રેમ કેવી રીતે ઝીલાય છે, એની મજાની ઘટના આપણી પરંપરામાં છે. પ્રભુ મહાવીરદેવના સિંહ અણગાર એમની સાધના ઊંચકાઈ ગયેલી. પ્રભુને એમણે પૂછ્યું કે પ્રભુ! મારી સાધનાને ઊંડાણનો મોટો આયામ આયામ આપવા માટે હું જંગલમાં જઈ શકું? પ્રભુએ હા પાડી અને સિંહ અણગાર જંગલમાં સાધનાને ઘૂંટવા માટે ગયા. આ આપણી મજાની પરંપરા.
જંગલમાં જાવ, ગુફામાં જાવ, ધન્ના અને શાલીભદ્ર મુનિએ વૈભારગિરિની ગુફામાં જઈને સાધનાને ઘૂંટેલી. અંતરિક્ષજીની યાત્રાએ જવાનું થયું, ત્યારે ઈલોરા ગુફાસમૂહને જોવાનું થયું. ત્યાં બૌદ્ધ ગુફા સમૂહ પણ છે. હિંદુ ગુફા સમૂહ પણ છે, અને જૈન ગુફા સમૂહ પણ છે. એ ગુફાઓને જોઈ ત્યારે ઈર્ષ્યા થયેલી, કે કેવા એ મહામુનિઓ હશે, કે ગામથી દૂર-દૂર આવેલી, ગુફાની અંદર રહીને ભગવાને આપેલી સાધનાને ઘૂંટી રહ્યા હશે.
એમ.પી. ની યાત્રાએ ગયેલા, ત્યારે ધર્મરાજેશ્વરનો બૌદ્ધ ગુફાસમૂહ જોવા મળ્યો. કાર્યક્રમ અમારો એવો હતો, કે સવારે નવ વાગે ત્યાં પહોંચીએ, બે-એક કલાકમાં ગુફાઓને જોઈ ૧૧ વાગે નીચે ઉતરી જઈએ, ગેસ્ટ હાઉસમાં આરામ કરીએ. ત્યાં પહોંચ્યા, એ ગુફાઓને જોઈ, હું તો સ્તબ્ધ થઇ ગયો. એ દિવસે કોઈ ટુરિસ્ટ પણ નહિ. અમે એકલા જ. મેં પ્રબંધ સંચાલકને બોલાવીને કહ્યું, કે આજનો કાર્યક્રમ ફેરવી નાંખો. સાંજ સુધી આપણે અહીંયા રહીશું. સાંજે પાંચ વાગે નીચે ઉતરી ગેસ્ટ હાઉસમાં આરામ કરશું. બે કલાક ગુફાઓને જોઈ, પછી એલ આકારની એક ગુફા હતી, એમાં આરામ કર્યો. વર્ષો પહેલાંની આ ઘટના આજે પણ મને યાદ આવે છે, એ ગુફા બૌદ્ધ ગુફા હતી, ૨૫૦૦ વર્ષના ભિક્ષુઓના આંદોલનો એમાં જકડાયેલા હતા. ગુફા તમે જોઈ છે, એને એક જ દ્વાર છે. આજુબાજુ કોઈ વેન્ટીલેશન નથી. પાછળ કોઈ દ્વાર નથી. એટલે જે ઉર્જા અંદર ઉત્પન્ન થાય, એ અંદર ને અંદર ઘુમરાયા કરે. ગોચરી વાપર્યા પછી થાકી ગયેલો, સુતો. ઊંઘ નથી આવતી, તન્દ્રાવસ્થા ચાલતી હતી. એ તન્દ્રાવસ્થામાં હું ૨૫૦૦ વર્ષ પહેલાં પહોંચી ગયો. આજુબાજુ કોઈ મુનિઓ બોલતાં હોય, અને મને લાગે કે જાણે કોઈ પુરાણા- પ્રાચીન ભિક્ષુ બોલી રહ્યા છે. એવો એક અનુભવ મને થયો, મને થયું, કે ઈલોરાની જૈન ગુફામાં, કે અજંટાની કે એલિફન્ટાની જૈન ગુફાઓમાં જઈને સાધના કરીએ તો અમારી સાધના પણ ઊંચકાઈ જાય. આપણા સદ્ભાગ્યે નાશિકની બાજુમાં આવેલ, અંજનેરી ગુફાસમુહમાં પહેલું જ જૈન ધ્યાન કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.
પંન્યાસ લબ્ધિવલ્લભવિજયજી, અને પંન્યાસ યશરત્નવિજયજી ના માર્ગદર્શન હેઠળ ત્યાં આગળ પાસગવિહાર નામથી જૈન ધ્યાન કેન્દ્ર બની રહ્યું છે. હમણાં જ એનું ખનન છે. અને દોઢ-એક વર્ષમાં એ ધ્યાન કેન્દ્ર તૈયાર થઇ જશે. તો એક ગુફાસમૂહોનો અનુભવ એ ધ્યાનકેન્દ્રમાં મળશે. આધુનિક સુવિધાઓ પણ ઉભી કરી છે ત્યાં, પણ ગુફાઓને પણ જાળવી રાખી છે. અને ગુફાઓની અંદર જઈને ધ્યાન કરી શકાય એવી વ્યવસ્થા ત્યાં કરી છે. તો આ એક આપણી પરંપરા હતી. કે જેમની સાધના ઊંચકાઈ ગયેલી હોય એ મુનિ સદ્ગુરુની આજ્ઞા લઈને એકાકી જંગલમાં, ગુફામાં જાય. સિંહ અણગારે પ્રભુને પૂછ્યું, પ્રભુની અનુમતિ મળી, સિંહ અણગાર જંગલમાં ગયા. આપણે ત્યાં બે જાતની સાધના છે. એક ગીતાર્થની સાધના, બીજી ગીતાર્થની નિશ્રાની સાધના. જ્યારે એક મુનિ ગીતાર્થ બની જાય છે, અને એની અંદરથી એને પ્રકાશ મળવો શરૂ થાય છે, ત્યારે ગુરુ પણ કહે છે કે તું તારા પ્રકાશ પ્રમાણે ચાલ. પણ જેનો ભીતરી પ્રકાશ હજુ ચાલુ નથી થયો, એણે સદ્ગુરુની આજ્ઞામાં રહીને જ સાધના કરવાની છે.
સિંહ અણગાર ગીતાર્થ છે. જંગલમાં ગયા. એ અરસામાં પરમાત્માના પાવન દેહ ઉપર ગોશાલકે જે તેજોલેશ્યા છોડેલી, એની સહેજ અસર રહી. એ અસરને કારણે પરમાત્માનું શરીર થોડું દુબળું થયું, કૃશ થયું. પણ, સિંહ અણગાર જ્યાં હતાં ત્યાં વાત બહુ જ વિકૃત રૂપે બહાર આવી. થોડા પ્રવાસીઓ ત્યાંથી જતાં હશે, એ બોલતાં હતાં, કે ભગવાન મહાવીર કેવા મહાન હતાં, પણ જતાં રહ્યા. ભગવાન ગયા…! આ શબ્દો સાંભળતા ધ્રાસકો પડે છે. પ્રભુ ગયા! મારા જીવનનું કેન્દ્ર. મારા જીવનનો આધાર સેતુ, પ્રભુ ગયા, હું શી રીતે જીવીશ? ધ્રુસકે ધ્રુસકે છાતી ફાટ રડે છે. પ્રભુ તો વિદ્યમાન છે. પોતાના કેવલજ્ઞાનમાં પ્રભુ આ દ્રશ્યને જોવે છે, જોયા પછી ભગવાને ગૌતમ સ્વામીને બોલાવ્યા, અને કહ્યું, સિંહ અણગાર જંગલમાં જ્યાં ધ્યાન કરે છે, ત્યાં બે મુનિઓને મોકલો, અને એ મુનિઓને કહેવાનું છે કે ભગવાન તમને બોલાવે છે. મુનિઓએ આટલું જ ત્યાં જઈને કહેવાનું છે કે પ્રભુ તમને બોલાવે છે. બે મુનિઓ ગયા, સિંહ અણગારે બે મુનિઓને દૂરથી આવતાં જોયા, હવે તો નક્કી થયું, પ્રભુ ગયા જ છે. અને આ સંદેશ આપવા માટે આ મુનિઓ મારી પાસે આવી રહ્યા છે. પણ એ મુનિઓના ચહેરા ઉપર સ્મિત હતું, હાસ્ય હતું, અને પ્રભુ ગયેલા હોય, તો શોકાકુલ ચહેરો હોય, એ મુનિઓએ વંદન કરીને કહ્યું, કે પ્રભુ તમને બોલાવે છે. પ્રભુ મને બોલાવે છે? એટલે પ્રભુ છે? પ્રભુ વિદ્યમાન છે? અરે! પ્રભુ વિદ્યમાન છે, સમવસરણમાં દેશના આપી રહ્યા છે, ચાલો તમને બોલાવે છે.
પ્રભુ તમને બોલાવે કેટલા ખુશ થાવ? અને પ્રભુ તમને યાદ કરે છે એમ કહું તો? પ્રભુ તમને યાદ કરે! પ્રભુ તમારી પ્રતિક્ષા કરે, પ્રભુને તમારી ભીતર અવતરિત થવું છે એટલે સદ્ગુરુને મોકલે કે જાવ એ initial સ્ટેજનું કામ કરી દો, મારે એના હૃદયમાં અવતરિત થવું છે.
સિંહ અણગાર પ્રભુની પાસે આવ્યા, વંદના કરી, અરે વાહ! મારા પ્રભુ તો જીવંત છે. આનંદ.. આનંદ.. ઓચ્છવ છવાઈ ગયો. પણ પ્રભુનું શરીર કૃશ તો બનેલું જ હતું. દુબળું તો થયેલું જ હતું. તીર્થંકર પરમાત્માનું શરીર એવું ને એવું જ રહે, એમાં ક્યારે ફરક પડે નહિ. પણ ગોશાલકના ઉપસર્ગના કારણે પ્રભુના શરીરમાં આ ફેરફાર થયો એને અચ્છેરામાં ગણ્યું છે. આશ્ચર્યમાં. તો પ્રભુનું શરીર કૃશ થયેલું જોયું તો આંખોમાં વેદનાના આંસુ આવ્યા. એક આંખમાં હર્ષના આંસુ, બીજી આંખમાં વેદનાના આંસુ.
મેં એકવાર પ્રવચનમાં પૂછેલું, કે બે આંખ શા માટે છે? બે આંખ શા માટે? એક ભાઈએ સરસ જવાબ આપ્યો. કે પ્રભુને જોઈ શકાય માટે, મેં કહ્યું ok. પણ એક આંખ હોય તો પણ પ્રભુને જોઈ શકાય. બે આંખ શા માટે? એ કહે સાહેબ તમે જ કહો ને… મેં કહ્યું, પ્રભુનું દર્શન કરતાં બે જાતની ભાવ ભૂમિકા આપણા હૃદયમાં ઉત્પન્ન થાય છે, એક તો આનંદ કે પ્રભુ આ કલિકાલમાં પણ તું મળી ગયો! જીરાવલા દાદા તમે મને મળી ગયા! તમે ધરતીમાં અદ્રશ્ય થયેલા, અમારા માટે પ્રગટ થયા, અને તમે અમને દર્શન આપ્યા! એક આંખમાં હર્ષના આંસુ આવ્યા. અને બીજી આંખમાં વેદનાના આંસુ કે પ્રભુ તમે મને મળ્યા, હું તમને મળી શક્યો નથી. બરોબર ને?
ઘણા મને પૂછે કે પ્રભુ મને શી રીતે મળે? હું કહું કે પ્રભુ તો તને મળેલા જ છે. તું તૈયાર થઇ જા. તારે પ્રભુને મળવું છે? તો એક આંખમાં હર્ષના આંસુ, બીજી આંખમાં વેદનાના આંસુ કે પ્રભુ તમને મળવા છતાં હું તમને પામી શક્યો નથી.
સિંહ અણગારની એક આંખમાં હર્ષના આંસુ પ્રભુ જીવંત છે, બીજી આંખમાં વેદનાના આંસુ મારા પ્રભુની કાયા આવી કૃશ! આવી શિથિલ હોઈ શકે? અને એ વખતે પ્રભુનો જે પ્રેમ સિંહ અણગાર પર વરસ્યો છે, beyond the expectation. તમને લાગે કે પ્રભુ આટલા વરસી શકે? શાસ્ત્રીય સંદર્ભ એવો છે, કે તેરમાં ગુણઠાણે પ્રભુ વિતરાગ છે. બધાથી એ પર છે. પણ ભક્તોની એક પરંપરા રહી છે, કે પ્રભુ ભક્ત વત્સલ છે, છે ને છે. ભક્તો ઉપર પ્રભુ પ્રેમ વરસાવે જ છે.
તો પ્રભુ સિંહ અણગારને કહે છે, અચ્છા! મારું શરીર દુબળું બન્યું એની તને ચિંતા છે ને? એક કામ કર, રેવતી શ્રાવિકાને ત્યાં જા, એણે પોતાના માટે એક ઔષધિ પાક બનાવ્યો છે, એ ઔષધિ પાક તું વહોરીને લઈ આવ. હું વાપરીશ અને સ્વસ્થ બની જઈશ. આ પ્રભુનો પ્રેમ..
આ જ પ્રભુનો પ્રેમ અત્યારે પણ આપણા પર આવો જ વરસી રહ્યો છે. ભક્તની પરંપરામાં આ જ વાત છે, પ્રભુનો પ્રેમ સતત વરસી રહ્યો છે. માત્ર એને ઝીલવાની કળા આપણે શીખવાની છે. એક ભીનાશ આવી ભીતરની, આંખોમાં આંસુ આવ્યા, પ્રભુ તારા પ્રેમનો સ્પર્શ તું કરાવ. એના પ્રેમનો સ્પર્શ તમને ન થાય, એના પ્રેમનો અનુભવ તમને ન થાય, તો આપણું આ જીવન meaning less છે. આ જીવન પ્રભુએ એટલા માટે જ આપ્યું છે કે એના પ્રેમનો સ્પર્શ આપણને થાય. અમે લોકો ૨૪ કલાક પ્રભુના પ્રેમના સ્પર્શમાં હોઈએ છીએ. છે અનુભવ? હમણાં તો કંઈ ખબર પડે એવું નથી હો, બધા white and white છે. આગળવાળા અને પાછળવાળા. ૨૪ કલાક તમે પ્રભુના સ્પર્શમાં છો.. પ્રભુની આજ્ઞાનો સ્પર્શ, પ્રભુનો સ્પર્શ.
કોઈ પણ મુમુક્ષુને જ્યારે હું રજોહરણ આપું છું ત્યારે કહું છું, કે બેટા! આ રજોહરણનો સ્પર્શ માત્ર તારા હાથમાં ન થાય, તારા હૃદયમાં થાય, તારા સાડા ત્રણ કરોડ રૂવાળામાં થાય. તારા સાડા ત્રણ કરોડ રૂવાળામાંથી એક પણ રૂવાળું બાકી ન હોય, કે જ્યાં પ્રભુનો સ્પર્શ ન થયો હોય. અમે લોકો સતત પ્રભુના પ્રેમના સ્પર્શમાં છીએ, અમારી ઈર્ષ્યા આવે છે? તમને પણ એ જ પ્રભુનો સ્પર્શ મળે, કેમ ન મળે…?! કારણ, તમે પ્રભુના સંઘમાં સ્થાન પામેલા છો. અમે લોકો સવારે ઉઠીએ ને, સૌથી પહેલા રજોહરણને મસ્તકે લગાવીએ, એ વખતે અમારી આંખો ભીની થાય, કે પ્રભુ અમારી કોઈ સજ્જતા નહિ, અમારી કોઈ હેસિયત નહિ અને તારું આ વરદાન અમને મળી ગયું! તમે અહીંયા તિલક કરતાં હોવ અને તમને થાય કે પ્રભુ કેવો તારો પ્રેમ અમારા ઉપર, કે તે એમ ન કહ્યું, કે જે સંસારને છોડે એ મારા સંઘમાં સ્થાન પામે. જેને સંસારમાં રહેવું છે, એને મારા ધર્મ સંઘમાં સ્થાન કેમ આપું? એવું પ્રભુ તે વિચાર્યું નહિ. અને અમને પણ તારા ધર્મ સંઘમાં તે સ્થાન આપ્યું. એ તિલક કરતાં તમારી આંખો ભીંજાય.
તો પ્રભુના પ્રેમથી હૃદય ભરાઈ ગયું, મન ભરાઈ ગયું, મંદિર પણ થઇ ગયું. કારણ એ મનમાં બીજાનો પ્રવેશ ક્યાંથી થશે? પ્રભુના પ્રેમથી પૂરું મન ખીચોખીચ ભરાઈ ગયું, હવે બીજા માટે કોઈ જગ્યા જ નથી. નિર્મળ મન. સહજ મન. અને જે નિર્મળ મન છે, એ જ સહજ મન છે. જ્યાં સુધી નિર્મળતા ન આવે, ત્યાં સુધી મનમાં સહજતા નહિ પ્રગટવાની. અમારી પાસે સહજતા છે. કોઈ દંભ નથી.
માટુંગા ચોમાસામાં અમારા વિજયભાઈ દોડતાં દોડતાં આવે, સાહેબ ચાલો ચાલો વાચનાનો સમય થઇ ગયો, ત્યારે મેં કહ્યું વિજયભાઈ! મારે ક્યાં તમારા જેવા કપડાં પહેરવાના છે? આ આમ લગાવ્યું અને નીચે ઉતર્યા. ભગવાને વેશ પણ સહજ આપ્યો. બધી જ જીવન ચર્યા પણ સહજ આપી. અને મન પણ સહજ આપ્યું. તો નિર્મળ મન એ સહજ મન. અને સહજ મન એ પૂર્ણ મન.
મહોપાધ્યાય યશોવિજય મહારાજા સ્ત્વનામાં કહે છે, ‘મેરે પ્રભુશું પ્રગટ્યો પૂરન રાગ’ મને પ્રભુથી પૂર્ણ પ્રેમ પ્રગટ્યો. પ્રભુનો પ્રેમ મારા મનમાં છવાઈ ગયો, હવે મારું મન પૂર્ણ બની ગયું. હવે કોઈની કશાની જરૂરિયાત ન રહી. અમે લોકો ever green, ever fresh કેમ? કશું જ જોઈતું નથી. હું મારી જાતને સ્વયં સંપૂર્ણ તરીકે અનુભવું છું. આ શરીર છે. શિષ્યો એની સેવા કરે છે, રોટી-દાલ આ શરીરને અપાઈ જાય છે, મારા મનને તો કંઈ જોઈતું જ નથી. કરોડપતિ આવે, સાહેબ આટલા રૂપિયા ખરચવા છે, ખરચવા હોય તો ખર્ચી નાંખ. અહીંયા શું છે…? કશું જ જોઈતું નથી. તમારી તકલીફ ક્યાં છે? શરીરને ઓછું જોઈએ છે, મનને ઘણું જોઈએ છે. શરીરને કેટલું જોઈએ? એક શેર આટો, દોઢ શેર આટો. વધારે શું જોઈએ? થોડું શાક, થોડું દૂધ. રોટી, શાક અને દૂધ. પૂર્ણ ખોરાક છે. તો શરીરને આટલું જ જોઈએ છે. પણ તમારા મનને…? એટલે તમે અપૂર્ણ તમારી જાતને અનુભવો છો. આ જોઈએ છે… પછી એ ન મળે ત્યાં સુધી…? કેમ આમ છો? અરે શું આપણે ત્યાં કંઈ છે જ નહિ ને કહે છે, ટી.વી.નું ડોઘલું પડ્યું છે, સ્લિમ ટી.વી. પણ નથી આપણે ત્યાં…! હવે સ્લિમ ટી.વી. હોય તો શું ફરક પડે? સ્લિમ ટી.વી. તમારા માટે કે બીજાના માટે? તમારા ઘરનું રાચરચીલું તમારા માટે કે બીજા માટે? તો શરીરને થોડું જોઈએ છે, મનને ઘણું જોઈએ છે. પણ જો પ્રભુના પ્રેમથી તમારું મન છલક-છલક છલકાઈ જાય તો તમારે પણ કશું નહિ જોઈએ.
અને મન પૂર્ણ થાય તો શું થાય, એની વાત એમણે એક કડીમાં કરી: ‘પૂરન મન પૂરન સબ દિશે, નહિ દુવિધા કો લાગ’ પૂરન મન પૂરન સબ દિશે – જ્યાં તમારું મન પૂર્ણ થયું, આખી દુનિયા તમને પૂર્ણ લાગશે. નહિ દુવિધા કો લાગ – કોઈ દુવિધા, કોઈ દ્વિધા મનમાં નથી. બધું જ પૂર્ણ પૂર્ણ પૂર્ણ લાગે છે. હું ઘણીવાર કહેતો હોઉં છું, મારા ચશ્માનાં ગ્લાસમાં ડાઘ છે, તો મને ફરસ પર ડાઘ દેખાશે. તમારા white શર્ટ ઉપર પણ મને ડાઘ દેખાશે. પણ એ ડાઘ છે ક્યાં? મારા ચશ્માના ગ્લાસમાં. હું ગ્લાસ સાફ ન કરું ત્યાં સુધી ફરસ સાફ થાય તો પણ એનો કોઈ અર્થ નથી. એમ તમારું vision બદલવું પડશે. અત્યાર સુધી vision એ છે, કે હું સંપૂર્ણ છું, બીજા બધા અપૂર્ણ છે.
તમે છે ને દુનિયાને બે ભાગમાં વિભાજિત કર્યું. સારા માણસો, ખરાબ માણસો. સારા માણસો કોણ? જે તમારા હું ને પુષ્ટ કરે એ સારા માણસો. તમારા હું ને ખોતરે તે ખરાબ માણસો. મેં હમણાં એક પ્રવચનમાં કહેલું, કે તમે દુનિયાનું કેન્દ્રબિંદુ છો? કે તમારા આધારે આખી મનુષ્ય સૃષ્ટિનું વર્ગીકરણ થઇ જાય? તો તમારી દ્રષ્ટિમાં -vision માં પૂર્ણતા જે ક્ષણે આવી જાય, બધું પૂર્ણ જ છે. મને પ્રભુએ positive attitude આપ્યો, પૂર્ણ દ્રષ્ટિ આપી, એ ક્ષણથી કોઈ ફરિયાદ લોકો માટેની મારી પાસે ન રહી. સંઘની એક-એક વ્યક્તિ પ્રત્યે માત્ર અને માત્ર અહોભાવ મારી પાસે છે. પ્રભુએ એક દ્રષ્ટિ આપી, તમે બધા જ મને પૂર્ણ લાગો છો.
શ્રીપાળરાજાને ધવલશેઠ પણ પૂર્ણ લાગે છે. કલ્પસૂત્ર વર્ષમાં એકવાર સાંભળવાનું, શ્રીપાળ રાસ વર્ષમાં બે વાર, હમણાં જ સાંભળીને આવ્યા છો ને…? શ્રીપાળ રાસની એક સરસ ઘટના છે, ધવલશેઠને દાણચોરી કરી એના સંબંધમાં રાજ્યના કર્મચારીઓ પકડીને જેલમાં પૂરવા માટે લઇ જઈ રહ્યા છે. શ્રીપાળકુમારની દ્રષ્ટિ પડી, શ્રીપાળકુમારે કહ્યું, અરે છોડી દો એમને, એ મારા ઉપકારી છે. હવે શ્રીપાળકુમાર ત્યાં રાજાના જમાઈ થઈને બેઠા છે. એટલે સિપાઈઓએ એમની આજ્ઞા સ્વીકારી લીધી. તમને હું પૂછું કે ધવલશેઠે શ્રીપાળ ઉપર શું ઉપકાર કર્યો? બોલો? બહુ, બહુ તો તમે કહેશો, એમના વહાણમાં બેસીને શ્રીપાળકુમાર ગયા. Accepted. ચલો. આગળ? બહુ મજાની વાત છે, અહીં જ પૂર્ણ મનની વાત આવે છે. શ્રીપાળકુમારના મનમાં હતું, કે સમ્યગ્દર્શન, સ્વાનુભૂતિ આ જન્મમાં મને મળવી જ જોઈએ. પણ એ મને મળી છે અથવા એનાથી હું નજીકમાં છું એ તો કોઈ જ્ઞાની જ કહી શકે પણ, સમભાવ તીવ્ર માત્રામાં હોય તો સમ્યગ્દર્શનની નજીકમાં છીએ આવું આપણે અનુમાન કરી શકીએ. તો ધવલશેઠે શ્રીપાળને દરિયામાં ફેંક્યા, શ્રીપાળકુમાર તો કાંઠે આવી ગયા, રાજાને ત્યાં અધિકારી થઈને બેસી ગયા, ધવલ શેઠ ફરતાં ફરતાં ત્યાં આવ્યા. બંદર ઉપર વેપાર કરવો હતો, રાજાની આજ્ઞા જોઈએ. ધવલશેઠ રાજા પાસે જાય, ત્યાં શ્રીપાળકુમાર બેઠેલા, અરે આ ક્યાંથી આવ્યો!, કહે છે. પણ એ વખતે શ્રીપાળકુમારના મનમાં સહેજ પણ રતાશનો ટીસ્યો પણ ફૂટતો નથી. કારણ ધવલશેઠ મારા ઉપકારી છે. કઈ રીતે ઉપકારી? મારામાં સમભાવ છે, એની પરીક્ષા એમણે કરી. બાકી તો બધે રાજાનો જમાઈ છું. લોકો બધી જગ્યાએ મારી વાહ વાહ કરે, એમાં મારા સમભાવની પરીક્ષા કેમ થાય? તો શ્રીપાળ ધવલશેઠને ઉપકારી માને છે. પણ એથી પણ એક આગળની વાત છે, ધવલશેઠે આ કામ કર્યું, અને શ્રીપાળકુમાર એમને ઉપકારી માને એ તો સહજ છે, એથી આગળની વાત એ છે કે શ્રીપાળકુમારના મનમાં reverence for the life હતી. ચૈતન્ય પ્રત્યેનો સમાદર. એવું પૂર્ણ મન હતું કે દરેક ચૈતન્યો પ્રત્યે પૂર્ણ પ્રેમ હતો. ધવલશેઠ પ્રત્યે સહેજ પણ નારાજગી નથી. પૂર્ણ પ્રેમ છે. તમે કહો સાહેબ આવું તો કેમ બની શકે? બની શકે.
ઝરિયાની કોલસાની ખાણમાંથી એક મજુર સાંજે નીકળે છે, કોલસાની રજથી એનું આખું શરીર રજોટાઈ ગયું હતું. કાળું કાળું થઇ ગયું છે, એ બહાર નીકળે છે, પણ, એને જે ઓળખે છે, એને ખબર છે આ રઘુ છે. અને એકદમ ગોરો ગોરો છે. કોલસાની રજ એની ચામડી ઉપર ચોટેલી છે. હમણાં નળની નીચે બેસશે બાથરૂમમાં, કોલસાની રજ જતી રહેશે. એ ગોરો ગોરો જ છે. એમ કોઈનામાં પણ તમે રાગ-દ્વેષને જોવો તો માનવાનું કે એ આત્મા તો પરિપૂર્ણ છે. અનંત ગુણોથી યુક્ત છે. પણ કર્મની રજ એના અસ્તિત્વ ઉપર રજોટાઈ ગઈ છે. જે ક્ષણે કર્મની રજ નીકળી જશે, એ નમો સિદ્ધાણં માં આવશે. નમો સિદ્ધાણં બોલો ને, ભૂતકાળમાં સિદ્ધ ભગવાન થયા નમસ્કાર. વર્તમાનકાળમાં મહાવિદેહ ક્ષેત્રમાંથી કોઈ સિદ્ધ ભગવંત સિદ્ધિને પામે તમારો નમસ્કાર? અને ભવિષ્યમાં જે સિદ્ધો થવાના છે એ બધાને નમસ્કાર? આ બધા કોણ છે? ભવિષ્યના સિદ્ધ ભગવંતો છો. અમે નમો સિદ્ધાણં બોલીએ ને એમાં તમને પણ એક નયથી નમસ્કાર થઇ જાય. તમારા સિદ્ધ સ્વરૂપને અમારો પણ નમસ્કાર છે. તો નિર્મળ મન, સહજ મન, પરિપૂર્ણ મન. આવું મન કોને ન ગમે બોલો… આવું મન તમને ગમે? ગમતું હોય તો બહુ જ સરળ વાત છે.
અધ્યાત્મયોગનો શાસ્ત્રીય સંદર્ભ એક શ્લોકમાં છે, ‘औचित्याद् वृतयुक्तस्य वचनात् तत्वचिन्तनम्, मैत्र्यादिसारमत्यन्तमध्यात्मं तद्विदो विदु:’ હરીભદ્રાચાર્યની કેટલી મોટી વિનમ્રતા, અધ્યાત્મં તદ્વિદો વિદુઃ- યોગનો આ અધ્યાત્મ પ્રકાર છે, એનું વર્ણન મહાપુરુષોએ આ રીતે કર્યું છે. હું કરું છું એમ નહિ, યોગની દુનિયામાં તમે એક ડગલું માંડો છો, ત્યારે તમારો હું શિથિલ બને જ. મેં હમણાં એક પ્રવચનમાં કહેલું, કે તમારું હોવું, તમારા અહંકારનું હોવું એ જ મોટામાં મોટી દુર્ઘટના છે. પ્રભુ કેમ પ્રગટતા નથી તમારી ભીતર? તમે સિંહાસન ખાલી કરો, તમારા હું ને નીચે બેસાડી દો, પ્રભુ સિંહાસન પર અવી જશે. અધ્યાત્મં તદ્વિદો વિદુઃ – યોગના જે મહાન જ્ઞાતાઓ છે, મહાયોગીઓ એ એમ કહે છે કે અધ્યાત્મ આને કહેવાય. કોને કહેવાય? તત્વચિંતન એ અધ્યાત્મ.
એટલો મજાનો ક્રમ આપ્યો, પહેલાં ચિંતન પછી ભાવન, એટલે એને વારંવાર ઘૂંટવાનું, re-thinking. અને ભાવનમાં તમે જાવ, એટલે અનુભૂતિ તરત જ મળી જાય. અને ચિંતન, ભાવન, અનુભૂતિ. Thinking, re-thinking and experience. એટલે તમારો અનુભવ બહુ દૂરની ઘટના નથી. બે જ પગથિયા ચડો, તમારો અનુભવ તમને થઇ જાય. તો પહેલું પગથિયું અધ્યાત્મ, thinking. તત્વચિંતનમ્ – ચિંતન પણ શેનું? તત્વોનું ચિંતન. દુનિયાના પદાર્થોનું નહિ, દુનિયાની ઘટનાઓનું નહિ. બુદ્ધ કહેતાં કે જીવન એક પરપોટો છે. ઘટનાઓ તો પરપોટાઓના પણ પરપોટાઓ છે. તમે એ પરપોટાના પણ પરપોટા પર કેટલું ધ્યાન આપશો? એક પરપોટો ફૂટ્યો, અરે ફૂટ્યો, અરે ફૂટવાનો જ હતો. એમાં નવાઈ શું છે? એ ક્ષણે એ ઘટના ઘટવાની હતી, તો ઘટી ગઈ. એટલે તત્વચિંતનમ્ કહ્યું. આત્મતત્વનું ચિંતન. આત્મતત્વનું ચિંતન બે રીતે થાય છે, એક તો વ્યવહારના સ્તર પર, એક નિશ્ચયના સ્તર પર, તો અહીંયા આપણને વ્યવહારનો સ્તર બતાવ્યો છે. કે તમારું તત્વચિંતન: મૈત્ર્યાદિ ભાવ સંયુક્તમ્ મૈત્રી, પ્રમોદ, કરૂણા, માધ્યસ્થ્ય આ બધા ભાવોથી યુક્ત હોવું જોઈએ. એટલે નિશ્ચયનયથી જે આત્મસ્વરૂપનું વિભાવન કરવાનું છે, એ સાતમા ગુણઠાણે આવશે. છટ્ઠા ગુણઠાણા સુધી તો જીવો પ્રત્યેનો મૈત્રીભાવ જે છે એને ઘૂંટવાનો છે. કારણ કઠોર ભાવ લઈને અનંતા જન્મોથી આપણે ચાલ્યા છીએ. એટલે એ કઠોરભાવનું કોમળભાવમાં પરિવર્તન કરવાનું છે. Transformation.
એટલે વ્યવહારના સ્તર પર કોમળ ભાવ સાથે આત્મતત્વનું ચિંતન કરવું છે. નિશ્ચયમાં જશો, ત્યારે સીધું જ વીતરાગતા થી યુક્ત તમે ચિંતન કરશો. તો તત્વચિંતનને બે વિશેષણ આપે છે, એક તો વચનાનુસારી. પ્રભુનું વચન તમારા ચિંતનના કેન્દ્રમાં હોવું જોઈએ. તત્વચિંતન પણ તમારી બુદ્ધિથી તમે કરી શકતા નથી. કોઈ પણ શાસ્ત્રવચન તમારી સામે જોઈએ. અને એ શાસ્ત્રવચનના આધારે તમે ચિંતન કરો. એટલે પ્રભુના વચનના અનુસારે તત્વચિંતન જોઈએ. અને મૈત્રી વિગેરે ભાવોથી એ સંયુક્ત જોઈએ. એટલે બીજા પ્રત્યે હું પ્રેમાળ કઈ રીતે બનું? આપણે ત્યાં કહ્યું છે કે મહાપુરુષોના મન પથ્થરથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ હોય છે. મૃદુને કુસુમાદપિ. પણ એ કઈ રીતે? અત્યાર સુધી આપણી પાસે શું હતું? જાત પ્રત્યેની કોમળતા, બીજા પ્રત્યેની કઠોરતા. હવે જાત પ્રત્યેની sharpness – કઠોરતા અને એક softness – એકદમ soft ખૂણો, મૈત્રીભાવથી યુક્ત વિચારણા બીજા જીવો પ્રત્યે. કે બીજાને હું પ્રેમ કઈ રીતે આપું?
તો બધા જ જીવો એને તમારે તમારો પ્રેમ આપવાનો છે. અને જે આત્મા ગુણથી સમૃદ્ધ છે, ત્યાં પ્રમોદ ભાવના કરવાની. પ્રમોદ ભાવનાનો એક સરસ અર્થ યોગશાસ્ત્રની ટીકામાં હેમચંદ્રાચાર્ય એ આપ્યો છે કે પ્રમોદ ભાવના એ રીતે થાય, કે આ મહાપુરુષને પ્રભુની કૃપાથી આ ગુણ મળી ગયો, મને ક્યારે મળશે? આપણે શું કરીએ, એમનામાં છે તો નમો નમો, સાધુ ભગવંતોને નમસ્કાર, પણ હું સાધુ બનું… આવું ક્યારેય મનમાં આવ્યું?
તો આપણી પરંપરા આ છે કે ગુણોથી સમૃદ્ધ દરેક આત્માઓ પ્રત્યે પ્રમોદભાવ. હું એનો જુદો લય પકડું છું. કે તમારા પરિચિત જેટલા પણ આત્મા હોય, એ બધા તમને ગુણ સમૃદ્ધ લાગવા જોઈએ. એક સૂત્ર આજે ટાંકી રાખો મનમાં, દુનિયાના બધા જ આત્માઓ સારા જ છે, ખરાબ હોય તો એક માત્ર હું છું. કારણ બીજાના ગુણો આપણને દેખાય છે, આપણા દોષો આપણને દેખાય. અને આ પ્રાયશ્ચિત્ત છે. અનંત જન્મોમાં શું કર્યું? બીજાના ગુણો દેખાતા હતા, એનો અપલાપ કર્યો. કોઈ કહે ને તપસ્વી છે, આમ છે, અરે ઠીક મારા ભાઈ તપશ્ચર્યા કરે છે, પણ બીજું કંઈ તમને ખબર છે? એનો ક્રોધ કેટલો છે એ તમને ખબર છે? એ તો હું એની નજીકમાં રહું એટલે મને ખબર પડે. આ જ કામ આપણે અનંતા જન્મોમાં કર્યું. બીજું કોઈ મારાથી સારો હોય જ નહિ. કેમ બરોબર ને…? તમારાથી superior કોઈ હોઈ શકે? હવે નક્કી કરો કે બધા જ મારાથી superior છે. અધમમાં અધમ હોય તો હું છું. તો બધા જ પરિચિત આત્માઓ તમને ગુણ સમૃદ્ધ લાગે, અને બધાની તમે પ્રમોદ ભાવના કરો.
કરુણા: કોઈ પાપી છે, પ્રભુને આપણે કહીશું, પ્રભુ! એ આત્મા ઉપર તો ધ્યાન રાખ. છેલ્લે માધ્યસ્થ્ય. આ જિનશાસનની એક બહુ જ મોટી વાત છે. માધ્યસ્થ્ય. નિર્મળ મન માટેની આ એક master key છે. ક્યાંય temperature ગુમાવવાનું નથી. માધ્યસ્થ્ય ભાવ. કોઈ ગમે એટલું ખરાબ કરી રહ્યો છે. માધ્યસ્થ્યભાવનો અર્થ એ છે કે પ્રભુ, મારી કરુણાનો પ્રવેશ એનામાં નથી, તારી કરુણાનો પ્રવેશ તું એનામાં કરાવ. ત્યાં સુધી કહ્યું શાંત સુધારસમાં, सूत्रमपास्य जड़ा भासन्ते, केचन मतमुत्सूत्रं। ઉત્સુત્રભાષણ કોઈ કરે છે, પ્રેમથી આપણે એને સમજાવી શકીએ કે ભાઈ આ પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ છે. પણ એ કહે બેસ બેસ હવે, ડાહ્યો ન થા, તું શું સમજે છે? તારા કરતાં વધારે ચોપડી ભણેલો છું. તમારી વાત એ માને નહિ એ વખતે પણ તમને ગુસ્સો કરવાનો અધિકાર નથી. આવો માણસ છે! ભગવાનની આજ્ઞા વિરુદ્ધ બોલે છે. નહિ. એવો પણ ગુસ્સો કરવાનો તમને અધિકાર નથી. કારણ તમે પ્રભુ શાસનમાં છો.
શાસ્ત્રોએ કહ્યું, એક મુનિરાજ હોય, જંગલમાં વિહાર કરતા હોય, સામેથી એક શિકારી આવે છે, મુનિરાજ જોઈ ગયા, એ શિકાર કરવા જંગલમાં જાય છે, મુનિરાજની કરુણા ઉદ્વેલિત થઇ. એમણે કહ્યું, ભાઈ! શા માટે તું શિકાર કરે છે, આ મૂંગા પ્રાણીઓને તું મારી નાંખશે? મારી પાસે તો પૈસા નથી. તારે પૈસા જોઈતા હોય તો ચાલ મારી સાથે, અમારા જૈનો ઉદાર હોય છે તને પૈસા આપશે. પેલો કહે મહારાજ! મારા ડ્રેસને તો જોવો. હું દુઃખી માણસ લાગુ છું? કરોડોપતિ માણસ છું. શિકારનો શોખ છે, એ હરણાં તરફડે ને એ જોવાની મજા આવે છે. બાકી હરણાંનું માંસ લેવા ઉભો નથી રહેતો. એને ગીધ વિગેરે ફોલી નાંખશે. આવા માણસ ઉપર પણ એ મુનિ ગુસ્સો નથી કરતાં. આ માધ્યસ્થ્યભાવ. ત્યાં એક જ વાત, પ્રભુ મારી કરુણાનો અહીંયા પ્રવેશ નથી. તો તારી કરુણાનો તું પ્રવેશ કરાવ.
તો અધ્યાત્મયોગ એટલે નિર્મળ મન. એ નિર્મળ મનમાં આત્મતત્વનું ચિંતન થતું હશે. મૈત્રી વિગેરે ભાવોથી એ ચિંતન સમૃદ્ધ હશે. અને એ ચિંતન વચનાનુસારી હશે. પ્રભુની આજ્ઞાનુસારી હશે.
હવે વાત એ આવી, કે આ આધ્યાત્મ યોગ મળે કોને? તો પહેલી પંક્તિમાં કહ્યું, ‘ઔચિત્યાત્ વૃત્ત યુક્તસ્ય, – દેશવિરતિ અથવા સર્વવિરતિને આ અધ્યાત્મયોગ મળી શકે છે. વિચાર કરો આત્મતત્વનું ચિંતન આવી રીતે કરવું એ કેટલું અઘરું છે. કે તમે જ્યાં સુધી દેશવિરતિ પણાને ન પામો કે સર્વવિરતિપણાને ન પામો ત્યાં સુધી આ અધ્યાત્મયોગ તમને મળતો નથી.
કલાપૂર્ણસૂરિ દાદા યોગની દુનિયામાં શિખર ઉપર હતા, પણ એમનું વિશેષણ હતું અધ્યાત્મયોગી. એ અધ્યાત્મયોગ એટલે આ. સાહેબ બહુ આગળ હતા. સાહેબ ચોથા step પર પહોંચી ગયેલા હતા. વૃત્તિસંશય પણ થોડો બાકી હતો, વૃત્તિઓનો ક્ષય થયેલો, સંપૂર્ણ ક્ષય નહિ થયેલો. પણ છતાં એમણે પોતાના ટાઈટલમાં અધ્યાત્મયોગી વિશેષણ પસંદ કર્યું. તો એમને પણ અધ્યાત્મયોગને કેટલો ઉંચો માન્યો! તો શ્રાવક કે સાધુને આ અધ્યાત્મયોગ મળી શકે છે. એટલે તમને મળી શકે… તમારા માટે દ્વાર ખુલ્લા થઇ ગયા. બસ પછી આગળ ને આગળ. પછી ભાવન. આવતીકાલે આપણે ભાવનમાં જઈશું. પછી અનુભૂતિ.
‘ઔચિત્યાત્ વૃત્ત યુક્તસ્ય’ હરીભદ્રસૂરિ મહારાજને ઔચિત્ય શબ્દ બહુ જ ગમે છે, ઔચિત્ય એટલે એમણે ત્રીજી આંખ તરીકે કલ્પી છે. તમે સદ્ગુરુના ચરણોમાં રહો, વર્ષો સુધી અને તમને ખ્યાલ આવી જાય કે સદ્ગુરુ આવે વખતે શું કરતાં હતા, તો મારે પણ આવે વખતે આવું કરવું જોઈએ. આવી જે ઘટના, આવું જે વિચારણ એનું નામ ઔચિત્ય. એટલે સદ્ગુરુના ચરણોમાં વર્ષો સુધી રહેવાથી ઔચિત્ય એટલે શું એ તમને ખ્યાલ આવે છે. એટલે તમારા દેશવિરતિ પણામાં તમારા સર્વવિરતિ પણામાં ઔચિત્ય જ્યારે આવે છે, ત્યારે દેશવિરતિપણું અને સર્વવિરતિપણું પણ એકદમ ઉદ્દીપ્ત બની જાય છે.
આપણે ત્યાં એક ઘટના આવે છે, મુનિરાજ જંગલમાં ચાલી રહ્યા છે, રસ્તા ઉપર ચાલે છે, રસ્તાની એક બાજુએથી હરણાંનું એક ઝુંડ બીજી તરફ ગયું, એની ૩ મિનિટ પછી શિકારી આવ્યો. હવે જે રસ્તો હતો એ સપાટ હતો, એના ઉપર પગલાં દેખાતા નહોતા. આગળ પણ તાકેણી વિભાગ હતો. એટલે હરણ કંઈ બાજુ ગયા, એ શિકારીને ખ્યાલ આવતો નથી. એટલે એ મુનિરાજને પૂછે છે? કે હરણ કઈ બાજુ ગયા? આ વખતે સાચું ન બોલાય, આ ઔચિત્ય. સાચું બોલો તો હરણનો નાશ થાય. ખોટું બોલવા મુનિ તૈયાર હતા, પણ ખોટું ચાલે એમ નહોતું. આમ કે આમ. પેલો તો દોડવાનો જ હતો. મુનિરાજે વિચાર્યું કે થોડો કાળ લંબાવી દઉં. એટલે હરણ દૂર નીકળી જાય. એટલે મુનિરાજે કહ્યું, ભાઈ મને સંભળાતું નથી, હું બહેરો છું, જરા નજીક આવીને મને પૂછો, પેલાએ નજીક આવીને પૂછ્યું, હરણ કઈ બાજુ ગયા? એટલે મુનિરાજ કહે આ પાટલીપુત્રનો રસ્તો નથી? મને તો આગળ કીધું કે પાટલીપુત્રનો રસ્તો છે. હવે હું તો બહેરો માણસ છું, કંઈ મને સંભળાશે નહિ, હા હોય તો તમે આમ ડોકું કરો અને ના હોય તો ડોકું આમ કરો. પેલો શિકારી ગીન્હાયો, કે તારા પાટલીપુત્રની કોણ માંડે છે અહીં…! હરણ ક્યાં ગયા એ બોલ ને? ફરીથી મુનિ કહે ભાઈસાબ સાચું કહેજો પાટલીપુત્રનો રસ્તો છે કે નહિ આ? બસ એ પાંચ મિનિટ નીકળી ગઈ, હરણો દૂર ગયા, હરણો જીવી ગયા. તો સર્વવિરતિ પણું હતું, ઔચિત્ય પણ હતું.
તો આખા અધ્યાત્મયોગના યોગબિંદુના શ્લોકનો ભાવાર્થ આ થયો, કે દેશવિરતિ અથવા સર્વવિરતિ સાધક ઔચિત્યપૂર્વક જીવતો હોય, અને એ પ્રભુના વચનના અનુસારે મૈત્રી વિગેરે ભાવોથી યુક્ત તત્વચિંતન કરે, એ અધ્યાત્મ છે. આવું અધ્યાત્મ તમને બધાને મળી જાવ. હવે આપણે practical કરીએ.