વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
પહેલી નજરે લાગે કે મનને નિર્મળ બનાવવું સહેલું છે, પણ હકીકતમાં એ એટલું સહેલું પણ નથી. Conscious mind ને સાફ કરવામાં બહુ વાર નથી લાગતી; સારું નિમિત્ત મળતાં જ એ અહોભાવથી છલકાઈ જાય છે. પણ unconscious માં જે જન્મો-જન્મોનો કચરો ભેગો થયેલો છે, એને કેવી રીતે કાઢવો?
એ માટેનો એક ઉપાય કાયોત્સર્ગ. વિશોધિકરણ એટલે conscious mind ના કચરાને સાફ કરવો અને વિશલ્યીકરણ એટલે unconscious mind ના કચરાને સાફ કરવો. જે કાંટો ઊંડો, ઊંડો પહોંચી ગયેલો છે એને પણ કાઢી નાંખવો – એનું નામ વિશલ્યીકરણ.
બીજો ઉપાય છે ભાવના. વિચારોને ઘૂંટીને વેગવાળા બનાવવાની પ્રક્રિયા – એ ભાવના. વિચારોને અત્યંત વેગવાળા બનાવીને throw કરવામાં આવે છે, ત્યારે unconscious નો કચરો પણ દૂર થઇ જાય છે. ચિંતન માત્ર conscious mind ના level ઉપર છે, જ્યારે ભાવના એ ભીતર સુધી touch કરે છે.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૭ – જીરાવલા વાચના – ૩
અધ્યાત્મ યોગ, ભાવના યોગ અને ધ્યાન યોગ. નિર્મળ મન, નિર્મળ હૃદય અને નિર્મળ અસ્તિત્વ.
પહેલી નજરે લાગે કે મનને નિર્મળ બનાવવું એ સહેલું છે, પણ હકીકતમાં સહેલું નથી. Conscious mind ને સાફ કરવામાં બહુ વાર નથી લાગતી, પણ unconscious માં અનાદિ જન્મોનો જે કચરો ભેગો થયેલો છે, એને કઈ રીતે કાઢવો? Conscious mind ના કચરાને તરત કાઢી શકાશે.
અમદાવાદના એક સંઘમાં વહેલી સવારનો ભક્તિ સંવેદનાનો કાર્યક્રમ હતો. સંગીતકાર સરસ, સંવેદનાકાર સરસ, ત્રણ કલાક ક્યાં ગયા, કોઈને ખ્યાલ નહિ આવ્યો. હજાર એક ભક્તો બેઠેલા, પાંચ વાગે શરૂ થયેલો કાર્યક્રમ આઠ વાગે પરિપૂર્ણ થયો, અને જાહેરાત થઇ કે બધાએ બાજુના હોલમાં નવકારશી વાપરીને જ જવાનું છે, એક ભાઈ ત્યાં ગયા, હોલમાં, ખુરશી પર બેઠા, વેઈટરે કપમાં ચા પીરસી. ચા નો ઘૂંટડો ભર્યો, ચા બેસ્વાદ, ઠંડી, એ ભાઈ મૂડલેસ થઇ ગયા, આવી વ્યવસ્થા! ચા નું પણ ઠેકાણું નહિ! પણ એ જાગૃત સાધક હતા, જાગૃત સાધક છે ને અંધારામાં ઝડપાઈ જાય, કર્મના આવેગમાં તણાઈ પણ જાય. પણ, બીજી જ ક્ષણે એ સાવધાન બને છે, તરત જ એ વિચારમાં પડ્યા કે ત્રણ કલાક સુધી પ્રભુભક્તિની ધારામાં મારું મન વહેલું હતું, ત્રણ કલાકની એ ભક્તિની ધારાને ચા ની એક ચુસ્કીએ તોડી નાંખી! How it is possible? મારું ઘર બાજુમાં છે, કાર લઈને આવ્યો છું, drive કરીને જાઉં બે મિનિટમાં ઘરે. મસાલાવાળી ગરમાગરમ ચા, ગરમાગરમ નાસ્તો કરી શકું એમ છું. તો મને આ વિચાર કેમ આવ્યો?
એ વખતે હું અમદાવાદમાં હતો, એ ભાઈ બપોરે મારી પાસે આવ્યા. વંદન કર્યું અને પૂછ્યું કે ગુરુદેવ! ત્રણ કલાકની મારી જે ભક્તિ હતી એ સાચી હતી કે ખોટી હતી? જો સાચી હોય, તો ત્રણ કલાકની ભક્તિની ધારાને એક ચા ની ચૂસકી કઈ રીતે તોડી શકે? મેં એમને કહ્યું તમારી ભક્તિ ધારા સાચી હતી, પણ એ Conscious mind ના લેવલની હતી. આહાર વગેરેની સંજ્ઞા unconscious mind ના લેવલ ઉપર છે. Conscious mind છે ને હિમ શીલાના ટોપચા જેવું છે. આખી જ હિમ શિલા અંદર છે. Conscious ને સાફ કરો, સાફ કરી-કરીને મથી જાવ, અને unconscious માંથી નિમિત્ત મળતાં જ કચરો પાછો આવી જાય. ઘણીવાર વરસાદ બહુ પડ્યો હોય ને, પછી ભોંયરું હોય એમાં પાણી રીસે, પાણી ફૂટે. બહેન સાફ કરે, પોતું લગાવે, બિલકુલ કોરું થઇ જાય, પાંચ મિનિટમાં પાછું પાણી આવવા માંડે. કારણ આજુબાજુ પાણી ભરેલું છે. એમ Conscious ને ગમે એટલું તમે સાફ કરશો, unconscious માંથી Conscious માં આવતાં એને વાર લાગવાની નથી.
આપણને મળેલી સાધના Conscious mind સુધી ગઈ છે, કે unconscious સુધી? જ્યાં રાગ અને દ્વેષ છે, ત્યાં તમે સાધનાને મોકલી શક્યા છો? સાધના શરીરના સ્તર પર, Conscious mind ના લેવલ ઉપર, રાગ-દ્વેષ અંદરના સ્તર ઉપર, હું ઘણીવાર કહેતો હોઉં છું. દુશ્મન બંકરમાં હોય, ભોંયરામાં અને સૈનિક બહાર રહ્યો રહ્યો ભડાકા કરે તો શું થાય? તમને પોતાને લાગે છે કે પ્રભુએ બતાવેલી સાધના વર્ષોથી કરી, છતાં રાગ-દ્વેષ થોડા પણ ઓછા થયા છે? એટલે બહાર જ ભડાકા થયા છે. તો હવે વાત એ આવી કે Conscious mind તો જલ્દી સાફ થઇ જવાનું, કોઈ પણ સારું નિમિત્ત મળશે એટલે અહોભાવથી એ છલકાઈ જશે, પણ unconscious mind નું શું કરવું? એમાં રહેલા કચરાને કઈ રીતે કાઢવો?
તસ્સ ઉત્તરી સૂત્રમાં બે પદ આવે, ‘ઠામિ કાઉસ્સગં’ હું કાયોત્સર્ગ કરું છું. શેના માટે? ઘણા કારણો બતાવ્યા, એમાં આ બે કારણો બતાવ્યા, વિસોહી કરણેણં, વિસલ્લી કરણેણં. વિસોધિકરણ એટલે Conscious mind ના ઉપરના મનના જ્ઞાત મનના કચરાને સાફ કરો. વિસલ્લીકરણ એટલે unconscious mind ના કચરાને સાફ કરો. કાયોત્સર્ગ એક અદ્ભુત પ્રક્રિયા છે. કાયોત્સર્ગ એટલે આત્મિક સ્નાન છે. એ એક લોગસ્સનો કે ચાર નવકારનો તમે કાયોત્સર્ગ કરો, જ્ઞાત મન તો સાફ થઇ જાય, અજ્ઞાત મન પણ સાફ થઇ જાય. Unconscious mind નો કચરો પણ નીકળી જાય. વિસલ્લી કરણેણં. વિસલ્લી એટલે કાંટો ઊંડો ઊંડો ઊંડો પહોંચી ગયેલો છે એને પણ કાઢી નાંખો. એનું નામ વિસલ્લી કરણેણં.
તો અહીંયા આપણે unconscious mind ને સાફ કરવું છે. કાયોત્સર્ગ એક પ્રકાર છે, એવો બીજો પ્રકાર છે ભાવના. કચરો જમા થયેલો છે, ચોંટી ગયેલો છે દીવાલ સાથે, એટલે નળમાંથી પાણી આવે એ રીતે પાણી આવે, એ રીતે પાણી આવશે તો કામ થવાનું નથી. ફોર્સથી પાણીનો ધોધ વહાવવો પડશે. ફાયર બ્રિગેટવાળા જેમ બંબાને ફેંકે અને પછી જે પાણી નીકળે છે, કેટલા ફલોથી નીકળે છે. એવો ફલો જોઈએ. એના માટે અધ્યાત્મ પછી ભાવના યોગ કહ્યો.
ભાવનામાં શું થાય છે, એક વેગ આવે છે. એક ઉત્સાહ, એક વેગ ગમે તેમ કરીને unconscious mind ના કચરાને પણ કાઢી નાંખે. તો એ ભાવન શું કરે? વિચારોને જ ઘૂંટીને વેગવાળા બનાવવાની પ્રક્રિયા એનું નામ ભાવના. એક સામાન્ય પીપર હોય છે, અને એક ચૌસઠ પ્રહરી પીપર હોય છે, ચૌસઠ પ્રહરી પીપર લગાતાર આઠ દિવસ સુધી ઘૂંટાયા કરે છે. એ માણસને જમવા જવું હોય, તો બીજો માણસ ખલલ પકડે, વાત પકડે, પછી પેલો જમવા જઈ શકે. એટલે continue, non-stop આઠ દિવસ સુધી એ ઘૂંટાયા કરે છે, અને ત્યારે એનામાં એક જબરદસ્ત તાકાત પેદા થાય છે. તો વિચાર જે છે એને અત્યંત વેગવાળા બનાવવા અને વેગવાળા બનાવી અને સીધા જ એને throw કરવા. જેથી unconscious નો કચરો પણ દૂર થઇ જાય.
શાંત સુધારસ સોળ ભાવનાનો ગ્રંથ છે. અનિત્ય આદિ ૧૨ ભાવના. મૈત્રી આદિ ચાર ભાવના. અશુચિ ભાવનાની રચના શરૂ થાય છે, ‘ભાવય રે વપુરિદમતિમલિનં’ આ શરીર અત્યંત ગંદુ છે એવું તું ભાવિત કર. સાંભળ એમ કહેતાં નથી. વિચાર એમ પણ કહેતાં નથી. તું ભાવિત કર. સો વાર તમે સાંભળ્યું છે. શરીર ગંદુ છે. જે અંદર છે એ બહાર આવે તો? બીજો માણસ આપણી જોડે બેસી ન શકે. એટલી દુર્ગંધી આ શરીરમાં છે. સો વાર તમે સાંભળ્યું છે, એકસો એકમી વાર હું તમને સંભળાવીશ પણ તમે હતા ત્યાં ને ત્યાં રહેવાના. એ શ્રવણ દેહના રાગને તોડી શકતો નથી. કારણ કે દેહની પ્રીતિ unconscious mind સાથે જોડાયેલી છે. અગણિત જન્મોથી…
એકવાર પ્રબુદ્ધ લોકોની સંગોષ્ઠી હતી. એમાં મેં એક પ્રશ્ન કર્યો. મેં એમને પૂછ્યું, કે તમને ખ્યાલ છે કે શરીરો બદલાતા રહ્યા છે. ક્યારેક હાથીનું શરીર, ક્યારેક ઊંટનું શરીર, ક્યારેક માણસનું શરીર એ રીતે શરીર આપણને મળતાં રહ્યા છે. આ તમને ખ્યાલ છે અને છતાં આ શરીર ઉપર તમારો રાગ કેમ છે? Body પર આટલું attachment તમારું કેમ છે? પ્રબુદ્ધ લોકો હતાં, એમને પણ લાગ્યું વાત તો સાચી છે. શરીરો બદલાતા રહ્યા છે, આ જન્મમાં આ શરીર મળ્યું, આવતાં જન્મમાં કયું શરીર મળશે?
તો આ શરીર પર આટલું બધું attachment કેમ છે? એમણે મને પૂછ્યું, કે સાહેબ તમે જ કહો. મેં કહ્યું next to soul body છે. આત્મા પછી તરત શરીર છે. આત્મા પકડાય નહિ, તો શરીર પકડાવાનું નથી. ખીટી નહી હોય તો તમે ખુરશી ઉપર કોટ મુકશો પણ ક્યાંક તો મુકવાના જ છો. તો તમારા હું ને તમે આત્મતત્વ ઉપર ન ઠેરવી શકો ત્યાં સુધી શરીર ઉપર જ ઠેરવવાના છો. હું એટલે કોણ? આ શરીર? You are the bodyless experience. You are the mindless experience. You are the nameless experience. નામ સોસાયટીએ આપ્યું. શરીર માત-પિતાએ આપ્યું. અને તમે એના પર હું નું લેબલ લગાડી દીધું. હું એટલે આ. તો body attachment આટલું બધું કેમ છે? કારણ કે ક્યારેક સાંભળ્યું છે, ક્યારેક વિચાર્યું પણ છે. પણ શ્રવણ કે વિચારથી unconscious માં રહેલ દેહની પ્રીતિ જવાની નથી. એના માટે ભાવના. વેગથી છોડો. ચિંતનને ધારદાર બનાવી નાંખો. બુટ્ઠું ચપ્પુ અને ધારવાળું ચપ્પુ કેટલો ફરક પડે…? આ ચિંતનને ધાર કાઢી. ચિંતન મનના લેવલ ઉપર છે. conscious mind ના લેવલ ઉપર છે, ભાવના જે છે એ ભીતરના લય ઉપર છે. એટલે અસ્તિત્વને એ થોડી touch કરે છે. આમ પણ મન જે છે એ વિચાર કરે. હૃદય સંવેદનાને વ્યક્ત કરે. હૃદય એટલે લાગણીઓના આદાન-પ્રદાનનું તંત્ર. આપણા પૂર્વમાં હ્રદયને ખાલી બ્લડ પમ્પિંગ મશીન તરીકે ઓળખવામાં નથી આવતું. હૃદય એટલે લાગણીઓની આદાન-પ્રદાન કરતું તંત્ર. ભગવાનને જોયા ને વિચાર આવ્યો કેવા સરસ! પણ એક મારા ભગવાન એવી એક લાગણી બંધાય છે. અને તમારી આંખમાંથી આંસુનો ધોધ વહે છે, એ હૃદય. હૃદયની સાથે આંસુ જોડાયેલા છે, હૃદયની સાથે સંવેદનાઓ જોડાયેલી છે. હૃદયની સાથે મનને પેલે પારની એક ચેતના જોડાયેલી છે.
એટલે જ શ્રી અરવિંદ super conscious ની વાત કરે છે. શ્રી અરવિંદે એક બહુ સરસ super conscious નો વિચાર મુકેલો કે એક પરમ ચેતના છે, super conscious. એનું અવતરણ નીચે થાય, તો માત્ર મને જ નહિ, સેંકડો હજારો લોકોને એ પરમતત્વનો અનુભવ થાય. એટલે એમણે conscious, subconscious, unconscious ની પેલે પાર super conscious ની એક theme રજુ કરી. તો હૃદય જે છે, એ super conscious સાથે જોડાયેલું છે. માત્ર conscious કે unconscious સાથે નહિ, અને Super conscious સાથે જોડાયેલું છે માટે જ એ conscious ના કચરાને પણ દૂર કરે, અને unconscious ના કચરાને પણ દૂર કરે. એટલે ભાવનમાં તમારે એક જ કામ કરવું છે, એક વિચારને ધારદાર બનાવવો. વપુરિદમતિમલિનં – આ શરીર ગંદુ છે. ગંદુ છે, ગંદુ છે, ગંદુ છે, અને હું શરીર નથી. અશુચિમય આ છે, અશુચિમય આ છે તો શુચિમય કોણ? હું શુચિમય, આ અનિત્ય છે. ઈદમણીચ્ચં, ઈદમણીચ્ચં બધું અનિત્ય છે, તો નિત્ય કોણ?
ભાવન માટે શું કરવું જોઈએ એની એક સરસ ઘટના કહું. એક હિંદુ સદ્ગુરુ હતા. ૫૦ એક શિષ્યો એમના હતા, શિષ્યો ગુરુના પરમ ભક્ત. ગુરુનું વચન એમના માટે જીવનમંત્ર. ગુરુ પાસે એક લુંઘડાની ઝોળી હતી. ઝોળીમાં કંઈક હતું, ગુરુએ શિષ્યોને કહેલું, કે આ ઝોળીને તમારે કોઈએ હાથ પણ લગાડવાનો નહિ. શિષ્ય એટલે શિષ્ય. ગુરુની વાત; no argument. માત્ર સ્વીકાર. વિચાર પણ નથી આવતો, કે ઝોળીમાં એવું તો શું છે, કે ગુરુ અમને અડવાની પણ ના પાડે છે. પદયાત્રા હોય તો મારું આસન તમે ઉપાડજો, મારું કમંડલ તમે ઉપાડજો પણ આ ઝોળી કોઈએ ઉપાડવાની નહિ, એ તો હું જ ઉપાડીશ. એક શિષ્યના મનમાં વિચાર નથી આવતો કે શું છે ઝોળીમાં. ગુરુ ત્યાગી છે તો કંઈ સોના-રૂપા રાખેલા છે અંદર? હીરા-માણેક છે? છે શું અંદર? કોઈ વિચાર નથી આવતો, એકવાર પદયાત્રામાં થોડાક ભક્તો જોડાયેલા, ભક્તોને પટ્ટશિષ્યએ સુચના આપી કે ગુરુની ઝોળીને કોઈએ અડવાનું નહિ. ગુરુનું આસન ઊંચકજો, કમંડલ ઊંચકજો, ઝોળીને અડવાનું નહિ. એકવાર ગુરુ બહાર ગયેલા, બધા શિષ્યો પણ બહાર ગયેલા, ભક્તો પણ બહાર છે. કોઈ મંદિરે ગયેલા છે. એક ભક્ત આશ્રમમાં હતો. એને કુતુહલ થયું કે આ ઝોળીમાં છે શું? એણે વિચાર કર્યો કે હું તો એ શિષ્ય નથી, કે મારે ગુરુની આજ્ઞા માનવી પડે. ઝોળી એને ખોલી, અંદર શું હતું? મરેલા માણસની ખોપરી. અને ખોપરી તો કોણ રાખે? સાત્વિક સંતો ક્યારેય પણ ખોપરી રાખે નહિ. એ વામપંથીઓ રાખે. ગુરુ તો સાત્વિક સંત છે. તો ખોપરી કેમ? એ ઝોળીને ખુલ્લી કરીને બેઠેલો. ખોપરીને જોતો જોતો વિચાર કરે છે ત્યાં જ બધા આવી ગયા. અને બધાએ ખુલ્લી ઝોળીને જોઈ લીધી, કે અંદર ખોપરી છે. એ વખતે ગુરુને થયું, કે હવે વાત બહાર પડી જ ગઈ છે, તો વાત જાહેર કરી દઉં.
તો ગુરુએ કહ્યું કે હું ગુરુ છું, શાસ્ત્રોનો અભ્યાસ મેં ઘણો કર્યો છે, છતાં પણ ક્યારેક કયારેક મને અહંકાર આવી જાય છે. એ અહંકાર મને બિલકુલ ન આવે, એના માટે શું કરવું? એની હું વિચારણામાં હતો. એમાં એકવાર સ્મશાનમાંથી હું જતો હતો. અંધારું હતું. મારા પગે કંઈક અથડાયું. જોયું તો માણસની ખોપરી હતી. માણસ મરી ગયેલો, એને સળગાવી નાંખેલો, ચિતામાં અગ્નિ સંસ્કાર થયેલા. અને ખોપરી આમ રમતી રમતી બહાર આવી ગયેલી. ગુરુને થયું કે આ ખોપરી બહુ સરસ છે. ઝોળીમાં નાંખી, કોઈ ન હોય ત્યારે ઝોળી ખોલી, ખોપરી જોવે, અને પોતાની જાતને કહે, કે તારી હાલત આવી જ થવાની છે. તું અહંકાર કોના ઉપર રાખે છે?! તો ગુરુએ કહ્યું, કે અહંકાર ખરાબ છે. એ વિચાર મારી પાસે હતો. પણ એ વિચારને મારે ઘૂંટવો હતો. એ ઘૂંટવા માટે રોજ આ ખોપરીને હું જોતો હતો. ખોપરીને જોતો, વિચાર ઘૂંટાતો, વિચાર ઘૂંટાતો. અને અહંકાર સહેજ ઉદિત થવાની ક્ષણ હોય, ખોપરી યાદ આવે અહંકાર જતો રહે.
આપણે ત્યાં જ્ઞાનભાવના, દર્શનભાવના, ચારિત્રભાવના આ બધી ભાવનાઓ કહી કે ચારિત્રને ઘૂંટવાનું, જ્ઞાનને ઘૂંટવાનું, માત્ર તમે શબ્દપાઠ કરી જાવ, એ ભીતર નહિ જાય. તમારે જો ભીતર લઇ જવો હોય, તો એને વારંવાર, વારંવાર, વારંવાર ઘૂંટવું પડશે. આપણી પરંપરામાં એક મજાની ઘટના આવે છે. એક મહાત્મા જેમણે સમિતિ અને ગુપ્તિને ખુબ જ ઘૂંટેલી, ચારિત્રને ખુબ ઘૂંટેલું. અને એ ભાવના દ્વારા ચારિત્ર પ્રત્યે એટલો લગાવ થઇ ગયેલો, કે જીવન જાય તો ભલે જાય, પણ મારું સંયમ જવું ન જોઈએ. એકવાર એવું બન્યું, ગુરુની આજ્ઞાથી એક જગ્યાએ વૈયાવચ્ચ માટે એમને જવાનું થાય છે. ગંગા નદીને પેલે પાર એમને જવાનું છે. એ વખતે પણ ગંગા નદીનું પુર બહુ જ ભયંકર, પટ પણ બહુ વિશાળ એટલે પગથિયે ચાલી શકાય એવું હતું જ નહિ, હોડીમાં જ ઉતરવું પડે. તો હોડીમાં બેસીને ગંગાને પેલે પાર જવું છે. હોડીમાં બેસતાં પહેલાં નાવિકને પૂછ્યું કે ભાઈ હું બેસી શકું? બેસો મહારાજ, આટલા બધા ઉતારૂ બેઠા છે, તમે બેસી જાવ. હોડી ચાલી, ત્યાં પટ બહુ જ વિશાળ, બહુ જ પહોળી, હોડી અધવચ્ચે જાય છે. દરિયો નજીકમાં હતો, દરિયામાં ભરતી આવી, આજે થોડી ભરતી વધારે આવી. એની છાલકો લાગી. અને નદીમાં તોફાન આવ્યું. કોઈ દિવસ નહિ અને હોડી એકદમ ઉંચી-નીચી થવા માંડી. મુસાફરો ગભરાઈ ગયા, કે આ શું? એક જણો કહે ક્યારેય પણ નદીમાં તોફાન ન આવે, દરિયામાં આવે, નદીમાં ન આવે, નદીમાં તોફાન કેમ આવ્યું? ને બીજાએ કહ્યું, આ સાધુ બેઠેલા છે ને… એના કારણે થયું લાગે છે. તો ત્રીજાએ કહ્યું, સાધુને નાંખો નદીમાં. આપણે તો પેલે પાર પહોંચી જઈએ સહી સલામત… મુનિરાજ સાંભળે છે, પોતાને નદીમાં નાંખી દેવાની વાત છે, કોઈ અસર થતી નથી. જે ક્ષણે જે થવાનું હશે એ થશે. હું વર્તમાનયોગમાં બેઠેલો છું. આવતી ક્ષણનો વિચાર મારી પાસે નથી. વર્તમાનયોગ પ્રભુએ આપેલી, બહુ જ મજાની સાધના પદ્ધતિ છે. ભૂતકાળ ગયો, છેડો ફાડી નાંખો. ભવિષ્યકાળ આવશે ત્યારે, વર્તમાનની એક ક્ષણ તમારી પાસે છે. એને આનંદથી, એને ઉદાસીનદશાથી ભરી કાઢો. તમારી સાધના કેટલી નાની? એક ક્ષણ, એક ક્ષણને આનંદથી ભરી કાઢો. બીજી ક્ષણ એની ફોટો કોપી જેવી થશે. ત્રીજી ક્ષણ એની ફોટો કોપી જેવી થશે.
એક ગુરુએ શિષ્યોને આ જ વાત કરેલી, કે તમે થોડીક ક્ષણ પણ શુદ્ધમાં રહો તો અશુભમાં જવાની પછી કોઈ સજ્જતા રહેતી નથી. એક શિષ્ય અનુભવી હતો. એણે પૂછ્યું, ગુરુદેવ! ઘણીવાર હું શુદ્ધમાં ગયો છું પણ નિમિત્ત મળતાં અશુભમાં ઉંધા માથે પટકાયો છું. ગુરુ અનુભવી હતા. ગુરુએ કહ્યું, તું જેને શુદ્ધ ક્ષણ માનતો હતો, એ શુભ ક્ષણ હતી. અને શુભ ક્ષણની અંદર શુભ અને અશુભ જે છે બે નું મિશ્રણ હોય. અશુભ ૬૦% થઇ જાય, તો ૬૦-૪૦ નો રેસીયો આવે. ૭૦-૩૦ ની રેસીયો આવે. તો અશુભ વધારે હોય. શુભનું પલ્લું વધારે થાય, શુભ ૭૦ માં આવે, અશુભ ૩૦ માં જાય, પણ અશુભ તો હતું જ. શુદ્ધ નહોતું. તને જો શુદ્ધ ક્ષણ મળે, તો બીજી ક્ષણ એની ફોટો કોપી જેવી આવે. આજે અનુભવ કરવાના?
ભગવાને આચારાંગ સૂત્રમાં કહ્યું; ‘ખણમવિ મા પમાયએ’ અને એવું જ બીજું સૂત્ર છે, ‘ખણમ જાણાહિ પંડીએ’ એનો મુક્ત અનુવાદ એવો છે, કે પ્રભુ કહે છે કે બેટા! તું મને એક ક્ષણ આપીશ? આપણે ના પાડી શકીએ? આખું જીવન એણે આપ્યું. એક ક્ષણ માંગે છે. આપણે કહ્યું, હા પ્રભુ આપીએ. પણ આચારાંગમાં પ્રભુ કુશળ ગુરુ તરીકે આવ્યા છે. અને કુશળ ગુરુ કેવા હોય તમને ખબર છે? આંગળી આપો તો પહોચો પકડે. પહોચો આપો તો હાથ પકડે, અને હાથ આપો તો આખા ને આખા ગયા. આપણે કહ્યું, પ્રભુ એક ક્ષણ તમે માંગો છો, આપી. તરત પ્રભુ કહે છે, મને જે ક્ષણ આપે, એ ગંદી ગોબરી ચાલશે ખરી? શુદ્ધ જોઇશે. હવે practical કરો, એક મિનિટ, ૬૦ સેકંડ. શુદ્ધમાં, ન રાગ, ન દ્વેષ, ન અહંકાર, ન ઈર્ષ્યા. ૫૮ સેકંડ સરસ ગઈ, ૫૯મી સેકંડે તમારા રૂમમાં કોઈ વ્યક્તિ પ્રવેશી. તમને એના તરફ તિરસ્કાર છે. આ ક્યાંથી આવ્યો? એ મિનિટ ગઈ. કચરાટોપલીમાં. બીજી મિનિટ લો, પ્રયોગ કરો, અત્યારે તો બહુ સરસ છે વ્યવસ્થા. સંસારમાં તમે જાવ ઘરે, પછી શુદ્ધ ક્ષણ મેળવવી મુશ્કેલ બને, અહીંયા તો બહુ સહેલું છે. શબ્દોનું મૌન છે, વિચારોનું પણ મૌન સર્જાય, અને વિચારોના મૌનને સર્જવા માટે આ વર્તમાનયોગ બહુ જ મહત્વની કડી છે. કે એક ક્ષણ શુદ્ધ હું રાખું. એ એક ક્ષણ એવી હોય જેમાં રાગ-દ્વેષ, અહંકાર કશાય પરભાવનું પ્રતિબિંબ પડેલું ન હોય. તો હું ઘણીવાર કહું એક ક્ષણ શુદ્ધ મળે તો પ્રભુને આપવાની. બીજી શુદ્ધ ક્ષણ મળે તો ગુરુને આપવાની. બાકીની શુદ્ધ ક્ષણો બધી તમારી. બરોબર?
તો મુનિરાજને કોઈ અસર થતી નથી. પેલાએ કહ્યું, આ વિચાર બધાને ગમ્યો? હોડીવાળો પણ સહમત થયો, કે સાધુને નાંખો નદીમાં. મુનિરાજને લાગ્યું, કે બધા ય તૈયાર થઇ ગયા છે, કોઈનો વિરોધ નથી. અને હવે મને નદીમાં નાંખશે. ત્યારે મુનિરાજ ઉભા થાય છે, પ્રેમથી કહે છે કે તમારે મને નદીમાં નાંખવો છે ને? તો હું મારી મેળે નદીમાં જતો રહું તો વાંધો ખરો? પેલા કહે તો બહુ સારું. આમેય હિંદુ માણસ તો છે જ. ઋષિહત્યાનું પાપ અમને લાગે નહિ. તમે તમારી મેળે નદીમાં જતા હોય તો બહુ સારું. મુનિરાજે શા માટે કહ્યું? એમણે વિચાર્યું કે મારા શરીરને throw કરશે, ફેંકશે, તો અપ્કાયના જીવોની કિલામણા થાય. કેવું સંયમ ભાવિત થયેલું છે! મારા શરીરને throw કરશે તો અપ્કાયના જીવોની કિલામણા થશે, એટલે પોતે જ ધીરેથી ગંગા નદીમાં વહી જાય છે, ગંગા નદીમાં શરીર જાય છે પછી પૂર્વાવસ્થાના બહુ જ કુશળ તારુ છે. આ નદી ઉતરવી તેમના માટે કોઈ મોટી વાત નહોતી. પણ અત્યારે હાથ પણ હલાવતા નથી, પગ પણ ચલાવતા નથી. કોઇ પણ કુશળ તારુ હોય, નદીને પેલી પાર ક્યારે નીકળી શકે? હાથ-પગ હલાવીને, ગતિ કરીને. ન હાથ હલાવે છે, ન પગ હલાવે છે. કેમ? શું કારણ? કારણ એક જ, હાથ પગ હલાવું તો અપકાયના જીવોની વિરાધના થાય.
એ પછી ગંગા નદીના કાંઠે લગભગ શરીર આવેલું હોય છે અને નદી છાલક લગાવે છે અને શરીર કાંઠા ઉપર આવી જાય છે રેતમાં. શરીર રેતમાં આવી ગયું, ભીની રેતમાં. હવે શું કરે છે મુનિરાજ? કે ભીની રેતમાં ઉભા રહે છે. શરીર ભીનું છે, પાણી ટપકી રહ્યું છે, તો ભીની રેતમાં થઈને પાણીમાં જતું રહે. કુદરતી રીતે શરીર સુકાઈ જાય, વસ્ત્રો સુકાઈ જાય, પછી ઈરીયાવહિયા કરી અને એ વિહાર કરે છે. આ સંયમ પ્રત્યેનો લગાવ, આ ભાવના, આ ઘૂંટામણ. તમે ઘણીવાર કહો, ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માંગું છું દેવાધિદેવા. સરસ વાત છે કે પ્રભુ આ જન્મમાં જ નહિ દરેક જન્મમાં જ્યાં સુધી મને મોક્ષ ન મળે ત્યાં સુધી મને તારું શાસન મને મળે. પણ એ શાસનની ભાવિતતા અત્યારે કેવી છે? એ શાસન માટે તમે બધું જ ફેંકી દેવા માટે તૈયાર છો? મારું શાસન! મારું ઘર, મારી ઓફીસ, મારો પરિવાર. આ અનંત જન્મોથી મારાપણાને ઘૂંટ્યું છે. એ મારાપણાને છેદ લગાવવો હોય તો મારા પ્રભુ, મારા સદ્ગુરુ, મારા પ્રભુનું શાસન. મારાપણાને ફેરવી નાંખો.
તો શાસન ભાવિત થાય. હૃદય સાથે એક તાર મળે. સતત-સતત એક જ વાત મારા પ્રભુનું શાસન. ક્યાંક તમે સાંભળો. એક સાધ્વીજી ભગવતી વિહાર કરતા હતા. અને કોઈ માણસે એમને હેરાન કર્યા. એ સાંભળોને તમારી આંખોમાંથી આંસુ વહે. મારા ભગવાનના સાધ્વીજી એમને આવું થયું? તમે તરત જ ફોન ઉપર ફોન લગાવો. મિત્રોને ભેગા કરો. ચાલો ત્યાં જઈએ. પોલીસ પર દબાણ લાવીએ. કોણ હતું એની તપાસ કરીએ. મારા પ્રભુનું શાસન છે. દીકરો ખોવાઈ ગયો હોય કેટલી ચિંતા થાય? કેમ સ્કૂલમાંથી ટાઇમસર નથી આવ્યો. અડધો કલાક જ થયો છે. છોકરો ક્યાંક રમવા ગયેલો હોય. દીકરો આવ્યો કેમ નહિ? ઊંચા-નીચા થઈ જાઓ. આવા ઊંચા-નીચા પ્રભુશાસનના કોઈ અંગની અવહેલના સાથે થાવ છો? તો શાસનને ભાવિત કરવું છે.
મયણાસુંદરીના હૃદયમાં પ્રભુનું શાસન ભાવિત થયેલું છે. માત્ર વિચારોના સ્તર ઉપર નહિ, મનના સ્તર ઉપર નહિ, હૃદયના સ્તર ઉપર. અને એટલે લગ્ન પછીની પહેલી સવારે શ્રીપાળને લઈને મયણા દેરાસરે જાય છે. અજ્ઞાની લોકો બોલે છે. જોયું આ ધરમનું પુંછડું! ધરમ ધરમ ધરમ કરતું રહ્યું, એના બાપાએ કોઢિયો વર વરગાળી દીધો. અને પેલી સુરસુંદરી, એ કહે બાપુજી તમે કહો એમ જ થાય એને કેવો રૂપરૂપના અંબાર જેવો વર આપ્યો. આ ધરમનું પુંછડું કહે છે. મયણાસુંદરી દેરાસરે જાય. સદ્ગુરુ પાસે જાય. સદ્ગુરુને વંદન કરે. અને ધ્રુસકે ધ્રુસકે રડી પડે. કોઢથી જેની કાયા છલકાતી હતી. બે મિનિટ જેના શરીર પાસે બેસી ન શકાય. એવી દુર્ગંધી જેના શરીરમાંથી વહેતી હતી. એ શ્રીપાળ સાથે લગ્નની ચોરીમાં બેઠેલી મયણા ખુશ-ખુશ હતી. સહેજ પણ નારાજ નહોતી. કેમ? જ્ઞાની ભગવંતે જોયું હોય એમ બન્યા કરે. એ મયણા ગુરુદેવ પાસે ધ્રુસકે-ધ્રુસકે રડે છે. કેમ રડે છે? શું કારણ? કોઢિયો વર મળ્યો માટે નહિ. એ કહે છે, ગુરુદેવ! પ્રભુના શાસનની નિંદા, અવહેલના મારાથી સહન નથી થતી. લોકો મને ગમે તેવી ગાળો આપે મને વાંધો નથી. મને કુળકલંકીની કહે તો પણ વાંધો નથી. પણ મારા નિમિત્તે પ્રભુના શાસન તરફ આંગળી ચિંધાય મારાથી સહન નથી થતું. રાસના શબ્દો છે. ‘પણ જિનશાસન હેલના, સાલે લોક અબુઝ’. આ અજ્ઞાની લોકો. પ્રભુશાસનની અવહેલના કરે છે એ મારાથી સહન નથી થતી. આ ભાવના. સહન નથી થતું. હું ગમે તેવી પ્રતિકુળતાને સહન કરી શકું. કોઢિયા વરને સહન કરી લઈશ. પણ પ્રભુના શાસનની નિંદાને હું સહન નહિ કરી શકું.
તમારે તો નક્કી છે ને બધાને કે તમે પ્રભુશાસનના કોઇ પણ અંગની ક્યારેય પણ નિંદા કરો નહિ કે નિંદા સાંભળો નહિ. કોઈ કહેને ફલાણા મહારાજ સાહેબ આવા. તરત તમે કહી દો પ્લીઝ એ પંચમહાવ્રતધારી છે અને એ જિનશાસનના, પંચપરમેષ્ઠીના એક અંગરૂપ છે. અને એવા પંચપરમેષ્ઠીની નિંદા સાંભળવા માટે મારા કાન નથી. એટલાં સ્પષ્ટ છો તમે? કે ગાડીમાં બેસી જાઓ તમે? કે હા,હા એ મહારાજ આવા છે ને પેલા બીજા મહારાજ પણ આવા છે. કયો રાઇટ તમને છે? શ્રાવકોને સાધુના માં-બાપ એક અપેક્ષાએ કહ્યા છે. બહુ સરસ છે. માતપિતા હોય એ દીકરાની care કેવી રીતના કરે? ધારો કે દીકરો શરાબ પીવે છે. એના માતપિતા ઢંઢેરો પીટે? મારો દીકરો શરાબ પીવે છે! તમે સાધુના માતપિતા એટલે શું? તમે એમને પ્રેમથી સમજાવો સાહેબ અમને નથી મળ્યો એવો પરમાત્માનો વેશ તમને મળ્યો છે. આ પરમાત્માના વેશમાં આ ન ચાલે. અમને પીડા થાય છે સાહેબ. અમારી પીડાને આપ દુર કરો. એટલા ભાવથી તમે કહો કે એમને શિથિલતા થોડી આવેલી હોય તો એને ખંખેરવી જ પડે. સવાલ જ નથી. તો આ શું થયું? મયણાસુંદરી પાસે પ્રભુશાસન ભાવિત થયેલું હતું.
તો ભાવના. સંયમ ભાવિત થાય, શ્રાવકપણું ભાવિત થાય. પ્રભુશાસન ભાવિત થાય. અને આ ભાવિતતા શું કરે? રાગ અને દ્વેષ જે unconscious માં છે એને પણ કાઢી નાંખે. પ્રભુશાસનનો રાગ શું કરે? સંસારના રાગને કાઢે કે પ્રભુશાસનનો રાગ superior થઈ ગયો. મારા પ્રભુનું શાસન! એ તો કોઇ પણ સંયોગોની અંદર જયવંતુ જ છે અને જયવંતુ રહેવાનું જ છે. પણ મારે એમાં યોગદાન આપવું છે અને મારા પ્રભુના શાસનને મારે વિશ્વની અંદર ફેલાવવું છે. આ રીતે પ્રભુશાસન પ્રત્યેનો પ્રેમ આવ્યો. તો શરીર પ્રત્યેનો પ્રેમ પણ ક્યાં રહેશે? કે સંસાર પ્રત્યેનો પણ પ્રેમ ક્યાં રહેશે? રાગ અને દ્વેષ શિથિલ બની જવાના. એટલે unconscious માં રહેલા કચરાને ભાવિત થયેલું પ્રભુશાસન, ભાવિત થયેલું સંયમ, ભાવિત થયેલી સાધના કાઢી શકે છે.
એટલે ભાવના શું કરે? unconscious mind માં રહેલાં કચરાને કાઢી નાંખે. પણ theme કઈ છે? કે unconscious ના કચરાને કાઢવા માટે એક વેગ જોઈએ છે. એક બળ જોઈએ છે પાછળ. એ બળ મળ્યું પ્રભુશાસનના રાગનું. અને એવો જબરદસ્ત રાગ પ્રભુશાસન પ્રત્યે થયો કે સંસારનો જે રાગ છે એ સામાન્ય થઈ ગયો. એક રૂપિયો ગણી-ગણીને વાપરનારો. અહિયાં આવે દાદાનો અભિષેકનું ઘી. આપણું એક લાખ મણ, આપણા દોઢ લાખ મણ, બે લાખ મણ. આ શું છે? આ પ્રભુ પ્રત્યેનો રાગ છે. અને એ પ્રભુ પ્રત્યેના રાગે ધન પ્રત્યેના, સંપત્તિ પ્રત્યેના રાગને ઉડાડ્યો.
એટલે unconscious માં રહેલાં રાગ-દ્વેષ-અહંકાર ને કાઢવા માટે પ્રભુશાસનથી ભાવિત બનો. પ્રભુની સાધનાથી ભાવિત બનો. સાધના તમારી પાસે છે. ભાવિત થયેલી સાધના કઈ? પૂજા કરો છો. પ્રભુનો સ્પર્શ કરો છો. એ વખતે કંઇ રણઝણાટી થાય છે? આમ… કેમ? એક વૈશ્વિક ઉર્જા પ્રભુના દેહમાં આવેલી છે. નવ અંગેથી એ બહાર નીકળી રહી છે. તમે એ અંગને touch કરો. વૈશ્વિક પરમ ચેતના સાથે તમારો સંપર્ક થાય છે. એક super electricity સાથે અને છતાં કોઈ ખલબલાટી ન થાય?! મેં એક પ્રવચનમાં પૂછેલું, તો મને સામેથી પૂછવામાં આવ્યું કે સાહેબ કેમ નથી થતું? તો મેં કહ્યું ઇલેક્ટ્રિક ટેકનીશીયન હોય, એને લીક થયેલા વાયરો જોડે કામ પડતું હોય, એ લાકડાની સ્લીપર વગેરે પહેરીને કામ કરતો હોય તો એને લીક થયેલા વાયરની પણ અસર નહિ થાય. એમ તમે પણ ભગવાન પાસે જાઓ છો ત્યારે વિચારોનો અવરોધ લઈને જાઓ છો. એ વિચારોને કાઢી નાંખો. ભાવનામાં આવી જાઓ. મારા પ્રભુ, મારા પ્રભુ. આ કયા છે મારા પ્રભુ? જયપુરથી આવેલા નથી, સિદ્ધશિલા પરથી આવેલા છે. અને એ પ્રભુનો સ્પર્શ મને મળ્યો છે! આમ ગાંડાઘેલા તમે થઈ જાઓ. અને પછી નાચો છો ને એ નાચવાનું કારણ આ છે કે એટલો બધો આનંદ છે કે એ હૈયામાં સમાતો નથી એને બહાર કાઢવો પડે છે. ડીસ્ચાર્જ કરવો પડે છે. તો ભાવના જયારે તમારી ભીતર આવે છે ત્યારે નિર્મળ હૃદય તમને મળે છે. હવે આપણે પ્રેક્ટીકલ કરીએ.