Maun Dhyan Sadhana Shibir 17 – Vachana – 5

4 Views
32 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject: સમતાયોગ અને વૃત્તિસંક્ષયયોગ

સમભાવથી આખું હૃદય વ્યાપ્ત થઇ જવું જોઈએ. वासीचन्दणकप्पो. ચંદનને કાપો, ઘસો, બાળો તેમ છતાં એ સુગંધ જ આપે એમ સમતાયોગીને પણ કોઈ ગમે તેટલા ઉપસર્ગો આપે, તેમ છતાં એ માત્ર સમભાવની અંદર જ રહેવાવાળા હોય છે.

વૃત્તિઓનું શમન એ તો અગ્નિમાં નાંખવામાં આવતા લાકડા જેવું છે; એનાથી તૃપ્તિ થતી નથી. અને ઇચ્છા હોવા છતાં બળજબરીથી વૃત્તિને દબાવી દેવી, તે દમન. અનંતા જન્મોની અંદર આપણે કાં તો વૃત્તિઓનું શમન કર્યું, કાં તો દમન કર્યું; આ જન્મની અંદર વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ કરવું છે. ઉર્ધ્વીકરણ એટલે વૃત્તિઓને ઊંચે લઈ જવી; એમનું રૂપાંતરણ કરવું.

ધ્યાન અને કાયોત્સર્ગમાં વૃત્તિઓનો ક્ષય છે; એ ક્ષણોમાં એક પણ વિચાર ન હોય. અને વૃત્તિ સંક્ષય એટલે વૃત્તિઓનો સંપૂર્ણ ક્ષય; વિચારોનો એવો ક્ષય કે ફરીથી એ ઉત્પન્ન જ ન થાય. ચૌદમા ગુણઠાણે પ્રભુ અયોગી બને, ઉપયોગમાં સ્થિર બની જાય, ત્યારે આવો વૃત્તિસંક્ષય થાય છે.

મૌન ધ્યાન સાધના શિબિર ૧૭ જીરાવલા વાચના – ૫

અધ્યાત્મયોગ, ભાવના યોગ, ધ્યાન યોગ, સમતા યોગ અને વૃત્તિસંક્ષય યોગ. ધ્યાનમાં એક વસ્તુ ખ્યાલમાં રાખવાની કે નિર્વિકલ્પદશામાં રહેવું એ ધ્યાન નથી. નિર્વિકલ્પદશામાં રહેવું એ ધ્યાનનું foundation છે. તમને નિર્વિકલ્પદશાનો એવો અભ્યાસ જોઈએ કે તમે જ્યારે પણ ઈચ્છો, ત્યારે વિકલ્પોને switch off કરી શકો. આપણને આત્મતત્વ તરફ સ્થિર ન થવા દેનાર કોઈ હોય તો એ વિકલ્પો છે. અંદર ગયા થોડોક સમભાવનો અનુભવ થયો, કોઈ વિકલ્પ આવ્યો, પાછા બહાર આવી ગયા.

તો નિર્વિકલ્પ દશાનો અભ્યાસ એવો હોવો જોઈએ કે જેના કારણે આપણે ધ્યાનમાં જઈએ ત્યારે એક પણ વિકલ્પ આપણને સતાવી ના શકે. વિકલ્પ આપણને બહિર્ભાવમાં લઇ જાય છે. કારણ કે વિકલ્પોને અનાદિથી અભ્યાસ એક જ છે, રાગમાં જવું, દ્વેષમાં જવું, અહંકારમાં જવું. તો વિકલ્પો જ્યાં ચાલુ થયા, ત્યાં તમને રાગ-દ્વેષમાં લઇ જશે. આપણે ધ્યાનમાં આત્મતત્વનો અનુભવ કરવો છે. આત્માના સ્વરૂપનો અનુભવ કરીએ ત્યારે એક નિર્મળ સ્વરૂપનો અનુભવ. અખંડાકાર ચેતનાનો અનુભવ. અને ગુણોનો અનુભવ કરીએ ત્યારે સમભાવ, વિતરાગદશા, આનંદ આ બધા ગુણોનો અનુભવ. પણ એ ગુણોના કે સ્વરૂપના અનુભવની અંદર અવરોધરૂપ બનનાર માત્ર અને માત્ર વિકલ્પો છે. એટલે નિર્વિકલ્પદશાનો અભ્યાસ સૌથી પહેલાં આપણી પાસે જોઇશે. કાયોત્સર્ગ પણ તો જ સફળ થશે. ધ્યાન પણ તો જ સફળ થશે. અત્યારે આપણે કાઉસ્સગ કરીએ છીએ, પ્રતિક્રમણમાં પણ એ વખતે આપણું મન એ નવકાર મંત્રમાં કે લોગસ્સમાં સ્થિર થયેલું હોતું નથી. આપણું મન ક્યાંનું ક્યાંય બહાર ભટકે છે. એટલે મનને એક સ્થિર જગ્યાએ ગોઠવી રાખવું આ નિર્વિકલ્પદશા, અને એ બહુ જ જરૂરી છે.

આવશ્યક ક્રિયા કરીએ તો પણ એ બહુ જ જરૂરી છે. નહીતર પ્રતિક્રમણ ચાલતું હશે આપણે ક્યાંય પહોંચી ગયા હોઈશું. ભાઈ સ્તવન કોણ બોલ્યું હતું? અરે સાહેબ સ્તવન બોલાયું હતું, અરે ભાઈ બોલાય, એના વગર પ્રતિક્રમણ પૂરું ન થાય. પણ કોણ બોલ્યું હતું? ભાઈસાબ ક્યાંના ક્યાં પહોંચી ગયા હોય, ખબર જ ન હોય. એટલે આપણી એક-એક ક્રિયા પણ સમ્યક્ ક્યારે થાય? જ્યારે નિર્વિકલ્પદશાનો અભ્યાસ હોય ત્યારે. આ નિર્વિકલ્પદશાના અભ્યાસની પૃષ્ઠ ભૂમિકા ઉપર ધ્યાન. ‘शुभैकालम्बनं चित्तं ध्यानमाहुर्मनीषिण:’ શુભ એક આલંબન ઉપર મનને સ્થિર કરવું એ ધ્યાન છે. અને આપણે બીજા બધા તત્વો ઉપર હમણાં નથી જવું, અજીવ તત્વ ઉપર પણ નહિ, કે બંધ તત્વ ઉપર પણ નહિ, કે આશ્રવ ઉપર પણ નહિ. અત્યારે માત્ર આપણે આત્મતત્વ ઉપર જ focus થવું છે. તો નિર્વિકલ્પદશા મળી, તમે ધ્યાનમાં છો, અને તમે તમારા આનંદનો અનુભવ કરો છો. પ્રાથમિક કક્ષાએ અમે લોકો આંખો બંધ કરાવીએ છીએ. આંખો બંધ એટલા માટે કે આંખ sensitive માં sensitive ઇન્દ્રિય છે. એ કોઈ વસ્તુને જોવે, તરત જ અંદર પહોંચાડશે. અને મન એના ઉપર વિકલ્પોની હારમાળા શરૂ કરશે.

અત્યારે વૈજ્ઞાનિકો કહે છે, કે તમે એક પદાર્થને રાગથી પાંચ-સાત-દસ સેકંડ સુધી જોવો, તો એ પદાર્થ તમારા મનમાં જતો રહેશે. એટલે બીજા કોઈ તત્વો મનમાં ન જાય એના માટે નિર્વિકલ્પદશા. અને એ નિર્વિકલ્પદશાની પૃષ્ઠ ભૂમિકા ઉપર ધ્યાન. અને એ ધ્યાનમાં આપણે આત્માનો આનંદ, આપણી વિતરાગદશા, આપણો પ્રશમરસ આ બધા ઉપર જ focus થવું છે.

ચોથો યોગ છે સમતા યોગ. હા એ વીતરાગતાયોગ પણ છે. પ્રશમરસનો યોગ પણ છે. આનંદનો યોગ પણ છે. પણ સૌથી વધારે સમતાને એમણે પ્રાધાન્ય આપ્યું. હરીભદ્રસૂરિ મહારાજ સંબોધસિત્તરિ માં લખે છે, ‘सेयंबरो य आसं, बरो य बुध्धो अ अहव अन्नो वा, समभावभावि अप्पा, लहेइ मुक्खं न संदेहो.’ શ્વેતાંબર હોય કે દિગંબર હોય, બૌદ્ધ હોય કે બીજી કોઈ ધર્મશાખાનો અનુયાયી હોય, એ સમભાવથી ભાવિત હૃદયવાળો હોય, તો મોક્ષ મેળવે જ છે એમાં કોઈ સંદેહ નથી. मुक्खं लहेइ न संदेहो. હરીભદ્રાચાર્યનું આ વચન છે. ભલે એ બીજા ધર્મમાં રહેલો માણસ પહેલી, બીજી, ત્રીજી, ચોથી દ્રષ્ટિમાં હોય, પણ ત્યાં સુધીમાં એણે સમભાવને ઘૂંટ્યો છે તો સીધી છલાંગ પાંચમે, છટ્ઠે, સાતમે લગાવી દેશે. ચાર દ્રષ્ટિ સુધી મિથ્યાત્વ છે. પાંચમી સ્થિરા દ્રષ્ટિમાં સમ્યગ્દર્શન થાય છે. આપણે મણીલક્ષ્મી શિબિરની અંદર આ દ્રષ્ટિઓની વાત કરવાની છે.

તો ચાર દ્રષ્ટિ તમને મળેલી હોય, ત્યાં સુધી તમે મિથ્યાત્વી છો. એટલે આપણે કોઈને કહીએ કે એ તો મિથ્યાત્વી છે. પણ મિથ્યાત્વી બનવું સહેલું નથી. એક અનાદિ મિથ્યાત્વી હોય એ જુદો, અને મિથ્યાત્વ ગુણસ્થાનકમાં હોય એ જુદો, મિથ્યાત્વને પણ ગુણસ્થાનક કહ્યું. પહેલું ગુણસ્થાનક. તો મિથ્યાત્વ ગુણસ્થાનક મેળવવું પણ અઘરું છે. પહેલી દ્રષ્ટિમાં મૈત્રીભાવ, તમે મૈત્ર્ય યોગી બની જાવ. બધાની સાથે મૈત્રીભાવ. કોઈની સાથે દ્વેષ નથી. બીજી દ્રષ્ટિમાં જાવ, ઈશ્વર પ્રણિધાન, સ્વાધ્યાય આ બધું જ તમારા જીવનમાં આવે. એનાથી આગળ જાવ, એનાથી આગળ જાવ. એકમાત્ર સુક્ષ્મ દ્રષ્ટિ ખુલી નથી. બાકી ચાર દ્રષ્ટિ સુધીમાં જે ગુણો મળે છે, એ આપણી પાસે પણ હોય અથવા ન હોય.

મારા મિત્ર પ્રધુમ્નસૂરિ મ.સા. મુંબઈમાં જ એકવાર પ્રવચન આપતાં હતાં. અને એ પણ મારી જેમ મીરાંના પદોને  quote કરે અને બોલે. તો એક ભાઈએ પૂછ્યું, કે સાહેબ મીરાં કઈ દ્રષ્ટિમાં હતી? ત્યારે આપણા યુગના એ ટોચના મહર્ષિ પ્રદ્યુમ્નસૂરિ કહે છે, કે મીરાં કઈ દ્રષ્ટિમાં હતી એ તો જ્ઞાની પુરુષો કહી શકે. પણ એના શબ્દો પરથી એની જે અનુભૂતિનું હું અનુમાન લગાવું છું. એ અનુભૂતિ મારી પાસે નથી. મીરાં પાસે જે અનુભૂતિ હતી, એ મારી પાસે નથી. એવું આપણા એક ટોચના આચાર્ય શ્રી કહે છે. મને પણ હરીભદ્રસૂરિ મહારાજ મળ્યા, મારી દ્રષ્ટિ આખી ખોલી આપી. નહિતર હું પણ સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિમાં જ રમતો હોત. ભાઈ તું સમ્યગ્દ્રષ્ટિ ક્યાંથી બન્યો પણ! તારામાં પહેલી દ્રષ્ટિના ગુણો નથી, તો પાંચમીમાં ક્યાંથી પહોંચ્યો તું…! એટલે જ અન્ય સંતોને પણ આપણે યાદ કરીએ એમાં ખોટું નથી. આપણે ત્યાં અન્ય દ્રષ્ટિ સંસ્તવ એને અતિચાર કહ્યો છે. એટલે અન્ય દ્રષ્ટિ મહાત્મા છે, એના ગુણો તમે જોયા તો અનુમોદના તમે કરો, પણ જાહેરમાં એનું વર્ણન ન કરો, આવું કહ્યું, પણ એનું કારણ એ છે કે મારા જેવો માણસ કોઈ હિંદુ સંતથી પ્રભાવિત થયેલો હોય, હું જાહેરમાં એ હિંદુ સંતની વાત કરું, તમે એમને મળવા માટે જાવ, એ લીલી ઘાસની લોન પર બેઠેલા હોય, પંખા વિગેરે ચાલી રહેલા હોય, મોઢામાં પાનનો ડૂચો હોય ને બોલતાં હોય, તો તમને થાય કે આ સંત! પણ જે સંત હિંદુ, સુફી, કે બીજી કોઈ પરંપરાના વિદેહ થયા છે. એમના ગુણગાન ગાવામાં વાંધો નહિ. કારણ કે તમે રમણ મહર્ષિ પાસે અત્યારે ક્યાં જવાના છો?

પણ રમણ મહર્ષિ તો no doubt ઉંચી કક્ષામાં હતા. રામકૃષ્ણ પરમહંસ no doubt ઉંચી કક્ષામાં હતા. અને હું પણ એમ ન કહી શકું કે એ માત્ર ચોથી દ્રષ્ટિએ અટકેલા હશે, આગળ વધેલા હોઈ શકે કારણ કે અન્યલિંગ સિદ્ધ આપણે ત્યાં કહ્યા છે. કેટલું વિશાળ આપણું દર્શન છે, કે તમે હિંદુ છો, ફકીર છો, પૂર્વ જન્મનું સ્મરણ થયું, અને તમે એ ધારામાં આગળ વધ્યા તો ગુણસ્થાનક. એ ગુણસ્થાનકમાં કોઈ લેબલ નથી મારેલું કે જૈન કુળમાં અવતર્યો હોય એને જ આ મળે, અને ઉપાધ્યાય યશોવિજય મહારાજે તો ઝાટકણી કાઢી, ‘જૈન કહો કયું હોવે’ અને એમાં એમણે લખ્યું ‘નામ વેશ શું કામ ન સીઝ’ તે જૈન તરીકે નામ ધરાવ્યું, કે શ્રાવકનો કે સાધુનો વેશ પહેર્યો, એથી કંઈ કામ થવાનું નથી.

ધર્મદાસ ગણિએ લખ્યું કે આ વસ્ત્રો હોય અને નરકમાં જઈ શકાય છે. એટલે નામ જોડે, વેશ જોડે, ગુણસ્થાનકને કોઈ સંબંધ નથી. એટલે જ ગુણસ્થાનક કહ્યું છે. તમારામાં આ છે તો તમે આ દ્રષ્ટિમાં. પાંચમી દ્રષ્ટિએ સમ્યગ્દર્શન મળ્યું. પણ ઉદાસીન દશા તમારામાં વધુ છે તો છટ્ઠી દ્રષ્ટિ ઉપર. તીર્થંકર ભગવંતો પાંચમાં ગુણઠાણે નથી આવતાં. શ્રાવક નથી હોતા. કારણ કે એમને ગુરુ નથી હોતા ગ્રહસ્થપણામાં, પણ એ પાંચમી દ્રષ્ટિમાં નહિ, છટ્ઠી દ્રષ્ટિમાં છે, કારણ જન્મથી એ ઉદાસીનદશામાં છે.

તો મીરાં જે અનુભૂતિમાં હતી, એ અનુભૂતિમાં હું નથી, એવું પ્રદ્યુમ્નસૂરિ મ.સા. કહે છે. તો સમભાવ. સમભાવથી આખું હૃદય વ્યાપ્ત થઇ જવું જોઈએ. યોગશતકમાં હરીભદ્રસૂરિ મહારાજે લખ્યું, ‘वासीचन्दणकप्पो समसुहदुख्खो मुणी समक्खाओ’ વાસી ચંદન જેવો મુનિ છે, એ ચંદનને કાપો, ઘસો, બાળો એ સુગંધ જ આપે. એમ આવા મુનિને કોઈ ગમે એટલા ઉપસર્ગો આપે, પણ એ માત્ર સમભાવની અંદર જ રહેવાવાળા અને એ સમભાવ પછી આવે છે, વૃત્તિસંક્ષય.

વૃત્તિ એટલે વિચાર, અને વિચારોનો એવો ક્ષય કે ફરીથી એ ઉત્પન્ન ન થાય. તેરમાં ગુણઠાણે લગભગ વિચારોનો સંક્ષય છે. પણ પ્રભુ દ્રવ્ય મન એટલા માટે રાખે છે, કે અનુત્તરવાસી દેવતાઓ કોઈ પ્રશ્ન પૂછે તો એનો જવાબ એ મનથી આપી શકે. જાણે છે જ્ઞાનથી, જવાબ આપે છે દ્રવ્ય મનથી, અને એ મનોવર્ગણાના પુદ્ગલોને જોઇને જવાબ શું છે એ પેલા દેવને ખ્યાલ આવી જાય. પણ ચૌદમાં ગુણઠાણે પ્રભુ અયોગી બને, ત્યારે એક પણ વિચાર નથી, અને પછી કાયાનું કોઈ સ્પંદન પણ નથી. એ વૃત્તિસંક્ષય પહેલાં ચાર ભૂમિકાઓ છે. વૃતિઓનું શમન, વૃત્તિઓનું દમન, વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ, અને વૃત્તિઓનો ક્ષય. વૃત્તિઓનું શમન. શમનનો તો કોઈ અર્થ નથી. ઈચ્છા થઇ કે આ ખાવું છે, ખાધું. પણ એથી તૃપ્તિ થવાની નથી. સવારે ગમે એટલું ખાધું, બપોરે તો ખાવું જ છે પાછું, સાંજે ખાવું જ છે, નાનપણથી અત્યાર સુધીમાં કેટલી રોટલી ખાધી હશે બોલો? આ છત સુધી અડે એટલો થપ્પો થઇ જાય. તો ય તૃપ્તિ થઇ નથી, અને થવાની નથી. એટલે વૃત્તિઓનું શમનને અગ્નિમાં નાંખવામાં આવતાં લાકડા જેવું કહ્યું છે. અગ્નિમાં લાકડું નાંખો એથી અગ્નિ તૃપ્ત નહિ થાય. એને બાળશે, ફરી બીજું લાકડું, ફરી ત્રીજું લાકડું.

બીજું ચરણ વૃત્તિઓનું દમન. આપણી તપશ્ચર્યા વિગેરેમાં આપણે દમન નથી કરતાં, આપણી તપશ્ચર્યા વિગેરેમાં, આપણે વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ કરીએ. દમન ક્યારે થાય, કે દા.ત કે ડોકટરે કહ્યું, કે તમારે ઘી-તેલ ખાવાનું નથી. ક્લોરોસ્ટોલ બહુ જ વધી ગયું છે. અને તમે ઘી-તેલ ન ખાવ તો દમન. ઈચ્છા બહુ છે ખાવાની, ગરમાગરમ ભજીયા ઉતરી રહ્યા છે, ખાવાની ઈચ્છા છે પણ ડોકટરે ના પાડેલી છે. દમન.

પછી વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ. વિચારોને ઉંચકો. એટલે જ વેદોમાં એક શબ્દ છે, ઉર્ધ્વરેતસ. રેતસ એટલે વીર્ય, રેતસ એટલે શક્તિ. એ શક્તિને ઉંચે લઇ જવી જોઈએ. એ જ શક્તિ નિમ્નગામિની બનશે તો નીચેથી વહી જશે. એ જ શક્તિ ઉપર જશે તો તમારી વૃત્તિઓ જે છે, એનું આખું રૂપાંતરણ થઇ જશે. ખાવાની વૃત્તિ, ખવડાવવાની વૃત્તિમાં આવશે. કશુંક સારું ભોગવવાની વૃત્તિ નહિ, પણ બીજાને સારું આપવાની ઈચ્છા થશે. આ વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ છે. તમે આપણા આચાર્ય ભગવંતોના ફોટા જોવો, વિવેકાનંદજી ફોટો જોવો, એમના ચહેરા ઉપર જે તેજ છે ને, એ તેજ આ ઉર્ધ્વીકરણને કારણે થાય છે. કે જે શક્તિ હતી એને ઉપર ઉઠાવી.

તો અનંતા જન્મોની અંદર આપણે કાં તો વૃત્તિઓનું શમન કર્યું, કાં તો વૃત્તિઓનું દમન કર્યું, ઉર્ધ્વીકરણ ક્યારે પણ કર્યું નથી. તો આ જન્મની અંદર વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ કરવું છે. કોઈ ઈચ્છા ખાવાની નથી. બીજાને ખવડાવો તમે તૃપ્ત બની જાવ.

એક શ્રીમંતને paintings નો બહુ શોખ હતો. અને આજ તો તમને ખબર છે, paintings ના ભાવ જેટલા છે એમાં કોઈ એન્ટીક વસ્તુ નથી હોતા. કરોડો ડોલરમાં એક-એક painting વેચાય. અને એ પીકાશોનું કોઈનું painting જોયું હોય ને તો આપણને ધડ-માથું સમજાય નહિ. અને એના કરોડો ડોલર..! તો પેલા શ્રીમંતને આવો શોખ હતો. એનો એક મિત્ર હતો, મિત્રે કહ્યું, તને આ શોખ છે ને painting નો, જીવંત paintings તને બતાવું તો? બહુ જ ઓછા ખર્ચમાં, તો કહે બહુ સરસ. તો કહે ચાલ ઉપડીએ. કારમાં બિસ્કીટસનો બહુ મોટા પેકેજીસ લીધા, બીજા પણ ખાવા-પીવાની વસ્તુના પેકેટ લીધા અને ચાલ્યા. ઝુંપડપટ્ટીમાં ગયા, બધા બાળકોને ભેગા કર્યા, બિસ્કીટ, ચોકલેટ આ બધું આપવા માંડ્યા, સીંગ-ચણા રેવડી, એક-એક બાળકના ચહેરા ઉપર જે આમ આનંદ હતો, પેલા મિત્રએ કહ્યું, આવું painting ક્યારેય જોયું છે તે? તો વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ.

પછી ધ્યાનમાં જાવ ત્યારે વૃત્તિઓનો ક્ષય. એક પણ વિચાર ન હોવો જોઈએ, ભલે ૧૦ મિનિટ, ૧૫ મિનિટ, આજે કાયોત્સર્ગ ધ્યાન ગમી ગયું? ઘણાની ઈચ્છા થઇ ગઈ છે કે પાછળથી મને સમાચાર મળ્યા, કે સાડા ૧૨ મિનિટનું કાયોત્સર્ગ ધ્યાન રોજ કરું. જેને-જેને સાડા બાર મિનિટનું કાયોત્સર્ગ ધ્યાન મહિનો, બે મહિના, છ મહિના, બાર મહિના જેટલા સમય માટે લેવું હોય એ હાથ જોડો પચ્ચક્ખાણ આપી દઉં.

તો ધ્યાન અને કાયોત્સર્ગમાં વૃત્તિઓનો ક્ષય છે. પણ જ્યારે ચૌદમાં ગુણઠાણે અયોગી ગુણસ્થાનકે ત્રણેય યોગોને બિલકુલ મૂકી દેવાના છે, અને યોગોને પેલે પાર ઉપયોગની અંદર જ માત્ર સ્થિર થવાનું છે. સિદ્ધ ભગવંતો પાસે કોઈ યોગ નથી. એ વિચારતાં નથી, માત્ર પોતાના શુદ્ધ ઉપયોગમાં રહેલા છે. એ શુદ્ધ ઉપયોગ પોતાના શુદ્ધ સ્વરૂપમાં રહેલો છે. તો અયોગી બને છે, એટલે કે ઉપયોગી બને છે. ઉપયોગમાં સ્થિર બની જાય છે. એ અયોગી બને છે. ત્યારે વૃત્તિઓનો સંક્ષય થાય છે. સંપૂર્ણ ક્ષય. પછી હવે ક્યારેય પણ વિચાર એમને ઉત્પન્ન થવાનો નથી.

તો અધ્યાત્મ યોગથી વૃત્તિસંશય યોગ સુધીના આ પાંચ યોગોની વાત તમારી સામે કહી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *