વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject : રુચિ વૈરાગ્ય સમેત
નિર્મળ ચિત્ત, નિર્મળ અસ્તિત્વ એ આપણી મંઝિલ. એના માટેનો માર્ગ : રૂચિ અને વૈરાગ્ય. નિર્મળ અસ્તિત્વની એક આછી સી ઝલક કોઈ મહાપુરુષમાં તમે જોઈ, તમને એ ગમી ગઈ અને તમે નક્કી કરો કે હવે તો આ જ જોઈએ, બીજું કાંઈ જ નહિ. આ રુચિ.
અને વૈરાગ્ય એટલે પર તરફની અશ્રદ્ધા. પર પદાર્થોનો ઉપયોગ ભલે થાય, પણ એ પર પદાર્થથી મને સુખ મળે – એ શ્રદ્ધા ઊડી જાય. આવો વૈરાગ્ય આવે, એટલે વૈભાવિક તમામ ક્રિયાઓમાં કર્તા ગેરહાજર થઇ જાય. ક્રિયા ભલે રહી, કર્તા ઊડી ગયો.
નિમિત્તોની અસર ઓછી કરવા માટેનો એક practical approach. સંકલ્પ કરો કે સવારના પહોરમાં ઊઠીએ એ પછી પહેલું જે નિમિત્ત મળે એની અસરમાં ન આવવું. તમારો સંકલ્પ અને પ્રભુની-ગુરુની શક્તિથી તમે જો પહેલા નિમિત્તમાં પણ અડોલ રહી શકો, તો પછી ધીરે ધીરે એનો વિસ્તાર કરી અન્ય નિમિત્તોની અસરથી પણ બચી શકાય.
મૌન ધ્યાન સાધના શિબિર – ૦૨ (સાંજે) – વાચના – ૨
૪૫ આગમ ગ્રંથોમાં રહેલી પ્રભુ આજ્ઞાનો સાર, નિચોડ ગુરુદેવે માત્ર ૧૬ અક્ષરોમાં યોગસાર ગ્રંથમાં બતાવ્યો. ‘આજ્ઞા તું નિર્મલં ચિત્તં, કર્તવ્યં સ્ફટિકોપમં’ પ્રભુની આજ્ઞા એટલે શું? ચિત્તને નિર્મળ બનાવવું. અગણિત જન્મો એવા મળ્યા, જ્યાં પ્રભુની સાધના આપણને મળી. એ સાધના આપણે કરી. પણ નિર્મળ ચિત્ત મેળવવાની કોશિશ એ જન્મમાં આપણે નહિ કરી. આ જન્મ આપણે માત્ર ને માત્ર પ્રભુની આજ્ઞા માટે. આમ જુઓ તો કેટલી સરળ આજ્ઞા! નહિ માસક્ષમણ કરવાનું, નહિ સોળ ભત્તું કરવાનું, નહિ અટ્ઠાઈ કરવાની. ચિત્તને નિર્મળ બનાવવું છે.
મજાની વાત તો એ હોય છે, કે સદ્ગુરુઓ આપણને માત્ર મંઝિલ બતાવીને અટકી જતાં નથી. માર્ગ પણ સાથે બતાવે છે. ચિત્તને નિર્મળ કરવું, એ પ્રભુની આજ્ઞા. ચાલો ચિત્તને નિર્મળ બનાવીએ, પણ શી રીતે નિર્મળ બનાવવું…?
આવી જ પ્યારી વાત દેવચંદ્રજી ભગવંતે ૧૭માં સ્તવનમાં કહી, બહુ પ્યારી પ્યારી કડી છે: અસ્તિ સ્વભાવ જે આપણો રે, રુચિ વૈરાગ્ય સમેત, પ્રભુ સન્મુખ વંદન કરીને, માંગીશ આતમ હેત’ પ્રભુની પાસે હું જઈશ. કંઈક માંગીશ, શું માંગીશ…? પ્રભુ મને મારું નિર્મળ અસ્તિત્વ આપી દે. Being…. Doing એ સંસાર, being એ સાધના. માત્ર સ્વરૂપ દશામાં હોવું, એ જ આપણી સાધના… નિર્મળ ચિત્ત કરીને એ પછી પણ આપણે શું કરવું છે…? આપણા નિર્મલ સ્વરૂપની અંદર રહેવું છે. તો પ્રભુની પાસે માંગ્યું, મને મારું being આપો.
એક પ્રશ્ન પૂછું? Doing થી કંટાળ્યા છો? કર્તૃત્વથી જે થાકેલો હોય, એને beingની અસ્તિત્વની ધારામાં લાવવો બહુ સહેલું છે. શું પ્યારા શબ્દો વાપર્યા છે. અસ્તિ સ્વભાવ જે આપણો રે… પ્રભુ મારો અને તારો સ્વભાવ એક જ છે. અસ્તિ સ્વભાવ જે આપણો રે, તું being માં છે, તું માત્ર હોવામાં છે, તો હું કરવામાં શી રીતે હોઈ શકું….? મારે પણ being માં જ રહેવું છે.
Being નો આનંદ અનુભવ્યો છે. હું ઘણીવાર કહું છું. હવે હું શબ્દોને વહેંચનારો માણસ નથી. મને જે આનંદ મળ્યો છે, એ આનંદને મારે તમારી જોડે share કરવો છે. પ્રભુએ being આપ્યું. મારા અસ્તિત્વની એક નાનકડી ઝલક પ્રભુએ આપી. કેટલો તો આનંદ મારી પાસે છે. કદાચ તમે પૂછો સાહેબ! કેવો આનંદ તમારી પાસે છે? મારે કહેવું પડે, beyond the words, beyond the imaginations. શબ્દોને પેલે પારની એ ઘટના છે. કલ્પનાને પણ પેલે પારની એ ઘટના છે. એ આનંદ પ્રભુએ મને આપ્યો છે. રોજ પ્રભુની પાસે જાઉં છું. એટલું જ કહેવા માટે કે પ્રભુ! તારો બહુ બહુ આભારી છું. તે મને અનહદ આપી દીધું છે. Being નો આનંદ.
હવે સવાલ થાય કે ચાલો being માં જઈએ, આપણા નિર્મળ અસ્તિત્વમાં જઈએ પણ એના માટેનો માર્ગ કયો? તો દેવચંદ્રજી મ.સા. એ કડીમાં માર્ગ પણ મૂકી દીધો. હવે ચાલવાનું તમારે કેમ…? અરે ચાલવાનું નહિ, back seat journey કરવાની છે. એક ઇંચ, એક સેન્ટિમીટર તમારે ચાલવું નથી, પ્રભુ ચલાવે…. એટલે જ ઉપાધ્યાયજી ભગવંતે કહ્યું: તું ગતિ – પ્રભુ મારે ચાલવું નથી. સાધનામાર્ગમાં મારી ગતિ તું છે. તું મને ચલાવ, તું મને ઉચક, તારે જે કરવું હોય તે કર. મારે કાંઈ કરવાનું નથી.
બે માર્ગની વાત કરે છે: વૈરાગ્ય અને રૂચિ. વૈરાગ્ય એટલે શું? પર તરફની અશ્રદ્ધા. પર પદાર્થો તો મારી પાસે પણ છે, વસ્ત્ર ઓઢીને હું બેઠો છું. મારા શરીરને રોટલી અને દાળ હું આપું પણ છું. પણ પરથી સુખ મળે એ શ્રદ્ધા નો છેદ પ્રભુએ ઉડાડી દીધો. પ્રભુએ બહુ પ્યારી વાત કરી છે. પ્રભુએ કહ્યું બેટા! તારી પાસે શરીર છે, શરીર માટે જરૂર પડે ત્યારે રોટલી અને દાળનો ઉપયોગ તું કરી શકે છે. પણ રોટલી અને દાળમાં તું જતો નહિ. તારા ઉપયોગને તું રોટલી અને દાળમાં નહિ નાંખતો. ભોજન tasty હતું કે un tasty હતું, એમાં મનને લઇ જવું નથી.
એક બહુ સારા સાધક હતા, ઉચકાયેલા, એમને પૂછવામાં આવેલું, કે સાધનાના પ્રારંભ કાળમાં પણ આપ ખાતા હતા, પીતા હતા, સૂતા હતા… આજે આપની સાધના ટોચ ઉપર પહોંચી છે અને છતાં શરીર છે, આપ ભોજન પણ લો છો, પાણી પીઓ છો, સૂઈ પણ જાવ છો, તો ફરક શું પડ્યો? ૨૫ વર્ષ પહેલાં તમારી સાધના પ્રારંભિક સ્તર ઉપર હતી ત્યારે પણ તમે ખાતા હતા, પિતા હતા, સૂતા હતા. આજે તમારી સાધના ટોચ ઉપર પહોંચી ગઈ છે, ત્યારે પણ તમે ખાવ છો, પીવો છો, સૂઈ જાવ છો. ફરક શું પડ્યો? ત્યારે એમણે કહેલું: પહેલાં હું ખાતો હતો, હું પીતો હતો, હું સૂતો હતો, હવે ખવાય છે, પીવાય છે, સૂવાય છે. ક્રિયા રહી, કર્તા ઉડી ગયો. વૈભાવિક તમામ ક્રિયાઓમાં કર્તાને ઉડાડી દો.
ભોજન ચાલુ છે, શરીર ભોજન કરી લે કે નહિ…? તમે કોઈ પણ વિચારોમાં હોવ, તમારું મન કોઈ પણ વિચારોમાં ગુંથાયેલું છે, દાળ – ભાતનો કોળિયો હાથમાં ભરાયો, એ મોઢામાં ઠલવાય છે. નાકમાં, કાનમાં કે આંખમાં જતો નથી. એટલે શરીર એની મેળે આ કામ કરી લે છે. તો શરીર એની મેળે એ કામ કરી લે તો ત્યાં તમારા મનને કેમ જોડો છો? એ વખતે મનને એમાંથી free પાડી દો. શરીર ભોજન કરતું હોય તમારું, અને મન સ્તવનોની કોઈ કડી ઉપર વિચાર કરતું હોય. એવું થવું જોઈએ ભોજન કરીને ઉઠ્યા પછી, કોઈ કદાચ પૂછે શું જમ્યા? તમને ખ્યાલ શુદ્ધા ન હોય, ભાણામાં લેવાયેલું ખવાઈ ગયું, હું ત્યાં ગેરહાજર હતો. મારું મન જે પાછળથી સ્મરણ કરે એ જ એ વખતે ગુલ હતું.
તો એ સાધકે કહ્યું કે પહેલાં હું ખાતો હતો, પીતો હતો, હવે ખવાય છે, પીવાય છે. ક્રિયા ચાલુ છે, કર્તા બીજે પહોંચી ગયો છે. તો વૈરાગ્ય અને રૂચિ આ બે માર્ગ છે, એ માર્ગે ચાલીને આપણે આપણા નિર્મળ ચિત્તને, નિર્મળ અસ્તિત્વને પામી શકીશું. એવી કરુણા આ મહાપુરુષોની મંજિલ પણ બતાવી, માર્ગ પણ બતાવી દે છે. પેલો કહે કે હું ચાલી નહિ શકું… ચાલ બેસી જા, ગાડીમાં.. પ્રભુએ આપેલો મજાનો માર્ગ, પ્રભુએ આપેલી સાધનાની પદ્ધતિની આ મજાની કાર, સદ્ગુરુ સોફર તરીકે, તમારે માત્ર back seat journey કરવાની છે.
એક લક્ષ્ય તમારા જીવનમાં, મનમાં આજે આરોપિત થઇ જાય તો નિર્મળ ચિત્તની સાધના, નિર્મળ અસ્તિત્વની સાધના અઘરી નથી જ. યા તો તમે ૩ દિવસમાં થઇ જાવ, નહીતર તમે સંકલ્પ કરીને જઈ શકો કે ગુરુદેવ! એક મહિનાની અંદર નિર્મળ ચિત્ત કરીને તમારા ચરણોમાં આવું છું. બિલકુલ સરળ છે.
તો પહેલું વૈરાગ્ય. પર તરફની અશ્રદ્ધા. પરપદાર્થોનો ઉપયોગ કરી શકાય છે. પણ એ પરપદાર્થથી મને સુખ મળે છે એ શ્રદ્ધા ઉડી જાય.
બોલો એક વાત તમને પૂછું? ભૂખ લાગેલી હોય, ગરમાગરમ રોટલી અને શાક ખાવ. કદાચ હજી સુધી તમે એવું માનો છો, કે એ રોટલી અને શાકથી મને સુખ મળે છે. આજે જ તમારી એ ભ્રમણાનો છેદ ઉડાડી દઉં. ચાલો રોટલી અને શાક તમને સુખ આપે છે, બરોબર ને…? ૪ રોટલી ખાધી સારું લાગ્યું, પેટ ભરાઈ ગયું, પાંચમી ખાવ, છટ્ઠી ખાવ, સાતમી રોટલી ખાવ, આઠમી ખાવ.. વેવાઈ ને ત્યાં ગયા, પેટ ભરાઈ ગયું છે, વેવાઈ પોતે આવ્યા, એક ગુલાબજાંબુ તો લેવું જ પડશે મારા તરફથી… નહિ, નહિ નહિ , હવે નહિ… શું થયું? ગુલાબજાંબુ બદલાયું કે તમે બદલાયા…..? તો રોટલીથી કે ગુલાબજાંબુ થી સુખ મળતું નથી. ભૂખનું દુઃખ હતું, એ ઓછું થયું. તમારી ભ્રમણા એ થઇ કે રોટલીએ મને સુખ આપ્યું. જો એ સુખ આપતી હોય, તો પછી ખાધા જ કરો. સુખ મળ્યા જ કરે. તો પહેલું વૈરાગ્ય.
હું ઘણીવાર કહું છું કે તમારા કરતા આ શ્રાવિકાઓ બહુ હોશિયાર… એ લોકો કેટલી રોટલી વણે કે બનાવે…? ઘરમાં ૫ જણા છે, એક – બે મહેમાન આવી જાય કદાચ, સાધુ – સાધ્વીજી ભગવંતનો લાભ મળી જાય. તો એ કેલ્ક્યુલેશનથી એ લોકો રોટલી બનાવે. ૧૦ વાગ્યાથી ૫ વાગ્યા સુધી રોટલી બનાવું, બનાવું ન કરે… you have the calculation. But you have no calculation. રોટલી જેટલી જોઈએ એટલી બનાવવાની. એ calculation એમની પાસે છે. પૈસા જેટલા જોઈએ એટલા જ ભેગા કરવાના, પછી stop થઇ જવાનું… આ calculation તમારી પાસે છે? તો પરપદાર્થોથી સુખ મળતું નથી. આ વાત ભીતર ઉતરી જાય, એટલે આ વાત આવી જાય.
તો પહેલું વૈરાગ્ય અને બીજું રૂચિ. એ નિર્મળ અસ્તિત્વની એક આછી સી ઝલક કોઈ મહાપુરુષમાં તમે જોઈ, તમને એ ગમી ગઈ, અને તમે નક્કી કરો, કે હવે તો આ જ જોઈએ, બીજું કાંઈ નહિ. તો નિર્મળ ચિત્ત, નિર્મળ અસ્તિત્વ એ આપણી મંઝિલ. એના માટેનો માર્ગ પણ બતાવ્યો. રૂચિ અને વૈરાગ્ય.
આપણે એ જ લયમાં આગળ વધીએ, બીજા પણ કેટલાક માર્ગો જોઈએ, સવારના સેશનમાં આપણે જોયેલું કે આપણે બે અવસ્થા ઉભી કરવી છે, પહેલા નંબરમાં સતત નિર્મળ રહેતું ચિત્ત. એ ન રહી શકે તો નિમિત્તોથી પ્રભાવિત મન ભલે હોય, પણ નિમિત્તોની અસર બહુ જ ઓછી રહે એવું મન બનાવવું છે. એના માટે એક નાનકડો practical approach આપ્યો. એક સંકલ્પ. સવારના પહોરમાં ઉઠીએ એ પછી પહેલું જે નિમિત્ત મળે એની અસરમાં નહિ આવવું. આ બહુ સરળ છે. સવારે તમે ઉઠ્યા છો, fresh mind તમારું છે. ઊંઘ પૂરતી થયેલી હોય, fresh mind તમારું છે અને સંકલ્પનું બળ છે.
સદ્ગુરુદેવ જ્યારે સંકલ્પ આપે છે તમને, ત્યારે સદ્ગુરુનું એક throwing તમારા તરફ આવે છે. સદ્ગુરુના મુખેથી પચ્ચક્ખાણ લેવું, એમના શ્રી મુખેથી પ્રતિજ્ઞા લેવી, મહત્વની ઘટના એટલા માટે છે કે સદ્ગુરુ એક પ્રબળ throwing કરે છે. એવું throwing, એવો શક્તિપાત, જે તમારા unconscious mind સુધી ઉતરી જાય. તમારા અસ્તિત્વ સુધી એ શબ્દો, એ પચ્ચક્ખાણ, એ પ્રતિજ્ઞા ઉતરી જાય. સદ્ગુરુ એક કરેમિ ભંતે સૂત્ર તમને આપે ને, એ શક્તિપાત છે. હું તો ત્યાં સુધી કહેતો હોઉં છું, એ કરેમિ ભંતે સૂત્ર અમને મળ્યું, દીક્ષા વખતે, એ મળ્યા પછી સદ્ગુરુનો એ શક્તિપાત મળ્યા પછી, અમે લોકો વિભાવમાં ન જઈએ એમ નહિ, વિભાવમાં જઈ શકીએ નહિ. તમને પણ આવો શક્તિપાત અમે આપી શકીએ. હું સદ્ગુરુના શક્તિપાતને lift કહું છું. ૩૫માં માળે તમારે જવું છે, electricity fail છે, દાદરા ચડતા તમે હાંફી જશો. અને electricity ચાલુ છે, lift માં બેઠા, બટન દબાયું, ૩૫ માં માળે lift ઉભી રહે. સદ્ગુરુનો શક્તિપાત, સદ્ગુરુની કૃપા, એ lift છે.
આપણે વિષય અને કષાયમાં, આપણા નાના વ્યક્તિત્વો, સાધના માર્ગે કઈ રીતે જઈ શકીએ…? આપણી સાધનાને કઈ રીતે આપણે uplifted કરી શકીએ? માત્ર સદગુરુનો શક્તિપાત આપણી સાધનાને ઉચકી લે છે. પણ ત્યાં વાત એ આવે છે કે સદ્ગુરુ શક્તિપાત કરવા તૈયાર છે. તમે એને ઝીલવા તૈયાર ખરા? અરણીક મુનિની વાત હું ઘણીવાર કહેતો હોઉં છું. વેશ્યાને ત્યાંથી અરણીક મુનિ સદ્ગુરુ પાસે આવેલા, સદ્ગુરુના ચરણ પર પોતાનું મસ્તક એમને મૂકી દીધું. સદ્ગુરુના ચરણમાંથી જે ઉર્જા નીકળે છે, એ ઉર્જાએ અરણીક મુનિને purify બનાવી દીધા અને સદ્ગુરુએ શક્તિપાત કર્યો. એ શક્તિપાત કર્યો, ભીતર તો આ મૂલચૂલ ક્રાંતિ થઇ ગઈ. પણ તમને એ ખ્યાલમાં ન આવે, બહાર પણ કેટલી ક્રાંતિ થઇ! જે અરણીક મુનિ વૈશાખ અને જેઠની બળબળતી બપોરે ખુલ્લી શેરીઓમાં ચાલી નહોતા શકતા, એ અરણીક જ મુનિ ધખધખતી શિલા ઉપર સંથારો કરીને બેસી ગયા… એક સવાલ અહીંયા થઇ શકે… સદ્ગુરુ એ જ હતા, અરણીક મુનિ પણ એ જ હતા. તો સદ્ગુરુએ શક્તિપેટ કર્યો હોત તો વેશ્યાને ત્યાં જવાની નોબત ન આવત. જવાબ એ મળે છે કે સદ્ગુરુ શક્તિપાત કરવા માટે તૈયાર હતા, અરણીક મુનિ એને ઝીલવા માટે તૈયાર નહોતા.
આ વાત બહુ જ મહત્વની છે. આપણી અતિતની યાત્રામાં કેટલા સદ્ગુરુઓ આપણને મળ્યા. હેમચંદ્રાચાર્ય જેવા કે હરિભદ્રાચાર્ય જેવા સદ્ગુરુઓ આપણને મળેલા. જે આસાનીથી શક્તિપાત કરી શકતા હતા. મારો અને તમારો સંસાર ચાલુ કેમ રહ્યો…? ક્યાં આપણે ચુક્યા? સદ્ગુરુનો શક્તિપાત તમે ત્યારે જ ઝીલી શકો છો જ્યારે તમે સદ્ગુરુને totally surrender થયેલા હોવ છો. આ જ વાત આનંદઘનજી ભગવંતે ૧૫માં સ્તવનમાં મુકી છે. “પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, પેંખે પરમ નિધાન, હૃદય નયણ નિહાળે જગધણી, મહિમા મેરૂ સમાય” જે ક્ષણે સદ્ગુરુ પ્રવચન અંજન તમારા હૃદયમાં આંજે છે એટલે કે શક્તિપાત કરે છે, એ જ ક્ષણે on that very moment, તમે પ્રભુનું દર્શન કરી શકો છો. પણ એ કડીના પહેલા ચરણમાં જો શબ્દ મુક્યો છે, પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે – સદ્ગુરુ શક્તિપાત કરે, તો તમે પ્રભુનું દર્શન કરી શકો.
હું ઘણીવાર મારી સભામાં શ્રોતાઓને પૂછતો હોઉં છું કે સદ્ગુરુ, આવા કરુણામયી સદ્ગુરુ એ conditionally ખુલી શકે?! હું શક્તિપાત કરું તો… કરું પણ ખરો, ન પણ કરું… સદ્ગુરુએ તો unconditionally વરસી જવું જોઈએ. આવી જા શક્તિપાત કરી દઉં. પણ અહીંયા સદ્ગુરુની એક મર્યાદા છે. તમારી પાસે સંપૂર્ણ સમર્પણ નથી તો તમે શક્તિપાત ને ઝીલી શકતા નથી. સદ્ગુરુ તો આપી દે. પણ તમે ઝીલી ન શકો… પછી તમે તો એનાથી વંચિત રહ્યા. એક માત્ર તમાંરૂ સમર્પણ. સદ્ગુરુનો શક્તિપાત. સાધના uplifted થઇ ગઈ! બોલો, કેટલું સરળ છે. અને મારો એક logo છે. It is so easy… It is easy નથી કહેતો it is soooo easy. બહુ સરળ છે. લોકો મને ઘણીવાર પૂછે કે સાહેબ! તમે તો કહો છો, સમર્પિત થઇ જાવ, સમર્પિત થઇ જાવ… પણ સમર્પણ તો બહુ અઘરું છે. બરોબર ને? અને પાછું ૯૯ પર્સન્ટની વાત નથી કરતો હું… ૧૦૦%. એક સાધુ દીક્ષા લેવા આવે અને કહી દે, ગુરુદેવ! ૯૯% આપણી આજ્ઞા મને સ્વીકાર્ય છે. ૧% મારી ઈચ્છા પ્રમાણે. ગુરુ કહે ભાઈ! ઘર ભેગો થઇ જા. એટલે અહીંયા ૯૯% surrender ની વાત નથી. ૧૦૦% surrender.
તો લોકો મને કહે સાહેબ! સમર્પણ તો બહુ અઘરું છે. ત્યારે હું પૂછું કે તમારે શું સમર્પિત કરવાનું? એ તો મને કહો… જે તમારી પાસે હોય એ સમર્પિત કરો ને… એક શરીર છે તમારી પાસે, lux અને liril થી નવડાવી નવડાવીને થાકી જાવ, તો પણ પરસેવાની બદબૂ વહાવે એવું… એક મન છે રાગ અને દ્વેષની ગંદકીથી છલકાતું, હવે આ આપવું છે, એમાં વિચાર શાનો કરો છો? અને અહીંયા તો grand exchange offer છે. આવી exchange offer કોઈએ નહિ આપી હોય, તારું ગંદુ શરીર અને ગંદુ મન આપી દે, તને મોક્ષ આપી દઉં સામે…
તમારા માટે એક discount માં વાત કરું, તમે કદાચ શરીર પ્રભુને સંપૂર્ણ તયા સમર્પિત કરી શકતા નથી. સામાયિકમાં હોવ, પૌષધમાં હોવ ત્યારે બરોબર છે. બાકી આરંભ – સમારંભમાં હોવ, ત્યારે તમારું શરીર પ્રભુની આજ્ઞાના વિરાધનમાં છે. પણ એક શાસ્ત્રો એ કૃપા કરીને એવો મજાનો trend આપ્યો છે, કે તમે પણ ૨૪ કલાક પ્રભુની આજ્ઞાની સમર્પિતતા એ ધારામાં રહી શકો. મન પ્રભુને સોંપી શકો. એટલે આજ્ઞાનું આરાધન થાય ત્યાં આનંદ. જ્યાં જ્યાં આજ્ઞાનું વિરાધન થાય ત્યાં વેદના.
વાચના પુરી થઇ ગરમી લાગે છે, પંખાની હવામાં બેઠા, શરીર વાયુકાયની વિરાધનામાં હોય, એ વખતે મનની અંદર વેદનાનો એક ડંખ હોય, કે પ્રભુની આજ્ઞા આ નથી. વાયુકાયના જીવોની વિરાધના થાય છે. તો તમારું મન પ્રભુની આજ્ઞાને સમર્પિત થઇ જશે. તો શક્તિપાત કરવા માટે ગુરુ તૈયાર. તમારે ખાલી શું કરવાનું? Total surrender થઇ જવાનું. અને discount માં કેટલી વાત મૂકી દીધી… શરીર નહિ થાય પણ માત્ર મનને totally surrender કરી દેવાનું. પ્રભુની બધી આજ્ઞા તમને ગમે છે… પ્રભુની દરેક આજ્ઞા પ્રત્યે તમારા મનમાં આદર છે, આ surrender.
તો અરણીક મુનિ ઉપર શક્તિપાત કરવા માટે ગુરુ પહેલાં પણ તૈયાર હતા. કહોકે દીક્ષાની ક્ષણથી સદ્ગુરુ અરણીક મુનિ ઉપર શક્તિપાત કરવા તૈયાર હતા. પણ અરણીક મુનિ તૈયાર નહોતા. આપણા માટે આ વાત decode કરવી બહુ જ મહત્વની છે. કે આપણી ખામી ક્યાં છે…? આટલા બધા સદ્ગુરુઓ અતિતની યાત્રામાં આપણને મળ્યા, અત્યારે પણ શ્રેષ્ઠ સદ્ગુરુઓ આપણી પાસે છે… છતાં શક્તિપાત આપણને મળતો નથી. સદ્ગુરુદેવનું એક વચન એટલે શક્તિપાત થઇ જાય. તો શા માટે શક્તિપાત નથી મળતો…?
તો અરણીક મુનિ જ્ઞાની હતા, ધ્યાની હતા, તપસ્વી હતા તો ચૂક ક્યાં થઇ? Where was the fault? ચૂક ક્યાં થઇ? ચૂક ત્યાં થઇ કે સાધના પ્રત્યેનું self confidence એમની પાસે હતું. એ કહેતા કે મારે સાધના શું કરવી, એ નક્કી કરવાનું, ગુરુદેવની પાસે પચ્ચક્ખાણ લઇ લેવાનું… સાહેબજી છટ્ઠ કરવો છે, પચ્ચક્ખાણ આપી દો. સાહેબજી આજે અટ્ઠમ કરવો છે અને મને પચ્ચક્ખાણ આપી દો. એટલે સાધના જગતમાં જે ગુરુ કર્તા હતા, એને એમને સાક્ષી તરીકે બનાવી દીધા. અને સાધના જગતમાં જેને સાક્ષી તરીકે રહેવાનું હતું, એ સાધક પોતે સાધના જગતનો કર્તા બની ગયો. આપણી સાધનાનું એક કેન્દ્રવર્તી સિદ્ધાંત એ છે કે આપણી પુરી સાધના પ્રભુ કર્તૃત્વ છે. સદ્ગુરુ કર્તૃત્વ છે. પ્રભુની કૃપા, સદ્ગુરુની કૃપા અને સાધના મળે, અને સાધના થાય. સાધના માર્ગમાં ન આપણી બુદ્ધિ ચાલે. તમારી પાસે જે અત્યારે છે.. એ કશું જ તમને સાધનામાર્ગમાં આગળ લઇ જઈ શકે એમ નથી. ન તમારી બુદ્ધિ, ન તમારી શારીરિક શક્તિ. ન તમારી માનસિક શક્તિ.
સાધનામાર્ગમાં આગળ જવા માટે મોહનીયનો ક્ષયોપશમ જોઈએ છે, એ તમારી પાસે જ્યાં સુધી નથી ત્યાં સુધી સદ્ગુરુ તમને જે આજ્ઞા આપે એ આજ્ઞાને તમારે follow up કરવાની હોય છે. એટલે શ્રાવકો માટે પણ એક નિયમ છે કે તમને જે ૩ – ૪ કલાક સાધના માટે મળે છે, એમાં તમારે સાધના શું કરવી… એ તમારે સદ્ગુરુ પાસે નક્કી કરાવાનું. દર ૪ – ૬ મહિને એ સદ્ગુરુ પાસે જઈ અને તમારે વાત કરવાની કે તમને result શું મળ્યું?
એક વાત તમને પૂછું, વર્ષોથી તમે સાધના કરો છો. આ જન્મની અંદર result શું મળ્યું? શાસ્ત્રોએ સ્પષ્ટ કહ્યું: ‘તહ તહ પવ્વટિઅવ્વં, રાગ દોષા વિલીજ્જંતી’ સાધનામાર્ગમાં તમે જેમ જેમ ચાલો, એમ તમારો રાગ શિથિલ થાય. તમારો દ્વેષ પાતળો પડે. તમારો અહંકાર ઓછો થાય. તો તમારે એક નિરીક્ષણ કરવું જોઈએ કે આટલા વર્ષોની સાધના પછી મારા રાગ – દ્વેષ ઓછા થયા? રોજની ૮ સામાયિક કરું છું, એવો સાધક ગુરુ પાસે આવી અને ધ્રુસકે ધ્રુસકે રડતો હોય, કે ગુરુદેવ રોજના ૮ સામાયિક કરું છું, છતાં હજુ સમભાવ ૨૪ કલાક માટે મને મળ્યો નથી. ગુરુદેવ! મારી સાધનામાં ક્યાં ખામી છે મને બતાવો. પણ આ તમે ક્યારે આવો…? તમને તમાર મંઝિલનો ખ્યાલ હોય તો આવો ને… આ જ નિર્મળ ચિત્ત રાગ – દ્વેષ અહંકાર ઓછા થવા એ જ નિર્મળ ચિત્તતા અને એ સંપૂર્ણ ખતમ થાય એટલે આપણું નિર્મળ અસ્તિત્વ આપણને મળી જાય. તો સાધનામાર્ગમાં જેમ જેમ આગળ વધ્યા એમ જોયું ખરું…? કે રાગ – દ્વેષ અહંકાર કેટલા શિથિલ બન્યા?
તો આપણે પહેલા practical approach ની વાત કરતા હતા. એક જ નાનકડો નિયમ કે દિવસ ઉગે પહેલું જે નિમિત્ત મળે એમાં મારે temperature ગુમાવવાનું નહિ. હવે એક નિયમનું બળ છે, તમે પોતે પણ મનમાં નક્કી કરો છો કે ના, આ તો મારો સંકલ્પ છે. ઘણા બધા નિમિત્તોમાં ડગી જાઉં છું. હવે એક જ નિમિત્ત અને એમ નહિ ડગવાનું. એમાં તો કંઈ મોટી વાત છે. આ તમારો સંકલ્પ હોય. પ્રભુની શક્તિ, ગુરુની શક્તિ મળી, તમારો સંકલ્પ મળ્યો. અને તમારામાં શક્તિ આવી. એવું બની શકે કે પહેલો એટેક એવો જોરદાર આવ્યો, કે તમે તૂટી પડો એવો એટેક હોય. અને છતાં પ્રભુ અને ગુરુની શક્તિથી, તમારા સંકલ્પબળથી તમે એમાં એકદમ અડોલ રહી શકો તો તમારો self confidence કેટલો વધી જાય? અને તમે નક્કી કરી શકો કે આટલું બધું જોરદાર નિમિત્ત હતું અને છતાં હું ડગ્યો નહિ, તો સામાન્ય નિમિત્તોની શી વિષાદ છે આમાં..? સામાન્ય નિમિત્તોમાં મારે ડગવું નથી.
એક બાજુ આ વાત. બીજી બાજુ શું કરીએ? જે આપણે અહોભાવની વાત કરી હતી, એના પાયાને વિસ્તારીએ. અહોભાવ, બહુમાનભાવ, પૂજનીય સાધુ – સાધ્વીજી ભગવંતો ઉપર ખુબ છે તમને… એક સાધુ ભગવંત કે સાધ્વીજી ભગવતી, તમારે આંગણે વહોરવા માટે આવે, એ ધર્મલાભ શબ્દ તમે સાંભળો, તમે નાચી ઉઠો છો. એ જે અહોભાવ છે, એને વિસ્તારીએ, એ અહોભાવને સાધર્મિકો સુધી લઇ જઈએ. શ્રાવક – શ્રાવિકા સુધી. એના પછી જીવમાત્ર સુધી એ પ્રેમને વિસ્તારીએ. હવે જીવમાત્ર પ્રત્યેનો પ્રેમ જો આવી જાય, તો તમને કયા નિમિત્તે મનમાં દ્વેષ વિગેરે ઉભો થવાનો…? સવાલ જ નથી. દીકરો કંઈક કહે ગુસ્સો આવે? ન આવે. કેમ… દીકરા પ્રત્યે પ્રેમ છે. એમ બધા પ્રત્યે પ્રેમ થઇ ગયો. પુરી જીવસૃષ્ટિ જોડે મૈત્રીભાવ તમને થઇ ગયો, આખો પાયો તમે વિસ્તારી નાંખ્યો. તો કેટલી મજા આવે….
પાલીતાણામાં વર્ષો પહેલા ગુરુદેવ અરવિંદસૂરિ દાદાની નિશ્રામાં અમારું ચાતુર્માસ, આચાર્ય રત્નસુંદરસૂરીજી ના ભગવતીજી ના જોગ ચાલતા હતા. સાહેબજી ની સાથે… અને એ પણ ચોમાસામાં જોડે હતા. હિંમતભાઈ બેડાવાલા પણ એ ચોમાસામાં હતા. લગભગ ભાદરવા મહિનામાં એમને ૮૭મી ઓળી પુરી થઇ. આપણે તો ઓળી પુરી થાય એ પહેલા પારણા ના સપના ચાલુ થઇ જાય. એમને વિચાર આવ્યો, ૮૭ આયંબિલ થઇ ગયા, ૮૮માં દિવસે ઉપવાસ થઇ ગયો, મજાથી… અને સાધના તો સરસ થાય છે, તો પારણું કરવાની જરૂર શું? ૮૮મી ઓળી શરૂ કરી દઉં… ગુરુદેવની આજ્ઞા લીધી, જે દિવસે એમને ૮૮મી ઓળી શરૂ કરવી હતી, એ દિવસે પ્રભુની ભક્તિ વિશેષ રૂપે કરી. ગુરૂદેવનો વાસક્ષેપ લીધો.
અને પછી બપોરના સમયે એ પન્નારૂપા યાત્રિક ભવનમાં જેટલા આરાધકો આરાધના કરતા હતા, એ બધાના એકાસણાનો લાભ પોતે લીધો. એ જૈફ વયે પોતે બધાને પીરસે છે. સાધર્મિકોને, એકાસણું બધાને થઇ ગયું. સંઘપૂજન થઇ ગયું, પછી હિંમતભાઈ ઉભા થયા. અને એ કહે છે કે આજથી મારી નવી ઓળી શરૂ થાય છે, આપ બધા મને આશીર્વાદ આપો, કે મારી નવી ઓળી સારી રીતે પરિપૂર્ણ થાય. એ શ્રાવકો અને શ્રાવિકાઓના આશીર્વાદ માંગે છે, હિંમતભાઈ બેડાવાલા. શ્રાવકોમાં જે અગ્રણી શ્રાવક હતા, એમની આંખમાં આંસુ, એમણે કહ્યું: હિંમતભાઈ તમારી સાધનાની પ્રશંસા આચાર્ય ભગવંતો સુધર્મા પીઠ ઉપરથી કરે છે. અને તમે અમારી પાસે આશીર્વાદ માંગો છો? તમે અમને આશીર્વાદ આપો. અને એ વખતે શું એમના શબ્દો હતા! હિંમતભાઈ બેડાવાલાના… કે તમે અનુષ્ઠાન પરમાત્મા છો, આપણા ગુરુદેવો બધા વેશ પરમાત્મા છે. તમે અનુષ્ઠાન પરમાત્મા છો. પ્રભુએ કહેલ અનુષ્ઠાન તમે બધા કરો છો, તમે અનુષ્ઠાન પરમાત્મા છો. તમારા આશીર્વાદ વિના મારી સાધનામાં આગળ ગતિ થાય નહિ. તમારે બધાએ મને આશીર્વાદ આપવા જ જોઇશે.
કેટલી નમ્રતા! અને એનું કારણ મજાનું હતું, આપણા યુગના સાધના મનીષી પંન્યાસ પ્રવર ભદ્રંકરવિજય મ.સા. એમના સદ્ગુરુ હતા, કે જેમણે આખી મૈત્રીભાવની સાધના એમને ઘૂંટાવી દીધી. તો આપણે પણ આ રીતે આપણા અહોભાવને વિસ્તારીએ. એ અહોભાવને જીવસૃષ્ટિ સુધી લઇ જવો છે. બધા પ્રત્યેનો પ્રેમ… પછી તમને કોઈનામાં દોષ દેખાશે ક્યાંથી? પછી બધા કેવા દેખાશે…? ગુણવાન…
શ્રીપાળનો રાસ હમણા જ વાંચેલો, એ શ્રીપાળજીની ઈર્ષ્યા આવે? ધવલશેઠને એ પોતાના ઉપકારી માને છે. ક્યારે ધવલશેઠને રાજ સૈનિકો પકડીને લઇ જતા હોય, શ્રીપાળ જોઈ લે, કહી દે અરે મારા ઉપકારી છે, છોડી દો એમને… પોતાને દરિયામાં પાડનાર એ માણસ શ્રીપાળ મહારાજાને ઉપકારી લાગે છે! આ કઈ દ્રષ્ટિ હતી…? આમાં સાધના કઈ રીતે ઊંડી ઉતરેલી…? એની વાત બહુ જ મજાની છે, શ્રીપાળ રાસ નો આ એક બહુ જ મહતમ portion છે. ચાલો ધવલને ખરાબ ન કહે, શ્રીપાળજી, પણ એ મારા ઉપકારી છે, આ કયા સંદર્ભમાં કહ્યું છે…? જે માણસે એનું ખરાબ કરવામાં બાકી નથી રાખ્યું, છેલ્લે છેલ્લે કટાર લઈને મારવા આવેલો છે. એ માણસ એમને ઉપકારી લાગે છે! આ શું હતું? અહોભાવનો આ પાયો એમણે કેવી રીતે develop કર્યો હતો..? એની મજાની વાત કાલે સવારે જોઈશું. અત્યારે ફરી પાછી practical સાધના આપણે કરીએ.