વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject : आज्ञा तु निर्मलं चित्तं कर्त्तव्यं स्फटिकोपमम्
સદ્ગુરુના ચિત્તની નિર્મળતાને કારણે એમના શરીરમાંથી એક પવિત્ર ઊર્જા વહેતી હોય છે. ચરણમાંથી એ ઊર્જા વધુ પ્રમાણમાં નીકળે છે. માત્ર અહોભાવના લયમાં જઈને ઊર્જાવાન મહાપુરુષના ચરણોનો સ્પર્શ કરીએ, તો એનાથી પણ આપણું ચિત્ત નિર્મળ બની જાય.
ચિત્તને નિર્મળ – દોષમુક્ત – બનાવવાની સાધના ત્રિપદી. આંતરનિરીક્ષણ થી દોષ પકડાય. પછી તમે સંકલ્પ કરો કે હવે થોડો સમય આ દોષનું સેવન ન થવું જોઈએ. પછી કદાચ એવું નિમિત્ત આવી જાય અને મનમાં વિભાવ આવી જાય, તો પણ તમે તરત જ જાગૃતિ લાવીને એ દોષથી બચી જાઓ.
સદ્ગુરુના ચરણસ્પર્શથી પણ દોષો જાય. સાધના ત્રિપદી થી પણ દોષો દૂર થાય. અને જો સદ્ગુરુને સમર્પિત થઇ ગયા, તો સદ્ગુરુ જ બધા દોષો કાઢી આપે! મારે નિર્મળ ચિત્તના સ્વામી બનવું છે – એ ઈચ્છા, એ ઝંખના જો તમારી ભીતર તીવ્ર બની, તો ચિત્તને નિર્મળ બનાવવાની સાધના અઘરી નથી!
મૌન ધ્યાન સાધના શિબિર – ૦૨ (સવારે) – વાચના – ૩
યોગસાર ગ્રંથના પ્રારંભમાં સદ્ગુરુએ શિષ્યને કહ્યું: કે ૪૫ આગમમાં ફેલાઈને પડેલી પ્રભુની આજ્ઞાનો સાર…. નિચોડ… માત્ર આટલો છે – નિર્મળ ચિત્ત.
आज्ञा तु निर्मलं चित्तं कर्त्तव्यं स्फटिकोपमम्
ચિત્તને નિર્મળ નિર્મળ બનાવવું છે. આપણા જે પણ મહાપુરુષો હતા, એમની ચિત્તની નિર્મળતાને કારણે એમના શરીરમાંથી એક પવિત્ર ઉર્જા નીકળતી હતી. સદ્ગુરુનો ચરણ સ્પર્શ આપણે કરીએ અને આપણું ચિત્ત નિર્મળ બની જાય. સદ્ગુરુની પુરી body માંથી ઉર્જા નીકળી રહી છે, પણ ચરણમાંથી એ ઉર્જા વધુ પ્રમાણમાં નીકળે છે. એ ચરણનો સ્પર્શ આપણે કરીએ, એ ઉર્જા આપણને મળે; આપણે નિર્મળ બની જઈએ. ગઈ કાલે કહ્યું હતું એમ there should be the receptivity. પ્રભુના પરમ પાવન દેહમાંથી પણ સતત ઉર્જા ઝરી રહી છે. એક ક્ષણ, એક ક્ષણાર્ધ એવું નથી કે પ્રભુની કૃપા ન વરસતી હોય. આપણી પુરી સાધના receptivity ની સાધના છે. એ કૃપાને, એ ઉર્જાને receive કરતાં, પકડતાં તમને આવડી ગઈ, તમારી સાધના શરૂ અને પુરી. એ જ સંદર્ભમાં આપણી સાધનાનું composition હું એ રીતે કહું છું, કે ૯૯% grace, ૧% effort. ૯૯% માત્ર ને માત્ર કૃપા, એક પ્રતિશત તમારો પ્રયત્ન. એ જે કૃપા વરસી રહી છે, એ જે ઉર્જા સતત વહી રહી છે, એને receive કરવી એ જ આપણી સાધના.
એક receptivity. અને એ receptivity માટે જોઈએ છે પૂર્ણ અહોભાવ. પ્રભુ પ્રત્યેના, પ્રભુ શાસન પ્રત્યેના પૂર્ણ અહોભાવથી તમારું મન ઉભરાઈ ગયું, તમારું મન સંપૂર્ણતયા નિર્મળ થઇ જવાનું, પ્રભુ અને સદ્ગુરુ તમારા ચિત્તને નિર્મળ બનાવી દેશે. કેવી ઉર્જા વહેતી હોય છે.
એક મજાની ઘટના કહું, બદ્રીની યાત્રાએ હિંમતભાઈ બેડાવાલા, પ્રાણલાલભાઈ દોશી, શશીકાંતભાઈ મહેતા, ચંદ્રકાન્તભાઈ વગેરે ભક્તો નીકળેલા. એક જગ્યાએ એમને ખ્યાલ આવ્યો, કે રોડથી થોડીક દૂર એક ગુફા છે, અને એમાં એક બહુ જ પ્રભાવશાળી સંત રહે છે. બધાને થયું ચાલો, સંતના દર્શને સત્સંગ કરીશું. કારને ત્યાં થોભાવી બધા ગુફા તરફ જઈ રહ્યા છે, બીજા બધા તો આગળ પહોંચી ગયા, હિંમતભાઈ બેડાવાલા ધીરે ધીરે ચાલી રહ્યા છે. પેલા બધા આગળ જઈને બેસી ગયા, સંતના ચરણોમાં ઝુક્યા, અને કહ્યું: અમારા અગ્રણી આવી રહ્યા છે. થોડી વાર પછી હિંમતભાઈ ગુફામાં enter થયા. એ જ્યાં enter થયા, એમની સાધનની જે પવિત્ર ઉર્જા, નાનકડી ગુફામાં એ ઉર્જા ફેલાઈ ગઈ, સંત બહુ જ ઊંડા ઉતરેલા સાધક હતા, એ ઉર્જાને એમણે એક જ સેકંડમાં receive કરી. સંત ઉભા થઇ ગયા. સંત હિંમતભાઈની સામે ગયા, એમના હાથ પકડી લીધા, અને કહ્યું આપ કયું યહાં પધારે, આપ તો મુજસે ભી બડે સંત હો. એક સેકંડ માટે હિંમતભાઈની ઉર્જા મળી, એ સંત એ ઉર્જાને પારખી લે છે, અને નક્કી કરે છે કે મારી સાધના કરતાં પણ એમની સાધના ઊંડી છે. કેટલા બડભાગી આપણે છીએ, આવા સદ્ગુરુઓ એક નહિ, અનેક આપણી વચ્ચે છે. આપણે માત્ર અહોભાવના લયમાં જઈને એમના ચરણોને સ્પર્શીએ; આપણું ચિત્ત નિર્મળ બને.
એક સરસ પુસ્તક છે, સ્વામી રામે લખેલું, living with the Himalayan masters. એમાં એક મજાની ઘટનાનું વર્ણન લેખક સ્વામી રામ કરે છે. એકવાર સ્વામી રામને ગુરુએ પૂછ્યું: કે બેટા! સદ્ગુરુના ચરણોનો સ્પર્શ આપણે કેમ કરીએ છીએ…? ગુરુ કહે છે, એક કારણ તારા ખ્યાલમાં છે, કે સદ્ગુરુના ચરણોમાંથી ઉર્જા વિશેષ પ્રમાણમાં નીકળે છે. માટે આપણે ચરણોનો સ્પર્શ કરીએ છીએ. પણ એ સિવાયના બીજા કારણનો તને ખ્યાલ છે ખરો? સ્વામી રામે કહ્યું : ના, ગુરુદેવ મને ખ્યાલ નથી. એ વખતે ગુરુ કહે છે, કે સદ્ગુરુ એટલે શું? સદ્ગુરુ એટલે પરમ ચેતનામાં ઓગળેલું, ડૂબેલું વ્યક્તિત્વ. એક સદ્ગુરુ પ્રભુના દરબારમાં હોય, ઘૂંટડીએ પડેલા હોય, ખમાસમણ ની મુદ્રામાં… આપણે પાછળ હોઈએ તો એ સદ્ગુરુનું આપણી તરફ લંબાતું કયું અંગ હોય? માત્ર ચરણ… એ ગુરુ પ્રભુના ચરણોમાં ઝુકી ગયા છે, આપણે એમની પાછળ બેઠેલા છીએ. આપણી તરફ લંબાતું સદ્ગુરુ નું એક જ અંગ છે, બે ચરણ. પણ એ બે ચરણોનો સ્પર્શ આપણને પ્રભુના ચરણોના સ્પર્શ સુધી લઇ જઈ શકે છે. તો આ સદ્ગુરુના ચરણોનો સ્પર્શ આપણા ચિત્તને નિર્મલ બનાવી દે. ૯૯% grace, ૧% effort. ક્યારેય પણ આપણે સદ્ગુરુ પાસે જઈએ, અહોભાવથી જ જવાના છીએ. અને એ અહોભાવપૂર્વક ગયા, ૧% effort તમારો આવી ગયો. હવે ૯૯% grace સદ્ગુરુ તમને આપી દેશે. તમારા ચિત્તને પૂરેપૂરું નિર્મળ કરી દેશે.
ભક્તિની ધારા, અહોભાવની ધારા, એટલી મજાની આપણને મળી છે કે એ ધારા બહુ જ સરસ રીતે આપણને uplifted કરે છે. આપણો પ્રયત્ન બહુ નાનકડો, result આપણને મોટામાં મોટું મળે. અને આપણે પ્રભુના, પ્રભુ શાસનના અને પરંપરાના ઋણી છીએ, કે અહોભાવની ધારા આપણને ગળથુંથીમાંથી મળી. તો નિર્મળ ચિત્તને પ્રાપ્ત કરવા માટે, આજનો પહેલો અભિગમ આ… સદ્ગુરુ ચરણ સ્પર્શ.
બીજો એક ઉપાય છે – એ પણ મજાનો છે અને એવા બધા આ ઉપાયો છે. જે તમને સહેલાઈથી કરી શકો, એટલે મને લાગે છે કે મારે તો તમારા મનમાં નિર્મળ ચિત્ત બનવા માટેની એક સંકલ્પ ધારા જ ઉગાડવાની છે. બીજ આજે નાંખી દઉ, અને એ સંકલ્પ રૂપે ઉગી જાય; તમારું ચિત્ત નિર્મળ બની જાય. હું તમારા ચિત્તની અંદર સંકલ્પના બીજોને નાંખનારો માણસ છું.
ઉત્તર ગુજરાતમાં ડીસામાં એક ડોક્ટર છે, પ્રકૃતિના ઉપાસક છે, એકવાર એ ૧૦ – ૧૫ મિત્રોની સાથે નજીકમાં આવેલ જેસર ના પહાડ ઉપર ગયા. જેસરનો પહાડ વર્ષો પહેલા લીલોછમ હતો, પણ જાળવણીના અભાવે લોકોએ જંગલ કાપી નાંખ્યું. આજે ઉજ્જડ પર્વત થઇ ગયો છે. ૧૫ મિત્રો એક આશયથી ગયા, કે ડુંગરને ફરીથી હરિયાળો બનાવવો છે. બંને બાજુ બગલ થેલા, અને એમાં હજારો બીજ… જાત – જાતના વૃક્ષો અને વેલાઓના, એ હજારો બીજો, ૧૫ જણાના થઈને લાખો બીજો, એમણે એક પહાડ ઉપર ફેંકી દીધા. અહીંયા… અહીંયા .. અહીંયા…એ ડોક્ટર મને મળેલા. મને કહે મ.સા. લાખો બીજો ત્યાં છીડકીને આવ્યા છીએ, વરસાદ હવે આવવાનો છે, વરસાદ આવશે, જેટલા બીજોની અનુકુળતા મળશે, એટલા બીજો નવપલ્લવિત થશે. અંકુરિત થશે. પુષ્પિત અને ફ્લવિત થશે. ફરી આવતાં વર્ષે અમે જવાના, આ જ રીતે ૧૫ ના ૨૫ – ૫૦ મિત્રો જઈશું અને ફરી પાછા લાખો બીજોને છીડકી દઈશું. અને પર્વતને હરિયાળો બનાવી દઈશું.
મારું પણ કામ આ જ છે. તમારા મનની અંદર સંકલ્પના બીજો મારે ફેંકવા છે. એક સંકલ્પ તમારી પાસે હશે કે ચિત્તને નિર્મળ બનાવવું છે, તો અઘરી બાબત છે જ નહિ. યા તો આવતી કાલ સાંજ સુધીમાં તમે તમારા ચિત્તને નિર્મળ બનાવી નાંખશો. કદાચ નહિ થાય ઘરે જઈને મહેનત કરશો.. ૧૫ દિવસે મહિને મારી પાસે આવશો. તમે કહેશો કે સાહેબ! કામ થઇ ગયું. ચિત અત્યારે તો નિર્મળ થઇ ગયું. હવે ગંદુ ન બને એની તમે બરોબર સાવધાની રાખજો.
એક બીજી મજાની સાધના ત્રિપદી આજે આપું. ચિત્તને નિર્મળ બનાવવું છે, એટલે કે દોષમુક્ત બનાવવું છે, દોષો છે પણ એમને કાઢી શકાય છે. દોષોને સહેલાઈથી કાઢવા માટેની એક ટેકનીક એક સાધના ત્રિપદી છે. આંતરનિરીક્ષણ, સંકલ્પ અને જાગૃતિ. આ સાધના ત્રિપદી તમને દોષ મુક્ત બનાવી દે. ત્રિપદીની પહેલું ચરણ આંતરનિરીક્ષણ.
તમે કેટકેટલાની appointment લઇ લીધી હશે, ટી.વી. ટચુકડા પડદે વિશ્વના મહાનુભાવોને મળી ગયા હશે, પણ તમે તમારી સાથે ક્યારેય બેઠા? તમે તમારી appointment ક્યારેય લીધી? આંતરનિરીક્ષણ એટલે તમારા દ્વારા તમારી appointment. રાતની નિરવ શાંતિમાં તમે તમારી સાથે બેસો. રૂમમાં એકલા છો, તમારે તમારી જોડે વાતચીત કરવાની છે, તમે તમારા મનને પૂછો કે આજે બપોરે તું આટલો બધો અગ્રેસીવ થઇ ગયેલો, ઉત્તેજિત થઇ ગયેલો, શું એ જરૂરી હતું…? દીકરા ઉપર કે શ્રાવિકા ઉપર તું આટલો બધો ગુસ્સે થઇ ગયેલો, એ જરૂરી હતું? તમે તમારી appointment લો. તમે તમારી જાતને પૂછો. કે આ બરોબર હતું ખરું? હું ઘણીવાર કહું છું કે આજનો યુગ લાલ આંખવાળાઓનો નથી. લાલ આંખવાળાઓનો યુગ હતો, પણ એ પૂરો થઇ ગયો. હવે હસતાં ચહેરાવાળાનો યુગ છે. ૧૦૦ વર્ષ પહેલા એવો યુગ હતો. ૫૦ વર્ષનો દીકરો, જેના પોતાના દીકરા અને પૌત્રા છે, પણ એ ૫૦ વર્ષના દીકરાને એના પિતા ગુસ્સાથી કહે તો ય એને પરસેવો છૂટી જતો. એ યુગ હતો, જ્યારે એ દાદા લાલ આંખથી વાત કરી શકતા હતા, આજે લાલ આંખવાળાનો યુગ રહ્યો નથી. હસતાં ચહેરાવાળા નો યુગ છે. Smiling face વાળાઓનો.
તો તમે તમારી જાતને પૂછો, કે આટલો ગુસ્સો જરૂરી હતો ખરો? પછી એ પૂછો કે ગુસ્સો કેમ આવેલો? તમને ગુસ્સો આવેલો પતિ ઉપર, તમે આંતરનિરીક્ષણ કરો, ગુસ્સો કેમ આવેલો…? ગુસ્સાનું કારણ તમારો ‘હું’ હતો. મને કેમ આમ કીધું…! એટલે તમારું જે હું વાસ્તવિક નથી એ હું ઉપર તમે ગુસ્સો કર્યો. અને એના માટેનો એ ગુસ્સાને ઘરમાંથી બિલકુલ હાકલપટ્ટી આપવાનો એક shortcut આ છે, હું નું replacement. ‘આ’ (શરીર) હું ને બદલે આનંદઘન ચૈતન્ય એટલે હું, આ હું નું replacement થઇ જાય, તો તમારા ઘરમાં કોઈ કોઈને ગરમાહટથી બોલાવે ખરા? ઘરમાં શાંતિ જ શાંતિ રહે. નિમિત્ત મળે, પણ એ નિમિત્તની અસર આપણે કેટલી થવા દેવી, આપણે નક્કી કરવું છે. ગઈ કાલની સાધના તમારા ખ્યાલમાં છે. દિવસ ઉગ્યો, પહેલું નિમિત્ત જે મળ્યું એની અસરમાં મારે જવાનું નથી. પછી એવું બની શકે, કે ગમે તેવા નિમિત્તો મળે, તમને અસર ન થાય.
એક બંગાળી પ્રોફેસર હતા. પોફેસર તો હતા જ, પણ સમાજસેવક પણ હતા. તો સમાજસેવકનું નિમંત્રણ મળે ને તો કોલેજમાંથી સીધા ત્યાં જતા રહે. ઘરે આવવાનો સમય કોઈ નક્કી જ નહિ. ૧૨ વાગે કોલેજ છૂટતી હોય, ૧૨.૩૦ એ આવવા જોઈએ. એના બદલે ૨ વાગે આવે, ૪ વાગે આવે, એકવાર તો સાંજે ૫.૩૦ આવ્યા… બંગાળમાં ખોરાક ભાતનો, દાળ – ભાત… ૫.૩૦ વાગે પતિ આવ્યો, પત્ની ગરમ થઇ ગયેલી. મેં તમને કહ્યું છે કે આપણે ત્યાં ફોન નથી, બાજુવાળાને ત્યાં ફોન તો છે જ, તો ફોન ઉપર કમસેકમ સમાચાર આપો કે હું આટલો મોડો આવીશ. હું ક્યાં સુધી રસોડું લઈને બેસી રહું! અને એ ગરમ થઇ ગયેલી, દેખીતી રીતે થાય જ… કારણ પતિનો પણ વાંક હતો. પતિ પણ સમજે મારો વાંક છે. મારે કહેવું જોઈતું હતું. પણ સમાજસેવાની ધૂન એવી કે નિમંત્રણ મળ્યું નથી કે ભાઈસાબ પહોંચ્યા નથી. પત્નીએ કહી દીધું આ ઠંડા ભાત છે, ખાવા હોય તો ખાવ નહીતર સુઈ જાવ. એ વખતે પતિને એ ઠંડા ભાતની થાળી પત્નીના માથા ઉપર મૂકી, પત્ની વિચારમાં પડી ગઈ, શું કરો છો… તો કહે કે તારું બોઈલર ગરમાગરમ છે ને એટલે મારા ભાત ગરમ થઇ જશે…. પત્ની પણ હસી પડી. મામલો ખતમ થઇ ગયો. તો પહેલું ચરણ છે આંતરનિરીક્ષણ. તમે તમારી જોડે બેસો, અને દિવસ દરમિયાન જે ભૂલો થઇ એને બરોબર પકડો. તો હવે પકડાયું કે ગુસ્સો કરેલો. ગુસ્સો કેમ આવેલો, હું ને કારણે, તો હું ને થોડું શિથિલ બનાવો.
આપણે ત્યાં કહ્યું છે કે શ્રાવક માટે કુટુંબના સભ્યો એ કલ્યાણમિત્રો છે. એકવાર પ્રવચનમાં હું કહેતો હતો કે ભાઈ! કેરીની season હોય, તો પહેલી કેરી પ્રભુના દરબારમાં મુકો, પછી રસ કાઢેલો હોય, સમય થયેલો હોય, મહાત્મા વહોરવા પધારે, અને કૃપા કરીને લાભ આપે, તો સુપાત્રદાનનો લાભ પણ તમને મળી જાય. એટલે પહેલા નંબરે પ્રભુભક્તિ, બીજા નંબરે ગુરુભક્તિ, મેં પછી કહ્યું ત્રીજા નંબરે સાધર્મિકભક્તિ. તમારી આજુબાજુના ફ્લેટોમાં રહેતા હોય, એને કેરી પહોંચાડી આવો, અને ચોથા નંબરે તમે. મેં કહ્યું બરોબર…? એક ભાઈ મારી સામે હસે, મને કહે સાહેબ બરોબર ત્રીજા નંબરે સાધર્મિકો જ છે. મને કહે મારા ઘરમાં બધા સાધર્મિકો છે ને કહે… મેં એને કહ્યું તે તો હસતાં હસતાં વાત કરી પણ શાસ્ત્રની આ એક ગંભીર વાત છે. કે શ્રાવક માટે એના પરિવારના બધા જ સભ્યો કલ્યાણમિત્રો છે. એટલે તમારે ત્યાં શું થાય- તમે તમારી પત્નીને સહાયક બનો, પત્ની વિચાર કરે કે પતિ આટલું બધું કામ ઓફિસમાં કરે છે હું એમની સહાય કરું… દીકરાઓ વિચારે કે અમે માત – પિતાની ભક્તિ કરીએ…
૫૦ વર્ષ પહેલાંની કુટુંબ વ્યવસ્થા અને આજની કુટુંબ વ્યવસ્થા ફરક કેટલો પડ્યો એ તમને સમજાવું. ૫૦ વર્ષ પહેલાંની કુટુંબ વ્યવસ્થા એ હતી, કે જેમાં પતિની ઈચ્છા હતી કે પત્નીને પણ ધર્મ માટે પુરતો સમય આપું. હું એને સહાય કરું, મારા દીકરાઓ સંસ્કારી બને, એના માટે હું થોડી મહેનત કરું. પત્નીની ઈચ્છા હતી કે હું મારા પતિને સહાયક બનું, અને મારા દીકરાઓને પણ હું સંસ્કાર માર્ગે લઇ જાઉં. દીકરાઓની ઈચ્છા હતી, કે માત – પિતાની અમે સેવા કરીએ, એટલે દરેકની ઈચ્છા એ હતી કે મારે બીજા માટે કંઈક કરવું છે. આજે એ થયું, પતિ એમ કહે છે હું આટલું બધું કરું છું આ લોકો શું કરે છે? એટલે ૫૦ વર્ષ પહેલાં દરેક વ્યક્તિ પોતાની ફરજોને સમજતો, અને પોતાની duty ને perform કરતો. આજે બધા બીજાની duty ને સમજાવવા નીકળી ગયા છે. પતિ કહે છે પત્નીએ શું કરવુંને, દીકરાઓએ શું કરવું, પત્ની કહે છે પતિએ શું કરવું જોઈએ, અને દીકરાઓએ શું કરવું જોઈએ… દીકરાઓ કહે છે માં – બાપે આમ કરવું જોઈએ. પણ જો તમારા કુટુંબની અંદર દરેક સભ્યો કલ્યાણમિત્ર બની જાય તો તમારા ઘરનું વાતાવરણ કેટલું તો પવિત્ર હોય, ત્યાં સતત શાંતિ હોય, સતત આનંદ હોય. તો પહેલું ચરણ આંતરનિરીક્ષણ.
આંતરનિરીક્ષણથી દોષ પકડાયો. હવે છે ને એક જ દોષ પહેલા પકડવાનો. એક સાથે એક જ દોષ. બીજું ચરણ છે સંકલ્પ. હવે એ નક્કી કરો કે આ ગુસ્સો આ રીતે જે આવ્યો, એ બે અઠવાડિયા સુધી repeat ન જ થવો જોઈએ આ સંકલ્પ અને ત્રીજું જાગૃતિ. અને કદાચ એવું નિમિત્ત આવી જાય અને ગુસ્સો મનમાં કદાચ આવી જાય, તરત જ તમે કહી દો, જાગૃતિ આવી જાય, ભાઈ નહિ ગુસ્સામાં જવાનું નથી. તો આંતરનિરીક્ષણ, સંકલ્પ અને જાગૃતિ આ ત્રણ જો તમારી પાસે આવી જાય તો એક – એક દોષમાંથી તમે મુક્ત થઇ શકો.
એક બીજી પણ theory તમને આપું, રાતની નિરવ શાંતિમાં તમે બેઠા છો, જેટલા – જેટલા દોષો તમને પીડે છે એનું એક લીસ્ટ બનાવો. આપણે છે બહુ પ્રબુદ્ધ માણસો છીએ. પણ આપણી પ્રબુદ્ધતા છે ને બીજાના ઉપકારમાં ખર્ચાઈ જાય છે. તમે એટલા બધા પ્રબુદ્ધ, એક માણસ જોડે જવાનું હોય ને તમે કહી દો એની જોડે જાય, એ તો અહંકારનું પુતળું છે પુતળું… તમે બીજાના અહંકારને જોઈ શકો છો. બીજાના દ્વેષને તમે જોઈ શકો છો. હવે તમારા દોષોને જોવા છે. તમારી પ્રબુદ્ધતાનો ઉપયોગ તમારા દોષોને જોવા માટે કરવો છે. તો પહેલા જેટલા દોષો તમને પીડે છે એ લખી લો. એ લખ્યા પછી બીજું એક લીસ્ટ બનાવવું છે. ધારો કે દશ દોષ આવ્યા, તો એમાં સહેલામાં સહેલો touch and go કહી શકાય એવ દોષ કયો…? એને સૌથી ઉપર મુકો. સહેજ અઘરો બીજા નંબર ઉપર, એનાથી અઘરો ત્રીજા નંબર ઉપર… પહેલો દોષ જે એકદમ સહેલો છે તમે કહેશો કે આને દૂર કરવો હોય તો કઈ વાત છે…! બીજાની નિંદા હું કરું છું… આજથી નિંદા નહિ કરવાની. આ તમે નક્કી કરી લો. તો તમારો self confidence પણ વધી જાય.
શ્રીપાળ રાસની એક બહુ મજાની ઘટના છે. શ્રીપાળ રાજા સાથે લગ્ન થયા પછીની સવારે મયણાસુંદરી શ્રીપાળજી ની સાથે દેરાસરે જઈ રહ્યા છે, એ વખતે અનાડી લોકો બોલી રહ્યા છે, જો પેલું ધર્મનું પુંછડું જાય, કાલે સભામાં રાજાએ પૂછ્યું ત્યારે આ ધર્મનું પૂંછડુ ધર્મ ધર્મ ધર્મ કરતું રહ્યું, એના પિતાએ કેવો કોઢ્યો વળગાળ્યો એને… મયણાસુંદરી દેરાસરે જાય, પ્રભુની ભક્તિ કરે, ગુરુદેવ પાસે આવે, વંદન કરે અને પછી મયણાસુંદરી ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. કદાચ મયણાસુંદરીની જીંદગીમાં very first time મયણાજી રડ્યા હશે. શ્રીપાળજીની સાથે ચોરીમાં હાથ પકડીને બેઠેલા હતા, ત્યારે પણ એટલા જ પ્રસન્ન હતા, પહેલી વાર રડ્યા છે. કેમ રડ્યા…? ડૂસકાં ગળાની અંદર છે. ગુરુદેવને એમણે કહ્યું ગુરુદેવ! મયણાને કોઈ કુળ કલંકીની કહે ને મયણાને વાંધો નથી. પણ મારા નિમિત્તે, મારા પ્રભુ શાસન તરફ આંગળી ચિંધાય એ મારાથી સહન થતું નથી. રાસમાં શબ્દો આવ્યા, “પણ જિનશાસન હેલના, સાલે લોક અબુઝ રે.” “પણ જિનશાસન હેલના” મારા નિમિત્તે લોકો પ્રભુ શાસનની નિંદા કરે, ગુરુદેવ! મારાથી સહન થતું નથી. ધ્રુસકે ધ્રુસકે રડે છે. પ્રભુ શાસનની નિંદા…! આજે એક નિયમ તમને આપી દઉં બધાને… પ્રભુ શાસનના કોઈ પણ અંગની નિંદા ક્યારેય પણ કરવી નહિ, કોઈ કરતો હોય તો સાંભળવી નહિ. ફલાણા મહાત્મા આવા… આટલી જ કોઈ વાત શરૂઆત કરે, તમારે કહી દેવાનું please મારે નિયમ છે કોઈ પણ મહાત્માની નિંદા હું સાંભળવા માટે તૈયાર નથી.
તો દોષોનું આપણે લીસ્ટ બનાવીએ. પછી બીજું લીસ્ટ એ બનાવ્યું કે સહેલો કયો, એનાથી અઘરો કયો, એનાથી અઘરો કયો, એનાથી અઘરો કયો… હવે એક – એક દોષને આપણે કાઢતા જઈએ. કાંઈ અઘરું છે આમાં બોલો…? અને કોઈ દોષ ન નીકળે, અમને સોંપી દો. આમ પણ લોકો શું કરે… તાવ આવે એટલે મેટાસીન લઇ લે. એમાં કંઈ ડોક્ટર પાસે જવાની જરૂર નહિ. હેડેક છે તો સેરેલીન લઇ લેવી. તો વાંધો ના આવે. પણ મોટો દર્દ છે ડોક્ટર પાસે જઈ આવે, સદ્ગુરુ પાસે આવી જાઓ, સદ્ગુરુ તમારા દોષને કાઢી આપશે. અને દરેક સદ્ગુરુ પાસે પોતાની એક અલગ ટેકનીક હોય છે. એ કઈ રીતે દોષ કાઢી લે એ તમને તો ક્યારેય ખબર પણ ન પડે; તમે દોષમુક્ત થઇ ગયા હોવ… માત્ર તમારો દોષ તમને ખટક્યો… પછી એ જાય એમાં વચ્ચે બહુ લાંબી પ્રોસેસ નથી. સદ્ગુરુ પાસે આવી જાવ.
તિબેટની અંદર એક સાધક થયો, મીલારેપા. એટલો મોટો એ વિદ્વાન હતો કે એ વખતની યુનિવર્સીટીઓમાં એના પુસ્તકો ચાલતાં. રાત્રે ૧૨ વાગે એને જગાડો, અને ૫૦૦૦ માણસ સામે હોય, કહી દો કે એક કલાક ભાષણ કરવાનું છે… વગર તૈયારીએ non – stop કલાક બોલી કાઢે. આવો વિદ્વાન… પણ એકવાર એને લાગ્યું કે આ કોરી વિદ્વત્તા, સાધના વગર નકામી છે. અને સાધના સદ્ગુરુ જ આપી શકે. એ વખતે પુરા તિબેટમાં નારોપા નામના ગુરુ નંબર વાન હતા. મીલારેપા ગુરુ નારોપા પાસે જાય છે, એમના ચરણોમાં સમર્પિત થાય છે. અને કહે છે ગુરુદેવ! મને શિષ્ય તરીકે સ્વીકારો. સદ્ગુરુ face reading ના master છે. એમણે જોયું કે જ્ઞાની છે પણ અહંકારથી ભરાયેલો માણસ છે. એનો અહંકાર ન જાય ત્યાં સુધી સાધના કેમ આપી શકાય…? સદ્ગુરુ dual action કરે છે તમારા ઉપર. પહેલા તમને સાધના લેવા માટે તૈયાર કરે, જે ક્ષણે તમે તૈયાર થયા, એ ક્ષણે તમને સાધના આપી દે. તમને કદાચ ખ્યાલ નથી. સદ્ગુરુ ચેતના તમારા ઉપર કેટલા જન્મોથી કામ કરી રહી છે. સદ્ગુરુ ચેતના સેંકડો જન્મોથી તમારા ઉપર કામ કરી રહી છે.
બહુ મજાની એક ઘટના કહું, જે તમારા ખ્યાલમાં નથી. પણ આપણા બધાના જીવનમાં બનેલી હોઈ શકે. સેંકડો જન્મો પહેલાં એક જન્મ એવો હતો, જે જન્મમાં પ્રભુ એટલે શું આપણને ખ્યાલ નહોતો. અને એમાં આપણું સદ્ભાગ્ય એક સદ્ગુરૂના ચરણોમાં બેસવાનું મળ્યું. સદ્ગુરુએ પ્રભુના ઐશ્વર્યની, પ્રભુના મહિમાની વાત કરી. પહેલી જ વખત પરમાત્માના ઐશ્વર્યની, પરમાત્માના મહિમાની વાતો સાંભળી. આપણે દિગ્મૂઢ થઇ ગયા કે આવા પ્રભુ…! અને આવા પ્રભુ હોય તો મને ન મળે…? એ ક્ષણ પ્રભુને આપણે પ્રાર્થના કરી, પ્રભુ તું મને ના મળે..? તું મને મળ ને… એક સેકંડ ને આપણી પ્રાર્થના ઉપર પ્રભુએ આપણને પસંદ કર્યા. પણ એ પછી initial સ્ટેજનું કામ સદ્ગુરુએ કરવાનું હતું. સદ્ગુરુ ચેતના અને પરમ ચેતનામાં કામ વહેંચાયેલા હોય છે. એ initial સ્ટેજનું કામ સદ્ગુરુ કરે છે. પછીનું કામ પરમ ચેતના કરે છે. સદ્ગુરુ ચેતના શું કરે તમારા હૃદયને વેકેંડ કરે, ખાલી કરે, રાગ – દ્વેષ, અહંકારથી થોડું ખાલી કરી દે, અને એ ખાલી થયેલા હૃદય ઉપર પ્રભુ અનરાધાર વરસે. તમે ભરાઈ જાવ. ટોચ સુધી ગ્લાસ ધૂળથી ભરાયેલો હોય, એમાં પાણી નાંખીએ તો સિવાય કીચડ શું થાય… એમ રાગ – દ્વેષ ને અહંકારથી આપણું હૃદય બિલકુલ ઠસોઠસ ભરાયેલું હોય, એમાં પ્રભુની કૃપા જાય તો પણ શું થાય… એટલે એ initial સ્ટેજની અંદર પ્રારંભિક સ્તર ઉપર સદ્ગુરુ આપણા હૃદયને સાફ કરે.
તો સદ્ગુરુ ચેતના સેંકડો જન્મોથી આપણા હૃદયને નિર્મળ બનાવવા માટે મથી રહી છે. ગુરુ કેટલા પ્રેમથી સમજાવે કે બેટા! નિમિત્ત નિમિત્ત શું કરે છે… તને ગુસ્સો આવ્યો કોઈના કારણે નહિ, તારા પોતાના કારણે આવ્યો. જ્યાં સુધી એમ માનીએ ને કે પેલાએ આમ કહ્યું માટે ગુસ્સો આવ્યો. ત્યાં સુધી તમને પેલી વ્યક્તિ ઉપર ગુસ્સો આવવાનો જ છે. પેલી વ્યક્તિએ મને આમ કહ્યું. પેલી વ્યક્તિએ રફ્લી કહ્યું, પણ મારા કર્મે કહ્યું એ વિચાર આવે તો… ગુરુ, સદ્ગુરુ ચેતના આપણને સેંકડો જન્મોથી સમજાવે છે. કે નિમિત્ત નિમિત્ત નહિ કરો.
હું ઘણીવાર કહું પેટ્રોલપંપ હોય, નો smoking please લખેલું છે, એક માણસ ત્યાં આવ્યો, એને બોર્ડ વાંચ્યું પણ છે પણ સિગરેટ પીવાની તલપ લાગી, તલપ લાગી ત્યાં સુધી તો ઠીક છે. દીવાસળી સળગાવી ત્યાં સુધી ઠીક છે… પણ સળગતી દીવાસળી ફેંકાય તો નહિ પેટ્રોલપંપ ઉપર… એણે સળગતી દીવાસળી પેટ્રોલપંપે ફેંકી, આખો પંપ ભડકે બળ્યો. એટલે સામાન્યતયા શું લાગે? પેટ્રોલપંપ ભડકે બળ્યો કેમ…? નાનકડી દીવાસળી ને કારણે..
હવે એ જ વાતને આગળ લઇ જાવ, એ જ માણસ છે, એ જ દિવાસળીઓ છે, આખું બાકસ ભરેલું છે, પાણી ભરેલા હોજ પાસે એ માણસ જાય, દીવાસળી સળગાવી સળગાવી પાણી ભરેલા હોજમાં નાંખતો જાય, કેટલી આગ લાગે…? એટલે તમે એક બાજુનું ચિત્ર સમજેલા ખોટું, કે દીવાસળીને કારણે પેટ્રોલપંપ સળગ્યો, ના, પેટ્રોલપંપ પેટ્રોલથી ભરેલો હતો માટે સળગ્યો. પાણી ભરેલો હોજ કેમ સળગતો નથી? તો હવે દિવાસળીઓ તો ઘણી બધી છે દુનિયામાં. તમે કેટલી દીવાસળીને ના પાડવાના, સહેલું કામ શું તમારા પેટ્રોલપંપને પાણી ભરેલા હોજમાં ફેરવી નાંખો. સદ્ગુરુએ આટલી સરળ વાત આટલા પ્રેમથી તમને સમજાવી. આપણે સમજ્યા. જ્યાં બહાર ગયા, ગુરુના ઓરા સર્કલની બહાર અને નિમિત્ત મળ્યું, ને પાછા નિમિત્તમાં જતા રહ્યા.
તો આ જનમની અંદર એક કામ કરીએ. સદ્ગુરુ તમારા હૃદયને નિર્મળ બનાવી દે, દોષમુક્ત બનાવી દે, અને પછી એ હૃદય પર પ્રભુની કૃપાની વર્ષા સતત સતત થયા કરે.
અમારો જે અનુભવ છે, પ્રભુ વરસી રહ્યા છે, ક્ષણે ક્ષણે વરસી રહ્યા છે… અને અમારી પાસે જે આનંદ છે. એ પ્રભુએ આપેલો છે, હું ઘણીવાર કહું છું, કે પ્રભુની air – condition હથેળીમાં હું છું. પણ પ્રભુ પાસે કોઈ ભેદભાવ નથી. કે ભાઈ યશોવિજયને જ air – condition હથેળીમાં રાખવો, ને બીજાને નહિ રાખવા. પ્રભુ તમારા માટે પણ તૈયાર છે. પ્રભુની air – condition હથેળીમાં તમારે રહેવું છે? નિર્મળ ચિત્ત આવી ગયું; તમે પ્રભુની air – condition હથેળીમાં.
તો સદ્ગુરુ face reading ના master છે ગુરુ નારોપા એ જોયું કે એ મીલારેપા જ્ઞાની છે પણ અહંકાર એટલો જ ભરાયેલો છે. અને અહંકાર છે હું એને સાધના આપું શી રીતે…? હવે ગુરુએ dual action ચાલુ કર્યું. ગુરુએ કહ્યું: દીક્ષા આપવાની વાત પછી, પહેલા એક કામ કર, સાહેબ! ફરમાવો શું કામ કર. ગુરુ કહે છે: એક કુટીર બનાવવાની છે ધ્યાન માટે, એના માટે બાજુના પહાડમાંથી પત્થરો તોડીને લઇ આવ. આશ્રમના સ્ટોરમાંથી તને ગાડું, બળદ જે પણ સાધનો જોઈએ એ મળી જશે. પેલાએ ગુરુનું વચન સ્વીકારી લીધું. કારણ? સાધના ગુરુની શરતે મળે કે તમારી શરતે…? સાધના કઈ રીતે મળે…?
એકવાર એક શહેરમાં હું ગયેલો. શનિવારે મારું પ્રવચન હતું, પછી મેં એમને કહ્યું લોકોએ વિંનતી કરી, આવતી કાલે પ્રવચન… મેં કહ્યું કાલે આપણે એવું કરી શકીએ… રવિવાર છે તમારે. તમે બધા free છો. ઓફિસે તમારે જવાનું નથી. કલાક ની બદલે દોઢ કલાકનું પ્રવચન રાખીએ… પણ સવારે ૮ થી સાંજે ૫ સુધીમાં ગમે ત્યારે હું રાખું… સમય નક્કી નહિ… સાહેબ એમાં તો એકેય જણ ન આવે કહે છે… મેં કહ્યું કેમ ન આવે…
ગુર્જિએફની વાત આવે છે, આજના યુગના પ્રમુખ યોગાચાર્ય. રોજ પ્રવચન નહિ આપે, એકવાર કહ્યુ કે સાહેબ આવતાં રવિવારે પ્રવચન…? હા નથી પાડતા… જોઈશું કહે છે… જોઈશું એટલું કહ્યું ૧૦૦ – ૨૦૦ માઈલ સુધી સમાચાર ફરી વળ્યા રાતોરાત… કે કદાચ રવિવારે ગુરુ બોલે, કદાચ બોલે… એ રવિવારે ૯ વાગે ૪૦૦૦ માણસ, auditorium આખો full. ગુર્જિએફને કહેવામાં આવ્યું કે સાહેબ! ૪૦૦૦ માણસ આપને સાંભળવા માટે તલસી રહ્યું છે. તો કહે કે આજે પ્રવચન નહિ થાય. ફરી એક – બે રવિવાર પછી પૂછ્યું: સાહેબ આ રવિવારે? જોઈશું… તો પણ ૨૦૦૦ માણસો આવ્યા, ત્રીજી વખતે ૧૦૦૦ માણસ આવ્યું, ગુર્જિએફ બોલ્યા, પણ એવું બોલ્યા કે ૧૦૦૦ માણસોને થયું, કે જન્મ અમારો સાર્થક થયો. સદ્ગુરુ તમારી કંડીશને બોલે કે પોતાની કંડીશને બોલે…? અમે લોકો એમાં પણ તૈયાર.. તમારી કંડીશને… સાહેબ શહેરમાં વહેલું રાખો પ્રવચન.. તો વહેલું રાખો. પણ સાધના તમારી કંડીશને અમે ન આપી શકીએ…
સાધનામાં અમારે dual action કરવું જ પડે. પહેલા તમને એ સાધના લેવા માટે તૈયાર કરવા પડે, અને પછી જ એ સાધના તમને આપી શકીએ, પહેલાં આપણા ત્યાં એવું હતું પૌષધ વિગેરે બરોબર કરાવતાં, સમિતિ અને ગુપ્તિનું એને બરોબર ખ્યાલ આપતાં. એની પાસે પાલન કરાવતાં, પછી ઉપધાનની ક્રિયામાં એને લઇ જતાં. જેને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની ખબર નથી. ઈર્યાસમિતિનું સૂત્ર બોલતાં આવડતું નથી. ઈરિયાવહિયા કરતાં આવડતાં નથી. ઉપધાનમાં બેસી ગયો છે. તો પહેલાં આ હતું… સાધનાનું dual action હતું. આ અમૃતમય સાધનાને લેવા માટે પહેલા એને તૈયાર કરો. એક નવકાર મંત્ર લેવા માટે ૧૮ દિવસ શા માટે… એટલા માટે જ કે એ નમસ્કારનું માહાત્મ્ય ગુરુદેવ સતત સમજાવતાં રહે. કે આ નવકાર મંત્ર શું છે? નમસ્કાર મહામંત્રની સાધના એ શું છે? નમો – ઝૂકો, ઝુકી જાવની સાધના છે.
તો ગુરુએ dual action શરૂ કર્યું, કહ્યું કે ભાઈ પત્થર તોડી લાવ… હવે લખવાની ટેવ હતી, બોલવાની ટેવ હતી, આ પત્થર તોડવાની ટેવ નથી. સાંજ સુધી પત્થર તોડ્યા, બાવડાં રહી ગયા. ગાડામાં પત્થર નાંખી આશ્રમમાં આવ્યો, ગુરુની ચેમ્બર પહેલા ત્યાં ગયો, ગુરુને વંદન કર્યું, સાહેબ પત્થર આટલા તોડીને આવ્યો, ગુરુએ એના ચહેરા સામે જોયું, હજુ અહંકાર ઓછો નથી થયો, આવતી કાલે સવારે મને મળજે કહે છે. ગુરુ એને પૂછતા નથી કે તું થાક્યો કે નહિ…? જમવાની બધી વ્યવસ્થા છે જમી લેજે. કાંઈ નહિ. એના શરીરની ચિંતા મારે કરવાની હોય નહિ. મારે માત્ર એના આત્માની ચિંતા કરવાની. ફોડી લેશે હોશિયાર માણસ. ક્યાં સુવાનું, ક્યાં ખાવાનું ફોડી લેશે.
બીજી સવારે આવ્યો, સાહેબજી! હા, બસ પત્થર ઓછા છે લઇ આવ. ત્રીજી સવાર, ચોથી સવાર, પાંચમી સવાર… સામાન્ય સાધક હોય તો શું થાય, સાચું કહેજો… ચોથી સવારે આવ્યો હોય, ગુરુ કહે પત્થર તોડી લાવ, હજી…. સાંજે દેખાય જ નહિ… પેલો ક્યાં ગયો… સાહેબ ભાગી ગયો. એ સાધના લેવા આવ્યો હોય ને તમે એને પત્થર તોડી લાવવાનું કહો… સાતમી સાંજે મીલારેપા પત્થર લઈને આવે છે, એ વખતે એને વિચાર થયો, કે ગુરુ મારા ઉપર શું કામ કરી રહ્યા છે? એને એ ખ્યાલ હતો… અત્યંત પ્રબુદ્ધ માણસ છે. એને થયું ગુરુ મારા ઉપર કંઈક કામ કરી રહ્યા છે. પણ આ પત્થર તોડાવાથી શું થાય…? ત્યાં જઈને એકદમ light થઇ, ઓહ! અને એને ખ્યાલ આવી ગયો. ગુરુ પત્થર તોડાવતા નથી, મારા અહંકારને તોડવાનું કામ કરી રહ્યા છે. એ હલકામાં હલકું મજુરનું કામ મને એટલા માટે સોંપ્યું કે મારા આ અહંકારને પટકો. હું આટલો જ્ઞાની માણસ, હું આટલો વિદ્વાન, ગુરુ કહે છે કે તું શૂન્ય છે. કારણ કે અહંકાર તારી પાસે છે, એ સાતમી સાંજે ગુરુ પાસે આવ્યો, અહંકાર નીકળી ગયો. ખ્યાલ આવી ગયો, કે અહંકાર અને સાધના બેને કંઈ મેળ બને નહિ. Total ખાલી થઇ ગયો, ખાલી થતાં વાર ન લાગે પાછી હો… અહંકાર આટલો બધો હતો, ખાલી પણ ઝડપથી થઇ ગયો. ગુરના ચરણોમાં પડ્યો, ગુરુએ જોયું, વાહ! આ તો ખાલી થઇ ગયો. એટલે ગુરુએ કહ્યું ચાલ અત્યારે સમય બહુ સારો છે, તને દીક્ષા આપી દઉં.
આપણી ભારતીય પરંપરામાં સાંજના સમયને પણ બહુ સારો કહ્યો છે. એને આપણે ત્યાં ગોધુલી વેલા કહેવામાં આવે છે. સાંજના સમયે ગાયો ગામમાં આવતી હોય, અને એ ગાયોની પગની ખરીથી ધૂળ ઉડતી હોય, અને ધૂળથી આકાશ ભરાયેલું હોય, એને ગોધુલી વેલા કહેવામાં આવે છે. અને એ સવારે આપણી ભારતીય સંસ્કૃતિમાં સારામાં સારો સમય ગણાય. ગુરુએ કહ્યું, સરસ સમય છે, તું તૈયાર થઇ ગયો છે, ચાલ તને સાધના દીક્ષા આપી દઉં. તો ગુરુની પાસે એક ટેકનીક હતી, અહંકાર જ એની પાસે હતો, બીજા દોષો ન હતા. રાગ – દ્વેષ બહુ ન હતું. અહંકાર હતો. પણ એ અહંકાર ને કાઢવા માટે માત્ર એક અઠવાડિયાની સાધના હતી. અને એ અઠવાડિયામાં ગુરુએ એના અહંકારને તોડી નાંખ્યો. અમારી પાસે એક નહિ, અનેક ટેકનીક છે… જેટલા સાધકો ને એટલી ટેકનીક અમારી પાસે છે. અને ગમે તેવો અહંકાર હોય તમારો, તમે ઈચ્છો કે સાહેબ કાઢી આપો તો કાઢી દઈએ… અમે તૈયાર છીએ.
તો દોષમુક્ત થવા માટે એક તો સાધના ત્રિપદી આપણે જોઈ. આંતરનિરીક્ષણ, સંકલ્પ અને જાગૃતિ. અને આગળ – પાછળ આપણે સદ્ગુરુને લીધા. આ બાજુ સદ્ગુરુનો ચરણ સ્પર્શ લીધો. અને આ બાજુ સદ્ગુરુને આપણે સમર્પિત થયા. તો સદ્ગુરુ આપણા દોષને કાઢી આપે. ગુરુ તૈયાર છે, તમે તૈયાર…?
તમારો દ્વેષ કેટલો અઘરો છે એની કોઈ ચિંતા કરતાં નહિ… નિષ્ણાંત ડોક્ટર પાસે આપણે જઈએ ત્યારે કહીએ કે સાહેબ દર્દ બહુ હઠીલું છે… ૨૫ વર્ષથી આ દર્દ પીડે છે, તમને તકલીફ પડશે, અરે! ડોક્ટરને શું તકલીફ પડે…? ઇન્જેક્શન નો કોર્ષ આપશે, આપવો હશે તો ઇન્જેક્શન આપશે. ઓપરેશન કરાવો તો ઓપરેશન.. any how… તમારો દર્દ કાઢી નાંખે. તો નિર્મલ ચિત્ત તમારે બનવું છે. એ ઈચ્છા, એ ઝંખના તમારી ભીતર તીવ્ર બની તો નિર્મલ ચિત્ત બનવાની સાધના અઘરી નથી.
અને એ જ સાધનાનું આપણે હવે practical કરીએ…કે ચિત્તને એકદમ નિર્મલ કેમ બનાવવું, ચિત્તમાં રાગ ન રહે થોડો સમય માટે, દ્વેષ ન રહે, અહંકાર ન રહે, માત્ર સમભાવની ધારા રહે, ગુરુ ચરણ સ્પર્શ અને ગુરુ સમર્પણ. તમે સદ્ગુરુને સમર્પિત થયા, પછી બધી જ જવાબદારી સદ્ગુરુની છે. પંચસૂત્ર ચોથા સૂત્રમાં કહેવામાં આવ્યું, ‘આયઓ ગુરુ બહુમાણો’ ગુરુબહુમાન, ગુરુ સમર્પણ, એ જ મોક્ષ છે. તમે ગુરુને સમર્પિત થયા, ગુરુ સામેથી કહેશે લે આ મોક્ષ તને આપી દઉં.
મહોપાધ્યાયજી ભગવંતે સ્તવનમાં સરસ વાત કરી, ‘શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દિયે પ્રભુ સપરાણે રે’ જ્યાં શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયનું ધ્યાન કર્યું, પ્રભુએ કહ્યું લે મોક્ષ. શબ્દ વાપર્યો છે શિવ દિયે પ્રભુ સપરાણે રે. અરે લઇ જા ને, લઇ જા ને હું તને આપું છું… મોક્ષની ઈચ્છાથી એ ગયો પણ નથી એ… પ્રભુ કહે છે તે આવું ધ્યાન કર્યું, તે ચિત્તને નિર્મળ બનાવ્યું, લે તને મોક્ષ આપી દઉં.
અને બીજું એક સાધના ત્રિપદી આપણે જોઈ, આંતરનિરીક્ષણ, સંકલ્પ અને જાગૃતિની… આમાં સાધના પદ્ધતિ ભિન્ન ભિન્ન આવશે પણ તમારે બધી સાધના પદ્ધતિ સ્વીકારવી એવું નથી. તમે કોઈ પણ ગુરુ પાસે નક્કી કરીને એક સાધના પદ્ધતિમાં અંદર જઈને નિર્મળ ચિત્તવાળા બનો. ઘણી બધી સાધના કામમાં નહિ આવે. તો સમર્પણ હશે તો સમર્પણ… પછી તમારે આંતરનિરીક્ષણ કરવાની જરૂર નથી. પછી ગુરુ જ તમારા દોષોને કાઢી લેશે. એટલે તમારે કઈ સાધનામાં જવું છે… એ પણ સદ્ગુરુ તમને નક્કી કરી આપશે. અને practicalની અંદર પણ આપણે આ જ જોયું કે ધીરે ધીરે આપણું મન શાંત થતું જાય છે. વિચારોને કારણે, વિકલ્પોને કારણે ઘોંઘાટ ચાલુ હતો, એટલે એક વાત ત્યાં એ પકડાઈ કે વિચારો જેટલા ઓછા થાય એટલી જ ચિત્તમાં શાંતિ આવી જાય. એટલે માત્ર શાંત ચિત્તે થોડી વાર બેસો. તો પણ તમારું મન શાંત,નિર્મળ બની જાય.
તો પ્રભુએ કૃપા કરીને ઘણી બધી સાધના આપી છે. એ સાધનામાંથી પસાર થઇ તમે બધા નિર્મળ ચિત્તવાળા થાઓ.