Maun Dhyan Sadhana Shibir 02 – Vachana – 4

2 Views
31 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject : Reverence for life

અગણિત જન્મોથી પ્રભુના બે મોટા અપરાધો આપણે કર્યા છે – ચેતના પ્રત્યેનો દ્વેષ અને જડ પ્રત્યેનો રાગ. આપણે અગણિત જન્મોથી કરેલા આ બે અપરાધોનું પ્રાયશ્ચિત એ જ છે કે ચેતના પ્રત્યે મૈત્રીભાવ આપણો સ્થાપિત થાય. અને જડ પદાર્થો પ્રત્યે ઉદાસીન દશા આપણા ચિત્તમાં છવાય.

ચેતના પ્રત્યે વિદ્વેષ ખૂબ ઊંડે સુધી ગયેલો છે. એ વિદ્વેષને આપણે ચેતના પ્રત્યેની મૈત્રીમાં ફેરવવો છે. Reverence for life. જ્યાં ચૈતન્ય, ત્યાં આદર. રાગ-દ્વેષ-અહંકાર બધું જ શિથિલ બની જાય, જો મૈત્રીભાવનો પ્રવેશ હૃદયમાં થઇ જાય…

એક નવકારમંત્ર પણ ભીતર જો બરોબર ઊતરી જાય, તો ચેતના પ્રત્યેનો સમાદર તમારી પાસે આવી જાય. નમો સિદ્ધાણં માં ભવિષ્યના સિદ્ધોને તમારો નમસ્કાર ખરો ને? કોઈ તમને roughly કંઈક બોલી જાય અને તમારા મનમાં સહેજ ગુસ્સો આવવાની તૈયારી થાય; પણ એ વખતે તમને યાદ આવી જાય કે આ વ્યક્તિ તો ભવિષ્યના સિદ્ધ ભગવંત છે; નમો સિદ્ધાણં.

મૌન ધ્યાન સાધના શિબિર – ૦ (સાંજે) – વાચના – ૪

‘આજ્ઞા તું નિર્મલં ચિત્તં, કર્તવ્યં સ્ફટિકોપમમ્’

૪૫ આગમ ગ્રંથોની અંદર વિસ્તરાઈને, ફેલાઈને રહેલી પ્રભુની આજ્ઞાનો સાર: નિર્મળ ચિત્ત.

ચિત્તને નિર્મલ કેમ બનાવવું, એના માટે આપણા યુગના સાધના મહિષી ગુરુદેવ પૂજ્યપાદ પંન્યાસ પ્રવર ભદ્રંકરવિજય મ.સા. એ એક સાધનાની દ્વિપદી આપેલી છે. એમણે કહ્યું કે આ બે સાધના તમારા હૃદયમાં ઉતરી જાય, તો તમારું ચિત્ત, તમારું હૃદય, તમારું અસ્તિત્વ નિર્મલ નિર્મલ બની જાય.

એક સાધના છે: ચૈતન્ય પ્રત્યે પ્રેમ. બીજી સાધના છે: જડ પ્રત્યે ઉદાસીન ભાવ. સાહેબજી આ સાધનાને સમજાવતા કહેતાં કે અગણિત જન્મોથી પ્રભુના બે મોટા અપરાધો આપણે કર્યા છે. ચેતના પ્રત્યેનો દ્વેષ, જડ પ્રત્યેનો રાગ. આપણે અગણિત જન્મોથી કરેલા આ બે અપરાધોનું પ્રાયશ્ચિત એ જ છે કે ચેતના પ્રત્યે મૈત્રીભાવ આપણો સ્થાપિત થાય. અને જડ પદાર્થો ઉપર ઉદાસીન દશા આપણા ચિત્તમાં છવાય. ચેતના પ્રત્યેનો દ્વેષ ઊંડે ઊંડે ઊંડે સુધીનો છે.

એક નાનકડું example આપું, એક તીર્થમાં એક ભાઈ ગયેલા, નીચેની રૂમ ધર્મશાળામાં લઇ લીધી, બે કલાક પછી એમના એક મિત્ર આવ્યા, નીચેની રૂમો full થયેલી, એમને ઉપર રૂમ લીધી, first floor ઉપર. થોડીવાર પછી એ ઉપરવાળા મિત્રનો નીચેવાળા મિત્ર ઉપર ફોન આવ્યો કે એક કોન્ફરન્સ મીટીંગ કરવી છે, તું જરા ઉપર આવી જા. પેલો પોતાની રૂમ lock કરી ઉપર જાય છે. બે બાજુ રૂમ હતી, વચ્ચે સ્ટેરકેસ.. સીડી થોડીક ઊંડાણમાં, પેલો ભાઈ કોરીડોરમાં ઝડપથી ચાલી રહ્યો છે. એ વખતે બીજો એક ભાઈ સીડી પરથી ઉતરી રહ્યો છે. ન સીડીવાળાને આ કોરીડોરવાળો માણસ દેખાય, ન કોરીડોરવાળાને આ સ્ટેરકેસ વાળો માણસ દેખાય. નુંક્કડ ઉપર બેઉ જણા ભેગા થઇ ગયા. સહેજ અથડાઈ પણ ગયા, એકેયનો વાંક નહોતો, પેલાને આ દેખાય એવું નહોતું, આને આ દેખાય એવું નહોતું. પણ નીચેની રૂમવાળાને ગુસ્સો આવ્યો, જોતા નથી, આ રીતે ભટકાઈ જાવ છો…! પેલાએ મિચ્છામિ દુક્કડમ્ કહ્યું; વાત પુરી થઇ ગઈ.

એ ઉપર ગયો કોન્ફરન્સ મીટીંગ પતી ગઈ. રાતના ૯ એક વાગેલા, એ રૂમમાં ટોયલેટ ન હતું. ટોયલેટ જનરલ હતા. એમાં ૯ વાગે લાઈટ ગઈ. એકદમ અંધારું… ટોયલેટ તરફ એ ભાઈ જાય છે. અંધારું પુષ્કળ છે, એમાં વચ્ચે એક ઝાડ આવ્યું, એ ઝાડ સાથે એ જોશથી અથડાયો, સવારે વાગ્યું હતું ને એના કરતાં વધારે વાગ્યું. અત્યારે એને ઝાડ ઉપર કેટલો ગુસ્સો આવે…? કદાચ થાંભલો હોત તો થાંભલા ઉપર પણ કેટલો ગુસ્સો આવત…? તમારું મન તમારી જોડે આ ચીંટીગ કરે છે. સામે થાંભલો છે, ભીંત છે, તમે ભટકાયા તમને વાગ્યું, તમે એની નોંધ પણ લેવા તૈયાર નથી… સામે માણસ છે, તમે ભટકાઈ ગયા ને વાગ્યું; તમને તરત ગુસ્સો આવે છે, આ ગુસ્સો ચેતનાના વિદ્વેષમાંથી ઉભો થયેલો છે. સામાન્ય માણસ તો મનની આ ચીંટીગમાં આવી જાય, પણ પ્રબુદ્ધ સાધકે આવવું ન જોઈએ.

એક પ્રબુદ્ધ સાધકની વાત કરું, એ પહેલા તો મનની ચીંટીગમાં આવી પણ ગયો, પણ પછી એને મનની ચાલબાજી સમજાઈ પણ ગઈ. આજે તમને સમજાય જાય ને તો હું પણ માનું કે તમે બધા પ્રબુદ્ધ સાધકો, પ્રબુદ્ધ સાધિકાઓ.

લીચી નામના એક બૌદ્ધ સંત છે. એક વહેલી સવારે આશ્રમમાંથી એ બહાર નીકળ્યા, આશ્રમની બહાર નદી વહેતી હતી. અને એ જ આશ્રમની નાવ નદીના કિનારે પડી હતી. દોરડાથી બંધાયેલી… સંતને થયું કે ચાલો, હોડીમાં બેસી અને ધ્યાન કરીએ. લંગર છોડી નાંખ્યું. નાવડી ધીરે ધીરે ધીરે પાણીમાં સરી રહી છે. એ આંખો બંધ કરી અને ધ્યાનમાં સરી ગયા છે.

ધ્યાન ક્યાંય પણ કરી શકાય. મુંબઈવાળાઓ માટે તો બહુ સારી સગવડ.. ટ્રેનમાં જવાનું કે આવવાનું હોય, કારમાં જવાનું કે આવવાનું હોય, ઓફીસના સ્થળે, તો તમે એ સમયનો ઉપયોગ પણ ધ્યાનમાં કરી શકો. આંખો બંધ કરી, ચિત્તને શાંત કરી બેસી જાવ. એક માત્ર વિચારોને બંધ કરવાની ચાવી તમારા હાથમાં આવી જાય, એ master key તમારા હાથમાં આવી જાય, પછી ધ્યાન જેવું easiest તત્વ કોઈ નથી! વિચારો તમને બહાર લઇ જાય છે, outer space માં. વિચારો બંધ થયા; તમે inner space માં છો જ. Where are you? કાલે પૂછ્યું હતું, who are you? આજે પૂછું છુ, where are you? Outer space માં રહેવું પડે. એકવાર inner space નો અનુભવ તમે કરો… તમારી ભીતરના આનંદને તમે માણો. તમે બહાર આવી શકશો નહિ… બહાર આવવું પડશે તો પણ તમે એક adjusting કરશો. ઉપરનું મન બહાર રહે. અંદરનું મન જે છે એ સ્વરૂપ દશાના આનંદને માણતું હોય… અમે લોકો શું કરીએ છીએ…? એ જ તો કરીએ છીએ. તમારી જોડે વાતો કરીએ, બોલીએ,  બધું કરીએ… પણ અમે અમારી અંદર, જેને પણ એકવાર ભીતરનો આનંદ ચાખ્યો, બહાર કંઈ છે જ નહિ.

તૈતરીય ઉપનિષદમાં ઋષિ કહે છે, ‘રસો વૈ સ:’ ‘રસો વૈ સ:’ રસ એક જ છે, જે તમારી ભીતર છે. બહાર તો કુચા જ છે. તમને રસ નથી મળ્યો, ત્યાં સુધી કુચામાં તમારું મન જાય છે. જે ક્ષણે ભીતરનો રસ ચાખ્યો, તમે બહાર જઈ શકો નહિ, બહાર શું છે…?! તો ધ્યાન એકદમ સરળ.

દેવચંદ્રજી મહારાજ સુબાહુ જિન સ્તવનામાં કહે છે, “ધ્યાન સહજ સંભારીએ” ધ્યાન સહજ ઘટના છે. Being સહજ ઘટના છે, doing અસહજ ઘટના. તમને being નો અનુભવ નથી. એટલે doing ને સહજ માનીને તમે જીવી રહ્યા છો. Doing માં થાક જ થાક છે. કર્તૃત્વમાં થાક જ થાક છે.

દીકરીનું લગ્ન હોય, ૨૦૦ કે ૪૦૦ જાનૈયા આવ્યા છે, બધા મજામાં છે, સજામાં હોય તો કોણ? દીકરીનો બાપ! એક હોટલમાંથી ફોન આવે, શું તમે કઈ હોટલનો રૂમ આપ્યો છે અમને! બાથરૂમમાં પાણી નથી આવતું, અહીંયા ચા – પાણીની સર્વિસ બરોબર નથી. આ બરોબર નથી. ત્યાં બીજી હોટલમાંથી બીજો ફોન આવે. જ્યાં કર્તૃત્વ; ત્યાં જ થાક. જ્યાં સાક્ષીભાવ ત્યાં મજા.

મને એકવાર એક ભાઈએ પૂછેલું, કે સાહેબ! તમે વર્ષોથી બોલી રહ્યા છો, ઘણીવાર એ ના એ ચહેરા હોય, પરિવર્તન ન પણ આવેલું હોય, તમને થાક લાગે કે નહિ? મેં કહ્યું કર્તૃત્વ હોય તો જરૂર થાક લાગે, પણ જ્યાં કર્તૃત્વ ગયું, ત્યાં થાક ક્યાંથી?! મારા ભગવાનની આજ્ઞા છે, હું સ્વાધ્યાય કરું છું.

આપણા ત્યાં એક મજાનો લય છે, સદ્ગુરુ દેશના આપશે પણ એ પોતાના કર્તૃત્વ ઉપર સહેજ પણ ભાર નહિ મુકે, એ કહેશે સામી વ્યક્તિનું ઉપાદાન શુદ્ધ હશે તો પ્રભુની આ વાત એને સ્પર્શી જશે. એટલે કોઈ પણ સદ્ગુરુ પોતાના કર્તૃત્વ ઉપર, નિમિત્ત ઉપર સહેજ પણ ભાર નહિ આપે, એ ઉપાદાન ઉપર ભાર આપશે. શ્રોતા જે છે એ નિમિત્ત ઉપર વજન આપશે કે સદ્ગુરુએ કૃપા કરી, અને એમનો કિમતી સમય મને આપ્યો! તો મેં કહ્યું કર્તૃત્વ જે ક્ષણે ગયું, થાક ગયો.

ઉપાધ્યાયજી ભગવંતે એક પદમાં બહુ સરસ વાત લખી છે, મૂળમાં એ ઔપનિષદીક મંત્ર છે, એ ઉપનિષદના મંત્રનો એમને આપણી ભાષામાં અનુવાદ કર્યો છે, ‘તરુવર એક પંખી દો બેઠા, એક ગુરુ એક ચેલા, ચેલે ને જુગ ચુન ચુન ખાયા, ગુરુ નિરંતર ખેલા’ તરુવર એક – આ સંસારનું વૃક્ષ. પંખી દો બેઠે, બે પંખી છે. એક ગુરુ, એક ચેલા… ગુરુ સાક્ષીભાવમાં છે. પ્રારંભિક કક્ષાનો શિષ્ય કર્તૃત્વની ધારામાં છે, ચેલે ને જુગ ચુન ચુન ખાયા – શિષ્ય કર્તૃત્વની ધારામાં છે. ગુરુ નિરંતર ખેલા… ગુરુ સતત ખેલમાં છે. મજામાં, આનંદમાં… ગુરુ નિરંતર ખેલા… જેટલા પણ ગુરુ અહીંયા છે ને એ બધા લખી લેજો… ગુરુ નિરંતર ખેલા… કારણ કર્તૃત્વ તમારી પાસે છે જ નહિ. તમારા કર્તૃત્વને તો લઇ લીધું. “સારણાદિક ગચ્છમાંહી કરતાં, પણ રમતાં નિજ ઘર હો” સારણા કરો, વારણા કરો, ચોયણા ને પડિચોયણા કરો… પણ તમારા ઘરમાં રહેવાનું તમારું ચાલુ છે.

તો ગુરુ નિરંતર ખેલા, અમારા ચહેરા ઉપર જે મસ્તી છે ને, એ આ મસ્તી છે.. સાક્ષીભાવની.. being ની.. ગુરુ નિરંતર ખેલા, ક્યાંય કર્તૃત્વ નથી. કશું જ કરવું નથી, સહજ રૂપે થયા કરે, બોલવાનું પણ આયાસ નથી કોઈ, બોલાયા કરે… સહજ… એક સાધક એ છે, જેની યાત્રા સહજના કિનારે ચાલે છે. એની બધી જ ક્રિયાઓ તમને સહજ લાગે.

રીંઝાઈ નામના એક બૌદ્ધ ગુરુ થયા, જાપાનનો સમ્રાટ એમનો ભક્ત હતો. સમ્રાટે એકવાર પૂછ્યું કે ગુરુદેવ! આપ તો સદ્ગુરુ છો, આપની એક – એક ક્રિયા મુલ્યવતી છે. પણ સામાન્ય સાધકને અમારે કઈ રીતે જોવો? હવે એ સમ્રાટ હજુ સાધનાની પ્રાથમિક કક્ષામાં છે. અને એટલે ગુરુએ કહ્યું, કે એની એક – એક ક્રિયાને જોવાની. એના ઉઠવાને જોવો, એના બેસવાને જોવો… અસાધક ચાલશે ને તો એ જોશે, કેટલા મને જોઈ રહ્યા છે અત્યારે..? એ ધમધમાટ કરતો ચાલશે. સાધક એ રીતે ચાલશે ઈર્યાપૂર્વક… કોઈને ખ્યાલ ન હોય. તો ગુરુએ કહ્યું, એક સાધક તમને ખ્યાલ કઈ રીતે આવે? એના ઉઠવાને જુઓ, એના બેસવાને જુઓ, સહજતા દેખાશે. ક્યાંય અસહજતા નહિ હોય. પણ આવો જ પ્રશ્ન કોઈ ઉચકાયેલા સાધકે પૂછ્યો હોય, તો ગુરુનો જવાબ જુદો હોત, તો ગુરુ કહેત કે એની આંખોને જો. તું એની આંખોને જોઇશ તને ખ્યાલ આવી જશે કે આ સદ્ગુરુ કેટલા તો ઉચકાયેલા છે! સદ્ગુરુની આંખો.. શું દેખાય એમાં…? પ્રભુ દેખાય… તો ધ્યાન સરળ છે, અઘરું નથી. જ્યારે પણ સમય મળે, બેસી જાવ… ધ્યાનનો સીધો અર્થ આટલો સમજો કે journey within. આંતરયાત્રા. બહાર ખુબ ચાલ્યા, now journey within- અંદર જવું છે.

લીચી નાવમાં બેઠેલા છે, આંખો બંધ છે. એમાં એવું બન્યું, એક મોટી નાવ એમની નાનકડી નાવ સાથે અથડાઈ. સદ્ભાગ્યે લીચીવાળી નાવ  imbalance totally ન થઇ. ઉંધી ન પડી ગઈ. સહેજ હાલક – ડોલક થઈને સ્થિર થઇ ગઈ. નાવ તો સ્થિર થઇ ગઈ. પણ લીચી પ્રબુદ્ધ સાધક હતા, છતાં મન અસ્થિર થઇ ગયું. આંખો બંધ છે હજુ… મન અસ્થિર એટલા માટે થયું, એમણે એ કલ્પના કરી કે સામેથી કોઈ નાવ આવી અને એ નાવે આ નાવને ઝપટમાં લીધી. મારી આંખો તો બંધ છે, મને તો દેખાતું નથી, પણ સામેવાળાની આંખો બંધ હશે, એણે તો જોવું જોઈએ કે સામે નાવડી આવી રહી છે. આટલી મોટી નદી છે, એનો પ્રવાહ બહુ પહોળો છે… બાજુમાંથી નીકળી જવાય, એણે કેમ અથડાવી નાવને…? અને આંખ ખોલી, ખોલીને જે દ્રશ્ય જોયું, એ હસવા માંડ્યા.. કોઈ નાવ સામેથી આવી નહોતી. પાછળથી એક મોટી નાવ આવી હતી. એ દોરડાં સાથે બંધાયેલી હતી. દોરડું થોડુક ઢીલું હશે ને છુટું થઇ ગયું. અને નાવિક વગર એ નાવ સીધી નદીમાં ચાલવા માંડી. મોટી નાવ હતી, જોશથી ચાલી, અને એનો ધક્કો આ નાનકડી નાવને લાગ્યો. એ વખતે લીચી વિચારમાં પડી ગયા.

આખરે પ્રબુદ્ધતા અહીં કામમાં આવે. ભૂલ થઇ જાય, પણ એ ભૂલ થયા પછી, એ ભૂલનું પગેરું શોધીને એ ભૂલ repeat ન થાય, એવું જે વિચારે એ સાધક. તો એમને થયું, કે મારા જેવો સાધક અને મારા મનમાં ચેતના પ્રત્યેનો વિદ્વેષ આટલો છલકાયેલો છે..! એક નાનકડી ઘટના ઘટી ગઈ. નાવ સહેજ  imbalance થઇ, પણ ઉંધી તો પડી નથી. હું પણ કંઈ પડી ગયો નથી. હું પણ એમને એમ છું. આટલી નાની ઘટનામાં મારે જોવું જોઈતું હતું પણ સીધું જ ચેતના પ્રત્યે તિરસ્કાર મેં કેમ કર્યો…?! અને પછી બહુ મજાની વાત તો એ છે એમણે ખાલી નાવને પ્રતિક તરીકે લઇ લીધો. કોઈ પણ માણસ ક્યારેય પણ ગુસ્સો કરતો હોય… ત્યારે મનમાં કહે, ખાલી નાવ.

સમજ્યા તમે..? તમે ગુસ્સો કરો છો ત્યારે તમે હોવ છો? ખાલી નાવ… તમે હોવ, તમારી પ્રબુદ્ધતા હોય, તમારું જ્ઞાન હોય, તો તમે ગુસ્સો કરો જ શાનો…? એક પણ ગુસ્સાથી કોઈ પણ ફાયદો થયો હોય તો મને બતાવ. એક ઘટના ઘટી ગઈ બરાબર… ઘટના ઘટી ગઈ… તમે ગુસ્સો કરશો… ચાલો ગુસ્સો કર્યો, કોઈના ઉપર તમે તૂટી પડ્યા, પા કલાક, અડધો કલાક, રફલી બોલી નાંખ્યું. પણ એથી જે ઘટના ઘટી ગઈ હતી, એ બીજી રીતે ઘટવાની હતી…?! ઘટના ઘટી ગઈ, એ ઘટી જ ગઈ છે. એ ઘટના માટે સ્વીકાર સિવાય કોઈ માર્ગ જ નથી.

એક ઘટના ઘટી ગઈ ૪ વાગે, ઘટી ગઈ, પુરી થઇ ગઈ, હવે તમે શું કરો…? હું ઘણીવાર કહું, ૪ વાગે એક જણાએ તમને રફલી કંઈ કહ્યું, ૫ સેકંડ – ૧૦ સેકંડ… અને ૪ ને ૧ મિનિટે ઘટના dead થઇ ગઈ? હવે એ ઘટનાના dead body ને ઉચકીને તમે કેટલું ચાલવાના..? મને પેલાએ આમ કહ્યું..! ઘટનાને ઘટતાં ૧૦ સેકંડ થઇ, ૪ ને ૧ મિનિટે પુરી થયેલી ઘટના dead થઇ ગયેલી ઘટના, એ ઘટનાના dead body ને ઉચકીને તમે કેટલા મહિના, કેટલા વર્ષ ચાલશો?! જે ઘટના ઘટી ગઈ, સ્વીકાર સિવાય બીજો કોઈ માર્ગ છે ખરો? હોય તો મને બતાવો. There is no other way. કોઈ માર્ગ નથી. ઘટના ઘટી ગઈ, સ્વીકારી લો.

શ્રીપાળ અને મયણા ના જીવનમાં શું થયું… જે પણ ઘટનાઓ આવી; સ્વીકાર છે. તો  ચેતના પ્રત્યેનો દ્વેષ.. એ વિદ્વેષ ઊંડે સુધી ગયેલો છે, આપણે એને ખોતરી ખોતરીને કાઢવો પડશે. અને એક વાત તમને કહું, પ્રભુ મળ્યા છે, સદ્ગુરુ મળ્યા છે, શાસનની મજાની પરંપરા મળી છે, એને કારણે આ એકદમ અઘરી લાગતી બાબત પણ સહેલી બની શકે છે. ચેતનાના વિદ્વેષને ચેતનાની મૈત્રીમાં આપણે ફેરવવું છે.

શ્રીપાળકુમાર ધવલશેઠને ઉપકારી કહે છે. હું ઘણીવાર મારા ઓળીના પ્રવચનોમાં પૂછું, કે ધવલશેઠે શ્રીપાળ ઉપર શું ઉપકાર કર્યો? તો એક જ જવાબ મળે, કે ધવલશેઠના વહાણમાં બેસીને શ્રીપાળ પરદેશ આવ્યા ને. હું કહું છું accepted. તમારી વાત સ્વીકારી લીધી. ધવલશેઠનો એ ઉપકાર. બીજો કોઈ ઉપકાર ખરો..?

શ્રીપાળજીના મનમાં હતું કે સમ્યગ્દર્શન આ જન્મમાં મારે પામવું જ છે. સ્વાનુભૂતિ મને ન મળે તો જીવનનો કોઈ અર્થ નથી. એમને ખ્યાલ હતો કે સમભાવ પ્રગાઢ બનેલો હોય, તો સમ્યગ્દર્શન મળેલું હોય અથવા તો એની નજીકમાં હોઈ શકે. આમ તો જ્ઞાની ગુરુ જ કહી શકે કે સમ્યગ્દર્શન મળ્યું છે કે નથી મળ્યું અથવા નજીકમાં છીએ આપણે. પણ એનું આ જે લક્ષણ આપ્યું, કે સમભાવ એકદમ પ્રગાઢ બનેલો હોય તો તમે સમ્યગ્દર્શન પામેલા પણ હોવ, અથવા એની નજીક પણ હોવ. હવે એ વિચાર થયો કે મારામાં સમભાવ પ્રગાઢ રૂપે છે કે નહિ, એ તો કોઈ પરીક્ષા કરે તો ખ્યાલ આવે ને? અને એમાં ધવલ શેઠે વહાણમાંથી દરિયામાં ફેંકી દીધા! શ્રીપાળનું પુણ્ય વિમલ વાહન આવી ગયા સામે કાંઠે પહોંચી ગયા, ત્યાં નગરમાં રાજાના અધિકારી તરીકે પણ સ્થાપિત થઈને બેસી ગયા. અને ધવલશેઠ ફરતાં ફરતાં ત્યાં આવે છે. રાજાની પાસે આવે, એ તમારા બંદરમાં અમારે ધંધો કરવો છે, મને પરવાનગી આપો. જ્યાં  રાજાની પાસે આવે ત્યાં એક સિંહાસન ઉપર શ્રીપાલને બેઠેલા જોવે. અરે આ! આ ક્યાંથી આવી ગયો…! એ વખતે શ્રીપાળજી ને ધવલશેઠને જોતા સહેજ પણ તિરસ્કારનો, વિદ્વેષનો ભાવ થતો નથી. આંખની અંદર લાલાશનો ટીસ્યો પણ ફૂટતો નથી. અને એ વખતે શ્રીપાળજી ને થાય છે, કે ધવલ શેઠ મારા પરીક્ષક છે, મારામાં સમભાવ છે કે નહિ, એની પરીક્ષા એમણે કરી. તમારા પરીક્ષક કેટલા બોલો…? જે રફલી બોલે એ બધા જ તમારા પરીક્ષક. પરીક્ષક એટલે ગુરુ. ઉપકારી. તો આ રીતે શ્રીપાળજીએ ધવલશેઠને ઉપકારી માને છે. પણ એ પછી પણ  શ્રીપાળ આગળ વધ્યા છે… એવી તો મૈત્રીભાવની વાત હૃદયમાં પ્રસ્થાપિત થયેલી છે કે ધવલશેઠે મારા સમભાવની પરીક્ષા કરી, એ મારા પરીક્ષક, એ મારા ગુરુ, અને ગુરુ તરીકે ઉપકારી માનું એમને ચાહું એમાં મેં શું મોટું કર્યું…?! મારી પાસે તો reverence for the life હોવું જોઈએ. ચેતના પર્ત્યેનો સમાદર.

નવકારમંત્ર આપણને બધાને મળેલો છે ને? એક નવકારમંત્ર ભીતર જો બરોબર ઉતરી જાય તો ચેતના પ્રત્યેનો સમાદર તમારી પાસે આવે. reverence for the life. જ્યાં ચૈતન્ય ત્યાં આદર. નમો સિદ્ધાણં બોલો ને? ભૂતકાળમાં સિદ્ધ ભગવંતો થયા, નમસ્કાર કરીએ આપણે, વર્તમાનકાળમાં મહાવિદેહમાંથી સિદ્ધિ પદને કોઈ મહાત્મા પામે, આપણે નમસ્કાર કરીએ. ભવિષ્યમાં જે સિદ્ધિપદને પામવાના છે, એ બધાને પણ નમસ્કાર ને તમારો…? ભવિષ્યમાં જે સિદ્ધ બનવાના છે, એ બધાને તમારો નમસ્કાર ને…? કોઈ અંકલ કંઈક રફલી બોલ્યા, સહેજ મનમાં ગુસ્સો આવવાની તૈયારી થાય અને નમો સિદ્ધાણં યાદ આવી જાય તો? ઓહ ભવિષ્યના સિદ્ધ ભગવાન છે આ તો! પેલા અંકલ વિચારતાં હોય, કે હમણાં આનો એટમ બોમ્બ ફૂટશે. એના બદલે તમે એના ચરણોમાં જઈને પડો તો? એ અંકલ પણ નવાઈમાં ડૂબી જાય, શું થયું?!

ભીલડીયાજી તીર્થમાં ઉપધાન હતા, ઉપધાનમાં ધાર્યા કરતાં સંખ્યા વધી ગઈ. ભાઈઓને તો અમારા ઉપાશ્રયમાં જ રાખવાના હતા, બહેનોને ધર્મશાળાની રૂમો રાખવાની હતી. બહેનોની સંખ્યા વધી ગઈ. એક – એક રૂમમાં ૧૦ – ૧૦ બહેનોને રાખવામાં આવ્યા. અત્યારે તો નવી ધર્મશાળા થઇ ગઈ છે ત્યાં, એ વખતે જૂની ધર્મશાળા હતી. ૧૦ આરાધક કોઈ સંજોગોમાં સંથારો ન કરી શકે. બેસી માંડ શકે. બહેનો મેનેજમેન્ટવાળા પાસે ગઈ, કે તમે કઈ રીતે અમને રૂમો આપી છે…? ૧૦ જણા વચ્ચે એક રૂમ…! તમે જુઓ તો ખરા રૂમની size શું છે…! મેનેજમેન્ટવાળાએ હાથ જોડીને કહ્યું, કે સંખ્યા વધી ગઈ છે, અને આયોજક એમ કહે છે કે મારા વિસ્તારના જે છે એ કોઈને હું ના પાડી શકીશ નહિ. હવે અમારી પુરી તૈયારી છે સરસ મજાના ટેન્ટ નંખાવી દઈએ, આપણી પાસે જગ્યા છે સરસ મજાની, એક જ દિવસમાં સરસ મજાના ટેન્ટ, નીચે લાકડાની ફરસ, ઠંડી બિલકુલ લાગે નહિ એવા ટેન્ટો સરસ બનાવી આપીએ, તમે ખાલી લીસ્ટ બનાવીને આપો કે કેટલી બેનોને ટેન્ટમાં રહેવું છે. એક બેન ટેન્ટમાં રહેવા તૈયાર નથી. બેનો મારી પાસે આવ્યા, કે સાહેબજી જુઓ તો ખરા! રૂમ આટલી નાની! દશ બેનો! મેનેજમેન્ટવાળા મને મળી ગયેલા, કહે કે સાહેબ! બેનોની ફરિયાદ હતી, અમે હાથ જોડીને કહ્યું, ટેન્ટો બનાવી દઈએ, ફર્સ્ટ ક્લાસ રૂમો, રૂમ જેવી રૂમ તમને લાગશે… પણ એ લોકો એ રીતે માનવા તૈયાર નથી. અમારે શું કરવું…? હવે બહેનો આવ્યા મારી પાસે… સાહેબ! જુઓ અમારે શું કરવું..? સંથારો શી રીતે થાય…?

મને પ્રભુએ એક positive attitude નાનપણથી આપેલો છે. એટલે શ્રી સંઘ માટે અથવા આમ પણ ક્યાંય negative attitude મારો ક્યાંય હોતો નથી. માત્ર positive attitude. આ શ્રી સંઘને હું ગુણકારી સંઘ કહું છું. એટલે જ્યાં પણ હું જાઉં માત્ર ને માત્ર positive attitude મારી પાસે હોય છે. એટલે આરાધકો પ્રત્યે પણ એક બહુમાનભાવ જ મને હતો. મેં એમને કહ્યું, કે આજનું પ્રવચન તમે સાંભળેલું? કારણ કે ઉપધાન શરુ થયેલા એટલે નમસ્કાર મહામંત્ર ઉપર જ હું બોલતો હતો, અને એ જ દિવસે હું નમો સિદ્ધાણં ઉપર હું બોલેલો. મેં કહ્યું આજનું પ્રવચન તમે સાંભળેલું કે બધા ભવિષ્યના સિદ્ધ ભગવંતો છે. અને એમને નમસ્કાર કરવાના છે. મેં કહ્યું મેનેજમેન્ટ વાળાનો ઉપકાર માનો કે આપણે તો સિદ્ધ ભગવંતોના દર્શનની વાત કરીએ, આ મેનેજમેન્ટવાળાએ સિદ્ધ ભગવંતોનો, ભવિષ્યના સિદ્ધ ભગવંતોનો સ્પર્શ તમને આપ્યો. તમે ૧૦ જણા છો એક રૂમમાં, તમારા સિવાયના ૯ ને તમારે ભવિષ્યના સિદ્ધ ભગવંત માનવાના. એ સિદ્ધ ભગવંતોની ચરણરજ ક્યાંથી મળે?! અને એ સિદ્ધ ભગવંતોનો સ્પર્શ કયાંથી મળે…?! બેનો ખુશ… તો શ્રીપાળ મહારાજા પાસે આ દ્રષ્ટિકોણ હતો, reverence for life. જ્યાં ચૈતન્ય ત્યાં સમાદર.

આપણા યુગના સાધના મહિષી પંન્યાસ પ્રવર ભદ્રંકરવિજય મ.સા. સાહેબના ગ્રંથોને હું આપણા લોકો માટે આગમ ગ્રંથો માનું છું. એટલો બધો પૂજ્યભાવ મને સાહેબ પ્રત્યે છે, કે વ્યવહાર અને નિશ્ચયનું અદ્ભુત balancing સાહેબની વાણીમાં છે. મારે મારા પુસ્તકમાં ક્યાંક કોઈનું reference લેવું હોય, કોઈ જગ્યાએ મેં વાંચ્યું, એ લેખકે લખ્યું, કે ફલાણા ગ્રંથમાં આમ લખ્યું છે, પણ જ્યાં સુધી એ મૂળ ગ્રંથને હું નહિ જોવું ત્યાં સુધી reference હું નહિ લઉં. કારણ કે એ માણસે લખ્યું છે કે એ ઊંધું સમજ્યો હોય તો…? પણ પંન્યાસજી ભગવંતે લખ્યું એટલે મારા માટે આગમ ગ્રંથ. એ સીધું જ હું કોટ કરી લઈશ કે સાહેબજી એ આ લખ્યું છે. એ સાહેબજી મૈત્રીભાવ ઉપર ખુબ જ ભાર મુક્યો છે.

એક ઘટના મને યાદ આવે છે, મારી ૨૨ – ૨૩ વર્ષની વય હશે, ૧૧ વર્ષે મેં દીક્ષા લીધેલી. અને એ વખતે પણ અંગ્રેજીમાં જ્યારે well read કહે એવો. માણસ બુક્વર્મ. ગ્રંથ કીડો.. વાંચ્યા જ કરો, વાંચ્યા કરો, વાંચ્યા જ કરો… સાહેબજીને પણ વાંચી લીધેલા. એમાં અમારે રાજસ્થાનની યાત્રાએ જવાનું થયું, લુણાવામાં સાહેબજી ની નિશ્રામાં ઉપધાન તપ ચાલતા હતા, સાહેબજી ત્યાં બિરાજમાન હતા, અમે લોકો ત્યાં ગયા, સાહેબજીને વંદન કર્યા… સાહેબજીનો સમય માંગ્યો, પ્રેમથી ગુરુદેવે સમય આપ્યો, એ સમયે હું સાહેબજીના ચરણોમાં જઈને બેઠો, આમ મારો પ્રશ્ન બાલિશ જેવો હતો, મારી વય પણ કાચી હતી. અને એ જ્ઞાનનું શિખર હતું! પણ હંમેશા શિખર કેવું હોય…?! શિખર ને તળેટી એ આવતાં વાર નથી લાગતી.

જંબુવિજય મ.સા. ઉપર હમણાં જ લખવાનું થયું, ગઈ કાલે જ.. ત્યારે મેં લખ્યું, કે વિદ્વત્તાની ટોચ અને નિખાલસતાની તળેટી, એ બેઉનો મજાનો સંગમ એમનામાં હતો.

તો જ્ઞાનનું શિખર હતા સાહેબજી, હું તો તળેટી ઉપર પણ ન હતો. પણ મેં સાહેબજી ને પૂછ્યું, કે સાહેબજી આપના ગ્રંથોમાં આપ મૈત્રીભાવ ઉપર ખુબ લખો છો. કેમ બીજા યોગો ઉપર કેમ લખતા નથી? યોગો તો ઘણા બધા છે. યોગ અસંખ્ય જિનવર કહ્યા… એટલા પ્રેમથી એમણે મને જવાબ આપ્યો! આ મહાપુરુષોની ખાસિયત! એટલો બધો પ્રેમ…! મને કહે ભાઈ! બેટા! ગુરુ છે ને એ સમાજની નાળને તપાસનારા હોય છે, ગુરુ સમાજના ડોક્ટર તરીકે પણ હોય છે. એક ડોક્ટર પાસે પેસન્ટ જાય, તો ડોક્ટર એ જોવે કે એના શરીરમાં શું ખૂટે છે. અશક્તિ છે, વિટામીન ખૂટે છે, કે વિટામીન એ.બી.સી કયું ખૂટે છે… મિનરલ્સ ખૂટે છે તો કઈ રીતે ખૂટે છે, અને એને એકદમ સાજો કરવા માટે કયા વિટામીન, કયા મિનરલ્સ, કઈ દવા આપવી, એનું એક composition એ નક્કી કરે છે. એમ સમાજમાં ગુરુ તરીકે, ડોકટર તરીકે, મેં જોયું કે શ્રી સંઘની અંદર ઉણપ ક્યાં છે… દાનધર્મ અદ્ભુત રીતે ચાલી રહ્યો છે. કરોડોની અબજો રૂપિયા દર વર્ષે વપરાઈ રહ્યા છે. શીલ ધર્મ.. દીક્ષાઓ એટલી બધી વધી. તપધર્મ એટલો વધ્યો, પણ ભાવ ધર્મની અંદર શ્રી સંઘની અંદર મૈત્રીભાવ ની એક ઉણપ છે, એટલે ગુરુ તરીકે, એક ડોક્ટર તરીકે મારું કર્તવ્ય એ છે કે શ્રીસંઘની અંદર જેની ઉણપ છે, એની પૂર્તિ માટેની હું વાત કરું છું. તો આ સદ્ગુરુએ આપણને મૈત્રીભાવની વાતો કરી. તો આપણી વાત એ છે કે if you desire. આપણે નક્કી કરીએ તો મૈત્રીભાવને આપણે એકદમ સશક્ત બનાવી શકીએ એમ છે.

હમણાંની એક ઘટના વાંચી છે હું ઘણું બધું વાંચતો હોઉં છું, હવે છૂટવા પણ માંડ્યું છે બધું, પહેલાંનો હું બહુ જ વાંચનારો, એક વિહાર ૧૫ દિવસનો હોય, તો ૨૫ થી ૩૦ પુસ્તકોની એક બેગ જોડે હોય, અને ૧૫ દિવસમાં વંચાય જાય. આજે ધ્યાન દશાને વધવાને કારણે વાંચવાનું ઓછું થઇ રહ્યું છે. પણ હમણાં એક ઘટના વાંચી, મને પણ એકદમ અપીલ કરી દે એવી… ઘટના એવી છે, એટલે હમણાંની છે, તિબેટ ઉપર રાતોરાત ચીનનું આધિપત્ય હતું. દલાઈલામા તિબેટના સર્વોચ્ચ ધર્મગુરુ અને સર્વોચ્ચ શાસક. રાતોરાત નીકળી ગયા, પંડિત જવાહરલાલ નેહરુ એ એમને રાજ્યાશ્રય આપ્યો. ભારતમાં આવી ગયા, અને હજી સુધી એ ભારતમાં જ છે.

એક બૌદ્ધ ભિક્ષુક ચીની સત્તાવાળાઓના હાથમાં પકડાઈ ગયો. એને જેલમાં પૂરવામાં આવ્યો. ચીના માટે એ બૌદ્ધ ભિક્ષુ હતો જ નહિ. એ અપરાધી માણસ હતો. જેલમાં તો પૂર્યો. ખાવાનું અપુરતું… કામ રાત અને દિવસ કરાવાનું. ઉપરથી ચાબુકોનો માર પડે..! ૧૮ વર્ષ સુધી આ રીતે એ ભિક્ષુ જેલમાં રહેવું પડ્યું. ૧૮ વર્ષે ચીનમાં કોઈ મહોત્સવ આવ્યો, શાસકીય સ્તર ઉપર અને અમુક કેદીઓને છોડ્યા, અને એમાં આ ભિક્ષુ પણ છૂટી ગયો. એ ભિક્ષુ છૂટી સીધા ભારત આવ્યા. પોતાના સર્વોચ્ચ ગુરુ દલાઈલામા પાસે. ગુરુના ચરણોમાં આળોટ્યા, વંદન કર્યું, ઔપચારિક વાતો થઇ, એ પછી ગુરુએ દલાઈલામા એ એક પ્રશ્ન કર્યો… ભિક્ષુને… કે ૧૮ વર્ષની જેલ યાત્રામાં તને અઘરામાં અઘરું શું લાગ્યું? ટફેસ્ટ શું હતું? ત્યારે એ ભિક્ષુએ કહ્યું: કે આપે મને બુદ્ધ ભગવાનનું મૈત્રીભાવનો પાઠ ઘૂંટાવેલો છે, નાનપણથી હું એ ધારામાં ઉછરેલો છે. આજે પણ જાપાન વિગેરે દેશોમાં એ પરંપરા છે, થાઈલેન્ડ વિગેરેમાં, કે ત્યાં ૭ વર્ષનો દીકરો થાય, એટલે એને બૌદ્ધ મઠમાં મૂકી જ દેવાનો. ૨ – ૩ વર્ષ ત્યાં ભણે, પછી એને ભિક્ષુ બનવું હોય તો ભિક્ષુ બને નહીતર સંસારમાં આવે… પણ એને એક સારો નાગરિક બનાવવા માટે પણ ૨ થી ૩ વર્ષ તો ગુરુદેવોની નિશ્રામાં એને મુકવાનો. આ પરંપરા.

તો આ ભિક્ષુ કહે છે કે આપે મને નાનપણથી મૈત્રીભાવના પાઠો ભણાવેલા, એક પણ જીવ પ્રત્યે, સહેજ પણ તિરસ્કાર ન થઇ જાય… આ જ મારી સાધના છે આવું આપે મને કહેલું, એટલે પહેલાં તો અનુકુળ સંયોગો હતા, હું આશ્રમમાં હતો, ખાવાનું બરોબર મળતું, મારી સાધના બરોબર થતી. રહેવા માટેનું આશ્રમ five star hotel જેવો હતો. બધી જ અનુકૂળતા હતી, અને એથી કોઈના પ્રત્યે પણ તિરસ્કાર થાય એવી શકયતા જ ન હતી. પણ ૧૮ વર્ષ મારી પરિક્ષાના વર્ષો હતા. તો મારા માટે અઘરામાં અઘરું એ હતું, કે આવી કપરી પરિસ્થિતિમાં ચીની શાસકો પ્રત્યે કે જેલના સત્તાવાળાઓ પ્રત્યે મને સહેજ પણ તિરસ્કાર ન થઇ જાય. એ લોકો ખાવાનું હલકામાં હલકું આપે. ચાબુકોની ફટકાર લગાવે. ગાળોનો વરસાદ વરસાવે. Mentally, physically torcher કરવામાં બાકી ન રાખે. અને એ વખતે પણ એમના પ્રત્યેનો મૈત્રીભાવ અતુટ રાખવો, એમનું પણ કલ્યાણ જ થાવ, એ ભાવના રાખવી, આ ખરેખર અઘરું મને લાગેલું. એ વખતે ગુરુએ પૂછ્યું, result શું? અને કહે છે: આપની કૃપા! ભગવાન બુદ્ધની કૃપા, આપની કૃપા.. ૧૮ વર્ષમાં એક સેકંડ એવી નથી આવી કે એક પણ વ્યક્તિ ઉપર તિરસ્કાર મને થાય… ગુરુ એની પીઠ થાબડે.

આપણે ત્યાં હરિભદ્રસૂરિ મહારાજે ૮ દ્રષ્ટિ આપી. પહેલી મિત્રા દ્રષ્ટિમાં જે સાધક આવેલો હોય, એ મૈત્ર્ય યોગી કહેવાય છે. મેં મારા પુસ્તકમાં, એક પુસ્તકમાં આ પ્રસંગ ટાંક્યો છે. અને લખ્યું છે કે મૈત્ર્ય યોગી તરીકે આ ભિક્ષુ કેટલો સરસ લાગે છે. આઠ દ્રષ્ટિની વાત હરિભદ્રસૂરિ મ.સા. એ કરી, અદ્ભુત વાતો છે!  મેં મારા પ્રવચનોમાં પણ આ વાત લીધેલી. કે હરીભદ્રસૂરિ મહારજે આપણા મનને ઉદાર બનાવી દીધું છે. ૪ દ્રષ્ટિ સુધી મિથ્યાત્વ જ  છે, પણ એ ૪ દ્રષ્ટિ સુધી ગુણો કેટલા છે…! મિત્રા દ્રષ્ટિની વાત જ્યારે હું કરું છું મારી વાચનામાં કે સાહેબજી… વાસ્તવિક રૂપે અમે અમારી અંદર ડોક્યું કરીએ, તો પહેલી દ્રષ્ટિ અમને મળી નથી. મિત્રા દ્રષ્ટિ મળવી… તિરસ્કાર, વિદ્વેષ બધું જ જતું રહે. આ વાત બહુ મજાની છે, અને બહુ મહત્વની છે. એટલે આવતાં સેશનમાં પણ આપણે આ જ વાત ઉપર જવું છે, કે ચેતના પ્રત્યેના વિદ્વેષને આપણે મૈત્રીભાવમાં શી રીતે ફેરવી શકાય.. અને મૈત્રીભાવથી છલોછલ આપણું હૃદય થઇ ગયું, તો નિર્મલ ચિત્ત આપણને મળી ગયું આપણને… જ્યાં બીજા પ્રત્યે દ્વેષ આવ્યો, અહંકાર છે અંદર, કોઈના પ્રત્યે રાગ છે, કોઈના પ્રત્યે દ્વેષ છે. આ રાગ  – દ્વેષ, અહંકાર બધું જ શિથિલ બને, મૈત્રીભાવનો પ્રવેશ હૃદયમાં થઇ જાય ત્યારે.

તો અનંતા જન્મોથી જે ચૈતન્યના વિદ્વેષની ધારાને લઈને આપણે ચાલી રહ્યા છીએ એ ધારાને તોડવી જ છે, એને delete કરે જ છૂટકો. આપણું આ જન્મનું સૌથી પહેલામાં પહેલું અવતાર કૃત્ય આ છે, કે આ ચેતનાના વિદ્વેષની ધારાને આપણે delete કરીએ. તો આવતાં શેસનમાં આપણે જોઈશું…. કે આ વિદ્વેષની ધારાને delete કઈ રીતે કરવી. હવે આપણે practical સાધના શરૂ કરીએ. 

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *