વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject : ચેતના પ્રત્યે મૈત્રીભાવ
નિર્મળ ચિત્ત બનાવવા માટે બે સાધના: ચેતના પ્રત્યે મૈત્રીભાવ અને જડ પ્રત્યે ઉદાસીનભાવ. સશક્ત અહોભાવની પૃષ્ઠભૂમિકા ઉપર જો સદ્ગુરુનો શક્તિપાત ઝીલાઈ જાય, તો ચેતના પ્રત્યેનો મૈત્રીભાવ સ્હેજ પણ અઘરો નથી.
ચેતના પ્રત્યેનો મૈત્રીભાવ કરવામાં મુખ્ય અવરોધ બે આવે છે: જડ પદાર્થો પ્રત્યેનો રાગ અને શરીર પ્રત્યેનો રાગ. ક્યાંક તમારા શરીરને અનુકૂળતા નથી મળતી, ત્યારે એ પ્રતિકૂળતા આપનાર ઉપર તમને દ્વેષ થાય છે. એ જ રીતે જડ પદાર્થ પ્રત્યેનો રાગ પણ ચેતના સૃષ્ટિ માટે દ્વેષ ઉત્પન્ન કરાવે છે.
કોઈ પણ તીર્થંકર પ્રભુ ત્રણ–ત્રણ જન્મથી એક જ ભાવના ભાવતા હોય: સવિ જીવ કરું શાસનરસી. પ્રભુએ બધા જ આત્માઓને ચાહ્યા. હવે જો એક નક્કી થઇ જાય કે પ્રભુને જે ગમે, એ મને ગમે; પ્રભુએ જેમને જેમને ચાહ્યા, એ બધાને મારે ચાહવા છે… મૈત્રીભાવ આ રહ્યો!
મૌન ધ્યાન સાધના શિબિર – ૦૨ (સવારે) – વાચના – ૫
યોગસાર ગ્રંથના પ્રારંભમાં ગુરુદેવે શિષ્યને એના પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે ૪૫ આગમ ગ્રંથોની અંદર ફેલાઈને રહેલી, વિસ્તરાઈને રહેલી પ્રભુની આજ્ઞાનો સાર, નિચોડ માત્ર છે નિર્મલ ચિત્ત. એક નિર્મલ ચિત્ત આપણને મળી ગયું, પ્રભુની આજ્ઞા આપણા હૃદયમાં આત્મસાત્ થઇ ગઈ.
સાધના મહિષી પૂજ્યપાદ ગુરુદેવ પંન્યાસ પ્રવર ભદ્રંકરવિજયજી મ.સા. એ નિર્મલ ચિત્ત બનાવવા માટે બે સાધના આપી: ચેતના પ્રત્યે મૈત્રીભાવ, reverence for the life અને જડ પ્રત્યે ઉદાસીનભાવ. એ મહાપુરુષે શક્તિપાતના રૂપમાં આપણને આ સાધના આપી છે. સદ્ગુરુનો શક્તિપાત એ ઝીલાઈ ગયો, તમારે કશું જ કરવું નથી. એ શક્તિપાતના બળથી તમારી સાધના uplifted થઇ જાય. એ સદ્ગૂરુનો શક્તિપાત મને મળેલો છે.
પંન્યાસજી દાદા પાટણમાં બિરાજમાન હતા, ગુરુદેવની તબિયત એ વખતે બહુ જ નાજુક હતી, મારે અમદાવાદથી પાલનપુર જવાનું હતું, પણ ખાસ ગુરુદેવના દર્શન માટે હું પાટણ ગયો, સવારે પાટણ પહોંચી ગયા, પંચાસરા દેરાસરની સામેના નગીનભાઈ મંડપમાં સાહેબજી સ્થિરતા કરીને રહેલા, મેં વજ્રસેનવિજયજી મ.સા. ને પૂછ્યું કે સાહેબજીના ચરણોમાં માત્ર બેસવું છે, થોડીક ક્ષણો માટે, સાહેબજીને અનુકૂળતા ક્યારે રહે…? એમણે કહ્યું બપોરે ૪ વાગે તમે આવો.
હું ૪ વાગે ઉપર ગુરુદેવના રૂમમાં ગયો, સાહેબજી સુતેલા હતા, બાબુભાઈ કડીવાલા થોડે દૂર બેસીને “સાર કર સાર કર સ્વામી શંખેશ્વરા”, ગાઈ રહ્યા હતા, હું પણ થોડે દૂર ગુરુદેવને વંદના કરીને બેસી ગયો, મારે માત્ર સાહેબજીની ઉર્જામાં બેસવું હતું. એવા એ સશક્ત સદ્ગુરુ હતા, જેમના શરીરમાંથી પવિત્ર પરમાણુઓનો પૂંજ ક્ષણે ક્ષણે વહી રહ્યો હતો. મારે માત્ર ધ્યાનમાં જઈને એમની એ ઉર્જાને પ્રાપ્ત કરવી હતી… બેસી ગયો હું… ૧૦ – ૧૫ મિનિટ થઇ હશે, ગુરુદેવની આંખો ખુલી, મારા પર એમની નજર પડી, મને હાથથી ઈશારો કર્યો, અહીં આવ.. હું એકદમ નજીક ગયો, એ વખતે એ કરુણામય ગુરુદેવે પોતાના ગળા ઉપર આંગળી ફેરવી, ઈશારાથી કહ્યું કે બોલાતું નથી. મેં કહ્યું ગુરુદેવ! આપે એટલું બધું અમૃત અમને આપી દીધું છે કે હવે આપના શબ્દોનો લોભ અમને રહ્યો નથી. માત્ર આપની ઉર્જામાં થોડીક ક્ષણો બેસવા માટે આવ્યો છું. પણ કેટલી એમની કરુણા..! તબિયત નાજુક છે, બોલી શકાતું નથી, છતાં એમની કરુણા મુખરિત બની! એક વાક્ય એ વખતે ગુરુદેવે મને કહ્યું, મારા માટે તો એ શક્તિપાત હતો.
સદ્ગુરુ ચાર રીતે શક્તિપાત કરે છે, આંખ દ્વારા કરે, શબ્દ દ્વારા કરે, હાથ દ્વારા કરે અને પોતાની શરીરની ઉર્જા દ્વારા કરે. સદ્ગુરુના શબ્દો મળી જાય, શક્તિપાત..! એમના હાથમાંથી વાસક્ષેપ ઝરે, એ વાસક્ષેપ નથી હોતો, એ શક્તિનો કુંજ હોય છે. એમની આંખ એક સેકંડ માટે આપણા પર સ્થિર થઇ જાય, અને આપણે પૂર્ણ જાગૃત એ ક્ષણોમાં હોઈએ તો આંખ દ્વારા સદ્ગુરુ શક્તિપાત કરે. અને તમે એકદમ જાગૃત સાધક છો, માત્ર તમે શાંત થઈને એમના ચરણોમાં બેસી જાવ, એમની ઉર્જા શક્તિપાત કરી દેશે. મને તો ઉર્જા દ્વારા શક્તિપાત મળ્યો, હાથ દ્વારા પણ શક્તિપાત મળ્યો ગુરૂદેવનો, આંખ દ્વારા પણ મળ્યો, અને છેલ્લે છેલ્લે શબ્દ દ્વારા પણ મળ્યો. એક વાક્ય એમણે એ વખતે કહ્યું.
સદ્ગુરુ એક ક્ષણમાં સાધકને જોઇને સાધકના અત્યારના સાધનાના stand point ને નક્કી કરે છે, અને એને ક્યાં સુધી ઉચકવો એ પણ નક્કી કરે છે. એક વાક્યમાં ગુરુદેવે એવો શક્તિપાત કર્યો, જેમાં મારી તત્કાલીન સાધનાનું પણ પ્રતિબિંબ પડતું હતું, અને એ ગુરુદેવ ઉચકીને મને ત્યાં સુધી લઇ જવા માંગતા હતા, એનો પણ ઈશારો હતો. ગુરુદેવે મને કહ્યું; “વૈખરીમાંથી પરામાં જજે.” એક જ વાક્ય મારી તત્કાલીન ભૂમિકા વૈખરીની હતી. અને ગુરુદેવ શક્તિપાત કર્યો કે તારે પરામાં જવાનું છે!
ભાષાના ચાર પ્રકાર; વૈખરી, મધ્યમાં, પશ્યન્તિ અને પરા. માત્ર તમે શબ્દોને પ્રયોજી રહ્યા છો, ખાલી શબ્દોને બોલી રહ્યા છો, કો’ક શબ્દોને ફેકમ ફેક કરી રહ્યા છો. એ વૈખરીની ભૂમિકા. મારી એ વખતની ભૂમિકા એ હતી, પ્રવચનો આપ્યા કરતો, શબ્દોની ફેકાફેક કર્યા કરતો. મારી પાસે અનુભૂતિ હતી નહિ.
વૈખરી પછી મધ્યમાં, મધ્યમાં ની અંદર શબ્દની સાથે અર્થનું અનુસંધાન જોડાય છે. તમે નમુત્થુણં બોલતાં હોવ અને એક – એક વિશેષણનો અર્થ તમારા ખ્યાલમાં આવે, અને આવા પરમાત્મા મને મળ્યા છે એ લયમાં તમારી આંખો ભીની બને, એ મધ્યમાંનો લય છે. ચક્ખુદયાણં, નમુત્થુણં માં આવેલું આ એક મજાનું પદ છે. ચક્ખુદયાણં, પ્રભુ આંખ આપે. outer space ને જોવા માટેની આંખ તમારી પાસે છે પણ inner space ને જોવા માટેની આંખ તમારી પાસે નથી. એ inner space ને જોવા માટેની, પ્રભુને જોવા માટેની આંખ પ્રભુ આપે. પ્રભુ પણ આપે, ક્યારેક પ્રભુની આજ્ઞાથી સદ્ગુરુ પણ આપે.
ઘણી જગ્યાએ આપણે ત્યાં પ્રભુ ચેતના અને ગુરુચેતનાને એકાકાર થયેલી સંઘટના રૂપે વર્ણવવામાં આવ્યા છે. ઉપાધ્યાય યશોવિજય મહારાજ એક સ્તવના માં કહે છે; “જસ કહે સાહિબ મુગતિનું, કર્યું તિલક નિજ હાથે” પ્રભુએ મારા કપાળમાં મુક્તિનું તિલક કર્યું. હવે આ કઈ ઘટનાનો ઈશારો છે? પ્રભુએ મારા કપાળમાં મુક્તિનું તિલક કર્યું. “જસ કહે સાહિબ મુગતિનું, કર્યું તિલક નિજ હાથે” ઈશારો ત્યાં છે કે સદ્ગુરુએ તમારા આજ્ઞાચક્રને push કર્યું. નીચેથી બધા ચક્રો ચાલુ થયા, મૂલાધારથી. પણ યોગ ગ્રંથોમાં સ્પષ્ટ રીતે કહેવાયું, કે આજ્ઞા ચક્રની નીચે સંસાર છે. અને આજ્ઞા ચક્રની ઉપર મોક્ષ છે. સદ્ગુરુ તમારા આજ્ઞાચક્રને push કરે છે. અને એ આજ્ઞા ચક્રને push કરીને તમને સહ્સ્રારમાં લઇ જાય, અને સહસ્રારમાં તમારી ચેતના ગઈ પછી મુક્તિ દૂર નથી. તો ઘટના એ છે કે સદ્ગુરુ તમારા કપાળમાં આજ્ઞા ચક્ર દબાવવા માટે અંગુઠાને દબાવે છે. પણ કહ્યું શું? “પ્રભુએ મુક્તિનું તિલક કર્યું.” ત્યાં પરમ ચેતના અને ગુરુ ચેતનાને એકાકાર કરી દીધા.
એટલે આપણે ત્યાં ક્રમ એવો છે પરમ ચેતના, ગુરુ ચેતના, ગુરુ વ્યક્તિ. તમે સાધનાની શરૂઆત ગુરુ વ્યક્તિ દ્વારા કરો છો, પણ તમે જેને ગુરુ વ્યક્તિ તરીકે સમજો છો, એ પોતે ગુરુ ચેતના છે. તમારી બાજુ એ ગુરુ વ્યક્તિ છે. એ જયઘોષસૂરિ દાદા છે, એ કલાપૂર્ણસૂરિ દાદા છે, એ ૐકારસૂરિ દાદા છે, તમારી તરફ, આપણી તરફ… એમની તરફ એ ગુરુ ચેતના છે. ગુરુચેતનાને હું બારી જેવા કહું છું. એક બારીની identity શું? લોખંડની ગ્રીલ કે સ્ટીલની ગ્રીલ એ એની identity નથી. પણ તમે છતની નીચે અને ભીંતોની વચ્ચે હોવ ત્યારે અસીમ અવકાશ જોડે તમને જોડી આપે એ બારી. ઘણીવાર કબાટ અને બારી, બહારથી સરખા લાગતાં હોય. તમે ખોલો અને ભીંત, તો કબાટ. તમે ખોલો અને કાંઈ નહિ, તો બારી. બારી એટલે પરમ રીતાપન, પરમ ખાલીપન. સદ્ગુરુ એટલે પરમ વિભાવ શૂન્યતા. અને એ વિભાવ શૂન્યતાના અવકાશમાં પરમચેતનાનું અવકાશ ઉતરી આવતું હોય, અને એટલે ગુરુ ચેતના અને પરમ ચેતના એકાકાર થયેલી સંઘટના છે.
તો પ્રભુ તમને ચક્ષુ આપે યા તો સદ્ગુરુ દ્વારા તમારી દિવ્ય નયનને ખોલી આપે. આનંદધનજી ભગવંતનું અજીતનાથ પ્રભુના ચરણોમાં સમર્પિત થયેલું સ્તવન માત્ર અને માત્ર દિવ્ય નયનને કેન્દ્રિત કરીને રચવામાં આવ્યું છે. દિવ્ય નયન છે નહિ, પ્રભુને શી રીતે જોવા? પ્રભુના માર્ગને શી રીતે જોવો? ‘વસ્તુ વિચારે દિવ્ય નયન તણો, વિરહ પડ્યો નિરધાર’ તો એ દિવ્ય નયન પ્રભુ ખોલી આપે, સદ્ગુરુ ખોલી આપે.
મધ્યમા પછી પશ્યન્તિ. અને એ પછી પરા. પશ્યન્તિ અને પરાનો એક લય પહેલાં સેશનમાં બતાવેલો. જે શબ્દોના સ્તર પર હતો. જ્ઞાનપંચમીના દેવવંદનમાં એને સાધનાના લયમાં ખોલવામાં આવેલો છે. ‘એ તો મધ્યમા વૈખરી રે, વચન ગોચર ઠરાય રે.’ ‘અનામીના નામનો રે, કિશ્યો વિશેષ કહેવાય ?’ ત્યાં એમને લખ્યું; ‘પરા પશ્યતિ પામીને રે, કાંઈ પ્રમાણે મુનિ ભૂપ રે.’ આત્મતત્વ અગોચર છે. અલક્ષ્ય છે, પણ પશ્યન્તિ અને પરામાં જઈને મુનિવરો એ આત્મતત્વની અનુભૂતિ કરે છે. “પરા – પશ્યન્તિ પામીને રે, કાંઈ પ્રમાણે મુનિ ભૂપ.” પ્રમાણે એટલે પ્રમાણિત કરે છે અનુભવે છે. મુનિવરો, સાધકો, પશ્યન્તિ અને પરામાં જઈને આત્મતત્વની અનુભૂતિ કરે છે.
પશ્યન્તિ દ્વારા ગુણાનુભૂતિ, અને પરા દ્વારા સ્વરૂપની અનુભૂતિ આત્મતત્વની થાય છે. કોઈ પણ સાધક શરૂઆતમાં ગુણોની અનુભૂતિ કરશે, પછી સ્વરૂપની અનુભૂતિમાં જશે. જેમ કે સમભાવનો અનુભવ કરવો, તમે પણ કરી શકો. સામાયિક લઈને બેઠા, શું કરો છો? કરેમિ ભંતે સદ્ગુરુએ તમને આપ્યું, શક્તિપાત રૂપે, એ શક્તિપાત તમને મળી ગયો, હવે તમે સમભાવમાં સ્થિર થઇ જાવ, એ તમે સમભાવમાં સ્થિર થયા, એ ગુણની અનુભૂતિ. અને તમારા નિર્મલ અને અખંડ આત્મસ્વરૂપમાં તમે લીન થઇ જાવ, એ પરા.
તો પંન્યાસજી ગુરુ ભગવંતે મારા પર શક્તિપાત કર્યો કે વૈખરીથી ઉઠીને તારે પરા સુધી જવાનું છે. એક સદગુરુનો શક્તિપાત..! તમારી સાધના ઉચકાવા લાગે!
એક જ વાત આપણે આજે જોવી છે. કે સદ્ગુરુઓ ઘણા બધા છે અત્યારે પણ.. જે શક્તિપાત કરી શકે. તો તકલીફ ક્યાં આવી? એક શક્તિપાત કરનાર છે, બીજો શક્તિપાત ઝીલનાર છે. તમે શક્તિપાતને ઝીલી શકો એવી સજ્જતામાં નથી આવ્યા, ત્યાં સુધી કોઈ પણ સદ્ગુરુ તમારા ઉપર શક્તિપાત કરી નહિ શકે, કારણ કરવાનો કોઈ અર્થ નહિ રહે. તમે એને ઝીલી નહિ શકો. વાસક્ષેપ આપતી વખતે સદ્ગુરુદેવ જે વચન કહે છે એ શક્તિપાત છે, नित्थार पारगाहोह- તું સંસારને પેલે પાર ઉતરી જા! આ સદ્ગુરુનું શક્તિપાત છે. અને એ વાસક્ષેપ મળે એટલે રાગ અને દ્વેષ તમારા શિથિલ થાય.. થાય.. અને થાય… પણ એ ઝીલાય ત્યારે…
આપણે થોડુક જોઈ લઈએ કે આ સદ્ગુરુના શક્તિપાતને ઝીલવા માટે આપણી પાસે કઈ સજ્જતા છે. મેં ગઈ કાલે પણ કહેલું, ૯૯%grass, ૧%effort. કેટલી મજા! દુનિયામાં કોઈએ કહ્યું હશે એક લાખ તારા, ને ૯૯ લાખ મારા અને તું કરોડપતિ! એક કરોડ તારા, ૯૯ કરોડ મારા ને તું અબજોપતિ! કોઈએ કહ્યું હોય…?! પ્રભુએ આ વાત કરી, ૯૯%grass, ૧%effort. ૧ પ્રતિશત પ્રયત્ન તારી પાસે છે, તો ૧૦૦% result તારું. ૯૯% હું તને આપી દઈશ.
તો આપણે જોઈએ કે શક્તિપાતને ઝીલવા માટે આપણી પાસે શું જોઈએ… પરંપરામાં એક મજાની ઘટના આવે છે, એક સાધક એક સદ્ગુરુ પાસે ગયો, વંદના કરી, એણે વિનંતી કરી, ગુરુદેવ મને સાધના આપો. ગુરુદેવ સાધના આપવા માટે તૈયાર છે, પણ મેં પહેલા કહ્યું હતું એમ… ગુરુદેવને dual action કરવું પડે છે. પહેલાં તમને તૈયાર કરવા પછી સાધના આપવી, શક્તિપાત કરવો. તો ગુરુદેવે dual action માંથી first action શરૂ કર્યું. એ ગુરુદેવ બહુ જ જ્ઞાની, પ્રભુની આજ્ઞાને પૂર્ણતયા સમર્પિત ગુરુદેવ હતા, પણ પગની તકલીફ હતી, વયોવૃદ્ધ હતા, અને એટલે વિહાર કરી શકતા નહોતા. પણ એક મોટા શહેરનો મોટો ઉપાશ્રય. શેષ કાળની અંદર દર મહિને રૂમ બદલી નાંખે. ભગવાનની આજ્ઞા છે, એક જગ્યાએ શેષ કાળમાં એક મહિનો જ રોકાવાય. એક મહિનો પૂરો થયો, ચાલો રૂમ બદલી નાંખો. આ રીતે પ્રભુની આજ્ઞાને સંપૂર્ણતયા એ સમર્પિત હતા. એ ગુરુદેવ પાસે આ સાધક સાધના દીક્ષા માંગે છે. એ વખતે ગુરુએ કહ્યું કે ઉપાશ્રય મોટો છે, મોરપીંછની સાવરણી લઇ એને તું સાફ કરવા મંડી પડ.
ગુરુ આપે તે સાધના. આ એક બહુ મજાનો સિદ્ધાંત છે. તમારા માટે કઈ સાધના, એમના માટે કઈ સાધના, અને પેલા સાધક માટે કઈ સાધના એ ગુરુ નક્કી કરે. તમારી જન્માન્તરીય સાધનાનો બેઝ અને અત્યારની તમારી સજ્જતા એ બેવનું આકલન કરી અને ગુરુ તમને personal સાધના આપશે. તો સાધના તમને કઈ આપવી એ ગુરુનો વિષય છે. મોરપીંછની સાવરણી લઇને ઉપાશ્રયને સાફ કરવાની સાધના આપે છે. આવશ્યક ક્રિયા તારે કરવાની, બે ટાઈમ પ્રતિક્રમણ, પ્રભુની પૂજા, એકાસણું આ બધું જ તારે કરવાનું, અને જેટલો સમય મળે, એટલો સમય ઉપાશ્રયને તારે સાફ કર્યા કરવાનો. એટલા ઉમળકાથી એણે સાધના સ્વીકારી છે!
ઘણીવાર છે ને આપણું મન એક ચીટીંગ કરે છે. કે ગુરુદેવની ગોચરી, ગુરુદેવનું પાણી, આ બધાનો લાભ મને મળે છે. બીજો એવો શિષ્ય છે જે બહારનું કામ કરે છે, ત્રીજો એક શ્રાવક છે જે બહુ દૂર છે, છતાં ગુરુની આજ્ઞા પ્રમાણે કામ કરે છે. પણ એક વાત નક્કી રાખો, ગુરુ જે આપે તે સાધના તમારા માટે છે. પછી આ સાધના ઉંચી, આ નીચી એ વાત નહિ રહે. ગુરુદેવને પાણી આપવું એ ઉંચી સાધના, અને બીજાઓ માટે પાણી લઈને આવવું એ નીચી સાધના, આવું ક્યારેય માનતા નહિ. સદ્ગુરુ જે આપે એ સાધના તમારા માટે શ્રેષ્ઠ. પણ આપણે તો બહુ બુદ્ધિશાળી માણસો ને પાછા…! compare કરીએ કે ગુરુએ આને આ કામ આપ્યું અને મને આ કામ આપ્યું! ગુરુ તને જે આપે તે સાધના છે પણ. પેલા સાધકના મનમાં એટલો ઉમળકો છે! સદ્ગુરુએ સાધના આપી! વાહ! કેવી કૃપા સદ્ગુરુએ કરી! મને સાધના આપી! એ નથી જોતો કે હું કરોડપતિ માણસ, સાધના લેવા આવ્યો, ગુરુની સેવાનું કાર્ય મળ્યું હોત તો બરોબર હતું કે ગુરુના પગ દબાવવા, ગુરુની સેવા કરવાની. ઉપાશ્રયને સાફ કરવાનું…! એક કર્મચારીનું કામ અને મારે કરવાનું…!
ઝેન આશ્રમમાં એક તકતી લગાવેલી હોય છે, no mind please. તમારી બુદ્ધિને લઈને અંદર આવતાં નહિ. તમે શું કરો? બુદ્ધિને બહાર મુકીને જ આવવાનું. માત્ર શ્રદ્ધા, સાધના શ્રદ્ધાથી જ આગળ વધે. બુદ્ધિનું સાધનામાર્ગમાં બિલકુલ સ્થાન નથી. વિચાર કરો, સાધનામાર્ગ તમારા માટે અનભ્યસ્ત છે. બુદ્ધિ શું કરે, હું ગમે એટલો પ્રબુદ્ધ માણસ હોઉં, કાચા રસ્તે વિહાર કરતો હોઉં, બે રસ્તા ફાટે, હવે મારી બુદ્ધિ અહીં શું કામ કરશે? મારે જે ગામ જવું છે, એ ગામ જવા મારે right જવું કે left જવું એ મારી બુદ્ધિ કઈ રીતે નક્કી કરશે…? સેકંડો શાસ્ત્રો મેં વાંચેલા છે, પણ એ શાસ્ત્ર ક્યારેય અહીંયા કામ નહિ આવે. કારણ આ રસ્તે હું ચાલેલો જ નથી. મારા માટે અનભ્યસ્ત છે. મારે બાજુમાં ખેતરમાં, હળ હાંકતા ખેડૂતને પૂછવું પડે કે ભાઈ મારે આ ગામ જવું છે કયા માર્ગે જાઉં? મહારાજ ડાબી બાજુ હાલ્યા જાવ તમારું ગામ મળી જશે. કારણ કે રાત – દિવસ એ ત્યાં રહે છે. તમારી બુદ્ધિ માટે સાધનામાર્ગ total અનભ્યસ્ત છે. અપરિચિત છે. તો તમારી બુદ્ધિ શું કામ કરી શકે?! એટલે સદ્ગુરુ પાસે જ્યારે પણ આવો, સાધના લેવા માટે, બુદ્ધિને ઘરે મુકીને આવજો. માત્ર શ્રદ્ધા… સદ્ગુરુ આપે તે સાધના.
મહિનાઓ વીત્યા, સાવરણીથી વાળવાનું કામ શરૂ છે, એના પછી ઘણા નવા સાધકો આવ્યા, જેને ગુરુ ગ્રંથો ભણાવે છે, આ પણ હોશિયાર માણસ છે, ગુરુ ગ્રંથો ભણાવે તો વાંચી શકે એમ છે. ગુરુ એક ગ્રંથ એને ભણાવતા નથી. આ સજ્જતા છે! આમ કહીએ ૧% પણ ૧%માં ઘણું બધું આવે… મારે નિશ્ચય જોવો તો બહુ ઓછા. બુદ્ધિ ને અહંકાર ને છોડી દીધા, સમર્પણ આવી ગયું એટલે ૧% થઇ ગયું. આમાં અઘરું શું છે બોલો…? આ અહંકાર દ્વારા આમેય તમને શું મળ્યું, કહો મને હવે… તમારો અહંકાર છે માની લીધું, પણ એ તમારા હું થી તમને સુખ શું મળ્યું… અને મારી પાસે આનંદઘન હું છે, હું ever green, ever fresh છું. અત્યંત મજામાં, અત્યંત આનંદમાં.
એટલે તો હું ઘણીવાર મારી પ્રવચન સભામાં પૂછતો હોઉં છું કે અમારી લોકોની ઈર્ષ્યા તમને આવે છે કે નહિ? તમારી પાસે જે આનંદ છે, એ આનંદની ઈર્ષ્યા આવે છે કે નહિ? સાહેબજી તમારી પાસે શું છે? આમ બહારથી જોઈએ તો કાંઈ નથી. ઉપાશ્રય પણ સંઘનો છે. અમારો તો છે નહિ, જ્યાં પણ જઈશું ઉતરશું એ ઉપાશ્રય એ સંઘનો છે. અમારી પાસે કોઈ મકાન નથી. અમારી પાસે કશું જ નથી અને મજામાં છીએ. કારણ અમારી પાસે બીજું કાંઈ નથી, પ્રભુ છે. અને પ્રભુ મળી ગયા એટલે આનંદ જ આનંદ.
એક વાત હું ઘણીવાર કહું છું કે તમારો અનુભવ છે..કરોડો રૂપિયા મળ્યા, અબજો મળ્યા, તૃપ્તિ થતી નથી. તમે ઊંધું ઘાલીને દોડ્યા જ કરો છો પછી, હજુ વધારે કમાવું, વધારે કમાવું, વધારે કમાવું… એક ક્ષણ મારી સાથે અત્યારે ઉભા રહો. અને વિચારો, કે આટલા બધા મળ્યા, તૃપ્તિ કેમ નથી થતી? તમારા પૂર્વજોની પાસે, થોડા હજાર કે થોડા લાખ હતા, તો પણ હજી એ લોકો જે સંતુષ્ટ હતા, તમારી પાસે ઘણા બધા કરોડો થઇ ગયા, તો પણ તમે સંતુષ્ટ નથી. કારણ શું? કારણ એક જ છે. અને એ કારણ એ કે અનંત જન્મોથી પ્રભુને મેળવવાની પ્યાસ લઈને નીકળેલા આપણે બધા યાત્રિકો છે. જ્યાં સુધી પ્રભુ આપણને ન મળે ત્યાં સુધી તૃપ્તિ થવાની નથી. તમે અતૃપ્ત છો એનું કારણ સમજાઈ ગયું? હજુ ૨ – ૫ કરોડ ઉમેરી નાંખો, હજુ ૧૦ – ૧૫ કરોડ ઉમેરી નાંખો, પણ તૃપ્તિ નહિ મળે. તૃપ્તિ ત્યારે જ મળશે જ્યારે પ્રભુ હૃદયમાં આવશે. પ્રભુની સાધના હૃદયમાં આવશે. અમારી પાસે કંઈ નથી, પણ અમારે કંઈ જોઈતું પણ નથી. તમે બધા ભક્તો વારંવાર સદ્ગુરુને પૂછો, સાહેબજી કંઈ ખપ? સાહેબજી કંઈ લાભ આપો. કોઈ પણ મુનિ ભગવંત હસી લે, હાથ ઉંચો કરીને કહેશે ભાઈ! કાંઈ ખપ નથી. કંઈ જોઈતું જ નથી. અમે સુખી એટલા માટે અમારે કંઈ જોઈતું નથી. તમે દુઃખી એટલા માટે કે તમારે હજુ વધું જોઈએ છે, હજુ વધુ જોઈએ છે. જોઈએ છે ને કાઢી નાંખો. તમે સુખી. જે છે એટલું પર્યાપ્ત છે.
વર્ષો વીતી ગયા પેલાને, ૧૨ વર્ષ થયા.. કેટલા? ૧૨ વર્ષ… શું કર્યું..? માત્ર મોરપીંછની સાવરણીથી ઉપાશ્રયને સાફ કર્યો! સદ્ગુરુ દ્વારા આવી સાધના આપી શકાય ખરી? આપી શકાય? ગુરુ જો જ્ઞાની છે, અને ગુરુને તમારી જન્માન્તરીય ધારાનો ખ્યાલ આવે છે, આ જન્મની તમારી સાધનાનું stand point સદ્ગુરુના ખ્યાલમાં આવે છે. અને તમને ક્યાં સુધી પહોંચાડી શકાય એમ છે… એ ખ્યાલમાં આવે છે તો ગુરુ એના માટેની appropriate સાધના તમને આપશે. તો સદ્ગુરુએ કેવી appropriate સાધના આપી છે… આમાં બહુ મહત્વની વાત એ હતી, કે ગુરુએ ગ્રંથો ભણાવ્યા હોત કદાચ, તો ગુરુ ઉપર બહુમાન થાત. પણ એ ગુરુનું બહુમાન સહેતુક હોત. ગુરુ મને ભણાવે છે માટે ગુરુ પ્રત્યેનું બહુમાન છે. અહીંયા ગુરુ કશું જ આપતાં નથી. ગુરુ કહે છે સાવરણીથી ઉપાશ્રય સાફ કર. એક ગ્રંથ એને ભણાવતાં નથી. એનો અહંકાર કેટલો શિથિલ બનેલો હશે, એને વિચાર શુદ્ધા નથી આવતો કે ગુરુ શું કરી રહ્યા છે…! મારા પછી આવેલાં સાધકો ગ્રંથો ભણી જાય, વિદ્વાન બની જાય અને હું અંગુઠાછાપ!
તમારા બધાની સાધના આ મુકામે અટકેલી છે. ખ્યાલ આવ્યો આજે…? તમારી સાધના અહીંયા અટકી છે. અને એટલે જ ગુરુ તમને appropriate સાધના proper સાધના પકડાવતાં નથી, કારણ કે તમે એને ઝીલી શકો એમ નથી. તમારે તો એ જ સાધના જોઈએ છે, જે તમને ગમે છે. સાહેબ કહે ગ્રંથો ભણવાની વાત કરો, સાહેબ આ કરો, તમારા મનમાં એક projection નક્કી થયેલું છે કે આ સારું ને આ ખરાબ… સ્વાધ્યાય ગમે ને વૈયાવચ્ચ ઓછો ગમે. કેમ..? સ્વાધ્યાય ગમે છે, જોઉં પડે કે એમાં લોકસંજ્ઞા તો વણાયેલી નથી ને…? હું વિદ્વાન બનું, લોકો મને વિદ્વાન માને, માટે મને સ્વાધ્યાય ગમે છે આવું તો નથી ને…?
સાધનાનો માર્ગ સહેલો નથી. “ધાર તલવારની સોહિલી દોહિલી, ચૌદમાં જિનતણી ચરણસેવા” તલવારની ધાર ઉપર ચાલવું સહેલું છે. તમે તલવારની ધાર ઉપર ચાલો, પગમાંથી લોહીનો ફુવારો ઉડે, કદાચ અંગુઠો, બંગુઠો તૂટી પણ જાય. પણ પ્રભુની સાધનાના માર્ગ ઉપર તમારે ચાલવું હોય, તો તમારે પુરા તમારા ‘હું’ નું વિસર્જન કરવું પડે, તમારા ‘હું’ ની તોડફોડ કરવી પડે, આટલા જન્મોમાં સાધના મળી, result કેમ નહિ મળ્યું? મને પણ નહિ મળ્યું, તમને પણ નહિ મળ્યું, મારો પણ સંસાર ચાલુ, તમારો પણ ચાલુ. એટલા માટે કે એક અહંકાર આપણી પાસે હતો. અહંકારને સાચવીને સાધના કરેલી. મારો ‘હું’ અકબંધ રહેવો જોઈએ કેન્દ્રમાં… સાધના લેવા આવો, અમે સાધના આપીએ, ક્યારે આપીએ…? કેન્દ્રમાંથી તમારા ‘હું’ ને પહેલા તમારા પરિઘમાં મુકીએ, કેન્દ્રમાં પ્રભુની આજ્ઞાને મુકીએ, પછી જ સાધના શરૂ થાય. તમારે કેન્દ્રમાં તમારા ‘હું’ ને રાખવો છે અને સાધના કરવી છે! How it is possible? કઈ રીતે શક્ય છે? એટલે સ્પષ્ટ કહ્યું; “ધાર તલવારની સોહિલી દોહિલી, ચૌદમાં જિનતણી ચરણસેવા” પ્રભુની ચરણસેવા, પ્રભુની સાધનાના માર્ગે ચાલવું અઘરું છે. It is so hard. So tough. આપણે શરીરના સ્તર પર સાધના કરીએ, હું ને રાખીને મનના સ્તર ઉપર ચિંતન પણ કરી લઈએ છે, પણ મૂળ વાત એ કે ‘હું’ ને તો અકબંધ મારે રાખવું છે અને સાધના કરવી છે.
એક મસ્જિદના હોજમાં રાત્રે કુતરું આવ્યું હશે, પાણી પીવા, પગ – બગ લપસી ગયો હશે, કુંડમાં પડી ગયો હશે, બહાર નીકળી નહિ શક્યું, હોજમાંથી… મરી ગયું. સવારે મુસ્લિમ ભક્તો આવ્યા, હવે એ લોકોને નમાજ પહેલાં વજુની વિધિ કરવાની હોય, હાથ – પગ મોઢું બધું ધોવાનું હોય, એના માટે દરેક મસ્જિદમાં આ પાણીની વ્યવસ્થા હોય જ. જોયું તો હોજમાં કુતરું મરી ગયેલું છે. હવે આ પાણી અપવિત્ર થઇ ગયું! મૌલવીને પૂછવા ગયા, મૌલવીએ વિચાર કર્યો, કે કુતરાને તો કાઢી નંખાય, મડદાને કાઢી નંખાય. પણ હોજ બહુ મોટો નથી. એટલે દુર્ગંધિ પરમાણુઓ જલ્દી નીકળશે નહિ, એટલે મૌલવીએ કહ્યું ૧૦૦ બાલ્ટી પાણી હોજમાંથી બહાર કાઢી નાંખો. આશય એ હતો કે ૧૦૦ બાલ્ટી પાણી કાઢો એટલે આમતેમ, આમતેમ થાય એટલે દુર્ગંધમય પરમાણુઓ નીકળી જાય, પાણી સ્વચ્છ બની જાય. પેલા ભક્તો તો ઉપડ્યા. ૧૦૦ ને બદલે ૨૦૦ બાલ્ટી પાણી કાઢી નાંખ્યું. મૌલવી આવ્યા, હોજ પાસે ગયા, ગંધ તો એવી કે માથું ફાટી જાય. મૌલવી પૂછે; શું કર્યું? ભક્તો કહે સાહેબ તમે કીધું કે ૧૦૦ બાલ્ટી પાણી કાઢવાનું, અમે ૨૦૦ બાલ્ટી પાણી કાઢયું. અરે પણ પેલું કુતરું અંદર છે એનું શું? સાહેબ પણ તમે કુતરું કાઢવાનું ક્યાં કહ્યું હતું…?
આપણી સાધના આવી જ થઇ છે કે કેમ? હું નું કૂતરું તો અંદર જ છે… સાધનામાં મોટામાં મોટો અવરોધ અહંકારનો છે, એ ‘હું’ ને કારણે રાગ – દ્વેષ જે છે એ વેગવાળા બને છે. હું ને જ્યાં ગમો છે ત્યાં રાગ. હું ને અણગમો છે ત્યાં દ્વેષ. Centre point માં હું છે. એ ‘હું’ ને તો કાઢ્યું નહિ. કુતરાને કાઢ્યું નહિ, ૨૦૦ બાલ્ટી પાણી કાઢી નાંખ્યું! તો આ આપણી સાધનામાં રહી ગયેલો મોટામાં મોટો ફોલ્ટ, એ ફોલ્ટને આપણે કાઢવો પડશે.
પેલાની સાધના સમ્યગ્ હતી. કેમ? હું નહોતો… ગુરુ કહે એ રીતે સાધના કરવાની. એમાં મારી ઈચ્છાનો કોઈ સવાલ આવતો જ નથી. એટલે અમને લોકોને, આપણને લોકોને એક મજાનું સૂત્ર આપવામાં આવ્યું. “आणाए धम्मो” “आणाए मुक्खो” આજ્ઞામાં જ ધર્મ, આજ્ઞામાં મોક્ષ. અને એની સામે સૂત્ર આપ્યું. ઈચ્છામાં સંસાર, ઈચ્છામાં અધર્મ. તમારી ઈચ્છાપૂર્વકનું માસક્ષમણનું તપ એ પણ અધર્મ. સાધનામાર્ગમાં પણ તમારી ઈચ્છાથી તમારે ચાલવાનું નહિ. મને આ ગમે છે માટે કરવું, એનો મતલબ શું થયો? કોઈ માણસ કહે કે મને આ દવા ગમે માટે આ દવા ખાઈ લઉં… તારું દર્દ જે છે, અને ડોકટરે તને prescribe કરી છે એ પ્રમાણે જ તારે દવા લેવાની હોય છે.
૧૨ વર્ષની સાધના આજે પુરી થઇ. ગુરુ પાસે આવ્યા ને ૧૩મું વર્ષ જે દિવસે શરૂ થતું હતું… એ દિવસે રોજના નિયમ પ્રમાણે ગુરુના ચરણોમાં વંદન કરવા આવે છે, ગુરુને બધો ખ્યાલ છે હો… ગુરુ બરોબર જોઈ રહ્યા છે કે આની સાધના બરોબર ચાલે છે. ગુરુએ પૂછ્યું કે બેટા! મારી પાસે આવ્યા ને તને કેટલો સમય થયો? ગુરુદેવ! ૧૨ વર્ષ. ૧૨ વર્ષમાં તે શું કર્યું? સાહેબજી આપે સાધના આપેલી ને…? મોરપીંછની સાવરણીથી ઉપાશ્રયને સાફ કરવો. તો સાફ કર્યા જ કરું છું, કર્યા કરું છું. સહેજ પણ ગ્લાની એના મનમાં નથી! શું કરું સાહેબજી આપે બીજાને ગ્રંથો ભણાવ્યા, મને અંગુઠાછાપ રાખ્યો. બધા ઉપર તમારી કૃપા ઉતરી, મારા ઉપર નહિ ઉતરી. સાહેબજી આપે સાધના આપેલી, બસ એ સાધના કરું છું, એ સાધનાને ઘૂંટું છું. અહોભાવ એનો peak experience પર છે. જેમ જેમ ઉપાશ્રયને સાફ કરતો ગયો, જેમ ઉપાશ્રયનો કચરો કાઢતો ગયો, તેમ તેમ એનો અહોભાવ વધતો ગયો!
તો ૧૨ વર્ષમાં સદ્ગુરુએ શું કર્યું. ૧% પેલાનો ઉભો કર્યો. આ અહોભાવ.. આટલો વધવો…?! અને peak experience પર પહોંચવો સહેલું નહોતું. કેમ સહેલું નહોતું…? એકની એક ક્રિયા અને એ પણ ગમે એવી ક્રિયા નહિ, અને છતાં માત્ર સદ્ગુરુએ કહ્યું છે, માટે કરવું છે. ગુરુએ આપી તે સાધના. આ ભાવથી એણે આજે સાધનાને પકડી રાખી. એ એની બહુ મોટામાં મોટી સજ્જતા. કોઈ ગુરુ તમને ગ્રંથો ભણાવે, રોજના બે કે ચાર કલાક પોતાના આપે અને તમે ગુરુના ચરણોમાં ઝૂકો, એમાં તમે નવાઈ શું કરો છો?! તમારી ઈચ્છા પણ હોય, આટલા મોટા જ્ઞાની ગુરુ છે તો મને જ્ઞાન આપે. અને મનમાં ઈચ્છા હતી, ઈચ્છા પુરી થઇ. ઈચ્છાની પૂર્તિ બિલકુલ કરવી નથી. ઈચ્છાને તોડવી છે. અને એટલે સદ્ગુરુ તમારી શુભ ઈચ્છાને પણ તોડશે. કારણ તમારી શુભ ઈચ્છાની પાછળ તમારો હું પડેલો છે. હું તો આમ જ કરું. નહિ આમ નથી કરવાનું.
એ વખતે સદ્ગુરુએ શક્તિપાત કર્યો! ગુરુએ કહ્યું; તું ઉપાશ્રયનો કચરો કાઢે છે ને જા તારો કચરો આજે નીકળી ગયો! સીધો શક્તિપાત..! જે રાગ – દ્વેષ ને અહંકાર ૧૨ વર્ષે નહિ, ૧૨ જન્મે નહિ, ૧૨૦૦ જન્મે પણ દૂર ન થાય. એને ગુરુએ એક ક્ષણમાં દૂર કરી નાંખ્યું! એના રાગ – દ્વેષ ને અહંકારને અત્યંત શિથિલ કરી દીધા. એક શક્તિપાત.. રાગ – દ્વેષ અહંકાર શિથિલ થઇ ગયા! એક બાજુ પેલાનો અહોભાવ વધતો ગયો. જેમ જેમ અહોભાવ વધતો ગયો, અહંકાર શિથિલ બનતો જ ગયો છે. અહંકાર શિથિલ બનતો જ ગયો છે…અહંકાર શિથિલ બન્યો એટલે રાગ અને દ્વેષ તો by product છે. એ શિથિલ થઇ જ જાય. એટલે સદ્ગુરુએ first action ની અંદર જ આ કામ કરી દીધેલું. અને સીધો શક્તિપાત કર્યો. જા તારો કચરો નીકળી ગયો.
તો આજે આપણા ઉપર આપણા યુગના એક શ્રેષ્ઠ ગુરુ પંન્યાસજી ભગવંતે જે શક્તિપાત કર્યો છે એને આપણે ઝીલવા બેઠા છીએ. એકમાત્ર અહોભાવ, અને સશક્ત અહોભાવ. સદ્ગુરુનું શક્તિપાત ઝીલાય જાય. ચેતના પ્રત્યેનો મૈત્રીભાવ અઘરો છે. જડ પ્રત્યેનો ઉદાસીનભાવ અઘરો છે. પણ કૃપા મળી ગઈ, શક્તિપાત મળી ગયો. તો એ સરળથી પણ સરળ છે.
આપણે જોઈએ કે ચેતના પ્રત્યેનો મૈત્રીભાવ આપણે કરવો છે. એક શક્તિપાત છે ગુરુનો આપણે ઝીલવો છે. અવરોધ ક્યાં આવે છે? મુખ્ય અવરોધ બે આવશે. એક જડ પદાર્થો પ્રત્યેનો રાગ, બીજું શરીર પ્રત્યેનો રાગ. આ બે અવરોધો આવે છે.
સગાં બે ભાઈ હોય, એક થાળીમાં જમેલા, જે બે ભાઈઓ માટે કહેવાતુ હોય કે રામ – લક્ષ્મણની જોડી. એકબીજા વગર એક – બીજો એક ક્ષણ રહી ના શકે એટલી દોસ્તી. પિતાજી expired થયા. ભાગ વેચવાનો આવ્યો. અને એમાં પેલાને લાગે છે કે પેલાને વધારે ગયું, પેલાને લાગે પેલાને વધારે મળ્યું. એ જડ પદાર્થ પ્રત્યેનો રાગ, સગાં ભાઈને પણ દુશ્મન બનાવી દે છે. જડ પદાર્થ પ્રત્યેનો રાગ, ચેતના પ્રત્યેના મૈત્રીભાવને તોડી નાંખે છે.
આપણે બપોરના સેશનમાં આ બે ના જ ઉંડાણમાં જવાનું છે. કે જડ પ્રત્યેનો રાગ, ચેતના પ્રત્યેના મૈત્રીભાવને તોડે છે તો જડ પ્રત્યેના રાગમાંથી બહાર કેમ આવવું…. શરીર પ્રત્યેનો રાગ ચેતના પ્રત્યેની મૈત્રીને તોડે છે. તમને એવું લાગ્યું કે તમને કોઈએ બરોબર treat ન કર્યા. તમને કોઈએ બરોબર આદર – સત્કાર ન આપ્યો. તો તમારા ‘હું’ ને થોડીક તકલીફ પડે છે. ક્યાંક તમારા શરીરને અનુકૂળતા નથી મળતી, ત્યારે એ પ્રતિકૂળતા આપનાર ઉપર તમને દ્વેષ થાય છે.
એક વાત તમને સમજાવું, એક ઘડિયાળ છે. ઘડિયાળ, ઘડિયાળ છે… સાધકનો દ્રષ્ટિબિંદુ તો એ છે કે પદાર્થ છે. સારું પણ નથી, ખરાબ પણ નથી. સમય જોવો હોય તો કામમાં આવે. સાધન છે. અમારા માટે દ્રષ્ટિબિંદુ તો આ જ છે. તો તમને એના માટે રાગ છે. આ એક ખોટી શરૂઆત તમે કરી…. એને સાધન માનો ત્યાં સુધી બરોબર છે કે સમય જોવા કામમાં આવે. એટલે તમારા હાથે નીચે પડી જાય ને તૂટી જાય તો તમે શું કરો…? તમારા ગાલ ઉપર લાફો મારો? અને પણ બીજાના હાથે તૂટી જાય તો…? તો એ જડ પ્રત્યેનો રાગ ચેતના પ્રત્યેના દ્વેષમાં ફેરવાઈ જાય. એટલે અનંતા જન્મોથી, જડ પ્રત્યેનો જે રાગ આપણી પાસે હૃદયમાં ભરાઈને પડેલો છે, એ જડ પ્રત્યેના રાગે મોટામાં મોટું પાપ આપણી પાસે એ કરાવ્યું કે એ ચેતના સૃષ્ટિ જોડે દ્વેષભાવ ઉત્પન્ન કરાવરાવ્યો.
કેવી ચેતના સૃષ્ટિ? કોઈ પણ તીર્થંકર પ્રભુ ત્રણ – ત્રણ જનમથી એક જ ભાવના ભાવતાં હોય, ‘સવિ જીવ કરું શાસન રસી’ આપણા પ્રભુએ બધા જ આત્માઓને ચાહેલા, બરોબર…? પ્રભુ તમને ગમે? ગમે જ. અને પ્રભુને જે ગમે એ બધા જ તમને ગમે….! અમારી સાધના આ જ છે. પ્રભુને જે ગમે છે, પ્રભુએ જેમને ચાહ્યા એ બધાને અમારે ચાહવા છે, એટલે પ્રભુએ અમને મુહપત્તિ આપી દીધી કે જે સૂક્ષ્મ જીવો નજરે દેખાતા નથી, એની પણ જયણા થઇ જાય. એના માટે મોઢે મુહપત્તિ આપી. એ જીવોની પણ સહેજ પણ વિરાધના ન થાય. તો પ્રભુ તમને ગમે છે, હવે એક નક્કી થઇ જાય, કે પ્રભુને જે ગમે એ મને ગમે. પ્રભુએ જેમને જેમને ચાહ્યા એ બધાને મારે ચાહવા છે. બરોબર…? આ મૈત્રીભાવ તમારી પાસે આવી ગયો. ચિત્ત નિર્મળ બની ગયું.
હવે આજે સાંજનું સેશન છેલ્લું સેશન છે અને આપણે સાંજના સેશનમાં ચિત્તને નિર્મળ બનાવી દઈએ. બરોબર…? બે હાથે તાળી વાગશે હો… હું તૈયાર… તમારે તૈયાર થવું પડે..
તો ચિત્તને નિર્મળ બનાવવું આસાન છે. આસાન કેમ કહયુ? કે સદ્ગુરુનું શક્તિપાત આપણને મળી ગયો કે તું બધી જ ચેતનાઓ સાથે મૈત્રીભાવથી જોડાઈ જા. એ શક્તિપાતને આપણે ઝીલી લઈએ. આપણી સાધના uplifted થઇ જાય.
તો આજે બપોરે આપણે આ જ વાતને થોડીક ઊંડાણથી જોવી છે કે મૈત્રીભાવ આપણો ક્યાં ક્યાં ખંડિત થાય છે… અને એ મૈત્રીભાવ આપણો અખંડિત રહે એના માટે આપણે શું કરી શકીએ અને એ રીતે આપણે નિર્મળ ચિત્તને પ્રાપ્ત કરી લઈએ… હવે practical સાધના….