વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject : જીવમૈત્રી
आज्ञा तु निर्मलं चित्तम् અને આ જન્મ પ્રભુની આજ્ઞાના પાલન માટે જ છે; માટે મારે મારા ચિત્તને નિર્મળ બનાવવું છે. – આ તમારા મનની અંદર સ્પષ્ટ થઈ જવું જોઈએ.
જીવનની વીણાના બે તાર છે: એક છે બૌદ્ધિકતાનો અને બીજો છે સંવેદનશીલતાનો. કમનસીબે આજના આ યુગમાં કહેવાતા પ્રબુદ્ધ માણસની બૌદ્ધિકતાનો તાર એકદમ કસાયેલો છે અને સંવેદનશીલતાનો તાર એકદમ ઢીલો છે. જીવનવીણાના આ તારો મધ્યમ-મધ્યમ બનાવવા માટે જીવનમાં મૈત્રીભાવનો ઊમેરો કરવો પડશે.
જડ પ્રત્યેનો રાગ ઓછો થાય. શરીર પ્રત્યેનો રાગ – હું પ્રત્યેનો રાગ – ઓછો થાય. અન્યોના દોષો જોવાનું બંધ થાય. જે સમયે જે ઘટના ઘટે, એને ક્રમબદ્ધ પર્યાય ગણીને તમે સ્વીકાર કરી લો. આવા ઘણા ઘણા આયામોથી મૈત્રીભાવ ઘૂંટાય અને એક મૈત્રીભાવ ભીતર આવી જાય, તો તમારું ચિત્ત નિર્મળ-નિર્મળ બની જાય.
મૌન ધ્યાન સાધના શિબિર – ૦૨ (સાંજે) – વાચના – ૬
પિસ્તાળીસ આગમની ગ્રંથોની અંદર ફેલાઈને રહેલી પ્રભુ આજ્ઞાનો નિચોડ – એનો સાર: નિર્મળ ચિત્ત.
ચિત્તને નિર્મળ બનાવવા માટે આપણા યુગના શ્રેષ્ઠ સાધનામનીષી પૂજ્યપાદ ગુરુદેવ ભદ્રંકરવિજય મ.સા. એ બે સુત્રો આપણને આપ્યાં. ચેતના સાથે મૈત્રી ભાવ. જડ જગત સાથે ઉદાસીન ભાવ.
હૃદય મૈત્રી ભાવથી ભરાયેલું હોય. કોમળ ભાવોથી હૃદય ઉભરાતું હોય. જીવનની આ વીણા. એના બે તાર છે. એક છે બૌદ્ધિકતાનો. બીજો છે કોમળતાનો -સંવેદનશીલતાનો – મૈત્રીભાવનો. વીણાના તાર માટે એક નિયમ છે. કે વીણાના તાર બહુ કસાયેલા હોય તો પણ વીણા બરોબર બજી શકે નહિ. એના તાર એકદમ ઢીલા હોય તોપણ એમાંથી સંગીત ગુંજે નહિ. એના તાર મધ્યમ – મધ્યમ જોઈએ. કમનસીબે અત્યારે આજના આ યુગમાં કહેવાતા પ્રબુદ્ધ માણસની બૌદ્ધિકતાનો તાર એકદમ ખેંચાઈ ગયો છે. અને સંવેદનશીલતાનો તાર એકદમ ઢીલો છે. એક તાર કસાયેલો છે. એક તાર ઢીલો છે. સંવેદનશીલતા આપણી કેટલી ઓછી થઈ ગઈ!
એક લેખકે લખ્યું છે. આજનો માણસ સવારના પહોરમાં ખુરશી પર બેસીને ચા ની ચૂસકી લઇ રહ્યો છે. સામે Tv છે. એ news જોઈ રહ્યો છે. ક્યાંક ધરતીકંપ થયો છે. Live દ્રશ્યો tv પર ઉભરી રહ્યાં છે. Sky scrapper બિલ્ડિંગો પત્તાના મહેલની જેમ ઢળી રહ્યાં છે. સેંકડો માણસો ખતમ થઈ ગયા છે. હજારો ઘાયલ થયેલાં લોકોને ambulance માં કર્મચારીઓ લઇ જઈ રહ્યાં છે. અને આ દ્રશ્યોને ચા ની ચૂસકી લેતો – લેતો આજનો માણસ જોઈ રહ્યો છે. જોકે આ તમારી વાત નથી કરતો. તમને પ્રભુશાસન મળ્યું છે, તમને મૈત્રીભાવની ધારા ગળથુંથીમાંથી મળી છે.
તો આપણી જીવન વીણાના બેઉ તારોને આપણે મધ્યમ-મધ્યમ બનાવી દઈએ. ન એ વધુ પડતા કસાયેલા હોય, ન એ વધુ પડતા ઢીલા હોય. મૈત્રીભાવને ઉમેરી દઈએ એટલે સંવેદનશીલતાનો તાર જે ઢીલો છે એ બરાબર બની જશે. અને એ જ સંવેદનશીલતા, બૌદ્ધિકતાના તારને પણ બરોબર બનાવી આપશે.
એક ઘટના યાદ આવે. પ્રેમસૂરિદાદાના શિષ્ય યશોદેવસૂરિદાદા એમના શિષ્ય ત્રિલોચનસૂરિદાદા. એકવાર આચાર્ય ભગવંતની, ત્રિલોચનસૂરિ મ.સા ની વિહારયાત્રા ચાલુ હતી. વચ્ચે અડધો કિલોમીટર એવો થયો જ્યાં થોડા શિષ્યો આગળ નીકળી ગયેલાં થોડાક શિષ્યો પાછળ છે. એ અડધો કિલોમીટર સાહેબજી એકલા જ હતા અને એક ટ્રક નીકળે છે. સાહેબજી બરોબર રોડની નીચે વ્યવસ્થિત રીતે ચાલી રહ્યા હતા. ટ્રકવાળો ઓવરટેક કરવાં ગયેલો એને કારણે સહેજ ટ્રક સાહેબજીને અડી ગઈ. સાહેબજી પડી ગયા. સદ્ભાગ્યે ત્યાં માટી હતી. બહુ વાગ્યું નથી. ડ્રાઈવરને ખ્યાલ આવી ગયો. એને ટ્રક ઉભી રાખી. બહુ જ ભલો માણસ. એ કહે મ.સા. મારા કારણે, મારા અપરાધથી તમે પડી ગયા છો. કેટલું બધું વાગ્યું હશે તમને. સાહેબજી તમે રજા આપો તો ટ્રકમાં બેસાડી તમને નજીકના શહેરની હોસ્પિટલમાં admit કરાવી દઉં. સાહેબજીએ હસતાં હસતાં કહ્યું, મને એવું વાગ્યું નથી. માટી ઉપર જ પડાયું છે. અને એટલે શરીરમાં ક્યાંય એવી કોઈ ઈજા થઈ નથી. મારાં શિષ્યો પાછળ આવે જ છે. હું એમની જોડે આરામથી ચાલતો-ચાલતો પહોંચી જઈશ. તું જા. હજુ પેલાના મનમાં ગ્લાનીનો ભાવ છે, અપરાધભાવ છે. એ કહે નહિ મહારાજ સાહેબ એમ તમને એકલા છોડીને મારાથી જવાય કેમ? સાહેબે કહ્યું, તું જલ્દી ભાગી જા. પાછળ મારા શિષ્યો આવે છે. શિષ્યોનો મને કોઈ વાંધો નથી. કારણ, શિષ્યો બધાં આજ્ઞાંકિત જ હોય. પણ થોડાંક યુવાનો પણ સાથે છે. એ લોકો તને છોડશે નહિ. એમને જો ખ્યાલ આવશે કે તારી ભૂલને કારણે સાહેબ પડી ગયેલાં. ઠીક છે કે માટી હતી સાહેબજીને બહુ વાગ્યું નહિ, પણ કદાચ રોડ ઉપર સાહેબજી પડી ગયા હોત તો? રોડની ધાર ઉપર સાહેબજીનું માથું આવી ગયું હોત તો? એટલે એ યુવાનો તને છોડશે નહિ. તું પરિવારવાળો માણસ છે. તું કોર્ટના ચક્કરમાં આવી જઈશ. હું તને આજ્ઞા આપું છું. એક ગુરુ તરીકે તું ભાગી જા.
કેટલો આ મૈત્રીનો વિસ્તાર! એની ચિંતા! પોતાની ચિંતા છે જ નહિ. હું આ રીતે પડી ગયો હોત તો મને શું થાત? રોડ ઉપર પડ્યો હોત તો શું થાત? કોઈ વિચાર એ ગુરુદેવને આવતો નથી. એક જ વિચાર આવે છે. આનું કંઈ અકલ્યાણ થવું ન જોઈએ. તું જલ્દી ભાગી જા. એને ભગાડી દીધો. મૈત્રીભાવનો આ વિસ્તાર. આપણી પાસે આ એક મજાની પરંપરા છે.
એક ઘટના મને યાદ આવે. રાજસ્થાન-પાવાપુરીમાં કે.પી સંઘવી ટ્રસ્ટે પાંજરાપોળ સ્થાપી. એનું ઉદ્ઘાટન હતું. એના પર મારે જવાનું હતું. એના માટે હું નીકળ્યો પણ ખરો. જ્યાં રેવદરથી રાજસ્થાનમાં અમે પ્રવેશ કર્યો. થોડાં-થોડાં અંતરે બોર્ડ- હોર્ડિંગ્સ આવ્યાં કરે. પાવાપુરી જીવદયા ધામ. સેંકડો હોર્ડિંગ્સ રસ્તામાં. પાવાપુરી જીવદયા ધામ. હું પાવાપુરી પહોંચી ગયો. ઉદ્ઘાટન પ્રવચનમાં મેં કહ્યું, કે જીવદયા શબ્દનો અર્થ તમે શું કરો છો..? જીવોની દયા કરનારા આપણે કોણ? મેં કીધું. મેં કહ્યું આપણે જીવો સાથે મૈત્રી કરવાની છે. પ્રભુએ આપણને કહ્યું છે, તું સર્વમિત્ર બની જા. મેં આગળ કહેલું કે પરંપરામાં જીવદયા શબ્દ છે. અને એ જીવદયા શબ્દ રાખવો હોય તો પણ એનો અર્થ આપણે બદલવો જોઈશે. જીવોની દયા, એમ નહિ. આપણે જીવોની દયા કરનારા કોણ? એમનું પણ એક પુણ્ય છે. અને એ પુણ્ય લઈને એ લોકો આવેલાં છે. જીવો દ્વારા આપણી દયા એવો અર્થ જીવદયા શબ્દનો કરવાનો. આપણે જીવો જોડે મૈત્રી જ કરવાની છે.
બે-એક દિવસ પછી ગુજરાત તરફ મારે આવવાનું હતું. હું પાછો ફર્યો. મેં જોયું સેંકડો હોર્ડિંગ્સ ફરી ગયેલાં! પાવાપુરી જીવ મૈત્રીધામ! જીવો સાથે મૈત્રી કરો. બધાની સાથે મૈત્રી. અમુક શબ્દોનો અર્થ ફેરવવાનો છે. શાસનરક્ષા નિમિત્તે આપણે કાયોત્સર્ગ કરીએ છીએ. કાયોત્સર્ગ કરો, સાધના કરો કોઈ વાંધો નથી. પણ શાસનરક્ષા શબ્દનો અર્થ શું? શાસનની રક્ષા! મારા અને તમારાં જેવા વેંતિયા માણસો પ્રભુશાસનની રક્ષા કરશે! હું કે તમે ન હોઈએ પ્રભુનું શાસન દુપ્પસ્સહસૂરી મહારાજ સુધી સાડા અઢાર હજાર વરસ સુધી ચાલવાનું જ છે. શાસનની રક્ષા આપણે કરી શકીએ? Never.
તો શાસનરક્ષા, તીર્થરક્ષા શબ્દનો અર્થ શું? એ શાસન દ્વારા મારી રક્ષા. સીધી વાત છે. પ્રભુશાસન ન મળ્યું હોત તો આપણે ક્યાં હોત? એ શાસને આપણી કેટલી રક્ષા કરી? આપણા ભાવ પ્રાણોની રક્ષા કરનાર પ્રભુશાસન છે. એટલે કાયોત્સર્ગ કરજો, સાધના કરજો. કાયોત્સર્ગમાં શાસનરક્ષા નિમિતં કરેમિ કાઉસગ્ગં બોલજો પણ શાસનરક્ષા નો અર્થ હું શાસનની રક્ષા કરું એવું ક્યારેય પણ નહિ કરતા. શાસન દ્વારા મારી રક્ષા.
આપણે કહીએ તીર્થોદ્ધાર. શત્રુંજય મહાતીર્થના તીર્થોદ્ધાર થયા. હવે તીર્થોદ્ધાર શબ્દનો અર્થ આપણે શું કરીએ? કે ઝાવડશા એ, સમરાશા એ તીર્થનો ઉદ્ધાર કર્યો. ના. ઝાવડશા શું કહે છે? ઝાવડશાના મનના ભાવોને ૯૯પ્રકારી પૂજામાં વીરવિજય મહારાજ લઈને આવ્યાં. ‘સંવત એક અઠલંત રે ઝાવડશાનો ઉદ્ધાર, ઉદ્ધરજો મુજ સાહિબા’ ઝાવડશાએ એક ભક્તિનું નાનકડું કૃત્ય કર્યું અને પછી પ્રભુને કહ્યું કે પ્રભુ! આ એક નાનકડું કૃત્ય તારા ચરણોમાં હું મૂકું છું, એટલાં માટે કે તું મારો ઉદ્ધાર કરજે. મેં તારા તીર્થનો ઉદ્ધાર નથી કર્યો; તું મારો ઉદ્ધાર કરજે. એટલે તીર્થ દ્વારા ઉદ્ધાર.
કેટલી મજાની પરંપરા આપણને મળી છે. એટલે ભક્તિ અને મૈત્રી બેઉ આપણને ગળથુંથીમાંથી મળ્યા છે. ભક્તિની તાકાત પણ અદ્ભુત્ત છે. ભક્તિની તાકાત એ છે કે તમે ક્યારેય પણ દુઃખી હોવ નહિ. ક્યારેય પણ અમારી જેમ તમે પણ ever fresh અને ever green હોવ. ભક્તિ! પ્રભુ પર બધું છોડી દેવાનું છે. જ્ઞાની ભગવંતે જ્ઞાનમાં જે રીતે જોયું હોય એ પ્રમાણે બન્યા કરે.
મયણાસુંદરી ચોરીમા બેઠેલાં. શ્રીપાળનો હાથ પકડીને. એ વખતે શ્રીપાળજીની કાયા કોઢ રોગથી દુષિત. એટલી દુર્ગંધ એ કાયામાંથી નીકળતી. એક સેકન્ડ એની સાથે બેસી ન શકાય. એ વ્યક્તિને પૂરું જીવન સમર્પિત કરવાનું છે. આવી ઘટના વખતે પણ મયણા સુંદરી પીડિત નથી. રાસકારે મયણાના મુખ ઉપર અને મયણા ના હૃદય ઉપર કેમેરા ફેરવી મજાનાં સ્નેપ્સ લીધાં. “મયણા મુખ નવિ પાલટે રે અંશ ન આણે ખેદ” એક ઘટના ઘટી રહી છે. કેવી ઘટના? કેટલી પ્રતિકુળ ઘટના! અને એ ઘટનાના સમયે મયણાના મુખની એક રેખા પલટાતી નથી. મયણાના હૃદયમાં સહેજપણ વિષાદ આવતો નથી. કેમ? “જ્ઞાની એ દીઠું હોવે રે.” જ્ઞાની ભગવંતે જ્ઞાનમાં જોયું હોય એ બન્યા કરે.
હું ઘણીવાર કહું. એક ઘટના તમારાં જીવનમાં ઘટી ગઈ, તમને એનો ખ્યાલ નહોતો પણ અનંત કેવળજ્ઞાનીઓને એ ઘટનાનો ખ્યાલ હતો કે નહિ? હતો.. હવે એ ઘટના ઘટી ગઈ, તમે એ ઘટનાનો અસ્વીકાર કરો. એ ઘટનાને face કરો. તો શું કર્યું? તમે એ ઘટનાનો અસ્વીકાર નથી કર્યો અનંત કેવળજ્ઞાનીઓના જ્ઞાનનો અસ્વીકાર કર્યો. આ ભક્તિની ધારા જેને મળી હોય એ ક્યારેય દુઃખી હોય? જે વખતે જે ઘટના ઘટી રહી છે એનો સ્વીકાર કરી લો. આગળ ચાલો. ક્રમબદ્ધ પર્યાય, સાક્ષીભાવ.
તો મૈત્રીભાવ દ્વારા, હૃદયની કોમળતા દ્વારા હૃદયને ભરી દેવું છે. મને તો એમ લાગે કે સાધના બહુ નાનકડી છે. ધારો કે, પ્રભુથી હૃદય ભરી દેવું છે આપણે. બરોબર? તો પ્રભુથી ભરીએ એટલે મૈત્રીભાવ આવી જ જાય. કારણ કે પ્રભુએ દરેક આત્માઓને એક સરખી રીતે ચાહ્યા છે. કાનમાં ખીલા ઠોકનાર ઉપર પણ આપણા પ્રભુનો પ્રેમ હતો. કેવો પ્રેમ તમને ખબર છે? હેમચંદ્રાચાર્યે સક્લાર્હર્તમાં લખ્યું. ‘कृतापराधेऽपि जने, कृपामन्थरतारयोः’ એ અનાડી માણસ મહાવીરપ્રભુના કાનમાં ખીલા થોકે અને પ્રભુની આંખમાં આંસુ આવે! મારાં પ્રભુની આંખમાં આંસુ? હોય? હા, આંસુ આવ્યા. કેમ? પ્રભુને એ વિચાર થયો કે આ માણસ મારો મિત્ર છે. મારો ઉપકારી છે. મારા કર્મોને ખેરવી રહ્યો છે. પણ એ માણસ અત્યારે ખરાબ વિચારો કરી રહ્યો છે. ક્રોધના ભયંકર વિચારોમાં એ છે. એનાં કારણે શું એને દુર્ગતિમાં જવું પડશે? આપણા ભગવાને કાનમાં ખીલા ઠોકનાર ઉપર પ્રેમ વરસાવ્યો છે. હું તમારાં માટે એટલી અપેક્ષા રાખું. તમે કહી દો સાહેબ કોઈ કાનમાં ખીલા ઠોકે તો સહન ન થાય અને કોઈ જોશથી તમાચ ઠોકી દે ગાલ ઉપર તો પણ હું સહન ન કરું. વાંધો નહિ. કોઈ પાંચ-દશ કડવા શબ્દો તમને સંભળાવે તો તકલીફ પડે કાંઈ?
હું ઘણીવાર પૂછું. કોઈએ પીઠ ઉપર ધોકો માર્યો તો પીઠ સુજી જાય. ગાલ ઉપર જોશથી ધોલ ઠોકી તો ગાલ સુજી જાય. તો પાંચ-દશ શબ્દો કડવા કહ્યા તો શું થાય? કાનમાં સોજો આવે આમ? ક્યાં તકલીફ થાય? તો લોકો મને કહે સાહેબ કાનમાં નહિ મનમાં સોજો આવે. મને કીધું?!! પણ આપણે હું ને replace કરી નાંખીએ તો….? કોને કહ્યું? આને કહ્યું. મને ક્યાં કહ્યું છે?! તમે નીકળી જાઓ. તો આપણા પ્રભુએ બધાને જ ચાહ્યા છે. એ પ્રભુથી હૃદયને ભરી લઈએ તો મૈત્રીભાવથી હૃદય ભરાઈ જાય, સાક્ષીભાવથી હૃદય ભરાઈ જાય, વિતરાગદશાથી હૃદય ભરાઈ જાય. આમ જુઓ તો કેટલું નાનકડું કામ! તમારુ હૃદય કેટલું?
વિજ્ઞાનમાં આપણે બધા ભણેલાં છીએ. બંધ મુઠ્ઠીના આકારનું હૃદય. એટલાં નાનકડા હૃદયને પ્રભુથી ભરી દેવું અઘરું કામ છે કાંઈ? વિચાર તો આવે ને આજે આમ? અને એની સામે એક પ્રશ્ન કરું. અગણિત જન્મોમાં તમે તમારું હૃદય રાગ અને દ્વેષથી જ ભરેલું. અહંકારથી જ ભરેલું. હવે એનો અનુભવ તમારી પાસે છે. અત્યાર સુધી તમારું હૃદય શેનાથી ભરાયેલું છે? અહંકારથી. હું એટલે આમ… એ તમારો ‘હું’ સુખ આપે કે દુઃખ આપે? અને એને બદલે પ્રભુ હૃદયમાં આવી જાય તો સુખ જ સુખ. અમને ક્યારેક પૂછો ને તો પણ તમને આ વિચાર આવે. કે સાહેબ તમે આટલા બધા મજામાં છો એ તો દેખાય છે પણ આટલા બધા મજામાં કેમ છો? જવાબ એક જ હશે કોઈ પણ મહાત્માનો કે પ્રભુથી હૃદય ભરાઈ ગયું છે. હવે પ્રભુ સિવાય કાંઈ હૃદયમાં રહ્યું નથી. પૂરું મન… પૂરું ચિત્ત… પૂરું હૃદય.. પૂરું અસ્તિત્વ… પ્રભુથી ભરાઈ ગયું છે માટે મજા છે.
હવે આવું કેટલાય મહાપુરુષો તમને કહે તો તમને વિચાર તો આવે ને? વિચાર આવે ને તો અમારી પાસે આવી જજો. તમારાં હૃદયને પ્રભુથી કેમ ભરી દેવું એની ટેકનીક અમારી પાસે ઘણી બધી છે. હવે તૈયાર.. તો કેટલી easyest process છે. મનને પ્રભુથી ભરી દો. મૈત્રીભાવ પુરેપુરો આવી ગયો અંદર. આજે સવારે આપણે જોતા હતા કે મૈત્રીભાવની ધારાને તોડે છે કોણ? વિલન કોણ છે? વિલન બે હતાં. જડ પ્રત્યેનો રાગ, શરીર પ્રત્યેનો રાગ. અને ત્રીજું કારણ લઈએ તો ‘હું’ પ્રત્યેનો રાગ.
એક પદાર્થ પર રાગ છે. એ પદાર્થની કોઈ તોડફોડ કરે, એને કોઈક ચોરી કરી લે. તમને એ વ્યક્તિ ઉપર દ્વેષ આવે છે. ગળામાંથી સોનાની ચેઈન તોડીને પેલો નીકળી ગયો આગળ. તમને એ વ્યક્તિ ઉપર ગુસ્સો આવે છે. તમે એને ઓળખતાં પણ નથી. પણ એ ચેતના ઉપર દ્વેષ કેમ છલકાયો? સોનાની ચેઈન પરના રાગને કારણે. જરૂર તમે સંસારમાં છો. સંસારમાં પદાર્થો તમારે જોઇશે જ, સંપત્તિ તમારે જોઇશે જ. કેટલી? એ નક્કી જ કરવું છે. અને જેટલી સંપત્તિ જોઈએ એ પણ આવી જાય પુણ્યના ઉદયે. શાસ્ત્રો શું કહે છે? સંપત્તિ રાખવાની ના નથી. તમારું ઘર સારું હોય એમાં રહો એની ના નથી. પણ એના પ્રત્યે વધુ પડતો રાગ ન જોઈએ.
હમણાંની એક ઘટના કહું. આપણા યુગના મહાન પ્રભાવક. અને જેમને હું શાસનપ્રભાવિત કહું છું. એવા પૂજ્યપાદ ચંદ્રશેખરવિજય મહારાજ સાહેબ બહુ જ આગ્રહથી એક ભક્તને ત્યાં પગલા કરવા માટે ગયા. સાહેબજી ત્યાં પહોંચ્યા. ઘર દેરાસર હતું. દર્શન કર્યું. મંગલાચરણ ફરમાવ્યું. વ્યાખ્યાન આપ્યું. લોકો વિખેરાયા. પછી એ ઘરનો માલિક, બંગલાનો માલિક સાહેબ જોડે એકલો બેઠેલો. એક વાત તમને પૂછું. સદ્ગુરુના પગલાં ઘરે શા માટે કરાવો? બહુ મજાની વાત છે. તમારી સાધના ઉંચકાય એના માટે. તમારાં મનમાં એક જ અવધારણા હોય કે આ જન્મ માત્ર ને માત્ર પ્રભુએ કહેલી સાધના માટે જ મળ્યો છે. અને સદ્ગુરુ મારા આંગણે પગલાં કરે. અને એ સદ્ગુરુની ઉર્જા મારાં ઘરમાં પથરાઈ જાય તો એના કારણે અમારી સાધના એકદમ ઊંચકાઈ જાય.
વચ્ચે એક ઘટના યાદ આવી. પૂજ્યપાદ ભુવનભાનુસૂરિ મ.સા. અમદાવાદ પધારેલાં. સાહેબજી સંસારીપણે અમદાવાદના. એમાં પણ કાળુસિંહની પોળના. એ પોળવાળાઓ એ વિનંતી કરી પોતાના ઉપાશ્રયમાં સાહેબજીને થોડા દિવસ માટે પધરાવેલા. એ પોળમાં એક ભાઈ રહે. ચુસ્ત આરાધક. ઠામ ચોવિહાર એકાસણા ચાલે. ગમે એવો ઉનાળો હોય. અમદાવાદની પચાસ ડીગ્રી હોય ગરમી અને છતાંય ઠામ ચોવિહાર એકાસણા! અડધો કલાકમાં એકાસણું પૂરું. ત્રણ જ દ્રવ્યો વાપરવાનાં. રોટલી, મગની દાળ અને મમરા. પાણી પી ઉભા થઈ જવાનું. આવતીકાલે સાડા અગિયાર- બાર વાગે ફરી એકાસણું કરવા બેસે ત્યારે પાણી પણ પીવાનું. પાણી પણ વચ્ચે પીવાનું નહિ. ઠામ ચોવિહાર એકાસણું. એ શ્રાવકે ગુરુદેવને વિનંતી કરી કે સાહેબ, મારે ત્યાં પધારો. સાહેબજી ઓળખતાં હતા. મહાન આરાધક આત્મા છે. સાહેબજી એ ત્યાં પગલા કર્યા. પેલાં ભાઈના શ્રાવિકાજી સાહેબજીને ઓળખે. પોળના જ. નાનપણમાં સાથે ઉછરેલા હોય. કહે સાહેબજી આમને જરા સમજાવો ને. ઠામ ચોવિહાર એકાસણું. અને ત્રણ દ્રવ્ય. શરીરને ચલાવવું છે કે નથી ચલાવવું એમણે? આ શરીર દ્વારા જ આખરે આરાધના થવાની છે ને. એ ભાઈ શું કહે છે. તું બેસ હમણાં. જિનશાસનના એક મહાન આચાર્ય આપણે આંગણે પધાર્યા છે. અને આવા ગુરુદેવ પધારે ત્યારે ત્યાગની વાત થાય તું વધારવાની વાત કરે છે? ગુરુદેવ આપ મારે આંગણે પગલાં કર્યા બહુ સરસ. આજે મમરાનો ત્યાગ કરું છું. હવેથી બે દ્રવ્યોનું એકાસણું કરીશ.
સદ્ગુરુના આંગણે પગલાં થાય. તમારી સાધના ઉંચકાઇ જાય.
પેલા ભાઈ જે હતા એ ભક્ત હતા. પણ ઊંડું કાંઈ સમજતા નહિ. સાહેબ પ્રત્યે ખાલી ભક્તિ. એણે કહ્યું, સાહેબ જોયો મારો બંગલો. First class છે ને? ત્યાંથી આગળ વધ્યો. સાહેબ, આ ફર્નીચર જોયું? Pure શીશમ. ઊંચામાં ઉંચી જાતનું. અહિયાં ઓરિસ્સાના કારીગરોને જાતે બેસાડી કામકાજ કરાયેલું છે. સાહેબજી carving તો જુઓ કોતરકામ! એકેક ખુરશીમાં પાંચ-પાંચ કારીગરોનો મહિનો-મહિનો લાગ્યો. સાહેબજીને વાત કરે છે..!
સાહેબજી હસવા લાગ્યાં. પછી ઉભા થયા. ઉભા થઈને ખુરશીને જોવા લાગ્યાં. પેલો ખુશ થઈ ગયો! વાહ! સાહેબજીને કોતરકામ ગમી ગયું લાગે છે! કહે, સાહેબજી બરોબર છે ને કોતરકામ? સાહેબજી કહે હું તો એ જોવું છુ કે તું મરીને કદાચ કીડા તરીકે ઉત્પન્ન થાય તો આમાં ક્યાં ઉત્પન્ન થવાનો? અને પછી કહ્યું, હરામખોર સંસારમાં તું છે. તારે બંગલો હોય, ફર્નિચર હોય. પણ એના પ્રત્યેનો આટલો બધો રાગ! આ રાગ તને કેટલા કર્મબંધમાં લઇ જશે?! અને આ કર્મમાંથી તું ક્યારે છુટીશ? સંસારમાં રહેવું પડે એ જુદી ઘટના છે પણ આટલો બધો રાગ! અને એ શ્રાવકને! હોય?!
તો જડ પ્રત્યેનો રાગ ઓછો થાય, શરીર પ્રત્યેનો રાગ અને હું પ્રત્યેનો રાગ ઓછો થાય એટલે મૈત્રીભાવની ધારા અખંડ ચાલે.
સંત વિનોબાજી એક ગામમાં ગયેલાં. પોદારયાત્રા એમની ચાલતી હતી. એમાં એક ગામમાં ગયેલાં. ત્યાં એક આશ્રમ હતો. આશ્રમવાળાએ વિનોબાજીનો સત્કાર કર્યો. આશ્રમમાં વિનોબાજી રોકાયા. એ ગામની અંદર એક બહુ જ પ્રતિષ્ઠિત હિંદુ મંદિર હતું. હજારો લોકો રોજ બહારથી દર્શન માટે આવતા. પણ ગામના હરિજનોને એ મંદિરમાં પ્રવેશ મળતો ન હતો. આ આશ્રમવાળાઓ એ નક્કી કર્યું કે આપણે હરિજનોનો મંદિર પ્રવેશ કરાવવો. એ date આગલા દિવસે જ હતી. અને વિનોબાજી એનાં આગલાં દિવસે આવી ગયેલાં. આશ્રમના સત્તાવાળાઓએ વિનોબાજીને વિનંતી કરી કે આવતીકાલે હરિજનોને મંદિરમાં દર્શન માટે લઇ જવાના છે. આપ કાલે અહિયાં રોકાઈ જાઓ. આપના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજાય. વિનોબાજી ખરેખર સંત હતા. એમણે કહ્યું કે હરિજનો પ્રભુનું દર્શન કરે એનો કોઈ વાંધો નથી. પણ કોઈનો વિરોધ નથી ને? લોકોનો વિરોધ હોય તો એવું કાર્ય હું ક્યારેય કરતો નથી. ગમે ત્યાં ભગવાન જ છે. બીજા ભગવાનના દર્શન કરી લે. આશ્રમવાળાએ શું કર્યું, એક કાગળ બતાવ્યો. મંદિર – ટ્રસ્ટનો જ હતો કાગળ. Letter head એમાં લખેલું કે તમે હરિજનોને લઈને મંદિરમાં આવો, અમારી અનુમતિ છે. પાંચ ટ્રસ્ટીઓની સહી પણ હતી નીચે…. કાગળ બતાવ્યો. વિનોબાજી આશ્વસ્થ થઈ ગયા કે ટ્રસ્ટીઓની હા છે તો હવે કોઈ વાંધો નથી. ખરેખર વાત એવી હતી કે ટ્રસ્ટીઓ અગિયાર હતા. પાંચની સહી વાળો કાગળ હતો. છ ટ્રસ્ટીઓ વિરોધમાં હતા.
બીજી સવારે વિનોબાજીની આગેવાનીમાં સરઘસ નીકળ્યું. સેંકડો હરિજનો. જે છ ટ્રસ્ટીઓને આ વાત મંજુર ન હતી એમણે ગુંડાઓ રાખેલાં કે જ્યાં સરઘસ મંદિર પાસે આવે તૂટી પડવાનું. પણ એક પણ હરિજન મંદિરમાં જવો જોઈએ નહિ. જ્યાં એ બધા મંદિરની નજીક આવ્યાં, ગુંડાઓ તૂટી પડયા. પહેલી જ લાકડી વિનોબાજીને વાગી. માથા ઉપર. લોહીની ધારા વહેવા લાગી. વિનોબાજીનું શરીર સુકલકડી. ત્યાંને ત્યાં એ બેભાન થઈ ગયા. તરત જ સ્ટ્રેચરમાં એમને સૂવાડીને આશ્રમમાં લઇ જવામાં આવ્યા. સરઘસ આખું તીતર-બિતર થઈ ગયું. વિનોબાજીને આશ્રમમાં લાવવામાં આવ્યાં. પાટાપિંડી થઈ. ભાનમાં આવ્યાં. ભાનમાં આવ્યાં ત્યારે વિનોબાજીએ કહ્યું કે હું તો પ્રભુના દર્શન માટે જતો હતો; પ્રભુએ સામે ચાલીને મને સ્પર્શ આપ્યો!
ગુંડાની લાકડી પડી એ વખતે પણ જે સમભાવ રહ્યો. જે મૈત્રીભાવ રહ્યો. વિનોબાજી કહે છે, પ્રભુના દર્શન માટે જતો હતો. પ્રભુએ સામે ચાલીને મને સ્પર્શ આપ્યો. તો એક મૈત્રીભાવ આપણી ભીતર આવી જાય. તમારું ચિત્ત નિર્મળ-નિર્મળ બની જાય. અને પછી, આજ્ઞા તું નિર્મલં ચિત્તં કર્તવ્યમ્ સ્ફટિકોપમમ્. તમારું ચિત્ત નિર્મળ-નિર્મળ બની ગયું એટલે પ્રભુની આજ્ઞાના આરાધક તમે થઈ ગયા. આમ જુઓને કેટલો મજાનો શોર્ટકટ છે આ. શોર્ટકટ કહું કે શોર્ટેસ્ટકટ કહું?
પ્રભુની આજ્ઞા પિસ્તાળીસઆગમ ગ્રંથોમાં ફેલાયેલી છે. શ્રાવકોને માટે પણ ઘણી બધી આજ્ઞા, સાધુઓને માટે પણ ઘણી બધી આજ્ઞા. પણ યોગસારગ્રંથના રચયિતા મહાપુરુષે કેવી કૃપા કરી કે એક નિર્મળ ચિત્તની અંદર પ્રભુની આજ્ઞાનો સંપૂર્ણતયા એમણે સમાવેશ કરી દીધો.
તો છ સેશનમાં આપણે એક જ વાત ઘૂંટી છે કે ચિત્તને નિર્મળ બનાવવું છે. બીજાના દોષોને ક્યારેય પણ જોવા નથી. મૈત્રીભાવ ખંડિત થાય છે તેનું એક કારણ આ પણ છે. આપણને એવું લાગે ને કે પેલામાં દોષ છે એટલે હું જોવું છું. આમાં પણ છે ને તમારાં મનનું તમારી જોડે ચીટીંગ છે. એનામાં દોષ છે માટે તમને દેખાય છે એમ નહિ. તમારી દોષદ્રષ્ટિ છે, માટે તમને દોષ દેખાય છે.
હવે એક બીજી વાત કરું. રોગ અને રોગી. કેન્સર કોઈને થયું છે. કેન્સર ખરાબ કે કેન્સર જેને થયું છે એ વ્યક્તિ ખરાબ? ખરાબ કોણ બેમાંથી? કેન્સર ખરાબ ને? કેન્સર થયું છે એ વ્યક્તિ તો હમદર્દીને પાત્ર છે. તો દોષ એ રોગ છે. અને દોષ જેનામાં છે એ રોગી છે. આપણા મનનું ચીટીંગ એ છે કે આપણે અહિયાં ઉંધી ગંગા વહેવડાવીએ છીએ. અહિયાં આપણને દોષ ખરાબ લાગતો નથી. દોષી વ્યક્તિ ખરાબ લાગે છે. બોલો શું ખરાબ લાગે…?
પેલો માણસ.. હવે એની વાત છોડોને યાર, અહંકારનું પુતળું છે! પણ તારામાં છે એનું શું અહંકાર?! તો તમે ઉંધી ગંગા વહેવડાવી. પેલામાં શું હતું? રોગ ખરાબ. રોગી ખરાબ નહિ. અહીંયા તમે શું કહો છો? અહંકાર જે છે એ ખરાબ એમ નહિ. પેલામાં અહંકાર છે ને એ અહંકારી માણસ ખરાબ. પણ એ ખરાબ બન્યો કેમ? અહંકારને કારણે. ખરેખર તો કાઢવાનો અહંકારને છે ને? રોગને કાઢો તો રોગી ક્યાં રહેવાનો? એ નિરોગી વ્યક્તિ થઈ જવાનો ને. કેન્સર ટ્રીટ થઈ ગયું. ફર્સ્ટ સ્ટેજમાં હતું. કીમો લીધા. અને ગયું કેન્સર. તો રોગી રહ્યો હવે? રોગ ગયો તો રોગી ક્યાં રહ્યો? એ નિરોગી થઈ ગયો. તો અહીંયા રોગને કાઢવો છે કે રોગીને કાઢવો છે? તમારે શું કરવું છે? અહંકારનો રોગ, એ રોગ તમારામાં છે એને કાઢવો છે? પણ તમને અહિયાં બીજો અહંકારી છે એ ખરાબ લાગે છે. બીજો ક્રોધી છે એ ખરાબ લાગે છે. તમે તો એટલાં પ્રબુદ્ધ! તમારામાં ગુસ્સો હોય ને તમે શું કહો. સાહેબ થોડો તો ગુસ્સો જોઈએ જ પાછો. ન હોયને બધા ચડી બેસે ઉપર.
બીજી એક વાત કરું. કોઈ સાધક છે. ધારો કે, કોઈ મહાપુરુષ. આદરણીય છે. કર્મસંયોગે એમનામાં ક્રોધ કે એવું કંઇક છે. તમે એમનામાં ક્રોધ જોયો. જોઇને તમે શું કરવાના? ઓહ! આટલા મોટા મહાપુરુષ એમનામાં ક્રોધ છે, આપણામાં હોય તો વાંધો શું? આ બીજાનો દોષ જોઇને તમે profit માં આવ્યા કે loss માં આવ્યા? દોષ જોવાથી આપણને શું મળે? તમે એવી કોઈ પ્રવૃત્તિ કરો ખરા, જેમાંથી તમને કોઈ પ્રોફિટ ન થતો હોય? દોષો જોવાથી શું થાય? પણ દોષ જોવા જ છે ને તો પણ છૂટ આપું. તમારામાં દોષો છે જોઇ લો. બહાર સુધી લાંબા ક્યાં થાવ છો પણ આમ? દોષો જ જોવા છે ને? જોઈ લો અંદર. રાગ છે અંદર, દ્વેષ અંદર છે, અહંકાર અંદર છે. બધું અંદર પડેલું છે. જોઇ લો અંદર. અત્યાર સુધી બીજાના દોષો જ આપણે જોયા કર્યા છે. હવે બીજાના ગુણ જોવાના છે. દરેક આત્મામાં ગુણ છે. હવે શ્રીપાળજીને યાદ રાખવાનાં કે ધવલશેઠ મારા ઉપકારી છે.
બૌદ્ધ પરંપરામાં આવી જ એક મજાની ઘટના આવે છે. બોધિસત્વ એક જન્મમાં પાડાના અવતારે છે. શરીર પાડાનું છે પણ જ્ઞાન છે. તો એ પાડો એક શેઠને ત્યાં છે. ત્યાં પાણી દુરથી લાવવાનું છે. પાડા ઉપર પખાળો મુકે અને એમાં પાણી લાવવાનું. સવાર-સાંજ પાણી લાવવાનું. બાકીના સમય પાડો ઘરના આંગણામાં એક ઝાડ સાથે બંધાઈને પડેલો હોય. ઘાસ વિગેરે ખાધા કરે. જે ઝાડ નીચે પાડો રહેતો એ ઝાડ ઉપર એક કાગડો રહેતો. કાગડો તો અડવીતરો હોય જ. ક્યારેક પીઠ ઉપર બેસે પાડાની. ચાંચ મારે. ક્યારેક ઠેઠ આંખ સુધી પહોંચી જાય. ત્યાં ચાંચ મારે. પણ પાડો કોઈ પ્રતિક્રિયા ન કરે.
અંગ્રેજીમાં બે શબ્દો છે. Action ની સામે reaction. આપણે ત્યાં બે શબ્દો છે. Action સામે non-action. તમારી દુનિયાની ભાષામાં બે શબ્દો. Action સામે reaction. કોઈએ કંઇક કહ્યું, ઈંટનો જવાબ પત્થરથી. Action આવ્યું નથી, reaction થયું નથી. પ્રભુની સાધનાનો સિદ્ધાંત આ છે. Action ની સામે non-action. કહ્યું તો કહ્યું એણે. બસ વાત પૂરી થઈ ગઈ. મારે પ્રતિભાવ આપવો કે ન આપવો એ મારી સ્વતંત્રતાની વાત છે. તો એ પાડો non-action ની મુદ્રામાં હતો. ક્યારેય action નું reaction નહિ. એ ઝાડ ઉપર એક વ્યંતર દેવ રહેતો હતો. એ વ્યંતરદેવે પાડાને એની ભાષામાં કહ્યું, કે આ કાગડો આટલો તને હેરાન કરે છે. જરા એને ખો ભૂલવી દે ને. નીચે બેઠેલો હોય એ દાણા ચણવા માટે, એક પાટું એવું ઠોકને કે કાગડો ખો ભૂલી જાય પછી. એ વખતે એ પાડો વ્યંતરદેવને કહે છે, કાગડાને મારાથી પાટું કેમ મરાય? એ તો મારો ઉપકારી છે! કાગડો મારો ઉપકારી છે! કાગડો તારો ઉપકારી? તો કહે હા. કઈ રીતે? કહે મારે સમત્વના પાઠો શીખવાના છે. બોધિસત્વમાંથી બુદ્ધ તરીકે મારે જવાનું છે. અને સમતાવતાર, કરુણાવતાર, પ્રેમાવતાર મારે બનવાનું છે. તો મારી ક્ષમતા જે છે એ કેટલી છે. એની પરીક્ષા આ કાગડો કરે છે. તો એ તો પરીક્ષક. મારો ગુરુ છે. ગુરુને કાંઈ પાટું મરાય કંઈ….?!
તો આપણે એક આ રીતે નિર્મળ ચિત્ત બનાવવા માટે ઘણા બધા આયામો જોયા. સાધનાની ત્રિપદી પણ આપી. આંતરનિરીક્ષણ, સંકલ્પો અને જાગૃતિ. અનેક માર્ગો આપવાનું કારણ એક જ હતું કે કોઈપણ માર્ગે પણ તમે ચાલો. પણ તમે ચાલવાના જ છો. ક્યારે? તમારાં મનમાં એક ઝંખનાનું બીજ રોપાઈ ગયું હશે તો. છ સેશનમાં મારે એક જ result મેળવવું છે કે તમારાં મનમાં એક ઝંખનાનું બીજ વવાય કે જો પ્રભુની આજ્ઞા એટલે નિર્મળ ચિત્ત છે તો આ જન્મ પ્રભુની આજ્ઞાના પાલન માટે છે. મારે મારા ચિત્તને નિર્મળ બનાવવું છે. આટલુ જ તમારાં મનની અંદર સ્પષ્ટ થઈ જાય. તમારાં મનમાં એક તીવ્ર ઝંખના આજથી થઈ જાય એટલે મારું કામ પૂરું થયું. તમારું કામ પછી શરુ થઈ જાય.
આ જે પ્રેક્ટીકલ સાધના તમને શીખવી. એ પણ કરજો. દસ-પંદર મિનીટ રોજ આપવી કોઈ અઘરી બાબત નથી. ધીરે-ધીરે-ધીરે મનને શાંત કરવાની આખી પ્રક્રિયા છે. પહેલાં આપણે શ્વાસને લયબદ્ધ કરીએ છીએ. શ્વાસને અને વિચારોને સંબંધ છે. શ્વાસને અને મનને સંબંધ છે. શ્વાસ સ્થિર થાય એટલે વિચારોની ગતિ સ્થિર થાય. પછી ભાષ્ય જાપ કરી માનસ જાપની અંદર એકદમ આપણે એકાગ્ર બનીએ. એ એકાગ્રતા આપણી તિત્થયરા મે પસીયંતુ પદમાં છે. ચોથા ચરણમાં એ જ એકાગ્રતાને આપણી અંદર જે સમભાવ છે એના અનુભવમાં મૂકી દઈએ. અને આ રીતે એક સમભાવનો અનુભવ, તમારી ભીતરની શાંતિનો અનુભવ તમને સવારના પહોરમાં રોજ થઈ જાય તો તમારો આખો દિવસ મજાનો-મજાનો થઈ શકે. પછી પણ સમય મળે ત્યારે દસ-પંદર મિનીટ આ રીતે તમે શાંતચિત્તની, નિર્મળચિત્તની સાધના કરી શકો. તો આપણે પ્રેક્ટીકલ શરુ કરીએ. છેલ્લું પ્રેક્ટીકલ.