Maun Dhyan Sadhana Shibir 03 – Vachana – 1

1.4k Views 20 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

આ જીવનનું લક્ષ્ય : સ્વાનુભૂતિ

જીવન મળ્યું છે અનમોલ, પ્રભુનું શાસન મળ્યું છે અદ્વિતીય… પણ શા માટે? આ જીવનને, પ્રભુ શાસનને પામીને આપણે શું મેળવવું છે? આપણા જીવનનું લક્ષ્ય શું?

ઘટનાઓ અને પદાર્થોના સંયોગથી મળેલું સુખ પરાધીન સુખ છે. આપણને જોઈએ સ્વાધીન સુખ; જે આપણું પોતાનું જ હોય. જેને કોઈ ઘટના, કોઈ કાળ, કોઈ પરિસ્થિતિ અસર ન કરી શકે. અને એવું આનંદનું ઝરણું આપણા દરેકની ભીતર વહી રહ્યું છે. આપણું લક્ષ્ય છે એ આનંદની પ્રાપ્તિ.

આનંદ એ આપણો પોતાનો ગુણ છે. એટલે આનંદની પ્રાપ્તિ એટલે સ્વની અનુભૂતિ. સ્વાનુભૂતિ એ જ આપણું લક્ષ્ય.

મૌન ધ્યાન સાધના શિબિર – ૦૩ (ઘાટકોપર) – વાચના – ૧

નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિઆણં
નમો ઉવજઝાયાણં
નમો લોએ સવ્વ સાહૂણં
એસો પંચ નમુક્કારો
સવ્વ પાવપ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિં
પઢમં હવઈ મંગલં

કૃતાપરાધેsપિ જને, કૃપામંથરતારયો:
ઇષદ્દબાષ્પાર્દ્રયોર્ભદ્રં, શ્રી વીર જિન નેત્રયો:

कमठे धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वति |
प्रभुस्तुल्य मनोवृत्ति: पार्श्वनाथ: श्रियेस्तु वः ||

યસ્યાભિધાનં મુનયોSપિ સર્વે, ગૃહ્ણતિ ભિક્ષા ભ્રમણસ્ય કાલે,
મિષ્ટાન્નપાનામ્બર પૂર્ણકામા:, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે
જ્ઞાનધ્યાનક્રિયાધિકાર્ય કુશલ:, પ્રધુમ્ન જેતા ગુરુ, 
આંતરલોચનમેકમસ્તિ સુતરાં, પૃદભાષિતં યસ્ય વૈ,
ૐકારેણ સુસેવિતોSપિ સતતં, ૐકાર સેવા પરઃ
સોયં સૌમ્યમના : સદા વિ જયતે, શ્રી સિદ્ધિસૂરીશ્વર:
સોયં સૌમ્યમના : સદા વિ જયતે, શ્રી ભદ્રસૂરીશ્વર:
સોયં સૌમ્યમના : સદા વિ જયતે, શ્રી ૐકારસૂરીશ્વર:
સોયં સૌમ્યમના : સદા વિ જયતે, અરવિંદસૂરીશ્વર:
વિષય : અનહદની ખોજમાં
ૐકાર બિંદુ સંયુક્તમ, નિત્યં ધ્યાયંતિ યોગિન:
કામદં મોક્ષદં ચૈવ, ૐકારાય નમો નમઃ

જીવન મળ્યું છે અનમોલ, પ્રભુનું શાસન મળ્યું છે અદ્વિતીય, પણ શા માટે… why? આ જીવનને પામીને, પ્રભુ શાસનને પામીને, આપણે શું મેળવવું છે…?

આજે આપણે લક્ષ્ય નક્કી કરીએ… આનંદની પ્રાપ્તિ એ આપણું લક્ષ્ય હોઈ શકે. અત્યાર સુધી શાશ્વતીના લયનો આનંદ મળ્યો નથી. એક પદાર્થ સારો મળ્યો, એક ઘટના સારી ઘટી. હર્ષનું ઝરણું ચાલ્યું. ઘટના પ્રતિકૂળ ઘટી. હર્ષ શોકમાં પલટાઈ ગયો. ઘટનાના આધારે થયેલો હર્ષ એ પરાધીન હર્ષ થયો. એ પરાધીન સુખ થયું. આપણને જોઈએ સ્વાધીન સુખ. જે મારું પોતાનું જ હોય. જેને કોઈ ઘટના, કોઈ કાળ, કોઈ પરિસ્થિતિ અસર ન કરી શકે. એ આનંદનું ઝરણું આપણા દરેકની ભીતર ચાલી રહ્યું છે. એ આનંદના ઝરણાને કાંઠે છબછબીયા તો ક્યારેક માર્યા હશે. આજે ડૂબકી લગાવવી છે. તો લક્ષ્ય: આનંદની પ્રાપ્તિ.

આનંદ એ આપણો ગુણ છે. એટલે આનંદની પ્રાપ્તિ એટલે સ્વની અનુભૂતિ. તો સ્વાનુભૂતિ એ આપણું લક્ષ્ય થયું. હું મને જ ન ઓળખું તો કેમ ચાલે! ટી.વી. ના ટચુકડા પડદે  હજાર કિલોમીટર દૂર થઇ રહેલ ઘટનાને lively જોઈ રહેલો માણસ પોતાની ભીતર હજુ સુધી ડોક્યું કરી શક્યો નથી. તમારો જ આનંદ છે. અને મહાપુરુષો એ આનંદનો તમને પરિચય કરાવીને એ આનંદની દુનિયામાં મુકવા માટે ઈચ્છે છે.

તો લક્ષ્ય નક્કી થયું સ્વાનુભૂતિ. તો એના માટેના માર્ગો છે… સ્વાધ્યાય, ભક્તિ, વૈયાવચ્ચ. સવાલ એક થાય કે ભક્તિ વર્ષોથી કરતા આવ્યા છીએ પ્રભુની, છતાં આપણો આનંદ આપણને કેમ ન મળે?! માર્ગ ઉપર ચાલો properly perfectly તો મંઝિલ મળે છે. વર્ષોથી ભક્તિધારામાં તમે વહ્યા.. અને છતાં તમારા આનંદની પ્રાપ્તિ તમને ન થઇ. સ્વાનુભૂતિ તમને ન થઇ. તો માનવું પડે કે ક્યાંક કંઈક ગરબડ છે. પ્રભુએ આપેલા માર્ગમાં બિલકુલ વ્યવસ્થિતતા છે. સર્વજ્ઞ પ્રભુએ આપેલા દરેક માર્ગો ૧૦૦% નહિ, ૧૦૫% બરોબર છે. આપણે ચાલવામાં ક્યાંક ચુક્યા.

આજે આપણે આંતર નિરીક્ષણ કરવા માંગીએ છીએ. લક્ષ્ય અગણિત જીવન પહેલાનું પણ આ જ હતું. અને આજનું પણ આ છે. કોઈ પણ માણસને પૂછો કે શા માટે બધું કરે છે… મજુરી કરે છે, સર્વિસ કરે છે, બીઝનેસ કરે છે… શા માટે? આનંદ મેળવવા માટે. આનંદ મેળવવો એ લક્ષ્ય તમારું હતું જ. આજે મેં આપ્યું એમ નહિ,બરોબર… એ લક્ષ્ય તમારી પાસે હતું જ.

પભુ શાસનમાં તમે જન્મ્યા એટલે માર્ગો પણ તમને properly, perfectly મળી ગયા. તો આપણે ક્યાં ચુક્યા? એવું નથી કે આ જન્મમાં જ આપણને પ્રભુનું શાસન મળ્યું. કેટલાય જન્મોમાં પ્રભુનું શાસન તમને મળેલું. પ્રભુની સાધના તમે બરોબર આચરેલી. તો ગરબડ ક્યાં રહી ગઈ…? કારણ એને આપણે નહિ જોઈએ તો આ જન્મની સાધના પણ આપણને આનંદ અપાવનારી નહિ બને.

પ્રભુનો સાધુ, પ્રભુની સાધ્વી ever grace, ever fresh, ever green. શું કારણ… કારણ શું… અમે લોકો સ્વયં સંપૂર્ણ છીએ. અમારે કશું જ જોઈતું નથી. શરીરને રોટલી – દાળ જોઈએ છે, એ શ્રી સંઘ ખુબ પ્રેમથી આપે છે. અમારા મનને કશું જ જોઈતું નથી. મનને, વ્યક્તિત્વને, અમારા અસ્તિત્વને માત્ર પ્રભુ જોઈતા હતા. એ પ્રભુ મળી ગયા… કામ પરિપૂર્ણ થઇ ગયું. અને પ્રભુ મળ્યા એટલે… પ્રભુ મળ્યા પછી પ્રભુની air – condition હથેળીમાં જ આપણે રહેવાનું હોય છે. ગમે તેવી ઘટના ઘટે, ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓ સર્જાય, તમે માત્ર ને માત્ર આનંદમાં હોવ.

અમે લોકો સ્વયં સંપૂર્ણ છીએ… અને એટલે આનંદથી પણ પૂર્ણ છીએ. એક મજાનો સવાલ પૂછું… મુંબઈની પાસે અહોભાવ ખુબ જ છે. એક સાધુ ભગવંતને જોઈને, એક સાધ્વીજી ભગવતીને જોઈને, તમારી આંખોમાં અહોભાવનો દરિયો ઉમટે છે. પણ આજે એક સવાલ પૂછું કે અમને જોઇને ઈર્ષ્યા આવે છે તમને? ઈર્ષ્યા આવે….? આ સાધ્વીજી ભગવતીઓ આગળ બેઠી છે, એમને જોઇને તમને ઈર્ષ્યા આવે..? આટલો બધો આનંદ…! આ જીવનમાં હોઈ શકે…! એવું તમે અમારી પાસેથી અનુભવી શકો.

દુનિયાને જોઇને રખડીને આવેલો માણસ સંત પાસે આવે છે. સંતના આનંદને જોવે છે. ત્યારે એને થાય છે કે આખી દુનિયા ફરી વળી પણ આવો આનંદ ક્યાંય કોઈની પાસે જોયો નહિ. એ આનંદ આજે તમને આપવો છે. તૈયાર..?

તો સ્વાધ્યાય એ પણ માર્ગ, ભક્તિ એ પણ માર્ગ, એ સ્વાધ્યાયની ધારામાં, એ ભક્તિની ધારામાં… વર્ષો સુધી તમે ઝૂમ્યા… આમ તો કહું તો જન્મો સુધી. જન્મોથી ઝૂમી રહ્યા છો… લક્ષ્યની પ્રાપ્તિ કેમ ન થઇ…? ભક્તિની ધારામાં વહો છો. ભક્તિ એટલે શું? એક બહુ મજાનું પદ છે – જેમાં ભક્તિની બહુ જ પ્યારી વ્યાખ્યા આપવામાં આવી છે. એ પદનો સ્વાધ્યાય કરતાં કરતા ભક્તિના હાર્દ સુધી જઈએ. અને ભક્તિના માર્ગને પામીએ અને માર્ગ મળી ગયો, ચાલવાનું થઇ ગયું; મંઝિલ આ રહી!

“ભક્તિકા માર્ગ ઝીણા ઝીણા રે” ભક્તિનો માર્ગ અઘરો છે. એ માર્ગ કેટલો અઘરો છે. એની વાત ૧૪માં સ્તવનમાં પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતે કરી. “ધાર તલવારની સોહીલી, દોહીલી ચૌદમાં જિનતણી ચરણસેવા” તલવારની ધાર પર ચાલવું સહેલું છે, પણ પ્રભૂની ભક્તિ કરવી અઘરી છે. કેમ…? તલવારની ધાર ઉપર તમે ચાલો… આંગળીઓ તૂટી જાય, પગમાંથી લોહીની ધારા છૂટે. પણ પ્રભુની ભક્તિ કરવી હોય ત્યારે તમારા પૂરા વ્યક્તિત્વ ને તોડી નાંખવું પડે. તમારા હું ને તમે તોડી ના નાંખો ત્યાં સુધી ભક્તિ શક્ય નથી.

સમર્પણ એ જ ભક્તિ. ભક્તિનો એક અર્થ છે ભાગાકાર… ૧૬ની રકમ ૪થી એને ભાંગો, ૧૬ ની રકમ વચ્ચે છે… એક કર્ણ ઉપર ૪, બીજા કર્ણ ઉપર ૪ નીચે શૂન્ય આવશે. ૧૬ ની રકમ એ તમે, એક કર્ણ ઉપર પ્રભુ, એક કર્ણ ઉપર સદ્દગુરુ … તમે  sandwich થઇ ગયા. આમ પણ સાધકની, શિષ્યની એક વ્યાખ્યા છે, જે શૂન્ય બનવા માટે રાજી હોય; તે શિષ્ય, તે સાધક… અને જે તમને શૂન્ય બનાવી દે; તે સદ્દગુરુ .

અહંકારમય હું જ્યાં સુધી ધ્વસ્ત ન થાય ત્યાં સુધી આનંદમય હું નો અનુભવ તમે શી રીતે કરી શકો! આપણા ત્રણ હું છે. એક હું નો પરિચય તો તમને બહુ જ છે. અહંકારના લયનો હું. હું આમ કરી નાંખું, ને હું આમ કરી નાંખું.

પ્રભુ શાસનમાં અવતર્યા. એટલે બીજું હું મળ્યું; અહોભાવના લયનો … મેં પ્રભુનો અભિષેક કર્યો, મને આનંદ આવ્યો. મેં છે, હું છે પણ અહંકારનો લય નથી. અહોભાવનો લય છે. અને એના પછી આનંદઘનતા ના લયનો હું આવ્યો. હું એટલે આનંદઘન ચૈતન્ય. તો બે હું તો તમારી પાસે છે જ… બરોબર…. બે હું તમારી પાસે છે. અહોભાવ વાળું હું કલાક – બે કલાક. બરોબર? અહોભાવ વાળું હું કેટલા કલાક? – એક – બે કલાક. ૨૨ કલાક – અહંકારના લયનો હું. આપણી કોશિશ એ છે કે ધ્યાનમાં એવા જઈએ… ભક્તિમાં એવા ઊંડાણમાં જઈએ… કે આનંદઘન ચૈતન્યને ૨૪ કલાક માટે અનુભવી શકીએ. અમે જો ૨૪ કલાક જો આનંદને અનુભવી શકતા હોઈએ તો તમે કેમ ન અનુભવો? માત્ર તમારી ઈચ્છા શક્તિ મારે જગાડવી છે.

એક વાત by the way પૂછું… અહંકારના લયના હું નો કંટાળો આવ્યો છે? થાકી ગયા, હેરાન – પરેશાન થઇ ગયા એનાથી; છતાં એનો કંટાળો આવે છે? એ કંટાળો આવે; એટલે યાત્રા શરૂ. ભક્તિ કા માર્ગ ઝીણા ઝીણા રે… તો જે તમને શૂન્ય બનાવે; તે સદ્દગુરુ . અને વિભાવશૂન્ય બનવા માટે જે રાજી હોય; તે સાધક. તમે બધા સાધક છો. શૂન્ય બનવાને માટે રાજી થઈને આવ્યા છો.

એક વાત તમને કહું , પરમ ચેતનાના સમંદરને કાંઠે અગણિત વાર આપણે જઈ આવ્યા. ઠેક કિનારા સુધી ગયા, છબછબીયા પણ લગાવી દીધા. પણ એ પાણીમાં જાતને તરતી ન મૂકી. એક જ ભય હતો… મારી identity નું શું? તમે identity less બનો; તો જ પરમાત્મા તમને મળે. Identity less બનવા તૈયાર છો?

સાંજના સમયે મીરાં સદ્દગુરુના આશ્રમે ગઈ. દરવાજા બંધ. મીરાં એ ટકોરા લગાવ્યા. અંદરથી અવાજ આવ્યો, કોણ છે? મીરાં એ કહ્યું – હું મીરાં! પ્રભુના ચરણોની દાસી. તમને લાગે કે કેટલી સરસ રીતે મીરાં એ પોતાને introduce કરી. હું મીરાં! પ્રભુના ચરણોની દાસી. દ્વાર ખુલ્યા. ગુરુના ચરણો પર મીરાં શાષ્ટાંગ દંડવત્ થઈને ઝુકી. બેઠી. ગુરુએ પૂછ્યું કે બેટા! તે હમણાં કહ્યું – હું મીરાં! પ્રભુના ચરણોની દાસી. બેટા! આ બેઉ સાથે કઈ રીતે હોઈ શકે…?! કે તું મીરાં પણ હોય, પ્રભુના ચરણોની દાસી પણ હોય. મીરાં ને ખ્યાલ નહિ આવ્યો કે સદ્દગુરુ  શું કહેવા માંગે છે… એણે સદ્દગુરુની સામે આંખો ઉંચી કરી, ગુરુદેવ મને સમજાવો. એ વખતે ગુરુએ કહ્યું, પ્રભુના ચરણોની દાસી બનવું એટલે શું…? વરસાદનું એક બિંદુ દરિયામાં પડે, એ દરિયામાં પડ્યું, પછી કોઈ કહે કે એ જ બિંદુને બહાર કાઢો તો… એ બિંદુ ગયું. એ identity less થઇ ગયું. બિંદુ તરીકેની ઓળખ એને જતી કરી. અને પુરા દરિયાને એને પામી લીધું. સદ્દગુરુ કહે છે; તું પ્રભુના ચરણોની દાસી હોય તો identity less હોય, nameless હોય. આ identity ક્યાંથી આવી ટીપાંની…! મીરાંને એ વાત એટલી બધી ગમી ગઈ… કે એ જ ક્ષણે એણે નક્કી કર્યું કે કેન્દ્રમાંથી મીરાં હટી રહી છે, પ્રભુ આવી રહ્યા છે. ત્યાં સુધી મીરાં એ જે ભજનો રચ્યા, એમાં છેલ્લે એ લખતી “મીરાં કે ગિરિધર ગોપાલ” પ્રભુ રહેતાં પણ મીરાં પણ રહેતી. આ ઘટના ઘટ્યા પછી જે પણ ભજનો રચાયા એમાં મીરાં ક્યાંય નથી. રાવરી દાસી. પ્રભુની દાસી જ છે. મીરાં નથી. તમને પૂછું, identity less થવા તૈયાર છો? તમારા વ્યક્તિત્વને તમે પ્રભુને આપો. પ્રભુ તમને અસ્તિત્વ આપે.

વ્યક્તિત્વ અને અસ્તિત્વ. તમારું વ્યક્તિત્વ ૬/૧.૩૦ ની કાયામાં પુરાયેલું છે. અને પરમનું અસ્તિત્વ પુરા બ્રહ્માંડમાં છવાયેલું છે. બ્રહ્માંડનો એક tiniest portion એવો નથી કે જેમાં પરમાત્માનું signature ન હોય. તો તમારે વ્યક્તિત્વની આ કેદમાં પુરાઈ રહેવું છે કે અસ્તિત્વને પામવું છે? Doing એટલે વ્યક્તિત્વ. Being એટલે અસ્તિત્વ. ધ્યાન એટલે બીજું કાંઈ જ નહિ; being. તમારું હોવાપણું. તમે તમારામાં હોવ; એનું નામ ધ્યાન.

આત્યારે પણ તમે શેમાં છો? શબ્દોમાં… શબ્દ પણ પર છે. એટલે આપણે જ્યારે ધ્યાનમાં જઈશું, ત્યારે શબ્દોને પણ છોડી દેવાના છે. વિચારોને પણ છોડી દેવાના છે. માત્ર અસ્તિત્વ; being. વ્યક્તિત્વને છોડી દેવાનું છે. વ્યક્તિત્વમાં શબ્દો છે, વિચારો છે, કાર્યો છે. અસ્તિત્વ જે છે; speechless છે, thought less છે, action grass છે. ત્યાં કશું જ નથી. માત્ર હોવાપણાનો આનંદ છે. સિદ્ધશિલા ઉપર શું હોય? માત્ર શુદ્ધ being. અસ્તિત્વ તમારું તમારામાં હોવાપણું. ઈચ્છા થઇ જાય આમ… ઈચ્છા થઇ જાય? કે આતો મજાની વાત છે. હું મારામાં નથી. અને એ જ સંસાર છે. હું મારામાં આવું; એનું નામ મોક્ષ. એનું નામ ધ્યાન.

ભક્તિ કા માર્ગ ઝીણા ઝીણા રે… કેમ? અઘરો કેમ છે.. ખરેખર અઘરો નથી. પણ અનાદિથી સંજ્ઞાઓ ની ધારામાં આપણે વહ્યા આવ્યા છીએ, માટે આપણને અઘરો લાગે છે. “નહિ અચાહ નહિ ચાહના, ચરનન લયલીના રે” તમે જે દુનિયામાં અત્યારે છો; એ દુનિયામાં તમે શેનાથી પરિચિત છો…? કોઈને ચાહવું, કોઈને ધિક્કારવું. પ્રભુના માર્ગની- ભક્તિની વાત કરતાં કહે છે: નહિ અચાહ નહિ ચાહના – રાગ પણ નથી. દ્વેષ પણ નથી. ગમો પણ નથી. અણગમો પણ નથી. અને ગમો અને અણગમો નથી તો એને કરનારો હું પણ નથી. તો શું થયું…? ચરનન લયલીના રે – પ્રભુના ચરણોની અંદર લીન થઇ જવું; એનું નામ ભક્તિ. માત્ર થોડા શબ્દો બોલીને આવતાં રહેવું, એ ભક્તિ નથી. જીવનને દાવ પર લગાવવાની વાત છે.

મીરાં એ કહેલું “ચોપટ ખેલું પીવશે” એ કહે શતરંજની રમત તો રમું પણ કોની સાથે… મીરાંની દુનિયામાં ભગવાન સિવાય બીજું કોઈ છે જ નહિ. શતરંજની રમત રમું તો પણ એની સાથે જ. “ચોપટ ખેલું પીવશે, તન – મન જોર લગાયા” શરીરનું અને મનનું બધું જ જોર લગાવીને શતરંજની રમત રમું છું. હવે એમાં એક હારે અને એક જીતે. ત્યારે મીરાં કહે છે: મારે બે હાથમાં લાડવા છે – “હારી તો પીયકી ભયે રે, જીતી તો પિયે મોર” હું હારી ગઈ તો એની થઇ ગઈ- પ્રભુની, હું જીતી ગઈ તો પ્રભુ મારા થઇ ગયા.

શું એ ભક્તોની દુનિયા હતી. એ દુનિયામાં પ્રભુ સિવાય કોઈ ચીજનું કોઈ વ્યક્તિનું અસ્તિત્વ નહોતું. “નહિ અચાહ નહિ ચાહના, ચરનન લયલીના રે” પછી કહે છે – “ચિત્ત મેં શ્રુત એસે બસે, જૈસે જલ મીના રે” તમે પ્રભુના થયા, પ્રભુના ચરણોમાં સમર્પિત થયા. હવે પ્રભુ ગમે, પ્રભુના શબ્દો ગમે… શું ગમે… “મધુરાધિપતેરખિલં મધુરમ્” માધુર્યના અધિપતિ પરમાત્મા; એમનું બધું જ મધુર હોય. વચનં મધુરમ્, ચલનં મધુરમ્, મધુરાધિપતેરખિલં મધુરમ્ – પ્રભુ સમવસરણમાં બેસીને દેશના આપતા હોય, કેટલું સરસ એ દ્રશ્ય હોય! અને પ્રભુ સુવર્ણ કમળની ઉપર ચાલતા હોય, એ દ્રશ્ય ઓછું મધુરું છે?! વદનં મધુરં વચનં મધુરમ્, ચલનં મધુરમ્ મધુરાધિપતેરખિલં મધુરમ્ –  એ પરમાત્માના પ્રેમમાં આપણે નથી પડ્યા, એની નવાઈ નથી લાગતી આમ…?! એનો પ્રેમ… સતત વરસ્યા જ કર્યો… આપણે નરકમાં હતા. નિગોદમાં હતા. પણ એનો પ્યાર વરસ્યા જ કર્યો, વરસ્યા જ કર્યો…

અગણિત જન્મોથી એનો પ્રેમ આપણા ઉપર વહી રહ્યો છે. હવે પ્રભુ પાસે એટલું જ માંગવું છે કે પ્રભુ તારા પ્રેમને હું ઝીલી શકું. મારી દ્રષ્ટિએ આપણી સાધના માત્ર receptivity ની છે. પ્રભુ વરસી જ રહ્યા છે. એમની કૃપા, એમની કરૂણા, એમનો પ્રેમ, સતત વરસી રહ્યો છે. તમે એને ઝીલો… કામ પૂરું… મેં પ્રભુનો પ્રેમ ઝીલ્યો, એમ પણ હું નહિ કહું. એણે ઝીલાવરવ્યો. પણ એ પ્રેમ મળ્યો. આખી દુનિયા બદલાઈ ગઈ. હવે મારી દુનિયામાં હું અને એ, બે જ રહ્યા. બીજું કોઈ ન રહ્યું.

નારદ ઋષિએ ભક્તિસૂત્રના પ્રારંભમાં બહુ મજાની વાત કરી… કે ભક્તિ એટલે શું? તો એમણે એક સૂત્ર આપ્યું “सा त्वस्मिन् परमप्रेम रूपा, अमृत स्वरूपा च” એટલું સરસ પ્રાંજલ સંસ્કૃત છે કે એનું ગુજરાતી કરતાં ડર લાગે કે ભાષાનો ચાર્મ તૂટી જશે. सा त्वस्मिन् परमप्रेम रूपा – ભક્તિ એટલે શું? એનો પરમ પ્રેમ તો જન્મોથી મારા ઉપર વરસતો આવ્યો છે. હું એના ઉપર પ્રેમ કરું; એનું નામ ભક્તિ. પ્રેમનું સર્વોચ્ચ બિંદુ અને એ પણ માત્ર પરમાત્મા માટે હોય; એનું નામ ભક્તિ. મેં અનુવાદમાં કહ્યું, પરમાત્મા પરની પ્રીતિ. પણ નારદ ઋષિ શું કહે છે – એના વિશેનો પરમ પ્રેમ. એ… એ એટલે પરમાત્મા. એટલે ભક્તનું વ્યાકરણ બતાવ્યું પહેલા પુરુષમાં માત્ર હું છે. ત્રીજા પુરુષમાં એકવચનમાં માત્ર તે છે. તે એટલે પરમાત્મા… અને હું. પછી હું તેમાં ભળી જાય… ભક્તિ પુરી થઇ ગઈ!

એટલા બધા મજાના માર્ગો પરંપરાએ આપણને આપ્યા છે, કે આપણે તાજુબ થઇ જઈએ. વર્ષો પહેલાં ગોવાલિયા ટેંકના ચાતુર્માસમાં અને પછી માટુંગાના ચોમાસામાં અને હમણાં જવાહરનગર ગોરેગાંવના ચોમાસામાં સવારની ચતુર્વિધ સંઘની વાચનમાં મેં જ્યારે પ્રભુ કથિત ધ્યાન practically કરાવ્યું ત્યારે એટલા બધા સાધકો પાછળથી મારી પાસે આવ્યા. કે સાહેબ આપણી પરંપરામાં આટલું સરસ ધ્યાન છે. મુંબઈના પ્રબુદ્ધ લોકો ક્યાંના ક્યાં પહોંચી આવેલા. કોઈ કયા યોગમાં, ને કોઈ કયા યોગમાં ને કોઈ કયા ધ્યાનમાં… એ બધાની પાસે આશ્ચર્ય હતું… આપણી પાસે આટલું સરસ ધ્યાન છે! તો એ ધ્યાન તમને practically પણ કરાવવું છે.

લક્ષ્ય શું થયું નક્કી… સ્વાનુભૂતિ. તમારું તમારામાં હોવું એ લક્ષ્ય. એના માટેના માર્ગોમાં, એક માર્ગ થયો ભક્તિ.

તો બહુ પ્યારી પંક્તિ આપી કે “ચિત્ત મેં શ્રુત એસે બસે, જૈસે જલ મીના રે” સામાન્ય તયા આ શિબિરમાં ૩ પ્રવચનકારો છે. પણ ૩ થી ૪ શિબિરો જેમણે કરેલી હોય, એમના માટે advance શિબિરોનો પ્રોગ્રામ થશે. advance શિબિરોની અંદર પ્રવચન હશે જ નહિ. કારણ કે પ્રવચન પણ, આ શબ્દો પણ તમારા વિક્લ્પ્પોને વધારે છે.

વિપશ્યના internationally spread out સાધના છે. એમાં તમે જુઓ, સવારથી સાંજ સુધી માત્ર ધ્યાન. આહાર થોડો અને એકદમ જે છે તે સાદો. જેથી કરીને ઝોકા ન આવે. ટટ્ટાર શરીર રહે. અને તમે ધ્યાન કરી શકો. તો વિપશ્યનાની અંદર સવારથી સાંજ સુધી એક પણ પ્રવચન હોતું નથી. કારણ પ્રવચન, શબ્દો તમારા વિકલ્પોને વધારી શકે. રાત્રે જ માત્ર ગોયન્કાજીનું પ્રવચન સંભળાવામાં આવે છે. advance શિબિરો જ્યારે થશે ને ત્યારે પ્રવચનો એકદમ ઓછા થઇ જશે. નહીવત્.

તમારે માત્ર ધ્યાનને ઘૂંટવાનું હશે. પણ અહીં તમે નવા નવા આવ્યા છો, એટલે ૩ પ્રવચન પણ રાખ્યા છે. પણ પ્રવચન કરતાં ધ્યાનના સત્રો વધારે છે. અહીં publicly પણ વધારે સાધના કરાવવામાં આવશે. તમારે તમારી ઘરે જઈને પણ જેટલા કલાક વધુ બને એટલી આ સાધનાને ઘૂંટવાની છે. જેટલી સાધના ઘૂંટાશે એટલું જ તમને અસરકારક થશે. આમ તો અઠવાડિયાની સાધના શિબિર હોય છે. તમારા માટે short  edition રાખી દીધું – ૩ દિવસનું… એક વાર taste લો, તો અનુભવાય ને… આસ્વાદ. આજે લોકો વિદેશમાં પણ જતા હોય છે. વિદેશી લોકો પણ એટલા જ ધ્યાનમાં જોડાતા હોય છે. આપણા એક યોગીની એક શિબિર હોય, ૧૦ – ૧૫ હજાર ડોલરની fees હોય, એમાં registration માટે પડાપડી થતી હોય!

તમને તો આ પ્રભુ શાસનને કારણે જ બધું મળી રહ્યું છે. જેમણે અનુભવ કર્યો છે. એવા અનુભૂતિવાન્ સદ્દગુરુ ઓ પાસેથી તમને આ સાધના મળી રહી છે. તો પહેલું પદ તો આપણી સામે છે, એને બાજુમાં રાખીએ. અત્યારે practical સાધના શરૂ કરીએ.

Share This Article
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *