Maun Dhyan Sadhana Shibir 03 – Vachana – 2

795 Views 32 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

રાગ-દ્વેષ-અહંકારના શિથિલીકરણના ઉપાયો

તમારા મનમાં આસક્તિ ઊઠેલી હોય, ત્યારે એક બીજું તત્ત્વ પણ છે, જે એ આસક્તિને જુએ છે. એ જોનાર – એ તમે પોતે છો. આસક્તિ દ્રશ્ય અને તમે દ્રષ્ટા. દ્રશ્ય અને દ્રષ્ટા બંને ક્યારેય એક ન હોય. તો, આસક્તિ અલગ છે અને તમે અલગ છો. ક્રોધ અલગ છે; તમે અલગ છો. કોઈ પણ વિભાવના તમે કર્તા નથી; માત્ર દ્રષ્ટા છો.

મનમાં રાગ ઉદીપ્ત થાય, ત્યારે ભૂતકાળમાં વીતરાગ પરમાત્માના દર્શન કરતી વખતે તમને થયેલા આંશિક વીતરાગ દશાના અનુભવની ક્ષણોમાં તમારા મનને મૂકી દો. આ થયું મનનું સ્થાનાંતરણ; ઉપયોગનું રૂપાંતરણ.

તમે સાધનામાર્ગમાં એક ડગલું પણ ભરી શકો, એ પ્રભુનો તમારા પરનો પ્રેમ છે. એક ક્ષણ, એક ક્ષણાર્ધ એવો નથી કે જ્યાં પ્રભુનો પ્રેમ વરસતો ન હોય. પ્રભુનો આવો પ્રેમ જો તમે ઝીલી શકો, તો પછી વિભાવો માટે no vacancy.

મૌન ધ્યાન સાધના શિબિર – ૦૩ (ઘાટકોપર) – વાચના – ૨

અનહદની ખોજમાં

સ્વાનુભૂતિ. માર્ગો પણ પ્રભુએ આપેલા મજાના મજાના છે. ક્યાંક મંઝિલ મજાની હોય, પણ માર્ગ કંટાળા જનક હોઈ શકે.

છ’રિ પાલિત સંઘ યાત્રામાં તમે ગયા હોવ, program letter માં આગળનો પડાવ ૧૨ કિલોમીટર દૂર લખેલો હોય, તમે ૧૭ ચાલો, અને તો પણ પડાવ દેખાય નહિ, પણ થોડે દૂર જાવ… અને તમારું ટેન્ટોનું નગર દેખાય તો… માર્ગ કંટાળાજનક હતો પણ મંઝિલ મળે ત્યારે તો આનંદ જ આનંદ થઇ જાય. પ્રભુના માર્ગની વિશેષતા આ છે. કે અહીંયા મંજિલ પણ મજાની, માર્ગ પણ મજાનો.

સ્વાધ્યાય કરો અને તરોતાજા થઇ જાઓ. ભક્તિ કરો અને એકદમ freshness અનુભવો. રામ ચરિત માનસમાં તુલસીદાસજીએ માર્ગની મધુરતાની એક મજાની વાત કરી છે. પ્રસંગ આ જાણીતો છે. રામચંદ્રજી ને પિતાની આજ્ઞાથી વનમાં જવાનું છે. સીતા માતાના હૃદયમાં નિર્ધાર છે. જ્યાં પતિ ત્યાં સતી. રામચંદ્રજી સીતામાતાને સમજાવે છે કે જંગલની અંદર કાંટા અને કાંકરામાં ચાલવાનું તમારું ગજું નથી. અને એ પણ એકાદ મહિનો ફરવાનું હોય તો ઠીક છે. વર્ષોના વર્ષો વનમાં ગાળવાના છે, તમે નહિ ચાલી શકો. સીતામાતાનો સ્પષ્ટ જવાબ હતો: આપની જે આજ્ઞા હોય એ મારા માટે શિરોધાર્ય છે. આપ કહેશો કે તારે મારી જોડે આવવાનું છે તો પણ હું તૈયાર, અને આપ કહેશો કે તારે અહીંયા રહેવાનું છે તો પણ હું તૈયાર છું. પણ એકવાર મારી કેફિયત આપ સાંભળી લો. બહુ પ્યારા શબ્દો તુલસીદાસજીએ ત્યાં મુક્યા, શું કહે છે સીતા માતા… “મોહી મગ ચલત, ન હોહી હિઆરી, ખીન ખીન ચરણ સરોજ નિહારી” મને જંગલમાં ચાલતા ન તો કાંટાની તકલીફ પડશે. ન તો કાંકરાની… મોહી મગ ચલત, ન હોહી હિઆરી – કેમ… કારણ મજાનું આપ્યું – “ખીન ખીન ચરણ સરોજ નિહારી” આપ આગળ ચાલતા હશો. હું પાછળ ચાલતી હોઈશ. આપના ચરણ કમળ તરફ મારું ધ્યાન હશે. પછી ક્યાં કાંટા હશે! ક્યાં કાંકરા હશે! “ખીન ખીન ચરણ સરોજ નિહારી.” એટલી અકાટ્ય દલીલ હતી… સીતા માતાની કે રામચંદ્રજીએ વનમાં આવવાની હા પાડી. મંઝિલ પણ મજાની માર્ગ પણ મજાનો.

એક પંક્તિ કાલે આપણી સામે હતી. “નહિ અચાહ નહિ ચાહના, ચરનન લય લીના રે” ભક્તિનો માર્ગ કેવો છે… ત્યાં રાગ નથી, દ્વેષ નથી. અહંકાર નથી. માત્ર ને માત્ર સમર્પણ છે. તમારી ભૂમિકા ઉપર તમને સવાલ થાય, કે રાગ – દ્વેષ અહંકારને શિથિલ કેવી રીતે કરવા… સહેજ નિમિત્ત મળે છે અને મનની અંદર ચિત્તમાં રાગ – દ્વેષ અહંકાર નો જન્મ થઇ જાય છે. એવું શું કરી શકાય… કે રાગ – દ્વેષ અને અહંકાર પર તમારું નિયંત્રણ સ્થપાય. રાગ – દ્વેષ અને અહંકારને તમે શિથિલ, ઢીલા કરી શકો.

There are five ways. પાંચ માર્ગો છે. દરેક માર્ગ મજાનો છે.

પહેલો માર્ગ: દ્રષ્ટાભાવ.

પદાર્થોને તમે જુઓ છો. વ્યક્તિઓને તમે જુઓ છો. પણ એ જોતાની સાથે રાગ- દ્વેષ થાય એ દ્રષ્ટાભાવ નહિ. તમે માત્ર જોતા હોવ. એ દ્રશ્ય માત્ર દ્રશ્ય છે. નથી સારું નથી ખરાબ… આ ભુમિકા ઉપર તમે આવો ત્યારે દ્રષ્ટાભાવ આવે.

અધ્યાત્મ ઉપનિષદમાં ઉપાધ્યાય ભગવંતે કહ્યું – “द्रष्टो: द्रुगात्मता मुक्ति:, द्रश्ये कात्म्यं भवभ्रम:” द्रष्टो: द्रुगात्मता मुक्ति: – તમે માત્ર જુઓ છો. સારા નરસાનો ભાવ નથી, એટલે રાગ દ્વેષ ઉદિત થતાં નથી. તો એ દ્રષ્ટાભાવ. પણ જ્યારે દ્રશ્યની જોડે તમે રાગ કે દ્વેષ કરો છો, તો સંસાર ચાલુ થઇ જાય છે. અહીંયા આપણે શું કરવું છે, રાગને, દ્વેષને અને અહંકારને પણ જોવા છે.

સવારનો પહોર… ચા પી રહ્યા છો તમે… ચા નો કપ હાથમાં છે. ચા એકદમ ટેસ્ટી છે. એની સોડમ નાકમાં ગઈ અને એકદમ મજા તમને આવી ગઈ. એક ઘૂંટડો ભર્યો એકદમ રતિભાવ ભીતર છલકાયો, મજા આવી ગઈ, તો એ વખતે તમારું મન આસક્તિમાં છે બરોબર…

હવે એ આસક્તિને પણ જોવી છે. મારા મનમાં અત્યારે આસક્તિ ઉઠી છે, એને તમે જોઈ શકો છો. બહુ જ સરળ છે આ. એક મન આસક્તિની ધારામાં છે. બીજું એક તત્વ એને પણ જુએ છે. તો એ જે જોનાર છે એ તમે છો. ફરક શું પડ્યો… કે તમે દ્રષ્ટા છો. તો સામો પદાર્થ દ્રશ્ય થયો. જેમ કપ દ્રશ્ય હતો, ચા દ્રશ્ય હતી, એમ આસક્તિ પણ દ્રશ્યની કોટિમાં હતી.

હવે દ્રશ્ય અને દ્રષ્ટા બે એક હોઈ શકે ખરા…?! ટેબલને હું જોવું છું. ટેબલ દ્રશ્ય છે. હું દ્રષ્ટા છું. તો ટેબલ અને હું એક થઇ શકવાના ખરા..? તો આસક્તિ દ્રશ્ય છે, તમે દ્રષ્ટા છો. મતલબ કે division પડી ગયું. આસક્તિ અલગ છે. તમે અલગ છો. ક્રોધ અલગ છે. તમે અલગ છો. એક સાધકે ગુરુદેવને કહ્યું, કે ગુરુદેવ! મારા સ્વભાવમાં જ ક્રોધ વણાઈ ગયો છે. તમારા સ્વભાવમાં શું હોય તમને ખબર… જ્ઞાન, દર્શન, ચારિત્ર એ બધું હોય કે રાગ દ્વેષ હોય?

સાધક કહે છે ગુરુદેવ! મારા સ્વભાવમાં ક્રોધ છે, હું શું કરું? ગુરુ મજાના માણસ હતા, ગુરુએ કહ્યું – અચ્છા, ક્રોધ તારા સ્વભાવમાં છે, ચાલ હું ૧ ૨ ૩ કરું છું, હું ૩ બોલું તારે ક્રોધ શરૂ કરી દેવાનો. પેલો કહે સાહેબ એમ તો શી રીતે આવે… ગુરુ કહે, પણ કેમ ન આવે… તારા સ્વભાવમાં જ જે વસ્તુ છે એ તો હાજર જ હોય ને, એ ગેરહાજર શી રીતે હોઈ શકે. ત્યારે એ શિષ્યને સમજાયું કે ક્રોધ મારો સ્વભાવ નથી. ભીતર ક્રોધ ઉઠ્યો. એને પણ જુઓ. પ્રબળ ક્રોધનો આવેગ હશે, ત્યારે તમે કદાચ જોઈ નહિ શકો. તમે એની સાથે એકરૂપ બની જશો. પણ સામાન્ય ક્રોધની ઘટના હશે… ત્યારે તમે જોઈ શકશો. તો ક્રોધને પણ જુઓ. ક્રોધ દ્રશ્ય છે. તમે દ્રષ્ટા છો. એટલે સૂત્ર એ નીકળ્યું… વિભાવના કર્તા તમે છો જ નહિ. એક પણ વિભાવના તમે દ્રષ્ટા છો; કર્તા નથી.

એક સાધક બહુ જ ઉંચી કક્ષાએ ચઢેલા. એકવાર એક મુમુક્ષુએ એમને પૂછ્યું… કે વર્ષો પહેલા સાધનાની પ્રારંભિક અવસ્થા હતી ત્યારે પણ આપ ખાતાં હતા, પીતા હતા, સૂતા હતા… આજે આપની સાધના શિખર ઉપર પહોંચી છે, ત્યારે પણ આપ ખાઓ છો, પીઓ છો, તો ફરક શો પડ્યો… what’s the difference? ત્યારે એ સાધકે કહ્યું: પહેલા હું ખાતો હતો, હું પીતો હતો, હું સૂતો હતો. હવે ખવાય છે, પીવાય છે, સૂવાય છે. કર્તા ઉડી ગયો.

એટલે એક સૂત્ર આજે યાદ રાખો… કે વિભાવની દરેક ક્રિયાઓમાંથી કર્તાને recall કરવો છે. અને સ્વભાવની દરેક ક્રિયામાં કર્તા ને હાજર રાખવો છે. તમારી પાસે સ્વભાવની ક્રિયાઓ અત્યારે નથી કદાચ. શુભની ક્રિયાઓ તો છે જ. પણ એ શુભની ક્રિયાઓની અંદર પણ તમારું ચિત્ત એકાગ્રતા પૂર્વક રહેતું નથી. એટલે ખાવાની, પીવાની, વિભાવની જેટલી પણ ક્ષણો હોય, એમાંથી મનને recall કરો. શરીર ખાશે, શરીર પીશે, પાછળથી યાદ કોણ કરશે કે ટેસ્ટી ભોજન હતું. માત્ર શરીર જ ખાશે… હમણાં એવા સંતો છે કે જેમને ભોજન કર્યા પછી ખ્યાલ નથી કે મેં ભોજન કર્યું છે.

Living with the Himalayan masters માં સ્વામી રામે નીમ કરોલી બાબાના જીવનની એક ઘટના નોંધી છે. સ્વામી રામ એક દિવસ નીમ કરોલી બાબાની જોડે હતા. આજની દુનિયાના એ બહુ મોટા સંત હતા. નીમ કરોલી બાબા… બપોરે કોઈ ભક્ત આવ્યો, બાબા યે પ્રસાદ લો, શીરો, રોટી, શાક એ બધું હતું. બાબાએ પ્રસાદ લીધો. ૧૨.૩૦ વાગે કોઈ આવ્યું, બાબાએ ગુલાબજાંબુ… લાવો થોડા લીધા. પા કલાક પછી બીજો કોઈ ભક્ત આવ્યો, બાબાએ યે રબડી આપકે લિયે હી લાયા હું… થોડા પ્રસાદ… બાબા તૈયાર થઇ ગયા… એ વખતે સ્વામી રામ કહે છે બાબા… આપને ભોજન કર લિયા, રોટી શાક કા… ફિર ગુલાબજાંબુ ભી આપને ખાયે…. અચ્છા, અચ્છા એસા હૈ… મૈને ભોજન લે લિયા… ફિર ગુલાબજાંબુ ભી ખા લિયે…  તબ તો રબડી નહિ ચાહિયે અબ… હમણાં ખાધું છે… એમને ખ્યાલ નથી કારણ શરીરે ખાધું હતું. મને ખાધું નહોતું. આજે પ્રયોગ કરો… જમીને ઉઠો પા કલાક પછી યાદ કરો… ભોજનમાં શું હતું.. તમને યાદ ન આવે તો પરિક્ષામાં પાસ. અને પૂરું મેનુ યાદ આવી જાય તો તમે fully નાપાસ.

તો રાગ – દ્વેષને શિથિલ કરવા માટેની પહેલી સાધના દ્રષ્ટાભાવની. કેટલી સરળ છે. આજથી જ કરી શકાય એવી છે ને… દ્રષ્ટાભાવની સાધના માટે એક litmus test હું આપું છું. પૂજા કરીને તમે ઘરે આવ્યા, ઝભ્ભો અને પાયજામો તમે પહેરો છો. ઝભ્ભા ૪ – ૫ કલરના તમારી પાસે હોય છે. એસ કલરનો, ક્રીમ કલરનો, મરૂન કલરનો, પૂજા કરીને તમે આવ્યા… ઝમ્ભો અને પાયજામો તમે પહેર્યો… નવકારશી આવી ગયેલી… નવકારશીનું પચ્ચક્ખાણ પારી તમે ડાઈનીંગ ટેબલ પર બેઠા. ચા – નાસ્તો કરી લીધો. હવે આંખો બંધ કરો. અને તમારી જાતને પૂછો… કે આજે કયા કલરનો ઝમ્ભો પહેર્યો છે… જવાબમાં ગુપચામણ થાય, ખ્યાલ નથી આવતો એમ થાય… તો તમે સાધક તરીકે સાચા. બરોબર ખાલ આવી ગયો… તો દ્રષ્ટાભાવની સાધના તમારી અધુરી. દ્રષ્ટાભાવનો મતલબ એ હતો. કે ખાવાની છૂટ છે, પહેરવાની છૂટ છે. પણ રાગાત્મક કે દ્વેષાત્મક લયમાં મનને અંદર મોકલવાની છૂટ નથી. ઝભ્ભો પહેરેલો, કયા કલરનો એ તો ખ્યાલ નથી.

એક વાતનો જવાબ આપો… વધુ પાપ મનથી થાય છે કે શરીરથી? બપોરે ૪ વાગે ઘરે ફોન કરેલો, અને એમાં શ્રાવિકાએ કહ્યું કે આજ તો તમારી ફેવરેટ item બનાવી છે સાંજ માટે. Item નું નામ આપ્યું… એટલે ૪ વાગ્યાથી એ જ લય શરૂ થઇ ગયો. આસક્તિનો… આજે તો ખાવાની મજા આવશે. ખાવાની મજા આવશે. ૬.૩૦ એ તમે જમવા બેઠા, ૧૫ મિનિટમાં ભોજન પૂરું થયું. રાત્રે ફરવા ગયા, ત્યાં પણ એક જ સ્મરણ… આજે તો બહુ જ સરસ બનાવેલું તે હો… આવો મજા તો ક્યારે પણ નથી આવ્યો… શરીરે પા કલાક લીધો, મને કેટલા લીધા… ૪ થી ૧૦ – છ કલાક.

દ્રષ્ટાભાવ આવે; મનનો રસ નીકળી જાય. કેટલું પાપ ઓછું થઇ જાય બોલો… ફ્લેટમાં રહેવાનું છે, આસક્તિ વધારે નથી. કપડાં પહેરવાના છે, એક સજ્જનને લાયક… પણ એમાં વધુ પડતો રસ રાખવો નથી.

બીજો ઉપાય છે મનનું સ્થળાંતરણ, એટલે કે ઉપયોગનું રૂપાંતરણ, જે ક્ષણે મનની અંદર રાગ આવે, ત્યારે શું કરવું છે… મનને બદલી નાંખવું છે. મનને બીજે ક્યાંક મોકલવું છે.

હમણાંની એક ઘટના કહ્યું, અમેરિકાના એક પ્રોફેસર, weekend પર પત્ની સાથે… જંગલોમાં ફરવા માટે જાય છે. Self driving છે. પ્રોફેસર કાર ચલાવી રહ્યા છે, એમાં સહેજ steering પરનું કાબુ ગુમાવી બેઠા એ… કાર નીચે ઉતરી ગઈ… એક ઝાડ સાથે જોરથી અથડાઈ. કાર તો એવી થઇ ગઈ કે હવે ચાલે જ નહિ. પ્રોફેસર ને પણ  વાગ્યું. લોહી નીકળી રહ્યું છે. સામાન્ય તયા first aid box તો સાથે હોય જ … પણ આજે એ પણ ભુલાઈ ગયેલું. first aid box નથી… તો pain killer કોઈ નથી. પાટાપિંડી માટેનું કોઈ સાધન નથી. રૂમાલથી લોહી લુછ્યું, પ્રોફેસર અને અને પત્ની નીચે બેઠા. હવે તો બીજી કોઈ કાર આવે અને એમને lift આપે, ત્યારે શહેરમાં જઈ શકો. સખત દુખાવો થઇ રહ્યો છે. પ્રોફેસરને.. કોઈ pain killer નથી. એ વખતે પત્નીએ કહ્યું હું ધ્યાનના ક્લાસીસ જાઉં છું. અને એમાં એક વાત મેં શીખી છે.. કે મનને આમથી આમ મૂકી શકાય. અત્યારે તમારું મન શરીરની પીડાની અંદર છે, અને મન પીડામાં હોવાને કારણે તમને પીડાનો અનુભવ થાય છે. તમારા મનને ઊંચકીને તમે તમારા ક્લાસરૂમમાં મૂકી દો. તમે લેકચર આપી રહ્યા છો, બહુ જ સરસ લેકચર છે. Students પ્રેમથી એને સાંભળી રહ્યા છે. મનની અંદર આ વિચારો તમે શરૂ કરો. પ્રોફેસરે એ વિચારો શરૂ કર્યા. અને ખરેખર દુઃખાવો ગાયબ!

શરીરમાં પીડા છે માટે તમને પીડાનો બોધ નથી થતો પણ તમારું ત્યાં કણે જાય છે. જ્ઞાન તંતુઓ સમાચાર આપે છે કે અહીંયા પીડા છે. ઓપરેશન કરવામાં આવે આપણું, કોઈ પણ શરીરના અંગનું… એનેસ્થેશિયા અપાઈ ગયું, વેદના તો થાય જ.. પેટમાં સીધી જ છરી નાંખી અને ચામડીઓ કાપી જ નાંખવાની હોય, ત્યાં પીડા સામાન્ય ન હોય… પણ એ પીડાનો બોધ તમને નથી થતો. કારણ કે મનને conscious mind ને સુવાડી દેવામાં આવ્યું. જે મન પીડાનું બોધ કરતું હતું.. એને સુવાડી દીધું. તો પ્રોફેસરે ઉપયોગનું રૂપાંતરણ કર્યું. જે ઉપયોગ, જે મન પીડાની અંદર હતું એને ક્લાસ રૂમમાં મૂકી દીધું. ઘણી વાર આવું થાય.. એક વ્યક્તિ હોય,  headache છે, body ache છે, રહેવાતું નથી… saridon અને મેટાસીન લીધી તો પણ દુખાવામાં ફરક પડતો નથી. અને એમાં સમાચાર મળે કે એક કરોડની લોટરી તમને લાગી ગઈ છે. આખું મન totally એક કરોડ રૂપિયામાં જતું રહેશે. Text ને બધુ કાપતા પણ ૬૦ લાખ તો મને મળશે. એમ ૬૦ લાખમાંથી આમ કરીશ, આમ કરીશ…આમ કરીશ… શું થયું…?

મનને બદલી નાંખવામાં આવ્યું, ઉપયોગનું રૂપાંતરણ કરવામાં આવ્યું. આ તો કેટલુ સહેલું છે બોલો… તો આ જ રીતે રાગની અંદર જ્યારે આપણું મન આવેલું હોય, ત્યારે એ મનનું પણ રૂપાંતરણ કરવું છે. પ્રભુના દર્શને ગયેલા, વિતરાગ પરમાત્માને જોયેલા, અને એ દર્શન કરતાં કરતાં અનુપ્રેક્ષા થયેલી, કે પ્રભુની પાસે જે વિતરાગ દશા છે. એ જ મારી પાસે છે. અને પછી આંશિક તમારી વિતરાગદશાનો તમે અનુભવ કરો… આ જો આંશિક વિતરાગદશાનો તમે અનુભવ કરેલો હોય… તો રાગની ક્ષણોમાં તમે તમારા મનને વીતરાગતા ની ક્ષણોમાં મૂકી દો.

પ્રભુના પ્રશમ રસનો અનુભવ છે. ભક્તામર સ્તોત્રમાં માનતુંગાચાર્ય એ કહ્યું…યૈ શાંતરાગરૂચિભિ: પરમાણુ ભિસ્ત્વ: પ્રભુ જે શાંત રસના પરમાણુઓ વડે તમારું શરીર બન્યું છે. મને લાગે છે કે દુનિયામાં શાંત રસના પરમાણુઓ એટલા જ હશે. કારણ આવું બીજું રૂપ બહાર ક્યાંય દેખાયું નહિ… એ પ્રભુના પ્રશમરસનું દર્શન કરો. એ પ્રભુનો પ્રશમરસ તમને આંશિક રૂપે અનુભવાય. તમારી ભીતર પણ પ્રશમરસ છે. આપણે સાધનામાં એક જ વસ્તુ જોઈ રહ્યા છીએ. કે તમે જ્યારે અંદર જાઓ છો ત્યારે તમને આનંદ જ આનંદ અનુભવાય છે. કેમ? તમારી ભીતર આનંદ જ છે.

એ.સી. ઘરમાં લગાવેલું હોય, ૫૦ – ૬૦ ડીગ્રી ગરમી બહાર છે. કોઈ કામ નથી અને તમે બહાર જાવ ખરા…? કે ઘરના ઓટલા ઉપર બેસો? એ.સી. રૂમમાં જ બેસો ને… તમારી ભીતર આટલો આનંદ છે એનો તમને ખ્યાલ આવે પછી તમે શું કરો…? અંદર રહો કે બહાર રહો? જેણે અંદરનો આનંદ અનુભવ્યો એ બહાર આવી શકે નહિ.મને પણ સૌથી મોટો મૂંઝવણ આ હતી. ૩૦ વર્ષ લગાતાર સાધના ઘૂંટેલી. ગુરુદેવ અચાનક ચિર વિદાય લે છે, ગુરુદેવ પછી જે ગુરુદેવ હતા, અરવિંદસૂરિ દાદા, એમણે મને કહ્યું હું કંઈ સંભાળવાનો નથી. તારે સાંભળવાનું છે. ગુરુની આજ્ઞા, તો મૂંઝવણ મને એ થઇ કે ૩૦ વર્ષ એકાંતમાં સાધના ઘૂંટેલી છે, બહાર કેમ આવી શકાશે. પહેલું જ ચોમાસું સુરત અઠવા લાઈન્સમાં હતું. મેં ટ્રસ્ટીઓને બોલાવ્યા અને મેં કહ્યું કે એક કલાક હું પ્રવચન આપીશ. સાધકો માટે એક કલાક વાચના આપીશ. પણ ૨૨ કલાક મારા પોતાના રહેશે. હું રૂમમાં જ રહીશ. એક મહાત્માને હોલમાં રાખી મુકીશ. એ વાસક્ષેપ આપ્યા કરશે, પચ્ચક્ખાણ આપ્યા કરશે… પણ હું માત્ર ૨ કલાક જ આપી શકીશ. ધીરે ધીરે એમ કરતાં બહાર અને અંદર એક થઇ ગયું. બહાર અને અંદર એક થઇ ગયું પછી હું બહાર આવીને બેસું છું. હવે બહારમાં અને એકાંતમાં કોઈ ફરક ન રહ્યો. એ જ ભીતરનો આનંદ ૨૪ કલાક મણાયા કરે.

એટલો બધો આનંદ પ્રભુને અપાયો છે કે પ્રભુના આ ઋણમાંથી મુક્ત કેઈ રીતે થવું.. લાગે કે શક્ય જ નથી. આટલો બધો આંનદ!! Beyond the words, beyond the imagination. તમે વિચારી ન શકો, હું પણ જેનો વિચાર નહોતો કરી શકતો… એવો આનંદ આજે મારી પાસે છે. જ્યાં સુધી એ આનંદ અનુભવાય નહિ. ત્યાં સુધી એનો ખ્યાલ પણ નથી આવતો. હું પણ આનંદો ઉપર પ્રવચનો આપતો. જ્યારે આનંદનો અનુભવ નહોતો ને ત્યારે… પણ એ વખતે મારી કલ્પના એ હતી. કે રતિભાવનું, સંયોગજન્ય સુખનું extreme point એ આનંદ. આનંદ મળ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે આનંદ તો અલગ જ વસ્તુ છે. એનો ઈશારો જ્ઞાનસાર ગ્રંથમાં આપ્યો. પૂર્ણાનન્દસ્તુ ભગવાન, સ્તીમિતો  દધિસન્નીભ: સિદ્ધ પરમાત્મા પૂર્ણ આનંદમાં ડૂબેલા છે. એ કેવા છે..? સ્તીમિતો  દધિસન્નીભ:” નિશ્ચલ સમુદ્રની સપાટી જેવા, નથી ભરતી, નથી ઓટ.

તમારે તો બે ય છે નહિ? દરિયામાં તો છે ને ટાઈમ નક્કી હોય… અમુક ટાઈમે જ ભરતી આવે, અને અમુક ટાઈમે ઓટ આવે, તમારા મનના દરિયામાં?! એક વાત તમને પૂછું…. એક સામાન્ય ઘટના અને તમારા સુખને છીનવી લે, એ ચાલે ખરૂ…? ઘટના આમ ઘટી. બરોબર… ઘટી ગઈ… તમને અનુકૂળ નહોતી અને ઘટી ગઈ. હવે બે વસ્તુ છે. તમે ભક્ત હોવ, તો તમે માની શકો કે કોઈ પણ ઘટના પ્રભુએ મને આપી છે. પ્રતિકૂળ ઘટના પણ મારા મનને ઘડવા માટે આપી છે. અનુકૂળ ઘટનાઓ પણ એટલા માટે આપી છે કે મારો અહંકાર સહેજ પણ ઉચકાય નહિ. કોઈ પણ સારું કામ તમારા દ્વારા પ્રભુ કરાવરાવે, તમે તો માત્ર નિમિત્ત છો. પ્રભુ એ ક્ષણે એ કાર્ય કરાવવાના જ હતા. પ્રભુએ તમને નિમિત્ત બનાવ્યા, બીજાને પણ બનાવી શકાય.

સાપુતારામાં મારો શિબિર હતો. શિબિરમાં મેં કહેલું કે પ્રભુની ઈચ્છા હતી કે ૪૦૦ સાધકોને જ્ઞાન મળે. પણ યશોવિજય દ્વારા મળે એ તો પ્રભુની એક વિશેષ કૃપા રહી. પ્રભુએ મને પસંદ કર્યો. પ્રભુ પાસે તો અગણિત sound systems છે. એમણે મને પસંદ કર્યો. પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો. કોઈ પણ સારું કાર્ય તમારા હાથે થાય… તમારી આંખો છલછલાઈ ઉઠે. કે પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો. એક નાનકડું પ્રવચન આપીને પણ હું નીચે ઉતરું છું ત્યારે મારી આંખો ભીની હોય છે. અને મારી આંખની ભીનાશ પ્રભુને એ જ કહેતી હોય છે કે પ્રભુ તારી પાસે અગણિત sound systems હતી… તે મારી sound system નો ઉપયોગ કર્યો. તારો બહુ જ ઋણી છું. ભક્ત હોવ તો આમ માની શકો, સાધક હોવ તો ક્રમબદ્ધ પર્યાય. એ ક્ષણે ક્રમબદ્ધ પર્યાય હતો કે એ ઘટના ઘટવાની જ હતી. એ પર્યાય એ રીતે ખુલવાનો જ હતો. તમે લાખ પ્રયત્ન કરત તો પણ એ પર્યાયને ખૂલતો અટકાવી ન શકત. તો ક્રમબદ્ધ પર્યાય છે… એ સમયે એ ઘટના ઘટિત થવાની જ છે. એટલે ખરેખર ઘટનાને માત્ર જોવાની હોય છે. ઘટનાનું involvement જે છે તમે કંઈ રીતે કરી શકો છો… તમે બધા પ્રબુદ્ધ છો. એક – એક ઘટનામાં involve થાવ. અને પીડા કે સુખનો અનુભવ કરો. એમાય પીડામાં લઇ જાય એવી ઘટનાઓ વધારે બરોબર… તો ઘટનામાં involve શા માટે થવું… જે ઘટના ઘટી ગઈ એ ઘટી ગઈ. ગમે તે વિચારો, ગમે તે કરો એ ઘટના બીજી રીતે ઘટિત થવાની હતી… થઇ ગઈ… તો સ્વીકાર વિના ત્યાં બીજો કોઈ માર્ગ જ નથી.

મને એક વખત પૂછવામાં આવેલું કે સાધકોની સભામાં કે પ્રભુની સાધનાને એક શબ્દમાં મુકવી હોય, તો એ એક શબ્દ કયો? ત્યારે મેં કહેલું કે સર્વ સ્વીકાર. એ એક શબ્દ એવો છે કે જે પ્રભુની સાધનાનું સંપૂર્ણ પ્રતિનીધિત્વ કરે છે. સંપૂર્ણ સ્વીકાર.

“जे कसिणं अहियासए स भिक्खू” જે બધે બધાનો સ્વીકાર કરે, એ મારો ભિક્ષુ…. એ મારો સાધક… પ્રભુ કહે છે. સર્વસ્વીકાર… પછી મજા જ મજા. તમારી મજાને કોણ લુંટી શકે..?! તાકાત છે કોઈ ઘટનાની.. એક વાત હું ઘણીવાર કહું છું… કે ઘટનાને ગમે ત્યારે ઘટિત થવાની છૂટ. છૂટ ? તમે આનંદ માં બેઠા હોય અને શોક ના સમાચાર આવી જાય. ઘટનાને ગમે ત્યારે ઘટીત થવાની છૂટ તો એ ઘટનાનું અર્થઘટન કેમ કરવું… એની છૂટ તમને નહિ?! અર્થઘટન સારી રીતે કરી લો… અર્થઘટન તમારે કરવું છે. કરી લો…

સુભાષચંદ્ર બોઝ એક સભામાં ભાષણ આપવા ગયેલા. એ વખતે રાજદ્વારીઓ ઉપર સડેલા ટામેટા બહુ ફેંકાતા નહિ. બહુ ઓછું હતું. પણ કોગ્રેસમાં જ બે ભાગ હતા, ઉદ્દામ અને મવાલ… તો વિરોધી પક્ષના એક માણસે એક જૂતું સીધું જ મંચ ઉપર ફેંક્યું… સુભાષના કપાળને બરોબર ધ્યાનમાં રાખીને ફેંક્યું. પણ નિશાન બરોબર તકાયું નહિ. મંચ ઉપર જૂતું પડ્યું. પણ સુભાષચંદ્ર બોઝ, ભારતીય સંસ્કૃતિ, હિંદુ સંસ્કૃતિ જેમણે આત્મસાત કરેલી. એ આ ઘટનાથી સહેજ પણ પ્રભાવિત ન બને. હું બે શબ્દો આપતો હોઉં છું. ઘટના પ્રભાવિતતા અને પ્રભુ પ્રભાવિતતા. તમારી પાસે પ્રભુ પ્રભુવિતતા હોય તો મજા જ મજા, અમારી પાસે શું છે… પ્રભુ પ્રભાવિતતા. પ્રભુ શું કહે છે. પ્રભુ કહે છે એમ કરવાનું છે. મંચ ઉપર જૂતું પડ્યું, સુભાસચંદ્ર બોઝ એ જ લયમાં ભાષણ આપે છે. ભાષણ પૂરું થયું. પછી પેલું જૂતું એમણે હાથમાં લીધું. અને પછી કહ્યું વાહ… હું પહેરું  છું એના કરતાં આ જૂતું વધારે સારું છે. તો જે મહાશયે એક જૂતું ફેંક્યું એમને બીજું જૂતું આમેય નકામું જ રહેવાનું. તો કૃપા કરીને બીજું જૂતું પણ મંચ ઉપર ફેંકી દો. તો જુના જોડા અહીં મૂકી, નવા જોડા અહીં મૂકી નવા જોડા પહેરીને અહીંથી રવાના થઉં.  ઘટના ઘટી, અર્થઘટન અલગ થયું.

તો આપણે પાંચ માર્ગો જોઈ રહ્યા છે. બહુ જ મજાના માર્ગો છે. કે રાગ દ્વેષનો હુમલો થાય, એ વખતે બંકરર્સ કયા? અત્યારે યુદ્ધનું આખું વાતાવરણ છે… વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે કે કેમ.. એની આશંકા ચાલી રહી છે, ત્યારે જ્યાં ભય વધુ છે… ત્યાં લોકો બંકરોમાં પહોંચી ગયા છે. કે બોમ્બમાર પડે તો પણ અંદર અસર ન થાય. એમ ઘટનાઓના હુમલા તમારા ઉપર સતત થવાના જ છે. પણ એ હુમલાથી તમે બચી શકો એના માટે પ્રભુએ આ બંકર આપ્યા છે.

ત્રીજું બંકર પ્રભુના પ્રેમનું છે. પ્રભુનો પ્રેમ સતત વરસી રહ્યો છે. એક ક્ષણ એવી નથી, એક ક્ષણાર્થ એવું નથી. જ્યારે પ્રભુની કૃપા ન વરસતી હોય. પ્રભુનો પ્રેમ ન વરસતો હોય, એ પ્રભુનો પ્રેમ જે સતત વરસતો આવ્યો છે… એને ઝીલવો છે. જો કે આપણે ઝીલીશું. કે એ ઝીલાવશે….? ઝીલાવશે પણ એ…

એક ભાઈ એક જગ્યાએ ગયેલા, જજમાનને ત્યાં બહુ મજાના કીમતી કોફી ટેબલ બુક્સ પડેલા.. તો એણે કહ્યું જજમાનને… કે આટલા સરસ કોફી ટેબલ બુક્સ તમારી પાસે છે. પણ એ અલમારી ઉપર, ખાટલા ઉપર આમ અલગ અલગ તમે મુક્યા છે. એના કરતાં એક કબાટ લાવીને એમાં વ્યવસ્થિત મૂકી દો ને.. એટલે પેલા ભાઈએ કહ્યું, કે જેમની પાસે થી પુસ્તક માંગી – માંગીને લાવ્યો છું. એમની પાસેથી કબાટ માંગવાની હિંમત હજુ સુધી આવી નથી. પુસ્તકો તો માંગીને આવી ગયો, પણ કબાટ માંગવાની હિંમત હજુ આવી નથી. આપણે હિમત રાખવાની છે. “તિત્થયરા મે પસીયંતુ”

પ્રભુ તારો પ્રસાદ મારા ઉપર વરસે. પણ એકલો વર્ષે એમ ન ચાલે. તું ઝીલાવ… ઘણા ભક્તો છે ને ભગવાનની આગળ રાડો પાડે.. ભગવાન તું  પ્રેમનો સાગર, પણ તારા સાગરનું એક બિંદુ પણ મને મળ્યું નહિ. ભગવાન હસતાં હોય, કે સાલો રૈન કોર્ટ થથાવીને આવ્યો છું. ઉપર ટોપી પહેરી છે. અને કહે છે ભગવાન! તારા મેઘનું એક બિંદુ… અને અડતું નથી. પછી પરમ ચેતના ગુરુ ચેતનાને મોકલે… કે જાઓ ભાઈ આમ તો રેઈન્કોર્ટ ઉઠાવી લો. ગુરુ ચેતના તમારો રેઇન કોટ ઉઠાવી પણ લે. પણ નીચે ઉતરો ને કોઈ દુકાન આવે એટલે નવો રેઇનકોર્ટ ખરીદીને પાછો પહેરી લો. બરોબર ને…

સદ્ગુરુ પાસે આવ્યા, સદ્ગુરુએ atmosphere આપ્યું, તમને લાગ્યું રાગ – દ્વેષ નકામી ચીજ છે. અહોભાવની ધારામાં રહું છું, ભક્તિની ધારામાં રહું. પણ જ્યાં નીચે ઉતર્યા, અને એક જૂતું કુતરું લઇ ગયેલું અને જોઈ લો પછી… અમારી આપેલી ધારા છું!! તો અમારો પ્રભાવ વધારે, કે કૂતરાનો પ્રભાવ… અમારો પ્રભાવ વધારે….? તો પ્રભુનો પ્રેમ સતત વરસી રહ્યો છે. એને ઝીલવો છે. પણ એ જ ઝીલાવે છે… ઝીલાવે છે પણ એ… મારા જીવનની વાત કરું… તો પ્રભુએ જ એનો પ્રેમ ઝીલાવરાવ્યો. દીક્ષા લીધી ત્યાં સુધી પરમપ્રેમ શું હોય એનો ખ્યાલ નહોતો.

મહર્ષિ નારદ ભક્તિ સૂત્રમાં કહે છે: “अनिर्वचनीयं प्रेमस्वरूपम्.”

“अनिर्वचनीयं प्रेमस्वरूपम्.

मूकास्वादनवत् .

प्रकाशते क्वापि पात्रे.”

પરમ પ્રેમને મહર્ષિ નારદે અનુભવ્યો. કોકે પૂછ્યું એ પરમ પ્રેમની વાતો તો કરો… ત્યારે એમણે કહ્યું “अनिर्वचनीयं प्रेमस्वरूपम्.”– આ પ્રભુ નો જે પ્રેમ છે, એની વાતો શબ્દોમાં મૂકી શકાય એવી નથી. શું appropriate દ્રષ્ટાંત આપે છે.मूकास्वादनवत् .– મૂંગો માણસ છે, સાકર ખાધી, મીઠી – મીઠી તો લાગે… પણ એને પૂછો સાકર કેવી લાગી? એ શું કહેશે… ગૂંગે કેરી શરકારા.. પણ પછી નારદ ઋષિ કહે છે. ભલે એ કહી શકાતી નથી. હું પણ ઘણીવાર કહું છું i can’t say it. But you can experience it. હું એને કહી શકતો નથી, પણ તમે એનો અનુભવ જરૂર કરી શકો છો. અને આ જન્મ માત્ર ને માત્ર પરમપ્રેમના અનુભવ માટે છે. એ વરસી જ રહ્યો છે, વરસી જ રહ્યો છે. સતત… સતત… સતત… અનંતા જન્મો આપણા કોરા ગયા.

તો કહ્યું : प्रकाशते क्वापि पात्रे. તમારી પાસે જ્યાં પાત્રતા ખડી થઇ. ત્યાં એ પ્રેમ વહેવા લાગશે. ઢળવા લાગશે. અને તમારી પાત્રતાને સદગુરુ ઊચકશે. સદગુરુ બધું કરવા તૈયાર છે. તમને ઉચકવા પણ તૈયાર… અમે લોકોએ પરમપ્રેમને અનુભવ્યો છે. કોઈ પણ સદગુરુ માત્ર સ્વાર્થી હોઈ ન શકે. જે મળ્યું છે, એ બીજાને આપવું છે. એ પરમપ્રેમ… એકવાર તમે એનો આસ્વાદ કરી લો… બીજું બધું છૂટી જાય.

તૈતરીય ઉપનિષદમાં ઋષિ કહે છે “રસો વૈ સ:” રસ માત્ર એક છે; પરમાત્મા. બાકી બધા કુચ્ચા છે. તમને બીજામાં રસ એટલા માટે લાગે છે કે તમને આ વિકલ્પ મળ્યો નથી. પરમરસનો… જે ક્ષણે તમે પરમરસ આસ્વાદશો પરનો રસ છોડવો નહિ પડે… છૂટી જશે. છોડવો નહિ પડે, છૂટી જશે. પરમ રસ.

રોમ રોમ વિકસ્વર થઇ જાય, આંખોમાંથી આંસુની ધારા વરસવી ચાલુ થઇ જાય. પ્રભુ તું આટલો બધો વરસ્યો મારા ઉપર. તે તારો પ્રેમ આવી સરસ રીતે મને ઝીલાવરાવ્યો.

ધ્યાન માત્ર ને માત્ર પ્રભુના પ્રેમને ઝીલવા માટેનું માધ્યમ છે. એ પ્રશમરસ તમને મળે. એ પ્રભુનો પ્રેમ. સહેજ પણ વિતરાગદશાની ઝાંખી તમને થાય.. એ પ્રભુનો પ્રેમ. આનંદઘનજી ભગવંતને કોકે પૂછેલું કે ગુરુદેવ! અમે તો પ્રભુને ચાહીએ છીએ પ્રાણાર્પણથી, પણ પ્રભુ અમને ચાહે છે ખરા… આનંદઘનજી ભગવંતે કહ્યું કે હા! પ્રભુ તને ચાહે છે. પણ પેલાને થોડી શંકા. પ્રભુ વિતરાગ છે ચાહે શી રીતે… એ વખતે આનંદઘનજીએ પોતાની અનુભૂતિ કહી. એમને કહ્યુ – “દોડત દોડત દોડીયો, જેતી મનની રે દોડ, પ્રેમ પ્રતિત વિચારો ઢુંકડી, ગુરુગમ લેજો રે જોડ” એમણે કહ્યું: પ્રેમ પ્રતિત વિચારો ઢુંકડી – પ્રભુ તને ચાહે છે એની પ્રતીતિ તને થશે. હું કરાવું એમ નહિ, અને હું કહીશ ત્યાં સુધી તું માનીશ પણ નહિ. પ્રેમ પ્રતીતિ વિચારો ઢુંકડી – ઢુંકડી એટલે નજીક. પ્રભુનો પ્રેમ કેવો હોય… એની અનુભૂતિ તને હમણાં જ થાય. કંઈ રીતે…

તો પૂર્વાર્ધ માં કહ્યું “દોડત દોડત દોડીયો, જેતી મનની રે દોડ – તું સાધનામાર્ગમાં એક ડગલું પણ ભરે એ પ્રભુનો તારા પરનો પ્રેમ છે. પ્રભુની તારા પર ચાહત ના હોય, પ્રભુએ તને પસંદ ન કર્યો હોત, તો તું પ્રભુના પ્રેમને માણી ન શકત. તમે બધા અહીં કેમ આવ્યા ખબર છે? પહેલા પ્રભુએ તમને પસંદ કર્યા. પછી અમે તમને રજોહરણ આપ્યું છે. જ્યાં સુધી પ્રભુ તમને પસંદ ન કરે ત્યાં સુધી અમે રજોહરણ તમને આપી ન શકીએ. તો પ્રભુનો પ્રેમ એટલો બધો હૃદયમાં આવી જાય કે બીજા કશાને રહેવાની જગ્યા જ ન રહે. હવે રાગ – દ્વેષ રહે ક્યાં?

અત્યાર સુધી શું કર્યું… કચરાઓથી હૃદયને ભર્યું અને બોર્ડ લગાડ્યું ભગવાન માટે: no vacancy for you. હવે ભગવાનથી, પ્રભુના પ્રેમથી હ્રદયને ભરી દો, અને બોર્ડ લગાડો… no vacancy for others. હવે કોઈ માટે જગ્યા નથી રહી.

તો ૩ માર્ગોની ચર્ચા આપણે આજે કરી.

દ્રષ્ટાભાવ. ઉપયોગનું રૂપાંતરણ,

અને પરમરસ.

બીજા બે જે છે એ આવતી કાલે જોઈ લઈશું.

હવે practical ધ્યાન.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *