Maun Dhyan Sadhana Shibir 04 – Vachana – 1

75 Views 24 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject : પરસંગ ત્યાગ, લાગ નિજ રંગે

પરપદાર્થ કે પરવ્યક્તિનો સંગ શરીરના સ્તર સુધી ચાલે; મનની અંદર કોઈને પણ પ્રવેશ આપવાનો નહિ. પરનો સંગ છૂટે, તો આનંદ વેલી અંકુરા સમાન નિજ નો રંગ લાગે. તમારું અસ્તિત્વ એવું રંગાઈ જાય સ્વથી – સ્વના આનંદથી – કે પરમાં તમે જઈ શકો નહિ.

સબ મેં હૈ ઔર સબ મેં નાહીં, તું નટરૂપ અકેલો. પદાર્થ સામે આવ્યો એનો ખ્યાલ છે. વ્યક્તિઓ સામે આવી એનો ખ્યાલ છે. પણ ક્યાંય attachment નથી. સંપૂર્ણ detachment. પરથી total detachment મળે, તો સ્વથી તમે attach થઇ જાવ.

નિજ અનુભવ રસ લાગે મીઠા – પોતાની અનુભૂતિનો રસ એકદમ મીઠો મીઠો છે. તમારું અસ્તિત્વ આનંદથી એવું લથબથ થઇ જાય જિમ ઘેબર મેં છૂરા. એ આનંદ છે beyond the words; beyond the imagination. શબ્દોની પેલે પાર તો છે જ એ અનુભવ, તમારી કલ્પનાની પણ પેલે પાર છે!

મૌન ધ્યાન સાધના શિબિર – ૦૪ (ઘાટકોપર) – વાચના – ૧

નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિઆણં
નમો ઉવજઝાયાણં
નમો લોએ સવ્વ સાહૂણં
એસો પંચ નમુક્કારો
સવ્વ પાવપ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિં
પઢમં હવઈ મંગલં

કમઠે ધરણેન્દ્રે ચ, સ્વોચિતં કર્મ કુર્વતિ,
પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ:, પાર્શ્વનાથ શ્રિયેSસ્તુ વઃ
કૃતાપરાધેsપિ જને, કૃપામંથરતારયો:
ઇષદ્દબાષ્પાર્દ્રયોર્ભદ્રં, શ્રી વીર જિન નેત્રયો:
યસ્યાભિધાનં મુનયોSપિ સર્વે, ગૃહ્ણતિ ભિક્ષા ભ્રમણસ્ય કાલે,
મિષ્ટાન્નપાનામ્બર પૂર્ણકામા:, સ ગૌતમો યચ્છતુ વાંછિતં મે
જ્ઞાનધ્યાનક્રિયાધિકાર્ય કુશલ:, પ્રધુમ્ન જેતા ગુરુ, 
આંતરલોચનમેકમસ્તિ સુતરાં, પૃદભાષિતં યસ્ય વૈ.
ૐકારેણ સુસેવિતોSપિ સતતં, ૐકાર સેવા પરઃ
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, શ્રી સિદ્ધિસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, શ્રી ભદ્રસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, શ્રી ૐકારસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, અરવિંદસૂરીશ્વર:

અનુભૂતિના શિખર પર રહેલા મહાપુરુષની શબ્દપ્રસાદી જ્યારે આપણને મળે છે ત્યારે આપણે પણ અનુભૂતિની દિશામાં આપણી યાત્રાને મૂકી દઈએ છીએ. અનુભૂતિના શિખર ઉપર રહેલા મહાપુરુષને શબ્દોની તળેટીએ આવવું બહુ અઘરું પડે છે. અનુભૂતિનો એ આનંદ, ભીતરનો એ આનંદ… શબ્દો તો પરની દુનિયા છે. વિચારો પણ પરની દુનિયા છે. એકમાત્ર તમારી પોતાની અનુભૂતિ એ જ આધ્યાત્મિક ઘટના છે.

તો ભીતર ઉતરેલા મહાપુરુષો શબ્દોની બહારની દુનિયામાં આવી શકતા નથી. પણ, પ્રભુની આજ્ઞા થાય કે તારી પાસે સિદ્ધિ છે, તું વિનિયોગ કર. પ્રભુની આજ્ઞા એ મહાપુરુષ એ આજ્ઞાને સ્વીકારે છે અને જલસો આપણને થાય છે.

આજે વાચનાનો પ્રારંભ અનુભૂતિવાન મહાપુરુષની એક શબ્દ પ્રસાદીથી કરવો છે. બહુ પ્યારા શબ્દો છે, યાદ રહી જાય એવા છે કારણ? સંસ્કૃત અને પ્રાકૃતમાં નથી. મહામહોપાધ્યાય યશોવિજય મહારાજા એક પદની અંદર બહુ જ પ્યારી શબ્દ પ્રસાદી આપે છે. એમ લાગે કે પોતાના જીવનની સંપૂર્ણ અનુભૂતિનો અર્ક એમણે થોડાક શબ્દોમાં આપી દીધો. “પરસંગ ત્યાગ લાગ નિજ રંગે, આનંદ વેલી અંકુરા” પરસંગ ત્યાગ લાગ નિજ રંગે, આનંદ વેલી અંકુરા – બહુ મજાની વાત કરી, આખી જ પ્રક્રિયા ભીતરમાં ઉતરવાની એમણે આ શબ્દોમાં આપણને સમજાવી.

એક – એક શબ્દ મૂલ્યવાન છે. પરસંગ ત્યાગ લાગ નિજ રંગે – પરસંગ અને નિજ રંગ… સંગમાં શું હોય? સંયોગ સંબંધ. મેં બે હાથ ભેગા કર્યા, છુટા પડી ગયા. સંયોગને વિયોગમાં પલટાતા વાર ન લાગે. એક પણ પરપદાર્થનો સંગ તમારી સાથે જે છે તે ભીતરના સ્તર ઉપર નથી. માત્ર બહારના સ્તર ઉપર છે. પરનો સંગ… મેં પણ વસ્ત્ર પહેર્યું છે. તો વસ્ત્રનો સંગ મારા શરીરને છે. અને એ સંગ છોડવાનો પણ નથી.

તો પરસંગ ત્યાગ નો અર્થ શું? પરનો સંગ. પરપદાર્થ કે પરવ્યક્તિનો સંગ શરીરના સ્તર સુધી ચાલે. મનની અંદર કોઈને પણ પ્રવેશ આપવાનો નહિ. મેં કપડા પહેર્યા છે એ બહુ સારા છે, આ વિચાર આવ્યો એટલે શું થયું? વસ્ત્રોનો સંગ તમારા મનને થયો. આમ જુઓ તો કેટલી સરળ વાત લખે છે. સ્વાનુભૂતિની યાત્રા માટેની આ કેટલી સરળ રજૂઆત છે. ભોજન તમે લઇ શકો, ચા ૩ વાર પીઓ, ભોજન ૨ – ૩ વાર લો. પણ, એ ભોજનના દ્રવ્યોનો સંગ માત્ર શરીરને હોય, તમારા મનને નહિ. You can do this. આમાં કંઈ અઘરું નથી. તમને white and white કપડા પહેરવાનું કેમ કહ્યું શિબિરમાં, એટલા માટે જ કે મન વસ્ત્રોમાં જાય નહિ. મનને વસ્ત્રોમાં ન જવા દેવા માટે આ એક મજાની વાત મૂકી કે white and white વસ્ત્રો પહેરવા.

તો પરનો સંગ મનના સ્તર ઉપર છે. એને છોડવો છે, કરી શકાય? મારે તમારા મનમાં સપનાઓ વેરવા છે. એક સપનાઓના બીજો વેરવા છે. તમારી સંભાવના હું જોઈ શકું છું. આગળ બેઠા એ ચંદનબાળાજી, પાછળ બેઠા એ સુલસાજી. આગળ બેઠા એ મેઘકુમાર, પાછળ બેઠા એ કુમારપાળ. તમારી સંભાવનાઓ હું જોઈ શકું છું. સદ્દગુરુ તમારી સંભાવનાઓને જોઈ શકે છે. એ સંભાવનાઓને સાકાર કેમ બનાવવી એ પણ સદ્દગુરુ જાણે છે. અને આ જીવનના અંત સુધીમાં તમને ક્યાં સુધી લઇ જઈ શકાય એમ છે એ પણ સદ્દગુરુ જાણે છે.

એક સદ્દગુરુ સમર્પણ તમારી પાસે આવ્યું, Then you have not to do anything absolutely. પછી તમારે કાંઈ જ કરવું નથી. જે પણ કરવું છે એ સદ્દગુરુએ કરવું છે. તમારી સંભાવનાઓને ખોલી દઈશું અમે, સાધના માટે માસમાં તમને લલચાવી શકાય, પણ માસમાં સાધના આપી શકાતી નથી. સાધના personally જ આપી શકાય.

એક સાધક ગયા જન્મોની અંદર ભક્તિની ધારાને ઘૂંટીને આવ્યો છે. સદ્દગુરુ એના ચહેરાને જોશે, એની જ્ન્માન્તરીય સાધનાને જોશે અને એને ભક્તિની ધારામાં વહાવશે. એક સાધક સ્વાધ્યાયની ધારામાં વહીને આવ્યો છે તો ગુરુ એને સ્વાધ્યાયની ધારામાં આગળ વહાવશે. તમારી સંભાવનાઓ જોવાની અમારે, તમારી સંભાવનાઓ સાકાર કેમ બને એનું માર્ગદર્શન આપવાનું અમારે, અને એમાં તમારી ક્યાંક ચૂક થાય તો એ અવરોધને દૂર હટાવવાનું કામ પણ સદ્દગુરુનું છે. અમે તૈયાર… તમે તૈયાર?

એક સદ્દગુરુ વાચના આપતા હતા. ક્યારેક અધ્યાત્મસાર ગ્રંથ ઉપર બોલે, ક્યારેક યોગશાસ્ત્ર ઉપર બોલે, ક્યારેક અધ્યાત્મ બિંદુ ઉપર બોલે. એકવાર વાચના આપતાં આપતાં ગુરુ અટક્યા, તમારા જેવા મજાના શિષ્યો સામે બેઠેલા હતા. Temporary તો બધા શિષ્યો… તો મજાના શિષ્યો સામે બેઠેલા હતા. ગુરુએ પૂછ્યું કે તમે ખ્યાલ છે; કે બધા જ ગ્રંથોની કહેવાની વાત એક જ છે – પરને છોડો, સ્વમાં જાવ. તો પછી એક જ ગ્રંથના ઊંડાણમાં તમને લઇ જવાને બદલે હું ભિન્ન ભિન્ન ગ્રંથો ઉપર કેમ બોલું છું? પ્રશ્ન મજાનો હતો. એક જ ગ્રંથ ઉપર બોલો કે ભિન્ન ભિન્ન ગ્રંથો ઉપર બોલો શબ્દો જ અલગ છે વાત તો એક જ છે. પરસંગ ત્યાગ લાગ નિજ રંગે – વાત તો એક જ રહેવાની છે. શિષ્યોને પણ લાગ્યું કે પ્રશ્ન બરોબર છે… પણ ઉત્તર શિષ્યોની પાસે નહોતો. એ શિષ્યોએ ગુરુના મુખ સામે જોયું. ત્યારે ગુરુએ કહ્યું કે તમે બધા નવા નિશાળિયા થોડા છો, જુના જોગી છો. તમે ગયા જન્મની અંદર કોઈકને કોઈક ગ્રંથ ઘૂંટીને આવેલા હોઈ શકો. એથી હું ભિન્ન ભિન્ન ગ્રંથો ઉપર બોલું છું. કોઈ ગયા જન્મની અંદર અધ્યાત્મસારને ઘૂંટીને આવેલો હોય, કોઈ યોગશાસ્ત્રને ઘૂંટીને આવેલો હોય, હું એ શબ્દો ઉપર બોલું, હું એ ગ્રંથો ઉપર બોલું અને પેલાને થાય કે આ શબ્દો તો પરિચિત છે. જાતિસ્મરણ જ્ઞાન થાય અને ગયા જન્મનો બેઠો ને બેઠો ગ્રંથ એને મળી જાય.

આપણે ત્યાં એક સરસ વાત છે, એક ગ્રંથ તમને ગુરુ આપે, ગુરુદત્ત હો… તમારી મેળે પસંદ કરેલો નહિ. એક ગ્રંથ તમને ગુરુ આપે, એક સાધના તમને ગુરુ આપે, હવે એ ગ્રંથ તમે ૪૦ – ૫૦ કે ૬૦ વર્ષ સુધી ઘૂંટો, ગ્રંથ ઘૂંટાયા કરે છે, એ વખતે તત્કાલીન સાધના જે છે, એમાં એ ગ્રંથનું પ્રતિબિંબ પડે છે. એટલે સાધના અને ગ્રંથ બે એક થઇ જાય છે. બીજા જનમમાં જ્યારે એ ગ્રંથ મળે છે ત્યારે ૫૦ વર્ષની બેઠી સાધના પણ તમને મળી જાય છે. તો તમારા બધાની સંભાવનાઓનો સદ્દગુરુને ખ્યાલ હોય છે. એ સદ્ભાવનાઓને, એ સંભાવનાઓને કેમ ખીલવવી એ પણ સદ્દગુરુ જાણે છે. એના માટેનું માર્ગદર્શન તમને આપે છે. પછી તમારે શું કરવાનું… દર ૪ મહીને, ૬ મહીને એ સાધના દાતા ગુરુ પાસે આવવાનું. અને જે સાધના તમને અપાયેલી છે એ સાધના દ્વારા તમારી ભીતર શું ફેરફાર પડયો, એની વાત તમારે સદ્દગુરુને કહેવાની. આખરે કોઈ પણ સાધના શાના માટે છે? રાગ – દ્વેષ અને અહંકારને શિથિલ બનાવવા માટે. રાગ – દ્વેષ અહંકારનું સંપૂર્ણ ક્ષય એનું નામ મોક્ષ. એ મોક્ષ તરફની આપણી યાત્રામાં આપણે આગળ વધી રહ્યા છે કે નહિ એની પારાશીશી હોય. તમે પણ જોઈ શકો કે એ જ નિમિત્ત મળ્યું ક્રોધ ઓછો થાય છે કે એવો ને એવો છે. પ્રભુએ આપેલી સાધના તમારા રાગ – દ્વેષને ઓછા કરે જ. જો એ properly અને perfectly થયેલી હોય તો…

સાધના પ્રભુએ આપેલી કરો, એ સાધના ને ઘૂંટો કઈ રીતે? તમારી ઈચ્છાથી… સાધના પ્રભુએ આપેલી તો એને ઘૂંટવાની કઈ રીતે? પ્રભુએ કહ્યું છે એ રીતે. સામાયિક સાધના પ્રભુએ આપેલી. એને તમે કઈ રીતે કરો છો…? ૩૨ દોષોથી મુક્ત તમારું સામાયિક ખરું? તમને ૩૨ દોષોનો પણ ખ્યાલ નથી. તમારા કોઈ સંબંધી ઘરે આવ્યા, તમે ઉપાશ્રયમાં સામાયિક કરવા ગયા છો. પેલા સંબંધી ઉપાશ્રયમાં આવ્યા, તમે સામયિકમાં છો, અને તમે એટલું કહી દો, તમે આવ્યા.. બહુ સરસ… તો એ વ્યક્તિ જેટલી વિરાધના કરીને અહીં આવેલ હોય, એ વિરાધનાનું, અનુમોદનાનું પાપ તમને લાગી જાય. તો સામાયિક કર્યું પણ પ્રભુએ કહ્યું છે એ રીતે ન કર્યું. તો હવે એક – એક ક્રિયા પ્રભુએ કહ્યું છે એ રીતે કરવી છે. અને એ રીતે કરશો તો શું થશે… પરસંગ ત્યાગ લાગ નિજ રંગે – પરસંગ અને નિજ રંગ. પરનો સંગ છે – સંયોગ સંબંધ. તમારા ગુણનો તમારી સાથેનો સંબંધ કેવો… તાદાત્મ્ય સંબંધ. એકમેક થઇ ગયેલા છે.

સમભાવ તમને મળે ત્યારે એ સમભાવ નામનો ગુણ તમારી આત્મસત્તા જોડે એકાકાર થઇ જાય. એટલે ગુણ અને ગુણી બેઉ એક થઇ જાય. નિજ રંગ – રંગનો મતલબ એ છે કે એવી રીતે અસ્તિત્વ રંગાઈ જાય સ્વથી, સ્વના આનંદથી કે પરમાં તમે જઈ શકો નહિ.

મીરાંએ કહેલું, “લાલ ન રંગાવું, હરિ ન રંગાવું, તેરે હી રંગ મેં રંગ દે ચુનરિયા” પ્રભુ તારા રંગમાં એટલે કે મારા મૂળ રંગમાં તું મને રંગી દે. પ્રભુનું નિર્મળ સ્વરૂપ જેવું છે, એવું જ નિર્મળ સ્વરૂપ આપણું છે. તો પ્રભુનો નિર્મળ રંગ આપણી ચેતના ઉપર બરોબર ચડી જાય એટલે શું થયું? આપણી નિર્મળતા નીખરી ગઈ. મીરાંએ આગળ કહ્યું – “એસા હી રંગ દો કે રંગ નાહી છૂટે, ધોબિયા ધુએ ચાહે સારી ઉમરિયા” “એસા હી રંગ દો – એવો રંગ ચઢાવી દો કે પછી રંગવું જ ના પડે. સિદ્ધશિલા ઉપર આપણે જઈશું, નિજ રંગ બરોબર લાગી ગયેલો હશે, એ રંગ ક્યારે ઝાંખો પડવાનો નથી. ક્યારેય જવાનો નથી. એ જ નિજ રંગની એક નાનકડી edition અત્યારે મળવી જોઈએ. પરનો સંગ છૂટ્યો; નિજ રંગનો મળ્યો. અને કેટલું discount આપ્યું તમને… વસ્ત્રો શરીર પહેરે કોઈ વાંધો નથી. મનને પહેરાવાના નહિ. બરોબર… ભોજન શરીર ખાય તો વાંધો નહિ, મનને નહિ ખાવા દેવાનું…

નીમ કરોલી બાબા હમણાં જ થયા, એ એવા ભીતર ઉતરેલા સંત હતા કે બહારની દુનિયાની કોઈ પણ ક્રિયા થાય એ વખતે એ પોતે ભીતર જ હોય, અને એથી કરીને બહારની ક્રિયા થઇ, ન થઇ ખ્યાલ જ ન હોય. એકવાર બપોરે એક વ્યક્તિ આવી. ગરમ શીરો, રોટલી – શાક લઈને આવ્યા. ‘બાબા યે પ્રસાદ લો’ બાબાએ ખાધું. ૧૦ – ૧૫ મિનિટ થઇ, બીજો એક ભક્ત આવ્યો – ‘બાબા યે ગુલાબજામુન’ થોડા સા… તો ગુલાબજામુન લીધા. એ દિવસે એમની જોડે જે ભક્ત હતો, એ જોયા કરે છે. પા કલાક પછી બીજો એક ભક્ત આવ્યો, ‘બાબા યે રબડી, ગાય કે દૂધ કી હૈ, આપ થોડી સી લો’ બાબાને એ ખ્યાલ નથી કે ભોજન થઇ ગયું છે. બાબાને એ ખ્યાલ નથી કે એના પછી ગુલાબ જામુન ખાધા છે. અચ્છા રબડી હૈ લાવો… ત્યારે પેલા ભક્તે કહ્યું, બાબા! આપને ભોજન કર લિયા, ફિર ગુલાબજામુન ભી ખા લિયે… અચ્છા, અચ્છા એસા હૈ. મૈને ખા લિયા… ભોજન કર લિયા મૈને… ઓર ગુલાબજામુન ભી ખા લિયે… અબ નહિ ચાહિયે ચાલો… અબ નહિ ચાહિયે…આવું કરી શકાય કે નહિ…

મારે તમને પૂછવું છે. પરનો સંગ મનના સ્તર ઉપરથી છોડવો છે. છોડી શકાય કે નહિ…? એક નાનકડું practical approach તમને આપું… જમવા માટે બેઠા, ભોજનની ક્રિયા શરૂ થઇ એ વખતે મનને સ્તવનાની કોઈ પંક્તિમાં મૂકી દો. મન એ સ્તવનાનો અર્થ કરશે, મન ક્યાં ડૂબેલું હશે. સ્તવનામાં. શરીર ભોજન કરી લેશે. પછી તમને કોઈ પૂછે કે આજે શાક શેનું હતું…? તમે શું કહેશો… પીરસનારને ખબર મને કાંઈ ખબર નથી અને આ વાત બહારની દુનિયામાં બની શકે છે. બહારની દુનિયાનો રસ હોય છે. ત્યારે આવી ઘટના ઘટી શકે છે. તો ભીતરની દુનિયામાં કેમ ન ઘટે?

એક છોકરો હોય, ટી.વી. ઉપર એક test match જોઈ રહ્યો છે. એનો પ્રિય ખેલાડી ૯૬ પર આવી ગયો છે. એક ચોગ્ગો મારે century ઉપર. હવે એનું પૂરું મન ટી.વી. ના પડદા ઉપર છે. ૧૨.૩૦ વાગી ગયા છે.મમ્મી એની પાસે આવી. ચાલ, જમવા માટે… નથી જમવું કહે છે.. મમ્મી પણ સમજી કે આ આવશે નહિ… રોટલી, શાક, દાળ બધું થાળીમાં સરખું મૂકી, ભાણું એની પાસે મુક્યું. પેલો ખાતો જાય છે ને ટી.વી. જોતો જાય છે. એને ભોજન પછી પૂછો શું ખાધું…? મમ્માએ મુકેલું એ મેં ખાધું… મને ખબર નથી. આજે આ પ્રયોગ બપોરે કરવાના…? ભોજન વખતે…

તો મનના સ્તર પર પરનો સંગ છોડવો છે. અને એ પરનો સંગ છૂટે તો નિજ રંગ લાગે. એ નિજ રંગ કેવું છે – આનંદ વેલી અંકુરા. આનંદની જે વેલડી છે, એના માટે અંકુર સમાન છે અને પછી મહોપાધ્યાયજી પોતાને અનુભૂતિ જે થઇ એની દશાનું કેફિયત વર્ણવે છે. “નિજ અનુભવ રસ લાગે મીઠા, જિમ ઘેબર મેં છુરા” નિજ અનુભવ રસ લાગે મીઠા – પોતાની અનુભૂતિનો રસ એકદમ મીઠો મીઠો મીઠો છે. પણ તકલીફ એ થાય કોઈ પૂછે કેવો મીઠો… Beyond the words. Beyond the imagination. શબ્દોની પેલે પાર તો છે જ એ અનુભવ. તમારી કલ્પનાની પણ પેલે પાર છે.

તમે કલ્પનામાં સુખની ટોચ કઈ માની છે? સરસ ખાવાનું મળે, સરસ પીવાનું મળે, એ.સી. રૂમમાં સૂઈ જવાનું હોય, શરીરને બધી જ સુખાકારી મળે. ટોચનું સુખ મળી ગયું. હવે અંદરનું સુખ એટલું તો અદ્ભુત છે કે આ સુખ જોડે એની કોઈ જ સરખામણી થઇ શકે એમ નથી. એટલે એમણે કહ્યું, નિજ અનુભવ રસ લાગે મીઠા – પોતાનો અનુભવ રસ મીઠો મીઠો લાગે છે. જિમ ઘેબર મેં છુરા – હવે ઉદાહરણ આપવું પડ્યું તો આપ્યું. ઘેબર હોય એને કાપવા માટે છરી લોકો લગાવે, એ છરી ચાસણીથી લતબત થઇ જાય. એવી રીતે મારું પૂરું અસ્તિત્વ આનંદથી લતબત, આનંદથી ઓતપ્રોત બની ગયું. તો practically જો આ વાત કરી શકાય કે પરના સંગમાંથી છૂટવું છે. તમને મૌન પણ એટલા માટે જ આપ્યું છે. સંપૂર્ણ મૌન. પણ શબ્દોનું મૌન એ પહેલું પગથિયું છે. અમારે તમને વિચારોના મૌન સુધી લઇ જવા છે.

ગુર્જિયેફ હમણાંના યોગાચાર્ય થયા. એ સાધકોને સાધના કરાવતા. એકાંતમાં સાધના ઘૂંટાવતા. એકવાર એમણે સઘન સાધના કરાવવાનો વિચાર કર્યો. ૩૦ સાધકોને એમણે બોલાવ્યા. ચુનંદા સાધકો. એક મહિનાની સાધના હતી. સાધનાના આગળના દિવસે સાંજે ૩૦ એ ૩૦ સાધકોને સામે બેસાડ્યા અને કહ્યું – કે શબ્દોનું મૌન તમને પરિચિત છે. વિચારોનું મૌન પણ તમે ઘણીવાર કરી શકો છો. આજે મારે તમને એટલા ઊંડાણમાં મુકવા છે કે પરની દુનિયાથી તમે બિલકુલ બેખબર બની જાવ. આવતી કાલે સવારે ૬ વાગ્યે સાધના શરૂ થશે. આ હોલમાં જ ૩૦ જણાએ રહેવાનું. બીજી બધી જ વ્યવસ્થા છે બાજુમાં જ, ખાવા – પીવાની… toilet ની… ૩૦ એ ૩૦ સાધકોએ એક હોલમાં રહેવાનું. આંખો બંધ હોય યા ખુલ્લી હોય. આંખ ખુલ્લી હોય કોઈ વ્યક્તિએ કોઈ ચેષ્ટા કરી, અને એની નોંધ લેવાય તો તમારી સાધના ત્યાં પુરી થઇ ગઈ. તમારે હોલ છોડીને બહાર જતાં રહેવાનું. કોઈએ ખાલી બગાસું ખાધું, અને તમારી નજર ત્યાં ગઈ, કે એણે બગાસું ખાધું આટલા પરમાં તમે ગયા, તો તમારે હોલ છોડી દેવાનો. આપણે advance શિબિરમાં અહીં સુધી તમને લઇ જવાના છે. પરથી બિલકુલ બેખબર બની જાવ. ઉંચે પહોંચેલા યોગીઓ તમારી દુનિયામાં રહે, છતાં તમારાથી પર હોય.

આનંદધનજી ભગવંતે કહ્યું – “સબ મેં હૈ, ઔર સબ મેં નાહી, તું નટ રૂપ અકેલો” “સબ મેં હૈ, ઔર સબ મેં નાહી” ખ્યાલ આવે છે, આ મારું શરીર છે. પણ શરીર પ્રત્યે attachment નથી. ખ્યાલ તો આવે કે આ રોટલી – શાક છે. પણ રોટલી – શાકમાં આસક્તિ રૂપે જોડાવાનું નહિ. પદાર્થ સામે આવ્યા એનો ખ્યાલ છે. વ્યક્તિઓ સામે આવી એનો ખ્યાલ છે. પણ ક્યાંય attachment નહિ. સંપૂર્ણ detachment. Total detachment … Total detachment પરનો મળે, તો સ્વથી તમે attached થઇ જાવ. પહેલા તો સ્વની અનુભૂતિ જોઈએ છે..? તમને થઇ નથી પણ અમે લોકો વર્ણન કરીએ, અમારા ચહેરા પર તમને આનંદ દેખાય, એનાથી પણ તમને ઈચ્છા થઇ જાય ને… તમે પૂછો સ્વામી શાતા છે જી? અમારો ચહેરો ever fresh, ever green, અમે કહીએ હો મજામાં… ત્યારે તમને થાય કે આ આનંદ શેનો છે? આ આનંદ સ્વના અનુભવનો છે.

૩૦ સાધકોમાંથી અઠવાડિયામાં ૨૫ સાધકો નીકળી ગયા. કારણ કે એકદમ નિષ્ઠાવાળા સાધકો હતા. એક વ્યક્તિને જોઈ આ આમ કરે છે. અરે! ચાલો હોલની બહાર… ૫ સાધકો એક મહિના સુધી ટકી રહ્યા. એ પાંચની અંદર પણ Ouspenskii જે હતા, એ એકદમ બહુ સારા સાધક હતા. ગુર્જિયેફનો વિચાર દેહ – શબ્દદેહ રૂપે આપણને મળ્યો, એ Ouspenskii દ્વારા મળ્યો. The fourth way અને બીજા બધા પુસ્તકો Ouspenskii એ લખ્યા છે. પણ વિચારો ગુર્જિયેફના છે. તો ૫ સાધકો બચ્યા. એમાંથી સવારે નાસ્તા પછી ૩૧માં દિવસે ગુર્જિયેફ Ouspenskii ને લઈને બજારમાં જાય છે. રશિયાનું શહેર અને એની ગલીઓ, અને એની બજારો… Ouspenskii બજારમાં ફરે છે. વેપારીઓ માલ આપી રહ્યા છે. ઘરાકો માલ લઇ રહ્યા છે. Ouspenskii ને લાગે છે, આ બધાનો શો મતલબ? જ્યારે તમને લાગે કે પરની આ દુનિયા બિલકુલ meaning less છે ત્યારે જ ભીતરની દુનિયાનો વિઝા કે પાસપોર્ટ તમને મળી શકે. શું છે બહારની દુનિયામાં…?!

સમાધિશતકમાં મહોપાધ્યાયજીએ કહ્યું – “રૂપાદિક કો દેખવો, કહન કહાવન કૂટ, ઇન્દ્રિય યોગાદિક બલે, એ સબ લુંટાલૂંટ” કંઈક કહેવું, બીજાને કહેવડાવવું, કંઈક જોવું, શું છે આ બધું…? એકમાત્ર અહંકારનો આ વિસ્તાર છે. તમારી થોડીક શુભ ક્રિયાઓને બાજુમાં રાખો તો બીજી બધી જ ક્રિયા અહંકારનો વિસ્તાર છે. પૈસા વધારે કેમ કમાવવાના? પોતાના માટે નહિ, society માટે. અહંકારના વિસ્તાર માટે. હું ઘણીવાર હસતાં હસતાં કહું કે તમે કેટલા પરોપકારી માણસો. સવારથી રાત સુધી મહેનત કરો society માટે… society ને દેખાડવા માટે કે મારી પાસે કેટલા પૈસા છે! હવે ૧૦ કરોડ, ૨૦ કરોડ, ૨૫ કરોડ થઇ ગયા. એટલે ઈનફ થઇ ગયું. સારામાં સારો ફ્લેટ છે, કારો છે, છોકરાઓ સારામાં સારી સ્કુલમાં ભણી રહ્યા છે. અને ૨૫ – ૩૦ કરોડની property છે. હવે ૫૦ થાય, ૧૦૦ થાય, ૨૦૦ કરોડ થાય ખાલી ગણવાના જ રહે પછી.

તો તમારી પ્રવૃત્તિઓ જે છે એ અહંકારનો માત્ર વિસ્તાર છે. અહંકાર એટલે શું બોલો…? હું. તમે હું ની વ્યાખ્યા શું કરો…? શરીર એટલે હું, નામ એટલે હું. માત – પિતાએ શરીર આપ્યું જે રાખમાં ભળી જવાનું છે. Society એ નામ આપ્યું જે નામ પણ ખતમ થવાનું છે. તો તમે તમારી હું ની ઓળખ, કોના ઉપર મૂકી…? તો માત્ર અહંકારના વિસ્તાર માટે તમે આ બધી ક્રિયા કરો છો, ક્યારેય તમને આ meaning less લાગ્યું? કે આ શું પણ… સવારથી સાંજ સુધી મજુરી… અને બીજા માટે…?! મારા દીકરાઓને સમય ન આપી શક્યો. મારી પત્ની જોડે હું બેસી ન શકું. અને મારા અહંકારના વિસ્તાર માટે સવારથી રાત સુધી મહેનત કરું. આવું શું કરું છું હું…?! ક્યારેક તમને ચિંતન કર્યું…? what are you doing? શું કરો છો તમે? એક ચિંતન આવે તો ઘણું બધું અટકી જાય. Ouspenskii બજારમાં ફરે છે, બધું જુએ છે અને એને થાય છે કે આ બધા શું કરે છે? આ બધાનો શું અર્થ…. શો અર્થ? કોઈ કંઈક જુવે છે, કોઈ હસે છે, કોઈ રડે છે, શું અર્થ આ બધાનો…?! એટલે Ouspenskii એ ગુર્જિયેફને કહ્યું કે મહિના પહેલા આ શહેરમાં હું આવ્યો એ શહેર જુદું હતું અને આ શહેર જુદું લાગે છે. ગુર્જિયેફે કહ્યું શહેર બદલાણું નથી; તું બદલાયો છે. તારું vision બદલાયું છે, તારી દ્રષ્ટિ બદલાઈ છે.

તો આ શિબિરમાં ૩ જ દિવસ છે પણ આપણે દ્રષ્ટિને બદલવી છે. તમે પ્રબુદ્ધ માણસો છો. એટલે જ મેં કહ્યું કે મારે બીજો રોપવા છે. આ એક વિચારનું બીજ અત્યારે રોપવું. તમે વિચારી શકો કે તમે જે પ્રવૃત્તિઓ કરો છો, એમાંથી સાર્થક કેટલી? નિરર્થક કેટલી?

કપડા એકદમ અપટુડેટ પહેરીને ફરે, તમને ખ્યાલ છે કોઈ માણસ તમારા કપડાં જોવા રાજી નથી. બધાને પોતાના કપડા દેખાડવા છે. દેખનાર એકેય નથી. Reception માં જાવ, મોંઘામાં મોંઘા કપડા પહેરીને, સાજ – સજ્જામાં ૨ કલાક લાગેલા હોય, પણ બધા ય પોતાને દેખાડવામાં મશગુલ છે. કોઈ બીજાને દેખવા રાજી નથી. તો તમે શા માટે કરો છો…?

તો પરની દુનિયા છૂટી જાય, સ્વની દુનિયા મળી જાય. “પરસંગ ત્યાગ લાગ નિજ રંગે, આનંદ વેલી અંકુરા, નિજ અનુભવ રસ લાગે મીઠા, જિમ ઘેબર મેં છુરા” તો આ અનુભવ આપણે કરવો છે. થીયરીકલી જે વાત કરી એનું જ હવે આપણે practical કરવું છે. કે આંશિક રૂપે પણ આપણે આપણી અંદર રહેલ આનંદનો અનુભવ શી રીતે કરી શકીએ… તમારી જ અંદરનો આનંદ અને એની અનુભૂતિ હમણાં તમારે કરવાની છે.

Practical ધ્યાન શરૂ…

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *